Wednesday, September 29, 2010

કોમનવેલ્થ ગેમ્સના આયોજકોની તરફેણમાં

જૂનવાણી, પરદેશી માનસ ધરાવતા ઘણા લોકો પહેલાં ભારતને સાપ-મદારી ને સાધુઓના દેશ તરીકે તથા પછીથી કોલ સેન્ટરના દેશ તરીકે ઓળખતા હતા. હવે ઘણા બધા લોકો ભારતને કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ઓળખે છે. એ રીતે વિચારીએ તો કોમનવેલ્થ ગેમ્સની પહેલી રમતસ્પર્ધા યોજાય તે પહેલાં જ તેના આયોજન પાછળનો ભારતનો હેતુ સિદ્ધ થઇ ગયો ગણાય. કારણ કે આ જાતની સ્પર્ધાઓ પાછળ હજારો કરોડ રૂપિયાનું આંધણ કરવાનો મુખ્ય આશય ‘બ્રાન્ડિંગ’નો હોય છે. કેટલાક ઉત્સાહીઓ જ નહીં, અમુક અભ્યાસીઓ પણ ભારતને ‘ભાવિ સુપરપાવર’ તરીકે ઓળખાવવા મથી રહ્યા છે, ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં ભારતે દાખવેલી નિસ્પૃહતા અને નરસિંહ મહેતા વૃત્તિથી સુપરપાવર તરીકેની ભારતની છાપ અનેક ગણી મજબૂત બની છે.

ખરો સુપરપાવર કોણ કહેવાય? રમતોત્સવના પાંચ વર્ષ પહેલાંથી ખાઇખપૂચીને કામ કરવા મંડી પડે, આઠ મહિના બાકી હોય તે પહેલાં બે-ચાર નવી, ભવ્ય ડિઝાઇન ધરાવતી ઇમારતો ખડી કરી દે, છ મહિના બાકી હોય ત્યારે સ્ટેડિયમો તૈયાર કરી નાખે, મહિના પહેલાં ખેલાડીઓને રહેવા માટેની અપટુડેટ જગ્યા તૈયાર કરાવી દે એ દેશ? પાશ્ચાત્ય ભોગવાદ કે ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા’માં ડૂબેલા માણસોને કદાચ આવું લાગે, પણ આખું જગત જેને માનભરી નજરે જુએ છે અને જેમાંથી ભોગવાદી સંસ્કૃતિનું મારણ શોધે છે, એવા ભારતના આધ્યાત્મિક વારસાથી પરિચિત કોઇ જણ આ સુપરપાવરની વ્યાખ્યા આવી રીતે નહીં કરે.

સુપરપાવરની ખરી એટલે કે આધ્યાત્મિક એટલે કે ભારતીય (બધું એકનું એક જ કહેવાય) વ્યાખ્યા એ નથી કે જે સર્વસત્તાધીશ અને સર્વશક્તિમાન હોય. અમેરિકા પોતાની જાતને સુપરપાવર માને છે, પણ લાદેન જેવાં મચ્છરો અમેરિકન હાથીના કાનમાં ઘૂસીને તેને ગાંડોતૂર બનાવી શકે છે. એ વખતે સુપરપાવરનો અહમ ક્યાં રહ્યો? ખરો સુપરપાવર એ છે કે જેની પડખે સુપરપાવર- સર્વશક્તિમાન હોય. એ દૃષ્ટિએ વિચારતાં ભારતને સુપરપાવર કોણ નહીં ગણે? સાક્ષાત્ સર્વશક્તિમાન જેની પડખે હોય અને જે દેશ સંરક્ષણ અને યુદ્ધ જેવી બાબતોમાં પણ સર્વશક્તિમાનના ખોળે માથું મૂકીને નિશ્ચિંત બેસવાની તાકાત ધરાવતો હોય, તે કોમનવેલ્થ ગેમ્સ જેવી નજીવી બાબતોમાં ઘાંઘો થઇને દોડાદોડ કરી મૂકે, એડવાન્સમાં સ્ટેડિયમો તૈયાર કરી નાખે ને પૂલો બાંધી દે એવું ન બને. ન જ બનવું જોઇએ. એ જ તેના સુપરપાવરના મોભાને અનુરૂપ ગણાય.

દેખાદેખી માણસને ભાન ભૂલાવે છે. ઘણા લોકો કહે છે કે ‘બે વર્ષ પહેલાં ચીને ઓલિમ્પિક રમતોત્સવ નિમિત્તે બર્ડઝ નેસ્ટ નામનું અજાયબી જેવું સ્ટેડિયમ બનાવ્યું હતું.’ એમ જોવા જઇએ તો ચીનમાં લોકશાહી નથી-દંડાશાહી છે. એટલે શું આપણે પણ દંડાશાહી અપનાવવાની? અને ચીનને એક નહીં, એકવીસ ‘બર્ડઝ નેસ્ટ’ બનાવવાં પડે. કારણ કે તેની પાસે જગતને ઇમ્પ્રેસ કરવા માટે એક દીવાલ સિવાય બીજું છે શું? ‘વિલંબ, વિલંબ’ની બૂમો પાડનારા ટીકાખોરો એ સમજી શકતા નથી કે આપણે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાના પાંચ મહિના નહીં, પાંચ સદી પહેલાં તાજમહાલ તૈયાર કરી નાખ્યો છે ને કુતુબમિનાર તો એથી પણ પહેલાં. પછી જગતને બતાવવા માટે આપણી પાસે કશું નથી એવી અસલામતી અને લઘુતાગ્રંથિથી શા માટે પીડાવું જોઇએ?

કોમનવેલ્થ ગેમ્સ પર તૂટી પડેલાં પ્રસાર માધ્યમોનો એક કકળાટ એ છે કે સ્ટેડિયમોનાં બાંધકામ વેળાસર પૂરાં ન થયાં અને કેટલાંક સ્ટેડિયમોનાં હજુ ઠેકાણાં નથી. તેના માટે આગળ એક શબ્દ વાપર્યો છે ‘નરસિંહ મહેતાવૃત્તિ’, નરસિંહ મહેતા આપણા રાષ્ટ્રિય કવિ હતા. કારણ કે તેમનું ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ આપણા રાષ્ટ્રપિતાને અત્યંત પ્રિય હતું. નરસિંહ મહેતાએ તેમનાં દીકરી કુંવરબાઇના લગ્ન વખતે કોમનવેલ્થ ગેમ્સના આયોજકો જેવી જ ટાઢક રાખી હતી, પ્રસાર માધ્યમોની જેમ નાગરી નાત તેમની પાછળ પડી ગઇ હતી ને તેમની હાંસી ઉડાડતી હતી, પણ સુરેશ કલમાડી-શીલા દીક્ષિતની જેમ નરસિંહ મહેતા પર તેમનાં ટીકાબાણોની કશી અસર થતી ન હતી. એ કથાનો અંત કેવો આવ્યો અને અંતે હાંસી ઉડાડનારાની જ કેવી હાંસી થઇ તે આપણે સૌ જાણીએ છીએ. કલમાડી-દીક્ષિતે નરસિંહ મહેતાની કથા જાણે છે કે નહીં એ અગત્યનું નથી. ન જાણતાં હોય તો તે વધારે પ્રશંસનીય ગણાય. કારણ કે સફળતાની કોઇ ગેરન્ટી વિના તે ‘સઘળું હરિને હાથ’ સોંપીને, છેવટઘડી સુધી તૈયારીઓના ઠેકાણાં ન હોય તો પણ ‘અમારો પ્રસંગ રંગેચંગે પાર પડશે’ એવી ટાઢક ધરીને બેઠાં છે.

નરસિંહ મહેતાના જમાનાથી વાંધો પાડનારા પાસે મુદ્દાની ખોટ હોતી નથી. છેવટ સુધી તૈયારી ન કરવાનો ખુલાસો મળી ગયા પછી ટીકાકારો કહેશે, ’પુલો તૂટી પડે છે ને છતમાંથી પાણી ટપકે છે. આવું કેવું કામ થયું છે?’ પરંતુ આ લોકોએ યાદ રાખવું જોઇએ કે સુપરપાવર બનવું એ ખાવાના ખેલ નથી. મતલબ, ‘ખાવાના’ જ ખેલ છે, પણ એની સાથે સંકળાયેલી બાબતો પચાવવી સહેલી નથી. ઇતિહાસ ગવાહ છે કે ભારતનાં જાહેર બાંધકામોમાં અત્યાર સુધી ટપકતી છતોની, ભાંગતા રસ્તાની ને તૂટતા પૂલોની એક પરંપરા રહી છે. હવે કોમનવેલ્થ ગેમ્સ જેવા પ્રસંગે એ પરંપરા ભૂલીને અપટુડેટ કામ કરવામાં આવે તો જગત સમક્ષ ભારત કેવો નબળો દેશ પુરવાર થાય? વિશ્વને લાગે કે કોમનવેલ્થ ગેમ્સ જેવા સામાન્ય અને ગુલામીકાળના માનસના પ્રતીક જેવા રમતોત્સવમાં પણ ભારતે પોતાનો સ્વ-ભાવ ખોઇ નાખ્યો. આવો દેશ વધારે મોટા દબાણ કે પ્રભાવ સામે ઉભો રહીને સુપરપાવર શી રીતે બની શકે? સુપરપાવર એને જ કહેવાય જે પોતાની મર્યાદાઓને ઢાંક્યા વિના, તેને ગૌરવમાં ફેરવી નાખે અને ‘જે છે તે આ જ છે’ના મિજાજથી દુનિયા સામે માથું ઉંચું રાખીને શાનથી ઉભો રહી શકે.

આ દૃષ્ટિએ જોતાં સુરેશ કલમાડી અને શીલા દીક્ષિતે ભારતનો સુપરપાવર તરીકેનો દાવો અભૂતપૂર્વ રીતે મજબૂત કરી આપ્યો છે. એક તરફ કોમનવેલ્થ ગેમ્સ પૂરી થાય ત્યાં બીજી તરફ ભારત સુપરપાવર તરીકે ઘોષિત થયું સમજો. ચીને આટલાં વર્ષોમાં મહેનતથી ઉંધા પડીને જે સિદ્ધ કર્યું હતું તે કલમાડી-દીક્ષિત એન્ડ કંપનીએ નિષ્કામભાવે સિદ્ધ કરી બતાવ્યું છે. એ બદલ કોમનવેલ્થ ગેમ્સ પછી તરત તેમને સંયુક્ત રીતે ‘ભારતરત્ન’થી નવાજવા જોઇએ.

Tuesday, September 28, 2010

અયોઘ્યા: ધર્મભાવના અને નાગરિકભાવનાની ‘કોમનવેલ્થ ગેમ્સ’

ભારત અને ભારતીયો માટે અત્યારે બે મુદ્દા સૌથી મહત્ત્વના બની ગયા છે: કોમનવેલ્થ રમતોત્સવ અને અયોઘ્યા ચુકાદો. બન્ને વચ્ચે સીધો સંબંધ તો નથી. છતાં ઉપલબ્ધ માહિતીની મદદથી, બે ઘડી આશ્ચર્ય ખાતર તેમની વચ્ચે એક સંબંધ સ્થાપિત કરી શકાય એમ છે.

કોમનવેલ્થ ગેમ્સ એ યુગનું સંભારણું છે, જ્યારે ભારત સહિત બીજા અનેક દેશો પર બ્રિટિશ હકૂમત ચાલતી હતી. એક યા બીજા સમયે બ્રિટિશ રાજના તાબામાં રહી ચૂકેલા દેશોનો સમુહ એટલે કોમનવેલ્થ રાષ્ટ્રો, જે પહેલાં બ્રિટિશ કોમનવેલ્થ (મઝિયારી મિલકત) તરીકે ઓળખાતાં હતાં. એ અંગ્રેજી રાજ સામે ભારતમાં આઝાદીનો જંગ છેડનારી (ભારતીય રાષ્ટ્રિય) કોંગ્રેસની સ્થાપના ઇ.સ.૧૮૮૫માં થઇ. એ જ વર્ષે અયોઘ્યામાં મસ્જિદની પાસે આવેલા ચબૂતરા પર અધિકાર માગતી અરજી અદાલતમાં દાખલ થઇ હતી.

ઇ.સ.૨૦૧૦માં કેન્દ્ર સરકારમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મોરચા સરકારનું રાજ છે- દરમિયાન કોંગ્રેસ અનેક ચડાઉતાર, પરિવર્તનો અને ઝંઝાવાતો વેઠી ચૂકી છે- પરંતુ અયોઘ્યા વિવાદ આટલાં વર્ષ પછી પણ ઉકલી શક્યો નથી. બલ્કે, ઉકેલી શકાયો નથી.

અયોઘ્યાવિવાદમાં કોણ સાચું છે, ચુકાદો કોની તરફેણમાં આવશે અથવા આજે ચુકાદો આવવા સંબંધે શો ચુકાદો આવશે, એ અટકળબાજીમાં પડવાનો અર્થ નથી. કેમ કે, હાઇકોર્ટનો ચુકાદો આખરી નથી. ખરૂં જોતાં આ મુદ્દો એવો છે કે તેમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ પક્ષકારોને- ખાસ કરીને હારેલા પક્ષકારને- આખરી નહીં લાગે. મતલબ, અત્યાર લગી ચાલતી કાનૂની તકરાર છેવટે પાણીના વલોણા જેવી નિરર્થક પુરવાર થાય એવી પૂરી શક્યતા છે.

ફરી એક વાર કોમનવેલ્થ ગેમ્સને યાદ કરીએ : તેમાં નાગરિક તરીકે આપણે કેન્દ્ર સરકાર અને તેના સંબંધિત ખાતાંની નિષ્ફળતાની આકરા શબ્દોમાં (વાજબી) ટીકા કરવાની છે, પરંતુ તેની સમાંતરે ચાલતા અયોઘ્યાના મામલે નાગરિકોની ભૂમિકા ફક્ત દૂર ઉભા રહીને ટીકા કરતા ટીકાકાર તરીકેની રહેતી નથી. નાગરિકો પણ તેમાં સીધી કે આડકતરી રીતે પક્ષકાર બન્યા છે. કારણ કે આ વિવાદને મળેલું મહત્ત્વ રાજકીય ઉશ્કેરણી, ધર્મની સંકુચિત સમજ અને નાગરિકભાનની ઉણપને આભારી છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં સરકારે શું કરવું જોઇએ એવું ઉત્સાહપૂર્વક વિચારતા સૌએ અયોઘ્યા મુદ્દે નાગરિકોએ શું કરવું જોઇએ, એ અંગે પણ થોડો સમય આપવા જેવો છે.

કાલ્પનિક ભયથી છૂટકારો
અત્યારે મળતા અણસાર પ્રમાણે, અયોઘ્યાના વિવાદનો કાનૂની લડાઇથી પણ સુખરૂપ અંત આવે એવું ન લાગતું હોય, તો તેના બીજા રસ્તા વિશે વિચારવું પડે.

બીજા સંભવિત રસ્તામાંથી એક - અંતિમવાદનો રસ્તો ભારતીય જનતા પક્ષ અને તેની વિચારધારા સાથે સંકળાયેલાં બીજાં સંગઠનો અપનાવી ચૂક્યાં છે. એ રસ્તે ભારતીય જનતા પક્ષને થોડા સમય માટે સત્તા મળી, પણ દેશના નાગરિકોને તેનાથી કશો ફાયદો નથી અને ઘણું નુકસાન થયું છે. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ પછીનાં ૧૮ વર્ષ આટલું સમજવા માટે પૂરતાં ગણાવાં જોઇએ.

સાથોસાથ, એ કમનસીબ હકીકત છે કે મુસ્લિમો દેશનો અવિભાજ્ય હિસ્સો છે, ભારતમાંથી તેમને કદી હાંકી શકાવાના નથી અને વસ્તીવધારાના ‘શસ્ત્ર’થી ભારત પર કદી ‘મુસ્લિમરાજ’ સ્થપાવાનું નથી, એ સમજવા માટે ૧૯૪૭ પછીના છ દાયકા પણ પૂરતા નીવડ્યા નથી.

‘મુસ્લિમરાજ’ની બીકને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે અમેરિકાનો દાખલો આપવામાં આવે છે, જ્યાં કાળા લોકોની બહુમતિ ન હોવા છતાં તેમનું અને થોડા ઉદારમતવાદી ધોળા લોકોનું એટલું પ્રમાણ થઇ ગયું કે એક કાળો માણસ અમેરિકાનો પ્રમુખ બની શકે. ‘જે રીતે એક કાળો માણસ ધોળા અમેરિકા પર રાજ કરી શકે છે, એ જ રીતે થોડાં વર્ષોમાં મુસ્લિમો ભારત પર રાજ કરતા થઇ જશે’ એવી દલીલ પહેલી નજરે બહુ ચોટદાર લાગે છે, પણ સહેજ વિચારતાં તેની પોકળતા છતી થઇ જાય છે. અયોઘ્યા સાથે સીધો સંબંધ ન ધરાવતા આ મુદ્દા વિશે વિચારવાનું એટલા માટે જરૂરી છે કે મંદિર-મસ્જિદ જેવા વિવાદોમાં નાગરિકોના વલણ પર, તેમના મનમાં રહેલી ગ્રંથિઓ ઘણી અસર કરે છે.

