Tuesday, October 17, 2023
ફિલિસ્ટાઇન્સ એન્ડ ફેરિસીઝ (અસંસ્કારી અને કટ્ટર) : મુકુલ કેસવન
મૂળ લેખ ધ ટેલીગ્રાફ, 15-10-23
હમાસ એ પેલેસ્ટાઇની રાષ્ટ્રવાદનો પાશવી, ઇસ્લામી ગુણવિકાર છે. તે સત્તાવાર રીતે ઇઝરાઇલના નિકંદન માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાઇલને તે ‘યહુદીવાદી એકમ’ (ઝાયનિસ્ટ એન્ટાઇટી) ગણે છે. હમાસનું બાકાયદા સૈન્ય ન કહેવાય એવું દળ તક મળે ત્યારે ઇઝરાઇલ સામે ગેરીલા યુદ્ધ આદરે છે. વ્યૂહાત્મક ઊંડાણની રીતે ગાઝા માંડ એક શોપિંગ મોલ જેવું છે. સુસજ્જ સૈન્ય ધરાવતી સરકાર જેવી ગરીમાાનો અભરખો હમાસ રાખી શકે તેમ નથી. ઘેરાબદ્ધ પ્રદેશમાં તે માન્યતા વગરનું રાજ ચલાવે છે. હમાસ સંરક્ષણ પૂરું પાડવાનું તરકટ, સમાજકલ્યાણ માટેનું સંગઠન, મુક્તિચળવળ અને આતંકવાદી ટોળકી—આ બધું જ છે. ગાઝા વિશ્વની સૌથી મોટી ખુલ્લી જેલ હોય, તો હમાસ તે જેલનું જાતે બની બેઠેલું ટ્રસ્ટી છે અને ઇઝરાઇલ તે જેલનું વોર્ડન.
ઇઝરાઇલ યહૂદીવાદી (ઝાયનિસ્ટ) રાષ્ટ્રવાદનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેના કબજામાં રહેલા પ્રદેશ પરનો તેનો દાવો એ માન્યતા પર આધારિત છે કે તે પ્રદેશ યહુદીઓનું રાષ્ટ્રીય વતન હોવું જોઈએ. કારણ કે, પ્રાચીન કાળમાં તેમના વડવાઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દાવો ફક્ત વિચારધારાકીય નથી. દોઢેક સદીથી યહુદીવાદી યહુદીઓ પેલેસ્ટાઇન/ઇઝરાઇલને તેમનું વતન ગણીને ત્યાં સ્થળાંતર કરતા રહ્યા છે. અગાઉના પેલેસ્ટાઇનમાં યહુદીઓની નાનકડી વસ્તીની સતત રહી હતી, એ બાબતને યહુદીવાદીઓ તેમના દાવાના સમર્થનમાં ટાંકતા હતા.
બીજા વિશ્વયુદ્ધ વખતે થયેલા યહૂદીસંહારની કરુણતામાંથી અને યુરોપની વચ્ચોવચ થયેલા યહૂદીસંહાર અંગે પશ્ચિમી દેશોની ગુનાઈત લાગણીમાંથી યહૂદીઓનો ઇઝરાઇલ પરના અધિકાર ફૂલ્યોફૂલ્યો. જર્મનીના બ્રેન્ડનબર્ગ ગેટ કે બ્રિટનના વડાપ્રધાનના નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ પર કદી પેલેસ્ટાઇનના ધ્વજના રંગ છવાયેલા જોવા નહીં મળે. યહૂદી જનસંહારની સ્મૃતિને કારણે, ઇઝરાઇલીઓ દ્વારા થતી પેલેસ્ટાઇનીઓની હત્યા એટલી અધમ અને નઠારી નથી લાગતી, જેટલી પેલેસ્ટાઇનીઓ દ્વારા થતી ઇઝરાઇલીઓની હત્યા લાગે છે.
પશ્ચિમી સરકારોનું એ કાયમી-સ્વીકૃત વલણ છે કે એક રાષ્ટ્ર તરીકે ઇઝરાઇલ પર અપ્રમાણસરની હિંસાનો આરોપ મુકી શકાય, પણ તેને કદી ત્રાસવાદી ન ગણાય. કારણ કે, ઇઝરાઇલનું શિસ્તબદ્ધ સૈન્ય ત્રાસવાદનો જવાબ વિવેકપૂર્વકની હિંસાથી આપે છે. ઇઝરાઇલના સ્વરક્ષણના અધિકારને કારણે અજાણતાં નિર્દોષો માર્યા જાય એવું બને, પણ તે કદી ત્રાસવાદી અત્યાચાર ન હોઈ શકે. સ્વરક્ષણની કાર્યવાહીમાં જ્યાંના નિર્દોષો અજાણતાં માર્યા જાય છે, એ પ્રદેશ તો લડાકુ ટોળકીઓનો છે. તે ટોળકીઓ નાગરિકો અને સૈનિકો વચ્ચે ફરક પાડતા બીજા શિસ્તબદ્ધ દેશના નાગરિકો પર જાણી જોઈને હુમલા કરે છે. માટે, ઇઝરાઇલની હિંસા અને પેલેસ્ટાઇનની હિંસાની નૈતિક રીતે કદી તુલના કરી શકાય નહીં. કારણ કે, ઇઝરાઇલની હિંસા તો હંમેશાં પેલેસ્ટાઇનના વણનોતર્યા ઉત્પાતનો વાજબી જવાબ (સ્વરક્ષણનો અધિકાર) જ હોવાની.
ઐતિહાસિક દૃષ્ટિએ આ વલણનું સમર્થન કરવું કઠણ છે. કેમ કે, પેલેસ્ટાઇનની હિંસા વણનોતરી-કશી ઉશ્કેરણી વિના થયેલી નથી. આધુનિક સમયમાં એક દેશે બીજા પર સૌથી લાંબા સમય સુધી કબજો જમાવી રાખ્યો હોય એવાં ઉદાહરણોમાં ઇઝરાઇલે પેલેસ્વેટાઇન પર જમાવેલા કબજાનો સમાવેશ થાય છે. ઇઝરાઇલે પચાવી પાડેલી જગ્યાનો સતત વિસ્તાર થતો રહ્યો છે. પેલેસ્ટાઇન માટે અલગ ફાળવેલી જમીન પર સતત યહૂદી વસાહતો ઊભી કરવામાં આવી છે, જેથી પેલેસ્ટાઇન ઊભું કરી શકાય એવી કોઈ સળંગ જગ્યા ન બચે. જમીનની આ ચોરીથી પેલેસ્ટાઇનના લોકોની આજીવિકા ખતમ થઈ ગઈ છે. આ પ્રકારે તેમની નાગરિકતા ખતમ થવાને કારણે તેમની હાલત ગુલામો જેવી બની છે. જેરુસલેમના પૂર્વ હિસ્સા પરનો તેમનો દાવો પણ તેમની પાસેથી સતત ખાલી કરાવાતી જગ્યાઓને કારણે ઉત્તરોત્તર નબળો પડી રહ્યો છે. કટ્ટર જમણેરી ચળવળો, વસાહતીઓ અને રૂઢિચુસ્ત અંતિમવાદીઓ જેરુસલેમની પવિત્ર ભૂમિની યથાસ્થિતિને સતત પડકારી રહ્યા છે. ઇઝરાઇલના આ પ્રકારના કબજાને કારણે ઉશ્કેરણીનો એવો સિલસિલો ઊભો થાય છે, જે ઇઝરાઇલી રાજની પેલેસ્ટાઇની પ્રજાએ રોજેરોજ વેઠવો પડે છે અને એ પણ ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર.
ઇઝરાઇલીઓ સમુહ વસાહતો (કિબુત્ઝ) પર હમાસનો હુમલો ઉશ્કેરણીનું પરિણામ હતો અને આસુરી હતો. (પરંતુ) માનવપાત્રો ફક્ત તે જે પરિસ્થિતિમાં મુકાયાં હોય, તેનાં લક્ષણરૂપ નથી હોતાં. હમાસના યોદ્ધાઓનો નિર્ણય હતો; તે મહિલાઓને, બાળકોને, નિહથ્થા નાગરિકોને ન મારવાની પસંદગી કરી શક્યા હોત. એવી જ રીતે, ઇઝરાઇલના સૈન્યનો જવાબ પણ ઉશ્કેરણીનું પરિણામ હતો અને આસુરી હતો. સરવાળે તે હમાસના ખરાબમાં ખરાબ પ્રયાસ કરતાં પણ વધારે આસુરી હોવાનો. કારણ કે ઇઝરાઇલનો શસ્ત્રભંડાર આધુનિક છે. હવાઈ મોરચે તેનું વર્ચસ્વ સંપૂર્ણ છે અને (પેલેસ્ટાઇનના) લગભગ વીસ લાખ લોકો બીજે ક્યાંય જઈ ન શકાય એવી રીતે, જમીનની સાંકડી પટ્ટીમાં કેદ છે. ઇઝરાઇલના લશ્કરના એક જનરલે કહ્યું હતું કે બોમ્બમારા વખતે ચોક્સાઈને બદલે મહત્તમ નુકસાન અને વિનાશને પસંદગી આપવામાં આવશે. બીજા જનરલે ગાઝાના લોકો સાથે ‘હ્યુમન એનિમલ્સ’ (માનવપશુઓ) જેવો વ્યવહાર કરવાનું વચન આપ્યું.
ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષના ઇતિહાસમાં ઇઝરાઇલે દસ ગણા વધારે પેલેસ્ટાઇનીઓને માર્યા છે. આંકડાકીય દૃષ્ટિએ તો, પેલેસ્ટાઇનીઓની યાતના અને ઇઝરાઇલના અત્યાચારનો કેસ બને છે—સિવાય કે તમે એવું માનતા હો કે માર્યા ગયેલા બધા પેલેસ્ટાઇનીઓ ત્રાસવાદી, ત્રાસવાદીના સાથી કે ત્રાસવાદીઓ દ્વારા ઢાલ તરીકે વપરાયેલા લોકો હતા. એટલે કે, આ લખાય છે ત્યારે ઇઝરાઇલના ગાઝા પરના હવાઈ હુમલામાં માર્યા ગયેલાં 500 બાળકો અને 276 મહિલાઓ જેવાં. અડધી સદીના ઇતિહાસમાં પહેલી વાર સેંકડો ઇઝરાઇલીઓ માર્યા ગયા છે અને તેની સરકાર તથા ઉચ્ચ અફસરોએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પણ મૃત્યુઆંકને સરભર કરી દેશે. ગાઝામાં વસ્તીની ગીચતા જોતાં તો એ બહુ ઝડપથી થઈ જવું જોઈએ. ગાઝા પર બોમ્બમારો કરવો એ પીપડામાં તરતી માછલીને ઠાર કરવા જેવું (સહેલું) છે.
![]() |
ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં કોના પક્ષે કેટલી ખુવારીઃ આ લેખથી અલગ, ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રગટ થયેલો, પણ આ લેખના મુદ્દા સાથે સીધો સંબંધ ધરાવતો આલેખ |
બ્રિટનના ‘ધ ટેલીગ્રાફ’માં ઇઝરાઇલ દ્વારા થનારા અત્યાચારોને ધ્યાનમાં રાખીને એક આક્રમક લેખ પ્રગટ થયો હતો. તેમાં જણાવાયું હતું, ‘બેશક, પ્રચંડ બળપ્રયોગ પ્રક્રિયાની દૃષ્ટિએ હંમેશાં ચોખ્ખો રહી શકતો નથી. એવા બળપ્રયોગનાં પરિણામ વખતે નેરેટીવની અને પીઆરની--એટલે કે, બળપ્રયોગનાં પરિણામોને કારણે થતા ઉહાપોહની અને તે વખતે છબી જાળવી રાખવાની--મુશ્કેલીઓ આવશે. એટલા માટે જ, ઇઝરાઇલને પશ્ચિમી સરકારોની સમજદારીની અને તેમના ટેકાની ક્યારેય ન હતી એટલી જરૂર અત્યારે છે.’ જાણે સંકેતની જ રાહ જોતા હોય તેમ, અમેરિકાના પ્રમુખ, બ્રિટનના વડાપ્રધાન અને વિરોધ પક્ષના વડા તથા યુરોપીઅન કમિશનનાં અધ્યક્ષે ઇઝરાઇલના સ્વરક્ષણના અને ગાઝા પર પ્રતિબંધો લાદીને તેને ઘેરો ઘાલવાના અધિકારનું સમૂહગાન કર્યું. ત્યાંના નિર્દોષ નાગરિકોના રક્ષણ વિશે સમ ખાવા પૂરતો પણ ઉલ્લેખ કરવાનું તેમને જરૂરી ન લાગ્યું.
