Tuesday, December 27, 2022
જામફળ પાકાં ખાવાં કે કાચાં?
ગુજરાતમાં કાયદેસર રીતે અને પરમિટ વિના જામની મનાઈ છે, પણ જામફળને કોઈ પ્રતિબંધક કાયદો લાગુ પડતો નથી. કારણ કે, મંત્રીઓ-ધારાસભ્યો જેમ નામના જ લોકસેવક હોય છે, તેમ જામફળ પણ નામનું જ જામ-ફળ છે. એ જુદી વાત છે કે જામફળ ભાવતાં હોય એ લોકોને તેમાંથી પણ જામ જેવી જ કીક આવે છે.
એક વાર ખુમચા પર જઈને કહ્યું, “પાકાં જામફળ આપો.” ત્યાં ઉભેલો કર્તાહર્તા સવાલ પાછળ મોટું અજ્ઞાન છુપાયેલું હોય અને એ તેને દેખાઈ ગયું હોય તેમ, હસીને કહે,”જામફળ તે કદી કાચાં હોતાં હશે?” સામે દેખાતાં લીલાંકચ્ચ જામફળ અને તેની વચ્ચે વચ્ચે વિરાજમાન પીળાં જામફળ છતાં, તેના દાવામાં રહેલો આત્મવિશ્વાસ જોઈને થયું કે આ માણસની પ્રતિભાનો અહીં વેડફાટ થઈ રહ્યો છે. તે વિદેશી બાબતોના મંત્રી જયશંકર પાસે કે તેમના પણ સાહેબ એવા વડાપ્રધાન પાસે હોવો જોઈએ. કેમ કે, ભારતની સરહદે ચીનની લશ્કરી કાર્યવાહી વિશે વાત કરતી વખતે તેમનો આત્મવિશ્વાસ એવો જ હોય છે.
પરંતુ જામફળવાળા પાસે તેનું આત્મવિશ્વાસભર્યું જૂઠાણું માથે મારવા માટે સાયબર સેલ કે ટીવી ચેનલો જેવી કોઈ વ્યવસ્થા ન હતી અને કાચા કે પાકા, એકેય જામફળનો રંગ કેસરી ન હતો. એટલે વાતને બીજો કોઈ વળાંક આપવાની પણ ગુંજાશ ન હતી. એટલે તે ચૂપચાપ પીળાં જામફળ ત્રાજવામાં મુકવા લાગ્યો.
”જામફળ તે કદી કાચાં હોતાં હશે?” તેને બદલે એવું ચોક્કસ કહી શકાય કે પાકાં જામફળની જેમ કાચાં જામફળનો પણ ચાહકવર્ગ હોય છે. પાકાં જામફળના પ્રેમી દૂરથી આવતી પાકાં જામફળની સુગંધથી મોહિત થાય છે અને તેને આરોગવા આતુર થઈ ઉઠે છે. એવા લોકોને જોઈને લાગે છે, જાણે તે હમણાં જ પાકું જામફળ ઉઠાવીને, સભ્યતા-બભ્યતાની પરવા કર્યા વિના, તેને બચકાં ભરવા માંડશે. કાચા જામફળના પ્રેમીઓ પ્રમાણમાં સભ્ય હોય છે. તે કાચા જામફળને બચકાટવા માંડતા નથી. તેની પાછળ તેમની પોતાના દાંત વિશેની ચિંતા પણ કારણભૂત હોઈ શકે. કેમ કે, કાચાં જામફળ કઠણ હોય છે. તેમને સીધું બચકું ભરવા જતાં, તે દાંતનો મજબૂત પ્રતિકાર કરે એવી સંભાવના હોય છે.
