Wednesday, November 22, 2017

'પ્રસારભારતી'નુું સર્જન પહેલેથી જ રાજકીય ખેલ હતો : મૃણાલ પાંડે

Mrunal Pande
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાનાં પ્રતિષ્ઠિત હિંદી પત્રકાર મૃણાલ પાંડે/Mrunal Pande તેમના સક્રિય જીવનમાં ઘણા ચઢાવઉતાર જોઈ ચૂક્યાં છે. તેમાંથી પ્રાપ્ત થયેલો દૃષ્ટિકોણ તેમનાં લખાણની જેમ તેમની અનૌપચારિક વાતચીતમાં પણ વ્યક્ત થતો હતો. ગઈ કાલે મૃણાલ પાંડે 18મા પ્રો.રામલાલ પરીખ મેમોરિઅલ લેક્ચર માટે અમદાવાદ આવ્યાં હતાં. ત્યારે તેમણે પ્રિન્ટ મિડીયાના પ્રભાવથી માંડીને  પત્રકારત્વમાં અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓ વચ્ચેના ભેદભાવ, પ્રસારભારતી બોર્ડના સભ્ય તરીકેના તેમના અનુભવ જેવા ઘણા મુદ્દે વાત કરી હતી.

મૃદુભાષી છતાં મક્કમ મૃણાલ પાંડેએ પ્રસારભારતીની કહેવાતી સ્વાયત્તતા અને તેની કામગીરી વિશે એક જ વાક્યમાં કહ્યું, 'પ્રસારભારતી ઇઝ અ જોક.’ એના કરતાં તો એ માહિતી પ્રસારણ મંત્રાલય અંતર્ગત હતું, એ સારું હતું. કમ સે કમ, સરકારની સીધી જવાબદારી તો બનતી હતી. હવે એવું થયું કે તે કંઈક સારું કરે તો જશ સરકારનો--કે સરકારની નિશ્રામાં આવું થયું--અને ખોટું કરે તો અપજશ તેનો. સરકાર તેમાંથી હાથ ખંખેરી કાઢે.

પ્રસારભારતીનું સર્જન સારા આશયથી નહોતું થયું? તેના જવાબમાં તેમણે ચોખ્ખું કહ્યું, 'ના. પહેલેથી એ રાજકીય ખેલ જ હતો. એ ખરડો લોકસભામાં પસાર થયો ત્યારે હું મારું કામ પડતું મૂકીને લોકસભામાં હાજર રહી હતી. ત્યારે જયપાલ રેડ્ડી માહિતી-પ્રસારણ મંત્રી હતા. તે અને વસંત સાઠે બહાર આવ્યા. બન્ને મને કહે,'તમને પ્રસારભારતી બિલથી બહુ આનંદ થયો હશે, નહીં?’ વસંત સાઠેએ રેડ્ડીને કહ્યું પણ ખરું કે 'આ તમે શું કર્યું. હવે તમારી (માહિતી-પ્રસારણ ખાતા) પાસે શું રહ્યું?’  પરંતુ પહેલેથી પ્રસારભારતીના હાથપગ બંધાયેલા હતા. મૃણાલ પાંડેએ કહ્યું કે મારી સાથે બોર્ડમાં બહુ સારા સભ્યો હતા. એ લોકો સારાં સૂચન કરતા હતા, પણ તેમાં આગળ કંઈ થાય તે પહેલાં જ મંત્રાલયમાંથી કાગળ આવી જતો હતો કે કાયદાની ફલાણી ઢીકણી કલમો અનુસાર આ નિર્ણય લેવાની સત્તા તમને નથી.

હિંદી અને અંગ્રેજી પત્રકારત્વના પ્રવાહો વિશે તેમણે કહ્યું કે એક જ કંપનીનાં હિંદી અને અંગ્રેજી અખબાર હોય ત્યારે દેખીતો વહેરોઆંતરો રાખવામાં આવે છે અને હિંદીને વધેલુંઘટેલું જ મળે છે. તેમણે 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના હિંદુસ્તાનનું ઉદાહરણ આપ્યું. 'હિંદુસ્તાન ટાઇમ્સ'નું કુલ સરક્યુલેશન પાંચ લાખ હતું, ને (એ જેનાં તંત્રી હતાં તે) 'હિંદુસ્તાન'ની ફક્ત બિહારની આવૃત્તિનું સરક્યુલેશન છ લાખથી વધારે હતું. એવી તો બીજી ઘણી આવૃત્તિ. છતાં 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને જ વધુ મહત્ત્વ મળતું હતું.

તેમણે કહ્યું કે હિંદી પત્રકારો પર કે છાપાં પર હુમલા થાય ત્યારે કશું નથી થતું, પણ એનડીટીવી પર રેડ પડે ત્યારે બધા ભેગા થઈને વિરોધ કરે છે. આવો સિલેક્ટિવ વિરોધ ન ચાલે. હંમેશાં સ્થાનિક અખબારોની પહોંચ વધારે હોય છે. પણ અંગ્રેજી અખબારોને નેતાઓ અને અફસરો એટલો ભાવ આપે છે કે તેમની પહોંચ ઓછી હોવા છતાં, તેમનો દબદબો વધી જાય છે. હિંદી એડિટર મંત્રીને ફોન કરે તો તેમનો સચિવ ફોન ઉપાડીને કહી દે કે સાહેબ બિઝી છે. પણ અંગ્રેજી એડિટર મંત્રીને ફોન કરે તો સચિવ પર્સનલ મોબાઈલ નંબર આપી દે. સ્થાનિક અખબારોએ આ સમજવાની જરૂર છે, પણ એક યા બીજા કારણથી તે દબાયેલાં રહે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં દસ-બાર પ્રકારનું જુદું જુદું હિંદી બોલાય-લખાય છે. એ વૈવિધ્ય પર ઇસ્ત્રી ફેરવીને એક 'સ્ટાન્ડર્ડ' હિંદી ન બનાવી દેવું જોઈએ, એવો તેમનો સ્પષ્ટ મત હતો. તેમણે જુદી જુદી આવૃત્તિઓના તંત્રીઓ સાથે છ મહિના સુધી વાતચીત કરી. તેમાંથી કેટલાક શબ્દો એવા નીકળ્યા જે બધા વિસ્તારોમાં સર્વસામાન્ય હતા. તેમના આધારે કોમન સ્ટાઈશીટ બનાવવામાં આવી, પણ સ્થાનિક પ્રયોગોને વળગી રહેવાની નીતિ ચાલુ રાખવામાં આવી.

