Friday, December 20, 2024

શક્કરિયાં અને સંસ્કૃતિકરણ

 માણસ કોને કહ્યો? તેને ઊંચનીચ વગર ચાલે નહીં, પછી તે નાતજાતની-રંગની વાત હોય કે શાકભાજી-ફળફળાદિની. ફળ ને શાકભાજીમાં દાયકાઓ સુધી શાક ઉતરતાં ને ફળ ચડિયાતાં ગણાતાં હતાં. રમૂજ તરીકે પ્રચલિત બનેલી એક હકીકત પ્રમાણે, વર્ષો સુધી અમદાવાદ પંથકમાં માણસ બીમાર હોય તો જ તે ફળ ખાય એવો રિવાજ હતો અને કોઈ કથામાં એક અમદાવાદી શેઠ એક કેળું ખરીદીને, અડધું પોતે ખાઈને બાકીનું અડધું દાળમાં નંખાવતા હતા, જેથી તેમનાં સ્ત્રીબાળકોને પણ તે પહોંચે.

પછી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ જેને સંસ્કૃતિકરણ (સંસ્ક્રિતાઇઝેશન) કહી શકે એવી પ્રક્રિયામાં શાકભાજીનો દરજ્જો ઊંચો ચડ્યો. માણસની જેમ શાકભાજીના સંસ્કૃતિકરણ માટે પણ પ્રેરક પરિબળ આર્થિક હતું. શાકભાજી મોંઘાં થયાં અને તેમના ભાવ ફળની સમકક્ષ કે તેને પણ આંબે એવા થયા, એટલે આપોઆપ તેમનો દરજ્જો વધ્યો. વચ્ચે એવા મહિનાઓ પણ આવ્યા, જ્યારે ડુંગળી કે કોબી જેવાં શાક ચૂંટણીપંચની પારદર્શકતાની જેમ, નેતાઓની શરમની જેમ, વડાપ્રધાનપદના હોદ્દાની ગરીમાની જેમ, વિપક્ષોની અસરકારક વિરોધ કરવાની ક્ષમતાની જેમ સાવ અદૃશ્ય થઈ ગયાં અને લોકોએ તે ચૂપચાપ સ્વીકારી પણ લીધું.

જૂની કહેવત હતીઃ હર કુત્તેકા દિન આતા હૈ. નવી કહેણી થઈ શકેઃ હર સબ્જીકા દિન આતા હૈ. પરંતુ આખા સમુદાયનું સંસ્કૃતિકરણ થવા છતાં, તેમાં કેટલાક પેટાસમુદાયો ઉપર આવી શકતા નથી, એવું જ શાકની બાબતમાં પણ થયું. કડવાં કારેલાંના ભાવ આવ્યા, પણ શક્કરિયાનો દરજ્જો ઊંચો ન ગયો. ક્યારેક તેના ભાવ થોડાઘણા વધ્યા હશે તો પણ કદી સમાચારોના મથાળામાં તેને સ્થાન મળ્યું નહીં. નવા જમાનામાં પણ જૂની પરંપરા પ્રમાણે, શક્કરિયાંનો ઉલ્લેખ તુચ્છકારપૂર્વક જ થતો રહ્યો છે. કોઈ વસ્તુની નિરર્થકતા વ્યક્ત કરવા માટે લોકો કહે છે, એમાં શું શક્કરિયાં લેવાનાં?’ કોઈ કદી એવું નહીં કહે કે એમાં શું ડુંગળી લેવાની?’ અરે, શિવરાત્રીના દિવસે શક્કરિયા સાથે જય-વીરુ જેવી જોડી જમાવતા બટાટાનો સમાજમાં મોભો છે, પણ શક્કરિયાં સાથે સંકળાયેલો તુચ્છકાર દૂર થયો નથી.

હા, એટલું આશ્વાસન ચોક્કસ લઈ શકાય કે શક્કરિયાના સંસ્કૃતિકરણની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળો આવે, એટલે તેના પુરાવા સૌથી પહેલાં નાકે અને પછી આંખે ચડવા શરૂ થાય છે. શિવરાત્રીના દિવસે બાફેલા બટાટા સાથે બાફેલાં શક્કરિયાં ખાવાનું (અને પછી વાયુ થાય છે એવી ફરિયાદ કરવાનું) માહત્મ્ય છે, પરંતુ તે સિવાય શેકેલાં શક્કરિયાં બજારમાં પગપેસારો કરીને ધીમે ધીમે તેમની પ્રતિષ્ઠા ઊભી કરવા પ્રયત્નશીલ છે.