(તમને થતું હશે કે) પેલેસ્ટાઇનીઓએ ઇઝરાઇલી નાગરિકોની હત્યાનાં પરિણામ વિચારવાં જોઈતાં હતાં, ઇઝરાઇલની વાસ્તવિકતા સ્વીકારી લેવા જેવી હતી અને હિંસા-સશસ્ત્ર સંઘર્ષ તજીને ઇઝરાઇલ સાથે શાંતિપૂર્ણ ઢબે વાટાઘાટો કરવી જોઈતી હતી. ગાઝાની પૂર્વે વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઇની નેશનલ ઓથોરિટીના મહમુદ અબ્બાસે એવું જ કર્યું. પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટી પેલેસ્ટાઇનના લોકોની પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રિય માન્યતા ધરાવે છે. તેને શાંતિપૂર્ણ વાટાઘાટોના પ્રયાસનો શો બદલો મળ્યો? રોકી ન શકાય એવી રીતે વિસ્તરતી યહૂદી વસાહતો, બે અલગ દેશના ઉકેલનો ઇઝરાઇલના વડા નેતાન્યાહુ દ્વારા અને ઇઝરાઇલની રાજસત્તા દ્વારા તુચ્છકારભર્યો ઇન્કાર, અને તે જેમનું પ્રતિનિધિત્વ કરે છે તેવા લોકોમાં નમાલા તરીકેનો દરજ્જો.
બે અલગ રાષ્ટ્રોનો ઉકેલ ફગાવી દીધા પછી ઇઝરાઇલ વાટાઘાટો દ્વારા ઉકેલ નહીં, સંપૂર્ણપણે શરણાગતિ ઇચ્છે છે. વાટાઘાટો નહીં કરવાની તેની નીતિમાં હમાસ બહુ અગત્યનું પરિબળ છે. ગાઝા પર હમાસની પકડને લીધે ઇઝરાઇલ એવો દાવો કરવાની તક મળે છે કે તે જેમની સાથે વાતચીત કરી શકે એવો (ઠેકાણાસરનો) પેલેસ્ટાઇનની પ્રજાનો કોઈ પ્રતિનિધિ જ નથી. કતાર દ્વારા હમાસને થતી નાણાંકીય સહાયમાં નેતાન્યાહુની ભૂમિકા વિશે ઇઝરાઇલના અગ્રણી અખબાર Haartezમાં અહેવાલ પ્રકાશિત થઈ ચૂક્યો છે. હમાસ સાથે નેતાન્યાહુનો સંબંધ ઇંદિરા ગાંધીના ભીંદરાનવાલે સાથેના સંબંધ જેવો છે. ઇંદિરા ગાંધીએ અકાલીઓને માપમાં રાખવા માટે ભીંદરાનવાલેને ઊભા કર્યા હતા. નેતાન્યાહુ અને ઇંદિરા ગાંધી બંનેએ એવા અસુર પેદા કર્યા, જે તેમના કાબૂમાં પણ ન રહ્યા.
નેતાન્યાહુની વ્યૂહરચના બેપાંખીયા છે. એક, જેરુસલેમમાં અને કબજે કરેલા બીજા વિસ્તારોમાં એવી પરિસ્થિતિ ઊભી કરવી કે જેથી બે અલગ રાષ્ટ્રોનો (પેલેસ્ટાઇન સ્વતંત્ર રાષ્ટ્ર બને એવો) ઉકેલ અપ્રસ્તુત બની જાય. બીજું, પેટ્રોલિયમના ભંડાર ધરાવતાં આરબ રાજ્યોને અલગ પેલેસ્ટાઇનનું વચન આપ્યા વિના, તેમની સાથેના સંબંધ સામાન્ય બનાવવા. આ યોજનાનો પહેલો હિસ્સો (નેતાન્યાહુથી પણ પહેલાં) દાયકાઓથી અમલમાં છે. બીજો હિસ્સો એટલે ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે રહીને (ઇઝરાઇલ અને કેટલાંક આરબ રાષ્ટ્રો વચ્ચે) કરાવેલી અબ્રાહમ એકોર્ડ નામની સમજૂતી, જેને બાઇડેને પણ યથાતથ અપનાવી લીધા. આ રીતે ઇઝરાઇલના કબજાનો ભોગ બનેલા અને પોતાના હક ગુમાવી બેઠેલા લોકોની કરુણ સ્થિતિ કેવળ અપ્રસ્તુત ગણગણાટી બનીને, ઝૂંપડપટ્ટીઓમાં સમાઈને રહી જાય.
આ યોજનાને પશ્ચિમી દેશોનો ટેકો હોવાનું ઘણા સમયથી સ્પષ્ટ છે, પણ હમાસે સમુહ વસાહતો (કિબુત્ઝ) પર કરેલા હુમલા અને ઇઝરાઇલે ગાઝા પર કરેલા બોમ્બમારા પછી પશ્ચિમી દેશોએ નાટકીય અશાંતિ સિદ્ધ કરી છે, જે વિકૃત છે. અમેરિકા અને બ્રિટને ગાઝા સામે ઇઝરાઇલની અસ્તિત્વની લડાઈમાં જહાજો, વિમાનો અને હથિયાર મોકલ્યાં છે. અમેરિકાના ગૃહ મંત્રીએ હમાસને નાઝીઓ સાથે સરખાવ્યું છે. ઇઝરાઇલના સૈન્યે ISISના ઝંડા ઉપજાવી કાઢ્યા છે અને અત્યાચારો આચરવા માટેની સફરો યોજી છે. બાઇડેને હમાસ પર બાળકોના શિરચ્છેદનો આરોપ મુક્યો છે, જે બાબતે તેમના જ પ્રવક્તાએ પીછેહઠ કરવી પડી, કારણ કે હકીકતની ખરાઈ કર્યા વિના તે આરોપ કરવામાં આવ્યા હતા.
પેલેસ્ટાઇનના લોકો વિસ્ફોટોમાં મૃત્યુ પામેલાં તેમનાં બાળકોની તસવીરો ટિક ટોક પર મુકવાનું શરૂ કરે, તો બાઇડન તેને શેર કરે એ બનવાજોગ નથી. અમેરિકાના ગૃહમંત્રી પણ ઇઝરાઇલની ગાઝા પર અત્યાચારોની સફરને મંજૂરી નહીં આપે. નાગરિકોની નજીકથી હત્યા કરવી તે દૂર રહીને કે ઊંચાઈ પરથી નાગરિકોને મારી નાખવા જેટલું ખરાબ નથી. પશ્ચિમી નેતાઓ અને અખબારોએ હમાસના હત્યાકાંડને ઇઝરાઇલના 9/11 તરીકે ઓળખાવ્યું છે. એ ન્યાયે ઇઝરાઇલે કચડી નાખેલું ગાઝા પેલેસ્ટાઇનનું ડ્રેસ્ડન ગણાય. (બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના ડ્રેસ્ડન શહેર પર અમેરિકા અને બ્રિટનના વાયુ દળના ઘાતક બોમ્બમારામાં હજારો નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને શહેર ખંડેર બની ગયું હતું.) ફરક એટલો કે દરેક પશ્ચિમી રાષ્ટ્ર ઇઝરાઇલના લોહીયાળ બોમ્બમારાને સમર્થન આપે છે. જાણે કહેતાં હોય, અમને રોજરોજ ડ્રેસ્ડન બતાવો.
ઇઝરાઇલનું સૈન્ય ‘લોન સાફ કરે છે’ અને ‘મનુષ્યપ્રાણીઓ’ સાથે પનારો પાડે છે, ત્યારે રશિયા સામે (યુક્રેનના) ન્યાયી યુદ્ધના તરફદારો ઇઝરાઇલ-પેલેસ્ટાઇનના સંઘર્ષમાં કબજો જમાવનાર ઇઝરાઇલને મદદ કરવા અને હથિયારો આપવા હડી કાઢે છે. બે અલગ રાષ્ટ્રોના ઉકેલનું છેલ્લું અંગવસ્ત્ર પણ રહ્યું નથી. હવે જે છે તે સંપૂર્ણ, ઉઘાડેછોગ નગ્નતા છે. બાઇબલના નવા કરારમાં કહ્યું છે, ‘જે માણસ જાગતો રહે છે અને પોતાનાં વસ્ત્રો સાચવે છે તે પરમસુખી છે. કારણ કે તેને નિર્વસ્ત્ર નહીં ફરવું પડે અને લોકો આગળ તેની એબ ઉઘાડી નહીં પડે.’ (નવો કરાર, દર્શન 16:15)
Sunday, October 15, 2023
ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વિશે થોડી વાતઃ શાંતિથી વાંચવા-વિચારવા માટે
2002ની ગુજરાતી કોમી હિંસાની વાત નીકળે એટલે તેનાથી ખરડાયેલા અને તેમના સમર્થકો તરત 1984ની શીખવિરોધી હિંસાની વાત કાઢે છે--ન્યાય અપાવવા માટે નહીં, છેદ ઉડાડવા માટે.
1984ની શીખવિરોધી હિંસા પછી અને 2002ની ગુજરાતની મહદ્ અંશે મુસ્લિમવિરોધી હિંસા પછી ન્યાયની કામગીરીમાં ભાજપ-કોંગ્રેસ નહીં, માનવ અધિકારને લગતાં સંગઠનો અને અંગત નિસબત ધરાવતા લોકો જ અગ્રસર રહ્યા હતા. આ વાત સામાન્ય માણસોને યાદ રહેતી નથી અને રાજકીય પક્ષો-તેમના અનુયાયીઓ લોકોને આ વાત યાદ રહે તેમ ઇચ્છતા નથી.
હિંસાનો સામસામો છેદ ઉડાડવાનું કામ નાગરિકોનું નહીં, નેતાઓનું અને તેમની મંડળીઓનું છે. બાકી, હિંસાના છેદ કદી ઉડી શકતા નથી. તેના વર્ગ (સ્ક્વેર) જ થાય છે. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના મામલે પણ એવું જ છે.
સદીઓથી યુરોપમાં પ્રતાડનનો ભોગ બનેલા યહુદીઓને વીસમી સદીમાં પેલેસ્ટાઇના માથે મારીને બ્રિટન તો ચાલી નીકળ્યું, પણ ત્યાર પછી થયેલો હિંસાનો સિલસિલો, વચ્ચે વચ્ચે શાંતિપ્રયાસોના અપવાદ સાથે, કરુણ અને કરપીણ રીતે ચાલતો રહ્યો છે. પેલેસ્ટાઇનીઓને ઇઝરાઇલ કઠે છે. કારણ કે એ તેમના માથે મરાયેલું છે. તેમાં વળી વધારાની અણી ધર્મને કારણે ઉમેરાય છે. આખો મામલો યહૂદી વિરુદ્ધ મુસલમાનનો બનાવવામાં આવ્યો છે. અમેરિકા ઇઝરાઇલના પક્ષે છે. આરબ રાષ્ટ્રો પેલેસ્ટાઇનના લોકોના અધિકારોને સમર્થનનો દાવો તો કરે છે, પણ રાષ્ટ્રો વચ્ચેના સંબંધમાં છેવટે ઉમદા લાગણીઓ નહીં, સ્વાર્થ જ બળવાન હોય છે. એટલે આરબ રાષ્ટ્રો મન થાય ત્યારે મુસલમાન અને મન થાય ત્યારે અમેરિકાના ભેરુ બની જાય છે. તેમાં અધિકારથી વંચિત એવા પેલેસ્ટાઇનના લોકોની દશા ફુટબોલ જેવી થાય છે.
પેલેસ્ટાઇનમાં પણ હમાસ સહિતનાં વિવિધ જૂથો છે, જે પેલેસ્ટાઇનના નામે કામ કરે છે, અંદરોઅંદર ટકરાય છે અને ઇઝરાઇલમાં આતંક ફેલાવે છે. ભારતમાં ઘણા લોકોને ઇઝરાઇલનું ઘેલું છે. ઇઝરાઇલ તેમને માટે આદર્શ દેશ છે અને ભારતે ઇઝરાઇલ જેવા હોવું કે થવું જોઈએ, એવું તે માને છે. ઇઝરાઇલ માટે લડવું એ લડવાનો નહીં, ટકી રહેવાનો પર્યાય છે, એટલી સાદી વાત તે સમજવા માગતા નથી. ચોતરફ શત્રુરાષ્ટ્રોથી ઘેરાયેલા અને વસ્તુતઃ પેલેસ્ટાઇનના માથે મરાયેલા ઇઝરાઇલના માથે અસ્તિત્વ ભૂંસાઈ જવાનો ભય વર્ષો સુધી રહ્યો. ત્યારથી તેની માનસિકતામાં ભૂંસવા કે ભૂંસાઈ જવાના વિકલ્પો જ બચ્યા છે. એટલે શાંતિના નિષ્ફળ પ્રયાસ પછી, પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાઇલનો પથારો વિસ્તરતો જ જાય છે અને પેલેસ્ટાઇનના નિવાસીઓને ભય પમાડતો-ત્રાસ આપતો રહે છે.
