Friday, February 24, 2023

જુદા છે વિચારો સમોસે સમોસે

ભારતની લોકશાહી સાથે સૌથી જૂનો સંબંધ ધરાવતી જૂજ વાનગીઓમાં સમોસાનો સમાવેશ કરવો પડે. એક કચોરી, દો સમોસા/ ---- તેરા ક્યા ભરોસા—એ ભારતીય ચૂંટણીઓમાં વપરાતાં સૌથી જૂનાં સૂત્રોમાંનું એક છે. તેનો આશય ભલે સમોસાના બહુમાનનો નહીં, સૂત્રમાં જેનું નામ આવતું હોય તે નેતાના અપમાનનો હોય. છતાં, સમોસા વિના એ સૂત્ર, એ સૂત્ર વિના ચૂંટણી અને ચૂંટણી વિના ભારતની લોકશાહી અધૂરાં છે. એટલે તર્કશાસ્ત્રના ન્યાયે સમોસા વિના ભારતની લોકશાહી અધૂરી છે.

સમોસાનાં કદ-રૂપ-રંગ-સ્વાદ-ચટણી-આરોગવાની પદ્ધતિ ઇત્યાદિમાં જોવા મળતું વૈવિધ્ય પણ લોકશાહી ભારતની યાદ અપાવે છે. વડાપ્રધાન જ્યાં સુધી એક દેશ, એક સમોસું એવું સૂત્ર ન આપે ત્યાં સુધી, લોકશાહીની તો સલામતીની તો ખાતરી નથી, પણ સમોસાનું વૈવિધ્ય સલામત છે.

કેટલાક સમોસા કદમાં એટલા મોટા હોય છે કે તેમને ફાઇટર વિમાનમાંથી બોમ્બની જગ્યાએ ફેંકવામાં આવે તો વગર ધડાકે તે કોઈનું લમણું તોડી શકે અથવા તેની અણીદાર ધાર બોમ્બની કરચની જેમ ખૂંતી શકે. તેના સાવ સામા છેડે, અમદાવાદમાં જેને નવતાડના સમોસા તરીકે ઓળખાતા સમોસા આવે. તેમનું કદ એટલું ટચૂકડું હોય છે કે જો તાતાની નેનો કાર ચાલી ગઈ હોત તો થોડાં વર્ષમાં નવતાડના સમોસા નેનો સમોસા તરીકે ઓળખાતા થઈ જાત.

અંગ્રેજીમાં ગ્રામર નાઝી તરીકે ઓળખાતા, ગુજરાતીમાં ભાષાઝનૂની કહી શકાય એવા લોકોને સવાલ થશે કે સમોસાના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં?  ભાષાની ચિંતા કરવા જેવી છે, પણ ચોવીસે કલાક ભાષાની ચિંતા કરવાથી ચિતા કરનારની માનસિક પરિસ્થિતિ બીજાએ ચિંતા કરવી પડે એવી થઈ શકે છે. અને સમોસાને લાગે વળગે છે ત્યાં સુધી, તેના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં, તેના કરતાં ઘણા વધારે ગંભીર પ્રશ્નો સમોસાસૃષ્ટિમાં વિદ્યમાન છે.

શરણાઈ વર્ષો સુધી જુગલબંદીનું વાદ્ય ગણાતું હતું. પરંતુ ઉસ્તાદ બિસ્મિલ્લાખાને તેને એકલવાદ્ય તરીકે પ્રતિષ્ઠા અપાવી. એવી જ રીતે, ચટણીની જુગલબંદીમાં શોભતા સમોસાને એકલવાનગીનો દરજ્જો અપાવવા માટે કેટલાક ફરસાણિસ્ટો કૃતનિશ્ચયી હોય છે. ફરસાણિસ્ટ સાચો શબ્દ છે કે નહીં, તેની ચિંતા કરવાને બદલે, તેમના દ્વારા થતો દાવો સાચો છે કે નહીં, તે સમોસાપ્રેમીઓ માટે વધારે મહત્ત્વનો સવાલ છે.

