Sunday, October 15, 2023

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વિશે થોડી વાતઃ શાંતિથી વાંચવા-વિચારવા માટે

2002ની ગુજરાતી કોમી હિંસાની વાત નીકળે એટલે તેનાથી ખરડાયેલા અને તેમના સમર્થકો તરત 1984ની શીખવિરોધી હિંસાની વાત કાઢે છે--ન્યાય અપાવવા માટે નહીં, છેદ ઉડાડવા માટે.


1984ની શીખવિરોધી હિંસા પછી અને 2002ની ગુજરાતની મહદ્ અંશે મુસ્લિમવિરોધી હિંસા પછી ન્યાયની કામગીરીમાં ભાજપ-કોંગ્રેસ નહીં, માનવ અધિકારને લગતાં સંગઠનો અને અંગત નિસબત ધરાવતા લોકો જ અગ્રસર રહ્યા હતા. આ વાત સામાન્ય માણસોને યાદ રહેતી નથી અને રાજકીય પક્ષો-તેમના અનુયાયીઓ લોકોને આ વાત યાદ રહે તેમ ઇચ્છતા નથી.

હિંસાનો સામસામો છેદ ઉડાડવાનું કામ નાગરિકોનું નહીં, નેતાઓનું અને તેમની મંડળીઓનું છે. બાકી, હિંસાના છેદ કદી ઉડી શકતા નથી. તેના વર્ગ (સ્ક્વેર) જ થાય છે. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના મામલે પણ એવું જ છે.

સદીઓથી યુરોપમાં પ્રતાડનનો ભોગ બનેલા યહુદીઓને વીસમી સદીમાં પેલેસ્ટાઇના માથે મારીને બ્રિટન તો ચાલી નીકળ્યું, પણ ત્યાર પછી થયેલો હિંસાનો સિલસિલો, વચ્ચે વચ્ચે શાંતિપ્રયાસોના અપવાદ સાથે, કરુણ અને કરપીણ રીતે ચાલતો રહ્યો છે. પેલેસ્ટાઇનીઓને ઇઝરાઇલ કઠે છે. કારણ કે એ તેમના માથે મરાયેલું છે. તેમાં વળી વધારાની અણી ધર્મને કારણે ઉમેરાય છે. આખો મામલો યહૂદી વિરુદ્ધ મુસલમાનનો બનાવવામાં આવ્યો છે. અમેરિકા ઇઝરાઇલના પક્ષે છે. આરબ રાષ્ટ્રો પેલેસ્ટાઇનના લોકોના અધિકારોને સમર્થનનો દાવો તો કરે છે, પણ રાષ્ટ્રો વચ્ચેના સંબંધમાં છેવટે ઉમદા લાગણીઓ નહીં, સ્વાર્થ જ બળવાન હોય છે. એટલે આરબ રાષ્ટ્રો મન થાય ત્યારે મુસલમાન અને મન થાય ત્યારે અમેરિકાના ભેરુ બની જાય છે. તેમાં અધિકારથી વંચિત એવા પેલેસ્ટાઇનના લોકોની દશા ફુટબોલ જેવી થાય છે.

પેલેસ્ટાઇનમાં પણ હમાસ સહિતનાં વિવિધ જૂથો છે, જે પેલેસ્ટાઇનના નામે કામ કરે છે, અંદરોઅંદર ટકરાય છે અને ઇઝરાઇલમાં આતંક ફેલાવે છે. ભારતમાં ઘણા લોકોને ઇઝરાઇલનું ઘેલું છે. ઇઝરાઇલ તેમને માટે આદર્શ દેશ છે અને ભારતે ઇઝરાઇલ જેવા હોવું કે થવું જોઈએ, એવું તે માને છે. ઇઝરાઇલ માટે લડવું એ લડવાનો નહીં, ટકી રહેવાનો પર્યાય છે, એટલી સાદી વાત તે સમજવા માગતા નથી. ચોતરફ શત્રુરાષ્ટ્રોથી ઘેરાયેલા અને વસ્તુતઃ પેલેસ્ટાઇનના માથે મરાયેલા ઇઝરાઇલના માથે અસ્તિત્વ ભૂંસાઈ જવાનો ભય વર્ષો સુધી રહ્યો. ત્યારથી તેની માનસિકતામાં ભૂંસવા કે ભૂંસાઈ જવાના વિકલ્પો જ બચ્યા છે. એટલે શાંતિના નિષ્ફળ પ્રયાસ પછી, પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાઇલનો પથારો વિસ્તરતો જ જાય છે અને પેલેસ્ટાઇનના નિવાસીઓને ભય પમાડતો-ત્રાસ આપતો રહે છે.

