Tuesday, September 10, 2024

ચોમાસુ પ્રશ્નપત્ર

ચોમાસુ બહુ બધા પ્રશ્નો લઈને આવે છે, પણ તેમાંથી એકેય સિવિલ સર્વિસની કે જીપીએસસીની પરીક્ષામાં પૂછાય એવા નથી હોતા અને નાગરિકતાની સીધી પરીક્ષા કોઈ લેતું નથી. ચૂંટણીઓમાં તેની આડકતરી પરીક્ષા થાય છે ખરી, પણ તેમાં ધર્મઝનૂન, જ્ઞાતિગૌરવ, ધિક્કાર, દ્વેષ જેવાં એટલાં બધાં પરિબળો હણહણતાં હોય છે કે બિચારી નાગરિકતા તો ક્યાંક ખૂણે રહી જાય છે.

એ બધી ગંભીર વાતો બાજુ પર રાખીને, આ રહ્યા થોડા ચોમાસુ સવાલ અને તેમના જવાબમાં સરકારને અનુકૂળ આવે એવા વિકલ્પ. આ વિકલ્પોમાં કોઈને અતિશયોક્તિ લાગે, તો તેનો અર્થ એટલો જ કે તે સમાચાર પર બરાબર ધ્યાન આપતા નથી અથવા વર્તમાન કાર્યપદ્ધતિથી પરિચિત નથી.

 

1. ગુજરાતમાં ચોમાસામાં જે અંધાધૂંધી અને અવ્યવસ્થા ફેલાઈ તેના માટે જવાબદાર કોણ?

(ક) કુદરત (ખ) ગ્લોબલ વોર્મિંગ (ગ) પાકિસ્તાન (ઘ) જ્યોર્જ સોરોસ

 

2. ગુજરાતમાં વરસાદ દરમિયાન રસ્તાનું મોટા પાયે ધોવાણ થયું. તેમાં કોનો વાંક?

(ક) રસ્તા પર ચાલનારનો (ખ) રસ્તા પર વાહન ચલાવનારનો (ગ) વરસાદનો (ઘ) મમતા બેનર્જીનો

 

3. ચોમાસામાં રસ્તા પર આટલા બધા ખાડા કેમ પડી ગયા?

(ક) એક રાત્રે બધા સુતા હતા ત્યારે લઘુગ્રહ ત્રાટક્યો અને રોડ પર ખાડા કરીને પૃથ્વીની અંદર ઉતરી ગયો. (ખ) વરસાદ પડ્યા પછી કેટલાક દેશવિરોધી, હિંદુવિરોધી, સેક્યુલર, અર્બન નક્સલો ખીલાવાળા બૂટ પહેરીને રસ્તા પર ત્યાં સુધી નાચ્યા, જ્યાં સુધી આખા રસ્તા પર ખાડા ન પડી જાય. (ગ) ચીને આકાશમાં એવું કેમિકલ ભેળવેલું કે તેના મિશ્રણવાળો વરસાદ રસ્તા પર પડે ત્યાં ખાડા જ પડી જાય. પણ એ કેમિકલ ભેળસેળવાળું હોવાથી રસ્તા પર અમુક ઠેકાણે ખાડા ન પડ્યા. (ઘ) રસ્તો હતો એટલે જ ખાડા પડ્યા. રસ્તો જ ન હોત તો ખાડા ન પડત.

4. વડોદરામાં દર વર્ષે મગરો કેમ આવે છે?

(ક) મગરોમાં એવી ગેરસમજ ફેલાઈ છે કે તેમના પૂર્વજના જૂના મિત્ર હજુ વડોદરાના સાંસદ છે. (ખ) તેમને ચોક્કસ બ્રાન્ડનાં લીલો ચેવડો અને ભાખરવડી બહુ ભાવે છે, પણ એ બ્રાન્ડની અસલ દુકાન કઈ તે નક્કી કરી શકતા નથી. (ગ) એ પૂર્વજન્મમાં ચિંતનપ્રેમી વાચકો હતા, પણ દંભી ચિંતન વાંચીવાંચીને તેમની ચામડી એવી જાડી થઈ ગઈ કે હવે તે મગરસ્વરૂપે વડોદરા આવે છે. (ઘ) જેમને મગર કહેવામાં આવે છે એ હકીકતમાં મગરનો માસ્ક પહેરેલાં, પણ રાષ્ટ્રિય મહત્ત્વાકાંક્ષા ધરાવતાં અળસિયાં હોય છે.