હવે કેટલાક આરબ દેશો ગઈગુજરી ભૂલીને નવેસરથી અમેરિકા સાથે (અને આડકતરી રીતે ઇઝરાઇલ સાથે) હાથ મિલાવવા અને વર્તમાન સ્થિતિને નોર્મલ--સામાન્ય સ્થિતિ તરીકે સ્વીકારી લેવા તૈયાર થયા, તે (નોર્મલાઇઝેશન) વર્તમાન હિંસાના મૂળમાં રહેલો મુદ્દો ગણાવવામાં આવે છે. આગળ કહ્યું તેમ, આરબ રાષ્ટ્રો પેલેસ્ટાઇનના હકની વાતો તો કરે છે, પણ છેવટે સ્વાર્થ બળવાન છે.
આટલી પૂર્વભૂમિકા પછી અને પેલેસ્ટાઇનના લોકો સમક્ષ શાંતિપૂર્ણ વિરોધની કોઈ જગ્યા ઇઝરાઇલે છોડી નથી એ જાણ્યા પછી પણ, હમાસે ઇઝરાઇલનાં સામાન્ય નાગરિકો સાથે જે ક્રૂરતાથી કામ પાડ્યું, તે નકરો ત્રાસવાદ છે. તેની પાછળની વૃત્તિ ઇઝરાઇલના અન્યાયનો વિરોધ કરવાની હોય તો પણ, અન્યાયનો મુકાબલો અન્યાયથી, રાજ્યના ત્રાસવાદનો મુકાબલો સંસ્થાના ત્રાસવાદથી કરવાથી, છેદ ઉડતા નથી, પણ વર્ગ થાય છે.
આ સંજોગોમાં કઈ ઢબે સવાલ પૂછવામાં આવે છે-તેનું ફ્રેમિંગ કઈ રીતે કરવામાં આવે છે, એ મહત્ત્વનું છે. મારે ઇઝરાઇલના સરકારી ત્રાસવાદ અને હમાસના બિનસરકારી ત્રાસવાદમાંથી કોઈ એકની પસંદગી શા માટે કરવી પડે? મને બંને ત્રાસવાદ લાગે છે અને બંને એકસરખા ગંભીર લાગે છે. સામસામા છેદ ઉડાડવાની વ્યવસ્થા મારી પાસે નથી.
જે પ્રજાનું પ્રતિનિધિત્વ આતંકવાદી સંગઠનના હાથમાં આવે અથવા જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન આતંકવાદનો રસ્તો અપનાવે, ત્યારે એ પ્રજાને પણ ભારે વેઠવાનું આવે છે. કારણ કે, સ્ટેટ (રાજ્ય-સરકાર) આતંક પર ઉતરે તો તે હંમેશાં સવાયું આતંકવાદી જ પુરવાર થાય, એટલાં સંસાધનો તેની પાસે હોય છે. અને હકીકત એ પણ છે કે ઇઝરાઇલને શાંતિની ભાષા સમજાતી નથી.
આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય દબાણનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ તો બળુકાઓની દાસી છે. અમેરિકાએ ઇઝરાઇલનો હાથ ઝાલ્યો હોય તો સંયુક્ત રાષ્ટ્રસંઘ ચૂં કે ચાં ન કરે. તો આંતરરાષ્ટ્રીય દબાણના બીજા કયા વિકલ્પ હોઈ શકે? ખબર નથી. કેમ કે, આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણ એ મારા અભ્યાસનો વિષય નથી. અહીં જે લખ્યું એના માટે તે વિષયના નિષ્ણાત હોવાની જરૂર નથી. દ્વેષબુદ્ધિ વગરની સામાન્ય સમજથી તે જોઈ શકાય તેમ છે.
બાકી, મુસ્લિમવિરોધને ટીંગાડવાની ખીંટીઓ શોધતી પ્રજા ઇઝરાઇલનો જયજયકાર કરે ને તેના સરકારી ત્રાસવાદ પ્રત્યે આંખ આડા કાન કરે તેમાં કશી નવાઈ નથી. અને હમાસના લોકોને કેવળ મુસલમાન ગણીને, તેમનાં અમાનવીય ત્રાસવાદી કૃત્યોને મજબૂરી ગણાવનારી પ્રજાની પણ કશી નવાઈ નથી. આ બંને પક્ષો ખરેખર એકબીજાના આડકતરા સમર્થકો છે ને એકબીજાની સ્થિતિ મજબૂત બનાવે છે.
અલગ હોય તો તે એવા લોકો, જેમને બંને પક્ષનો ત્રાસવાદ દેખાય છે, એકસરખો કઠે છે અને બીજા પ્રકારના ત્રાસવાદનું જરાય ઉપરાણું લીધા વિના-તેને વાજબી ઠરાવ્યા વિના, સરકારી ત્રાસવાદ વધારે ગંભીર-વધારે મૂળરૂપ લાગે છે.
Thursday, September 21, 2023
મચ્છરનો ડંખ
કવિઓએ ભ્રમરના ડંખ વિશે ઘણું લખ્યું છે, પરંતુ તેમના સાહિત્યમાં બીજી ઘણી વાસ્તવિકતાઓની જેમ મચ્છરડંખના ઉલ્લેખની ગેરહાજરી નોંધપાત્ર છે. પહેલાં તો એવો વિચાર આવે કે સંસ્કૃત કવિઓના જમાનામાં મચ્છર નહીં હોય? ડાયનોસોર ક્યારે હતાં અને ક્યારે ન હતાં, તેના વિશે આધારભૂત માહિતી મળે છે, પણ મચ્છરો વિશે એવી કોઈ વિગત કમ સે કમ સામાન્ય જનતાની જાણકારીમાં તો નથી.
પરશુમરામની કથામાં એવો ઉલ્લેખ આવે છે કે પરશુરામ તેમના પ્રિય શિષ્ય કર્ણના ખોળામાં માથું મૂકીને સુતા હતા ત્યારે કર્ણને ભમરાએ ડંખ માર્યો, લોહી નીકળ્યું અને કર્ણ ચૂપચાપ પીડા સહન કરતો રહ્યો. તેનાથી પરશુરામને કર્ણના કુળ વિશે શંકા ગઈ. ધારો કે કર્ણને ભમરાને બદલે મચ્છર કરડ્યું કે કરડ્યાં હોત તો?
મચ્છરડંખપીડિતોને આ મૂંઝવણ સમજાઈ શકશેઃ વારંવાર મચ્છર કરડતું હોય તો, કરડનાર ઇસમ, એટલે કે મચ્છર, એક જ છે કે અનેક, એવી કેમ ખબર પડે? એકનું એક મચ્છર વારે ઘડીએ કરડતું હોય એવું પણ ન બને? કેટલાંક પશુપક્ષીઓને રેડિયો ફ્રિકવન્સીવાળાં ટેગ લગાડવામાં આવે છે, એવું હજુ સુધી મચ્છરોના કિસ્સામાં બન્યું નથી. માણસોની આંખ પણ મચ્છરને ‘ચહેરો’ જોઈને ઓળખવા માટે ટેવાયેલી નથી હોતી. ઘણા માણસો બીજા માણસોનો ચહેરો પણ માંડ યાદ રાખી શકતા હોય ત્યાં તે મચ્છરને ઓળખે એવી અપેક્ષા શી રીતે રાખી શકાય?
શક્ય છે કે કેટલાક મચ્છરપીડિતોએ રાત્રે સુતી વખતે મચ્છર દ્વારા થતા આક્રમણ વિશે લખ્યું હોય. કારણ કે તે વખતે મચ્છરોનો હુમલો ફક્ત શરીર પર જ નહી, ઉંઘ પર પણ થતો હોવાથી તેની ગંભીરતા બેવડાઈ જાય છે. તેના કારણે, દિવસે મચ્છરો દ્વારા થતી છાપામારીને અવગણવા જેવી કે હળવાશથી લેવા જેવી નથી. સામાન્ય રીતે આસ્તિકો એવું વિચારતા હોય છે કે ઇશ્વરની મરજી આગળ માણસનું કંઈ ચાલતું નથી. પણ જીવ અને શિવ વચ્ચે ફરક ન કરતા લોકો જાણે છે કે ફક્ત ઇશ્વરની નહીં, ઘણી વાર તો મચ્છરની મરજી આગળ પણ માણસનું કશું ઉપજતું નથી. માણસ ખુરશીમાં પગ લાંબા કરીને બેઠો હોય અને અચાનક પગે ચટકો ભરાયાનો અહેસાસ થાય છે.
ગામમાં તોફાન થાય તો અમુક લોકો પર સૌથી પહેલી શંકા જાય, એવી જ રીતે દિવસે પગમાં કંઈક સળવળાટ કે કરડાટ અનુભવાય તો પ્રાથમિક શકમંદ કીડી કે ચોમાસામાં મંકોડા હોય. નેતાઓ નિવેદનો ફટકારીને સમસ્યાઓ ઉકલી જશે એવો દેખાવ કરે છે તેમ, માણસ ચટકો લાગ્યો હોય ત્યાં હાથથી એકાદ હળવી થપાય મારીને સમસ્યા ઉકલી જશે એવી આશા રાખે છે. ફરક એટલો કે નેતા જેના વિશે નિવેદન ઠપકારે છે એ સમસ્યા તેમની નહીં, દેશની હોય છે. એટલે એ ન ઉકલે તો તેમને કશો ફરક પડતો નથી અને ઘણા કિસ્સામાં ફાયદો પણ થાય છે. જ્યારે ચટકાગ્રસ્તને તેના હાથ કે પગ પર થયેલા હુમલાનો નીવેડો લાવવાનો હોય છે.
પહેલા ચટકા પછી માણસ તેના સગડ શોધવાનો પ્રયાસ કરે અને તેની પર કોઈનું ધ્યાન પડતાં, તે સહજ પૂછે કે ‘શું થયું?’ ત્યારે ઘડીક ડંખનો ડંખ ભૂલીને માણસ વડાપ્રધાનની ‘ન કોઈ ઘુસા થા, ન કોઈ ઘુસા હૈ’ મુદ્રામાં ‘કંઈ નહીં, કંઈ નહીં’ કરવા લાગે છે. તેનાથી મચ્છરને (અને ચીનને પણ) ફાવતું જડે છે. પરંતુ મચ્છર ફરી કરડે ત્યારે માણસની ધીરજ ખૂટે છે. તે રાજનેતા નથી. તેને દેશને તમાચો વાગવા દઈને પોતાનો ગાલ લાલ રાખવાનો નથી હોતો. એટલે તે મચ્છરના હુમલાના પ્રતિકાર માટે વિકલ્પો વિચારે છે.
‘પોલીસમાં ફરિયાદ થઈ શકે?’ તે વિચારે છે. પછી તેને યાદ આવે છે કે પોલીસમાં માણસો સામેની ફરિયાદ માંડ નોંધાતી હોય ત્યાં સેમી-અદૃશ્ય એવા મચ્છર સામેની ફરિયાદ ક્યાંથી નોંધાવાની? અને ધારો કે કોઈની ઓળખાણથી નોંધાઈ પણ ગઈ, તો અજ્ઞાત મચ્છર સામે એફઆઈઆર નોંધાવીને શા કાંદા કાઢી લેવાના? બીજો એ પણ ખ્યાલ આવે છે કે મચ્છરે કોઈ રીતે મારી ધાર્મિક લાગણી દુભાવી છે એવી ફરિયાદ ઊભી થાય તો પોલીસને રસ પડે. પણ મચ્છરે હાથે કે પગે મારેલા ડંખમાં ધાર્મિક લાગણીનું આરોપણ શી રીતે કરવું? તેના માટે લાગણીદુભાવ સ્પેશ્યલિસ્ટોની મદદ લેવા જતાં ઓડનું ચોડ થાય, એમ માનીને એ વિકલ્પ પડતો મુકાય છે.
પોલીસમાં છેક ઉપરની ઓળખાણ હોય તો મચ્છરના એન્કાઉન્ટરનો વિકલ્પ રહે છે, પણ આજકાલ ગુજરાતમાં એન્કાઉન્ટરનું ચલણ રહ્યું નથી. અને આટલા નાના કામમાં પોલીસનો સહકાર મેળવવા માટે છેક સહકાર મંત્રી અમિત શાહ પાસે ફોન કરાવવો પડે, તેમાં મચ્છરને વધુ પડતું મહત્ત્વ આપી દીધા જેવું થાય, એમ વિચારીને તે વિકલ્પ પર ચોકડી મુકાય છે.
