Sunday, December 24, 2023
બહેન લોકશાહીની વાર્તા
એક હતી લોકશાહી. પરણીને આવી ત્યારે તેનો દબદબો હતો. બધાં તેને માનપાન આપતાં હતાં. તે પોતે પણ સમૃદ્ધ ઘરમાંથી આવી હતી. તેના પિયરમાં સંપત્તિ ઓછી, પણ ઉજળી પ્રતિષ્ઠા. સાસરું ગરીબ હતું, પણ મહેનતથી આગળ અવાશે એવી શ્રદ્ધા. એટલે બહેન લોકશાહીએ સાસરે આવીને બહુ વૈતરું કર્યું. શરૂ શરૂમાં તો લાગતું હતું કે એ લાંબું નહીં ટકે. કારણ કે, કેટલાંક સાસરીયાં દુષ્ટ, સ્વાર્થી કે મૂઢ હતાં. તેમને બહેન લોકશાહીની કદર ન હતી. તેમને લાગતું હતું કે આપણી સેવા માટે નવી કામવાળી આવી છે. તેને નીચોવી લો.
તે નવી છે, તેને ગોઠવાતાં વાર લાગશે, તેને થોડો સમય આપીએ—એવું વિચારનારા બહુ ઓછા હતા. છતાં, બહેન લોકશાહીનું કાઠું મજબૂત હતું. એટલે બહુ મોટા અને ચિત્રવિચિત્ર ખોપરીઓ ધરાવતા પરિવારમાં આવી હોવા છતાં, તેણે ધીમે ધીમે પોતાની પકડ જમાવવા માંડી. ઘરના લોકો એકદમ રીઝી જાય એવા ન હતા. બાર સંધાય ત્યાં તેર તૂટીને ઊભા રહે. છતાં, દર પાંચ વર્ષે તેની વર્ષગાંઠ આવે ત્યારે બધાં બહુ ધામધૂમથી તેની ઉજવણી કરવા લાગ્યા. આડે દિવસે તેની સત્તર ભૂલો કાઢનારા પણ તેની વર્ષગાંઠે તેનું સારું સારું બોલતા હતા. વર્ષગાંઠના દહાડે ધાંધલ કરનારા કુટુંબીજનો પણ હતા. છતાં, એકંદરે લોકશાહીને, તેના સાસરિયાંને અને બહારના લોકોને પણ એવું લાગતું હતું કે લોકશાહી સાસરિયાં સાથે સેટ થઈ ગઈ છે.
લોકશાહીની સાસરીનો પરિવાર એટલો મોટો હતો કે ક્યાંક, કોઈકની લડાઈ ચાલુ જ હોય. લોકશાહી બિચારી તે જોઈને જીવ બાળ્યા કરે, પણ તે શું કરી શકે? તેની પ્રકૃતિ જ એવી હતી કે તેણે સહદેવની માફક, બધું જાણ્યા છતાં, ચૂપચાપ જોયા કરવાનું. તેની પાસે સમજાવટની ક્ષમતા હતી, લડવાની શક્તિ નહીં. તેનો મૂળ સ્વભાવ રાંક. એટલે બીજા લોકો તેને જેટલું બોલવા દે અને કરવા દે, એટલું જ એનાથી થાય. સૈદ્ધાંતિક રીતે તેની ક્ષમતા હિમાલય ચઢી જવાની ને દરિયાના તળીયે ડૂબકી મારવાની. પણ સાસરિયાં તેને હાથપગ બાંધીને એક રૂમમાં પૂરી રાખે, તો જાતે તેનાથી પોતાનાં બંધન પણ છોડાય નહીં. એ તેની નબળાઈ ગણો તો નબળાઈ ને સજ્જનતા ગણો તો સજ્જનતા.
સાસરીયાંને આ ખબર હતી. છતાં, શરૂઆતમાં તેની સાથેનું વર્તન સારું હતું. એક જૂથ તેને વીતાડે તો બીજું જૂથ તેની વહારે આવે. એ બે જૂથ ભેગાં થઈને તેને વીતાડે, તો ઘરમાં ઘણા વડીલો હતા, તેમાંથી કોઈ ને કોઈ બહેન લોકશાહીનું ઉપરાણું લઈને તોફાની જૂથોને ટપારે.
