Showing posts with label amit shah. Show all posts
Showing posts with label amit shah. Show all posts

Tuesday, January 17, 2023

ગૂજરાત વિદ્યાપીઠઃ કુલનાયક ખીમાણીનું રાજીનામું એટલે...

આખરે બે દિવસ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (વીસી) રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપ્યું. 

હાઇકોર્ટના આદેશને પગલે તેમનું જવાનું તો નક્કી જ હતું. 

એક અટકળ એવી હતી કે અમિત શાહ કદાચ તેમને કોર્ટના આદેશની અસરમાંથી બચાવી પણ લે. 

બીજી, વધારે તાર્કિક, અટકળ એવી હતી કે અમિત શાહ તેમને બચાવવા માટે શું કામ પ્રયાસ કરે? તેમનો ઉપયોગ તો કેવળ વિદ્યાપીઠ હાંસલ કરવા પૂરતો જ હોય. 

અને રાજેન્દ્રભાઈ સામે કશી કાર્યવાહી ન થાય, એ પણ તેમના માટે તો સરકારે કરેલી તરફેણ જ ગણાય, એવા આરોપ તેમની સામે છે. 

***

વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રત જેવા સરકારમાન્ય, સરકાર-અનુકૂળ અને રામદેવના અનુયાયી એવા કુલપતિ (ચાન્સેલર) નીમવા માટે ટ્રસ્ટીમંડળમાં ઠરાવ થયો અને બહુમતીથી પસાર થયો, તેમાં પ્રેરક બળ રાજેન્દ્રભાઈનું હતું. 

સ્ટાફના પ્રતિનિધિઓને એવું સમજાવવામાં આવ્યું કે સરકારને અનુકૂળ નહીં થઈએ તો ગ્રાન્ટ નહીં આવે (કેમ જાણે ગ્રાન્ટ કોઈના પિતાશ્રીની મૂડીમાંથી આવવાની હોય) અને તમારા પગાર અટકશે. ભૂતપૂર્વ સાથીદારોને કહેવામાં આવ્યું કે આરોપોમાં તમે પણ સહઆરોપી બનશો. 

ભૂતપૂર્વ સાથીદારો તો ન માન્યા ને વિરોધમાં થોડા મત પડ્યા. છતાં ઠરાવ બહુમતીથી પસાર થઈ ગયો અને આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે નહીં, વ્યક્તિગત રીતે વિદ્યાપીઠના આજીવન કુલપતિ બની ગયા. ત્યાર પછી તેમણે જે મહાન સફાઈઝુંબેશ ઉપાડી, રાજ્યપાલભવનમાંથી તેની જે ભવ્ય યાદીઓ બહાર પડી અને છપાઈ, તે સૌ જાણે છે. 

તો, સરવાળે શું થયું?

- રાજેન્દ્રભાઈએ વિદ્યાપીઠ સરકારના ચરણે ધરી દીધી. વિદ્યાપીઠના કુલપતિનું પદ ગાંધીવિચારધારાથી વિપરીત વિચારધારા ધરાવતા માણસ પાસે ગયું--અને તે પણ તે ભાઈ જીવે ત્યાં સુધી. તે પાપ રાજેન્દ્રભાઈની સક્રિય આગેવાની હેઠળ થયું. તરફેણમાં મત આપનારા એ પાપના ભાગીદાર. 

- બદલામાં રાજેન્દ્રભાઈની સામે કશાં પગલાં નહીં લેવાય, એવી આશા કે આશ્વાસન હશે? ખબર નથી, પણ હાલમાં તો તેમણે કુલનાયકપદું છોડવું પડ્યું. 

***

રાજેન્દ્રભાઈ કહી શકે કે તેમણે વિદ્યાપીઠને બચાવી લીધી. નહીંતર ગ્રાન્ટ બંધ થઈ જાત અને સ્ટાફ પગાર વિના રવડી પડત અને વિદ્યાપીઠ બંધ થઈ જાત. 

વિદ્યાપીઠના ટીકાકારો કહી શકે કે આમાં કશું ક્યાં નવું છે? વિદ્યાપીઠમાં તો પહેલેથી પુષ્કળ પોલંપોલ ચાલતું હતું. 

--અને આ બંને વાતોમાં સત્યનો ઘણો અંશ હોઈ શકે.  છતાં, તે આખા ચિત્રનો નાનકડો હિસ્સો છે. 

આખું ચિત્ર એ છે કે  કે જેવી હતી તેવી એક ગાંધીસંસ્થા વિરોધી વિચારધારાના સત્તાધીશોએ આંચકી લીધી અને તે પણ કોઈ પણ પ્રકારના પ્રજાકીય-નાગરિકી વિરોધ વિના. 

***

અત્યાર સુધીના બનાવો પરથી સમજાય છે કે આ સરકાર એક જ ભાષા સમજે છેઃ વિરોધની. 

સમેતશિખરને પ્રવાસનધામ ન બનાવાય, એવી જૈનોની માગણી તેમના વિરોધપ્રદર્શન પછી સ્વીકારાઈ. એ તેનો તાજો દાખલો છે.

ત્યાર પહેલાંનાં વિરોધ પ્રદર્શનો પણ યાદ કરી લો. એટલે ખ્યાલ આવી જશે કે વિરોધીઓ પ્રત્યે ગંદકી ફેલાવવા સિવાય, તેમને નહીં જેવા કારણોસર કે કારણવગર જેલમાં ખોસી દેવા સિવાય અને વિરોધીઓ સામે પાળેલાં પ્રાણીઓને છૂટાં મૂકી દીધા સિવાય, બીજું ખાસ કંઈ તેમને ફાવતું નથી. 

આટલાં વર્ષ વિરોધ કરી કરીને અહીં પહોંચ્યા પછી હવે સાહેબલોકોથી કાયદાની હદમાં રહીને થતો વિરોધ પણ સહેવાતો નથી. હવે તો એ વિરોધ પ્રદર્શન વખતે ધરપકડને લગતા કાયદા પણ બદલવા માંડ્યા છે. 

વિરોધથી ડરતા હોવાને કારણે તેમના પ્રયાસ એવા હોય છે કે કોઈ પણ ચીજ હડપ કરી લેતાં પહેલાં ત્યાંના સત્તાધીશોની ફાઇલો સાથે રાખવી અને ભય કે લાલચ કે બંનેના જોરે તેમને દબાવીને, વ્યાપક વિરોધ થાય તે પહેલાં કબજો જમાવી લેવો. 

એવા સંજોગોમાં શિસ્તબદ્ધ, અહિંસક પણ આકરો વિરોધ પણ ન થાય, ત્યારે શું કહેવું? 

***

વિરોધનો અર્થ એવો નથી કે બધાએ સડક પર ઉતરવું. જેને જે અનુકૂળ પડે તે કરે. પણ જેનો દાવો ને હોદ્દો વધારે મોટો, તેની જવાબદારી વધારે મોટી.  બધા વિરોધની પહેલ ન કરે તો પણ, વાજબી રીતે થતા વિરોધને એક યા બીજી રીતે સહકાર તો આપે. 

વિદ્યાપીઠ એ ટ્રસ્ટીઓના કે હોદ્દેદારોની મિલકત નથી. તેની છેવટની માલિકી સમાજની અને તેમાં પણ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓના કિસ્સામાં, ગાંધીપ્રેમી હોય અથવા કમ સે કમ ગાંધીદ્વેષી ન હોય, એવા વ્યાપક જનસમુદાયની છે. 'આપણે શી લેવાદેવા?' એવું વિચારતાં પહેલાં આટલું મનમાં રાખજો. 

બાકી તો, ગાંધીજી કહેતા હતા તેમ, તમારા રુદિયાનો રામ સૂઝાડે તેમ કરજો. રુદિયામાં રામના પાવક સ્મરણને બદલે 'જય શ્રી રામ'ની હિંસક નારાબાજી હોય તો જેવાં ગાંધીજીનાં, રામનાં ને દેશનાં નસીબ.

Tuesday, December 17, 2019

સિટીઝન અમૅન્ડમૅન્ટ બિલ (CAB), ૨૦૧૯ : અગત્યના મુદ્દા

( ઉર્વીશ કોઠારી, 'નિરીક્ષક', ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯માંથી)
ભારતીય નાગરિકતાના એક નિયમમાં પાયાનો ફેરફાર કરતો ખરડો લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો છે.

સંસદીય લોકશાહીની કલ્પના થાય ત્યારે તેમાં એક ભયસ્થાન હોય છેઃ Brute Majority/આંકડાકીય બહુમતીનું નકરી દાદાગીરી જેવું જોર. વર્તમાન સરકાર પાસે એવી બહુમતી છે. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે પણ એવી બહુમતી હતી. આવી બહુમતી હોય ત્યારે, કેવળ સંખ્યાના જોરે (અલબત્ત લોકોના નામે) સરકાર ઇચ્છે તેવો કાયદો બનાવી શકે. તેમાં બે જ અડચણ હોયઃ ૧) રાષ્ટ્રપતિ સહી કરે તો જ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ પોતાના નીમેલા હોય, તો આ અડચણ રહેતીનથી. ૨) કાયદો ઘડવાની સર્વોપરી સત્તા સંસદ પાસે છે. છતાં, તે બ્રુટ મેજોરિટીના જોરે બંધારણના હાર્દથી વિપરીત કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલત તે કાયદાને રદબાતલ કરી શકે છે. (યાદ આવે છે ત્યાં સુધી, રાજીવ ગાંધીની સરકાર ડીફેમેશન બિલ લાવી હતી. પણ તેનો વ્યાપક લોકવિરોધ થતાં એ ખરડો પડતો મૂકવો પડેલો. તેનું એક કારણ એ પણ હતું કે તેમાં રેલો સીધો છાપાં-મેગેઝીન પર આવતો હતો.) ત્રીજી સંભવિત અડચણ હોઈ શકે લોકોનો વિરોધ.

વર્તમાન સરકારે નાગરિકતાને લગતા કાયદામાં ફેરફાર બંને ગૃહોમાંથી પસાર કરાવી દીધો, તેનો ઠીક ઠીક વિરોધ થયો છે—અને વર્તમાન સરકારની કાર્યપદ્ધતિની ખાસિયત પ્રમાણે, એ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ સંજોગોમાં આ ખરડાનો વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી બની જાય છે. આ ખરડા થકી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ડિસેમ્બર, ૨૦૧૪ સુધી ભારતમાં વસેલા અને ભારતની નાગરિકતા ન ધરાવતા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકપદું આપવામાં આવશે. આ યાદીમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી છે.

કાયદામાં થયેલા આ ફેરફાર (અમૅન્ડમૅન્ટ) પ્રત્યે વાંધાનાં મુખ્ય બે સાવ જુદા જુદાં કારણ છેઃ

૧) બીજા દેશોમાંથી આશ્રય લેનાર કે ઘૂસણખોરી કરનારને ધર્મના આધારે નાગરિકતા આપવાનો નિર્ણય. ભારતના બંધારણ પ્રમાણે અને ભારતની પરંપરા પ્રમાણે ધર્મ એ નાગરિકતાનો આધાર બની શકે નહીં અને બનવો પણ જોઈએ નહીં. એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં બનતો હોય તો ભલે, પણ ભારતમાં તો નહીં જ. માટે, આ બાબતની ઉગ્ર ટીકા થઈ રહી છે.

૨) ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રશ્ન જુદો છે. ત્યાંની મુખ્ય ચિંતા સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક વસ્તીનું પ્રમાણ જાળવવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમને (દા.ત. આસામને) મુસ્લિમ બાંગ્લાદેશીઓ જેટલો જ વાંધો હિંદુ બાંગ્લાદેશીઓ સામે પણ છે. કેમ કે, સવાલ ફક્ત હિંદુ-મુસ્લિમનો નહીં, આસામી સંસ્કૃતિ વિરુદ્ધ બંગાળી સંસ્કૃતિનો પણ છે. એવી જ રીતે, ઈશાન ભારતમાં બીજે, બિનમુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તેના કારણે, સ્થાનિક જાતિઓ અને સમુદાયોના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર થશે અને સરવાળે સ્થાનિકોનું મહત્ત્વ ઘટી જશે, એવી બીક વિરોધનું મુખ્ય કારણ છે. મણિપુરમાં નવી જોગવાઈ લાગુ નહીં પડે, તેવી સ્પષ્ટતા છતાં ત્યાંના લોકોને સરકાર પર ભરોસો નથી. એટલે તે પણ વિરોધ કરી રહ્યા છે.

આમ, કહી શકાય કે સરકારે જુદાં જુદાં કારણ, જુદી જુદી ગંભીરતા અને જુદી જુદી અસરો ધરાવતા બે મોરચા એક સાથે ખોલી નાખ્યા છે. આવું કરવાની શી જરૂર હતી? તેના બે-ત્રણ જવાબ છે.
*
બાંગલાદેશી ઘુસણખોરો એ ભાજપનો-સંઘ પરિવારનો પ્રિય મુદ્દો છે. અલબત્ત, તેમની ઘુસણખોરોની વ્યાખ્યામાં ફક્ત મુસ્લિમ ઘુસણખોરો આવે છે, જ્યારે આસામી લોકોને બાંગલાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમ અને હિંદુ બન્ને ઘુસણખોરો સામે વાંધો છે. મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે, એટલે અને પરંપરાગત કારણોસર તેમની સામે વાંધો પણ મોટો હોય. હિંદુઓની સંખ્યા નાની છે. એટલે ‘બધા મુસ્લિમ ઘુસણખોરોને નાગરિકતામાંથી બાકાત કરી નાખો, તો અમે થોડા હિંદુ ઘુસણખોરોને સ્વીકારી પણ લઈએ’—એવું સમાધાન આસામમાં અમુક વર્ગને લોકોને કદાચ સ્વીકાર્ય બને.

ભાજપ સરકારે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) નો કાર્યક્રમ ઉપાડીને રાજ્યના લોકોની નાગરિકતાની તપાસ ચલાવી અને નાગરિકોની નવેસરથી યાદી બનાવી, ત્યારે આસામના લોકોની અને ભાજપના સમર્થકોની અપેક્ષા ઉપર પ્રમાણે બને એવી હશે. તેને બદલે થયું એવું કે આસામમાં 3.11 કરોડ લોકોનાં નામ કાયદેસર નાગરિક તરીકેની યાદીમાં આવ્યાં અને આશરે 19 લાખ લોકો તેમાંથી બાકાત રહી ગયા.તેમાંથી આશરે 12 લાખ હિંદુ હતા.

અપેક્ષાથી વિપરીત, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ કાયદેસરની નાગરિકતાથી બાકાત રહી ગયા, એટલે ભાજપશાસિત રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને સંઘ પરિવાર સુધીના બધાએ NRCની આખરી યાદીનો વિરોધ કર્યો. હવે આ બારેક લાખ હિંદુઓને કાયદેસરના નાગરિક બનાવવા હોય—અને એ સિવાયના પાંચેક લાખ મુસ્લિમોને નાગરિકતા ન આપવી હોય તો—તો નાગરિકતાના કાયદામાં ધર્મઆધારિત ફેરફાર કરવો પડે. તે આ ફેરફાર કર્યો.

