Monday, July 18, 2022

ભૂવા અને વિકાસ

ધૂણતા ભૂવા (કે મંત્રી) અંધશ્રદ્ધાના ખાનામાં આવે છે, પણ પડતા ભૂવા શ્રદ્ધાનો કે માન્યતાનો વિષય નથી. તે નક્કર હકીકત છે. એટલી નક્કર હકીકત કે જો રોડ તેના જેટલો નક્કર હોત તો ભૂવા પડતા જ ન હોત. વસંત આવે એટલે ફૂલ ખીલે ડાલી ડાલી થઈ જાય છે. એવી જ રીતે, થોડો વરસાદ પડ્યો નથી કે રસ્તો ઠેકઠેકાણે ભૂવા-ચ્છાદિત થઈ જાય છે. સૌંદર્યદૃષ્ટિથી વંચિત લોકો ભૂવા ખીલ્યા કહેવાને બદલે ભૂવા પડ્યા એમ કહે છે. કલાપીએ અમથું ગાયું હતું કે સોંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’? કેટલાક ભૂવા આત્મનિર્ભર હોય છે. તે સર્જાવા માટે વરસાદ સુધી રાહ જોવાને બદલે સ્વયંભૂ પ્રગટ થાય છે. તે અર્થમાં ભૂવાને આધ્યાત્મિક ઘટના કહી શકાય. ચિંતક જેવા દેખાવું હોય તો તેને કોસ્મિક ઘટના પણ કહેવામાં પણ વાંધો નથી. અધ્યાત્મમાં સગવડીયું વિજ્ઞાન ઉમેરીને છાકો પાડવો હોય તો એમ પણ કહેવાય કે તમે જેને બ્લેક હોલ કહો છો, તે બ્રહ્માંડમાં વગર વરસાદે પડેલા ભૂવા નથી, તો બીજું શું છે?’

હજુ સુધી કોઈ શબ્દાળુ બાવાએ, ગુજરાતી ચિંતકે અથવા સંચાલકે ભૂવા શબ્દનું મૌલિક અર્થઘટન કર્યું નથી—અથવા કર્યું હોય તો જાણમાં નથી. લોકરંજની માટે લાકડે માંકડું બેસાડવામાં નિષ્ણાત એવી એ પ્રજાતિ કહી શકે કે ભૂવા એ સ્વતંત્ર શબ્દ નહીં, પણ બે શબ્દોનું સંયોજન છેઃ ભૂ અને વા. એટલે કે, પાણી અને હવા. આ બે પ્રાકૃતિક તત્ત્વોના મિલનથી સર્જાયેલા ભૂવાને અનિષ્ટ કે અનિચ્છનીય લેખવામાં પ્રકૃતિનું, આપણી પ્રાચિન સંસ્કૃતિનું, ઋષિમુનિઓનું, ધર્મનુંઅને ખાસ તો આ બધાના નામે ચરી ખાતા નેતાઓનું અપમાન થઈ શકે છે.

એક વાત તો હકીકત છેઃ  બીજી ઘણી અકારી ચીજોની જેમ ભૂવા પણ હવે ન્યૂ નોર્મલ છે. ચોમાસામાં કે એ સિવાય પણ ભૂવા ન પડે, તો લોકોને મ્યુનિસિપાલિટીની કાર્યક્ષમતા વિશે શંકા જાગે છે. પહેલો વરસાદ પડે અને ભૂવા ન પડે તો લોકોને જાતજાતના વિચાર આવે છેઃ શું કોન્ટ્રાક્ટરો અને મ્યુનિસિપાલિટીના સંબંધિત લોકો વચ્ચેના સંબંધમાં કડવાશ વ્યાપી હશે? શું તેમની વચ્ચેનો  ભાઈ-ભાઈ-ચારો ખતમ થઈ ગયો હશે? એવું થશે તો શહેરના સામાજિક પોતનું શું થશે?’ પરંતુ તેમની શંકાકુશંકાઓ વધે તે પહેલાં જ સમાચાર આવે છે કે શહેરના ફલાણા વિસ્તારમાં ભૂવો પડ્યો અને કોર્પોરેશનની પોલ ખુલી ગઈ અથવા વિકાસ ઉઘાડો પડી ગયો અથવા સ્માર્ટ સીટીના દાવાની અસલિયત સામે આવી.

ભૂવા વિશેના સમાચારોમાં ભલે ગમે તેટલો ટીકાનો ભાવ હોય, પણ સરેરાશ નાગરિક તેનાથી હાશકારો અનુભવે છે. કારણ કે, ભૂવા પડ્યા પછી જ તેને લાગે છે કે ચોમાસું બેઠું. (વડોદરામાં રસ્તા પરથી કે કોઈકના બાથરૂમમાંથી મગર ન પકડાય, ત્યાં સુધી ચોમાસું પૂર્ણ કળાએ બેઠેલું ગણાતું નથી.) સવાલ ભૂવાના બ્રાન્ડિંગનો છે. વડાપ્રધાનને મળી હતી એવી કોઈ બ્રાન્ડિંગ એજન્સી ભૂવા માટે પણ શોધી કાઢવામાં આવે તો ભૂવા પ્રત્યે જોવાના લોકોના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન આવી શકે. ગુજરાતી ડાયરાબાજો, કટારલેખકો, કથાકારો, સંચાલકો બધા મળીને ભૂવા શરમનો નહીં, પણ અસ્મિતાનો અને ગૌરવનો વિષય છે, એવું પ્રજાને સહેલાઈથી સમજાવી શકે. કેરળના સામ્યવાદી ભૂવાનું, બંગાળના મમતાવાદી ભૂવાનું કે દિલ્હીના આમ ભૂવાનું માપ કાઢીને તેમની સરખામણીમાં ગુજરાતના ભૂવા કેમ વિશિષ્ટ, ચડિયાતા (અને ભલું હોય તો રાષ્ટ્રવાદી) છે, તે સમજાવી શકે.

ભૂવાને ગૌરવ બક્ષવા માટે સારી સડકો પર ભૂવાનાં ચિત્રો મૂકી શકાય, જેથી ભૂવા પર લાગેલું કલંક અને તેની સાથે સંકળાયેલી શરમ દૂર થાય. કલંક અને શરમને ગૌરવમાં શી રીતે ફેરવવાં, એ જોકે આ તંત્રને બીજા કોઈએ શીખવવું પડે તેમ નથી. એટલે, ભૂવાની સામાજિક સ્વીકૃતિની વાત કરીએ. બે અક્ષરના, નવતર પ્રકારનાં, કોઈએ ન પાડ્યાં હોય એવાં નામ માટે ઝંખતા લોકો તેમનાં સંતાનો માટે ભૂવો કે ભૂવી જેવું વિશિષ્ટ નામ વિચારી શકે. રસ્તો બનાવતા કોન્ટ્રાક્ટરો અને તેમને કોન્ટ્રાક્ટ આપતી સંસ્થાઓના સાહેબોએ તો ખાસ તે નામ રાખવા વિશે વિચારવું જોઈએ. એમ કરવાથી કમ સે કમ, તેમની સમૃદ્ધિમાં ભૂવાની ભૂમિકા અને ભૂવા પડે એવા રોડના પ્રદાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી ગણાશે.

