Wednesday, March 26, 2025

રજનીકુમાર પંડ્યાઃ મનની માયાનગરીના ભોમિયા

(ગુજરાતમિત્ર, દર્પણ પૂર્તિ, 26-3-25)

વાર્તાકળા અને માનવમનના પ્રવાહોનો અભ્યાસ જેમના રોજિંદા જીવન સાથે વણાયેલાં હતાં, એવા સાહિત્યકાર-સંગીતમર્મજ્ઞ રજનીકુમાર પંડ્યાએ 15 માર્ચ 2025ના રોજ 86 વર્ષની વિદાય લીધી. ઝબકાર શ્રેણીમાં આવતાં તેમનાં વ્યક્તિચિત્રો-સંસ્થાચિત્રો હોય કે બિલોરી શ્રેણીમાં પ્રગટ થયેલી તેમની કથાઓ કે પછી શબ્દઠઠ્ઠા અને તીરછી નજર શીર્ષકો હેઠળની હાસ્યકથાઓ—એ દરેકમાં કલ્પનાનું તત્ત્વ કેવળ કૃતિને ઘાટ આપવા જ વપરાયું હોય એવું લાગે. બાકીની બધી સામગ્રી આસપાસના જીવાતા જીવનમાંથી જોગવી શકે, એવો રજનીકુમારનો જીવન સાથેનો નિકટનો નાતો હતો.

એટલે જ, સંપૂર્ણપણે કલ્પનાનો પ્રદેશ કહેવાય એવી નવલકથાઓમાં પણ રજનીકુમારે સત્ય ઘટનાઓને આધાર બનાવીને, તેની પરથી કલ્પનાની ઉડાન ભરી હતી. તથ્યો તેમની સર્જકતા માટે બેડી બનવાને બદલે કે તેમની સર્જકતાની ઉડાન રુંધવાને બદલે, પાંખમાં જોર પૂરતાં હોય એવું લાગતું હતું. તથ્યમાં ક્યાં, કેવો ને કેટલો રંગ પૂરવો એ મામલે તેમનો આંતરિક વિવેક અડીખમ રહ્યો. ક્યારેય તે લાગણીવેડામાં સરી ન ગયા. છતાં તેમનાં કેટલાં બધાં લખાણ એવાં હતાં કે જે વાંચનારમાં સમસંવેદન પ્રેરે અને તેને સાહિત્યતત્ત્વની ઉચ્ચ અનુભૂતિ કરાવે.

નાટકીય ઘટનાઓના અવિરત સિલસિલા જેવા જીવનમાં રજનીકુમાર સુખદુઃખના અંતિમો પર અને કેટલીક વાર બંને અંતિમો પર સમાંતરે ઝૂલતા રહ્યા. માણસ હતા, એટલે વ્યથિત અને હતાશ થતા, રોષે ભરાતા અને જરાસરખા અન્યાયબોધ સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા હતા. પરંતુ તેમનામાં રહેલી કુદરતી બક્ષિસને કારણે, લાગણીના બધા આવેગો અનુભવ્યા પછી અને ઘણી વાર તેનાથી દોરવાયા પછી પણ, આખરે તેમાંથી તે મનના ચિત્રવિચિત્ર પ્રવાહો અને જીવનનાં ચિરંતન સત્યોનો અર્ક તારવી શકતા હતા અને તેને પોતાનાં લખાણોમાં યથાતથ ઉતારી શકતા હતા.

અનેકરંગી જીવનમાં મળેલાં અવનવાં પાત્રોમાંથી સાહિત્યિક મૂલ્ય ધરાવતો ઘટક તારવીને, તેને સાંધા કે રેણ વિના કૃતિમાં પરોવવાની તેમની ફાવટ ગજબની હતી. તેમનાં લખાણોમાં ભભરાવેલી ફિલસૂફી કદી ન મળે, પણ જિંદગીના ઉતારચઢાવની વચ્ચે વ્યક્ત થતી રહેતી ઉદાત્તતા, અધમતા અને તેની વચ્ચેનાં લક્ષણોની આખી રેન્જ તેમના લખાણને અનોખું પરિમાણ આપતી હતી. તેમના એક સ્નેહી પુસ્તકોના જબ્બર પ્રેમી અને સંગ્રાહક. ઝટ પુસ્તક વાંચવા ન આપે અને આપે તો તેની સાચવણીની કેટલીય સૂચનાઓ આપે. એક વાર રજનીભાઈએ તેમની કસોટી કરવા પૂછ્યું,તમારી બધી વાત બરાબર, પણ ધારો કે આ પુસ્તક મારાથી ખોવાઈ ગયું તો?’ પેલા ભાઈએ ક્ષણના પણ વિલંબ વિના, એકદમ શાંતિથી કહ્યું,ગયું તો ગયું. રજનીભાઈના મનના અમર્યાદ ડેટાબેઝમાં સંઘરાયેલી આ વાત કુંતી નવલકથામાં હરિરાજ સ્વામીના પાત્રાલેખન દરમિયાન ઉભરી આવી અને એક સ્વસ્થ-રેશનલ સન્યાસીની સ્વસ્થતા દર્શાવવા માટે પ્રયોજાઈ હતી.