આમ કરોડોના ખર્ચે થયેલી કવાયત અને અનેક લોકોની હેરાનગતિ પછી (નોટબંધીની જેમ જ) આસામમાં સિટિઝન રજિસ્ટરનો હેતુ સિદ્ધ થયો નહીં. ઊલટું, ગેરકાયદે જાહેર થયેલા હિંદુઓનો પ્રશ્ન ઊભો થયો, જેના માટે મુસ્લિમોને બાકાત રાખીને બીજા બધાને નાગરિકતા આપવાનો ફેરફાર કરવાનો વારો આવ્યો.
*
ફરી સિટિઝન અમૅન્ડમૅન્ટ બિલ અંગેના મુખ્ય વાંધાની વાત (જે ઇશાન ભારતમાં થઈ રહેલા વિરોધ કરતાં પણ વધારે વ્યાપક, વધારે પાયાની છે). હવે તો રાષ્ટ્રપતિએ તેની પર સહી કરી દીધી હોવાથી તે ફેરફાર કાયદાનો હિસ્સો બની જશે. તેમાં પહેલી વાર ચોક્કસ સંજોગોમાં ભારતના નાગરિકત્વ માટે ધર્મને માપદંડ તરીકે રાખવામાં આવ્યો છે અને મુસ્લિમો પ્રત્યેના વિરોધને, ભલે ગમે તેટલું નિર્દોષ કે અવિરોધી લાગે એવું મહોરું પહેરાવીને પણ, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

- સાંસદોમાં જે ખરડો વાચન માટે વહેંચવામાં આવ્યો તેમાં અને ત્યાર પહેલાંની ચર્ચામાં એક શબ્દ બહુ અગત્યનો હતોઃ ‘પર્સીક્યુશન’. એટલે કે, સતામણી. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સતાવાયેલા બિનમુસ્લિમો માટે આ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ પસાર થયેલા ખરડામાં ‘પર્સીક્યુશન’નો ઉલ્લેખ જ નથી. (https://www.telegraphindia.com/india/persecution-hole-in-citizenship-amendment-bill-fuels-theories/cid/1726169) તેનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ૨૦૧૪ પહેલાંના અરસામાં પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણોસર સતામણી થઈ હતી, એવું પુરવાર શી રીતે થઈ શકે? સામાન્ય સંજોગોમાં તેના પુરાવા શી રીતે હોય? એટલે, ખરડાની ચર્ચામાં ધાર્મિક સતામણી કેન્દ્રસ્થાને રહી, પણ કાયદામાં એ શબ્દની, ખરું જોતાં એ માપદંડની, બાદબાકી થઈ ગઈ.

- ભાગલા ને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી પામેલા બિનમુસ્લિમો—આટલે સુધીનો સરકારી એજેન્ડા તેમની અત્યાર લગીની ચાલચલગત પ્રમાણેનો હતો. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે અફઘાનિસ્તાનનો ઉમેરો કરીને આ સરકારે તેમની વિભાજનકારી નીતિ તથા હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં નવું પરિમાણ ઉમેર્યું. ભાગલા પછીના કોઈ પણ તબક્કે અફઘાનિસ્તાન સાથે ભારતની સરહદ મળતી નથી. પરંતુ ત્યાં ઇસ્લામી રાજ્ય છે, એટલે ત્યાં સતાવાયેલા બિનમુસ્લિમ અહીં આવ્યા હોય તો તેમને પણ આશરો આપવો—એવું નક્કી કરવામાં આવ્યું.

તેનો આડકતરો સંદેશો એ થાય કે જેમ સતાવાયેલા યહુદીઓ માટે ઇઝરાઇલ છે, તેમ સતાવાયેલા હિંદુઓ (અને સાવ ચોખ્ખેચોખ્ખું હજું કહેવાતું નથી એટલે, સાથે શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો) માટે ભારત છે. આવો ભેદભાવ ત્યારે વાજબી ગણાય, જ્યારે સતાવાયેલા ભારતીયોને (હિંદુઓને કે બીજાઓને)અન્ય કોઈ દેશ સંઘરતો ન હોય અથવા બધે તેમની ધર્મના લીધે અમુક પ્રકારેસતામણી થતી હોય(જેવું યહુદીઓના કિસ્સામાં હતું). પરંતુ હિંદુ અને બાકીના ધર્મી ભારતીયો પશ્ચિમી દેશોથી માંડીને ઇસ્લામી શાસન ધરાવતા અખાતી દેશોમાં બધે વસે છે. એવા સંજોગોમાં હિંદુ રાષ્ટ્રનો આભાસ આવા ભેદભાવથી આપી શકાય અને તેનો રાજકીય લાભ ખાટી શકાય.

કાયદામાં ફેરફાર કરનારાને ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને પડકારવામાં આવશે અને કદાચ અદાલત તેને રદ પણ કરી દે. એવું થાય તો, નાક તો છે નહીં, એટલે એ ચિંતા નથી. પણ પોતે આવો ફેરફાર કરીને હિંદુ હિતનું (ને મુસ્લિમોને બાકાત રાખવાનું) મહાન કામ કર્યું, એવા સંદેશાના ઢોલ વગાડીને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તો ઊભું કરી જ શકાશે (બલ્કે, એવું ધ્રુવીકરણ ઊભું થઈ જ રહ્યું છે. તેમાં પંખો નવેસરથી ચાલુ કરવાનો તો છે નહીં, એક-બે પર ચાલતો હોય તેને જ છ પર લઈ જવાનો હોય) રામ મંદિર-૩૭૦નો કાર્યક્રમ પૂરો થયા પછી પણ મંદી પીછો ન છોડતી હોય, ત્યારે નાગરિકતાના નિયમમાં ફેરફાર અને નાગરિકતાનું રજિસ્ટર આવતી ચૂંટણી માટે કોમી ધ્રુવીકરણના નવા મુદ્દા તરીકે બહુ કામના બની શકે છે—અદાલત ફેરફાર રદ કરે તો પણ. અને કોઈ કારણસર અદાલત ફેરફાર બહાલ રાખે, તો કથિત હિંદુહિત અને અકથિત મુસ્લિમવિરોધના મુગટમાં વધુ એક પીછું.
*
નાગરિકતાના કાયદામાં ફેરફાર કરીને અમિત શાહ આસામમાં તેમની જ સરકારની નાગરિકતા ચકાસણી કવાયતમાં નાપાસ થયેલા બારેક લાખ હિંદુઓને નાગરિકતા અપાવી દેશે. કારણ કે તે હિંદુ છે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો તેમનો એજેન્ડા તો સચવાઈ જશે, પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના બાંગલાદેશી ઘુસણખોરોનો વિરોધ કરતા આસામીઓના અજંપાનું શું? તેમને બાર લાખ હિંદુઓને નવા કાયદા પ્રમાણે નાગરિકતા મળે તેની સામે વાંધો ન હોય તો પણ, તે એનાથી ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમોને ઘુસણખોર જાહેર કરીને તેમને બહાર કાઢવા માટે દબાણ નહીં કરે? અથવા સરકારે આસામીઓને રીઝવવા માટે નવેસરથી, મુસ્લિમ ઘૂસણખોરો સામે ચીપીયા પછાડવાના બાકી રહેશે.

આસામના અનુભવ પછી પણ અમિત શાહ ભારતભરમાં સિટિઝન રજિસ્ટર લાગુ કરવા માગે છે, એ તેમની ધ્રુવીકરણ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. તે જાણે છે કે નાગરિકોને બે ભાગમાં વહેંચી દઈએ અને ઠીક ઠીક માત્રામાં હિંદુઓના મનમાં મુસ્લિમવિરોધનું તાપણું ગમે તેમ કરીને સળગતું રાખીએ, તેને હવા આપ્યા કરીએ, તો (તો જ) આપણું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે. બાકી, નબળામાં નબળા વિપક્ષ છતાં આર્થિક સમસ્યાઓના સ્ટીમ રોલર નીચે કચડાઈ જવાનો વારો આવશે. એટલે તે અને હવે તેમની પાછળ અદૃશ્ય હાથ તરીકે કામ કરતા તેમના સાહેબ દેશની એકતાના નામે દેશના નાગરિકોને વિભાજિત કરી રહ્યા છે અને અસ્થિરતા ફેલાવી રહ્યા છે. સમસ્યા ઉકેલવાના નામે નવી સમસ્યાઓ ઊભી કરીને, તેમાંથી પોતાનો ફાયદો કેવી રીતે કાઢી લેવો, તેની વેતરણ કરવી એ ચાણક્યબુદ્ધિ નથી, નીતાંત દુષ્ટ બુદ્ધિ છે.

માટે CAB અને NCRના વિરોધનો વિરોધ કરતી વખતે, સરકારી ટીકાકારોની ટીકામાં રહેલાં છીંડાં જરૂર બતાવીએ ને એ બાબતે તેમની ટીકા કરીએ, તેમનો રાજકીય એજેન્ડા હોય તો જરૂર ખુલ્લો પાડીએ,પણ વ્યાપક અનિષ્ટની ગંભીરતા પરથી નજર હઠાવ્યા વિના.

વિરોધીઓની ટીકામાં રહેલાં (વાજબી) છીંડાં દર્શાવવામાં, આપણે વ્યાપક અનિષ્ટને નજરઅંદાજ કરી બેસીએ કે તેની ગંભીરતાને વિરોધીઓની મર્યાદા સામે મૂકીને, સામસામો છેદ ઉડાડી દેવામાં આપણે જાણેઅજાણે સરકારના સાથીદાર તો નથી બની જતા ને? એ વિચારવાનું છે.

નોંધઃ આ લેખ લખાયા પછી ખરડો કાયદો બની જતાં તે હવે બિલને બદલે એક્ટ તરીકે ઓળખાય છેઃ CAB નહીં, CAA.
કાયદાના આ ફેરફારના વિરોધમાં જામીયા મિલીયા યુનિવર્સિટીથી શરૂઆત થયા પછી દેશભરમાં અલગ અલગ ઠેકાણે તેનો વિરોધ થઈ રહ્યો છે. ગમે તેવા વિરોધમાં હિંસા ભળે, તો તે વિરોધના મુદ્દાને મોળો પાડી નાખે. એટલે હિંસાથી તો દૂર જ રહેવા જેવું છે. સાથોસાથ, હિંસાની ટીકા કરવા જતાં, વિરોધના મૂળ મુદ્દાને વખોડી કાઢવા જેવો નથી. બલ્કે, કાયદાના ફેરફારની વિરોધમાં સાથે ઊભા રહેવા જેવું છે. કેમ કે, તેમાં જે થયું ને જે થઈ શકે એમ છે, એ બંનેનો વિરોધ છે.

Saturday, December 02, 2017

તટસ્થતા એટલે...

'તમે તટસ્થ નથી.'
'હા, નથી જ. મને રાષ્ટ્રવાદના નામે ગુંડાગીરી અને કોમવાદ, હિંદુ ધર્મના નામે રાજકીય હિંદુત્વ, નરેન્દ્ર મોદીની-અમિત શાહની આપખુદશાહી અને અદાલતમાં એક યા બીજા કારણસર સાબીત ન થઈ શકેલાં અનેક કારનામાં, ગુજરાતના મામલે ‘બધું મેં જ કર્યું’ એવી ફાંકાફોજદારી સખત નાપસંદ છે. એની ટીકા તો કદી બંધ નહીં થાય.'

'જોયું? અમે નહોતા કહેતા? અમને તો પહેલેથી જ ખબર છે. તમે કોંગ્રેસી કે ‘આપ’વાળા જ છો. એ લોકોની તમે કદી ટીકા જ કરતા નથી.'
‘અચ્છા? મેં લખેલું બધું તમે વાંચ્યું છે? જો એવું હોત તો કોંગ્રેસ અને ‘આપ’ની ટીકા કરવાના અનેક પ્રસંગ આવ્યા છે અને કોંગ્રેસ વિશે સારું બોલવાનો કે તેની પ્રશંસા કરવાનો એકેય પ્રસંગ હજુ સુધી આવ્યો હોય એવું યાદ નથી. એને શું કહેશો?’

‘હશે. તમે કોંગ્રેસની પ્રશંસા નહીં કરી હોય, પણ જોઈએ તેટલી ટીકા પણ નથી કરી. એટલે તમે તટસ્થ તો નથી જ.’
‘મારે ૨૦૦૨થી ન છૂટકે રાજકારણ વિશે લખવાનું થયું. કારણ કે તે સામાજિક ધીક્કાર મુખ્ય રાજકીય એજન્ડા બન્યો. ત્યારથી ગુજરાતમાં મોદીયુગ શરૂ થયો અને કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. એ વખતે ગુજરાતમાં મોદીયુગનું વાતાવરણ એટલું ધીક્કારયુક્ત હતું અને તેને એવું લોકસમર્થન હતું કે તેની વિરુદ્ધમાં લખવું મને ધર્મરૂપ લાગ્યું—અને એ લખી શક્યો એનો મને બહુ જ આનંદ છે. ત્યાર પછી યુપીએનાં કૌભાંડો બહાર આવ્યાં ત્યારે તેના વિશે ટીકાઓ કરી જ છે. એ સિવાય ભૂતકાળ વિશે લખવાનું થયું ત્યારે ઇંદિરા ગાંધીના બેહિસાબ ભ્રષ્ટાચાર, નકલી સમાજવાદ, ભીંદરાનવાલે જેવા નેતાઓના સર્જનમાં તેમની ભૂમિકા, કટોકટીના અત્યાચાર, સોનિયા ગાંધીનો કથિત ત્યાગ, હમણાં સુધી રાહુલ ગાંધીની જવાબદારી નહીં લેવાની અને દૂધપાક ખેલાડી તરીકે રહેવાની મનોવૃત્તિ જેવા ઘણા મુદ્દે કોંગ્રેસ વિશે ટીકા કરતાં કદી ખચકાટ થતો જ નથી.’

‘પણ અમે તો કેટલાં વર્ષથી જોઈએ છીએ. તમે ફક્ત મોદીની જ ટીકા કરો છો.’
‘આગળ કહી ગયો. છતાં ફરીથીઃ મેં ફક્ત મોદીની ટીકા નથી કરી. એ સિવાય ઘણું કર્યું છે. (ખાતરી ન થતી હોય તો બ્લોગ કે ફેસબુકનાં સ્ટેટસ જોઈ લેવાં.) પણ તમને ફક્ત મોદીની ટીકા જ યાદ રહી છે. એ મારો પ્રોબ્લેમ નથી.’