ભૂવા દેશના વિકાસ માટે અત્યંત જરૂરી છે. દર વર્ષે ભૂવા પડે તો રસ્તાના સમારકામ નિમિત્તે નાણાં ખર્ચાય. તે નાણાં છેવટે દેશના અર્થતંત્રમાં જ આવવાનાં છે. દર વર્ષે ઠેકઠેકાણે ભૂવા નહીં પડે તો આ દેશનું અર્થતંત્ર પાંચ-દસ ટ્રિલીયન ડોલરનું શી રીતે થશે? અને એ નહીં થાય, તો આ જ ટીકાકારો ટીકા કરવા બેસશે. એટલે ભૂવાનો વિરોધ કરનારને આર્થિક પ્રગતિના-ટૂંકમાં, વિકાસના વિરોધી ગણીને તેમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ અદાલતે કહ્યું નથી, તેટલું ગનીમત છે.

ભૂવાનું ભવિષ્ય ઉજળું છે તેમાં કોઈ શંકા નથી. દેશનો મોટો હિસ્સો કોમી તનાવના ભૂવામાં પડ્યો હોય, ઘણીખરી બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા ભૂવામાં હોય, અર્થતંત્ર તો ભૂવામાં હોય જ, સતત વધતા ભાવને કારણે દેશના મોટા ભાગના લોકોનાં બજેટની સમતુલા ખોરવાઈને ભૂવામાં ઉતરી ગઈ હોય, પ્રસાર માધ્યમોની વિશ્વસનિયતા ભૂવા હોય... છતાં, કોઈનું રૂંવાડુંય ફરકતું નથી, તો રસ્તા પરના સ્થાનિક ભૂવાઓનું કોણ અને શું ઉખાડી લેવાનું હતું?

Friday, July 15, 2022

'મારી પત્રકારત્વ-લેખનની સફર' : પ્રકાશનના ચોવીસ કલાક પહેલાં

કેટલાંક કામ પૂર્વઆયોજિત હોય છે ને કેટલાંક આવી પડેલાં. પહેલેથી નક્કી કરી રાખેલાં કરવાનાં કામની મારી યાદી લાંબી છે. ઝડપથી ખૂટે એમ નથી. પરંતુ વર્ષ 2020માં એક કામ જૂનાં કામોની યાદી ચાતરીને, સીધું સામે આવી ગયું. 

પત્રકારત્વમાં પચીસ વર્ષ પૂરાં થયાં, તે નિમિત્તે બિનીત મોદીએ સૂચવ્યું કે મારે કંઈક લખવું. મને પણ થયું કે પચીસ વર્ષમાં અનેક દિશામાં અનેક પ્રકારનાં કામ થયાં છે. તેની એક યાદી બને તો સારું. કારણ કે ઘણાં કામ એવાં હતાં કે એક સાથે મને પણ યાદ ન આવે--યાદ કરવા જેવાં ને યાદ રાખવા જેવા હોવા છતાં. આમ, નિર્દોષભાવે, એવાં કામની અછડતી યાદી કરવાના ઇરાદા સાથે બ્લોગ લખવા બેઠો. તેમાં 'અભિયાન'કાળની (1995-96) કેટલીક તસવીરી યાદગીરી મૂકી અને બીજા ભાગમાં, 'અભિયાન'માંથી શું શીખવા મળ્યું તે થોડું લખ્યું. 

વિચાર્યું હતું કે દરેક કામ વિશે આવું એકાદબે ભાગમાં લખીને પૂરું કરી દઈશ.  પણ 'સંદેશ'ના સમય વિશે લખવાનું શરૂ કર્યું અને જે પ્રકારના પ્રતિભાવ મળવા માંડ્યા, તેનાથી લાગ્યું કે આગલા સ્ટેશને જવા માટે ઉપડેલી ગાડી એમ અટકે એવું લાગતું નથી. પછી 'સીટીલાઇફ' આવ્યું. વર્ષોથી સાચવી રાખેલી દસ્તાવેજી સામગ્રી, ડાયરી, નોંધો બધું એક પછી એક આવતું ગયું અને ગોઠવાતું ગયું. 

સામાન્ય રીતે કોઈ પત્રકાર પાસે હોય તેના કરતાં મારું દસ્તાવેજીકરણ બહુ મજબૂત. છતાં મને ખ્યાલ નહીં કે આટલી બધી સામગ્રી નીકળશે અને કટકે કટકે સળંગસૂત્ર દસ્તાવેજીકરણનો ઘાટ આવતો જશે. ધીમે ધીમે સફર આગળ વધતી ગઈ અને શરૂઆતના થોડા ભાગ પછી હું પણ લંબાણની ચિંતા મુકીને પૂરી ગંભીરતાથી અને લિજ્જતથી લખતો ગયો. લાંબું ન થઈ જાય તેની સભાનતા સતત હતી, તેમ અકારણ ટૂુંકું ન થઈ જાય તેની પણ ચીવટ રાખી. એમ કરતાં કુલ 49 ભાગ લખાયા. કુલ 90 હજારથી એક લાખ જેટલા શબ્દો થયા હશે. 

લેખમાળા પૂરી થયા પછી પચાસમો ભાગ મારી દસ્તાવેજીકરણની સફર વિશે લખ્યો (જે બ્લોગ પર વાંચી શકાશે). લેખશ્રેણીમાં દસ્તાવેજીકરણનો જે ઘાટ ઉપસ્યો, તેના પરથી એટલું તો સમજાયું કે આ પુસ્તકનો  મામલો છે. સાથોસાથ, એ પણ સમજાયું કે પુસ્તક કરતાં પહેલાં સારુંએવું કામ કરવું પડશે. કારણ કે લેખમાળામાં શરૂઆતથી સભાનતા ન હતી. એટલે 'અભિયાન' વિશે સાવ ટૂંકમાં પૂરું થઈ ગયું હતું.  પછીનાં પ્રકરણોમાં પણ ક્યાંક કાલાનુક્રમના પ્રશ્નો ધ્યાને આવ્યા હતા. ઉપરાંત ,દરેક ભાગના છેડે એક અધૂરી વાત મૂકીને, બીજા ભાગમાં અધૂરી વાતનું અનુસંધાન શરૂઆતના ત્રણ-ચાર ફકરા પછી આવે, એવું રાખ્યું હતું. પુસ્તકમાં માણસ સળંગ વાંચતો હોય, ત્યારે એવું ન ચાલે. 

થોડા સમય પછી પુસ્તકનું કામ હાથ પર લીધું ત્યારે વર્ષોથી બાકી રહેલાં પુસ્તકનાં કામ જાણે મારી સામે ડોળા કાઢતાં હોય એવું લાગતું હતું,પણ આ કામ પૂરું કર્યે જ પાર હતો. એવું પણ લાગ્યું કે ગુજરાતી પત્રકારત્વના બસોમાં વર્ષમાં  જુલાઈ 2022 પૂરો થતાં સુધીમાં પૂરું થઈ જાય તો સારું. એ પ્રમાણે આખી લખાયેલી શ્રેણીમાં ઘણો સમય આપ્યો. શરૂઆતનાં 'અભિયાન'નાં પ્રકરણ તો સાવ નવાં જ લખ્યાં. પછીનાં પ્રકરણોમાં નવેસરથી એડિટિંગ કર્યું. પરિણામે, મેટર જરા પણ કાપ્યા વિના, એડિટિંગના કારણે, (નવાં ચાર પ્રકરણ ઉમેર્યાં છતાં) પુસ્તકનાં કુલ 47 પ્રકરણ થયાં. તેનું પ્રૂફ અજિતભાઈ મકવાણાએ સરસ રીતે અને સમયસર કરી આપ્યું. 