સોશિયલ મિડીયાના ખેલંદાઓને વિચાર આવે છે કે આ મચ્છરનું ફેસબુક-ટ્વિટર પર એકાઉન્ટ હોત તો તેને ખબર પાડી દેત. સાયબર સેલમાંથી તેનું એવું ટ્રોલિંગ કરાવત કે તે ફરી વાર મને કરડવાની ખો ભૂલી જાત. પરંતુ મચ્છરોને લોહી પીવા માટે ફેસબુક પર હોવાની જરૂર પડતી નથી. એ બાબતમાં તે આત્મનિર્ભર હોય છે. છેવટે, માણસ એકાદ મચ્છર અગરબત્તી કે મચ્છર ભગાડતા પ્રવાહીનો પ્રયોગ કરીને, પોતે તો બનતું કર્યું, એવો સંતોષ માને છે અને દુનિયા મચ્છરમુક્ત થાય એવા અચ્છે દિનની રાહ જુએ છે.
Wednesday, August 16, 2023
વર-કન્યા, (સરકારથી) સાવધાન
આપના વિશ્વાસુ અરજદાર--
Saturday, August 05, 2023
અચ્યુતભાઈ યાજ્ઞિકનો ઇન્ટર્વ્યૂ (30 એપ્રિલ, 2006) : સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવ્યાં છે
વર્ષ 2006-07માં 'દિવ્ય ભાસ્કર' સાથે સંકળાયો ત્યારે ગુજરાતી પત્રકારો કરતાં સાવ જુદાં વલણો ધરાવતા, પ્રયોગશીલ અને મૌલિક એવા આકાર પટેલ તેના ગ્રુપ એડિટર હતા. તેમણે રવિવારની પૂર્તિને નવું રૂપ આપ્યું અને તેમાં એક આખા પાનાના ઇન્ટર્વ્યૂનો સમાવેશ કર્યો. તે સ્વરૂપમાં મારે પાંચ-છ ઇન્ટર્વ્યૂ કરવાના થયા. તેમાંથી એક અચ્યુતભાઈનો હતો. થોડા વખત પહેલાં તેમનું ગુજરાત વિશેનું પુસ્તક આવ્યું હતું. એટલે તે વાંચીને તેમનો ઇન્ટર્વ્યૂ કરવો એવું ઠર્યું. તે ઇન્ટર્વ્યૂ નિમિત્તે અચ્યુતભાઈ સાથે શરૂ થયેલો સંબંધ પછી તો સતત જળવાઈ રહ્યો.
અચ્યુતભાઈની
વિદાય પછી વડીલ મિત્ર વિપુલ કલ્યાણીએ તેમના ઇન્ટર્વ્યૂની વર્ડ ફાઇલ માગી. જાતે
ટાઇપ કરવાનું અનુકૂળ ન હતું. એટલે મિત્ર સુજાતને કહ્યું. તેણે તત્કાળ કરીને તે
મોકલી આપી. એટલે 17 વર્ષ પહેલાંનો આ ઇન્ટર્વ્યૂ અહીં મૂક્યો છે.
*
બેસ્ટસેલર પુસ્તક ‘શેપિંગ ઓફ મોડર્ન ગુજરાત’ના સહલેખક તરીકેની સૌથી તાજી ઓળખ ધરાવતા અચ્યુત યાજ્ઞિક છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમના કૌટુંબિક સંસ્કાર કર્મકાંડી બ્રાહ્મણના. તેની પર રામમનોહર લોહિયાના સમાજવાદનો રંગ ચડ્યો. એટલે ‘ગુજરાત સમાચાર’માં દસ વર્ષની નોકરી દરમિયાન યુનિયન પ્રવૃત્તિ અને કામદાર સંઘની પ્રવૃત્તિઓ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વમાં એક દાયકો વિતાવ્યા પછી અચ્યુતભાઈ મુક્ત થયા. ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ (સુરત)ના સંશોધનપત્ર ‘અર્થાત્’ના સ્થાપક-સંપાદક બન્યા. પાંચેક વર્ષ સુધી ‘ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી’ જેવા પ્રતિષ્ઠિત સામયિક માટે ગુજરાતમાં રહીને કામ કર્યું. ‘લોકાયન’ પ્રોજેક્ટથી તે સમાજકાર્ય સાથે સંકળાયા અને ‘સેતુ – સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શન’ની સ્થાપના કરીને સમાજકાર્યમાં ઝંપલાવ્યું. તેમના શબ્દોમાં કહીએ તો, “સાહસ કરી શકું એવી સ્થિતિમાં હતો, એટલે સાહસ કર્યું.” બૌદ્ધિક પ્રતિભા અને સંશોધક તરીકેનું ઊંડાણ તેમના પુસ્તકમાં જ નહિ, તેમની સાથેની વાતચીતમાં પણ સતત (તેમના મુક્ત હાસ્યની જેમ) પ્રગટતું રહે છે. તેમની સાથેની વિશેષ મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે:
સાહિત્યનો સમાજ સાથેનો નાતો તૂટી ગયો
છે, એવી ફરિયાદ ભૂકંપ અને ૨૦૦૨નાં રમખાણો પછી તીવ્ર બની છે. આવું થવાનું શું કારણ?
સાહિત્ય હોય કે સામાજિક પ્રવૃત્તિ, તેમાં પડેલા માણસે ડી-લર્નિંગની
પ્રક્રિયામાંથી પસાર થવું પડે. કૌટુંબિક વારસાને લીધે જે ભાષા અને સમજ પ્રાપ્ત થઈ
હોય તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવો જોઈએ કારણ કે બહુજન સમાજ સાથે સંકળાવાનું છે. એ
પ્રક્રિયા ન થાય, તો બહુજન સમાજ સાથે સીધું સંધાન થઈ શકતું નથી. સાહિત્યમાં લેખકોએ
પોતાના પરિવેશની બહાર જવાનો પ્રયાસ ન કર્યો. ગાંધીયુગમાં શહેરના ભણેલાગણેલા લોકોને
પોતાના પરિવેશની બહાર ખેડા કે બારડોલીના ખેડૂતો સાથે વાત કરવાનો સંબંધ ઊભો થયો, પણ
આઝાદી પછી એ પ્રક્રિયા અટકી ગઈ. આઝાદી પછીના સાહિત્યને હું ‘માસ્તરિયું
સાહિત્ય’ કહું
છું. તે ચારસો-પાંચસો અધ્યાપકો-પ્રાધ્યાપકોનું સાહિત્ય થઈ ગયું છે. એ લોકો જ વાંચે
અને એ જ સમજે. લોકમાનસ સાથેના તંતુવિચ્છેદની વાત પણ રસિકલાલ પરીખે સાહિત્ય પરિષદના
અધ્યક્ષપદેથી ૧૯૬૪-૬૫માં કરી હતી. બીજું કારણ એ કે સાહિત્યનો ઇતિહાસ સાથેનો સંબંધ
તૂટી ગયો. તેના સંયુક્ત પરિણામ તરીકે ઘોર વ્યક્તિવાદ ઊભો થયો, જેને ‘રે મઠ’ની
પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તેમાં પણ ઘોર વ્યક્તિવાદ હતો. વર્તમાન અને ભૂતકાળ
સાથેનો સંબંધ તૂટી જતાં સાહિત્યકારો સ્વકેન્દ્રી બની જાય છે અને રોગિષ્ટ મનોદશા
ઊભી થાય છે. અત્યારનું આપણું સાહિત્ય રૂગ્ણ મનોદશાનું પરિણામ છે.
કનૈયાલાલ મુનશીએ જે લખ્યું તેને
ઇતિહાસ કહેશો?
મુનશીએ ગુજરાતની અસ્મિતાના તેમના ખ્યાલને પોષે એવું ઇતિહાસમાં જે હતું
એ લીધું. ચૌલુક્ય સમયને તેમણે ઊંચી પાયરી પર મૂકી આપ્યો. નવલકથા હોય તેમાં છૂટછાટ
તો લઈ શકાય, પણ મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓના પરિણામે ગુજરાતનું એક દર્શન
એવું ઊભું થયું, જે હિંદુ ભૂતકાળની વાત કરતું હતું. મુસ્લિમ શાસન શરૂ થયું તેના
પહેલાંના સમયની ચર્ચા કરતું હતું. દાખલા તરીકે, આજે અમદાવાદને કોઈ સંબંધ હોય તો એ
જૂના અમદાવાદની સ્થાપના સાથે છે. તેને ઐતિહાસિક રીતે સોલંકીસમય સાથે કોઈ સંબંધ
નથી. પણ (નવલકથાઓ પછી) પ્રવૃત્તિ એવી થઈ કે અમદાવાદને સોલંકીસમય કે ચૌલુક્ય સમય
સાથે જોડી દેવામાં આવે છે. બીજી રીતે એવું પણ કહેવાય કે આ પ્રકારની નવલકથાઓને
કારણે ગુજરાતમાં પ્રતિવાદ ન હતો એ પ્રગટ્યો.
નર્મદે ‘જય જય ગરવી ગુજરાત’ ગાયું
હતું...
નર્મદે કરેલી ગુજરાતી અસ્મિતાની વાત ભાષાકીય અને ‘શું
શાં પૈસા ચાર’ના સંદર્ભમાં હતી. નર્મદથી પહેલાં પ્રેમાનંદે ‘ગરવો
દેશ ગુજરાત’ લખ્યું છે, પણ કયું ગુજરાત એ પ્રેમાનંદે કહ્યું નથી. મુનશી-ધૂમકેતુની
નવલકથાઓમાં જે ગુજરાત આવે છે, એ મુસ્લિમોના આગમન પૂર્વેનું છે એટલે કે ગુજરાતની
બહુવિધતાનો એમાં સ્વીકાર નથી. ‘કરણઘેલો’માં નંદશંકર મહેતાએ પણ એવું કર્યું
છે. એ વખતે સવાલ થાય છે કે તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતની જેમાં સુરત, અમદાવાદ,
જામનગર અને ભુજ પણ નહોતું? એ પ્રકારના સાહિત્યમાં, ગુજરાતની સંસ્કૃતિમાં
રહેલા સમન્વયની વાત આગળ ન વધી. સાહિત્યમાં ઇતિહાસ આવ્યો, પણ વિશિષ્ટ રીતે આવ્યો.
તેમાં ઇતિહાસબોધ ન આવ્યો.
પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ માટે
તમે બૌદ્ધિક ગરીબીને જવાબદાર ગણાવી છે. એના માટે જવાબદાર કોણ?
એક તો આપણી વણિકવૃત્તિ. અત્યારે અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં
પોણો લાખ હસ્તપ્રત છે. કોબામાં એક લાખ હસ્તપ્રત છે. ગુજરાતમાં હસ્તપ્રતોનો મોટો
ભંડાર છે. જૈન મુનિઓ જિનવિજયજી અને પુણ્યવિજયજીએ પ્રયત્નો કરીને આ ભંડાર એકઠો
કર્યો. તેનાથી એ ખજાનો સચવાયો અને અત્યારે સુરક્ષિત છે. એની વારસા તરીકે વાત
કરવાની – ગૌરવ લેવાનું પણ તેને આગળ લઈ જવાનું શું? ‘હસ્તપ્રતો વાંચનારા કેટલા?’ એવું
પૂછીએ, તો એનો જવાબ મળતો નથી કારણ કે તેના માટે જૂની ગુજરાતી, પ્રાકૃત અને
અપભ્રંશનો અભ્યાસ કરવો પડે અને તેમાં મુદ્દાનો સવાલ આવીને ઊભો રહે: ‘એમાંથી
મળે શું?’
અત્યારના સમાજમાં સંપ્રદાયોનું
વર્ચસ્વ ઘણું છે. સમાજ પર અસર વિશે બહુ સાંભળવા મળતું નથી.
હિંદુત્વની વાત થાય છે, ત્યારે સંઘ પરિવાર અને તેના જુદા જુદા સભ્યોની
જ ચર્ચા થાય છે. તેને કારણે હિંદુત્વને ગુજરાતમાં આગળ લઈ જવામાં સંપ્રદાયોના
પ્રદાનની વાત થતી નથી. આ સંદર્ભમાં ત્રણ મુદ્દા અગત્યના છે: (૧)
પહેલાં ભક્તિ આંદોલનમાં સમન્વયની વાત હતી. નવા સંપ્રદાયોથી એ તત્ત્વ કોરાણે મુકાઈ ગયું. (૨)
સાયન્સ-ટેક્નોલૉજીમાં નકારાત્મક પરિણામોની ચર્ચા નહિ કરવાની. ઉપરથી, તેમને સિદ્ધિ
તરીકે ઓળખવામાં આવે છે. અણુબોમ્બથી વધારે અધાર્મિક બીજું શું હોઈ શકે? પણ એ
અધાર્મિક છે એવું કહેવાતું જ નથી, એટલે સંપ્રદાયોના લોકો એવા મહાન ભારતની કલ્પના
કરે છે, જે ખરેખર પશ્ચિમની નાની આવૃત્તિ છે. (૩) ઉપભોક્તાવાદની પણ ચર્ચા નહિ
કરવાની. તેના કારણે, મધ્યમવર્ગને બહુ મજા પડી ગઈ.