શિયાળાની શરૂઆત થાય એટલે સાંજનો અંધકાર વહેલો ઉતરી આવે છે અને તેની સાથે આવી જતી સુગંધોમાં શક્કરિયાં શેકાવાની સુગંધનો પણ સમાવેશ થાય છે. ધીમી બળે અને વધુ લિજ્જત આપે—એવું એક સિગરેટની જાહેરખબરમાં વપરાતું સૂત્ર શક્કરિયાં શેકાવા માટે એકદમ સાચું છે. દેવતા પર ધીમી આંચે શેકાતાં શક્કરિયાંમાંથી શરૂઆતમાં નીકળતા ધુમાડા જોઈને એવું લાગે, જાણે થોડા સમયમાં શક્કરિયાંની જગ્યાએ શાકભાજીમાંથી બનેલો ઓર્ગેનિક કોલસો જ હાથમાં આવશે. પરંતુ કાઠા ડિલનાં શક્કરિયાં એમ કોલસો બની જતાં નથી. અગ્નિપરીક્ષા આગળ વધે તેમ, તેમાંથી જેને સ્મોકી કહેવામાં આવે છે, તેવી મીઠી અને વિશિષ્ટ સુગંધ આવવા માંડે છે. અલબત્ત, શેકનાર ધ્યાન ન રાખે અને વડાપ્રધાને જેમ મણિપુર તરફ જોવાનું છોડી દીધું છે તેમ, શેકનાર દેવતા પર રહેલાં શક્કરિયા ભણી જોવાનું જ છોડી દે, તો થોડી વારમાં નાકને જુદા પ્રકારનો સંદેશો મળે છે. તેને શક્કરિયાનો એસઓએસ પણ કહી શકાય. નજર ભલે બીજે હોય, પણ નાક સાબૂત હોય તો ખ્યાલ આવી જાય છે કે હવે દેવતાનો તાપ શક્કરિયાની સહનશક્તિની હદથી બહાર જઈ રહ્યો છે અને યોગ્ય સમયે કંઈક કરવામાં નહીં આવે તો શક્કરિયાથી હાથ ધોવાનો વારો આવશે.

વડાપ્રધાન શક્કરિયાં શેકતાં હોત તો શક્ય છે કે એક બાજુ શક્કરિયું બળતું હોય ત્યારે વડાપ્રધાન તેમનો રેડિયો પ્રલાપ એટલે કે વાર્તાલાપ રેકોર્ડ કરતા હોત અથવા તેમના રાજકીય એજેન્ડાનો પ્રચાર કરતી કોઈ ફિલ્મ જોતા હોત અથવા કોઈ ફિલ્મી કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જઈને, ફોટા પડાવવામાં-રીલને લાયક સામગ્રી તૈયાર કરવામાં વ્યસ્ત હોત—અને આખું શક્કરિયું બળી ગયા પછી, તેના માટે જ્યોર્જ સોરોસને, જવાહરલાલ નહેરુને કે અર્બન નક્સલોને દોષી ઠરાવવામાં આવ્યા હોત. એક રીતે જોતાં, તે સારું થાત. કેમ કે, અરાજકતાગ્રસ્ત આખેઆખાં રાજ્યોને બદલે ફક્ત શક્કરિયાનું જ નુકસાન થાત. તેનો સાર એટલો કે હાલમાં દેશ ચલાવવા વિશે ભલે એવું ન કહી શકાતું હોય, પણ શક્કરિયું શેકવું એ જવાબદારીનું કામ છે. તેમાં ચીવટ રાખવી પડે છે. 

એક વાર બજારનો ભાગ બન્યા પછી જે પાણીએ શક્કરિયાં ચડે તે પાણીએ તેમને ચડાવવા પડે છે. ઘણા લારીવાળા શેકેલા શક્કરિયાની યાદ અપાવતી સુગંધ સાથે વેચે છે બાફેલું શક્કરિયું. બંનેના સ્વાદમાં ઘણો ફરક હોય છે, પણ મોટા ભાગના ખાનારને તે લાગતો નથી. કારણ કે, તેમનો જીવ શેકાયેલા કે બફાયેલા શક્કરિયા કરતાં તેની પર નીચોવાતા લીંબું કે છંટાતા મસાલામાં વધારે હોય છે. બાફેલા-શેકેલા શક્કરિયા પર લીંબુ નીતારવામાં આવે છે એવું પહેલી વાર સાંભળ્યું ત્યારે આંચકો લાગ્યો હતો. પરંતુ દરેક સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને બજારવાદી પરિબળો આ પ્રકારના આંચકા સર્જે છે, એવું સ્વીકારીને મન મનાવવા સિવાય છૂટકો નથી.

