Monday, February 29, 2016

ટાગોર, ગાંધી અને રાષ્ટ્રવાદ

Tagore- Gandhi
રાષ્ટ્રવાદની ચાલુ મોસમમાં--કે ચાલુ રાષ્ટ્રવાદની આ મોસમમાં--આશરે એકાદ સદી પહેલાં રવીન્દ્રનાથ ટાગોરે વ્યક્ત કરેલા વિચાર તપાસવા જેવા છે. તેમણે લખ્યું હતું,‘આ રાષ્ટ્રપરાયણ દેશભક્તિ...ટોળીવાદનો છેલ્લામાં છેલ્લો અને જંગલીમાં જંગલી આવિર્ભાવ છે. એને જો નિયંત્રિત કરવામાં નહીં આવે, પાછો હઠાવવામાં નહીં આવે અને અંતે તેનો નાશ કરવામાં નહીં આવે તો એ જરૂર માનવજાતનો નાશ કરશે.

રાષ્ટ્રવાદનાં લક્ષણ રવીન્દ્રનાથે પારખ્યાં ત્યારે તેમની મુખ્ય ટીકા રાષ્ટ્રવાદના નામે સામ્રાજ્યવાદનો ફેલાવો કરનારાં કે હિંસક લોભના ચરણે બેસનારા દેશો સામે હતી. પોતાનું રાષ્ટ્ર મહાન અને તેની મહાનતાને વધારવા માટે યુદ્ધ કરવાં પડે તો એ યુદ્ધ નૈતિક-આધ્યાત્મિક પ્રવૃત્તિ ગણાયએવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. અંગ્રેજોનો લોભિયો હિંસક સામ્રાજ્યવાદ, જાપાનનો ઘાતકી હિંસક શાહીવાદ, ઇટાલીના મુસોલિનીનો ફાસીવાદ, જર્મનીમાં હિટલરનો નાઝીવાદ--આ બધાના ભયંકર ચહેરા પર રાષ્ટ્રવાદનું રૂપાળું મહોરું હતું. પોતાનાં બધાં પાપને, બધાં અનિષ્ટોને તે રાષ્ટ્રવાદના નામે વાજબી ઠેરવતા, એટલું જ નહીં, તેની નવા ધર્મની માફક ઉજવણી કરતા. એટલે રવીન્દ્રનાથે લખ્યું, ‘જે પ્રજાઓ દેશભક્તિના ધર્મ તરીકે ખંતપૂર્વક નૈતિક અંધતા કેળવે છે તેઓ એકાએક કમોતે મરશે...જ્યાં પશ્ચિમના રાષ્ટ્રવાદની ભાવના પ્રવર્તે છે ત્યાં આખી પ્રજાને બાળપણથી બધી જાતનાં સાધન દ્વારા, ઇતિહાસમાં અર્ધજૂઠાણાં ઊભાં કરીને, બીજી પ્રજાઓની ચાલુ ખોટી રજૂઆતો કરીને અને તેમની પ્રત્યે પ્રતિકૂળ લાગણીઓ કેળવીને દ્વેષ અને મહત્ત્વાકાંક્ષાઓ પોષવાનું શીખવવામાં આવે છે...એ રીતે પોતાથી ભિન્ન પ્રજાઓ અને પડોશીઓ પ્રત્યે સતત અનિષ્ટની ધમકી ચાલુ રાખવામાં આવે છે. આ તો માનવતાના મૂળમાં ઝેર દીધા બરાબર છે.

ગુલામ ભારતના બંગાળ પ્રાંતમાં સામાજિક જાગૃતિની ઝુંબેશો પછી બંગાળના ભાગલા નિમિત્તે અંગ્રેજોનો વિરોધ, ‘સ્વદેશીચળવળ અને બૉમ્બનો સંપ્રદાય શરૂ થયો (જેને એ સમયે અધ્યાપક એવા અરવિંદ ઘોષનું પણ સમર્થન હતું.) પૂર્વનું--ભારતનું બઘું મહાન અને પશ્ચિમનું બઘું અનિષ્ટએ પ્રકારની મિથ્યાભિમાની લાગણીને ભારતમાં જાગેલા નવા રાષ્ટ્રવાદથી પોષણ મળવા લાગ્યું. અંગ્રેજી શાસનને બદલે અંગ્રેજોનો વિરોધ ભારતીય રાષ્ટ્રવાદનો હિસ્સો બનવા લાગ્યો. તેની સામે રવીન્દ્રનાથને વાંધો હતો. કારણ કે, તે સમગ્રપણે માનવજાતની એકતાનું સ્વપ્ન જોતા હતા.

ભાવનાશાળી અને હાડોહાડ બૌદ્ધિક એવા રવીન્દ્રનાથે લખ્યું હતું,‘હું ભારતને ચાહું છું તેનું કારણ હું ભૌગોલિક મૂર્તિપૂજામાં માનું છું અથવા હું ભાગ્યવશાત્‌ એની ભૂમિ ઉપર જન્મ્યો છું, એ નથી. પણ એનું કારણ એ છે કે એના ૠષિમુનિઓએ ઉચ્ચારેલી વાણીને એણે શતાબ્દીઓની અશાંતિ દરમિયાન સાચવી રાખી છે....ભારતની સાચી પ્રાર્થના આ છે -- જે એક છે, વર્ણવિહીન છે, અને જે વિવિધ વર્ણની પ્રજાઓનો નિહિતાર્થ જાણીને બહુ પ્રકારની શક્તિથી પૂરો પાડે છે, જે આદિથી તે અંત સુધી આખા વિશ્વને વ્યાપેલો રહે છે, તે આપણને શુભ બુદ્ધિથી સંયુક્ત કરો.