આમ ને આમ દિવસો વીતતા હતા. પણ થોડાં વર્ષ પછી એક ગંભીર પ્રસંગ બન્યો. ઘરનાં બે જૂથો વચ્ચે મોટી ને ગંભીર તકરાર થઈ. ઘર પર સત્તા ભોગવતા જૂથને થયું કે આ શી માથાકૂટ? એના બદલે બીજા જૂથનો ફેંસલો આણી દેવો જોઈએ, પણ ઘરમાં આવું કંઈ પણ થાય ત્યારે બહેન લોકશાહી વચ્ચે આવી જતી હતી અને તેના રાંક પણ માયાળુ સ્વભાવને કારણે લોકોને તેની દયા આવી જતી હતી. એટલે છેવટે ગમે તેટલી શત્રુવટ પછી પણ ઝઘડા ઠરી જતા હતા અને બધું સામાન્ય થઈ જતું હતું.
ઘર પર સત્તા ભોગવતા જૂથને એ વાતની બરાબર ખબર હતી. એટલે તેમણે સૌથી પહેલાં બહેન લોકશાહીના હાથપગ બાંધ્યા, મોઢે ડૂચો માર્યો અને નાખી એક અંધારિયા ઓરડામાં. લોકશાહી હતપ્રભ થઈ ગઈ. તેને નાનીમોટી થપાટો તો અનેક વાર વાગી હતી, પણ આવું તેની સાથે પહેલી વાર થયું હતું. ઘર પર પ્રભાવ ધરાવતા જૂથે જાહેર કરી દીધું કે લોકશાહી બહેનની તબિયત બગડી હોવાથી અને તેની માઠી અસર ઘરની સલામતી પર પડે એમ હોવાથી, તેને આરામ આપવામાં આવ્યો છે, પણ ઘરના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
લોકશાહી બહેન માટે એ કાળ ભારે કપરો હતો. એક તબક્કે તો એવું લાગ્યું કે તે ફરી કદી બેઠી નહીં થઈ શકે. પણ ખબર નહીં કેમ, થોડા વખત પછી, ઘર પર પ્રભાવ ધરાવતા જૂથે અચાનક એક દિવસ આવીને લોકશાહીનાં બંધન ખોલી નાખ્યાં, તેને તાજી હવામાં આણી અને ફરી તેની જગ્યાએ સ્થાપિત કરી. લોકશાહીને ફરી આવું વેઠવું ન પડે તે માટે પગલાં લેવામાં આવ્યાં.
પણ ખાસ્સા વખત પછી ફરી એક વાર બહેન લોકશાહી એવી કે વધારે ખરાબ સ્થિતિમાં આવી છે. આ વખતે તેને અંધારિયા ઓરડામાં ધકેલવામાં નથી આવી. ધીમે ધીમે કરીને તેના હાથ-પગ-આંખો-મોં બધે પાટા અને દોરડાં બાંધી દેવામાં આવ્યાં છે. લોકશાહી સાથે જબરદસ્તી થાય ત્યારે વચ્ચે પડનારા વડીલોને એક પછી એક ડરાવીને કે તેમનાં મોઢાં રૂપિયાથી ભરીને ચૂપ કરી દેવામાં આવ્યા છે. તેની ચિંતા કરતા સામાન્ય સભ્યોમાંથી ઘણાને અફીણના નિયમિત ડોઝ આપવામાં આવે છે. એટલે તે લોકશાહીની આ સ્થિતિ વિશે ચિંતા કરવાને બદલે ઝૂમી રહ્યા છે.
બહારનું કોઈ જુએ તો તેને લાગે કે ઘરમાં બધું પહેલાંની જેમ જ ચાલે છે. કોઈ પૂછે કે ‘લોકશાહીને ચસકી પણ ન શકે એવી રીતે દોરડાં ને પાટા કેમ બાંધ્યા છે?’, તો જવાબ મળે છે, ‘તેના રક્ષણ માટે.’