પછી શરૂ થયું તેના ડિઝાઇનિંગનું કામ. 'આર્ટ મણિ'ના મિત્ર, મણિલાલ રાજપૂત સાથે અને તેમની ઓફિસે કામ કરતા તેમના ભત્રીજા રણજિત સાથે મનમેળ એવો છે કે કામનો જરાય બોજ ન લાગે. એટલે કામ સપાટાબંધ આગળ ચાલવા લાગ્યું. દરેક પ્રકરણમાં સમાવવાના હોય એવા ફોટોને હું અલગ ફોલ્ડરમાં સેવ કરતો હતો અથવા જરૂર લાગ્યે તો નવેસરથી સ્કેન કરીને મુકતો હતો. ફક્ત વિઝ્યુઅલ સામગ્રી ભેગી કરવાનું કામ ઘણા કલાક માગી લેનારું હતું. કારણ કે ભાગ્યે જ કોઈ પુસ્તકમાં હોય એટલા જથ્થામાં વિઝ્યુઅલ સામગ્રી હતી. પણ તે કામ કરતી વખતે જૂના સમયમાં જવાના આનંદને લીધે થાક લાગતો ન હતો. 

પુસ્તકનું કામ આગળ વધતું ગયું તેમ સમજાયું કે આ ફક્ત મારી કથા હોત તો તેને 'સાર્થક જલસો'ની જેમ બ્લેક એન્ડ વ્હાઇટમાં સહેલાઈથી છાપી શકાત, પણ મારી વાતની સાથોસાથ ગુજરાતી પત્રકારત્વના 1995-2005 સુધીના સમયગાળાનું તેમાં દસ્તાવેજીકરણ છે અને એ પણ ફક્ત શબ્દોસ્વરૂપે નહીં, વિઝ્યુઅલ સ્વરૂપે.  વ્યક્તિગત સિવાય ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસના એક નાનકડા ખંડના, અગાઉ કદી ન થયા હોય એવા દસ્તાવેજીકરણ તરીકે તેનું મહત્ત્વ મને સ્પષ્ટ દેખાયું. એટલે  મન કઠણ કરીને નક્કી કર્યું કે આખું પુસ્તક ફોર કલરમાં કરવું જોઈએ. 

એ જ રીતે, પુસ્તકનું કામ ક્યારે પૂરું થશે તેનો અંદાજ માંડ્યા પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવ્યો. એટલે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. તેનો છેલ્લો દિવસ આવતી કાલે (16 જુલાઇ, 2022) છે, જ્યારે સાંજે પોણા છ વાગ્યાથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એચ.ટી.પારેખ ઓડિટોરિયમમાં 'મારી પત્રકારત્વ-લેખનની સફર' પ્રકાશિત થશે. 

પત્રકારત્વ-લેખનની અત્યાર સુધીની સફરની જેમ પુસ્તક તૈયાર કરવાની સફર પણ પૂરો કસ કાઢનારી અને એવી જ રીતે, પૂરો સંતોષ આપનારી રહી છે. હવે પત્રકારત્વ-લેખનની સફર તો ચાલુ રહેશે, પણ પુસ્તકસર્જનની સફરનું છેલ્લું પ્રકરણ આવતી કાલે, ઘણા સ્નેહીમિત્રોની હાજરીમાં લખાશે. તેની માટે ઇંતેજારી અને સૌને આમંત્રણ. 

Sunday, July 03, 2022

સુરતમાં અસંતુષ્ટ-સંવાદ

કહેવતમાં સુરતના જમણની વાત હતી, પણ થોડા દિવસ પહેલાં સુરતનું શરણ સમાચારોમાં આવ્યું. સૌ જાણે છે તે પ્રમાણે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યોનું એક ટોળું સુરતના શરણે આવ્યું હતું. સદીઓ પહેલાં શિવાજીએ રાજકીય કારણોસર સુરત લુંટ્યું હતું. વર્તમાનકાળમાં શિવસેનાને લુંટવા માટે તેના ધારાસભ્યો સુરત આવ્યા. હવે અડધું કાઠિયાવાડ બનેલા સુરતે ધારાસભ્યોની સ્વર્ગ ભુલાવે એવી મહેમાનગતિ કરી-ન કરી, ત્યાં આખા ધણને આસામ હાંકી જવામાં આવ્યું. એટલે સુરતના યજમાનો પાસે તોતિંગ બિલની બાકી રકમ સિવાય ખાસ કંઈ રહ્યું નહીં.

યોગભ્રષ્ટ આત્માઓ માટે એમ કહેવાય છે કે તે બહુ પવિત્ર હોવા છતાં, એકાદ ભૂલની સજા તરીકે તેમને એક વાર પૃથ્વી પર મોકલવામાં આવે છે. એવી જ રીતે, શિવસેનાના પથભ્રષ્ટ ધારાસભ્યોને થોડા સમય જલસા જ કરવાના હોય. છતાં, કદાચ કોઈ નાનકડા પાપને કારણે તેમને થોડા સમય પૂરતું સુરતમાં અવતરવું પડ્યું હશે. સુરત એવું ખરાબ શહેર નથી કે ત્યાં આવવું સજારૂપ લાગે. પણ ગુજરાતમાં ટેકનિકલી દારૂબંધી છે અને સુરત ટેકનિકલી ગુજરાતમાં જ છે. કેટલાક જાણકારોના મતે, પથભ્રષ્ટ આત્માઓને ટેકનિકલ બાબતો નડી ગઈ હશે. એટલે તે ટૂંક સમયમાં આસામ જવા રવાના થઈ ગયા.

સાચું કારણ જે હોય તે, અટકળનો વિષય એ છે કે સુરતમાં રહેલા એ ધારાસભ્યો વચ્ચે અંદરોઅંદર કેવી વાતો થતી હશે? કેટલાક કાલ્પનિક સંવાદ.

આગેવાનઃ ભાઈઓબહેનોંઓંઓંઓં.

આગેવાનનો પીએઃ આપણે બધા ભાઈઓને જ ઉઠાવ્યા છે સાહેબ. બહેનો તો...

આગેવાનઃ (ખોંખારીને) પ્રિય ભાઈઓ, આખરે આપણે પહોંચ્યા ખરા.

સભ્ય-૧ : એંહ, વાત તો આપણે મંત્રીમંડળમાં પહોંચવાની થઈ હતી ને તમે સુરત પહોંચ્યાની ખુશાલી મનાવવા બેસી ગયા.

પીએઃ શાંતિ રાખો સાહેબો. શાંતિ રાખો.

સભ્ય-૨ : ખોટ્ટી વાત નહીં કરવાની. આપણે નીકળ્યા ત્યારે ફક્ત બેગ રાખવાની જ વાત થઈ હતી. શાંતિનું કોઈએ કહ્યું ન હતું. 

સભ્ય-૩ (આગેવાન તરફ જોઈને) : આને તમે સમજાવો. મોં સંભાળીને વાત કરે. આજે શાંતિ રાખવાની વાત કરે છે. કાલે ધીરજ રાખવાનું કહેશે. ધીરજ રાખવી હોત તો મુંબઈ શું ખોટું હતું? બીજું કશું નહીં તો, અત્યારે બાર તો ચાલુ હોત અને નિરાંતે દુઃખહર પીણાના ટેકે લોકશાહીની તંદુરસ્તીનું ચિંતન કરતા હોત.

