Wednesday, June 30, 2010

બબુપોચાઃ મીઠું રહસ્ય


છેલ્લાં બે વર્ષથી આકાર અને દેખાવમાં નાસપતિ (રામફળ) જેવું દેખાતું એક ફળ જોવા મળે છે. લારીમાં પડ્યું હોય તો તે જૂના ને જાણીતા, બહારથી લીલા ને અંદરથી સફેદ, સહેજ કરકરા અને તૂરા-ખાટા સ્વાદના રામફળ જેવું જ લાગે. પણ તેમાં ચપ્પુ ફેરવતાં જ બન્ને વચ્ચેનો ફરક જણાય છે. આ ફળનો ગર બીયા વગરના જામફળ જેવો મુલાયમ અને તેનો સ્વાદ અત્યંત મધુર હોય છે.

બે વર્ષ પહેલાં પહેલી વાર આ ફળ રામફળ સમજીને ખાધું ત્યારે તેના સ્વાદથી અને સુંવાળપથી સુખદ આશ્ચર્ય થયું હતું. 'આ નવી જાતનું- હાઇબ્રીડ રામફળ છે?' એવું પૂછતાં જવાબ મળ્યો, 'આ ફળનું નામ છેઃ બબુપોચા (કે બબુબોચા).' પ્યારસે લોગ ઇસે 'બબૂ' ભી કહતે હૈં. આ ફળનો ભાવ પણ બીજાં ફળો કરતાં વધારે પડતો કહેવાય એવો મોંઘો નથી.

નવાઇની વાત એ છે કે અગાઉ આ ફળ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું અને હવે તે ફક્ત અમદાવાદમાં નહીં, મહેમદાવાદમાં પણ મળતું થઇ ગયું છે. તેના વિશે, તેના નામની ભાષા અને મૂળ દેશ-પ્રદેશ વિશે કોઇ જાણકારી ખરી?

Tuesday, June 29, 2010

કટોકટીઃ ભૂતકાળની એક, વર્તમાનની અનેક

દેખીતી દુર્ઘટનાઓ અને આફતોમાં હજાર દુઃખની વચ્ચે એક સુખ હોય છેઃ તેમના અસ્તિત્ત્વનો કોઇ ઇન્કાર કરતું નથી. તેમણે સર્જેલું નુકસાન વાસ્તવિક છે અને એ નુકસાન ભરપાઇ કરવા માટે આપણે કંઇક કરવું જોઇએ, એવું તો લોકો સ્વીકારે છે.

ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી એવી એક દુર્ઘટના હતી. ગયા અઠવાડિયે (૨૫ જૂનનાં રોજ) કટોકટી લદાયાને ૩૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે તેની યાદ તાજી કરવામાં આવી. સૌ વિચારધારા અને પક્ષના લોકો કટોકટીના વિરોધના કોમન મિનિમમ પ્રોગ્રામ થકી ભેગા મળ્યા હતા. ઈંદિરા ગાંધીએ આણેલી અને તેમના ચિંરજીવી - ખરેખર તો ‘અલ્પજીવી’ - સંજય ગાંધીએ વકરાવેલી કટોકટીએ લોકોને જેવી હતી તેવી, પણ લોકશાહીની કિંમત ઉજાગર કરી આપી.

કટોકટીના તરફદારો પણ હતા. કેટલાક લોકો હજુ અહોભાવથી કહે છે,‘બીજું ગમે તે હોય, પણ કટોકટી વખતે ટ્રેનો રાઇટટાઇમ ચાલતી હતી.’ કોન્સન્ટ્રેશન કેમ્પ/યાતનાશિબિરોની શિસ્તનાં વખાણ કરવા જેવી આ વાત છે. છતાં, એટલું આશ્વાસન હતું કે કટોકટીનો પ્રગટ કે અપ્રગટ વિરોધ કરનારો અને એમ કરવામાં ધર્મ સમજનારો વર્ગ બહુમતિમાં રહ્યો. રાઇટટાઇમ ટ્રેનોથી મુગ્ધ થયેલા લોકોએ પણ કટોકટી પછીની ચૂંટણીમાં ઈંદિરા ગાંધીને મત નહીં આપ્યા હોય અથવા એવા મત બહુ ઓછા હશે. એટલે લોકશાહીની પીઠમાં છરી ભોંકનારાં ઈંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં. પરીક્ષાલક્ષી ભણતરની જેમ ચૂંટણીકેન્દ્રી લોકશાહીના પ્રતાપે એ જ ઈંદિરા ગાંધી ફરી બહુમતિથી ચૂંટાયાં એ જુદી વાત છે.

૩૫ વર્ષ પછી ઈંદિરા ગાંધીની કટોકટીના સ્મરણથી શું યાદ આવે છે? ભાજપ કટોકટીને ‘કોંગ્રેસની પેદાશ’ તરીકે ખપાવીને તેનો ફાયદો લેવાની કોશિશ કરતો રહે છે. કટોકટી સામેની લડતમાં પોતાની ભૂમિકા બતાવીને -અને ઘણી વાર બઢાવીચઢાવીને- ભાજપ સ્વાતંત્ર્ય આંદોલનમાં પોતાનો કોઇ ફાળો નહીં હોવાનું મહેણું પણ ભાંગવા પ્રયાસ કરે છે. છતાં, ઇતિહાસનો કટાક્ષ એવો છે કે અત્યારે ઈંદિરા ગાંધીનાં પુત્રવઘુ સરકારી મોરચાનાં વડાં છે અને સંજય ગાંધીનો પુત્ર વિરોધ પક્ષ (ભાજપ)માં નેતા છે.

વર્તમાન સંજોગોમાં ઈંદિરા ગાંધીની કટોકટી અને ખાસ તો તેની સામે અપાયેલી લડતની યાદ અકલ્પનીય લાગે એવી છે. કેમ કે, ૩૫ વર્ષ પહેલાંની રાજકીય કટોકટીની સરખામણીમાં અત્યારે અનેકવિધ ક્ષેત્રોમાં કટોકટી જેવી સ્થિતિ છે. છતાં તેની સામેની લડતનું તો ઠીક, તેના અસ્તિત્ત્વના સ્વીકારનું પણ વલણ જોવા મળતું નથી. કેવી છે ૨૦૧૦ની અનેક કટોકટી? એક અઘૂરી યાદીઃ

વિશ્વસનીયતાની કટોકટી
આસ્તિકો ઉપરવાળાની આખરી અદાલતમાં વિશ્વાસ ધરાવે છે, પણ દુનિયાદારીમાં અને ખાસ કરીને લોકશાહીમાં ત્યાર પહેલાંના ઘણા તબક્કા હોય છે. અમેરિકા જેવી લોકશાહીમાં ડિસ્ટ્રીક્ટ જજ બિલ ગેટ્સની શરમ ભર્યા વિના માઇક્રોસોફ્ટ જેવી કંપનીને સજા ફટકારી શકે છે, જ્યારે ભારતમાં? પોલીસતંત્ર અને ખાસ તો ન્યાયતંત્ર અંગેનો લોકોનો વિશ્વાસ ઓગળીને સુકાઇ ગયો છે. રાજકીય નેતાઓ અને પક્ષોમાં વિશ્વાસ ઉઠી ગયા પછી બે પાંખ એવી રહી હતી, જેના થકી પ્રજાનો લોકશાહીમાં, કાયદો-વ્યવસ્થામાં અને દેશની સલામતીમાં વિશ્વાસ ટકી રહે. આ બે પાંખ એટલે ન્યાયતંત્ર અને સૈન્ય. પરંતુ છેલ્લા દાયકામાં આ બન્નેની વિશ્વસનીયતા તળીયે બેઠી. સૈન્ય પર ભ્રષ્ટાચારના અને નાણાંના બદલામાં રાષ્ટ્રિય સલામતી પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવાના આરોપ થયા. ન્યાયતંત્રની હાલત બદતર હતી. કેસોના ભરાવાની સમસ્યા તો પહેલેથી જ હતી. તેમાં ન્યાયાધીશોની તટસ્થતા અને તેમના રાજકીય લાભનો ખૂણો ઉમેરાયો. સામાન્ય માણસ માટે મુખ્ય સવાલ એ થયો કે કોઇ પણ પ્રકારનો ન્યાય મેળવવો હોય તો કરવું શું?

ગ્રામ્ય વિસ્તારોમાં અને નીચલા વર્ગના ગણાતા લોકોને વગદારો કે ઉજળીયાતો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં હજુ નવ નેજાં આવે છે. ફરિયાદ નોંધાય તો પણ ન્યાય મેળવવા સુધીની સફર અત્યંત લાંબી અને થકવી નાખે એવી હોય છે. ન પોલીસ કામ લાગે, ન ન્યાયતંત્ર, તો અન્યાયનો ભોગ બનેલો સામાન્ય માણસ જાય ક્યાં અને કરે શું?

નક્સલવાદની કટોકટી
નક્સલવાદનું અત્યારે જોવા મળતું લોહિયાળ સ્વરૂપ એટલું ખતરનાક છે કે તેનો ગમે તેવી સમજૂતી દ્વારા બચાવ ન થઇ શકે. પરંતુ એક બાબતે મોટા ભાગના લોકો એકમત છે કે નક્સલવાદને આટલી હદે પહોંચાડવામાં અત્યાર લગીની સરકારી ઉપેક્ષાનો ફાળો સૌથી મોટો રહ્યો છે. ભારતનો બહુ મોટો હિસ્સો એવો હતો, જે શાસકોની નજરમાં પ્રજા તરીકે કદી વસ્યો જ નહીં. તેમની સુખાકારીનું તો ઠીક, મૂળભૂત સુવિધાઓનું ઘ્યાન રાખવાનું પણ બધા પક્ષના શાસકો ચૂકી ગયા. ઉપરથી જાલીમ શોષણ. આ સ્થિતિનો લાભ હિંસાની ફિલસૂફીમાં વિશ્વાસ ધરાવતા નક્સલવાદીઓ અને માઓવાદીઓએ ભરપૂર ઉઠાવ્યો. વર્ષોના સંગઠિત સંઘર્ષ પછી હવે નક્સલવાદીઓ એટલા મજબૂત છે કે રાજ્ય સરકાર પ્રેરિત સંગઠિત હિંસા પણ તેમને કાબૂમાં લઇ શકતી નથી. તેમની સામે ભારતીય સૈન્ય ઉતારવા જેવો આત્યંતિક વિકલ્પ પણ વિચારાઇ રહ્યો છે. છતાં, નક્સલવાદનો ઉકેલ બંદૂકથી આવે એ વાતમાં કોઇને વિશ્વાસ નથી. જરૂર છે એવી નેતાગીરીની, જે પોતાની વિશ્વસનીયતા ઉભી કરી શકે અને દેશના બહુ મોટા અને હાંસિયામાંથી પણ બહાર ધકેલાયેલા ગરીબ વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરે.

નેતાગીરીની કટોકટી
પ્રજાવિરોધી નીતિની વાત આવે ત્યારે ભારતના તમામ રાજકીય પક્ષો એકબીજાના ક્લોન જેવા લાગે છે. લોકોના હિતના ભોગે કંપનીઓ અને ઉદ્યોગગૃહોને ફાયદો કરાવી આપવાની અનીતિમાં બધા પક્ષની સરકારો સામેલ છે. બઘા પક્ષો વચ્ચેના સૈદ્ધાંતિક તફાવત મટી ગયા છે. હિંદુત્વના રાજકારણ ઉપર ફક્ત ભાજપનો ઇજારો રહ્યો નથી. વખત આવ્યે કોંગ્રેસ પણ ‘સોફ્ટ હિંદુત્વ’નો ખેલ પાડી લે છે, તો ‘દંભી બિનસાંપ્રદાયિકતા’ ઉપર માત્ર કોંગ્રેસનો પણ ઇજારો રહ્યો નથી. ભાજપના નેતાઓ લાગ મળ્યે લીલા સાફા પહેરીને ફોટા પડાવી નાખે છે. ડાબેરીઓ, સમાજવાદીઓ, બહુજનવાદીઓ...સહેજ ચામડી ખોતરતાં આ બધાની અંદરનો રંગ એક જ માલૂમ પડે છે. એ સૌનું ‘વોટબેન્ક’ અંકે કરવા સિવાય અને મળે એટલી સત્તા ભોગવી લેવા સિવાય બીજું કોઇ ઘ્યેય નથી. સત્તા મળે ત્યારે તેમનું એકમાત્ર લક્ષ્ય અઢળક સંપત્તિ એકઠી કરવાનું અને સામાજિક ભાગલાનો ફાયદો ઉઠાવીને નવી નવી વોટબેન્ક અંકે કરવાનું હોય છે. ‘દલિત સમસ્યા પ્રત્યે લક્ષ્ય’ આપવાની તેમની વ્યાખ્યા વરસના વચલે દહાડે દલિતની ઝૂંપડીમાં જઇને જમી આવવા જેટલી જ હોય છે. વહીવટી તંત્રને કાબૂમાં રાખી શકનારા નેતાઓ તંત્રને પોતાના જયજયકારમાં લગાડી દે છે અને અફસરો પર કાબૂ ન રાખી શકતા નેતાઓ વહીવટ પડતો મૂકીને તિજોરી ભરવામાં ઘ્યાન કેન્દ્રિત કરે છે. કેમ કે, ચૂંટણી કાર્યક્ષમતાના નહીં, પણ તિજોરીના જોરે જીતવાની હોય છે. ચૂંટણી લડવા માટે નિયમ પ્રમાણે પક્ષોએ ચૂંટણીઢંઢેરો બનાવવો પડે, એટલે તે બનાવે છે. પણ ચૂંટણી જીત્યા પછી તેમની પ્રાથમિકતામાં લોકોનું સ્થાન ક્યાંય હોતું નથી. સરકારી ભંડોળમાંથી મળતાં નાણાં વડે, પોતાની તકતીઓ ધરાવતાં થોડાં કામ કરાવીને મફતિયા પ્રસિદ્ધિ હાંસલ કરવી એ તેમનું મુખ્ય કામ બની રહે છે. ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નો કહેવાય તેને ઉકેલવાની તો ઠીક, તેના વિશે જાણવાની પણ તેમને ફુરસદ કે દાનત હોતાં નથી.

