Tuesday, November 12, 2013

‘ઇસરો’નું મંગળયાન : વિજ્ઞાનની સોનેરી થાળીમાં અંધશ્રદ્ધાનો ગોબો

મિશન-મંગળ અઘરૂં તો ગણાય. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના અહેવાલ પ્રમાણે, મંગળ સુધી જવા નીકળેલાં ૫૧માંથી માંડ ૨૧ યાન મંગળની ભ્રમણકક્ષા લગી પહોંચ્યાં છે. તેમાંથી એશિયાના એક પણ દેશનું યાન મંગળનાં દર્શન કરી શક્યું નથી. ચીને રશિયાની મદદથી મંગળયાન રવાના કર્યું હતું, પણ એ પૃથ્વીની ભ્રમણકક્ષાથી આગળ ન ગયું. એકાદ દાયકા પહેલાં જાપાનના પ્રયાસને પણ નિષ્ફળતા મળી હતી.

હવે ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’એ મંગળ ગ્રહની ભ્રમણકક્ષા સુધી યાન પહોંચાડવાનું સાહસ હાથ ધર્યું છે. તેમાં પહેલો અને સાવ પ્રાથમિક કહેવાય એવો તબક્કો ગયા મંગળવારના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો અને મંગળયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં મુકાયું છે. ત્યાંથી ક્રમશઃ તેની ભ્રમણકક્ષાનું અંતર વધારીને, ૧ ડિસેમ્બરના રોજ તેને મંગળના લાંબા રસ્તે મુકી આપવામાં આવશે.

અફાટ અવકાશમાં યાન બે રીતે ચાલી શકે ઃ બળતણના જોરે  અને ગુરૂત્વાકર્ષણથી. વિરાટ કદના ગ્રહો પોતાનું ગુરૂત્વાકર્ષણ ધરાવતા હોય છે. મોબાઇલ ટાવરના સિગ્નલની જેમ (પણ તેમના કરતાં અનેક ગણા વધારે વ્યાપક-શક્તિશાળી) ગુરૂત્વાકર્ષણનો પ્રભાવ અવકાશમાં મોટા વિસ્તારમાં પથરાયેલો હોય છે. એ વિસ્તારમાં યાન દાખલ થાય એટલે, ઢાળ પરથી ન્યૂટ્રલ ગીઅરમાં સડસડાટ આગળ વધતા વાહનની જેમ, તે બળતણ વિના કે નહીંવત્‌ બળતણ વાપરીને પ્રવાસ ચાલુ રાખે છે. યાનનો પ્રવાસમાર્ગ નક્કી કરતી વખતે આ બાબતને ખાસ ઘ્યાનમાં રાખવામાં આવે છે, જેથી ગુરુત્વાકર્ષણનો મહત્તમ લાભ લઇને ઓછામાં ઓછા બળતણથી લાંબો પ્રવાસ ખેડી શકાય અને બળતણના નામે યાનના વજનમાં થતો વધારો કાબૂમાં રાખી શકાય. (માર્સ ઓર્બિટર એટલે કે મંગળયાનના કુલ ૧,૩૩૭ કિલોગ્રામ વજનમાંથી ૮૫૨ કિલોગ્રામ તો કેવળ બળતણનું જ વજન છે.)

શ્રીહરિકોટા મથકેથી ‘ઇસરો’એ રવાના કરેલું મંગળયાન હજુ સાવ આરંભિક તબક્કામાં છે. એ ભાગ સફળતાપૂર્વક સંપન્ન થયો એટલે ભારે જયજયકાર થયો. એક મહત્ત્વાકાંક્ષી મિશનની શુભ શરૂઆત તરીકે એ બરાબર છે, પણ કેટલાક અભ્યાસીઓને આ ઉજવણાં  વહેલાં અને અપ્રમાણસરનાં લાગ્યાં છે. મંગળયાત્રામાં નિષ્ફળતાના પ્રમાણને ઘ્યાનમાં રાખતાં સાવચેતી અને સંયમ રાખવાનું વઘુ યોગ્ય લાગે છે.