દિલ્હીના અંગ્રેજી મિડીયાની સ્થિતિ વિશે જવાબ આપતાં તેમણે કહ્યું કે 'અંગ્રેજી મિડીયા સંકોચાઈ રહ્યું છે. આવું કહેવા પાછળ આંકડાકીય આધાર નથી, પણ એવું લાગી રહ્યું છે. કેમ કે, તેમનું પ્રિન્ટનું સરક્યુલેશન ઘટી રહ્યું છે અને વેબસાઈટો વધુ ને વધુ ચાલી રહી છે. હવે લાગે છે કે હિંદી કે અચ્છે દિન આનેવાલે હૈં. નેતાઓ પણ હવે હિંદી શીખી ગયા છે.’ એક સમયે દૂરદર્શન, સ્ટાર અને ઝી જેવી ટીવી ચેનલોમાં સક્રિય મૃણાલ પાંડેએ કહ્યું કે 'હું દૂરદર્શન પર કાર્યક્રમ કરતી હતી ત્યારે ઘણા નેતાઓ અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખતા. મારો કાર્યક્રમ હિંદીમાં. એટલે હું તેમને કહું કે તમારે અંગ્રેજીમાં જવાબ આપવા હોય તો આપજો. હું તેનું હિંદી કરી દઈશ અને હિદીમાં મારો સવાલ તમને ન સમજાય તો એ પણ અંગ્રેજીમાં સમજાવી આપીશ. શરૂઆતના બે-ત્રણ સવાલના જવાબ તે અંગ્રેજીમાં આપતા, પણ પછી પોતાની ઔકાત પર ઉતરી આવતા. મને એ જ થતું કે ભાઈ આપણી ઔકાત એક જ છે. પછી આ બધું (શોબાજી) શા માટે?’ તેમણે કહ્યું કે સામાન્ય સભાઓમાં તો ઠીક, પ્રબુદ્ધ લોકો આવતા હોય એવા સેમિનારમાં પણ હિંદીમાં બોલીએ ત્યારે લોકોના ચહેરા પર રાહતનો ભાવ જોવા મળે છે.

હવે તો ચિદમ્બરમ્ જેવા પણ હવે હિંદી બોલતા થઈ ગયા છે. બાકી, એ નાણા મંત્રી હતા ત્યારે એનડી ટીવીમાં બજેટ એનાલિસિસ વખતે પ્રણય રોયની સાથે હું પણ હતી. મેં તેમને કશું પૂછ્યું ત્યારે તેમણે એવું મોં બગાડ્યું હતું અને પ્રણયને કહ્યું હતું કે મેં જે કહ્યું, તે તું આને સમજાવી દે ને.

મૃણાલ પાંડે હિંદી દૈનિક 'હિંદુસ્તાન'નાં તંત્રી હતાં. તેમણે હસતાં હસતાં પૂછ્યું, 'તમારે ત્યાં એડિટરો એકલા ફરે છે? અમારે ત્યાં તો એડિટરની સાથે એક માણસ તેની બેગ લઇને ચાલતો હોય. સાથે બે સાઇડ કીક હોય અને તેમની પાછળ પણ તંત્રીવિભાગના થોડા માણસો ઓફિસની વાતો કરતા કરતા ચાલતા હોય. એટલે એડિટર તરીકે હું એકલી જાઉં એ જોઈને ઘણાને નવાઈ લાગતી હતી.’

એકાદ કલાકની વાતચીતમાં ચાર-પાંચ વાર જુદા જુદા સંદર્ભે તેમણે જાતિપ્રથાથી થયેલા નુકસાનનો ઉલ્લેખ કર્યો.  જાતિપ્રથાએ બહુ ખરાબ અસરો કરી છે. એકબીજા કામ કરનારા વચ્ચે વાતચીતનો વ્યવહાર ન રહ્યો. જ્ઞાન પર અમુક લોકોનો અધિકાર રહ્યો. વિચારનારા અલગ ને કામ કરનારા અલગ રહ્યા. એટલે ઘણું બધું ઠેરનું ઠેર રહ્યું.

71 વર્ષનાં મૃણાલ પાંડેની એક ઓળખ જાણીતાં હિંદી નવલકથાકાર 'શિવાની' (ગૌરા પંત)નાં પુત્રી તરીકેની પણ છે.

Tuesday, November 21, 2017

જ્ઞાતિવાદનું રાજકારણ અને આપણે

ચૂંટણી નજીક આવે એટલે જ્ઞાતિવાદી ઓળખોને નવેસરથી ધાર નીકળે છે. આ વખતની ચૂંટણીમાં સત્તાધારી ભાજપની સામે ઉભા થયેલા ત્રણેય પડકારોની પ્રાથમિક ઓળખ જ્ઞાતિઆધારિત છે. તેના લીધે સોશિયલ મીડિયા પર અને તેની બહાર વારંવાર એવું શાણપણ સાંભળવા મળે છે કે ‘જ્ઞાતિવાદ ને એવું બધું ખોટું કહેવાય. જ્ઞાતિવાદી રાજકારણનો વિરોધ કરવો જોઈએ.’

આવું કહેનારાના મુખ્ય બે પ્રકાર પાડી શકાયઃ એક એવા, જેમને ભાજપ સામેના કોઈ પણ પડકાર સામે વાંધો પડે છે. તેમની વફાદારી કે તેમનો ઝુકાવ સત્તાધારી પક્ષ તરફ છે. આ લાગણીને સૈદ્ધાંતિક સ્વરૂપ આપીને, તેને વધુ સ્વીકૃત બનાવવા માટે તે જ્ઞાતિવાદના વિરોધનું ઓઠું રચે છે. બીજા લોકો એવા છે, જે રેતીમાં માથું ખોસીને, આસપાસની વાસ્તવિકતા નજરઅંદાજ કરીને, હવામાં આદર્શવાદના ઉપદેશ આપે છે. આ લોકો માને છે કે તેમના ઇન્કારથી વાસ્તવિકતા બદલાઈ જશે--ચાહે તે વાસ્તવિકતા જ્ઞાતિ આધારિત ભેદભાવો વિશેની હોય કે રાજકીય પક્ષોની દાનત વિશેની.

એમ તો ત્રીજો પણ એક પ્રકાર છે. તે જ્ઞાતિ આધારિત ભેદભાવને રાજકીયને બદલે સામાજિક સમસ્યા ગણાવે છે અને ચૂંટણી સિવાય પણ જ્ઞાતિ આધારિત ભેદભાવ વિશે ધ્યાન દોરતો રહે છે. પરંતુ તેમની વાતને અવગણવામાં આવે છે અથવા ‘ચોર કોટવાળને દંડે’ પ્રમાણે, તેમની પર એવો આરોપ થાય છે કે ‘તમે આવી વાતો કરો છે, એટલે જ જ્ઞાતિવાદ વધે છે. બાકી, લોકો તો આ બધું ક્યારના ભૂલી ચૂક્યા છે.’

