Thursday, June 21, 2018
મહેન્દ્ર મેેેેઘાણી @ 95
![]() |
| Mahendra Meghani / મહેન્દ્ર મેેેઘાણી ૯૫મી વર્ષગાંઠે |
વિખ્યાત અને કેટલીક વાર તો કુખ્યાત એવા સંક્ષેપકાર જીવનના સાડા નવ દાયકા પછી પણ ખાસ્સા કડેધડે હોય એ પણ કુદરતની લીલા નથી? તેમના આવતા જન્મદિવસે આપણે હોઈશું કે નહીં એવી રમુજ યાદ આવે, એવી તેમની તંદુરસ્તી છે. આંખ-કાન સાબુત છે. મગજ તો ખરું જ. દોઢ-બે દાયકાથી તેમનો પરિયચ અને છેલ્લાં થોડાં વર્ષોમાં તો વિશેષ. પણ એ બોલે ઓછું. એટલે ઉંમરસહજ (નહીં અટકવાના) ઘણા પ્રશ્નોમાંથી એ બચી ગયા હોય એમ લાગે છે. મહેન્દ્રભાઈનું હાસ્ય મોકળું ને અનેક અર્થો ધરાવતું છે. તેના બધા અર્થ ગુજરાતી લેક્સિકનમાં કે ભગવદ્ગોમંડળમાં પણ નહીં હોય. જીવનમાં અમુક શબ્દકોશો જાતે બનાવી લેવાના હોય છે--ખપજોગું ગાળી લેવાના અદાજમાં.
ગઈ કાલે મહેન્દ્રભાઈની ૯૫મી વર્ષગાંઠ હતી. આ વખતે છેલ્લાં પંદર વર્ષથી ઉનાળામાં અમેરિકા જતા રહેવાનો તેમનો સિલસિલો તૂટ્યો છે. એટલે તે અમદાવાદ તેમનાં પુત્રી મંજરીબહેનના ઘરે હતા. ત્યાં સાંજે દોઢેક કલાક બીજા કેટલાક મિત્રો-વડીલોની સાથે મહેન્દ્રભાઈ સાથે ગપ્પાંગોષ્ઠિ થઈ. મહેન્દ્રભાઈ જાહેર પ્રવચન કરતા નથી. કાર્યક્રમમાં જવું જ પડે એમ હોય ત્યારે કશુંક સારું વાંચે છે. વર્ષગાંઠના દિવસે તેમણે ઝવેરચંદ મેઘાણીના ચુનંદા પત્રોમાંથી કેટલુંક વાંચ્યું.
![]() |
| મહેન્દ્ર મેઘાણી : ૯૫મી વર્ષગાંઠે પિતા ઝવેરચંદ મેઘાણીના કેટલાક પત્રોનું વાચન |
જ્યાં ભણવામાં ગૌરવ ગણાતું હોય એવી અૅલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ મળે- ન મળે ને હિંદ છોડો આંદોલન આવે, એટલે મહેન્દ્રભાઈ કૉલેજને કાયમ માટે રામ રામ કરી દે. પિતા દુઃખી થઈ જાય. ભાવનગરના માનભાઈ ભટ્ટ પાસેથી 'ક્રાંતિ'ની સામગ્રી મેળવીને મહેન્દ્રભાઈ છમકલાં કરે ત્યારે સ્થાનિક પોલીસ પિતાનું ધ્યાન દોરે અને તેમને મુંબઈ તથા મુંબઈથી લાહોર મોકલી આપવામાં આવે. (તેમના આ સમયગાળા વિશેની અને પિતા સાથેના સંસર્ગ અને સંબંધોની વાતો સાર્થક જલસો-૪માં લેવાયેલા તેમના વિગતવાર ઇન્ટરવ્યુમાં છે.)
વાચનની સાથે વાતો પણ થઈ. મિત્રદંપતી મેઘશ્રી ભાવે-સંજય ભાવે, ઇન્દુકુમાર જાની (નયા માર્ગ), ચિત્તરંજન વોરા, મનુભાઈ શાહ (ગુર્જર), અજયભાઈ વ્યાસ જેવા થોડા સ્નેહીઓ હતા. આવા પ્રસંગે લાંબી વાતનો અવકાશ ન હોય. પણ કેટલાંક સ્મરણછાંટણા વરસે તો ઘણું. જૂના સ્નેહીઓમાં તેમણે દિલીપ કોઠારીને ખાસ યાદ કર્યા. (તે મુંબઈથી 'શ્રીરંગ' નામે વાર્ષિક કાઢતા હતા. તેનો એક અંક જોવા મળ્યો છે. એ પ્રભાવશાળી હતો) ‘સાહિત્યના જૂના સ્નેહીઓમાં સૌથી વધારે કોણ યાદ આવે?’ જવાબ માટે મહેન્દ્રભાઈને જરાય વિચારવું ન પડ્યું, ‘ઉમાશંકર જોશી. મને જેટલી વાર સપનાં આવે તેમાં બાપુજી કરતાં પણ વધારે ઉમાશંકર આવે છે.’ તેમના કહેવા પ્રમાણે, ઉમાશંકર તેમને સંયત પણ અઢળક પ્રેમ કરતા. તેમને ટોકવા જેવા લાગે ત્યાં ટોકતા પણ ખરા. મહેન્દ્રભાઈ કવિતાના શોખીન. ( 'મને કવિતામાં સમજ ન પડે' એવું તેમણે કાલે વાતચીતમાં કહ્યું, ત્યારે મેં કહ્યું કે 'આવું અમે કહીએ તો કોઈ માને. કારણ કે અમે કાવ્યકોડિયાં કાઢ્યાં નથી, પણ તમે?’) 'મિલાપ'ના બીજા-ત્રીજા-ચોથા ટાઇટલ પણ ઘણી વાર કવિતા હોય. ક્યારેક ઉમાશંકર તેમને કહે પણ ખરા, 'મહેન્દ્ર, અમારી રીજેક્ટ કરેલી કવિતાઓ તું છાપે છે.’
![]() |
| Manjari Meghani-Mahendra Meghani/ પુત્રી મંજરી સાથે મહેન્દ્રભાઈ |
સુપ્રતિષ્ઠ ગુજરાતી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી કોલંબિયા યુુનિવર્સિટીમાં પત્રકારત્વ ભણેલા. તેમણે 'માય ઇન્ડિયા, માય અમેરિકા' નામે એક અંગ્રેજી પુસ્તક પણ લખેલું. (શ્રીધરાણી અને તેમના પુસ્તક વિશેની પોસ્ટ http://urvishkothari-gujarati.blogspot.com/2011/05/blog-post.html અને http://urvishkothari-gujarati.blogspot.com/2011/05/blog-post_08.html ) મહેન્દ્રભાઈને એ મનમાં વસી ગયું હતું. તેમને હતું કે એ પણ કોલંબિયામાં ભણે અને આવું એકાદ પુસ્તક લખે. એ કોલંબિયા તો પહોંચ્યા, પણ એ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ને મહેન્દ્રભાઈ ગ્રેજ્યુએટ પણ નહીં. એટલે ત્યાં બીજા કોર્સ કર્યા, 'જન્મભૂમિ' માટે 'અમેરિકાની અટારીએથી' કોલમ લખી અને પાછા આવ્યા પછી 'મિલાપ' શરૂ કર્યું.
ફક્ત ઉંમર કે સક્રિયતાને કારણે નહીં, કામગીરીને કારણે મહેન્દ્રભાઈ અનોખા છે અને છેલ્લા પણ.
તેમને શુભેચ્છા શું આપીએ? તેમની પાસેથી તો શુભેચ્છા લેવાની હોય કે જીવીએ ત્યાં લગી સાર્થકતાનો અનુભવ થતો રહે.
Sunday, March 15, 2015
ગાંધીકથાકાર, ચરિત્રકાર, સર્વોદયી નારાયણ દેસાઇની વિદાય
![]() |
| Narayan Desai/ નારાયણ દેસાઇ |
મહાદેવભાઇ દેસાઇ પ્રત્યે અનન્ય ભાવ અને આદરને કારણે નારાયણભાઇ વિશે સાંભળેલું ખરું, પણ તેમને મળવાનું નડિયાદમાં તેમની ગાંધીકથા દરમિયાન થયું. ’દિવ્ય ભાસ્કર’ ની રવિવારની પૂર્તિ માટે તેમનો આખું પાનું ભરીને, એકંદરે જરા જુદી જાતનો કહેવાય એવો ઇન્ટરવ્યુ કર્યો હતો. એ વખતે તેમણે ખુલીને જવાબ આપ્યા હતા. પણ તેમના વ્યક્તિત્વમાંથી અનાવિલત્વની ઝીણી ઝીણી ફુવારીઓ સતત ઉડતી રહેતી. (ક્યારેક તેમાંથી ફુવારો પણ થઇ જાય.) તેમની સાથે એક જ મુલાકાતમાં ફાવી જાય, એવી શક્યતા મારા જેવા માટે ઓછી. હવામાંથી આદર ડાઉનલોડ કરવાનું અમસ્તું ઓછું ફાવે. એટલે પ્રત્યક્ષ અનુભવ (કે વાચન) પછી જ ભાવ કે અભાવ જાગે. (ગાંધીની વાત કહેવા માટે ’ગાંધીકથા’ના સ્વરૂપ સામે મને કેટલાક પ્રશ્નો હતા)
નારાયણભાઇને ફરી જોવા-મળવાનું નડિયાદમાં જ થયું. નડિયાદ મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતાએ ગુજરાતી સામયિકો વિશે એક અનોખો સેમિનાર તેમની કોલેજમાં યોજ્યો. તેમાં રમણ સોની, દીપક મહેતા, જયદેવ શુક્લ જેવા સાહિત્ય અને અધ્યાપન જગતનાં ઘણાં નામો ઉપરાંત કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક), રઘુવીર ચૌધરી, મહેન્દ્ર મેઘાણી અને નારાયણ દેસાઇ પણ ઉપસ્થિત હતા. (બધાં નામ અહીં આપતો નથી,) એ વખતની થોડી તસવીરો અને (બ્લોગના અંતે) નારાયણભાઇની એક વિડીયોનો અંશ પણ મૂક્યાં છે.