આગેવાનઃ (પીએને, ખાલી ખાલી ખખડાવતાં) કેટલા વર્ષથી તું સર્વિસમાં છું? સાહેબો સાથે કેવી રીતે વાત થાય, એટલું ભાન નથી પડતું? (સભ્યો તરફ જોઈને) એનું તમારે બહુ મન પર ન લેવું.

સભ્ય-૩ : ઉદ્ધવ માટે પણ અમને એવું જ કહેવામાં આવતું હતું કે એનું તમારે બહુ મન પર ન લેવું. દરેક વાતની એક હદ હોય કે નહીં?

પીએઃ (ધીમેથી) તમારી માગણીઓની ક્યાં હદ છે?

આગેવાન પીએ તરફ જોઈને તેમને ચૂપ રહેવાનો ઇશારો કરે છે. પીએ ચૂપચાપ ખૂણામાં જઈને કશીક ખુસરપુસર કરે છે, એટલે થોડી વારમાં એક બોટલ હાજર થાય છે. પીએ તેમાંથી ગ્લાસ ભરીને હોઠે માંડે છે. એટલામાં—

સભ્ય-૧ : (તપાસના-પૂછપરછના ભાવથી) અલ્યા, શું કરે છે? 

સભ્ય-૨ : તેનો હોદ્દો સાર્થક કરી રહ્યો છે—તે પીએ છે.

સભ્ય-૩: તો આપણે ઘાસ કાપી રહ્યા છીએ? એ પીએ છે, તો આપણે સભ્ય છીએ.

સભ્ય-૧ : એ જ તો પ્રોબ્લેમ છે...આપણે સભ્ય છીએ ને લોકો આપણા વિશે કેવું કેવું ધારે છે.

આગેવાનઃ શાંતિ, શાંતિ. લોકો આપણા વિશે કેવું ધારે છે, એ વિચારવા બેસીએ તો રાજકારણમાં રહેવાય જ નહીં.

પી.એ. : લોકો જે ધારતા હોય તે સાચું હોય તો પણ, તેના વિશે વિચારવું ન જોઈએ. જાહેર જીવન કંઈ લજામણીના છોડ માટે થોડું છે? થોરિયા જેવા થવું પડે, સમજ્યા?...મને નવાઈ લાગે છે કે હજુ સુધી કોઈ પક્ષે થોરિયાનું સિમ્બોલ કેમ માગ્યું નહીં હોય? (આગેવાન તરફ જોઈને) આપણે સાહેબ અલગ પક્ષ રચવાનો થાય તો એ સિમ્બોલ વિશે વિચારી શકાય. કેમ લાગે છે આઇડીયા?

સભ્ય-૧ : એટલે આપણે સાહેબ નવો પક્ષ રચવાના? તો હું એનો ખજાનચી.

આગેવાનઃ હજુ જોતા જાવ. બહુ ખેલ બાકી છે. પણ છેલ્લે જીત સત્યની જ થશે.

સભ્ય -૧-૨-૩ : હાય હાય... સત્યની જીત થશે, તો આપણું શું થશે? તમે આવું અશુભ ન બોલો.

આગેવાનઃ તમે લોકો સમજતા નથી. એ તો એવું જ કહેવાય. કહેવાનું કે હું ગુનેગાર હોઉં તો મને ચાર રસ્તે ફાંસીએ લટકાવી દેજો. ને પોલીસ માત્ર પૂછપરછ કરવા આવે તો પણ ભાડૂતી લોકોને રસ્તા પર ઉતારીને કકળાટ મચાવી દેવાનો.

સભ્ય-૧ : અને સત્ય?

આગેવાનઃ સત્ય એટલે શું? એ તો સાપેક્ષ છે. મારું સત્ય અને તમારું સત્ય, તમારું સત્ય અને તમારા સાથીદારનું સત્ય, આપણું સત્ય અને સ્પીકરનું સત્ય, આપણા જૂના નેતાનું સત્ય ને નવા સાહેબનું સત્ય, રાજ્યપાલનું સત્ય ને મુખ્ય મંત્રીનું સત્ય અલગ અલગ હોઈ શકે છે. એટલે આપણી જીત થાય તો કહી દેવાનું કે સત્યની જીત થઈ.

સભ્ય-૨ : અને કોઈ કારણસર આપણા પાસા પોબાર ન પડે તો?

આગેવાનઃ તો કહી દેવાનું કે આખરે સત્યની જ જીત થશે, પણ હજી આખર ક્યાં આવી છે?

(સૌ કપડાં ઉતારીને...ના, ગૃહમાં નહીં...સ્વિમિંગ પુલમાં જાય છે)

Tuesday, June 28, 2022

સર્વોચ્ચ અદાલતના નામે

 (તંત્રીલેખ, ઇન્ડિયન એક્સપ્રેસ, 26 જૂન, 2022)

સુપ્રીમ કોર્ટ ન હોત તો ગુજરાતના 2002ના કેસોમાં ન્યાય હાથતાળી દેતો રહ્યો હોત. એટલે જ, (સુપ્રીમ કોર્ટનો) તાજેતરનો ચુકાદો અને પોલીસ દ્વારા થયેલો તેનો ઉપયોગ અકળાવનારા સવાલ ઊભા કરે છે.

ગુજરાતમાં 2002માં થયેલી કોમી હિંસાની લાંબી, ત્રાસદાયક અને હજુ ઉઘડી રહેલી ન્યાયપ્રક્રિયામાં સર્વોચ્ચ અદાલતે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ઘણા કિસ્સામાં તેના વચ્ચે પડવાને કારણે ન્યાયપ્રક્રિયાની ગાડી પાટા પર રહી છે, સત્તાધીશોના દબાણથી તે સલામત રહી છે. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને કારણે, હિંસાનો ભોગ બનેલા તેમ જ હિંસાનો ભોગ બન્યા પછી જીવિત રહેલા લોકો ન્યાયપ્રક્રિયાના નિષ્પક્ષ અને ન્યાયી અંતની આશા રાખી શક્યા છે. એ જ કારણથી શનિવારના રોજ થયેલી કર્મશીલ તિસ્તા સેતલવાડની અને ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડો ખેદજનક છે. તેમની વિરુદ્ધની એફઆઇઆરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તેના પરિશિષ્ટમાંથી ઘણી સામગ્રી ટાંકવામાં આવી છે.

શુક્રવારે સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના ઉચ્ચ સત્તાધીશો દ્વારા કોઈ વ્યાપક કાવતરું રચાયું હોવાના આરોપોનું ખંડન કર્યું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અપાયેલી ક્લીન ચિટને બહાલી આપી. આ કેસ નીકળી જ જવાનો હતો એ પહેલેથી નક્કી હતું, એવું કહી શકાય. કારણ કે કથિત કાવતરાબાજીનો છેડો છેક મુખ્ય મંત્રીની કચેરી સુધી પહોંચતો હોય એ પુરવાર કરવાનું બહુ કઠણ હતું. આ કેસ ન્યાયપાલિકામાં ટકી શકે એવા પુરાવાના જોરે નહીં, પણ હિંસામાં પાયમાલ થયેલાઓની વ્યથાને કારણે આટલે સુધી પહોંચ્યો હોઈ શકે. એ જ ચુકાદામાં જોકે સુપ્રીમ કોર્ટ ચિંતાજનક રીતે એક ડગલું આગળ વધી. તેના ચુકાદાના આધારે નોંધાયેલી એફઆઇઆરમાં અદાલતના ચુકાદામાંથી ટાંકવામાં આવેલો હિસ્સો આ પ્રમાણે હતોઃ આખરે, આ કેસ ગુજરાત રાજ્યના કેટલાક અસંતુષ્ટ અધિકારીઓએ બીજાઓ સાથે મળીને કરેલો સનસનાટી સર્જવાનો પ્રયાસ હોય એવું લાગે છે... (તેનો આશય) દેખીતી રીતે, ગુપ્ત યોજનાઓ પાર પાડવાના હેતુથી, ચરુ ઉકળતો રાખવા માટેનો... (જણાય છે)...પ્રક્રિયાના દુરુપયોગ સાથે સંકળાયેલા સૌ કોઈને અદાલતમાં ખડા કરીને તેમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ. આ ચુકાદો આવ્યાના બીજા દિવસે સવાલ છેઃ અદાલતના ચુકાદામાંથી લીટીઓ ઉપાડીને જે રીતે ઇરાદાપૂર્વક હેરાનગતિની શરૂઆત કરવામાં આવી છે, એ તરફ અદાલત આંખમીંચામણાં તો નહીં કરે. (નહીં કરે ને?)