ભારતીય સંસ્કૃતિ અને તેના વારસા વિશે મોટા ભાગના રાષ્ટ્રવાદીઓકરતાં રવીન્દ્રનાથ વધારે જાણતા હતા. સ્વામી વિવેકાનંદની જેમ તેમને પણ ભારતીય સંસ્કૃતિની ખરી તાકાત તેની વૈવિઘ્યપૂર્ણ એકતામાં લાગતી હતી. એટલે, ૧૯૧૫માં નવા નવા ભારત આવેલા ગાંધીજીના વિચારોથી આકર્ષાયા છતાં, તેમની આગેવાની હેઠળ  શરૂ થયેલા અસહકારના આંદોલન સાથે ટાગોર સંમત ન હતા. તેમને લાગ્યું કે આ પ્રકારનાં નકારાત્મકઆંદોલન અનિષ્ટ પ્રકારના, સંકુચિત રાષ્ટ્રવાદને પોષણ આપશે. અહિંસક રસ્તે અને અંગ્રેજો સામે નહીં, અંગ્રેજી સત્તા સામે આંદોલન ઉપાડનારા ગાંધીજી તેમની વાત સાથે સંમત ન હતા. બહિષ્કારના દેખીતી રીતે નકારાત્મક લાગતા આંદોલન સાથે ગાંધીજીએ જે રીતે રચનાત્મક કાર્યો જોડી દીધાં હતાં, તે ટાગોરના મનમાં વસ્યાં નહીં. આ નિમિત્તે બન્ને વચ્ચે લાંબો અને જાહેર પત્રવ્યવહાર થયો. ગાંધીજીની દલીલ હતી કે તેમનો રાષ્ટ્રવાદ એકાન્તિક-સંકુચિત નહીં, પણ સર્વસમાવેશક છે.

 જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી સરનો ખિતાબ પાછો વાળનાર અને શાંતિનિકેતનની સ્થાપના કરીને અંગ્રેજી ભાષા ફગાવ્યા વિના, તેની શિક્ષણપદ્ધતિ તજી દેનાર ટાગોરનું સ્થાન કેવું હતું? અંગ્રેજો તેમને સરકારવિરોધી માનતા હતા અને ગાંધીજીના આંદોલન સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ સહિત રાષ્ટ્રવાદીઓ તેમને રાષ્ટ્રિય ચળવળના વિરોધી માનતા હતા. સંકુચિત રાષ્ટ્રવાદનો વિરોધ કરતા ટાગોરના આંતરરાષ્ટ્રિયવાદનો બંગાળમાં આકરો વિરોધ થયો. આઝાદીના આંદોલન વિશે અભિપ્રાયો આપવાની તેમની લાયકાત વિશે સવાલો ઉઠાવવામાં આવ્યા. ગાંધીજીની ચરખાપ્રવૃત્તિનો વિરોધ કરનાર ટાગોરની એટલી હદે મશ્કરી કરવામાં આવી કે બંગાળી અખબારોમાં તેમની કવિતાઓની પૅરડી (પ્રતિકાવ્યો) અને તેમના વિશેની ભદ્દી કવિતાઓ પ્રગટ થઇ. ટાગોરની તળિયાઝાટક ટીકા કરવામાં કેટલાક ગાંધીવાદીઓ અને ગાંધીસંગઠનો પણ સામેલ થયાં. કેટલાકે એવું પણ કહ્યું કે ભારત આઝાદ હોત તો રવીન્દ્રનાથનાં વક્તવ્યો બદલ તેમની સામે રાજદ્રોહનો આરોપ લગાડી દેવાયો હોત.આ બધા પ્રતિભાવો એક રીતે રવીન્દ્રનાથની ચેતવણીને સાચી ઠેરવનારા હતા. કેમ કે,  ‘વર્ણાશ્રમની જેમ રાષ્ટ્રવાદના મુદ્દે ગાંધીજીની પોતાની, વ્યક્તિગત વ્યાખ્યા ગમે તેટલી ઉદાર, અહિંસક હોય, પરંતુ એ જ વ્યાખ્યા તેમના અનુયાયીઓ અપનાવે એવું જરૂરી ન હતું.

ટાગોરના વિરોધ સામે ગાંધીજીએ આદરપૂર્વક પોતાના વિચાર મૂકવાનુ ચાલુ રાખ્યું અને તેમને વિરોધી ગણવાને બદલે પૂરક ગણાવ્યા. રાષ્ટ્રવાદીઝોકને કારણે ટૉલ્સ્ટૉય પણ ગાંધીજીથી દુઃખી થયા હોવાનું  ગાંધીચરિત્રકાર રાજમોહન ગાંધીએ નોંધ્યું છે. અલબત્ત, ટૉલ્સ્ટૉયે તેમની મર્યાદિત જાણકારીના આધારે તેને હિંદુ રાષ્ટ્રવાદગણી લીધો અને રશિયાના મિત્રોને કહ્યું કે ‘(ગાંધીના) આ રાષ્ટ્રવાદે બઘુ બગાડી નાખ્યું.અહિંસક માર્ગે પરિવર્તન અને સુધારા કરવા ઇચ્છુક ગાંધીનું એક મહત્ત્વનું ધ્યેય રાજકીય આઝાદીનું પણ હતું. એ માટે રાષ્ટ્રવાદ તેમને જરૂરી લાગ્યો. રાજમોહન ગાંધીએ લખ્યું છે કે અંગ્રેજી રાજ પહેલાં અને તેના ગયા પછી પણ ભારતમાં રહેલી હિંસા પર ગાંધીજીએ ઢાંકપિછોડો કર્યો અથવા તેને નજરઅંદાજ કરી તેની પાછળ તેમની રાષ્ટ્રવાદી લાગણી કારણભૂત હતી. ગાંધીજીએ તેમના આ (રાષ્ટ્રવાદી) ભ્રમનો સ્વીકાર કરીને કહ્યું હતું કે એ ભ્રમવિના ભારત આઝાદીની નજીક ન પહોંચ્યું હોત.

