Wednesday, June 09, 2010

મહાત્મા મંદિરની મુલાકાતે ખુદ મહાત્મા

ગુજરાતમાં ગાંધી હાજરાહજૂર છે. ગાંધી રોડ, ગાંધી બ્રિજ, ગાંધી હોલ, ગાંધી ચોક, ગાંધીનગર, ગાંધીધામ...માગો તે આકાર-પ્રકાર-વિકારમાં, છૂટક-જથ્થાબંધ તેમ જ પાઉચ પેકિંગમાં ગાંધી ઉપલબ્ધ છે. (નોંધઃ શુભ પ્રસંગે ઓર્ડર પર પૂરતું ઘ્યાન આપવામાં આવે છે.)

ગાંધીનગરમાં મહાત્મા મંદિરનો આરંભ સરકાર આયોજિત શુભ પ્રસંગ છે. સરકાર ઇચ્છે ત્યારે રાજી થવું એ સારા નાગરિકોનું લક્ષણ છે. ગુજરાતમાં સારા નાગરિકો આંકડાકીય બહુમતિમાં છે. એટલે છૂટાછવાયા વિરોધ સિવાય મહાત્મા મંદિર વિશે ખાસ ઉહાપોહ થયો નથી.

મહાત્મા મંદિરનો વિરોધ શા માટે કરવો જોઇએ? આખરે મોડે મોડેથી પણ કોઇને મહાત્મા યાદ આવે એમાં ખોટું શું છે? મહાત્માએ પોતાનું મંદિર બનાવવાની ના પાડી હતી એ ખરૂં. પણ એમ તો મહાત્માએ ઘણી બધી બાબતોની ના પાડી હતી અને એમાંનું ઘણું બઘું અત્યારે થાય છે. એની ટીકા ન થતી હોય તો મહાત્મા મંદિરની ટીકા શા માટે?

ખરેખર તો ગુજરાતનો મહાત્મા પર વિશેષાધિકાર છે એવું બતાવવા માટે થઇ શકે તે બઘું જ કરવું જોઇએ ઃ કોમી હુલ્લડો પછી ઉભી કરવી પડતી રાહતછાવણીઓને ‘મહાત્માનગર’ નામ આપવું જોઇએ, ગુંડાઓને ત્રાસવાદી તરીકે ખપાવીને એન્કાઉન્ટર કરનાર પોલીસ અફસરોનું સૂતરની આંટી પહેરાવીને ‘સત્યના પ્રયોગો’ વડે અભિવાદન કરવું જોઇએ, સાણંદમાં બનેલી તાતાની નેનો કારને ‘ગાંધીગાડી’ તરીકે ઓળખાવવી જોઇએ, ગુજરાતના દરેક મુખ્ય મંત્રીની અટક ફરજિયાતપણે ગાંધી કરી નાખવાનો નિયમ પણ બનાવી શકાય...

ગાંધીને યાદ કરવા તે કરવા. એમાં શરમ શાની? અને ગુજરાત સરકારને ગાંધીજીના આદર્શોની પરવા નથી એવું કહેનારા સેક્યુલર (એટલે કે જૂઠા એટલે કે દંભી એટલે કે...મનમાં આવે તે બધા અપશબ્દો) છે. ગુજરાતની પ્રગતિથી વાકેફ કોઇ પણ નાગરિક કહેશે કે મહાત્મા મંદિર ગુજરાત સરકારની સાદાઇનો મૂર્તિમંત નમૂનો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં અમુક લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરનાર ગુજરાત સરકારે ફક્ત સો-દોઢસો કરોડ રૂપિયા જેવી ‘સિંગચણા’ રકમમાં મહાત્મા મંદિર બનાવી કાઢ્યું છે, એ જ દર્શાવે છે કે મહાત્માના સાદગીપ્રેમની સરકારને કેટલી ચિંતા છે.