(Pl. Click to enlarge pics. All Pics: Urvish Kothari)
![]() |
| (L to R) Mahendra Meghani, Narayan Desai, Hasit Mehta / (ડાબેથી) મહેન્દ્ર મેઘાણી, નારાયણ દેસાઇ, હસિત મહેતા (નડિયાદ, 2009) |
![]() |
| નારાયણ દેસાઇ, આશિષ નંદી ’મારું જીવન મારી વાણી’ના અંગ્રેજી અનુવાદના વિમોચન પ્રસંગે / Narayan Desai, Ashish Nandi at Gandhi Ashrem releasing 'My life is my message' (2009) |
![]() |
| પ્રો.ગણેશ દેવી આયોજિત ’ભાષા કન્ફ્લુઅન્સ’માં (ડાબેથી) નારાયણ દેસાઇ, મહાશ્વેતા દેવી, સુદર્શન આયંગાર / L to R: Narayan Desai, Mahashweta Devi, Sudarshan Ayanger (Vadodara, 2010) |
![]() |
| પ્રકાશ ન.શાહ, નારાયણ દેસાઇ (સાહિત્ય પરિષદ, અમદાવાદના પુસ્તકાલયમાં) Prakash N Shah, Narayan Desai (Sahitya Parishad Library, Ahmedabad,2009) |
![]() |
| પ્રકાશ ન.શાહ, નારાયણ દેસાઇ (સાહિત્ય પરિષદ, અમદાવાદના પુસ્તકાલયમાં) Prakash N Shah, Narayan Desai (Sahitya Parishad Library, Ahmedabad,2009) |
![]() |
| રઘુવીર ચૌધરી, ધીરુભાઇ ઠાકર, નારાયણ દેસાઇ, મનીષી જાની, નિમેષ દેસાઇ (સ્ટેજ પર) (Lto R) Raghuveer Chaudhary, Dhirubhai Thaker, Narayan Desia, Manishi Jani,Nimesh Desai (On stage), 2008. pic: Binit Modi |
![]() |
| L to R Kantibhai Patel (sculptor), Narayan Desai, Pranlal Patel, 2009 ગાંધીશિલ્પકાર અને ગાંધીકથાકારઃ (ડાબેથી) કાંતિભાઇ પટેલ, નારાયણ દેસાઇ, પ્રાણલાલ પટેલ, અમદાવાદ, ૨૦૦૯ |
’અત્યારના માહોલમાં ડીપ્રેશન નથી આવતું?’ એના જવાબમાં એમણે કહ્યું હતું, ’જ્યારે પણ એવું લાગે ત્યારે રેંટિયો કાંતું છું. (બાજુમાં પડેલી પેટી બતાવી) તેમાં સૌથી પહેલાં તો મેડિટેશન. પછી રીધમ અને ક્રીએટીવીટી તો ખરી જ.)
હું બનારસ હતો ત્યારે રાજાજીએ તેમનાં બહેનનાં અસ્થિ ગંગામાં વિસર્જન માટે મને મોકલ્યાં હતાં. મેં વિસર્જન કરીને તેમને વિગત લખી કે મને વિધિવિધાન તો ખબર નથી, પણ મેં નદીની વચ્ચે જઇને ઇશોપનિશદનો પાઠ કરીને વિસર્જન કર્યું. એ પત્રના જવાબમાં રાજાજીએ લખ્યું કે મહાદેવભાઇ હોત તો આવું જ કરત. આ ઘટનાના થોડા મહિના પછી રાજાજીનું અવસાન થયું ત્યારે તેમનાં બધાં પરિવારજનો હાજર હોવા છતાં, તેમનાં અસ્થિ બનારસ અને અલાહાબાદમાં વિસર્જન કરવા માટે મને કહેવામાં આવ્યું.
’જોબ સેટિસ્ફેક્શન કેવુંક મળ્યું?’ એવા સવાલના જવાબમાં એમણે કહ્યું, ’જોબ સેટિસ્ફેક્શનનો સવાલ નથી. કારણ કે બન્ને ઠેકાણેથી મને સામેથી કહ્યું હતું અને મારી શરત હતી કે સર્વસમંતિ હોય તો જ હું પદ સ્વીકારું. પરિષદમાં એટલું થયું કે મારા કાર્યકાળમાં અમદાવાદકેન્દ્રી પરિષદ ગુજરાતમાં ઠેકઠેકાણે પહોંચી અને બધાને લાગ્યું કે પરિષદ અમારે આંગણે આવી.’
Wednesday, October 23, 2013
મહેન્દ્ર મેઘાણી સામે મુક્ત-મિલાપ
![]() |
| Mahendra Meghani (Pic : Neesha Parikh) |
મુક્ત હાસ્યમાં પ્રકાશભાઇ (શાહ) પછી કોઇનું નામ સાંભરે તો એ મહેન્દ્રભાઇનું. એમને મળવા જઇએ ત્યારે લેંઘો પહેરીને ઉઘાડા ડીલે બેઠા હોય. તેમના ચહેરાની ઓળખ જેવી, એમનું કેરિકેચર બનાવવું હોય તો બહુ કામ લાગે એવી છૂટીછવાયી સફેદ દાઢી, કાળી ફ્રેમના ચશ્મા અને મોકળા મને થતી વાતો.
થોડા વખત પહેલાં મહેન્દ્રભાઇ અમેરિકા હતા ત્યારે હર્નિયાનું નિદાન થયું. ડોક્ટરે કહ્યું કે ભારત જઇને ઓપરેશન કરાવશો તો ચાલશે. (‘અને ત્યાં ઓપરેશન કરાવીએ તો અંજુબહેનનું દેવાળું નીકળી જાય’ :(મુક્ત હાસ્ય સાથે મહેન્દ્રભાઇ) અમદાવાદમાં તેમણે ઓપરેશન કરાવ્યું. હવે સારું છે. દવાઓ ચાલે છે. ‘તમે એલોપથીના વિરોધી તો નથી ને?’ એવું પૂછ્યું એટલે કહે, ‘આમાં તો વિરોધી હોઇએ તો પણ ચાલે એમ નથી. કારણ કે તેનો બીજો ઇલાજ નથી.’ પછી કહે,‘એમ તો હું સ્વેચ્છામૃત્યુનો પણ તરફદાર છું.’ (‘તરફદાર’ શબ્દ મારો હોઇ શકે છે. એમણે કયો શબ્દ વાપર્યો હતો એ ચોક્કસ યાદ નથી, પણ ભાવ આ જ હતો.)
મહેન્દ્રભાઇએ વડોદરા વિનોબા આશ્રમમાં ફોન કર્યો હતો. ત્યાંથી પણ એ જ જવાબ મળ્યો કે નેચરોપથી પાસે હર્નિયાનો કોઇ ઇલાજ નથી. મહેન્દ્રભાઇએ આપેલી સાદી સમજૂતી પ્રમાણે, હર્નિયા એટલે આંતરડાનો થોડો ભાગ તેની જગ્યામાંથી થોડો બહાર નીકળી જતો હોય. તેને અંદર લઇને ઉપરથી સીવી દેવાનું. સર્જરી થઇ ગયા પછી નેવું વર્ષમાં પહેલી વાર મહેન્દ્રભાઇને ચાલવા માટે લાકડી લેવી પડી. હવે ધીમે ધીમે પોતાનું કામ થાય છે, પણ આંટા મારવા માટે ઘરની નીચે ઉતરતા હતા એ ક્રમ હજુ શરૂ થઇ શક્યો નથી.
ગઇ કાલે સવારે તેમની સાથે ફોન પર વાત થઇ. ‘પાંચ મિનિટનો સમય છે?’ એમ પૂછીને, તેમણે આસારામ પ્રકરણ વિશે લખેલી થોડી લીટીઓ ફોન પર વાંચી સંભળાવી હતી. એ વખતે જ બપોરે ચાર પછી મળવાનું નક્કી થયું. સાથે નિશા પણ હતી. (નિશાનો પરિચય પોસ્ટના અંતે આપ્યો છે)
ઢળતી બપોરે પહોંચ્યા એટલે મહેન્દ્રભાઇએ રાબેતા મુજબ ઉષ્માપૂર્વક આવકાર આપ્યો. તબિયતની અછડતી વાત થયા પછી તેમણે ‘મિલાપ’ના સંચયોની વાત કરી. ૧૯૫૦થી શરૂ થયેલા ‘મિલાપ’માંથી વર્ષવાર ઉત્તમ લેખોનો સંચય પ્રગટ કરવાનું તેમણે શરૂ કર્યું છે.
૧૯૫૦-૫૧-૫૨-૫૩ની ચાર પુસ્તિકાઓ આવી ગઇ. ‘૧૯૫૪-૫૫-૫૬-૫૭ની બીજી ચાર પુસ્તિકાઓ ડિસેમ્બર સુધીમાં આવશે. એવી રીતે ચાર-ચાર કરીને આયુષ્ય ટકે ત્યાં સુધી પુસ્તિકાઓ કરીશું...ઘણા લોકો સામયિકના જૂના બધા અંકોની સીડી કરે છે. મને લાગે છે કે ‘મિલાપ’ના બધા અંકોની બધી સામગ્રી અત્યારે આપવા જેવી નથી. એટલે તેમાંથી અત્યારે જેટલી આપવા જેવી લાગે એટલી સામગ્રી, શક્ય હોય તો સંક્ષેપ કરીને, આપવી એવું છે. એટલે બધી પુસ્તિકાઓનું કદ અણસરખું થશે.’
સંક્ષેપ કરવાની વાત નીકળી એટલે તેમને પૂછ્યું, ‘તમારા સંક્ષેપ સામે ઘણા લોકોને વાંધો છે. ખાસ કરીને તમે કવિતાઓના સંક્ષપ કરો છો એમાં. તમને એ વિશે શું લાગે છે?’
એટલે મહેન્દ્રભાઇ ઠંડકતી કહે, ‘રામાયણ-મહાભારતના સંક્ષેપ થઇ શકતા હોય તો અત્યારના કવિઓની કવિતાઓના શા માટે નહીં? ઘણી ગઝલોમાંથી આપણને અમુક શેર જ બહુ ગમે એવું નથી બનતું? અને મને તો કોઇએ આવી ફરિયાદ કરી નથી. એ લોકો જાણે છે કે મને એમની કવિતાઓ બહુ ગમે છે અને એ વઘુમાં વઘુ લોકો સુધી પહોંચે તેમ હું ઇચ્છું છું. એટલે જ સંક્ષેપ કરું છું. એ કંઇ મારું ડહાપણ બતાવવા નથી કરતો.’
‘સંક્ષેપનો ખ્યાલ તમારા મનમાં ક્યારથી હતો?’
‘૧૯૪૯માં હું અમેરિકાથી ભણીને આવ્યો અને ૧૯૫૦માં મેં ‘મિલાપ’ ડાયજેસ્ટ શરૂ કર્યું. એ વખતે મારા મનમાં રીડર્સ ડાયજેસ્ટનું મોડેલ હતું. રીડર્સ ડાયજેસ્ટ એ વખતે બહુ સરસ આવતું હતું. હવે તો એનું ધોરણ સાવ ઉતરી ગયું છે... એટલે સંક્ષેપ તો પહેલેથી જ હું કરતો હતો.’
