Friday, November 29, 2013

‘સાહેબ’ વિશે નિબંધ : તુમ એક ગોરખધંધા હો

એક હતું ગુજરાત...ના, ના, હતું નહીં, છે જ. એ ગાંધીનું નથી એટલું જ. એ ગુજરાતમાં એક ‘સાહેબ’ રહેતા હતા...ના,ના, હજુ પણ રહે છે અને હમણાં થોડો સમય તો રહે એમ લાગે છે. ‘સાહેબ’ને બે હાથ છે, પણ ઘણાને એવું લાગે છે કે હરિની માફક સાહેબના પણ હજાર હાથ છે. હજાર હાથવાળા સાહેબ માટે ‘કયા નામે લખવી કંકોતરી’  અને ‘કયા હાથે પહેરાવવી હાથકડી’ એવી બે પ્રકારની મૂંઝવણભરી લાગણીઓ પ્રવર્તે છે.

સાહેબના બે જ પગ છે, પરંતુ તેમને ઠેકઠેકાણે ઉડાઉડ કરતા જોઇને લોકોને લાગે છે કે સાહેબને પગે પૈડાં હશે અથવા પાંખો હશે. સાહેબને એક જીભ છે. તેના અનેક પરચા લોકોમાં અહોભાવનો વિષય બન્યા છે. મેદની સમક્ષ બોલતી વખતે સાહેબની ‘જીભ’ નું સીઘું જોડાણ વિષગ્રંથિઓ સાથે થઇ જાય છે, પરંતુ અઘરા સવાલો પૂછાય ત્યારે સાહેબની એ જ ‘જીભ’, ખતરો જોઇને માથું અંદર લઇ લેતા કાચબાની જેમ, મોઢામાં ગોઠવાઇ જાય છે અને મોંના દરવાજા સજ્જડ ભીડાઇ જાય છે. ભક્તો કહે છે કે ‘સાહેબ’ની જીભે મા સરસ્વતી વસે છે. અ-ભક્તો કહે છે કે તેમની જીભે મા નાગબાઇ વસે છે. જેવી જેની શ્રદ્ધા.

અત્યાર સુધી સ્પષ્ટ થઇ ચૂક્યું હશે કે ‘સાહેબ’ ભલે દૈવી-કે આસુરી-શક્તિઓ ધરાવતા હોય અથવા તેમનામાં એવી શક્તિઓનું આરોપણ કરવામાં આવતું હોય, પણ આખરે તે એક માણસ છે. તે ‘આખરે’ માણસ છે કે ‘પહેલાં’ માણસ છે, એ પણ વિવાદનો વિષય બની શકે છે. એટલે, ‘સાહેબ’ વિવાદાસ્પદ માણસ છે. સુજ્ઞજનો જાણે છે કે ‘સાહેબ’ તેમનું નામ નથી અને તેમને કોઇ ‘સાહેબભાઇ’ કહેતું નથી, પરંતુ પોલીસતંત્રના સાહેબો ને તેમના પણ સાહેબ એવા કાળી દાઢીવાળા તેમને ‘સાહેબ’ તરીકે ઓળખે છે. માટે, તે ‘સાહેબોના સાહેબ’ છે. ‘યારોંકા યાર, દુશ્મનોંકા દુશ્મન’ એવું સાંભળેલું, પણ ‘સાહેબ’ વિશે કહેવાય છે કે એ ‘યારોંકા દુશ્મન, દુશ્મનોંકા જાની દુશ્મન’ છે. ‘સાહેબ’ કોણ છે એ બધા કહી શકે એમ છે. છતાં બીજી રીતે જોતાં, એ કોઇ કહી શકે એમ નથી. કારણ કે તેમનું અસ્તિત્ત્વ રેકોર્ડ થયેલા કેટલાક સંવાદો પૂરતું સીમિત છે.

જગજાહેર બનેલાં રેકોર્ડિંગ સાંભળતાં લાગે છે કે ‘સાહેબ’ મોટા માણસ હોવા જોઇએ. નહીંતર જેલમાં જઇ આવેલા ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી તેમનો ઉલ્લેખ ‘સાહેબ’ તરીકે કરે નહીં- તેમની ગેરહાજરીમાં તો નહીં જ. ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી પણ  તેમના જમાનામાં પોલીસોના સાહેબ હતા. હવે તે પક્ષમાં ઘણા લોકોના સાહેબ છે. પરંતુ ‘સાહેબ’ના તે નમ્ર સેવક હશે, એવું તેમની રેકોર્ડ થયેલી વાતચીત પરથી જણાય છે.