પ્રજાકીય કટોકટી
ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે પ્રજાલક્ષી નેતાગીરીની છેલ્લી છેલ્લી ઝલક દેખાઇ. ત્યાર પછી સ્થિતિ સતત કથળતી રહી છે. એ જોતાં કહી શકાય કે નેતાગીરીની કટોકટી નવી નથી. પરંતુ સૌથી મોટી કટોકટી ગાંધીજીએ અને આંબેડકરે દાયકાઓ પહેલાં વ્યક્ત કરેલી બીકની છે. આ બન્ને મહાનુભાવોએ શિક્ષિત વર્ગમાં વધતી સંવેદનહીનતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વર્તમાન સમયમાં એ સંવેદનહીનતાનો આલેખ ઉંચો ને ઉંચો જતો જાય છે. કોમી હિંસા હોય કે દલિતોનું શોષણ, આદિવાસીઓના જમીનહકનો પ્રશ્ન હોય કે સરકારી તંત્ર દ્વારા કાયદો હાથમાં લેવાનો મુદ્દો- સમૃદ્ધ, મઘ્યમ કે મઘ્યમ બનવા ઇચ્છતા વર્ગને આ કશું જાણે સ્પર્શતું જ નથી.

એક તરફ સરકારી તંત્ર પોતાની ભ્રમજાળ પાથરી રહ્યું હોય, બીજી તરફ સ્વૈચ્છિક સંસ્થાઓમાં જમીની કામ કરનારા જૂજ અને લધુઉદ્યોગ પ્રકારની સંસ્થાઓ વધી પડી હોય, ત્યારે ‘સિવિક સોસાયટી’ કહેવાતા સમાજના જાગ્રત વર્ગના માથે ઘણી જવાબદારી આવી પડે છે. પરંતુ જાગ્રત થઇને નિદ્રાસુખ ખોવામાં હવે બહુ ઓછા લોકોને રસ પડે છે. ચોતરફ વિકાસ-વિકાસના હાકલા પડકારા થતા હોય ત્યારે વિકાસને અવગણ્યા વિના કે તેને ઓછો આંક્યા વિના નજરઅંદાજ થઇ રહેલી વાસ્તવિક સમસ્યાઓ યાદ કરાવવાનું જરૂરી બની જાય છે. પરંતુ વિકાસવાર્તાની બાળાગોળી પીને મહાસુખ માણતા લોકોને જગાડવાના કામમાં અપજશ સિવાય બીજું શું મળે? બાકીના લોકો જાગતા હોય તો પણ તે એટલા માટે જાગે છે કે તેમને પોતાના બે ટંકના રોટલાની પળોજણમાં ઊંઘવું પોસાતું નથી. એવા બહુમતિ વર્ગને ફક્ત સરકાર પ્રત્યે જ નહીં, સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રત્યે પણ અવિશ્વાસ આવી ગયો છે. એમાં બધો વાંક તેમનો નથી.

લોકોની સાથે રહીને, તેમના સુખદુઃખમાં સહભાગી બનીને, તેમના જીવનને નજીકથી જોયાજાણ્યા વિના, ફક્ત નાણાંના જોરે તેમનો ઉદ્ધાર કરી નાખવાના પ્રયાસો હંમેશાં અવળું પરિણામ લાવે છેઃ લોકો જાગ્રત થવાને બદલે સુસ્ત બને છે અને પોતાના હક માટે વેઠવાનું તો બાજુ પર રહ્યું, જ્યાં લગી આર્થિક ફાયદો ન હોય ત્યાં લગી બેઠા હોય ત્યાંથી ઉઠવા પણ તૈયાર થતા નથી. જૂજ નિષ્ઠાવાન કાર્યકરોનું કામ એ સંજોગોમાં બહુ અઘરૂં અને નિરાશાપ્રેરક બની રહે છે.

પ્રજાકીય સત્ત્વ નષ્ટ થાય કે જ્ઞાતિ-સમાજ જેવા સંકુચિત હેતુઓ પૂરતું જ જાગ્રત થાય, ત્યારે બાકીની બધી કટોકટીઓ ‘કટોકટી’ મટીને રોજબરોજની સામાન્ય સ્થિતિ બની જાય છે.

કટોકટી રોજિંદા જીવનનો હિસ્સો બની જાય અને તેને વેઠીને જીવવાનું ફાવી જાય એનાથી મોટી કટોકટી બીજી કઇ હોઇ શકે?

Friday, June 25, 2010

‘બેટરહાફ’નો બીજો રાઉન્ડ

આશિષ કક્કડ લિખિત-નિર્દેશીત, જાહેરખબરમાં લખ્યા પ્રમાણે ‘સિમ્પલ’- અને નહીં લખ્યા પ્રમાણે ‘સેન્સીબલ’- ગુજરાતી ફિલ્મ ‘બેટરહાફ’ આજથી ફરી એક વાર ‘આપના શહેરમાં’ રિલીઝ થઇ છે. આ વખતે અમદાવાદ ઉપરાંત મુંબઇ,વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને પાલનપુરમાં પણ તે જોવા મળશે.

અગાઉ આ બ્લોગ પર તેનો એકથી વઘુ વખત ઉલ્લેખ થઇ ચૂક્યો છે- અને આ વખતે પણ એ જ કહેવાનું થાય છેઃ હજુ સુધી ન જોઇ હોય તેમણે આ ફિલ્મ ચૂકવા જેવી નથી. ગુજરાતીમાં સરસ, વિચારપ્રેરક છતાં મનોરંજક ફિલ્મ જોવાનું બહુ વખતનું સ્વપ્ન આ ફિલ્મ જોયા પછી પૂરૂં થયેલું લાગે અને આશિષભાઇ પાસેથી વધારે અપેક્ષાઓ જાગે એવી પૂરી સંભાવના - અને આશિષભાઇ માટે પૂરેપૂરૂં જોખમ- છે.

નોંધઃ આ ફિલ્મ સારી છે એ બાબતે ગુણવંત શાહ અને ઉર્વીશ કોઠારી, ફોર અ ચેન્જ, એકમત છે :-)

Wednesday, June 23, 2010

ફેસબુકઃ થોડી ફાંકડી, થોડી ફરેબી, ઝાઝી ફોગટિયા દુનિયા

‘ફેસબુક’/Facebook એટલે શું? એવા સવાલનો ટૂંકો જવાબ આપવાની ચેષ્ટા પણ ‘ફેસબુક’ના પ્રેમીઓને હાસ્યાસ્પદ લાગી શકે છે. ‘સૂર્ય એટલે સૂર્ય, દિવસ એટલે દિવસ અને ફેસબુક એટલે ફેસબુક. આટલી સાદી વાત છે.’ એવું તેના ચાહકોને લાગતું હશે. તેમની લાગણી સાવ અસ્થાને નથી. સોશ્યલ નેટવર્કિંગ કહેતાં ‘ઓનલાઇન ઓટલાપરિષદ’ ની આ વેબસાઇટના નોંધાયેલા સભ્યોની સંખ્યા ૫૦ કરોડથી પણ વધારે છે. (માંડ ચાર મહિના પહેલાં એ સંખ્યા ૪૦ કરોડ હતી.)

ફક્ત છ વર્ષમાં ૫૦ કરોડ સભ્યો અને તેમાંના ઘણાખરા કેવળ સભ્યો જ નહીં- બંધાણીઓ હોય, એવી કંપનીની ઓળખાણ આપવાનું જરા વિચિત્ર લાગે. પરંતુ હવે આ આંકડા જુઓઃ ભારતમાં ઇન્ટરનેટ વાપરતા લોકોમાંથી આશરે ૬૦ ટકા લોકો એક યા બીજી સોશ્યલ નેટવર્કિંગ સાઇટના સભ્ય છે. તેમાંથી ‘ફેસબુક’ના સભ્યોની સંખ્યા છેઃ ૧.૭ કરોડ. બીજી વેબસાઇટોની સરખામણીએ આ સંખ્યા બેશક મોટી જ નહીં, પ્રચંડ કહેવાય. પણ ભારતની એક અબજ ઉપરાંતની વસ્તીને ઘ્યાનમાં રાખીએ તો કહી શકાય કે ભારતની વસ્તીમાંથી ફેસબુકના સભ્ય હોય એવા લોકોનું પ્રમાણ ૧ ટકો થાય.

ચસકાની શરૂઆત
સંતાનો અથવા તેમનાં સંતાનોના પ્રતાપે હવે કમ્પ્યુટર વાપરતા ન હોય એવા લોકો પણ ‘ફેસબુક’ના નામથી પરિચિત છે અને બીજી તેમને એ ખબર છે કે તેમનાં ચિરંજીવી ‘ફેસબુક’ પાછળ ખાસ્સો સમય કાઢે છે. ‘ફેસબુક’ નામ ધરાવતી આ વેબસાઇટનો - અને તેના દ્વારા થતા સોશ્યલ નેટવર્કિંગનો ચસકો જ એવો છે.
‘ફેસબુક’ ન વાપરતા લોકોના લાભાર્થે તેની કામગીરીની ઝલક અને તેના બંધાણનાં કારણઃ

કોઇ પણ વ્યક્તિ ‘ફેસબુક’ની વેબસાઇટ પરનું ફોર્મ ભરીને વિના મૂલ્યે તેની સભ્ય બને એટલે જાણે જોગિંગના મોટા ખુલ્લા મેદાનમાં તેનો પ્રવેશ થાય. ત્યાંથી શરૂ થાય ફ્રેન્ડ બનાવવાનો સિલસિલો. ફ્રેન્ડ બનાવવા માટે વિનંતી મોકલવી પડે. એકની વિનંતી બીજો સ્વીકારે કે બીજાની વિનંતી પહેલો સ્વીકારે એટલે બન્ને મિત્ર થઇ ગયા ગણાય. આ રીતે પોતાની અને સામેવાળાની મરજી મુજબ મિત્રોની સંખ્યા વધારી શકાય.

‘ફેસબુક’નું હાર્દ છેઃ અંગત ધોરણે તેમ જ સામુહિક રીતે મિત્રોના ખબરઅંતર રાખવાં -તેમની સાથે ગપ્પાંગોષ્ઠિ કરવી- મનગમતી વિગતો શેર કરવી અને મનમાં આવે તે લખવું. એક વ્યક્તિ પોતાના ખાતામાં જઇને લખે અથવા ફોટો કે વિડીયો મૂકે એ તેના ફ્રેન્ડ બનેલા બધા જ પોતપોતાના હોમ પેજ પર જોઇ શકે અને તેની પર કમેન્ટ પણ કરી શકે. સામાન્ય ટીપ્પણીને બદલે ચોક્કસ મિત્રને સંદેશો લખવાનો હોય ત્યારે મિત્રના‘વોલ’ કહેવાતા પ્રોફાઇલ પેજ પર જઇને સંદેશો લખી શકાય છે, જે મિત્રને સીધેસીધો વાંચવા મળી જાય છે. સામાન્ય લખાણ હોમપેજ પર બીજા અનેક મિત્રોનાં લખાણની સાથે ટ્રાફિકમાં અટવાઇ શકે, પણ ‘વોલ’ પર મુકાયેલો સંદેશો તરત નજરે ચડે છે. લખવા માટે ‘વોટ્સ ઓન યોર માઇન્ડ?’નો સંદેશો ધરાવતું એક ખાનું હોય છે, જેમાં ૪૨૦ કેરેક્ટરની મર્યાદામાં કંઇ પણ લખી શકાય. એથી વધારે લાંબું લખાણ મૂકવું હોય તો એ ‘નોટ્સ’ સ્વરૂપે મૂકવાની સુવિધા છે.

કેટલાક લોકો ફક્ત પોતે બહારની દુનિયામાં ઓળખતા હોય એવા લોકોના જ ફ્રેન્ડ બને છે અને તેમને પોતાના ફ્રેન્ડ બનાવે છે. પરંતુ મોટા ભાગના લોકોનાં ફ્રેન્ડલિસ્ટ ત્રણ-ચાર આંકડામાં પહોંચે છે. દરેક જણ ખાતામાં જઇને પોતાનો પ્રોફાઇલ ખોલે એટલે તેમાં ફ્રેન્ડલિસ્ટની ઝલક અને કુલ મિત્રોની સંખ્યા દેખાય છે. ફ્રેન્ડલિસ્ટમાં કે કોઇ પણ પોસ્ટ (લખાણ) સાથે રહેલા નામ પર ક્લિક કરવાથી એ ફ્રેન્ડનું ખાતું ખુલી જાય છે અને તેની વિગતો, તેણે મૂકેલી તસવીરો, તેના મિત્રોનું લીસ્ટ વગેરે જોઇ શકાય છે.

