Saturday, November 19, 2022
'ના ચાહું સોનાચાંદી, ના ચાહું હીરામોતી ' ગીતના મૂળ સુધીની મધુર સફર
‘બોબી’ (1973)ના અતિપ્રખ્યાત ગીત ‘ના ચાહું સોનાચાંદી’ની ધૂન, તાલ અને તેનું કોરસ બહુ ગમતાં હતાં. સાથોસાથ, એવી ધારણા પણ હતી કે તેની ધૂન ગોવાના કોઈ લોકગીત પર આધારિત હોવી જોઈએ. ઇન્ટરનેટ પહેલાંના જમાનામાં થોડા મિત્રોને પૂછપરછ કરી, પણ કંઈ ખુલાસો ન મળ્યો.
‘બોબી’માં રાજ કપૂરનું ડાયરેક્શન ધરાવતી એવી પહેલી ફિલ્મ હતી, જેમાં સંગીત શંકર-જયકિશનનું નહીં, લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું. લક્ષ્મી-પ્યારેના સહાયક તરીકે હતા દિલીપ ધોળકિયા. બેએક દાયકા પહેલાં દિલીપકાકા સાથે નિકટનો પરિચય થયો ત્યારે તેમને પણ એ ધૂન વિશે પૂછ્યું હતું. તેમને સ્મરણ રહ્યું ન હતું.
દિલીપકાકાને મેં એ પણ પૂછ્યું હતું કે ‘ના માગું સોનાચાંદી’ની ધૂન લક્ષ્મી-પ્યારેએ બનાવી હતી કે શંકર-જયકિશન બનાવીને ગયા હતા? કારણ કે, રાજ કપૂર તેમની જાણીતી શૈલી પ્રમાણે, શંકર-જયકિશન પાસે વધારાની (સ્ટોક) ધૂનો તૈયાર કરાવતા હતા. તેવી ધૂન બીજા શણગાર વિના, સ્વતંત્રપણે ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે આવી જાય, પણ રાજ કપૂરની પછીની કોઈ ફિલ્મમાં, એ જ ધૂનમાં સુધારાવધારા અને નકશી થઈને સ્વતંત્ર ગીત બને. ‘જિસ દેશમેં ગંગા બહતી હૈ’નું ગીત ‘ઓ બસંતી પવનપાગલ’ તેનું જાણીતું ઉદાહરણ છે. (તે ગીતની મૂળ ધૂન ‘આવારા’માં 2:35:55થી શરૂ થાય છે)
આ લિન્ક પર ક્લિક કરીને, પ્લે કરવાથી, ‘આવારા’નો ટ્યૂનવાળો હિસ્સો વાગશે. શક્ય
હોય તો ઇઅરફોન નાખીને સાંભળવો.
https://www.youtubetrimmer.com/view/?v=iMsIXfGdfXE&start=5064&end=5122&loop=0
આમ, મૂળ લોકગીતમાં મસ્તીની નહીં, ઉદાસીની ઝાંય હતી. તે મૂળ લોકગીત અને મૂળ ધૂનનું આધુનિક રેકોર્ડિંગ
અને પ્રવાસીના લાભાર્થે એ જ ગીત-ધૂનનું મસ્તીભર્યું સ્વરૂપ
એક વાતનો તાળો હજુ મળ્યો નથી. શંકર-જયકિશને મૂળ ધૂનમાં કોરસનો જે રીતે ઉપયોગ કર્યો, તે કોરસ ગોવાના મૂળ લોકગીતમાં સાંભળવા મળતું નથી અને તે કોરસની વિશિષ્ટ મઝા છે. ‘બોબી’ના ગીતમાં આરંભે પણ તેવું કોરસ રાખવામાં આવ્યું છે.એ કોરસ
શંકર-જયકિશને ક્યાંથી અપનાવ્યું હશે- તેની પ્રેરણા ક્યાંથી આવી હશે? 'આવારા'માં તેમના સહાયક સંગીતકાર સોની
કેસ્ટેલિનો/Sony Castellinoનું નામ વાંચવા મળે છે, જે નામ પરથી અને ફિલ્મઉદ્યોગની પરંપરા પ્રમાણે, ગોવાના હોય એવું લાગે છે. તેમણે કે બીજા કોઈ વાદકે શંકર-જયકિશનને તે આપ્યું હશે? કોઈ જાણકાર મિત્ર તે વિશે માહિતી
આપશે તો આનંદ થશે.