અમેરિકામાં મહેન્દ્રભાઇ કોલંબિયા યુનિવર્સિટીમાં એક વર્ષ પત્રકારત્વ ભણ્યા. એ વખતે બીજા બે ગુજરાતીઓ પણ તેમની સાથે હતા. ‘હું યુનિવર્સિટીમાં શીખ્યો એના કરતાં યુનિવર્સિટીની બહાર વધારે શીખ્યો.’ એમ કહીને મહેન્દ્રભાઇએ ‘બહાર’નું નામ પાડતાં કહ્યું : ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને ‘ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર’ હું નિયમિત વાંચતો હતો. છાપું કેવું હોવું જોઇએ એ તેની પરથી મને સમજાયું. છાપું વાચકોને સમાચાર, અભિપ્રાય બઘું આપે, પણ વાચક પર એકદમ છાઇ ન જાય. તેનાથી એક હાથ દૂર રહે.’ (‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ પ્રત્યેનો તેમનો પ્રેમ એવો અડીખમ છે કે હજુ પણ એ અમેરિકા જાય ત્યારે તેમાંથી કતરણો કરીને અહીંના રસ ધરાવતા મિત્રોને પોસ્ટથી મોકલી આપે.)
અમેરિકા જતાં પહેલાં મહેન્દ્રભાઇ મુંબઇ ઘાટકોપરમાં રહેતા અને મુંબઇ ન્યૂ એરા સ્કૂલમાં ભણતા હતા. તે કોલંબિયામાં ભણવા ગયા ત્યારે ‘જન્મભૂમિ’ના અમૃતલાલ શેઠે તેમને ‘જન્મભૂમિ’નું કાર્ડ આપ્યું હતું. એટલે તેના આધારે પત્રકાર તરીકે મહેન્દ્રભાઇ નવા શરૂ થયેલા ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ (યુનો)ની ઓફિસમાં જતા અને ત્યાંથી અનેક દસ્તાવેજો જોવા-વાંચવા માટે લઇ આવતા હતા. ‘યુનો’નું પોતાનું મકાન નહોતું બન્યું, ત્યારે તેની ઓફિસ એક જૂના સ્લોટર હાઉસ (કતલખાના)માં ચાલતી હતી. (હાસ્ય સાથે મહેન્દ્રભાઇ કહે, ‘મોસ્ટ એપ્રોપ્રિએટ પ્લેસ)
અમેરિકામાં તે ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ હાઉસમાં રહેતા હતા. ત્યાં ૫૦૦ વિદ્યાર્થીઓના રહેવાની સુવિધા હતી. અમેરિકન અબજોપતિ રોકફેલરે એ સંસ્થામાં ઘણું દાન આપ્યું હતું, પણ તેમની એક શરત હતી ઃ આ સંસ્થામાં રહેનારા અડધાઅડધ વિદ્યાર્થીઓ પરદેશી હોવા જોઇએ, જેથી અમેરિકન વિદ્યાર્થીઓને તેમની સાથે આદાનપ્રદાનનો લાભ મળે. ન્યૂયોર્કમાં એ વખતે ભારતીય જમવાનું મળે નહીં. એટલે મહેન્દ્રભાઇ અને તેમના બે મિત્રોએ બંદરના વિસ્તારમાં એક હોટેલ શોધી કાઢી હતી. ત્યાં ભારતથી આવતા જહાજના ખલાસીઓની અવરજવર હોવાથી પરોઠા-શાક મળતાં હતાં.
![]() |
| Mahendra Meghani (Pic : Neesha Parikh) |
અમેરિકાથી તે સંજય ભાવે માટે અને મારા માટે 'Voices of Protest' પુસ્તકની એક-એક નકલ લાવ્યા હતા. એ આપ્યું. સંજય લીલા ભણસાળીની ફિલ્મમાં ઝવેરચંદ મેઘાણીના ગીતનો વિવાદ ચાલતો હતો. એ વિશે અછડતી વાત નીકળી. એટલે મહેન્દ્રભાઇ કહે, ‘આનાથી અનેક ગણા વધારે મોટા એટલા અન્યાય ચાલે છે અને આપણને કોઠે પડી ગયા છે કે આ તો બહુ સામાન્ય લાગે. આજે એ લોકોએ (સંજય ભણસાળીએ) સ્વીકારી લીઘું છે અને ફિલ્મના ટાઇટલમાં મેઘાણીનું નામ મૂકવાના છે. પણ આવું નામ મૂકાય કે ન મૂકાય, એનાથી મેઘાણીને શો ફેર પડે છે?’
‘સાર્થક જલસો’ વિશે વાત નીકળી, એટલે તેમણે રસથી પૂછપરછ કરી. તેમાં જાહેરખબરો મળી છે કે નહીં, એ પણ પૂછ્યું. ‘આવતા અઠવાડિયે તમને અંક સાથે ફરી મળવા આવીશ. પછી અંક વાંચીને તમારે અમને જે કહેવા જેવું લાગે તે કહેજો’ એમ કહીને અમે મહેન્દ્રભાઇની રજા લીધી.
***
નિશા પરીખ સગપણમાં મારાં પિતરાઇ બહેનની દીકરી છે, પરંતુ દોસ્તી સગપણથી સ્વતંત્ર રીતે ખીલનારી ચીજ છે. નિશા સાથે દોસ્તી જામવાનું એક મોટું કારણ : ખુલ્લાશથી વિચારવાની ક્ષમતા અને સમજણનો ચોવીસ વર્ષની ઉંમરે ઓછો જોવા મળે એવો સરવાળો તેનામાં થયેલો છે. અમેરિકામાં સી.પી.એ.નું ભણીને અમદાવાદમાં આવ્યા પછી, નિશા પોતાના વર્તુળની બહાર નીકળીને સન્નિષ્ઠ જિજ્ઞાસાથી વિશાળ દુનિયા જુએ છે અને આંકડા સિવાયના, ગમતા એવા લખવા-વાંચવાના ક્ષેત્રમાં કારકિર્દી બની શકે કે કેમ એ વિશે વિચારે છે. અંગ્રેજીમાં તોલ્સ્તોયથી અમીષ ત્રિપાઠી સુધીના લેખકોને સમજીને વાંચતી નિશાએ હમણાં જ તેનું પહેલું ગુજરાતી પુસ્તક ‘સિદ્ધાર્થ’ હોંશથી પૂરું કર્યું. તે અમેરિકા હતી ત્યારે આ બ્લોગ માટે તેણે લખેલા, સુપરસ્ટ્રોર્મ સેન્ડી વિશેના એક વિશિષ્ટ લેખની લિન્ક : "If I don't survive...Love You"
Sunday, September 01, 2013
‘ગ્રંથાગાર’ પર છેલ્લી સાંજ : અમારા એકના એક પુસ્તક-અડ્ડાનો વિલય
![]() |
| 'ગ્રંથાગાર'/ Granthagar છેલ્લો દિવસ : (ડાબેથી) સંજય ભાવે, નાનક મેઘાણી, હંસાબહેન, રાજેન્દ્રભાઇ પટેલ |
ઉપરના વાક્યમાં વપરાયેલો ભૂતકાળનો પ્રયોગ ખટક્યો હોય, એ લોકો માટે માઠા સમાચાર એ છે કે ‘ગ્રંથાગાર’નો ગઇ કાલે છેલ્લો દિવસ હતો. નાનકભાઇએ તબિયતના ચઢાવઉતાર વચ્ચે અત્યાર લગી તેને ટકાવ્યું, પણ એંસી વર્ષના નાનકભાઇને મુખ્યત્વે તબિયતના તકાદાએ નિવૃત્ત થવા ફરજ પાડી. ‘ગ્રંથાગાર’માં મુલાકાતીઓની સંખ્યા પણ એટલી સરખી ન હતી કે તબિયતથી ખેંચાઇને એને ચાલુ રાખવાનું મન થાય. એટલે નાનકભાઇએ હંસાબહેનની સાથે વાતવિચાર કરીને ‘ગ્રંથાગાર’ને વિરામ આપવાનું નક્કી કર્યું.
![]() |
| નાનક મેઘાણી, હંસાબહેન : ફોટો લેતા અશ્વિન ચૌહાણ / Ashwin Chauhan |
કદી નિરાંતનો સમય હોય તો દોઢ-બે કલાકની બેઠક થાય. અલકમલકની વાતો નીકળે. નવાં પુસ્તકો આવ્યાં હોય તે નાનકભાઇ બતાવે. તેમની સંમાર્જિત રૂચિમાંથી બહુ ઓછા પુસ્તકો માટે નખશીખ સારો અભિપ્રાય નીકળે. બોલકી ટીકા એ ભાગ્યે જ કરે. બે-ચાર શબ્દોમાં સમજી જવાનું હોય. કદીક ત્યાં નિરંજન ભગત બેઠેલા દેખાય તો કદીક રતિલાલ બોરીસાગર. એક વાર એવો સુયોગ થયો હતો કે ગ્રંથાગારની નાનકડી જગ્યામાં નાનક મેઘાણી ઉપરાંત મહેન્દ્ર મેઘાણી, અમેરિકાનિવાસી ભાઇ અશોક મેઘાણી અને નિરંજન ભગતનો મેળાવડો મળ્યો હતો. સાથે હંસાબહેન તો ખરાં જ. ઉપરાંત સંજય ભાવે અને હું. એવી જ રીતે, એક વાર મંજરી મેઘાણી, અશોક મેઘાણી, નાનકભાઇના જોડીયા ભાઇ મસ્તાન મેઘાણી ‘ગ્રંથાગાર’ પર ભેગાં થયાં તેનો સાક્ષી બન્યો હતો. હવેના સમયમાં આવાં મિલન બહુ મીઠાં લાગે છે. કારણ કે એ ઓછાં થાય છે.