અંધારિયા ઓરડામાં પુરાયેલી લોકશાહી તો બચી ગઈ હતી, પણ આ વખતે તેનું શું થશે, ખબર નથી.
Sunday, December 10, 2023
નીલેશ રૂપાપરાની આંચકાજનક વિદાય
પ્રેમાળ મિત્ર
નીલેશ રૂપાપરા ઓચિંતા-અણધાર્યા જતા રહ્યા.
સવારે કેતનભાઈ
મિસ્ત્રીનો ફોન આવ્યો. જાણવા મળ્યું કે ગઈ કાલે રાત્રે નીલેશભાઈ પરિવારજનો સાથે હતા અને બ્લડ પ્રેશર ઓચિંતું
વધી ગયું, ભારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હાલત બહુ ગંભીર છે.
ને સાંજે
ટૂંકો સંદેશોઃ નીલેશભાઈ ગયા.
1995થી 2023 સુધીના સમયગાળાની અનેક મધુર યાદો ઉભરી આવી.
તેમને
પહેલી વાર જોયા મુંબઈમાં ‘અભિયાન’ની ઓફિસમાં. ત્યારે તેમના માથે ખાસ્સા છાપરા જેવા
વાળ હતા. ચહેરા પર ધ્યાન દોરે એવી ભરાવદાર છતાં ખૂંખાર ન લાગે એવી મૂછો, ચશ્માની
પાછળ દેખાતી, સહેજ ઢળેલાં પોપચાંવાળી આંખો, ધીમી પણ ખચકાટ વગરની ચાલ, હાથમાં
સીગરેટ. બોલ્યા એટલે થયું કે આમનો તો અવાજ પણ સરસ છે. એકદમ બેઝવાળો.
તે ‘અભિયાન’ના સંપાદક હતા. દીપક સોલિયા ચીફ
રીપોર્ટર. બંને જણ અત્યંત કામગરા તરીકે જાણીતા. નીલેશભાઈ ડેસ્ક સંભાળે. એટલે કે જે
અહેવાલો-લખાણો આવે તેમનું કમ્પ્યુટર પર જ એડિટિંગ કરે, કાપકૂપ કરે, સુધારેમઠારે
અને છેલ્લે લેખનું મથાળું તથા ભૂમિકા (ઇન્ટ્રો) બાંધે. તેમની ભાષા અત્યંત સમૃદ્ધ.
લેખનમાં અભિવ્યક્તિ જોરદાર. પાછા ચહેરેથી લાગે તેવા ધીરગંભીર કે ઠાવકાઠમ પણ નહીં.
છૂટથી મસ્તીમજાક કરે ને ખુલીને હસે.
'મારી પત્રકારત્વ-લેખનની સફર' પુસ્તક માટે નીલેશભાઈ પાસેથી 1995ના અરસાનો ફોટો મંગાવ્યો ત્યારે તેમણે બે-ત્રણ ફોટા મોકલ્યા હતા. તેમાંનો આ ફોટો મારા મનમાં રહેલી તેમની એ અરસાની છબીની સૌથી નજીકનો હતો. |
‘અભિયાન’માં તેમની પાસેથી-તેમને જોઈને હું ડેસ્ક
કામગીરીમાં ઘણું શીખ્યો. એ વિશે મેં ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’માં લખ્યું, ત્યારે તેમણે તેમની શાલીનતાને અનુરૂપ ધોખો કર્યો હતો, ‘તું મને બહુ ફૂટેજ આપે છે.’ ‘અભિયાન’માંથી તે અમદાવાદ ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિમાં આવ્યા. અગાઉ
તે ‘ઇન્ડિયા ટુડે’ ગુજરાતીની દિલ્હી ઓફિસમાં પણ હતા જ.