'પણ મોદીએ કશું સારું કર્યું જ નથી? તમને કદી એમનાં વખાણ કરવા જેવું કશું લાગ્યું જ નથી?'
'પહેલા સવાલનો જવાબ છેઃ મોદીએ સારાં કામ કર્યા જ હશે--અને એવાં સારાં કામ અાગળની સરકારોમાં પણ થયાં જ છે. પરંતુ મોદીએ જે રીતે દરેક સરકારી કામો પર પોતાનો વ્યક્તિગત સિક્કો મારવાનું ચાલુ કર્યું, તેવું બીજા લોકોએ પહેલાં કર્યું ન હતું. (અમુક અંશે ચીમનભાઈ પટેલને બાદ કરતાં). એટલે તેમણે જે સારું કર્યું, તેમાં કશી ધાડ નથી મારી. એ તેમનું કામ છે. અને તેનો એમણે અપ્રમાણસરનો વધારે જશ લઈ જ લીધો છે. તેમનાં સાચાં જ નહીં, ખોટાં વખાણ કરવા માટે પણ તોતિંગ તંત્ર નભતું હોય, ત્યારે મારે મારી તટસ્થતા પુરવાર કરવા માટે ત્યાં જઈને પણ બે ફુલ ચડાવી આવવાં, એવું હું નથી માનતો.'

‘ટૂંકમાં, તમે એ તો કબૂલો છો કે તમને મોદી સામે વધારે વાંધો છે.’
‘ચોક્કસ. અને અને કબૂલાત ન કહેવાય-વિધાન કહેવાય. કારણ કે જાહેરમાં મેં કદી એનાથી વિપરીત દાવો નથી કર્યો. નરેન્દ્ર મોદીના રાજકારણ સામે-તેમની નીતિરીતિઓ સામે મને બહુ વાંધો છે અને એનાં કારણો પણ જાહેર છે. (કેટલાંક ઉપર લખ્યાં છે). જેમ મારો વાંધો વ્યક્તિ નરેન્દ્ર મોદી સામે નથી (એવું હોત તો તેમના લગ્નજીવન વિશે પણ મેં બહુ હોંશે હોંશે ટીકાઓ કરી હોત), તેમ મારું વાંધો પડવાનું કારણ વ્યક્તિગત નથી.  હું જેની સામાન્ય સમજ પર અહોભાવની કે પક્ષીય વફાદારીની પટ્ટીઓ બંધાયેલી ન હોય, એવો નાગરિક છું. કોંગ્રેસ મને ઓરિજિનલ સિનર (પુરાણી પાપી) લાગી છે અને ભાજપ? એ તો કોંગ્રેસને બધી બાબતમાં બહુ ઝડપથી ટપી ગયેલી પાર્ટી, જેમાં મોદી-શાહ એન્ડ કંપની તો ‘સર્વશુભોપમાયોગ્ય’ છે.

‘એટલે તમે તટસ્થ તો નથી જ ને?’
‘આ સાંભળીને પેલી જોક યાદ આવીઃ પછી હરણની સીતા થઈ કે નહીં?’ :-)

Wednesday, June 03, 2015

માણસાઇને ઢંઢોળતો દસ્તાવેજ

મુસ્લિમ ત્રાસવાદી તરીકેના જૂઠા આરોપનો ભોગ બનીને ફાંસીની સજા પામેલો માણસ અગિયાર વર્ષે સર્વોચ્ચ અદાલતમાંથી નિર્દોષ છૂટે, ત્યાર પછી પણ તે એવી અવસ્થામાં હોય કે પોતાની પર શી વીતી તે સમભાવથી લખી શકે, એ લખાણમાં કડવાશ ન હોય, ધાર્મિક ઝનૂન ન હોય, ઉલટું ઠેકઠેકાણે સહિષ્ણુતા, સચોટ વ્યંગ અને ખુદા પર સંપૂર્ણ શ્રદ્ધા હોય, એ પુસ્તકની ભાષા એવી હોય કે તેને વાંચીને મુસ્લિમો ઉશ્કેરાય નહીં, પણ મુસ્લિમદ્વેષથી પીડાતા હિંદુઓ વિચારતા થાય...આવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ ગુજરાતી લિપીમાં અને ઉર્દુ ભાષામાં લખાયેલા પુસ્તક ‘૧૧ સાલ સલાખોંકે પીછે’માં એવું બન્યું છે. તેના લેખક અબ્દુલકય્યુમ મન્સુરીને વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ પર થયેલા ત્રાસવાદી હુમલાના આરોપી તરીકે  ઝડપી લેવાયા હતા. ત્યાર પછીનાં અગિયાર વર્ષની તેમની આપવીતી પોતાની જાતને માણસ ગણનાર સૌ કોઇને હચમચાવે અને વિચારતા કરી મૂકે એવી છે.

આ પુસ્તકને ‘પોલીસ કસ્ટડીમાં થયેલા ઘાતકી અત્યાચારના અરેરાટીભર્યા વર્ણન’ના ખાતે નાખી દેવા જેવું નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસ અફસરોએ આ નિર્દોષ ધર્મગુરુ (મુફ્‌તી) પર કરેલા અત્યાચાર વિશે વાંચીને, હિંદી ફિલ્મોના પ્રતાપે કોઇને એવું લાગી શકે,‘હા, બરાબર છે, પણ પોલીસ તો આવી જ હોય છે. આપણે ફિલ્મોમાં પણ ક્યાં નથી જોતા?’ મસાલા ફિલ્મોમાં આવતા પોલીસ રીમાન્ડનાં દૃશ્યોની જેમ, આ પુસ્તક વાંચીને અરેરાટીસૂચક ડચકારા બોલાવી દેવાથી ચાલે એમ નથી.

પુસ્તકમાં ઉઘડતી કેટલીક ખતરનાક બાબતો : પોલીસ અને સરકાર ત્રાસવાદથી લોકોનું રક્ષણ કરવાને બદલે, કેવી રીતે પોતે જ ત્રાસવાદીઓને શરમાવે એવી વર્તણૂંક કરે છે, કોમવાદી લાગણી નાબૂદ કરવાને બદલે, કેવી રીતે કેટલાક પોલીસ અફસરો કોમવાદ દૃઢ બને અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનો અવિશ્વાસ વધે એવા કારસા કરે છે,  મુસ્લિમો પ્રત્યે હિંદુઓના મનમાં અવિશ્વાસ ઊભો કરવા અને ઊભા થયેલા અવિશ્વાસને દૃઢ બનાવવા સરકાર તથા પોલીસ કેટલાં જૂઠાણાં આચરી શકે છે અને કહેવાતા હિંદુહિતરક્ષકો હિંદુઓને કઇ હદે મૂરખ બનાવી શકે છે, જૂઠાડા પોલીસ અફસરોને ‘જાંબાઝ દેશભક્ત’ તરીકે બિરદાવનારા અને અસલિયત બહાર આવ્યા પછી મીંઢું મૌન સેવનારા છદ્મશ્રીઓ વાચકોને કેવા ગેરરસ્તે દોરે છે...

કાવતરું અને અમલ

સપ્ટેમ્બર, ૨૦૦૨માં અક્ષરધામ પર ત્રાસવાદી હુમલો થયો અને અંધાઘૂંધ ગોળીબારો પછી ત્રાસવાદીઓ માર્યા ગયા. એ ઘટનાથી ગુજરાતમાં  ખુલ્લમખુલ્લા આવી ગયેલી મુસ્લિમવિરોધી લાગણીને પૂરો ઢાળ મળી રહે એમ હતો. સાથોસાથ, ‘હિંદુ લાગણી’ શાંત પાડવા અને પોલીસનો-સરકારનો વટ પાડવા માટે અક્ષરધામનો કેસ ઉકેલાઇ ગયો એ દર્શાવવું જરૂરી હતું. સરકાર માટે એ સહેલું પણ હતું. કારણ કે, તેમને ફક્ત દાઢી-ટોપીવાળા થોડા મુસ્લિમો જ પકડી આણવાના હતા. ડી.જી.વણઝારાની આગેવાનની હેઠળની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સરકારી કાવતરાબાજીનો મુખ્ય અડ્ડો બની.

પહેલી વાર મુફ્‌તીને ક્રાઇમ બ્રાન્ચવાળા લઇ ગયા ત્યારે મુફ્‌તીને એવો વિશ્વાસ હતો કે ‘મેં કશો ગુનો કર્યો નથી, પછી શા માટે ગભરાવું?’ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી સિંઘલે પહેલી વાર મુફ્‌તીને ડંડાથી ઝૂડી નાખ્યા ત્યાં સુધી મુફ્‌તીને એ પણ ખબર નહોતી કે તેમનો ગુનો શો છે. બીજા દિવસે તેમને વણઝારા સામે હાજર કરવામાં આવ્યા. તેમણે પણ એકાદ સવાલ પૂછ્‌યા પછી ‘ડંડાપાર્ટી’ મંગાવી. એક અલમસ્ત ટુકડી આવી. તેના લોકોએ મુફ્‌તીને બરાબર જકડી રાખ્યા અને પીઆઇ વનાર પૂરા જોશથી મુફ્‌ત પર ડંડો લઇને તૂટી પડ્યા. મારતાં મારતાં એ થાકી જાય ત્યારે વણઝારા તેમને ગાળ દઇને વધારે મારવાનું કહેતા. ત્યાં સુધી પણ મુફ્‌તી પોતાના ગુનાથી અજાણ હતી. પછી વણઝારાએ તેમને  અક્ષરધામ મંદિરના હુમલા વિશે પૂછ્‌યું ત્યારે મુફ્‌તીને ખ્યાલ આવ્યો કે તેમને ગંભીર કેસમાં સંડોવી દેવાયા છે.

ક્રાઇમ બ્રાન્ચમાં ઘાતકી મારઝૂડના ઘણા પ્રસંગો પુસ્તકમાં છે.   એ અત્યંત ગંભીર છે, પણ મારઝૂડના વ્યક્તિગત ત્રાસ ઉપરાંત વધારે વ્યાપક ગંભીર મુદ્દા પણ આ પુસ્તકમાં આલેખાયા છે.

  • મુફ્‌તીને કેવળ શંકાના આધારે, ક્રાઇમ બ્રાન્ચે ચાળીસ દિવસ સુધી ગોંધી રાખ્યા. તેમની પર અને તેમના જેવા બીજાઓ પર બેસુમાર અત્યાચાર કરવામાં આવ્યા. હદ બહારની મારઝૂડ પછી પોલીસ જે કહે તે કબૂલવા મુફ્‌તી તૈયાર થઇ ગયા. ત્યાર પછી મારઝૂડ બંધ થઇ ગઇ. મુફ્‌તીએ લખ્યું છે, ‘રીમાન્ડના બાકીના દિવસોમાં કાવતરામાં અમારી ભૂમિકાઓ ઘડી કાઢવાની અને એ માટે ચર્ચાવિચારણા કરવાની પૂરતી તક આપવામાં આવી. એટલું જ નહીં, અમારે કયા કેસમાં ફસાવું છે એના વિકલ્પ પણ આપવામાં આવ્યા. અમારા એક સાથીને ગોધરાકાંડ અને હરેન પંડ્યામાંથી કોઇ એક કેસ પસંદ કરવાનું કહેવાયું.’ ‘સાહેબ, મને આટલા મોટા કેસમાં ફસાવી દીધો’ એવું મુફ્‌તીએ સિંઘલને કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું,‘હું મજબૂર હતો. મારી પર ઉપરથી દબાણ હતું.’
  • આખા કાવતરામાં એક નામ આવ્યું : અબુ તલ્હા. મુફ્‌તીએ લખ્યું છે કે આ પાત્ર અક્ષરધામ, હરેન પંડ્યા હત્યા, ટિફીન બોંબ, સિરીયલ બ્લાસ્ટ અને બીજા ઘણા કેસમાં વૉન્ટેડ બતાવાયું છે, પણ સેશન્સ કોર્ટે બ્લાસ્ટના જૂઠા કેસના જજમેન્ટમાં લખ્યું છે કે અબુ તલ્હા (પોલીસે ઉપજાવી કાઢેલું)  કાલ્પનિક પાત્ર છે. 
  • જૂઠા કાવતરાની કથા ફિલ્મી સ્ક્રીપ્ટની ઝીણવટથી ઘડી કાઢવામાં આવી. બધાં પાત્રોને તેમની ભૂમિકા સમજાવી અને ગોખાવી દેવાઇ. છતાં કેટલીક મહત્ત્વની ભૂલો રહી ગઇ. હુમલાખોરોએ હુમલાના આગલા દિવસે અક્ષરધામ મંદિરમાં જઇને સ્થળની પૂરી તપાસ કરી એવું કહેવાયું, પણ એ દિવસે સોમવાર આવતો હતો અને સોમવારે અક્ષરધામ બંધ રહે છે, એ ‘વાર્તાકારો’ના ઘ્યાનબહાર ગયું. માર્યા ગયેલા ત્રાસવાદીઓના ખિસ્સામાંથી નીકળેલી બે ઉશ્કેરણીજનક ઉર્દુ ચિઠ્ઠીઓ મુફ્‌તીએ લખી હોવાનો આરોપ હતો. પરંતુ પોલીસે ક્યાંકથી ઉર્દુમાં હસ્તગત કરેલી બે જેહાદી ચિઠ્ઠીઓ કેવી રીતે ત્રાસ ગુજારીને મુફ્‌તીના હસ્તાક્ષરમાં લખાવી લેવાઇ, એ તેમણે પુસ્તકમાં લખ્યું છે. દરેક વખતે મુફ્‌તીની લખેલી ચિઠ્ઠી ઉર્દુના કોઇ જાણકારને વંચાવવામાં આવે ને એમાં મૂળ ચિઠ્ઠી કરતાં કંઇક જુદું લાગે, એટલે મુફ્‌તીએ ચિઠ્ઠી ફરી લખવાની. એમ કરતાં એમને ચાળીસ-પચાસ વાર ચિઠ્ઠીઓ લખવી પડી. 
  • અક્ષરધામમાંથી મળેલા ત્રાસવાદીઓના મૃતદેહ સંખ્યાબંધ ગોળીઓથી વીંધાયેલા હતા. તેમનાં કપડાંમાં અસંખ્યા કાણાં હતાં. લોહી, પાણી અને માટીથી કપડાં સાવ રગદોળાયેલાં હતાં. પણ તેમના ખિસ્સામાંથી નીકળેલી --અને મુફ્‌તીએ તેમને લખી આપેલી મનાતી-- બે ચિઠ્ઠીઓ  સાવ કોરીકટ હતી. ડાઘા તો ઠીક, તેને ગડી પણ પડેલી ન હતી. 
  • ક્રાઇમ બ્રાન્ચના અફસરોએ વાર્તા પ્રમાણે મુફ્‌તીને કહ્યું કે ‘તે આ ત્રાસવાદીઓને શહાદત અને જનાજાની નમાઝ પઢાવી.’ મુફ્‌તીએ તેમને કહ્યું કે ‘જીવતા માણસને આ નમાઝ ન પઢાવાય.’ સાહેબોએ કહ્યું, ‘એમ? તો બીજી કોઇ નમાઝનું નામ આપ.’ મુફ્‌તીએ કહ્યું કે એને ‘નફલ નમાઝ’ કહેવાય. એટલે સાહેબોએ વાર્તામાં સુધારો કર્યો અને મુફ્‌તી પર હુમલાખોરોને ‘નફલ નમાઝ’ પઢાવવાનો આરોપ મૂક્યો. 
  • આખી કથા નક્કી થઇ ગયા પછી હુમલાખોરો ક્યાંના હતા, તે ક્યાંથી આવ્યા અને તેમની પાસે શસ્ત્રો ક્યાંથી આવ્યા, એટલા છેડા લટકતા હતા. એના માટે ક્રાઇમ બ્રાન્ચના અફસરો સાથે મુફ્‌તીને કાશ્મીર લઇ જવાયા. ત્યાં ચાંદખાન નામના એક માણસને ઓળખી બતાવવાનું કામ હતું. એ માટે મુફ્‌તીને અમદાવાદમાં ચાંદખાનનો ફોટો અને વિગતો આપીને બરાબર લેસન કરાવાયું હતું. કાશ્મીર પોલીસની હાજરીમાં, તેમને સમજ ન પડે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ પટેલે મુફ્‌તીને ગુજરાતીમાં કહ્યું, ‘બાજી સાચવી લેજો. આપણી સ્ટોરી જ કહેજો. અમે તમને બચાવી લઇશું.’ પણ કાશ્મીરમાં દાવ ઊંધો પડ્યો. કાશ્મીર પોલીસ સામે મુફ્‌તીએ ‘ગુનો’ તો કબૂલી લીધો, પણ ત્યાં એમની એટલી ઝીણી પૂછપરછ કરવામાં આવી કે તેમાં ક્રાઇમ બ્રાન્ચની સ્ટોરીમાં રહેલાં છીંડાં ખુલ્લાં પડી ગયાં. ત્યાર પછીના દિવસો મુફ્‌તીને કાશ્મીર પોલીસથી દૂર સારી હોટેલમાં રાખવામાં આવ્યા અને સરકારી મહેમાનની જેમ કાશ્મીર ફેરવવામાં આવ્યા. મુફ્‌તીએ લખ્યું છે કે કાશ્મીરમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ ચૂક્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઇચ્છ્‌યું હોત તો મારી સામેનો કેસ તેમણે પાછો ખેંચી લીધો હોત, પણ એવું ન થયું. 
  • મુફ્‌તીના કેસના પાયામાં રહેલાં ગાબડાંને સ્પેશ્યલ પોટા કૉર્ટે નજરઅંદાજ કર્યાં અને એક નિર્દોષને ફાંસીની સજા ફટકારી દીધી. તેની સામે હાઇકોર્ટમાં અપીલ થઇ ત્યારે કોર્ટે પણ રહસ્યમય વિલંબ પછી, ફાંસીની સજા બહાલ રાખી. છેવટે સર્વોચ્ચ અદાલતે ન્યાય કર્યો, નવેસરથી પુરાવા તપાસ્યા અને કેસમાં રહેલાં ગાબડાં  તરફ આંખ આડા કાન કરવા બદલ અગાઉના અફસરોની ઝાટકણી કાઢી. સહિંદુ મંદિર પર હુમલો કરવાના કેસમાં ફસાવી દેવાયેલા મુફ્‌તીએ પુસ્તકમાં ઠેકઠેકાણે લખ્યું છે કે જેલમાં હિંદુ કેદીઓ ઉપરાંત કોમી હિંસાના આરોપી એવા હિંદુઓ પણ તેમની સાથે પ્રેમ અને આદરથી વર્તતા. કેટલાક ભલા હિંદુ કેદીઓ વિશે તેમણે લખ્યું છે કે એ લોકો જો મુસ્લિમ હોત તો બહુ મોટા વલી ગણાતા હોત. આખા પુસ્તકમાં જે અફસરોએ તેમની સાથે સદ્‌ભાવભર્યો વ્યવહાર કર્યો એ બધાના વર્તન વિશે તેમણે લખ્યું છે અને જે મુસ્લિમ અફસરોએ દુષ્ટતા આચરી તેનું પણ બયાન આપ્યું છે.
ધાર્મિક મુસ્લિમોને ત્રાસવાદી તરીકે અને અમુક નેતાઓને હિંદુઓના ઉદ્ધારક તરીકે જોતા-બતાવતા લોકોની આંખો મુફ્‌તીનું પુસ્તક વાંચ્યા પછી ખુલે અને તે સ્વાર્થી નેતાઓને બદલે પોતાની અંદર રહેલા માણસની દૃષ્ટિએ જોતા-સમજતા થાય, તો મુફ્‌તીને વગર વાંકે વેઠવા પડેલા અત્યાચારોનું સાચું પ્રાયશ્ચિત થયું ગણાય. 