પાકાં જામફળના પ્રેમીઓને હંમેશાં વિસ્મય થાય છે કે કાચા જામફળમાં શું ખાવાનું? ‘વિસ્મય’—એ તો જાહેરમાં કહેવા માટે. બાકી મનોમન એવું જ થાય છે કે આ કાચાં જામફળ ખાનારા ક્યારે સુધરશે અને સભ્ય સમાજમાં-સમાજની મુખ્ય ધારામાં તેમનું સ્થાન પ્રાપ્ત કરશે? માણસ ગુફામાં રહેતો હતો ત્યારે કાચાં ફળફળાદિ-શાકભાજી ખાતો હતો. તે વાતને સદીઓ વીતી. હવે કાચાં જામફળ ખાઈને તે અવસ્થાની પોતાની જાતને અને બીજાને પણ યાદ અપાવવાની શી જરૂર?
પણ પ્રેમ કોને કહ્યો છે? કાચાં જામફળના પ્રેમીઓ પાસે આવેશપૂર્ણ દલીલ મોજુદ હોય છે. તે પાઠ્યપુસ્તકમાં આવતો વિજ્ઞાનનો કોઈ પ્રયોગ વર્ણવતા હોય તેમ કહે છે, ”એક મસ્ત લીલું જામફળ લો. તેને બરાબર ધોઈ નાખો. પછી એક છરી લો. તેને—એટલે કે, છરીને નહીં, જામફળને—છ-આઠ-દસ ટુકડામાં ક્ષમતાનુસાર કાપો. પછી તેની પર સ્વાદાનુસાર મીઠું, મરચું, ચાટ મસાલો વગેરે નાખો. અને પછી તેનું એક બટકું ભરી જુઓ.”
જામફળ પાકું ઉત્તમ કે કાચું, તે મુદ્દે જેમ તીવ્ર મતભેદ છે, તેમ ફળ મસાલા વિના ખાવું કે મસાલો નાખીને, તે મુદ્દે પણ આકરા અભિપ્રાયભેદ પ્રવર્તે છે. એક વર્ગ એવું માને છે કે ફળ ઉપર મસાલો નાખવો એ તેના ફળત્વનું અપમાન છે. કારણ કે, ત્યાર પછી ફળનો મૂળ સ્વાદ મરી જાય છે અને નકરો મસાલાનો જ સ્વાદ આવે છે. બંનેમાંથી એકેય પ્રકારનો અભિપ્રાય ન ધરાવતા જણને આ દલીલ સાચી લાગું લાગું થતી હોય, ત્યાં સામા પક્ષની દલીલ આવે છે, ”ના જોઈ હોય તો મોટી અસલીયતની પૂંછડીઓ. તમારે સ્વાદ સાથે કામ છે કે શુદ્ધતા સાથે? ફળના અસલ સ્વાદમાં મસાલો નાખવાથી ઉમેરો—જેને માર્કેટિંગવાળા વેલ્યુ એડિશન કહે છે તે—થતું હોય તો શો વાંધો?” તટસ્થ માણસને લાગે છે કે એ વાત પણ સાચી છે.
જામફળના મામલે પણ એવી સ્થિતિ સર્જાય છે. પાકા જામફળના પ્રેમીઓ કહે છે, ”મસાલાનો જ સ્વાદ લેવાનો બહુ ચટાકો હોય તો જામફળની શી જરૂર? થર્મોકોલ પર જ એ મસાલો નાખીને ચૂસી જાવ. રંગનો આગ્રહ હોય તો થર્મોકોલને ગોળ કાપીને લીલો રંગ કરી દેજો.” આવી વાત સાંભળીને કાચા જામફળના પ્રેમીઓ ન ઉશ્કેરાય તો જ નવાઈ. કાયદો અને વ્યવસ્થાના લાભાર્થે એટલું સ્પષ્ટ કરી લેવું જોઈએ કે કાચાં અને પાકાં ફળના પ્રેમીઓ વચ્ચે લડાઈનો સંજોગ ઊભો થાય, તો કાચાં ફળના પ્રેમીઓનું પલ્લું નમેલું રહી શકે છે. કારણ કે કાચાં ફળ ફક્ત ચાવવામાં જ નહીં, તેનો માર વેઠવામાં પણ કઠણ પડી શકે છે.