![]() |
| (ડાબેથી) અશોક મેઘાણી, નાનક મેઘાણી, હંસાબહેન, મહેન્દ્ર મેઘાણી અને નિરંજન ભગત (2010), Ashok Meghani, Nanak Meghani, Hansaben, Mahendra Meghani, Niranjan Bhagat |
![]() |
| (ડાબેથી) નિરંજન ભગત, અશોક મેઘાણી, નાનક મેઘાણી, મહેન્દ્ર મેઘાણી (2010) L to R Niranjan Bhagat, Ashok Meghani, Nanak Meghani, Mahendra Meghani |
![]() |
| (ડાબેથી) મંજરી મેઘાણી, સંજય ભાવે, નાનક મેઘાણી, હંસાબહેન અશોક મેઘાણી, મસ્તાન મેઘાણી (2010) L to R : Manjari Meghani, Sanjay Bhave, Nanak Meghani, Hansaben, Ashok Meghani, Mastan Meghani (2010) |
રાજકોટ ‘સાહિત્યમિલાપ’માં નાનકભાઇને સારો પ્રતિસાદ મળ્યો. એ અરસામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી શરૂ થઇ હતી. એ માટેનાં પુસ્તકો ખરીદવા માટે વાઇસ ચાન્સેલર ડોલરરાય માંકડ અને અધિકારી ડોલરરાય બૂચ ‘સાહિત્યમિલાપ’ પહોંચ્યા. નાનકભાઇએ તેમને રાબેતા મુજબનો હૂંફાળો આવકાર આપ્યો, પણ દિલગીરી સાથે કહ્યું કે પુસ્તકો કબાટોને બદલે જમીન પર થપ્પાબંધ ગોઠવાયેલાં છે. ડોલરરાય માંકડ જેવા વિદ્વાન કુલપતિના હોદ્દે હતા એટલે એમણે એકાદ કલાક સુધી થપ્પાબંધ પુસ્તકો જોયાં અને લીધાં પણ ખરાં.
રાજકોટથી અમદાવાદ આવવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં નાનકભાઇ એકલા આવ્યા. ૧૯૭૭નો એ સમય. કટોકટી પૂરી થઇ ચૂકી હતી. બહુમાળી ઇમારતોને બદલે બેઠા ઘાટનાં મકાનનો યુગ હતો. અમદાવાદમાં નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ પાસે ચારેક રૂમનું એક મકાન નાનકભાઇએ ભાડે રાખ્યું અને ત્યાંથી ‘ગ્રંથાગાર’ની શરૂઆત થઇ. એ જમાનામાં રૂ.પચીસ હજારનું ફર્નિચર પુસ્તક ભંડાર માટે તેમણે કરાવ્યું. ‘ગ્રંથાગાર’ નામ નાનકભાઇએ જ પાડ્યું હતું. (‘વસ્ત્રાગાર જેવા શબ્દ પરથી મને થયું કે પુસ્તકો માટે ગ્રંથાગાર રાખીએ.’) આગળ જતાં તેના બિલમાં લોગોની સાથે, નાનકભાઇને પુસ્તકપ્રેમમાંથી સૂઝેલી એક પંક્તિ મુકાઇ. ‘અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું’.
![]() |
| ગ્રંથાગાર/ Granthagar : લોગો અને ધ્યેયમંત્ર (છેલ્લા દિવસનું બિલ) |
નાનકભાઇની જીદ પણ એવી કે નવું પુસ્તક બહાર પડે એટલે મુંબઇ-દિલ્હીના બજારમાં આવે તેની સાથે જ એ ‘ગ્રંથાગાર’માં હોવું જોઇએ. તેની પાછળની ભાવના એ કે આપણા પુસ્તકપ્રેમીને અમદાવાદમાં હોવાને કારણે પોતે પાછળ રહી ગયો એવું ન લાગે. મુંબઇ-દિલ્હી એ ખરીદી કરવા જાય ત્યારે પણ પુસ્તકો તત્કાળ ડીસ્પેચ કરાવવાનો આગ્રહ રાખે. શક્ય હોય તો એકાદ પાર્સલ તો પોતાની સાથે ટ્રેનમાં જ બુક કરાવી દે.
‘રાઉટલેજ’ પ્રકાશન દર ત્રણ મહિને તેનાં આગામી પુસ્તકોનું દળદાર કેટલોગ બહાર પાડે. રાતે ઉજાગરો કરીને નાનકભાઇ એ વાંચે અને તેમાંથી પસંદગી કરે કે કયાં પુસ્તક મંગાવવાં. એક સમયે ‘રાઉટલેજ’માંથી દર મહિને પચાસેક હજાર રૂપિયાની કિંમતનાં પુસ્તકો ‘ગ્રંથાગાર’માં આવતાં હતાં. એ સિવાય મુંબઇ-દિલ્હીથી આવતાં પુસ્તકો અલગ. પરંતુ હિસાબકિતાબમાં નાનકભાઇનું ખાતું રજવાડી. (‘હું ચોપડીઓ વેચું કે હિસાબ લખું?’) ૧૯૮૬થી નાનકભાઇના મિત્ર અને ‘નવજીવન પ્રકાશન’ના બાલુભાઇ પારેખના પરિચયથી તેમના સાથીમિત્ર મણિભાઇ પટેલનાં પુત્રી હંસાબહેન ‘ગ્રંથાગાર’માં જોડાયાં.
![]() |
| હંસાબહેન અને નાનકભાઇ : 26 વર્ષનો સાથ |
હિસાબની બાબતમાં નાનકભાઇ બેદરકારની હદે ઉદાર. ઘણી વાર એવું બને કે બાકીમાં પુસ્તકો ખરીદનારે રકમ નોંધી ન હોય અને નાનકભાઇ તો એવી કશી નોંધ રાખે જ નહીં. એટલે સ્થિતિ એવી ઊભી થાય કે લેનાર શરમવાળા હોય તો તેમને ફરી ‘ગ્રંથાગાર’માંથી ખરીદી કરતાં શરમ લાગે. હંસાબહેનના જોડાયા પછી ખાતું થોડું વ્યવસ્થિ થયું. છતાં, એ વ્યવસ્થિતતામાં કડકાઇનો જરાય ભાવ ન હતો. બાબુ સુથાર અને હર્ષવર્ધન ત્રિવેદી જેવા તેમની વિદ્યાર્થી અવસ્થામાં વડોદરાથી ખાસ પુસ્તકો જોવા-ખરીદવા ‘ગ્રંથાગાર’ આવે. વિદ્યાર્થીઓ માટે સરળ- એટલે કે પોસાય એવા હપ્તે પુસ્તકો ખરીદવાની સુવિધા હોય જ. ક્યારેક તો એવું પણ બને કે વિદ્યાર્થી એકસામટા રૂપિયા આપે ત્યારે નાનકભાઇ સામેથી બધા રૂપિયા લેવાની આનાકાની કરે અને ‘થોડા પછી આપજો’ એવું કહે.
શરૂઆતમાં નાનકભાઇ એકલા હતા ત્યારે એ ‘ગ્રંથાગાર’માં જ રહે. પાછળના એક રૂમમાં તેમનો અસબાબ હોય અને આગળ ‘ગ્રંથાગાર’ ચોવીસે કલાક ચાલુ રહે. પ્રકાશભાઇ (શાહ)નાં પત્ની નયનાબહેન કહે છે, ‘એનો તો મને પણ અનુભવ છે. અમે રાત્રે જમીને આંટો મારવા નીકળ્યાં હોઇએ ત્યાં પ્રકાશભાઇ કહે કે હું એક પુસ્તક લેતો આવું. હું એમને પૂછું કે અત્યારે વળી કઇ દુકાન ખુલ્લી હોય? પણ ગ્રંથાગાર ખુલ્લું હોય.’ નાનકભાઇ કહે, ‘મારે નાનુંમોટું કામ હોય તો હું ગ્રંથાગાર ખુલ્લું રાખીને જ જતો આવું.’ પુસ્તકોની દુકાન સાવ ઉઘાડીફટાક હોય, પણ નાનકભાઇને કશો ખચકાટ ન થાય અને પુસ્તકપ્રેમીઓ પણ આ વાત જાણતા હોય. એક વાર બધાને ખબર પડી કે રાત્રે પણ ‘ગ્રંથાગાર’ ખુલ્લું હોય છે, એટલે બધા જમીપરવારીને શાંતિથી ત્યાં આવતા હતા.
નવરંગપુરામાં ‘ગ્રંથાગાર’વાળું ભાડાનું મકાન મૂળ માલિકે વેચી દીઘું, એટલે નાનકભાઇને એ જગ્યા છોડવી પડી. ત્યાંથી એ સાહિત્ય પરિષદની પુસ્તકભંડારની જગ્યામાં આવ્યા. પરંતુ ત્યાં નવરંગપુરા જેવો કસ ન રહ્યો. નવરંગપુરા ‘ગ્રંથાગાર’માં આવનારા ઘણાખરા લોકોમાંથી ભાગ્યે જ કોઇ પરિષદમાં આવતા હતા. થવું એવું જોઇએ કે ગુજરાતી સાહિત્ય પરિષદના મકાનમાં હોવાને કારણે ‘ગ્રંથાગાર’ જાણીતું બને, પણ બન્યું એવું કે ઘણા લોકો ‘ગ્રંથાગાર’ને લીધે સાહિત્ય પરિષદ સુધી આવતા થયા. સાહિત્ય પરિષદમાં આવ્યા પછી ‘ગ્રંથાગાર’ની મુલાકાત લેનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય. એ સિવાય થોડાઘણા સ્નેહીજનો. પરંતુ નાનકભાઇને જેમાં મુખ્ય રસ હતો એ અંગ્રેજી પુસ્તકોનો વિભાગ પરિષદમાં આવ્યા પછી ખૂણે હડસેલાઇ ગયો અને ગુજરાતી પુસ્તકો મુખ્ય બની ગયાં. તેમ છતાં, વાચકોને લાડ લડાવવાનું નાનકભાઇએ ચાલુ રાખ્યું. યાદ આવે છે કે એક વાર મ્યુઝિકના એન્સાયક્લોપીડિયાનાં વોલ્યુમ આવ્યાં હતાં, ત્યારે હંસાબહેને ફોન કરીને પૂછ્યું હતું કે ‘આજકાલમાં આવવાના છો?’ અનુકૂળ હતું અને હું પહોંચ્યો એટલે નાનકભાઇએ એન્સાયક્લોપીડિયાનાં પેક વોલ્યુમ કાઢીને એમાંથી એક મારી સામે ધર્યું અને એ મતલબનું કહ્યું કે તમારી હાજરીમાં આ પેકિંગ ખોલવું એવી ઇચ્છા હતી.
![]() |
| પુસ્તકાચ્છાદિત માહોલમાં ગોષ્ઠિ : મહેન્દ્ર મેઘાણી, નિરંજન ભગત Mahendra Meghani, Niranjan Bhagat at Granthagar, 2010 |
‘ગ્રંથાગાર’ની છેલ્લી સ્મૃતિ આવી પ્રસન્નતાથી ભરપૂર જ હોઇ શકે.
![]() |
| નાનક મેઘાણી, હંસાબહેન, 31-8-2013ની સાંજ Nanak Meghani, Hansaben, 31-8-2013 evening |
Sunday, June 05, 2011
રવીન્દ્રનાથ ટાગોરને 'ફિલ્માંજલી'


Tuesday, November 23, 2010
જન ગણ મન કળાનાયક...