Thursday, March 19, 2015

પરીક્ષાસ્પેશ્યલઃ નેતાઓ સુપરવાઇઝર હોય તો?

દેશમાં અનેક ઠેકાણે પરીક્ષા ચાલે છે. કાશ્મીરમાં ભાજપની અને નરેન્દ્ર મોદીની, કોલસાકૌભાંડમાં મનમોહન સિંઘની, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણની, કોંગ્રેસમાં રાહુલ ગાંધીની, દેશમાં મતદારોની ધીરજની, ગુજરાતમાં દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓની...અને વિદ્યાર્થીઓ એવા ભ્રમમાં છે કે તેમની પરીક્ષા સૌથી મોટી છે. અખબારોમાં પરીક્ષાના, પેપરના અને ચોરી અટકાવવાના કડક બંદોબસ્તના સમાચાર આવે છે. ધારો કે બંદોબસ્તના જ ભાગરૂપે દેશના કેટલાક નેતાઓ-આગેવાનોને પરીક્ષાકેન્દ્રમાં સુપરવાઇઝર બનાવી દેવામાં આવે તો કેવાં દૃશ્યો સર્જાય?
***
વડાપ્રધાન મોદી

હું પરીક્ષા આપતો નથી ને આપવા દેતો નથી. સીબીઆઇએ મારી એક વાર પરીક્ષા લીધી હતી. ઓરલ પરીક્ષા. અત્યારે એ જ સીબીઆઇની પરીક્ષાનાં પેપર હું સેટ કરું છું. 

મારા શાસનમાં પરીક્ષા આપનારા બધાનો વિકાસ થઇ જશે. બધાના ૯૯ ટકા આવી જશે. કારણ કે આપણે ખાલી પેપર જ નહીં, પરિણામ પણ સેટ કરી શકીએ છીએ. સુપરવાઇઝર મને અમસ્તો નથી બનાવ્યો. મને આ કામનો લાંબો અનુભવ છે. સુપરવાઇઝર એટલે મુદ્દે એવો જ માણસ ને, જે પોતે મન ફાવે ત્યારે, મન ફાવે એવું ને એટલું બોલે, બીજું કોઇ સવાલ પૂછે તો મન ફાવે એવો જવાબ આપે. પૂછનારને  તોડી પણ પાડે, તેની સામે જોઇને ડોળા કાઢે ને જૂઠા કૉપીકેસથી ફેક એન્કાઉન્ટર પણ કરી શકે. રાજકારણમાં સુપરવાઇઝરનું ‘ગુજરાતી’ મુખ્ય મંત્રી થતું હોવું જોઇએ. 

હું જ્યાં સુધી સુપરવાઇઝર છું ત્યાં સુધી મારા વર્ગના ૫૭ કરોડ - ભાગ્યા એક કરોડ- વિદ્યાર્થીઓએ ચિંતા કરવાનું કોઇ કારણ નથી. કોઇ સ્ક્વોડ આવશે તો હું એના સાહેબોને સ્કૂલના બગીચામાં બાંધેલા હિંચકા પર બેસાડીને તેમની સાથે ફોટા પડાવીશ. તેનાથી મારા વિદ્યાર્થીઓનું ગૌરવ વધશે અને એ કહી શકશે કે હમ ઉસ ક્લાસકે વાસી હૈં, જિસ દેશમૈં... 

મનમોહન સિંઘ 

જુઓ છોકરાંઓ, હું બહુ પ્રામાણિક માણસ છું. પ્રામાણિક માણસના માથે લાલ લાઇટ ભલે ન હોય, વાદળી પાઘડી તો હોઇ શકે ને. મારી પ્રામાણિકતા વિશે મારા શત્રુઓ પણ આંગળી ચીંધી શકતા નથી. એટલે તો મને સુપરવાઇઝરના હોદ્દે મૂકવામાં આવ્યું. (ક્લાસના એક ખૂણેથી અંદરોઅંદર વાતચીતના અવાજ આવે છે) જુઓ છોકરાઓ, હું સમજું છું કે ‘કોએલિશન ધર્મ’ની જેમ ‘સુપરવાઇઝર ધર્મ’ પણ હોય છે. આટલાં બધાં તોફાની છોકરાંને સફળતાપૂર્વક ભેગાં રાખવાનાં હોય ત્યારે થોડી ગરબડો તો થાય. હું એવો ચોખલિયો નથી. મારી પોતાની બાબતમાં છું, પણ આખા ક્લાસની બાબતમાં નથી. હું સમજું છું કે બધા માણસો સરખા કેવી રીતે હોઇ શકે? એટલે વિનંતીપૂર્વક એટલું જ કહું છું કે મારી વ્યક્તિગત પ્રામાણિકતા હવેના કલાકો તમારા હાથમાં છે. તમે હદ બહારની ચોરીઓ કે ઘોંઘાટ કરશો, તો તમારું જે થવાનું હશે તે થશે, પણ ભવિષ્યમાં મારે જવાબો આપવા જવું પડશે. એટલે હું તમને વિનંતીપૂર્વક કહું છું કે તમારે જે કરવું હોય તે કરજો, પણ બને ત્યાં સુધી મને ખબર ન પડે એવી રીતે અને ખાસ તો, મારું નામ ન આવે એવી રીતે કરજો. મૉડરેટર મૅડમ પણ આવું જ ઇચ્છે છે કે જે થવું હોય તે થાય, પણ બહાર એનો કકળાટ ન થવો જોઇએ. નહીંતર ભવિષ્યમાં કોઇ સુપરવાઇઝર તરીકે તો શું, પરીક્ષામાં પાણી પીવડાવવા માટે પણ નહીં રાખે.  

અરવિંદ કેજરીવાલ 

જુઓ, એક વાત સમજી લો. હું ભારતનો સૌથી પ્રામાણિક અનેે સૌથી કડક સુપરવાઇઝર છું. જે લોકો ચોરી કરતા નથી, તેમણે એવું જ સમજવું કે હું નહીં, એ લોકો આ ક્લાસના સુપરવાઇઝર છે. અને જે લોકો ચોરી કરે છે તેમની ખેર નથી. કોઇ પણ ક્લાસમાં ચોરી કરનારને - એટલે કે કરતાં પકડાનારને- કડકમાં કડક સજા મળે એ માટે ધરણા કરવા માટે હું સદા તત્પર હોઉં છું. એક વાર તો મારા જ ક્લાસમાં ચોરી થઇ ત્યારે મેં તેના વિરોધમાં મારા કલાસની બહાર જઇને ધરણાં કર્યાં હતાં.

આજે ફરી આ ક્લાસમાં સુપરવાઇઝર તરીકે આવવાનું થયું છે ત્યારે મારે તમને એ જ કહેવાનું છે કે વિદ્યાર્થીઓ, તમે અંદરોઅંદર છૂટથી ચોરી કરો ને કરાવો, પણ જે કંઇ થાય તેનું તમારા મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લેજો. એના આધારે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું. (એક વિદ્યાર્થીની હિલચાલ જોઇને) હું જે કહું કે કરું એનું નહીં, તમે જે કરો એના રેકોર્ડિંગનું મેં કહ્યું હતું. તમે ઉઠીને મારાં જ રેકોર્ડિંગ કરશો તો પેપર ક્યારે લખશો ને પાસ શી રીતે થશો? અને આપણી ઉજ્જવળ લોકશાહીનું અને અમારી ભવ્ય પારદર્શકતાનું શું થશે?

એક વાત યાદ રાખજો : તમે મારી પર કોઇ પણ પ્રકારની શંકા કરશો, તો એ હું સહન નહીં કરું. કારણ કે મેં એક વાર કહી દીઘું છે કે હું એકદમ સિદ્ધાંતવાદી સુપરવાઇઝર છું. તમે મારી પર શંકા કરશો તો હું ફક્ત ક્લાસ જ નહીં, આખી સ્કૂલ છોડીને નેચરોપથી કરાવવા જતો રહીશ. હવે આ સંગીતમય પૈગામ સાથે હું મારી વાત પૂરી કરું છું. તમે પણ મારી સાથે સુર પૂરાવજો, ‘સ્ટુડન્ટકા સ્ટુડન્ટ સે હો ભાઇચારા, યહી પૈગાામ હમારા.’

રાહુલ ગાંધી 

જુઓ, આમ તો આ ક્લાસના સત્તાવાર સુપરવાઇઝર તરીકે મનમોહન સિંઘ છે, પરંતુ ક્લાસની જવાબદારી મને સોંપવામાં આવી છે. અમારી વચ્ચે એવું નક્કી થયું છે કે ક્લાસમાં ત્રણ કલાક બઘું સમુંસૂતરું ચાલે તો તેનો જશ મારો, પણ જો ઘૂમ ચોરીઓ થાય ને કેસનો કકળાટ થાય તો એના માટે ડૉ.સિંઘ જવાબદાર. મને હંમેશાં આવી રીતે જ સુપરવિઝન કરવાનું ફાવે છે. જોકે, ફાવવું અને ગમવું બે જુદી વાત છે. મને મન તો થાય ને કે સત્તાવાર સુપરવાઇઝર તરીકે પણ હું જ હોઉં.  પણ મમ્મી કહે છે, ‘તું હજુ નાનો છું.’ આ બધી અંગત વાતો હું તમને શા માટે કહી રહ્યો છું, એ તો હું પણ જાણતો નથી. પણ આ બઘું સાંભળીને મને નબળો ન ધારી લેતા. (એક કાગળ કાઢીને) જુઓ, આ કાગળમાં સુપરવિઝન કેવી રીતે કરવું એની કેટલીક સૂચનાઓ મને આપવામાં આવી હતી, પણ હું સ્વતંત્ર મિજાજનો માણસ છું. મારા પણ અભિપ્રાયો હોય છે અને મને આ કાગળ મંજૂર નથી. (કાગળ ફાડીને તેના ટુકડા હવામાં ઉડાડે છે) તમારે કોઇ પણ ડિફિકલ્ટી હોય તો ડૉ.સિંઘ સુધી જવાની જરૂર નથી. હું એના માટે જ બેઠો છું- અને હા, સુપરવાઇઝરો સાથે દલીલબાજીનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ.સિંઘનો સંપર્ક કરવો. કારણ કે તેમની પાસે તમારા બધા સવાલોના જવાબ હશે અને એ નહીં હોય તો પણ, તેમના સ્મિતનો ભાસ કરાવતા મૌનમાં તમારા બધા સવાલ શમી જશે.