કેવળ સફળ લૉન્ચિંગનો આટલો ઓચ્છવ ન હોય એવી એમની વાત પણ વાજબી છે. કારણ કે ઘુ્રવીય ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મૂકવામાં ‘ઇસરો’ ઘણા સમયથી નિષ્ણાત ગણાય છે. પીએસએલવી- પોલર સેટેલાઇટ લૉન્ચ વેહીકલ- દ્વારા અગાઉ બે ડઝન લૉન્ચિંગ થઇ ચૂક્યાં છે. મંગળયાન એવું પચીસમું લૉન્ચિંગ હતું. અગાઉનાં તમામ લૉન્ચિંગની સરખામણીમાં મંગળયાનનો લૉન્ચિંગ તબક્કો સૌથી લાંબો - ૪૩ મિનીટનો હતો. (તેમાં રોકેટ દાગ્યા પછી ૪૩મી મિનીટે મંગળયાન છૂટું પડીને નિશ્ચિત ભ્રમણકક્ષામાં ફરતું થઇ જવાનું હતું.) છતાં મૂળભૂત ટેકનોલોજીની રીતે પહેલા તબક્કામાં કશી નવાઇ ન હતી.

બઘું ગણતરી પ્રમાણે પાર પડે તો મંગળયાન સપ્ટેમ્બર ૨૦૧૪માં  મંગળની ભ્રમણકક્ષામાં પહોંચશે અને માંડ ૧૫ કિલોગ્રામ વજન ધરાવતાં ઉપકરણોની મદદથી દૂર રહ્યે રહ્યે મંગળનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે. ‘રીમોટ સેન્સિંગ’ - દૂર રહીને નિકટ પરિચય  હાંસલ કરવામાં ‘ઇસરો’ની મહારત જોતાં મંગળયાન મંગળ વિશે કશી નવી માહિતી લઇ આવે તો નવાઇ નહીં લાગે.

અમેરિકાએ મંગળની સપાટી પર ઉતારેલા યાનની સરખામણીમાં ‘ઇસરો’નું મંગળયાન સસ્તું અને ઓછી સાધનસામગ્રી ધરાવે છે. છતાં મંગળ ગ્રહની અમુક જ સપાટીનો અભ્યાસ કરનાર અમેરિકાના યાનની સામે ‘ઇસરો’નું મંગળયાન આખા મંગળની પ્રદક્ષિણા કરીને ‘રીમોટ સેન્સિંગ’ થકી માહિતી મેળવવા ધારે છે. તેમાંથી એક અગત્યની માહિતી મંગળ ગ્રહ પર મિથેન વાયુની હાજરી અંગેની છે. જીવસૃષ્ટિનો સૂચક ગણાતો આ વાયુ મંગળ પર ગેરહાજર હોવાનું અમેરિકાના મંગળયાને કહી દીઘું છે. પરંતુ ‘ઇસરો’નું મંગળયાન આખા ગ્રહના અભ્યાસ પછી જુદું તારણ આપી શકે છે. આંતરરાષ્ટ્રિય સંશોધકોનો એક સમુહ માને છે કે ‘ઇસરો’નું મંગળયાન ભારતની વૈજ્ઞાનિક ઉપલબ્ધિથી વિશેષ મહત્ત્વ ધરાવતું નથી અને તેના અભ્યાસમાંથી કોઇ ક્રાંતિકારી પરિણામ મળવાની સંભાવના નથી. પરંતુ મંગળયાન જો મંગળ ગ્રહ પરથી મિથેનની હાજરી શોધી કાઢે તો એ મહત્ત્વની શોધ બની રહેશે.

શ્રીહરિકોટા અને તિરુપતિ

વિરોધાભાસની ભૂમિ જેવા ભારતમાં ‘ઇસરો’ એક તરફ દેશી ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે, તો બીજી તરફ તે વિજ્ઞાન સાથે અંધશ્રદ્ધાની ભેળસેળનો પણ ખેદજનક નમૂનો છે.

