Tuesday, January 25, 2022

છીંક આવે ત્યારે

ફિલસૂફો કહે છે કે માણસ સારો કે ખરાબ હોતો નથી, એ ફક્ત હોય છે. કંઈક એવું જ છીંક અને બગાસાં જેવી ક્રિયાઓ વિશે કહી શકાય. તે પણ સારી કે ખરાબ, ઇચ્છનીય કે અનિચ્છનીય નથી હોતી. તે ફક્ત હોય છે. તેમની સકારાત્મક કે નકારાત્મક અસરોનો આધાર તે ક્રિયાઓના સમય, સ્થળ, પદ્ધતિ, અવાજ જેવી ઘણી બાબતો પર આધારિત હોય છે. બગાસું અને છીંક બંને સામાન્યપણે નિર્દોષ ક્રિયાઓ ગણાય છે, પણ મોં અને નાકથી ફેલાતા કોરોના વાયરસે, બીજી ઘણી બાબતોની જેમ આ બંને ક્રિયાઓ સાથે સંકળાયેલી નિર્દોષતા છીનવી લીધી છે.

ગાંધીજીએ કહ્યું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એવી જ રીતે, જનમાનસમાં છીંક શરદી થવાની નિશાની ગણાય છે. કોઈ આરોગ્યપ્રેમીની હાજરીમાં એકાદ સરખી છીંક આવી નથી કે તે શરૂ થઈ જશે, ‘તું એક કામ કર. રોજ સવારે વિક્સનો નાસ લે, સૂંઠની ગોળી ખા, ગરમ પાણીના કોગળા કર, હૂંફાળું પાણી પી, ચાના મસાલામાં આદુની સાથે તજ-લવિંગનો ભૂકો પણ થોડો નાખ, ગળા પર ગરમ પાણીની કોથળીથી શેક કર, બહાર નીકળવાનું થાય છાતીમાં ને માથામાં પવન ભરાય નહીં એવી રીતે બાંધી દેજે અને કાનમાં પૂમડાં નાખવાનું ભૂલતો નહીં.’ આ સલાહ એક્સપ્રેસનો છેલ્લો ડબ્બો છીંક ખાનારને સૌથી વાજબી લાગે છે. તેને થાય છે કે કાનમાં પૂમડાં નાખવાં બેશક ગુણકારી નીવડ્યાં હોત—ખાસ કરીને, છીંક ખાધા પછી તરત નાખી દીધાં હોત તો આટલી બધી સલાહો સાંભળવામાંથી મુક્તિ મળી ગઈ હોત.

એક જ રચનાને ઉસ્તાદ ગાયકો જેમ જુદા જુદા સૂરતાલમાં રજૂ કરી શકે છે, તેવું જ અદાયગી-વૈવિધ્ય છીંકના મામલે જોવા મળે છે. છીંક ખાવી એ સાંસ્કૃતિક ઘટના ગણાવી જોઈએ. કેમ કે, તેમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ભેદ સ્પષ્ટ થઈ જાય છે. પ્રાચીન ભારતીય પરંપરાનો વાવટો વટભેર લહેરાતો રાખનારા લોકો છીંક ખાતી વખતે એટલો મોટો અવાજ કરે છે કે આજુબાજુ કોઈ છોકરું રડતું હોય તો તે ડઘાઈને ચૂપ થઈ જાય અને શાંત રહેલાં છોકરાં ગભરાઈને રડવાનું શરૂ કરી દે. તેમની છીંકના અવાજથી પ્રસરતા ધ્વનિતરંગો એટલા શક્તિશાળી હોવાનો ભાસ થાય છે કે આજુબાજુની બારીઓના કાચની ચિંતા થાય. ‘આ...ચ્છુ’, ‘આ...ચ્છી’, ‘છુ...’, ‘છી...’ જેવા જુદા જુદા ઉદ્ગારો સાથે છેડાતી છીંકની બંદીશ કદરદાનોને મુગ્ધ અને બાકીનાને ક્ષુબ્ધ કરે છે. પાશ્ચાત્ય પરંપરામાંથી સૂક્ષ્મતાનો-સટલિટીનો મહિમા નવેનવો જાણી લાવનારા લોકો છીંકના પ્રચંડ અવાજ અને તેના કર્તા પ્રત્યે મોં મચકોડે છે. પરંતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આટઆટલાં બલિદાન શું એવી લોકશાહી માટે આપ્યાં હતાં, જ્યાં માણસ સુખેથી અને પૂરી આઝાદીથી છીંક પણ ન ખાઈ શકે? એવો વિચાર આઝાદીનો અમૃત મહોત્સવ ન હોય તો પણ આવવો લાજમી છે.  