અમિત શાહ 
હું સુપરવાઇઝર નથી. હું સુપરવાઇઝરોનો સુપરવાઇઝર છું. સુપરવાઇઝરોને ખબર નથી કે એમના અને બીજા દરેક ક્લાસરૂમમાં સીસી ટીવી કેમેરા મૂકેલા છે અને હું એમને ખબર ન પડે એવી રીતે, આખો વખત વિદ્યાર્થીઓનું નહીં, સુપરવાઇઝરોનું મોનિટરિંગ કરતો હોઉં છું. એટલે, અમારા આજ્ઞાંકિત વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની કશી જરૂર નથી. તમે જલસા કરો ને તમારા સુપરવાઇઝરોને ધંધે લગાડો. બાકી બઘું હું જોઇ લઇશ. 

Friday, August 29, 2014

ભારત-પાકિસ્તાન મંત્રણા : કાલ્પનિક સ્ટિંગ ઓપરેશન

બાળપણમાં ટીવી પર ક્રિકેટમેચ જોતી વખતે, બે બેટ્‌સમેન પીચની વચ્ચે આવીને વાત કરે ત્યારે હંમેશાં એવું કુતૂહલ થતું હતું કે આ લોકો કેવી વાતો કરતા હશે? કંઇક એવી જ બાળસહજ જિજ્ઞાસા ભારત-પાકિસ્તાનના અફસરો વચ્ચે ચાલતી મંત્રણાઓ અંગે પણ થાય છે. જાહેરમાં ખટાશભર્યા સંબંધ ધરાવતા બન્ને દેશોના અફસર-સ્તરના પ્રતિનિધિઓ ઔપચારિક મંત્રણા વખતે ખરેખર કેવા પ્રકારની વાતો કરતા હશે, તેનું સ્ટિંગ ઓપરેશન કોઇ કરે તો?
*** 

ભારતીય અફસર : નમસ્કાર.

પાકિસ્તાની અફસર : આદાબ. કહીયે, ક્યા હાલચાલ હૈ? વૈદિકજી મઝેમેં?

ભારતીયઃ બસ, એકદમ ખેરિયતમાં. એમણે હાફીઝ સઇદને રામ રામ કહેવડાવ્યા છે. તમારે કેમ ચાલે છે? દાઉદ ઇબ્રાહિમ મઝામાં ને?

પાકિસ્તાનીઃ એ ક્યાંથી મઝામાં હોય? તમે એને ભારત આવવા દેતા નથી ને લાદેનનું થયું ત્યારથી એને બીક લાગે છે કે ભારતના દબાણથી અમેરિકા ક્યાંક...

ભારતીય : એને કહેજો કે હમણાં નિશ્ચિંત રહે. ચૂંટણી સુધી એનો વાળ વાંકો થવાનો નથી. દાઉદ માટે ચૂંટણી પહેલાંના થોડા મહિના ભારે  કહેવાય. એમાં સાચવી લેવાનું. બાકી પાકિસ્તાનમાં આટલા ત્રાસવાદીઓ મોજ કરે છે, તો દાઉદ પાકિસ્તાનને ક્યાં ભારે પડવાનો છે.

પાકિસ્તાની : આ તો અમારી પર ચોખ્ખો આરોપ છે.

ભારતીય : અરેરે, તમે ડિપ્લોમેટ થઇને આને આરોપ ગણો છો? મેં તો કોમ્પ્લીમેન્ટની રીતે કહ્યું હતું.

પાકિસ્તાની : તો ઠીક. કાશ્મીરમાં ભારતીય સૈન્ય મઝામાં ને? એનાં બધાં ટાર્ગેટ પૂરાં થાય છે ને? એન્કાઉન્ટરનાં ને ધૂસણખોરી અટકાવવાનાં...

ભારતીય : એટલે? તમે કહેવા શું માગો છો?

પાકિસ્તાની : કંઇ નહીં. હું પણ ભારતીય સૈન્યને તેની ચુસ્તી માટે કોમ્પ્લીમેન્ટ જ આપવા માગતો હતો.

ભારતીય : આ ચા લઇ લો. ઠંડી થશે.

પાકિસ્તાની : મને થોડી ઠંડી પીવાની જ ટેવ છે.

ભારતીય : હું તો ફોરેન સર્વિસમાં આવ્યો ત્યાર પહેલાં ચા રકાબીમાં કાઢીને જ પીતો હતો.

પાકિસ્તાની : શું વાત કરો છો? ગજબ કહેવાય. તમને એ ફાવે? એટલે કે એક હાથમાં કપ, બીજા હાથમાં રકાબી, કપમાંથી રકાબીમાં ચા કાઢવાની ને કપ નીચે મૂક્યા વિના એ જ રકાબી મોઢે માંડવાની...કહેવું પડે. તમારા લોકોનું કલ્ચર બહુ સ્ટ્રોંગ છે.

ભારતીય : તમારા આર્મી ને આઇએસઆઇ જેવું...

પાકિસ્તાન : ગુડ જોક. તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે. એટલે જ તમને મળવાની મઝા આવે છે. આ વખતે કયો નવો જોક કહો છો?

ભારતીય : અમેરિકાના પ્રમુખે પાકિસ્તાનના પ્રમુખને કહ્યું કે અમે તમને દોસ્ત ગણીએ છીએ.

પાકિસ્તાની : પછી?

ભારતીય : બસ, જોક પૂરો થઇ ગયો.

પાકિસ્તાની : (અટ્ટહાસ્ય કરે છે)

ભારતીય : હવે તમારો વારો. આ વખતે કોનો જોક કહેશો?

પાકિસ્તાની : સાંભળો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે એમની પાસે યેલ યુનિવર્સિટીની ડિગ્રી છે.

ભારતીય : પછી?

પાકિસ્તાની : બસ, જોક પૂરો થઇ ગયો.

ભારતીય : (ખડખડાટ હસતાં હસતાં) દ્વિપક્ષી સંબંધો માટે રાજદ્વારી સ્તરની મંત્રણા કેમ અનિવાર્ય છે, એ લોકોને કેવી રીતે સમજાવવું? ચાલો, હવે આપણે ગંભીર વાત કરીએ.

પાકિસ્તાની : ઓકે. કાશ્મીરને આઝાદી આપવી જોઇએ.

ભારતીય : કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.

પાકિસ્તાની : ફેર ઇનફ. ગંભીર વાતો બહુ થઇ. હવે તમે એ કહો, ગઇ વખતે મેં ગુજરાતના ગાંઠિયા મંગાવ્યા હતા એ તમે લાવ્યા? આમ પણ બન્ને દેશો વચ્ચે વ્યાપારી અને લેવડદેવડના સંબંધ સુદૃઢ બને એવું બધા ઇચ્છે છે.

ભારતીય : ગાંઠિયા શી રીતે ભૂલાય? વાટાઘાટો અને સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષી સંબંધો મજબૂત બને એમાં મને પણ તમારા જેટલો જ રસ છે- અને તમે લાહોરથી પેલી મીઠાઇ લાવ્યા?

પાકિસ્તાની : અરે, તમારી ને મારી બન્નેની મંગાવી લીધી છે. મીઠાઇ એ તો આપણી વચ્ચેના સંબંધો કેટલા મીઠા હોવા જોઇએ તેની યાદ અપાવનારું પ્રતીક છે. તેના વિના મંત્રણા કેવી રીતે ચાલી શકે? ખીર સિવાયની કોઇ પણ મીઠાઇ મંગાવો. ગમે ત્યારે મંગાવો. તમે કહો તો ઘરે મોકલી આપીશ.

ભારતીય : થેન્ક્‌સ. પણ ખીર કેમ નહીં?

પાકિસ્તાની : ઓહ, ખીરથી સની દેઓલનો પેલો ડાયલોગ યાદ આવે છે, ‘દૂધ માંગો તો ખીર દેંગે...’

ભારતીય : (ખડખડાટ હસતાં) ઔર પનીર માંગો તો (દૂધ) ચીર દેંગે

પાકિસ્તાની : (હાસ્ય) અમારે ત્યાં એક જણ પનીરની મીઠાઇ બનાવે છે. તમે ટ્રાય કર્યો છે કદી? એક વાર ચાખશો તો કદી રાજદ્વારી સ્તરની મંત્રણા અટકાવવાનું મન નહીં થાય.

ભારતીય : શું વાત કરો છો. તો આવતી વખતે એ લાવજો અને એક પેકેટ વધારે કરાવજો-સની દેઓલ માટે...જુઓ, તમારી ચા ઠંડી થઇ ગઇ. ફરી મંગાવી લઇએ?

પાકિસ્તાની : હા, ચા તો પીવી પડશે. જહાં ચા, વહાં રાહ.

ભારતીય : અને આ લો પાટણનું પટોળું, મેડમ માટે. આ પટોળાની કિંમત લાખો રૂપિયામાં હોય છે. પણ બે દેશોની દોસ્તી સામે એની શી કિંમત?

પાકિસ્તાની : ધેટ્‌સ ધ સ્પિરિટ. હું પશ્મીના શાલ લાવ્યો છું મેડમ માટે. એકદમ ઓરિજિનલ કાશ્મીરી છે.

ભારતીય : કાશ્મીર તમારી બાજુનું કે અમારી બાજુનું?

પાકિસ્તાની : (હસે છે) જનાબ, આટલા સરસ વાતાવરણમાં આપણી વચ્ચે સંવાદ થયો છે ત્યારે એને ક્યાં ડહોળવો?

ભારતીય : એ વાત તો છે. મહત્ત્વ બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંવાદ ચાલુ રહે એનું છે. સંવાદ ચાલશે તો સંબંધો સુધરવાની આશા રહેશે અને બન્ને દેશોનું ભવિષ્ય ઉજળું બનશે. ભવિષ્ય પરથી યાદ આવ્યું. તમારા દેશનું રાજકીય ભવિષ્ય કેમ લાગે છે?

પાકિસ્તાન : અમારા રાજકીય ભવિષ્ય બાબતે મારી પાસે એક આઇડીયા છે. અમે તમને દાઉદ ઇબ્રાહીમ સોંપી દઇએ, જો તમે અમને અમિત શાહ આપતા હો તો.

ભારતીય : એટલે, વોટ ડુ યુ મીન?

પાકિસ્તાની : તમે ગેરસમજણ કરો છો. હું એમ કહેવા માગતો હતો કે અમારે ત્યાં જે રાજકીય પક્ષને અમિતભાઇની સેવાનો લાભ મળશેે એ પક્ષમાં નવાઝશરીફ, આસિફ ઝરદારી, પરવેઝ મુશર્રફ, ઇમરાનખાન આ બધા સાગમટે જોડાઇ જશે અથવા નહીં જોડાય તો ચૂંટણીમાં ભૂંડી રીતે હારી જશે. બન્ને સ્થિતિમાં પાકિસ્તાનના રાજકારણને ફાયદો છે.

ભારતીય : આ મારા લેવલથી ઉપરના લેવલની વાત છે. એટલે આપણી વાટાઘાટોના સફળ દૌર પછી આપણા ઉપરીઓ એના વિશે ચર્ચા કરી શકે. આપણે એમના કાને વાત નાખી દઇશું.

પાકિસ્તાની : કબૂલ.

(બન્ને હાથ મિલાવીને હસતા ચહેરે છૂટા પડે. ત્યાર પછી તેમની વચ્ચેની મંત્રણા દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવાની દિશામાં હકારાત્મક રીતે આગળ વધી હોવાનું જાહેર કરવામાં આવે છે.) 

Friday, November 29, 2013

‘સાહેબ’ વિશે નિબંધ : તુમ એક ગોરખધંધા હો

એક હતું ગુજરાત...ના, ના, હતું નહીં, છે જ. એ ગાંધીનું નથી એટલું જ. એ ગુજરાતમાં એક ‘સાહેબ’ રહેતા હતા...ના,ના, હજુ પણ રહે છે અને હમણાં થોડો સમય તો રહે એમ લાગે છે. ‘સાહેબ’ને બે હાથ છે, પણ ઘણાને એવું લાગે છે કે હરિની માફક સાહેબના પણ હજાર હાથ છે. હજાર હાથવાળા સાહેબ માટે ‘કયા નામે લખવી કંકોતરી’  અને ‘કયા હાથે પહેરાવવી હાથકડી’ એવી બે પ્રકારની મૂંઝવણભરી લાગણીઓ પ્રવર્તે છે.

સાહેબના બે જ પગ છે, પરંતુ તેમને ઠેકઠેકાણે ઉડાઉડ કરતા જોઇને લોકોને લાગે છે કે સાહેબને પગે પૈડાં હશે અથવા પાંખો હશે. સાહેબને એક જીભ છે. તેના અનેક પરચા લોકોમાં અહોભાવનો વિષય બન્યા છે. મેદની સમક્ષ બોલતી વખતે સાહેબની ‘જીભ’ નું સીઘું જોડાણ વિષગ્રંથિઓ સાથે થઇ જાય છે, પરંતુ અઘરા સવાલો પૂછાય ત્યારે સાહેબની એ જ ‘જીભ’, ખતરો જોઇને માથું અંદર લઇ લેતા કાચબાની જેમ, મોઢામાં ગોઠવાઇ જાય છે અને મોંના દરવાજા સજ્જડ ભીડાઇ જાય છે. ભક્તો કહે છે કે ‘સાહેબ’ની જીભે મા સરસ્વતી વસે છે. અ-ભક્તો કહે છે કે તેમની જીભે મા નાગબાઇ વસે છે. જેવી જેની શ્રદ્ધા.

અત્યાર સુધી સ્પષ્ટ થઇ ચૂક્યું હશે કે ‘સાહેબ’ ભલે દૈવી-કે આસુરી-શક્તિઓ ધરાવતા હોય અથવા તેમનામાં એવી શક્તિઓનું આરોપણ કરવામાં આવતું હોય, પણ આખરે તે એક માણસ છે. તે ‘આખરે’ માણસ છે કે ‘પહેલાં’ માણસ છે, એ પણ વિવાદનો વિષય બની શકે છે. એટલે, ‘સાહેબ’ વિવાદાસ્પદ માણસ છે. સુજ્ઞજનો જાણે છે કે ‘સાહેબ’ તેમનું નામ નથી અને તેમને કોઇ ‘સાહેબભાઇ’ કહેતું નથી, પરંતુ પોલીસતંત્રના સાહેબો ને તેમના પણ સાહેબ એવા કાળી દાઢીવાળા તેમને ‘સાહેબ’ તરીકે ઓળખે છે. માટે, તે ‘સાહેબોના સાહેબ’ છે. ‘યારોંકા યાર, દુશ્મનોંકા દુશ્મન’ એવું સાંભળેલું, પણ ‘સાહેબ’ વિશે કહેવાય છે કે એ ‘યારોંકા દુશ્મન, દુશ્મનોંકા જાની દુશ્મન’ છે. ‘સાહેબ’ કોણ છે એ બધા કહી શકે એમ છે. છતાં બીજી રીતે જોતાં, એ કોઇ કહી શકે એમ નથી. કારણ કે તેમનું અસ્તિત્ત્વ રેકોર્ડ થયેલા કેટલાક સંવાદો પૂરતું સીમિત છે.

