Tuesday, June 15, 2010

ભોપાલનો ગેસકાંડ, અમેરિકાનો તેલકાંડઃ અસમાનતાની અવધિ

૧ માણસના મોતનું વળતર ૫૫૦ ડોલર, ૧ બેરલ ક્રુડ ઓઇલના પ્રદૂષનું વળતર ૪,૩૦૦ ડોલર

એપ્રિલની ૨૦મી તારીખથી ફરી એક વાર અમેરિકા ક્રુડ ઓઇલ બાબતે સમાચારમાં છે. આ વખતે કોઇ જો કે અમેરિકાએ ઓઇલ માટે કોઇ દેશ પર હુમલો કર્યો નથી. અમેરિકાની દક્ષિણે, મેક્સિકોના અખાતમાંંથી ઓઇલ મેળવવા માટે ડ્રિલિંગ ચાલતું હતું. એ વખતે ડ્રિલિંગનું કામ કરતી ‘ડીપવોટર હોરાઇઝોન’ નામની ઓઇલ રીગમાં વિસ્ફોટ સાથે આગ લાગી. (ઓઇલ રીગ/ દરિયાના પેટાળમાંથી તેલ ઉલેચવા માટે તૈયાર કરાયેલું યંત્રસામગ્રીથી સજ્જ માળખું)

અકસ્માતમાં ૧૧ કર્મચારીઓની જાનહાનિ તો થઇ, સાથોસાથ અખાતના પેટાળમાંથી ક્રુડ ઓઇલ પાણીમાં ભળવા લાગ્યું. શરૂઆતના ઇન્કાર પછી અખાતમાં ભળતા ક્રુડ ઓઇલનો આંકડો ઉંચો ને ઉંચો જતો ગયો. પહેલાં રોજના ૧ હજાર બેરલનો આંકડો આવ્યો. (૧ બેરલ એટલે આશરે ૧૫૯ લીટર). ત્યાર પછી ક્રુડ ઓઇલનો જથ્થો જોતાં પ હજાર બેરલનો અંદાજ કાઢવામાં આવ્યો. મે મહિનાના અંત સુધીમાં નીકળેલા અંદાજ પ્રમાણે રોજનું ૧૨ હજારથી ૨૫ હજાર બેરલ જેટલું ક્રુડ ઓઇલ મેક્સિકોના અખાતમાં ભળીને દરિયાઇ જીવસૃષ્ટિ, માછીમારી ઉદ્યોગ અને સમગ્રપણે પર્યાવરણની અભૂતપૂર્વ તબાહી નોતરી રહ્યું હતું. (જોકે સેટેલાઇટ તસવીરો જોયા પછી કેટલાક વૈજ્ઞાનિકોનો અંદાજ રોજના ૨૫ હજારથી ૮૦ હજાર બેરલ ઓઇલનો છે.)

અમેરિકામાં ક્રુડ ઓઇલને લગતો છેલ્લો મોટો અકસ્માત ૧૯૮૯માં અલાસ્કામાં થયો હતો. એક્ઝોન વાલ્ડેઝ નામનું ઓઇલ ટેન્કર (જહાજ) ખડકો સાથે અથડાતાં તેમાંથી ૨.૫ લાખ બેરલ ઓઇલ દરિયામાં પ્રસર્યું હતું. પરંતુ મેક્સિકોના અખાતની દુર્ઘટનાએ અમેરિકામાં ક્રુડ ઓઇલના કમઠાણના જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ઓઇલ રીગ પર કામ કરનારી ઓઇલ કંપની બીપી (બ્રિટિશ પેટ્રોલિયમ) લાખો ડોલરનું આંધણ કરીને ક્રુડ ઓઇલને અખાતમાં ભળતું અટકાવવા પ્રયાસો કરી રહી છે. છતાં આ લખાય છે ત્યારે ક્રુડ ઓઇલનો પ્રવાહ વણથંભ્યો ચાલુ છે.

અમેરિકાઃ બેદરકારી અને કડકાઇ
કંપનીઓના અને સરકારી તંત્રના કાગડા બધે કાળા હોય છે. એટલે જ, સૌથી સલામત અને લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી ઓઇલ રીગ પર અકસ્માત થાય છે. તેને નિવારવાનાં એકેય વાનાં કામ કરતાં નથી કે કામ લાગતાં નથી.