‘ઇસરો’એ મંગળયાનનો પ્રોજેક્ટ માંડ રૂ.૪૫૦ કરોડમાં પાર પાડ્યો છે, જે અમેરિકાના આ જ પ્રકારના પ્રોજેક્ટના ખર્ચ કરતાં દસમા ભાગની રકમ હશે. આંતરરાષ્ટ્રિય સમુદાયે ‘ઇસરો’ની આ સિદ્ધિની નોંધ લીધી છે. અલબત્ત, બચાવમાં એવી દલીલો પણ થઇ છે કે ‘અમેરિકાના ઇજનેરોની સરખામણીમાં ભારતીય ઇજેનરોનો પગાર ઘણો ઓછો છે. મંગળયાનમાં મર્યાદિત સાધનસામગ્રી રવાના કરવામાં આવી છે. એટલે ટેકનોલોજીની દૃષ્ટિએ  ભારતના મંગળયાનનું મહત્ત્વ પ્રતીકાત્મકથી વિશેષ નથી.’

આ દલીલો સાચી હોય તો પણ ફક્ત ૧૫ મહિનાના સમયગાળામાં ‘ઇસરો’એ આવો પ્રોજેક્ટ  સસ્તા ભાવમાં સાકાર કરી બતાવ્યો એ મોટી સિદ્ધિ છે. તેનો સંપૂર્ણ જશ ‘ઇસરો’ની ટીમને જાય છે. પરંતુ ‘ઇસરો’માં ઘણાં વર્ષથી એવી પરંપરા ઊભી થઇ છે કે કોઇ પણ લૉન્ચિંગ પહેલાં ‘ઇસરો’ના વડા સત્તાવાર રીતે તિરુપતિ મંદિરની મુલાકાતે જાય, રવાના થનારા સાધનની એક નાની પ્રતિકૃતિ ભગવાનનાં ચરણોમાં ધરે અને મંદિરમાંથી આશીર્વાદ મેળવ્યા પછી મિશન આગળ ધપાવે.

‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, ‘ઇસરો’ના વર્તમાન અઘ્યક્ષ રાધાકૃષ્ણન મંગળયાનના લૉન્ચિંગના આગલા દિવસે પત્ની ઉપરાંત ‘ઇસરો’ના ૧૮ સાથીદારો સાથે તિરુપતિ ગયા હતા. રાધાકૃષ્ણન દરેક વખતે લૉન્ચિંગ પહેલાં તિરુપતિની મુલાકાત લીધા પછી સફળતા માટે સ્થાનિક દેવીની પૂજા પણ કરે છે. અહેવાલો પ્રમાણે આ વખતે તેમણે સ્થાનિક મંદિરમાં દેવીની પૂજા પહેલાં કરી અને ત્યાર પછી તિરુપતિ પહોંચ્યા.

મિશનની સફળતા માટે તિરુપતિ મંદિરમાં જવાનો રિવાજ ક્યારથી શરૂ થયો હશે, એ ચોક્કસપણે જાણવા મળતું નથી. પરંતુ હવે ભક્તિભાવપૂર્વક તેનું પાલન કરવામાં આવે છે. વિજ્ઞાન અને (અંધ)શ્રદ્ધાની આ ભેળસેળ વિશે જ્યારે પણ ટીકા થાય ત્યારે ‘ઇસરો’નાં મોટાં માથાંનો કે તેમના સમર્થકોનો જવાબ હોય છે કે ‘આટલો મહત્ત્વનો પ્રોજેક્ટ હોય અને તેની સફળતા વિશે ઘણો ઉચાટ હોય ત્યારે માણસ બે ઘડી ભગવાન સમક્ષ માથું ટેકવે તેમાં શું ખસી જાય છે? ભગવાન કે શ્રદ્ધાનો આટલો આત્યંતિક વિરોધ ન કરવો જોઇએ...’