ઘણા સંશયાત્માઓને શંકા છે કે ભૂતપૂર્વ મંત્રીશ્રી ‘સાહેબ’ના નામે ચરી ખાય છે. એ દૃષ્ટિએ આને જુદા પ્રકારનું ‘ચારાકૌભાંડ’ ગણવું જોઇએ. પરંતુ ‘સાહેબ’નું નામ જ હોય છે ચરી ખાવા માટે. કબીરજી જેમને ‘સાહેબ’ કહેતા હતા એવા ઉપરવાળા- ભગવાનના નામે કેટકેટલા લોકો ચરી ખાય છે? ‘કર સાહબકી બંદગી’વાળા ‘સાહેબ’ પર ચરી ખાનારા દરેક ધરમમાં હોય છે. દુનિયામાં સૌથી મોટો- માઇક્રોસોફ્‌ટ, ફેસબુક, ગુગલ કે વોલમાર્ટ કરતાં પણ મોટો- ધંધો ઉપરવાળા ‘સાહેબ’ના નામે ચાલતો હોય, તો પછી નીચેવાળા ‘સાહેબ’નો કંઇ મહિમા હોય કે નહીં? જેના પરચા ન હોય એ ભારતમાં ‘સાહેબ’ શી રીતે બની શકે? જેના નામે ચરી ન ખવાય એ ‘સાહેબ’ની બંદગી કરવામાં શી મઝા છે? સદ્‌ભાગ્યે આવું બઘું ‘પૌર્વાત્ય’ ડહાપણ ભારતીય-ગુજરાતી જનતાને સમજાવવું પડતું નથી. એટલે ‘સાહેબ’ અને તેમની બંદગી કરનારા, સૌનો કારોબાર બરાબર ચાલે છે.

કબીરજીના ‘સાહેબ’થી પરિચિત લોકો જાણતા હશે કે સર્વજ્ઞ અને સર્વવ્યાપી હોવું એ ‘સાહેબ’ હોવાનું મૂળભૂત લક્ષણ છે. કબીરજીના જમાનામાં ટેકનોલોજી ન હતી અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ ન હતી. એટલે કબીરજીના ‘સાહેબ’ને બીજી પદ્ધતિઓ દ્વારા સર્વજ્ઞતા મેળવવી પડતી હશે અથવા તેમની સર્વજ્ઞતા દંતકથાનો કે શંકાનો વિષય હશે. પરંતુ વર્તમાન ‘સાહેબ’નો પ્રતાપ એવો આભાસી નથી. કબીરજીના ‘સાહેબ’ની સર્વજ્ઞતા વિશે અને તેમના સર્વવ્યાપીપણા વિશે શંકા કરનારા ભલભલા નાસ્તિકો પણ ગુજરાતના ‘સાહેબ’ની શક્તિઓ વિશે શંકા કરી શકે તેમ નથી. કારણ કે આ ‘સાહેબ’ સર્વજ્ઞ રહેવા માટે છૂટથી આઘુનિક ટેકનોલોજીનો, રાજ્યના ગૃહરાજ્યમંત્રીનો અને તેમના ખાતામાં આવતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનો ઉપયોગ કરે છે. ટૂંકમાં, વર્તમાન ‘સાહેબ’નું સર્વજ્ઞપણું વૈજ્ઞાનિક કસોટી પર પાર ઉતરે એવું હોવાથી, કબીરજીના ‘સાહેબ’ કરતાં ગૃહરાજ્યમંત્રીના ‘સાહેબ’નો મહિમા વધારે હોય અને તેમની ભક્તિ વધારે ફળદાયી નીવડે, એ સ્વાભાવિક ગણાવું જોઇએ.

કબીરજીના ‘સાહેબ’ જગતના કણકણમાં વ્યાપેલા હશે- હા, તેમના માટે તો ‘હશે’ની ભાષામાં જ વાત કરવી પડે- પણ ગુજરાતના ‘સાહેબ’ તેમના પ્રભાવની રૂએ કણકણમાં તો ઠીક, થિએટરમાં અને વિમાનમાં, મુખ્ય રસ્તા પર અને ગલીઓમાં, ઘરમાં ને ઓફિસમાં -એમ સર્વત્ર વ્યાપેલા છે. ખાસ કરીને ચોક્કસ સન્નારીની વાત આવે ત્યારે ગૃહરાજ્યમંત્રીના ‘સાહેબ’નું  સર્વવ્યાપીપણું અને સર્વજ્ઞતા નિર્વિવાદ બની જાય છે. ‘સાહેબ’ના વિચારશત્રુઓ પણ તેમની આ શક્તિનો ઇન્કાર કરી શકે એમ નથી.  