અમેરિકાના ઇતિહાસના સૌથી ગંભીર ઓઇલ અકસ્માતના પગલે સરકારની ‘માઇનિંગ મેનેજમેન્ટ સર્વિસ’ ની ઢીલાશ અને બેકાળજી પણ ઉભરી આવી છે. બીજી તરફ, બીપી પોતાની ઓઇલથી ખરડાયેલી છબી સુધારવા ભરપૂર પ્રયાસો કરી રહી છે. છતાં અમેરિકાની સરકાર અને ન્યાયખાતાએ આ દુર્ઘટના અંગે કડક વલણ લીઘું છે. કંપની સામે ફોજદારી અને દીવાની એમ બન્ને પ્રકારના ગુના હેઠળ કામ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. ક્રુડ ઓઇલના કદડાની સફાઇના તમામ ખર્ચથી માંડીને તેનાથી થયેલા નુકસાનના વળતરની જવાબદારી પણ બીપીના માથે નાખવામાં આવી છે. અકસ્માત પહેલાં રીગના કામ સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓ (બીપી, ટ્રાન્સઓશન અને હેલિબર્ટન) દ્વારા એકબીજા તરફ આંગળી ચીંધવાની કોશિશની પ્રમુખ ઓબામાએ કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એટલું તો નક્કી જણાય છે કે અત્યાર સુધી સરકારે કે કંપનીએ જે બેદરકારી દાખવી હોય તે, પણ અમેરિકાની સરકાર અને ન્યાયખાતાની ભીંસ હેઠળ, ક્રુડ ઓઇલથી થયેલું નુકસાન ભરપાઇ કરતાં કંપનીનું તેલ નીકળી જવાનું છે.

ભારત: અનંત બેદરકારી
અમેરિકાના ક્રુડકાંડ ચાલુ છે ત્યારે ભોપાલ ગેસ દુર્ઘટનાનો ચુકાદો આવ્યો છે. આશરે ૨૫ હજાર લોકોનાં મોત નીપજાવનારી અને બાકીના લાખો લોકોની જિદગી સાક્ષાત નર્ક જેવી બનાવી દેનારી આ દુર્ઘટના અમેરિકાની કંપની યુનિઅન કાર્બાઇડ અને તેની ભારતની શાખા યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાના પાપે થઇ હતી. પરંતુ દુર્ઘટનાનાં ૨૬ વર્ષ પછી ન્યાય તો દૂરની વાત છે, હજુ ભોપાલસ્થિત યુનિઅન કાર્બાઇડ ફેક્ટરીના ખતરનાક કચરાની સફાઇ પણ થઇ નથી. એટલું જ નહીં, એ સફાઇ કરવાની જવાબદારી કંપનીની હોવી જોઇએ, એટલું પણ ભારતની સરકાર, તપાસસંસ્થાઓ અને અદાલતો મળીને સિદ્ધ કરી શકી નથી.

ગયા સોમવારે આવેલો ચુકાદો ૨૬ વર્ષ જૂના નહીં, પણ ૧૯ વર્ષ જૂના કેસનો હતો, જે નવેમ્બર ૧૯૯૧થી ભોપાલના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતો હતો. તેના ચુકાદામાં યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાને પાંચ લાખ રૂપિયાનો દંડ, તેના આઠ હોદ્દેદારોને એક-એક લાખ રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલ જેવી હાસ્યાસ્પદ સજા આપવામાં આવી. આઠમાંથી એક આરોપીનું મૃત્યુ થઇ ચૂક્યું છે. બાકી રહ્યા સાત આરોપી. એ દરેક માટે જામીનની જોગવાઇ પણ હતી. એટલે દરેકે જામીન મેળવી લીધા છે. હવે કાનૂની લડાઇ નામનું ફારસ ઉપલી અદાલતોમાં જશે.

ભોપાલ કેસના ચુકાદો આપનાર ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટને જો કે આ ચુકાદા માટે દોષી ઠેરવી શકાય તેમ નથી. કેમ કે, સર્વોચ્ચ અદાલત અને સરકારનાં કેટલાંક પગલાંને લીધે તેમના હાથ અગાઉથી જ બંધાઇ ચૂક્યા હતા. ભોપાલ ગેસકાંડમાં થયેલી ન્યાયની કસુવાવડની દાસ્તાન અને તેમાં સરકાર તથા અદાલતોની ભૂમિકા અમેરિકાના ઉદાહરણની સામે તીવ્ર વિરોધાભાસ ઉભો કરે છે. ભોપાલ ગેસકાંડ જેવી દુર્ઘટનામાં જવાબદાર કંપનીનો કાંઠલો પકડવા માટે અને દેશને તથા દેશવાસીઓને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મેળવવા માટે સુપરપાવર હોવાની જરૂર નથી. ફક્ત વેચાઉ ન હોવું જ પૂરતું છે. પરંતુ ભોપાલ ગેસકાંડની કાર્યવાહી પરથી જણાય છે કે ભારતમાં એ શરત પણ પૂરી થઇ શકી નથી. છેલ્લા અહેવાલો પ્રમાણે અર્જુનસિંઘે સંભવતઃ રાજીવ ગાંધીની સૂચના પ્રમાણે, વોરન એન્ડરસનને અમેરિકા નાસી છૂટવામાં મદદ કરી હોવાનું બહાર આવ્યું છે.