અલ્પેશ, હાર્દિક અને જિજ્ઞેશ--આ ત્રણે ભાજપવિરોધના મુદ્દે એકમત છે. એ સિવાય તેમની માગણીઓ અને આકાંક્ષા જુદાં છે. તેમાં જ્ઞાતિવાદનું તત્ત્વ કેટલું અને સમાજની ચિંતાનું તત્ત્વ કેટલું, એ વિવાદનો વિષય છે. પરંતુ આ ત્રણે પર અથવા તો ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પર જ્ઞાતિવાદી રાજકારણનો આરોપ મુકનારા લોકો પોતે જ્ઞાતિના મુદ્દે કેવું વલણ ધરાવે છે?

એ તપાસતાં પહેલાં વધુ એક સચ્ચાઈઃ રાજકીય પક્ષો ગમે તેવા દાવા કરે કે ગમે તેટલી સુફિયાણી વાતો કરે, તેમને માત્ર ને માત્ર જીત વહાલી હોય છે. એ માટે જે કરવું પડે એ કરવા માટે બધા રાજકીય પક્ષો તૈયાર હોય છે. તેમાં જ્ઞાતિનું સમીકરણ મુખ્ય હોય છે. સેક્યુલરિઝમની કે હિંદુત્વની, વિકાસની કે ગાંડા વિકાસની--આ બધી વાત કરનારાને ઉમેદવાર પસંદ કરવાના આવે ત્યારે મંડાતા હિસાબ મુખ્યત્વે જ્ઞાતિગણિતના હોય છે. તેમાં પાવરધા હોય એવા વ્યૂહબાજોને ‘ચાણક્ય’નાં બિરુદ પણ અપાય છે. (બિચારા ચાણક્ય) આવા વ્યૂહખોરોની ઘણી મહાનતા એ ગણતરીમાં સમાયેલી હોય છે કે કયા વિસ્તારમાં કઈ જ્ઞાતિઓ સંખ્યાની (મતની) રીતે પ્રભાવી છે અને એવાં પ્રભાવી જ્ઞાતિજૂથોના મતોના સરવાળા કેવી રીતે પાર પાડવા?

ઘણી બેઠકો પર બંને પક્ષો એક જ જ્ઞાતિના બે ઉમેદવાર પક્ષીય વફાદારીના ધોરણે સામસામા ઉભા કરે છે, ક્યાંક પ્રતિસ્પર્ધીના જ્ઞાતિઆધારિત મત તોડવા માટે તેની જ જ્ઞાતિના ત્રીજા ઉમેદવારને ઉભો કરવામાં આવે છે, તો ક્યારેક ચૂંટણી પહેલાં આવી પ્રભાવી જ્ઞાતિસમુહના આગેવાનોને પલાળીને તેમનો પક્ષપલટો કરાવવામાં આવે છે--અને આ બધું કર્યા પછી એવો ભ્રમ પ્રસરાવવામાં આવે છે કે ‘તુષ્ટિકરણ’ તો ફક્ત મુસ્લિમોનું જ થઈ શકે અને ‘વોટબેન્કનું રાજકારણ? એ તો સામેવાળાનું કામ.’

હકીકતમાં, બંને પક્ષો વિવિધ સમુદાયોની વોટબેન્ક પર કબજો જમાવવા ધમપછાડા કરે છે. એવું કરવામાં સફળતા મળે, તો તેને ‘સોશિયલ એન્જિનિયરિંગ’ જેવા રૂપાળા નામે ઓળખાવવામાં આવે છે. ગુજરાતના રાજકારણમાં ભૂતકાળમાં ‘પક્ષ’ (પટેલ-ક્ષત્રિય), KHAM(ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) જેવાં ‘સોશિયલ એન્જિનિયરિંગ’નાં ઉદાહરણ નોંધાયેલાં છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ખ્યાત ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નહીં આપવા માટે પંકાયેલો છે.

જાગ્રત નાગરિકો નહીં, પણ રાજકીય પક્ષ વોટબેન્કના રાજકારણનો વિરોધ કરે, ત્યારે એ વિરોધ પોતે જુદા પ્રકારના વોટબેન્કના રાજકારણનો હિસ્સો હોય છે. ગુજરાતમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદય બાદ જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવી ગયો, એવું ઘણા માને છે.  તેમને કાં ખબર નથી અથવા યાદ નથી કે પછી યાદ રાખવાની ઇચ્છા નથી કે ભૂતકાળમાં અનેક વાર નરેન્દ્ર મોદીની પ્રસ્તુતિ ‘ઓબીસી નેતા’ તરીકે થઈ ચૂકી છે.

પરંતુ મુખ્ય સવાલ નરેન્દ્ર મોદીનો કે ભાજપ-કોંગ્રેસનો નથી. તેમની પર જ્ઞાતિવાદના રાજકારણ માટે એક આંગળી ચીંધતી વખતે બાકીની આંગળીઓ આપણી તરફ તકાયેલી નથી? એ લોકો જ્ઞાતિવાદનું રાજકારણ રમે છે. કારણ કે, એમ કરવાથી તેમને સફળતા મળે છે.

શા માટે સફળતા મળે છે? કારણ કે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે છે.
આ રાજકારણ ક્યાં ચાલે છે? અને તેને કોણ ચલાવે છે?
જવાબઃ એ રાજકારણ સમાજમાં ચાલે છે. તેને ચલાવનારા આપણે છીએ.

આપણને જ્ઞાતિવાદ બહુ ફાવે છે, તેમાં બહુ સારું લાગે છે. એટલે રાજકીય પક્ષો આપણને એ રમકડે રમાડે છે. આપણે વિચારપુખ્ત અને સમજુ હોત, તો આપણી વાસ્તવિક સમસ્યાઓ વિશે ચિંતિત હોત અને તેના ઉકેલ શોધતા હોત. પણ બહુમતી લોકોને જ્ઞાતિની ઓળખમાં અને તેના ગૌરવમાં ‘કીક’ આવી જાય છે. ઇતિહાસનો સાદો બોધપાઠ એ સમજતા નથી.  દાખલા તરીકે,  રાજાશાહી દરમિયાન મુસ્લિમ શાસકોના રાજમાં મોટા ભાગના મુસ્લિમોનું જીવનધોરણ સુધરી ગયું ન હતું. અત્યારે તો રાજાશાહી નહીં, લોકશાહી છે. તેમાં કોઈ એક જ્ઞાતિ કે સમુદાયના થોડા લોકો નેતા થઈ જાય, તેનાથી એ સમાજનો સામાન્ય માણસ કેવી રીતે ઉપર આવી જશે? એક દલિતનું રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે યુજીસીના અધ્યક્ષ બનવું અત્યંત આવકાર્ય હોવા છતાં જરાય પૂરતું નથી--અને ફક્ત એટલાથી દલિતોનો ઉદ્ધાર થઈ ગયો કે થઈ જશે, એવું માની લેવાની જરૂર નથી.