ફેસબુક પરનો આખો વ્યવહાર ઓનલાઇન હોવાથી નહીંવત્ ખચકાટ સાથે અજાણ્યા લોકો સાથે પરિચયનો હાથ લંબાવી શકાય છે અને અપરિચિતો સાથે કોઇ પણ ભૂમિકા વિના લટકસલામ થઇ શકે એટલી ઓળખાણ બાંધી શકાય છે. કેમ કે ફેસબુકનો માહોલ જોગર્સ પાર્ક કરતાં પણ વધારે અનૌપચારિક હોય છે. તેના પ્રતાપે ફેસબુક-મિત્રોનું વર્તુળ મિત્રો, મિત્રોના મિત્રો અને મિત્રોના મિત્રોના મિત્રો સુધી વિસ્તરી શકે છે. એ ઉપરાંત કોઇ ચોક્કસ વ્યક્તિનો અતોપતો શોધવા માટે ફક્ત સર્ચબોક્સમાં નામ લખવાથી ફેસબુક પર એ નામની જેટલી વ્યક્તિઓ હોય તેમનું ઠેકાણું અને તેમને સંદેશો કે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને, પરિચયનો કપાયેલો તંતુ ફરી સાંધી શકાય છે.

મળતર ઓછું, ગળતર ઝાઝું
આગળની વિગત વાંચ્યા પછી તો એવું લાગે, જાણે ફેસબુક દ્વારા આખી દુનિયાને એકબીજાની દોસ્ત બનાવવા જેવું વિશ્વશાંતિનું કામ થઇ રહ્યું છે અને ખરેખર તો એને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળવું જોઇએ. પરંતુ ‘ફેસબુક’ની બોલબાલાની સાથોસાથ તેની ટીકાનો કે તેના વિરોધનો સૂર કેમ સંભળાય છે?

‘ફેસબુક’ની ટીકા અથવા વિરોધને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાયઃ ૧) નિરર્થકતા ૨) દુરૂપયોગ અને ૩) અંગત માહિતી પરનું જોખમ. સૌથી પહેલાં વાત અંગત માહિતીની. કેમ કે, પ્રાઇવસી પોલિસીમાં ફેરફારને પગલે છેલ્લા થોડા સમયથી ‘ફેસબુક’ પર મોટા પાયે પસ્તાળ પડી છે. ‘ફેસબુક’ સામે વિરોધનો સૂર એટલો પ્રબળ બન્યો કે અમુક ઉત્સાહીઓએ ૩૧ મે, ૨૦૧૦ને ‘ક્વિટ ફેસબુક ડે’ તરીકે જાહેર કર્યો અને આશરે ૩૬ હજાર જેટલા સભ્યોએ પોતાનું ‘ફેસબુક’નું ખાતું બંધ કરાવી દીઘું અથવા તેનો સંકલ્પ કર્યો.

‘ફેસબુક’ના વિરોધીઓ પણ કબૂલે છે કે ‘ફેસબુક’ છોડવી એ સિગરેટ છોડવા જેવું અઘરૂં છે. છતાં તેમણે એ પડકાર કેમ ઉપાડ્યો? તેનું મુખ્ય કારણ છે: ‘ફેસબુક’ના છોકરડા માલિક માર્ક ઝુકરબર્ગની સતત બદલાતી પ્રાઇવસી પોલિસી એટલે કે સભ્યો દ્વારા અપાયેલી વિગતો ખાનગી રાખવા અંગેના નિયમોમાં વખતોવખત થતા રહેતા ફેરફાર. ‘ફેસબુક’ પર ખાતું ખોલાવતી વખતે જન્મતારીખ અને ઇ-મેઇલ એડ્રેસથી માંડીને સ્કૂલ, કોલેજ, નોકરીનું સ્થળ, કંપનીનું નામ, ગામ તથા ગમા-અણગમા વિશેની ઘણી વિગતો માગવામાં આવે છે. જેમ કે, મનપસંદ સંગીત, મનપસંદ પુસ્તકો, મનપસંદ ફિલ્મો અને ટીવી શો...તેમાંથી મોટા ભાગની વિગતો ફરજિયાત હોતી નથી. પરંતુ ઘણાખરા સભ્યો એ ખાનાંમાં વિગતો ભરે છે, જે મોટે ભાગે સાચી હોય છે.

ડિજિટલ દસ્તાવેજોના યુગમાં ઇ-મેઇલ અને જન્મતારીખ જેવી પ્રમાણમાં ‘સંવેદનશીલ’ કહેવાય એવી વિગતો જાહેર કરવી કે નહીં, એના વિકલ્પો પણ આપવામાં આવે છે. સભ્યો ઇચ્છે તો પોતાની મોટા ભાગની વિગતો બીજા વપરાશકારોથી અને મિત્રોથી પણ ખાનગી રાખી શકે. પરંતુ આ પ્રકારની વેબસાઇટોમાં બહુ મોટો આધાર ‘ડિફોલ્ટ સેટિંગ’ એટલે કે મૂળભૂત ગોઠવણ કેવી છે તેની પર હોય છે. મૂળભૂત ગોઠવણ બધી વિગતો ખાનગી રહે એવી હોય અને વિગતો જાહેર કરવા માટે સભ્યને બે જગ્યાએ ટીક કરવી પડે, તે એક વિકલ્પ છે અને બીજો વિકલ્પ એ છે કે સભ્ય મહેનત કરીને સેટિંગ ન ફેરવે ત્યાં સુધી બધી વિગતો બધા માટે ખુલ્લી રહે.

‘ફેસબુક’ના અભ્યાસી ટીકાકારોના જણાવ્યા પ્રમાણે, ૨૦૦૪માં ફેસબુકનો પ્રારંભ થયો ત્યાર પછી ઘણા સમય સુધી ફેસબુકની પ્રાઇવસી પોલિસી એક જ લીટીની હતી: ‘તમારા ગ્રૂપમાં ન હોય એવા બીજા કોઇ સાથે તમારી માહિતી શેર કરવામાં નહીં આવે.’ ત્યાર પછી તેમાં પરિવર્તન આવતાં ગયાં અને સભ્યોની અંગત માહિતી જાહેરખબર માટે કે બીજી કંપનીઓને અપાતી હોવાની સંભાવના અને આશંકા વધવા લાગી. સભ્યપદ મફત હોય છતાં કંપની વર્ષેદહાડે ૮૦ કરોડ ડોલરનો ધંધો કરતી હોય, ત્યારે આશંકાઓ મજબુત બને એ સ્વાભાવિક ગણાય. એક ટીકાકારે એટલે સુધી લખ્યું કે ‘તમે (સભ્યો) ફેસબુક માટે ગ્રાહકો નથી, ઇન્વેન્ટરી/માલસામાન છો. ફેસબુક તમને કશું વેચતી નથી. એ તમને જ- તમારી અંગત માહિતીને જ- વેચે છે.’

ભારતમાં પોતાની માહિતી જાહેર થવા અંગે લોકો બહુ સભાન હોતા નથી. તેની સાથે સંકળાયેલાં જોખમો પણ વિદેશની સરખામણીમાં ઓછાં છે. છતાં, જેમ જેમ ઓળખનાં વઘુ ને વઘુ પાસાં ડિજિટલ થતાં જશે તેમ માહિતી જાહેર કરતાં પહેલાં વિચારવાનું શીખવું પડશે.

લપટી લક્ષ્મણરેખા
અંગત માહિતીનો ફેસબુક દ્વારા દુરૂપયોગ થતો નથી, એવી બાંહેધરી તેના સ્થાપક માર્ક ઝુકરબર્ગે ‘અમેરિકન સિવિલ લીબર્ટીઝ યુનિઅન’ અને ‘ઇલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશન’ જેવી ફરિયાદી સંસ્થાઓને ગયા અઠવાડિયે આપી છે. છતાં, કંપની સિવાયના લોકો દ્વારા થતા અંગત માહિતી કે તસવીરોના દુરૂપયોગનો મુદ્દો ઉભો રહે છે. સામાન્ય સંજોગોમાં જાણીતા અને એકંદરે સુરક્ષિત વાતાવરણમાં રહેતાં કિશોર-કિશોરીઓ ફેસબુક પર અફાટ ભીડની વચ્ચે આવી ચડે ત્યારે સામેના પાત્રોના ઇરાદા વિશે નિર્ણય બાંધવાનું તેમના માટે મુશ્કેલ હોય છે. ‘ફેસબુક’ જેવાં માઘ્યમો થકી કશા નક્કર આધાર વગર બંધાતા કે એવી જ મુગ્ધતા વચ્ચે પાંગરતા સંબંધો ભારત જેવા દેશમાં તો ઠીક, અમેરિકામાં પણ માતા-પિતા માટે વિશિષ્ટ પ્રશ્નો પેદા કરે છે. સંતાનને ‘ફેસબુક’ વાપરતાં અટકાવી શકાતું નથી અને મર્યાદા જાળવીને, સમય કે સંયમની લક્ષ્મણરેખા ઓળંગ્યા વિના ‘ફેસબુક’ વાપરવાનું શીખવી શકાતું નથી. કેમ કે, મોટા ભાગનાં માતાપિતા એ દુનિયાથી અજાણ હોય છે અથવા પોતે જ તેનાં બંધાણી હોય છે.

‘ફેસબુક’ની સૌથી મોટી મર્યાદા એ લાગે છે કે તેની પર થતી અર્થસભર આપ-લે કે સરસ પરિચયોની સરખામણીમાં સાવ જ ઉપલકીયા અને ‘આવ્યા છીએ તો હાથ ઊંચો કરતા જઇએ’ પ્રકારના પરિચયોનું અને એવા જ વાર્તાલાપોનું પ્રમાણ બહુ મોટું હોય છે. એવા પરિચયોનો વાંધો ન હોઇ શકે, પણ દરેક દ્વારા ઠલવાતી- અને મોટે ભાગે નિરર્થક- સામગ્રીનું પ્રમાણ એટલું મોટું હોય છે કે તેની પર નજર ફેરવવામાં પણ પુષ્કળ સમય બગડે. આગળ જણાવ્યું તેમ, ‘ફેસબુક’ વાપરનારને બંધાણી બનાવે એવી ચીજ છે. કેમ કે, તેમાં દરેક વ્યક્તિ પોતપોતાના વિશિષ્ટ હેતુઓ સાથે કે સાવ અકારણ આવે છે અને પોતે કલ્પના ન કરી હોય એવા પરિચયો-ઓળખાણો અને ટોળટપ્પાંની દુનિયામાં ખેંચાતી જાય છે.

સામે પક્ષે, ‘ફેસબુક’ થકી એવા પણ મિત્રો મળે છે, જેમની સાથે સામાન્ય સંજોગોમાં કદી મિત્રાચારી ન થઇ હોત. કોઇ પણ પ્રકારના પ્રચાર માટે પણ તે ઉત્તમ માઘ્યમ છે. પરંતુ એક જ શહેરમાં કે બહુ સહેલાઇથી એકબીજા સાથે અંગત કે ટેલીફોનિક સંપર્કમાં રહી શકે એવા લોકો, કશી ખાસ વાત ન હોય તો પણ, ફક્ત ફેસબુક પર હોવાને કારણે એકબીજા સાથે નિરર્થક ગોઠડી કર્યા કરે, એમાં સમય, શક્તિ અને સંસાધનનો ભારે બગાડ છે.
કોઇ પણ ટેકનોલોજીની જેમ ‘ફેસબુક’નો પણ ઇષ્ટ કે અનિષ્ટ ઉપયોગ કરવાનું તેના વપરાશકારના હાથમાં છે. પણ એટલું ખરૂં કે ‘ફેસબુક’ની ‘જમીન’ તેના અસંખ્ય વપરાશકારો માટે સામાન્ય વેબસાઇટો કરતાં ઘણી વધારે લપસણી પુરવાર થઇ છે.

Wednesday, June 16, 2010

ગુણવંત શાહનો હાથ, ખંડણીખોર એન્કાઉન્ટરબાજોને સાથ

‘પોલીસની બંદૂકનું મૌન’ એ શીર્ષક હેઠળ ગુણવંત શાહે 24 મે, 2010ના ચિત્રલેખામાં પોતાની કોલમ ‘કાર્ડિયોગ્રામ’માં ફરી એક વાર ગુજરાતની એન્કાઉન્ટર-મંડળી દ્વારા થયેલાં એન્કાઉન્ટર વાજબી, ન્યાયી અને કાયદો-વ્યવસ્થા માટે લગભગ અનિવાર્ય ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી દિવ્ય ભાસ્કરનાં પાનાં પર તિસ્તા સેતલવાડના મુદ્દે થયેલી વેવલી લખાપટ્ટીમાં પણ તે એન્કાઉન્ટરને અકારણ વચ્ચે ઢસડી લાવ્યા છે અને કહે છે કે ‘ફેક એન્કાઉન્ટર અનિવાર્ય અનિષ્ટ છે’. આ વિષય પર ગુણવંત શાહનાં લખાણો અનિવાર્ય અનિષ્ટ છે કે નિવાર્ય અનિષ્ટ, એ આપણે નક્કી કરવાનું છે.

ગુણવંત શાહ તેમની બબલગમી શૈલીમાં લખે છે,’બંદૂક હોય ત્યાં ગોળી હોય. ગોળી હોય ત્યાં ગોળીબાર હોય. ગોળીબાર હોય ત્યાં હત્યા હોય. હત્યા હોય ત્યાં માનવીના જીવવાના અધિકાર પર તરાપ હોય. જો આપણે માનવ અધિકારના અતિરેકને કારણે પોલીસને કે જવાનને કરડાકી વિનાનો, ગુસ્સા વિનાનો, જોસ્સા વિનાનો અને નમ્ર બનવાની સલાહ આપીએ તો કાયદો-વ્યવસ્થા કડડભૂસ થઇ જાય.’