Monday, December 09, 2024

લાઇવ (એન્)કાઉન્ટર

 એક સમયે રેડિયો-ટીવી પર લાઇવ ક્રિકેટ મેચનો મહિમા હતો. લાઇવ ટેલીકાસ્ટ માટે શબ્દ હતાઃ જીવંત પ્રસારણ. જીવંત ન હોય એવાં બીજાં પ્રસારણ મૃત કહેવાય કે નહીં, તેની ચોખવટ દૂરદર્શન પરથી કરવામાં આવી ન હતી. થોડાં વર્ષ પછી ન્યૂઝ ચેનલો આવી, એટલે માનવસર્જીત અને કુદરતી દુર્ઘટનાઓનું પણ લાઇવ પ્રસારણ શરૂ થયું. ધરતીકંપ કે 9/11 જેવી ઘટનાઓ પહેલી વાર ટીવી પર જોઈને લોકો પહેલાં ધ્રુજી ગયા અને પછી તેના બંધાણી થઈ ગયા. ચેનલોના કારણે વળગેલું લાઇવનું ભૂત પછી તો એવું માથે ચડ્યું કે ફક્ત સમાચાર જ નહીં, ઢોકળાં પણ લાઇવ મળવા લાગ્યાં. તેની શરૂઆત થઈ લગ્નના મોંઘા જમણવારોથી.

આકરો ભાવ વસૂલ કરનારા માટે આ તો લૂંટે છે-એવું કહેવાતું હોય છે, પરંતુ તેમની કઠણાઈઓ-મજબૂરીનો સામાન્ય લોકોને ખ્યાલ આવતો નથી. વધારે રૂપિયા ખંખેરનારા લોકોને પહેલાં ગુણવત્તાથી આગવી ઓળખ (બ્રાન્ડ) ઊભી કરવી પડે કે પછી ભરપૂર પ્રચાર સાથે નવાં ગતકડાં કરીને, લોકોને તેમણે ખર્ચેલા વધારે રૂપિયા વસૂલ છે, એવો અહેસાસ કરાવવો પડે. એ ચક્કરમાં, જેમ કેટલાક વાઇરસ પ્રાણીઓમાંથી કૂદકો મારીને મનુષ્યોમાં આવી જાય છે એવી જ રીતે, લાઇવનો ચેપ સમાચારજગતમાંથી કૂદીને જમણવાર-જગતમાં આવી ગયો.

લગ્ન એવો પ્રસંગ હોય છે, જેમાં મોટા ભાગના યજમાનો અમારે લૂંટાવું છે. પ્લીઝ, અમને લૂંટો—એવું અદૃશ્ય પાટિયું તેમના ગળામાં લગાડીને ફરતા હોય છે. તે સામાન્ય લોકોને ભલે ન વંચાય, પણ તેમની સાથે પનારો પાડતી એજન્સીઓને, પાર્ટી પ્લોટને, કેટરરને, મંડપવાળાને, ફોટોગ્રાફરને વંચાઈ જતું હોય છે. તે વાંચીને દ્રવી ગયેલા આ બધા વ્યાવસાયિકો યજમાનને યથાશક્તિ મદદરૂપ બનવા કમર કસે છે. અલબત્ત, દરેકને કેટલીક મર્યાદામાં રહીને કામ કરવાનું છે. જેમ કે, મંડપવાળો યજમાનને અરે સાહેબ, આપણે લાઇવ મંડપ બનાવી દઈશું એમ કહીને વધારાના રૂપિયા ખંખેરી શકતો નથી અને વિડીયોગ્રાફીનું તો કામ જ લાઇવ દૃશ્યો ઝડપવાનું છે. એટલે એના માટે તેને લાઇવના વધારાના રૂપિયા મળે નહીં. પરંતુ રસોઈની વાત જુદી છે.

રસોઈમાં લાઇવનું તત્ત્વ દાખલ થતાં જ તેના ભાવ પર સીધી અસર પડે છે. મામલો ભલે ફક્ત નામબદલીનો હોય. શેક્સપિયરે કહ્યું છે, અને ન કહ્યું હોત તો પણ બધાને ખબર છે કે ડ્રેગન ફ્રુટને કમલમ્ કે બીજા કોઈ પણ નામે બોલાવો, તેનાથી તે સ્વાદિષ્ટ બની જતું નથી અને અલાહાબાદને પ્રયાગરાજ કહેવાથી ગંગા સ્વચ્છ થઈ જવાની નથી. છતાં, સાંભળનારને એવું ઠસાવી શકાય છે કે આ કંઈક જુદું અને એટલે જ કદાચ સારું પણ હોઈ શકે. એટલે, બુફે ભોજનમાં પહેલાં એક જ મોટા તવા પર જુદી જુદી મીઠાઈઓ રાખીને તે પીરસાતી હતી, તે મીઠાઈ કાઉન્ટર કહેવાતું હતું, પણ લાઇવની બોલબાલા શરૂ થયા પછી તે મીઠાઈના જેવાતેવા નહીં, લાઇવ કાઉન્ટર તરીકેની ઓળખ પામ્યું—અને લાઇવ એટલે મોડર્ન, લેટેસ્ટ, ચાલુ ફેશનનું. આ બધા શબ્દો માટે એક જ સરળ ગુજરાતી શબ્દ આપવો હોય તો, મોંઘું.

