Friday, January 03, 2025

હેપી તુલસી-ક્રિસ્મસ

 નાતાલના દિવસે ક્યાંક યોજાયેલા તુલસીપૂજનના કાર્યક્રમ વિશે જાણીને હૈયું ગૌરવથી છલકાઈ ગયું. ધર્મ અને સંસ્કૃતિની અસલી મઝા સ્પર્ધામાં છે. કોઈની સાથે હરીફાઈ ન હોય, કોઈને પછાડવાના ન હોય, કોઈને નીચાજોણું કરાવવાનું ન હોય તો કેવળ પોતાનાં ધર્મ ને સંસ્કૃતિની માળા ફેરવવામાં શી મઝા?

આપણી સંસ્કૃતિ સ્વતંત્ર રીતે મહાન હોય એવું જરૂરી નથી અને એવું હોય તો પણ તે પૂરતું તો જરાય નથી. આપણી સંસ્કૃતિ એટલે સિંધુ સંસ્કૃતિથી શરૂ કરીને પાંચ-છ હજાર વર્ષનો કયો હિસ્સો—તેની ચર્ચા પણ ગૌણ છે. તે બધું કામ બાલની ખાલ કરનારા સંશોધકોને સોંપ્યું.

આપણું કામ જુદું છે. રીલે દોડમાં જેમ સ્પર્ધકો હાથમાં એક નાનકડું ભૂંગળું લઈને દોડે છે અને તેમનું અંતર પૂરું થતાં, તે ભૂંગળું ત્યાં ઊભેલા બીજા સાથીદારને આપે છે એટલે પછી તે ભૂંગળું લઈને દોડવા માંડે છે. એવી રીતે, આપણું કામ સંસ્કૃતિનું ભૂંગળું લઈને, કચકચાવીને દોડવાનું અને આપણી સંસ્કૃતિને વિજેતા બનાવવાનું છે. તેમાં ભૂંગળું કોણ પકડાવે છે અને ભૂંગળામાં શું છે (કે શું લખ્યું છે) એ જોવા કોણ રહે? જે એવા ચીકણાવિદ્યા કરવા રહે તે દોડી ન શકે અને એવા લોકોએ જીતવાનું તો ભૂલી જ જવાનું. સવાલ આપણી હારજીતનો નથી—સંસ્કૃતિની હારજીતનો છે અને તેની જવાબદારી આપણી છે. કમ સે કમ, ભૂંગળું પકડાવનારાએ તો એવું જ કહ્યું છે.

કોઈ વાંકદેખા કહેશે કે આપણું આયુષ્ય સાત-આઠ દાયકાનું અને સંસ્કૃતિ તો પાંચ-સાત હજાર વર્ષ જૂની છે. તો આપણે સંસ્કૃતિને કેવી રીતે જીતાડી શકીએ? આવી દલીલની ભ્રમજાળમાં પડવું નહીં. આવી આળસથી જ સંસ્કૃતિ હારી રહી છે અને તેને જીતાડવાની જરૂર પડી છે. દલીલબાજને કહી દેવાનું કે પાંચ-સાત હજાર વર્ષ સુધી તમારા જેવા આળસુ અને ઉદાસીન લોકોના હાથમાં સંસ્કૃતિનું સુકાન રહ્યું, એટલે જ આજે આ દશા આવી છે અને આપણે જોર લગાડીને સંસ્કૃતિને જીતાડી દઈએ તો બીજાં પાંચ-સાત હજાર વર્ષ સુધી વાંધો નહીં આવે.

વળી કોઈ એવી દલીલ કરે કે સંસ્કૃતિઓ વચ્ચે ખેલકૂદની સ્પર્ધા કે મેચ તો રમાતી નથી, તો પછી તેમની હારજીત શી રીતે નક્કી થાય? ખરું પૂછો તો આવી કે આગળ જણાવેલી કોઈ પણ પ્રકારની દલીલ કરનારને સંસ્કૃતિના વિરોધી જાહેર કરી દેવા, એ સૌથી સલાહભરેલું--અને સહેલું પણ-- છે. ચર્ચામાં ઉતરીએ તો હારવાની આશંકા રહે. એને બદલે આવા મુદ્દા ઊભા કરનારનું ટ્રોલિંગ જ ચાલુ કરી દેવાનું. એવું કરવાથી સામેવાળો માણસ સંસ્કૃતિની દુહાઈ આપવા માંડશે અને કહેશે કે આ કંઈ આપણી સંસ્કૃતિ નથી. એ વખતે કહી દેવાનું કે આપણી સંસ્કૃતિ બચાવવા માટે અને આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવવા માટે સંસ્કૃતિની બહાર જઈને પગલાં ભરવાં પડે, તેનો પણ અમને બાધ નથી. બસ, કોઈ પણ ભોગે અને કોઈના પણ—અરે, સંસ્કૃતિના પોતાના પણ—ભોગે, સંસ્કૃતિ જીતવી જોઈએ, તેના વાવટા ફરકવા જોઈએ. વાવટા તરીકે કોઈ વસ્ર હોય તો તેનો પણ બાધ નથી.