ગુણવંત શાહને આટલું પૂછવાનું છેઃ

  • જેલમાં પુરાયેલા પોલીસ અધિકારીઓ પરના ખંડણી ઉઘરાવવાના આરોપ વિશે તમે કેમ ચૂપ છો? અભય ચુડાસમા ખંડણી ઉઘરાવવા માટે સોરાબુદ્દીનનો ઉપયોગ કરતા હતા. સોરાબુદ્દીનના એન્કાઉન્ટરને તમે વાજબી ઠરાવો છો. એ જ લોજિક હેઠળ અભય ચુડાસમાનું શું થવું જોઇએ?
  • તમે લખો છો ‘સોરાબુદ્દીન સુફીસંત ન હતો.’ એવું કહે છે પણ કોણ? અમે તો કહીએ છે કે સોરાબુદ્દીન ગુંડો હતો. (દૃષ્ટિકોણ, ગુજરાત સમાચાર, 18-5-2010) પરંતુ તેનું એન્કાઉન્ટર એ ગુંડો હતો એ કારણથી નહીં, પણ મુખ્ય મંત્રી મોદીની હત્યાના આરોપસર કરવામાં આવ્યું હતું. પાછળથી ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં કબૂલ્યું કે સોરાબુદ્દીન પર મૂકાયેલો આરોપ ખોટો હતો અને તે મુખ્ય મંત્રીની હત્યા માટે આવેલો ત્રાસવાદી ન હતો. આ સચ્ચાઇ વિશે તમારા લેખોમાં કેમ એક અક્ષર પણ વાંચવા મળતો નથી? આ વિશે તમારે શું કહેવાનું છે?
  • સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર કેમ થયું અને રાજસ્થાનના કયા નેતાએ કરેલી સોદાબાજી અંતર્ગત થયું એ પણ જાણકાર વર્તુળોમાં ‘ઓપન સીક્રેટ’ છે. એના વિશે તમારે કંઇ કહેવાનું નથી? મહેરબાની કરીને ‘કાયદો કાયદાનું કામ કરશે’ એવું ન કહેશો. કારણ કે કાયદાના હાર્દને ઠેબે ચડાવીને જે લખવું છે એ તો તમે લખો જ છો. એટલે સોદાબાજીના મુદ્દે પણ તમે શું માનો છો એનો જવાબ આપજો, જેથી તમારી અસલિયત હજુ જે ન સમજ્યા હોય એ લોકો જાણી-સમજી શકે.
  • સોરાબુદ્દીનની સાથે તેની પત્ની કૌસરબી અને થોડા સમય પછી તેના સાથીદાર તુલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર ગુજરાત પોલીસે કર્યું. એના વિશે તમારી કોલમોમાં કેમ કદી કંઇ પણ વાંચવા મળતું નથી? ઘણા લોકોએ તમને આ સવાલ પૂછ્યો છે અને મેં પણ વણઝારા સાથેની તમારી પ્રીતિમુલાકાતના અહેવાલ પછી તમને આ સવાલ પૂછ્યો હતો. એનો જવાબ કેમ આપતા નથી?
  • જે ધરપકડો ગુજરાતની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે કરી છે, એને તમે કેન્દ્ર સરકારે કરેલી કેમ ગણાવો છો? (‘કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વખતથી ગુજરાતના પોલીસ અધિકારીઓને વિશેષ દૃઢતાપૂર્વક જેલમાં મોકલી રહી છે.’- ચિત્રલેખા, 24-5-10) મુખ્ય મંત્રીની બ્રીફ જેવું આ જૂઠાણું ચલાવવામાં તમારું શું હિત છે?
  • સીબીઆઇની કાર્યવાહીમાં તમને વોટબેન્કનું ગંદુ રાજકારણ લાગે છે. તો પોલીસ અધિકારીઓ સામે મળી રહેલા અને ખુલી રહેલા પુરાવા સામે તમે જે ધૃતરાષ્ટ્રવૃત્તિ દાખવો છો તે શું છે?
  • ‘મુખ્ય મંત્રીને મારવા આવ્યા’ના આરોપસર જે નકલી એન્કાઉન્ટર થયાં એના વિશે- અને ખાસ તો આરોપના જૂઠાણા વિશે- તમારે શું કહેવાનું છે?
  • તમે લખો છો કે ‘ગુજરાતની પોલીસનો જોસ્સો (મોરાલ) તૂટી ચૂક્યો છે.’ 2002થી અત્યાર લગી પ્રામાણિકતાપૂર્વક પોતાની ફરજ બજાવવા જતાં રાજકીય સાહેબોના અળખામણા બનેલા પોલીસ અધિકારીઓના મોરાલ વિશે તમારે શું કહેવાનું છે?

ગુણવંતભાઇ, તમારા દીકરા પાસેથી મારે એર ટિકિટ નથી જોઇતી. તમારા બચાવ ખાતર જેને તમે અકારણ વચ્ચે ઢસડી લાવો છો એ તમારી મુસ્લિમ પુત્રવધુની આણ પણ મને ન આપશો. (પોતાની લડાઇમાં નિર્દોષ કુટુંબીજનોને વચ્ચે લાવવાં એ નબળાઇની પરાકાષ્ઠા છે એવું તમારા કોઇ શુભેચ્છકે હજુ સુધી તમને કહ્યું નથી?) તમે લોર્ડ ભીખુ પારેખને શું કહ્યું હતું એની વાર્તાઓમાં મને રસ નથી અને ઉપરના સવાલના જવાબો ‘આદરણીય મોરારીબાપુને ખાનગીમાં’ આપવાની વેવલી દરખાસ્ત પણ ન કરશો. એ સવાલોના જાહેર જવાબ મારે અને મારા જેવા ઘણા ગુજરાતીઓને જોઇએ છે.

આપશો? આપી શકશો? કે પછી રાબેતા મુજબ તમારા ભક્તમંડળને છોડી મૂકશો?

ઉર્વીશ કોઠારી

નિરીક્ષક, ૧૬-૬-૨૦૧૦

‘નિરીક્ષક’ના આ જ અંકમાં નિવૃત્ત પ્રાઘ્યાપક રમેશભાઇ કોઠારીએ કામિની જયસ્વાલના પત્રના ગુણવંત શાહે આપેલા જવાબ અંગે મુદ્દાસર નુક્તચીની કરી છે. રસ ધરાવતા મિત્રો જાણ કરશે તો તેમને પીડીએફ મોકલી આપીશ.

Tuesday, June 15, 2010

ભોપાલનો ગેસકાંડ, અમેરિકાનો તેલકાંડઃ અસમાનતાની અવધિ

૧ માણસના મોતનું વળતર ૫૫૦ ડોલર, ૧ બેરલ ક્રુડ ઓઇલના પ્રદૂષનું વળતર ૪,૩૦૦ ડોલર

એપ્રિલની ૨૦મી તારીખથી ફરી એક વાર અમેરિકા ક્રુડ ઓઇલ બાબતે સમાચારમાં છે. આ વખતે કોઇ જો કે અમેરિકાએ ઓઇલ માટે કોઇ દેશ પર હુમલો કર્યો નથી. અમેરિકાની દક્ષિણે, મેક્સિકોના અખાતમાંંથી ઓઇલ મેળવવા માટે ડ્રિલિંગ ચાલતું હતું. એ વખતે ડ્રિલિંગનું કામ કરતી ‘ડીપવોટર હોરાઇઝોન’ નામની ઓઇલ રીગમાં વિસ્ફોટ સાથે આગ લાગી. (ઓઇલ રીગ/ દરિયાના પેટાળમાંથી તેલ ઉલેચવા માટે તૈયાર કરાયેલું યંત્રસામગ્રીથી સજ્જ માળખું)

અકસ્માતમાં ૧૧ કર્મચારીઓની જાનહાનિ તો થઇ, સાથોસાથ અખાતના પેટાળમાંથી ક્રુડ ઓઇલ પાણીમાં ભળવા લાગ્યું. શરૂઆતના ઇન્કાર પછી અખાતમાં ભળતા ક્રુડ ઓઇલનો આંકડો ઉંચો ને ઉંચો જતો ગયો. પહેલાં રોજના ૧ હજાર બેરલનો આંકડો આવ્યો. (૧ બેરલ એટલે આશરે ૧૫૯ લીટર). ત્યાર પછી ક્રુડ ઓઇલનો જથ્થો જોતાં પ હજાર બેરલનો અંદાજ કાઢવામાં આવ્યો. મે મહિનાના અંત સુધીમાં નીકળેલા અંદાજ પ્રમાણે રોજનું ૧૨ હજારથી ૨૫ હજાર બેરલ જેટલું ક્રુડ ઓઇલ મેક્સિકોના અખાતમાં ભળીને દરિયાઇ જીવસૃષ્ટિ, માછીમારી ઉદ્યોગ અને સમગ્રપણે પર્યાવરણની અભૂતપૂર્વ તબાહી નોતરી રહ્યું હતું. (જોકે સેટેલાઇટ તસવીરો જોયા પછી કેટલાક વૈજ્ઞાનિકોનો અંદાજ રોજના ૨૫ હજારથી ૮૦ હજાર બેરલ ઓઇલનો છે.)

અમેરિકામાં ક્રુડ ઓઇલને લગતો છેલ્લો મોટો અકસ્માત ૧૯૮૯માં અલાસ્કામાં થયો હતો. એક્ઝોન વાલ્ડેઝ નામનું ઓઇલ ટેન્કર (જહાજ) ખડકો સાથે અથડાતાં તેમાંથી ૨.૫ લાખ બેરલ ઓઇલ દરિયામાં પ્રસર્યું હતું. પરંતુ મેક્સિકોના અખાતની દુર્ઘટનાએ અમેરિકામાં ક્રુડ ઓઇલના કમઠાણના જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ઓઇલ રીગ પર કામ કરનારી ઓઇલ કંપની બીપી (બ્રિટિશ પેટ્રોલિયમ) લાખો ડોલરનું આંધણ કરીને ક્રુડ ઓઇલને અખાતમાં ભળતું અટકાવવા પ્રયાસો કરી રહી છે. છતાં આ લખાય છે ત્યારે ક્રુડ ઓઇલનો પ્રવાહ વણથંભ્યો ચાલુ છે.

અમેરિકાઃ બેદરકારી અને કડકાઇ
કંપનીઓના અને સરકારી તંત્રના કાગડા બધે કાળા હોય છે. એટલે જ, સૌથી સલામત અને લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી ઓઇલ રીગ પર અકસ્માત થાય છે. તેને નિવારવાનાં એકેય વાનાં કામ કરતાં નથી કે કામ લાગતાં નથી.

અમેરિકાના ઇતિહાસના સૌથી ગંભીર ઓઇલ અકસ્માતના પગલે સરકારની ‘માઇનિંગ મેનેજમેન્ટ સર્વિસ’ ની ઢીલાશ અને બેકાળજી પણ ઉભરી આવી છે. બીજી તરફ, બીપી પોતાની ઓઇલથી ખરડાયેલી છબી સુધારવા ભરપૂર પ્રયાસો કરી રહી છે. છતાં અમેરિકાની સરકાર અને ન્યાયખાતાએ આ દુર્ઘટના અંગે કડક વલણ લીઘું છે. કંપની સામે ફોજદારી અને દીવાની એમ બન્ને પ્રકારના ગુના હેઠળ કામ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. ક્રુડ ઓઇલના કદડાની સફાઇના તમામ ખર્ચથી માંડીને તેનાથી થયેલા નુકસાનના વળતરની જવાબદારી પણ બીપીના માથે નાખવામાં આવી છે. અકસ્માત પહેલાં રીગના કામ સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓ (બીપી, ટ્રાન્સઓશન અને હેલિબર્ટન) દ્વારા એકબીજા તરફ આંગળી ચીંધવાની કોશિશની પ્રમુખ ઓબામાએ કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એટલું તો નક્કી જણાય છે કે અત્યાર સુધી સરકારે કે કંપનીએ જે બેદરકારી દાખવી હોય તે, પણ અમેરિકાની સરકાર અને ન્યાયખાતાની ભીંસ હેઠળ, ક્રુડ ઓઇલથી થયેલું નુકસાન ભરપાઇ કરતાં કંપનીનું તેલ નીકળી જવાનું છે.

ભારત: અનંત બેદરકારી
અમેરિકાના ક્રુડકાંડ ચાલુ છે ત્યારે ભોપાલ ગેસ દુર્ઘટનાનો ચુકાદો આવ્યો છે. આશરે ૨૫ હજાર લોકોનાં મોત નીપજાવનારી અને બાકીના લાખો લોકોની જિદગી સાક્ષાત નર્ક જેવી બનાવી દેનારી આ દુર્ઘટના અમેરિકાની કંપની યુનિઅન કાર્બાઇડ અને તેની ભારતની શાખા યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાના પાપે થઇ હતી. પરંતુ દુર્ઘટનાનાં ૨૬ વર્ષ પછી ન્યાય તો દૂરની વાત છે, હજુ ભોપાલસ્થિત યુનિઅન કાર્બાઇડ ફેક્ટરીના ખતરનાક કચરાની સફાઇ પણ થઇ નથી. એટલું જ નહીં, એ સફાઇ કરવાની જવાબદારી કંપનીની હોવી જોઇએ, એટલું પણ ભારતની સરકાર, તપાસસંસ્થાઓ અને અદાલતો મળીને સિદ્ધ કરી શકી નથી.