વાનગીઓ—અને એ પણ ઢોકળાં જેવી વાનગીઓ—આગળ લાગતું લાઇવનું લટકણીયું શરૂઆતમાં હાસ્યાસ્પદ લાગતું હતું, પણ વર્તમાન સરકારનાં અનેક પગલાં થકી હવે નાગરિકો જાણે છે કે પ્રચારના જોરે હાસ્યાસ્પદ ચીજોને જોતજોતાંમાં સામાન્ય અને પછી સન્માનજનક તરીકે પણ ખપાવી શકાય છે. એટલે, ઢોકળાં અને પાપડીના લોટ જેવા સીધાસાદા ખાદ્યપદાર્થો લાઇવના પ્રતાપે જાણે નાથિયામાંથી નાથાલાલ બની ગયાં. લગ્નમાં એક હાથે નાણાંકોથળી ઢીલી કરતા અને બીજા હાથે તે કસતા યજમાનો માટે લાઇવ ઢોકળાં જેવા વિકલ્પ મદદરૂપ બન્યા. લોકોની અપેક્ષા પ્રમાણેની સ્ટાન્ડર્ડ ભોજનસંહિતામાં એક લાલ શાક, એક લીલું શાક, મીઠાઈ---આવી યાદીમાં જેની સામે ટીક કરવી પડે એવું એક ઠેકાણું વધ્યું. લાઇવમાં શું રાખીશું? તેવા પ્રશ્નના જવાબમાં ઢોકળાંનું નામ ગુર્જરદેશમાં ગુંજવા લાગ્યું.

લાઇવ વાનગીને અને તેના કરતાં પણ વધારે લાઇવના લટકણિયાને મળેલી અભૂતપૂર્વ સફળતા પછી કેટરિંગ-કામ કરનારાની હિંમત ખુલી ગઈ. ત્યાર પછી ભલભલી વાનગીઓ લાઇવ સ્વરૂપે દેખાવા લાગી. કેટલીક વાનગીઓ ગરમાગરમ ઉતરતી પીરસાય તો સ્વાદપ્રેમીઓને મઝા જ પડે, પણ સામાન્ય રીતે ઉત્તમ અને સામાન્ય વચ્ચેનો તફાવત ઘણાખરા લોકો પિછાણી શકતા નથી. એટલે, તેમની સમક્ષ આક્રમક પ્રચારથી જે રજૂઆત કરવામાં આવે, તેને એ સાચી માની લેવાનું વલણ ધરાવે છે. (રીમાઇન્ડરઃ અહીં નેતાઓની નહીં, વાનગીઓની વાત ચાલી રહી છે.)

ઘણાખરા લોકોને લાઇવ કે બિન-લાઇવના સ્વાદમાં કશો ફરક નથી પડતો, પણ લાઇવનું લટકણિયું વાંચીને તેમને કુછ ખાસનો અહેસાસ થાય છે. એટલું જ નહીં, લાઇવ વાનગીઓ ખાસ હોવાના ભારને કારણે, લાઇવ કાઉન્ટરો પર થતી ગીરદી અને અવ્યવસ્થાને તે સહ્ય જ નહીં, અનિવાર્ય ગણી લે છે. યજમાને વધારે સારી વ્યવસ્થા કરવી જોઈતી હતી, એવું વિચારવાને બદલે તેને થાય છેઃ લાઇવ જોઈતું હોય તો થોડું કષ્ટ વેઠવું પડે. એમાં કકળાટ શાનો?

લાઇવ કાઉન્ટર પર બહુ અરાજકતા ફેલાય અને કોઈ વળી હિંમત કરીને ફરિયાદ માટે કોશિશ કરે તો તેને સમજાવીને ચૂપ કરી દેવામાં આવે છે. તે માટે વપરાતી દલીલ અને નોટબંધી વખતે પોતાના જ રૂપિયા માટે લાઇનમાં ઊભા રહેવું પડ્યું, તેના ફરિયાદીઓને ચૂપ કરવા માટે વપરાયેલી દલીલો વચ્ચે શબ્દોનો ફેર હોય છે, પણ ભાવના લગભગ સરખી હોય છે.