શ્રીકુમાર અને સેતલવાડના કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. પરંતુ અદાલતના ચુકાદામાંથી ઉતારા લઈને કરાયેલી એફઆઇઆરમાં અને 2002ના કેસોમાં અરજદારોની પડખે ઊભા રહેલા લોકો સામે તત્કાળ પોલીસપગલાં લેવા ચુકાદો વપરાયો, તેમાં પ્રશ્નો તો છે. અદાલતે શુક્રવારે જે કહ્યું અને શનિવારે પોલીસે તેમાંથી પોતાનાં પગલાં માટે જે અર્થ લીધો, તેના કારણે અત્યાર સુધીની હકીકતનું જાણે શીર્ષાસન થઈ ગયું. આખરે, આ એ જ અદાલત હતી, જેણે 2002ની હિંસામાં ન્યાય થાય તે માટે સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાં લીધાં હતાં. તપાસમાં ગંભીર ક્ષતિના આરોપોના પગલે સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોની કાર્યવાહી અટકાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને સંવેદનશીલ કેસોની સુનવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને તેની કામગીરી પર દેખરેખ રાખી હતી. સુપ્રીમ કોર્ટે એ વાત પણ સુનિશ્ચિત કરી હતી કે કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવે, જેથી ન્યાય થઈ શકે. તેના વચ્ચે પડવાને કારણે ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોના આશરે બે હજાર કેસ નવેસરથી ખુલ્યા હતા. હકીકતમાં બે દાયકા પહેલાં થયેલી કોમી હિંસાના પીડિતો અને હિંસામાંથી જીવતા બચી ગયેલા લોકો માટે ન્યાય મેળવવાના કર્મશીલો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચ સહિતનાં સૌ કોઈના પ્રયાસોમાં સુપ્રીમ કોર્ટ જ કેન્દ્રસ્થાને હતી.

ગુજરાતમાં 2002ના કેસોમાંથી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા થયેલી ફરજચૂકના ગંભીર સવાલ ઊભા થયા હતા. (એવી સ્થિતિમાં) કોઈ એક કેસ નીકળી જાય, તે બાબત (2002ની) હિંસાની જવાબદારી નક્કી કરવાની અને ન્યાય મેળવવાની આખી લડત સામેના તળિયાઝાટક આરોપનામાની ભૂમિકા ન બનવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ વિચારવું જોઈએ કે એક ચોક્કસ કિસ્સામાં હિંસાનો ભોગ બનીને તેનો દરવાજો ખટખટાવનારાની અરજ ટકી શકી નહીં, તેના કારણે ન્યાયપ્રક્રિયાનું નાળચું અરજદારોની સામે તકાઈ જાય એ વાત, બંધારણીય પ્રક્રિયા અને મૂલ્યોના શાણપણભર્યા સંરક્ષક તરીકેની સુપ્રીમ કોર્ટની ભૂમિકાને અને તેના દરજ્જાને છાજે એવી છે કે નહીં. 


મૂળ અંગ્રેજી લેખની લિન્કઃ https://indianexpress.com/article/opinion/editorials/supreme-court-judicial-system-7992775/


Thursday, June 23, 2022

માથું ખંજવાળવા વિશે

કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા પછી, માથું શરીરનું મહત્ત્વનું-શીર્ષ અંગ હોવા વિશે શંકા જાગે. છતાં, તેમાં રહેલી સચ્ચાઈ નકારાયા એવી નથી. માથામાં જ મગજ આવેલું છે. માથા માટે મગજ છે કે મગજ માટે માથું?—એવો સવાલ કોઈ ફિલસૂફને થયો ન હોય તો હવે થશે. પણ કેટલીક બાબતોમાં માથું મગજ કરતાં ચડિયાતું છે, તે નિર્વિવાદ છે. સાબિતીઃ મગજ વિના ઘણાને ચાલી જાય છે, પણ માથા વિના કોઈને ચાલ્યું હોય એવું જાણ્યું નથી. બહાદુરીની જૂની દંતકથાઓમાં માથું પડ્યા પછી લડતાં ધડ વિશે સાંભળ્યું હતું. ન્યાયતંત્રની અત્યારની સ્થિતિ જોતાં, તે દંતકથાઓ પર વિશ્વાસ મુકવાનું એટલું અઘરું નથી. છતાં, સામાન્ય નિયમ લેખે કહી શકાય કે માથું છે તો માણસ છે.

અને માથું છે તો ખંજવાળ પણ છે. પીઠની ખંજવાળ સૌથી કઠણ ગણાય છે. એકબીજાની પીઠ ખંજવાળવાનો સાહિત્યજગતમાં ઘણો મહિમા છે, તેના કારણે એવું બન્યું હશે? ખબર નથી. તેની સરખામણીમાં માથાની ખંજવાળ સહેલી છે.

ના, અહીં માથાની ખંજવાળ મટાડવાનું સહેલું છે, એવો દાવો નથી. તેને સંતોષવાનું આસાન છે. કારણ કે માથું ખંજવાળવા માટે આપણા હાથને કાનૂનના હાથ જેટલા લાંબા કરવા પડતા નથી. સહેજ હાથ ઊંચો કર્યો-ન કર્યો, કોઈની નજર પડી-ન પડી, ત્યાં માથું ખંજવાળી લેવાય છે. બીજો માણસ ધ્યાનથી ન જોતો હોય તો તેને ખ્યાલ ન આવે કે સામેવાળાએ વાળ સરખા કર્યા કે માથું ખંજવાળ્યું.

ભાષાના આગ્રહીઓને એવો સવાલ થાય કે માણસ વાળ ખંજવાળે છે કે માથું? આ તો એવી વાત થઈ કે તમે સુરતમાં રહો છો કે ગુજરાતમાં? સવાલના ગંભીર જવાબ માટે તેના મૂળ સુધી જવું પડે અને તેના મૂળ સુધી જવા માટે વાળનાં મૂળ સુધી જવું પડે. તે સાથે જ સમજાઈ જશે કે વાળ ખંજવાળતાં અનાયાસે માથું ખંજવાળાઈ જાય છે. કારણ કે, સુરત ગુજરાતમાં-ગુજરાતના નકશા પર છે અને વાળ માથામાં-માથાની સપાટી પર છે.