ગયા સોમવારે આવેલો ચુકાદો ૨૬ વર્ષ જૂના નહીં, પણ ૧૯ વર્ષ જૂના કેસનો હતો, જે નવેમ્બર ૧૯૯૧થી ભોપાલના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતો હતો. તેના ચુકાદામાં યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાને પાંચ લાખ રૂપિયાનો દંડ, તેના આઠ હોદ્દેદારોને એક-એક લાખ રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલ જેવી હાસ્યાસ્પદ સજા આપવામાં આવી. આઠમાંથી એક આરોપીનું મૃત્યુ થઇ ચૂક્યું છે. બાકી રહ્યા સાત આરોપી. એ દરેક માટે જામીનની જોગવાઇ પણ હતી. એટલે દરેકે જામીન મેળવી લીધા છે. હવે કાનૂની લડાઇ નામનું ફારસ ઉપલી અદાલતોમાં જશે.

ભોપાલ કેસના ચુકાદો આપનાર ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટને જો કે આ ચુકાદા માટે દોષી ઠેરવી શકાય તેમ નથી. કેમ કે, સર્વોચ્ચ અદાલત અને સરકારનાં કેટલાંક પગલાંને લીધે તેમના હાથ અગાઉથી જ બંધાઇ ચૂક્યા હતા. ભોપાલ ગેસકાંડમાં થયેલી ન્યાયની કસુવાવડની દાસ્તાન અને તેમાં સરકાર તથા અદાલતોની ભૂમિકા અમેરિકાના ઉદાહરણની સામે તીવ્ર વિરોધાભાસ ઉભો કરે છે. ભોપાલ ગેસકાંડ જેવી દુર્ઘટનામાં જવાબદાર કંપનીનો કાંઠલો પકડવા માટે અને દેશને તથા દેશવાસીઓને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મેળવવા માટે સુપરપાવર હોવાની જરૂર નથી. ફક્ત વેચાઉ ન હોવું જ પૂરતું છે. પરંતુ ભોપાલ ગેસકાંડની કાર્યવાહી પરથી જણાય છે કે ભારતમાં એ શરત પણ પૂરી થઇ શકી નથી. છેલ્લા અહેવાલો પ્રમાણે અર્જુનસિંઘે સંભવતઃ રાજીવ ગાંધીની સૂચના પ્રમાણે, વોરન એન્ડરસનને અમેરિકા નાસી છૂટવામાં મદદ કરી હોવાનું બહાર આવ્યું છે.

ભોપાલનું ભોપાળું
અમેરિકાની યુનિઅન કાર્બાઇડ કંપની તત્કાલીન કાયદા પ્રમાણે ભારતમાં સોએ સો ટકા સીઘું મૂડીરોકાણ કરી શકે એમ ન હતી. એટલે તેણે ‘યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ’ નામનું અલગ એકમ રચીને તેમાં પોતાનો હિસ્સો રાખ્યો. પરંતુ સલામતીને લગતી તકેદારીની બાબતમાં અમેરિકા અને ભારતના એકમો વચ્ચે આભજમીનનો ફરક હતો. ભારત તેમને મન ત્રીજા વિશ્વનો દેશ હતો, જેમાં સલામતી માટે વધારાના રૂપિયા ખર્ચવાની જરૂર તેમને લાગતી ન હતી.

કંપનીની ગુનાઇત બેકાળજીમાંથી અકસ્માત થયો. ૪૦ ટન જેટલા મિથાઇલ આઇસોસાઇનેટ નામના ઝેરી ગેસનું વાદળ મોત બનીને ભોપાલવાસીઓ પર છવાઇ ગયું. (આ અકસ્માત ભાંગફોડનું કાવતરૂં હતું, એવો જૂઠો પ્રચાર હજુ પણ ક્યાંક ક્યાંક વાંચવા મળે છે.) પરંતુ જે નાગરિકોની ચિંતા તેમનો પોતાનો દેશ ન કરે, તેમની ચિંતા બીજું કોણ કરે?

અમેરિકામાં તેલકાંડ ચાલુ છે ત્યારે ભોપાલનો ચુકાદો આવતાં અમેરિકાનાં પ્રસાર માઘ્યમોએ ભારત સરકાર અને ભારતીય ન્યાયતંત્રની આકરી ટીકા કરી છે. ભોપાલ ગેસકાંડ પછી જે કંઇ બન્યું તેની એક ઝલક કોઇ પણ ભારતીયનું માથું શરમથી ઝુકાવી દે અને દિમાગની નસો તંગ કરી દે એવી છે.

  • ૨ ડિસેમ્બર, ૧૯૮૪ની રાતે ઉદ્યોગજગતની મહાભયંકર દુર્ઘટના થયા પછી યુનિઅન કાર્બાઇડ સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને તેના ચેરમેન વોરન એન્ડરસનની ધરપકડ પણ થઇ. છતાં, થોડા સમય પછી એન્ડરસનને અગમ્ય રીતે જામીન મળી ગયા. ત્યાર પછી એન્ડરસનને ભારતમાંથી છટકી જવા દેવામાં આવ્યો. નેવુ વર્ષનો એન્ડરસન અત્યારે અમેરિકામાં ઠાઠથી જીવે છે.
  • ૧૯૮૫માં ભારતની સંસદે ‘ધ ભોપાલ ગેસ લીક ડીઝાસ્ટર (પ્રોસેસિંગ ઓફ ક્લેમ્સ) એક્ટ’ પસાર કર્યો. તેના અંતર્ગત અસરગ્રસ્તો વતી વળતર વસૂલ કરવાની સત્તા ભારત સરકારને મળી ગઇ. ત્યાર પછી વ્યક્તિગત રીતે કોઇ માટે યુનિઅન કાર્બાઇડ પાસેથી વળતર માગવાનો પ્રશ્ન રહ્યો નહીં.
  • નવા કાયદાનો હેતુ ભોપાલ ‘ગેસ ગળતરને લગતા કેસનો ઝડપી, અસરકારક અને ન્યાયી રીતે તથા અસરગ્રસ્તોને મહત્તમ વળતર મળે એ રીતે નિકાલ લાવવા માટે’ હોવાનું જણાવાયું હતું. પણ થયું એનાથી બરાબર ઉલટું. કેસનો વિલંબીત, સાવ લૂલો અને અન્યાયી નિકાલ આવ્યો. અસરગ્રસ્તોને નુકસાનની સરખામણીમાં મહત્તમ નહીં, સાવ નજીવું (આશરે ૫૫૦ ડોલર જેટલું) વળતર મળ્યું. ઘણાને તો એ પણ ન મળ્યું.
  • ભારત સરકારે આરંભમાં યુનિઅન કાર્બાઇડ સામે ૩.૩ અબજ ડોલરનો દાવો કર્યો હતો, પણ ૧૯૮૯માં કાયદાની રૂએ પોતાને મળેલી સત્તાનો દુરૂપયોગ કરીને ભારત સરકારે યુનિઅન કાર્બાઇડ સાથે કોર્ટ બહાર ૪૭ કરોડ ડોલરમાં સમાધાન કરી લીઘું. આટલી મામૂલી રકમની સામે એવી બાંહેધરી આપી કે કંપની સામેના ફોજદારી કેસ પાછા ખેંચી લેવામાં આવશે.
  • સરકારી સમાધાન સામે સર્વોચ્ચ અદાલતમાં થયેલી અપીલના પગલે સર્વોચ્ચ અદાલતે કંપની અને તમામ આરોપીઓ સામેના ફોજદારી કેસ પાછા ઉખેળ્યા. ભારત સરકારને અદાલતે અસરગ્રસ્તો માટે ૫૦૦ પથારીની હોસ્પિટલ શરૂ કરવા અને તેને ઊભી કરવાથી માંડીને આઠ વર્ષ સુધી ચલાવવાનું બઘું ખર્ચ (અંદાજે ૫૦ કરોડ રૂપિયા) યુનિઅન કાર્બાઇડ પાસેથી વસૂલવા જણાવ્યું. યુનિઅન કાર્બાઇડ કંપનીએ લંડનમાં ભોપાલ હોસ્પિટલ ટ્રસ્ટ સ્થાપ્યું. તેમાં ૧ હજાર પાઉન્ડ જેવી મામૂલી રકમ આપી અને યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાનો પોતાનો હિસ્સો પણ આપ્યો (જે જપ્ત કરવાનો હુકમ ભારતમાં થઇ ચૂક્યો હતો!)
  • સીબીઆઇ અને કેટલીક સંસ્થાઓના દબાણથી ભોપાલના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે ભારતમાં યુનિઅન કાર્બાઇડ કંપનીની સંપત્તિ અને ભારતીય કંપનીમાં તેનો હિસ્સો જપ્ત કરવાનો આદેશ આપ્યો. જોકે એ આદેશ ઉપર પણ કાનૂની લડાઇ થઇ અને તેનો અમલ ન થયો. તેનો કમનસીબ અંત એવો આવ્યો કે ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતે યુનિઅન કાર્બાઇડને તેનો (જપ્ત થયેલો) હિસ્સો વેચી મારવાની પરવાનગી આપી. કંપનીએ યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાના એ શેર ‘એવરેડી’ તરીકે જાણીતી બનનારી બ્રાન્ડની કંપની મેકલોડ ઇન્ડિયાને વેચી દીધા.
  • બે વર્ષ પછી (૧૯૯૬) સર્વોચ્ચ અદાલતે યુનિઅન કાર્બાઇડના ભારતના હોદ્દેદારો સામેના ખૂનના આરોપ હળવા કરીને બેદરકારી અને અકસ્માતના આરોપમાં તબદીલ કરી નાખ્યા. એ વખતથી જ ગયા સોમવારે આવેલા ચુકાદાનું ભાવિ નક્કી થઇ ચૂક્યું હતું. સર્વોચ્ચ અદાલતે સુધારા કરીને લાગુ પાડેલી કલમો જ એવી હતી કે આરોપીઓને બે વર્ષથી વધારે સમયની સજા ન થઇ શકે.
ચુકાદાના પગલે જાગેલા રોષમાં એ યાદ રાખવા જેવું છે કે યુનિઅન કાર્બાઇડ પ્રત્યે ભારત સરકારના ‘ઉદાર’ વલણનું એક કારણ વિદેશી મૂડીરોકાણ કરનારા માટે ‘સારૂં વાતાવરણ’ ઉભું કરવાનું હતું.

મૂડીરોકાણો માટે લાલ જાજમ બિછાવાય ત્યારે એ જાજમ તળે કેટકેટલા નીતિનિયમો-જોગવાઇઓ-તકેદારીઓ સરકાવી દેવામાં આવે છે? કમ સે કમ એટલી જાણકારી મેળવવાનું તો ભોપાલ ઘટનાક્રમ પરથી શીખવું રહ્યું.

Friday, June 11, 2010

વાયદાના સોદા

મથાળાને પોસ્ટ સાથે કશી લેવાદેવા નથી. પણ હું જે નથી વાંચતો એ શેરબજારના પાનાં પર એરંડિયું અને વાયદાના સોદા આ બન્ને શબ્દો પર મારી નજરે અથડાઇ જતા હોય છે. એટલે ગમ્મત ખાતર તેનો અહીં ઉપયોગ કર્યો છે.

ઘણા વખતથી બ્લોગમાં કોલમ સિવાય બીજું કંઇ મૂકવાનો સમય મળ્યો નથી. એ ગાળો હજુ બીજા ત્રણ દિવસ લંબાશે. આવતા અઠવાડિયે- મંગળવાર પછી નિત્યક્રમ બ્લોગ લખી શકાય એ રીતે થાળે પડવાની સંભાવના છે. બે પુસ્તકો ‘મેઘદૂત’ અને ‘ક્રાંતિકારી વિચારક’ રાહ જોઇને પડ્યાં છે. બન્ને એટલું અંગત કનેક્શન ધરાવે છે (કમ ઓન, હું કાલિદાસને મળવા નહોતો ગયો!) છતાં તેમના વિશે લખવાનો સમય મળ્યો નથી એની ચચરાટી થાય છે.

થાય. આવું પણ થાય. માણસે ક્યારેક તો કામ કરવું પડે ને!

આવતા અઠવાડિયે, ૧૫ તારીખે નિરીક્ષક પ્રસિદ્ધ થઇ ગયા પછી, એક વિશિષ્ટ લેખ પણ મૂકવાનો છે.
મંગળવારે પાછા મળીએ ત્યાં સુધી બ્લોગ અને ફેસબુક પર મોટા સા બ્રેક.

Wednesday, June 09, 2010

મહાત્મા મંદિરની મુલાકાતે ખુદ મહાત્મા

ગુજરાતમાં ગાંધી હાજરાહજૂર છે. ગાંધી રોડ, ગાંધી બ્રિજ, ગાંધી હોલ, ગાંધી ચોક, ગાંધીનગર, ગાંધીધામ...માગો તે આકાર-પ્રકાર-વિકારમાં, છૂટક-જથ્થાબંધ તેમ જ પાઉચ પેકિંગમાં ગાંધી ઉપલબ્ધ છે. (નોંધઃ શુભ પ્રસંગે ઓર્ડર પર પૂરતું ઘ્યાન આપવામાં આવે છે.)

ગાંધીનગરમાં મહાત્મા મંદિરનો આરંભ સરકાર આયોજિત શુભ પ્રસંગ છે. સરકાર ઇચ્છે ત્યારે રાજી થવું એ સારા નાગરિકોનું લક્ષણ છે. ગુજરાતમાં સારા નાગરિકો આંકડાકીય બહુમતિમાં છે. એટલે છૂટાછવાયા વિરોધ સિવાય મહાત્મા મંદિર વિશે ખાસ ઉહાપોહ થયો નથી.