હવે કેટલાક આરબ દેશો ગઈગુજરી ભૂલીને નવેસરથી અમેરિકા સાથે (અને આડકતરી રીતે ઇઝરાઇલ સાથે) હાથ મિલાવવા અને વર્તમાન સ્થિતિને નોર્મલ--સામાન્ય સ્થિતિ તરીકે સ્વીકારી લેવા તૈયાર થયા, તે (નોર્મલાઇઝેશન) વર્તમાન હિંસાના મૂળમાં રહેલો મુદ્દો ગણાવવામાં આવે છે. આગળ કહ્યું તેમ, આરબ રાષ્ટ્રો પેલેસ્ટાઇનના હકની વાતો તો કરે છે, પણ છેવટે સ્વાર્થ બળવાન છે.

આટલી પૂર્વભૂમિકા પછી અને પેલેસ્ટાઇનના લોકો સમક્ષ શાંતિપૂર્ણ વિરોધની કોઈ જગ્યા ઇઝરાઇલે છોડી નથી એ જાણ્યા પછી પણ, હમાસે ઇઝરાઇલનાં સામાન્ય નાગરિકો સાથે જે ક્રૂરતાથી કામ પાડ્યું, તે નકરો ત્રાસવાદ છે. તેની પાછળની વૃત્તિ ઇઝરાઇલના અન્યાયનો વિરોધ કરવાની હોય તો પણ, અન્યાયનો મુકાબલો અન્યાયથી, રાજ્યના ત્રાસવાદનો મુકાબલો સંસ્થાના ત્રાસવાદથી કરવાથી, છેદ ઉડતા નથી, પણ વર્ગ થાય છે.

આ સંજોગોમાં કઈ ઢબે સવાલ પૂછવામાં આવે છે-તેનું ફ્રેમિંગ કઈ રીતે કરવામાં આવે છે, એ મહત્ત્વનું છે. મારે ઇઝરાઇલના સરકારી ત્રાસવાદ અને હમાસના બિનસરકારી ત્રાસવાદમાંથી કોઈ એકની પસંદગી શા માટે કરવી પડે? મને બંને ત્રાસવાદ લાગે છે અને બંને એકસરખા ગંભીર લાગે છે. સામસામા છેદ ઉડાડવાની વ્યવસ્થા મારી પાસે નથી.

જે પ્રજાનું પ્રતિનિધિત્વ આતંકવાદી સંગઠનના હાથમાં આવે અથવા જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન આતંકવાદનો રસ્તો અપનાવે, ત્યારે એ પ્રજાને પણ ભારે વેઠવાનું આવે છે. કારણ કે, સ્ટેટ (રાજ્ય-સરકાર) આતંક પર ઉતરે તો તે હંમેશાં સવાયું આતંકવાદી જ પુરવાર થાય, એટલાં સંસાધનો તેની પાસે હોય છે. અને હકીકત એ પણ છે કે ઇઝરાઇલને શાંતિની ભાષા સમજાતી નથી.

આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય દબાણનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ તો બળુકાઓની દાસી છે. અમેરિકાએ ઇઝરાઇલનો હાથ ઝાલ્યો હોય તો સંયુક્ત રાષ્ટ્રસંઘ ચૂં કે ચાં ન કરે. તો આંતરરાષ્ટ્રીય દબાણના બીજા કયા વિકલ્પ હોઈ શકે? ખબર નથી. કેમ કે, આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણ એ મારા અભ્યાસનો વિષય નથી. અહીં જે લખ્યું એના માટે તે વિષયના નિષ્ણાત હોવાની જરૂર નથી. દ્વેષબુદ્ધિ વગરની સામાન્ય સમજથી તે જોઈ શકાય તેમ છે.

બાકી, મુસ્લિમવિરોધને ટીંગાડવાની ખીંટીઓ શોધતી પ્રજા ઇઝરાઇલનો જયજયકાર કરે ને તેના સરકારી ત્રાસવાદ પ્રત્યે આંખ આડા કાન કરે તેમાં કશી નવાઈ નથી. અને હમાસના લોકોને કેવળ મુસલમાન ગણીને, તેમનાં અમાનવીય ત્રાસવાદી કૃત્યોને મજબૂરી ગણાવનારી પ્રજાની પણ કશી નવાઈ નથી. આ બંને પક્ષો ખરેખર એકબીજાના આડકતરા સમર્થકો છે ને એકબીજાની સ્થિતિ મજબૂત બનાવે છે.

અલગ હોય તો તે એવા લોકો, જેમને બંને પક્ષનો ત્રાસવાદ દેખાય છે, એકસરખો કઠે છે અને બીજા પ્રકારના ત્રાસવાદનું જરાય ઉપરાણું લીધા વિના-તેને વાજબી ઠરાવ્યા વિના, સરકારી ત્રાસવાદ વધારે ગંભીર-વધારે મૂળરૂપ લાગે છે.

1 comment:

  1. Anonymous11:55:00 PM

    આ તો કાશ્મીરી લોકો ભારત સરકાર વિષે જે વાત કરે છે એવી જ થઇ!

    ReplyDelete