ટાગોરે ચીતરેલાં રાષ્ટ્રવાદનાં અનિષ્ટો ભલે વૈશ્વિક એકતાની લાગણી જગાડવા માટેનાં હોય, પણ તેમણે દર્શાવેલાં ભયસ્થાન દેશની અંદર--દેશના લોકો માટે સાચાં પડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું, ‘અથડામણ રાષ્ટ્રવાદનો પ્રાણ છે. પશ્ચિમના રાષ્ટ્રવાદના મૂળમાં અને કેન્દ્રમાં વિરોધ અને બીજાને જીતવાની ભાવના રહેલી છે અને તેનો પાયો સામાજિક સહકાર નથી...જેને શિકાર વગર ચાલે જ નહિ એવાં શિકારી વરૂઓનાં ટોળાં જેવો એ છે...(રાષ્ટ્રવાદની લ્હાયમાં) ન્યાયી માણસો પણ પોતાના વિચારોમાં અને કાર્યોમાં ક્રૂર થઇ શકે છે...પ્રામાણિક માણસો પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાના માનવ અધિકારો આંધળા થઇને હરી શકે છે.


સંદર્ભ : 
1. રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ - સૌમ્યેન્દ્રનાથ ઠાકુરઅનુવાદ- ભોગીલાલ ગાંધી.  
2. महात्मा और कवि- सव्यसाचि भट्टाचार्य -अनुवाद-तालेवर गिरि 
3. The Good Boatman - Rajmohan Gandhi

Friday, February 26, 2016

સગવડીયા સરળીકરણનું મહાસુખ

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં દેશવિરોધી સૂત્રોચ્ચારોથી શરૂ થયેલો વિવાદ પૂરા કદની રાષ્ટ્રિય હુંસાતુંસીમાં ફેરવાઇ ગયો છે. એવું થાય ત્યારે વિગતો ગૌણ અને છાપ મુખ્ય બની જાય છે. છાપના આધારે શબ્દયુદ્ધો લડાય છે, દેશપ્રેમ-દેશદ્રોહની, સેક્યુલરિઝમ- કમ્યુનાલિઝમની સાથળપછાડ થાય છે. વિગતોના નામે અમે માંડ સો જણ ને સામે ત્રણનું ટોળુંજેવી રજૂઆતો થાય છે. આંખે રાજકીય વફાદારીના પાટા બાંધેલા લોકો માટે વિગતોનું મહત્ત્વ પોતાને અનુકૂળ ભાગ તારવી લેવા જેટલું અને એક અંશને આખા ચિત્ર તરીકે રજૂ કરી શકાય એટલા પૂરતું જ હોય છે. 

જેએનયુ/JNU વિવાદનો ઉલ્લેખ થાય એટલે એક સમુદાય તતડીને કહે છે,‘દેશવિરોધી નારાનો અમે નહીં ચલાવી લઇએ. એવી વાતોનો બચાવ કરનારા દેશદ્રોહીઓને પણ અમે નહીં સાંખી લઇએ.’  દેશવિરોધી નારાનો વિરોધ થવો જ જોઇએ, એવું ભાજપ-સંઘ પરિવારની વિચારસરણીથી અળગા રહેલા કે તેના વિરોધમાં રહેલા લોકો પણ કહ્યું જ છે. એમની વાત જવા દો, જેની સામે રાજદ્રોહનો આરોપ ઠોકી બેસાડાયો એ કનૈયાકુમારે પણ તેના ભાષણમાં કહ્યું હતું કે ભારતવિરોધી નારાબાજી સાથે તે સંમત નથી અને એવી નારાબાજી યોગ્ય નથી.

તેમ છતાં, કનૈયાકુમારની રાજદ્રોહના આરોપસર ધરપકડ થઇ. એવું થવાનાં સંભવિત કારણ : પહેલું તો એ કે સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓની ઓળખ વિડીયોમાં થતી ન હતી. (એટલે એ આરોપ બદલ ગમે તેની ધરપકડ કરી શકાય) બીજું, કનૈયાકુમારે આપેલું ભાષણ રાષ્ટ્રવાદના બહાને કોમવાદી કે સંકુચિત રાજકારણ ખેલનારાને મરચાં લાગે એવું હતું. (અલબત્ત, તેમાં વાંક ભાષણનો કે મરચાં ન ગણાય. કેમ કે, આખેઆખું ભાષણ દેશના બંધારણ અને કાયદાની પૂરી આમન્યા રાખીને અપાયેલું હતું.) ત્રીજું, દિલ્હીમાં પોલીસ કેન્દ્ર સરકારના તાબા હેઠળની હતી અને ઘણા પોલીસ અફસરોને પોતાના રાજકીય સાહેબોને અનુકૂળ પગલાં લેવાની ફાવટ હોય છે. સાહેબોનો સીધો આદેશ ન હોય તો પણ, સાહેબને શું ગમશે ને શું નહીં ગમે એ અધિકારીઓ બરાબર સમજતા હોય છે.

સૂત્રોચ્ચાર કરનારા લોકો ન પકડાયા, એટલે જાડા નરને શૂળીએ ચડાવવાના અંધેરી નગરી ન્યાયપ્રમાણે કનૈયાકુમારને ઝડપી લેવાયો. તેની પર રાજદ્રોહના આરોપ માટે કશો દેખીતો આધાર ન હોવાથી, ધરપકડને વાજબી ઠરાવી શકાય એવી સામગ્રીની તાતી જરૂર ઊભી થઇ. દરમિયાન કેટલીક ચેનલોના ઉત્સાહી એન્કરોએ દેશવિરોધી સૂત્રોચ્ચારના મુદ્દે એવું ધાંધલ મચાવ્યું હતું કે એ લોકો ઇંદિરા ગાંધીની કટોકટી વખતે મોજૂદ હોત તો કયા પક્ષે ઊભા હોત, તે સહેલાઇથી ધારી શકાય. પોતાની જાતને રાષ્ટ્રવાદીગણાવતાં જૂથોને પણ સરસ મોકો મળી ગયો-- પોતાના તમામ વિચારવિરોધીઓને રાષ્ટ્રવિરોધી, દેશદ્રોહી કે તેમની પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તરીકે ચીતરવાનો.

