Wednesday, February 10, 2016

શહીદોને ‘નિર્દોષ’ ઠરાવવાની મથામણ

ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુ- આ ક્રાંતિકારી ત્રિપુટીને  અખંડ ભારતના લાહોરમાં 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી. તેના આઠ દાયકા પછી ભગતસિંઘને લાહોર કાવતરા કેસમાં નિર્દોષ પુરવાર કરવા માટેની મથામણ ચાલી રહી છે--અને એ પણ પાકિસ્તાનમાં.

આનંદની વાત એ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે દેખીતી દુશ્મનાવટ છતાં, શહીદ ભગતસિંઘની સ્મૃતિને બન્ને દેશોના કેટલાક લોકો સહિયારી ગણે છે. લાહોરમાં ભગતસિંઘ મૅમોરિયલ ફાઉન્ડેશનચાલે છે. તેના અધ્યક્ષ ઍડવોકેટ ઇમ્તિઆઝ કુરેશીએ આઠ દાયકા જૂના કેસમાં ભગતસિંઘને કાનૂની રાહે નિર્દોષઠરાવવા માટે પાકિસ્તાની અદાલતમાં દાદ માગી છે.

ભગતસિંઘ અને તેમના સાથી બટુકેશ્વર દત્તની ધરપકડ ગુલામ ભારતની સંસદ (વડી ધારાસભા)માં બૉમ્બ ફેંકવાના આરોપસર થઇ હતી. તેમણે ફેંકેલા બૉમ્બ બહેરી સરકારના કાને ઇન્કિલાબનો અવાજ પહોંચાડવા માટેનાહતા. એ બૉમ્બ નુકસાન કે જાનહાનિ કરે એવા ન  હોવાનું ત્યારના વાઇસરૉય ઇરવિને પણ સ્વીકાર્યું હતું. ભગતસિંઘ-દત્તે બૉમ્બ ફેંકીને ભાગી જવાને બદલે, સામે ચાલીને ધરપકડ વહોરી. તેમને મૃત્યુ કે કાળા પાણીની સજા થાય એવો એ કેસ ન હતો. પણ લાહોરમાં થયેલી અંગ્રેજ પોલીસ કર્મચારી સૉન્ડર્સની હત્યામાં તેમની સંડોવણીની વાત ખુલતાં મામલો ગંભીર બન્યો.

લાહોર કાવતરા કેસ તરીકે ઓળખાયેલો એ મુકદ્દમો શરૂઆતમાં સામાન્ય રાહે ચલાવવાનો પ્રયાસ થયો, પણ ભગતસિંઘ અને ક્રાંતિકારીઓની લોકપ્રિયતાનો ચઢતો જુવાળ જોઇને, તેમને ફાંસીએ ચડાવી દેવાની અંગ્રેજ સરકારને જાણે ઉતાવળ પેઠી. વાઇસરોયના ખાસ વટહુકમથી ત્રણ ન્યાયાધીશોની ટ્રિબ્યુનલ બની. આરોપીઓની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવી શકાય અને ટ્રિબ્યુનલના ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ ન કરી શકાય, એવી અન્યાયી જોગવાઇઓ વટહુકમમાં હતી. વડી ધારાસભામાં મહંમદઅલી ઝીણા અને મોતીલાલ નેહરુ સહિતના નેતાઓએ ભગતસિંઘની તરફેણમાં અને વટહુકમના વિરોધમાં નિષ્ફળ છતાં જાનદાર રજૂઆતો કરી. ન્યાયના નામે કરુણ ફારસ માટે કટિબદ્ધ ટ્રિબ્યુનલે કહેવા પૂરતો કેસ ચલાવીને ભગતસિંઘને ફાંસીની સજા આપી. આઠ દાયકા જૂના એ ચુકાદાને લાહોરના ઍડવોકેટ કુરેશીએ પડકાર્યો છે.