માથામાં ખંજવાળ સામાજિક રીતભાત અને સભ્યતાની દૃષ્ટિે અશોભનીય ગણાય છે. જાહેરમાં વાળ ખંજવાળવાથી સામાજિક વિવેચકો ખંજવાળનાં કારણો વિશે અટકળો છૂટી મૂકે છેઃ માથામાં ખોડો થયો હશે. થાય જ ને. સ્વભાવ સાવ પિત્તળ છે તે...અથવા માથાની અંદરના ભાગમાં ઠાંસી ઠાંસીને ભરેલી દુષ્ટતા બહાર ઉભરાતી હશે. એટલે ખંજવાળ આવતી લાગે છે. અથવા માથામાં જૂઓ પડી હશે. બિચારી જૂઓને પણ જુઓ ને, ક્યાં ક્યાં પડવું પડે છે... કર્મના સિદ્ધાંતના અને કેરીના પ્રેમી કહી શકે છે, નક્કી એકલાં એકલાં કેરીઓ ખાધી હશે. પછી જૂઓ ના પડે તો શું થાય?

માથાની ખંજવાળ રોગ ગણાતી નથી. એટલે, તેની દવા આપનારા હજારો ડોક્ટર હોય છે. દરેક માણસ પાસે (બીજાના) માથાની ખંજવાળ શી રીતે દૂર થાય, તેના અકસીર ઇલાજો હોય છે. બસ, તે પોતાની ખંજવાળ દૂર કરી શકતા નથી. તેમ કરવા માટે તેમની નિષ્ફળતા નહીં, ઉદારતા કારણભૂત છે. તે પોતે પોતાની ખંજવાળ મટાડી દે, તો બીજાને તેમના ખંજવાળવિષયક જ્ઞાનની અજમાઈશ કરવાની તક ક્યાં મળે?

હું ક્યાં કોઈ દિવસ જૂઠું બોલું છું. એવું કહેતા જૂઠ્ઠાઓની જેમ, કેટલાક તો વળી પોતાનું માથું ખંજવાળતાં ખંજવાળતાં બીજાએ તેમની માથાની ખંજવાળ શી રીતે મટાડવી, તેની સલાહ આત્મવિશ્વાસપૂર્વક આપતા હોય છે. તે વિરોધાભાસ પ્રત્યે કોઈ તેમનું ધ્યાન દોરે, ત્યારે તે વ્યથિત થઈને કહી શકે છે, જોયું? ભલાઈનો જમાનો જ નથી રહ્યો. કોઈનું સારું કરવા જઈએ તો આભાર માનવાને બદલે ઉલટા આપણી સામે આંગળી ચીંધે છે. શું કહેવું આ પ્રજાને?

આ કે તે, એકેય પ્રજાને કશું કહી શકાતું નથી. એટલે ખંજવાળ અને ખંજવાળ મટાડવાના નુસખાનો ઉપદેશ આપવાની ખંજવાળ અવિરત ચાલતાં રહે છે. ઘણા લોકો એટલી જોરથી માથું ખંજવાળતા હોય છે કે તે ક્યાંક અંદર સુધી પહોંચી ન જાયએવી બીક લાગે છે. બીજા કેટલાક તેમના નુસખાથી માથાની ખંજવાળ મટી જવાની ખાતરી એટલા ભારપૂર્વક આપે છે કે તેનાથી ખંજવાળ ભેગું ક્યાંક માથું પણ ન જતું રહે, એવી આશંકા જાગે છે. 

બગાસું ખાવાની, આળસ મરડવાની કે ઉંઘી જવાની પ્રક્રિયા જેમ શારીરિક ઉપરાંતના અર્થો ધરાવે છે, એવું જ માથું ખંજવાળવાનું પણ કહી શકાય. કોઈની વાત સાંભળતી વખતે માથું ખંજવાળવાથી એવી છાપ પડે છે કે સામેવાળાની વાત મગજમાં ઉતરી રહી નથી. કદાચ થોડું માથું ખંજવાળીએ તો સામેવાળાની વાત માટે અંદર ઉતરવાનો રસ્તો થાય. મૂંઝાઈને માથું ખંજવાળવું એ સામેવાળાની વાતને અઘરી, ગુંચવાડાભરી કે વિચિત્ર જાહેર કરવાનો અહિંસક રસ્તો હોઈ શકે છે.

દેશમાં અત્યારે લોકશાહીના નામે શું ચાલી રહ્યું છે? એવો સવાલ કોઈને પૂછી જોજો. માણસ સારાખરાબની સમજવાળો-સંવેદનશીલ હશે તો તે માથું ખંજવાળવા લાગશે અને એ રીતે નહીં બોલીને જાહેર કરશે કે કંઈ સમજાય એવું-કંઈ બોલાય એવું નથી. તેનો બીજો અર્થ એ પણ નીકળે કે ખંજવાળવા માટે માથું હેમખેમ રાખવું હોય તો એ સવાલની ચર્ચા નહીં કરવામાં સાર છે.

જૂની કહેવત હતીઃ સર સલામત તો પઘડીયાં બહોત. હવે પાઘડીઓ ભલે ન રહી, ખંજવાળ તો છે. એટલે કહી શકાયઃ સર સલામત તો ખંજવાળ બહોત.

Tuesday, June 14, 2022

શેરડીનો રસાસ્વાદ

સંત કબીરે—ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતેલખ્યું હતું કે બિચારા ગોરસ (માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું પડે છે, જ્યારે મદિરાવાળાને એ મહેનત કરવાની જરૂર નથી. લોકો તેને શોધતા આવી ચઢે છે. કળી યુગમાં ગોરસ હવે અમુલનાં પેકેટમાં અને દુકાનમાં જ વેચાય છે. ગરજાઉ લોકોએ તેને ખરીદવા જવું પડે છે, પણ શેરડીના રસ જેવું દિવ્ય પીણું વેચનારે ઘરે ઘરે ફરવું પડે છે. બધે કદાચ એવો રિવાજ ન હોય, પણ ઘણા ઠેકાણે શેરડીનાં હરતાંફરતાં રસઘર જોવા મળે છે.

વર્ષો સુધી શેરડીનો રસ યાદ કરતાં શેરડી પીલવાના હાથથી ચલાવવાના સંચા (કોલાં) અને તેની સાથે બાંધેલો ઘુઘરીઓનો રણકાર યાદ આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી એ મધુર રણકારનું સ્થાન ડીઝલ એન્જિનની ધમધમાટીએ લીધું છે. પહેલાં ડીઝલ એન્જિનનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા માટે થતો હતો. હવે તે શેરડીમાંથી રસ ખેંચવા માટે વપરાય છે.

પહેલાં શેરડીનો રસ કાઢવાની શાસ્ત્રીય પ્રક્રિયા હતી—રેકોર્ડ પ્લેયર પર રેકોર્ડ મુકવા જેવી. તે લોખંડનું મોટું ચક્ર, તેને ફેરવવાનો હાથો, વચ્ચે ફરતા બે કાળમીંઢ નળાકાર—આમ તો આખો મામલો ઔદ્યોગિક સંસ્કૃતિની યાદ અપાવે એવો શુષ્ક અને યાંત્રિક હોય, પણ તેમાં વચ્ચે શેરડીના સાંઠા દાખલ થતાં જ કૃષિ સંસ્કૃતિની મહેક આવવા માંડતી હતી. ઓર્ગેનિક શબ્દ ત્યારે ફક્ત કેમિસ્ટ્રી માટે વપરાતો હતો. એટલે સંચાવાળા તેમના રસને ઓર્ગેનિક તરીકે ઓળખાવીને વધારે રૂપિયા ખંખેરતા ન હતા અને હાઇજેનિક તરીકે ઓળખાવીને લૂંટફાટ ચલાવતા ન હતા. બાકી, કેટલાક નામીચાં રેસ્ટોરાંમાં શેરડીના રસના એક પ્યાલાનો ભાવ વાંચ્યા પછી સવાલ થાય કે આ લોકો રસની સાથે રસ કાઢવાનું મશીન મફત આપતા હશે કે શું?