પરિણામ એ આવ્યું કે કનૈયાકુમાર સામે રાજદ્રોહ કેવી રીતે લગાડી શકાય, એવું પૂછનાર સૌને દેશદ્રોહી ઠેરવવાની ઝુંબેશ ચાલી. કનૈયાકુમારના ભાષણની મૂળ વિડીયો સાથે ચેડાં કરવામાં આવ્યાં. તે બોલતો હોય એવા ફોટોમાં પાછળ ખંડિત ભારતનો નકશો ફોટોશૉપ વડે લગાડી દેવાયો. પરંતુ આ તરકીબો એકદમ સસ્તી અને સડકછાપ પુરવાર થઇ. સામે પક્ષે, કનૈયાકુમારનું ઉપરાણું તાણનારા લોકોએ એવું સાબીત કરવાનો પ્રયાસ કર્યો કે દેશદ્રોહી નારા હકીકતમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના લોકોએ લગાડ્યા હતા. આ દાવો પણ કહેવાતા વિડીયો પુરાવા છતાં, અવિશ્વસનીય જ લાગ્યો.

આટલી વાત પછી, પોતાની વિચારશક્તિ એકેય વિચારધારા કે રાજકીય પક્ષને ગીરવે ન મૂકી હોય એવા લોકો માટે સાદો સવાલ : ભારતવિરોધી નારાની કનૈયાકુમાર પણ ટીકા કરે છે અને રાષ્ટ્રવાદીઓ પણ ટીકા કરે છે. તો કનૈયાકુમાર કેવી રીતે દેશદ્રોહી થયો? તેની સામે રાજદ્રોહનો આરોપ કેવી રીતે લગાડી શકાય? અને તેની ધરપકડ સામે સવાલ ઉઠાવનારા દેશદ્રોહી કે દેશદ્રોહીના ટેકેદાર કેવી રીતે થાય

રાષ્ટ્રવાદીઓને આ સવાલ પૂછવામાં આવે ત્યારે તે જવાબ આપવાને બદલે ધૂણવા માંડે છે : એ ગમે તે હોય, પણ રાષ્ટ્રવિરોધી નારાબાજી નહીં ચલાવી લેવાય.બરાબર છે, ભાઇ. એ બાબતે આપણી એકમતી. પરંતુ જેણે નારાબાજી કરી નથી--હજુ સુધી તો એવું જણાયું નથી--એવા કનૈયાકુમારની ધરપકડનું, એની પર લાગેલા રાજદ્રોહના આરોપનું શું? એ વિશે તો કંઇક કહો? ‘રાષ્ટ્રવિરોધી નારાબાજી નહીં ચાલેએવો મંત્ર બોલવાથી ગમે તેવો અન્યાય કે ગમે તેવી ગુંડાગીરી વાજબી ઠરી જાય? લાગલગાટ બે દિવસ સુધી અદાલતના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ પર-પત્રકારો પર અને કનૈયાકુમાર પર વકીલોએ હુમલા કર્યા. આ ગુંડાગીરી બદલ બીજા કેટલાકે તેમનું રીતસર સન્માન કર્યું અને અખબારમાં તેના અહેવાલ આવ્યા. હુમલો કરનાર એક વકીલે એ મતલબની જાહેરાત કરી કે દેશદ્રોહીઓને પાઠ શીખવાડવો એ ગુંડાગીરી ગણાતી હોય તો હું ગુંડો છું.

તેમના વાક્યનો ઉત્તરાર્ધ પ્રામાણિક એકરાર તરીકે સરસ છે, પણ પૂર્વાર્ધમાં ઘણા પ્રશ્નો છે. દેશપ્રેમ એટલે શું? દેશવિરોધી નારા લગાડનારા સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે, કાયદો હાથમાં લઇ લેવો અને ગુંડાગીરી પર ઉતરી જવું? કે દેશપ્રેમ એટલે દેશના કાયદો-બંધારણને માન આપવું તે? દેશ એટલે પક્ષ-વિચારધારા? કે દેશ એટલે બંધારણ? રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર ન થાય અને એ કરનાર સામે યોગ્ય પગલાં લેવાં જોઇએ, એ વિશે આપણી વચ્ચે એકમત છે. ત્યાર પછી સાચા દેશપ્રેમીઓને દુઃખ થાય એવું કશું બન્યું જ નથી? અદાલતના પ્રાંગણમાં વકીલો કાયદો હાથમાં લઇ લે, ત્યારે દેશપ્રેમીઓને આ દેશનું શું થશેએની ચિંતા કેમ થતી નથી? એટલા માટે કે કાયદો હાથમાં લેનારા આપણી વિચારધારાવાળા છે? અને એમની ગુંડાગીરી આપણને માફક આવે એવી છે?

વ્યક્તિવાદ કે વિચારધારાના ભક્તો લાગ જોઇને દેશદ્રોહ કરતાં તો ભક્તિ સારીએવું જાહેર કરવા લાગ્યા. ભક્ત તરીકેની શરમ ઢાંકવાનો આ પ્રયાસ, વિડીયોમાં થયેલાં ચેડાં જેવો જ, સસ્તો ને હાસ્યાસ્પદ હતો. બીજા કેટલાકે એવી દલીલ રજૂ કરી કે દેશદ્રોહીઓના ટેકામાં આટલા બધા માણસો ઉતરી પડ્યા, એની નવાઇ લાગે છે.પરમભક્ત અનુપમ ખેર જેવાએ એવું પણ લખ્યું કે અત્યારે પેસ્ટકન્ટ્રોલચાલે છે, એટલે કીડામંકોડા ગભરાઇને બહાર આવી રહ્યા છે.