ભોપાલનું ભોપાળું
અમેરિકાની યુનિઅન કાર્બાઇડ કંપની તત્કાલીન કાયદા પ્રમાણે ભારતમાં સોએ સો ટકા સીઘું મૂડીરોકાણ કરી શકે એમ ન હતી. એટલે તેણે ‘યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ’ નામનું અલગ એકમ રચીને તેમાં પોતાનો હિસ્સો રાખ્યો. પરંતુ સલામતીને લગતી તકેદારીની બાબતમાં અમેરિકા અને ભારતના એકમો વચ્ચે આભજમીનનો ફરક હતો. ભારત તેમને મન ત્રીજા વિશ્વનો દેશ હતો, જેમાં સલામતી માટે વધારાના રૂપિયા ખર્ચવાની જરૂર તેમને લાગતી ન હતી.

કંપનીની ગુનાઇત બેકાળજીમાંથી અકસ્માત થયો. ૪૦ ટન જેટલા મિથાઇલ આઇસોસાઇનેટ નામના ઝેરી ગેસનું વાદળ મોત બનીને ભોપાલવાસીઓ પર છવાઇ ગયું. (આ અકસ્માત ભાંગફોડનું કાવતરૂં હતું, એવો જૂઠો પ્રચાર હજુ પણ ક્યાંક ક્યાંક વાંચવા મળે છે.) પરંતુ જે નાગરિકોની ચિંતા તેમનો પોતાનો દેશ ન કરે, તેમની ચિંતા બીજું કોણ કરે?

અમેરિકામાં તેલકાંડ ચાલુ છે ત્યારે ભોપાલનો ચુકાદો આવતાં અમેરિકાનાં પ્રસાર માઘ્યમોએ ભારત સરકાર અને ભારતીય ન્યાયતંત્રની આકરી ટીકા કરી છે. ભોપાલ ગેસકાંડ પછી જે કંઇ બન્યું તેની એક ઝલક કોઇ પણ ભારતીયનું માથું શરમથી ઝુકાવી દે અને દિમાગની નસો તંગ કરી દે એવી છે.