આ મુદ્દે ચર્ચા કરતાં પહેલાં વ્યક્તિગત શ્રદ્ધા (કે અંધશ્રદ્ધા) અને સંસ્થાકીય રિવાજ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનું જરૂરી છે. ભારતનું બંધારણ દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની કે કોઇ પણ ધર્મ ન પાળવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ આવી મોકળાશ કેવળ વ્યક્તિઓ માટે છે, જાહેર સંસ્થાઓ માટે નહીં. ‘ઇસરો’ના અઘ્યક્ષ કે બીજી કોઇ પણ ઇજનેરો વ્યક્તિગત જીવનમાં ગમે તેટલા આસ્તિક કે અંધશ્રદ્ધાળુ હોય, એ તેમની સ્વતંત્રતાનો મામલો છે, પરંતુ ‘ઇસરો’ જેવી વિજ્ઞાનના પર્યાય સરખી સંસ્થાના અઘ્યક્ષ તરીકે તે મિશનની સફળતા માટે પૂજાપાઠ કરે, તે કોઇ પણ રીતે વાજબી ઠરાવી શકાય એમ નથી. તેમના આ પગલાથી ‘ઇસરો’ની ઇજનેરી સિદ્ધિઓની લીટી નાની થાય છે. આ ઉપરાંત ભારતના બંધારણમાં સૂચવાયેલી વૈજ્ઞાનિક મિજાજનો પ્રચારપ્રસાર કરવાની વાતનો અનાદર થાય છે. ‘ઇસરો’ના વડા જેવો માણસ સફળતા માટે ભગવાનનું શરણું લે અને લૉન્ચ વેહીકલની પ્રતિકૃતિ ભગવાનના ચરણે મૂકવા જેવી ઘેલી ચેષ્ટા કરે, તેમાંથી બહુમતી આસ્તિક-અંધશ્રદ્ધાળુ જનતા કેવો બોધપાઠ લે? એ કલ્પી શકાય એવું છે.

વિજ્ઞાનીઓ અંધશ્રદ્ધાળુ હોય તેમાં કશી નવાઇ નથી. કારણ કે તેમની વિજ્ઞાનવિષયક પ્રતિભા અને એ સિવાયની બાબતોની વિચારસરણી વચ્ચે એકસૂત્રતા હોવી જરૂરી નથી. થોડા વખત પહેલાં ભારતના ‘સેન્ટર ફોર ઇન્ક્વાયરી’ અને ‘સેક્યુલર સોસાયટી ઑફ અમેરિકા’એ ૧,૧૦૦ વિજ્ઞાનીઓનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાં તબીબી વિજ્ઞાનથી માંડીને પ્રયોગશાળાઓમાં કામ કરનારા લોકોનો અને ૧૪૦ મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું કે આશરે ૪૯ ટકા વિજ્ઞાનીઓ પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ ધરાવતા હતા. ૧૪ ટકા તો વાસ્તુશાસ્ત્ર અને ફળજ્યોતિષમાં પણ માનતા હતા.

સામાન્ય માણસની અંધશ્રદ્ધા અને ‘ઇસરો’ જેવી સંસ્થાની સત્તાવાર અંધશ્રદ્ધાનાં પરિણામ બહુ જુદાં હોય, એ ‘ઇસરો’ના ઇજનેરો કેમ સમજવા નહીં માગતા હોય? સૌ અંધશ્રદ્ધાળુ ઇજનેરો સ્નાન કરે છે એવી રીતે, ખાનગી રાહે, પોતાના ઘરે ઇષ્ટદેવની જેટલી પૂજા કરવી હોય એટલી કરીને આવે તો એ તેમની મુન્સફીની વાત છે, પણ જાહેરમાં તે મિશનની સફળતા માટે મંદિરોમાં પૂજાપાઠ કરતા દેખાય, એ દૃશ્ય વરવું લાગે છે. ફિલ્મમાં સરસ એક્ટિંગ કર્યા પછી બોક્સ ઓફિસ પર તેની સફળતા માટે ધર્મસ્થાનોમાં માથાં ટેકવતાં અભિનેતા-અભિનેત્રીઓ અને ‘ઇસરો’ના કાબેલ ઇજનેરો વચ્ચે કશો ફરક હોવો જોઇએ કે નહીં?