Sanskriti yatra train
રવીન્દ્રનાથ ટાગોરની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલવેએ પાંચ ડબ્બાની એક ખાસ ટ્રેનમાં પ્રદર્શન તૈયાર કર્યું છે. દેશમાં ફરતું ફરતું એ પ્રદર્શન ત્રણ દિવસ માટે અમદાવાદ આવ્યું હતું. આજે છેલ્લો દિવસ હતો. (એ યાદ કરાવતો મુ.મહેન્દ્રભાઇ મેઘાણીનો ફોન પણ એમની રાબેતા મુજબની ભાર વગરની ચોક્સાઇ સાથે આવી ગયો.) એટલે આજે સવારે અમદાવાદ સ્ટેશનના એક નંબર પ્લેટફોર્મ પર ગોઠવાયેલું ‘એક્ઝિબિશન ઓન વ્હીલ્સ’ જોયું.
રવીન્દ્રનાથ ટાગોર જેવી કળાક્ષેત્રની હસ્તીને યાદ કરીને તેમના માટે આવું પ્રદર્શન વિચારવામાં આવે, એ અભિનંદનને પાત્ર છે. પ્રદર્શનમાં રવીન્દ્રનાથ, તેમનાં પરિવારજનો અને શાંતિનિકેતન ઉપરાંત વિવિધ મહાનુભાવો સાથે રવીન્દ્રનાથની ઘણી તસવીરો જોવા મળી. ‘ગીતાંજલિ’ના વિવિધ ભાષામાં પ્રકાશિત અનુવાદોનાં મુખપૃ્ષ્ઠ બહુ રસ પડે એવાં હતાં.
એક ડબ્બો રવીન્દ્રનાથનાં ચિત્રોનો જ હતો. પાંચે ડબ્બામાં ફરતી વખતે બંગાળી અવાજોમાં રવીન્દ્રસંગીતની સુરાવલિઓ સંભળાતી હતી. છેલ્લા ડબ્બામાં રવીન્દ્રનાથની છબી કે ચિત્રો ધરાવતી કેટલીક ચીજો ઉપરાંત શાંતિનિકેતનની હસ્તકલા તરીકે શોપિંગપ્રિય પ્રજાને ગમે એવી કેટલીક ચીજો –પર્સ ઇત્યાદિ- પણ હતી. ભલું થાવ આયોજકોનું કે શાંતિનિકેતનમાં બનેલાં સંદેશ-રસગુલ્લાં વેચાતાં ન હતાં.
આ પ્રકારના ઉપક્રમને આવકાર્યા પછી પણ તેમાંથી કેટલીક મૂળભૂત અપેક્ષાઓ મોટે ભાગે સંતોષાયા વગરની રહેતી હોય છે. ટાગોર-ટ્રેનમાં પણ એવું જ બન્યું.
- ઇ.સ.2010નું પ્રદર્શન હોય અને તે ઇન્ટરએક્ટિવ કેમ ન હોય?
- આખા પ્રદર્શનમાં ક્યાંય રવી્ન્દ્રનાથનો અવાજ અને ફિલ્મ (હાલતાચાલતા રવીન્દ્રનાથ) ક્યાંય ન દેખાય એ કેમ ચાલે? એક જાણીતી ડોક્યુમેન્ટરીમાં રવીન્દ્રનાથ ટાગોરના અવાજમાં રેકોર્ડ થયેલું જનગણમન... છે. પ્રદર્શનમાં ચારે અંતરાવાળું આખું જનગણમન... મૂકેલું હતું. તેની નીચે બટન દબાવવાથી રવીન્દ્રનાથના અવાજમાં એ સાંભળવા મળે એવી વ્યવસ્થા ન થઇ શકે? ટેકનોલોજીની રીતે એ કરવું અઘરું નથી.
- આપણાં ઘણાં સંગ્રહસ્થાનોમાં બને છે તેમ, તસવીરોની નીચે ફોટોલાઇન ન હોય અથવા અધૂરી હોય એવું શા માટે? શાંતિનિકેતનની એક તસવીરમાં વિદ્યાર્થીઓ એક વડીલને વીંટળાઇને બેઠા હોય અને એની કશી ફોટોલાઇન જ ન હોય (- અને એ વડીલ શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેન હોય)...
- આ પ્રકારનાં પ્રદર્શનોની કક્ષા જોતાં એવું લાગે, જાણે તે સ્કૂલનાં બાળકોને ધ્યાનમાં રાખીને યોજાતાં હશે. જો એમ જ હોય તો આયોજકોએ સ્કૂલનાં બાળકોની કક્ષા વિશે નવેસરથી વિચાર કરવો રહ્યો. કેમ કે ડિજિટલ યુગનાં બાળકોને આવાં પ્રદર્શનોથી કેટલી હદે આકર્ષી શકાય એ સવાલ., આ જાતનાં પ્રદર્શનમાં કોઇ ઉત્સાહી જ નહીં, જાણકાર પણ હોય એવા શિક્ષક સાથે હોય તો જ વિદ્યાર્થીઓને પણ કંઇક જાણવા મળે- અને વડીલો માટે તો એ વિકલ્પ પણ નથી
Thursday, February 04, 2010
મેઘાણી બંઘુત્રિપુટી અને ભગતસાહેબ
સાહિત્ય પરિષદની અંદર આવેલા ‘ગ્રંથાગાર’ માં અચ્છુંખાસું મેળાવડાનું વાતાવરણ થઇ ગયું. ત્રણે મેઘાણી બંઘુઓ- અશોકભાઇ, નાનકભાઇ અને મહેન્દ્રભાઇ- ઓછા હોય તેમ નિરંજન ભગત આવી ચડ્યા. તેમણે પણ ખુરશી નાખી અને અલકમલકની વાતો કરી. એ અનોખી અને અનાયાસ મિજલસની થોડી યાદગીરી.

Saturday, January 09, 2010
આજે પુસ્તકો વિશેના ‘દૃષ્ટિકોણ’માં મહેન્દ્રભાઇ મેઘાણી
પુસ્તકપ્રેમીઓ-વાચનપ્રેમીઓ કાર્યક્રમ જુએ, પ્રતિભાવ જણાવે.
Monday, April 27, 2009
મહેન્દ્ર મેઘાણી, મનમોહન સિંઘ અને મોદી
સમાચાર ચટપટી જગાડે એવા હતા. મહેન્દ્રભાઇને ચૂંટણી વિશે, સભા વિશે, મનમોહનસિંઘ વિશે, અમદાવાદ વિશે અને ઇન્ડિયન એક્સપ્રેસ વિશે શું કહેવાનું હશે, એવી અનેકવિધ જિજ્ઞાસા સાથે કશા સત્તાવાર પ્રયોજન વિના ફક્ત એમને મળવા માટે હું ગયો. એ વખતે અનાયાસે ઓફિસે આવેલા મિત્ર ચંદુ મહેરિયા પણ સાથે થયા.
બે-ત્રણ અઠવાડિયાં ભાવનગર જઇ આવ્યા પછી અમદાવાદમાં મંજરીબહેનને ઘેર રહેતા મહેન્દ્રભાઇ ઉનાળાને અનુરૂપ, ફક્ત લેંઘો પહેરીને કમરની ઉપરના ઉઘાડા ડીલે બેઠા હતા. (એ દૃશ્ય જોઇને મને ગાંધી-સરદાર-મહાદેવભાઇનો એક ફોટો યાદ આવ્યો, જેમાં ફક્ત સરદારે જ પહેરણ પહેર્યું છે અને બાકીની બન્ને મૂર્તિઓ પહેરણ વિના ફક્ત ધોતીભેર બેઠેલી છે.)
ગઇ કાલની સભા વિશે મહેન્દ્રભાઇને પૂછપરછ કરી એટલે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને લખી મોકલેલો પત્ર વાંચી સંભળ્યાવ્યો. તેનો સાર એ હતો કે ચૂંટણીની અથવા બીજી સભામાં મોડા આવવું એ રાજકારણીઓએ અફર નિયમ બનાવી દીધો છે. વડાપ્રધાન મનમોહન સિંઘ બીજા રાજકારણીઓ કરતાં જુદા અને સારા છે. છતાં એ પણ કાલની ચૂંટણીસભામાં ૭૫ મિનિટ મોડા આવ્યા. ‘૮૬ વર્ષના પત્રકાર તરીકે હું તેમાં હાજર હતો’ એવી પોતાની ઓળખ આપીને મહેન્દ્રભાઇએ લખ્યું કે સિંઘ જેવા સુજ્ઞ માણસે આ રીતે પોતાના દેશવાસીઓનો હજારો માનવકલાકનો સમય ન વેડફાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.
મારા માટે પહેલી નવાઇ તો એ કે મહેન્દ્રભાઇએ સવા કલાક સુધી મનમોહન સિંઘના આવવાની રાહ જોઇ! એ વિશે પૂછ્યું એટલે મહેન્દ્રભાઇ કહે,‘હું નક્કી કરીને ગયો હતો કે મનમોહન સિંઘને સાંભળીને જ આવીશ. નહીંતર તરત પાછો આવી ગયો હોત.’
એમને ચૂંટણી કે રાજકારણમાં રસ નથી. કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’નું એક પ્રકરણ ટાંકીને મહેન્દ્રભાઇ પ્રજાને કૂવા સાથે અને રાજકારણીઓને હવાડા સાથે સરખાવે છે અને કહે છે,‘હું કૂવો સાફ કરવાના કામમાં છું.’
મહેન્દ્રભાઇ નેહરૂ-ઇન્દિરા ગાંધી સહિત નેતાઓને સાંભળી ચૂક્યા છે, પણ યુવાવસ્થામાં તેમની પર વક્તા તરીકે સૌથી વઘુ અસર સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની પડી હતી. મુંબઇમાં સાંભળેલાં યુસુફ મહેરઅલીનાં પ્રવચનો તેમને ‘કન્વીન્સિંગ’ અને બરાબર યુવા નેતાનાં હોય એવાં લાગ્યાં હતાં. ઇન્દિરા ગાંધી હતાં ત્યાં સુધી રાજકારણમાં મહેન્દ્રભાઇનો રસ રહ્યો.
ઈંદિરાઘોષિત કટોકટીકાળમાં મહેન્દ્રભાઇ સંપાદિત ‘મિલાપ’માં કટોકટીના વિરોધમાં આવતા લેખો કરતાં તરફેણમાં આવતા લેખોનું પ્રમાણ વધી જવાને કારણે મનુભાઇ પંચોળી ‘દર્શક’ નારાજ થઇ ગયા હતા. તેમણે મહેન્દ્રભાઇને કહી દીઘું હતું કે ‘હવેથી મિલાપમાં મારા લેખ છાપવા નહીં.’ આ વાત પણ મહેન્દ્રભાઇ તેમની રાબેતા મુજબની, મુક્ત હાસ્યના છંટકાવ સાથેની શૈલીમાં જ કહે છે. કટોકટી વિશે મહેન્દ્રભાઇની માન્યતા વિનોબા ભાવે સ્કૂલની હતી. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવી હતી.