મહાત્મા મંદિરનો વિરોધ શા માટે કરવો જોઇએ? આખરે મોડે મોડેથી પણ કોઇને મહાત્મા યાદ આવે એમાં ખોટું શું છે? મહાત્માએ પોતાનું મંદિર બનાવવાની ના પાડી હતી એ ખરૂં. પણ એમ તો મહાત્માએ ઘણી બધી બાબતોની ના પાડી હતી અને એમાંનું ઘણું બઘું અત્યારે થાય છે. એની ટીકા ન થતી હોય તો મહાત્મા મંદિરની ટીકા શા માટે?

ખરેખર તો ગુજરાતનો મહાત્મા પર વિશેષાધિકાર છે એવું બતાવવા માટે થઇ શકે તે બઘું જ કરવું જોઇએ ઃ કોમી હુલ્લડો પછી ઉભી કરવી પડતી રાહતછાવણીઓને ‘મહાત્માનગર’ નામ આપવું જોઇએ, ગુંડાઓને ત્રાસવાદી તરીકે ખપાવીને એન્કાઉન્ટર કરનાર પોલીસ અફસરોનું સૂતરની આંટી પહેરાવીને ‘સત્યના પ્રયોગો’ વડે અભિવાદન કરવું જોઇએ, સાણંદમાં બનેલી તાતાની નેનો કારને ‘ગાંધીગાડી’ તરીકે ઓળખાવવી જોઇએ, ગુજરાતના દરેક મુખ્ય મંત્રીની અટક ફરજિયાતપણે ગાંધી કરી નાખવાનો નિયમ પણ બનાવી શકાય...

ગાંધીને યાદ કરવા તે કરવા. એમાં શરમ શાની? અને ગુજરાત સરકારને ગાંધીજીના આદર્શોની પરવા નથી એવું કહેનારા સેક્યુલર (એટલે કે જૂઠા એટલે કે દંભી એટલે કે...મનમાં આવે તે બધા અપશબ્દો) છે. ગુજરાતની પ્રગતિથી વાકેફ કોઇ પણ નાગરિક કહેશે કે મહાત્મા મંદિર ગુજરાત સરકારની સાદાઇનો મૂર્તિમંત નમૂનો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં અમુક લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરનાર ગુજરાત સરકારે ફક્ત સો-દોઢસો કરોડ રૂપિયા જેવી ‘સિંગચણા’ રકમમાં મહાત્મા મંદિર બનાવી કાઢ્યું છે, એ જ દર્શાવે છે કે મહાત્માના સાદગીપ્રેમની સરકારને કેટલી ચિંતા છે.

મહાત્મા ગાંધીના નામે સરકારે મંદિર-કમ-બિઝનેસ સેન્ટર બનાવી કાઢ્યું છે, એ વાત પોતે કેટલી સૂચક છે! અત્યારે ઘણાંખરાં ધર્મસ્થાનો જાહેરાત કર્યા વિના બિઝનેસ સેન્ટરમાં ફેરવાઇ ગયાં છે, ત્યારે ગુજરાત સરકારે ખુલ્લેઆમ મંદિરને બિઝનેસ સેન્ટર તરીકે વાપરવાનું જાહેર કર્યું છે અને મંદિર તથા બિઝનેસ સેન્ટર વચ્ચેનો ભેદ ભૂંસી નાખવાનું ક્રાંતિકારી પગલું ભર્યું છે.

સરકારે આટલી હિંમત કરી છે, તો થોડી વઘુ હિંમત એકઠી કરીને મહાત્મા મંદિરને સેઝનો દરજ્જો આપવો જોઇએ. તેનાથી મહાત્મા મંદિરમાં સત્તાવાર રીતે દારૂની પરમિટ શોપ સ્થાપી શકાશે. ફક્ત પરમિટ શોપ શા માટે? એક પબ સ્થાપી શકાય, તો આખા ગુજરાતમાંથી લોકો આબુ કે દમણ જવાને બદલે મહાત્મા મંદિરે ઉમટી પડશે અને ગુજરાતના ટુરિઝમ વિભાગને પ્રકૃતિથી વિરૂદ્ધ જઇને, જરાય સક્રિય થવું નહીં પડે. આપોઆપ મહાત્મા મંદિર ગુજરાતમાં જ નહીં, દેશવિદેશમાં પણ જાણીતું બની જશે. અત્યારનો જમાનો જાણીતા થવાનો છેે. ‘કેવી રીતે?’ એમાં કોઇને રસ નથી.

ગુજરાતના પાટનગરમાં, પોતાના મંદિર વિશે સાંભળીને ગાંધીજીને ચટપટી થાય અને એ મહાત્મા મંદિર આવીને મુલાકાત આપે તો?
***
સવાલઃ નમસ્તે બાપુ. તમને શું કહું? બાપુ? ગાંધીજી? મહાત્મા?
ગાંધીજીઃ હું પણ એ જ વિચારમાં છું. બાપુ કહીશ તો લોકો પૂછશે, ‘મોરારીબાપુ કે શંકરસિંહ બાપુ?’ ગાંધી કહીશ તો પૂછશે,‘રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી?’ અને ‘મહાત્મા’નું વિશેષણ તો મને પોતાને ગમતું ન હતું. સંબોધનની પંચાત જવા દે. મુદ્દાની વાત કર.
સવાલઃ આ તરફ બહુ વખતે આવ્યા?
ગાંધીજીઃ તને શું લાગે છે? હું એમ કહીશ કે દરેક વાઇબ્રન્ટ ગુજરાતમાં કે વાઇબ્રન્ટ ઉત્તરાયણમાં હું ગુજરાતમાં આવું છું? ગુજરાતમાં મારૂં શું કામ છે? ૧૯૬૯માં મારી શતાબ્દિ જે રીતે (હુલ્લડોથી) ઉજવાઇ, ત્યારથી જ હું ધરાઇ ગયો હતો.
સવાલઃ તમે ગમે તે કહો, તમે ગુજરાતને છોડી દો, પણ ગુજરાતે તમને છોડ્યા નથી. મહાત્મામંદિર જોઇને તો તમને એની ખાતરી થઇ ને!
ગાંધીજીઃ હા, મારે રાજી જ થવું જોઇએ. ફિલમવાળા ફિલમમાં મારૂં પાત્ર નાખીને મારો સંદેશો પહોંચાડવાનો દાવો કરે તો પણ મારે ખુશ થવું જોઇએ... મોં બ્લાંવાળા લાખો રૂપિયાની પેન ઉપર મારું ચિત્ર છાપે ને મારો પ્રપૌત્ર એની પરવાનગી આપે, એથી પણ મારે ખુશ થવું જોઇએ...ગુજરાતમાં મારા નામનું મંદિર બને તેનાથી પણ મારે ખુશ થવું જોઇએ...કેમ નહીં...
સવાલઃ તમે અકારણ આળા થઇ જાવ છો. અમારા ગુજરાતમાં આવું નહીં ચાલે. લોકો કહેશે કે તમે વિકાસના વિરોધી છો, ગુજરાતના વિરોધી છો, ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાકાર છો, તમે આતંકવાદીઓની તરફેણ કરો છો...એ તો તમે નસીબદાર છો કે તમારાં આવાં કપડાં છતાં તમારી હજુ ટીકા થઇ નથી. બાકી, ગુજરાત આટલું સમૃદ્ધ હોય ને તમે એક હાથનું કપડું વીંટાળીને અર્ધનગ્ન અવસ્થામાં ફર્યા કરો એમાં ગુજરાતની બદનામી ન થાય? તમારે તમારો નહીં તો ગુજરાતની આબરૂનો ખ્યાલ રાખીને કપડાં પહેરવાં જોઇએ.
ગાંધીજીઃ એક મિનીટ, આપણે નક્કી કરી લઇએ કે કોણ કોનો ઇન્ટરવ્યુ લઇ રહ્યું છે...
સવાલઃ સોરી...ગુજરાતના હિતની ને ગુજરાતની અસ્મિતાની વાત આવી એટલે હું જરા વહી ગયો. હવે એ કહો કે મહાત્મા મંદિરમાં બિઝનેસની આંતરરાષ્ટ્રિય સ્તરની બેઠકો થશે એ સાંભળીને તમને કેવું લાગે છે?
ગાંધીજીઃ મારા નામે બિઝનેસ થવાની હવે ક્યાં નવાઇ રહી છે?
સવાલઃ અને કપડાં વિશે કોઇ ખુલાસો આપવાની ઇચ્છા ખરી?
ગાંધીજીઃ હા. માણસની કિંમત કપડાંથી નહીં, કપડાંની કિંમત માણસથી નક્કી થાય છે.
સવાલઃ છેલ્લો પ્રશ્ન. મંદિર ત્યારે જ સંપન્ન થાય, જ્યારે તેમાં પ્રાણપ્રતિષ્ઠા થાય. મહાત્મામંદિરમાં તમારી પ્રાણપ્રતિષ્ઠા કેવી રીતે કરવી જોઇએ?
ગાંધીજીઃ રહેવા દે ભાઇ એ બધી વાત.એક વાર તો ગોડસેએ ‘પ્રાણપ્રતિષ્ઠા’ કરી નાખી. હજુ કેટલી વાર કરાવવી છે? ગોડસેએ મારા શરીરને નષ્ટ કર્યું, પણ બીજા લોકો મારા સંદેશને- મારા જીવનકાર્યને હણી રહ્યા છે. ગોડસે એટલો પ્રામાણિક હતો કે એણે મારૂં મંદિર બનાવવાને બદલે મને ગોળી મારી દીધી.

(વાક્ય પૂરૂં થતાંની સાથે જ ગાંધીજી ગાયબ. એમની જગ્યાએ ત્રણ ગોળીઓ પડી હતી અને સાથે ચબરખીમાં લખ્યું હતું : મહાત્મા મંદિરમાં મૂકવા માટે.)

Monday, June 07, 2010

કાળચક્રના કાંટા ઉંધા ફેરવવા સક્ષમઃ કૃત્રિમ સ્ટેમસેલની ક્રાંતિ

વીસમી સદીમાં શીતળા જેવા અનેક રોગોની રસી અને પેનિસિલીન જેવાં એન્ટીબાયોટિક્સ શોધાયાં, ત્યારે લોકોને તે ચમત્કારી અને જાદુઇ લાગ્યાં હતાં. પરંતુ સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિક પ્રગતિ એવી વેગીલી બની કે સદીઓ જૂની કલ્પનાઓ એકવીસમી સદીના બીજા દાયકે હાથવેંતમાં લાગવા માંડી છે. જેમ કે, વૃદ્ધાવસ્થા માનવજાતને આદિકાળથી ડરાવતી રહી છે. ભલભલા યોદ્ધા-સમ્રાટો અને મહાપુરૂષો પણ કાળના કાંટા સામે લાચારી અનુભવીને આખરે મરણને શરણ થયા છે. સદા જુવાન રહેવા માટે કંઇક તરકીબો-નુસ્ખા-દવાઓ-ટુચકા-અંધશ્રદ્ધાઓ અજમાવાતાં રહ્યાં છે. છતાં શરીરના અનિવાર્ય ઘસારા સામે કોઇનું ચાલતું નથી- ચાહે તે હ્યુ હેફનર હોય કે બાબા રામદેવ.

આખરે શરીર એટલે શું? કોષોનું બનેલું એક માળખું. દરેક અંગમાં ચોક્કસ પ્રકારના કોષો હોય, જેમની કામગીરી અગાઉથી નિર્ધારીત થયેલી હોય. પ્રાણીનો ગર્ભ બંધાય ત્યારે તેમાં ‘સબ બંદરકે વેપારી’ જેવા સ્ટેમસેલ બને છે. તેમની પર કોઇ ચોક્કસ અંગનું કે ચોક્કસ કામગીરીનું લેબલ વાગેલું નથી હોતું. સ્ટેમસેલ એ રીતે કુમળા છોડ જેવા હોય છે. તેમને જે અંગની કામગીરી માટે ‘વાળવા’ હોય, તેમ ‘વાળી’ શકાય. પરંતુ ગર્ભનો વિકાસ થયા પછી એક વાર સ્ટેમસેલના કામની વહેંચણી થઇ ગઇ, પછી ખલાસ!

શરીરમાં કોષોની સંખ્યા અબજોની, પણ એ બધા કોષ મુખ્યત્વે ૨૨૦ પ્રકારના હોય છે. ગર્ભના સ્ટેમસેલ વિકસીને ૨૨૦માંથી કોઇ પણ એક પ્રકારની કામગીરી ધરાવતા કોષમાં ફેરવાઇ જાય એટલે તેમનું કામ ઘાણીએ બંધાયેલા બળદ જેવું થઇ જાય. ‘ચીંધાયેલા’ કામ સિવાય બીજું કંઇ તેમની પાસેથી કરાવી ન શકાય. કોષ માટે સ્ટેમસેલ સ્વરૂપમાંથી ચોક્કસ પ્રકારના કોષમાં ફેરવાઇ જવાનો રસ્તો વન વે હોય છે. એક વાર કોષ પર ચોક્કસ કામગીરીનું લેબલ વાગી ગયું, પછી ફરી તેને સ્ટેમસેલમાં ફેરવી ન શકાય.