મહાત્મા ગાંધીના નામે સરકારે મંદિર-કમ-બિઝનેસ સેન્ટર બનાવી કાઢ્યું છે, એ વાત પોતે કેટલી સૂચક છે! અત્યારે ઘણાંખરાં ધર્મસ્થાનો જાહેરાત કર્યા વિના બિઝનેસ સેન્ટરમાં ફેરવાઇ ગયાં છે, ત્યારે ગુજરાત સરકારે ખુલ્લેઆમ મંદિરને બિઝનેસ સેન્ટર તરીકે વાપરવાનું જાહેર કર્યું છે અને મંદિર તથા બિઝનેસ સેન્ટર વચ્ચેનો ભેદ ભૂંસી નાખવાનું ક્રાંતિકારી પગલું ભર્યું છે.

સરકારે આટલી હિંમત કરી છે, તો થોડી વઘુ હિંમત એકઠી કરીને મહાત્મા મંદિરને સેઝનો દરજ્જો આપવો જોઇએ. તેનાથી મહાત્મા મંદિરમાં સત્તાવાર રીતે દારૂની પરમિટ શોપ સ્થાપી શકાશે. ફક્ત પરમિટ શોપ શા માટે? એક પબ સ્થાપી શકાય, તો આખા ગુજરાતમાંથી લોકો આબુ કે દમણ જવાને બદલે મહાત્મા મંદિરે ઉમટી પડશે અને ગુજરાતના ટુરિઝમ વિભાગને પ્રકૃતિથી વિરૂદ્ધ જઇને, જરાય સક્રિય થવું નહીં પડે. આપોઆપ મહાત્મા મંદિર ગુજરાતમાં જ નહીં, દેશવિદેશમાં પણ જાણીતું બની જશે. અત્યારનો જમાનો જાણીતા થવાનો છેે. ‘કેવી રીતે?’ એમાં કોઇને રસ નથી.