‘ધોળા અમેરિકા પર કાળો માણસ રાજ કરે છે’ એ તથ્ય છે છતાં સત્ય નથી. બીજી રીતે કહીએ તો, એ શબ્દાર્થમાં સાચું છે પણ ઘ્વન્યાર્થમાં સાચું નથી. અમેરિકા પર કાળો માણસ રાજ કરતો હોવાને કારણે કેટલાક કાળા લોકોને સશક્તિકરણનો અહેસાસ થતો હશે. અમેરિકાનાં અટપટાં વંશીય સમીકરણો અને કાળા-ગોરાના ભેદભાવના અનેક ખૂણામાં એક વધારાનો ખૂણો ઉમેરાયો હશે. પરંતુ ઓબામાના પ્રમુખ બનવાથી કાળા લોકોએ ધોળા લોકોને સતાવવાનું શરૂ કરી દીઘું હોય કે તેમની અવદશા કરી નાખી હોય એવું બિલકુલ નોંધાયું નથી. જે રીતે ધોળા લોકો કાળા લોકો પર ચડી વાગેલા હતા, એનાથી ઉલટું જરાય બન્યું નથી. બલ્કે, કાળા લોકો સાથે થતા ભેદભાવ હજુ પણ પૂરેપૂરા નાબૂદ થયા નથી. કાળા-ગોરાના મુદ્દે ખુદ ઓબામા પણ છાશ ફૂંકી ફૂંકીને પીવાનું વલણ રાખે છે.

એ જ રીતે ભારતમાં હિંદુઓને બીવડાવવા માટે વપરાતી કાયમી કલ્પના પ્રમાણે ધારો કે ભારતમાં ‘મુસ્લિમોનું રાજ’ આવે તો એનો અર્થ શું થયો? ભારત લોકશાહી દેશ છે. એટલે કોઇ મુસ્લિમ ભારતનો રાજા કે સરમુખત્યાર તો બની જવાનો નથી. ધારો કે કોઇ મુસ્લિમ ભારતનો વડાપ્રધાન હોય તો શું થાય? એ જાણવા માટે શીખોને પૂછી જોવું. કેમ કે, એક શીખ ભારતનો વડાપ્રધાન બન્યા પછી પણ પોતાના જ પક્ષના શીખહત્યારાઓને કંઇ કરી શકતો નથી એ લાચારી તેમણે જોઇ લીધી છે.

મનમોહનસિંઘ જેવા રાજકારણીનો બીજો અંતિમ ગુજરાતના મુખ્ય મંત્રી જેવા નેતા છે. ધારો કે તેમના મુસ્લિમ અડધીયા જેવો કોઇ નેતા સર્વોચ્ચ વહીવટી સ્થાને પહોંચે તો શું થાય? ગમે તેટલું દબંગપણું બતાવ્યા પછી પણ છેવટે તો સત્તામાં ટકી રહેવા ઇચ્છનારે વિકાસનાં ને પ્રગતિનાં ગીત ગાવાં પડે છે. કારણ કે કોમી દ્વેષ અને ઝેરીલી ઉશ્કેરણીથી લાંબો સમય ટકી શકાતું નથી. ચુકાદાના પગલે ગુજરાતના મુખ્ય મંત્રી તરફથી થયેલી શાંતિ જાળવવાની અપીલ આવકારદાયક છે અને ભૂતકાળમાં ઘણા પ્રસંગોે તેમણે શું કરવા જેવું હતું છતાં કર્યું ન હતું તે પણ દર્શાવી આપે છે. ટૂંકમાં, ભારતમાં મુસ્લિમરાજની બીક અને એ બીક સામે ‘જેવા સાથે તેવા’ થવાની નીતિમાં દમ નથી.

રહી વાત ગુંડાતત્ત્વોની. તેમના ધર્મ સામે જોયા વિના તેમની સામે કડક પગલાં લેવાના રિવાજને નાગરિકો તરફથી પ્રોત્સાહન મળે અને એવું ન થાય તો નાગરિકો તરફથી સક્રિય વિરોધ થાય- આ સ્થિતિમાં રાજકીય પક્ષો કોને ખુશ રાખવાનું વધારે પસંદ કરશે? મુઠ્ઠીભર ગુંડાઓને કે બહુમતિ નાગરિકોને?

શ્રી રામ કે ઇસ્લામ, કોઇ ખતરામાં નથી
મુસ્લિમરાજ વિશેના અથવા ‘મુસ્લિમો ચડી વાગશે’ એવા કાલ્પનિક ભયથી છૂટકારો મેળવ્યા પછી, એ વિચારવાનું રહે છે કે અયોઘ્યાનો ચુકાદો આવે કે ન આવે, પણ નાગરિક તરીકે આપણું વલણ કેવું હોઇ શકે?

શ્રદ્ધાળુ હિંદુઓએ પોતાની જાતને જ પૂછવું જોઇએ કે શ્રી વર્તમાન સમયમાં રામના માહત્મ્યમાં તેમની વિવાદી જન્મભૂમિનું મહત્ત્વ કેટલું હોઇ શકે? શ્રી રામનું મહત્ત્વ અને માહત્મ્ય તેમની જન્મભૂમિની વિવાદાસ્પદ જગ્યા પર ટકેલું છે?

એક ધર્મનું સ્થાનક તોડીને એ જગ્યાએ બીજા ધર્મનું સ્થાનક બનાવવાની ઘટના વર્તમાન સમયમાં બની હોય, તો તેનો ન્યાય સાવ જુદી રીતે તોળવાનો રહે , પણ પાંચસો-છસો વર્ષ પહેલાંના એક સંભવિત બનાવને કેન્દ્રમાં રાખીને હિંદુઓ ‘શ્રીરામ ખતરેમેં’ની માનસિકતા ધરાવવા લાગે અને રામલલ્લાને મુક્ત કરાવવાની વાતો કરે, એમાં શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધા કરતાં રાજકારણ પ્રેરિત અસલામતી વધારે જવાબદાર નથી લાગતી?

અત્યારે પરિસરમાં મૂકાયેલી શ્રી રામની મૂર્તિ પાછળથી મુકવામાં આવેલી છે એ નોંધાયેલી હકીકત છે. મૂળ ઝગડો મંદિર તોડીને મસ્જિદ બની કે નહીં તેનો છે. અદાલત જો ચુકાદો આપે તો તે આ જ સ્પષ્ટતા કરવાની છે. મર્યાદાપુરૂષોત્તમ ગણાતા શ્રી રામનો ભક્તો એક શક્યતા તરીકે એવું ધારી લે કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઇ છે. જો એવું હોય તો પણ આજે આટલાં વર્ષે એટલું જ સિદ્ધ થાય છે કે મંદિર તોડનારો હાર્યો છે. કારણ કે મંદિર તોડ્યા પછી પણ તે લોકોની શ્રદ્ધા તોડી શક્યો નથી.

આ જાતના અર્થઘટનનો અર્થ એવો બિલકુલ જ ન થાય કે ‘મંદિર તોડવાથી શ્રદ્ધા તૂટતી નથી, એટલે મંદિર તૂટવાં દેવાં.’ પરંતુ આ બનાવ પાંચ-છ સદી પહેલાંનો, જુદી રાજકીય-સામાજિક પરિસ્થિતિમાં બનેલો મનાતો હોય અને ખરેખર તે બન્યો છે કે નહીં એ વિશે પણ અવઢવ હોય, ત્યારે તેના વિશે ઉપર જણાવ્યા પ્રમાણે વિચારવું વધારે યોગ્ય નથી?

બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વચ્ચેની ખેંચતાણ આટલાં વર્ષોથી ચાલે છે, તે બન્ને પક્ષે પુખ્તતાનો અભાવ સૂચવે છે. રાજકીય પક્ષોએ બળતામાં પાણીને બદલે પેટ્રોલ નાખવાનું અને એ રીતે ભડકેલી આગ પર પોતાના રોટલા શેકી લેવાનું કામ કર્યું છે. એ આગની ઝાળ લાગવાથી સામાન્ય નાગરિકોએ ઘણું નુકસાન વેઠ્યું છે. બદલાયેલા સમયમાં, ઇ.સ.૨૦૧૦માં હિંદુઓએ ‘શ્રીરામ ખતરેેમેં’ કે મુસ્લિમોએ ‘ઇસ્લામ ખતરેમેેં’ની ઝનૂનીઓ પ્રેરિત માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. કેમ કે, આ બન્નેના અસ્તિત્ત્વને તો નહીં, પણ તેમની પ્રતિષ્ઠાને સૌથી મોટો ખતરો બહારથી નહીં, પોતાના અનુયાયીઓ તરફથી છે.

આટલું સમજાય તો અયોઘ્યા મુદ્દે શું ચુકાદો આવે છે તેનું જિજ્ઞાસાથી વધારે કશું મહત્ત્વ નહીં રહે અને ન્યાયના નામે ચાલતી, અવિરતમાંથી અપ્રસ્તુત બની જતી પ્રક્રિયા સાથે લેવાદેવા નહીં રહે.

Sunday, September 26, 2010

રાજનાં રખોપાં


નાનપણમાં ઓફિસો જોઇ ન હતી ત્યારે સાહેબગીરીનું પહેલું અને ચિરંજીવ ચિત્ર રેલવે સ્ટેશન પર અંકાયું હતું. એક ટ્રોલી હોય, તેની પર એક બાંકડો, પાછળ ઉંચા દંડા પર મોટી છત્રી ગોઠવેલી હોય, તેની છાયામાં બાંકડા પર એક ‘બાબુ’ બેઠા હોય અને એ લારીની આગળ બે માણસ હોય, પાછળ બે માણસ ધક્કા મારતા હોય, પાટા ઉપર જ સંતુલન જાળવીને ધક્કો મારતા એ માણસો ટ્રોલીની થોડી સ્પીડ આવે એટલે પાટા પર દોડતા દોડતા ટ્રોલી પર ચડી જાય. વળી પાછી ટ્રોલી ધીમી પડે એટલે નીચે ઉતરીને ધક્કા મારે. ત્રીજા એકાદ માણસના હાથમાં ઝંડી હોય, ચોથાના હાથમાં બીજું કંઇક. એ બધાની પ્રવૃત્તિઓથી નિસ્પૃહ ‘બાબુ’ બેઠા હોય, કદાચ એ એમનું કામ કરતા હોય- કશુંક નોંધતા હોય અથવા અવલોકતા હોય.

સાવ એ પ્રકારનું નહીં, પણ એક બાબુ સાથે ચાર માણસો ટ્રોલી પર નીકળ્યા હોય એવું દૃશ્ય જોયું એટલે ઉપર લખેલી યાદો તાજી થઇ. અહીં તસવીરમાં દેખાતી ટ્રોલી જુદી છે. તેમાં પાટાના ગેજને લગતું કોઇ સાધન ગોઠવેલું છે, તેમાંથી અફસર જોઇ રહ્યા છે. છતાં એકઃચાર અંગ્રેજના જમાનાનો ગુણોત્તર ટેકનોલોજીના હજુ બદલાયો નથી અને એક માણસ ફક્ત સાહેબના માથે છત્રી ધરવાનું કામ કરી રહ્યો છે.

Thursday, September 23, 2010

ડિજિટલ ટેકનોલોજીને કાગળ-પેન જેટલી સહેલી બનાવી દેવી છેઃ આઇ.ટી.ના ગુજરાતી ‘જાદુગર’ પ્રણવ મિસ્ત્રી

(Pranav Mistry / પ્રણવ મિસ્ત્રી, Ahmedabad, sept.2010)

૨૯ વર્ષના ગુજરાતી યુવાન પ્રણવ મિસ્ત્રી એટલે ‘સિક્સ્થ સેન્સ’ સહિત અનેક આશ્ચર્યજનક અને જાદુઇ લાગે એવી ટેકનોલોજીના શોધક. પ્રતિષ્ઠિત એમ.આઇ.ટી. મિડીયાલેબ (અમેરિકા)માં ડોક્ટરેટ કરી રહેલા પ્રણવનાં સંશોધનો ટેકનોલોજીનું ભાવિ સ્વરૂપ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. બે દિવસની અમદાવાદની મુલાકાતે આવેલા પ્રણવ મિસ્ત્રીએ ટેલિફોનીક વાતચીતમાં ‘સિક્સ્થ સેન્સ’થી ‘સરસ્વતીચંદ્ર’ સુધીના વિષયો અંગે ચર્ચા કરી હતી.

કલ્પનામાં ન આવે અને જાણ્યા પછી પણ ભેજામાં ન ઉતરે એવાં સંશોધનો પ્રણવ મિસ્ત્રીની ખાસિયત છે. એટલે જ, તેમની ‘સિક્સ્થ સેન્સ’ ટેકનોલોજીને દુનિયાભરનાં પ્રસારમાઘ્યમોમાં માનભર્યું સ્થાન મળ્યું છે. ‘સિક્સ્થ સેન્સ’ હોય કે બીજાં સંશોધનો, એ સૌને સાંકળતો તંતુ કયો છે?’ તેના જવાબમાં પ્રણવ કહે છે,‘છેલ્લા બે-અઢી દાયકામાં ડિજિટલ ટેકનોલોજીનું એવું આક્રમણ થયું કે ભૌતિક-વાસ્તવિક જગત સાથે આપણો સંપર્ક તૂટવા લાગ્યો અને ડિજિટલ ડિવાઇડ તરીકે ઓળખાતી સ્થિતિ પેદા થઇ છે. તેનાથી કમ્પ્યુટર અને ટેકનોલોજી પહોંચ્યાં હોય એવા ૧૦-૨૦ ટકા લોકોને ફાયદો થાય છે અને બાકીના લોકો વંચિત રહી જાય છે. મારાં સંશોધનનો આશય બાકી રહી ગયેલા ૭૦-૮૦ ટકા લોકો સુધી ટેકનોલોજીના ફાયદા પહોંચાડવાનો છે. મારે ટેકનોલોજીને એવી સાહજિક, સ્વાભાવિક અને સહેલી બનાવી દેવી છે કે ડિજિટલ ડિવાઇડ ન રહે. પેન વાપરવાનું જેમ માણસને શીખવવું પડતું નથી, એમ મારી ટેકનોલોજી પણ સૌ કોઇ સહેલાઇથી વાપરી શકે એવો મારો પ્રયાસ છે.’

મેસેચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી/એમ.આઇ.ટી.માં જતાં પહેલાં પ્રણવ મિસ્ત્રી પાસે ટેકનોલોજીના ૧૩ અને ડિઝાઇનિંગના ૭ પેટન્ટ હતા. એમ.આઇ.ટી.માં તેમનાં ૬ સંશોધનોના પેટન્ટની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. પ્રણવ પોતાની ભૂમિકા સંશોધક તરીકે મર્યાદિત રાખવા માગે છે. એટલે કે તે નવી ટેકનોલોજી આપે અને તેના આધારે બીજી કંપનીઓ ઉત્પાદનો બનાવીને બજારમાં મૂકે. બદલામાં પ્રણવને ટેકનોલોજીના શોધક તરીકે રોયલ્ટી મળતી રહે. અત્યારે મોબાઇલ ફોનમાં જોવા મળતી ભારતીય ભાષાઓના મૂળમાં પ્રણવ મિસ્ત્રીનો ‘અક્ષર’ પ્રોજેક્ટ છે. એવી જ રીતે, એક સ્ક્રીન પર એક સાથે અલગ અલગ દૃશ્યો દેખાડતી ‘થર્ડ આઇ’ ટેકનોલોજી ધરાવતાં ઉપકરણો પણ બજારમાં આવી રહ્યાં હોવાનું પ્રણવ જણાવે છે.

અમદાવાદમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઇ.આઇ.ટી. મુંબઇમાંથી માસ્ટર ઓફ ડિઝાઇનની ડિગ્રી મેળવનાર પ્રણવનું વતન પાલનપુર છે. બારમા ધોરણ સુધી ગુજરાતી માઘ્યમમાં ભણેલા પ્રણવની દુનિયાભરના મહારથીઓ સાથે મુલાકાત થતી રહે છે. તેમાં ‘ગુગલ’ના સીઇઓથી માંડીને ‘અવતાર’ અને ‘ટાઇટેનિક’ ના ડાયરેક્ટર જેમ્સ કેમેરૂન જેવા આવી જાય. તેમ છતાં, ગુજરાતના ઘણાખરા શહેરી યુવાનો કરતાં વધારે સફાઇપૂર્વક અને વધારે ગૌરવથી પ્રણવ ગુજરાતીમાં વાત કરતાં કહે છે, ‘પાલનપુરી શાયરોની ગઝલો તો તેમને સંભાળાવી શકું એવી રીતે મોઢે છે.’

અમેરિકામાં રહેવા છતાં અને ટેકનોલોજીના વિશ્વમાં ગળાડૂબ હોવા છતાં પ્રણવે ગુજરાતી સાથેનો નાતો જીવંત રાખ્યો છે. ‘મારી બહેન ત્યાં રહે છે. તેની પાસેથી પુસ્તકો મંગાવું છું. હમણાં જ સરસ્વતીચંદ્રનો ત્રીજો ભાગ પૂરો કર્યો.’ એવું પ્રણવ તેમનાં સંશોધનો જેટલી સ્વાભાવિકતાથી કહે છે. ચીન અને હોંગકોંગની મુલાકાતો પછી તેમણે ચીની ભાષાનો પણ અભ્યાસ શરૂ કર્યો છે.