જૂના સમયનાં યુદ્ધો વખતે યોદ્ધાઓના શંખનાદથી શત્રુસૈન્યોમાં કંપ ફેલાતો હોવાનાં વર્ણન વાંચ્યાં છે. શક્ય છે કે પ્રાચીન કથાકારોએ છીંકનાદનો મહિમા કરવો ન પડે, એટલે રૂપક તરીકે શંખનાદની વાત કરી હશે. બાકી, અમુક પ્રકારના છીંકનાદ શત્રુનાં ગાત્રો શિથિલ કરી દે તેમાં કોઈ બેમત નથી. માતેલો સાંઢ છીંકોટા નાખે એવી રીતે થતા કેટલાક છીંકનાદ એટલા વિસ્ફોટક હોય છે કે કોઈ સંવેદનશીલ આત્માને જાહેર શાંતિના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાવવાનું મન થઈ આવે. એવા છીંકવીરો બહાર નીકળે ત્યારે તેમણે ખાસ પ્રકારનાં સાયલેન્સર ધારણ કરવાં જોઈએ અને એવું ન કરે તો ટ્રાફિક પોલીસ તેમની પાસેથી દંડ વસૂલ કરી શકે—એવી માગણી હજુ સુધી થઈ નથી. તે સૂચવે છે કે લોકો ગમે તે કહે, પણ સહિષ્ણુતાનો જમાનો સાવ આથમી ગયો નથી.

જમાનો બદલાતાં છીંક ખાતી વખતે સભ્યતા જાળવવાની બોલબાલા વધી. એટલે લોકોએ નાક પર રૂમાલ દાબીને છીંક ખાવાનું શરૂ કર્યું. તેના કારણે આપોઆપ નાક પર સાયલેન્સર લગાડ્યું હોય એવું પરિણામ મળવા લાગ્યું. એમ કરવા જતાં નાકની અભિવ્યક્તિ સ્વતંત્રતા રૂંધવાનો અપરાધભાવ થઈ શકે, પણ જાહેર શાંતિ માટે એટલું તો અનિવાર્ય અનિષ્ટ ગણાય. ફક્ત અવાજ ઓછો કરવાથી સંતોષ ન માનતાં, કેટલાક લોકો પશ્ચિમના અનુકરણમાં એક ડગલું આગળ વધ્યા અને જેટલી વાર છીંક ખાય તેટલી વાર ‘એક્સક્યૂઝ મી’ કે ‘સોરી’ જેવા શબ્દો બોલવા લાગ્યા. તે બોલે ત્યાં સુધી તો સમજ્યા, બીજાએ પણ એવું કરવું જોઈએ, એવી અપેક્ષા તે રાખવા લાગ્યા. તેના કારણે એક તરફ, શરીરનો જેની પર કાબૂ નથી એવો છીંકનો અવાજ આવી રહ્યો હોય ને તેની સાથે ‘એક્સક્યૂઝ મી’ ભળે. એટલે સામેવાળાને ઘણી વાર ‘હાક...ક્યૂઝ મી’ કે ‘ક્યૂઝ..હાક..છી’ જેવું કંઈક સંભળાતું હોય છે.

ધરતીકંપના આંચકાની તાકાત રિક્ટર સ્કેલમાં મપાય છે, એવી જ રીતે છીંકની તાકાત માપવા માટેનો કોઈ સ્કેલ હોવો જોઈએ. કારણ કે ઘણીખરી છીંકો સામાન્ય હોય છે, પણ ક્યારેક એવી છીંક આવે છે, જે આખું અસ્તિત્વ ધરમૂળમાંથી હચમચાવી નાખે છે. સ્થિર ઊભેલો કે બેઠેલો માણસ અમદાવાદના ઝૂલતા મીનારાની જેમ કંપનો અનુભવે છે. છતાં, સ્કેલના અભાવે છીંકની ગંભીરતા બીજા લોકો સુધી પહોંચતી નથી ને છીંક ખાનારને અસંસ્કૃત વર્તનની ગુનાઈત લાગણી બદલ શરમાવું પડે છે.

