Tuesday, August 12, 2025
અલવિદા, તુષારભાઈ
મુંબઈમાં અશ્વિનીભાઈ-નીતિભાભી સાથે ડો. તુષારભાઈ અને તેમની દીકરી, 2012 |
![]() |
'ઇન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદ 'ગાંધી પછીનું ભારત'ના પ્રકાશન સમારંભમાં, રામ ગુહાની પાછળ ત્રીજી લાઇનમાં તુષારભાઈ, 2025 |
આજે ડો. તુષાર શાહની વિદાયના સમાચાર મળ્યા. કેટલાક સ્નેહીઓ એવા હોય છે, જેમને મળવાનું ઓછું થયું હોય, પણ જ્યારે મળીએ ત્યારે તેમનો ઉમળકો સ્પર્શ્યા વિના ન રહે. તુષારભાઈ એવા એક જણ હતા.
તેમની જાહેર ઓળખ કાર્ડિયોલોજિસ્ટ તરીકેની, પણ મારા જેવા કેટલાક લોકો માટે તેમની મુખ્ય ઓળખ અશ્વિનીભાઈ (અશ્વિની ભટ્ટ)ના પ્રેમી તરીકેની થઈ. અશ્વિનીભાઈ બહુ મઝાથી અને તેમના અંદાજમાં કહેતા કે તેમને બાય પાસ કરાવવાની હતી અને હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું, તેની આગલી સાંજે તેમના બંગલાની ડોરબેલ વાગી. તેમણે જઈને બારણું ખોલ્યું તો કોઈ અજાણ્યા સજ્જન, ઝભ્ભા-લેંઘામાં સજ્જ, બારણે ઊભા હતા. પહેલી નજરે પ્રભાવશાળી ન લાગે. અશ્વિનીભાઈને થયુંં કે હશે કોઈ વાચક. ભાઈએ ઓળખાણ પણ એવી જ આપી કે સાહેબ, તમારો વાચક છું. પછી ધીમે રહીને કહ્યું કે મારું નામ ડો. તુષાર શાહ. ત્યારે ગુરુને થયું, ઓહો, કાલે આપણે જેને ત્યાં જવાનું છે, તે જ આજે આપણે ત્યાં.
પછી તો બંને વચ્ચેનો સ્નેહસંબંધ બહુ ખીલ્યો. તુષારભાઈ અશ્વિનીભાઈની અત્યંત કાળજી રાખતા હતા. અશ્વિનીભાઈ થકી મારે પણ તુષારભાઈ સાથે ક્યારેક ફોન પર વાતચીત ને ક્યારેક રૂબરુ મુલાકાતનો સંબંધ થયો. તુષારભાઈ મૃદુભાષી, એક-બે વાક્યો બોલીને હસે. ઘણી વાર શબ્દોને બદલે હાસ્યથી પણ કામ ચલાવે. તેમની હાજરી વરતાવા ન દે.
અશ્વિનીભાઈ છેલ્લી વાર અમદાવાદ-ભારત આવ્યા અને અવિનાશભાઈ પારેખ દ્વારા આયોજિત 'જો આ હોય મારું છેલ્લું પ્રવચન' માટે મુંબઈ જવાનું થયું, ત્યારે તબિયતની બહુ ગરબડ હતી. તે મુંબઈ જઈ શકશે કે નહીં, એવી શંકા હતી. પરંતુ અશ્વિનીભાઈ એમ હાર માને નહીં. છેવટે, અશ્વિનીભાઈ-નીતિભાભીની સાથે ડો.તુષારભાઈ પણ મુંબઈ ગયા. કાર્યક્રમ સુખરૂપ પાર પડ્યો અને તેના શીર્ષકને કમનસીબ રીતે સાચું ઠેરવતો હોય તેેમ, અશ્વિનીભાઈનું તે છેલ્લું પ્રવચન જ બની રહ્યો.
અશ્વિનીભાઈની સ્મૃતિમાં જે પુસ્તક કરવાનું છે (જેનો મોટા ભાગનો હિસ્સો તૈયાર છે. તેમના પુત્ર નીલ પાસેથી કેટલીક સામગ્રી આવે તેની રાહ છે.) તેમાં પણ તુષારભાઈએ હાથેથી કાગળ પર લખીને આપ્યું હતું. તે વાંચીને મેં કહ્યું હતું કે આ તો બહુ ટૂંકું છે. તમારી પાસે નિરાંતે વાત કરવી પડશે.
પણ એવી નિરાંત કદી આવી નહીં. તેમની સાથેની છેલ્લી મુલાકાત અમારા 'ગાંધી પછીનું ભારત'ના પ્રાગટ્ય-સમારંભમાં થઈ. તે સજોડે આવ્યા હતા, બહુ પ્રેમથી મળ્યા અને શાંતિથી મળવાનું બાકી રહ્યાના અહેસાસ સાથે છૂટા પડ્યા. અગાઉ કેન્સર સાથે ભારે આત્મબળથી ઝઝૂમી ચૂકેલા તુષારભાઈના ઓચિંતા, એકાદ દિવસની ટૂંકી માંદગી પછી અણધાર્યા, અવસાનના સમાચાર નીલ પાસેથી જાણીને આંચકો લાગ્યો અને અત્યાર લગી મનમાં ઝીલાયેલી તેમની અનેક છબીઓ સહેજ ભીનાશમાં તરવરી રહી.