કેટલાક, ખાસ કરીને રેલવે સ્ટેશન પર સ્ટોલ ધરાવતા, લોકો બિનધાસ્ત ચટણી વગરના સમોસા વેચે છે. તેમાં ચટણીનું સ્થાન ગૌરવ લે છે. કોઈ નવોસવો જણ સમોસા લીધા પછી ચટણીની માગણી કરે, ત્યારે તેણે સ્ટોલધારકના ચહેરા પર એવો તમતમાટ પથરાઈ જાય છે, જાણે માગનારે તેની આબરૂ પર હાથ નાખ્યો હોય. તે લાગણી જો ભૌતિક સ્વરૂપ ધારણ કરે, તો એકાદ હજાર ટેટાની લૂમ જેટલી ધડબડાટી બોલે. પરંતુ નવોદિત ગ્રાહક લાગણીની લિપિ સમજતો નથી. તેના લાભાર્થે, માંડ સંયમ ધરીને, સ્ટોલધારક તેને સમજાવે છે, ભાઈ, આ તો ફલાણાના સમોસા છે. તેમાં ચટણી ન આવે.

ગ્રાહકને વળી કમતિ સુઝે અથવા તે નવેનવો ગ્રાહકસુરક્ષાના પાઠ ભણીને આવ્યો હોય તો તે વળતી દલીલ કરશે, અરે, એવું તે થોડું ચાલે? આખી દુનિયા સમોસા જોડે ચટણી આપે છે. આ બોલતી વખતે તેના અવાજમાં રહેલો રણકો સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું લઈને જંપીશ—એ સ્તરનો હોય છે. સ્ટોલમાલિક ગમ્મતના મૂડમાં હોય તો કહી શકે કે સાવ ખોટી વાત. કારણ કે સમોસા આખી દુનિયામાં મળતા જ નથી. પરંતુ સમોસા સાથે ચટણીની માગણીથી થયેલા સ્વમાનભંગના અહેસાસમાં તેની હાસ્યવૃત્તિને બહાર નીકળવાની જગ્યા મળતી નથી. એટલે તે ટૂંકમાં, કડકાઈથી જવાબ આપે છે, દુનિયા આપતી હોય તો આપે. અમારે ત્યાં એવો રિવાજ નથી. કોઈને પણ પૂછી જુઓ.

મોટા ભાગની દુકાનોમાં સમોસાની સાથે એક કે વધુ પ્રકારની ચટણી અપાય છે. ત્યાં ઢચુપચુ માનસિકતા ધરાવતા ગ્રાહકનો ઘણોખરો સમય ચટણીનું પ્રમાણ નક્કી કરવામાં વીતે છે, લાલ ચટણી નાખ્યા પછી એવું લાગે છે કે સ્વાદ વધારે ગળ્યો થઈ ગયો ને લીલી ચટણી નાખ્યા પછી તે વધારે તીખો લાગે છે. આમ ને આમ દો આરઝુમેં કટ ગયે, દો ઇંતઝારમેં જેવું થાય છે અને સમોસું પૂરું થઈ જાય છે. ત્યાર પછી ગ્રાહકને ખ્યાલ આવે છે કે શરૂઆતમાં બંને ચટણીઓ સાથે નખાવી દીધા પછી, તેણે ચટણીનાં પાત્રોથી દૂર ખસી જવાની જરૂર હતી.

સમોસાનું સ્વતંત્ર વાનગી તરીકે પ્રસ્થાપિત થવું ઘણાને ખૂંચે છે. એવા લોકો, વિકાસના નામે જેમ ઝૂંપડાં ઢાંકી દેવામાં આવે છે કે અસલી સમસ્યાઓને સાવ ભળતાસળતા વિવાદો તળે સંતાડી દેવામાં આવે છે એવી રીતે, સમોસાની સ્વતંત્રતાને બીજી અવનવી ચીજોથી ઢાંકી દેવાનો પ્રયાસ કરે છે. એક ડિશમાં સમોસું લઈને, સૌથી પહેલાં તે સમોસાને બરાબર ભાંગી નાખે છે. પછી તેમાં રગડો, દહીં, ડુંગળી, સેવ, કેચપ, લાલ-લીલી ચટણી, ભલું હોય તો ચીઝ અને બીજું જે સૂઝે તે ઠપકારે છે. આવા સમોસાને ભવ્ય નામ આપીને તેની ઊંચી કિંમત વસૂલવામાં આવે છે, પણ તેમાં સમોસાનો મૂળ સ્વાદ ખોવાઈ ગયો છે તે જણાવવામાં સ્ટોલમાલિકને અને જાણવામાં ગ્રાહકને રસ નથી હોતો. એટલે સમોસાની સ્થિતિ પણ ભારતની લોકશાહી જેવી થાય છે. તેનું અસ્તિત્વ હોય છે, પણ તેની ઉપર એટલા (કુ)સંસ્કાર થાય છે કે તેનો મૂળ સ્વાદ શોધ્યો જડતો નથી.