કોઇ પણ અંગ માટે ખપ લાગી શકે એવા સ્ટેમસેલ માટેનો અંગ્રેજી શબ્દ છેઃ પ્લુરીપોટેન્ટ (અનંત શક્યતા ધરાવતો). ગર્ભના વિકાસ પછી અમુક તબક્કા સુધી પ્લુરીપોટેન્ટ કોષો ચોક્કસ કામગીરીની દિશામાં વિકસે છે. છતાં તે ‘મલ્ટીપોટેન્ટ’ (અનેકવિધ શક્યતા ધરાવતા) રહે છે. પરંતુ પૂર્ણ વિકસિત થઇ ગયા પછી તેમનું ‘પોટેન્શ્યલ’ અનંત તો ઠીક, અનેકવિધ પણ રહેતું નથી. એક જ પ્રકારની કામગીરીના ઢાંચામાં અને ખાંચામાં તેમની આખી ‘જિંદગી’ વીતી જાય છે. મગજ સિવાયના અંગોમાં કોષો સતત નષ્ટ થતા જાય છે અને નવા કોષો સર્જાતા જાય છે. પરંતુ આ રીતે સર્જાતા નવા કોષો કદી પ્લુરીપોટેન્ટ કે મલ્ટીપોટેન્ટ હોતા નથી. તે હંમેશાં ચોક્કસ કામગીરીના લેબલ સાથે જ જન્મે છે. એ સિવાયના બીજા કોઇ કામમાં તે લાગતા નથી.

ખુશખબર એ છે કે આગળ જણાવેલી માહિતી હવે ભૂતકાળ બનવામાં છે: સ્ટેમસેલમાંથી પુખ્ત કોષ બનવાનો વન વે નજીકના ભવિષ્યમાં ટુ વે થાય, એવી સંભાવનાઓ ખુલી છે. દુનિયામાં વિવિધ સ્થળોએ કેટલાક સંશોધકોએ ઊંદર પર પ્રયોગો કરીને સાબીત કરી આપ્યું છે કે પુખ્ત કોષમાંથી થોડા ફેરફારો કરીને તેમાંથી પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલ બનાવી શકાય છે. એટલે કે કોષના કુદરતી વિકાસની ઘડિયાળના કાંટા ઉંધા ફેરવી શકાય છે.
અત્યાર લગી પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલ મેળવવા માટે પ્રયોગશાળામાં ગર્ભનું સર્જન આવશ્યક ગણાતું રહ્યું છે. જૂના કોષના કોષકેન્દ્રમાંથી ડીએનએ કાઢીને, નવું ડીએનએ મૂકીને ક્લોનિંગ દ્વારા નવા જીવનું સર્જન કરી શકાતું હતું અથવા સ્ટેમસેલની મદદથી ચોક્કસ અંગ ઉગાડવાનું સૈદ્ધાંતિક રીતે શક્ય હતું. પરંતુ આ પ્રક્રિયા સાથે ગંભીર નૈતિક પ્રશ્નો સંકળાયેલા હતા. એટલે જ, ધાર્મિક રૂઢિચુસ્તોની અસર ધરાવતા દેશોમાં સ્ટેમસેલના સંશોધનને અવરોધો વેઠવા પડતા હતા.

પુખ્ત કોષમાંથી સ્ટેમસેલ બનાવવામાં ગર્ભના સર્જનનો વિવાદાસ્પદ તબક્કો બાકાત થઇ જાય છે. એટલે તેને લગતા સંશોધનને પણ મોકળું મેદાન મળ્યું છે. વિખ્યાત વિજ્ઞાનમાસિક ‘સાયન્ટિફિક અમેરિકન’ના મે, ૨૦૧૦ના અંકની કવર સ્ટોરી પુખ્ત કોષમાંથી સ્ટેમસેલ બનાવવાની દિશામાં થયેલી પ્રગતિ વિશેની છે. આ રીતે બનતા સ્ટેમસેલ વૈજ્ઞાનિક પરિભાષામાં ‘ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલ’ (iPSC ) તરીકે ઓળખાય છે.

પાકા ઘડે કાંઠા ન ચડે એવી કહેવત કોષની કામગીરીની બાબતમાં અત્યાર લગી સાચી મનાતી હતી. તો પછી પુખ્ત કોષને ઇન્ડ્યુસ્ડ (એટલે કે પ્રેરિત) પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલમાં ફેરવવાનો ચમત્કાર શક્ય કેવી રીતે બન્યો? આ સંશોધન માટેનો જશ યુનિવર્સિટી ઓફ ક્યોટોના સંશોધક શિન્યા યામાનાકા અને તેમની ટુકડીને જાય છે. આ સંશોધકોએ ૨૦૦૬માં ઊંદરની ત્વચાના કેટલાક (પુખ્ત) કોષોને સ્ટેમસેલમાં ફેરવી બતાવવાની સિદ્ધિ હાંસલ કરી. એટલું જ નહીં, પુખ્ત કોષોના ડીએનએમાં કેવી કમાલ કરવાથી સ્ટેમસેલ બન્યા, તેની રીત પણ જાહેર કરી.
વૈજ્ઞાનિક સિદ્ધાંતની ખરી કસોટી એ છે કે જે એક વ્યક્તિ એક પ્રયોગશાળામાં કરી શકે, તે દુનિયાના કોઇ પણ ખૂણે બીજી વ્યક્તિ માટે પણ શક્ય બનવું જોઇએ. યામાનાકાની ટીમે સૂચવેલી રીત પ્રમાણે જુદા જુદા સંશોધકોએ પ્રયોગો કર્યા અને એ સૌને ઊંદરની ત્વચાના કોષમાંથી સ્ટેમસેલ બનાવવામાં અને એ રીતે બનેલા સ્ટેમસેલમાંથી ઇચ્છિત અંગ માટે ઉપયોગી કોષ પેદા કરવામાં સફળતા મળી.

પુખ્ત કોષના ડીએનએમાં ચોક્કસ જનીનોના ઉમેરણથી કોષની જૈવિક ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી શકાતા હતા. તેમણે શરૂઆતમાં એવા લગભગ બે ડઝન જેટલા જનીનો છૂટા પાડ્યા, જે પ્લુરીપોટેન્ટ કોષોમાં સક્રિય હોય, પણ કોષ પુખ્ત થયા પછી તે શાંત પડી જાય. એવા જનીનોને પુખ્ત કોષમાં દાખલ કરતાં, તેમણે પુખ્ત કોષના ડીએનએનું નવેસરથી પ્રોગ્રામિંગ કરી નાખ્યું અને તેમને પ્લુરીપોટેન્ટ સ્ટેમ સેલમાં ફેરવી દીધા. વઘુ ઝીણવટથી કરેલા પ્રયોગો પછી યામાનાકાની ટીમે ફક્ત ચાર જનીન ઓળખી પાડ્યા. એ ચાર જનીનને પુખ્ત વયના કોષમાં દાખલ કરવામાં આવે, એટલે એ કોષ બેથી ત્રણ અઠવાડિયાંમાં પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલમાં રૂપાંતરીત થઇ જાય.

કોષકેન્દ્રમાંથી આખું ડીએનએ બદલવાની પળોજણમાં પડવાને બદલે, ડીએનએમાં ચાર જનીન ઉમેરતાં આખો કોષ નવો થઇ જાય એ જીવવિજ્ઞાનની ક્રાંતિકારી સિદ્ધિ છે. ઊંદર પછી ભૂંડના પુખ્ત કોષોને પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલમાં ફેરવવાની સફળતા મળી હોવાના સમાચાર પણ ગયા મહિને વાંચવા મળ્યા હતા. આ પ્રક્રિયાને હજુ ફૂલપ્રૂફ અને આડઅસરથી મુક્ત બનાવવામાં એકાદ દાયકો નીકળી જશે, એવો સંશોધકોનો અંદાજ છે. પરંતુ આ રીતથી જનીનગત રોગો સહિત બીજા અનેક અસાઘ્ય રોગોને દૂર કરવાનું શક્ય બનશે. સાથોસાથ, રોગગ્રસ્ત કોષોને પણ દર્દીના શરીરની બહાર, પ્રયોગશાળામાં પેદા કરીને તેની પર અભ્યાસ માટે અખતરા કરવાનું પણ શક્ય બનશે.

એ દૃષ્ટિએ ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલનું મહત્ત્વ ક્રેગ વેન્ટરના બહુચર્ચિત સંશોધન કરતાં પણ વધારે મહત્ત્વનું છે. વેન્ટરે કૃત્રિમ ડીએનએ બનાવીને તેને કુદરતી કોષમાં મૂકી બતાવ્યું, જ્યારે ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટેન્ટ સ્ટેમસેલમાં ચુનંદા જનીનો બહારથી ઉમેરતાં આખું ડીએનએ બદલવાની જરૂર જ રહેતી નથી.

મનુષ્યના હાથમાં આટલી મોટી તાકાત આપતા સંશોધન સાથે તેના ઉપયોગની નૈતિકતાના મુદ્દા સંકળાયેલા હોય એ સ્વાભાવિક છે. પરંતુ એકાદ દાયકા જેટલા ટૂંકા ગાળામાં ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટેન્ટ સ્ટેમ સેલ બહુ મોટી ક્રાંતિ લાવે એવો તખ્તો ઘણી હદે ગોઠવાઇ ચૂક્યો છે.

Sunday, June 06, 2010

મેરા કુછ સામાન

રેલવે સ્ટેશન પર જોવા મળતાં અવનવાં પાત્રોમાંથી એક નમૂનો.

Tuesday, June 01, 2010

અમેરિકાની મહામંદી પછી આર્થિક વિશ્વને ધ્રુજાવતો બીજો ભૂકંપ : યુરોપના સહિયારા ચલણની સડસડાટ પડતી

ભારતના સેન્સેક્સથી માંડીને વિશ્વનાં બજારો યુરોપના એક દેશ-ગ્રીસ-ની દેવાળીયા હાલતથી હચમચી ઉઠ્યાં છે. ગ્રીસને નાદાર થતો અટકાવવા માટે યુરોપીયન યુનિયનના સાથીદેશોએ અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) જેવી સંસ્થાએ અબજો ડોલરની જંગી રકમ મદદ પેટે આપવાની જાહેરાત કરી છે.

ખરી મોંકાણ એ વાતની છે કે બેઇલ આઉટ પેકેજ/ આફતમાંથી બહાર આવવા માટેની સહાયથી સૌ સારા વાનાં થવાનાં નથી. ગ્રીસ પછી સ્પેન અને સ્પેન પછી પોર્ટુગલ, ઇટાલી, આયર્લેન્ડ જેવા - ટૂંકમાં PIIGS તરીકે ઓળખાતા- દેશોની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ છે. આ બધા દેશોને બચાવવા માટે ૯૫૭ અબજ ડોલરની જંગી સહાય જાહેર કરવામાં આવી છે. (સરખામણી ખાતર યાદ કરીએ તો, વોલસ્ટ્રીટની ૨૦૦૮ની મંદી વખતે અમેરિકાની સરકારે દેશની નાણાંકીય સંસ્થાઓને ઉગારવા માટે ૭૦૦ અબજ ડોલરનું પેકેજ આપ્યું હતું.)

સવાલ એ થાય કે સમૃદ્ધ ગણાતા યુરોપના કેટલાક દેશો છેક દેવાળું ફૂંકવું પડે એવી સ્થિતિમાં શી રીતે આવી ગયા? અને દુનિયાના કારોબારમાં મામૂલી સ્થાન ધરાવતા ગ્રીસ- સ્પેન-પોર્ટુગલ જેવા દેશોની આર્થિક અવદશાથી દુનિયાનાં બજારો કેમ હાલકડોલક થાય છે? આ સવાલોની સાથોસાથ, યુરોપના ૧૫ દેશોના સહિયારા ચલણ ‘યુરો’ના અંજામ વિશે પણ અમંગળ અટકળો થવા લાગી છે. તેની વિગતમાં ઉતરતાં પહેલાં ‘યુરો’ની અત્યાર સુધીની સફર અને તેની સાથે સંકળાયેલી- કેટલાકના મતે પાયાની- સમસ્યાઓ પર એક નજર કરી લઇએ.

યુરોઃ એક બજાર, એક ચલણ
યુરોપ ખંડના ૨૭ દેશોનું રાજકીય અને આર્થિક ગઠબંધન ‘યુરોપીઅન યુનિયન’ તરીકે ૧૯૯૩માં અસ્તિત્ત્વમાં આવ્યું. એ માટેના કરાર નેધરલેન્ડના માસ્ટ્રીક્ટ શહેરમાં ફેબુ્રઆરી, ૧૯૯૨માં થયા હતા. માસ્ટ્રીક્ટ કરાર પ્રમાણે, યુરોપીઅન યુનિયનના સભ્ય દેશો વચ્ચે નાગરિકોની અને માલસામાનની મુક્ત હેરફેર શક્ય બની. તેમ છતાં, દરેક દેશનું ચલણ જુદું અને તેમના વિનિમય દરો દેશના અર્થતંત્રની મજબૂતી પ્રમાણે અલગ અલગ રહેતા હતા. જેમ કે, જર્મનીનો માર્ક યુરોપનું જ નહીં, વિશ્વનું પણ ડોલર પછીનું બીજા નંબરનું ચલણ ગણાતો હતો. અસંખ્ય દેશો પોતાનાં રોકાણ માર્કમાં કરતા હતા.

યુરોપીઅન યુનિયનના સભ્ય દેશો વચ્ચે આર્થિક વ્યવહાર માટે ‘યુરોપીઅન કરન્સી યુનિટ’ (ઇસીયુ)નો ઉપયોગ થતો હતો. યુરોપના દરેક દેશના સ્થાનિક ચલણને કાલ્પનિક એવા ઇસીયુના આધારે મૂલવવામાં આવતું હતું. જેમ કે, જર્મન ચલણનો ૧ માર્ક બરાબર ૧ ઇસીયુના ૩૩ ટકા. (બીજી રીતે કહીએ તો, ૧ ઇસીયુ બરાબર આશરે ૩ માર્ક).

