Wednesday, December 06, 2017

સામાજીક એકતાનું ગુજરાત મોડેલ

સામાજિક એકતાનું કામ બહુ મહત્ત્વનું હોય છે. તે સ્વાર્થી, મતલબી, પોતાના સ્વાર્થ ખાતર સમાજનું અહિત કરતાં ન ખચકાય એવા રાજકારણીઓ પર છોડવા જેવું નથી હોતું. પરંતુ થાય છે એવું કે સમાજના આગેવાનો લોભમાં કે શેહમાં આવીને રાજકીય પક્ષોના હાથા બની જાય છે. એટલે સામાજિક એકતાની દિશામાં આગેકૂચને બદલે પીછેહઠ થતી હોય એવું આઝાદીનાં આટલાં વર્ષ પછી લાગે છે.

સામાજિક ભેદભાવ કે સામાજિક વિષમતાનો મામલો રાજનેતાઓના હાથમાં આવે એટલે તે ધ્યાન રાખે છે કે ભેદભાવ દૂર ન થઈ જાય. નહીંતર, તેમની દુકાનો શી રીતે ચાલતી રહે? અને પોતાની સત્તા સામે જરાસરખી અસલામતી લાગે કે તરત નેતાઓ સમાજની ફોલ્ટલાઇન્સ (ફાટફૂટો)ને વકરાવવાના કે રુઝાઈ ગયેલા ઘાને ફરી ખોલવાના કારસા શરૂ કરી દે છે.  વિચિત્રતા એ છે કે આ બધું તે સમાજનું હિત કરવાના દાવા-દેખાડા સાથે કરે છે. ગુજરાતના ચૂંટણીપ્રચાર દરમિયાન બીજી આરોપબાજીના ઘોંઘાટ વચ્ચે એક નાનકડા સમાચાર આવ્યાઃ વડાપ્રધાને પાલીતાણામાં તેમના ભાષણમાં પટેલો અને ક્ષત્રિયો વચ્ચેની ત્રણ દાયકા પહેલાંની દુશ્મનાવટની યાદ અપાવી અને સભામાં હાજર રહેલા પાટીદારોને પૂછ્યું કે આપણે માનગઢ હત્યાકાંડના લોકોને આશીર્વાદ આપવા છે?

વડાપ્રધાને જેનો ઉલ્લેખ કર્યો તે 1984નો માનગઢ હત્યાકાંડ પટેલો અને દરબારો વચ્ચેની ચાર વર્ષ જૂની શત્રુવટનું પરિણામ હતો. પરંતુ સમય જતાં બંને સમાજ લોહીયાળ દુશ્મનીનો રસ્તો છોડીને એકબીજા સાથે સંપથી રહેતા થયા. માનગઢ હત્યાકાંડના ઘા સંપૂર્ણપણે રુઝાઈ ગયા અને તેની કડવાશ પણ સાવ મટી ગઈ.

આ થઈ સાચી સામાજિક સમરસતા. પરંતુ ‘વિકાસવાદ’ની વાતો કરતા વડાપ્રધાને આવીને ફરી રૂઝાઈ ગયેલી જગ્યાએ ટપલી મારી જોઈ. મુખ્ય મંત્રી તરીકે ગુજરાતમાં રાજકીય ‘સમરસતા’ને ચલણી બનાવનારે પટેલો-દરબારો વચ્ચેના નમૂનેદાર સંપને બિરદાવીને, દેશના લોકોને આ ‘ગુજરાત મોડેલ’ બતાવવાનું હોય કે તેમાં ભંગ પાડવાની કોશિશ કરવાની હોય?

બંને સમાજની સમજણ પાકી અને તેમની વચ્ચેની એકતા સાચી હતી. એટલે તેમણે આ ચેષ્ટા સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી. ‘દિવ્ય ભાસ્કર’ની વેબસાઇટ પર પ્રગટ થયેલા સમાચાર પ્રમાણે, ભાવનગર પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખે પણ આ પગલાની આકરી ટીકા કરી અને વડાપ્રધાન પર ધાર્મિક-સામાજિક લાગણી દુભાય તેવું ભાષણ કરવાનો આરોપ મૂકીને, કાયદેસર કાર્યવાહીની માગણી કરી. (2-12-2017)

આ બનાવને ચૂંટણીલક્ષી છમકલું ગણીને ભૂલી જવા જેવો નથી. વડાપ્રધાનના આશય કરતાં વધારે અગત્યનો મુદ્દો બે સમાજ વચ્ચેની એકતાનો છે. સમાજના ખટરાગ ધરાવતા સમુદાયો વચ્ચે પરસ્પર અવિશ્વાસ દૂર થાય તો જ સમજપૂર્વકની એકતા થાય. આવી એકતામાં કોઈએ એકબીજામાં ઓગળી જવાપણું ન હોય, પણ રોજબરોજના જીવને-સહઅસ્તિત્વને ઘર્ષણમુક્ત અને તનાવમુક્ત બનાવવાનું હોય. હિંદુ-મુસ્લિમો વચ્ચે, ક્ષત્રિયો-પાટીદારો વચ્ચે કે એવા બીજા કોઈ પણ સમુદાયો વચ્ચે કાયમી તનાવ રહે તો તેમાં સૌથી વધુ ફાયદો રાજનેતાઓને અને ધર્મનેતાઓને થઈ શકે. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે જે કંઇ પ્રયાસ કર્યા, તેે બંનેમાંથી એકેય પક્ષના કોઈ પણ ધર્મનેતા કરી શક્યા હોત? (કરવા ધાર્યું હોત કે નહીં એ વળી બીજો મુદ્દો છે)