છેલ્લે એ પણ જાણી લેવું જોઇએ કે ડિસેમ્બર ૨૦૧૦માં જીએસએલવી એફ-૦૬ના પરીક્ષણના આગલા દિવસે રાધાકૃષ્ણન્‌ તિરૂપતિ મંદિરે પહોંચી ગયા હતા અને ત્યાં પૂજાપાઠ કર્યાં હતાં. તેમ છતાં, જીએસએલવી નિષ્ફળ નીવડ્યું. એટલું જ નહીં, પીએસએલવીમાં  નિષ્ણાત બન્યાનાં વર્ષો પછી હજુ સુધી ‘ઇસરો’ જીએસએલવીમાં સફળતા મેળવી શક્યું નથી. જીએસએલવી બની ગયું હોત તો મંગળયાન પહેલેથી જ વઘુ ઊંચી ભ્રમણકક્ષામાં લોન્ચ કરી શકાત, પરંતુ પૂજાપાઠ અને તિરુપતિની યાત્રાઓ જીએસએલવીને સફળતા અપાવી શકી નથી. એ સફળતા ‘ઇસરો’ને તેના ઇજનેરી કૌશલ્ય સિવાય બીજી કોઇ રીતે મળી શકે? જવાબ આપણે જાણીએ છીએ.    

9 comments:

  1. The scientists are running enormous stress and to cope up with it and to function in the right direction, they do need the support and strength. To face the said situation, they do follow their faith either individually or collectively, If the said rituals are hurting anyone, what you say has some bearing. Otherwise, if they perform rituals should be taken as most reasonable actions.

    ReplyDelete
    Replies
    1. my point is, it's not about individually or collectively. it's whether it should be done publicly or as a matter of personal faith.

      Delete
  2. આ વિજ્ઞાનીઓ મંદીરમાં પત્થરને એટલે પુજે છે કે યાન પૃથ્વી ઉપર પડે તો બીજા ઉપર પડે અને પોતે બચી જાય. જ્યારે એ જ ઈસરોના નાના કર્મચારીઓ યાનને મંગળ સુધી પહોંચાડી દેશે અને જશ લઈ જાશે આ પત્થરના પુજારીઓ....

    ReplyDelete
  3. આ લેખના તારણો વિશે મને કેટલાક પ્રશ્નો થાય છે.

    ૧. તિરૂપતિની મુલાકાત ઇસરોએ સત્તાવાર નિયમ દ્વારા કરી હતી? આપના કહેવા મુજબ ઇસરોના વડા અને ૧૮ સાથીદારો તિરૂપતિની મુલાકાત કેવા ગયા હતા. શું ઇસરોએ આ મુલાકાત લેવા માટે આ સહુને કોઇ પરિપત્ર આપ્યો હતો? કે પછી આ ૧૮ વ્યક્તિએ તેમના અંગત નિર્ણય દ્વારા સમૂહમાં મંદિરની મૂલાકાતે ગયા હતા?કોઇ પણ કંપની સત્તાવાર રીતે તેના કર્મચારીઓને મોકલે અને તેના કર્મચારીઓ અંગત રીતે ભેગા થઇને ક્યાંય જાય તેમા બહુ જ ફેર છે. તો શું આ સંજોગોમાં આપે આને 'ઇસરોની સત્તાવાર અંધશ્રદ્ધા' ગણી તે શીર્ષક યોગ્ય છે? આ ઇસરોના વૈજ્ઞાનિકોની અંગત (ભલે સમૂહમાં વ્યક્ત થયેલી) શ્રદ્ધા (કે તમારા મતે અંધશ્રદ્ધા)ગણવી વધુ યોગ્ય ન ગણાય?

    ૨. વૈજ્ઞાનિક અને વિવેકબુદ્દિઆદી (Rationalist) વચ્ચે કોઇ ભેદ છે? જો કોઇ ભેદ હોય તો આપે આ લેખમાં બન્ને વિચારોને એકસરખા ગણીને તો તારણ નથી કાઢ્યા ને?