એવી જ રીતે, ભારતનું બહોળું જ્ઞાતિવૈવિધ્ય વિધાનગૃહોમાં જોવા મળે, તે આવકાર્ય છે, પરંતુ અમુક જ્ઞાતિના લોકો વિધાનસભામાં પહોંચે એટલા માત્રથી એ જ્ઞાતિના સામાન્ય માણસનો ઉદ્ધાર થઈ જશે, એવી ગેરસમજણમાં રહેવાની જરૂર નથી. આપણે, નાગરિકોએ, સમજવું પડશે કે જ્યાં સુધી આપણે જ્ઞાતિની ઓળખોમાં, વાડાબંધીમાં ને મિથ્યાભિમાનમાં રાચીશું, તેમાં જ આપણી ઇતિશ્રી માનતા રહીશું, ત્યાં સુધી ફાવેલાઓ વધુ ફાવતા રહેશે ને રહી ગયેલાઓ વધુ ને વધુ ખૂણામાં ધકેલાતા રહેશે

--અને એ દોષનો બધો ટોપલો રાજનેતાઓના માથે ઢોળી નહીં શકાય. કેમ કે, તેમનું જ્ઞાતિવાદી રાજકારણ મહદ્ અંશે આપણી જ જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રતિબિંબ-કમ-પરિણામ હશે.

Monday, November 13, 2017

રાજકીય ગરમીના માહોલમાં દાદા ધર્માધિકારીનું ચિંતન

Dada Dharmadhakari / દાદા ધર્માધિકારી
ગાંધીજીની એક મોટી કમાલ એ હતી કે પોતાનાથી જુદા વિચાર ધરાવતા ઘણા તેજસ્વી લોકોને તે ચેલા મૂંડ્યા વિના પોતાની સાથે રાખી શક્યા. તેમાં અનેક જાણીતાં નામોથી માંડીને કેદારનાથ જેવા અધ્યાત્મ પંથના પ્રવાસી અને માંડીને દાદા ધર્માધિકારી જેવા ચિંતકનો પણ સમાવેશ થાય. ચિંતક તરીકેની ઓળખ અત્યારે એટલી લપટી પડી ગયેલી અને સમજુ લોકોમાં બદનામ ગણાય છે કે સાચા ચિંતકની ઓળખાણ કયા શબ્દોમાં આપવી, તેની મૂંઝવણ થાય. પણ ખુલ્લા મનથી, કોઈ પણ વિચારધારાની કંઠી બાંધ્યા વિના, માનવહિત અને નાગરિકહિતનો વિચાર કરનાર દાદા ધર્માધિકારીના વિચારોથી તેમની સાચી ઓળખ મળી રહેશે.

દાદાની જે પુસ્તિકાની વાત અહીં કરવાની છે તે હકીકતમાં દાદાએ આપેલાં મરાઠી પ્રવચનનો ગુજરાતી અનુવાદ છે. ‘તરુણોને’ એવું મથાળું ધરાવતી આ પુસ્તિકાની પહેલી આવૃત્તિ વડોદરાના યજ્ઞ પ્રકાશને 1972માં પ્રકાશિત કરી હતી. ચિંતનની જેમ યુવાનોના નામે પણ અત્યારે જે ધંધા ચાલે છે, તે જોતાં દાદાના વિચારો ધર્મ, સમાજ અને નાગરિકચેતનાની જુદી અને સાચી દિશા ચીંધનારા લાગે છે.

તરુણોએ પરિવર્તન આણીને કેવી દુનિયા બનાવવા માટે કામ કરવાનું છે? દાદા ધર્માધિકારીએ તેના ત્રણ મુદ્દા આપ્યાઃ 1) જરૂરિયાતવાળાને વસ્તુ મળવી જોઈએ. જરૂર ન હોય છતાં ખરીદશક્તિના જોરે વસ્તુ મળી જાય ને જરૂરતમંદ નાણાંના અભાવે વંચિત રહી જાય, એ ન ચાલે. આવી વ્યવસ્થા વિશે તેમણે કહ્યું કે વિદ્યા વેચાતી મળે, મોક્ષ વેચાતો લેનારને મળે...દેવ પણ વેચાતા લેનારને મળે. માણસ વેચાય, માણસનો શ્રમ પણ વેચાય, માણસની વિદ્યા પણ વેચાય, માણસના ગુણ વેચાય. જ્યાં માણસ વેચાય ત્યાં રાજ્ય પણ વેચાય, ત્યાં મત પણ વેચાય.’

2) નાણાંની જગ્યાએ શસ્ત્રનું, તિજોરીની જગ્યાએ તલવારનું રાજ પણ ન જોઈએ. ‘ક્રાંતિ કરતા હોઈએ ત્યારે પણ એ કાળજી લેવી જોઈએ કે સમાજમાં હત્યારાની પ્રતિષ્ઠા, હત્યારાની ઇજ્જત ન વધવી જોઈએ. હત્યારાની છત્રી નીચે નાગરિકોએ બિલાડી બનીને ન રહેવું જોઈએ.’

૩) નાગરિક-નાગરિક વચ્ચે રાજ્યની દખલ ઓછામાં ઓછી હોવી જોઈએ. રાજ્યને ઓળખવાની ત્રણ નિશાની છે. ત્રણ સંસ્થા છેઃ પોલીસ, કચેરી અને જેલ… સ્મશાન એ ગામની આવશ્યકતા છે, પણ આશીર્વાદ શું અપાય? ત્યાં જવાનો વખત કોઈને ન આવે એ જ...જેલ, કચેરી, પોલીસ આ સંસ્થાઓ સમાજમાં આવશ્યક હશે, પણ...તેનો ઉપયોગ કરવાનો વારો ન આવવો જોઈએ. એટલે રાજ્યસંસ્થા ક્ષીણ થવી જોઈએ. રાજનીતિ ક્ષીણ થવી જોઈએ અને લોકનીતિ વધવી જોઈએ…રાજકારણ એટલે રાજ્યનો લોકજીવનમાં પ્રવેશ. લોકકારણ એટલે લોકમતનો રાજ્યમાં પ્રવેશ.

આગળ જણાવેલી ત્રણે સત્તાના નાશને તથા માનવતાના વિકાસને દાદાએ 'ક્રાંતિ'ગણાવીને કહ્યું કે 'આ દૃષ્ટિએ તરુણોએ વિચાર કરવો જોઈએ. આવા વિચાર કરે તે તારુણ્ય.’

લોકકારણને બદલે રાજકારણની બોલબાલા થઈ, એટલે લોકશાહી નબળી પડેલી લાગે છે. પરંતુ તેના માટે રાજકારણીઓની સાથોસાથ નાગરિકોની પણ જવાબદારી ઓછી નથી. તે નાગરિક હિત સાથે રાજકારણમાં પ્રવેશવાને બદલે, રાજનેતાઓને પોતાના સ્વાર્થી એજન્ડા લઈને નાગરિકહિતની બાબતોમાં પ્રદૂષણ પેસાડવા દે છે. ઉપરથી પોતે લોકકારણના એ પ્રદૂષણમાં સહભાગી બને છે.