ભારતીયોને મલ્ટીપરપઝ/બહુહેતુક આઇકાર્ડ આપવા માટેના યુનિક આઇડી પ્રોજેક્ટમાં પ્રણવને રસ છે. પ્રોજેક્ટના વડા નંદન નિલકેનીને અગાઉ બે વાર મળી ચૂકેલા અને આ વખતે વઘુ એક વાર મળનાર પ્રણવ ભારત માટે જે કંઇ કરી શકાતું હોય તે કરવા ઇચ્છે છે. ગુજરાતમાં-ભારતમાં એન્જિનિયરિંગ, કળા, સંગીત જેવાં વિવિધ ક્ષેત્રોને એકબીજાથી સાવ જુદાં પાડી દેવામાં આવ્યાં છે, એ તેમને અયોગ્ય લાગે છે. આ બાબતમાં લિઓનાર્દો દ વિન્ચી તેમને અત્યંત પ્રિય છે. એ.આર.રહેમાનને વિશે પણ તે કહે છે,‘એ ફક્ત સંગીત આપવા ખાતર સંગીત આપતા નથી. સંગીત જાણે એમનો ધર્મ છે.’

‘હું જે ગમે છે તે જ કરૂં છું અને જે કરૂં છું તે ગમે જ છે’ એ શબ્દોમાં પોતાની પ્રકૃતિ વર્ણવતા પ્રણવ મિસ્ત્રી કહે છે,‘જે કામ કરવાથી રાત્રે ઊંઘ ન આવે (મઝા ન આવે/યોગ્ય ન લાગે) એ કામ હું આગળ વધારતો નથી- ભલે તેમાં ગમે તેટલો ફાયદો થવાનો હોય.’

ટેકનોલોજીમાં અવનવા પ્રયોગો કરનાર પ્રણવ મિસ્ત્રી દૃઢપણે માને છે કે ‘ભવિષ્યમાં જે થાય તે જોયું જશે, એવું રાખવાને બદલે આપણું ભવિષ્ય જાતે ડીઝાઇન કરવામાં વધારે શાણપણ છે.’

visit http://www.pranavmistry.com/ for details of projects)

Tuesday, September 21, 2010

દાઘેસ્તાનઃ કવિનું અને ત્રાસવાદીઓનું (૨) - પહાડી શાણપણની ભૂમિમાં લોહીયાળ સંઘર્ષ

Rasul Hamzatov/ રસૂલ હમઝાતોવ

રસૂલ હમઝાતોવનું દાઘેસ્તાન તેનો રસ અકબંધ રાખીને ગુજરાતી વાચકો સુધી પહોંચતું કરનાર અતુલ સવાણીઃ મોસ્કોના ખોવાન્સ્કો કબ્રસ્તાનમાં પત્ની કુદ્સિયા સવાણીની પહેલી તિથી નિમિત્તે

(તસવીર સૌજન્યઃ ‘ઓપિનિયન’ પત્રના અધિપતિ- વડીલ મિત્ર બ્રિટનનિવાસી વિપુલ કલ્યાણી )

ભૂતપૂર્વ સોવિયેત રશિયાના એક પ્રાંત દાઘેસ્તાનમાં ગુજરાતી વાચકોને રસ પડવાનું મજબૂત કારણ હોય તો એક જઃ કવિ રસૂલ હમઝાતોવે લખેલું -અને પ્રગતિ પ્રકાશન, મોસ્કોના અતુલ સવાણીએ ગુજરાતીમાં ઉતારેલું- પુસ્તક ‘મારૂં દાઘેસ્તાન’.

પહાડી સરળતા, પ્રકૃતિ સાથેની નિકટતા, કોઠાસૂઝ, ડહાપણ, સાદગી જેવાં જીવનમૂલ્યો પુસ્તકમાં આલેખીને રસૂલ હમઝાતોવે પોતાના વતન દાઘેસ્તાનની સ્વર્ગ જેવી છબી ઉભી કરી. સ્મૃતિકથા/આત્મકથામાં રસૂલે દાઘેસ્તાનનાં- પોતાની અવાર ભાષાનાં કવિતા, કહેણી, પ્રસંગોનો છૂટથી ઉપયોગ કર્યો અને પુસ્તકને આત્મીયતાથી ધબકતું બનાવી દીઘું.

દાઘેસ્તાનના લોકકવિ તરીકે ઓળખાતા પોતાના પિતા હમઝાત વિશે રસૂલે લખ્યું હતું,‘વરૂનું ઘાતકીપણું અને સસલાનું બીકણપણું, આપખુદ શાસન અને ગુલામ જેવી તાબેદારી બાપુને પસંદ નહોતાં. એ કહેતા,‘કડકડ કરતાં ભાંગી જવાય એટલા સૂકા ન બનવું અને ચીંથરાની જેમ નીચોવી શકાય એટલા ભીના પણ ન બનવું.’ કોઇ પણ મહેમાનની ત્રણ દિવસ સુધી તો કંઇ પણ પૂછ્યા વિના જ આગતાસ્વાગતા કરવી પડે, એવો રિવાજ ધરાવતા દાઘેસ્તાન વિશે પુસ્તકમાં એક કહેણી એવી પણ નોંધાઇ છે કે ‘મહેમાન બધી બાજુએથી દેખાવડો લાગે, પણ એની પીઠનો દેખાવ સૌથી મજાનો લાગે.’

પહાડી લોકો શાંતિપ્રિય એટલા જ ગરમ મગજના. સંવેદનશીલ એવા જ આક્રમક. એવા એક કવિનો કિસ્સો રસૂલ હમઝાતોવે આપ્યો છે. તેમની કવિતા નવા વર્ષના અંકમાં છાપતી વખતે સંપાદકે તેમાંથી ચાર લીટી કવિને પૂછ્યા વિના ઉડાડી દીધી. નારાજ કવિએ સંપાદકને પૂછ્યું,‘તમારા અખબારના વિશાળ ચરાણમાં મેં ચરવા મૂકેલાં ઘેટાંમાંથી ચાર બહેતરીન ઘેટાંનાં ગળાં કોણે કાપી નાખ્યાં? મારા કાવ્યમાંથી ચાર પંક્તિઓ કોણે ઉડાવી દીધી?’

‘બીજું તાકીદનું લખાણ આવ્યું એટલે જગ્યાની જરૂર પડતાં મેં ચાર પંક્તિ ઉડાડી દીધી.’ એવો સંપાદકનો ખુલાસો સાંભળીને કવિનો પિત્તો છટક્યો. ‘તું કવિનાં કાવ્યોમાંથી એની રજા વગર પંક્તિઓ ઉડાવી શકે તો હું તને બારીમાંથી બહાર ફગાવી શકું.’ એમ કહીને તેમણે સંપાદકને ગળચી અને ટાંટિયા પકડીને પહેલા માળની બારીમાંથી બહાર-નીચે ફેંકી દીધો. સારૂં થયું કે ઓફિસ પહેલા માળ પર હતી અને નીચે ફૂલોની ક્યારી હતી.

કવિના હુમલા અંગે કેસ ચાલ્યો ત્યારે તેમણે પોતાની કેફિયતમાં કહ્યું,‘આંખની સામે આંખ! દાંતની સામે દાંત! એણે મારૂં સંપાદન કર્યું તો મેં એનું સંપાદન કરી નાખ્યું.’

પુસ્તકમાં નામનું મહત્ત્વ વધારે છે કે તેની અંદરની સામગ્રીનું, એ અંગે પોતાની અવઢવ પ્રગટ કરતાં રસૂલે એક કથા લખી છેઃ ત્રણ શિકારીઓ એક વરૂનો શિકાર કરવા ગયા. વરૂ ફક્ત એક જણનું માથું જઇ શકે એટલી સાંકડી ગુફામાં છૂપાઇ ગયું. પહેલા શિકારીએ વરૂને મારવા માટે ગુફામાં માથું નાખ્યું, પણ પછી કલાકો સુધી કોઇ હલનચલન થયું નહીં. એટલે બાકીના બે શિકારીઓએ ગુફાની બહાર દેખાતું ધડ ખેંચ્યું, તો તેની પરનું માથું ગાયબ! બન્ને શિકારીઓ એ જોઇને વિચારમાં પડ્યા અને એકબીજાને પૂછવા લાગ્યા,‘આ અંદર ધૂસ્યો ત્યારે તેનું માથું હતું કે નહીં?’ લાંબી ચર્ચા પછી બન્ને શિકારીઓને યાદ આવ્યું નહીં, એટલે તે મૃત શિકારીની પત્ની પાસે ગયા અને તેને પૂછ્યું. પત્નીએ જવાબ આપ્યો,‘મારા ધણીને માથું હતું કે નહીં એની મને કેવી રીતે ખબર પડે? મને ફક્ત એટલું યાદ છે કે તે દર વર્ષે નવી પાપાખા (દાઘેસ્તાની ટોપી) ખરીદતો હતો.’

આ પ્રકારના ચોટદાર કિસ્સાની જેમ સ્થાનિક સંસ્કૃતિમાંથી નીપજેલી અનેક શાણપણભરી ઉક્તિઓ પણ રસુલે નોંધી છે. જેમ કે ‘ગરૂડને ખડ ખવડાવવાની અને ગધેડાને માંસ ખવડાવવાની કોશિશ કદી ન કરવી.’ અથવા ‘જે સવાર પાસે ઘોડા માટે પલાણ કે ચાબુક ન હોય તેની બીબી તેને છોડીને ભલે ચાલી જતી.’ તેમણે લખ્યું છે, ‘પહાડી વિસ્તારોમાં શાદીની મહેફિલમાં સામેલ થવા આવતો માણસ પોતાનાથી પહેલાં પહોંચેલા લોકોને પૂછે છે: ‘સૌ પૂરતા ભેગા થઇ ગયા છો કે હું પણ આવું અંદર?’ અને મહેમાનો જવાબ વાળે,‘તમે ખરેખર તમે જ હો તો જરૂર અંદર આવો.’

પહાડી લોકો ઝઘડતી વખતે એકબીજા વિશે આકરાં વેણ બોલે ખરા, પણ કોઇના મોઢે ભૂલેચૂકે મા કે બહેન વિશે કંઇક આવી ગયું તો ખલાસ! તરત મ્યાનમાંથી કટારો ઝબૂકે. આ ખાસિયત નોંધીને રસૂલ લખે છે,‘દાઘેસ્તાન, તું મારી મા છે...મને કહેવાતાં તમામ વેણ હું સાંખી લઇશ, પણ મારા દાઘેસ્તાનને બટ્ટો લગાડતા શબ્દો હું કોઇને નહીં બોલવા દઊં.’

દાઘેસ્તાનની અવાર ભાષામાંથી રશિયન ભાષામાં અને પછી તો બીજી અનેક ભાષાઓમાં રસૂલ હમઝાતોવની કૃતિઓના અનુવાદ થયા. તેમને દાઘેસ્તાનના સત્તાવાર લોકકવિ જેવું બહુમાન મળ્યું. સાથોસાથ, એક સૂર એવો પણ ઉઠતો રહ્યો કે રશિયાની સામ્યવાદી સરકારના લોખંડી સકંજા સામે તેમણે કદી અવાજ ન ઉઠાવ્યો અને શાસનના અત્યાચારોનો ભોગ બનેલા સર્જકોની પડખે ઉભા ન રહ્યા. બલ્કે, શાસકો તરફથી મળતાં માનસન્માન-એવોર્ડ વિના સંકોચે સ્વીકારતા રહ્યા. રશિયાની સામ્યવાદી સરકારે બે વર્ષ પહેલાં દાઘેસ્તાનના પાટનગર માખાચકલામાં રસુલ હમઝાતોવની ઓફિસને તેમના મ્યુઝીયમ તરીકે ખુલ્લી મૂકી. બીજી ઘણી રીતે પણ તેમની તિથીની ઉજવણી થઇ.

રસૂલ હમઝાતોવનું ૩ નવેમ્બર, ૨૦૦૩ના રોજ મૃત્યુ થયું તે પહેલાં દાઘેસ્તાન અને તેના પાડોશી મુલક ચેચન્યામાં રશિયાના શાસન સામે બે વિદ્રોહ થઇ ચૂક્યા હતા. બન્ને વખત રશિયાએ બળપ્રયોગ કર્યો અને બીજા યુદ્ધ પછી ચેચન્યામાં રશિયાની કહ્યાગરી સરકાર સ્થાપવામાં સફળતા મેળવી. તેમ છતાં શાંતિ સ્થપાઇ નહીં. ૧૯૯૯માં ચેચન્યા સ્થિત કટ્ટરપંથી ‘ઇસ્લામિક ઇન્ટરનેશનલ બ્રિગેડ’ના હથિયારબંધ માણસોએ ક્રુડ ઓઇલ અને ગેસથી સમૃદ્ધ છતાં ગરીબ દાઘેસ્તાનના વિદ્રોહીઓનો પક્ષ લઇને રશિયન સત્તા સામેના સંઘર્ષમાં ઝુકાવ્યું. યુદ્ધમાં રશિયાનાં દળોનો વિજય થયો, પણ દાઘેસ્તાનની શાંતિ હણાઇ ગઇ. રઝૂલ હમઝાતોવની કવિતાઓથી ઓળખાતું દાઘેસ્તાન ત્યાર પછી હિંસાની ઘટનાઓને કારણે સમાચારોમાં આવવા લાગ્યું.

કટ્ટરપંથી ઇસ્લામી વિદ્રોહીઓએ રશિયાનો મજબૂત ટેકો ધરાવતી સ્થાનિક સરકાર, તેની પોલીસ અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું. આ મહિનાના બીજા અઠવાડિયામાં સરકારનો ત્રાસવાદવિરોધી વિભાગનો વડો પાટનગર માખાચકલામાં પોતાની ઓફિસે જઇ રહ્યો હતો, ત્યારે ઉગ્રવાદીઓએ તેને વીંધી નાખ્યો. ત્યાર પહેલાં એક કારમાં બોમ્બ ફાટતાં એક પોલીસને ગંભીર ઇજા પહોંચી હતી. તેના અઠવાડિયા પહેલાં દાઘેસ્તાનના વિદેશ નીતિ અને માહિતી ખાતું સંભાળતા મંત્રી પર ખૂની હુમલો થયો હતો, જેમાંથી મંત્રી તો બચી ગયા પણ તેમનો ડ્રાયવર માર્યો ગયો અને બે અંગરક્ષકો ઘાયલ થયા. સપ્ટેમ્બરના આરંભે દાઘેસ્તાનમાં આવેલી એક સૈન્યછાવણી પર સુસાઇડ કાર બોમ્બિંગના હુમલામાં ૫ જવાન મૃત્યુ પામ્યા અને ૪૦ ઘાયલ થયા. ત્રાસવાદવિરોધી દળના વડાની હત્યા પછી ગયા રવિવારે રશિયાની પોલીસના સ્પેશ્યલ ઓપરેશનમાં માખાચકલામાં ૧૦ ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા.

બન્ને પક્ષો એકબીજાના અંતિમવાદી વલણ વિશે ફરિયાદ કરી રહ્યાં છે- અને કદાચ બન્ને પક્ષ સાચા છે, પણ તેમની વાત સાચી હોય તેનાથી ખૂનામરકીનો અંત આવતો નથી. તે આગળ વધતી રહે છે. રસૂલ હમઝાતોવે લખ્યું હતું,‘બીજા બધા દેશોનો ઇતિહાસ લોહી ઉપરાંત શાહીથી પણ લખાયેલો છે, જ્યારે દાઘેસ્તાનને એ મોકો વીસમી સદીમાં પહેલી વાર મળ્યો.’ પરંતુ લાગે છે કે માંડ મળેલો એ મોકો એકવીસમી સદીના આરંભે જ હાથથી સરી રહ્યો

દાઘેસ્તાનના પહાડી લોકોમાં કહેવાય છે કે ‘અમારા પહાડોની જડીબુટ્ટીઓથી ન મટે એવો કોઇ રોગ દુનિયામાં છે જ નહીં.’ પરંતુ લાગે છે કે રાજકીય અશાંતિ, સુસાઇડ બોમ્બિંગ અને ઉગ્રવાદ એવા રોગ છે, જેની જડીબુટ્ટીઓ કોઇ પહાડ પર ઉગતી નથી. રસૂલ હમઝાતોવના દાઘેસ્તાનમાં પણ નહીં.

Sunday, September 19, 2010

450મી પોસ્ટઃ(વધુ એક) નવી શરૂઆત


450ના મુકામે બ્લોગની સમૃદ્ધિમાં અને બની શકે તો તેની ઉપયોગીતામાં ઉમેરો કરવાના આશયથી પુસ્તકો વિશે અનિયમિત રીતે નિયમિત માહિતી આપતો એક વિભાગ શરૂ કરું છું. તેમાં નવાં ગુજરાતી-અંગ્રેજી, ક્યારેક હિંદી પુસ્તકો વિશે જાણકારી આપવાનો આશય છે. એ રીવ્યુ નહીં હોય. ફક્ત જાણકારી હશે. કોઇકમાં સાથે નોંધ લખવાનું મન થાય તો ટૂંકી નોંધ. બસ.