જોકે, અત્યારે મહેન્દ્રભાઇ કહે છે કે એ ઉપમા યોગ્ય ન હતી. ‘મોટામાં મોટી (રશિયાની) ક્રાંતિ પણ સિત્તેર વર્ષમાં ભાંગી પડી અને રશિયા હવે બમણા જુસ્સાથી મૂડીવાદી બની રહ્યું છે. કારણ કે રશિયાની ક્રાંતિ લોહીથી સિંચાયેલી હતી. એટલે લોકશાહી વિના ઉદ્ધાર નથી, એવી મહેન્દ્રભાઇની દૃઢ માન્યતા છે.
નરેન્દ્ર મોદીને ભયંકર માણસ ગણાવીને મહેન્દ્રભાઇએ કહ્યું કે મોદી આખા ગુજરાતને પોતાની તરફેણમાં કરી શકશે, તો પણ એક માણસ (મ.મેઘાણી પોતે) તેની સામે બાકી રહેશે. મોદીની સાથે જોડાતા મુસ્લિમો વિશે તેમણે કહ્યું કે,‘એવી તસવીરો જોઇને ઘણી વાર મને થાય છે કે મુસ્લિમ એ છે કે હું છું? મુસ્લિમ એટલે ધર્મની રીતે નહીં, પણ અત્યાચારનો ભોગ બનનાર.’
મેં માનસશાસ્ત્રમાં સ્થાન પામેલા મનોવલણ ( સ્ટોકહોમ સિન્ડ્રોમ?) ની વાત કરી, જેમાં અપહૃત વ્યક્તિ કે સમુદાય અપહરણકર્તામાં પોતાના તારણહારનાં દર્શન કરે અને તેને સાચવી લઇશું તો પોતાની સલામતી જળવાઇ રહેશે એવું વિચારવા લાગે.
એક સમયે મહેન્દ્રભાઇ કલકત્તાથી નીકળતું ‘સ્ટેટ્સમેન’ દૈનિક લવાજમ ભરીને પોસ્ટમાં મંગાવતા હતા. ‘હવે મારા મત પ્રમાણે એનું ધોરણ પહેલાં જેવું નથી રહ્યું’ એમ કહેતા મહેન્દ્રભાઇ સ્ટેટ્સમેન મંગાવતા નથી. ‘હિંદુ’માં વાંચવા જેવું ઘણું આવે છે, પણ ફક્ત વાંચીને બેસી રહેવાનું મહેન્દ્રભાઇથી બનતું નથી. ‘સારૂં વાંચું તે બીજાને વહેંચું નહીં ત્યાં સુધી ચેન ન પડે.’ એટલે અત્યારે મહેન્દ્રભાઇ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વાંચે છે અને ‘દિવ્ય ભાસ્કર’ ઘરે આવે છે એટલે જોઇ લે છે.
ગુજરાતનાં પખવાડિક ‘પોતાને વિચારપત્ર કહેવડાવતાં સામયિકો’ વિશે મહેન્દ્રભાઇએ કહ્યું કે ત્રણ સામયિકો પખવાડિક તરીકે નીકળતાં હોય અને મર્યાદિત- એના એ જ વર્તુળમાં ઓછી સંખ્યામાં જતાં હોય, એને બદલે એ ત્રણે ભેગા થઇને એક અઠવાડિક કાઢીને તેની ૫૦ હજાર નકલ કેમ ન છાપે?
૪ મેના રોજ અમેરિકા જતા મહેન્દ્રભાઇનો મત ભાવનગરમાં છે. એટલે ૩૦મી તારીખે ફક્ત મત આપવા માટે એ ભાવનગર જવાના નથી. ‘મતદાન પવિત્ર ફરજ છે’ વગેરે આદર્શો મેં સહેજ રમૂજ સાથે યાદ કરાવતાં મહેન્દ્રભાઇએ કહ્યું,‘એક મતથી એવો કંઇ ફેર પડતો નથી.’ ચંદુભાઇએ ઉમેર્યું,‘ભાવનગરમાં એવા કોઇ ઉમેદવાર પણ નથી, જેને મત આપવા આટલી દોડાદોડ કરવાનું મન થાય.’
Monday, February 16, 2009
વિનોદ મેઘાણીની વિદાય


1994માં ‘પ્રસાર’ દ્વારા તે 512 પાનાંના દળદાર ગ્રંથ તરીકે પ્રકાશિત થયો. પુસ્તકના છેડે ‘સ્મૃતિપથે....કર કર લંબી બાંય’ શીર્ષક હેઠળ પોતાના નિવેદનમાં વિનોદભાઇએ મેઘાણીસ્પેશ્યલ નમ્રતાથી લખ્યું હતું, ‘મારા મોટા ભાઇ મહેન્દ્રભાઇએ અમૂલ્ય સમય આપીને અનુવાદનાં પચીસેક પાનાં દસેક દિવસ સુધી ઝીણવટથી તપાસીને સૂચનો કર્યાં તેને આધારે આખી હસ્તપ્રત મારી મર્યાદા અનુસાર મેં સુધારી છે. એ કારણે અનુવાદની ગુણવત્તા ઘણી વધી જ હોય. પણ આનો અર્થ એવો નથી થતો કે આ અનુવાદ મહેન્દ્રભાઇના ઉચ્ચ ધોરણની કસોટીમાંથી પસાર થયો છે.’
થોડાં વર્ષ પહેલાં વડોદરામાં એબીએન એમ્રો બેન્કના હોલમાં વાન ગોગનાં ચિત્રોના સ્લાઇડ શો સાથે વિનોદભાઇ આવ્યા ત્યારે ભાભી કામિની કોઠારી બાળકો સાથે ‘સળગતાં સૂરજમુખી’ લઇને શોમાં ગયાં હતાં. પુસ્તક પર વિનોદભાઇના હસ્તાક્ષર પણ, તેમની આરંભિક આનાકાની પછી લીધા, જે એક યાદગીરી તરીકે આ સાથે મુક્યા છે.

વિનોદભાઇએ મેઘાણીની કેટલીક કૃતિઓના અંગ્રેજી અનુવાદનું મોટું કામ કર્યું. ‘માણસાઇના દીવા’ને ‘અર્થન લેમ્પ્સ’ તરીકે તથા સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓને ‘એ નોબેલ હેરીટેજ’, ‘ધ શેડ ક્રીમ્સન’ અને ‘એ રુબી શેટર્ડ’ એમ ત્રણ અંગ્રેજી સંગ્રહોમાં તેમણે મુકી. હિમાંશીબહેન સાથે મળીને તેમણે કરેલું પિતા ઝવેરચંદ મેઘાણીના પત્રોનું દળદાર સંપાદન ‘લિ.હું આવું છું’ ઉડઝૂડિયાં સંપાદનોથી ગ્રસ્ત સાહિત્યક્ષેત્રે જુદું તરી આવે એવું છે.
Tuesday, February 10, 2009
ગુજરાતી બચાવોઃ કેટલીક ગેરમાન્યતાઓ
ગુજરાતી માઘ્યમ જેમ બિચારૂંબાપડું બનતું ગયું, તેમ ગુજરાતી ભાષા વિશેની ચિંતા શરૂ થઇ અને વધી. અત્યારે ગુજરાતી ભાષામાં કામ કરતા વિદ્વાનો-અભ્યાસીઓનો એક વર્ગ એવો છે, જેણે ગુજરાતી ભાષાના નામનું નાહી નાખ્યું છે. તેમને ગુજરાતી ભાષાનું ભવિષ્ય અંધકારમય લાગે છે. કેટલાક તો એવું પણ માને છે કે આવતાં પચાસ-સો વર્ષમાં ગુજરાતી ભાષાનું ઉઠમણું થઇ જશે. ગુજરાતી ભાષાની ભવિષ્ય વિશે અટકળો કરતાં પહેલાં તેના વર્તમાન અને ભૂતકાળ વિશેના કેટલાક ભ્રમ વેળાસર - ખરેખર તો મોડે મોડેથી- દૂર કરવા જેવા છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...
બીજું કંઇ પણ કર્યા વિના, ગુજરાત વિશે ફક્ત ગૌરવ લેવામાં કવિ ખબરદારની પંક્તિઓ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ બહુ કામમાં લાગી છે. હવે કમ સે કમ ગુજરાતી ભાષાના મામલે એ પંક્તિઓને રજા આપવાનો સમય થઇ ગયો છે.
પરદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાત એટલે? ખમણ, ઢોકળાં, ખીચડી-કઢી, સ્વાઘ્યાય, સ્વામિનારાયણ, વિદેશી ચલણનો રૂપિયામાં ગુણાકાર... આ યાદીમાં ગુજરાતી ભાષાને ભાગ્યે જ સ્થાન મળે છે. અત્યાર સુધી વિદેશમાં વસતા ગુજરાતીઓની બીજી-ત્રીજી પેઢી સુધી ઘરમાં ગુજરાતી ટકી રહેતું હતું. પણ હવે એવી શક્યતા નથી. વૈશ્વિકીકરણ (ગ્લોબલાઇઝેશન)ની ઝડપ પછી ગુજરાતમાં ગુજરાતીની ચાલ ખોડંગાતી હોય ત્યાં પરદેશીમાં ગુજરાતી ટકી રહેશે એવી આશા રાખવી વઘુ પડતી છે. વિપુલ કલ્યાણી કે જગદીશ દવે જેવા નિષ્ઠાથી એ દિશામાં પ્રયાસ કરે છે, પણ તેમની કામગીરી પાછળ ભવિષ્યની ઉજળી આશા કરતાં માતૃભાષા પ્રત્યેની મમતાનો ભાવ મુખ્ય છે.
સાર એટલે કે જ્યાં જ્યાં વસે સેંકડો ગુજરાતી, એવા દેશો કે રાજ્યોમાં પણ ગુજરાતીનાં અંજળ ખૂટ્યાં છે. બોલચાલની ભાષા તરીકે હજુ થોડાં વર્ષ - કદાચ થોડા દાયકા- તે ટકે, પણ લેખન-વાચનમાંથી તેનો એકડો ઝડપથી અને સદંતર નીકળી જશે.