કાચાં-પાકાંનો પક્ષ ન લેવો પડે એટલે કેટલાક ‘યુનો’વાદીઓ એવું સમાધાન શોધે છે કે ”એક કામ કરને. અધકચરાં આપ, પણ એવાં આપજે કે બે દિવસમાં પાકી જાય.” આવું કરવાથી બંને પક્ષોને સંતોષી શકાશે એવું તેમને લાગે છે. પણ ઘરે પહોંચ્યા પછી ખ્યાલ આવે છે કે અધપાકાં જામફળથી તેમણે કાચાં-પાકાં બંનેના પ્રેમીઓને નારાજ કર્યા છે. ત્યારે તેમને ‘યુનો’ ની નિષ્ફળતાનું રહસ્ય સારી રીતે સમજાઈ જાય છે.
Sunday, December 25, 2022
શિવજીભાઈ આશરને વિદાય-અંજલિ
અશ્વિનીભાઈની સ્મૃતિસભા પૂરી થયા પછીઃ (ડાબેથી) શિવજીભાઈ આશર, અપૂર્વ આશર, વિનોદ ભટ્ટ, ભોલાભાઈ ગોલીબાર |
***
શિવજીભાઈ વિશે પહેલી વાર પ્રિય હાસ્યલેખક-ગુરુજન વિનોદ ભટ્ટ પાસેથી સાંભળ્યું હતું. વિનોદભાઈ શિવજીભાઈના આકરા-પ્રામાણિક અભિપ્રાયો વિશે, તેમની બોલવાની વિશિષ્ટ લઢણનું અનુકરણ કરીને કેટલીક વાતો કરતા. તેની પરથી શિવજીભાઈની છાપ પારખુ, ઊંચો ટેસ્ટ ધરાવતા, કડક જણ તરીકેની પડી હતી. ત્યાં સુધી તેમને મળવાનો પ્રસંગ આવ્યો ન હતો.
વર્ષ 2005માં મારા પુસ્તક 'સરદારઃસાચો માણસ, સાચી વાત'ના નિર્માણ માટે અપૂર્વના બોપલના ઘરે જવાનું શરૂ થયું. એ ત્યારે ઘરેથી જ કામ કરતા હતા. તે રૂમનું વાતાવરણ આજે પણ હું આંખ મીંચીને તાજું કરી શકું છું. ચોતરફ છેક છત સુધીની ઊંચાઈનાં કબાટોમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં પુસ્તકો, (તેમાંથી ઘણાં વોરા પ્રકાશનનાં-શિવજીભાઈએ પ્રકાશિત કરેલાં), તેની છત્રછાયામાં બેઠા હોઈએ એવી રીતે કમ્પ્યુટરની સામે બેઠેલા અપૂર્વ અને તેમની સાથે હું, એ જ રૂમમાં ઢળતી ખુરશી પર બેઠેલા શિવજીભાઈ અને સાથે બેઠેલાં વિદુલાબહેન. શિવજીભાઈ અને વિદુલાબહેન ઘણાં પુસ્તકોમાં કોપીહોલ્ડિંગનું એટલે કે એક જણ પુસ્તકનું લખાણ વાંચે અને બીજું તપાસે, એવું કામ તે આનંદથી કરતા.
'સરદાર'નું કામ આખો દિવસ ચાલે. હું સવારે અગીયાર-સાડા અગીયારથી સાંજ સુધી બેસું. વચ્ચે જમવાનો સમય થાય. મારી પાસે મારું ટિફિન હોય. પણ આશર પરિવાર અત્યંત પ્રેમાગ્રહ કરીને મને તેમની સાથે ડાઇનિંગ ટેબલ પર બેસાડે. અપૂર્વ અને તેમનાં પ્રેમાળ પત્ની નીપાબહેન ઉપરાંત શિવજીભાઈ, તેમનાં સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતાં પત્ની પ્રભાબહેન અને વિદુલાબહેન. શરૂઆતમાં મને આ રીતે પારિવારિક ભોજનનો હિસ્સો બનતાં બહુ સંકોચ થતો. પણ આશર પરિવારના નિર્ભાર સૌજન્યે મારો સંકોચ દૂર કર્યો.