લગભગ અઢી દાયકા પહેલાં એક શીઘ્રકોપી સંગીતપ્રેમી મિત્ર સાથે રસ્તે ચાલતાં કોઈ મુદ્દાની ચર્ચામાં ગરમાગરમી થઈ. પેલા મિત્ર તેમની લાક્ષણિકતા પ્રમાણે એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઝનૂનથી રજનીભાઈની ફેંટ પકડી. તે પ્રસંગની વાત કરતાં રજનીભાઈએ કહ્યું હતું,તેમણે મારી ફેંટ પકડી હતી, ત્યારે હું તેમના ચહેરાના હાવભાવ જોતો હતો અને તેમના મનમાં શું ચાલતું હશે, તે સમજવાનો પ્રયત્ન કરતો હતો.

માણસના મનમાં ઊંડે, તેના સબકોન્શ્યસમાં ચાલતા ઘણા પ્રવાહ એવા હોય, જે બહાર આવે તો બહુ વસમું પડી જાય. રજનીભાઈ એવા પ્રવાહોને પારખીને, જરાય ન્યાયાધીશની ભૂમિકામાં આવ્યા વિના, ફક્ત માણસ અને જીવન વિશેની સમજના ભાગરૂપે તેને પોતાની કૃતિઓમાં લાવી મુકતા હતા. એટલે જ, વાર્તાકળામાં રજનીકુમાર જેમને ગુરુ માનતા હતા તે મહંમદ માંકડે એક વાર તેમને એ મતલબનું લખ્યું હતું કે તમે બહુ ક્રૂર છો. માણસને આખો ને આખો ઉઘાડો કરી નાખો છો.

એક ઉદાહરણઃ મિત્રનું આકસ્મિક મૃત્યુ થતાં માણસ સાચેસાચા શોકમાં ડૂબી જાય છે અને વિચારે છે કે ગામલોકોને આટલા કરુણ સમાચાર તે શી રીતે આપશે. પરંતુ ગામે પહોંચીને તેને ખ્યાલ આવે છે કે રસ્તામાં એક સાઇકલસવાર સાથે થયેલી વાત પછી, એ સાયકલસવાર ગામમાં પહોંચીને સમાચાર આપી ચૂક્યો છે. ત્યારે મિત્રના મૃત્યુનો સાચો શોક ઘડીભર બાજુ પર હડસેલાઈ જાય છે અને કંઈક વ્યગ્રતાથી તે ગામલોકોને કહે છે, તમને ભલે પેલા સાયકલવાળાએ કહ્યું હોય, પણ એને તો આ સમાચાર મેં જ આપ્યા હતા. આ પ્રકારની, સહેલાઈથી કોઈ ખાનામાં મુકી ન શકાય એવી માનસિકતાનું આલેખન માણસોના વાચનમાંથી આવતું હતી. સાથોસાથ, આ વાત કહેવા માટે તે જે પાત્રોની સૃષ્ટિ, વર્ણનો અને બોલીનો ઉપયોગ કરતા હતા, તે પણ અત્યંત આસ્વાદ્ય અને મૂળ હાર્દ સાથે એકરૂપ-એકરસ બની જતાં હતાં.

માનવમનના ઊંડા અભ્યાસી હોવા છતાં, સ્વભાવગત મદદરૂપ થવાની વૃત્તિ અને ભલમનસાઈને કારણે કેટલાય લોકોથી તે છેતરાતા હતા. ઘણી વાર થતું કે તમે તો માણસના ફોટોની સાથોસાથ તેનો એક્સ-રે પણ જોઈ લેનારા. તમારી સાથે આવું કેમ થાય? પરંતુ લાંબા સહવાસને કારણે જવાબ પણ જાતે જ મળી જતો હતોઃ માણસને વાંચી લેવાની શક્તિ કુદરતી બક્ષિસ હતી અને જાતે ઘસાઈને બીજાને મદદરૂપ થવાની વૃત્તિ એ તેમની પ્રકૃતિ. તેમાંથી મોટે ભાગે પ્રકૃતિનો વિજય થતો હતો. તેના કારણે અંગત ઘા તેમણે ઘણા વેઠ્યા, પણ વાચકોને જે મળ્યું, તેની ગુણવત્તા પર કશી અસર ન પડી. જીવનના છેલ્લા અઠવાડિયા સુધી લખતા રહ્યા અને તેમના જીવનના લગભગ અઢી દાયકાના એક ખંડની આત્મકથાનું લખાણ પૂરું કરીને તે ગયા.

2 comments:

  1. Hiren Joshi1:31:00 AM

    First a weekly column by Madhu Rye and now your writing gave a closeup on his nature, literature, sensitivity and most importantly life long desire to help people who are less fortunate. I came across few of his short stories as well as weekly columns. His newspaper columns highlighted the philanthropy institutions and cleaar contact information for perspective donors with out his direct involvement in the money transactions. His frequent visits to interior-fringe parts of Gujarat to narrate the life conditions of the tribal people were impressive. It probably resulted in many of the donations to the right people and programs. Just like me he never liked his decades old bank job and felt relieved when he turned to a full time writing career! He lived a meaningful life and set an example as writer for many. He only gave few glimpses of any of his personal tragedy and adversity.
    You both brothers knew him very well so if we readers ask for more of your personal experiences and stories with him it will not be inappropriate.

    ReplyDelete
    Replies
    1. જરૂર હીરેનભાઈ. સાર્થક જલસોમાં તેમના વિશે લંબાણથી લખવાનો ખ્યાલ છે.

      Delete