આ ત્રણેય રીતે એક એવો નવો હિંદુવાદ અને હિંદુધર્મ ઊભો કર્યો, જે તેની
પ્રશિષ્ટ પરંપરાથી દૂર થઈ ગયો.
એટલે કે અત્યારના હિંદુત્વનો હિંદુ
ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો.
કુટુંબની દૃષ્ટિએ અમારા કુળદેવતા રામ છે. મેં કોઈ દિવસ રામચંદ્રજીના
હાથમાં ધનુષ્ય અને બાણ હોય એવી મૂર્તિ જોઈ નથી. આખા ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે
મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે, નવા રામ ઊભા કરવામાં આવ્યા.
તેમના હાથમાં ધનુષ્યબાણ મૂકી દેવામાં આવ્યું. વિશ્વ હિંદુ પરિષદ લંકાદહનની વાત
કરીને કહે છે કે આતતાયીઓ-રાક્ષસોનું
દહન કરવું જોઈએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેવું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહિ
કરવાની. અત્યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્યમ
વર્ગની જીવનપદ્ધતિ
સાથે મેળ બેસી જાય છે. તેમના
મનમાં કોઈ શંકા થતી નથી. જે ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ-મહાભારત જેવા
મહાગ્રંથોમાંથી ચૂંટેલી વસ્તુ મૂકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે. એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કરનાર માટે વાદવિવાદનો કોઈ અવકાશ રહેતો નથી. મારામારી જ થાય છે.
સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક
અને ક્રૂર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્તો કાઢનારી પ્રજા તરીકેની છબિ સાથે તેને ક્યાંય મેળ
ખાતો નથી.
બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગલા કરવામાં આવે છે, એવા
ભાગલા પહેલાં હતા જ
નહિ. વસતી ગણતરી કે મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્ય અસરોએ આવા ભાગલામાં મોટો ભાગ ભજવ્યો. એ
સંસ્થાનવાદની નીપજ છે. એ રીતે, અત્યારનો હિંદુવાદ પણ સંસ્થાનવાદની નીપજ છે. એ આપણી
ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસૂફીનું તત્ત્વ પકડીને પુનઃજીવિત
કરાયેલો નથી.
હિંસાના જનીન ગુજરાતીઓમાં ક્યાંથી
આવ્યા?
પુસ્તકમાં આંકડા અને નક્શા સાથે અમે તારવ્યું છે કે જે વિસ્તારોમાં
ભ્રૂણહત્યાનું પ્રમાણ ઊંચું છે, કૌટુંબિક હિંસા જ્યાં વધુ છે ત્યાં ૨૦૦૨માં કોમી
હિંસાને છૂટો દોર મળ્યો, દા.ત. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, નડિયાદ...
હિંસા એક સ્વરૂપે વ્યક્ત થતી નથી. એ વખતે મને કોઈએ પૂછ્યું, ‘ગુજરાતીઓ
આટલા બધા હિંસક થઈ ગયા છે?’ મેં કહ્યું, ‘જે
પોતાની પુત્રીને મારી શકે એ કોઈને પણ મારી શકે.’
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં, બાકીના ગુજરાતમાં મોટા
પાયે હિંસાચાર થયો નથી. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે આ વાત ભૂલી જવાય છે
અને છાપ એવી ચાલ્યા કરે છે કે સમગ્ર ગુજરાતમાં હિંસાચાર થયો.
કોમી હિંસા પછી ‘ગુજરાતને
બદનામ કરવાની સાજિશ’ જેવો શબ્દપ્રયોગ સાંભળવા મળે છે...
પોતાની અંદર ઝાંકીને જોવું ન હોય, તો એ બહુ સહેલો રસ્તો છે. ગુજરાતીઓ
પોતાનું આત્મવિશ્લેષણ કરવા માટે તૈયાર નથી. તેમાં માધ્યમો પણ આવી જાય છે. જાહેર
જીવન સાથે સંકળાયેલા તમામ પરિબળો એક યા બીજી રીત રાજકારણીઓએ ઊભી કરેલી ભ્રમણાને
પોષે છે. ૨૦૦૨માં જે કંઈ બન્યું, એ ગુજરાતમાં જ બન્યું છે. આઝાદી પછીનું સૌથી મોટું
કોમી રમખાણ ૧૯૬૯માં ગુજરાતમાં જ થયું. બિનસત્તાવાર આંકડા પ્રમાણે અઢી-ત્રણ હજાર માણસો
તેમાં મરી ગયા હતા. તેની તપાસ માટે નિમાયેલા રેડ્ડી તપાસપંચના અહેવાલનું શું થયું? તેની પર ચર્ચા કે અમલ કેમ ન થયો? આપણી
પાસે વિશ્લેષણાત્મક અભિગમ નથી એટલે સ્લોગન-શાઉટીંગ અને પેમ્ફ્લેટીઅરિંગની (સૂત્રોચ્ચાર-પત્રિકાયુદ્ધની)
બહાર નીકળી શકતા નથી. એનો પડઘો અખબારમાં પડે છે. માધ્યમોમાં આવે ક્યાંથી?
કૂવામાં હોય તો હવાડામાં આવે ને? કૂવો તો સમાજ છે.
ભૂમિકાની નિષ્ફળતા બાબતે ગુજરાતી અને
અંગ્રેજી મીડિયા વચ્ચે તમે તફાવત પાડો છો?
ગુજરાતી માધ્યમો એ જ મધ્યમ વર્ગ થકી ચાલે છે, જે મધ્યમ વર્ગ આ
પરિસ્થિતિ માટે કારણભૂત છે. મધ્યમ વર્ગની આશા-આકાંક્ષાઓ ગુજરાતના ભદ્ર વર્ગની આશા-આકાંક્ષાઓ
જેવી જ છે. નીતિની વાત નહિ કરવાની! એટલે શેરબજારમાં જે કંઈ થાય એમાં
તેમને કશું ખોટું લાગતું નથી. શેરબજારમાં સટ્ટો કરનારા પણ ગુજરાતીઓ છે. તેની ચર્ચા
કોઈ કરતું નથી. ફરી ઇતિહાસબોધની વાત પર આવી જઈએ છીએ. અંગ્રેજી માધ્યમો અતિસરળીકરણનો
ભોગ બને છે. સમગ્ર ગુજરાતમાં હિંસાચારની છાપ ઊભી થઈ, તેનું કારણ એ કે અંગ્રેજી
માધ્યમોને ગુજરાતની સામાજિક પરિસ્થિતિ વિશે ખબર નથી. ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને
ત્યારે આવતા અંગ્રેજી અખબારોના પ્રતિનિધિઓ અતિસરળીકરણનો ભોગ બને છે. તેમણે પ્રચલિત
કરેલી છાપ રાષ્ટ્રીય કક્ષાએ આગળ ચાલે છે. પણ પત્રકાર તરીકે આખી વસ્તુનો વિચાર કરો: બીજા
રાજ્યમાં જઈએ ત્યારે આપણી પણ અતિસરળીકરણ જ કરીએ. પત્રકારત્વની કેટલીક સીમાઓ ત્યાં
આપોઆપ આવી જાય છે. તેમાં ઇરાદાનો પ્રશ્ન નથી આવતો. ‘બદનામ કરવાની સાજિશ’ જેવી વાત તો નેતાઓ પોતાના બચાવ માટે
ઉપજાવી કાઢે છે.
ગુજરાતને અન્યાયવાળી વાતમાં કેટલું
તથ્ય છે?
ગુજરાત-મહારાષ્ટ્ર સંયુક્ત હતાં અને મુંબઈ જ્યારે રાજધાની હતી ત્યારે
એવું લાગતું હતું ખરું, પણ કયા ગુજરાતને અન્યાય થાય છે? ગુજરાતના ભદ્ર સમાજને જ્યારે લાગે છે
કે ‘અમને
અન્યાય થાય છે’ ત્યારે એ ‘સમગ્ર ગુજરાતને અન્યાય થાય છે’ એવું
વાતાવરણ ઊભું કરે છે. દા.ત. નર્મદા બંધની વાત કરીએ. તેમાં સમગ્ર ગુજરાતની વાત
કરતાં એ ભૂલી જવાય છે કે દરેક સાતમો ગુજરાતી આદિવાસી છે અને દરેક દસમો ગુજરાતી મુસલમાન
છે. આદિવાસીઓના દૃષ્ટિકોણથી આખો મુદ્દો જોઈએ તો, ધરોઈનો બંધ બાંધ્યો, એ આદિવાસી
વિસ્તારમાં. તાપી-દમણગંગામાં પણ આદિવાસી વિસ્તારોમાં વિસ્થાપન થયું. દરેક સાતમો
ગુજરાતી જે છે, તેના દૃષ્ટિકોણથી પણ ગુજરાતની ચર્ચા ન થવી જોઈએ? એ
ચર્ચા નથી રાજ્યકર્તાઓ કરતા કે નથી મધ્યમ વર્ગ કે નથી વિશ્વવિદ્યાલયોમાં આવી ચર્ચા
થતી કે એક જ સમાજ પાસેથી બલિદાનની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે! આમ,
ગુજરાતનો ભદ્ર વર્ગ પોતાના હિતને સમગ્ર ગુજરાતના હિત તરીકે ખપાવીને એ મુદ્દો આગળ
કરે છે અને આખી વાત એવી રીતે મૂકવામાં આવે છે, જાણે પેલા લોકો ગુજરાતી જ નથી.
ગુજરાતની વર્તમાન હાલતમાં કોંગ્રેસની
ભૂમિકા કેવી રીતે જુઓ છો?
માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે મેં લખ્યું હતું, ‘કોંગ્રેસે
અન્ય પછાતોને ‘ઇલેક્શનાઇઝ’ કર્યા, પણ પોલિટિસાઇઝ’ કર્યા
નહિ.’ (ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્યા,
પણ રાજકીય પ્રવાહમાં આણ્યા નહિ.) તેને કારણે અન્ય પછાતમાંથી જે નેતાગીરી ઊભી થવી
જોઈએ, એ ન થઈ એટલે સવર્ણ મધ્યમ વર્ગ સામે કોઈ પડકાર ન રહ્યો. એ સવર્ણ મધ્યમ વર્ગે
પોતાના હિતોની રખવાળી માટે હિંદુત્વનો ઉપયોગ કર્યો. દરમિયાન દલિત અને આદિવાસી
સમાજમાંથી પણ એક મધ્યમ વર્ગ ઊભો થયો. તેમણે પોતાની ઓળખ અને અસ્મિતાવાળી ભૂમિકા ન
લીધી, પણ ‘સમન્વય’ની ભૂમિકા લીધી. ‘સમન્વય’ એટલે
હિંદુત્વ સાથે જોડાઈ જવું! ૧૯૮૧-૧૯૮૫માં સવર્ણ-દલિત સામસામે અને
મુસ્લિમો શાંત હતા. એ ત્રિકોણીયા પરિસ્થિતિનું ૧૯૯૦ આવતાં આવતાં ધ્રુવીકરણ થયું
અને હિંદુ-મુસ્લિમો સામસામે થઈ ગયા. પછાતો તરફથી સવર્ણોને પડકાર ઊભો થયો જ નહિ અને
પડકાર ઊભો થાય તે પહેલાં સવર્ણોએ હિંદુત્વને નામે પછાતોનો ઉપયોગ કરી લીધો. આ ઘટનાક્રમ
માટે કોંગ્રેસ પૂરેપૂરી જવાબદાર હતી. ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ અને
સાંપ્રદાયિકતા ઊભાં થયાં તેમાં કોંગ્રેસનો પણ ફાળો છે. અત્યારે વિશ્લેષણ થતું નથી
એટલે હંમેશાં સંઘ પરિવારનું નામ લેવાય છે. કોંગ્રેસ જો એનો ધર્મ ના ચૂકી હોત, તો
ગુજરાતની આ પરિસ્થિતિ ન હોત. આજે ગુજરાતમાં ફેશન પડી ગઈ છે કે બધામાં સંઘ
પરિવારનું જ નામ લેવાનું. એમાં સંઘ પરિવારને મજા પડી ગઈ છે. બધી ક્રેડિટ એમને મળી
જતી હોય, તો શું ખોટું?
સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) સામે
ગંભીર ફરિયાદો થાય છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે તમે શું માનો છો?
