Thursday, February 11, 2016

ચટણી : પૂર્વનું પ્રવાહી સોનું

પેટ્રોલિયમને જેમ કાળું સોનુંકહેવામાં આવતું હતું ને ડ્રગ્સને ખાનગી રાહે કદાચ સફેદ સોનુંકહેવાતું હશે, એવી રીતે સ્વાદપ્રેમીઓ ચટણીને પ્રવાહી સોનુંકહી શકે. તેની કિંમત સોના જેટલી તો શું, સોનાના ઢોળ જેટલી પણ નથી. છતાં, બધી વખતે કિંમત ન ગણાય. ક્યારેક મૂલ્ય પણ વિચારવું પડે. કોઇને ગાંઠિયાની કે ગોટાની કે ખમણની ચટણીવિહોણી એક ડિશ આપી જુઓ. પ્લેટમાં આવો નાસ્તો જોઇને માણસનો ચહેરો એકદમ ખીલી ઉઠશે, પણ જો તેનો પિંડ સ્વાદુ હશે તો  બીજી જ ક્ષણે તેની નજર પ્લેટમાં ચટણી શોધવા લાગશે. વાઇફાઇ ચાલુ કર્યા પછી સિગ્નલ માટે ફાંફાં મારતા સ્માર્ટફોન કે કમ્પ્યુટરની જેમ, થોડી ક્ષણો ચૂપચાપ મહેનત કર્યા પછી એ પૂછશે,‘ચટણી નથી?’ જવાબ નકારમાં મળશે, તો તેનો ચહેરો નિઃસાસાનો પર્યાય બની જશે. કોઇ બોલી નાખશે ને કોઇ વિવેકમાં ચૂપ રહેશે, પણ મનનો ભાવ એક જ હશે : ધૂળ પડી તમારા ફરસાણમાં, જો તેની સાથે હોવી જોઇએ અને તેને સંપૂર્ણતા બક્ષતી ચટણી નથી.

સ્વાદ બાબતે વધુ પડતી સહિષ્ણુતા ધરાવતા લોકોને આવી વાતોથી ભલે કશો ફેર ન પડતો હોય, પણ જેમની જીભ બોલવા સિવાયનાં કામમાં પણ ચાલતીહોય (વર્કિંગના અર્થમાં) તેમનું બિનસત્તાવાર સૂત્ર હોય છે : ગોળ વિના મોળો કંસાર, ચટણી વિના સૂનો સંસાર.ચટણી વિશે આદરવચન સાંભળીને કોઇ મોં મચકોડે, તો ચટણીપ્રેમીઓએ દુઃખી ન થવું. દરેક બાબતને રૂપિયાના ત્રાજવે તોળતા ઘણા લોકો, ચટણી મફત મળે છે એટલા કારણથી તેનું મૂલ્ય પિછાણીપ્રમાણી શકતા નથી. બાકી, ઘણી દુકાનોની વાનગીઓ કરતાં તેની ચટણી વારે વખણાતી હોય છે. ત્યાં લોકો વાનગી સાથે ચટણી નહીં, ચટણી માટે વાનગી ખાતા હોય છે. જેમ કે, લારી પર વેચાતી ચોળાફળી અને તેની સાથે આવતી ફુદીનાની લીલી ચટણી. ઘણા આ ચટણીના એવા આશિક હોય છે કે તે ચટણી ફાફડામાં બોળીને’  ખાતા હોય એવું લાગે. લારી પરથી તે ચોળાફળી ખરીદે ત્યારે તેની સાથે મફત આવતી ચટણીનું પ્રમાણ એટલું થઇ જાય કે ત્રાજવે તોળવામાં આવે તો કદાચ ચોળાફળી કરતાં ચટણીનું પલ્લું નમી જાય.

ચોળાફળીની ચટણી તીખાશની રીતે જ નહીં, ભૂમિકાની દૃષ્ટિએ પણ મિડીયમ’(માધ્યમ) હોય છે. માર્શલ મેક્‌લુહાનને નહીં વાંચવા છતાં લારીવાળા-દુકાનવાળા જાણે છે કે આ મામલો મિડીયમ ઇઝ મેસેજ’ (માધ્યમ એ જ સંદેશો--એટલે કે મુખ્ય ચીજ છે) પ્રકારનો છે. એટલે તે ચોળાફળીના વજનમાં કરકસર કરે તો કરે, પણ ચટણી ભરવામાં કચાશ દાખવતા નથી.