જગજાહેર બનેલાં રેકોર્ડિંગ સાંભળતાં લાગે છે કે ‘સાહેબ’ મોટા માણસ હોવા જોઇએ. નહીંતર જેલમાં જઇ આવેલા ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી તેમનો ઉલ્લેખ ‘સાહેબ’ તરીકે કરે નહીં- તેમની ગેરહાજરીમાં તો નહીં જ. ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી પણ  તેમના જમાનામાં પોલીસોના સાહેબ હતા. હવે તે પક્ષમાં ઘણા લોકોના સાહેબ છે. પરંતુ ‘સાહેબ’ના તે નમ્ર સેવક હશે, એવું તેમની રેકોર્ડ થયેલી વાતચીત પરથી જણાય છે.

ઘણા સંશયાત્માઓને શંકા છે કે ભૂતપૂર્વ મંત્રીશ્રી ‘સાહેબ’ના નામે ચરી ખાય છે. એ દૃષ્ટિએ આને જુદા પ્રકારનું ‘ચારાકૌભાંડ’ ગણવું જોઇએ. પરંતુ ‘સાહેબ’નું નામ જ હોય છે ચરી ખાવા માટે. કબીરજી જેમને ‘સાહેબ’ કહેતા હતા એવા ઉપરવાળા- ભગવાનના નામે કેટકેટલા લોકો ચરી ખાય છે? ‘કર સાહબકી બંદગી’વાળા ‘સાહેબ’ પર ચરી ખાનારા દરેક ધરમમાં હોય છે. દુનિયામાં સૌથી મોટો- માઇક્રોસોફ્‌ટ, ફેસબુક, ગુગલ કે વોલમાર્ટ કરતાં પણ મોટો- ધંધો ઉપરવાળા ‘સાહેબ’ના નામે ચાલતો હોય, તો પછી નીચેવાળા ‘સાહેબ’નો કંઇ મહિમા હોય કે નહીં? જેના પરચા ન હોય એ ભારતમાં ‘સાહેબ’ શી રીતે બની શકે? જેના નામે ચરી ન ખવાય એ ‘સાહેબ’ની બંદગી કરવામાં શી મઝા છે? સદ્‌ભાગ્યે આવું બઘું ‘પૌર્વાત્ય’ ડહાપણ ભારતીય-ગુજરાતી જનતાને સમજાવવું પડતું નથી. એટલે ‘સાહેબ’ અને તેમની બંદગી કરનારા, સૌનો કારોબાર બરાબર ચાલે છે.

કબીરજીના ‘સાહેબ’થી પરિચિત લોકો જાણતા હશે કે સર્વજ્ઞ અને સર્વવ્યાપી હોવું એ ‘સાહેબ’ હોવાનું મૂળભૂત લક્ષણ છે. કબીરજીના જમાનામાં ટેકનોલોજી ન હતી અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ ન હતી. એટલે કબીરજીના ‘સાહેબ’ને બીજી પદ્ધતિઓ દ્વારા સર્વજ્ઞતા મેળવવી પડતી હશે અથવા તેમની સર્વજ્ઞતા દંતકથાનો કે શંકાનો વિષય હશે. પરંતુ વર્તમાન ‘સાહેબ’નો પ્રતાપ એવો આભાસી નથી. કબીરજીના ‘સાહેબ’ની સર્વજ્ઞતા વિશે અને તેમના સર્વવ્યાપીપણા વિશે શંકા કરનારા ભલભલા નાસ્તિકો પણ ગુજરાતના ‘સાહેબ’ની શક્તિઓ વિશે શંકા કરી શકે તેમ નથી. કારણ કે આ ‘સાહેબ’ સર્વજ્ઞ રહેવા માટે છૂટથી આઘુનિક ટેકનોલોજીનો, રાજ્યના ગૃહરાજ્યમંત્રીનો અને તેમના ખાતામાં આવતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનો ઉપયોગ કરે છે. ટૂંકમાં, વર્તમાન ‘સાહેબ’નું સર્વજ્ઞપણું વૈજ્ઞાનિક કસોટી પર પાર ઉતરે એવું હોવાથી, કબીરજીના ‘સાહેબ’ કરતાં ગૃહરાજ્યમંત્રીના ‘સાહેબ’નો મહિમા વધારે હોય અને તેમની ભક્તિ વધારે ફળદાયી નીવડે, એ સ્વાભાવિક ગણાવું જોઇએ.

કબીરજીના ‘સાહેબ’ જગતના કણકણમાં વ્યાપેલા હશે- હા, તેમના માટે તો ‘હશે’ની ભાષામાં જ વાત કરવી પડે- પણ ગુજરાતના ‘સાહેબ’ તેમના પ્રભાવની રૂએ કણકણમાં તો ઠીક, થિએટરમાં અને વિમાનમાં, મુખ્ય રસ્તા પર અને ગલીઓમાં, ઘરમાં ને ઓફિસમાં -એમ સર્વત્ર વ્યાપેલા છે. ખાસ કરીને ચોક્કસ સન્નારીની વાત આવે ત્યારે ગૃહરાજ્યમંત્રીના ‘સાહેબ’નું  સર્વવ્યાપીપણું અને સર્વજ્ઞતા નિર્વિવાદ બની જાય છે. ‘સાહેબ’ના વિચારશત્રુઓ પણ તેમની આ શક્તિનો ઇન્કાર કરી શકે એમ નથી.  

‘સાહેબ’ની ઇચ્છા વિના જગતમાં પાંદડું ફરકે કે ન ફરકે એ શ્રદ્ધાનો વિષય છે, પણ રેકોર્ડેડ સંવાદમાં જે ‘સાહેબ’નો ઉલ્લેખ છે તેમની ઇચ્છાથી આખેઆખું રાજ્યતંત્ર હરકતમાં આવી જાય છે. ગૃહરાજ્યમંત્રી ‘સાહેબેચ્છા બલિયસી’ ગણીને તેનો અમલ કરે છે અને ‘સાહેબ’ની ઇચ્છાની આણ આપીને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પાસેથી કોર્સ બહારનાં કામ કરાવે છે. ત્રાસવાદનો પ્રતિકાર કરવા માટે સર્જાયેલી ટુકડી ‘સાહેબ’ની ઇચ્છા કે આજ્ઞાથી કોઇની પાછળ પડી જાય તો એમાં કકળાટ શાનો? ત્રાસવાદ ફક્ત બોમ્બધડાકા અને ગોળીઓથી જ ફેલાય? કોઇનું હૃદયમંદિર તહસનહસ થાય એ નાનો ત્રાસવાદ છે? પરંતુ સંકુચિત મનના અને ઉચ્ચ આઘ્યાત્મિક ભૂમિકાએ નહીં પહોંચેલા મોટા ભાગના લોકો ‘સાહેબ’ની આ વિચારસરણી પામી શકતા નથી અને ‘સાહેબ’ની ટીકામાં રાચે છે. કેટલાક તો વળી એથી આગળ વધીને ‘સાહેબ’ કોણ, એ સવાલનો જવાબ શોધવા મથે છે. જિજ્ઞાસા અને જ્ઞાનના નામે થતી આ કવાયત હકીકતમાં સંશયપ્રેરિત છે અને ભગવદ્‌ગીતામાં કહ્યું છે કે ‘સંશયાત્મા વિનશ્યતી’. તપાસપંચો રચવાં એ પણ સંશયાત્માઓનાં કરતૂત છે, પરંતુ મોટા ભાગના પંચોનાં મન સંશયાત્માઓ જેટલાં ભ્રષ્ટ હોતાં નથી. એટલે તે તપાસનો એવી રીતે વીંટો વાળે છે કે સંશયાત્માઓ હાથ ઘસતા રહી જાય.

સમજવા જેવી વાત એ છે કે ‘સાહેબ’ માટે આખું વિશ્વ એક લીલા છે. તેમને મન ગૃહરાજ્યમંત્રી અને વહીવટદાર વચ્ચે, પોલીસ અફસર અને સગવડિયા સોપારી ફોડતા ગુંડા વચ્ચે, એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડ અને છોકરીના પીછા કરતી ગેંગ વચ્ચે કશો ફરક નથી. ‘સાહેબ’ આખા વિશ્વને કાયદા-બંધારણની તૃષ્ણા ત્યાગીને, સમદૃષ્ટિથી જુએ છે. તેમાં પરસ્ત્રીને માત ગણવાના ક્લોઝનો સમાવેશ થતો ન હોય, તો તેનો કકળાટ કરવાને બદલે સમજવું જોઇએ કે ‘સાહેબ’ એ ‘સાહેબ’ છે- નરસિંહ મહેતા નથી.  

Monday, November 25, 2013

બે તંત્રીલેખ : `પીછા કરો` 'અને દલા તરવાડી-ન્યાય'

પીછા કરો

અંગત આરોપોની ગંદકીમાં ન જઇએ તો પણ, ‘કોબ્રાપોસ્ટ’ અને ‘ગુલૈલ’ વેબસાઇટ થકી જાહેર થયેલી વિગતોમાંથી આટલું સ્પષ્ટ છે : ચાર વર્ષ પહેલાં ગુજરાતમાં એક મહિલાની તમામ હિલચાલ પર ગુજરાત સરકારના મંત્રી તેમના કોઇ ‘સાહેબ’ની આજ્ઞાથી અને ગુજરાતનું પોલીસતંત્ર મંત્રીશ્રીની આજ્ઞાથી નજર રાખતાં હતાં. ‘નજર રાખવાનો’ કાર્યક્રમ એકદમ ચુસ્તીથી પાર પાડવામાં આવતો હતો અને ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તેમાં અંગત રસ લેતા હતા. એટલું જ નહીં, અહેવાલો મુજબ અમિત શાહ કોઇ ‘સાહેબ’ની સૂચનાનો પણ વાતચીતમાં ઉલ્લેખ કરે છે. મુખ્ય મંત્રી મોદીના ખાસ માણસ તરીકે અગાઉ વગોવાઇ અને ફસાઇ ચૂકેલા શાહ તેમના ખાતાના પોલીસ અફસરો સમક્ષ કોનો ઉલ્લેખ ‘સાહેબ’ તરીકે કરતા હશે? આ સવાલ ‘કૌન બનેગા કરોડપતિ’ના શરૂઆતના તબક્કાના ‘દૂધપાક સવાલો’માં સ્થાન પામે એવો છે. પરંતુ અહીં મહત્ત્વ ‘સાહેબ’ના પાત્રનું નથી, રાજ્ય સરકારના ચરિત્રનું છે.

ગુજરાત સરકારના ઉત્સાહી પીછા-કરણ કાર્યક્રમની વિગતો જાહેર થયા પછી એક તરફ ભાજપના સત્તાવાર-બિનસત્તાવાર પ્રવક્તાઓએ આક્રમક બચાવની જૂની પદ્ધતિ અપનાવી છે, તો બીજી તરફ યુવતીના પિતાએ રાષ્ટ્રિય તથા રાજ્યના મહિલા આયોગને લખેલો એક પત્ર જાહેર થયો છે, જેમાં તેમણે લખ્યું છે કે ‘૨૦૦૯માં કેટલાંક અંગત અને કૌટુંબિક કારણોસર મેં ગુજરાતના મુખ્ય મંત્રીને મારી દીકરીના હિતમાં વચ્ચે પડવા માટે વિનંતી કરી હતી...મારી અને મારા કુટુંબની સમસ્યા એકદમ અંગત હોવાથી, રાજ્યના રાજકીય વડાની રૂએ મુખ્ય મંત્રીને લેખિતને બદલે મૌખિક વિનંતી કરવાનું મને યોગ્ય લાગ્યું. તેમની સાથે મારે બે દાયકા જૂનો સંબંધ છે...’ ગુજરાત સરકાર દ્વારા કરાયેલી મદદ વિશે તેમની દીકરી જાણતી હતી એવું પણ પત્રમાં જણાવાયું છે અને દીકરીના અંગત જીવનની આણ આપીને પ્રસાર માઘ્યમોને આ મુદ્દાથી દૂર રહેવા જણાવાયું છે.

ભાજપનાં ઉત્સાહી પ્રવક્તા મીનાક્ષી લેખીએ કોંગ્રેસની ટીકાના  જવાબમાં એ મતલબનું કહ્યું છે કે પિતા-પુત્રીને કોઇ ફરિયાદ નથી, તો  કોંગ્રેસને શી પંચાત? મોડેમોડે મોદીભક્ત બનેલાં મઘુ કિશ્વર વળી એક ડગલું આગળ વદીને એવું ટ્‌વીટ્યાં છે કે મહિલાને ભ્રષ્ટ-લંપટ પોલીસ અફસર સાથે સંબંધ હોવાથી તેના પિતાએ દીકરી પર નજર રાખવા માટે મુખ્ય મંત્રીને વિનંતી કરી.

આ વિવાદમાં સચ્ચાઇ નક્કી કરવાનું કામ અદાલતનું છે, પણ સામાન્ય સમજણથી આટલી હકીકતો સ્પષ્ટ છે : સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે મહિલા પર સરકારી રાહે નજર રાખવામાં આવતી હતી, તેનો ઇન્કાર ભાજપે કર્યો નથી. ઊલટું મુખ્ય મંત્રી અને તેમના સાગરિત પ્રકારના સાથીદારોને આબાદ ઉગારવાના આશયથી લખાયા હોય એવા પિતાના પત્રમાં પણ આ જાતનો ચોકીપહેરો રખાતો હોવાનું જણાવાયું છે. મુખ્ય મંત્રી સાથે ‘બે દાયકાના સંબંધ’ની રૂએ, કોઇ ભાઇ કેવળ મૌખિક વિનંતી કરે અને મુખ્ય મંત્રી એ ભાઇની પુત્રી પર નજર રાખવા માટે એક મંત્રી સહિતનું સરકારી તંત્ર કામે લગાડી દે, આ હકીકતનો પણ હજુ સુધી ભાજપે ઇન્કાર કર્યો નથી. સરકારી તંત્રના અંગત ઉપયોગ એટલે કે દુરુપયોગનો ચોખ્ખો કેસ છે. મહિલાના પિતાના દાવા સાચા હોય તો પણ, મુખ્ય મંત્રીના પક્ષે ઓછામાં ઓછો આ ભ્રષ્ટાચારનો કેસ તો બને જ છે અને ભાજપે અત્યાર સુધીના તમામ બચાવમાં આ આરોપનો આડકતરો સ્વીકાર કર્યો છે. કારણ કે, ભાજપી પ્રવક્તાઓનું લક્ષ્ય તેમના વડાપ્રધાનપદના ઉમેદવારને વધારે ગંભીર અને વધારે અંગત આરોપોથી બચાવવાનું રહ્યું છે.