અને એ માહિતી ન મળે તો, જેટલું છે તે પણ પૂરતો આનંદ આપે એવું છે.
Sunday, November 06, 2022
બચાવ અને રાહત
મોરબી દુર્ઘટના પછી અધિકારીઓની બેઠક મળી છે. તેમની આગળ ‘જવાબદાર’ એવું વિશેષણ વાપરવું કે નહીં, તે ચર્ચા બાજુએ રાખીને, તેમની કાલ્પનિક બેઠકની વાસ્તવિક લાગી શકે એવી કાર્યવાહીનો કાલ્પનિક અહેવાલ.
***
અધિકારી 1 : અરર...
અધિકારી 2 : અરરર...
અધિકારી 3 : અરરરર...
અધિકારી 4 : અરર...અરર...
અધિકારી 1 : (કડકાઈથી) આ શું માંડ્યું છે?
ખૂણામાંથી અવાજઃ એ તો પ્રજા તમને પૂછવા માગે છે.
અધિકારી 1 : કોણ બોલ્યું? કોણે નામ દીધું પ્રજાનું? આપણે પ્રજાની દયાથી અહીં છીએ? (ટેબલ પર મુક્કી પછાડીને) બદલીઓ કરાવવા પ્રજા જોડે જઈએ છીએ?
અધિકારી 4: સોરી સાહેબ, કોઈ આદર્શવાદી, આઇ મીન નવોદિત હશે. જવા દો, આપ સાહેબ મિટિંગ લો. આપના અનુભવનો લાભ લેવા અમે બધા તત્પર છીએ.
અધિકારી 2 : આપસાહેબનો તો...
અધિકારી 1 : આ શું આપ આપ માંડ્યું છે? હજુ તો પેલાને દસ-વીસ બેઠક જીતવાનાં ફાંફાં છે ને તમે બધા અત્યારથી પ્રેક્ટિસ કરવા લાગ્યા?
અધિકારી 3 : સર, આપની પાસેથી—આઇ મીન, તમારી પાસેથી કંઈક તો...
અધિકારી 1 : બસ, બહુ થયું. ચાલો, મુદ્દાની વાત પર આવો. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કોણ બનાવશે?
અધિકારી 4 : સર, આપણે જેની પાસેથી ત્રીસ હજારની કિંમતનાં અઢીસો કમ્પ્યુટર સિત્તેર હજારમાં લીધેલાં, તેનો સાળો પાવર પોઇન્ટમાં એક્સપર્ટ છે. આપણે અડધી રાતે જરૂર પડે તો પણ એને જ કહીએ છીએ.
અધિકારી 2 : હા સર, એની બનાવેલી સ્લાઇડો બહુ રંગીન હોય છે. જોવાની બહુ મઝા આવે છે અને પાછળ મ્યુઝિક પણ એવું મસ્ત મુકે છે કે ઉંઘ આવી જાય.
અધિકારી 1 : (ચીઢાઈને) તમને લોકોને પરિસ્થિતિની ગંભીરતાનું કંઈ ભાન છે કે નહીં? બીજા કોઈનો નહીં તો તમારા પોતાના હોદ્દાની ગરીમાનો તો ખ્યાલ રાખો?
ખૂણામાંથી અવાજ: ગરીમા એટલે શું? મોટા સાહેબ સાચી વાત કરનારા અધિકારીઓને તતડાવી નાખે, ત્યારે જે પદાર્થ હવામાં ઊડી જાય છે તે?
અધિકારી 1 : (ટેબલ પરની બેલ જોરથી દાબીને) અરે, ત્યાં ખૂણામાં કોણ બેઠું છે? જુઓ તો જરા. કે પછી રૂમની બહાર, બારીની પાછળ સંતાઈને કોઈ ઊભું છે? ક્યારનું ન્યૂસન્સ કરે છે. અહીં અગત્યની ચર્ચા ચાલે છે ને... ખરેખર, આ દેશ સરમુખત્યારશાહીને જ લાયક છે.
અધિકારી 3 : એટલે સર, આપ સંભાવનાની વાત કરો છો કે વાસ્તવિકતાની? આઇ મીન, ભવિષ્યની કે વર્તમાનની?