ઇસીયુ કેવળ કાગળ પર ગણતરી માટે ઉપયોગમાં લેવાતો એકમ હતો- ચલણ નહીં. એ કાલ્પનિક એકમને બદલે, યુરોપના સભ્યદેશો વચ્ચે નવું, વાસ્તવિક ચલણ ૧ જાન્યુઆરી, ૧૯૯૯થી દાખલ કરવામાં આવ્યું. ભારતના રૂપિયા, અમેરિકાના ડોલર ને બ્રિટનના પાઉન્ડની જેમ યુરોપના દેશોના નવા ચલણને નામ અપાયું:યુરો. તેના માટે પ્રચલિત કરાયેલું સૂત્ર હતું: ‘વન માર્કેટ, વન કરન્સી’ (એક બજાર, એક ચલણ)

શરૂઆતનાં બે-ત્રણ વર્ષ યુરો પણ ઇસીયુની જેમ કાગળ પર - ટ્રાવેલર્સ ચેકમાં કે બેન્કોમાં રકમની હેરફેરમાં- અસ્તિત્ત્વ ધરાવતો હતો. નાણાંકીય વ્યવહારમાં એક યુરોને એક ઇસીયુની સમકક્ષ ગણીને, ઇસીયુને હિસાબકિતાબમાંથી વિદાય આપવામાં આવી.

આરંભે યુરોપના ૧૧ દેશોએ યુરોના સામાન્ય ચલણનો સ્વીકાર કર્યો. બે વર્ષ પછી (૧ જાન્યુઆરી, ૨૦૦૧થી) અત્યારની કટોકટીના મૂળમાં રહેલા ગ્રીસે યુરોનું ચલણ અપનાવ્યું. એ વખતે ગ્રીસનું પોતાનું ચલણ - અને તેનું અર્થતંત્ર- કેટલું નબળું હતું તેનો ખ્યાલ વિનિમય દર પરથી આવશે. ૧ યુરો બરાબર જર્મનીના ૧.૯ માર્ક થતા હતા, પણ ૧ યુરો બરાબર ગ્રીસના આશરે ૩૪૦ ડ્રાક્માનો દર નક્કી કરવામાં આવ્યો હતો.

ચલણ એક, તિજોરી અલગ
‘એક બજાર, એક ચલણ’ નું સૂત્ર ગમે તેટલું લોભામણું લાગે, પણ તેના ટીકાકારો ઓછા ન હતા. અનેક નામી અર્થશાસ્ત્રીઓ જુદી જુદી ભાષા, સંસ્કૃતિ અને આર્થિક સ્થિતિ ધરાવતા યુરોપના દેશો માટે એક ચલણના વિરોધી હતા. અર્થતંત્રની પરિભાષામાં તેમને લાગતું હતું કે યુરોપના દેશોનો સમુહ ‘ઓપ્ટીમમ કરન્સી એરીઆ’ નથી. એટલે કે તેમની વચ્ચે એક જ ચલણ રાખવું ઇષ્ટ નથી.

સવાલ ફક્ત ભૌગૌલિક વિસ્તારનો ન હતો. એમ તો અમેરિકાનાં પચાસ રાજ્યોનો સમુહ યુરોપીઅન યુનિયન જેવો જ વિશાળ છે. છતાં તેમની વચ્ચે એક જ ચલણ - ડોલર- સફળતાપૂર્વક ચાલે છે. બન્ને વચ્ચે વિસ્તારની સરખામણી વાજબી હોવા છતાં સૌથી મોટો તફાવત એ છે કે આખા અમેરિકાના અર્થતંત્રનું સંચાલન એક જ કેન્દ્રમાંથી થાય છે. એટલે અમેરિકાના એક રાજ્યનું અર્થતંત્ર કોઇ કારણસર નબળું પડે અને બીજું રાજ્ય સમૃદ્ધ થાય, તો પણ તેમની પાસેથી કરવેરા રૂપે મળતી રકમ છેવટે અમેરિકાની તિજોરીમાં જવાની છે અને ત્યાંથી રાજ્યોને જરૂર પ્રમાણે વહેંચાવાની છે.

યુરોપીઅન યુનિઅનમાં એવું બનતું નથી. કેમ કે, દરેક દેશોનું ચલણ સરખું છે, પણ તેમની તિજોરી સહિયારી નથી. જે દેશોએ યુરોનું ચલણ સ્વીકાર્યું, તેમની પાસેથી પોતાના દેશની આર્થિક નીતિ અને વ્યાજના દર જેવી બાબતો નક્કી કરવાની સત્તા જતી રહે છે. કરાર પ્રમાણે એ નિર્ણયો યુનિયનના બધા દેશો વતી યુરોપીઅન સેન્ટ્રલ બેન્ક લે છે અને તે બધા દેશોની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખ્યા વિના, સૌને એકસરખી રીતે લાગુ પડે છે.
તેનું પરિણામ કેવું આવે? ધારો કે, જર્મની જેવા સદ્ધર દેશમાં માલસામાનની માગ ઘટે એટલે બજારમાં નાણાં ફરતાં રાખવા માટે યુરોના વ્યાજના દર ઘટાડવામાં આવે, જેથી લોકોને સહેલાઇથી યુરોનું ધીરાણ મેળવી શકે. પરંતુ જર્મનીમાં માગ વધારવા માટે લેવાયેલા આ પગલાની નબળું અર્થતંત્ર ધરાવતા દેશો પર કેવી અસર થાય?

આ સવાલનો જવાબ સ્પેન અને આયર્લેન્ડની રીઅલ એસ્ટેટ ક્ષેત્રની મંદીમાંથી મળી ગયો છે. વ્યાજના દર ઘટતાં નાણાં સહેલાઇથી ઉપલબ્ધ બન્યાં. તેના જોરે ખરીદી વધી, એટલે રીઅલ એસ્ટેટના ભાવ ઉંચકાયા અને આસમાને પહોંચ્યા. ખરેખર બનવું એવું જોઇએ કે સ્પેનમાં સ્થાનિક વેપારઉદ્યોગોની સદ્ધરતા વધતાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધે અને રોકાણ કરવા ઇચ્છતા લોકોના ધસારાને લીધે રીઅલ એસ્ટેટમાં તેજી આવે. એ રીતે આવેલી તેજી ટકી શકે. કારણ કે તેના પાયામાં સ્થાનિક સદ્ધરતા રહેલી છે. પરંતુ સ્પેનમાં આવેલી તેજી ઘટેલા વ્યાજદરને કારણે સહેલાઇથી ઉપલબ્ધ બનેલી લોનને - એટલે કે ઉછીનાં નાણાંને- આભારી હતી.

ઉછીનાં નાણાં સહેલાઇથી મળતાં હોય ત્યાં સુધી ભાવ વધતા રહે, પણ જે ઘડીથી વ્યાજના દર વધે અને નાણાં સહેલાઇથી મળતાં બંધ થઇ જાય એ સાથે જ ખરીદનારા ઓછા થવા લાગે. જે લોકો હોંશમાં ને હોંશમાં ખરીદી ચૂક્યા હોય તેમની લોન પાછી ફરવાની ત્રેવડ ન હોય. એટલે તે નાદાર બને અને રીઅલ એસ્ટેટના ભાવ આસમાનેથી જમીન પર પટકાય. એટલું જ નહીં, સ્પેનની બેન્કોએ લોકોને આપેલી લોનો સલવાય. એટલે સ્પેનની આર્થિક સ્થિતિ ડામાડોળ બને.

સામાન્ય સંજોગોમાં દેશની આર્થિક સ્થિતિ કથળે તો વ્યાજના દર ઘટાડીને બાજી સંભાળવાના પ્રયાસ થાય છે. પરંતુ યુરોનું ચલણ સ્વીકાર્યું હોય એવા દેશો પાસે એ વિકલ્પ નથી. કેમ કે, યુરોના વ્યાજના દરમાં ફેરફાર કરવાનું તેમના હાથમાં નથી.

સાચી પડેલી આશંકાઓ
સરકારી તિજોરી સાથે લેવાદેવા રાખ્યા વિના, ફક્ત ચલણ પર કાબૂ રાખવાની નીતિનાં બીજાં પણ માઠાં પરિણામો છે. જેમ કે, ફ્રાન્સ કે જર્મની જેવા મજબૂત દેશોના લાભાર્થે વ્યાજના દર ઘટાડવામાં આવે ત્યારે સહેલાઇથી મળતી લોનને કારણે ફક્ત નાગરિકો જ નહીં, આખેઆખી સરકારો ગજા બહારની ઉધારી કરી નાખે છે. ગ્રીસ તેનો ઉત્તમ નમૂનો છે.

નવેમ્બર, ૨૦૦૯માં જાહેર થયેલા આંકડા પ્રમાણે, ગ્રીસના બજેટમાં તેના કુલ ઘરેલુ ઉત્પાદન/જીડીપીના ૧૨.૭ ટકા જેટલી જંગી ખાધ હતી, જે બહુ મોટો આંકડો ગણાય. આ તો ફક્ત એક વર્ષના બજેટની ખાધ થઇ. ગ્રીસનું કુલ દેવું તો તેના જીડીપીના ૧૧૫ ટકા જેટલું અધધ હતું. દુનિયાના વિકસિત કહેવાતા દેશોમાં પણ આ જાતની ખાધ કે દેવું જોવા મળે છે. પણ મુખ્ય ફરક એ છે કે યુરોપીઅન યુનિયન સિવાયના દેશો પોતાની આર્થિક નીતિમાં, વ્યાજના દરોમાં કે ચલણના વિનિમય દરોમાં જરૂરી ફેરફાર કરીને નાજુક સંતુલન ટકાવી રાખે છે. પરંતુ ‘યુરોઝોન’માં એ શક્ય બનતું નથી.

સવાલ ગ્રીસ જેવા એકલદોકલ દેશની નાદારીનો હોય તો બહુ ચર્ચા કે ચિંતા ન થાય. કેમ કે, યુરોઝોનના દેશોના કુલ જીડીપીમાં ગ્રીસનો હિસ્સો માંડ ૨ ટકા છે. પરંતુ ગ્રીસ જેવા દેશોએ યુરોપના બીજા દેશો પાસેથી, ઓછા વ્યાજના જંગી લોન લીધી હોય કે બીજા દેશોએ ગ્રીસની સરકારના બોન્ડમાં રોકાણ કર્યાં હોય, એ સંજોગોમાં ગ્રીસની સરકાર દેવાળું ફૂંકે તેની અસર બાકીના દેશો પર થયા વિના ન રહે. ગ્રીસની સરકાર પાસેથી લોન મેળવતા નાના દેશોનું અર્થતંત્ર પણ ખોટકાય. PIIGS તરીકે ઓળખાતા પોર્ટુગલ, ઇટાલી, આયર્લેન્ડ, ગ્રીસ અને સ્પેનમાં ઉપર વર્ણવેલી સ્થિતિ વાસ્તવિકતા બની ચૂકી છે અથવા વાસ્તવિકતા બનવાની તૈયારીમાં છે.

યુરોપના મુખ્ય દેશોમાંના એક બ્રિટને ઉપરની શક્યતાઓ ઘ્યાનમાં લઇેન યુરોનું ચલણ સ્વીકાર્યું નથી. તેનો વ્યવહાર હજુ પાઉન્ડમાં ચાલે છે. યુરોના સ્વીકાર પહેલાં ૧૯૯૮માં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ખાનગી રાહે એક અભ્યાસ કર્યો હતો. તેમાં કોઇ દેશની ખાધ એક હદ કરતાં વધી જાય તો શું થાય એવી સ્થિતિની કલ્પના કરવામાં આવી હતી અને તેનો જવાબ હતો: એવું થાય તો મોટા પાયે અવ્યવસ્થા સર્જાશે.

કોઇ એક દેશની નબળી સ્થિતિની ખરાબ અસર આખા ચલણની મજબૂતી પર ન પડે એ માટે યુરોપીયન સેન્ટ્રલ બેન્કે ‘કન્વર્જન્સ ક્રાઇટેરિયા’ તરીકે ઓળખાતા કેટલાક નિયમો નક્કી કર્યા હતા. જેમ કે, ‘જેમની ખાધ જીડીપીના ૩ ટકા કરતાં ઓછી હોય અને દેવું ૬૦ ટકા કરતાં ઓછું હોય એવા દેશો જ યુરોઝોનમાં સામેલ થઇ શકે.’ પરંતુ આ જોગવાઇઓ પોથીમાંનાં રીંગણાં જેવી પુરવાર થઇ. ગ્રીસ જેવા દેશમાં સરકારોએ ખાધ અને દેવા વિશે ધરાર જૂઠાણું ચલાવ્યે રાખ્યું. એક નિયમ એવો પણ હતો કે યુરો સ્વીકારનાર દેશો માટે કોઇ સંજોગોમાં ‘બેઇલ આઉટ’ તરીકે ઓળખાતી આર્થિક મદદ કરવામાં નહીં આવે. પરંતુ આ જોગવાઇનો ભંગ કરીને યુરોપિઅન બેન્કે ગ્રીસની બેન્કોને અઢળક નાણાં ધીર્યે રાખ્યાં. દેવાદાર અને ખોખલા ગ્રીસ માટે પાઘડીનો વળ છેડે આવ્યો ત્યારે બહુ મોડુ થઇ ચૂક્યું હતું.

(હવે પછી: યુરોની કટોકટી નિવારી શકાઇ હોત? યુરોનું ભવિષ્ય કેવું છે?)