‘સાહેબ’ની ઇચ્છા વિના જગતમાં પાંદડું ફરકે કે ન ફરકે એ શ્રદ્ધાનો વિષય છે, પણ રેકોર્ડેડ સંવાદમાં જે ‘સાહેબ’નો ઉલ્લેખ છે તેમની ઇચ્છાથી આખેઆખું રાજ્યતંત્ર હરકતમાં આવી જાય છે. ગૃહરાજ્યમંત્રી ‘સાહેબેચ્છા બલિયસી’ ગણીને તેનો અમલ કરે છે અને ‘સાહેબ’ની ઇચ્છાની આણ આપીને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પાસેથી કોર્સ બહારનાં કામ કરાવે છે. ત્રાસવાદનો પ્રતિકાર કરવા માટે સર્જાયેલી ટુકડી ‘સાહેબ’ની ઇચ્છા કે આજ્ઞાથી કોઇની પાછળ પડી જાય તો એમાં કકળાટ શાનો? ત્રાસવાદ ફક્ત બોમ્બધડાકા અને ગોળીઓથી જ ફેલાય? કોઇનું હૃદયમંદિર તહસનહસ થાય એ નાનો ત્રાસવાદ છે? પરંતુ સંકુચિત મનના અને ઉચ્ચ આઘ્યાત્મિક ભૂમિકાએ નહીં પહોંચેલા મોટા ભાગના લોકો ‘સાહેબ’ની આ વિચારસરણી પામી શકતા નથી અને ‘સાહેબ’ની ટીકામાં રાચે છે. કેટલાક તો વળી એથી આગળ વધીને ‘સાહેબ’ કોણ, એ સવાલનો જવાબ શોધવા મથે છે. જિજ્ઞાસા અને જ્ઞાનના નામે થતી આ કવાયત હકીકતમાં સંશયપ્રેરિત છે અને ભગવદ્‌ગીતામાં કહ્યું છે કે ‘સંશયાત્મા વિનશ્યતી’. તપાસપંચો રચવાં એ પણ સંશયાત્માઓનાં કરતૂત છે, પરંતુ મોટા ભાગના પંચોનાં મન સંશયાત્માઓ જેટલાં ભ્રષ્ટ હોતાં નથી. એટલે તે તપાસનો એવી રીતે વીંટો વાળે છે કે સંશયાત્માઓ હાથ ઘસતા રહી જાય.

સમજવા જેવી વાત એ છે કે ‘સાહેબ’ માટે આખું વિશ્વ એક લીલા છે. તેમને મન ગૃહરાજ્યમંત્રી અને વહીવટદાર વચ્ચે, પોલીસ અફસર અને સગવડિયા સોપારી ફોડતા ગુંડા વચ્ચે, એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડ અને છોકરીના પીછા કરતી ગેંગ વચ્ચે કશો ફરક નથી. ‘સાહેબ’ આખા વિશ્વને કાયદા-બંધારણની તૃષ્ણા ત્યાગીને, સમદૃષ્ટિથી જુએ છે. તેમાં પરસ્ત્રીને માત ગણવાના ક્લોઝનો સમાવેશ થતો ન હોય, તો તેનો કકળાટ કરવાને બદલે સમજવું જોઇએ કે ‘સાહેબ’ એ ‘સાહેબ’ છે- નરસિંહ મહેતા નથી.  

5 comments:

  1. વાહ, મજા પડી.....

    ReplyDelete
  2. આટલો જોરદાર નિબંધ મેં ક્યારેય વાંચ્યો નહોતો સાહેબ...:)))

    ReplyDelete
  3. saheb tumhari sahyabi, kis ghat rahi samai....? gruh mantri napet ma cd rahi chhupai.....goood essays...saheb....!!!

    ReplyDelete
  4. નીરવ પટેલ10:30:00 AM

    વાહ....વાહ.....મંજીરામંડળી ક્યાં અદ્રશ્ય થઇ ગઇ??!!
    "સાહેબ" નો બચાવ કરવા આવો...ઇતના સન્નાટા ક્યું હૈ ભાઇ?!!

    ReplyDelete
    Replies
    1. તમે તંબૂરા મંડળી તંબૂરા વગાડ્યા કરો. અત્યારે તો ના સાહેબ નવરા છે, ના સાહેબની મંડળી. એમને ઘણા સારા કામ કરવાના છે.

      Delete