ચટણી હક છે કે ફરજ, એ ગંભીર ચર્ચાનો મુદ્દો છે. જે રીતે દરેક વાતે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજીઓ (PIL) થઇ રહી છે એ જોતાં, નજીકના ભવિષ્યમાં આ મુદ્દે પણ PIL થઇ શકે. આ શક્યતાને હસી કાઢવાને બદલે, બંધારણીય દૃષ્ટિથી વિચાર કરતાં જણાશે કે અદાલતે કન્સ્ટિટ્યુશનલ બૅન્ચ બેસાડવી પડે, એવો આ કેસ છે. ફરસાણ વેચનારા માને છે કે ચટણી આપવી એ માર્ગદર્શક સિદ્ધાંતછે, જેનો અમલ ઇચ્છનીય હોવા છતાં ફરજિયાત નથી. તેમની બંધારણીય સમજ સાથે મોટા ભાગના ગ્રાહકો સંમત નથી. ગ્રાહકોને લાગે છે કે ચટણી આપવી એ ફરસાણવાળાની ફરજ અને ચટણી મેળવવી એ ખરીદનારનો હક છે. નાગરિક ભૂમિકાએથી દેશમાં બીજા સંઘર્ષ ભલે ઓછા થાય કે ન થાય, પણ આ મુદ્દે વખતોવખત નાનાંમોટાં ઘર્ષણ થતાં રહે છે. અલબત્ત, હજુ સુધી દેશમાં ક્યાંય ચટણી સત્યાગ્રહનોંધાયો નથી, એ સૂચવે છે કે આ દેશમાં ગાંધીમૂલ્યોનો વારસો લુપ્ત થઇ ચૂક્યો છે.

ફરસાણવાળા મોંઘવારીની દુહાઇ આપવાથી માંડીને ગ્લોબલાઇઝેશનના જમાનામાં વધારે ચટણી માગવી એ ડાઉન માર્કેટ’  ચેષ્ટા છે, એવું ગ્રાહકોને સમજાવવાની કોશિશ કરે છે. એ સાંભળીને સરકારી વ્યાખ્યા પ્રમાણે વિકાસપામેલા  ગ્રાહકો ચૂપચાપ ચાલતી પકડે છે, પણ સ્વ-રાજનો મિજાજ ધરાવતા કેટલાક ટિળક મહારાજના આધુનિક અનુયાયી બની જાય છે અને ચટણીને જન્મસિદ્ધ હક ગણાવીને, ‘એ અમે મેળવીને જ જંપીશું’  એવો ટંકાર કરે છે. સારું છે, ફરસાણવાળા હજુ સરકારોના રવાડે નથી ચડ્યા. બાકી, તે પોતાના હકની ચટણી માગનારા સામે વિકાસદ્રોહનો ગુનો દાખલ કરાવે.

નાગરિકસમાજની જ વાત માંડી છે તો નોંધવું જોઇએ કે ભારતમાં રાજકારણનો ભલે ધર્મ સાથે વિચ્છેદ ન થયો, પણ ચટણી અને ધર્મ વચ્ચે સંપૂર્ણ અલગાવ જોવા મળે છે. અખંડ ભારતનાં (દીવા)સ્વપ્ન જોનારાને પણ ઢોકળાં સાથે લીલી ચટણી ખાવામાં કશો વાંધો પડતો નથી. એવી જ રીતે, સંઘ પરિવારના રાજકારણના પ્રખર વિરોધીઓ કેસરી ઝાંય ધરાવતી ખાટીમીઠી ચટણી હોંશે હોંશે ખાઇ શકે છે. પ્રખર સ્વાદપ્રેમી અને પ્રખર રાષ્ટ્રભક્ત એવા લોકોને ખાટીમીઠી ચટણી, દહીંની ચટણી અને ધાણા-ફુદીનાની ચટણીથી બનેલો ત્રિરંગો ફરફરતો હોય એવાં સપનાં આવી શકે છે.