અત્યારનો ઘણો સંઘર્ષ વિચારધારાના નામે પણ ચાલે છે. તેમાં ખરેખરો વિચાર કેટલો હોય છે? દાદા ધર્માધિકારીએ કહ્યું, ‘વિચાર એટલે કોઈ પણ એક વિચાર નહીં, ફક્ત વિચાર. વિચાર કરવાની માણસની ક્ષમતા... વિચાર આધ્યાત્મિક ક્ષેત્રમાં સંગઠિત થાય તેનું નામ ધર્મપંથ. તે જ પ્રમાણે વિચાર બીજા ક્ષેત્રમાં સંગઠિત થાય એટલે તે વિચારસરણીમાં પરિણત થાય છે. વિચારસરણી બને એટલે વિચાર બચતો નથી. વિચાર સંગઠિત થયો એટલે વિચાર પૂરો થયો. સંગઠિત વિચાર એટલે મૃત વિચાર. બીજું, સંગઠિત વિચાર આક્રમણશીલ થાય, એટલે તે વાદ બને છે...આજે જગતમાં વાદોની લડાઈ છે...આ સંગઠિત વિજેયચ્છુક (વિજયી બનવા ઇચ્છતો) વિચાર જ્યારે સત્તાભિમુખ બને છે ત્યારે તે પક્ષ બને છે.’

આ વાક્યોમાં શબ્દચાતુરી નહીં, વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની ચાવી છે. એ વાતને આગળ વધારતાં દાદાએ કહ્યું, ‘સંગઠિત વિચાર એ સમ્યક્ વિચારનો વિરોધી છે, ઘાતક છે. જ્યાં સંગઠિત વિચાર આવે છે, ત્યાં વિચાર સિલક રહેતો નથી. ઇટ્સ એ કૉન્સ્પિરસી અગેન્સ્ટ ઇન્ટલેક્ટ—માણસની બુદ્ધિની વિરુદ્ધ કરેલ વ્યૂહ એટલે સંગઠિત વિચાર...કેવી ગમ્મત છે? પક્ષનો આરંભ વિચાર-સ્વાતંત્ર્યની આકાંક્ષામાંથી થાય છે. પક્ષ કેમ બન્યો? આપણે કહીએ છીએ કે અમારો વિચાર ભિન્ન છે માટે અમે જુદો પક્ષ કાઢ્યો, પણ પક્ષમાં સ્વતંત્ર વિચારને સ્થાન જ નહીં. તમે જો વિચાર-સ્વાતંત્ર્ય માગશો તો પક્ષ છોડવો પડશે અથવા તમને પક્ષમાંથી કાઢી મુકીશું. એટલે પક્ષ માટે કહેવાયું...સામાન્ય લોકોની બુદ્ધિની વિરુદ્ધ, બૌદ્ધિક સ્વાતંત્ર્ય વિરુદ્ધ આ વ્યૂહ છે.’ (એ અરસામાં કોંગ્રેસના બે ભાગ પડ્યાની ઘટના પ્રમાણમાં તાજી હતી)

એક સવાલ જુદી જુદી બાબતોમાં આવતો રહે છે--ચૂંટણીઓ વખતે તો ખાસ. ઘણા લોકો કહે છે, ‘બન્ને તરફ અનિષ્ટ છે, તેમાંથી અમે ઓછા અનિષ્ટની પસંદગી કરી.’ પોતાના હેતુ માટે હથિયારો ઉપાડનારામાંથી કેટલાક સિદ્ધાંતવીરો કહે છે, હિંસા 'નેસેસરી ઇવિલ' (અનિવાર્ય પાપ) છે. પરંતુ વાસ્તવમાં શું થાય છે? દાદાએ કહ્યું હતું, ‘ફક્ત અપરિહાર્ય (જેના વગર ન ચાલે એવું) તરફ જ લક્ષ રહે છે...'ઇવિલ'પર જોર નહીં, ફક્ત 'નેસેસરી'પર જ જોર છે.’ આપણે પણ ઓછા અનિષ્ટને ચૂંટ્યા પછી એ યાદ રાખતા નથી કે એ છે તો અનિષ્ટ જ. માટે તેને માથે ન ચડાવાય અને તેની પાસેથી સતત હિસાબ માગતા રહેવું પડે. પરંતુ ઓછું અનિષ્ટ ક્યારે ઉદ્ધારકનું સ્થાન લઈ લે છે, તેની ઘણાને સરત રહેતી નથી.

વર્ગની વિચારસરણી પર મોટાં શાસ્ત્રો રચાયાં છે, પણ દાદાએ તેની બહુ વ્યવહારુ સમજૂતી આપી. તેમણે કહ્યું કે વર્ગ (એટલે કે ગરીબ અને અમીર, માલિક અને મજૂર) એ બાહ્ય પરિસ્થિતિ છે. ‘જેને માટે (રશિયન) ક્રાંતિ કરવામાં આવી એ ક્રાંતિકારી નહોતા. ગરીબ માણસ ક્રાંતિકારી નથી...તેઓ સમાજપરિવર્તન ઇચ્છે છે, પણ ક્રાંતિ નહીં. એનો અર્થ શું? ગરીબને અમીર થવું છે, પણ ક્રાંતિ નથી જોઈતી. એટલે ગરીબ અને અમીરની મનોભૂમિકામાં મૂળભૂત ફરક નથી. ફરક છે પરિસ્થિતિમાં, બાહ્ય ભૂમિકામાં.’ એટલે એક તરફ ગરીબ અમીરને શેતાન ગણતો હોય, શોષક ગણતો હોય, પણ તેને પોતાને (એવા જ) અમીર થવું હોય. આ વિરોધાભાસને કારણે બન્ને બાહ્ય રીતે જુદા વર્ગના થવા છતાં, સરવાળે એક જ માળાના મણકા બની રહે છે. અલબત્ત, આ દલીલથી શોષણખોરોને અવિરત શોષણનો પરવાનો મળી જતો નથી, પણ શોષણ સામે-અન્યાય સામે-અત્યાચાર સામે આંદોલન કરનારાએ વિચારવાનું રહે છે કે તેમને કેવા બનવું છે?