ગુજરાતના પાટનગરમાં, પોતાના મંદિર વિશે સાંભળીને ગાંધીજીને ચટપટી થાય અને એ મહાત્મા મંદિર આવીને મુલાકાત આપે તો?
***
સવાલઃ નમસ્તે બાપુ. તમને શું કહું? બાપુ? ગાંધીજી? મહાત્મા?
ગાંધીજીઃ હું પણ એ જ વિચારમાં છું. બાપુ કહીશ તો લોકો પૂછશે, ‘મોરારીબાપુ કે શંકરસિંહ બાપુ?’ ગાંધી કહીશ તો પૂછશે,‘રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી?’ અને ‘મહાત્મા’નું વિશેષણ તો મને પોતાને ગમતું ન હતું. સંબોધનની પંચાત જવા દે. મુદ્દાની વાત કર.
સવાલઃ આ તરફ બહુ વખતે આવ્યા?
ગાંધીજીઃ તને શું લાગે છે? હું એમ કહીશ કે દરેક વાઇબ્રન્ટ ગુજરાતમાં કે વાઇબ્રન્ટ ઉત્તરાયણમાં હું ગુજરાતમાં આવું છું? ગુજરાતમાં મારૂં શું કામ છે? ૧૯૬૯માં મારી શતાબ્દિ જે રીતે (હુલ્લડોથી) ઉજવાઇ, ત્યારથી જ હું ધરાઇ ગયો હતો.
સવાલઃ તમે ગમે તે કહો, તમે ગુજરાતને છોડી દો, પણ ગુજરાતે તમને છોડ્યા નથી. મહાત્મામંદિર જોઇને તો તમને એની ખાતરી થઇ ને!
ગાંધીજીઃ હા, મારે રાજી જ થવું જોઇએ. ફિલમવાળા ફિલમમાં મારૂં પાત્ર નાખીને મારો સંદેશો પહોંચાડવાનો દાવો કરે તો પણ મારે ખુશ થવું જોઇએ... મોં બ્લાંવાળા લાખો રૂપિયાની પેન ઉપર મારું ચિત્ર છાપે ને મારો પ્રપૌત્ર એની પરવાનગી આપે, એથી પણ મારે ખુશ થવું જોઇએ...ગુજરાતમાં મારા નામનું મંદિર બને તેનાથી પણ મારે ખુશ થવું જોઇએ...કેમ નહીં...
સવાલઃ તમે અકારણ આળા થઇ જાવ છો. અમારા ગુજરાતમાં આવું નહીં ચાલે. લોકો કહેશે કે તમે વિકાસના વિરોધી છો, ગુજરાતના વિરોધી છો, ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાકાર છો, તમે આતંકવાદીઓની તરફેણ કરો છો...એ તો તમે નસીબદાર છો કે તમારાં આવાં કપડાં છતાં તમારી હજુ ટીકા થઇ નથી. બાકી, ગુજરાત આટલું સમૃદ્ધ હોય ને તમે એક હાથનું કપડું વીંટાળીને અર્ધનગ્ન અવસ્થામાં ફર્યા કરો એમાં ગુજરાતની બદનામી ન થાય? તમારે તમારો નહીં તો ગુજરાતની આબરૂનો ખ્યાલ રાખીને કપડાં પહેરવાં જોઇએ.
ગાંધીજીઃ એક મિનીટ, આપણે નક્કી કરી લઇએ કે કોણ કોનો ઇન્ટરવ્યુ લઇ રહ્યું છે...
સવાલઃ સોરી...ગુજરાતના હિતની ને ગુજરાતની અસ્મિતાની વાત આવી એટલે હું જરા વહી ગયો. હવે એ કહો કે મહાત્મા મંદિરમાં બિઝનેસની આંતરરાષ્ટ્રિય સ્તરની બેઠકો થશે એ સાંભળીને તમને કેવું લાગે છે?
ગાંધીજીઃ મારા નામે બિઝનેસ થવાની હવે ક્યાં નવાઇ રહી છે?
સવાલઃ અને કપડાં વિશે કોઇ ખુલાસો આપવાની ઇચ્છા ખરી?
ગાંધીજીઃ હા. માણસની કિંમત કપડાંથી નહીં, કપડાંની કિંમત માણસથી નક્કી થાય છે.
સવાલઃ છેલ્લો પ્રશ્ન. મંદિર ત્યારે જ સંપન્ન થાય, જ્યારે તેમાં પ્રાણપ્રતિષ્ઠા થાય. મહાત્મામંદિરમાં તમારી પ્રાણપ્રતિષ્ઠા કેવી રીતે કરવી જોઇએ?
ગાંધીજીઃ રહેવા દે ભાઇ એ બધી વાત.એક વાર તો ગોડસેએ ‘પ્રાણપ્રતિષ્ઠા’ કરી નાખી. હજુ કેટલી વાર કરાવવી છે? ગોડસેએ મારા શરીરને નષ્ટ કર્યું, પણ બીજા લોકો મારા સંદેશને- મારા જીવનકાર્યને હણી રહ્યા છે. ગોડસે એટલો પ્રામાણિક હતો કે એણે મારૂં મંદિર બનાવવાને બદલે મને ગોળી મારી દીધી.

(વાક્ય પૂરૂં થતાંની સાથે જ ગાંધીજી ગાયબ. એમની જગ્યાએ ત્રણ ગોળીઓ પડી હતી અને સાથે ચબરખીમાં લખ્યું હતું : મહાત્મા મંદિરમાં મૂકવા માટે.)

2 comments:

  1. bahu saras.. indu chacha wala blog ni jem aa blog pan mast kataks thi bharelo hato. maja padi

    ReplyDelete
  2. DILIP MEHTA10:14:00 AM

    KYA BAAT HAI!! PADE CHHE TYARE SAGHLU PADE CHHE.. AANATHI MOTO VINIPAT HAVE BIJO KAYO SHODHVO?

    ReplyDelete