૧૯૮૦-૮૫ના ગાળામાં ત્રણ પ્રકારના લોકો ભેગા થઈને દેશના કે સમાજના
પ્રશ્નોની ચર્ચા કરતા હતા: (૧) સામાજિક આંદોલનો કે પ્રવૃત્તિ
સાથે સંકળાયેલા લોકો, (૨) માધ્યમોના લોકો અને (૩) વિદ્યાસંસ્થાઓ-સંશોધન સંસ્થાઓના
લોકો. એવા તબક્કે જે સંસ્થાઓ ઊભી થઈ, તેના લોકોના રાજકીય સંસ્કારો અગાઉ થઈ ચૂક્યા
હતા. વિશ્લેષણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેમનામાં હતી. ૧૯૮૫થી ૧૯૯૦ સુધીમાં
એનજીઓમાં પ્રોફેશનલિઝમ આવવા લાગ્યું. ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજી કોલેજમાં ભણીને
બહાર પડેલા લોકો આવતા થયા. તેમની પાસે અગાઉના લોકો જેવું વ્યાપક રાજકીય શિક્ષણ
નહોતું. વ્યાપક સમાજ કે સંસ્કૃતિની દૃષ્ટિએ નહિ, પણ સમાજકાર્યની દૃષ્ટિએ જ એ વિચાર
કરતા હતા. કોઈ તબીબ આવે, તો એ ખાલી હેલ્થનો જ વિચાર કરે. તેના પરિણામે સામાજિક
સંસ્થાનો દાયરો નાનો થતો ગયો. જેમ માધ્યમોમાં અતિસરળીકરણની વાત કરી, એવું જ
અતિસરળીકરણ અહીં થયું. વ્યક્તિગત માન્યતા પ્રમાણે કહું તો ભરયુવાનીમાં આ બધી
પ્રવૃત્તિઓ ‘ધર્મ’ લાગે છે. પછી ‘એ બધાનો ધર્મ નથી’ એવું
લાગતાં એને ‘સ્વધર્મ’ માનતા થઈએ છીએ. પછી પણ જાતજાતના
અનુભવો થાય અને તેની મર્યાદાઓ નજીકથી જોવા મળે, ત્યારે થાય છે કે હવે આ ‘આપદ્દધર્મ’ છે.
પચીસ વર્ષથી હું સમાજકારણમાં છું અને ધર્મથી શરૂ કરીને આપદ્દધર્મ સુધી આવી ગયો
છું. હવે તેમાં એટલું જ જોવાનું હોય છે કે મોટી કટોકટી ઊભી થઈ છે. તેમાં આપણાથી જે
થઈ શકે એ કરવાનું.
Thursday, August 03, 2023
રસ્તો નથી સસ્તો
રસ્તે પડેલી વસ્તુની કિંમત નથી હોતી અથવા નકામી વસ્તુને ‘રસ્તે પડેલી’ તરીકે ઓળખવામાં આવે છે. પણ રસ્તો પોતે રસ્તામાં નથી પડ્યો. તે કિમતી ચીજ છે. રસ્તા બનાવવાની કામગીરી કેટલા બધા લોકો માટે સમૃદ્ધિ સુધી પહોંચવાનો રસ્તો બની હશે, તે ઠેકઠેકાણે અને છાશવારે થતી રસ્તાની અવદશાથી કલ્પી શકાય. ફિલસૂફો અને ચિંતકોએ રસ્તાનો બહુ મહીમા કર્યો છે. (‘ખરું મહત્ત્વ મંઝિલનું નહીં, પણ ત્યાં સુધી પહોંચવાના રસ્તાનું છે.’ વગેરે) છતાં, રસ્તાની વાસ્તવિક-વ્યાવહારિક કિંમત કરવાની બાબતમાં ચિંતકો અને ફિલસૂફો કરતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઘણા આગળ નીકળી ગયા છે.
રસ્તા એ વિકાસની નિશાની છે. ભાંગેલાતૂટેલા રસ્તા તો વિશેષ. કેમ કે, સમજુ નાગરિકો એવા રસ્તા જોઈને કલ્પી શકે છે કે રસ્તા બનાવવાના અને તેનું સમારકામ કરવાના કામમાં સંકળાયેલા લોકોનો કેટલો બધો વિકાસ થઈ ગયો હશે. છેવટે, વ્યક્તિનો અને પરિવારોનો વિકાસ એ જ દેશનો વિકાસ નથી? રસ્તા માળખાકીય સુવિધામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, એવું અર્થશાસ્ત્રમાં આવે છે, પણ રસ્તાનું વાસ્તવિક અર્થશાસ્ત્ર વધારે મહત્ત્વનું છે અને બીજી ઘણીખરી મહત્ત્વની બાબતોની જેમ તે પણ અભ્યાસક્રમમાં આવતું નથી.
જૂની કહેવત હતી કે હાથી જીવતો લાખનો અને મરેલો સવા લાખનો. એવી જ રીતે કહી શકાય કે રસ્તો નવો લાખોનો અને તૂટેલો લાખ્ખોનો. ફિલસૂફો કહે છે કે જન્મ એ મૃત્યુનું સૌથી મોટું કારણ છે, પણ ફિલસૂફી એ અવતરણ તરીકે ટાંકવાની ચીજ બની ચૂકી હોવાથી, તેની પર તાળીઓ ઉઘરાવવા-પાડવાથી વિશેષ ધ્યાન લોકો આપતા નથી. બાકી, તેમના મનમાં ‘રસ્તા વારંવાર તૂટી કેમ જાય છે?’ એવો સંકુચિત સવાલ થતો ન હોત. તે સમજતા હોત કે રસ્તા છે એટલે તૂટે છે. સરકારશ્રીએ રસ્તા બનાવ્યા ન હોત તો તે તૂટત પણ નહીં. તેને બદલે ગાળો ખાવાનું-અપજશ વહોરવાનું જોખમ ખેડીને પણ વહીવટી તંત્રે રસ્તા બનાવ્યા છે, તો આ સાહસિક અને હિંમતભર્યા પગલા બદલ તેનાં ઓવારણાં લેવાં જોઈએ કે તેમના માથે માછલાં ધોવાં જોઈએ? વહીવટી તંત્ર એટલું સંવેદનશીલ છે કે ચોમાસામાં પાકા રસ્તા પર ઠેર ઠેર નાનાં તળાવની સાઇઝનાં ખાબોચિયાં ભરાઈ શકે તેવી પણ વ્યવસ્થા રાખે છે, જેથી ત્યાં માછલાં આવી શકે અને તંત્રના માથે ધોવા માટેનાં માછલાં લેવા પણ બહાર લેવા જવું ન પડે.
પહેલાં વરસાદ ફક્ત ચોમાસામાં પડતો હતો. હવે ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે તે ગમે ત્યારે પડે છે. એવી જ રીતે, પહેલાં રસ્તા ફક્ત ચોમાસામાં તૂટતા હતા. હવે તે વર્ષમાં ગમે ત્યારે તૂટતા હોય છે. તેના માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવવા જેટલી વૈજ્ઞાનિક સમજ પ્રજામાં હજુ કેળવાઈ નથી—નવી શિક્ષણનીતિમાં તે કેળવાઈ જશે એવી આશા રાખી શકાય—પરંતુ લોકનિંદાથી ડગ્યા વિના વહીવટી તંત્રના કેટલાક અફસરો અને કોન્ટ્રાક્ટરો તેમના કર્તવ્યના રસ્તેથી વિમુખ થતા નથી અને સહેજમાં તૂટી જાય એવા રસ્તા બનાવવાનું નિષ્ઠાપૂર્વક ચાલુ રાખે છે.
ડામરના પાકા રસ્તાની બોલબાલા પછી નવા સંશોધન તરીકે આરસીસીના રસ્તા બનવાના શરૂ થયા, ત્યારે રસ્તાને અમરફળ મળી ગયું હોય એવો આનંદ અબુધ પ્રજામાં ફેલાયો હતો. આરસીસીના રસ્તાની લાંબી આવરદા અને મજબૂતી વિશે દંતકથાઓ ચાલી હતી. પરંતુ આટલાં વર્ષોમાં તેમને સમજાયું છે કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોના સંબંધો આરસીસી કરતાં પણ વધારે મજબૂત હોય છે. તેના કારણે આરસીસીના ઘણા રસ્તા ડામરના રસ્તા જેટલા જ કે તેથી પણ વધારે બેહાલ જોવા મળે છે. તે જોઈને અહેસાસ થાય છે કે ડામર-આરસીસી એ તો બધી માયા છે. અસલી ચીજ અધિકારી-કોન્ટ્રાક્ટર વચ્ચેનો સંબંધ છે. ખોળીયાં બદલાયા કરે, પણ આત્મા મરતો નથી. એવી રીતે, આ સંબંધ પણ ખોળીયાં બદલીને નીતનવા સ્વરૂપે સતત પુનરાવતાર પામતો રહે છે.
રસ્તા કેવા હોવા જોઈએ? લોકોને નવા, સુંવાળા, અડચણ વગરના રસ્તા જોઈએ છે, જેની પરથી પસાર થતી વખતે વાહન પાણીના રેલાની જેમ સરકતું રહે. તેમને એ ખ્યાલ નથી કે એવા રસ્તા કોઈ વ્યસનની જેમ, કામચલાઉ આનંદ અને લાંબા ગાળે જીવનું જોખમ ઊભું કરનારા નીવડી શકે છે. ચાલક સહેજ ગાફેલ રહે તો, રસ્તા તરફથી કોઈ સંઘર્ષ ન હોવાને કારણે, ચાલકને ઝોકું આવી શકે છે. એટલા સુંવાળા-સમથળ રસ્તાને મોતના કૂવા ન ગણવા જોઈએ? ‘સારા રસ્તા નાગરિકોની સલામતીની દૃષ્ટિએ જોખમી છે’ એવું સંશોધન હજુ સુધી સરકારે કોઈ સંસ્થા પાસે કે આઇટી સેલ પાસે કરાવ્યું નથી, તે નવાઈની વાત છે. બાકી, સરકારનું આવું સંશોધન માનીને હોંશેહોંશે તેને ફોરવર્ડ કરનારા પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
લોકશાહીની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ, સ્વસ્થ-તંદુરસ્ત લોકશાહી માટે નાગરિકોને જગાડવાનું-જાગતા રાખવાનું જરૂરી છે. તે સ્વીકારીએ તો સમથળ-ખાડામુક્ત રસ્તા બનાવવા એ નાગરિકોની જાગૃતિ સામેનું અને સરવાળે લોકશાહીવિરોધી ષડયંત્ર ન ગણાય? અને વડાપ્રધાન કહે છે કે ભારત લોકશાહીની જનની છે. જનનીના ઘરમાં એટલે કે પિયરમાં લોકશાહી એટલી સુરક્ષિત છે કે વડાપ્રધાનને નવ-નવ વર્ષના શાસનકાળમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરી હોવા છતાં અને દરોડા પાડતી સંસ્થાઓનો બેફામ દુરુપયોગ કર્યો હોવા છતાં લોકશાહીને ઘસરકો સુદ્ધાં પડ્યો નથી. આટલી મજબૂત લોકશાહી સામે સુંવાળા રસ્તા જેવી મામુલી બાબત થકી ખતરો ઊભો ન થાય, તે જોવાની કોન્ટ્રાક્ટરો-અફસરોની પણ ફરજ ખરી કે નહીં?
Thursday, July 27, 2023
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને જાહેરમાં ફટકારવા વિશે
- પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બહુ આનંદ આવે છે અને ન્યાય થયો હોય એવું લાગે છે. ગુનેગારોને સીધા કરવાની એ જ સાચી રીત છે, એવું તેમને લાગે છે.
- અત્યારે ટ્રાફિકના ગુનાની વાત કરીએ તો, મોટા અકસ્માત પછી એક-બે વિડીયો એવી જોવા મળી, જેમાં ટ્રાફિકનો ગુનો કરનારને એક પોલીસ પકડે અને બીજા પાછળથી ફટકારે. કેટલી લાકડીઓ? પોલીસને મન થાય ને ધરવ થાય એટલી.
- લાકડી ફટકારતી વખતે પોલીસ કોનો કોનો કે શાનો શાનો ગુસ્સો ઉતારે છે એની તો આપણે કલ્પના કરવાની રહી, પણ સીધીસાદી સભ્યતાના એક પણ ધોરણે એ સજા વાજબી ઠેરવી શકાય તેમ નથી. ગુનેગાર સાથે ગુનેગાર બનીને કામ પાડવામાં ન્યાય નથી થતો. બરાબરી થાય છે.