મ્યુનિસિપાલિટીની ટ્રકમાંથી ઉકરડામાં ઠલવાતા કચરા જેવા જથ્થામાં નબળાં પુસ્તકો ઠલવાઇ રહ્યાં છે, ત્યારે વાચનપ્રેમી મિત્રોને કેટલુંક કામનું હોઇ શકે એવું ચીંધી બતાવવાનો આશય આ ઘડીએ મનમાં છે. તેમાં ક્યારેક મિત્રપ્રેમને કે અંગત લાગણીને વશ થઇને કોઇ પુસ્તકની નોંધ લેવાનું થાય એવું પણ બની શકે છે. પરંતુ ઘણું કરીને અહીં અંગત પસંદગીના વિષયો અંગેના પુસ્તકોની નોંધ લેવાનો ખ્યાલ છે, જેથી સૂચિ સાવ પરબ-શબ્દસૃષ્ટિ જેવી ન બની જાય. પુસ્તકો વિશેનું સામયિક ‘ગ્રંથ’ જોયું નથી, પણ તેના વિશે જે સાંભળ્યું છે એની પરથી અત્યારે તેની બહુ ખોટ વર્તાય એવો માહોલ છે. થોડીઘણી જગ્યાએ પુસ્તકો વિશેની જે કોલમો ચાલે છે, તેમાં વિશ્વસનીયતા તો ઠીક, ગંભીરતાના પણ ગંભીર પ્રશ્નો છે.

નમૂનાલેખે 6 ઓગસ્ટ, 2010ના રવિવારની ‘દિવ્ય ભાસ્કર’ પૂર્તિમાં છપાયેલા ડો.આંબેડકર વિશેની એક પુસ્તિકાના રીવ્યુની વાત કરું. માત્ર એંસી પાનાંની આ પુસ્તિકાના રીવ્યુમાં એંસીથી નેવુ ટકા હિસ્સામાં પુસ્તકમાંથી અવતરણો ટાંકવામાં આવ્યાં હતાં અને ક્યાંક અર્થઘટનનો પ્રયાસ થયો ત્યારે કેવો ગોટાળો સર્જાયો હતો, તે રીવ્યુકાર ભોળાભાઇ પટેલના જ શબ્દોમાં વાંચોઃ

‘મૂળે ગુજરાતના બાબાસાહેબને ગુજરાતમાં તલાટીની નોકરી કરવાનો પણ એક એવો મૃત્યુનો સામનો કરવા જેવો અનુભવ માત્ર ને માત્ર અછુત હોવાને કારણે. એ વખતે પણ નોકરી છોડી મુંબઇ પાછા જતું રહેવું પડ્યું હતું. આ છે સત્યની પીડા-સત્ય પીડા- પછી ભારતરત્ન બનેલા બાબાસાહેબે અનુભવેલી.’

ડો.આંબેડકર વિશેની પ્રાથમિક જાણકારી હોય એવા મિત્રો પણ જાણે છે કે તે ‘મૂળે ગુજરાતના’ ન હતા અને તેમણે કદી ગુજરાતમાં તલાટી તરીકે નોકરી કરી ન હતી. ‘વેઇટિંગ ફોર વિસા’ના લેખગુચ્છના આરંભે ડો.આંબેડકરે કરેલી સ્પષ્ટતા પુસ્તિકામાં આ શબ્દોમાં છેઃ ‘અહીં રજૂ કરેલા પ્રસંગો માટે મેં મારા તેમ જ બીજાના અનુભવનો આધાર લીધો છે.’ ત્યાર પછી તલાટીવાળો કિસ્સો આલેખતાં પહેલાં તેમણે ચોખ્ખું લખ્યું છે કે તે મુંબઇમાં 6 માર્ચ, 1938ના રોજ ભરાયેલી સભામાં એક દલિત યુવાને રજૂ કરેલો અનુભવ છે. તેમ છતાં ભોળાભાઇ જેવા (સાચી રીતે) અભ્યાસી ગણાતા લેખક આખેઆખું કોળાનું ખેતર શાકમાં જવા દે ત્યારે આપણે ઉંહકારો પણ કર્યા વિના આગળ વધી જવાનું? અને ‘એમણે પુસ્તકની નોંધ તો લીધી’ એવું આશ્વાસન લેવાનું?

રઘુવીરભાઇ (ચૌધરી) આવો રીવ્યુ કરે તો આઘાત કે નવાઇ ન લાગે. પ્રવચનની જેમ રીવ્યુમાં પણ ‘એક યહાં ગીરા, એક વહાં ગીરા’ એમની સ્ટાઇલ છે. થોડા વખત પહેલાં ભાઇ બીરેને લખેલા પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’ના ચરિત્ર વિશે રઘુવીરભાઇએ ભાસ્કરમાં અવલોકન લખ્યું હતું. તેમાં એમણે પ્રખર બૌદ્ધિક પ્રો. રાવજીભાઇ ‘મોટા’ અને અધ્યાત્મવાળા પૂજ્ય મોટાના ચરિત્રોની એવી જબરી ભેળસેળ કરી હતી કે ભલભલા ગૂંચવાઇ જાય. છતાં, ‘રીવ્યુ કોણ વાંચે છે? એ બહાને છાપામાં પુસ્તક વિશે આવ્યું તો ખરું’ એમ વિચારીને રાજી થવાનું?

પુસ્તકપરિચયની કોલમો વિશેના આવા અનેક વિચારોની વચ્ચે, કમ સે કમ કેવી રીતે નોંધ ન લેવી તેની સ્પષ્ટ ભૂમિકા સાથે આ વિભાગનો આરંભ કરું છું. 'ગ્રંથાગાર' (સાહિત્ય પરિષદના મકાનમાં, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ખાંચામાં, આશ્રમ રોડ, અમદાવાદ)નાં નાનકભાઇ મેઘાણી અને હંસાબહેનનો મૈત્રીભર્યો ઉમળકો ન હોત તો આ વિચારને અમલમાં મૂકી શકાયો ન હોત. તેમની સાથે ગપ્પાંગોષ્ઠિ કરતાં કરતાં જોયેલાં નવાં પુસ્તકોને કારણે જ એ પુસ્તકોની વિગતો મિત્રો સાથે વહેંચવાનું મન થયું અને અનુકૂળતા પણ થઇ શકી છે.

વતનથી દૂર ઘર મારું

મારિયા શ્રેસ મિસ્કા (રંગદ્વાર)

કિંમતઃ રૂ.120, પાનાં 182

નોંધઃ પરદેશી સાધ્વી તરીકે ભારતમાં-ગુજરાતમાં આવેલાં અને સેન્ટ ઝેવિયર્સ સાથે સંકળાયા પછી 37 વર્ષથી સાબરકાંઠાના આદિવાસીઓ સાથે ગાળનારાં મારિયાબહેન ‘સવાયા ગુજરાતીઓ’ની બહુ ચવાયેલી પણ કાકા કાલેલકર સિવાય ભાગ્યે જ ગવાયેલી કેટેગરીમાં આવે. તેમના પુસ્તક ‘ગીરાસમાં એક ડુંગરી’ ને દોઢેક દાયકા પહેલાં સાહિત્ય અકાદમીનું ઇનામ પણ મળ્યું ત્યારે એ તરફ ઘણા લોકોનું ધ્યાન ગયું હતું. આ પુસ્તકમાં પણ વિવિધ પાત્રોની સત્યકથાઓ આલેખાયેલી છે. પાત્રોનાં નામ જ પ્રકરણનાં નામ તરીકે રાખવામાં આવ્યાં છે.


I P Desai- A pioneering Indian sociologist

Ragini P. Shah (Rawat Publication, Jaipur)

કિંમતઃ રૂ.575, પાનાં 291

નોંધઃ ગુજરાતે દેશને આપેલા પહેલી હરોળના સમાજશાસ્ત્રીઓમાં આઇ.પી.નું નામ ગણાય છે. પહેલી વાર તેમનો ઉલ્લેખ ઘનશ્યામભાઇ શાહ સાથે તેમણે કરેલા અસ્પૃશ્યતાનિવારણના ઐતિહાસિક સર્વેક્ષણ બાબતે સાંભળ્યો હતો. હજુ સુધી આ બન્નેનો એ સર્વે અધિકૃત ગણાય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક સમયે આઇ.પી. જેવા અધ્યાપકો ડીન તરીકે હતા. સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના એ સ્થાપક ડાયરેક્ટર હતા. ફ્લેપ પરના લખાણમાં આ પુસ્તકને આઇ.પી.ની ‘ઇન્ટલેક્ચુઅલ બાયોગ્રાફી’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. પુસ્તકમાં તસવીરો પણ છે. ગુજરાતનું ગૌરવ અનુભવવા માગતા લોકોએ ખાસ ઓળખવા જેવા માણસ.

A Masterful Spirit - Homi J Bhabha

Indira Chowdhury & Ananya Dasgupta (

Penguin)

કિંમતઃ રૂ.1299, પાનાં રૂ.1260

એક પુસ્તકપ્રેમીની કલ્પનાનું પુસ્તક કેવું હોઇ શકે તેનો સરસ નમૂનો. ભાભાએ લખેલી થીયરીઝથી માંડીને તેમણે દોરેલા સ્કેચ, તસવીરો, અંગત પત્રોને ગૂંથીને એક એવું પુસ્તક બની આવ્યું છે કે વારંવાર જોયા પછી પણ ધરવ ન થાય અને પુસ્તક જોયા કરવાનું જ મન થાય. ભાભાએ દોરેલો તેમના મિત્ર-સાથીદાર વિક્રમભાઇનાં પત્ની મૃણાલિની સારાભાઇનો સ્કેચ, એમ.એફ.હુસેનનો ભાભાએ દોરેલો સ્કેચ....અનેક મહાન વૈજ્ઞાનિકો સાથે ભાભાની તસવીરો, તેમના મૃત્યુના સમાચાર છપાયા એ દિવસના અખબારનું પહેલું પાનું...પુસ્તકનું લખાણ તો વાંચ્યા પછી ખબર પડે, પણ તેની સામગ્રીની સમૃદ્ધિ અને ગૂંથણી મુગ્ધ કરે એવાં છે.

Thursday, September 16, 2010

કમ્પ્યુટરના કણ અને મણ



બિલ ગેટ્સ સાથે સોમાલિયાના કોઇ ગરીબ જણનો ફોટો મૂક્યો હોય કે બરાક ઓબામા સાથે વિશ્વમાં ૧૮૬મો ક્રમ ધરાવતા કોઇ દેશના વડાને ઉભા રાખ્યા હોય તો કેવું લાગે?

આ તસવીરમાં પણ કંઇક એ જ પ્રકારની જોડીની છે: ૧.૨ મેગાબાઇટની ક્ષમતા ધરાવતી સત્તર-અઢાર વર્ષ જૂનો, ‘ડોસ’માં લીધેલો બેક-અપ ધરાવતી મારી ફ્લોપી અને ૧ ટેરાબાઇટની ક્ષમતા ધરાવતી નવીહાર્ડડિસ્ક.

રૂપેરી રંગની મેટાલીક દેખાવ ધરાવતી હાર્ડડિસ્કની સંગ્રહક્ષમતા તેની ઉપર મૂકેલી ફ્લોપીની ક્ષમતા કરતાં આશરે ૧૦ લાખ ગણી વધારે છે. પરંતુ ટેરાબાઇટનો એકમ જ્યારે સાંભળ્યો ન હતો ત્યારે ‘રોલવાલા કમ્પ્યુટર સેન્ટર’ની પહેલી બેચના ડિગ્રીધારી મિત્ર અજય પરીખની મદદથી, તેમના માઉસ વગરના કમ્પ્યુટરમાં ફિલ્મસંગીતગુરૂ નલિન શાહના રેકોર્ડસંગ્રહનું લીસ્ટ ઉતાર્યું હતું. એ લીસ્ટનો પ્રિન્ટ-આઉટ તો લીધો, પણ તેની સોફ્ટ કોપી ૧.૨ એમબીની ફ્લોપીમાં સમાઇ ગઇ હતી. એ ફ્લોપીને બે જાડાં પૂંઠા વચ્ચે રાખીને, તેને એક કોથળીમાં પેક કરીને તિજોરીના અંદરના ખાનામાં મૂકી રાખી હતી.

હવે એ રેકોર્ડસંગ્રહ નથી, તેના ડેટાની જરૂર નથી અને ૧.૨ એમબીની ફ્લોપી ચલણમાં નથી, પણ મારા ડેસ્કટોપમાં ૧.૨ અને ૧.૪૪ બન્ને ડ્રાઇવ છે - એ દિવસોની યાદમાં, જ્યારે કમ્પ્યુટર માટે એસી હોવું ફરજિયાત મનાતું હતું, કર્સર બ્લીન્ક થતું હતું, કમ્પ્યુટર ટાઇપરાઇટરના સુધરેલા અવતાર જેવું લાગતું હતું અને એવી કલ્પના પણ ન હતી કે ભવિષ્યમાં લેખનક્ષેત્રે જવાનું થશે અને કમ્પ્યુટર શરીરના એક્સ્ટેન્શન જેવું બની જશે.

Tuesday, September 14, 2010

તહેવારોની ઉજવણી, પરંપરાગત ‘ત્રાસોલ્લાસ’થી

આપણા અનેકવિધ તહેવાર વિશે કાકાસાહેબ કાલેલકર કે ફાધર વાલેસે શું લખ્યું છે, એ યાદ કરવાનું આ ટાણું નથી. શ્રાવણ, પર્યુષણ અને રમજાન હમણાં જ પૂરા થયા. ગણેશચતુર્થીથી ગણેશભક્તિની સીઝન બેઠી છે. પછી મહિનામાં નવરાત્રિ...

તહેવારોના મૂળમાં રહેલા ધર્મ જુદા જુદા છે, રીતરિવાજ, આચારો અને ઇષ્ટદેવતા પણ અલગ અલગ. છતાં ઘણા બધા તહેવારોની ઉજવણી એક જ રીતે થવા લાગી છે: ‘ભારતીય’ ઢબે.

‘ભારતમાં તહેવારો ભારતીય ઢબે નહીં, તો બીજી કેવી રીતે ઉજવાય?’ એવો સ્વાભાવિક સવાલ પૂછવાને બદલે ‘ભારતીય ઢબ એટલે શું?’ એ સ્પષ્ટતા સૌથી પહેલાં કરીએ.

ધર્મનો માઇક-અવતાર
ઉજવણીની ‘ભારતીય’ પદ્ધતિ એટલે એવી રીત, જેમાં બીજા લોકોને હેરાનગતિ, ત્રાસ, અડચણ કે નુકસાન પહોંચાડ્યા વિના ઉજવણી થઇ જ ન શકે. ‘ભારતીય’ રીતનો એક અર્થ એવો પણ થાયઃ ‘અમે વગાડીએ એટલે બધાએ ઝૂમવું જોઇએ’ અથવા ‘અમે ગાઇએ એટલે બધાએ નાચવું જોઇએ’ એવી ઘેલછાભરી સામુહિક માનસિકતા. ‘ભારતીય’ રીતે ઉજવણી કરનારાના મનમાં સિવિક સેન્સ/નાગરિકભાનનું ખાનું સદંતર ખાલી હોય અને એ ખાલી જગ્યા મોટે ભાગે છીછરી-ઉપરછલ્લી ધાર્મિકતાથી ભરેલી હોય- એવી ધાર્મિકતા, જેને અસલી ધર્મ કે તેના હાર્દ સાથે ભાગ્યે જ કશી નિસબત હોય. ખરેખર તો એ ધાર્મિકતાના લિબાસમાં રહેલી ધાંધલવૃત્તિ જ હોય.

ધાર્મિક તહેવારોના નામે સામુહિક અશાંતિ અને અવ્યવસ્થા ફેલાવનારાં પરિબળો ઘણાં છે. તહેવારો નિમિત્તે નીકળી પડેલા પદયાત્રીઓના લાભાર્થે રાજ્યના મુખ્ય રસ્તા બંધ કરી દેવા કે બીજા રૂટની સંખ્યાબંધ બસ ખસેડીને ઉજવણીના રૂટ પર મૂકી દેવી- એવી સત્તાવાર અવ્યવસ્થાઓ હવે સામાન્ય બની ચૂકી છે. છતાં, ‘સામુહિક ત્રાસનાં શસ્ત્રો’માં સૌથી પહેલા સ્થાને આવે છે ઘોંઘાટ.

મોટા ભાગના ધાર્મિક લોકોનું ગણિત સાદું છેઃ ઘોંઘાટ જેટલો વધારે, એટલી ઉજવણી વધારે સારી. એ સમીકરણ પ્રમાણે માઇક- લાઉડસ્પીકર ન હોય તો એવું લાગે છે, જાણે ધર્મોનું અસ્તિત્ત્વ જોખમમાં આવી પડે! સદીઓથી રમજાન મહિનો આવે છે, સદીઓથી મુસ્લિમો રોજા કરે છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી રમજાન મહિનામાં વહેલી પરોઢે મસ્જિદોનાં માઇક પર થતી ઘાંટાઘાંટ સાંભળીને એવું લાગે, જાણે માઇક પરથી સૂચનાઓ નહીં અપાય, તો રોજા ચાલુ થઇ જ નહીં શકે.