Sunday, February 05, 2023

બીરેન વિશે...

 

ફોટોઃ શચિ કોઠારી, 2011

વહેવાર તો એવો છે કે બીરેને (ગઈ કાલે) મારી વર્ષગાંઠ નિમિત્તે લખ્યું (લિન્ક), તો મારે તેની વર્ષગાંઠે લખવું. પણ અમને જાણનારા બધા જાણે છે—અને બીરેને લખ્યું પણ છે—કે અમારી વચ્ચે ‘વ્યવહાર’નો વ્યવહાર નથી. એટલે થયું કે બીરેન વિશે થોડું તેના લખાણના અનુસંધાને જ લખી દઉં, જેથી ઉત્તરાર્ધ-સિક્વલ માટે ઉત્સુક મિત્રોને બહુ રાહ જોવી ન પડે.
***
મારા પહેલા સ્વતંત્ર પુસ્તક ‘સરદારઃ સાચો માણસ, સાચી વાત’ (2005)ના અર્પણમાં મેં લખ્યું હતું, ‘વાચન-સંગીત-કળાના સંસ્કાર આપનાર મિત્રવત્ મોટાભાઈ બીરેનને’. મહેમદાવાદ જેવા ગામમાં રહીને અમુક પ્રકારની રુચિ મારામાં ક્યાંથી આવી, તેવો સવાલ મને કદી થયો નથી. જવાબ મને ખબર છેઃ તે બીરેનમાંથી આવી છે. પણ મહત્ત્વનો સવાલ છેઃ બીરેનમાં તે ક્યાંથી આવી? સમજની સફાઈ, કળા-સંગીત-સાહિત્ય-વાચન-લેખનની રૂચિ...આ બધું તેનામાં ક્યાંથી આવ્યું?

કોઈ કહી શકે કે એ બધું તો જન્મજાત હોય. હું પણ એવું જ માનું છું. તેમાં બીરેનની બે મુખ્ય સિદ્ધિ છે. 1) જન્મજાત ગુણોને તેણે પ્રગટ થઈને ઉછરવા-પાંગરવા દીધા અને તે ગુણોના વૃદ્ધિવિકાસમાં પોતે જે કંઈ કરવાપણું હોય તે બધું કર્યું.

2) બે દાયકાથી વધુ સમય સુધી આઇપીસીએલની નોકરી કરવા છતાં, તેણે પોતીકાપણું અને વિશેષતાઓ ન ખોયાં. રૂપિયાપૈસાની, ઓવરટાઇમોની ને એવી બધી લ્હાયમાં અટવાઈને, તેમાં જીવનસાર્થક્ય માની લેવાને બદલે, જીવનમૂડી જેવી અસલી ચીજોને તેણે સદાય છાતીસરસી ચાંપેલી રાખી. એ બધી ચીજોને તેણે બચાવી ને એ બધી ચીજોએ તેને બચાવ્યો.

છ વર્ષ નાના ભાઈ તરીકે શરૂઆતમાં મારી ભૂમિકા ઝીલનારની હતી. તે બહુ ઝડપથી જોડીદારની થઈ. તેણે મને નાનો ગણવાનું બંધ કરીને સરખેસરખો ગણવાનું શરૂ કર્યું. મોટાભાઈગીરી કરવાને બદલે તે સાથી, માર્ગદર્શક અને નિત્ય આગળ લઈ જનાર બન્યો. પત્રકારત્વમાં આવ્યાનાં વર્ષો પહેલાંથી અમારે એટલું બધું બનતું કે સામાજિક પ્રસંગે ક્યાંક ગયા હોઈએ તો પણ અમે એક બાજુ પર ઊભા રહીને કલાકો સુધી વાતો કરતા હોઈએ. એક વાર મિત્ર વિપુલ રાવલની નાની બહેન ટીની--હવે મનિષા કાકા--એ પૂછ્યું પણ હતું, ‘તમે લોકો આટલી બધી શું વાતો કરો? ’ તેના કહેવાનો સૂર એવો હતો કે ભાઈબંધો આટલી વાત કરે તો સમજ્યા, પણ બે ભાઈઓને આટલી બધી વાતો કરવાની હોય?