વર્તમાન સમયમાં જેવી અંતિમવાદની બોલબાલા અગાઉ હોત તો વીગન લોકો શેરડીના રસ સામે વાંધો પાડી શકત. સાંઠાને નિર્મમ રીતે પીલી નાખવાની સાંકેતિક હિંસા ઓછી લાગતી હોય, એવા લોકો કહેત, સંચાની આજુબાજુ કેટલી બધી માખીઓ બણબણે છે. તેમાંની એકાદ પણ વચ્ચે આવી ગઈ તો? આપણને શી ખબર પડે?’

વિચારધારાને કદી એકલા સોરવતું નથી. એટલે આ પ્રકારના લોકો શેરડીના રસના બહિષ્કારની ઝુંબેશ ચલાવત અને શેરડી ઉગાડવામાં કેટલું પાણી વેડફાય છે અને અમુકતમુક પ્રાંતમાં લોકો પાણીના અભાવે કેવા ટળવળે છે તે વિશે, રસના સંચાની સામે ઊભા રહીને, લોકોને જાગ્રત કરતા હોત—અને શક્ય છે કે, રસ પીવા આવનારામાંથી કોઈ વધારે સલુકાઈથી તેમને સમજાવત તો તેમાંથી કેટલાક લોકો એક પ્યાલો રસ પીને ઘરભેગા થઈ જાત.

સારું છે, શેરડીનો રસ ચર્ચવાનો નહીં, પીવાનો અને માણવાનો મામલો છે. સાહિત્યના વિદ્યાર્થીઓએ શેરડીના રસ સાથે કલાપીની કવિતા ગ્રામ્યમાતા પૂરતો જ સંબંધ રાખવો પડે છે, તેમાં વિદ્યાર્થીઓનું અને ખાસ તો શેરડીના રસનું હિત છે. બાકી, ગ્રામ્યમાતાને બદલે શેરડીના રસનું વિવેચન શરૂ થાય તો?

સૌથી પહેલાં તેને લોકપ્રિય કહીને તેના પ્રત્યે છૂપો કે પ્રગટ તુચ્છકાર વ્યક્ત કરવામાં આવે અને તેના રસાસ્વાદ-વિવેચનમાં સમય બગાડવાની કશી જરૂર નથી, એવું સિદ્ધ કરવામાં આવે. બહુ દબાણ થાય તો પછી શેરડીના રસને સાહિત્યના કયા યુગમાં મુકવો, તેના વિશે ચર્ચા કરવી પડે. શેરડીના રસનું યુગનિર્ધારણ જેવા બે-ચાર સેમિનાર કર્યા પછી ને તે સેમિનારોના અંતે તેમાં રખાયેલા ભોજન સિવાય બીજા કોઈ વિષય પર વિગતે ચર્ચા ન થવાથી, થોડા ખંતીલા લોકો યુગનિર્ધારણનું કામ હાથ પર લે ને પંડિત યુગથી શરૂ કરીને અનુઆધુનિક યુગમાં શેરડીને ગોઠવવાનો પ્રયત્ન કરી જુએ. ચર્ચાની શરૂઆત સ્વાભાવિક રીતે જ, શેરડી ભારતમાં ક્યાંથી આવી અને સુધારક યુગમાં રસ કાઢવાના સંચા હતા કે નહીં, ત્યાંથી થાય.

પછી તેમને કોઈ સમજાવે કે સાહેબો, યુગનિર્ધારણ તમતમારે કર્યે રાખજો, પણ પહેલાં રસ પીને સ્વાદનિર્ધારણ તો કરો. એટલે સાહેબલોકો કોઈ સાહિત્ય સંસ્થાની બહાર રહેલા શેરડીના રસની દુકાને જાય, જ્યાં સાહિત્યસંસ્થા કરતાં વધારે લોકો આવતા હોય. તે જોઈને સાહેબોને હાશ થાય કે જ્યાં સુધી શેરડીના સંચે આવે છે એટલા ટોળાબંધ લોકો સાહિત્ય સંસ્થામાં નથી આવતા, ત્યાં સુધી સાહિત્ય લોકપ્રિયતાની માઠી અસરોથી સલામત છે.

રસેચ્છુકોમાંથી બહારની દુનિયા સાથે પનારો પાડી જાણતા એક જણ કોને કયા પ્રકારનો રસ જોઈશે તેની પૂછપરછ કરે, તો તેમને ગૂંચવાડો થઈ શકે. કેમ કે, શેરડીના રસવાળાને બે પંડિત, એક ગાધી, ત્રણ આધુનિક ને અક અનુઆધુનિક રસ આપજે—એવું કહેવાય નહીં. ક્યારેક એવું પણ બને કે આદતવશ રસવાળાને એવો ઓર્ડર આપી દીધો, તો શેરડીનો સંચો ચલાવનાર જણ તેમને કહે, સાહેબો, શેરડીનો રસમાં યુગવિભાજનથી સૌંદર્યબોધ નિષ્પન્ન નહીં થાય. તેના માટે તમારે માપદંડો અને વિવેચનનાં ઓજાર બદલવાં પડશે. યુગલક્ષીને બદલે કૃતિલક્ષી અભિગમ અપનાવવો પડશે.

આ ભાષા સાંભળીને ચકિત થયેલા સાહેબો વધુ પૂછપરછ કરે, તે પહેલાં રસવાળો ઉપસ્થિત સાહેબોમાંથી એકાદને કહેશે, સાહેબ, ભૂલી ગયા? હું તમારો જ વિદ્યાર્થી હતો, પણ નોકરી માટે આપવાના થતા પચીસ-પચાસ લાખ રૂપિયા ક્યાંથી કાઢવા. એટલે આ સંચો શરૂ કર્યો છે. તમારે એકના એક કૂચા વર્ષોવર્ષ ચાલે. મારે તો સાહેબ દર વખતે નવી શેરડી નાખવી પડે છે. પણ તમારા આશીર્વાદથી ધંધો સારો ચાલે છે.

 --અને રસાસ્વાદને બાજુએ મૂકીને ક્ષેત્રવિવેચન શરૂ થઈ જાય.

Tuesday, June 07, 2022

ટાળો કંટાળો

ભગવાન બુદ્ધે ગૌતમીને નકામી ગૂંચવી મારી. મૃત પુત્રને જીવતો કરવાની વિનંતી સાથે પહોંચેલી ગૌતમીને તેમણે કહ્યું હતું, જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય, ત્યાંથી દાણા લઈ આવ. એને બદલે બુદ્ધે કહ્યું હોત કે જે ઘરમાં કોઈ માણસને કદી કંટાળો ન આવ્યો હોય, ત્યાંથી દાણા લઈ આવ તો પણ તેમનું કામ થઈ ગયું હોત. કારણ કે, જે જન્મે છે, તે મરે છે—એટલી જ અફર હકીકત છે કે, જે જન્મે છે, તે સૌ ક્યારેક અચૂક કંટાળે છે.