Tuesday, November 07, 2017

નોટબંધીની વરસીએ 'સ્મરણાંજલિ'

આવતી કાલે નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂરું થશે. આટલા સમય પછી ‘તમને વડાપ્રધાનનું આ પગલું મહાન લાગે છે કે નહીં? હા કે ના.’ એવું સરળીકરણ કરવાને બદલે, વિવિધ માહિતી-હકીકતના ટુકડા જોડવાથી ચિત્ર વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

નોટબંધી જાહેર થઈ ત્યારે તેને કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક તરીકે ઓળખવામાં આવી હતી. શરૂઆતમાં એવી છાપ ઉભી કરવામાં આવી કે કાળાં નાણાં ધરાવતા લોકોની પાંચસો-બે હજારની નોટો કાગળીયાં થઈ જશે અને એ લોકો રાતા પાણીએ રડશે. બીજું નિશાન હતા ત્રાસવાદીઓ. તે પાંચસો અને હજારની નકલી નોટો દેશમાં ઘુસાડીને તે અર્થતંત્રને ફટકો મારે છે ને તેમનું ભંડોળ પણ મોટી રકમની નોટોમાંથી આવે છે. નોટબંધી પછી ત્રાસવાદીઓ નાણાંકીય ભીંસમાં આવી જશે ને ઢીલા પડશે.

નોટબંધી જેવા આત્યંતિક પગલા પાછળનો મુખ્ય આશય સરકાર એટલે કે વડાપ્રધાન કાળાં નાણાંના મુદ્દે કેટલા ગંભીર છે, તે દર્શાવવાનો હતો. નોટબંધીની અર્થતંત્ર પરની ટૂંકા, મધ્યમ ને લાંબા ગાળાની અસરો નિષ્ણાતો માટે પણ ચર્ચા અને મતભેદનો વિષય છે. દરમિયાન, નોટબંધીનાં હકારાત્મક પરિણામો મુખ્યત્વે આટલાં ગણાવાયાં છેઃ

1) તેનાથી ડિજિટલ લેવડદેવડમાં નોંધપાત્ર વધારો થયો છે. રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, નવેમ્બર 2016માં ડિજિટલ લેવડદેવડની કુલ સંખ્યા આશરે 70 કરોડથી થોડી ઓછી હતી અને લેવડદેવડની કુલ રકમ રૂ. 94,004 અબજ હતી. માર્ચ, 2017માં એ રકમમાં સૌથી મોટો વધારો નોંધાયો (રૂ.1,49,589 કરોડ) અને ઓગસ્ટ, 2017માં તે આંકડો હતોઃ રૂ.1,09,818 અબજ. એટલે કે નવેમ્બર, 2016 કરતાં 16.8 ટકાનો વધારો. પરંતુ ડિજિટલ લેવડદેવડનો વધારો એ તો નોટબંધીની આડપેદાશ હતી (જેને સમય જતાં મુખ્ય જાહેર કરવામાં આવી) તેના માટે થઈને, ભારતના બહુમતી લોકોને રોજગારી આપતા અસંગઠીત ક્ષેત્રમાં મોટુંં ગાબડું પાડવાનું અને બહુમતી નિર્દોષ લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકવાનું વાજબી ઠરાવી શકાય?

2) આવકવેરો ભરનારની સંખ્યામાં વધારો થયો. સરકારના જ ઇકોનોમિક સર્વે 2017માં નોંધાયા પ્રમાણે, 5.7 લાખ નવા કરતાદાતા એવા છે, જે નોટબંધીને કારણે વેરો ભરતા થયા હોવાની સંભાવના છે. (ભારતની વસ્તી અને નોટબંધીના અમલથી કરોડો લોકોને પડેલી તકલીફો ધ્યાનમાં રાખતાં 5.7 લાખનો આંકડો સંતોષકારક લાગે કે ‘ફક્ત’? વિચારી જોજો)

3) સરકારી જાહેરાત પ્રમાણે, આશરે 2 લાખ બનાવટી કંપનીઓનાં રજિસ્ટ્રેશન નોટબંધી પછી રદ કરવામાં આવ્યાં છે.

4) બેન્કોમાં અઢળક નાણાં જમા થવાથી લોનના દર ઘટ્યા.

5) નોટબંધી પછી તરતના અરસામાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે ત્રાસવાદી તથા અશાંતિ જગાડનારી પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. આટલા વખત પછી કહી શકાય કે નોટબંધીની ત્રાસવાદ પર કશી જ અસર પડી નથી.

6) એવી ધારણા હતી કે 10થી 20 ટકા જેટલી નોટો પાછી નહીં આવે ને સરકારે ભારે ફાયદો (વિન્ડફોલ ગેઇન) થશે. પરંતુ રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે 99 ટકા નોટો પાછી જમા થઈ ગઈ. તીર માર્યા પછી તેની ફરતે કુંડાળું દોરી કાઢવાની પદ્ધતિ પ્રમાણે, એવું જાહેર કરવામાં આવ્યું કે લગભગ બધી નોટો સીસ્ટમમાં આવી ગઈ હોવાથી, નોટબંધી સફળ થઈ છે. હવે ઇન્કમટેક્સ વિભાગ તેમાંથી તપાસ કરીને શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરશે.

પરંતુ મહેશ શાહના કિસ્સા પછી સરકારની દાનત પરનો ભરોસો ટકાવી રાખવો અઘરો છે. વેપારધંધાનો કશો ઠેકાણાસરનો રેકોર્ડ ન ધરાવતા મહેશ શાહે નોટબંધી પછી કાળાં નાણાંની સ્વૈચ્છિક જાહેરાત યોજના અંતર્ગત રૂ. 13,860 કરોડની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી. તેમની સ્વૈચ્છિક જાહેરાતનું સરકારી ફોર્મ જવાબદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે ભરવામાં આવ્યું હતું. આટલી મોટી રકમની જાહેરાત થઈ ત્યારે એવી પાકી આશંકા હતી કે આ નાણાંમાં અનેક મોટાં માથાં સંકળાયેલાં હોવાં જોઈએ. પછીથી ખુદ મહેશ શાહે એક ટીવી ચેનલ પર કહ્યું કે એ નાણાં વગદાર લોકોનાં હતાં. પણ જાહેર કરેલી રકમના આવકવેરાનો પહેલો હપ્તો મહેશ શાહ ભરી શક્યા નહીં. એટલે નિયમ મુજબ તેમની સ્વૈચ્છિક જાહેરાત રદબાતલ ઠરી.

પરંતુ આટલી મોટી અને સ્વૈચ્છિક રીતે જાહેર થયેલી રકમનું શું થયું? તેનું પગેરું કેમ શોધવામાં ન આવ્યું? કાળાં નાણાં બાબતે ગર્જનાઓ કરતી સરકારે, જાહેર કરાયેલાં નાણાં મોટાં માથાંનાં હોવાની મહેશ શાહની જાહેર કબૂલાત પછી પણ, તે દિશામાં કેટલી અને કેટલા ઉત્સાહથી તપાસ કરી? અને કાળાં નાણાંના મુદ્દે ‘ભાંગી નાખું-તોડી નાખું’ કરતા અભિનયસમ્રાટો પાસેથી આ કેસ વિશે છેલ્લું ક્યારે સાંભળ્યું હતું?