Wednesday, January 19, 2022

ડોર બેલ સભ્યતા

ભારતીય સંસ્કૃતિમાં ડોર બેલ ન હતા. ડેલીએ સાંકળો ખખડાવવાનો રિવાજ હતો અને જેમને ડેલીબંધ મકાનો ન હોય, ત્યાં મોટે ભાગે દરવાજા વિના કામ ચાલી જતું.  દરેક જૂની બાબતની પાછળ મહાન વૈજ્ઞાનિક રહસ્ય છૂપાયેલું હોય છે, એવું માનતા અને બીજાને મનાવવા સતત પ્રયત્નશીલ રહેતા લોકો કહી શકે છે,’ડેલીએ સાંકળ ખખડાવવાથી હાથના અને ખભાના સ્નાયુઓને કસરત મળતી હતી, બાવડાંના ગોટલા સુદૃઢ બનતા હતા-તેના માટે રૂપિયા ખર્ચીને જિમમાં જવાની જરૂર પડતી નહીં. સાંકળ ઝડપથી સંભળાય નહીં ને દરવાજો ખોલવામાં વાર લાગે તો દરવાજે ઉભેલા માણસમાં ધીરજનો ગુણ ખીલતો હતો. સાંકળ ડેલીના કમાડ પર પછાડવાથી હાથ ઉપરાંત કમાડ અને સાંકળની મજબૂતીની પણ ચકાસણી થઈ જતી. પણ આ બધું સમજે કોણ? લોકોને તો ઝટ ચાંપ દબાવી ને પટ બેલ વાગ્યો, એવું જ ફાવે. એમાં ને એમાં આપણી ભવ્ય, ગૌરવવંતી સંસ્કૃતિનું સત્યાનાશ નીકળી ગયું.’

સંસ્કૃતિચર્ચામાંથી બહાર નીકળીને જોતાં ડોર બેલનાં બીજાં પાસાં ભણી ધ્યાન જાય. જેમ કે, ડોર બેલનો અવાજ. પહેલાં ડોર બેલનો પણ એક જ પ્રકારનો રણકાર સાંભળવા મળતો હતો—સીધોસાદો, શુષ્ક બઝર જેવો. તે સાંભળીને એવું લાગે, જાણે કોઈ બેસૂરો માણસ ખરજભર્યા કંઠે ગાવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે. પરંતુ કેટલાક નેતાઓની ન્યૂસન્સ વેલ્યુ એ જ તેમની વિશેષતા હોય છે, તેમ એ પ્રકારના ડોર બેલની કર્કશતાનો જ મહિમા હતો. તેમનો કર્કશ અવાજ અવગણી શકાય એવો ન હતો. એટલે ‘અમને તો બેલ સંભળાયો જ નહીં’—એવા બહાના માટે જગ્યા રહેતી ન હતી. તેમ છતાં કોઈ એવું કહે તેમણે ‘ખરા ઉંઘણશી તમે તો’—એવા હળવા ઠપકા માટે તૈયાર રહેવું પડતું હતું.

ધીમે ધીમે ડોર બેલના રણકારમાં વૈવિધ્ય આવવા લાગ્યું. કોઈનો અવાજ પંખીના ટહુકા જેવો, તો કોઈનો સંગીતની સુરાવલિ જેવો. પરંતુ ડોર બેલ સંગીતની સૌથી મોટી મર્યાદા એ હતી કે તેમાં વોલ્યુમ કન્ટ્રોલનું બટન ન હતું. એટલે એક વાર મોટા અવાજવાળો ડોર બેલ ઘરમાં ફીટ થઈ ગયો, પછી તેની સાથે પડ્યું પાનું નિભાવવું પડે. તે પ્રેક્ટિસ દાંપત્યજીવનમાં ખપ લાગી કે નહીં, તેનાં સમાજશાસ્ત્રીય સંશોધનો થયાં નથી. છતાં, કહી શકાય કે ડોર બેલનો અવાજ નિભાવી લેવામાંથી ખીલેલી ક્ષમતાના જોરે કંઈક દાંપત્યજીવનો નભી ગયાં હશે.
ડોર બેલનો અવાજ કેટલો મોટો આવે છે એના કરતાં, એ કેટલો મોટો લાગે છે, તે બાબત વધારે અગત્યની બની રહેતી હતી. દિવસના વ્યસ્ત સમયે, વાહનોની આવનજાવન વખતે સામાન્ય અવાજવાળો લાગતો ડોર બેલ બપોરના કે રાતના સન્નાટામાં એકાંતનો ગેરલાભ લઈને બરાડા પાડતો હોય એટલો મોટો સંભળાતો હતો. તેના અવાજથી પડોશના ઘરનાં લોકો પણ ઉઠી જશે, એવી શંકા જતી હતી.