આવું કહેનારામાંથી જે પક્ષપ્રચારકો છે, તેમની પાસેથી કશી અપેક્ષા નથી. તેમને આ પોતાના વિચારવિરોધીઓને દેશદ્રોહી ચીતરવાનો મોકો લાગે છે. સવાલ ભક્ત ન હોય એવા સૌ નાગરિકો માટે છે : શું સોલી સોરાબજી જેવા બંધારણવિદ્‌ રાજદ્રોહ જેવા ગંભીર મુદ્દે બંધારણનું વલણ સ્પષ્ટ કરે, તો એ દેશદ્રોહી છે? અને વગર આધારે કનૈયાકુમાર સામે રાજદ્રોહ લગાડાયા છતાં, તેને અને તેનો પક્ષ રજૂ કરનારને દેશદ્રોહી ઠરાવવા એ રાષ્ટ્રવાદ છે?


દરેક વખતે નિર્દોષનું નામ કનૈયાકુમાર હોય એ જરૂરી નથી. એ જગ્યાએ તમારું નામ મૂકીને પણ આ સવાલ વિચારી જોજો.

Monday, February 22, 2016

ગુજરાતી દીવાન હરિદાસ પરના પત્રોમાં પ્રગટ થતા સ્વામી વિવેકાનંદના વિચાર

Diwan Haridas Viharidas Desai, Swami Vivekanand /
દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઇ, સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ વિશેના અહોભાવના વરસાદમાં ભાગ્યે જ લેવાતું નામ ગુજરાતી રાજપુરૂષ એવા દીવાન હરિદાસ દેસાઇનું છે. નડિયાદના વતની અને જૂનાગઢના દીવાન એવા હરિદાસ વિવેકાનંદ કરતાં ૨૩ વર્ષ મોટા, પરંતુ ઇ.સ.૧૮૯૧માં ૨૮ વર્ષના વિવેકાનંદની જૂનાગઢ મુલાકાત વખતે બન્ને વચ્ચે ગાઢ સ્નેહ બંધાયો. માણસપારખુ દીવાન હરિદાસને વિવેકાનંદની નિષ્ઠા, તેજસ્વીતા અને દેશદાઝમાં રસ પડ્યો હશે, તો યુવાન વિવેકાનંદને હરિદાસની કાળજીભરી લાગણી અને આત્મયીતામાં પિતૃવત્‌ વાત્સલ્યનો અહેસાસ થયો.

પ્રચલિત દંતકથા પ્રમાણે, શિકાગોની સર્વધર્મપરિષદમાં જતાં પહેલાં વિવેકાનંદ સાક્ષર મણિલાલ નભુભાઇ દ્વિવેદીને મળવા આવ્યા હતા. પરંતુ હકીકત જુદી છે. ઇ.સ. ૧૮૯૨થી ૧૮૯૫ (દીવાનના મૃત્યુ) સુધી દીવાન હરિદાસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે અંગ્રેજીમાં આત્મીયતાભર્યો પત્રવ્યવહાર ચાલ્યો. તેમાં વિવેકાનંદે નડિયાદમાં મણિલાલ દ્વિવેદીને મળ્યાનો ઉલ્લેખ આખો પત્ર પૂરો થઇ ગયા પછી તાજા કલમ તરીકે કર્યો છે. નડિયાદથી વિવેકાનંદ વડોદરા ગયા હતા, જ્યાં દીવાન હરિદાસની ભલામણથી વડોદરાના દીવાન મણિભાઇએ તેમની વ્યવસ્થા ગોઠવી હતી.

માય ડીયર દિવાનજી સાહેબના સંબોધનથી સ્વામી વિવેકાનંદે હરિદાસ દેસાઇને લખેલા પત્રોમાં ઝળકતી બન્ને વચ્ચેની અંગતતા અને સ્વામીનો દીવાન પ્રત્યેનો આદર અલગ લેખનો વિષય છે. અહીં વાત કરવી છે ભારતમાં અને અમેરિકાથી સ્વામીએ દીવાન હરિદાસને લખેલા પત્રોમાં પ્રગટ થયેલા તેમના વિચારોની. અમેરિકાથી એક પત્રમાં સ્વામીએ લખ્યું છે,‘ભારત પર વિજય મેળવવાનું અંગ્રેજો માટે કેમ સહેલું હતું? એટલા માટે કે એ લોકો એક રાષ્ટ્ર છે ને આપણે નથી. આપણો એક મહાન માણસ મૃત્યુ પામે ત્યારે બીજા મહાન માણસ માટે આપણે સદીઓ સુધી રાહ જોવી પડે છે, (જ્યારે) એ લોકો મહાન માણસો જે ઝડપે વિદાય થાય, એ ઝડપે બીજા મહાન માણસ પેદા કરી શકે છે. અમારા દીવાનજી સાહેબની વિદાય થશે (ભગવાન કરે, મારા દેશના હિતમાં એ દિવસ મોડો આવે) તો તેમની જગ્યા ભરવાની દેશને તકલીફ પડશે. એ તો જે રીતે અત્યારે (પણ) તમારી સેવાઓ લેવામાં આવે છે, એની પરથી જોઇ શકાય છે. (આપણે ત્યાં) મહાન માણસોનો તોટો કેમ છે? કારણ મહાન માણસો પેદા કરવા માટે તેમની પાસે રહેલો સમુહ મોટો છે, જ્યારે આપણે ત્યાં એ નાનો છે.જૂન ૨૦, ૧૮૯૪ના રોજ શિકાગોથી લખેલા આ પત્રમાં સ્વામીએ નોંધ્યું હતું કે ૩૦ કરોડની વસ્તી ધરાવતા (આપણા) દેશમાં મહાન માણસો અમુક જ વર્ગમાંથી પેદા થઇ શકે છે, જ્યારે ત્રણ-ચાર-છ કરોડની વસ્તી ધરાવતા દેશોમાં (મહાન માણસો જ્યાંથી આવી શકે એ) વર્ગ બહુ મોટો છે. સ્વામીએ લખ્યું હતું,‘આપણા દેશની આ મોટી ખામી છે ને એ દૂર કરવી પડશે.