ગુજરાતી માઘ્યમ એટલે ગુજરાતી ભાષા
આ ગેરસમજણ સૌથી પ્રચલિત છે. તેમાં તથ્યનો અંશ ખરો, પણ સચ્ચાઇથી એ બહુ દૂર છે. એક રીતે વિચારતાં, ભણતરમાં ગુજરાતી માઘ્યમનો વ્યાપ જેમ વધારે તેમ ગુજરાતી ભાષા વઘુ સલામત. શહેરી અને હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈંગ્લીશ મીડિયમના પ્રચંડ આક્રમણને કારણે ગુજરાતી માઘ્યમનાં વળતાં પાણી ક્યારનાં શરૂ થઇ ગયાં છે. વૈશ્વિકીકરણમાં વિશ્વભાષા તરીકે ઈંગ્લીશના વ્યવહારસિદ્ધ ઉપયોગને કારણે મોટા ભાગના લોકો ઈંગ્લીશ મીડિયમને સફળતાનો શોર્ટકટ માનતા થઇ ગયા છે. સ્કૂલમાં બે-પાંચ હજાર રૂપિયાનો માસિક પગાર ધરાવતા, સવારે ભણીને સાંજે ભણાવતા ‘સર’ કે ‘મેડમ’ હોય તેનો બાધ નથી. પરવા પણ નથી. મીડિયમ ઈંગ્લીશ હોવું જોઇએ અને ફી આકરી! તેનાથી માતાપિતાને સંતાન પ્રત્યેની ફરજ અદા કર્યાનો સંતોષ.
ઈંગ્લીશનું મહત્ત્વ સમજનારા ખોટા નથી, પણ ગુજરાતી માઘ્યમની સાથે ગુજરાતી ભાષા પ્રત્યે આભડછેટ સેવવાનો અભિગમ વઘુ પડતો છે. ગુજરાતી વાંચતાં-લખતાં ન આવડવું શરમજનકને બદલે ગૌરવપ્રદ ગણાય, એ સ્થિતિ માટે ઈંગ્લીશ મીડિયમ નહીં પણ અધકચરાં માતાપિતાની ઈંગ્લીશ મીડિયમ માટેની ઘેલછા જવાબદાર છે. તેમની આવી વૃત્તિને કારણે ગુજરાતભરમાં ગુજરાતી માઘ્યમની શાળાઓ ભાંગી રહી છે અથવા ઈંગ્લીશ મીડિયમ શરૂ કરી રહી છે. આ પ્રવાહ શહેરો પૂરતો મર્યાદિત નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ‘શહેર જેવું’ ભણતર આપવા માટે મોંઘી ફી લેતી ઈંગ્લીશ મીડિયમની ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. ગુજરાતી માઘ્યમ ટૂંક સમયમાં ‘સરકારી’, ‘ગરીબ’, ‘સામાજિક રીતે પછાત લોકો માટે’ એવા શબ્દોનું પર્યાય બની જશે. એ દિશામાં શરૂઆત ક્યારની થઇ ચૂકી છે.
છતાં ગુજરાતી માઘ્યમમાં ભણનારા લોકોની સંખ્યા નાનીસૂની નથી. અને એ નજીકના ભવિષ્યમાં ચિંતાજનક રીતે ઓછી થઇ જાય એ પણ લાગતું નથી. કોઇ પણ માઘ્યમમાં ન ભણ્યા હોય અથવા ખપજોગું ભણ્યા હોય એવા લોકોની બોલચાલની કે સંપર્ક-વ્યવહારની ભાષા ગુજરાતમાં તો ગુજરાતી જ રહેવાની છે. ગુજરાતી પછી મુખ્યત્વે ‘હેવ નોટ્સ’ની (વંચિતોની) ભાષા બની જશે અને ટાટા કે અંબાણી અત્યારે એકાદ વાક્ય ગુજરાતીમાં બોલીને જે રીતે પોતાનું ગુજરાતીપણું બતાવે છે, એવું ભવિષ્યમાં ગુજરાતના સમૃદ્ધ ગુજરાતીઓ પણ કરશે. એ પ્રવાહ પણ શરૂ થઇ ચૂક્યો છે.
ગુજરાતી હવેના જમાનામાં અપ્રસ્તુત છે
‘ગાંધી હવે અપ્રસ્તુત છે’ એ વિધાન જેટલું સાચું હોય, એટલું જ આ વિધાન પણ સાચું છે. એમ કહેવાથી એવો આભાસ ઉભો થાય છે કે ગુજરાતી ભાષા (કે ગાંધી) એના વાંકે અપ્રસ્તુત બની ગઇ. હકીકત શી છે? ગુજરાતીમાં જ્ઞાનસંચયનાં સાધનો ઉભાં કરવામાં પ્રજા તરીકે આપણે નિષ્ફળ ગયાં. નવી-જૂની વિદ્યાઓમાં ગુજરાતીમાં ઉતારવાનું કામ અઘ્યાપકો અને ભાષા સાથે કામ પાડનારા દ્વારા સાથે મળીને થવું જોઇતું હતું. એ ફક્ત અઘ્યાપકો દ્વારા થયું. પારિભાષિક શબ્દોના પ્રેમી અઘ્યાપકોએ અંગ્રેજીમાં ઉપલબ્ધ જ્ઞાનનું ગુજરાતી એવી ક્લિષ્ટ અને દુર્બોધ ભાષામાં કર્યું કે ઘણી વાર ગુજરાતી વાંચ્યા પછી સમજવા માટે અંગ્રેજીમાં વાંચવું પડે. (અતિશયોક્તિ લાગતી હોય તો ‘સાયન્સ સીટી’માં મુકેલા પ્રયોગોનું વર્ણન વાંચવાનો પ્રયોગ કરી જોવો.)
જ્ઞાનની ક્ષિતિજો સતત અંગ્રેજી કે બીજી કેટલીક ભાષાઓમાં વિકસતી ગઇ. બીજી ભાષાઓમાં વિકસતું જ્ઞાન અંગ્રેજીમાં સતત ઉતરતું રહ્યું, પણ એ ગુજરાતીમાં ઉતરી શક્યું નહીં. એટલે એક સ્તરથી આગળના અભ્યાસ માટે ભાષા તરીકે ગુજરાતી ટાંચી પડી. પાઠ્યપુસ્તકો અને ઉચ્ચ અભ્યાસને લગતાં પુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરવાનું કામ દેશના પરમાણુ કાર્યક્રમ કરતાં પણ વધારે મહત્ત્વનું હતું. પરંતુ એ કામ અનેક કૌભાંડોથી ખરડાયું. ગુજરાતી સામગ્રીની ગુણવત્તા સાવ નબળી બની. જોડણી જેવી મૂળભૂતના મામલે અનેક ગોટાળા અને વિસંગતી ધરાવતો પાયો રચાયો. તેની પર ચણાયેલી ઇમારતમાં અરાજકતાનો ગુણાકાર થયો.
શિક્ષણક્ષેત્રની નિષ્ફળતાએ બાકી રાખેલી કસર પ્રસાર માઘ્યમોએ પૂરી કરી. સમુહ માઘ્યમોએ જોડણી અને ભાષાની પરવા કર્યા વિના એવી ગાડી દોડાવી કે ખરાખોટાનો છોછ જતો રહ્યો. ‘નિષ્ણાત’ને બદલે ‘નિષ્ણાંત’ જેવા ઘણા અક્ષમ્ય ગોટાળા પ્રસાર માઘ્યમોએ સ્થાપિત કરેલી સચ્ચાઇ તરીકે સમાજમાં પ્રસરી ગયા અને એમ.ડી. થયેલા ગુજરાતી ડોક્ટરો પણ પોતાના પાટિયામાં ‘નિષ્ણાંત’ ચિતરાવવા લાગ્યા.
થોડા વખતથી યુવાન વાચકોને રીઝવવાના નામે વર્ણસંકર ગુજરાતીનો ખેલ ચાલે છે. સવાલ ‘ટેબલ’ને બદલે ‘મેજ’ કે ‘પેન’ને બદલે ‘કલમ’ જેવું ભદ્રંભદ્રીય ગુજરાતી લખવાનો નથી. સહેલાઇથી અને સૌ સમજી શકે એવા ગુજરાતી શબ્દો ઉપલબ્ધ હોય, ત્યારે પણ યુવાન વાચકોને આકર્ષવાના બહાને ગુજરાતી ભાષા પાસે ‘સ્ટ્રીપટીઝ’ કરાવવામાં આવે એ દુઃખદ છે. વર્ણસંકર અને કાલુંઘેલું ગુજલીશ વાંચનારા લોકોને સીઘુંસાદું ગુજરાતી નથી વાંચવું એવું શા માટે ધારી લેવામાં આવે છે? પણ સ્ટાઇલના ધખારાને જમાનાની - વાચકોની માગ તરીકે રજૂ કરવામાં આવે તેને લીધે ઘણા લોકો એવી ગેરસમજણ સેવતા થઇ જાય છે કે ‘હવેના જમાનામાં તો આવું ભેળસેળીયું ગુજરાતી જ ચાલે.’
ગુજરાતી શુદ્ધ જ રહેવું જોઇએ એવો કોઇ દુરાગ્રહ નથી. બહારના શબ્દો આવતા હોય તો ભલે. પણ લખનારનું બીજી ભાષાનું શબ્દભંડોળ થોડું વધે કે તરત પ્રચલિત ગુજરાતી શબ્દોને ફગાવી દેવાની કે તેમને અપ્રસ્તુત જાહેર કરી દેવાની ઘૃષ્ટતા હવે સામાન્ય થઇ પડી છે.
ભાષાને સરળ કરવી એ જ ઉપાય
થોડી પેઢી પછી ગુજરાતી ભાષાનું ચલણ સમૃદ્ધ વર્ગમાં કદાચ મામૂલી થઇ જાય, પણ એ સિવાયના વિશાળ અને ભાગ્યે જ ગણતરીમાં લેવાતા સમાજમાં ગુજરાતી ટકી રહેવાની છે. એ સંદર્ભે અને જોડણીની અરાજકતા દૂર કરવા માટે અત્યારે ઉંઝા જોડણી જેવા પ્રયાસ ચાલી રહ્યા છે. મહેન્દ્ર મેઘાણી વર્ષોથી ગુજરાતી મૂળાક્ષરોમાંથી જોડાક્ષરો દૂર કરવા પ્રયત્નશીલ છે. ઉંઝા જોડણી હોય કે મહેન્દ્રભાઇની લિપી, બન્ને કેવળ ભાવનાત્મક મુદ્દા નથી. તેની પાછળ ચોક્કસ તર્ક છે. વર્ષોથી એક પ્રકારની જોડણીથી (કે તેની અરાજકતાથી) ટેવાઇ ગયા પછી કોઇ પણ નવી વ્યવસ્થા સ્વીકારવાનું કાઠું પડે એ સમજાય એવું છે. પણ ઉંઝા જોડણી જેવો વિકલ્પ ખુલ્લા મને વિચાર થઇ શકે એટલો આધાર ધરાવે છે.