ડોર બેલ રોજિંદા જીવનનો ભાગ બન્યો, એટલે તેની સાથે આચારસંહિતા અને સભ્યતા-એટિકેટ જોડાયાં. ડોર બેલ કેવી રીતે વગાડાય અને કેવી રીતે ન વગાડાય તેના વણલખ્યા નિયમ બન્યા. ડોર બેલની એટિકેટ બાબતે કેટલાક લોકોનું કડક વલણ જોતાં એવું લાગતું કે તેમનું ચાલ્યું હોત તો ડોર બેલના નિયમભંગનો ગુનો તેમણે ઇન્ડિયન પીનલ કોડમાં સામેલ કરાવ્યો હોત. સાથોસાથ, કેટલાક લોકો ડોર બેલ પર અને સરવાળે અંદર રહેતા લોકોના કાન પર જે અત્યાચાર કરતા હતા, તેને ધ્યાનમાં લેતાં ડોર બેલ વિશેની આઇપીસીની કલમો આવકારદાયક પણ લાગી હોત.

કેટલાક લોકો ડોર બેલ જોઈને ભૂરાંટા થતા હતા. ક્યાંક ગયા પછી તે બારણાનું સર્વેક્ષણ કરતા અને જેવી ઘંટ દોરેલી સ્વિચ તેમની નજરે પડે કે તરત તેમની આંખો ચમકી ઉઠતી. તેમાં એવો ભાવ ઝબકી જતો કે ‘હવે ખબર પાડી દઉં છું બારણાં બંધ કરીને અંદર ભરાઈ બેટ્ટમજીઓને’ તે ડોર બેલની સ્વિચ એવી રીતે દબાવતા, જાણે તેના સળંગ સૂરમાંથી આખું ગીત બનાવી કાઢવાનું હોય. એક વાર, બે વાર, ત્રણ વાર... દરવાજો ન ખુલે ત્યાં સુધી તે બેલ દબાવવાનું ચાલુ રાખતા. તેમના સારા નસીબે બારણું બંધ હોવાથી અંદર રહેલા અને બેલના ઉપરાછાપરી અવાજથી ઉશ્કેરાઈને બારણું ખોલવા આવતા લોકોના ચહેરાના હાવભાવ કે મનમાં ઉગતાં સ્વસ્તિવચનો તેમને દેખાતાં-સંભળાતાં નહીં. ઘરમાલિક બારણે પ્રગટ થાય ત્યારે બેલમારક સમજતા કે યજમાન દરવાજો ખોલવા આવ્યા છે. પરંતુ ઘણા કિસ્સામાં યજમાન મુઠ્ઠી વાળીને, દાંત ભીંસીને ‘કોણ મંડ્યો છે?’ તેની તપાસ કરવા આવતા હતા અને પરિચિત ચહેરો જોઈને મનમાં ઉઠેલા લાગણીના તરંગો પર અંકુશ મેળવી લેતા. તેના લીધે સામાજિક સંબંધોનું પોત અને કાયદોવ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતાં.

કેટલાક લોકો બારણે બેલ રાખતા, પણ બારણની સાથે બેલ પણ બંધ રહેતો. તે દબાવ્યા પછી વાગ્યો કે નહીં, તેના વિશે વગાડનારને અવઢવ રહેતી. બીજી વખત બેલ મારવામાં ક્ષોભ થાય, પણ પહેલી વારનો બેલ વાગ્યો કે નહીં, તેની અવઢવ ચાલુ હોય. ત્યારે વારેઘડીએ બેલ દબાવી જોયા પછી, બારણે ટકોરા મારી જોયા પછી દરવાજો ન ખુલતાં પાછું જવું પડ્યું હોય એવા કિસ્સા પણ અશક્ય ન હતા. એવી સ્થિતિમાં ‘હું બેલ મારું છું’ એવો માણસનો કર્તાભાવ ઓગળી જતો અને ‘બેલ વગાડનાર હું કોણ? એ તો ઇશ્વરેચ્છા હશે તો જ વાગશે’ એવી આધ્યાત્મિક ભૂમિકા તે પ્રાપ્ત કરતો હતો.