    ૩. શ્રદ્ધા અને અંધશ્રદ્ધ વચ્ચે ભેદ છે? શું ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા એવો કોઇ દાવો કરવામાં આવ્યો કે આ મંગળયાન (કે ઇસરોના અન્ય મિશનો' સફળ ફક્ત એ કારણથી થયા કારણ કે તેમણે મંદિરની મુલાકાત લીધી હતી? તેમણે કદી દાવો કર્યો કે તેમના મિશનની સફળતા પૂજાપાઠને કારણે છે? જો આવો દાવો ન કરવામાં આવ્યો હોય તો તો પછી આ મુલાકાતને અંધશ્રદ્ધા કેવી રીતે ગણી શકાય? આ મિશન ઇસરોનુ હતું. પણ તેની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો માટે અંગતપણે પણ આ મિશન અગત્યનું જ હતું. આ સંજોગોમાં તેઓ કોઇ મહાનકામ કરવા જતા પહેલા ઇશ્વરને માથુ નમાવે તેને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા? ફક્ત ઇશ્વરના આશીર્વાદ માંગવાના તેમના કૃત્યને કારણે તેમના આ પગલાને અવૈજ્ઞાનિક ગણી લેવું યોગ્ય ગણાય? કોઇ વ્યક્તિ ઇશ્વરને પોતાની પ્રેરણા ગણે કે તેમના સ્મરણથી સધિયારો મેળવે આ શ્રધ્ધા છે કે અંધશ્રદ્ધ?

    ૪. આપે ફિલ્મસ્ટારો અને વૈજ્ઞાનિકો દ્વારા લેવાતી ધર્મસ્થળોની મુલાકાત વ્ચે ભેદ હોવો જોઇએ તેમા ફેર હોવો જોઇએ એમ કહ્યું. શા માટે? જો બન્ને વ્યક્તિઓ પોતાના હ્રદયની સાચી શ્રદ્ધાથી આ સ્થાનકોની મુલાકાત લે તો બન્ને વચ્ચે ભેદ કરવાની કેમ જરૂર છે? અને બન્નેની મુલાકાતનો હેતુ સસ્તી લોકપ્રિયતા અને દંભ જ હોય તો બન્નેની ટીકા પણ સમાનભાવે થવી જોઇએ. તેમા ભેદભાવ શા માતે કરવો? સમાન હેતુ ધરાવતી બે વ્યક્તિઓના સમાન વર્તનનું સમાનતાથી જ આકલન થવુ ન જોઇએ?( ભલે તે કોઇ પણ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય
    )

    ૫. પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ કરવો એ અંધશ્રદ્ધા છે?

    ૬. વૈજ્ઞાનિક થવા માટે અશ્રદ્ધાળુ થવું જરૂરી છે? શું જે વ્યક્તિ શ્રદ્ધાળુ હોય તે વૈજ્ઞાનિક ન બની શકે? વૈજ્ઞાનિકોએ તેમની શ્રદ્ધાનો જાહેરમા સ્વીકાર કરવુ અયોગ્ય છે? શું જાહેરમાં તેમણે ફરજીયાત પણે અશ્રદ્ધાળુ હોવાનો (અમુક કિસ્સામાં દંભ) કરવો જોઇએ?

    ReplyDelete
    Replies
    1. કહેવા જેવું બધું જ લેખમાં સ્પષ્ટતાપૂર્વક કહેવાઇ ચૂક્યું છે. છતાં તમે ધરાર સમજવા ન જ માગતા હો તો એ સમજાવવાની મારી શક્તિ નથી.

      Delete
    2. આપનો લેખ વાંચીને જે પ્રશ્નો થયા તે મેં રજૂ કર્યા. એમાં 'ધરાર નથી સમજવા માંગતા' એવા અંગત આક્ષેપની પ્રસ્તુતતા શી? મેં જે પ્રશ્નો ઉઠાવ્યા તે આપની સામે નહીં પણ આપના લેખના તારણ સામે ઉઠાવ્યા. પ્રશ્નોના ઉત્તર આવડતા હોય અને આપવાની ઇચ્છા હોય તો આપો. પછી જેવી તમારી મરજી.

      Delete
  4. Waiting to see your response if they visit any Masjid instead of Mandir!

    ReplyDelete
    Replies
    1. ખુશીથી...પણ એ વખતે લખીશ ત્યારે તમને યાદ નહીં રહે...કારણ કે ત્યાં સુધી આવું કશુંક બીજું તમને ન ગમતું હું લખી ચૂક્યો હોઇશ. એટલે તમે પેલું ભૂલી ગયા હશો. :-)

      Delete