- ટ્રાફિકના ગંભીરમાં ગંભીર ગુના માટે કાયદાની કલમો હશે અને ન હોય તો તે કલમો બનાવવા માટે રજૂઆતો-આંદોલન કરવું, એ તેનો ઉપાય છે. આ રીતે કોઈને પણ મારવાની પોલીસને સત્તા નથી. તેમ છતાં, પોલીસ એ સત્તા ભોગવે અને તેને લોકોના મોટા સમુદાયનું સમર્થન મળે, એ બંને બાબતો બહુ ખતરનાક છે.
- નૈતિકતા કે પ્રમાણભાનની વાત ઘડીભર બાજુએ રાખીએ તો પણ, જાહેરમાં ફટકારવાના પ્રસંગોથી રાજી થતા અને પોરસાતા લોકોને એ ખ્યાલ હોય છે કે કોઈ પણ રેશનલ--તર્ક કે પ્રમાણભાન--વગરના, આવા 'ઇન્સ્ટન્ટ ન્યાય' એટલે કે પોલીસની ધોકાવાળીમાં તેમનો નંબર પણ ગમે ત્યારે લાગી શકે છે?
- જેમની પાસે જેની સત્તા નથી, તે એ સત્તા હાથમાં લઈ લે ત્યારે નાગરિક તરીકે આપણે ચેતવાનું હોય અને વિરોધ કરવાનો હોય. કારણ કે, સત્તાના દુરુપયોગની બંદૂક હંમેશાં આપણને ન ગમતા માણસ સામે જ તકાય એવું બિલકુલ જરૂરી નથી હોતું. અને એક વાર સત્તાના દુરુપયોગને વધાવી લીધા પછી, આપણે પણ તેના સાગરીત બનીએ છીએ.
- ગુનેગારોને કડક સજા થાય તે માટે 1) કાયદાની જોગવાઈ 2) કાયદા પ્રમાણે ચાલવાની પોલીસની વર્તણૂંક 3) તેના માટે પોલીસ ઉપરીઓની પ્રોફેશનલ (દબંગછાપ નહીં) વર્તણૂંક 4) પોલીસ દ્વારા અસરકારક રીતે થતી કેસની નોંધણી અને સંબંધિત કાચું કામ, જેના આધારે અદાલતમાં પહોંચ્યા પછી કેસ લૂલો ન પડી જાય અને 5) અદાલતમાં આ પ્રકારના કેસની ઝડપી સુનાવણી અથવા આ પ્રકારના કેસ માટેની બીજી અદાલતો-- આટલું જરૂરી છે.
- આ પ્રક્રિયા છે, જેના પહેલા પગથિયાની દિશામાં સફર શરૂ થવી જોઈએ. મીડિયાએ હઈસો હઈસો ને ગુનેગારોને અવનવાં લેબલ આપવાને બદલે લાંબા ગાળાના ઉકેલની દિશામાં લોકમત ઘડવો, દોરવો જોઈએ. અને એવું ન કરે તો પણ લોકોને ઉશ્કેરણીના રવાડે ચડાવવા જોઈએ નહીં.
- ડંડાવાળી કરવાથી કે ટ્રાફિક ઝુંબેશો કે સ્પેશ્યલ ડ્રાઇવ કરવાથી સનસનાટીપ્રેમી -લોકલાગણી ઉશ્કેરનારાં મીડિયાને ધરવી શકાશે, પણ આપણી નાગરિકોની સમસ્યાનો કશો ઉકેલ નહીં આવે.
Monday, July 24, 2023
છત્રીસલક્ષણી છત્રી
સામાન્ય લોકોને મન છત્રી એટલે વરસાદથી પલળતાં બચાવતું સાધન. વધારે તૈયાર લોકો છત્રીના ‘સ્વરક્ષણ કમ, આક્રમણ જ્યાદા’વાળા ઉપયોગ પણ (કરી) જાણતા હશે. પરંતુ છત્રીના સમાજશાસ્ત્રીય મહત્ત્વ વિશે કેટલા લોકો જાણતા હશે? બીજાને તો ઠીક, સમાજશાસ્ત્રીઓને પણ ભારતીય કુટુંબવ્યવસ્થા સાથે છત્રીના સંબંધ વિશે પૂછવામાં આવે તો માથું ખંજવાળી શકે છે.
જૂના સમયની છત્રીઓનો ઘેરાવો યાદ કરો. તે સમયની લગભગ દરેક ચીજની જેમ, છત્રી પણ મોટી હતી. એટલી મોટી કે શિરછત્ર જેવી લાગે. રાજાઓના માથે રહેલું શિરછત્ર સોનાનું ને મોંઘું હોય, જ્યારે સામાન્ય માણસના શિર પર ધારણ કરાતું છત્રી-છત્ર કાળું અને સીધુંસાદું હોય. પણ બંનેથી મળતા રક્ષણમાં કોઈ ફરક નહીં. ઘણાં ઘરમાં દાદાજીની લાકડીમાંથી બનેલી છત્રીઓ પણ જોવા મળતી. એવી છત્રી ખુલે ત્યારે માથે કુટુંબના વડાનું છત્ર હોય એવો સલામતીભર્યો અહેસાસ થતો હતો.
સમાજશાસ્ત્રની રીતે વિચારતાં કહી શકાય કે તે છત્રીઓ સંયુક્ત પરિવારનું પ્રતિક હતી. પરિવાર મોટો. છત્રીઓ પણ મોટી. નાનાં બાળકોને એવી છત્રીઓ ઝટ ખોલ-વાસ કરતાં ફાવે નહીં. ચપટી ભરાવાની બીક લાગે. તે ખોલવા માટે પણ જોર લગાડવું પડે. વડીલો બાળકોને સલામત રીતે છત્રી ખોલતા શીખવાડીને આગામી પેઢીનો જીવનપથ પ્રશસ્ત કરે. બાળકને મોટી છત્રી બરાબર ખોલતાં-બંધ કરતાં આવડી જાય, ત્યારે તે મોટું થયું ગણાય અને વડીલને સંતાન પ્રત્યેનું એક કર્તવ્ય અદા કર્યાનો સંતોષ થાય.
દેશમાં કુટુંબના વિસ્તારની સાથે છત્રીઓનો વિસ્તાર સંકોચાતો ગયો કે પછી, છત્રીઓના વિસ્તારની સાથે કુટુંબોનો વિસ્તાર સંકોચાતો ગયો, તે ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ બંનેના વિસ્તાર સંકોચાયા એ હકીકત છે. ‘પ્રેમગલી અતિ સાંકરી, તામેં દો ના સમાયે’ એવું કબીરજીનું વચન જુદી રીતે નવી છત્રીઓને બરાબર લાગુ પડ્યું. તે છત્રીઓ એટલી સાંકડી હતી કે તેમાં બે તો ઠીક, એક જણ માંડ સમાઈ શકે. વિભક્ત પરિવારોમાં માણસો ઇન, મીન ને તીન હોવા છતાં, તે પણ પોતાની ‘સ્પેસ’ માટે ફાંફાં મારતાં હોય છે. એવી જ રીતે, નવા જમાનાની છત્રી ધારણ કરનાર એકલો હોવા છતાં, તે છત્રી નીચે વરસાદથી બચવા માટે સંઘર્ષ કરતો જોઈ શકાય છે.
નવી છત્રીઓ ગાંધીજીએ ચીંધેલાં ‘સુધારા’નાં—એટલે કે ‘કુધારા’નાં—લક્ષણોવાળી નીકળી. ચાંપ દબાવો એટલે ભફ્ફ અવાજ સાથે ઓચિંતી ખુલી જાય. ખોલનાર સાવધ ન હોય તો આજુબાજુના કોઈને તે વગાડી બેસે. જેમ ઝડપ એ સુધારાનું લક્ષણ છે તેમ, બીજાના હિત કરતાં પોતાની સુવિધાને પ્રાધાન્ય આપવું એ પણ સુધારાની ખાસિયત છે. તેમાં પોતાની સુવિધા વધારવા માટે બીજાના હિતનો ભોગ લેવાનો પણ છોછ હોતો નથી. બલ્કે, તેને અનિવાર્ય અનિષ્ટ અથવા આવડત ગણવામાં આવે છે.
જૂની છત્રીઓ વર્ષો સુધી અને કેટલાક કિસ્સામાં પેઢી દર પેઢી ચાલતી હતી. છત્રી કરતાં છત્રી વાપરનારની જીવનલીલા વહેલી સંકેલાઈ જાય એવું ઘણી વાર બન્યું હશે. એકની એક છત્રીને થીંગડું મરાવીને વાપરનારા લોકો પણ હતા. તે છત્રી વરસાદ સિવાયની ઋતુઓમાં ટેકણલાકડીથી માંડીને પોશાકના અભિન્ન અંગ તરીકે ખપમાં લેવાતી હતી. તારક મહેતાએ સર્જેલું કાંડે છત્રી ઝુલાવતા તેમના જમાનાના પત્રકાર પોપટલાલનું પાત્ર એ હકીકતનો પુરાવો છે. ઘરની બહાર બંધ છત્રી ઊભી ટેકવેલી હોય તે વડીલની હાજરીની નિશાની ગણાતી હતી અને બાળવર્ગમાં તે છત્રીનાં દર્શનમાત્રથી અનુશાસન પર્વ વ્યાપી જતું હતું.
હવે વડીલની છત્રી અને વડીલની ધાક બંને ઘણી હદે, શહેરોમાં તો ખાસ, લુપ્ત થયાં છે. નવી છત્રીઓના વરસાદમાં જૂની છત્રી જાણે તણાઈ ગઈ. ટકાઉપણાને પરિવર્તનવિરોધી અને જૂનવાણી ગણતા યુગમાં જૂની છત્રીઓનું ઉઠમણું ન થાય તો જ નવાઈ. તેમની સરખામણીમાં સ્વિચવાળી છત્રીનું તકલાદીપણું તેની કમનીયતામાં અને સુવિધામાં ખપવા લાગ્યું. ત્યાર પછી છત્રી બગડે તે આપત્તિ નહીં, પણ અવસર ગણાવા લાગ્યો. ‘નાની બચત’ પછીના, રીફીલ પૂરી થાય ત્યારે આખેઆખી પેન જ ખરીદવી પડે એ યુગમાં જન્મેલા લોકો કહે છે, ‘સારું થયું, હવે નવી છત્રી આવશે. બે વર્ષથી એકનું એક છત્રું વાપરીને કંટાળો આવ્યો હતો’.
સ્વિચવાળી છત્રીઓ થોડો વખત વપરાયા પછી સરળતાથી બંધ થવાનો ઇન્કાર કરે, તેના એકાદબે સળીયા આઘાપાછા થઈ જાય, સ્વિચ બગડી જાય અને એવું કશું ન થાય તો એકાદ તોફાની વરસાદમાં છત્રી કાગડો થઈ જાય--જેમ લોકશાહીના રક્ષણ માટે રહેલી ઘણીખરી બંધારણીય સંસ્થાઓની છત્રી અત્યારે કાગડો થઈ ચૂકી છે. પરંતુ બધા પાસે એ પ્રકારની છત્રી હોવાને કારણે અને બધાની છત્રીઓ કાગડો થઈ હોવાને કારણે, કોણ કોને શરમાવે? ત્યાર પછી છત્રીની કાગડો અવસ્થાને ‘ન્યૂ નોર્મલ’ જાહેર કરવાનું જ બાકી રહે છે.
દાદાજીના જમાનામાં છત્રીઓ સામે કટોકટી આવતી હતી. તોફાની હવામાં ક્યારેક તે છત્રી છત્રીધારકને પોતાની સાથે તાણી જતી હતી. પણ તે કાયમ માટે નકામી થઈ જાય એવી કાગડાવસ્થાને પામતી ન હતી. તેનું સમારકામ કરી શકાતું હતું અને બીજા ચોમાસે તે એવું રક્ષણ આપતી હતી, જાણે અગાઉ કશું થયું જ ન હોય. હવે કાગડો થઈ ગયેલી છત્રીઓ અને સંસ્થાઓ માટે એવી આશા રાખવી કે એવો આશાવાદ સેવવો અઘરો છે. કાશ, કાગડો થયેલી છત્રી જેટલી સહેલાઈથી કાગડો થયેલી સંસ્થાઓ સમારી-સુધારી શકાતી હોત.
Sunday, July 23, 2023
અમદાવાદના અકસ્માત વિશે થોડા પ્રાથમિક-પાયાના વિચાર
1. ઘણા ગુનામાં કોઈ એક ગુનેગાર નહીં, ઘણા બધા ગુનેગાર હોય છે. આ કિસ્સામાં સૌથી મોટો ગુનેગાર બેદરકાર ડ્રાઇવિંગથી 11 જણને કચડી નાખનાર તથ્ય પટેલ છે. તેનો અર્થ એવો નથી કે બાકીની એજન્સીઓ (ટ્રાફિક પોલીસ, રસ્તાનું ધ્યાન રાખતું કોર્પોરેશન વગેરે) નિર્દોષ ઠરે છે.