ઉપર કામ ચાલતું હોય ત્યારે શિવજીભાઈ સાથે ઘણી વાતચીત થાય. તેમના અભિપ્રાય જાણવા મળે. પુસ્તકોની પસંદગી અને તેના ડિઝાઇન-લે-આઉટ જેવા વિષયોમાં તેમની રુચિ બહુ ઊંચી. એવાં પુસ્તકોથી ઘેરાયેલા રહે અને તેમના સંગ્રહમાં નવાં પુસ્તક ઉમેરાતાં રહે. અપૂર્વ અત્યંત સૌમ્ય અને શિવજીભાઈ ખાસ્સા આકરા. પણ બંનેની રુચિ એકતાર. અપૂર્વનું ઘણું ઘડતર વોરા પ્રકાશનનાં અને ઘરમાં રહેલાં બીજાં પુસ્તકો જોઈને થયું.
તે સમયે થયેલી વાતચીતમાં એક વાર શિવજીભાઈએ કહ્યું હતું કે તે સામાન્ય રીતે બહાર નીકળતા નથી-કાર્યક્રમોમાં જતા નથી. કારણ પૂછી શકાય એટલી આત્મીયતા થઈ હતી. મેં તે પૂછ્યું. એટલે તેમણે આપેલું એક કારણ હતુંઃ સીટ નંબર (બેસવાનું ક્યાં છે તે) નક્કી ન હોય એવા કાર્યક્રમમાં હું જતો નથી.
તે યાદ રાખીને, 2008માં મારા હાસ્યલેખોના સંગ્રહ 'બત્રીસ કોઠે હાસ્ય' ના વિમોચન પ્રસંગે રાખેલી હાસ્યઅદાલતનું આમંત્રણ આપવા તેમના ઘરે ગયો, ત્યારે હું કાર્ડ પર સીટ નંબર લખીને ગયો હતો. જઈને તેમને આપ્યું, એટલે તે જોઈને હસ્યા. મને યાદ છે કે તે કાર્યક્રમમાં આવ્યા હતા અને છેવટ સુધી બેઠા હતા.
તેમને વખતોવખત મળવાનું પણ થતું. તેમની વાતોનો હું બહુ ગંભીરતાથી લેતો હતો. થોડાં વર્ષ પછી એક વાર મેં અપૂર્વને ગુજરાતમાં નરેન્દ્ર મોદીના રાજ વિશેના મારા પચીસ-ત્રીસ હાસ્યલેખ આપ્યા અને કહ્યું કે તમે જોઈ જુઓ, આનું પુસ્તક બને છે કે નહીં. ત્યાર પછી હું એક વાર તેમના ઘરે ગયો, ત્યારે શિવજીભાઈએ મને પૂછ્યું કે આ પુસ્તક કરવા પાછળનો હેતુ શો છે? મેં કહ્યું, "જેમ આર.કે.લક્ષ્મણનાં કાર્ટૂનમાં ભારતના રાજકીય ઇતિહાસનો હિસ્સો આવે છે, તેમ આ હાસ્યલેખો દ્વારા નરેન્દ્ર મોદીના રાજનો હિસ્સાનું વ્યંગાત્મક દસ્તાવેજીકરણ થાય." શિવજીભાઈએ પૂછ્યું, "એ સિવાય? કોઈને આ કરાવવામાં રસ હોય..."