મુખ્ય મંત્રી કે કોઇ મંત્રી આ રીતે સરકારી તંત્રનો ઉપયોગ અંગત હેતુ માટે કરી શકે? કોઇ વ્યક્તિને રક્ષણ આપવાનું કે તેનું હિત જાળવવાનું કારણ આગળ ધરીને સરકાર બેરોકટોક જાસુસી કરાવી શકે?  રાષ્ટ્રિય હિતનો મુદ્દો હોય તેમ, મુખ્ય મંત્રીના ખાસમખાસ મંત્રી અંગત રસ લઇને બિનસત્તાવાર રાહે કોઇ વ્યક્તિ પર નજર રખાવી શકે? મોદીભક્ત મઘુ કિશ્વર જે બચાવ રજૂ કરે છે એ પ્રમાણે તો, પોતાની પુખ્ત વયની પુત્રીના એક પુખ્ત વયના પોલીસ અફસર સાથેના સંબંધોથી નારાજ થયેલા પિતાએ મુખ્ય મંત્રીની મદદ માગી હતી, જે મુખ્ય મંત્રીએ હોંશે હોંશે આપી. આ આરોપ કે પિતાએ લખેલો પત્ર સાચો છે, એવું માની લેવા માટે અસાધારણ ભોળપણ જોઇએ. છતાં દલીલ ખાતર એ સાચું માની લઇએ તો પણ, રાજ્યના મુખ્ય મંત્રીની ફરજમાં પ્રેમ પ્રકરણોની પોલીસપટેલાઇ ક્યારથી આવવા લાગી?

વડાપ્રધાન બનવા માટે જુદી ભ્રમણકક્ષામાં પુરપાટ વેગે ચકરાવા લઇ રહેલા ગુજરાતના મુખ્ય મંત્રીએ પગ તળે રેલો કે પૂર આવે ત્યારે ચૂપકીદી સાધી લેવાની તેમની જૂની રસમ અપનાવી છે. તેમની સરકારને બદલે તેમના પક્ષનું પાયદળ દોઢચતુરાઇના અવનવા નમૂના પૂરા પાડીને આખા મુદ્દાને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો રંગ આપવા મથી રહ્યું છે. આ કોઇની અંગત જિંદગીનો નહીં, પણ રાજ્યસત્તાના દુરુપયોગનો- એટલે કે જાહેર હિતનો મુદ્દો છે એ ભાજપ ભલે સંતાડે, પણ નાગરિકોએ ભૂલવા જેવું નથી.

(ગુરુવાર-૨૧-૧૧-૧૩)

***

દલા તરવાડી-ન્યાય

સૈન્ય અને રાજકારણથી માંડીને રમતજગતનાં અનેક કૌભાંડનો પર્દાફાશ કરનાર ‘તહલકા’ના માલિક-તંત્રી તરુણ તેજપાલ પોતે જાતીય ગેરવર્તણૂંકના આરોપમાં સપડાયા છે. આરોપી કોઇ પણ હોય, આરોપ ગંભીર કહેવાય. પરંતુ ‘તહલકા’ના માલિક-તંત્રી પર તે લાગે ત્યારે વઘુ ગંભીર ગણાય. કારણ કે અત્યાર સુધી તેમણે ‘તહલકા’ની ભૂમિકા એવી બાંધી છે કે તે સચ્ચાઇ માટે સ્થાપિત હિતો સામે લડે છે. સાચકલાપણું અને મૂલ્યનિષ્ઠા ‘તહલકા’ની ઓળખ બને એવી તેમની કાયમી રજૂઆતો રહી છે. ભારતીય પત્રકારત્વમાં ‘તહલકા’એ ઘણાં સીમાચિહ્નો સ્થાપ્યાં છે એ પણ નિર્વિવાદ છે. છતાં, જેમ તરુણ તેજપાલ પરના આરોપથી ‘તહલકા’નું સારું કામ ઘૂળધાણી થઇ જતું નથી, એવી જ રીતે ‘તહલકા’ના સારા કામથી તરુણ તેજપાલને આરોપની જવાબદારીમાંથી કોઇ પ્રકારની મુક્તિ મળી શકે નહીં. ‘કોઇ પણ વ્યક્તિ કાયદાથી પર નથી અને અમે કોઇની શરમ ભરતા નથી’ એવો બિનસત્તાવાર ઘ્યેયમંત્ર ધરાવતા સામયિકના માલિક-તંત્રી પોતાની જાતને કાયદાથી પર ગણે અથવા જાતે જ પોતાનો ન્યાય તોળી નાખે, એ  માનવસ્વભાવની કરુણ વક્રતા છે. એને દલા તરવાડી-ન્યાય પણ કહી શકાય.

‘થિન્ક ફેસ્ટ’-વિચારમેળા- પ્રકારના ફાઇવ સ્ટાર સમારંભો અને તેના કોર્પોરેટ પ્રાયોજકોને કારણે ઘણા સમયથી ટીકાનું કેન્દ્ર બનેલા ‘તહલકા’માં ગોવાના ‘થિન્ક ફેસ્ટ’  દરમિયાન તરુણ તેજપાલે ‘તહલકા’નાં મહિલા કર્મચારી સાથે જાતીય ગેરવર્તણૂંક કરી. આવું બે વાર બન્યું. ફરિયાદી મહિલાએ ‘તહલકા’માં તેજપાલ પછીનો હોદ્દો ધરાવતાં શોમા ચૌધરીને ફરિયાદ કરી. પરંતુ અત્યારે ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે કે ‘ઘરની વાત ઘરમાં રહે’ એવા રૂપાળા બહાના તળે  ભીનું સંકેલી દેવામાં આવ્યું. ઓફિસોમાં અને બહાર મહિલાઓ સાથે થતા દુર્વ્યવહાર વિશે જોસ્સાથી લખનાર ‘તહલકા’ના મુખિયાઓને ફરિયાદ વિશે કશાં શિક્ષાત્મક પગલાં લેવાપણું લાગ્યું નહીં. ઉલટું, તેજપાલે આ શરમજનક ઘટનામાંથી પોતાની નૈતિકતા ઉભારવાનો પ્રયાસ કર્યો. આરોપનો મભમ સ્વીકાર અને એવી જ દિલગીરી વ્યક્ત કર્યા પછી ‘આટલું પ્રાયશ્ચિત પૂરતું નથી’ એમ કહીને તેજપાલે જાતે જ પોતાની સજા પણ નક્કી કરી નાખી : ‘છ મહિના સુધી હું તહલકાની ઓફિસે નહીં આવું.’

તેજપાલના સ્વીકારપત્રમાં શરમનો કે અફસોસનો નહીં, પણ પોતે ઘટનાઓનું કે સંજોગોનું ખોટું અર્થઘટન કર્યું છે, એવો ભાવ હતો. તેમાં એવું પણ સૂચવાતું હતું કે મહિલા કર્મચારીઓ એવું કશું કર્યું હશે જેથી તેજપાલ છૂટછાટ લેવા પ્રેરાય અને છૂટછાટની માત્રા નક્કી કરવામાં તેમના પક્ષે ભૂલ થઇ હોય. બબ્બે વાર આવું બને એ સૂચવે છે કે આરોપીત ગેરવર્તણૂંક ક્ષણિક આવેગનું પરિણામ ન હતી. એવું હોત તો પણ એ અક્ષમ્ય જ ગણાત, પરંતુ આયોજિત ગેરવર્તણૂંક નૈતિક રીતે વધારે ગંભીર ગુનો બને છે. આ ગુના પછી તરુણ તેજપાલને ‘માલિક’ ગણીને કામ લેવામાં આવ્યું અને ‘માફી તો માગી, હવે શું છે?’ એવા અભિગમ સાથે, ‘ફરિયાદીએ માફી સ્વીકારી લીધી છે અને એ સાથે જ આ વાત પૂરી થાય છે’ એવું જાહેર કરી દેવામાં આવ્યું.

આટલું ઓછું હોય તેમ, તેજપાલે મહાત્મા ગાંધીના અંદાજમાં પોતાની જાતને બહુ મહાન સજા કરતા હોય એમ જાહેર કર્યું કે પોતે છ મહિના સુધી ઓફિસે નહીં આવે. તેમની આ જાહેરાત ટીકા અને રમૂજનું કેન્દ્ર બનવાને જ લાયક હતી. કોઇએ કહ્યું, ‘મેં કરેલા દુરાચારની સજા તરીકે હું છ મહિના સુધી આશ્રમે નહીં જઉં, એવું આસારામ કહી દે તો તેમને પણ સજામાંથી મુક્તિ મળી જાય?’ બીજાએ કહ્યું, ‘આ છ મહિનામાં માલિક-તંત્રી તરીકે તે રૂપિયા લેવાના કે નહીં?’ મુદ્દો એ છે કે ગુનાની ગંભીરતા અને તેની સજા આરોપી પોતે કેવી રીતે નક્કી કરી શકે?

ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે કે ફરિયાદીને તેજપાલની માફીથી સંતોષ ન હતો. ‘તહલકા’નાં મેનેજિંગ તંત્રી શોમા ચૌધરીએ પણ ન્યાયનો અને મહિલા સાથીદારનો પક્ષ લેવાને બદલે તેજપાલના પક્ષે રહેવાનું પસંદ કર્યું હોય એવી છાપ પડે છે. તેમણે આવું ‘સંસ્થાના હિતમાં’ કર્યું હોવાનું આત્મવંચનાભર્યું આશ્વાસન એ પોતે કદાચ લઇ શકે, પણ તેમની વર્તણૂંકના ખુલાસા તરીકે એ દલીલ ટકે એમ નથી. કારણ કે મોડે મોડે ઊભા થયેલા દબાણ પછી તેમણે આંતરિક તપાસની જાહેરાત કરી છે. સરકાર તપાસસમિતિઓ રચે ને એ વલણની આકરી ટીકા કરનારાં પ્રસાર માઘ્યમો પોતાના પગ તળે રેલો આવે ત્યારે સમિતિબાજીમાં જ રાચે, એ દર્શાવે છે કે સ્થાપિત હિતના મુદ્દે પ્રસાર માઘ્યમો ભ્રષ્ટ રાજકારણીઓ કે રાજકીય પક્ષો કરતાં જરાય જુદાં નથી.  ભૂતકાળમાં બરખા દત્ત અને વીર સંઘવી સહિત પત્રકારત્વનાં મોટાં માથાં સામે લાગેલા આરોપ ભૂલાઇ ગયા હોઇ શકે, પણ તેનો સંતોષકારક ખુલાસો મળ્યો નથી. તેજપાલ પર થયેલા આરોપો બીજાં ક્ષેત્રોની જેમ પત્રકારત્વ માટે પણ નવા નથી, એ ઢંકાયેલું સત્ય આ કિસ્સાથી ઉજાગર અને ચર્ચાતું થાય તો એ આ દુઃખદ પ્રસંગની એક ઉપલબ્ધિ ગણાય.  

(શનિવાર, ૨૩-૧૧-૧૩)

Tuesday, September 10, 2013

એન્કાઉન્ટર-સંગીત : તુમ એક ગોરખધંધા હો

નુસરત ફતેહઅલીખાને ગાયેલી એક અનોખી કવ્વાલીમાં શાયર ઉપરવાળાને સંબોધીને કહે છે : ‘તુમ એક ગોરખધંધા હો’. સ્પેન્ડેડ પોલીસ અફસર ડી.જી.વણઝારાનો પત્ર વાંચીને ‘ગોરખધંધા’ કવ્વાલીની યાદ આવી ગઇ. કારણ કે પત્રમાં વણઝારાએ ગુજરાતના મુખ્ય મંત્રીને પોતાના ભગવાન ગણાવ્યા અને એ મતલબનું લખ્યું કે મારા ભગવાન પ્રસંગ આવ્યે મારી વહારે આવી શક્યા નહીં.

ડી.જી.વણઝારાનો આખો પત્ર પ્રસાર માઘ્યમોમાં આવી ગયો છે. તેના કેટલાક ચુનંદા અંશ મથાળાંમાં પણ ચમક્યા છે. છતાં સરસ અંગ્રેજીમાં લખાયેલા એ પત્રનાં કેટલાંક વાક્યો વિચારપ્રેરક, હજુ આંખ ભીડીને બેઠેલાની આંખ ઉઘાડી શકે એવાં છે.

વણઝારાના પત્રમાંથી બે વાર વાંચવા અને શાંતિથી સમજવા જેવી કેટલીક ‘કણિકાઓ’.

પત્રકણિકા ૧ : ‘...ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને હું ભગવાનની જેમ પૂજતો હતો (મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ છેઃ adore), પરંતુ મને કહેતાં બહુ દુઃખ થાય છે કે શ્રી અમિતભાઇ શાહના આસુરી પ્રભાવ તળે આવી ગયેલા મારા ભગવાન પ્રસંગને છાજે એવું વર્તન કરી શક્યા નહીં. તેમનાં (મોદીનાં) આંખ-કાન બની ગયેલા અમિતભાઇ બાર-બાર વર્ષથી બકરાનું કૂતરું ને કૂતરાનું બકરું દેખાડીને તેમને (મોદીને) સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી રહ્યા છે..’ 

દેખીતો આક્ષેપ બહુ સ્પષ્ટ છે, પરંતુ તેનાથી અનેક ગણી વધારે ગંભીર હકીકત બીજી છે- અને તે વણઝારાના દેશભક્તિ- ફરજપરસ્તીના દાવા સામે સદંતર વિરોધાભાસ ઊભો કરે છે ઃ આઇપીએસ કક્ષાનો કોઇ અફસર બંધારણ કે કાયદાને બદલે રાજ્યના સત્તાધીશને ભગવાન (સર્વસ્વ) માનતો હોય, એ કેટલી ખતરનાક વાત ગણાય. તેમના આ વિધાનનો અર્થ એ થયો કે ‘ભગવાન’ના આદેશ મળે, એટલે કાયદાની કે બંધારણની પરવા કર્યા વિના ‘ભક્ત’ તેનો અમલ કરી નાખે.

‘ભગવાન-ભક્ત’ની ભવ્ય ઉપમાને વધારે વાસ્તવિક રીતે સમજવી હોય તો એવું પણ કહી શકાય કે આઇપીએસ કક્ષાના ઉચ્ચ અફસર, ફરજભાન વિસરીને કેવળ ચાવીવાળા રમકડાં જેવા બની ગયા : ‘ભગવાન’ જેટલી  અને જેવી ચાવી આપે, એટલું અને એવું ‘રમકડું’ ચાલે. ‘રમકડા’ને શ્રદ્ધા હોય કે આપણે આગળ-પાછળની, કાયદાકાનૂનનો વિચાર કરવાની શી જરૂર છે? આપણને ઉગારવા માટે તો ‘હજાર હાથવાળો’ (મુખ્ય મંત્રી) બેઠો છે.