5. ગામો-શહેરોમાં થોડા વરસાદમાં ભરાઈ જતાં પાણી માટે કોણ જવાબદાર?

(ક) પાણી (ખ) તે પાણીમાં ચાલતાં માણસો અને વાહનો, જેમના કારણે ભરાયેલા પાણીની સપાટી ઊંચી આવે છે (ગ) પુલની ગેરહાજરી. પુલ હોત તો નીચે ગમે તેટલું પાણી ભરાય, કોને ખબર પડવાની છે? (ઘ) જવાહરલાલ નહેરુ. કારણ કે, જેમાં જવાબદાર તરીકે બીજું કોઈ નામ ન સૂઝે, ત્યાં આ નામ તો છે જ.

6. આ વખતે કરોડોના ખર્ચે બનેલા પુલો તૂટવાના ને તેમાં ગાબડાં પડવાના સમાચાર બહુ આવ્યા. તેના માટે દોષી કોણ?

(ક) નદીનું વહેણ. તે સતત નીચેથી પુલને ધક્કા મારે તો પછી પુલનો શો વાંક? (ખ) મજબૂત અને અડીખમ રહેલા પુલો. તેમની સરખામણીને કારણે પડી જનારા કે ગાબડાંધારી પુલો લોકોની આંખે આવે છે. (ગ) સરકારનાં પાળીતાં ન હોય એવાં સમાચારમાધ્યમો. તે ન હોત તો પુલ વિશે સમાચાર જ ન આવત. સરકારોને ઘણુંખરું વાંધો પુલ તૂટ્યાનો નહીં, તેના સમાચાર લોકો સુધી પહોંચ્યાનો હોય છે. (ઘ) લોકોમાં રહેલા ફિલસૂફીના અભાવનો. બાકી, માણસ જેવો માણસ તૂટી જતો હોય તો પૂલનું શું ગજું? અને જે જન્મે છે તેનો અંત નિશ્ચિત જ હોય છે.

7. અમદાવાદમાં મગરો આવતા નથી. કારણ કે--

(ક) તેમને મણિનગરથી કાંકરિયાની રીક્ષા મળતી નથી અથવા મળે છે તો ટૂંકા અંતરને લીધે રિક્ષાવાળા એવો ભાવ પાડે છે કે મગરો વળતી ટ્રેન પકડીને વડોદરાભેગા થઈ જાય છે. (ખ) મગરો સંસ્કારી છે અને અમદાવાદ તેના ઇતિહાસમાં કોઈ પણ સમયે સંસ્કારી નગરી તરીકે ઓળખાયું ન હતું. (ગ) મગરોને નેશનલ હાઇવે પરના બબ્બે ટોલ પોસાતા નથી. (ઘ) વડોદરાવાળા સંસ્કારી મગરોને બહાર જવા દેતા નથી. કેટલાક વડોદરાવાસીઓને બીક છે કે શહેરમાં સંસ્કારના નામે હવે મગરો જ બચ્યા છે. તે પણ જતા રહેશે તો...

8. ચોમાસામાં પાણી ન ભરાય, રસ્તા અને પૂલો ન તૂટે, તે માટે શું કરવું જોઈએ?

(ક) એ બધું તો થવાનું જ. લોકોએ આંખો પર પટ્ટી બાંધી દેવી, જેથી એ દેખાય નહીં. (ખ) બીજો રસ્તો છેઃ ચોમાસામાં બહારગામ, બને તો પરદેશ, જતા રહેવું, જેથી દેખવુંય નહીં ને અટવાવું પણ નહીં. (ગ) ચોમાસાનું નામ બદલીને શિયાળો કે ઉનાળો કરી નાખવું જોઈએ, જેથી ચોમાસામાં એ બધું થતું અટકી જશે. (ઘ) દિવસમાં દસ વાર આઇટી સેલનું ગૌરવ કે ધિક્કારથી છલકાતું લખાણ વોટ્સએપ પર ફોરવર્ડ કરવું. તેનાથી કમ સે કમ મનોબળ તો નહીં તૂટે.

 

ઉપરના બધા સવાલોના જવાબમાં અપાયેલા વિકલ્પ કોઈને હાસ્યાસ્પદ લાગે, તો એ તેમની મુનસફીની વાત છે. બાકી, સરકારી-વહીવટી તંત્રના-સત્તાધીશો ને નેતાઓના મનમાં તો એ સવાલોના જવાબ આવા જ આવતા હશે, એવું લાગે છે.