કુરેશી ઇચ્છે છે કે ભગતસિંઘ પર લાગેલું અપરાધીનું લેબલ દૂર થાય, તેમની સાથે સંકળાયેલા મકાનમાં મ્યુઝીયમ બને અને ભગતસિંઘને સરકાર તરફથી મરણોત્તર સન્માન મળે. વર્ષ ૨૦૧૩માં લાહોર હાઇકોર્ટના એક ન્યાયાધીશે કુરેશીની રજૂઆત સાંભળ્યા પછી સૂચવ્યું કે આ કેસ વધુ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ મુકાવો જોઇએ. એટલે બે ન્યાયાધીશોની બેન્ચ બનાવવામાં આવી. તેમની સમક્ષ ૩ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ  કેસની સુનાવણી થઇ ત્યારે એવો મુદ્દો આવ્યો કે ભગતસિંઘને સજા ત્રણ ન્યાયાધીશોની બનેલી ટ્રિબ્યુનલે આપી હતી. માટે તેના વિશે પુનર્વિચાર કરવા (ભગતસિંઘને સત્તાવાર રીતે, મરણોત્તર નિર્દોષ જાહેર કરવા) માટે ત્રણથી વધુ ન્યાયાધીશોની બેન્ચ નીમાવી જોઇએ. બે વર્ષ પહેલાં એવા સમાચાર પણ આવ્યા હતા કે લાહોરના અનારકલી પોલીસ સ્ટેશનમાંથી મળેલી સૉન્ડર્સની હત્યાની મૂળ એફ.આઇ.આર.માં ભગતસિંઘનું નામ નથી. માટે ભગતસિંઘના નિર્દોષસાબીત થવાની શક્યતાઓ ઊજળી છે.

ભગતસિંઘને નિર્દોષ પુરવાર કરવાના પ્રયાસો પાછળની  ઉમદા ભાવના પ્રત્યે પૂરા માન સાથે એવો સવાલ થાય કે તેમાં આટલાં સમય-શક્તિ ખર્ચવાની જરૂર છે ખરી? કેટલાંક કારણ :

૧) એ.જી.નુરાણીએ ૧૯૯૬માં લખેલા અભ્યાસપૂર્ણ પુસ્તક ધ ટ્રાયલ ઑફ ભગતસિંઘની વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે અંગ્રેજોને ભગતસિંઘના મુદ્દે ન્યાય તોળવામાં કશો રસ ન હતો. શરૂઆતમાં ટ્રિબ્યુનલમાં બે અંગ્રેજની સાથે એક ભારતીય (જસ્ટિસ આગા હૈદર) ન્યાયાધીશ પણ હતા. તે સ્વંતત્ર મિજાજના હોવાથી તેમને અધરસ્તે દૂર કરી દેવાયા. આવી ટ્રિબ્યુનલના ચુકાદાથી ભગતસિંઘના જીવનનો અકાળે, આઘાતજનક અંત આવ્યો, પરંતુ તેમની સ્મૃતિને-તેમની સાથે સંકળાયેલા આદરને ટ્રિબ્યુનલનો ચુકાદો જરાય કલંકિત કરી શક્યો નથી.  દોષીના ચુકાદાથી કશો ફેર પડ્યો નથી--પડવાનો પણ નથી. તો આટલાં વર્ષે તેમને નિર્દોષ ઠરાવવાની --અને એ માટે અત્યારની અદાલતોની મદદ લેવાની વાત સમજાય એવી નથી.

૨) લાહોર હાઇકોર્ટની પાંચ ન્યાયાધીશોની બેન્ચ ભગતસિંઘને નિર્દોષ જાહેર કરે તો કશો ફેર પડવાનો નથી, પણ દોષી જાહેર કરીને, તેમને ફાંસીને બદલે તેનાથી હળવી સજા માટે યોગ્ય ઠરાવે તો? એ વિચિત્ર સ્થિતિ ન કહેવાય?

૩) સોન્ડર્સ હત્યાની એફઆઇઆરમાં ભગતસિંઘનું નામ ન હોય, તે બિલકુલ સમજાય એવું છે. સોન્ડર્સ પર હુમલો થયો ત્યારે ભગતસિંઘ સહિતના ક્રાંતિકારીઓ અજાણ્યા યુવાન હતા. તેમનાં નામ કે ચહેરાથી પણ પોલીસ કે સાક્ષીઓ તેમને ઓળખતા ન હતા. ચારેક મહિના પછી તેમણે વડી ધારાસભામાં બૉમ્બ ધડાકો કર્યો (અને તે પહેલાં દિલ્હીના એક સ્ટુડિયોમાં તેમની વિખ્યાત બનેલી હૅટવાળી તસવીર ખેંચાવી) ત્યાર પછી તેમની ઓળખો જાહેર બની.