બીજો મુદ્દો અત્યંત જરૂરી એવાં આયોજન અને પ્રક્રિયાનો. 1978માં વડાપ્રધાન મોરારજી દેસાઈએ મોટી રકમની નોટો રદબાતલ કરી, તે પહેલાં તેના માટે જરૂરી પ્રક્રિયાઓ બાકાયદા, યોગ્ય રીતે પૂરી કરી હતી. એ વખતે જનતા સરકારના નાણાં મંત્રી અને સરદાર પટેલના વિશ્વાસુ રહી ચૂકેલા એચ.એમ.(હીરુભાઈ) પટેલે તથા રીઝર્વ બેન્કના (ગુજરાતી) ગવર્નર આઇ.જી. પટેલે મોરારજીભાઈને કહ્યું હતું કે કાળું નાણું ધરાવતા લોકો તેને ઘણું ખરું રોકડ સ્વરૂપે રાખતા નથી. થોડા સમય પહેલાં ઇન્કમટેક્સ વિભાગના 2012-13થી ગયા વર્ષ સુધીના આંકડાના અભ્યાસ પરથી એ જ તારણ નીકળ્યું હતુંઃ કાળું નાણું રાખનારા તેમની કુલ બે નંબરી સંપત્તિનો માંડ 5-6 ટકા હિસ્સો રોકડ સ્વરૂપે રાખે છે.

તો કાળા નાણાંની સમાંતર અર્થવ્યવસ્થામાં આટલું ઓછું પ્રમાણ ધરાવતી રોકડ માટે, કુલ ચલણમાંથી 86 ટકા જેટલી રકમની ચલણી નોટો રદબાતલ કરતાં પહેલાં વડાપ્રધાને કઈ ગણતરીઓ માંડી હતી? કયા તર્ક લગાડ્યો હતો? કે પછી તીર માર્યા પછી તેની આસપાસ કુંડાળાં દોરવાની આવડત પર ભરોસો રાખ્યો હતો? માન્યું કે નિર્ણય લેતાં પહેલાં એ પ્રક્રિયા ગુપ્ત હોય, પણ હવે તો એ જાહેર કરી શકાય કે ફાયદો-નુકસાનનો કેવી રીતે તોલ કરીને, કયા નિષ્ણાતોના સૂચન અને કોના વિરોધ વચ્ચે આ નિર્ણય લેવાયો હતો? અથવા, આવી કોઈ પ્રક્રિયા થઈ હતી ખરી?

નોટબંધીનું અણઘડ-અપૂરતું આયોજન, તેના કારણે ઉભી થતી મુશ્કેલીઓ અને તેના આધારે સતત બદલાતું રહેતું નોટબંધીનું લક્ષ્ય, કેવળ ભાષણોથી લોકોના અસંતોષ પર કાબૂ મેળવી લેવાનો આત્મવિશ્વાસ, ગંભીર અસરો ધરાવતા નિર્ણયો ઉતાવળે લઈ લીધા પછી છેવટે, તેનાં પરિણામો સાથે પનારો પાડવા આર્થિક નિષ્ણાતોની સલાહકાર સમિતિ નીમવાનું ‘શાણપણ’—આ બધું સાથે મૂકીને શું દેખાય છે? એ નાગરિકોએ નક્કી કરવાનું છે.
***

નોટબંધીની વાર્તા

Thursday, November 02, 2017

ગાંધીહત્યાની વિચારસરણી અને સરદાર

કેટલાક સમાચાર એટલા બધા જૂના હોય છે કે તે એકદમ નવા અને ‘બ્રેકિંગ’ લાગે. ગુંચવાડો થયો?  તો આ રહ્યો નમૂનો--ઉમાશંકર જોશીના તંત્રીપદે પ્રગટ થતા માસિક ‘સંસ્કૃતિ’ના જાન્યુઆરી, 1951ના અંકમાંથીઃ

‘હિંદુ મહાસભાનું અધિવેશન.
પૂનામાં ભરાયેલું આ અધિવેશન અને તેની સાથે મળેલી નિરાશ્રિતોની પરિષદ દેશમાં અત્યારે કેવાં બેજવાબદાર તત્ત્વો સળવળી રહ્યાં છે તેનો ખ્યાલ આપે છે. રાષ્ટ્રપિતાના હત્યારાની જય પોકારાય અને છબીઓ વેચાય એ તો આપણા દેશમાં જ બની શકે. અધિવેશનની ઘૃણાજનક કાર્યવાહીમાંથી કોઈ સુખદ સમાચાર આવ્યા હોય તો તે એ કે સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી દેવામાં આવ્યોઃ સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આનાથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?
અધિવેશન ઉપર દિલ્હીથી રાજપ્રમુખનો સંદેશો ગયો હતો! રાબેતા મુજબ કચેરીએ રાજપ્રમુખને પૂછ્યા પણ વગર સંદેશો મોકલી દીધો હતો એમ પાછળથી ખુલાસો કરવામાં આવ્યો છે. કચેરી પાસે આ બાબત જવાબ માગી પગલાં લેવાવાં જોઈએ.’

ઉમાશંકરની નાનકડી નોંધ એકથી વધુ કારણોસર ઘણી મહત્ત્વની છેઃ

૧) અભૂતપૂર્વ કોમી હિંસાનો દૌર તાજો હતો ત્યારે પણ, ગાંધીહત્યારાનો મહિમા ઉમાશંકર જોશીને અકળાવતો હતો. રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રવાદના નામે ચાલતો ગમે તેટલી દલીલોનો ખડકલો ગાંધીહત્યાને 1950ના કપરા કાળમાં વાજબી ઠરાવી શકતો ન હોય, તો ત્યાર પછીના સામાન્ય કહેવાય એવા કાળમાં ગાંધીહત્યાને ‘ગાંધીવધ’ (ધર્મકાર્ય) કેવી રીતે કહી શકાય?  અને ગોડસેની વિચારધારાને યોગ્ય ઠરાવતા સંદેશાઓનું હવે નવા ઉત્સાહથી આદાનપ્રદાન થતું હોય, તેને શું કહેવું? કેવળ કરુણતા? કે ધીક્કારકેન્દ્રી વિચારધારા માટે ચાલુ રહેલું-નવેસરથી ઘટ્ટ બનેલું ચિંતાજનક વાતાવરણ?

૨) ગાંધીહત્યાની નૈતિક જવાબદારી ગૃહ મંત્રી તરીકે સરદારની કહેવાય કે નહીં, એવો બિનજરૂરી અને (સરદારને) અન્યાયી વિવાદ એ વખતે જાગ્યો હતો. સરદારના કેટલાક વિરોધીઓનો એક આરોપ એવો પણ હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે તે પૂરતા કડક નથી. મૌલાના આઝાદથી માંડીને કેટલાક  વર્તમાન અભ્યાસીઓ દ્વારા પણ એવાં આંગળીચીંધામણાં થતાં રહ્યાં છે. ત્યારે ભાગલા સમયનાં હિંદુ અંતિમવાદી પરિબળો સરદારને ‘પોતાના માણસ’ તરીકે જોતાં ન હતાં, તેનો સ્પષ્ટ ખ્યાલ ‘સંસ્કૃતિ’ની નોંધમાંથી આવે છે.