2. એવી જ રીતે, ફ્લાય ઓવર પર અંધારું હતું, ફ્લાયઓવર પર ચડતાં દૃષ્ટિ અવરોધાઈ જાય છે, ટોળું ત્યાં શું કરતું હતું, ટ્રાફિક પોલીસે બેરીકેડ કેમ ન લગાડી--આ બધા મુદ્દા સાચા હોવાને કારણે, તથ્ય પટેલનો ગુનો જરાય ઓછો થતો નથી. એટલે, એ મુદ્દા તથ્ય પટેલના બચાવમાં વાપરી શકાય નહીં.
3. બુલડોઝરની કાર્યવાહી ક્યાંય પણ થાય, તે ગુફાયુગની પ્રથા છે. બુલડોઝર ચલાવી દેવું એ ટોળાંનો બદલો હોઈ શકે, ન્યાય નહીં. સરકાર જેવી સરકાર ટોળાંશાહીની રીતે, ટોળાંની લાગણી સંતોષવા હિંસા આચરતી થઈ જાય, ત્યારે કોઈ સલામત નથી રહેતું --અને એ અત્યારે આપણે જોઈ જ રહ્યાં છીએ.
4. ગુનેગારને ફાંસી થવી જોઈએ--એવું બૂમરાણ મચાવવાથી કીક આવે છે અને સરકારને તેના મનગમતા--કાયદો હાથમાં લેવાના--રસ્તે આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે કાયદામાં આ પ્રકારની સજાની જોગવાઈ છે ખરી?
5. એક પણ નિર્દોષનો જીવ જાય, તો તેનો જીવ લેનારને કે જીવ લેવામાં પોતાની બેદરકારીથી કારણભૂત બનનારને તેની આકરી કિંમત ચૂકવવી પડે--એ ન્યાય છે. સૌથી પહેલાં એની ચર્ચા થવી જોઈએ કે તથ્ય પટેલ પ્રકારના કિસ્સામાં કાયદાની શી જોગવાઈ છે? અને તેમાં કશા ફેરફારની જરૂર છે? દરેક કેસ વખતે આરંભિક હોબાળા પછી, ગુનેગાર રૂપિયાના જોરે છૂટી જાય (કે ન પણ છૂટે) તેના કરતાં, કાયમી ધોરણે કાયદામાં ફેરફાર થાય અને આ પ્રકારના ગુનાની સજા ગંભીર બને તે વધારે જરૂરી છે.
6. તથ્ય પટેલે કે તેના પિતાએ કે તેના વકીલે અગાઉ શું કરેલું, એની કથાઓ રસિક હોઈ શકે છે, પણ તે મીડિયા ટ્રાયલ માટે કામની છે-અસલી ન્યાય માટે નહીં. અત્યારે તથ્ય પટેલને શક્ય એટલી મહત્તમ સજા થાય અને રૂપિયાના આધારે બધું મેનેજ થઈ જાય છે--એવો મેસેજ ન જાય, તે સૌથી મહત્ત્વનું છે.
7. તથ્ય પટેલને સજા થઈ જાય એટલા માત્રથી પણ ન્યાય થઈ જતો નથી. તથ્ય પટેલને સજા થાય અને મૃતક પરિવારોને તથ્ય પટેલની કૌટુંબિક સંપત્તિમાંથી દાખલો બેસે એટલી મોટી રકમ વળતર સ્વરૂપે આપવાનો હુકમ થાય, તે પણ જરૂરી છે.
8. અમીર હોવું એ તથ્ય પટેલનો ગુનો નથી, પણ આ ગુનામાં તેની અમીરી તેની તાકાત ન બની જાય, તેનું ધ્યાન રાખવું એટલું જ મહત્ત્વનું છે.
9. આખી ઘટનાને કરુણ સિરીયલ કે એશોઆરામમાં જીવતા નબીરાનાં કરતૂતની વેબ સિરીઝ તરીકે રજૂ કરવાથી બચવા જેવું છે. કારણ કે, એમ કરવા જતાં ગુનેગારને સજા-પીડિતને ન્યાયનો મુખ્ય મુદ્દો કેન્દ્રમાંથી ખસી જાય છે અને મનોરંજન-સનસનાટી-રોમાંચ મુખ્ય બની જાય છે.
Wednesday, July 05, 2023
રેઇન કોટમાં વરસાદ
શહેરી લોકોનું ચાલે તો તે કુદરત સમક્ષ એવી માગણી મુકે કે વરસાદ ફક્ત ખેતરો, જળાશયો અને નદીઓ ઉપર જ પડવો જોઈએ, પણ વરસાદ કે કુદરત એટલું સમજતાં નથી. એટલે ‘વહુને અને વરસાદને જશ નહીં’—એવી કહેવતો ચલણમાં આવી.
‘ચોમાસું શાની ઋતુ છે?’ એવો સવાલ આમ હાસ્યાસ્પદ લાગે, પણ તેનો જવાબ સીધોસાદો નથી. ખેડૂતો માટે વરસાદ ખેતીની ઋતુ ખરી, પણ કવિઓ કે સંભાવિત કવિઓ માટે તે કવિતાના વરસાદની મોસમ છે. ખાણીપીણીના પ્રેમીઓ માટે તે ભજિયાંની સીઝન છે. ઘણા લોકોના મનમાં ભજિયાં-વરસાદનો સંબંધ એટલો ગાઢ હોય છે કે કોઈ વરસાદી ગીત સાંભળીને પણ તેમને ભજિયાં ખાવાનું મન થઈ જાય. પરંતુ આ બધી લીલાઓ ઘરની કે ઓફિસની છત નીચે બેઠેલા લોકોની. બાકીના મોટા ભાગના લોકો માટે વરસાદ એટલે કપડાં બચાવતાં બચાવતાં, ‘લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે’ ગાવું ન પડે એ રીતે, સહીસલામત ઓફિસે પહોંચવાની કસોટી.
દર વર્ષે લાખો રૂપિયા ખાઈ જતા રસ્તા વરસાદની ચેલેન્જને પાંચ-દસ ગણી વધારી મુકે છે. એવા રસ્તા પર પલળ્યા વિના ચાલવા-ચલાવવાનું કામ કોઈ સાહસપૂર્ણ રીઆલીટી શો જેવું બની રહે છે. છત્રીઓ હોય છે, પણ મસમોટા પડકારો સામે બાથ ભીડવાની હોય ત્યારે એક હાથ છત્રી રોકી લે તે કેમ પોસાય? એટલે માણસે પોતાની જાત રેઇન કોટને હવાલે કરવી પડે છે.
પહેલી વાર રેઇન કોટ અને એ પણ શર્ટ-પેન્ટ પ્રકારના ટુ પીસ રેઇન કોટ જોઈને માણસને થાય છે કે ‘બસ, હવે તો વરસાદ છે ને હું છું.’ રેઇન કોટ તેને વરસાદનો સામનો કરવા માટે ઉપરવાળાએ મોકલેલું દિવ્ય વસ્ત્ર હોય એવું ભાસે છે. તેને પહેર્યા પછી ગમે તેવા વરસાદમાં બહાર નીકળી શકાશે અને કોરાકટાક રહી શકાશે એવી આત્મશ્રદ્ધા તેનામાં પ્રગટે છે. જાડા રબર જેવા રેઇન કોટની સપાટી પર હાથ ફેરવીને તે મનોમન પોરસાય છે, ‘જોયું? વરસાદ તો શું? તેજાબ પણ અંદર જઈ ન શકે એવો મજબૂત રેઇન કોટ છે.’ રેઇન કોટ પાતળો હોય તો તેને થાય છે, ‘પાતળું પ્લાસ્ટિક છે, પણ છે કેવું મજબૂત? વરસાદ ઉપરથી જ લપસી જશે.’
પરંતુ રેઇન કોટનાં પહેલાં દર્શનથી થયેલીર હાત સરકારના મોન્સૂન પ્લાન જેવાં નીવડે છે. શરૂઆતમાં બે-ચાર નાનાં ઝાપટાં પડે ત્યાં સુધી રેઇન કોટની અસરકારકતાની માન્યતા ટકી રહે છે. અખંડ રહે છે. તે દૃષ્ટિએ રેઇન કોટ મોન્સૂન પ્લાન કરતા વધારે મજબૂત કહેવાય. કેમ કે, ચોમાસા પહેલાં નક્કર લાગતો મોન્સૂન પ્લાન મોટે ભાગે આરંભિક દોઢ-બે ઇંચ વરસાદમાં જ પ્રવાહી બનીને વહી જાય છે.
વરસાદમાં રેઇન કોટ પહેરીને બહાર નીકળતાં સૃષ્ટિ જુદી લાગે છે. હેવ્સ અને હેવ નોટ્સ (ખાટી ગયેલા ને રહી ગયેલા) વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જાય છે અને પોતે ‘હેવ્સ’ના જૂથમાં હોવાનો ગૌરવવંતો અહેસાસ થાય છે. પરંતુ ચોમાસું આગળ વધે તેમ સામાજિક ભેદરેખા ભૂંસાતી જાય છે અને રેઇન કોટધારીઓને સમજાય છે કે એમ ફક્ત રેઇન કોટના જોરે ‘હેવ નોટ્સ’માંથી ‘હેવ્સ’માં ન આવી જવાય. ભરવરસાદમાં દ્વિચક્રી ચલાવતી વખતે કે ટૂંકા અંતર સુધી ચાલતી વખતે, રેઇન કોટ પહેર્યો હોવા છતાં એકાએક શીતળ અહેસાસ થાય છે. પહેલાં તો એવું માનવાનું મન થાય છે કે રેઇન કોટ પહેરવાને કારણે મનમાં જે ઠંડક થઈ તે બહાર રેલાતી હોય છે. પછી ખ્યાલ આવે છે કે ઠંડકની સાથોસાથ ભીનાશ પણ સામેલ છે અને તે પાણીની છે. એ સાથે સવાલ થાય છેઃ રેઇન કોટ પહેર્યો હોય તો તેની અંદર પાણી શી રીતે ઘુસી શકે? એ લાગણી ‘હમારી જેલમેં સુરંગ?’ જેવી હોય છે. પછી તરત વિચાર આવે છેઃ રેઇન કોટ તો બરાબર જ હોય. નક્કી તે પહેરવામાં ક્યાંક ગરબડ થઈ હશે અને ત્યાંથી પાણી અંદર જતું હશે.
થોડી વાર પછી પાણીની બીજી ધારાનો અહેસાસ થાય છે અને જોતજોતાંમાં લાગે છે કે રેઇન કોટ ફક્ત બહારથી જ નહીં, અંદરથી પણ ભીનો થવા લાગ્યો છે અને તેની સાથે કપડાં ભીંજાવા લાગ્યાં છે. એટલે, ‘મારી સાથે આવું શી રીતે થઈ શકે?’ એ વિચારે પહેલાં તો માણસને રોષ ચડે છે. પછી રોષનો મુદ્દો બદલાય છેઃ ‘નક્કી રેઇન કોટની દુકાનવાળાએ મારી સાથે છેતરપીંડી કરીને મને હલકો માલ પધરાવ્યો લાગે છે. બાકી, રેઇન કોટ પહેર્યા પછી પણ ભીંજાવાનું હોય તો તે પહેરવાનો અર્થ શો રહ્યો?’ તેને ગુસ્સો અપાવનારી ત્રીજી બાબત એ છે કે રેઇન કોટમાં અંદર પાણી ગયું તેમાં મ્યુનિસિપાલિટીનો વાંક કાઢી શકાતો નથી ને તેની પર ગુસ્સે થઈ શકાતું નથી.
પહેલી વાર રેઇન કોટમાં પલળ્યા પછી તે જ્ઞાનની શોધમાં બીજા અનુભવી રેઇન કોટધારીઓને મળે છે. ત્યારે તેને સમજાય છે કે રેઇન કોટથી ન પલળાય એવી કોઈ ગેરન્ટી હોતી નથી. રેઇન કોટ પહેરવાથી ફક્ત એટલું જ સૂચિત થાય છે કે તે પહેરનાર સ્વેચ્છાએ પલળવા ઇચ્છતો ન હતો ને તેણે કોરા રહેવાના યથાશક્તિ પ્રયત્ન કર્યા. છતાં તે પલળ્યો એ તેની (ઓફિસમાં) ગેરશિસ્ત કે (ઘરમાં) બેદરકારી નથી. છતે રેઇન કોટે તેનું પલળવું એ કુદરતનો સંદેશો છે કે વરસાદ સત્ય છે ને રેઇન કોટ મિથ્યા.