કંટાળો ઐચ્છિક પ્રવૃત્તિ નથી. મૃત્યુ નહીં પામવાની જેમ, નહી કંટાળવાનું પણ માણસના હાથમાં હોતું નથી. કોઈ એવું થોડું વિચારે કે ચાલો, કંટાળીએ. અથવા હમણાંથી કંટાળ્યે બહુ વખત થઈ ગયો છે. હવે કંટાળવું પડશે. પ્રેમ માટે ફિલ્મી કવિ કહે છે કે તે કિયા નહીં જાતા, હો જાતા હૈ. કંટાળા માટે પણ એ સાચું છે. તેને લાવવો પડતો નથી. તે વણનોતર્યો આવી ચડે છે. તે દૃષ્ટિએ કંટાળો આત્મનિર્ભર હોય છે. તેમાં કેમ? શું? કેવી રીતે? મને જ કેમ?—એવા સવાલો અપ્રસ્તુત છે. ફિલ્મી ગીતમાં અને હિંદી ભાષામાં પણ થોડી છૂટછાટ લઈને ગાઈ શકાય, દુનિયામેં હમ આયે હૈં તો કંટાળના હી પડેગા”.

કંટાળો અનેક રીતે આવી શકેઃ બહુ આનંદમાં-સુખમાં રહેવાથી કંટાળો આવે, બહુ દુઃખમાં રહેવાથી કંટાળો આવે, મધ્યમ સ્થિતિમાં રહેવાથી કંટાળો આવે અને રોજેરોજ સ્થિતિ બદલાયા કરતી હોય, તેનો પણ કંટાળો આવી શકે. ટૂંકમાં, જે જેમ છે, તેમ હોવા માત્રથી કંટાળો આવી શકે. આવો કંટાળો નિર્દોષ અને સામાન્ય હોય છે. તેની કોઈ નોંધ લેતું નથી કે નોંધ લેવડાવતું નથી. કેમ? સીધી વાત છે. એવી નોંધ લેવા-લેવડાવવાનો કંટાળો આવે છે, એટલે.

કંટાળો ક્યાં આવે છે? તેવા સવાલનો જવાબ શોધતાં માલૂમ પડે છે કે કંટાળો હાથમાં (લખવાનો) આવે, પગમાં (ઉભા રહેવાનો-ચાલવાનો-દોડવાનો) આવે, મોંમાં (ખાવાનો) આવે, આંખમાં (જોવા-વાંચવાનો) આવે, પણ સૌથી મોટો ને ખતરનાક કંટાળો મનમાં આવે છે. એક વાર તે મનમાં ઘૂસ્યા પછી ધીમે ધીમે શરીરનાં બધાં અંગો પર કબજો જમાવતો જાય છે અને થોડી વારમાં તો એવું લાગે છે, જાણે શરીરના અણુએ અણુમાં, રોમેરોમમાં ચૈતન્યને બદલે કંટાળો સમાયેલો હોય અને તે બહાર આવીને, બીજાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરતો હોય.

કોઈ માણસ કંટાળેલો છે કે નહીં, તે નક્કી કરવું ક્યારેક સહેલું છે ને ક્યારેક અઘરું. કેટલાક લોકો પોતાના કંટાળાને, નામ આગળ લગાડાતા પદ્મશ્રી જેવા લટકણિયાની માફક, છાતી પર લટકાવેલો રાખે છે. કોઈ દૂરથી તેમને જુએ તો પણ ખ્યાલ આવી જાય કે આ કંટાળેલો આત્મા લાગે છે. તળાવમાં પથરાતી લીલની ચાદરની જેમ, તેના આખા ચહેરા પર કંટાળાની ચાદર પથરાઈ ગઈ હોય છે.

કેટલાક ખેપાની વ્યૂહબાજો છાતી પર લટકાવેલા કંટાળાનો હથિયારની જેમ ઉપયોગ કરે છે. બલ્કે, હથિયાર તરીકે વાપરવા માટે જ તે સાચો-ખોટો કંટાળો છાતી પર ટાંગીને ફરતા હોય છે. કોઈ પણ માણસ થોડી વાત કરે, એકાદ કવિતા સંભળાવે કે કોઈ ફિલ્મનો રિવ્યુ આપવાનું ચાલુ કરે, એટલે તેના ચહેરા પર પથરાયેલો કંટાળો વધારે ઘટ્ટ સ્વરૂપ ધારણ કરવા લાગે છે. પાયલ ને ઘાયલની જેમ એવા કંટાળેલ છુપ્યા છૂપાતા નથી. તે પોતાનું નિવેદન સ્પષ્ટ કરવા માટે વચ્ચે વચ્ચે એકાદ મોટું બગાસું પણ ખાઈ લે છે.

કંટાળાના કોઈ દેવતા હોય તો બગાસાને અચૂક તેમના હથિયાર તરીકે સ્થાપી શકાય. ગમે તેટલા નકામા ભાષણ કે કવિતા કે વાર્તાલાપ વિશે તત્કાળ અને અસરકારક રીતે કંટાળો વ્યક્ત કરવો હોય તો તેનો ટૂંકામાં ટૂંકો અને સૌથી સચોટ રસ્તો મોટેથી બગાસું ખાવાનો છે. એક અર્થમાં તે કુદરતી અને શારીરિક ક્રિયા ખરી, પણ ચોક્કસ સંજોગોમા તે કૃતિવિવેચનનો પ્રકાર બની રહે છે.

કાર્યક્ષમ લોકોને કંટાળા પ્રત્યે અને કંટાળતા લોકો માટે બહુ ખીજ હોય છે. તે લોકો કાર્યક્ષમતાના મહિમામાં સાનભાન ભૂલીને કંટાળા તથા કામગીરી વચ્ચેનો મરઘી અને ઇંડા જેવો સંબંધ સમજી શકતા નથી. તેમને લાગે છે કે આ લોકો કામ નથી કરતા, એટલે કંટાળેલા રહે છે. હકીકતમાં, તે લોકો કંટાળેલા હોવાથી, કામ કરવાનો ઉત્સાહ બતાવી શકતા નથી.

સંસ્કૃતમાં એ મતલબનું સુભાષિત હતું કે ભૂખ્યો માણસ શાં પાપ નથી કરતો. એ વાત કંટાળેલા મનુષ્યને પણ આબાદ લાગુ પડે છે. કંટાળેલો માણસ કે કંટાળાના આક્રમણ સામે ઝઝૂમી રહેલો માણસ પોતાની જીત અને કંટાળાની હાર માટે ગમે તેવું ખાવાનું ખાઈ શકે છે, ગમે તેવાં ભંગાર પિક્ચરો જોઈ શકે છે, ત્રાસદાયક ભાષણો હોંશે હોંશે સાંભળી શકે છે, ગમે તેવા નકામા માણસની સોબત કરી શકે છે, લોકોના હિતનું સત્યાનાશ વાળનારાને જૂઠા લોકોને મત આપી શકે છે. કારણ કે, યોગ્ય દિશામાં સક્રિય થવાનો-યોગ્ય કામ કરવાનો તેમને કંટાળો આવે છે.

કેટલાક લોકો એટલા બધા કાર્યક્ષમ હોય છે કે તેમની કાર્યક્ષમતા વિશે સાંભળવા માત્રથી કંટાળો આવે. અને કેટલાક લોકો એવી રીતે કાર્યક્ષમ હોય છે કે આપણને થાય, એ થોડા કંટાળતા હોત અને આરામ કરતા હોત, તો કદાચ દેશનું વધારે ભલું થાત.