માનવ ઇતિહાસની ભયંકર ઘટનાઓમાં સ્થાન પામે એવા ભાગલાનાં હુલ્લડો વખતે અવિશ્વાસનો દાવાનળ ભભૂકતો હતો. ગાંધીજી પોતાના વ્યક્તિગત નૈતિક પ્રભાવના અમૃતજળની કૂપી લઈને તેને ઠારવા મથતા હતા અને કમાલની વાત એ છે કે ઘણાં ઠેકાણે તે સફળ પણ થયા. તેમનું મુખ્ય કામ અવિશ્વાસ દૂર કરવાનું હતું. કારણ કે અસલામતીના રાજકારણનો પાયો અવિશ્વાસ છે. ગાંધીજીની જન્મશતાબ્દિના વર્ષે ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોથી શરૂ કરીને છેક 2002 સુધી હિંદુ-મુસ્લિમો વચ્ચેનો આવો અવિશ્વાસ અમુક શહેરોના અમુક વિસ્તાર પૂરતો સીમીત રહ્યો. બાકીના મોટા ભાગના ભારતમાં હિંદુ-મુસ્લિમોનું સહઅસ્તિત્ત્વ સહજતાથી ચાલુ રહ્યું. તેમની વચ્ચે ઝઘડા તો થાય, પણ તે ‘કોમી’ ન હોય. એકબીજા સાથે સુમેળથી રહેવાને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એવી પણ તેમને ખબર ન હોય. સામે પક્ષે હિંદુહિતના નામે મુસ્લિમવિરોધી પ્રચારમારો, અવિશ્વાસ વધારવાની કોશિશો ધીમી ધારે સતત ચાલુ રહ્યાં હતાં. તેના લીધે ગાંધીહત્યા પછી આવી રહેલી રુઝનો પોપડો બાઝ્યો- ન બાઝ્યો ને તૂટી ગયો.

એ વખતે કોંગ્રેસે મુસ્લિમોનું ખરેખરું હિત ઇચ્છ્યું હોત તો મુસ્લિમ સમાજમાં રહેલા ભણેલાગણેલા, પ્રગતિશીલ, સમજુ લોકોને સમાજના નેતા તરીકે આગળ કર્યા હોત, પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં ભારતને પોતાનો દેશ ગણીને અહીં રહી ગયેલા મુસ્લિમોનો બાકીના સમુદાયો સાથે સંવાદ-સુમેળ વધે અને અવિશ્વાસની ખાઈ ધીમે ધીમે પુરાય એવા પ્રયાસ કર્યા હોત, મુસ્લિમોમાં રહેલા ગુનેગારોને ‘મુસ્લિમ’ ગણીને વોટબેન્કના રાજકારણમાં તેમનો ઉપયોગ કરવાની લાલચ છોડીને, ફક્ત ‘ગુનેગાર’ તરીકે તેમની સાથે કામ લીધું હોત... તો તેનાથી બે ફાયદા થયા હોતઃ મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્તોનું વજન ઘટ્યું હોત, ધાર્મિક સિવાયના ભણતરનું પ્રમાણ પણ વધ્યું હોત અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનું અતર સતત સંવાદના અભાવે ઘટ્યું હોત. આવું થયું હોત તો હિંદુ-મુસ્લિમોના હિતના નામે તેમની વચ્ચે સતત અવિશ્વાસનું રાજકારણ ખેલનારા બંને પક્ષના અંતિમવાદીઓના હાથ હેઠા પડ્યા હોત.

જે વેરઝેરનું સામાજિક મૂલ્ય નથી રહેતું કે તેનો સામાજિક-વૈચારિક મહિમા નથી થતો, એ સમાજમાં ટકી શકતું નથી. એવા વેરઝેરનું વિષ ચલણમાંથી કાઢી નાખવાનું કામ રાજનેતાઓ કરવા ઇચ્છતા નથી અને કરી શકતા પણ નથી. હા, રાજનેતાઓ તેને વકરાવી શકે છે અને એ ખૂણેખાંચરે પડ્યું હોય તો તેને મુખ્ય મંચ પર લાવી શકે ખરા. લોકો પોતાને ઉદ્ધારક કે સંરક્ષક ગણે તે માટે પણ લોકોના મનમાં અસલામતી અને દહેશત ઉભી કરવી જરૂરી છે. બીક હોય તો જ ઉદ્ધારકની ગરજ પડે. આ સત્ય નાગરિકો સમજતા નથી અને નેતાઓ બરાબર સમજે છે. એટલે નાગરિકોના મનમાં રહેલા અવિશ્વાસ-આશંકા-પૂર્વગ્રહોને સતત મોટા કરવામાં આવે છે અને દાવો એવો કરવામાં આવે છે કે આ બધું તેમના લાભાર્થે થઈ રહ્યું છે.