ખરેખર એવું હોય? ગમે તેટલા ગરીબમાં ગરીબ મુસ્લિમ પાસે પણ ઘડિયાળ કે સમય જાણવાની વ્યવસ્થા ન હોય? દિલની ભાવનાથી રોજા કરનાર શું મસ્જિદના માઇક પરથી બરાડા પડે તેની રાહ જોવાના છે? (હા, મસ્જિદ હોય કે મંદિર, માઇક હાથમાં આવે એટલે મોટા ભાગના લોકો રાજાપાઠમાં આવીને બૂમબરાડા શરૂ કરી દે છે.)

ફક્ત રમજાનમાં જ શા માટે? આડા દિવસે પણ નમાજ અદા કરવા માટે મસ્જિદો પર ભૂંગળાં મૂકવાની શી જરૂર હોવી જોઇએ? વર્ષો વીતવાની સાથે ભૂંગળાંની સંખ્યા અને તેનાથી પેદા થતા ઘોંઘાટમાં સતત વધારો થઇ રહ્યો છે. મસ્જિદનાં માઇકને પોતાની ધર્મભાવના સાથે સાંકળતા મુસ્લિમોએ ચડસાચડસી વિના, શાંતિથી એટલું જ વિચારવું જોઇએ કે ભારતમાં માઇક કેટલાં વર્ષથી છે? અને ઇસ્લામ કેટલાં વર્ષથી? મસ્જિદોનાં માઇક વિશે આવા પ્રાથમિક સવાલો બીજા કોઇ કરતાં વધારે મુસ્લિમ સમાજના લોકોને થવા જોઇએ.

અધકચરા અને હોંશીલા ભગતો માઇકને ધર્મ સાથે કેવું જોડી દે છે તેનો એક નમૂનો: થોડાં વર્ષ પહેલાં એક પરિચિતના ઘરે ભજન રાખવાનું હતું, પણ યજમાન શાંતિપ્રિય, નાગરિકભાવના ધરાવતા અને સંગીતપ્રેમી હતા. તેમની શરત હતીઃ ‘ભજન માઇક વિના થવું જોઇએ. તો જ એ મઘુર લાગે.’ સામે પક્ષે ભજનમંડળીની શરત હતી કે ‘માઇક નહીં, તો ભજન નહીં.’ છેવટે યજમાને ભજન રાખવાનું માંડી વાળ્યું, પણ મંડળી માઇક વિના ભજન કરવા તૈયાર ન થઇ.

મોટા ભાગના યજમાનો આટલા મક્કમ નથી હોતા. તે ધર્મને ખાતર એક રાત માઇકનો ત્રાસ વેઠી લે છે, પરંતુ સવાલ ફક્ત એ યજમાનનો નથી. તેમના નિર્દોષ પાડોશીઓનો શું વાંકગુનો?

ઘોંઘાટસ્વાતંત્ર્ય
એકાદ-બે દાયકા પહેલાં ગણેશોત્સવ મહારાષ્ટ્રનો તહેવાર ગણાતો હતો અને વડોદરા જેવાં ગાયકવાડી નગરોને બાદ કરતાં બાકીના ગુજરાતમાં મહારાષ્ટ્રી લોકો શાંતિથી ઘરમેળે ગણેશસ્થાપના અને પૂજાઅર્ચના કરીને ધર્મભાવના સંતોષતા હતા.

અને હવે? ગણેશચતુર્થીના દિવસે જે મળ્યું તે સાધન લઇને ગણેશની મૂર્તિ લઇ આવતા ‘ભક્તો’ રસ્તામાં કિકીયારીઓ પાડે છે, ઘોંઘાટ કરે છે અને જંગલમાં છૂપાયેલા સિંહને શિકાર માટે બહાર કાઢવાનો હોય એટલા મોટા અવાજે જાહેર રસ્તા પર ઢોલનગારાં વગાડતા નીકળી પડે છે. તેમને કોઇ કહેનાર નથી. કારણ કે તે ‘ધાર્મિક કાર્ય’ કરી રહ્યા છે.

હા, ભારતમાં જાહેર રસ્તા પર, ટ્રાફિકને અને માણસોને અડચણ પડે એ રીતે ઘોંઘાટ ફેલાવવો અને અસભ્યતાથી વર્તવું એ પણ ધાર્મિક કાર્ય હોઇ શકે છે. ભક્તોની જંગાલિયત માટે બિચારા દેવતાઓને શી રીતે દોષ દઇ શકાય? કયા ધર્મના પવિત્ર ગ્રંથમાં એવું લખ્યું હશે કે દેવતાની ભક્તિ માઇક પરથી, બીજાના કાનમાં ધાક પડી જાય એટલો ઘોંઘાટ મચાવતાં જ કરવી?

ગણેશોત્સવ કે નવરાત્રિ જેવા ઉત્સવોમાં સવાલ એક વાર ત્રાસ સહી લેવાનો નથી હોતો. મોટે ભાગે અવરજવરના મુખ્ય રસ્તા પર મંડપ તાણી બાંધીને ગણેશજીની સ્થાપના કર્યા પછી, સાંજ પડ્યે તેમની આરતી વખતે રસ્તા પર ભીડ થાય ત્યારે ટ્રાફિક રામભરોસે કે ગણેશભરોસે થઇ જાય છે. પરંતુ રસ્તાની બાજુ પર મૂકેલાં વાહનો ઉપાડવામાં અદ્ભૂત કાર્યક્ષમતા દાખવતાં ટોઈંગ વાહનો કે દબાણ ખસેડનાર મ્યુનિસિપલ કોર્પોરેશન આખેઆખા મંડપને કશું કરી શકતાં નથી. કારણ કે સ્થાનિક નેતાઓ અને દાદાઓના આ પ્રવૃત્તિને આશીર્વાદ હોય છે.

મંડપ પણ ગણ્યાગાંઠ્યા નહીં. અમદાવાદમાં તો રસ્તા પર કિલોમીટર દીઠ બે-ત્રણની સંખ્યામાં ફૂટી નીકળેલી દેરીઓ કે મંદિરોની જેમ, ગણેશના મંડપો પણ એક કિલોમીટરમાં ત્રણ-ચાર મળી આવે. તેમાં કોણ વધારે ખર્ચ કરે, આરતી વખતે કોણ વધારે ઘોંઘાટ મચાવે ને કોના ગણપતિ વધારે મોટા, એવી નખશીખ દુન્યવી બાબતો અંગે (ધર્મના નામે જ) તીવ્ર ચડસાચડસી થાય, પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિઓ હજારોની સંખ્યામાં તળાવ કે નદીમાં પધરાવવામાં આવે ત્યારે તેનાં રસાયણોથી પાણી પ્રદૂષિત થાય અને જીળસૃષ્ટિને પણ તે નુકસાન કરે.

ગણેશચતુર્થી હોય કે રથયાત્રા, વધામણાં કરવા માટે મોટાં સ્પીકરો અને ભૂંગળા લગાડીને તેની પર દેશભક્તિનાં ગીતોથી માંડીને ભજનો-ગીતો મોટા અવાજે વગાડ્યા વિના તો ચાલે જ નહીં. ઘોંઘાટ ફેલાવવાના નવા મોકા શોધતા હોય તેમ લોકો હવે દિવાળી, ઇદ કે ખ્રિસ્તી નવા વર્ષ જેવા દિવસોએ પણ ડેકોરેટર પાસેથી મોટાં ભૂંગળાં મંગાવીને, પાડોશીઓની પરવા કર્યા વિના ઘરઆંગણે ઘોંઘાટ મચાવતા થયા છે. ત્યારે જ તેમને ઉત્સવ ઉજવ્યાનો સંતોષ થાય છે.

નવરાત્રિમાં શોખીનો ગરબા ગાય, ઝૂમે-નાચે એમાં શા માટે વાંધો પડવો જોઇએ? પણ શોખીનોના શોખને લીધે ગરબા સાથે કશી લેવાદેવા ન હોય એવા લોકોની નવ રાતની ઊંઘ હરામ થઇ જાય, તેમના ઘરમાં બધાં બારીબારણાં બંધ કરી દીધાં પછી પણ કાનમાં ધાક પડી જાય એવું ‘સંગીત’ સંભળાતું રહે, તો તેની સામે શા માટે વાંધો ન પડવો જોઇએ? સાઉન્ડપ્રૂફ હોલમાં અથવા માઇક અને ઘોંઘાટ વિના જેને પોતાની મરજી પ્રમાણે ઉત્સવ ઉજવવા હોય તે ઉજવે. એ વ્યક્તિગત કે સામુદાયિક સ્વાતંત્ર્યનો વિષય છે. પણ જાહેર વ્યવસ્થા- જાહેર શાંતિનો ભંગ કરવાની ‘સ્વતંત્રતા’ કોઇને ન હોઇ શકે.

લખનૌ કે અમદાવાદ?
ઘોંઘાટ ઘટવાને બદલે વધી રહ્યો છે અને એકલદોકલ ઉત્સવને બદલે બધે છવાઇ રહ્યો છે, ત્યારે શું થઇ શકે?
સ્વાભાવિક રીતે જ સૌથી પહેલાં યાદ આવે કાયદો અને તેનો અમલ કરવાની જવાબદારી ધરાવનાર પોલીસ. જાહેર રસ્તા પર અડચણ ઉભી કરવાથી માંડીને નિરંકુશ ઘોંઘાટ ફેલાવવાની પ્રવૃત્તિઓ અટકાવવાની પોલીસને પૂરેપૂરી સત્તા છે, પરંતુ ‘લોકલાગણી’ સામે અને ખાસ તો કહેવાતી લોકલાગણી સામે લાળ ટપકાવતા નાના-મોટા નેતાઓ સામે પોલીસનું ઝાઝું ઉપજતું નથી. એવા સંજોગોમાં મદદ આપનાર અને મદદ માગનાર બન્નેને ઘોંઘાટ દ્વારા પોતાની મહત્તા સ્થાપિત કરવા ઇચ્છતાં તત્ત્વોનો વિરોધ સહવો પડે છે.

‘લોકલાગણી’ના બહાને ઘોંઘાટને માન્યતા આપતા કે તેને વાજબી ઠરાવતા લોકો પાસે બીજું હાથવગું હથિયાર કોમવાદ અને કોમવાદ આધારિત રાજકારણનું છેઃ નવરાત્રિ કે ગણેશોત્સવના ઘોંઘાટની વાત થાય, એટલે તરત મસ્જિદનાં માઇકને સામે મૂકીને હિસાબ સરભર કરી નાખવામાં આવે. પણ એ તો રાજકારણ થયું. નાગરિકભાનનું શું? મસ્જિદનાં માઇકથી ને મંદિરનાં માઇકથી એકસરખો ત્રાસ થતો હોય એવા લોકોનું શું? તેમના માટે આ વ્યવસ્થામાં કોઇ સ્થાન નથી?

નાગરિકો ભાન ભૂલી જાય ને દુશ્મનાવટ-અસલામતી તથા ઠાલી આપવડાઇમાં ગુલતાન રહે, એવું ઇચ્છતા નેતાઓ માઇકનો પણ ઉપયોગ કરી લે છે. સરેરાશ મુસ્લિમને મસ્જિદ પર મુકાયેલા માઇકથી વધારે ફાયદો થવાનો છે કે શિક્ષણ-રોજગારમાં સમાન તકથી? પરંતુ મુસ્લિમોને નાગરિક તરીકેનો સમાન દરજ્જો અપાવવાને બદલે તેમને ‘અસલામતીથી પીડાતી વોટબેન્ક’ બનાવી દેવા ઇચ્છતા નેતાઓ, માઇક જેવાં રમકડાંથી આખા સમાજને સમજાવી-પટાવી જુએ છે.

સૌ પોતપોતાનાં ઘોંઘાટયંત્રો વગાડવામાં મશગૂલ હોય, ત્યારે આ ત્રાસ અટકે શી રીતે? સીધી વાત છે: વ્યક્તિ હોય કે સમુદાય, શરૂઆત ઘરથી કરવી પડે. એક જૂથ પોતાનો ઘોંઘાટ બંધ કર્યા પછી બીજા જૂથને અપીલ કરે, તો એ અપીલની અસર થવાની શક્યતા રહે. ધારો કે અસર ન થાય તો પણ કાયદા, પોલીસ કે કોમવાદ કરતાં વધારે નાગરિકભાનથી કોઇ પણ ધર્મના ઘોંઘાટ કરનારા સામે સહિયારો વિરોધ થઇ શકે.

આ બાબતમાં ‘પહેલે આપ’ની લખનૌગીરી નહીં, પણ વટ કે સાથ ‘પહેલે હમ’ની ‘અમદાવાદગીરી’ (કે ‘ગુજરાતગીરી’) કરવી પડે.

Sunday, September 12, 2010

દાઘેસ્તાનઃ કવિનું અને ત્રાસવાદીઓનું...

સહેલાણીઓના સ્વર્ગ તરીકેની ખ્યાતિમાંથી કાશ્મીર જેમ આતંકના અડ્ડા તરીકે વગોવાઇ ગયું, એવું જ કંઇક જુદી રીતે અને જુદાં કારણોસર રશિયાના પાડોશી દેશ દાઘેસ્તાન સાથે થઇ રહ્યું છે.

દૂર કોકેસસની પહાડીઓમાં, કાસ્પિયન સમુદ્રના કિનારે, ચેચેન્યા જેવા લોહિયાળ સંગ્રામ માટે જાણીતા મુલકની પાડોશમાં આવેલા દાઘેસ્તાન સાથે આપણે શી લેવાદેવા? એવો સવાલ થઇ શકે. દાઘેસ્તાનની બહુમતિ મુસ્લિમ વસ્તીમાંથી થોડા અંતિમવાદીઓ રશિયન પોલીસ કે લશ્કર પર હુમલા કરે, ખૂનામરકી મચાવે તેમાં આપણે શું? દાઘેસ્તાન ક્યાં અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટન છે કે ત્યાં રહેતા ગુજરાતી-ભારતીય નાગરિકોની આપણે ચિંતા કરવી પડે?

ખરી વાત છે. દાઘેસ્તાનને ગુજરાત સાથે કશો સીધો સંબંધ નથી. તેમ છતાં, ઘણા ગુજરાતી વાચનપ્રેમીઓની લાગણીનો તંતુ દાઘેસ્તાન સાથે જોડાયેલો છે. દાઘેસ્તાન સાથે તેમને લાગેવળગે છે. તેનું કારણ છે: દાઘેસ્તાની લોકકવિ રસૂલ હમઝાતોવનાં કાવ્યાત્મક, આત્મકથાત્મક સંભારણાંનો ગુજરાતી અનુવાદ ‘મારૂં દાઘેસ્તાન’.
મોસ્કોમાં વસેલા ગુજરાતી અતુલ સવાણીએ ૧૯૭૪માં કરેલો આ અનુવાદ ‘પ્રગતિ પ્રકાશન’ (મોસ્કો)ના યાદગાર પ્રદાનોમાં મોખરાની હરોળમાં બિરાજે એવો છે.

દાઘેસ્તાન (એટલે કે ‘પહાડોનો મુલક’) માંડ પચીસ-ત્રીસ લાખની વસ્તી ધરાવે છે, પણ એટલા વિસ્તારમાં જુદી જુદી ચાળીસેક સ્થાનિક ભાષાઓ બોલાય છે. તેમાં સૌથી વઘુ પ્રચલિત અવાર ભાષાના લોકકવિ એટલે રસૂલ હમઝાતોવ. તેમની ભાષા બોલનારા લોકોનું પ્રમાણ દાઘેસ્તાનમાં સૌથી વધારે (૩૦ ટકા) છે, પણ સરખામણી ખાતર જોઇએ તો સાડા પાંચ કરોડ પ્લસ ગુજરાતીઓની સામે અવાર ભાષા બોલનારા લોકો માંડ આઠેક લાખ હશે. છતાં, એ ભાષામાં લખીને રસૂલ હમઝાતોવ દાઘેસ્તાનના લોકકવિ તરીકે આખા રશિયામાં અને રશિયાની બહાર પણ વિખ્યાત થઇ શક્યા છે.

‘મારૂં દાઘેસ્તાન’ તેમનું પહેલું ગદ્ય પુસ્તક છે. એ પુસ્તકની શૈલી એવી વિશિષ્ટ છે કે જાણે રસૂલ હમઝાતોવ લેખન-બેખનનો ભાર અને તેની શિસ્ત ફગાવીને, બસ પોતાના મુલકની વાર્તા માંડીને બેઠા હોય. રાતનો પહોર જામ્યો હોય, પવન સિવાય બીજા કશાનો અવાજ ન આવતો હોય, આસપાસના ઘરોમાં દીવા ઠરી ચૂક્યા હોય, પણ રસૂલ હમઝાતોવની વાતો અને એમાં રહેલો રસ ખૂટે જ નહીં. એમની પોતાની વાત આવે, એમના પિતાની અને પિતાના કવિ-મિત્ર અબુતાલિબની વાત આવે, અવાર ભાષાની કહેવતો, ડહાપણની વાતો, જીવનની સીધીસરળ ફિલસૂફી, શહેરની ખટપટ અને દોડધામથી દૂર પ્રકૃતિના ખોળે, એકબીજાની હૂંફમાં સંઘર્ષો ઓગાળીને સુખસંતોષ સાથે વીતતી જિંદગી...એ વર્ણન વાંચીને વાચકને શબ્દદેહે સ્વર્ગની સફરનો આભાસ થાય.