કેટલાક સુધારકોની જેમ સ્વામીને પણ લાગતું હતું કે ભણતર એ સર્વ દુઃખોનો ઇલાજ છે. એટલે કે, ફક્ત શિક્ષણના પ્રચારપ્રસારથી કચડાયેલા લોકોને ઉપર લાવી શકાશે. (પૂનામાં મહાત્મા જોતીરાવ ફુલેએ ચલાવેલી શોષણવિરોધી-રૂઢિવિરોધી ઝુંબેશ પ્રકારની સુધારક ઝુંબેશોમાં સ્વામી વિવેકાનંદને શ્રદ્ધા ન હતી.) તેમણે લખ્યું કે ઝૂંપડામાં  રહેતો અસલી દેશ તેની મર્દાનગી, વ્યક્તિમત્તા ભૂલી ગયો છે. હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી (શોષકો)ના પગ તળે કચડાયેલા એ લોકો માને છે કે તેમનો જન્મ એવા કોઇ પણ માણસના પગ તળે કચડાવા માટે થયો છે, જેમનાં ખિસ્સાં તર હોય. આ લોકોને તેમનું ખોવાયેલું સ્વભાન પાછું આપવાનું છે. તેમને શિક્ષિત બનાવવાના છે. મૂર્તિઓ રહે કે જાય, વિધવાઓ પરણે કે ન પરણે, જ્ઞાતિ સારી હોય કે ખરાબ, આ બધા સવાલો વિશે હું ચિંતા કરતો નથી.

શિકાગોથી નવેમ્બર, ૧૮૯૪માં લખેલા એક પત્રમાં દેશના લોકોની ગુલામ અને ઇર્ષાળુ માનસિકતા વિશે બળાપો ઠાલવતાં તેમણે લખ્યું હતું, ‘ગુલામોમાં ઇર્ષ્યા પેદા થવી અનિવાર્ય છે. એ જ તેમને પાછળ રાખે છે...(અહીંનો) એકેય નીગ્રો (એ સમયે અમેરિકામાં કાળા લોકો માટે વપરાતો શબ્દ) પોતાના ભાઇનાં વખાણ કે તેની પ્રગતિ સાંખી નહીં શકે. એ તરત પોતાના જ ભાઇને કચડી નાખવાના ધોળા લોકોના પ્રયાસોમાં જોડાઇ જશે...જેમની પાસે અઢળક નાણાં ને સત્તા છે, એમને દુનિયા આ રીતે ચાલે તે બરાબર લાગે છે. પણ હું એવા લોકોને ગદ્દાર કહું છું, જે ભણીને કરોડો કચડાયેલાઓની કાળી મજૂરીના લોહીમાં ઝબોળાયેલી સાહ્યબીમાં રાચે છે...ભારતના ગરીબોમાં આટલા બધા મુસલમાન કેમ છે? તલવારના જોરે તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું, એમ કહેવું મૂર્ખામી છે. એ (ધર્માંતરનું) તો જમીનદારોથી ને ગોરપૂજારીઓથી મુક્તિ મેળવવા માટે થયું હતું. પરિણામે, બંગાળમાં તેમને ખેતી કરનારા લોકોમાં હિંદુઓ કરતાં મુસલમાનો વધારે જોવા મળશે. કારણ કે ત્યાં જમીનદારો મોટી સંખ્યામાં હતા. કરોડો કચડાયેલાને ઉપર આણવાનું કોણ વિચારે છે? થોડા હજાર સ્નાતકો કે થોડા ધનિકોથી દેશ બનતો નથી. એ સાચું કે આપણી પાસે તકો ઓછી છે. છતાં, ૩૦ કરોડ લોકોને ખાવાનું-પહેરવાનું પૂરું પાડે અને તેમને  વધારે સગવડ--ના, વૈભવ--આપી શકે એટલી તો છે જ. (પણ) આપણા લોકોમાંથી ૯૦ ટકા શિક્ષણ વગરના છે. એનો કોઇ વિચાર કરે છે?’

ભારતની બધી સમસ્યાઓનું મૂળ શિક્ષણના અભાવમાં જોતા સ્વામી વિવેકાનંદે તેનો ઉકેલ પણ પોતાની રીતે વિચાર્યો હતો અને તેના માટે ભંડોળ એકઠું કરવા માટે પોતે અમેરિકા આવ્યા હોવાનું પણ તેમણે દીવાન હરિદાસને પત્રમાં લખ્યું હતું. સ્વામીનું સ્વપ્ન એવું હતું કે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ જેવી વિભૂતિની આસપાસ યુવાન સન્યાસીઓનું મંડળ જમા થાય. એ લોકો ગામે ગામે પહોંચે અને લોકોને સરકારી રાહે નિશાળો ખોલીને ભણાવવાને બદલે, લોકોની અનુકૂળતા પ્રમાણે શિક્ષણ આપે. ગામલોકોને ઝાડ નીચે બેસાડીને તેમને પૃથ્વીનો ગોળો, દૂરબીન, નકશા  જેવી ચીજોથી અને જુદા જુદા દેશની વાતો કરીને, તેની તસવીરો બતાવીને, ઇતિહાસની વાતો કરીને શિક્ષણ આપે. પરદેશી સરકારથી કે સરકારી બાબુઓથી આ કામ થઇ શકવાનું નથી, એની તેમને ખાતરી હતી. આ યોજનાનું વર્ણન કર્યા પછી તેમણે લખ્યું હતું,‘તમે મને સ્વપ્નશીલ કે સ્વપ્નદૃષ્ટા ગણી શકો છો. પરંતુ કમ સે કમ એટલી ખાતરી રાખજો કે હું હાડોહાડ નિષ્ઠાવાન છું અને મારો સૌથી મોટો વાંક એ છે કે હું મારા દેશને ઘણો ઘણો જ ચાહું છું.