નેતાઓ આપણા રોજિંદા-કાયમી સંબંધોને અભડાવી ન જાય, એ સામાજિક તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે અને તે આપણા હાથમાં હોય છે. ‘ભાવનગર મોડેલ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

3 comments:

  1. એક ઉત્તમ સામાજિક ઉદાહરણ. જનતા એ કરી દેખાડ્યું. લોકો રાજનેતાઓ થી દોરાયા નહિ. આ પ્રકારના શબ્દો કોઈ નાનો કાર્યકર કે સ્થાનિક નેતા તો હોય તો શંકા નો લાભ આપી શકાય. નરેન્દ્રભાઈ ના શ્રીમુખે થી આવું નીકળે એને આપણું દુર્ભાગ્ય ગણવું રહ્યું. જેને જનતા એ અપાર પ્રેમ આપ્યો, અને એ પ્રેમ આપવા માં જનતા એ કોઈ કચાશ ન રાખી. હવે આવા ઉચ્ચારણ ને નરેન્દ્રભાઈની મજબૂરી સમજવી કે માનસિકતા??

    ReplyDelete
  2. દરેક નેતાઓ ચૂંટણી સમયે પોતાના પક્ષનો પ્રચાર કરવા કાકીડાની જેમ પોતાના રંગ બદલતા રહેછે,તમે લખ્યું છે કે એક સભામાં વડા પ્રધાન પટેલો-ગરાસીયાની લડાઈની વાત લાવ્યા અને તમે એક પત્રકાર તરીકે વિસ્તારથી રજુકરી જે તે ખોટું પણ નથી,પણ આવી બાબતો ની ચર્ચા ચૂટણીમાં દરેક નેતાઓ પોતાના પક્ષના ચુંટણી પ્રચારમાં કરતા રહેતા હોય છે,
    પ્રજાના જે લોકો અનેક વર્ણ, જ્ઞાતિઓ/જાતોમાં. વહેચાયેલા હોય ત્યાં તમારી ‘આ ભેદભાવ વગરની‘ ફિલસુફી કામ પણ નથી આવતી. અને સામાન્ય લોકો આવી વાતો ધ્યાનમાં પણ નથી લેતા.
    આપણે ત્યાનું વસ્તીનું સામાજિક સ્તર રાજકારણના સ્તર કરતા જુદું છે જે ટૂંકમાં કહીએ તો લોકો બહુધા પોતાના જીવન ધોરણ અને સુખસગવડને પ્રાથમિકતા આપે છે ને જે ખોટું પણ નથી, ભાજપ,કોંગ્રેસ,સમાજવાદ,,સામ્યવાદ તેમને માટે નહીવત છે. સત્ય અહિંસાની વાતો ત્યાં નથી ચાલતી.
    પ્રજામાં એક એવો ખાસ્સો વર્ગ છે કે તેમને લાગવગ,લાંચરુશ્વત અને આટલા વર્ષોના કૌભાંડી અને લાંચિયા રાજકારણથી મઝા પડી પડી ગઈ છે તેમને તો ‘જિસ કે તલમે લડ્ડુ ઉસકે તલમેં હમ’ કહેવત ફાવી ગઈ છે.
    લોકો પ્રમાણિક રીતે પોતાની નાગરિકતા(civic sense)પ્રમાણે પોતાના હક્કો માટે લડે જે ખુબજ આકરી લડત પણ છે તો સમાજમાં ઘણા ફેરફાર થાય તેમાં કોઈજ શક નથી.
    આવો સશક્ત સમાજ તૈયાર કરવા માટે સમાજના શિક્ષિત અને સારા રાજકારણીયોની જવાબદાર વધી જાય છે જે હાલ ના સમયમાં તેની તાણ છે.(In short supply).
    બહુ સમયથી તમારો બ્લોગ વાંચવાનું બને છે અને તમે વિવિધ વિષયો લાવી વાંચક સમક્ષ રજુ કરો છો અને તે પણ જોયું છે કે તમારા વિશ્લેષણમાં તમે એકજ રાજકીય પક્ષની કડી આલોચના કરો છો
    અને બીજા કોઈ પક્ષની આલોચના કરવાનું ટાળો છો એવું મારી નજરે પડ્યું છે.
    તમારા પત્રકારીત્વ વિષે અને તમારી વિષયોની છણાવટ ‘બેમિસાલ’ કહું તો વધુ નથી.

    .

    ReplyDelete