મેં ના પાડી, એટલે શિવજીભાઈએ કહ્યું, "મને લાગે છે કે આ પુસ્તક ન કરવું જોઈએ. કેમ કે, એક તો, તે ચોક્કસ હેતુપ્રેરિત લાગશે અને બીજું, તે કાઉન્ટર-પ્રોડક્ટિવ થશે." મેં ક્ષણવારના વિલંબ વિના કહ્યું, "તમને લાગતું હોય કે આ પુસ્તક નથી બનતું અથવા તેમાં આ પ્રકારના પ્રશ્નો થઈ શકે, તો મારે એ નથી કરવું. કારણ કે, મારા મનમાં તો તમને જણાવ્યો હતો એ જ આશય છે." એટલે તે કહે, "ના, એમ નહીં. તમે બીજા લોકોના અભિપ્રાય પણ લઈ જુઓ." મેં પૂરી ગંભીરતાથી કહ્યું, "હું શિવજીભાઈ જેવા વાચકો માટે લખું છું. તમને એવું લાગતું હોય કે આ પુસ્તકમાં આવા પ્રશ્નો થશે, તો મારે એ પુસ્તક નથી કરવું. " ત્યાર પછી એ પુસ્તક માટે કાઢેલા લેખોમાંથી પાંચેક લેખ મેં 'જ્યાં જ્યાં હસે એક ગુજરાતી'માં લીધા.
ગુજરાતી સાહિત્યનાં ઘણાં મોટાં નામોનાં પહેલાં પુસ્તક વોરા એન્ડ કંપનીમાં શિવજીભાઈએ કર્યાં. અશ્વિની ભટ્ટના તે પહેલા પ્રકાશક હતા. અશ્વિનીભાઈની વિદાય પછી અમે થોડા મિત્રોએ તેમની સ્મૃતિસભા રાખી ત્યારે અપૂર્વ તો કાર્યક્રમના આયોજનમાં હિસ્સેદાર હોય જ, શિવજીભાઈ પણ તેમાં હાજર રહ્યા હતા.
છેલ્લે થોડા મહિના પહેલાં શિવજીભાઈ સાથે વાત થઈ હતી. 'મારી પત્રકારત્વની સફર' અપૂર્વ ઘરે લઈ ગયા હશે, તે વાંચીને તેમાં તેમના ઉલ્લેખ બદલ અને એકંદરે પુસ્તકની સામગ્રી બદલ શિવજીભાઈએ બહુ આનંદ વ્યક્ત કર્યો હતો. ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. સક્રિયતા ઓછી થઈ હતી. અપૂર્વ સાથે ક્યારેક તેમના ખબરઅંતરની વાત થતી. બે દિવસ પહેલાં, તેમણે ઘરે શાંતિપૂર્વક વિદાય લીધી.
તા.ક.
ગઈ કાલે પરમ મિત્ર હસિત મહેતા દ્વારા ગુજરાતી પ્રકાશનોમાં સૌંદર્યનિર્મિતિ એટલે કે બુકમેકિંગ અને તેનાં જુદાં જુદાં પાસાં વિશેનો એક અભૂતપૂર્વ સેમિનાર હતો. તેનો આરંભ હસિતે શિવજીભાઈ વિશેની એક અંજલિ-નોંધ વાંચીને કર્યો. તે નોંધની મોટી પ્રિન્ટની નીચે અને પાછળ સેમિનારમાં હાજર રહેલા દરેકે સહી કરી. આ સેમિનારમાં અપૂર્વ પણ એક વક્તા હતા. અમને સ્વાભાવિક જ લાગતું હતું કે તે નહીં આવે. પણ આગલા દિવસે તેમનો સંદેશો આવ્યો કે તે આવશે. બપોરે તે આવ્યા અને સ્વસ્થતાપૂર્વક-સચોટ રીતે તેમની વાતની રજૂઆત પણ કરી. આજીવન ગુજરાતી પ્રકાશનોમાં સૌંદર્યનિર્મિતિ સાથે સંકળાયેલા શિવજીભાઈને અપાયેલી એ કદાચ સૌથી ઉત્તમ અંજલિ હતી.
સેમિનારના આરંભે શિવજીભાઈ આશરને અપાયેલી અંજલિ |