છેલ્લા ઘણા સમયથી જમણેરી અંતિમવાદી પરિબળો સરદારને એવી રીતે ગજવે ઘાલીને ફરે છે, જાણે સરદાર તેમની વિચારધારાના મશાલચી હોય. ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે ગાંધીહત્યાને ધર્મ્ય ગણતી વિચારધારાને 1950માં સરદાર જરાય આદરણીય લાગ્યા ન હતા. એટલે તેમના મૃત્યુ અંગે શોકઠરાવ પસાર કરવા જેટલા સાધારણ વિવેકમાંથી પણ એ લોકો ગયા. જમણેરી અંતિમવાદી રાજકારણની ઝેરી સંકુચિતતાનો ગાંધીહત્યા પછીના ક્રમે મૂકી શકાય એવો આ નમૂનો. પછીનાં વર્ષોમાં કોંગ્રેસે સરદારની વ્યવસ્થિત ઉપેક્ષા કરી, એટલે જમણેરીઓ દ્વારા તેમનું ‘અપહરણ’ શક્ય બન્યું.

૩) કમનસીબી એ વાતની થઈ કે વિરોધીઓ જે આરોપ મૂકીને સરદારની ટીકા કરતા હતા, એ જ આરોપસર જમણેરીઓને સરદાર માટે આકર્ષણ પેદા થયું. એ દૃષ્ટિએ જોતાં, તેમણે સરદારના ટીકાકારોની (ખોટી) ટીકાને સાચી પાડી અને સરદાર પ્રત્યે આદરના નામે તેમના અપમાનમાં સામેલ થયા. કહેવા પૂરતી તો સરદારની વાત ‘દેશની એકતા અને અખંડિતતાના ઘડવૈયા’ તરીકે કરવાની, પણ એ આદરને સહેજ ખોતરતાં સરદારને મુસ્લિમવિરોધી ગણવાની આ કહેવાતા સરદારપ્રેમીઓની માનસિકતા અચૂક છતી થઈ આવે.

ગાંધીહત્યા પછી સંઘ પરિવાર પર પ્રતિબંધ મૂકનાર અને પ્રતિબંધ ઉઠાવતી વખતે ચોક્કસ શરતો મૂકનાર સરદાર સંઘ પરિવાર વિશે એવું વિચારતા હતા કે તેમણે દેશની સેવા કરવી હોય તો (એ સમયની) કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. સરેરાશ હિંદુઓ નિર્બળ છે અને વખત આવ્યે સ્વરક્ષા કે સ્વજનોની રક્ષા પણ કરી શકતા નથી, એનો તેમને અફસોસ હતો. ગાંધીજી પણ એવું જ માનતા હતા અને સમયાંતરે તેમણે એકથી વધુ વાર કહ્યું હતું કે અહિંસક પ્રતિકાર કરીને ખપી જવું એ શ્રેષ્ઠ રસ્તો છે, પણ એ ન ફાવે તો કાયરની માફક ભાગી છૂટવાને બદલે સામે લડવું. સરદારની બોલવાની રીત આકરી હતી. તેમની એકંદર કામગીરી, વલણ અને તેમના સમયને ધ્યાનમાં લીધા વિના તેમનાં કેટલાંક વિધાન રજૂ કરવામાં આવે તો તે કોમવાદી લાગી શકે. પરંતુ તેમની સમગ્ર કારકિર્દી અને કામગીરીને તપાસ્યા પછી તેમની પર કોમવાદી કે ‘મુસ્લિમવિરોધી’નું લેબલ લગાડી શકાય નહીં.

૪) ઉમાશંકર જોશીની નોંધમાં છેલ્લે રાષ્ટ્રપ્રમુખ (રાષ્ટ્રપતિ)ની કચેરી વિશે પણ નુક્તચીની કરવામાં આવી હતી. તેનું હાર્દ એ હતું કે ગાંધીહત્યા માટે કારણભૂત વિચારધારા સાથે સંકળાયેલા સંગઠનને ઉચ્ચ સત્તાસ્થાન કે બંધારણીય હોદ્દેદારો તરફથી ઔપચારિક શુભેચ્છા પાઠવવાનું યોગ્ય નથી. એ તેમને માન્યતા કે પ્રોત્સાહન આપ્યા બરાબર ગણાય.

ગાંધીહત્યાની વાત નીકળે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમાં સીધી રીતે સંડોવાયેલો નથી અને ગોડસેને સંઘ સાથે કશો સંબંધ ન હતો, એવી ટેકનિકલ દલીલ આગળ કરવામાં આવે છે. તેની ટેકનિકલ સચ્ચાઈ સ્વીકાર્યા પછી પણ દાયકાઓ સુધી સંઘ પરિવારે ગાંધીહત્યાને ધર્મ્ય કાર્ય તરીકે તરીકે ખપાવ્યા કરી, એ સચ્ચાઈ મટી જતી નથી. સર્વોદયી અગ્રણી હસમુખભાઈ પટેલે હમણાં આલેખેલાં સંભારણાં પ્રમાણે, કટોકટી વખતે જેલવાસ દરમિયાન સંઘ પરિવારના સભ્યો સાથીકેદીઓને  ગોડસે કેટલો રાષ્ટ્રવાદી હતો અને ગાંધીહત્યા કેવી રીતે યોગ્ય હતી, તે સમજાવવા ભરપૂર મહેનત કરતા હતા. ગાંધીહત્યાથી સરદારને ભારે આઘાત પામનાર સરદારને ગાંધીહત્યાનું તાર્કિક સમર્થન કરનારાઓ વિશે શું કહેવાનું હોત, એ કલ્પવું અઘરું નથી.

છેક 1920ના દાયકાથી સરદારને ગાંધીજી વિશે એવું લાગતું હતું કે તેમણે આપણને જે આપવાનું હતું તે આપી દીધું છે અને હવે આપણે તેનો યથાશક્તિ અમલ કરવો જોઈએ. અમલ ન થાય તો સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે એ રસ્તે ચાલવાની આપણી શક્તિ નથી. ગાંધીના નામે ચાલતા દંભની સરદારને સખત ચીડ હતી. તો પોતાના નામે ચાલતા દંભ અને દેખાડાબાજી, મુસ્લિમવિરોધ અને કોમવાદથી સરદારને કેટલી ચીડ ચડતી હોત, એ પણ ધારી શકાય છે. પરંતુ મહાનુભાવોના નામે ચરી ખાનારા માટે તેમની ગેરહાજરી સૌથી મોટી સુવિધા બની રહે છે--પછી તે મહાનુભાવ સરદાર હોય કે ગાંધી, આંબેડકર હોય કે નહેરુ..