દાઘેસ્તાનની રોજિંદી જિંદગીમાં વપરાતાં કટારી, પથ્થર, ચાવી, પારણું, ટોપી જેવી નિર્જીવ ચીજો પર લખવામાં આવેલાં સુવાક્યો અથવા ચોટદાર ઉક્તિઓથી પ્રકરણોની શરૂઆત થાય. જેમ કે, એક બારણા પર લખેલા શબ્દો: ‘દ્વાર તોડીને ફેંકતા નહીં, ચાવી ખોલશે સહેલાઇથી’. કટાર પર અંકિત શબ્દોઃ ‘મ્યાનમાંથી કદી ન ખેંચાતી કટારે કાટ ચડી જાય/ સદા નીંદરમાં રાચતો મર્દ સ્થૂળ બની જાય’ અથવા એક પથ્થર પર અંકિત પંક્તિઓ: ‘છીએ પથ્થર, જલદી અમે ચણાઇ જવાના/ જેલ, મંદિર કે ઘરદીવાલે જડાઇ જવાના’

પોતાના પ્રિય વતન દાઘેસ્તાનને ‘જગતના અફાટ મહાસાગરમાં પડતી નાનકડી બારી’ તરીકે ઓળખાવતા રસૂલે પુસ્તકમાં અવાર કહેણીઓ, પ્રસંગકથાઓ, ચોટડૂક ઉક્તિઓ, પિતાની અને પોતાની નોટબુકમાંથી ટાંકેલા કિસ્સા અને કાવ્યો જેવી છૂટીછવાયી સામગ્રીનું પહેલી નજરે ખરબચડું લાગે એવું છતાં મનમોહક ગૂંથણ કર્યું છે કે ભરતગૂંથણ-આભલાં-કોડીઓ અને બીજી સામગ્રીથી દીપી ઉઠતો ચાકળો યાદ આવી જાય.

પુસ્તકની શરૂઆતમાં જ તે પોતાનો કલકત્તાનો પ્રવાસ યાદ કરીને રવીન્દ્રનાથ ટાગોરે દોરેલું એક કાલ્પનિક પંખીનું ચિત્ર યાદ કરે છે. ‘એ તો ટાગોરની કલ્પનાના સુફળરૂપે તેમના આત્મામાં જન્મીને જીવતું હતું...હું પણ એવું અદ્ભૂત પંખી ધરાવું છે. મારૂં દાઘેસ્તાન.’ અને લખે છે,‘પહાડી ભૂમિમાં મહેમાન જેવી રીતે આવી ચડે છે, એવી જ રીતે આ પુસ્તકનો ખ્યાલ મને આવેલો.’

પુસ્તકમાં પહાડી જીવનની ઉપમાઓ અને તેની જીવનશૈલીનો ઉલ્લેખ એટલી સાહજિક રીતે, વાતચીતની ભાષામાં આવે છે કે વાંચનાર તે જરાય ખટકે નહીં. ‘ચરબીદાર દુમ ખાતર આખું ઘેટું કુરબાન કરવું’, ‘એક હાથમાં બે તરબૂચ પકડવાની કોશિશ કરવી’, જેવા શબ્દપ્રયોગો, ‘તમે પિસ્તોલ લઇને ભૂતકાળ પર ગોળીબાર કરો તો ભવિષ્ય તમારી પર તોપથી ગોળા વરસાવશે’ અથવા ‘બાળકને બોલવાનું શીખતાં બે વર્ષ લાગે છે, માણસને ચુપ રહેવાનું શીખતાં સાઠ વર્ષ લાગે છે’ એવાં અબુતાલિબનાં કથન કોઠાસૂઝનાં ઉત્તમ ઉદાહરણ બની રહે છે. અવાર સ્ત્રીઓની કદુવાઓ (શાપ) પણ જીવન અને જીવનમૂલ્યો વિશેની તેમની માન્યતાઓનો ખ્યાલ આપે છે. શ્રાપ વરસાવવામાં માહેર ગણાતી એક અવાર સ્ત્રીની ‘સરસ્વતી’ના નમૂના: ‘તારી જીભ કરમાઇ જાય, તારી માશુકનું નામ તું ભૂલી જાય, તું કોઇને કામસર મળવા જાય ત્યારે એ માણસને તારી સાથે ગેરસમજ થાય, તું દૂરદેશાવર રખડીને પાછો ફરે ત્યારે તારા વતનના ગામને સલામ કહેવાનું ભૂલી જાય, તારૂં મોં બોખું થઇ જાય ત્યારે એમાં પવન સુસવાટા બોલાવે...’ પરંતુ અવાર પ્રજામાં સૌથી આકરામાં આકરી કદુવાઓ માટે તેમણે બે સ્ત્રીઓ વચ્ચે થયેલા ઝઘડાની વાત લખી છેઃ
‘અલ્લા તારાં બચ્ચાંને તેમની ભાષા શીખવનાર વગરનાં કરી દે.’
આ સાંભળીને સામેવાળી સ્ત્રીએ એક ડગલું આગળ વધીને કહ્યું,‘અલ્લા તારાં બચ્ચાંને, એ લોકો પોતાની ભાષા જેમને શીખવી શકે એવા ઇન્સાનો વગરનાં કરી દે.’

હા, આપણે જે પરિસ્થિતિને પ્રગતિ, આઘુનિકતા અને ગૌરવનું પ્રતિક ગણીન પોરસાઇએ છીએ (‘અમારા બાબાને ગુજરાતીનો પ્રોબ્લેમ છે!’) તે અવાર પ્રજાની ખરાબમાં ખરાબ કદુવા છે. કેવળ સાહિત્યકારોનો નહીં, પણ સામાન્ય પ્રજાનો માતૃભાષા પ્રત્યે પ્રેમ દર્શાવવા રસૂલ હમઝાતોવે એક કિસ્સો નોંઘ્યો છે. ઇટાલીમાં તેમનો ભેટો એક અવાર ચિત્રકાર સાથે થઇ ગયો. વર્ષો પહેલાં એ માણસ વતન છોડીને નીકળી ગયો હતો. તેને મળ્યા પછી રસૂલ પોતાના ગામ જઇને પેલા ચિત્રકારની માતાને મળ્યા. દીકરાના ખબરઅંતર આપ્યા. અચાનક તેની

માતાએ સવાલ પૂછ્યો,‘તમારી વચ્ચેની વાતચીત અવાર ભાષામાં થઇ?’
રસૂલે કહ્યું,‘ના. અમે દુભાષિયા થકી વાત કરી. હું રશિયન બોલતો હતો અને એ ફ્રેંચ.’
પછી શું થયું? રસૂલે લખ્યું છે,‘અમારા પ્રદેશની સ્ત્રીઓ દીકરાના મોતની ખબર મળતાં કરે છે એવી રીતે એ માએ ચહેરા આડો કાળા કપડાનો મલાજો કરી દીધો...લાંબી ચુપકીદી બાદ મા બોલી, ‘તમારી ભૂલ થાય છે રસૂલ. મારા દીકરાના મોતને તો જમાનો વીતી ગયો. એ મારો દીકરો ન હોય. મારો કોઇ દીકરો અવાર માએ એને શીખવેલી ભાષા કદી ન ભૂલે.’

પોતાની ભાષા અને પોતાના વતનના પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં, એ પ્રેમ તેમનામાં રશિયા માટે કે બાકીના વિશ્વ માટે વિરોધી લાગણી પેદા કરતો નથી. રસૂલ લખે છે,‘હું જ્યાં હોઊં ત્યાં મને મારા વતન દાઘેસ્તાનનો ખાસ ખબરપત્રી ગણું છું, પરંતુ હું મારા વતન દાઘેસ્તાનમાં પાછો ફરૂં ત્યારે સમગ્ર માનવસંસ્કૃતિના ખાસ ખબરપત્રી તરીકે, મારા સમગ્ર દેશના તેમ જ આખી દુનિયાના પ્રતિનિધિ તરીકે, પાછો ફરૂં છું...હું મને પોતાને એક સાથે અવાર, દાઘેસ્તાનનો બેટો અને સોવિયેત નાગરિક ગણું છું...હું અવાર શાયર છું, પરંતુ મારા દિલમાં કેવળ અવારિસ્તાન કે દાઘેસ્તાન કે સમગ્ર દેશસંબંધી જ નહીં, બલ્કે વિશ્વનાગરિક તરીકેની જવાબદારીની ભાવના ભરેલી છે. આ વીસમી સદી છે. એટલે ભિન્ન રીતનું જીવન જીવી શકાય જ નહીં.’

સપ્ટેમ્બર ૮, ૧૯૨૩માં જન્મેલા રસૂલ હમઝાતોવે વીસમી સદીમાં રશિયાના ચડાવઉતાર જોઇને નવેમ્બર ૩, ૨૦૦૩ના રોજ વિદાય લીધી, પણ ત્યાં સુધીમાં તેમનું સ્વર્ગ દાઘેસ્તાન હિંસાની જ્વાળાઓમાં લપેટાઇ ચૂક્યું હતું.

(to be continued)

Friday, September 10, 2010

આ લેખ ફરાળી કહેવાય?

લેખનું મથાળું જેમને ખાઉધરૂં, ખણખોદીયું કે ખેપાની લાગતું હોય, તેમના માટે સોજ્જું, સુંદર અને ચિંતનીયા-ચિંતનીયા લાગે એવું મથાળું છેઃ ‘ઉપવાસનો ઓડકાર’.

ઉપવાસ પવિત્ર થવા માટે છે કે પેટ સાફ કરવા માટે, એ મુદ્દે મતભેદ હોઇ શકે છે. પરંતુ ઉપવાસ કરવા જોઇએ- પોતાનાથી ન થાય તો છેવટે બીજા લોકોએ પણ કરવા જોઇએ અને એ રીતે પૃથ્વી પર પુણ્ય ટકાવી રાખવું જોઇએ- એવું માનનારો વર્ગ બહુ મોટો છે. ભોજનપ્રેમીઓ જેમ પેટમાં પધરાવવાના મોકા શોધી કાઢે છે ને ન હોય ત્યાં ઉભા કરે છે, તેમ ઉપવાસપ્રેમીઓ ઉપવાસનાં બહાનાં શોધી કાઢે છે ઃ વ્રત, વાર, તિથી, ટાણાં...આવા છૂટાછવાયા મોકા અપૂરતા લાગતાં કેટલાક આખેઆખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે. પૃથ્વીને ટકી રહેવા માટે હજુ વધારે પુણ્યની જરૂર પડશે, એવી અસલામતી ધરાવતા લોકો એક માસથી (શ્રાવણથી) સંતુષ્ટ થઇ થવાને બદલે ચાતુર્માસ કરે છે.

ગુજરાતીઓનું ભોજન વધારે જાણીતું છે કે તેમના ઉપવાસ, એ ચર્ચાનો વિષય છે. ગાંધીજીએ જેમ વિરોધી સામેના સત્યાગ્રહમાંથી શત્રુતાની બાદબાકી કરી નાખી હતી, તેમ ગુજરાતીઓએ ઉપવાસમાંથી ભૂખમરાનો હિસ્સો દૂર કરી દીધો છે. આળસુ દિમાગ શેતાનનું કારખાનું ગણાતું હોય, તો ભૂખ્યું પેટ અનેક અનિષ્ટોની કોર્પોરેટ ઓફિસ બનવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતીઓ આ હકીકત ન જાણતા હોય એવું બને? એટલે જ, ગુજરાતી શબ્દકોશ અને વ્યાકરણમાં જે લખાતું હોય તે, પણ વ્યવહારમાં ‘ઉપવાસ’ અને ‘ભોજન’ વિરોધાર્થી નહીં, સમાનાર્થી શબ્દો છે. ગુજરાતમાં ઉપવાસ અને ભોજન એક સિક્કાની બે બાજુ નહીં, પણ બફવડામાં ઉપરની લોટયુક્ત સપાટી અને અંદરના માવા જેવાં અભિન્ન, અવિભાજ્ય અને એકરૂપ છે.

કવિ ઉમાશંકર જોશીએ ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે’ એવું જુદા સંદર્ભે લખ્યું હતું. એ સંદર્ભ સાચો પડે ત્યારે ખરો, પણ અત્યારે તો ઉપવાસી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ કવિને આર્ષદૃષ્ટા પુરવાર કરી રહ્યો છે. ઉપવાસ વિશે સામાન્ય ગેરસમજણ એવી છે કે ઉપવાસ કરનારા લોકો ભૂખ્યા રહે છે. કેટલાક લોકો ઉપવાસમાં ખરેખર ભૂખ્યા રહીને, પ્યાલો દૂધ પીને કે એકાદ કેળું ખાઇને આ ગેરમાન્યતા વધારે મજબૂત બનાવે છે. પરંતુ એવા થોડા લોકોની ચેષ્ટાઓથી કે શરીરને કષ્ટ આપતા તેમના ઉપવાસથી ભોળવાઇ જવાની જરૂર નથી. સત્ય- અને ફરાળી વાનગીઓ-ની શોધમાં નીકળેલો જણ કદી અડધા રસ્તે ભટકી જતો નથી. એ પોતાના ઘ્યેય સુધી પહોંચીને, પોતાને જે જોઇએ છે તે મેળવીને જ જંપે છે.

ઉપવાસ એક દિવસનો હોય કે આખા મહિનાનો, ઉપવાસ એ ઉપવાસ છે. રોજ જે બસમાં ટિકીટ લઇને બેસતા હોઇએ, તેમાં એક દિવસ ટિકીટ લીધા વિના બેસીએ તો ચાલે? એવી જ રીતે, શરીર જોડેથી કામ લેવાનું ચાલુ રાખીએ, પણ ઉપવાસનું બહાનું કાઢીને તેને ‘ભાડું’ ન ચૂકવીએ તે બેઇમાની ન કહેવાય? અને એવો ઉપવાસ કરવા પાછળ પવિત્રતા કે ભક્તિનો આશય હોય તો તે ફળે ખરો? આ બાબતે શાસ્ત્રાર્થનો અવકાશ ઉભો રાખીને સાચા ઉપવાસના વર્ણન ભણી આગળ વધીએ.

ઉપવાસમાં કાર્યક્ષમતા ટકી રહે અને પ્રભુભક્તિ કરવા જતાં કામચોરી ન થઇ જાય એ માટે કેટલાક ઇમાનદાર લોકોએ ફળાહારનો રિવાજ શરૂ કર્યો હશે. ‘ફળાહાર’ શબ્દ વ્યવહારમાં ચલણી બન્યો, ત્યારે તેમાંથી એક અક્ષર ઓછો થયો અને અઢળક વાનગીઓ ઉમેરાઇ ગઇ. હવે ફળાહારને ‘ફરાળ’ તરીકે ઓળખવામાં આવે છે અને ફરાળી વાનગીઓનું ‘પેરેલલ યુનિવર્સ’ (સમાંતર વિશ્વ) ઉભું થયું છે. ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં ‘બ્રેડ નથી, તો કેક ખાઓ’ એવી સલાહ આપનારાં રાણી મેરી એન્તોનેત ગુજરાતી ઉપવાસી હોત તો તેમણે લોકોને કહ્યું હોત,‘રોટલા નથી, તો ફરાળ કરો.’ (હા, ગઝલનો શેર જેમ લખવામાં નહીં, પણ ‘કહેવામાં’ આવે છે, તેમ ફરાળ ‘ખાવામાં’ નહીં, પણ ‘કરવામાં’ આવે છે. ‘ફરાળ ખાઘું’ નહીં, પણ ‘ફરાળ કર્યું’ એમ કહેવાય.)

કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે. સીધી રીતે વિચારતાં એવું લાગે કે મહિના સુધી ઉપવાસ કરવા એ કંઇ ખાવાના ખેલ નથી, પણ પછી સમજાય છે કે આપણી પરંપરામાં ઉપવાસ ખરેખર ખાવાના ખેલ જ છે. ‘ભગવાન એક રસ્તો બંધ કરે તો દસ રસ્તા ખોલી આપે છે.’ એવી શ્રદ્ધા સાચી પાડવાની હોય, તેમ શ્રાવણ મહિનામાં ઉપવાસીઓની થાળીમાંથી અનાજ અને ઘણાં શાકભાજી છીનવાઇ જાય છે, તો સામે બીજા અનેક નવા રસ્તા ખુલી આવે છે.

ઉપવાસની શરૂઆતમાં સવારે ચા સાથે પુરી, ખારી કે પૌંઆ જેવો નાસ્તો ન થઇ જાય તેનું ઘ્યાન રાખવું પડે છે, પણ પછી તો બટાટાની કાતરી, વેફર, ફરાળી ચેવડો, કેળાંનાં ખરખરિયાં, સાબુદાણાની ચકરી, સાબુદાણાની ખીચડી જેવા સમૃદ્ધ નાસ્તાની એવી આદત પડી જાય છે કે સુખી વહુને સાસરે ગયા પછી પિયર ન સાંભરે તેમ ઉપવાસીઓને સાદો નાસ્તો યાદ આવતો નથી. ખોટ સાલવાનો તો સવાલ જ ક્યાં રહ્યો?