માંડ ૩૯ વર્ષના ટૂંકા આયુષ્ય પછી વિદાય લેનાર સ્વામી વિવેકાનંદને કેવળ ભગવાં વસ્ત્રો ધરાવતી પ્રતિમા કે તસવીર તરીકે ખતવી નાખવા જેવા નથી. એને બદલે તેમનાં માનવીય પાસાં વિશે જાણવાથી--દેશનું ભલું કરવા માગતા અને એ માટે આશાનિરાશાની માનવીય લાગણીમાંથી પસાર થતા, હરિદાસ દેસાઇ જેવા રાજપુરૂષ સાથે આત્મીય સંબંધ ધરાવતા એક માણસ તરીકે તેમને મળવાથીતેમની સાથે વધારે નજદીકી લાગી શકે છે.

Wednesday, February 17, 2016

JNU વિવાદ : જરા હટકે, જરા બચકે

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અફઝલ ગુરુ અને મકબૂલ ભટને થયેલી ફાંસીની સજાના વિરોધમાં અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારની તરફેણમાં એક કાર્યક્રમ યોજાયો. નિમિત્તે ડાબેરી વિચારધારા ધરાવતાં વિદ્યાર્થીજૂથો અને ભાજપની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વચ્ચે ઘર્ષણ થયું. સૂત્રોચ્ચાર થયા. તેમાં કેટલાક લોકોએ કાશ્મીરની આઝાદીની તરફેણમાં અને ભારતવિરોધી સૂત્રો પોકાર્યાં. મામલે થયેલી ફરિયાદ પછી પોલીસે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના નેતા કનૈયાકુમારની સામે રાજદ્રોહનો આરોપ લગાડ્યો અને તેમની ધરપકડ કરી.

આટલો ઘટનાક્રમ જુદા જુદા વૈચારિક રંગ ધરાવતા દાવા અને અહેવાલોમાંથી મહદ્ અંશે સર્વસામાન્ય તારવી શકાય એમ છે. માટે, પહેલાં વિશે વાત કરીએ. અફઝલ ગુરુ સંસદ પર હુમલાના ગુનેગાર તરીકે સર્વોચ્ચ અદાલત તરફથી ફાંસીની સજા પામ્યો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે કાયદા અને બંધારણની હદમાં રહીને વાંધો પાડવાની જોગવાઇ હોય છે. એનો ઉપયોગ કર્યા પછી પણ, સર્વોચ્ચ અદાલતનો નિર્ણય બદલાય તો, ગમે તેટલો અન્યાયબોધ થવા છતાં, ચુકાદો માન્ય રાખવો પડેકારણ કે, રમતના નિયમ--દેશના કાયદા અને બંધારણનો--નો ભાગ છે. નિયમો સ્વીકારીએ તો, પછી સંવાદ અશક્ય બની જાય.

બીજી વાત : સામાજિક ન્યાયના અને નીતાંત રાજકીય ચરિત્ર ધરાવતા મુદ્દાની ભેળસેળથી બચવું જોઇએ. કાશ્મીરની આઝાદીનો મુદ્દો રાજકીય છે. કાશ્મીરને ભારતથી અલગ પડવાનો અધિકાર છે અને કાશ્મીરીઓ ઇચ્છે તો ભારતથી અલગ પડી શકે--એવી લાગણી દેખીતી રીતે સરકારવિરુદ્ધ નહીં, દેશવિરુદ્ધ ગણાય એવી છે. કાશ્મીરીઓ બહેતર સુવિધાઓથી માંડીને ભારતીય લશ્કરના વ્યવહાર અંગેના કોઇ પણ મુદ્દે સરકાર સામે આંદોલન કરી શકે. વખતે એમની ભૂમિકા ભારતના નાગરિક તરીકેની રહે છે. પરંતુ ભારતના નાગરિક તરીકે રહેવા તૈયાર હોય અને અલગ અસ્તિત્ત્વની માગણી કરતા હોય, ત્યારે કોઇ પણ પક્ષની ભારતીય સરકાર તેમની માગણી મંજૂર રાખી શકે નહીં. પાકિસ્તાન જેવા જૂની શત્રુવટ ધરાવતા પાડોશી દેશ સાથે કાશ્મીર ભૌગોલિક રીતે જોડાયેલું હોય ત્યારે તો ખાસ નહીં. મુદ્દે સમજાવટ કરી શકાય એટલી કોરી પાટી હવે રહી નથી.

ત્રીજી વાત : કોઇ પણ શિક્ષણસંસ્થા અલગતાવાદી ચળવળોને પ્રોત્સાહન આપવા માટેની જગ્યા બની શકે. JNUમાં ભણતા છત્તીસગઢના વિદ્યાર્થીઓને પોતાના રાજ્યમાં સરકારી દળોના અત્યાચારો સામે કે આદિવાસીઓ પર થતી જોરજુલમી સામે વાંધો હોય, તો એની ચર્ચા યુનિવર્સિટી કૅમ્પસમાં થઇ શકે. કાશ્મીર મુદ્દો સમજવાના આશયથી, તેની આઝાદીની માગણીની ચર્ચા પણ થઇ શકે. પરંતુ દિલ્હીમાં ભણતા કાશ્મીરના વિદ્યાર્થીઓ દેશથી અલગ થવાના આંદોલનને કૅમ્પસમાં લાવવા ઇચ્છતા હોય, કંઇક અંશે જે ડાળી પર બેઠા હોઇએ તેને કાપવા જેવું લાગે છે. પોલીસે પણ રાજકીય સાહેબો કહે તેમ નહીં, પણ જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને, કાયદા મુજબનાં પગલાં લેવાં પડે. કેમ કે, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર પણ દેશના બંધારણ-કાયદાની હદમાં રહીને ભોગવી શકાય. અલગતાની તરફેણ અને તેના માટેના સૂત્રોચ્ચાર એમાં શી રીતે આવે? આપણે ઇચ્છીએ કે દેશ એટલો મજબૂત-એકજૂથ બને કે જેથી આવાં સૂત્રો પોકારનારની ઉપેક્ષા કરવાનું પરવડે. પરંતુ અત્યારના સંજોગોમાં શક્ય કે ઇચ્છનીય લાગતું નથી.