મનગમતા કલાકારોને મળવા મુંબઈ જવાનો ઉપક્રમ શરૂ કર્યો ત્યારે હું 19નો, બીરેન 25નો. મુંબઈમાં ઇસ્ટ કઈ બાજુ ને વેસ્ટ કઈ બાજુ કહેવાય, તેની મને ખબર ન પડે. ફોન પર વાત કરતાં ફાવે નહીં. એ વખતે બીરેન સાથે હોય એટલે કશી ચિંતા નહીં. રૂબરૂ વાત કરવામાં મને વાંધો ન આવે. પણ તે સિવાયનું બધું બીરેનના હવાલે.

બીરેનની રગ સહજ હાસ્યની. મારી સહજ વ્યંગની. બીરેન એવી એવી વસ્તુઓ અને વાતોમાંથી, કેટલીક વાર તો સાવ ફાલતુ લાગે એવી વાતમાંથી મમરો મુકીને રમૂજ પેદા કરી શકે, પણ તે અંગત વર્તુળોમાં-મિત્રોમાં. બાકી, તેની (સાચી) છાપ શાંત, સરળ, પ્રેમાળ, સમજુ જણની. અમારા બંનેમાંથી સત્તાવાર રીતે હાસ્યલેખો લખવાની પહેલી તક મને મળી. ત્યાર પછી મારી દીકરીનો જન્મ થયો અને બીરેન પરિવાર તેને જોવા આવ્યો, ત્યારે મેં બીરેનને કહ્યું હતું, ‘એની પર હાથ ફેરવજે, તારા જેવી સેન્સ ઓફ હ્યુમર આવે.’ હું એવી શુભેચ્છાઓ કે આશીર્વાદો ફળે એમાં માનતો નથી. મેં ‘એવું થાય તો કેટલું સારું’ એ ભાવથી કહ્યું હતું, પણ ખરેખર એવું થયું છે અને એનો મને અનહદ આનંદ છે. બીરેનની ઘણી રમૂજોમાં બીજાને પીચ પડે તે પહેલાં મારી દીકરીને એ પકડાઈ જાય છે.

બીરેનની દીકરી શચિ એટલે અમારા પરિવારમાં પહેલું બાળક. મહેમદાવાદ ઉછરી, એટલે મને અત્યંત વહાલી. બાળકો સાથે મારો પનારો નહીંવત્. બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય, એ વાતમાં હું સંમત નહીં. છતાં, બિંદુ-વિપુલ રાવલના પુત્ર નીલ પર સૌથી પહેલાં વહાલ ઉપજ્યું. ત્યાર પછી શચિ આવી. તે મારી થાળીમાંથી જમે. હિંચકે મારા ખોળામાં બેસીને સુએ. હવે શચિને ત્યાં દીકરો છે. પણ શચિ માટેનો જૂનો ભાવ અકબંધ છે. શચિ-ઇશાન-આસ્થા વચ્ચેનું આત્મીય સમીકરણ બીરેનની અને મારી જોડીને ફક્ત મજબૂત આધાર જ નહીં, વધારાનું બળ આપનારું નીવડ્યું છે. તેમાં હવે શચિના પતિ સિદ્ધાર્થનો પણ ઉમેરો થયો છે. સોનલ અને કામિની વચ્ચેના સમીકરણે અમારી જોડીને કદી કસોટીરૂપ અવસ્થામાં નહીં મુકવાનું અને પછી તો પરસ્પર મજબૂત ટેકારૂપ બનવાનું કામ કર્યું છે. 