ઉપવાસ કરનારનાં હિતેચ્છુઓ પણ ભાઇ કે બહેનના ઉપવાસી દરજ્જા વિશે સભાન અને ચિંતિત હોય છે. એટલે એ નાસ્તો કરીને ઉભો થાય ત્યાં તો ‘લે, આ એક સિંગનો લાડુ ખાઇ લે. હજુ તો આખો દિવસ કાઢવાનો છે.’ અથવા ‘કોપરાપાક ખાઇ જવાશે બે ચકતાં. નાનાં જ છે. અત્યારે ભલે ઇચ્છા ન થાય, પણ દિવસ ચડે એમ આકરૂં લાગશે.’ એવાં સૂચનો થવા લાગે છે.

ઘડિયાળના કાંટા આગળ વધે છે, તેમ ‘સમયનો સાથ નિભાવતી’ ફરાળી વાનગીઓ તૈયાર હોય છે. પહેલાં રાજગરાના ચોપડા, બટાટાનું શાક, શિંગોડાના લોટનાં બફ અને કઢી-મોરિયો ખાઇને શ્રદ્ધાળુઓ ઉપવાસ ખેંચી કાઢતા હતા. હવે ‘ફરાળી પ્લેટર’નો જમાનો છે. સવારનો નાસ્તો હાલે અને પેટમાં થોડી ખાલી જગ્યાનો અહેસાસ થાય એટલે ઠંડું ટિફીન ન ભાવે તો હોટેલમાં જઇને ફરાળી પ્લેટર જમી શકાય છે. એ મોંધું હોવાથી તેમાં ઉપવાસ માટે વધારાની તસ્દી લીધાનો અને ઘસારો વેઠ્યાનો સંતોષ પણ ઉમેરાય છે અને ગૌરવભેર કહી શકાય છે કે ‘ગમે તે (ખર્ચ) થાય, પણ મારે ઉપવાસ તો કરવાનો જ.’

ધારો કે આખું ભાણું (પ્લેટર) ખાવાની ઇચ્છા ન હોય તો ફરાળી પિત્ઝાથી ફરાળી પાતરાં સુધીની વાનગીઓ ઉપવાસીજનોની ધર્મભાવના ટકાવી રાખવા માટે ઉપલબ્ધ હોય છે. પહેલાંના વખતમાં શું ફરાળી કહેવાય અને શું ન કહેવાય, એ મુદ્દે ઘણી વાર ઉગ્ર વિવાદ થતા હતા અને સીમાપંચની જેમ કોઇ વડીલને વચ્ચે નાખવા પડતા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘના પાંચ બળુકા સભ્યદેશોની જેમ ‘વીટો પાવર’ પર મુસ્તાક વડીલો મોટે ભાગે ઉપવાસીઓની વિરૂદ્ધમાં ચુકાદો આપતાં હતા અને ‘હા, હા, એ બઘું ફરાળી જ કહેવાય’ એવું કહેનારા વડીલ ‘પ્રેક્ટિકલ’ અને ‘મોડર્ન’નું માનભર્યું બિરૂદ મેળવતાં હતાં.

સવારે ફરાળી નાસ્તો અને બપોરે ફરાળી જમણ લેનાર ઘણા ઉપવાસીઓ સાંજે ચાર-પાંચ વાગ્યે ન રહેવાય ત્યારે વેફરના એકાદ પેકેટથી થોડો સમય ગુજારો કરી લે છે. પછી તો ઘરે જવાનું જ છે. બને કે સાંજે કદાચ સવાર જેવું સંપૂર્ણ ‘ઉપવાસી ભોજન’ એટલે કે ‘ફરાળી ભોજન’ ન મળે, પણ ઉપવાસ કર્યા હોય તો એટલું બલિદાન આપવું પડે છેઃ ફક્ત બફવડાં, સવારનાં મોરિયો-કઢી, ફરાળી ચેવડો અને બે-ચાર ચકતાં કોપરાપાક કે શિંગોડાના લોટમાં બનાવેલાં ગુલાબજાંબુથી પેટ ભરી લેવું પડે છે. પછી વહેલી પડે સવાર.

ઉપવાસ એક દિવસના હોય તો વાંધો નહીં, પણ આખો મહિનો આ રીતે કાઢવાનો હોય તો સ્વાભાવિક રીતે અઘરૂં પડે. આ પદ્ધતિએ ઉપવાસ કરવાથી વજન તો ઉતરે છે, પણ ઉપવાસ કરનારનું નહીં, તેમના માટે રસોઇ બનાવનારનું! ઉપવાસી જીવ તો વિચારે છે કે ‘જોયું? પ્રભુમાં આસ્થા હોય તો ઉપવાસ કરવાથી પણ વજન વધે છે. આખરે શ્રદ્ધાનો સવાલ છે.’

Tuesday, September 07, 2010

‘ઉદ્ધારક’ રાહુલ: જશ, જવાબદારી અને જોખમો

દેશની રાજ્યવ્યવસ્થા ભલે લોકશાહી હોય, પણ પ્રજાને ઉદ્ધારક વિના ચાલતું નથી. ખરો ઉદ્ધારક ન મળે તો જે મળે તેને ઉદ્ધારક સમજી લેવામાં પણ લોકોને બહુ બાધ નડતો નથી. આચાર્ય કૃપાલાણીએ તેમની આત્મકથામાં એ બાબતનો પારાવાર અફસોસ પ્રગટ કર્યો હતો કે તેમની પેઢીના નેતાઓ પ્રજાકીય ઘડતર કરવામાં સદંતર નિષ્ફળ ગયા. પરિણામે, પ્રજા એક યા બીજા પક્ષના નેતામાં ઉદ્ધારકનાં દર્શન કરીને અહોભાવ અનુભવતી રહી અને પોતાનું કામ ચૂંટીને મોકલેલા લોકોના પગે પડવાનું નહીં, પણ તેમને ખડે પગે રાખવાનું છે એ ભૂલી ગઇ.
આઝાદી પછી જવાહરલાલ નેહરૂથી શરૂ થયેલો ઉદ્ધારકોનો સિલસિલો, વાયા ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. વચ્ચેના ગાળામાં આવેલા રાજીવ ગાંધી થોડા કમનસીબ કે ઈંદિરા ગાંધીની જેમ એક વાર લોકનજરમાંથી હડઘૂત થયા પછી, નવેસરથી એ જ લોકોના ઉદ્ધારક તરીકે પુનઃસ્થાપિત થવાની તક તેમને ન મળી.

ફક્ત રાષ્ટ્રિય સ્તરે જ નહીં, રાજ્યમાં પણ ઉદ્ધારકો આવતા-જતા રહે છે. નવનિર્માણ આંદોલનના વિલન તરીકે વગોવાયેલા ચીમનભાઇ પટેલ બે દાયકાથી પણ ઓછા સમયમાં ફરી એક વાર ‘નયા ગુજરાત’ના નારા અને નર્મદા યોજનાને મુદ્દો બનાવીને ગુજરાતના ઉદ્ધારક તરીકની છબી ઉપસાવી શક્યા હતા. વર્તમાન મુખ્ય મંત્રી એ જ પરંપરાની આગલી કડી છે. તેમણે ભારે પ્રચારકૌશલ્યથી આતંકવાદનો મુકાબલો, કોમી લાગણીઓ અને વિકાસના કોકટેઇલ દ્વારા ઉદ્ધારક તરીકેની છાપ દૃઢ કરી છે.

ટૂંકી યાદદાસ્તનો અભિશાપ ધરાવતી પ્રજા વારેઘડીએ ભૂલી જાય છે કે ઉદ્ધારક તરીકે પેશ આવતા કોઇ પણ રાજકીય પક્ષના નેતાને સૌથી પહેલો અને મુખ્યત્વે પોતાના ઉદ્ધારમાં રસ હોય છે. એ મુદ્દે બીજા અનેક રીઢા નેતાઓની યાદીમાં અત્યાર લગી ‘માસૂમ’ ગણાતા રાહુલ ગાંધીએ પણ પોતાનું નામ ઉમેરી દીઘું છે.

‘સિપાઇ’ના સપાટા
ગયા સપ્તાહે ઓરિસ્સાના લાંજીગઢમાં જઇને રાહુલ ગાંધીએ ત્યાંના આદિવાસીઓ આગળ ડાયલોગ ફટકાર્યો, ‘કાલાહાંડીકે ટ્રાઇબલ્સકા એક સિપાહી નઇ દિલ્હીમેં હૈ ઔર ઉસકા નામ હૈ રાહુલ ગાંધી.’ રાહુલ ગાંધી અમસ્તા સિપાઇ તરીકનું બહુમાન લેવા ગયા ન હતા. આદિવાસીઓ માટે પવિત્ર ગણાતી નિયામગિરિની પહાડીઓમાં ‘વેદાંતા’ કંપનીને ખાણકામ કરવા ન દેવું જોઇએ, એવા નિષ્ણાત સમિતિના સૂચન પછી પર્યાવરણ મંત્રાલયે ત્યાં ખાણકામ પર પ્રતિબંધ ફરમાવ્યો. છેતરામણી સરળતાથી કહેવું હોય તો કહી શકાય કે ‘નિયામગિરિમાં ખાણકામ અટકાવવા માટે લડતા આદિવાસીઓની જીત થઇ.’ આ જીત કોના લીધે મળી છે, તેનો આદિવાસીઓને બરાબર ખ્યાલ રહે એ માટે રાહુલની લાંજીગઢ મુલાકાત ગોઠવવામાં આવી. ત્યાં એ આદિવાસીઓના ઉદ્ધારક તરીકે પેશ થયા.
એક લડાઇમાં ઓરિસ્સાના આદિવાસીઓની જીત થઇ છે એવું કહી શકાય. તેમાં રાહુલ ગાંધીનો ફાળો કેટલો અને ખરેખર એ કહે છે એવો તેમનો ફાળો હોય તો તેને સરકારી કામકાજમાં દખલીગીરી કે પોતાની વારસાઇના જોરે કરેલી દાદાગીરી કહેવાય કે કેમ, એ સવાલો બાજુ પર રાખીએ. તો પણ મૂળ સવાલ ઉભો રહે છેઃ હેલિકોપ્ટરમાંથી ઉતરીને આદિવાસીઓ સમક્ષ તેમના હિતરક્ષક તરીકે ઉભેલા રાહુલ ગાંધી આદિવાસીઓની અસલી સમસ્યાઓ વિશે કેટલું જાણે છે? નિયામગિરિમાં ખાણકામ સામે લાલ ઝંડી ધારો કે કાયમ માટે રહેવાની હોય તો પણ, આદિવાસીઓના હિત માટે એટલું પૂરતું છે? એક દલીલ એવી કરવામાં આવે છે કે ‘ખાનગી કંપનીની તરફેણ કરવા માટે આદિવાસીઓના હિત સાથે સમાધાન કરવામાં આવશે તો તેમનો દેશના કાયદામાંથી ભરોસો ઉઠી જશે.’ મતલબ એટલો કે ત્યાર પછી આદિવાસીઓ માઓવાદનો રસ્તો પણ અપનાવી શકે છે.

માઓવાદના ખતરાની બીક વાસ્તવિક છે, પણ તેના મૂળમાં રહેલાં કેટલાંક કારણો ભૂલવા જેવાં નથી. વર્ષો પહેલાં ઘણા લોકો અસહ્ય ગરીબી, ભૂખમરો, બેકારી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાનો અભાવ- બીજા શબ્દોમાં કહીએ તો દેશના નાગરિક તરીકે તેમની ગણતરી નહીં થતી હોવાના અહેસાસને કારણે નક્સલવાદી હિંસાના રસ્તે વળ્યા હતા. બહુ લપટો પડી ગયેલો શબ્દ વાપરીને કહેવું હોય તો, તેમના વિસ્તારનો ‘વિકાસ’ થયો ન હતો એ તેમની મુખ્ય ફરિયાદ હતી.

હવે માઓવાદનો પ્રભાવ ધરાવતા ઘણા ઇલાકામાં ‘વિકાસ’ ઉકેલ મટીને સમસ્યા બન્યો છે. કારણ કે ‘વિકાસ’ની વ્યાખ્યા અને તેનું મોડેલ બદલાયાં છે. ગરીબમાં ગરીબ નાગરિકને માણસ તરીકેનું ગૌરવ પૂરો પાડતા વિકાસને બદલે, ધનવાનોના હાથમાં સઘળાં સંસાધનો સોંપીને તેમનાં હિતોની આડપેદાશ તરીકે થતાં થોડાઘણાં કામ ‘વિકાસ’માં ખપવા લાગ્યાં છે. આ બન્ન અંતિમોની વચ્ચે ‘સંતુલિત વિકાસ’નો ચીલો ચાતરવો એ સમયનો તકાદો છે. છાપેલાં કાટલાં જેવા નેતાઓ પોતાનાં હિત અને પક્ષીય રાજકારણની ગણતરીથી ઉપર ઉઠી શકે એવી કોઇ ગુંજાશ નથી. નવા નિશાળીયા જેવા રાહુલ ગાંધી કદાચ દરેક ચીજની તત્કાળ રાજકીય રોકડી કરી લેવાને બદલે, સંતુલિત વિકાસની દિશામાં લોકોને આગળ લઇ જવા પ્રયાસ કરે એવી આશા ઉભી થઇ હતી. પણ ઓરિસ્સામાં ખાણકામ પર બ્રેક મારવાનો જશ ઉઘરાવીને રાહુલે સંકુચિત પક્ષીય રાજકારણના પૂરજા બનવાની પોતાની તાલાવેલી દર્શાવી આપી છે.

‘ફ્રી હિટ’ ક્યાં સુધી?
રાહુલ ગાંધી માટે અત્યારે જાણે ‘ફ્રી હિટ’નો ગાળો ચાલે છેઃ છગ્ગા-ચોગ્ગા વાગે તો તેમના સ્કોરમાં ગણાય, પણ ક્લીનબોલ્ડ થઇ જાય તો આઉટ ન ગણાય. તેનો પૂરો ફાયદો લઇને રાહુલ બિહાર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ગુજરાતથી માંડીને દેશભરમાં ફરી રહ્યા છે અને ક્યારેક દલિતના ઝૂંપડામાં રોટલો ખાઇને તો ક્યારેક કોલેજની અણધારી મુલાકાત લઇને સૌને પ્રભાવિત કરી રહ્યા છે.

કહેવા ખાતર એ કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે અને જાહેર વ્યવહારોમાં તે વડાપ્રધાન સહિત સૌનું માન જાળવે છે, પરંતુ એ.કે.૫૬ લઇને ફરતો માણસ ગમે તેટલી નમ્રતા દાખવે, લોકોની નજર કદી એ.કે.૫૬ પરથી હટતી નથી. એવી જ રીતે, રાહુલ ગાંધી કોંગ્રેસનાં સર્વસત્તાધીશ પ્રમુખના પુત્ર અને કોંગ્રેસ તરફથી વડાપ્રધાનપદના ભાવિ ઉમેદવાર છે, એ કોઇ ભૂલી શકે એમ નથી.

એટલે જ કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી જેવો ઊંચો હોદ્દો ધરાવતા હોવા છતાં તેમના ભાગે કદી અઘરા સવાલો આવતા નથી. દેશના યુવાધનના નેતાની ખાલી જગ્યા ભરવા ઉત્સુક રાહુલ પાસેથી યુવાસહજ તાજગી અને પ્રામાણિકતા-પ્રતિબદ્ધતાની અપેક્ષા હોય. પણ કોમનવેલ્થ ગેમ્સના ભ્રષ્ટાચારથી માંડીને ભોપાલ ગેસકાંડના ગોટાળા જેવા અનેક મુદ્દે તેમને કંઇ કહેવાનું હોતું નથી. બીજી તરફ, ગુજરાતમાં મહુવામાં અત્યાર લગી બિનરાજકીય સ્વરૂપે ચાલતા લોકઆંદોલનમાં તેમણે આંદોલનના પક્ષે પોતાનું વજન મૂક્યું છે. રાહુલ ગાંધી આવે એટલે તેમની મૂઢમતિ ફોજ પણ ઝાલી રહે? પરંતુ તેમની અઘૂરી, અધકચરી અને જશ લેવા પૂરતી દરમિયાનગીરીને કારણે લોકઆંદોલનમાંથી ‘લોક’નું વજન ઘટી ન જાય તેની વાજબી ચિંતા રહે છે. ચિંતાનું કારણ દેખીતું છે ઃ નિયામગીરી હોય કે મહુવા, રાહુલ ગાંધીને ઉદ્ધારકની ભૂમિકા ખપે છે.

