Saturday, February 01, 2020

અલવિદા, રાજેન્દ્રભાઈ

Rajendra C. Parekh / રાજેન્દ્ર સી. પારેખ
રાજેન્દ્ર સી. પારેખ—ફેસબુકના ઘણા મિત્રો માટેનું જાણીતું નામ. પ્રચંડ સેન્સ ઓફ હ્યુમર, શાલીનતા અને સજ્જતા જેવી લાક્ષણિકતાઓ ફેસબુક પર તેમના પરિચયમાં આવેલા કોઈને પણ તરત પરખાઈ જાય. તેમના લખાણ માટે સહજ ભાવ થાય ને આદર પણ. ફેસબુકના શરૂઆતના સમયમાં વિવિધ પાત્રો સાથે પરિચય થઈ રહ્યો હોય, ત્યારે રાજેન્દ્રભાઈ અચૂક ધ્યાનમા આવે ને થાય કે કોણ છે આ મૂર્તિ? વધુ પરિચય કરવાનું મન થાય. તેમનું પણ આમંત્રણ હોય કે રાજકોટ આવો ત્યારે જરૂર મળીએ.

એક વાર રાજકોટ જવાનું થયું, ત્યારે તેમનો કંઈક વિચિત્ર લાગે એવો સંદેશો આવ્યોઃ મારાથી બિમારીને કારણે ઘરની બહાર નીકળી શકાય તેમ નથી. પણ તમે આવો.

મનમાં થયું કે આવી તે કેવી બિમારી હશે કે ઘરે મળી શકાય પણ બહાર ન નીકળાય. ફ્રેક્ચર-બ્રેક્ચરના વિચાર આવ્યા. પણ તેમના લખાણની ગુણવત્તાની ભલામણચિઠ્ઠી એવી મજબૂત હતી કે તેમને મળવા જવાનું નક્કી થયું. સાથે મિત્રો બિનીત મોદી અને સ્થાનિક મિત્ર અભિમન્યુ મોદી હતા. ટોળટપ્પાં કરતા તેમને ઘરે પહોંચ્યા, પણ ત્યાં જઈને અમે સ્તબ્ધ થઈ ગયા. પ્રેમ અને આદર ઉપજાવે એવી હળવાશ પાછળ ઘેરી કરુણતા છુપાયેલી હતી. રાજેન્દ્રભાઈનું કદ નાનું, કમરની નીચેના ભાગથી અશક્ત, હાડકાંનો રોગ એવો કે સહેજસાજમાં હાડકું બટકી જાય, લાકડાના પાટીયા નીચે લગાડેલા પૈડાં, એવી ઠેલણગાડી પર બેસીને એ જાતને ઠેલે. સંભળાતું સદંતર બંધ થઈ ગયેલું. આટલું ઓછું હોય તેમ, તેમનાં નાનાં બહેન પણ આવાં જ અને આનાથી વધુ ખરાબ અવસ્થામાં. સૂનમૂન બેસી રહે. ભાઈ એ જ બહેનની જિંદગી સાથેનો એકમાત્ર તંતુ, રાજેન્દ્રભાઈને ઘડીભર ન જુએ તો વ્યાકુળ થઈ જાય.

બંને ભાઈબહેન જન્મથી આટલી બધી શારીરિક મર્યાદાઓ ધરાવતાં ન હતાં. સમૃદ્ધ પરિવાર હતો. ઊંચી રુચિ. રાજેન્દ્રભાઈને સરકારી નોકરી હતી. એટલે સારી રીતે ગોઠવાયેલા. પ્રકૃતિ એવી કે મિત્રો બની જાય. મિત્રો-પાડોશીઓએ તેમનું ખૂબ ધ્યાન રાખ્યું. સ્નેહી-સંબંધીઓએ પણ. છતાં, રાજેન્દ્રભાઈ માટે બે બાબતો અફર હતીઃ પહાડ જેવડી શારીરિક મર્યાદાઓ અને આકાશ જેવો મિજાજ. તેમનો મિજાજ મર્યાદાઓને ગાંઠતો ન હતો અને તેમને મળનારા સૌને તેમની પ્રસન્નતાનો ચેપ લગાડતો હતો.

પોતાના વિશેની ઘણી ખરી વાતો રાજેન્દ્રભાઈએ જ કહી ને એ પણ તેમની વિશિષ્ટ રમુજવૃત્તિ સાથે. તેમની સાથે વાત કરવા માટે અમે પહેલી વાર મળ્યા ત્યારે મેજિક સ્લેટ હતી. પીળા પેડ પર સ્ટાઇલસ જેવી પેનથી લખવાનું. પછી ઉપરનો કાગળ ઉલાળીએ એટલે લખાણ ભૂંસાઈ જાય ને ફરી તેની પર લખી શકાય. આપણે જે કહેવું-પૂછવું હોય તે પેડમાં લખવાનું. રાજેન્દ્રભાઈ એ વાંચે ને તેના જવાબ આપે, તેની પર કંઈક ટીપ્પણી કરે, ખડખડાટ હસે ને હસાવે.
એ હસે કે હસાવે, ત્યારે આપણા પેટમાં ચિરાડો પડે.  કેમ કે, આપણી સામે એમની શારીરિક સ્થિતિ હાજરાહજૂર હોય. ધીમે ધીમે સમજાયું કે તેમને મળતી વખતે પ્રસન્નતા રાખવી એ જ તેમની સાથેની સાચી મૈત્રીનો તકાદો ગણાય. પહેલી વાર મળ્યા ત્યારે અમે લખીએ-એ બોલે, એવો સંવાદ બરાબર ચાલ્યો. એ હસે ત્યારે આખેઆખા ઠલવાઈ જાય, વ્યક્ત થઈ જાય. ચહેરો નહીં, આખેઆખું અસ્તિત્ત્વ હસી ઊઠે ને આપણને મનમાં થાય કે કમાલ છે આ માણસ. આટલા દુઃખ વચ્ચે આટલી પ્રસન્નતા ક્યાંથી લાવતો હશે? તેમનો વાચનપ્રેમ ગજબનો. સંગીતપ્રેમ પણ હતો. એની વાત થઈ. એટલે કહે, પહેલાં ગીતો સાંભળેલાં. પછી સંભળાતું સદંતર બંધ થઈ ગયું, પણ બધાના અવાજ મનમાં છે. બસ, એક મન્ના ડેનો અવાજ યાદ નથી કરી શકતો. હવે તો આવતા જન્મે... બોલીને એ તો રાબેતા મુજબ ખડખડાટ હસી પડ્યા, પણ ત્યાર પછી મન્ના ડેનું કોઈ ગીત સાંભળું ત્યારે તેના સુરને વીંધીને રાજેન્દ્રભાઈની યાદ આવી જાય છે.

