Thursday, July 27, 2023

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને જાહેરમાં ફટકારવા વિશે

  • પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બહુ આનંદ આવે છે અને ન્યાય થયો હોય એવું લાગે છે. ગુનેગારોને સીધા કરવાની એ જ સાચી રીત છે, એવું તેમને લાગે છે. 
  • અત્યારે ટ્રાફિકના ગુનાની વાત કરીએ તો, મોટા અકસ્માત પછી એક-બે વિડીયો એવી જોવા મળી, જેમાં ટ્રાફિકનો ગુનો કરનારને એક પોલીસ પકડે અને બીજા પાછળથી ફટકારે. કેટલી લાકડીઓ? પોલીસને મન થાય ને ધરવ થાય એટલી. 
  • લાકડી ફટકારતી વખતે પોલીસ કોનો કોનો કે શાનો શાનો ગુસ્સો ઉતારે છે એની તો આપણે કલ્પના કરવાની રહી, પણ સીધીસાદી સભ્યતાના એક પણ ધોરણે એ સજા વાજબી ઠેરવી શકાય તેમ નથી. ગુનેગાર સાથે ગુનેગાર બનીને કામ પાડવામાં ન્યાય નથી થતો. બરાબરી થાય છે. 
  • ટ્રાફિકના ગંભીરમાં ગંભીર ગુના માટે કાયદાની કલમો હશે અને ન હોય તો તે કલમો બનાવવા માટે રજૂઆતો-આંદોલન કરવું, એ તેનો ઉપાય છે. આ રીતે કોઈને પણ મારવાની પોલીસને સત્તા નથી. તેમ છતાં, પોલીસ એ સત્તા ભોગવે અને તેને લોકોના મોટા સમુદાયનું સમર્થન મળે, એ બંને બાબતો બહુ ખતરનાક છે. 
  • નૈતિકતા કે પ્રમાણભાનની વાત ઘડીભર બાજુએ રાખીએ તો પણ, જાહેરમાં ફટકારવાના પ્રસંગોથી રાજી થતા અને પોરસાતા લોકોને એ ખ્યાલ હોય છે કે કોઈ પણ રેશનલ--તર્ક કે પ્રમાણભાન--વગરના, આવા 'ઇન્સ્ટન્ટ ન્યાય' એટલે કે પોલીસની ધોકાવાળીમાં તેમનો નંબર પણ ગમે ત્યારે લાગી શકે છે? 
  • જેમની પાસે જેની સત્તા નથી, તે એ સત્તા હાથમાં લઈ લે ત્યારે નાગરિક તરીકે આપણે ચેતવાનું હોય અને વિરોધ કરવાનો હોય. કારણ કે, સત્તાના દુરુપયોગની બંદૂક હંમેશાં આપણને ન ગમતા માણસ સામે જ તકાય એવું બિલકુલ જરૂરી નથી હોતું. અને એક વાર સત્તાના દુરુપયોગને વધાવી લીધા પછી, આપણે પણ તેના સાગરીત બનીએ છીએ. 
  • ગુનેગારોને કડક સજા થાય તે માટે 1) કાયદાની જોગવાઈ 2) કાયદા પ્રમાણે ચાલવાની પોલીસની વર્તણૂંક 3) તેના માટે પોલીસ ઉપરીઓની પ્રોફેશનલ (દબંગછાપ નહીં) વર્તણૂંક 4) પોલીસ દ્વારા અસરકારક રીતે થતી કેસની નોંધણી અને સંબંધિત કાચું કામ, જેના આધારે અદાલતમાં પહોંચ્યા પછી કેસ લૂલો ન પડી જાય અને 5) અદાલતમાં આ પ્રકારના કેસની ઝડપી સુનાવણી અથવા આ પ્રકારના કેસ માટેની બીજી અદાલતો-- આટલું જરૂરી છે. 
  • આ પ્રક્રિયા છે, જેના પહેલા પગથિયાની દિશામાં સફર શરૂ થવી જોઈએ. મીડિયાએ હઈસો હઈસો ને ગુનેગારોને અવનવાં લેબલ આપવાને બદલે લાંબા ગાળાના ઉકેલની દિશામાં લોકમત ઘડવો, દોરવો જોઈએ. અને એવું ન કરે તો પણ લોકોને ઉશ્કેરણીના રવાડે ચડાવવા જોઈએ નહીં. 
  • ડંડાવાળી કરવાથી કે ટ્રાફિક ઝુંબેશો કે સ્પેશ્યલ ડ્રાઇવ કરવાથી સનસનાટીપ્રેમી -લોકલાગણી ઉશ્કેરનારાં મીડિયાને ધરવી શકાશે, પણ આપણી નાગરિકોની સમસ્યાનો કશો ઉકેલ નહીં આવે.

1 comment:

  1. Anonymous11:08:00 PM

    પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બહુ આનંદ આવે છે અને ન્યાય થયો હોય એવું લાગે છે. ગુનેગારોને સીધા કરવાની એ જ સાચી રીત છે, એવું તેમને લાગે છે. - Except when they guilty. They should know that what goes around, comes around.

    ReplyDelete