થોડા સમય પછી મારે પણ ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસે આવવાનું થયું. ત્યારે
અને પછી ‘સંદેશ’માં જોડાયો ત્યારે નીલેશભાઈના કારણે ‘ઇન્ડિયા ટુડે’ની ઓફિસમાં મારી અવરજવર ઘણી રહી. તેમાંથી
હિમાંશુ કીકાણી, દિલીપ ગોહિલ, મનીષ મહેતા, વિવેક મહેતા સહિત બીજા ઘણા સાથે પરિચય
અને દોસ્તી થયાં. ‘સંદેશ’માં મારી (પ્રશાંત દયાળ સાથેની)
દૈનિક હાસ્યકોલમ શરૂ થઈ ત્યારે તેના શરૂઆતના લેખ મેં આગ્રહપૂર્વક નીલેશભાઈને
વાંચવા આપ્યા હતા અને તેમનો પ્રામાણિક અભિપ્રાય માગ્યો હતો. તેમના પ્રોત્સાહન અને
કેટલાંક સૂચનનું મારે મન બહુ મહત્ત્વ હતું. આનંદ એ વાતનો પણ છે કે અહીં લખેલી આ
બધી વાતો મેં તેમના સુધી મૌખિક અને ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ થકી લેખિત સ્વરૂપે પણ પહોંચાડી અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શક્યો. તેના
માટે અંજલિલેખની રાહ ન જોઈ. આમ પણ, મારે તેમનો અંજલિલેખ લખવાનો આવશે, એવું તો સપનેય ક્યાંથી વિચાર્યું હોય.
તેમણે ‘ઇન્ડિયા ટુડે’ (ગુજરાતી) પછી અમદાવાદ છોડ્યું,
ત્યાર પછી પણ અમારી વચ્ચે અનિયમિત રીતે નિયમિત સંપર્ક ચાલુ રહ્યો. તે નાટકો અને
ટીવી સિરીયલ લખવાના કામમાં વળ્યા. ‘અભિયાન’માં જોડાતા અગાઉ તેમણે મિર્ઝાબંધુઓ
(સઈદ-અઝીઝ)માંથી કોઈ એકની સાથે કામ કર્યું હોવાની મારી છાપ છે. (એ વિશે તેમના એ
સમયગાળાના સાથીઓ સંજય છેલ અને રાજુ પટેલ વધુ કહી શકે)
અસલમ પરવેઝ સાથે નીલેશભાઈની જોડી બની. ‘લેખકઃ અસલમ પરવેઝ’ અને ‘રૂપાંતરઃ નીલેશ રૂપાપરા’ –એવી રીતે ઘણાં નાટકો થયાં. તેમાંના એક, ઘણા સફળ થયેલા કોમેડી નાટક ‘જલસા કરો જયંતિલાલ’નો અમદાવાદમાં શો હતો ત્યારે તેમણે બીજા મિત્રોની સાથે મને પણ સજોડે નાટકના શો માટે આમંત્રણ આપ્યું હતું અને અમને બધાને પહેલી-બીજી હરોળમાં બેસાડીને નાટક બતાવ્યું હતું.
રાજકીય ધ્રુવીકરણ સમાજમાં અને સોશ્યલ મિડીયામાં પ્રસરી ગયું, ત્યારે અમારે વિચારધારાના સાવ સામસામા છેડે ઊભા રહેવાનું થયું. પરંતુ અમને એ વાતનો બહુ સંતોષ રહ્યો કે અમારી મૈત્રી પર તેનો ડાઘ સરખો ન લાગ્યો. એ બાબતે અમે એકબીજા વિશે બહુ આશ્વસ્ત હતા. તેમની ભદ્રતા એવી કે એક વાર તેમની પોસ્ટ નીચે કમેન્ટમાં કોઈએ મારા વિશે કંઈ એલફેલ લખ્યું હશે, તો એ તેમણે કાઢી નાખ્યું. એ તો ઠીક, મને મેસેજ મોકલ્યો. ત્યારે મેં તેમને લખ્યું હતું કે તમારે આવો મેસેજ મોકલવાનો ન હોય. એક તો, મેં એ વાંચ્યું નથી અને ખાસ તો, તમારા વિશે મને ખાતરી છે કે તમે સંબંધની ગરીમા કદી ચૂકો નહીં.