Tuesday, January 04, 2022

બગડાનું વર્ષ

આમ તો એનું કશું મહત્ત્વ નથી. છતાં વર્તમાન સમયમાં જે રીતે સાવ ફાલતુ, ક્ષુલ્લક અને જૂઠી વાતોને પણ આદરણીય વડાપ્રધાનના કુશળ નેતૃત્વ હેઠળ થયેલી જાહેર કરવામાં આવે છે, એ પરંપરામાં કહી શકાયઃ 2022ના નવા વર્ષના આંકડામાં એક જ આંકડો ત્રણ વાર આવે છે. 

જોયું? આને કહેવાય ચમત્કાર. નહેરુ જેવા નહેરુ ને ગાંધીજી જેવા ગાંધીજી પણ આવો ચમત્કાર કરી શક્યા ન હતા, જે માનનીય વર્તમાન (કે વર્તમાન માનનીય?) વડાપ્રધાનશ્રીના પ્રતાપી નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. થોડા વખત પહેલાં ચાર ગ્રહો એક લાઇનમાં દેખાતા હતા, ત્યારે કોઈ ચેનલે એવું કેમ નહીં કહ્યું હોય કે ‘જોયું? સાહેબે ગ્રહો જેવા ગ્રહોને કેવા લાઇનમાં ઊભા રાખી દીધા?’ શક્ય છે કે ત્યારે ચેનલોનું ધ્યાન કાશીમાં થયેલા ઉત્સવમાં પરોવાયેલું હોય. કાશી પરથી યાદ આવ્યુઃ પહેલાં કાશીનું મરણ અને સુરતનું જમણ વખણાતું હતું. પરંતુ સાહેબશ્રીએ જે રીતે ચચ્ચાર વાર કપડાં બદલીને આખા સમારંભને નવી ઊંચાઈ પ્રદાન કરી, ત્યાર પછી ‘સુરતનું જમણ અને કાશીનાં પહેરણ’ એવી કહેણી પ્રચલિત બની શકે છે.

એક જ વર્ષમાં એક આંકડો ત્રણ વાર આવતો હોય, એવું અગાઉ 1999માં, ત્યાર પહેલાં 1888માં, તેની પહેલાં 1777માં એવી રીતે થયું હતું ને હવે 2111માં થશે. તેનાથી જ્યોતિષના નામે, અંકશાસ્ત્રના નામે અને બીજાં અનેક નામે અષ્ટમપષ્ટમ ચલાવનારા સિવાય બીજા કોઈને કશો ફરક પડે તેવો સંભવ નથી. કારણ કે વગર ત્રણ બગડે ગયું વર્ષ અગાઉનાં બે વર્ષ બગડેલાં જ છે. હવે 2022 પડીકામાં શું લઈને આવ્યું છે, તેની ચિંતામિશ્રિત ઉત્સુકતા છે. 2021ના છેલ્લા દિવસ ગણાઈ રહ્યા હતા અને 2022 પહોંચવામાં હતું, ત્યારે કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપે તેના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી. 2021માં છેલ્લે છેલ્લે ફરી એક વાર કોરોનાના કેસ નોંધાવા અને વધવા લાગ્યા. વધારો એટલો મોટો ન હતો કે સરકારને તે અસરકારક રીતે ‘મેનેજ કરવાના’,એટલે કે છુપાવવાના, કામે લાગી જવું પડે. સરકારની ઉદારતાને કારણે પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જાણવા પણ મળ્યું કે ઓમિક્રોનના કેસ ખરેખર વધી રહ્યા છે.  

કેસ વધ્યા એટલે સરકારે ફરી વાર શહેરોમાં રાત્રે કરફ્યૂની જાહેરાત કરી છે. પુરાણકથાઓમાં આવતું હતું કે રાક્ષસી તાકાતોનું જોર રાત્રે બહુ વધી જાય. ભીમપુત્ર ઘટોત્કચની કથામાં પણ એવું કહેવાતું હતું કે ઘટોત્કચ રાત્રે સૈન્ય લઈને આવતો અને હાહાકાર મચાવતો હતો. પરંપરા સાથે અનુસંધાન રાખવા આતુર વહીવટી તંત્રે આવા કોઈ કારણસર રાત્રે કરફ્યૂ રાખ્યો હશે? ખબર નથી. કેમ કે, દિવસના સમયે રાજકીય કાર્યક્રમો બેરોકટોક અને બેફામપણે ચાલે છે. રાજનેતાઓને એવો આત્મવિશ્વાસ હોઈ શકે છે કે ‘અમારી ઘાતક શક્તિ સામે વાઇરસિયાનો શો ક્લાસ? અમે તો લોકોને વગર સ્પર્શે તેમના રૂંવે રૂંવે એવો ચેપ ફેલાવી દઈએ કે તે અંદરોઅંદર અવિશ્વાસ કરે ને લડી મરે.’ તેમની આવી આત્મનિર્ભરતા અસ્થાને નથી. એટલે જ, રાજનેતાઓની ઘાતક શક્તિને સામાન્ય લોકોએ પોતાના હિસાબે અને જોખમે જ અવગણવી. 

