Tuesday, November 21, 2017

જ્ઞાતિવાદનું રાજકારણ અને આપણે

ચૂંટણી નજીક આવે એટલે જ્ઞાતિવાદી ઓળખોને નવેસરથી ધાર નીકળે છે. આ વખતની ચૂંટણીમાં સત્તાધારી ભાજપની સામે ઉભા થયેલા ત્રણેય પડકારોની પ્રાથમિક ઓળખ જ્ઞાતિઆધારિત છે. તેના લીધે સોશિયલ મીડિયા પર અને તેની બહાર વારંવાર એવું શાણપણ સાંભળવા મળે છે કે ‘જ્ઞાતિવાદ ને એવું બધું ખોટું કહેવાય. જ્ઞાતિવાદી રાજકારણનો વિરોધ કરવો જોઈએ.’

આવું કહેનારાના મુખ્ય બે પ્રકાર પાડી શકાયઃ એક એવા, જેમને ભાજપ સામેના કોઈ પણ પડકાર સામે વાંધો પડે છે. તેમની વફાદારી કે તેમનો ઝુકાવ સત્તાધારી પક્ષ તરફ છે. આ લાગણીને સૈદ્ધાંતિક સ્વરૂપ આપીને, તેને વધુ સ્વીકૃત બનાવવા માટે તે જ્ઞાતિવાદના વિરોધનું ઓઠું રચે છે. બીજા લોકો એવા છે, જે રેતીમાં માથું ખોસીને, આસપાસની વાસ્તવિકતા નજરઅંદાજ કરીને, હવામાં આદર્શવાદના ઉપદેશ આપે છે. આ લોકો માને છે કે તેમના ઇન્કારથી વાસ્તવિકતા બદલાઈ જશે--ચાહે તે વાસ્તવિકતા જ્ઞાતિ આધારિત ભેદભાવો વિશેની હોય કે રાજકીય પક્ષોની દાનત વિશેની.

એમ તો ત્રીજો પણ એક પ્રકાર છે. તે જ્ઞાતિ આધારિત ભેદભાવને રાજકીયને બદલે સામાજિક સમસ્યા ગણાવે છે અને ચૂંટણી સિવાય પણ જ્ઞાતિ આધારિત ભેદભાવ વિશે ધ્યાન દોરતો રહે છે. પરંતુ તેમની વાતને અવગણવામાં આવે છે અથવા ‘ચોર કોટવાળને દંડે’ પ્રમાણે, તેમની પર એવો આરોપ થાય છે કે ‘તમે આવી વાતો કરો છે, એટલે જ જ્ઞાતિવાદ વધે છે. બાકી, લોકો તો આ બધું ક્યારના ભૂલી ચૂક્યા છે.’

અલ્પેશ, હાર્દિક અને જિજ્ઞેશ--આ ત્રણે ભાજપવિરોધના મુદ્દે એકમત છે. એ સિવાય તેમની માગણીઓ અને આકાંક્ષા જુદાં છે. તેમાં જ્ઞાતિવાદનું તત્ત્વ કેટલું અને સમાજની ચિંતાનું તત્ત્વ કેટલું, એ વિવાદનો વિષય છે. પરંતુ આ ત્રણે પર અથવા તો ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પર જ્ઞાતિવાદી રાજકારણનો આરોપ મુકનારા લોકો પોતે જ્ઞાતિના મુદ્દે કેવું વલણ ધરાવે છે?

