Monday, May 13, 2024
બગીચામાં ચાલતાં ચાલતાં
ચાલવું એ કસરત કહેવાય ને લોકોએ તે કરવી જોઈએ—એ વૈજ્ઞાનિક શોધ માટે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી જવાબદાર છે. પહેલાં, એટલે કે વીસેક વર્ષ પહેલાં સુધી, મોટા ભાગના લોકો માટે ચાલવું એ સામાન્ય જ નહીં, ફરજિયાત ક્રિયા હતું. પછી દ્વિચક્રી વાહનોનો પગપેસારો વધ્યો. એટલે, દૂધ લેવા, બજાર જવા કે પાનના ગલ્લે આંટો મારવા માટે પણ દ્વિચક્રી વપરાતું થયું. હવે કસરત લેખે ચાલવા જનારા પણ ચાલવા જવાના સ્થળ સુધી પહોંચવા માટે દ્વિચક્રીનો ઉપયોગ કરે છે.
જોકે, એમાં બધો તેમનો વાંક નથી. કારણ કે, કસરત માટે તો ઠીક, કામ માટે પણ રસ્તા પર ચાલવું ખતરનાક નીવડી શકે છે. આરોગ્ય સુધારવા માટે રસ્તા પર ચાલવા જનાર માતેલા વાહનની ટક્કર ખાઈને, આરોગ્યને બદલે અંગભંગ પામે એવું પણ બની શકે. બીજાના એવા અનુભવ સાંભળ્યા પછી, પોતાના એકંદર આરોગ્ય ઉપરાંત શરીરનાં હાડકાંની જાળવણી કરવા ઇચ્છતા લોકો બગીચામાં ચાલવા જવાનું પસંદ કરે છે.
પહેલાંના બગીચા ફક્ત આનંદપ્રમોદ માટે અને હિંદી ફિલ્મોનું માનીએ તો, પ્રેમી-પ્રેમિકાઓના મિલન તથા ગાયન માટે હતા. પછીનાં વર્ષોમાં શહેરોમાં અને તેની દેખાદેખી નાનાં નગરોમાં પણ બગીચામાં ચાલવાના ટ્રેક તૈયાર કરવામાં આવ્યા—જાણે ટ્રેનને ચાલવા માટે પાટા હોય, તેમ ચાલનારાને ચાલવા માટે ટ્રેક. ફરક એટલો કે આવા ટ્રેક પર અનેક જણ એકસાથે, આગળપાછળ ચાલી શકે અને સિગ્નલ ન હોવા છતાં, ગંભીર અકસ્માત થવાની શક્યતા નહીંવત્.
ટ્રેન સાથેની સરખામણી આગળ વધારતાં કહી શકાય કે બગીચામાં ચાલનારાના પણ ટ્રેનની જેમ જુદા જુદા પ્રકાર હોય છે. કેટલાક ચાલનારા સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવા હોય. તે ઝડપભેર ચાલે, પાછા વચ્ચે ક્યાંક થોભે, પાછા ચાલવાનું આગળ વધારે. કેટલાક લોકલ ટ્રેન જેવા હોય. થોડું ચાલે, વળી પાછું કોઈ મળે એટલે વાતો કરવા ઊભા રહે. પછી આગળ વધે ને ફરી કોઈ પરિચિત દેખાય તો એ સામેથી બૂમ પાડે અને તેમને ઊભા રાખીને વાતો કરે. તેમનું એક ચક્કર પૂરું થાય ત્યારે સુપરફાસ્ટ ચાલક અઢી-ત્રણ રાઉન્ડ પૂરા કરી ચૂકયા હોય. (ચાલક શબ્દ આમ તો ચલાવનાર માટે વપરાય છે, પણ રક્ષે તે રક્ષક, તો ચાલે તે ચાલક કેમ નહીં?)