નેતાઓ એક તરફ સાવચેતીનાં પગલાંની વાતો કરે અને બીજી તરફ તોતિંગ રેલીઓ-સભાઓ કરે, ત્યારે ઘણાને ગુસ્સો આવે છે. તેમને થાય છે કે ‘અમારે પ્રસંગોમાં ઓછાં માણસ બોલાવવાનાં અને તમે મન ફાવે એટલી ભીડ ભેગી કરો, એમ?’ આવો બળાપો કાઢનારા લોકો નેતાઓનો લોકશાહીપ્રેમ સમજી શકતા નથી. તેમને લાગે છે કે નેતાઓ પોતાની સત્તાનો મન ફાવે તેમ ઉપયોગ કરે છે. હકીકતમાં નેતાઓ લોકો સાથે એટલું મજબૂત જોડાણ અનુભવે છે—ખાસ કરીને ચૂંટણીનું વાતાવરણ જમાવવાનું હોય ત્યારે—કે તે લોકોનો વિરહ બિલકુલ સહન કરી શકતા નથી. નેતાઓ લોકોને મળે નહીં, તો આ જ લોકો ફરિયાદ કરતા હોય છે કે ‘નેતાઓ એક વાર મત લઈ ગયા પછી પાંચ વર્ષે દેખાય છે.’ બીજી તરફ, નેતાઓ લોકમિલન યોજે ત્યારે તેની સામે પણ આંગળીચીંધણું કરવામાં આવે છે. તો નેતાઓ બિચારા કરે શું? તે કંઈ લોકોની માફક પોતાની મરજીના માલિક નથી. તેમને તો જે પ્રમાણે ચાવી ભરવામાં આવે, તેટલાં ડગલાં અને તે પણ ઉપરથી નક્કી કરાયેલી દિશામાં ચાલવું પડે. આ બાબતે બહુ તો તેમના પ્રત્યે અનુકંપા સેવી શકાય-તેમની દયા ખાઈ શકાય. પણ તેમની ટીકા? એ તો હળાહળ અમાનવીય પ્રતિક્રિયા ગણાય. 

નેતાઓ તેમના સાહેબોનાં ચાવીવાળાં રમકડાં છે, એવું સ્વીકારવામાં જેમને અપમાન કે માનહાનિ લાગતાં હોય તેમણે સમજવું જોઈએ કે દરેક જણ છેવટે તો તેના ‘સાહેબ’નું—એટલે કે કબીર જેમને ‘સાહેબ’ કહેતા હતા તે ઇશ્વરનું—ચાવીભરેલું રમકડું છે. નેતાઓ બંને ‘સાહેબ’ વચ્ચે ભેળસેળ કરી નાખે, તો તેને તેમની ગફલત નહીં, વફાદારી ગણીને રાજી થવું જોઈએ. લોકોએ વિચારવું જોઈએ કે ‘ચાલો, તે લોકોને ભલે નહીં, પણ કોઈકને વફાદાર તો છે. આજકાલ સાહેબને વફાદાર છે, તો કોઈક વાર લોકોને પણ વફાદાર થશે.’ પણ વફાદારીનો ગુણ જ ન હોય, એવા લોકો પાસેથી કશી આશા રાખી શકાતી નથી. 

ગુજરાતીમાં ટનના ભાવે ખડકાતું ચિંતન, સેમી-ચિંતન, નેનો-ચિંતન વગેરે પ્રકારનું સાહિત્ય સતત વેઠ્યા પછી આટલું જ્ઞાન પણ પ્રગટે નહીં, તો બીજા કોઈનો વાંક કાઢવાનો શો મતલબ?