એ તપાસતાં પહેલાં વધુ એક સચ્ચાઈઃ રાજકીય પક્ષો ગમે તેવા દાવા કરે કે ગમે તેટલી સુફિયાણી વાતો કરે, તેમને માત્ર ને માત્ર જીત વહાલી હોય છે. એ માટે જે કરવું પડે એ કરવા માટે બધા રાજકીય પક્ષો તૈયાર હોય છે. તેમાં જ્ઞાતિનું સમીકરણ મુખ્ય હોય છે. સેક્યુલરિઝમની કે હિંદુત્વની, વિકાસની કે ગાંડા વિકાસની--આ બધી વાત કરનારાને ઉમેદવાર પસંદ કરવાના આવે ત્યારે મંડાતા હિસાબ મુખ્યત્વે જ્ઞાતિગણિતના હોય છે. તેમાં પાવરધા હોય એવા વ્યૂહબાજોને ‘ચાણક્ય’નાં બિરુદ પણ અપાય છે. (બિચારા ચાણક્ય) આવા વ્યૂહખોરોની ઘણી મહાનતા એ ગણતરીમાં સમાયેલી હોય છે કે કયા વિસ્તારમાં કઈ જ્ઞાતિઓ સંખ્યાની (મતની) રીતે પ્રભાવી છે અને એવાં પ્રભાવી જ્ઞાતિજૂથોના મતોના સરવાળા કેવી રીતે પાર પાડવા?

ઘણી બેઠકો પર બંને પક્ષો એક જ જ્ઞાતિના બે ઉમેદવાર પક્ષીય વફાદારીના ધોરણે સામસામા ઉભા કરે છે, ક્યાંક પ્રતિસ્પર્ધીના જ્ઞાતિઆધારિત મત તોડવા માટે તેની જ જ્ઞાતિના ત્રીજા ઉમેદવારને ઉભો કરવામાં આવે છે, તો ક્યારેક ચૂંટણી પહેલાં આવી પ્રભાવી જ્ઞાતિસમુહના આગેવાનોને પલાળીને તેમનો પક્ષપલટો કરાવવામાં આવે છે--અને આ બધું કર્યા પછી એવો ભ્રમ પ્રસરાવવામાં આવે છે કે ‘તુષ્ટિકરણ’ તો ફક્ત મુસ્લિમોનું જ થઈ શકે અને ‘વોટબેન્કનું રાજકારણ? એ તો સામેવાળાનું કામ.’

હકીકતમાં, બંને પક્ષો વિવિધ સમુદાયોની વોટબેન્ક પર કબજો જમાવવા ધમપછાડા કરે છે. એવું કરવામાં સફળતા મળે, તો તેને ‘સોશિયલ એન્જિનિયરિંગ’ જેવા રૂપાળા નામે ઓળખાવવામાં આવે છે. ગુજરાતના રાજકારણમાં ભૂતકાળમાં ‘પક્ષ’ (પટેલ-ક્ષત્રિય), KHAM(ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) જેવાં ‘સોશિયલ એન્જિનિયરિંગ’નાં ઉદાહરણ નોંધાયેલાં છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ખ્યાત ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નહીં આપવા માટે પંકાયેલો છે.

જાગ્રત નાગરિકો નહીં, પણ રાજકીય પક્ષ વોટબેન્કના રાજકારણનો વિરોધ કરે, ત્યારે એ વિરોધ પોતે જુદા પ્રકારના વોટબેન્કના રાજકારણનો હિસ્સો હોય છે. ગુજરાતમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદય બાદ જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવી ગયો, એવું ઘણા માને છે.  તેમને કાં ખબર નથી અથવા યાદ નથી કે પછી યાદ રાખવાની ઇચ્છા નથી કે ભૂતકાળમાં અનેક વાર નરેન્દ્ર મોદીની પ્રસ્તુતિ ‘ઓબીસી નેતા’ તરીકે થઈ ચૂકી છે.

પરંતુ મુખ્ય સવાલ નરેન્દ્ર મોદીનો કે ભાજપ-કોંગ્રેસનો નથી. તેમની પર જ્ઞાતિવાદના રાજકારણ માટે એક આંગળી ચીંધતી વખતે બાકીની આંગળીઓ આપણી તરફ તકાયેલી નથી? એ લોકો જ્ઞાતિવાદનું રાજકારણ રમે છે. કારણ કે, એમ કરવાથી તેમને સફળતા મળે છે.

શા માટે સફળતા મળે છે? કારણ કે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે છે.
આ રાજકારણ ક્યાં ચાલે છે? અને તેને કોણ ચલાવે છે?
જવાબઃ એ રાજકારણ સમાજમાં ચાલે છે. તેને ચલાવનારા આપણે છીએ.