મહેમદાવાદના ઘરે (ડાબેથી) ઉર્વીશ, નીલેશ રૂપાપરા, દીપક સોલિયા, રમેશ ઓઝા, બીરેન કોઠારી (મે 2016) : વિચારધારાના મતભેદો એની જગ્યાએ, પણ દોસ્તી એના કરતાં બહુ ઊંચી છે. |
તેમની નવલકથા ‘મહેકનામા’ અને ખાસ તો તેમના વાર્તાસંગ્રહ ‘આનંદ રોડને પેલે પાર’ વાંચ્યા પછી અમારી વચ્ચે મેઇલની મઝાની આપ-લે થઈ હતી. તેમાં તેમની માનસિક નિર્મળતાનું વધુ એક ઉદાહરણ મળ્યું. આમ તો એ અંગત મેઇલ છે અને જાહેરમાં મુકતાં ખચકાટ થાય. પણ હવે એ નથી ત્યારે અંગતતાના ભંગનો દોષ વહોરીને પણ એ મેઇલના અંશ મુકતાં જાતને રોકી શકતો નથી.
“(વાર્તાસંગ્રહની) પ્રસ્તાવના સાથે હું સહમત નહોતો, ખાસ તો એમણે આ વાર્તાઓને લોકભોગ્ય શ્રેણીમાં મૂકી (હું ટીવીલેખક ને પત્રકાર હોવાને કારણે લોકભોગ્ય વાર્તાઓ જ લખું એવા ગૃહિત સાથે એમણે લખ્યું હોય એમ લાગ્યું) એ વાત સાથે મારી વધુ અસહમતિ હતી...જોકે પછી એના રિએક્શન રૂપે મારી વાત મેં બહુ અઘરી અઘરી લખી જે મારે નહોતું કરવું જોઈતું... પણ ક્યાંક અંદરખાને એવું દેખાડી દેવાની વૃત્તિ હતી કે અમનેય લખતાં આવડે છે... છેલ્લે, ઘરવાપસી વિશે. 2015ની શરૂઆતમાં Koenraad Elstનું પુસ્તક Negationism in India: Concealing the Record of Islam વાંચેલું અને એ મગજ પર ચઢી ગયેલું. પુસ્તકની અધિકૃતતા વિશે તો આજેય શંકા નથી પણ એની જાલીમ અસરમાંથી નીકળવું હતું. સાથેસાથે દીકરાની મુસ્લિમ પ્રેમિકા પ્રત્યે મનમાં એક ટકોય મેલ હોય તો એ કાઢવો હતો. પરિણામે એ વાર્તા લખાઈ. અને લખ્યા પછી ઘણા પૂર્વગ્રહો-પક્ષપાતો નીકળી શકે એનો અનુભવ લગભગ પહેલી વાર થયો.” ( 19 એપ્રિલ 2018)‘મારી વાચનયાત્રા’ એવા એક પુસ્તકનો ખ્યાલ ઘણા વખતથી મનમાં છે. તેમને એ વિષય પર લખવાનું કહેતાં તેમનો મેઇલ આવ્યો હતો, ‘થૅન્ક્સ ઉર્વીશ, મને ગમે એવું લખવાનું કહ્યું છે તેં... અને હું પ્રયત્ન પણ કરીશ. પરંતુ હાલના તબક્કે વાયદો કરી શકું તેમ નથી. કારણ, તબિયત રિસાયેલી પ્રેમિકા જેવી દશામાં છે. ઉપરથી પહેલાં લીધેલું નાટક લખવાનું કમિટમેન્ટ પૂરું કરવાનું છે. આથી મને ગણતરીમાં ન રાખીને ચાલે તો સારું... ફરી કહું છું કે કોશિશ કરીશ, પણ...’ (12 જુલાઇ, 2023)
નીલેશભાઈ, આપણે તો આ લેખ પૂરતા તમને ગણતરીમાં ન રાખવાની વાત થઈ હતી અને તમે તો...