જે દિવસે જગતઆખામાં ક્રિસમસ ટ્રીની બોલબાલા ચાલતી હોય, ભેટો અને સુશોભનથી લદાયેલા ક્રિસમસ ટ્રી પર રોશની ઝળહળતી હોય ત્યારે તુલસીપૂજનની વાત કરવી, એ પ્રખર સંસ્કૃતિપ્રેમ માગી લેતી ચેષ્ટા છે. તેનાથી થયેલા સનાતન ધર્મના જયજયકારના પડઘા છેક ધ્રુવ પ્રદેશો સુધી પડ્યા છે અને ત્યાંનાં પેંગ્વિનો તેમ જ ધ્રુવીય રીંછો પણ સનાતન ધર્મનો જયજયકાર ગજાવી રહ્યાં છે. તુલસીનું આપણી સંસ્કૃતિમાં આગવું મહત્ત્વ છે. તુલસી નાખેલી ચા પણ સરસ લાગે છે, જ્યારે ક્રિસ્મસ ટ્રીનાં પાંદડાં ચામાં નાખવાથી તેમનો કશો સ્વાદ આવતો નથી. ચા પરદેશી પીણું છે, છતાં તે ક્રિસ્મસ ટ્રીને બદલે તુલસી તેના સ્વાદમાં ઉમેરો કરે છે, એ દર્શાવે છે કે સનાતન ધર્મ જ સર્વોપરી છે. આ દલીલ આગળ વધારતાં કોઈ તુલસીના છોડને બદલે તુલસી પાનમસાલાનાં ગુણગાન ગાવાનું શરૂ કરી દે, ત્યારે આજુબાજુ કોઈ તેની વિડીયો ઉતારતું ન હોય એટલું ધ્યાન રાખવું. તે પણ સંસ્કૃતિના રક્ષણનો જ એક ભાગ છે.

ક્રિસ્મસ ટ્રી તમામ કદમાં મળે છે, જ્યારે તુલસીના છોડ અમુકથી વધારે મોટા હોતા નથી. પરંતુ કોઈ પણ રીતે સંસ્કૃતિને જીતાડવી હોય તો દેશના વિજ્ઞાનીઓએ તુલસીના છોડને બર્ફીલા પ્રદેશોમાં થતાં મોટાં વૃક્ષ જેટલા તોતિંગ બનાવવાની દિશામાં પ્રયોગો કરવા પડશે. એમ કરવાથી સંસ્કૃતિની જીતમાં વિજ્ઞાન પણ ભળશે અને આપણી સંસ્કૃતિનું અવ્વલપણું વિજ્ઞાનઆધારિત છે, એવું પણ કહી શકાશે. તુલસીના છોડને બદલે વૃક્ષ થાય, ઠેકઠેકાણે તેમનું વાવેતર કરવામાં આવે અને તેમની સરસ ઘટા થતી હોય, તો તે વૃક્ષોને કાપીને પણ દેશનો વિકાસ કરી શકાય. આમ, તુલસીના વૈજ્ઞાનિક પ્રયોગો અને ઉપયોગોની શક્યતા અનંત છે.

દરેક સંસ્કૃતિપ્રેમીનું અને આપણી સંસ્કૃતિનો જયજયકાર ઇચ્છનારનું સ્વપ્ન હોવું જોઈએ કે 2047 સુધીમાં દુનિયાભરમાંથી ક્રિસ્મસ ટ્રી વપરાતાં બંધ થઈ જાય અને તેમની જગ્યાએ ક્રિસ્મસના તહેવારમાં તુલસીના છોડ જ જોવા મળે. દુનિયાભરમાં તુલસીના છોડ પૂરા પાડવાનું કામ સહેલું નથી, પણ વિશ્વગુરુ સંસ્કૃતિવિજયના ઝનૂનથી પ્રયાસ કરશે તો તે અશક્ય નથી.

--અને ધારો કે, 2047 સુધીમાં આ લક્ષ્ય હાંસલ ન થયું તો? નવી મુદત 2075ની આપી દેવાની. વડાપ્રધાન પાસેથી એટલી પ્રેરણા તો લઈ શકાય ને?

No comments:

Post a Comment