૪) જેલમાં અને અદાલતમાં ભગતસિંઘનો મોટા ભાગનો સંઘર્ષ રાજકીય કેદી તરીકેના દરજ્જા અને તેને અનુરૂપ વર્તણૂંક માટે હતો. સૉન્ડર્સની હત્યાનો ઇન્કાર તેમણે કર્યો નથી. એક સમયે તેમના સાથી અને પછી પોલીસના સાક્ષી બની ગયેલા જયગોપાલે આખા કાવતરા વિશે બયાન આપ્યું હતું. નુરાણીએ પુસ્તકમાં જયગોપાલના નિવેદનની અને નેશનલ આર્કાઇવ્ઝમાં સચવાયેલી તેની નકલની વાત લખી છે. એ નકલમાં  સુખદેવે જયગોપાલના જૂઠા દાવા સામે હાંસિયામાં સાચી હકીકત લખી હતી. પરંતુ સૉન્ડર્સને પહેલાં રાજગુરુએ અને પછી ભગતસિંઘે ગોળીઓ મારી હતી, એ વિશે સુખદેવે કોઇ શંકા કરી નથી. નુરાણીએ નોંઘ્યું છે કે ભગતસિંઘે અને રાજગુરુએ સૉન્ડર્સને ઠાર કર્યો હતો, એ વાતને આજે કોઇ ઇતિહાસકાર પડકારતા નથી...ખરો મુદ્દો મુકદ્દમાના ન્યાયીપણાનો છે.’ (પૃ.૧૮૬, ધ ટ્રાયલ ઑફ ભગતસિંઘ)

ભગતસિંઘ સામે થયેલી અદાલતી કાર્યવાહીમાં ન્યાયતંત્રના મૂળભૂત સિદ્ધાંતો નેવે મૂકી દેવાયા હતા, એ નિર્વિવાદ અને સ્થાપિત થયેલી હકીકત છે. ભગતસિંઘની સ્મૃતિ માટે એટલું પૂરતું છે. તેમને નિર્દોષસાબીત કરવાના પગલાથી ઉલટું નવો અને અનિચ્છનીય ચીલો પડે એમ છે.  ગયા અઠવાડિયે અમર શહીદ સુખદેવ વેલફેર સોસાયટીનાપ્રમુખ અને તેમના કુટુંબી વિશાલ નૈયરે સુખદેવનો કેસ નવેસરથી ખોલવાની સરકાર સમક્ષ માગણી કરી છે અને એ માટે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.

એમ તો, ટિળક- ગાંધીથી માંડીને ઘણા નેતાઓ સત્તાવાર રીતે ગુનેગાર ઠર્યા હતા. ઇતિહાસમાં ખોટી રીતે દોષી ઠરાવાયેલા અને લોકનજરમાં સન્માનનીય ગણાતા કેટલા લોકોના કેસ સત્તાવાર નિર્દોષતાસિદ્ધ કરવા માટે ફરી ખોલાવવા? એને બદલે, શહીદોની સ્મૃતિ વર્તમાન રાજકારણમાં ન રગદોળાય અને જે સ્વપ્ન માટે તેમણે બલિદાન આપ્યું, એ સાકાર કરવાની દિશામાં એકાદ ડગલું પણ ભરાય તો ઘણું.


2 comments:

  1. Anonymous8:28:00 AM

    Thanks for sharing through blog the pages of our rich history, common proprietory.

    ReplyDelete
  2. ચંદુ મહેરિયા4:37:00 PM

    આવી અદાલતી કાર્યવાહીના અંતે જે ચુકાદો આવે તેખરો પણ ખરા દોષિત એવા અંગ્રેજો જાહેર માફી માંગે એટલું થાય તો ય ઘણું.

    ReplyDelete