આટલી પાયાની સ્પષ્ટતાઓ પછી, ફરી JNUની વાત.

() ભારતવિરોધી અને કાશ્મીરની આઝાદીતરફી સૂત્રોચ્ચારને કેવળ સહાનુભૂતિ તરીકે નજરઅંદાજ કરી શકાય એવો સતયુગ નથી ને તેને ગમે તેમ કરીને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ તરીકે પુરવાર કરવાની ઉતાવળ પણ હોવી જોઇએ. પક્ષીય કે વિચારધારાકીય ચશ્માને બદલે, ફક્ત કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ ઘટનાને જોવી પડે.

() જેની સામે રાજદ્રોહનો આરોપ લગાડીને ધરપકડ કરવામાં આવી છે, વિદ્યાર્થી સંગઠનનો આગેવાન કનૈયાકુમાર દેશવિરોધી સૂત્રો બોલ્યો હોવાનું ક્યાંય જોવા મળ્યું નથી. ટીઆરપી-ભક્ત ટીવી એન્કરો પણ એવું પુરવાર કરી શક્યા નથી કે સૂત્રો કનૈયાકુમારે ઉચ્ચાર્યાં હતાં. ઉલટું એક વિડીયોમાં એવો આરોપ થયો છે કે ખુદ ABVPના કેટલાક વિદ્યાર્થીઓ પણ દેશવિરોધી સૂત્રોચ્ચારમાં સામેલ હતા (જેથી મામલો જરા સંગીન બને) આરોપનો ABVP જોકે ઇન્કાર કર્યો છે.

કનૈયાકુમારે સૂત્રો પોકાર્યાં હોય અને કેટલાક અહેવાલ પ્રમાણે તે આયોજક પણ હોય, તો  રાજદ્રોહના આરોપસર ફક્ત તેમની ધરપકડ શા માટે કરવામાં આવીતેનો એક સંભવિત જવાબ, કનૈયાકુમારે આપેલા ભાષણમાંથી મળી રહે છે. ધરપકડના થોડા કલાક પહેલાં કનૈયાકુમારે સંઘ પરિવારની વિચારધારાની આકરી ઝાટકણી કાઢી હતી. (ભાષણની આખી વિડીયો)  તમતમતા ભાષણમાં એમણે દલિત વિદ્યાર્થીઓની ફેલોશીપો બંધ કરી દેવાથી માંડીને બજેટમાં મુકાયેલા આર્થિક કાપ વિશે વિરોધ વ્યક્ત કર્યો હતો (તેની વાત સ્વાભાવિક રીતે કોઇ કરતું નથી.) ભાષણમાં ડગલે ને પગલે દેશના કાયદાને- બંધારણને માન આપવાની અને સામાજિક ન્યાય ખાતર સંઘર્ષ કરવાની વાત આવતી હતી. તેમાં ક્યાંય હિંસાની, ઉશ્કેરણીની કે દેશના બંધારણ-કાયદાના અસ્વીકારની વાત આવતી નથી. હા, એમાં સંઘ પરિવારની કોમવાદી વિચારસરણીની અને કેટલીક સરકારી નીતિઓની કડક ટીકા છે. તો જેણે દેશવિરોધી સૂત્રો પોકાર્યાં નથી ને ફક્ત સંઘની-સરકારની ટીકા કરી છે, તેની સામે રાજદ્રોહ શી રીતે લગાડી શકાય? અને તેને શી રીતે વાજબી ઠરાવી શકાય?

JNUમાં જેમની ઓળખ હજુ સ્પષ્ટ થઇ હોય એવા થોડા વિદ્યાર્થીઓ દેશવિરોધી સૂત્રો બોલે ગંભીર બાબત છે. પરંતુ એટલી કે એથી પણ વધારે ગંભીર બાબત નિમિત્તે JNU જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પર થયેલા સુવ્યવસ્થિત હલ્લાની છે. છૂટક રાષ્ટ્રવાદના જથ્થાબંધ વેપારીઓ બારોબાર જેએનયુ બંધ કરી દેવાની માગણી કરે કે JNU દેશવિરોધીઓનો અડ્ડો બની ગઇ છે, એવા આરોપ કરે ત્યારે તેમાં દેશની ચિંતા નહીં, પોતાની બ્રાન્ડના રાજકારણ સામેના પડકારોના નાબૂદ કરવાની ઉતાવળ દેખાય છે

રોહિત વેમુલાને આત્મહત્યા કરવી પડે ત્યારે જ્ઞાતિવાદનો અડ્ડો બનેલી શિક્ષણસંસ્થાઓને તાળાં મારી દેવાં જોઇએ, એવું સ્યુડો-દેશપ્રેમીઓ કહેતા નથી. પરંતુ ડાબેરી વિચારસરણીના છેલ્લા ગઢ જેવી JNUના ઉલ્લેખમાત્રથી તે દેશભક્તિના પોકારો કરતા ધૂણવા લાગે છે. તેમનો વાંધો JNUમાં રાજકારણની બોલબાલાનો નહીં, પણ રાજકારણ પોતાની બ્રાન્ડનું નથી એનો છે. નિમિત્તે JNUનાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનોને (હરીફોને) સાગમટે દેશદ્રોહી ઠરાવી દેવાની પ્રચારઝુંબેશ પુરબહારમાં ચાલી રહી છે. વખતે સંઘના પ્રમાણપત્રની ગરજ ધરાવતા દેશપ્રેમી નાગરિકોએ હા ભાઇ, દેશવિરોધી સૂત્રો તો ચાલે ને. JNU તો છે એવી. એવા અતિસરળીકરણથી અને કોઇના રાજકારણનાં પ્યાદાં બનવાથી બચવા જેવું છે.