આપણને જ્ઞાતિવાદ બહુ ફાવે છે, તેમાં બહુ સારું લાગે છે. એટલે રાજકીય પક્ષો આપણને એ રમકડે રમાડે છે. આપણે વિચારપુખ્ત અને સમજુ હોત, તો આપણી વાસ્તવિક સમસ્યાઓ વિશે ચિંતિત હોત અને તેના ઉકેલ શોધતા હોત. પણ બહુમતી લોકોને જ્ઞાતિની ઓળખમાં અને તેના ગૌરવમાં ‘કીક’ આવી જાય છે. ઇતિહાસનો સાદો બોધપાઠ એ સમજતા નથી.  દાખલા તરીકે,  રાજાશાહી દરમિયાન મુસ્લિમ શાસકોના રાજમાં મોટા ભાગના મુસ્લિમોનું જીવનધોરણ સુધરી ગયું ન હતું. અત્યારે તો રાજાશાહી નહીં, લોકશાહી છે. તેમાં કોઈ એક જ્ઞાતિ કે સમુદાયના થોડા લોકો નેતા થઈ જાય, તેનાથી એ સમાજનો સામાન્ય માણસ કેવી રીતે ઉપર આવી જશે? એક દલિતનું રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે યુજીસીના અધ્યક્ષ બનવું અત્યંત આવકાર્ય હોવા છતાં જરાય પૂરતું નથી--અને ફક્ત એટલાથી દલિતોનો ઉદ્ધાર થઈ ગયો કે થઈ જશે, એવું માની લેવાની જરૂર નથી.

એવી જ રીતે, ભારતનું બહોળું જ્ઞાતિવૈવિધ્ય વિધાનગૃહોમાં જોવા મળે, તે આવકાર્ય છે, પરંતુ અમુક જ્ઞાતિના લોકો વિધાનસભામાં પહોંચે એટલા માત્રથી એ જ્ઞાતિના સામાન્ય માણસનો ઉદ્ધાર થઈ જશે, એવી ગેરસમજણમાં રહેવાની જરૂર નથી. આપણે, નાગરિકોએ, સમજવું પડશે કે જ્યાં સુધી આપણે જ્ઞાતિની ઓળખોમાં, વાડાબંધીમાં ને મિથ્યાભિમાનમાં રાચીશું, તેમાં જ આપણી ઇતિશ્રી માનતા રહીશું, ત્યાં સુધી ફાવેલાઓ વધુ ફાવતા રહેશે ને રહી ગયેલાઓ વધુ ને વધુ ખૂણામાં ધકેલાતા રહેશે

--અને એ દોષનો બધો ટોપલો રાજનેતાઓના માથે ઢોળી નહીં શકાય. કેમ કે, તેમનું જ્ઞાતિવાદી રાજકારણ મહદ્ અંશે આપણી જ જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રતિબિંબ-કમ-પરિણામ હશે.

3 comments:

  1. આપે ખૂબ સરસ વાત મૂકી છે કે
    અમુક જ્ઞાતિના લોકો વિધાનસભામાં પહોંચે એટલા માત્રથી એ જ્ઞાતિના સામાન્ય માણસનો ઉદ્ધાર થઈ જશે, એવી ગેરસમજણમાં રહેવાની જરૂર નથી.

    ReplyDelete
  2. બિલકુલ સાચું. હું ગણી વાર આપણા મંતવ્યો સાથે સહેમત નથી થતો પણ અહી તો પૂરો આઓની સાથેજ છું. રાજકારણીઓ આપણું અને સમાજનું પ્રતિબિંબ પડે છે. ગાંધીજી જેવા કોઈ વીરલા જ સમાજને બદલાવવા નું બીડું ઝડપી શકે છે.ખુબ ખુબ આભાર

    ReplyDelete
  3. Anonymous7:25:00 AM

    Urvishbhai,
    Absolutely right, every sentence of your article is true.
    Thanks,
    Manhar Sutaria

    ReplyDelete