પણ આ તો થઇ જોડણીરૂપી વાંસળીની વાત. ખરો સવાલ ભાષારૂપી વાંસનો છે. તેમાં જોડણીસુધાર જેવી બાબતો અમુક હદથી વધારે મદદરૂપ બની શકતી નથી. ગુજરાતી બચાવ ઝુંબેશ સાથે સંકળાયેલી કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ ૧૪ ફેબુ્રઆરીની સવારે દસ વાગ્યે ગુજરાત વિદ્યાપીઠથી એક રેલીનું આયોજન કર્યું છે. લોકોમાં જાગૃતિ આણવાના ઉપાય તરીકે તે આવકાર્ય છે, પણ ગુજરાતી ભાષાના અસ્તિત્ત્વ વિશેની મૂળભૂત ચિંતા દૂર કરવા માટે અનેક સ્તરે અને જુદી જુદી દિશામાં વધારે સાતત્યપૂર્ણ કામગીરીની જરૂર છે. ગુજરાતી ભાષા ધબકે છે ત્યાં સુધી એ કામ ઉપાડવામાં કદી મોડું થવાનું નથી. ગુજરાતી બચાવવાની ઝુંબેશ ભાવનાત્મક ઉપરાંત વ્યૂહાત્મક પણ બનાવવી પડે, બસ!
Friday, January 30, 2009
જગન મહેતાના તસવીર પ્રદર્શન નિમિત્તે
જેનો ત્રીજો માળ મોટે ભાગે ખાલી હોય છે, એવી ગુજરાતની લલિત કળા અકાદમીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઇ કાલે જગન મહેતાની તસવીરોનું પ્રદર્શન ખુલ્લું
મુકાયું. ૧૦૦ વર્ષના તસવીરકાર પ્રાણલાલ પટેલ, ૮૪ વર્ષના નારાયણ દેસાઇ, શિલ્પકાર કાંતિ પટેલ અને બીજા કળાકારો-કળાપ્રેમીઓ એ પ્રસંગે હાજર રહ્યા. ગાંધીજીની તસવીરોથી દેશવિદેશમાં ખ્યાતિ મેળવનાર જગન મહેતા ૯૩ વર્ષની વયે ૨૦૦૩માં અવસાન પામ્યા. પ્રેસનોટ પૂરી થઇ.હા, પ્રેસનોટમાં તો આટલું જ આવે. એમાં એવું થોડું આવે કે જગન મહેતા ત્રીસીના દાયકામાં વિયેના (ઓસ્ટ્રિયા) ભણવા ગયા, ત્યારે ત્યાં જ રહેતા સુભાષચંદ્ર બોઝના પરિચયમાં આવ્યા હતા. તેમની તસવીરો પણ પાડી હતી. એ જ સુભાષચંદ્ર જ્યાં વાજતેગાજતે કોંગ્રેસપ્રમુખ બન્યા, તે સુરત નજીક આવેલા હરિપુરા કોંગ્રેસ અધિવેશન (૧૯૩૮?)માં પણ જગનદાદા કેમેરા લઇને પહોંચી ગયા હતા. વિયેનામાં હિમવર્ષા વચ્ચે સુભાષચંદ્ર બોઝ બીમાર જગન મહેતાની ખબર કાઢવા આવે છે અને ભાવનગરથી તેમણે આણેલી બદામપુરી પહેલાં ખચકાતા ખાય છે અને પછી ખૂબ ભાવતાં એક પોતાની સેક્રેટરી (પ્રેયસી) માટે લઇ જાય છે, એ દૃશ્યથી રજનીકુમાર પંડ્યાએ જગન મહેતાના શબ્દચિત્રની શરૂઆત કરી છે. પત્રકાર બનતાં પહેલાં રજનીકુમાર થકી જગનદાદા સાથે પરિચય થયો હતો.
‘જગન મહેતા ક્લિક્સ વન્સ’ એ તેમની ખુમારી અને એ તેમનો આત્મવિશ્વાસ. એકસાથે ધડાધડ ક્લિક કરવાના ડિજિટલ
યુગમાં ફ્લેશ વિના ઉત્તમ તસવીરો લેનાર જગનદાદા બહુ યાદ આવે. ઝવેરીલાલ મહેતાથી વિવેક દેસાઇ સુધીની તસવીરકારોની બે-ત્રણ પેઢી સાથે દાદાને સરસ ભળે. દાદા મૂળે વ્યાવસાયિક નહીં. એટલે દામ ઉપજાવતાં કે કામ કઢાવતાં આવડે નહીં. સરકારોની, પ્રધાનોની કે સચિવોની દાઢીમાં હાથ નાખવાનું ગમે નહીં. એવોર્ડ માટે અરજી કરવામાં તેમને અપમાન લાગે. (ખરેખર તો કોઇને પણ લાગવું જ જોઇએ.)નોઆખલીનાં તોફાનો પછી બિહારમાં ફાટી નીકળેલી કોમી આગ ઠારવા ગાંધીજી બાદશાહખાન સાથે પહોંચ્યા, ત્યારે જગનદાદા પણ તેમની યાત્રામાં જોડાયા. મૃદુલા સારાભાઇ પણ સાથે હતાં. એ યાત્રાની જગનદાદાની તસવીરો વિના કોઇ પણ ગાંધી સંગ્રહાલય અઘૂરૂં ગણાય. ગાંઠના ખર્ચે સાહિત્યકારોની અદ્ભૂત તસવીરો પાડવાનો દાદાને જબરો ઉત્સાહ. તેમના અને રમેશ ઠાકર (રાજકોટ)ના ઉત્સાહ વિના ગુજરાતી સાહિત્યકારોના ઠેકાણાસરના ફોટોગ્રાફ્સ ધરાવતા પુસ્તક ‘ગુજરાતના પ્રતિનિધિ સાહિત્યકારો’નું પ્રકાશન અશક્ય હતું. યાદ આવે છે ત્યાં સુધી, પાંચ-છ વર્ષ પહેલાં પરિષદના મેદાનમાં ભરાયેલા પુસ્તકમેળામાં પરિષદના સ્ટોલમાં જગનદાદાએ પાડેલી સાહિત્યકારોની તસવીરો હતી. તેમાં જગનદાદાની ક્રેડિટ ન હતી, એ પણ યાદ છે.
સાહિત્યકારો પ્રત્યે દાદાની મમતા અને દસ્તાવેજીકરણની ચીવટ એવી કે એક દિવસ કહે,‘મહેમદાવાદમાં એક ગઝલકાર રહે છે. હનીફ સાહિલ. એમનો ફોટો પાડવાનો રહી ગયો છે. તું પાડીને મને એની કોપી આપીશ?’ હનીફ સાહિલ ઉર્ફે પઠાણસાહેબ અમારા બાયોલોજીના શિક્ષક. રદીફ-કાફિયા ને મત્લા-મક્તાની દુનિયાનો પરિચય પણ એમના થકી જ થયેલો. એમની તસવીરો પાડવાનું કામ જગનદાદા સોંપે એ બેવડા ગૌરવની વાત હતી. મેં જ્યાં સુધી એ કામ ન કર્યું ત્યાં સુધી જ્યારે મળવાનું થાય ત્યારે દાદા યાદ કરાવે. છેવટે ચાર-પાંચ તસવીરો પાડી આપી ત્યારે દાદાને સંતોષ થયો.
દાદાની બે વર્ષગાંઠો યાદ રહી ગઇ છે. એક વર્ષગાંઠના બે-ચાર દિવસ પહેલાં મહેન્દ્રભાઇ મેઘાણી સાથેની મુલાકાતમાં વાત નીકળી અને મેં કહ્યું કે જગનદાદાને મળવા જવાનો છું એટલે મહેન્દ્રભાઇએ એમની લાક્ષણિક નિર્ભાર શૈલીમાં કહ્યું,‘મને લઇ જશો?’ ‘હમારા બજાજ’ પર મહેન્દ્ર મેઘાણીને પાછળ બેસાડીને હું જગનદાદાને ઘેર પહોંચ્યો. થોડી વારમાં બિનીત (મોદી) પણ આવી પહોંચ્યો. દાદા બહુ ખુશ હતા. અમારી સાથે ચા પીધી. ઉભા થઇને અંદર ગયા અને પોતે પાડેલું ઝવેરચંદ મેઘાણીનું પોટ્રર્ેટ લઇ આવ્યા. એ તેમણે મહેન્દ્રભાઇને યાદગીરી તરીકે ભેટ આપ્યું. એ પ્રસંગની એક-બે તસવીરો મહેન્દ્રભાઇને મોકલી એટલે તેમનો એવો જ જવાબ આપ્યો. તેમાંનું એક વાક્ય હતું,‘જગનભાઇ સાથે તસવીરમાં મારી જાતને જોઇને ધન્ય થયો.’
દાદાની ૯૨મી વર્ષગાંઠ (૧૧-૫-૦૧) વખતે હું કેમેરા લઇને મળવા ગયો હતો. એમના એકલાની અને પછી એમની પૌત્રવઘુ સાથે થોડી તસવીરો લીધી. તેમાંની બે તસવીરો આ પોસ્ટ સાથે મુકી છે.
ઘણા આયોજન પછી હેન્ડીકેમની ખરીદી કરી. પછી વિચાર આવ્યો કે જગનદાદાની મુવી લઊં. એક બપોરે એમને ઘેર ગયો, ત્યારે એમનાં પૌત્રવઘુએ કહ્યું,‘દાદા સૂતા છે.’ એટલે ‘ફરી આવીશ’ કહીને નીકળી ગયો. એના થોડા દિવસમાં ખબર આવ્યા કે દાદા ગયા. તેમનો દાંત વગરનો હસતો ચહેરો, રોષે ભરાઇને તંગ થતો ચહેરો, ભાવાવેશને કારણે સહેજ ઉંચો થતો અને ભરાઇ આવતો અવાજ... કશું ભૂલાયું નથી.
તેમની તસવીરોનું પ્રદર્શન જોઇને બઘું ફરી એક વાર તાજું થઇ આવ્યું. અમદાવાદમાં રહેતા મિત્રોએ આવતા મહિનાની દસમી તારીખ સુધી ચાલનારૂં આ પ્રદર્શન ચૂકવા જેવું નથી. તસવીરોની સાઇઝ નાની છે. ગોઠવણ પણ ગીચોગીચ છે. છતાં તેના ઐતિહાસિક મહત્ત્વની અને ગુણવત્તાની દૃષ્ટિએ એ જોવા જેવું છે. જગનદાદાને મળવાનો હવે એ જ એકમાત્ર રસ્તો છે.


