(ડાબેથી) ઇશાન, આસ્થા, શચિ, નીલ
(L to R) Ishan, Aastha, Shachi, Neel. 2012
અમે બંને કમાતા થયા ત્યારથી એવું નક્કી હતું કે આપણે કદી રૂપિયાનો હિસાબ નહીં કરવાનો. કદી નહીં. શરૂઆતમાં એકાદ વાર એવો પ્રસંગ આવ્યો હશે ત્યારે જ આ નક્કી થયું હશે. એ વાતને ત્રણ દાયકાથી વધુ સમય થયો, અનેક પ્રસંગો આવ્યા, પ્રવાસ થયા, જલસા કર્યા, પણ હજુ અમારી વચ્ચે કદી રૂપિયાનો હિસાબ (ખર્ચના ભાગ પાડવાની રીતે) થયો નથી. રૂપિયા કોણ કાઢશે એ મુદ્દો ગૌણ પણ નથી. કારણ કે, એ મુદ્દો જ નથી.

બીરેને વીઆરએસ લીધી, ત્યાર પછી એ ઘરે રહીને કામ કરે છે. એટલે ઘણા લોકોને એવું લાગે છે કે બીરેન નિવૃત્ત છે અને એને ગમે ત્યારે ફોન કરાય. હકીકતમાં તે મારા કરતાં પણ વધારે પ્રવૃત્ત-વ્યસ્ત હોય છે. છતાં, ઘણી વાર એની પ્રકૃતિસહજ સૌમ્યતાને લીધે એ લોકોને કહી શકતો નથી કે ભાઈ, હું તમે ધારો છો એના કરતાં ઘણો વધારે વ્યસ્ત છું. હું બહાર (અમદાવાદ-નડિયાદ) જાઉં છું એટલે લોકોને વધારે વ્યસ્ત લાગું છું.

બીજું કારણ અમારી છાપનું પણ છે. વડીલ સગાંસ્નેહીઓ કહેતા કે બીરેન અમારા દાદા જેવો (ચીમનલાલ કોઠારી જેવો) છે—ફક્ત ચહેરેમહોરે નહીં, સૌમ્યતાની બાબતમાં. તે ગુણમાં મમ્મી (સ્મિતાબહેન કોઠારી)નો મજબૂત વારસો પણ ભળ્યો છે. સોનલ હંમેશાં કહે કે બીરેનભાઈ એટલે સ્મિતાબહેનની ‘દીકરી’. (લાગણી, બીજાની કાળજી રાખવાની વૃત્તિ, સૌમ્યતાના અર્થમાં અને મમ્મી સાથે નિરાંતે અનેક વિષયો પર વાતો કરવાની બાબતમાં)

મારી કિશોરાવસ્થાથી કોઈ શું વિચારે છે તેની પરવા નહીં કરવાની વૃત્તિ વિકસી, ત્યારે શરૂઆતમાં વૈચારિક મજબૂતી બીરેનની અને ઉદ્દંડતા મારી—એવી વહેંચણી હતી. પછી અમારી ચર્ચાઓમાંથી ઘણી સ્પષ્ટતાઓ થઈ, મારો વૈચારિક પાયો મજબૂત બન્યો. અત્યંત સાદગીથી, માત્ર પરિવારજનોની હાજરીમાં લગ્ન કરવાના અમારા બંનેના નિર્ણયમાં સૌથી વધારે મુશ્કેલી અને કસોટી બીરેનના લગ્ન વખતે થઈ. પછી મારું પણ એ જ રીતે લગ્ન થયું. પાંચ-સાત કુટુંબીજનોની હાજરીમાં. તે વખતના વિરોધ સામે અણનમ રહેવા જેટલી સજ્જતા અને મક્કમતા અમે કેળવી લીધી હતી. આજે પણ એ બંને લગ્નપ્રસંગો વિચાર પ્રમાણે આચરી શકવાનો ઊંડો સંતોષ આપે છે.

યોગ્ય દિશાના વાચનમાં પણ બીરેનના લીધે હું આગળ વધ્યો. શ્રીલાલ શુક્લની હિંદી વ્યંગ નવલકથા ‘રાગ દરબારી’ પહેલી વાર બીરેને વાંચીને પછી મને આગ્રહપૂર્વક વાંચવા આપેલી. તે 1990ના દાયકાની શરૂઆતનાં વર્ષો હશે. તેણે ખાસ કહ્યું હતું કે શરૂઆતનાં પાનાંમાં રસ ન પડે એવું લાગે તો પણ અચૂક વાંચજે. ત્યારથી ‘રાગ દરબારી’ની સંખ્યાબંધ ચીજો અમારી વચ્ચેના કાયમી રેફરન્સ પોઇન્ટ બની ગઈ. એવા બીજા પણ અનેક રેફરન્સ પોઇન્ટ છે, જેના ઉલ્લેખમાત્રથી અમે બીજી કશી પિંજણ વિના ટૂંકમાં સમજી જઈએ છીએ.