કેટલાક ફરસાણવાળા ચટણીપરંપરાને રૂઢિગણીને, રૂઢિદાસ્યને તાબે થવાનો ઇન્કાર કરે છે. તેમની દુકાનેથી ફરસાણનું પડીકું લીધા પછી અજાણ્યો ગ્રાહક ચટણી માગે, ત્યારે દુકાનદાર એવું મોં કરે છે, જાણે ગ્રાહકે કોકેઇન કે હૅરોઇન માગ્યું હોય. રાજા રામમોહન રાય જે રીતે કહે કે હું સતીપ્રથામાં માનતો નથી’, કંઇક એવા જ અંદાજમાં અમુક દુકાનદારો કહે છે, ‘અમે ચટણીમાં માનતા નથી. અમારું ફરસાણ એવું હોય છે કે તેમાં ચટણીની જરૂર જ નહીં પડે.આમ કહીને, ચટણી આપનારા ફરસાણિસ્ટોના માથે અણઆવડતનું આળ મૂકીને, તે ગ્રાહકના હાથમાં ચટણી વગરનું પડીકું પકડાવી દે છે.

મથાળામાં ચટણીને પૂર્વના ગૌરવ તરીકે ઓળખાવી છે. કેમ કે, પશ્ચિમના લોકોને પૂર્વમાં ભોજનમાં વપરાતાં બધાં પ્રવાહી ચટનીકે કરીલાગે છે. એમને બિચારાને પૌર્વાત્ય ચટણીવૈવિઘ્ય વિશે અંદાજ સુદ્ધાં નથી હોતો. પશ્ચિમે પૂર્વ પાસેથી ઘણું શીખવાનું છે’- એવું કહેવામાં આવે ત્યારે ઊચ્ચ ભાવનાધારીઓને લાગે છે કે અધ્યાત્મની વાત ચાલે છે. હકીકતમાં એ  વિધાન પૌર્વાત્ય ચટણીને પણ લાગુ પડે છે. પૂર્વ પાસેથી પશ્ચિમ અધ્યાત્મ શીખે કે ન શીખે, ‘ચટનીશીખી ચૂક્યું છે. (અંગ્રેજી ભાષા સહિત) કોઇ પણ ચીજના પૂર્વીકરણ વિશે કે ભેળસેળીયા પણા વિશે એટલે તો ચટનીફાઇડજેવો અંગ્રેજી શબ્દ બાકાયદા વપરાય છે.

કોણે કહ્યું કે ચટણીમાં અઘ્યાત્મ ને ચિંતન નથી? ચિંતનમાં ચટણી હોય તો ચટણીમાં ચિંતન શા માટે નહીં? ચટણી વાસ્તવમાં અભિમાનરહિત અવસ્થાનું પ્રતીક છે. કોઇનું ગર્વખંડન થાય ત્યારે તેની ચટણી બનાવી દીધીએવું કહેવાય છે. અભિમાન વગરની મનોસ્થિતિ અધ્યાત્મની દૃષ્ટિએ ઉચ્ચ ગણાય છે. આમ, વૃત્તિ હોય તો ચટણી થકી ફક્ત સ્વાદમાર્ગે જ નહીં, સ્વકલ્યાણ અર્થે અઘ્યાત્મમાર્ગે પણ પ્રવાસ કરી શકાય છે.

2 comments:

  1. Anonymous12:00:00 AM

    ચટણી જેવો જ લિજ્જતદાર લેખ. નવો શબ્દ ફરસાણિસ્ટ મળ્યો. અમિત શાહ ઈસનપુર

    ReplyDelete
  2. હા હા !! ચટણી ચટણી કરીને સારી એવી ફીરકી લયી લીધી ઘણા બધા અતિગંભીર વિષયો ઉપર. ખરેખર બહુ મજા પડી વાંચવાની. જે બાબતો ઉપર હું રોષવાચક વાક્યો સિવાય ચર્ચા નથી કરી શકતો એ તમે unoffensive રીતે અને પાછી રમુજપુર્વક રજુ કરી શકો છો. તમારો બ્લોગ વાંચીને મને સંચાર વ્યવહારમાં(communication) ઘણો ફાયદો થયો છે.

    ReplyDelete