  • ૨ ડિસેમ્બર, ૧૯૮૪ની રાતે ઉદ્યોગજગતની મહાભયંકર દુર્ઘટના થયા પછી યુનિઅન કાર્બાઇડ સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને તેના ચેરમેન વોરન એન્ડરસનની ધરપકડ પણ થઇ. છતાં, થોડા સમય પછી એન્ડરસનને અગમ્ય રીતે જામીન મળી ગયા. ત્યાર પછી એન્ડરસનને ભારતમાંથી છટકી જવા દેવામાં આવ્યો. નેવુ વર્ષનો એન્ડરસન અત્યારે અમેરિકામાં ઠાઠથી જીવે છે.
  • ૧૯૮૫માં ભારતની સંસદે ‘ધ ભોપાલ ગેસ લીક ડીઝાસ્ટર (પ્રોસેસિંગ ઓફ ક્લેમ્સ) એક્ટ’ પસાર કર્યો. તેના અંતર્ગત અસરગ્રસ્તો વતી વળતર વસૂલ કરવાની સત્તા ભારત સરકારને મળી ગઇ. ત્યાર પછી વ્યક્તિગત રીતે કોઇ માટે યુનિઅન કાર્બાઇડ પાસેથી વળતર માગવાનો પ્રશ્ન રહ્યો નહીં.
  • નવા કાયદાનો હેતુ ભોપાલ ‘ગેસ ગળતરને લગતા કેસનો ઝડપી, અસરકારક અને ન્યાયી રીતે તથા અસરગ્રસ્તોને મહત્તમ વળતર મળે એ રીતે નિકાલ લાવવા માટે’ હોવાનું જણાવાયું હતું. પણ થયું એનાથી બરાબર ઉલટું. કેસનો વિલંબીત, સાવ લૂલો અને અન્યાયી નિકાલ આવ્યો. અસરગ્રસ્તોને નુકસાનની સરખામણીમાં મહત્તમ નહીં, સાવ નજીવું (આશરે ૫૫૦ ડોલર જેટલું) વળતર મળ્યું. ઘણાને તો એ પણ ન મળ્યું.
  • ભારત સરકારે આરંભમાં યુનિઅન કાર્બાઇડ સામે ૩.૩ અબજ ડોલરનો દાવો કર્યો હતો, પણ ૧૯૮૯માં કાયદાની રૂએ પોતાને મળેલી સત્તાનો દુરૂપયોગ કરીને ભારત સરકારે યુનિઅન કાર્બાઇડ સાથે કોર્ટ બહાર ૪૭ કરોડ ડોલરમાં સમાધાન કરી લીઘું. આટલી મામૂલી રકમની સામે એવી બાંહેધરી આપી કે કંપની સામેના ફોજદારી કેસ પાછા ખેંચી લેવામાં આવશે.
  • સરકારી સમાધાન સામે સર્વોચ્ચ અદાલતમાં થયેલી અપીલના પગલે સર્વોચ્ચ અદાલતે કંપની અને તમામ આરોપીઓ સામેના ફોજદારી કેસ પાછા ઉખેળ્યા. ભારત સરકારને અદાલતે અસરગ્રસ્તો માટે ૫૦૦ પથારીની હોસ્પિટલ શરૂ કરવા અને તેને ઊભી કરવાથી માંડીને આઠ વર્ષ સુધી ચલાવવાનું બઘું ખર્ચ (અંદાજે ૫૦ કરોડ રૂપિયા) યુનિઅન કાર્બાઇડ પાસેથી વસૂલવા જણાવ્યું. યુનિઅન કાર્બાઇડ કંપનીએ લંડનમાં ભોપાલ હોસ્પિટલ ટ્રસ્ટ સ્થાપ્યું. તેમાં ૧ હજાર પાઉન્ડ જેવી મામૂલી રકમ આપી અને યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાનો પોતાનો હિસ્સો પણ આપ્યો (જે જપ્ત કરવાનો હુકમ ભારતમાં થઇ ચૂક્યો હતો!)
  • સીબીઆઇ અને કેટલીક સંસ્થાઓના દબાણથી ભોપાલના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે ભારતમાં યુનિઅન કાર્બાઇડ કંપનીની સંપત્તિ અને ભારતીય કંપનીમાં તેનો હિસ્સો જપ્ત કરવાનો આદેશ આપ્યો. જોકે એ આદેશ ઉપર પણ કાનૂની લડાઇ થઇ અને તેનો અમલ ન થયો. તેનો કમનસીબ અંત એવો આવ્યો કે ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતે યુનિઅન કાર્બાઇડને તેનો (જપ્ત થયેલો) હિસ્સો વેચી મારવાની પરવાનગી આપી. કંપનીએ યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાના એ શેર ‘એવરેડી’ તરીકે જાણીતી બનનારી બ્રાન્ડની કંપની મેકલોડ ઇન્ડિયાને વેચી દીધા.
  • બે વર્ષ પછી (૧૯૯૬) સર્વોચ્ચ અદાલતે યુનિઅન કાર્બાઇડના ભારતના હોદ્દેદારો સામેના ખૂનના આરોપ હળવા કરીને બેદરકારી અને અકસ્માતના આરોપમાં તબદીલ કરી નાખ્યા. એ વખતથી જ ગયા સોમવારે આવેલા ચુકાદાનું ભાવિ નક્કી થઇ ચૂક્યું હતું. સર્વોચ્ચ અદાલતે સુધારા કરીને લાગુ પાડેલી કલમો જ એવી હતી કે આરોપીઓને બે વર્ષથી વધારે સમયની સજા ન થઇ શકે.
ચુકાદાના પગલે જાગેલા રોષમાં એ યાદ રાખવા જેવું છે કે યુનિઅન કાર્બાઇડ પ્રત્યે ભારત સરકારના ‘ઉદાર’ વલણનું એક કારણ વિદેશી મૂડીરોકાણ કરનારા માટે ‘સારૂં વાતાવરણ’ ઉભું કરવાનું હતું.

મૂડીરોકાણો માટે લાલ જાજમ બિછાવાય ત્યારે એ જાજમ તળે કેટકેટલા નીતિનિયમો-જોગવાઇઓ-તકેદારીઓ સરકાવી દેવામાં આવે છે? કમ સે કમ એટલી જાણકારી મેળવવાનું તો ભોપાલ ઘટનાક્રમ પરથી શીખવું રહ્યું.

1 comment:

  1. ભોપાલ તો શું, ચેર્નોબિલ જેવી દુર્ઘટના પણ સર્જાય તો પણ આપણાં દેશમાં કોઈના પેટનું પાણી હાલવાનું નથી, મરી ગયેલા ઝમીર વાળી આપણી માયકાંગલી પ્રજા નેતાઓને પોસ્ટકાર્ડો લખીને, દીવડાઓ પ્રગટાવીને, કે પોલીટીકલ સરઘસો માં નકલી નારાઓ લગાવીને જ ઘણું બધું કરી નાખ્યું હોવાના ઓડકારો ખાઈ લેછે.

    ReplyDelete