જૂનાં ગીતો હવે સાથે સાંભળવાનું ઓછું બને છે, પણ પહેલાં અનેક સેશનોમાં અમે ગીતો ભરપૂર માણ્યાં છે અને હજુ પણ શચિના સાસરે જવાનું થાય અને થોડા કલાકની મુસાફરી હોય ત્યારે એકાદ ટાઇમ અમે બહુ વખતથી સાથે બેસીને નહીં સાંભળેલાં ગીતો મુકીએ છીએ અને ફરી તે ગીતોનો અને તે ગીતો સાથે સાંભળવાનો આનંદ લઈએ છીએ.

ભણતરકાળમાં મિત્રોની કમી હતી ત્યારે બીરેનના-IYCના મિત્રો સાથે હું જુનિયર તરીકે હળતોભળતો થયો. મને ઊભા રહેવા માટે આત્મવિશ્વાસની જે ભોંયની જરૂર હતી, તેનો મોટો હિસ્સો બીરેનના સાથ ઉપરાંત જૂના ગીતસંગીતના શોખ-અભ્યાસે-વાચને આપ્યો, તો થોડો હિસ્સો IYCના મિત્રોની સોબતે પણ આપ્યો. મિત્ર વિપુલ રાવલનું ઘર IYCનો અડ્ડો હતું. હું પણ ત્યાંનો નિયમિત મુલાકાતી બન્યો અને છેવટ સુધી રહ્યો. છેલ્લે બીજા બધા બહાર નીકળી ગયા હતા ત્યારે ચોક્સી (અજય પરીખ) અને હું—અમે બંનેએ રાત્રે 17, નારાયણ સોસાયટીના ઘરે જવાનું ચાલુ રાખ્યું હતું.

બીરેનનો અને મારો ચહેરો મળતો આવે છે કે નહીં, તે અમારી વચ્ચેની કાયમી રમૂજનો બહુ જૂનો વિષય. પાછલાં વર્ષોમાં અમારી બંનેની ‘તંદુરસ્તી’ વધ્યા પછી અમારા ચહેરા સરખા હોવા વિશે અમને બહુ શંકા રહી નથી, પણ શરૂઆતમાં આવું કોઈ કહે ત્યારે અમે તેમાંથી બહુ રમૂજ લેતા હતા. શારીરિક સામ્યથી વિપરીત, અમારી વચ્ચે સ્વભાવનો બહુ મોટો તફાવત છે, એવું ઘણાને લાગે છે. તે છે પણ ખરો. એટલે, અમને અલપઝલપ મળનારને અમારી વચ્ચેના એકતાર-એકસૂરનો ખ્યાલ કદાચ ન પણ આવે. (અને એવું થાય ત્યારે અમે તેની પણ મઝા લઈએ) અમારા ટેમ્પરામેન્ટ-મિજાજ બહુ જુદા છે, પણ એ ફરક કેવળ અભિવ્યક્તિનો છે-વૈચારિક સ્પષ્ટતાનો નહીં, એ પકડાતાં ઘણાને વાર લાગે છે.

નહીં બોલાયેલું સમજવાની અને નહીં કહેવાયેલું સાંભળવાની અમારી સિદ્ધિ—સિદ્ધ કરેલી વૃત્તિ—અડીખમ છે. અમે બંને પચાસ વટાવી ગયા, સંતાનો મોટાં થઈ ગયાં, એટલે તોફાનની સંભાવના ધરાવતો સમયગાળો પૂરો થઈ ગયો છે અને તેમાં એ વૃત્તિનો કાંગરો પણ ખર્યો નથી. એટલે હવે એવી કોઈ શક્યતા નથી. હકીકત તો એ છે કે અમારા મનમાં એ વૃત્તિને સભાનપણે જાળવવાની કે રક્ષવાની અસલામતી કદી જાગી જ નથી.

કારણ કે, આ ખાલી ભાઈપણું નથી. ભાઈબંધી પણ છે—લોહીના સંબંધે સ્થપાયેલી ને દાયકાઓની તડકીછાંયડીમાંથી હેમખેમ પાર ઉતરેલી ભાઈબંધી.