કોંગ્રેસ હોય કે ભાજપ, ડાબેરીઓ હોય કે મમતા, એ સૌની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને માટે પોતાનું સત્તાકારણ સર્વોપરી છે. પ્રજાકીય હિત સાથે તેમણે દૂર દૂરનો સંબંધ રાખ્યો નથી. અલબત્ત, પ્રજા પાસેથી મત લેવાના હોવાથી, તેમને રિઝવવા માટે સૌ પોતપોતાની રીતે ખેલ પાડી લે છે. પરિણામે તેમનું રાજકારણ ધરી વગરનું અને પોતાની જ વાતોનો છેદ ઉડાડતું બન્યું છે ઃ આતંકવાદ સામે લડવાની બડાશો હાંકતા નેતાઓ જુદા સ્વરૂપે આતંકને પેદા કરતાં જ નહીં, પોષતાં પણ ખચકાતા નથી. આમઆદમી કે ‘સીએમ’ (કોમનમેન)ની વાત કરનારા હજારો આમઆદમીઓના હિતને જોખમમાં મૂકતાં કે તેમના આંદોલન પ્રત્યે ઠંડી ઉપેક્ષા સેવતાં જરાય ખચકાતા નથી. જૂના રાજકારણીઓ સામેની આ ફરિયાદો જરાય નવી નથી, પરંતુ નવી પેઢીના નેતાઓ પણ એ જ માર્ગે આગળ વધે ત્યારે રહીસહી આશા ઓસરી જાય છે.

ઓરિસ્સાની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ ‘વેદાંત’ના ખાણકામ સામે આદિવાસીઓના હિતને સર્વોપરી ઠેરવી બતાવ્યું, પરંતુ આ ‘જીત’માંથી રાહુલની પર્યાવરણ કે આદિવાસી હિત અંગેની પ્રતિબદ્ધતા વિશે કશું જાણવા મળતું નથી. એટલે કે બીજી જગ્યાએ આ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરાશે ત્યારે રાહુલ આ જ પ્રકારનું વલણ અપનાવશે, એવું કોઇ ખાતરીપૂર્વક કહી શકે એમ નથી. એ જ ઓરિસ્સામાં, એ જ વેદાંત કંપની દ્વારા પુર-કોણાર્ક વચ્ચે દરિયાકિનારાના રસ્તે ૬ હજાર એકર જેટલી જમીનમાં યુનિવર્સિટી ઉભી થવાની છે. એક યુનિવર્સિટી માટે ૬ હજાર એકર જમીન જોઇએ કે કેમ, ત્યાંથી માંડીને લગડી જેવી જમીન ફાળવી દેવાના મુદ્દે કચવાટ છે. પરંતુ ત્યાં વિરોધ કરવા માટે આદિવાસીઓ નથી. કદાચ એટલે જ તેમના ઉદ્ધારક તરીકે રાહુલ ગાંધી પણ નથી.

એ ખરૂં કે દરેક પ્રોજેક્ટનું મૂલ્યાંકન સ્વતંત્ર ઢબે થવું જોઇએ અને તેનાં વિરોધ કે તરફેણની કોઇ કાયમી, નક્કી કરેલી નીતિ ન હોઇ શકે. છતાં, વિરોધ કે તરફેણ પાછળનાં કારણો એકસરખાં હોવાં જરૂરી છે. આ જાતના નિર્ણયો કારણને બદલે રાજકારણથી લેવાય ત્યારે તેમાં સાતત્ય જળવાતું નથી અને પ્રજાકીય હિતના મુદ્દા છેવટે રાજકીય અખાડાબાજીમાં ફેરવાઇ જાય છે.

નિયામગીરી હોય કે મહુવા, ઓરિસ્સા હોય કે ગુજરાત, પ્રજા માટે એક જ બોધ છે ઃ આમજનતાએ પોતાના હિતના રક્ષણ જેવા મહત્ત્વના કામ માટે રાજકીય પક્ષો કે નેતાઓના ખોળે માથું મૂકીને ગાફેલ થઇ જવું નહીં. બને કે ઊંઘ ઉડે ત્યારે નેતાઓ તો હોય, પણ આપણું માથું ન જડે.

Thursday, September 02, 2010

એની ટાઇમ કવર


ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ખાણીપીણીની ચીજો ઉપરાંત બીજું પણ ઘણું વેચાવા આવતું હોય છેઃ અઢી-ત્રણ ફૂટની રાક્ષસી સાઇઝ ધરાવતો ફુગ્ગો, જે પ્રવાસીઓના મનોરંજનાર્થે આમતેમ 'તરતો' મૂકવામાં આવે છે, 'એક જ ભાવ' ધરાવતાં જાતજાતનાં લટકણીયાં, રમકડાં, કી-ચેઇન, લીંબુ-મોસંબીનો રસ કાઢવાનું 'મશીન', દસ કે પંદર રૂપિયામાં બે નંગ મળતી બગસરાની ચેઇનો, કેટલીક ટ્રેનોમાં ચિત્રવિચિત્ર મેગેઝીનોના થપ્પા સાથે ફેરિયા જોવા મળે છે. તેમાં શાયરી અને મનોહર કહાનીયાં-ગૃહશોભા ટાઇપ્સની બોલબાલા હોય છે.

આ તરફની ટ્રેનોમાં અને મુંબઇની ટ્રેનોમાં તો સવિશેષ, પાસકવર વેચાતાં જોવા મળે છે. ફેરિયો હાથમાં પ્લાસ્ટિકનાં કવરનો થપ્પો લઇને નીકળે. અપ-ડાઉન કરનારા ઘણા લોકો વોલેટને બદલે પ્લાસ્ટિકીયાં પાસ કવરમાં પાસ(રેલવેને પરિભાષામાં સીઝન ટિકીટ) અને આઇડેન્ટીટી કાર્ડ મૂકવામાં વધુ સલામતી જુએ. કોલેજમાં ભણતી વખતે ઘણી વાર પાસ કવરનો જ વોલેટ તરીકે ઉપયોગ થતો હતો.

પણ હમણાં એક ફેરિયાની બૂમ જરા અજાણી લાગી. કાન સરવા કરીને સાંભળ્યું તો તે ટ્રેનમાં સેકન્ડ ક્લાસના ડબ્બામાં 'એટીએમ કાર્ડકવર' વેચતો હતો. એટીએમ કાર્ડ કેટલાં સામાન્ય થઇ ગયાં છે, તેનો થોડો ઘણો અંદાજ હતો, પણ બ્રહ્મજ્ઞાનનો ચમકારો તો આ ફેરિયાની બૂમથી જ થયો. અસ્પષ્ટ તસવીરમાં તેણે એક હાથમાં પકડેલાં 'એટીએમ કાર્ડકવર'નો જથ્થો દેખાય છે.

Wednesday, September 01, 2010

મોટી પોસ્ટનું ‘પોસ્ટ’મોર્ટમ

તમારા કોઇ સગા કે મિત્ર કોઇ પણ જગ્યાએ મોટી પોસ્ટ પર છે? જવાબ‘ના’ હોય, તો તમારા સગાના સગા કે મિત્રના મિત્ર- કંઇ નહીં તો છેવટે મિત્રના મિત્રના સગા કે સગાના મિત્રના સગા કે સગાના સગાના મિત્ર પણ મોટી પોસ્ટ પર હોવા જોઇએ.

‘હોવા જોઇએ’ એમ કહેવામાં અનુમાનની હળવાશ નહીં, પણ અપેક્ષા અને ઇચ્છનિયતાનું વજન સમાયેલું છે. જો તમારો સીધો કે આડકતરો, વાસ્તવિક કે કાલ્પનિક પરિચય ધરાવતી કોઇ પણ વ્યક્તિ મોટી પોસ્ટ પર ન હોય તો...કહેવું ગમતું નથી, પણ તમારૂં જીવતર એળે ગયું ગણાય.

અઘ્યાત્મ, ધર્મ કે જ્યોતીષના નામે, પહેલાં બીવડાવીને પછી રસ્તા બતાવનારા મહાનુભાવોની જેમ અહીં પણ કહી શકાય કે, ‘જીવતર એળે ન જવા દેવું હોય તો એક રસ્તો છે. આપણા કોઇ ઓળખીતા પોસ્ટ પર ન હોય તો વાંધો નહીં. એ લોકો જે પોસ્ટ પર હોય તેને મોટી જાહેર કરી દેવી.’

સદ્ભાગ્યે, લોકો છાપાં વાંચીને પોતાના જીવનનું અને વિચારોનું ઘડતર કરતા નથી. એટલે આ વિચાર અહીં પ્રગટ થાય તે પહેલાં ઘણા લોકોએ તેને અમલમાં મૂકી દીધો છે અને લોકો તેનાં પરિણામો પણ ભોગવી કે ફેલાવી ચૂક્યા છે.

બેન્ક, સચિવાલય, એલ.આઇ.સી., રિફાઇનરી, ઓ.એન.જી.સી., આઇ.પી.સી.એલ., ફર્ટિલાઇઝર જેવી સંસ્થાઓ/કંપનીઓમાં કામ કરનારા લોકો આ રિવાજના જન્મદાતા હોય છે અને શિકાર પણ! એમાંનો એકાદ માણસ કોઇ સામાજિક પ્રાણીને ભટકાઇ જાય એટલે થઇ રહ્યું!

‘શું કરો છો?’ના જવાબમાં એકાદ મોટી કંપનીનું નામ મળતાં સવાલ પૂછનાર કહેશે,‘એમ? સ્ટેટ આઇપીસીએલમાં? ત્યાં અમારા એક રિલેટીવ છે... બહુ મોટી પોસ્ટ પર છે...’

આગળ નહીં બોલાયેલું વાક્ય એવું હોય છે કે ‘એ તો બહુ મોટી પોસ્ટ પર છે. તમારા જેવા ફાસફુસિયાને ના ઓળખે. તમે કદાચ એમને ઓળખતા હો તો...’

‘મોટી પોસ્ટ’ પર રહેલા સજ્જનનું નામ જાણ્યા પછી, નોકરી કરનાર માણસ વિચારી જુએ છેઃ આપણા ચેરમેન કોણ છે? સીએમડી કોણ છે? સીઇઓ? જનરલ મેનેજર? સંભવિત ‘મોટી પોસ્ટ’ ધરાવતા હોદ્દેદારો વિશે વિચાર કરી લીધા પછી એ જવાબ આપે છે,‘ના. તમે કહો છો એવું કોઇ નામ સાંભળ્યું નથી.’

તરત બીજો સવાલ આવે છે,‘તમે કેટલાં વર્ષથી ત્યાં છો?’ એ સવાલમાં છૂપાયેલો ભાવ એવો હોય છે કે ‘તમે જેટલાં વર્ષથી હો તેટલાં વર્ષથી, પણ અમારા સગા જેવા મોટી પોસ્ટવાળા સાહેબનું નામ તમે ન સાંભળ્યું હોય, તો તમારાં વર્ષો પાણીમાં ગયાં.’

નોકરિયાત માણસ સહેજ ઓઝપાઇને જવાબ આપે છે,‘હું બાર વર્ષથી કામ કરૂં છું...તમે જેમની વાત કરો છો એ કયા ડિપાર્ટમેન્ટમાં છે? અમારે ત્યાં દોઢ હજાર માણસનો સ્ટાફ છે.’

સવાલના જવાબમાં સવાલ સાંભળીને સામેવાળો સહેજ વિચારમાં પડે છે. પછી ‘વિચારવું નબળા માણસનું કામ છે’ એવા દૃઢ નિર્ધાર સાથે વિચારાવસ્થા ખંખેરીને, ‘સો વાતની એક વાત’ના અંદાજમાં કહે છે,‘એ તો મને બહુ ખબર નથી, પણ એટલી ખબર છે કે એ બહુ મોટી પોસ્ટ પર છે.’

‘મોટી પોસ્ટ’ની માળા જપનારને નોકરીયાત માણસ કહી શકતો નથી કે ‘નોકરી કરનારા બધા મોટી પોસ્ટ પર જ હોય છે: એન્જિનીયર અને ઓપરેટર, ક્લાર્ક અને ઓફિસર, કારીગર ને મેનેજર- બધા...અરે મારી જ વાત કરો ને! હું પોતે મોટી પોસ્ટ પર જ છું, પણ તમને એની ખબર કેવી રીતે પડે? મારા કોઇ સગા તમને ભેટી ગયા હોત તો જુદી વાત હતી ’

કેટલાક લોકોની વાત સાંભળીને એવું લાગે કે જગતના તમામ મોટી પોસ્ટવાળા સાથે તેમને સંબંધ છે. બલ્કે, તેમની સાથે સંબંધ ધરાવતા બધા લોકો મોટી પોસ્ટ પર છે. એટલું જ નહીં, તેમની સાથે સંબંધ હોવાને કારણે જ એ લોકો મોટી પોસ્ટ સુધી પહોંચી શક્યા છે.

‘મોટી પોસ્ટ’ વિશે ઠંડા કલેજે વિચારતાં સૌથી પહેલો સવાલ એ થાય કે ‘મોટી પોસ્ટ’ કોને કહેવી? સામાન્ય રીતે એવું મનાય કે જેની વ્હાઇટ કોલર જોબ હોય, જેને સાહેબગીરી કરી ખાવાની હોય, કામ ઓછું ને પગાર વધારે લેવાનો હોય, પોતાની લાયકાત કરતાં પોતાનો પગાર વધારે છે એવી અસલામતીથી પોતે પીડાતા હોય અને તે પીડા પોતાની નીચેના માણસોમાં છૂટા હાથે વહેંચતા હોય...આ બધાં લક્ષણો ‘મોટી પોસ્ટ’વાળાનાં છે. બાકી, ‘મોટી પોસ્ટ’ નામની કોઇ પોસ્ટ તો હોતી નથી. ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા દર વર્ષે કઇ પોસ્ટને મોટી ગણવી એવી કોઇ યાદી બહાર પાડવામાં આવતી નથી કે અગાઉની યાદીમાંથી રદ થયેલી ‘મોટી પોસ્ટ’ની જાહેરાત કરવામાં આવતી નથી. અવારનવાર ટોચના ધનિકો, ટોચના ગુનેગારો, ટોચના દેવાળિયા, ટોચની સુંદરીઓ જેવી યાદી એકસરખા ઉત્સાહથી બહાર પાડનારાં સામયિકો પણ કઇ પોસ્ટ મોટી ગણાય ને કઇ ન ગણાય, એનાં સર્વેક્ષણો કરતાં-કરાવતાં નથી કે ‘ટોપ ૧૦ બિગ પોસ્ટ્સ’ જેવા વિશેષાંકો કરતાં નથી.

દરેકનો પોતાનો સ્વાર્થ ન હોય? બધાને પોતાની પોસ્ટ વિશેના પોતાના સગાંવહાલાં-મિત્રોના ભ્રમ ટકાવી રાખવાના હોય છે. કઇ પોસ્ટ મોટી કહેવાય એ વિશે જેટલી અસ્પષ્ટતા રહે, એટલું જ સમાજના લાભમાં છે. ઘણા વિવાદો તેનાથી ટળી જાય છે અને ‘મારા સગા મોટી પોસ્ટ પર છે, તમારા સગા મોટી પોસ્ટ પર છે, આપણા સૌના અને આખી દુનિયાના સગા મોટી પોસ્ટ પર છે. પછી તકરાર શાની?’ એવી વિશ્વબંઘુત્વની કે ‘વિશ્વમોટીપોસ્ટત્વ’ની લાગણી ફેલાય છે.

સામાજિક લોકોની દૃષ્ટિએ વિચારતાં એવું લાગે કે નોકરિયાતોના બે જ ભાગ છેઃ મોટી પોસ્ટવાળા અને ખરેખર મોટી પોસ્ટવાળા. પોતાના સ્નેહી-મિત્રની વાસ્તવિક પોસ્ટ જોયા વિના, તેમને ‘મોટી પોસ્ટવાળા’ ગણનારાનો આશય એકદમ શુભ અને હકારાત્મક હોય છે. જૂના જમાનામાં મહાપુરૂષો અને મહાસ્ત્રીઓ કહેતાં હતાં કે ‘કોઇ કામ નાનું નથી.’ જમાના પ્રમાણે એ સત્ય બદલાયું છે. હવેના મહાન લોકોએ કહેવું જોઇએ કે ‘કોઇ પોસ્ટ નાની નથી.’ દરેક નોકરી કરનારને - અને ખાસ તો તેનાં સગાંવહાલાં-કુટુંબીમિત્રોને લાગે છે કે આપણા ભાઇ કે બહેન ખરેખ્ખર જ મોટી પોસ્ટ પર છે.

હવે પછી ‘અમારા પણ એક સગા ત્યાં છે...બહુ મોટી પોસ્ટ પર છે’ એવું કહેનાર કોઇ ભેટી જાય તો તેમને
ફોગટિયા બડાશ મારનારા તરીકે નહીં, પણ સદ્ભાવના સિપાહી તરીકે, વિશ્વશાંતિના દૂત તરીકે, પાંખ વગરના કબૂતર તરીકે જોજો. ભૌતિક સુખોની પાછળ દોડતી-હાંફતી દુનિયામાં પોતે મોટી પોસ્ટની પાછળ દોડવાને બદલે, પોતાના સગાવહાલા-સ્નેહીમિત્રની મોટી પોસ્ટથી જ સંતુષ્ટ થઇ જાય, તેમને ‘ફાંકાફોજદાર’ને બદલે ‘મર્યાદાપુરૂષોત્તમ’ કે ‘સંતોષશિરોમણી’ તરીકે ન ઓળખવા જોઇએ?

તમારા પણ કોઇ સગા મોટી પોસ્ટ પર હશે તો તમારે જવાબ શોધવા બહુ દૂર નહીં જવું પડે.