કેટલાક ચાલકો વળી સુપરફાસ્ટને પણ હંફાવે એવા—દુરન્તો એક્સપ્રેસ જેવા—હોય, જે એક વાર ચાલવાનું શરૂ કર્યા પછી, તેમણે નિશ્ચિત કરેલો સમય પૂરો ન થાય, ત્યાં સુધી અટકે જ નહીં. જાણે, અમદાવાદથી ઉપડ્યા એટલે સીધા મુંબઈ. રસ્તામાં ગમે તેટલા ઓળખીતા મળે, ગમે તેટલી ગીરદી હોય, બાળકો રમતાં હોય, અમુક ભાગમાં રસ્તો ખરાબ હોય, ટ્રેક પર કૂતરાં લડતાં હોય કે લડીને સુઈ ગયાં હોય, પણ દુરાન્તો પ્રકારના ચાલકો તેમની ગતિ અટકાવ્યા વિના ધમધમાટ આગળ વધતા રહે. તેમની એકનિષ્ઠતા અને તેમનું ફોકસ જોઈને એવી પણ શંકા જાય કે આ લોકો ચાલવાના બહાને કંઈ બીજું તો નથી કરી રહ્યાને? કેટલાક દુરાન્તો-પ્રકારો એટલી ગંભીર કે ઝનૂની મુખમુદ્રાથી ચાલતા હોય કે તે કોઈ પ્રકારની તાંત્રિક વિધિ કરી રહ્યા હોય એવું લાગે. તેમને જોઈને વિચાર આવે કે એક જમાનામાં વંદે ભારત ટ્રેનોને અથડાતી હતી એવી કોઈ ભેંસ આ ચાલનારાને અથડાય તો ચાલનારા જેટલી જ ભેંસની પણ ચિંતા કરવી પડે.
તેમનાથી સાવ સામા છેડે આવે ગુડ્ઝ ટ્રેન પ્રકારના ચાલનારા. તે એકલા ન હોય. તેમની સાથે બે-ચાર મિત્રો કે પરિવારનાં નાનાં સભ્યો હોય. એ બધા ચાલવાના ટ્રેક પર આસ્તે આસ્તે, જોનારને યથેચ્છ લાગે એવી રીતે, આગળ વધતા હોય. તેમની ઝડપ એટલી ઓછી હોય કે એવું લાગે, જાણે તે રાત બગીચામાં જ વીતાવવાનાં હોય અને એટલે તેમને કશી ઉતાવળ જ ન હોય. આવી ગુડ્ઝ ટ્રેનમાં બાળકો હોય તો તે વળી મૂળ ટ્રેનથી છૂટા પડીને, બીજી લાઈને ફંટાઈ ગયેલા ડબ્બાની જેમ આમતેમ છૂટાં ફરતાં હોય. વળી પાછાં તે આગળથી મુખ્ય ટ્રેન સાથે ભેગાં પણ થઈ જાય. આવાં જૂથ ઘણી વાર આખો ટ્રેક રોકીને ચાલતાં હોય.
માણસને વાહનોની એવી ટેવ પડી ગઈ હોય છે કે પગપાળા ચાલતી વખતે પણ આગળ ગુડ્ઝ ટ્રેન-પ્રકાર કે તેનો કોઈ છૂટો પડી ગયેલો ડબ્બો લહેરાતો જુએ, એટલે પહેલો વિચાર હોર્ન મારવાનો આવે. પછી યાદ આવે કે આપણે તો ચાલવા આવ્યા છીએ. અહીં હોર્ન ન હોય. તરત બીજો વિચાર આવેઃ ટ્રેક પર વાહન ભલે ન હોય, પણ છૂટું હોર્ન રખાય કે નહીં? જેથી ટ્રેક પર વચ્ચે ને વચ્ચે આવતા લોકોને આઘા ખસવાનો સંકેત આપી શકાય.
કોઈ માણસ રસ્તા પર બેકાળજીથી ચાલતો હોય તો તેને ઠપકો આપતાં કહેવામાં આવે છે, ‘આ રોડ છે, બગીચો નથી. જરા જોઈને ચાલો.’ પણ બગીચામાં આડા આવતા લોકોને આવું શી રીતે કહેવાય? રાન્તો-સુપરફાસ્ટ પ્રકારના ચાલનારાને તો ઉલટો રસ્તામાં આવતા લોકો અવળો ઠપકો આપતાં કહે શકે, ‘જરા ધીમે ચાલો. આટલી બધી ઉતાવળ શી છે? આ એક્સપ્રેસ હાઇ વે નથી, બગીચો છે.’
ટ્રેક પરનો આવો બધો ખેલ માંડ અડધા કલાક-કલાકનો હોય છે. પછી બધાએ ટ્રેકને બગીચામાં મુકીને ઘરે જ જવાનું હોય છે. પણ એમ તો, આ બધો—જીવનનો-ખેલ માંડ સાઠ-સિત્તેર-એંસી વર્ષોનો જ હોય છે ને?
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment