Showing posts with label film. Show all posts
Showing posts with label film. Show all posts
Tuesday, July 30, 2019
લાયન કિંગઃ ફિલ્મનિર્માણમાં વર્ચ્યુઅલ રીઆલીટીની સિંહફાળ

સામાન્ય રીતે ફિલ્મો વિશે લખવાનું ટાળવા છતાં, ડિઝની સ્ટુડિયોની લેટેસ્ટ ફિલ્મ 'લાયન કિંગ’ વિશે લખવાનું મન થાય તેનાં કારણોઃ આ ફિલ્મે એનિમેશન ફિલ્મોના નિર્માણની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર આણ્યો છે. એટલું જ નહીં, વર્ચ્યુઅલ રિઆલીટી (VR)ની ટેકનોલોજીના મૌલિક ઉપયોગથી એનિમેશન અને લાઇવ એક્શન (સાદી) ફિલ્મો વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખી છે. 'લાયન કિંગ' એનિમેશન કહેવાય કે લાઇવ મોશન, તે વિશે મતભેદ છે. કેટલાક માને છે કે આ ફિલ્મનો એક જુદો જ પ્રકાર છે, જેને માટે કોઈ નવું નામ શોધવું પડશે. ઓસ્કર એવોર્ડની સ્પર્ધામાં પણ આ ફિલ્મનો પાટલો કઈ પંગતમાં પડે છે તે જોવાનું રહે છે.
વર્ષો પહેલાં એનિમેશન ફિલ્મ માટે ચિત્રકારોએ પીંછી અને રંગથી ચિત્રો દોરવાં પડતાં હતાં. એક સેકન્ડમાં ફિલ્મની ૨૪ પટ્ટી ચાલે. ઘણી વાર બે પટ્ટી દીઠ એક ચિત્રના હિસાબે એક સેકન્ડમાં બાર ચિત્રો શૂટ કરવામાં આવતાં. એ હિસાબે પણ એક કલાકની ફિલ્મ માટે કેટલાં બધાં ચિત્રો દોરવાં પડે? (ચોક્કસ આંકડોઃ એક કલાક માટે ૪૩,૨૦૦ ચિત્રો)
એનિમેશન ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો અને વધ્યો, તેમ રંગો અને પીંછી લઈને દોરવાની મહેનત ઓછી થઈ. કમ્પ્યુટર થકી સર્જેલી ચિત્રસૃષ્ટિ (કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી-CGI)નો યુગ આવ્યો. કમ્પ્યુટર સોફ્ટવેરના જાદુઈ ઉપયોગ વધવા માંડ્યા. પરંતુ એનિમેશનનું મૂળભૂત સ્વરૂપ બદલાયું નહીં. ટેકનોલોજીનો પછીનો હનુમાનકૂદકો આવ્યો 'મોશન કેપ્ચર' સ્વરૂપે. તેમાં જીવતાજાગતા અભિનેતાઓના ચહેરા અને શરીરની હિલચાલ રેકોર્ડ કરીને, તેના ડિજિટલ સ્વરૂપના ડેટાને કમ્પ્યુટર એનિમેશનના મોડેલમાં 'પુરવામાં' આવતો હતો. એટલે એનિમેશનથી બનાવેલું મોડેલ અભિનેતાએ કરેલી સ્વાભાવિક હિલચાલ પ્રમાણે, હાલતુંચાલતું જોવા મળે શકે. તેમાં ફેરફાર કરવા હોય તો એ જ વખતે, લાઇવ શૂટિંગના રીટેકની સ્ટાઇલમાં ફરી શૂટિંગ પણ કરી શકાય.
‘લાયન કિંગ’ના નિર્દેશક જોન ફવરોએ થોડા સમય પહેલાં ડિઝની સ્ટુડિયોની હિટ એનિમેશન ફિલ્મ 'જંગલબુક' ફરી બનાવી તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ હતો. ત્યારે લાગતું હતું કે બસ, હવે એનિમેશન ટેકનોલોજીની ટોચ આવી ગઈ. આથી વધુ શું થઈ શકે? પણ 'લાયન કિંગ'માં જોન ફવરોએ બે ડગલાં આગળ વધીને, વર્ચ્યુઅલ રીઆલીટીનો ઉપયોગ કર્યો અને એનિમેશન ફિલ્મનું એવું સ્વરૂપ નીપજાવ્યું, જેને નામ આપવામાં નિષ્ણાતો પણ માથું ખંજવાળતા થઈ જાય. એક લીટીમાં કહેવું હોય તો, તેમણે ફિલ્મના ઇતિહાસમાં પહેલી વાર આખેઆખી ફિલ્મનું શૂટિંગ વર્ચ્યુઅલ રીઆલીટીમાં, વર્ચ્યુઅલ અને વાસ્તવિક સાધનો વડે કર્યું.
'વર્ચ્યુઅલ રીઆલીટી'--આ શબ્દો કાને પડતાં જ તેની સાથે અભિન્નપણે સંકળાયેલો હેડસેટ યાદ આવે. આંખો સહિતનો ઉપરનીચેનો ભાગ ઢાંકી દેતો હેડ સેટ પહેર્યા પછી માણસ રૂમમાં ઊભો હોય, પણ તેને એવું લાગે જાણે તે આંખ સામે દેખાતી આભાસી દુનિયામાં ફરી રહ્યો છે. કમ્પ્યુટરની મદદથી સર્જવામાં આવેલી વર્ચ્યુઅલ સૃષ્ટિની કમાલ એ છે કે તેમા એકલદોકલ દૃશ્ય કે ચિત્રોનો સમુહ નહીં, આખું થ્રી-ડી વાતાવરણ સર્જી શકાય છે અને તે પણ એવી રીતે કે હેડસેટ પહેરી લીધા પછી માણસ એ વાતવરણને ફક્ત જોઈ શકવાને બદલે, પોતે ત્યાં પહોંચી ગયાનો અને ત્યાં હરવાફરવાનો, પોતે તેનો હિસ્સો હોવાનો અનુભવ કરી શકે.
વર્ચ્યુઅલ રીઆલીટીની આ ખૂબી ગેમિંગના ક્ષેત્રમાં ઘણી વપરાતી હતી. આવી રીતે કમ્પ્યુટરની મદદથી સર્જાયેલી કાલ્પનિક સૃષ્ટિમાં કાલ્પનિક પાત્રો પણ સર્જી શકાય અને ગેમ રમનાર પોતે કોઈ એક પાત્ર તરીકે આખી સૃષ્ટિનો ભાગ બની શકે, તેનો ખૂણેખૂણો જોઈ શકે, તેમાં જરૂરી ફેરફાર પણ કરી શકે. ધારો કે વર્ચ્યુઅલ રીઆલીટીની મદદથી ખજાનો શોધવાની ગેમ બનાવી હોય તો દટાયેલા શહેરનો માહોલ રચી શકાય, તેમાં ચાર મિત્રો રમી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી હોય તો હેડસેટ પહેરીને ચારેય મિત્રો વર્ચ્યુઅલ સૃષ્ટિનાં ચાર પાત્રો બનીને આખા શહેરમાં ઘૂમી શકે, એ સૃષ્ટિને ખુંદી. શરત એટલી કે એ ગેમ બનાવતી વખતે કમ્પ્યુટર પ્રોગ્રામમાં એ બધું ઉમેરવું પડે.
આ સંભાવનાનો ઉપયોગ કરીને જોન ફવરોએ 'લાયન કિંગ'ની આખી સૃષ્ટિને વર્ચ્યુઅલ રીઆલીટીની ગેમ તરીકે તૈયાર કરાવી--એવી ગેમ, જે હેડસેટ પહેર્યા પછી એક સાથે ઘણા લોકો 'રમી' શકે. આ ગેમ પણ સીધીસાદી નહીં, ફિલ્મનિર્માણની ગેમ. એટલે 'લાયન કિંગ'ની આખી વર્ચ્યુઅલ સૃષ્ટિમાં શૂટિંગ કરવા માટેના વર્ચ્યુઅલ કેમેરા પણ હોય. હેડસેટ પહેરી લેનાર વ્યક્તિ પોતે એક પાત્ર તરીકે 'લાયન કિંગ'ની વર્ચ્યુ્અલ સૃષ્ટિમાં પહોંચી જાય અને ત્યાં જાતે, વર્ચ્યુઅલ દેહે લોકેશન પર ફરીને જ નક્કી કરી શકે કે કઈ બાજુથી દૃશ્ય લેવું. દા.ત. પહાડની જે કરાડ પરથી સિંહબાળ સિમ્બાને રાજાનો વારસ ઘોષિત કરવામાં આવ્યો, એ કરાડ પર હેડસેટ પહેરનાર વ્યક્તિ વર્ચ્યુઅલ દેહે જઈ શકે અને ત્યાં ફરીને નક્કી કરી શકે કે કઈ બાજુથી દૃશ્ય શૂટ કરવું. દૃશ્ય લેતી વખતે પ્રકાશ ઓછોવત્તો કરી શકે, કમ્પ્યુટરસર્જિત પ્રાણીઓ આસપાસ ફરતાં હોય કે ફ્રેમમાં વચ્ચે આવતાં હોય, તો વર્ચ્યુઅલ દેહે તે પ્રાણીઓને બાજુ પર ખસેડી શકે.
પરંતુ વર્ચ્યુઅલ સૃષ્ટિની ફિલ્મ વર્ચ્યુઅલ કેમેરાથી ઉતરે, તો તેને વાસ્તવિક-નક્કર ફિલ્મ તરીકે કેવી રીતે મેળવી શકાય? બીજા અનેક ટેકનોલોજીના પડકારોની જેમ આ સમસ્યાનો ઉકેલ પણ ટેકનોલોજીની મદદથી જ નીકળ્યો. વર્ચ્યુઅલ વાતાવરણમાં ગોઠવાયેલા કેમેરાનું સંચાલન ઇન્ફ્રારેડ સિગ્નલની મદદથી વાસ્તવિક દુનિયામાં રહેલાં વ્યુ ફાઇન્ડર વડે થતું હોય. એક ખાલી રૂમમાં હેડ સેટ પહેરેલા ડાયરેક્ટર અને કેમેરામેન વર્ચ્યુઅલ દેહે 'લાયન કિંગ'ની વર્ચ્યુઅલ સૃષ્ટિમાં ફરતા હોય. ત્યાં દૃશ્યની ઝીણી વિગત નક્કી થઈ જાય, એટલે વાસ્તવિક દુનિયામાં, ખાલી રૂમમાં રહેલાં વ્યુ ફાઇન્ડરને અસલી કેમેરાના અંદાજમાં ચલાવવામાં આવે. તેની સાથે જોડાયેલા ઇન્ફ્રારેડ સિગ્નલ થકી વર્ચ્યુઅલ સૃષ્ટિના કેમેરા પણ બહારનાં, અસલી વ્યુ ફાઇન્ડરનું અનુકરણ કરે અને એ પ્રમાણે વર્ચ્યુઅલ સૃષ્ટિમાં વાસ્તવિક શોટ લેવાય. ખાલી ખંડમાં કેમેરા કે ડોલી જેવાં શૂટિંગનાં ઉપકરણો હોય ખરાં, પણ કેમેરાની જગ્યાએ વ્યૂ ફાઇન્ડર હોય અને 'સેટ' નરી આંખે નહીં, હેડ સેટ પહેર્યા પછી જ 'દેખાય’.
આવી અટપટી રચનાથી નીપજેલી ફિલ્મ તકનિકી દૃષ્ટિએ એનિમેશન જ છે, પરંતુ વર્ચ્યુઅલ સૃષ્ટિ રચીને તેમાં વર્ચ્યુઅલ દેહે વાસ્તવિક શૂટિંગ કરવું, એ આખી વાત ફિલ્મનો પ્રકાર નક્કી કરવામાં ભારે ગુંચવાડો પ્રેરનારી છે. ફરક એટલો જ કે આ ગુંચવાડો અણઆવડતનું નહીં, આશ્ચર્યચકિત કરનારી સર્જકતા અને ટેકનોલોજીનું પરિણામ અને પરિમાણ છે.
Tuesday, July 03, 2012
ત્રાસવાદ, ઇસ્લામ અને શબ્દોઃ અર્થના અનર્થ
મુંબઇ પરના ત્રાસવાદી હુમલાનો એક આરોપી ગયા અઠવાડિયે (સાઉદી અરબસ્તાનના સહકારથી) ઝડપાયો. તેનું નામ: ઝબિઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ હમ્ઝા ઉર્ફે અબુ જંદલ. પરંતુ પ્રસાર માઘ્યમોમાં તેનો ઉલ્લેખ જિંદાલ, જુંદાલ, જુંદલ જેવાં જુદાં જુદાં નામે થતો રહ્યો છે. અપરિચિત ભાષા કે પ્રદેશનાં નામોના સાચા ઉચ્ચારનું કામ થોડો પ્રયાસ માગી લે એવું હોય છે. એમાં પણ અંગ્રેજી સ્પેલિંગનો સહારો લીધો તો ખલાસ. ભૂલ પડવાની પૂરેપૂરી સંભાવના. અંગ્રેજી Jundal ના આધારે ઉચ્ચાર કરવા જતાં જુંદાલ કે જુંદલ થાય એમાં શી નવાઇ? ‘બ્રેકિંગ ન્યૂઝ’ના યુગમાં ચેનલો અને તેમના વાદે બીજાં પ્રસાર માઘ્યમો ‘અમે બોલીએ તે સાચું’- એવો સાદો નિયમ અપનાવે એટલે ગુંચવાડા ઓર વધે. પરંતુ અરબી શબ્દોની બાબતમાં અમેરિકનો કરતાં વધારે પરિચિત એવા ભારતીયો ધરાર ખોટાં ઉચ્ચારણ કરે ત્યારે થોડી ચચરાટી થાય.
શેક્સપિયરને ટાંકીએ નહીં, તો પણ બધા જાણે છે કે જંદલને બદલે જિંદાલ થઇ જાય તેથી એના ગુનાની ગંભીરતામાં કશો ફરક પડતો નથી. પરંતુ આરોપી ખતરનાક પ્રકારના ત્રાસવાદી હુમલા સાથે સંકળાયેલો હોય ત્યારે, એકંદર ચીવટના ભાગરૂપે નામ અંગે થોડી ચીકાશ કરવાનું લાજિમ છે. (ગુજરાતી ભાષામાં ભળી ગયેલા અરબી શબ્દ ‘લાજિમ’નો અર્થ છેઃ છાજે એવું)
નામ અને અર્થ
અરબી શબ્દ ‘જંદલ’નો ગુજરાતીમાં અર્થ છેઃ મોટો પથ્થર, શિલા. ‘અબુ’ના ઘણા અર્થ છેઃ માલિક, પિતા, સાહેબ..ઉપરાંત તે પેગંબરસાહેબનું અને ચોથા ખલીફાનું પણ ઉપનામ છે. એટલે પોતાની ધાર્મિક કટ્ટરતા અને અડીખમપણું દર્શાવવા ઇચ્છતા ત્રાસવાદીઓને ઉપનામ તરીકે ‘અબુ જંદલ’ બહુ અનુકૂળ લાગે છે. એવી જ રીતે, ‘હમ્ઝા’નો અર્થ છેઃ સિંહ, વાઘ. એટલે ઓસામાના બોડીગાર્ડથી માંડીને અનેક પ્રકારના ત્રાસવાદીઓનાં વધારાનાં નામ એકસરખાં (અબુ જંદલ કે અબુ હમ્ઝા) કેમ હોય છે, તે સમજી શકાય એવું છે.
અબુ જંદલની ધરપકડ પછી ‘લશ્કરે તોઇબા’ના પ્રચલિત નામે ઓળખાતું ત્રાસવાદી સંગઠન ફરી ચર્ચામાં આવ્યું છે. તેનું અસલી નામ શું હોઇ શકે? અરબીમાં ‘તૈયબ’ એટલે પવિત્ર. દુનિયાભરની ત્રાસવાદી કાર્યવાહી કરનાર ટુકડીએ પોતાનું નામ રાખ્યું છેઃ પવિત્ર સૈન્ય- લશ્કરે તૈયબ. તેમનાં કારનામાંથી પવિત્રતાની વ્યાખ્યા બદલાઇ જતી હોય તો એમાં ખુદ એમના સિવાય બીજા કોનો વાંક કાઢી શકાય?
એવાં બીજાં કેટલાંક ત્રાસવાદી સંગઠનોનાં મૂળીયાં પણ ધર્મ અને ધાર્મિકતાની તેમની (ખોટી) સમજણમાં રહેલાં છે. જેમ કે, ‘હિઝ્બુલ મુજાહિદીન’. હિઝ્બ એટલે પક્ષ (પાર્ટી) અને મુજાહિદ એટલે વિધર્મી સાથે યુદ્ધ કરનાર, પરાક્રમી. તેનું બહુવચન છે મુજાહિદીન.
‘જૈશે મહંમદ’નો અર્થ છે મહંમદ (પેગંબર)ની ફોજ. પરંતુ મહંમદ પેગંબરની અસલી ફોજ નિર્દોષોની હત્યા કરવાનું ને આતંકવાદ ફેલાવવાનું કામ કરતી ન હતી, જ્યારે આઘુનિક જૈશે મહંમદ સત્તાધીશો અને ધર્મઝનૂનીઓના ઇશારે કંઇ પણ કરતાં ખચકાતી નથી.
કાશ્મીરના ત્રાસવાદના સંદર્ભે ‘હરકત-ઉલ-અંસાર’ અને ‘અલ બદ્ર’ જેવાં સંગઠનોનાં નામ એકાદ દાયકા પહેલાં ઘણાં પ્રચલિત હતાં. અરબીમાં ‘અલ’ અંગ્રેજી આર્ટિકલ the ની જેમ વપરાય છે.(દા.ત. અલ-મસ્ત એટલે નશામાં-મોજમાં મસ્ત હોય એવું.) બદ્રનો સંદર્ભ ઇસ્લામના ઇતિહાસમાંથી મળે છે. ઇસ્લામની સ્થાપના થયાનાં ૧૩ વર્ષ પછી મક્કાના રૂઢિચુસ્ત કુરેશીઓ અને પેગંબરસાહેબની ફોજ વચ્ચે બદ્રની ખીણમાં યુદ્ધ થયું હતું. ઇસ્લામનું તે પહેલું ધર્મયુદ્ધ ગણાય છે. એટલે નવા જમાનામાં, પોતાની રૂઢિચુસ્ત-ઝનૂની સમજણ પ્રમાણે ‘ધર્મયુદ્ધ’ કરનારું સંગઠન એટલે અલ બદ્ર.
‘હરકત’ એટલે હિલચાલ અને ‘નસ્ર’ એટલે મદદ. નસ્રનું બહુવચન થાય છે અંસાર. ઇસ્લામમાં ‘અંસાર’નો અર્થ છે પેગંબરસાહેબને મદદ કરનાર. મહંમદ પેગંબર મક્કા છોડીને મદીના ગયા ત્યારે તેમને અને તેમના સાથીદારોને પોતાના ઘરમાં આશ્રય આપનારા ‘અંસાર’ તરીકે ઓળખાયા. પરંતુ હરકત-ઉલ-અંસાર માટે ‘હરકત’ શબ્દનો બીજો અર્થ (અડચણ, રુકાવટ) વધારે લાગુ પડે એવો હતો.
ઓસામા જીવતો હતો ત્યારે તેનાં ઓસ્મા કે ઉસામા જેવાં નામ પણ પ્રચલિત હતાં. એ અરસામાં પાકિસ્તાનની પ્રખ્યાત ફિલ્મ ‘ખુદાકે લિયે’/ Khuda Ke Liyeના હીરોને ખોટા આરોપસર અમેરિકાની જેલમાં પુરવામાં આવે છે ત્યારે શરૂઆતના દિવસોમાં તે કોટડીની દીવાલો પર I Love USA લખે છે. પરંતુ તેની નિર્દોષતાને કોઇ ગણકારતું નથી ત્યારે તે USA માં બે અક્ષર ઉમેરીને I Love USAMA કરી નાખે છે. હા, સાચો શબ્દ છેઃ ઉસામા. તેનો અર્થ પણ ‘હમ્ઝા’ જેવો જ થાય છેઃ સિંહ, વાઘ. (આ બન્ને પ્રાણીઓ માટે એક જ શબ્દ શા માટે વપરાતો હશે, એ વિશે જાણકારો પ્રકાશ પાડી શકે.)
ઇસ્લામના પવિત્ર પુરૂષ તરીકે ‘હજરત મહંમદ પેગંબર’ એ જાણે આખું નામ હોય એ રીતે જ મનમાં આવે છે. તેમાંથી ‘હજરત’ એ કોઇ પણ વ્યક્તિ માટેનું માનસૂચક સંબોધન છે અને ફારસી શબ્દ ‘પયગામ’ (સંદેશો) પરથી સંદેશો લાવનાર પયગામબર-પેગંબર તરીકે ઓળખાય છે. આ કિસ્સામાં પેગંબરનો અર્થ છેઃ દૈવી સંદેશો લાવનાર.
આ તો થઇ રૂઢ શબ્દો-નામ અને તેમના પ્રમાણમાં ઓછા જાણીતા અર્થની વાત. ફક્ત નામમાં આવી સ્થિતિ હોય, તો ધર્મના સિદ્ધાંતો કે દૈવી વાણીનાં અર્થઘટનોમાં કેટલી ‘વિવિધતા’ હશે, તે કલ્પી શકાય.
સગવડીયું અનર્થઘટન
હિંદુ-મુસ્લિમ ખટરાગ સંબંધે સૌથી વઘુ ચર્ચાસ્પદ શબ્દોમાંનો એક છેઃ કાફિર. કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો હિંદુઓને જ નહીં, ઉદારમતવાદી મુસ્લિમોને પણ કાફિર ગણતા હોય છે. આઝાદી પહેલાં મહંમદઅલી ઝીણા મુસ્લિમોના નિર્વિવાદ નેતા બન્યા ન હતા ત્યારે દિલ્હીના એક મુસ્લિમ આગેવાન હતાઃ હકીમ અજમલખાન. એક જમાનામાં દિલ્હી પ્રાંતની હિંદુ પરિષદના પ્રમુખ તરીકે પસંદ થયેલા હકીમસાહેબ સમક્ષ ગાંધીજીએ મુસ્લિમોના પ્રતિનિધિ બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે કહ્યું હતું,‘મુસલમાનોના પંચ તરીકે હું યોગ્ય નથી. તે મને માન્ય રાખે કે કેમ તેની મને શંકા છે...મુસલમાન પૈકી ઘણાઓએ મને ‘કાફર’નું ઉપનામ આપ્યું છે. (‘જીવનનાં ઝરણાં’, લેખકઃ રાવજીભાઇ પટેલ,બીજી આવૃત્તિ, ૧૯૫૯, પાના નં. ૨૭૭).
કાફરનો એક અર્થ અલ્લાહમાં ન માનનાર, વિધર્મી- એવો થાય છે. પરંતુ ઘણા ધર્મઝનૂનીઓ પોતાના જેવા અંધ ઝનૂની ન હોય એવા બધાને કાફર ગણી કાઢવા ઉત્સુક હોય છે. હકીકતમાં ‘કાફર’ શબ્દના બીજા અર્થ છેઃ ઇશ્વરે આપેલી બક્ષિસો બદલ તેનો આભાર ન માનનાર, સત્યને છુપાવનાર. સત્યને છુપાવનારને ‘કાફર’ ગણવામાં આવે તો ધર્મની ઓથ લઇને હિંસા-હિંસકતામાં રાચતા કેટલા બધા ધર્મઝનૂનીઓ પોતે એ અર્થમાં ‘કાફર’ પુરવાર થાય.
કાફર જેવો જ બીજો શબ્દ છેઃ જેહાદ. તેનો સીધોસાદો - અને ખોટો- અર્થ ‘બિનમુસ્લિમો સામેનું ધર્મયુદ્ધ’ એવો કરવામાં આવે છે અને એ ખોટા અર્થની રૂએ તમામ પ્રકારની ત્રાસવાદી કાર્યવાહીને ‘જેહાદ’ તરીકે ખપાવવાનો પ્રયાસ થાય છે. ઇસ્લામના ઐતિહાસિક ઘટનાક્રમ પ્રમાણે, શરૂઆતનાં વર્ષોમાં મક્કાના કુરેશીઓ તરફથી પેગંબરસાહેબના અનુયાયાઓને ઘણી કનડગત થતી હતી. નવા મુસ્લિમ બનેલા કેટલાક લોકો આ ત્રાસથી કંટાળીને પાડોશી દેશ ઇથિયોપિયા પહોંચ્યા. ત્યાંના ઉદાર ખ્રિસ્તી રાજાએ મુસ્લિમોને સમાવ્યા અને તેમને રક્ષણ આપ્યું. ધર્મના રક્ષણ ખાતર વતન છોડવાનું મુસ્લિમોનું આ પગલું ‘જેહાદ’ કહેવાયું. ‘જેહાદ’ શબ્દના અર્થ છેઃ ધર્મના નામે કોઇ પણ પ્રકારની કોશિશ કરવી- ગરીબોની સેવા, અનાથોનું પાલનપોષણ, નિયમિત નમાજ, દાનપુણ્ય વગેરે.
એ બધામાં સૌથી મોટી જેહાદ કઇ? ત્રાસવાદીઓનાં કરતૂત જોઇને એવું લાગે કે વિધર્મીઓની હત્યા કરવી, તેમની ભૂમિ પર ત્રાસવાદ ફેલાવવો અને ઇસ્લામના વિશ્વવિજયનાં સ્વપ્નાં જોવાં, એ જ સાચી જેહાદ ગણાતી હશે. પરંતુ હકીકત સાવ જુદી છે.
માણસ પોતાના મનોવિકાર અને ગુસ્સા પર વિજય મેળવે, તેને પેગંબરસાહેબે સૌથી મહાન જેહાદ (જેહાદે અકબર) ગણાવી છે. પોતાના રાજ્યમાં રહેતા ઇસ્લામવિરોધી ખ્રિસ્તીઓ સંબંધે હજરત પેગંબરના કેટલાક આદેશઃ તેમની સામે મુસ્લિમોએ હથિયાર ઉપાડવાં નહીં, બહારની કોઇ ખ્રિસ્તી સત્તા સાથે લડાઇ થાય ત્યારે આપણા દેશમાં વસતા કોઇ ખ્રિસ્તી સાથે, તે ફક્ત ખ્રિસ્તી છે એટલા કારણથી, અપમાનભર્યું વર્તન કરવું નહીં.
પોતાની જાતને ઇસ્લામના અનુયાયી ગણાવતા ઘણા લૂંટારા-હુમલાખોરોએ આખેઆખો ઇસ્લામ જાણે મૂર્તિઓ તોડવામાં સમાયેલો હોય, એવું વર્તન ભૂતકાળમાં કર્યું છે. પરંતુ હજરત પેગંબરે કરેલા મૂર્તિપૂજાના વિરોધ અને દયાનંદ સરસ્વતી જેવા સુધારાવાદીએ કરેલા મૂર્તિપૂજાના વિરોધમાં તાત્ત્વિક રીતે સામ્ય હતું. ઇસ્લામની સ્થાપના પહેલાં સદીઓથી મક્કામાં આવેલા કાબામાં જુદા જુદા આકાર અને પદાર્થોની બનેલી ૩૬૦ મૂર્તિઓ હતી. તેના કારણે આરબો વચ્ચે એકતા સ્થપાવાને બદલે કાયમ વિખવાદ અને અશાંતિ રહેતાં હતાં. પોતાનો સમાજ મૂર્તિપૂજામાં અટવાયેલો રહેવાને બદલે આગળ વધે એ હેતુથી પેગંબરસાહેબે મૂર્તિપૂજાની મનાઇ ફરમાવી. તેનો અર્થ ‘મુસ્લિમોએ દુનિયાભરનાં મંદિર-મૂર્તિ તોડી નાખવાં’ એવો કેવી રીતે થઇ શકે?
ઇ.સ.૬૨૯માં પેગંબરસાહેબ તેમના અનુયાયીઓ સાથે હજ કરવા મક્કા પહોંચ્યા ત્યારે ઇસ્લામ અને પેગંબર પ્રત્યે વેર રાખનાર કુરેશીઓ સાથે તેમની સુલેહ થઇ ચૂકી હતી. પેગંબરસાહેબ સહિત સૌ મુસ્લિમ અનુયાયીઓએ શાંતિપૂર્વક કાબાની પ્રદક્ષિણા અને બીજી રીતરસમો અદા કરી ત્યારે કાબામાં તમામ મૂર્તિઓ મોજૂદ હતી. મૂર્તિઓનું ખંડન બહાર નહીં, પણ પોતાના મનમાં કરવાનું હતું, જેથી અંધશ્રદ્ધા અને બાહ્યાચારમાંથી મુક્તિ મળે અને નિયંતા મનાતા એક જ ઇશ્વર-એક જ અલ્લાહમાં અનુયાયીઓનું ઘ્યાન પરોવાય.
- પરંતુ સત્તા અને રાજકારણ માટે ધર્મનો ઉપયોગ કરનારા લોકો તથા તેમનાં પ્યાદાં જેવા જંદલો, હમ્ઝાઓ અને તૈયબોને આ બધી વિગતો સાથે શી લેવાદેવા?
(ઇસ્લામ અને પેગંબરસાહેબ વિશેની માહિતીનો સંદર્ભઃ ‘હજરત મહંમદ અને ઇસ્લામ’ લેખકઃ પંડિત સુંદરલાલ, નવજીવન પ્રકાશન, પહેલી આવૃત્તિનું વર્ષ ૧૯૪૫, છેલ્લું પુનઃમુદ્રણઃ ૨૦૦૯)
Saturday, April 28, 2012
હિંદી સંવાદો જાતે બોલનારી હું એકમાત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી છું: વૈજયંતિમાલા
![]() |
| (Vaijayantimala Bali, 27-4-12, ahmedabad. Pic: Urvish Kothari) |
હિંદી ફિલ્મોમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ અને ડાન્સર-હીરોઇનની પરંપરા શરૂ કરનાર વૈજયંતિમાલા બાલી ૭૮ વર્ષની વયે પણ એક નૃત્યાંગનાની ચુસ્તી અને સ્ટાર અભિનેત્રીની અદાઓ ધરાવે છે. ‘દક્ષિણમાંથી આવનારી હું જ એકમાત્ર એવી અભિનેત્રી છું, જેને હિંદી સંવાદો માટે કદી બીજા કોઇનો અવાજ વાપરવાની જરૂર પડી નથી. મારી સમગ્ર કારકિર્દીમાં બધા હિંદી સંવાદ હું જાતે જ બોલી છું અને એ પણ દક્ષિણ ભારતીય છાંટ વગર.’ આવું કહેનાર વૈજયંતીમાલા બાલીએ ‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં પોતાની કારકિર્દી વિશે ઓછી જાણીતી એવી ઘણી વાતો કરી.
‘સૈંયા દિલમેં આના રે’ જેવાં હિટ ગીતો ઉપરાંત નૃત્યોથી જાણીતી બનેલી ‘બહાર’ (૧૯૫૧) વૈજયંતિમાલાની પહેલી હિંદી ફિલ્મ હતી. ત્યાર પહેલાં ‘બહાર’ની અસલ તમિલ અને તેલુગુ આવૃત્તિઓમાં તે કામ કરી ચૂક્યાં હતાં. એ વખતે એમની ઉંમર માંડ પંદર-સોળ વર્ષ. અમદાવાદની ‘સુરાંગન ક્લબ’નાં મહેમાન બનેલાં વૈજંયતિમાલા કહે છે, ‘મારા ઘરમાંથી કોઇ ભણ્યું ન હતું. મારી માતા વસુંધરાદેવી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેત્રી હતાં. મારાં દાદી ઇચ્છતાં હતાં કે હું આગળ ભણું. પણ પ્રોડ્યુસર અમારા કૌટુંબિક મિત્ર હતા. તે મારા નૃત્યના કાર્યક્રમોથી અત્યંત પ્રભાવિત હતા. એટલે નવા ચહેરાની તલાશ વખતે તેમણે મને પસંદ કરી. તેમના આગ્રહને કારણે મારાં નાનીએ મને ફિલ્મોમાં જવા દીધી.’
નિર્માણસંસ્થા એવીએમ સાથે વૈજયંતિમાલા પાંચ વર્ષના કરારથી બંધાયેલાં હતાં. તેમાં શરત એવી હતી કે એ ગાળામાં વૈજયંતિ દક્ષિણ ભારતના બીજા કોઇ નિર્માતા માટે કામ ન કરી શકે. મુંબઇના નિર્માતાઓને તેમાં મોકળું મેદાન મળી ગયું.‘નાગિન’ મુંબઇમાં વૈજયંતિમાલાની પહેલી સુપરહિટ ફિલ્મ હતી. તેના હીરો પ્રદીપકુમાર સાથે વૈજયંતિમાલાએ સૌથી વઘુ- આઠ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછીના ક્રમે દિલીપકુમાર સાથે તેમણે સાત સફળ ફિલ્મો આપી. તેમાં ‘દેવદાસ’ અને ‘ગંગાજમના’ સૌથી યાદગાર ગણાય છે.
‘દેવદાસ’ની મૂળ કથામાં પારો અને ચંદ્રમુખી- એમ બે નાયિકાઓ છે. વૈજયંતિમાલાએ ચંદ્રમુખીનો રોલ ભજવ્યો હતો, પરંતુ એ ભૂમિકા માટે ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’નો એવોર્ડ તેમણે ઠુકરાવી દીધો. ‘(ડાયરેક્ટર) બિમલદાએ મને કહ્યું હતું કે ફિલ્મમાં બે હીરોઇન છે. મારી ભૂમિકા સરખેસરખી જ હતી. પછી હું સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ કેવી રીતે સ્વીકારી શકું?’ વૈજયંતિમાલા નૃત્યાંગના માટે સહજ એવી ભાવભંગીમાઓ સાથે કહે છે,‘એ વખતે ઘણા લોકોને લાગ્યું કે હું બહુ અભિમાની છું. પણ મારા માટે એ સિદ્ધાંતનો સવાલ હતો.’ ‘દેવદાસ’માં વૈજયંતિમાલાની કામગીરીથી રાજી બિમલ રોયે તેમને ‘મઘુમતિ’માં દિલીપકુમાર સાથે મુખ્ય ભૂમિકા આપી.
પોતે ગુમાવેલા કે ઠુકરાવેલા રોલ વિશે વાત કરતાં વૈજયંતિમાલા કહે છે, ‘દેવદાસથી હું ‘ડાન્સિંગ સ્ટાર’ મટીને ગંભીર અભિનેત્રી તરીકે સ્થાપિત થઇ. તેને કારણે મેં ‘મિસ્ટર એન્ડ મિસિસ ૫૫’માં કામ કરવાની ગુરૂદત્તની ઓફર નામંજૂર રાખી. એ હલ્કીફૂલ્કી ફિલ્મ હતી અને ગુરૂદત્ત ગંભીર પ્રકૃતિના માણસ. મને એમ કે એ કેવુંક જામશે? પણ પછી એ રોલ છોડી દીધાનો બહુ અફસોસ થયો. એવો જ અફસોસ બિમલ રોયનું ‘બંદિની’ હાથથી જતું રહ્યું એનો પણ થયો હતો. ટાઇટલ રોલ માટે મારું નામ નક્કી હતું, પણ છેલ્લી ઘડીએ શું થયું ખબર નથી, પણ એ રોલ નૂતનને મળી ગયો.’ ગુલઝારની ફિલ્મ ‘આંધી’માં સુચિત્રા સેને કરેલી ભૂમિકા માટે પહેલાં વૈજયંતિમાલાનું નામ વિચારાયું હતું, પણ ‘ઇંદિરા ગાંધી અને તેમની પહેલાં નેહરુ મારા આદર્શ હતા. એટલે ઇંદિરા ગાંધીનું મેનરિઝમ લાવવાનું હોય, એવું પાત્ર ભજવવાની મારી હિંમત ન ચાલી.’
અફસોસ-કથા વિશે હવે ભવ્ય ભૂતકાળના યાદગાર ભાગ તરીકે વાત કરતાં વૈજયંતિમાલા કહે છે,‘એમ તો ‘રામ ઔર શ્યામ’માં મારું આઠ-દસ દિવસનું શૂટિંગ થઇ ગયું હતું. પછી હું અને ફિલ્મના નિર્માતા વિમાનમાં જતા હતા ત્યારે એમણે કહ્યું કે ફિલ્મમાં હીરોઇન બદલાઇ ગઇ છે. એ સાંભળીને મને આંચકો લાગ્યો.’ એ ફિલ્મમાં વૈજયંતિમાલાનો રોલે વહીદા રહેમાનને મળ્યો. ‘નયા દૌર’માં જરા જુદું બન્યું. અસલ જોડી દિલીપકુમાર-મઘુબાલાની હતી. શૂટિંગ શરૂ થઇ ચૂક્યું હતું, પણ મઘુબાલાના પિતાએ કેટલાક વાંધા લેતાં મઘુબાલા સાથેનો હિસાબ પૂરો કરીને બી.આર.ચોપ્રાએ વૈજયંતિમાલાને એ રોલ આપ્યો. રાજ કપુર સાથેના તેમના સંબંધોના ચઢાવઉતારની કથા (‘બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં?’) ફિલ્મી દંતકથાઓનો હિસ્સો છે.
‘તમે કદી ગાયું છે ખરું?’ એવા સવાલના જવાબમાં વૈજયંતિમાલા ચહેરા પર સુખદ આશ્ચર્યના હાવભાવ પાથરીને કહે છે, ‘અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મમાં મેં ગીત ગાયું છે. એ ફિલ્મ હિંદી કે તમિલ-તેલુગુ નહીં, પણ બંગાળી હતી. તપન સિંહાની ‘હાટે બાજારે’ (૧૯૬૭) ગીતના શબ્દો અને સંગીત બઘું તપન સિંહાનું હતું.’ એ વાતનાં પિસ્તાળીસ વર્ષ પછી પણ નાની બાળકી જેવા ખિલખિલાટ ચહેરે ગીતના બંગાળી શબ્દો યાદ કરી બતાવે છે. ‘ગીત તો પ્લેબેક ,સિંગર (મોટે ભાગે સંઘ્યા મુખર્જી)ના અવાજમાં રેકોર્ડ થઇ ચૂક્યું હતું. પડદા પર હોઠ હલાવવા પૂરતી હું એ ગીત ગણગણી રહી હતી. પાછળ તપનદા ઉભા હતા. તેમણે મારું ગીત સાંભળ્યું. એટલે કહે, ‘તું સરસ ગાય છે. તારું જ ગીત રેકોર્ડ કરીએ તો એ વધારે સ્વાભાવિક લાગશે.’ હું ગભરાઇ. એમણે આશ્વાસન આપ્યું કે ‘તારું ગીત સારું નહીં થાય, તો રેકોર્ડ થયેલું ગીત વાપરીશું.’ પણ એ ગીત સરસ થયું અને મેં ગાયેલું એકમાત્ર ગીત બની રહ્યું.’ એવી જ રીતે, પતિ ડો.બાલીનાં પહેલ અને પ્રોત્સાહન વૈજયંતિમાલાએ એક મરાઠી ફિલ્મ ‘ઝેપ’ (૧૯૭૧)નું નિર્માણ કર્યું હતું. જોકે, તેમણે એમાં અભિનય કર્યો નહીં.
Sunday, April 15, 2012
‘ટાઇટેનિક’ અને થ્રી-ડી રૂપાંતરોની ભરતી
૬૦ અઠવાડિયાં (એક વર્ષથી પણ વઘુ સમય), ૧.૮ કરોડ ડોલરનો ખર્ચ, ૩૦૦ કસબીઓ અને આખી પ્રક્રિયાનાં પરિણામ પર સતત નજર રાખતા ડાયરેક્ટર જેમ્સ કેમેરન...‘ટાઇટેનિક’ જેવી ફિલ્મને ટુ-ડીમાંથી થ્રી-ડી બનાવવા માટે શું જોઇએ, તેની આ ટૂંકામાં ટૂંકી યાદી છે.
ફક્ત ‘ટાઇટેનિક’/Titanicમાં જ શા માટે, લંબાઇ-પહોળાઇનાં ફક્ત બે પરિમાણ/ડાયમેન્શન ધરાવતી કોઇ પણ ટુ-ડી ફિલ્મમાં ઊંડાઇનું ત્રીજું પરિમાણ ઉમેરવાની લાલચ થાય એનાં ઘણાં કારણ છે. દર્શકોની દૃષ્ટિએ, ત્રીજા પરિમાણનો ઉમેરો એટલે મૂળ ફિલ્મમાં નવીનતા અને નાટ્યાત્મકતાનો વઘાર. નિર્માતાઓ માટે જૂની ફિલ્મમાં થ્રી-ડી/3-dનું ઉમેરણ એટલે ઘરે બેસીને ફિલ્મ જોતા દર્શકોને થિએટર સુધી ખેંચી લાવવાનો અને થ્રી-ડીના નામે ટિકીટના વધારે ભાવ વસૂલ કરવાનો કીમિયો.
નવા, થ્રી-ડી અવતારમાં રજૂ થનારી ફિલ્મ ‘ટાઇટેનિક’ની જેમ હિટ નીવડેલી હોય નિર્માતાના પક્ષે જોખમ નહીંવત્ અને ફિલ્મના જૂના ચાહકો ફરી એક વાર, પોતાની નવી પેઢી સાથે, થિએટર પર ઉમટી પડે એવી પૂરેપૂરી સંભાવના. પરિણામ? એકની એક જ ફિલ્મ થકી બોક્સઓફિસ પર નવેસરથી ડોલરની ટંકશાળ.
આ વાત નકરી થિયરી લાગતી હોય, તો ઉદાહરણ આપીને વાત કરીએ. ૧૯૯૪માં રજૂ થયલી એનિમેશન ફિલ્મ ‘ધ લાયનકિંગ’ની ટુ-ડી આવૃત્તિએ અમેરિકાનાં થિએટરમાં ૩૧.૨૮ કરોડ ડોલરનો ધંધો કર્યો. ૧૭ વર્ષ પછી, ૧ કરોડ ડોલર કરતાં પણ ઓછા ખર્ચમાં એ ફિલ્મને થ્રી-ડી સ્વરૂપ આપીને નવેસરથી રજૂ કરવામાં આવી. સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૧ના રોજ અમેરિકામાં રજૂ થયેલી થ્રી-ડી ‘લાયનકિંગ’ અત્યાર લગીમાં અંદાજે ૯.૪૨ કરોડ ડોલરનો વકરો કરી ચૂકી છે. યાદ રહે કે આ આંકડો ફક્ત અમેરિકાનો છે. અમેરિકાથી પહેલાં વિદેશોમાં રજૂ થયેલી ‘લાયનકિંગ’ની થ્રી-ડી આવૃત્તિએ વઘુ ૭.૬૪ કરોડ ડોલરની રોકડી કરી છે.
ભીંત પર સાદો હિસાબ માંડો તો, થ્રી-ડી આવૃત્તિના માંડ ૧ કરોડ ડોલરના ખર્ચની સામે, ડિઝની સ્ટુડિયોને નવેસરથી ૧૭ કરોડ ડોલરનો વકરો મળ્યો છે. વચ્ચેનાં ૧૭ વર્ષ દરમિયાન ‘લાયનકિંગ’ની સીડી-ડીવીડીનું ઘૂમ વેચાણ થયું. ૨૦૦૨માં આવેલી‘લાયનકિંગ’ની આઇ-મેક્સ આવૃત્તિએ અમેરિકામાં ૧.૫ કરોડ ડોલરનો વકરો કર્યો. થ્રી-ડી આવૃત્તિ માટે થિએટરોએ ટિકીટના ભાવમાં ૪ ડોલરનો વધારો કર્યો હતો. તેમ છતાં, થ્રી-ડી લાયનકિંગે આટલો કસદાર ધંધો કર્યો.
આ તો થઇ એનિમેશન ફિલ્મની વાત. ફોક્સ સ્ટુડિયોની ‘સ્ટાર વોર્સઃ એપિસોડ ૧- ધ ફેન્ટમ મીનેસ’ સર્વકાલીન સુપરહિટ ફિલ્મોમાં ગણના પામે છે. ૧૯૯૯માં આવેલી આ ફિલ્મે ૪૩.૧૦ કરોડ ડોલરનો ધંધો કર્યો હતો. તેનું થ્રી-ડી રૂપાંતર ફેબુ્રઆરી, ૨૦૧૨માં રજૂ થયું અને ૮ એપ્રિલ સુધીમાં તેણે અમેરિકામાં ૪.૩ કરોડ ડોલરનો ધંધો કરી લીધો હતો. (ભારત સિવાયના) પચાસેક દેશોમાં રજૂ થયેલી ‘સ્ટાર વોર્સ’ની થ્રી-ડી આવૃત્તિએ ફક્ત દોઢ મહિનામાં ૫.૭૨ કરોડ ડોલરનો વકરો કર્યો.
આ ઉદાહરણોનો સાર એટલો જ કે હોલિવુડમાં ટુ-ડી ફિલ્મોને થ્રી-ડીમાં ફેરવીને, તેમના જોરે નવેસરથી ટંકશાળ પાડવાનો યુગ બેસી ચૂક્યો છે. પરંતુ જેમ્સ કેમેરન/James Cameron ની ‘એવેટર’ (ગુજરાતી-ભારતીય ઉચ્ચાર ‘અવતાર’) / Avatar બનતી હતી ત્યારે હોલિવુડમાં થ્રી-ડી ટેકનોલોજીનાં વળતાં પાણી હોય એવું લાગતું હતું. એ માટે ઘણાં પરિબળ કારણભૂત હતાં. થ્રી-ડી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટરો જરૂર હોય કે ન હોય તો પણ, મહત્તમ ફ્રેમોમાં ત્રીજા પરિમાણની નાટકીયતા ઠાંસવાનો પ્રયાસ કરતા હતા. તેનાથી શરૂઆતમાં દર્શકો આશ્ચર્ય અને રોમાંચની લાગણી અનુભવતા હતા. (‘છોટા ચેતન’ જોનાર દર્શકોને છૂટ્ટી ફેંકાતી મશાલનું કે રમકડાના ઉડતા હેલિકોપ્ટરનું દૃશ્ય કદાચ હજુ યાદ હશે.) પરંતુ એ રોમાંચ ઝડપથી એકાદ-બે ફિલ્મો પૂરતો ટકે. પછી શું? ફિલ્મની કથામાં કે તેનાં પાત્રોમાં દમ ન હોય, તો માત્ર થ્રી-ડીના જોરે ફિલ્મ ઉંચકાઇ શકે નહીં.
સારી ફિલ્મો બનાવી શકતા નિર્માતાઓ થ્રી-ડીના માઘ્યમમાં જતાં ખચકાતા હતા તેનાં મુખ્ય બે કારણ હતાં. થ્રી-ડી ફિલ્મ બનાવવા માટે સો ટકા સંતોષકારક કહી શકાય એવી સાધનસામગ્રી ન હતી. થ્રી-ડી ફિલ્મના નિર્માણમાં કચાશ રહી જાય, તો દર્શકોને ફિલ્મ જોતી વખતે માથું દુઃખે. ભૂતકાળમાં એવી ફરિયાદો થયેલી છે. વધારાના રૂપિયા (કે ડોલર) ખર્ચીને માથું દુઃખાડવાનો ધંધો કોણ કરે? અને એ પણ ફિલ્મની ગુણવત્તા વિશે ખાતરી ન હોય ત્યારે?
ધારો કે ટેકનોલોજી અને નિર્માણની દૃષ્ટિએ ફિલ્મ સારી બની પણ ગઇ, તો એ ફિલ્મને રજૂ કરવા માટે થિએટરોને સજ્જ કરવાં પડે. થ્રી-ડી ફિલ્મો અપવાદરૂપે બનતી હોય ત્યારે નવી સુવિધાઓમાં નાણાં ખર્ચવા માટે બહુ ઓછાં થિએટર તૈયાર થાય. દેશવિદેશમાં અનેક પ્રિન્ટો રજૂ કરીને અઢળક કમાણી લેવાનું એ સંજોગોમાં શક્ય ન બને.
આ બન્ને મર્યાદાઓ જેમ્સ કેમેરનને પણ નડી હતી. બાકી, ‘એવેટર’ ફિલ્મ બનાવવાનો વિચાર તેને ‘ટાઇટેનિક’થી પણ પહેલાં આવ્યો હતો. છેક ૧૯૯૫માં તેમણે અજાણ્યા ગ્રહ અને પંગુ ફૌજીના વર્ચ્યુઅલ અવતારને સાંકળતી ૮૨ પાનાંની કથા તૈયાર કરી હતી. પરંતુ પેન્ડોરા નામ ધરાવતા એ ગ્રહ પર વસતા, ભૂરા રંગના દસ ફૂટ ઊંચા ને પૂંછડીયા જીવો તથા સમગ્ર જીવસૃષ્ટિને થ્રી-ડીમાં જ રજૂ કરવાનો કેમેરનનો ઇરાદો હતો. તેને પૂરતો ન્યાય આપવા માટે એ વખતની કમ્પ્યુટર અને થ્રી-ડી ટેકનોલોજી કેમેરનને અપૂરતી લાગી. એટલે ‘એવેટર’ની કથા બાજુ પર મૂકીને તેમણે ટુ-ડીમાં ‘ટાઇટેનિક’ બનાવી. અઢળક ખર્ચ, વિલંબ અને ‘કરોડો ડોલર ખર્ચ્યા પછી છેવટે ફિલમમાં થયું શું? તો કહે બધા ડૂબી મર્યા’ એવી ટીકાઓ વચ્ચે ‘ટાઇટેનિક’ રજૂ થઇ અને અભૂતપૂર્વ સફળતા પામી.
![]() |
| james cameron with 3-d camera |
સાધન તો જાણે બની ગયાં, પણ ફિલ્મ રજૂ કરનારાં થિએટરોનું શું? નવી ટેકનોલોજીની થ્રી-ડી ફિલ્મ રજૂ કરવા માટે થિએટર દીઠ એકાદ લાખ ડોલરનો ખર્ચ બેસતો હતો. એકલદોકલ થ્રી-ડી ફિલ્મ માટે એટલો ખર્ચ કોણ કરે? એટલે કેમેરને એક તરફ થિએટરના માલિકોને સમજાવવાનું ચાલુ કર્યું, તો બીજી તરફ વધારે સંખ્યામાં થ્રી-ડી ફિલ્મો બનતી થાય એ માટે પોતે તૈયાર કરેલા આઘુનિક થ્રી-ડી કેમેરા બીજા ડાયરેક્ટરોને ઉપયોગ માટે આપવાનું નક્કી કર્યું. એ રીતે, કેમેરનના લેટેસ્ટ થ્રી-ડી કેમેરાથી બનેલી પહેલી ફિલ્મ ‘એવેટર’ નહીં, પણ ૨૦૦૩માં આવેલી રોબર્ટ રોડ્રિગ્ઝની ‘સ્પાય કિડ્ઝ’ હતી. ધીમે ધીમે થિએટરમાલિકો સમજતા થયા કે થ્રી-ડી એકલદોકલ ફિલ્મનો મામલો નહીં, પણ ફિલ્મોનું ભાવિ માઘ્યમ બનવાની ક્ષમતા ધરાવે છે. તેના કારણે ૨૦૦૯ સુધીમાં અમેરિકાનાં આશરે ત્રણેક હજાર થિએટરો ડિજિટલ થ્રી-ડી ફિલ્મ માટે સજ્જ થઇ ગયાં.
‘એવેટર’ આવી ત્યાં સુધીમાં થ્રી-ડી ફિલ્મો વિશે પ્રેક્ષકોના મનમાં રહેલા ખ્યાલ બદલાયા હતા. ‘થ્રી-ડી એટલે પ્રેક્ષકો તરફ ફંગોળાઇને આવતી ચીજો’ એવો તેમનો ખ્યાલ નવી થ્રી-ડી ફિલ્મોથી બદલાયો હતો. ‘એવેટર’ જોનારને પોતાના તરફ આવતી વસ્તુ ચુકાવી દેવા માટે માથું બાજુ પર લઇ જવું પડે, એવું કોઇ દૃશ્ય ન યાદ નહીં આવે. તેમાં થ્રી-ડીનો ઉપયોગ ફિલ્મના આખા પોતને, દૃશ્યાવલિને અને ભાવોને ઘટ્ટ કરવા માટે થયો હતો.
‘એવેટર’ને એટલી સફળતા મળી કે હોલિવુડમાં સૌથી વધારે વકરો (૧૯૦ કરોડ ડોલર) કરનારી કેમેરનની જ ફિલ્મ ‘ટાઇટેનિક’નો રેકોર્ડ તોડ્યો અને ૨૭૮.૨૩ કરોડ ડોલરનો ધંધો કર્યો. આ સફળતા ફિલ્મની કથા અને કેમેરનની ઝીણવટભરી કલાદૃષ્ટિ ઉપરાંત થ્રી-ડીના માઘ્યમની પણ હતી.
થ્રી-ડીના જયજયકારનો સંદેશો હોલિવુડમાં બરાબર ઝીલાયો. તેના પગલે ટુ-ડી ફિલ્મોને થ્રી-ડીમાં ફેરવવાનો જુવાળ પેદા થયો. આગળ ઉલ્લેખેલી ‘લાયનકિંગ’ અને ‘સ્ટારવોર્સઃ એપિસોડ-૧’ ઉપરાંત ‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝઃ પાર્ટ ટુ’, ‘ધ ગ્રીન હોર્નેટ’ જેવી ફિલ્મો થ્રી-ડી રૂપાંતરણ પામી. ‘એવેટર’ના થ્રી-ડી જુવાળનો લાભ બીજા લોકો લઇ જાય, તો કેમેરન બાકી રહે? તેમણે ‘ટાઇટેનિક’ને થ્રી-ડી સ્વરૂપ આપવાનું નક્કી કર્યું, પણ આડેધડ રીતે નહીં- એકદમ કેમેરન પદ્ધતિએ. ઝીણવટ અને ચીવટથી. કોઇ પણ જાતનું સમાધાન કર્યા વિના.
(આવતા સપ્તાહેઃ ‘ટાઇટેનિક’ કેવી રીતે ટુ-ડીમાંથી થ્રી-ડી બની?)
Monday, March 19, 2012
આખી ફિલ્મી કારકિર્દીમાં મારે કદી સેક્રેટરીની જરૂર પડી નથી: કામિની કૌશલ

Kamini Kaushal, 85, in conversation with Urvish Kothari; A still from LP cover of `Nadiya Ke Paar` (with DilipKumar)

દિલીપકુમાર-દેવ આનંદ-રાજ કપૂરની શરૂઆતની ફિલ્મોમાં નાયિકા બનનાર કામિની કૌશલ/Kamini Kaushal ૮૫ વર્ષની વયે પણ ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે. અવાજમાં યુવતી જેવો રણકો અને નજાકત, ચહેરા પરના વાતને અનુરૂપ સતત બદલાતા હાવભાવ અને એ પ્રમાણે અવાજના ચઢાવ- ઉતાર, એ બઘું જોઇને લાગે કે કામિની કૌશલ વૃદ્ધ નહીં, ફક્ત ઉંમરલાયક થયાં છે. ગ્રામોફોન ક્લબના મહેમાન તરીકે અમદાવાદની મુલાકાતે આવેલાં કામિની કૌશલે ‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં ઘણી ભૂલાયેલી અને અજાણી વાતો તાજી કરી.
રાજ કપૂર સાથે તેમણે ‘જેલયાત્રા’ અને આર.કે.ના બેનરની પહેલી ફિલ્મ ‘આગ’માં નાયિકા તરીકે કામ કર્યું. ‘રાજ કપુર બહુ મસ્તીખોર હતો. મારી આગળ બહુ ગપ્પાં મારે અને ખોટેખોટી ધોંસ જમાવે.’ છ દાયકા પહેલાંના ભૂતકાળમાં સરી જતાં કામિની કૌશલે કહ્યું,‘એ મને પૂછે કે તેં કેટલી ફિલ્મોમાં કામ કર્યું? હું કહું કે એક જ. એટલે એ કહે, મેં તો દેસી ઠર્રા હું. મેં તો ઢગલાબંધ ફિલ્મોમાં કામ કર્યું છે. પછી હું અંજાઇ જાઉં એટલે ખડખડાટ હસીને કહે, હું તો તને બનાવવા જૂઠું બોલું છું.’
‘રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમાર- ત્રણેની અલગ અલગ સ્ટાઇલ હતી. દિલીપકુમાર એકદમ અંતર્મુખી. દેવ આનંદ પણ નવો આવ્યો ત્યારે એકદમ શરમાળ હતો. એ વખતે અમે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું. એ વાતના દાયકાઓ પછી વિજય આનંદની છેલ્લી ફિલ્મમાં અમે સાથે હતાં. ત્યારે દેવને મેક અપ રૂમમાંથી બહાર આવતો જોઇને મેં કહ્યું, ‘અરે, તારી ચાલવાની સ્ટાઇલ હજુ એવી ને એવી જ છે.’ કામિની કૌશલ અને દિલીપકુમારની જોડી નદીયા કે પાર, શબનમ, શહીદ અને આરઝુ જેવી સુપરહિટ ફિલ્મો દ્વારા પડદા ઉપર અને પડદાની બહાર પણ અત્યંત જાણીતી બની.
‘ફિલ્મફેર’ના પહેલા જ અંકના મુખપૃષ્ઠ પર ‘કવરગર્લ’ તરીકે ચમકનાર અને ફિલ્મી દુનિયામાં આજીવન સેક્રેટરી રાખ્યા વિના કામ ચલાવનાર કામિની કૌશલનો જન્મ ૨૫ ફેબુ્રઆરી, ૧૯૨૭ના રોજ લાહોરમાં થયો હતો. તેમનું મૂળ નામ ઉમા કશ્યપ હતું. નાનપણથી જ તે ઓલ ઇન્ડિયા રેડિયો પર નાટકો કરતાં હતાં. પિતા રાયબહાદુર એસ.આર.કશ્યપ તરફથી બધી જ છૂટછાટ હતી. તેમનું મૃત્યુ થતાં મોટા ભાઇ બધાં ભાઇબહેનો માટે પિતાસમાન બની ગયા. તેમના મિત્ર ચેતન આનંદે ઉમાને પોતાની પહેલી ફિલ્મ ‘નીચા નગર’માં તક આપી, પણ થયું એવું કે ચેતન આનંદની પત્નીનું નામ પણ ઉમા હતું અને એ પણ ફિલ્મમાં ભૂમિકા કરતાં હતાં. એટલે ઉમા કશ્યપનું નામ બદલીને કામિની કૌશલ કરી નાખવામાં આવ્યું. ‘મેં કહ્યું હતું કે તમારે જે મારું જે નામ રાખવું હોય તે રાખો, પણ ‘કે’થી શરૂ થતું હોય એવું રાખજો. કારણ કે મારી બહેનની બન્ને દીકરીઓનાં નામ પણ ‘કે’થી શરૂ થાય છે.’
‘નીચા નગર’ (૧૯૪૬) આંતરરાષ્ટ્રિય પ્રશંસા પામી. ત્યાર પછી કામિની કૌશલ લાહોર પાછાં જતાં રહ્યાં હતાં, પણ એ દરમિયાન તેમના અંગત જીવનમાં નાટકીય સંજોગો સર્જાયા. તેમની બહેનનું મૃત્યુ થતાં તેમણે બહેનની બે દીકરીઓની દેખભાળ રાખવા માટે બહેનના પતિ બ્રહ્મસ્વરૂપ સુદ સાથે લગ્ન કર્યું.
ચાળીસીના દાયકાના અંત સુધીમાં અભિનેત્રી તરીકે તેમની ઘણી ફિલ્મો સફળ થઇ હતી, પણ પચાસના દાયકામાં આવેલી બિમલ રોયની ‘બિરાજબહુ’(૧૯૫૪)માં તેમનો અભિનય નવી ઊંચાઇએ પહોંચ્યો. ‘બિમલ રોય બહુ શાંત અને ધીરગંભીર હતા. ફિલ્મના મુખ્ય પાત્રમાં મારી પસંદગી થયા પછી તેમણે મને પૂછ્યું કે ‘બિરાજબહુ’ નવલકથા તમે કેટલી વખત વાંચી છે? મેં જવાબ આપ્યો, ‘બે વાર.’ એટલે તેમણે કહ્યું, ‘તમારે એ વીસેક વાર તો વાંચવી જ જોઇએ. બિરાજનું આખેઆખું પાત્ર તમારામાં ઉતરી જવું જોઇએ.’ આ પ્રસંગ યાદ કરીને કામિની કૌશલે કહ્યું,‘એમની વાત બહુ સાચી હતી. ત્યાર પછી ઘણી વાર એવું બનતું કે આખો સીન એક પણ રીહર્સલ કે રીટેક વિના શૂટ થઇ જતો.’
બિમલ રોય જેવા ડાયરેક્ટરોના પ્રભાવની વાત કરતાં તેમણે કહ્યું,‘તેમણે એવી પદ્ધતિ રાખી હતી કે વાર્તામાં દિવસનાં દૃશ્યો હોય તે દિવસે અને રાતનાં રાતે જ લેવાં, જેથી એક પ્રકારની સ્વાભાવિકતા આવે. એક વાર અમે ખંડાલા પાસે આઉટડોર શૂટિગ કરતાં હતાં ને મારાં મમ્મીને હાર્ટએટેક આવ્યો છે, એવા ખબર મળ્યા. સાંભળીને હું તદ્દન સ્કૂલની વિદ્યાર્થીનીની જેમ બિમલ રોય પાસે રજા માગવા દોડી ગઇ. તેમણે મને સમજાવી અને કહ્યું કે કાલ સવારનું શૂટંિગ પૂરું કરીને નીકળી જજે. એ વખતે મારાથી એવું ન કહેવાય કે રહ્યું તમારું શૂટિગ. હું તો આ ચાલી.’