રાજેન્દ્રભાઈ વાચનના પ્રેમી, બધું વાંચે અને એકદમ અપ઼ડેટેડ હોય. ભાઈ અભિમન્યુ સાથે હતો. તેના મધુસુદન ઢાંકી વિશેના લેખની રાજેન્દ્રભાઈએ જે વિગતે વાત કરી, એ સાંભળીને અભિમન્યુ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. રાજેન્દ્રભાઈ એક એવા મિત્ર હતા, જેમને મારી અને બીરેનની સાથે આમ સહિયારો, પણ આમ અલગ નાતો હોય. બીરેનની વોલ પર રાજેન્દ્રભાઈ, પિયુષભાઈ અને બીજી મિત્રમંડળી જે ખીલે, જે ધમાલે ચડે એ જોવાની એટલી મઝા આવે. ફેસબુકના, સાર્થક પ્રકાશનના અને બીજા મિત્રોની ઘણી વાતો પહેલી મુલાકાતમાં થઈ. અમે નીકળ્યા ત્યારે તે બારણા સુધી વળાવવા આવ્યા. ત્યાંથી બહાર નીકળ્યા પછી અમારા ત્રણેની હાલત એકસરખી હતી. એક-બે મિનિટ સુધી અમે કોઈ એક અક્ષર સુદ્ધાં બોલી શક્યા નહીં. પીડા અને પ્રસન્નતા વચ્ચેનો આટલો ભયંકર સંઘર્ષ અને તેમાં પ્રસન્નતાની જીત આ પહેલાં કદી જોયાં ન હતાં.

ત્યાર પછી તેમના અમદાવાદના સ્નેહીઓ દિવાળીમાં મોટી કારમાં રાજેન્દ્રભાઈ અને તેમનાં બહેનને અમદાવાદ લઈ આવતાં. એટલે અમદાવાદમાં પણ મળવાનું થવા લાગ્યું. બે-ત્રણ દિવાળીએ અમદાવાદમાં મળ્યાં હોઈશું. એ વખતે બીરેન અને બિનીત તો હોય જ. બિનીત રાજકોટ જાય, ત્યારે મળે. એક વાર તે અમારા ફિલ્મસંગીતગુરુ નલિન શાહને લઈને ગયો. ત્યારે નલિનભાઈની પણ અમારા જેવી જ હાલત થઈ. સામાન્ય રીતે ઘણી બધી બાબતોની ફરિયાદ કરતા ૮૫ આસપાસના નલિનભાઈ રાજેન્દ્રભાઈને મળ્યા પછી કહે, આપણને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ નથી. છેલ્લી દિવાળી વખતે મુંબઈનો મિત્ર અજિંક્ય સંપટ પણ સાથે હતો. આ વખતે વાતચીત કરવા માટે મેજિક સ્લેટનું સ્થાન ટેબ્લેટે લીધું હતું. બે ટેબ્લેટ હતી. તેમાં સ્ટાઇલસથી લખવાનું અને પછી એક બટન દબાવીએ એટલે લખેલું ભૂંસાઈ જાય. હંમેશની જેમ હસીખુશીથી વાતો થઈ. એકબીજાની ગમ્મતો થઈ. એક વાર પિયુષભાઈ પંડ્યા પણ હતા. તેમને પણ રાજેન્દ્રભાઈ સાથે ઘણી દોસ્તી થઈ હતી. અને અભિમન્યુ પહેલી મુલાકાત પછી અવારનવાર તેમને મળવા જતો-તેમની બહુ કાળજી રાખતો હતો.

છેલ્લે ૧૯ જાન્યુઆરીએ રાજેન્દ્રભાઈની પોસ્ટમાં જોયું કે દીપક સોલિયા પણ તેમને મળી આવ્યા. અને તે હતા જ એવા કે એક વાર તેમને જે મળે, તે તેમનો પ્રેમી થઈ જાય. આવા બધા પ્રેમીઓથી તેમણે આજે કાયમી વિદાય લીધી છે. હવે રાજેન્દ્રભાઈ આપણા બધાની સ્મૃતિમાં જીવશે—હસતા મોઢે કપરામાં કપરું યુદ્ધ લડીને અમારા જેવા કંઈકને પ્રેરણા આપનારા વહાલા લડવૈયા તરીકે.

(તેમની તસવીર ન મૂકવાનો વણલખ્યો વિવેક બધા મિત્રોએ જાળવ્યો હતો. આજે હું એ મર્યાદામાં રહીને તોડું છું અને તેમના સૌ મિત્રોને રાજેન્દ્રભાઈ જે સ્વરૂપે યાદ રહેશે, એવા સ્વરૂપની એક તસવીર મૂકું છું.)


No comments:

Post a Comment