(અધિકારી 1 ડોળા કાઢે છે. )
અધિકારી 3 : આ તો સાહેબ, પોલિસી મેટર કહેવાય. એટલે શું છે કે અમારે પૂછી લેવું પડે. બાકી, અમારે શાંતિથી નોકરી કરીને રીટાયર થવું છે. બને તો આ સરકારને પછી પણ સેવા આપવી છે—આપની કૃપાદૃષ્ટિ રહે તો...
બીજા કેટલાક અધિકારીઓ: સર, અમારે પણ...
અધિકારી 1 : ઓકે, ઓકે. એ બધું પછી વિચારીશું. અત્યારનો એજેન્ડા જુદો છે. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનું તો પતી જશે. બરાબર?
(બે-ત્રણ અધિકારીઓ હકારમાં માથું હલાવે છે.)
અધિકારી 1 : સૌથી મહત્ત્વનો મુદ્દો રાહતકાર્યનો છે. તે અસરકારક રીતે થવું જોઈએ. નહીં તો, આપણી બધાની નોકરી...
અધિકારી 4 : અરે સાહેબ, એવું ન કહો. તમારી ને જોડે અમારીય નોકરી અમ્મર તપે. ભગવાન આપણને જીવનના છેલ્લા દિવસ સુધી એક યા બીજા ઠેકાણે ડેપ્યુટેશન પર ચાલુ રાખે. આપણે એવા નગુણા થોડા છીએ કે નિવૃત્તિની વયે નિવૃત્ત થઈ જઈએ? આપણે સરકારનું નમક ખાધું છે અને (સહેજ ગળગળા અવાજે) છેલ્લા શ્વાસ સુધી એ નમકનું ઋણ અદા કરવા ઇચ્છીએ છીએ.
(વાતાવરણ સહેજ ભારે થઈ જાય છે. અધિકારી 3 ટેબલ પર રહેલો પાણીનો પ્યાલો અધિકારી 4ને હાથમાં આપે છે.)
અધિકારી 1 : જુઓ, તમારા સૌની ભાવનાની હું કદર કરું છું. સાથે, એટલી ચેતવણી પણ આપવા માગું છું કે રાહતકાર્યમાં જરાય કચાશ રહી, તો આ બધું ભૂલી જજો.
અધિકારી 2 : રાઇટ સર. અમે પણ આટલા વર્ષથી સરકારમાં છીએ. આપના જેવા કાબેલ અફસરના હાથ નીચે ઘડાયા છીએ. રાહતકાર્યનું મહત્ત્વ અમે બરાબર સમજીએ છીએ.
અધિકારી 3 : તમે બિલકુલ ચિંતા ન કરો. અમે તમારું જરાય નીચું નહીં પડવા દઈએ.
અધિકારી 4 : સાહેબ આવે તે પહેલાં તેમના રુટના બધા રસ્તાનું રીસરફેસિંગ થઈ જશે. હેલિપેડની જરૂર પડે તો એ પણ નવું કરી દઈશું. પછી?
અધિકારી 1 : આ તો સમજ્યા, પણ હોસ્પિટલોનું શું? અને સ્થળમુલાકાતનું શું?
અધિકારી 2 : હોસ્પિટલના સમારકાર માટે આપણી પાસે પૂરતો સમય છે. તમે જોજો તો ખરા, આપણે હોસ્પિટલને એવી ચકાચક બનાવી દઈશું કે અંદર દાખલ થયેલા દર્દીઓ ખુદ ઓળખી નહીં શકે. તેમને થશે કે આપણે તો કોઈક બીજી હોસ્પિટલમાં દાખલ થયેલા ને આ કઈ હોસ્પિટલમાં આવી ગયા?
અધિકારી
3 : અને સ્થળમુલાકાતમાં
તો સાહેબ, તમે કહેતા હો તો, સ્મશાનમાં પણ નવો કલર કરાવી દઈએ અથવા પેલી સ્કૂલની જેમ
સ્મશાનનો નવો સેટ જ ઊભો કરી દઈએ.
અધિકારી 1 : હવે
મને રાહત થઈ અને આશા રાખીએ કે સાહેબને પણ થાય. રાહતકાર્યના બીજા નાનામોટા મુદ્દા
તો સમજી લઈશું.
(મિટિંગ બરખાસ્ત)