કામિની કૌશલ-દિલીપકુમાર અભિનીત ફિલ્મ ‘શહીદ’ના ચાહક મનોજકુમારે પોતાની ‘શહીદ’માં કામિની કૌશલને પહેલી વાર માતાની ભૂમિકા કરવા માટે મનાવી લીધાં. ત્યારથી નિરૂપા રોય- અમિતાભ બચ્ચનની જેમ ફિલ્મી માતા-પુત્ર તરીકે કામિની કૌશલ-મનોજકુમાર જાણીતાં બન્યાં. નેવુથી પણ વઘુ ફિલ્મોમાં અભિનય કરનાર કામિની કૌશલે દૂરદર્શન પર બાળકો માટેની ટીવી સિરીયલ અને પપેટ શો સહિત અનેક પ્રવૃત્તિઓથી જીવનને ભર્યુંભાદર્યું રાખ્યું છે. ‘પરાગ’ માસિકમાં તેમણે લખેલી બાળવાર્તાઓ પર ગુલઝાર એટલા રાજી થયા હતા કે એની પરથી જ ટીવી સિરીયલ બનાવવા સૂચવ્યું.
સાવ બાળકી તરીકે પિતાના ખભે બેસીને લાહોર રેલવે સ્ટેશને ટ્રેનના ડબ્બામાં ઊભેલા ગાંધીજીનાં દર્શન કરનાર કામિની કૌશલ તેમના અમેરિકાનિવાસી કમ્પ્યુટર એન્જિનિયર પુત્ર વિદુર સાથે મળીને ગાંધીજીના રોબોટિક પપેટ પર કામ કરી રહ્યાં છે. એના થકી તે નવી પેઢીનાં બાળકો સુધી ગાંધીજીનો સંદેશ પહોંચાડવા ઇચ્છે છે.
Tuesday, December 06, 2011
દેવ આનંદ, પડદાની બહારઃ જાદુનગરીસે આયા થા કોઇ જાદુગર
દેવ આનંદ/Dev Anandની તસવીરોનો એક સેટ મૂક્યા પછી પણ, દિલ અભી ભરા નહીં. એટલે ભાગ્યે જ જોવા મળતી થોડી વધુ તસવીરો. (રંગીન મોટે ભાગે ‘ફિલ્મફેર’નીછે.)
કલ્પના કાર્તિક/ Kalpana Kartik સાથે, બાળકને ફોટો પાડવા સમજાવતા
અસ્સલ પિતાની મુદ્રા
(ડાબેથી) સી.આઇ.ડી.ની ટીમઃ ગુરુદત્ત, દેવ આનંદ, વહીદા રહેમાન, રાજ ખોસલા, જોની વોકર
જાહેર સમારંભમાં જવાહરલાલ નેહરૂ સાથે
Monday, August 15, 2011
તારીફ કરું ક્યા ઉસકી...
ગઇકાલે શમ્મી કપુરના અવસાનના સમાચાર મિત્ર હરીશ રઘુવંશીએ આપ્યા ત્યારે સ્વાભાવિક રીતે દુઃખ થયું, પણ એમના વિશે કંઇ લખવાનું ન હતું. મારા માટે એમની ઓળખાણ મુખ્યત્વે ગીતો થકી. એમના અભિનય વિશે થોડો ખ્યાલ ખરો, પણ નક્કર લખી શકાય એવી છાપ નહીં. પરંતુ ભાગ્યે જ ઇ-મેઇલ લખતા મહેમદાવાદના મિત્ર વિજય પટેલ (કંકોત્રીની ભાષામાં લખવું હોય તો, ‘હાલ કેનેડા’)નો મેઇલ આવ્યો. તેમનું આગ્રહભર્યું સૂચન હતું કે તેમના પ્રિય અભિનેતા શમ્મી કપુર વિશે કંઇક લખવું.
નવેક વર્ષ થયે કેનેડા વસતા ભાઇ પટેલના પ્રેમાગ્રહનું વજન હજુ ઓછું થયું નથી એ દર્શાવતી આ પોસ્ટઃ-)
‘તુમસા નહીં દેખા’થી લટકાઝટકાસમ્રાટ તરીકે મેદાને પડેલા અને દેવ-દિલીપ-રાજની ત્રિપુટીની સમાંતરે જુદો ચોકો ધમધમાવનારા શમ્મી કપુર પહેલાં રોનાધોના ટાઇપ પ્રેમકહાણીઓમાં નાયકી કરતા હતા. એવી એક ફિલ્મ ‘લૈલા મજનુ’માં નૂતન સાથેનું તેમનું ચિત્ર ફિલ્મની લોંગપ્લે રેકોર્ડ (એલ.પી.)ના કવર પર પહેલી વાર જોયું ત્યારે ઠીક ઠીક રમૂજ થઇ હતી.પછી મનમાં એવી કલ્પના પણ આવી હતી કે ઉત્તરાર્ધના શમ્મી કપૂર મજનુ બન્યા હોત તો કેવી મઝા આવત?
એ જ અરસામાં સ્ટાર ગાયિકા-અભિનેત્રી સુરૈયા સાથે 'શમા-પરવાના' માં - ટ્રેડમાર્ક મૂછો સહિતના- શમ્મી કપુરની તસવીર ધરાવતું એલ.પી.નું છટાદાર કવર.
(લૈલા મજનુમાં ગુલામ મહંમદે અને શમા પરવાનામાં હુસ્નલાલ ભગતરામે ઉત્તમ ગીતો સ્વરબદ્ધ કર્યાં હતાં, જે યુ ટ્યુબ પર સહેલાઇથી મળવાં જોઇએ)
Shammi on his first wife, star actress Geeta Bali
It was her ambition and aspiration which made me work for the top spot. What she wanted me to possess was an identity of my own….It was busy shooting the climax of the film (TeesariManzil) when I heard the news of Geeta’s death. It was the biggest anticlimax of my life. I went into a deep shock. I couldn’t come to terms with reality…Geeta took away everything with her.’ (courtesy: Mukesh Khosla-O.P.Mallik, The Hindustan Times, 3-2-1991)
Shami Kapoor with Geeta Bali, flanked by Premnath & Bina Roy, Image Courtesy: Mid day
શમ્મી કપુરની નવી ઇમેજ સાથેની પહેલી ફિલ્મની બુકલેટ અને એલપીનું કવર
ચા પીવડાવતાં ‘સાકી’ મધુબાલા અને શમ્મી કપુર, ‘રેલકા ડિબ્બા’ ફિલ્મના સેટ પર.
(તસવીર સૌજન્યઃઝફર આબીદનું પુસ્તક)
મુગલેઆઝમના પ્રીમિયર વખતે પૃથ્વીરાજના અસલી જિંદગીના ‘સલીમ’ શમ્મી કપુર, કે.આસિફ અનેતેમનાં ભૂતપૂર્વ પત્ની- જાણીતાં નર્તકી સિતારાદેવી (તસવીર સૌજન્યઃ ઝફર આબીદનુંપુસ્તક)
વર્ષો પહેલાં નસીરુદ્દીન શાહે લતા ખૂબચંદાણીને આપેલી એક મુલાકાતમાં શમ્મી કપુરનાં મોંફાટવખાણ કરીને તેમને ‘આર્ટી સર્કિટ’માં ગણતા ઘણા લોકોને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો,પણ રાબેતા મુજબ, નસીરુદ્દીને બહુ મુદ્દાની વાતો કરી હતી. નસીરુદ્દીન શાહ/Naseeruddin Shah ના પહેલાપુરુષ એકવચનમાં છપાયેલા એ લેખમાંથી કેટલાંક અવતરણો અહીં મૂળ અંગ્રેજીમાં જ મૂકું છું.
- His greatest tragedy is thathe never appeared in a great film…It’s strange how the film-makers of that time did not have the vision to spot the talent of Shammi Kapoor and use him in away that would’ve been memorable
- It’s a whole style which Ibelieve, he evolved out of the three great gods of Indian cinema- thetriumvirate of Dilip Kumar, Raj Kapoor and Dev Anand… I say this though I cannot really verify it…If u study Dev Anand’s gestures, you will find that Shammi made the same gestures, only they would be ten times over…
- Shammi Kapoor was the one who always awed me- I felt, `This (is something) I cannot do.` I never felt that way about Dilip Kumar, Raj Kapoor or Dev Anand
- One of my everlasting regrets is that Shammi and Madhubala did not make an immortal pair: she was the female equivalent of him.
- After his success, everybody has tried to emulate his style. Joy Mukherjee, Biswajeet, Jeetendra, Mithun,Govinda- all of them have given their obscene little versions of it.
- Yes, the greatest lesson I’ve learnt from Shammi Kapoor is that a predictable actor is the most boring one.
- He is the sexiest man Hindi films have ever seen or ever will see. The power of suggestion is always the strongest. Shammi Kapoor seldom fondled his heroines- he’s only push them or twirl them but the way he looked at them was sufficient. You could feel the power. You don’t have to be gay or have gay tendencies to be able to appreciate that appeal and the depth in his eyes.
(Courtesy: `Anatomy of a star', Lata Khubchandani)
Labels:
film,
music/સંગીત
Subscribe to:
Posts (Atom)




