આ વિધાનમાંથી ઉપસતી અસલી ચીજ વણઝારાનો એકરાર  છે- એ બાબતનો એકરાર કે ફરજની પ્રતિજ્ઞા પ્રમાણે કાયદા-બંધારણને વફાદાર રહેવાને બદલે, તે રાજ્યના મુખ્ય મંત્રીના હાથની કઠપૂતળી બની ગયા.

પત્રકણિકા ૨ :  (અમિત શાહ વિશે ચુનંદાં વિશેષણ વાપર્યા પછી) ‘અમિતભાઇએ પોતાની જાતને ગુજરાત સરકારનાં રાજકીય હિતોના રક્ષક તરીકે સીમીત કરી દીધી છે અને પોતાની એ ભૂમિકાનું તે ઇર્ષ્યાપૂર્વક, જેલવાસી પોલીસ અફસરોના ભોગે રક્ષણ કરી રહ્યા છે.’ 

આ વાક્યમાં બે શબ્દો ખાસ નોંધપાત્ર છે : ‘રાજકીય હિતો’ અને ‘ઇર્ષ્યાપૂર્વક’ (મૂળ શબ્દો : ‘પોલિટિકલ ઇન્ટરેસ્ટ્‌સ’ અને ‘જેલસલી’). તેનો સૂચિતાર્થ એવો છે કે અગાઉ ગુજરાત સરકારનાં રાજકીય હિતોનું- હા, ત્રાસવાદવિરોધી લડાઇનું નહીં, રાજકીય હિતોનું - રક્ષણ જેલવાસી પોલીસ અફસરો કરી રહ્યા હતા. એ કામ પછી અમિત શાહે ઉપાડી લીઘું. અગાઉ એ કામ કરનારા પ્રત્યે પોલીસ અફસરો પ્રત્યે તેમના મનમાં ઇર્ષ્યાનો ભાવ હતો. એટલે તેમણે ઇર્ષ્યાપૂર્વક, જેલભેગા થયેલા પોલીસ અધિકારીઓને જેલમાં સડતા રાખ્યા.

પત્રકણિકા ૩ :  ‘ભૂતકાળમાં જ્યારે પણ સરકારે અસ્તિત્ત્વની કટોકટી અનુભવી, ત્યારે હું અને મારા અફસરો તેની પડખે અડીખમ ઊભા રહ્યા હતા. અમારી સામે આ જાતની કટોકટી ઊભી થઇ ત્યારે સરકાર પણ વળતા વ્યવહારે  મક્કમ બનીને, દૃઢતાપૂર્વક અને જોશભેર અમારી પડખે ઊભી રહે એવું અપેક્ષિત હતું. પણ મારા પરમ આઘાત અને આશ્ચર્ય વચ્ચે એવું બન્યું નહીં.’ 

વણઝારા જેવા હોંશિયાર અફસર ‘સરકાર’ અને ‘રાજ્ય’ વચ્ચેનો ભેદ ન સમજે એવું કેમ બને? માપીતોળીને લખેલા એક-એક શબ્દમાં વણઝારાએ રાજ્ય સામે ત્રાસવાદની (કહેવાતી) કટોકટીની વાત કરી નથી, પણ સરકારે અનુભવેલી અસ્તિત્ત્વની કટોકટીની વાત કરી છે. ગુજરાતમાં ‘સરકાર’ એટલે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને (વણઝારાના) આરોપ પ્રમાણે, ‘પ્રોક્સી સરકાર’ ચલાવતા અમિત શાહ. પોલીસ અફસરોની ફરજ અને તેમની જવાબદારી સરકારી કટોકટીમાં સરકારના પડખે ઊભા રહેવાની નથી. સરકાર તો એક જાય ને બીજી આવે. સરકાર એ રાજ્ય નથી. પોલીસ અફસર સરકારને બદલે રાજ્યને વફાદાર રહ્યા હોય તો રાજ્ય (એટલે કે બંધારણ અને કાયદાની જોગવાઇઓ) જરૂર તેમના બચાવમાં, તેમના પડખે આવે, પણ એમને રાજ્ય કરતાં સરકારની વફાદારી વહાલી હોય તો પછી બીજું શું થાય?

પત્રકણિકા ૪ : ‘ગાંધીજીનાં એ વિધાનોમાં રહેલી સચ્ચાઇ મને સમજાઇ કે રાજ્યો આત્માવિહોણાં યંત્રો છે અને સરકારોને કોઇ અંતરાત્મા જેવું કશું હોતું નથી....એ પ્રમાણે, આ સરકારે મારા ગરીમાપૂર્ણ મૌનને બદલો વાળવા જેવો ગુણ ગણવાને બદલે અવગણવા જેવી નબળાઇ ગણી લીઘું.’

રાજ્યની કોમી હિંસામાં વિવાદાસ્પદ ભૂમિકા ધરાવતા મુખ્ય મંત્રીને ‘ભગવાન’ ગણનારા પોલીસ અફસરના મોઢેથી ગાંધીજીનાં અવતરણ શોભતાં નથી. મુખ્ય મંત્રીના કે અમિત શાહના હુકમો પ્રમાણે એન્કાઉન્ટરો કરવામાં વણઝારા અને તેમની ટુકડીને કશો વાંધો ન હતો. સરકારને અંતરાત્મા હોતો નથી, એવું ત્યારે ઘણા લોકો કહેતા હતા. પણ સરકાર પોતાના પક્ષે હતી, પોતાને થાબડભાણાં કરતી હતી, પ્રભાવશાળી હોદ્દો આપતી હતી, ત્યાં સુધી વણઝારાને સરકારમાં રહેલો અંતરાત્માનો અભાવ દેખાતો કે ખટકતો ન હતો.

પોતાના ફાયદાનો સમયગાળો પૂરો થયો અને સરકાર બચાવશે એવી અપેક્ષા ઠગારી નીવડી, ત્યાર પછી પણ વણઝારા આશા રાખીને બેઠા હતા કે સરકાર તેમને ઉગારી લેશે. જો સરકારે એવું કર્યું હોત તો,  વણઝારાને એ સરકાર અંતરાત્માવાળી લાગી હોત. પરંતુ છ વર્ષ રાહ જોયા પછી એકેય બાજુથી મદદ આવતી ન દેખાઇ, ત્યારે વણઝારાને ગાંધીજી યાદ આવ્યા છે.

પત્રકણિકા ૫ : દિલ્હી પહોંચવાની ઉતાવળમાં મુખ્ય મંત્રી મહેરબાની કરીને જેલમાં પુરાયેલા પોલીસ અફસરોનું એ ૠણ ચૂકવાનું ભૂલી ન જાય કે તેમને બહાદુર મુખ્ય મંત્રી તરીકેનું તેજવર્તુળ આ જ અફસરો થકી મળ્યું છે. બીજા કોઇ મુખ્ય મંત્રીના નામ આગળ ‘બહાદુર’નું વિશેષણ મુકાતું નથી. 

અમિત શાહનું શાબ્દિક અને બને તો રાજકીય એન્કાઉન્ટર કરવા માટે લખાયેલા હોય એવા આ પત્રમાં ડી.જી.વણઝારાએ એક મહત્ત્વની બાબતનો ઉલ્લેખ કર્યો નથી : તેમની ટુકડીએ કરેલાં એન્કાઉન્ટર  વખતે એવી વાર્તા કહેવામાં આવતી હતી કે મરનાર ‘ત્રાસવાદીઓ’ મુખ્ય મંત્રીની હત્યાના આશયથી આવ્યા હતા. આ જાતની કથાએ ગુજરાતના મુખ્ય મંત્રીના નામ પહેલાં ‘બહાદુર’નું વિશેષણ મૂકવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેનો રાજકીય ફાયદો પણ મળે જ. પરંતુ એ ‘ૠણ ચૂકવવાનો સમય’ આવ્યો ત્યારે ‘ભગવાન’ ખસી ગયા અને ‘ભક્ત’ ફસાઇ ગયા. આ પત્રનું મુખ્ય નિશાન અમિત શાહ હોવાથી આ વાત કદાચ આટલી સીધી રીતે લખાઇ નહીં હોય. પરંતુ પત્રમાં છેલ્લે વણઝારાએ સલુકાઇથી બહાદુરીના તેજવર્તુળનો મુદ્દો લખીને મુખ્ય મંત્રીને વાસ્તવિકતાની યાદ અપાવી- અથવા આડકતરી ચીમકી આપી હોય- હોય એવું લાગે છે.

પત્રકણિકા ૬ :  છેલ્લાં છ વર્ષમાં જેલમાં પુરાયેલા ગુજરાતના પોલીસ અફસરો સાથેની સતત છેતરપીંડીને કારણે ગુજરાતની પોલીસ સાવ વિચ્છિન્ન અને ઓસરેલા મનોબળની અવસ્થામાં છે....ટૂંકમાં મારે એટલું જ કહેવાનું કે કેવળ બોલવામાં બહાદુર ને કરી બતાવવામાં કાયર, કામગીરીમાં નપુંસક એવી કરોડરજ્જુ વગરની આ સરકાર મારાં ભરોસો, વફાદારી અને રાજ્યનિષ્ઠાને પાત્ર રહી નથી. 

પત્રમાં ફક્ત ગુજરાતના જ નહીં, દેશભરના પોલીસતંત્રના નૈતિક બળની ચિંતા કરનારા વણઝારાને ગુજરાતના તેમના તંત્રના એ સાથીદારો નહીં દેખાતા હોય, જેમણે ‘સરકાર’ને બદલે ‘રાજ્ય’ને વફાદાર રહેવાનાં માઠાં પરિણામ ભોગવ્યાં? વણઝારા અને તેમની ટુકડીના બીજા સાથીદારો સરકારના ‘હા’માં ‘હા’ મિલાવીને મહાલી રહ્યા હતા ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાને કારણે રાજ્ય સરકાર તરફથી અવહેલના પામેલા પોલીસ અફસરોનો વિચાર કદી વણઝારાને આવ્યો હતો? અને હજુ પણ આવે છે?

વણઝારાનો પત્ર ખરેખર તો પોલીસતંત્ર માટે પ્રેરણાદાયી બની શકે છે. કારણ કે તેનો બોધપાઠ છે : સાહેબોના વહાલા થવા માટે તેમનાં ગમે તેવાં કામ કરી આપવામાં ટૂંકા ગાળાનો ફાયદો હોય તો પણ લાંબા ગાળે એ જોખમી નીવડી શકે છે. એને બદલે સત્તાધીશોના ગેરકાનૂની હુકમો સામે ‘નો સર’ કહેવામાં ટૂંકા ગાળે કદાચ થોડું નુકસાન હોય તો પણ લાંબા ગાળે એ ફાયદાકારક અથવા ઓછું નુકસાનકારક નીવડે છે.

સરકાર અને પોલીસ વચ્ચેનો સંબંધ ભગવાન-ભક્ત કે માલિક - પાલતુ કૂતરા વચ્ચેનો હોય એવો નહીં, બન્ને એકબીજાથી અમુક હદે બીતા રહે અને ખોટું કરતાં-કરાવતાં ખચકાય એવો હોવો જોઇએ. રાજ્યના ખરા માલિક એવા નાગરિકો માટે એ ઇચ્છનીય અને ઉત્તમ સ્થિતિ છે.  

Saturday, August 14, 2010

ગાંધીનગરનું થીમસોંગઃ ‘બાબુ’, સમજો ઇશારે...

ભરચોમાસે ગાંધીનગરના વાતાવરણમાં ઉકળાટ, બફારો અને અકળામણ અનુભવાય છે. ‘ઓલ ધ પરફ્યુમ્સ ઓફ અરેબિયા’ની જેમ આખા ગુજરાતમાં થયેલો વરસાદ ગાંધીનગરમાંથી અકળામણ દૂર કરી શક્યો નથી અને ટાઢક ફેલાવી શક્યો નથી. સરકારી કર્મચારીઓ રોજ સાહેબોને છૂટતા પરસેવાની અને આવા બફારામાં ત્રણ માળ લિફ્ટ વિના ચડવાના થશે તો સાહેબની હાલત કેવી થશે, એની ચિંતામાં ગરકાવ છે. (ગાંધીનગરમાં સીબીઆઇની કચેરી ત્રીજા માળે આવેલી છે.)

સાહેબો સંકટ અને સરકારી કર્મચારીઓ ધર્મસંકટ અનુભવી રહ્યા છે. એક શાયરે કહ્યું હતું,‘જીસકી જીતની ચાકરી, ઉતને ઉસકે દામ’. અત્યારના ઉકળાટભર્યા માહોલમાં સાહેબોને ‘સરકાર’ સમજી બેઠેલા અફસરો માટે ‘જીસકી જીતની ચાકરી, ઉતને ઉસકે ડામ’ જેવો ઘાટ થયો છે. જ્યાં દરેક માણસ બીજાનો સાહેબ છે અથવા બીજો એનો સાહેબ છે, એવા ગાંધીનગરમાં સૌથી મોટી સમસ્યા છેઃ રોજેરોજ બનતી ઘટનાઓની ચર્ચા કેવી રીતે, કેવા શબ્દોમાં કરવી કે જેથી સાપ-મતલબ સાહેબ મરે નહીં અને ટીકાની લાઠી પણ ભાંગે નહીં. ગાંધીનગરમાં ચિંતા સમય બગડવાની નહીં, સીઆર(કોન્ફીડેન્શ્યલ રીપોર્ટ/સાહેબ દ્વારા લખાતી ખાનગી નોંધ) બગડવાની હોય છે.

હોદ્દાની રીતે નીચલી પાયરીના ગણાતા કર્મચારીઓને ઝાઝાં બંધનો નડતાં નથી. ખોવાયેલા દાગીના મળી ગયા હોય એવી રીતે એ હરખાતાં હરખાતાં ઓફિસમાં બધાની વચ્ચે કહી શકે છે,‘મળી ગ્યા હોં.’

‘શાની વાત કરો છો, શાહભઇ?’
‘અત્યારે બીજી શેની વાત હોય? રીમાન્ડ મળી ગ્યા.’

ભૂલેચૂકે આવી ‘ગુજરાતદ્રોહી’ વાતચીત ચાલતી હોય ને કોઇ સાહેબ હાજર હોય તો એ તરત કહેશે,‘પણ એમાં તમે ઘેર છોકરો જન્મ્યો હોય એમ રાજી શાના થાવ છો?’

કર્મચારી માથાભારે હોય તો એ સાહેબને વળતા જવાબમાં કહી શકે છે,‘કેમ સાહેબ! રીમાન્ડ નહોતા મળ્યા ત્યારે તમે પણ આટલા રાજી નહોતા થયા? એ વખતે મેં આવું પૂછ્યું’તું?..આ તો સમાચાર આપ્યા, સાહેબ.’

ગુજરાતના ઉચ્ચ અફસરો કેવાં જવાબદારીભર્યાં કામ કરે છે, એ હવે સૌ જાણે છે. એ કામ પ્રજાનાં નહીં ને એમનાં સાહેબોનાં હોય તો પણ શું થયું? જવાબદારી આખરે જવાબદારી છે. ખંડણી ઉઘરાવવી, ‘કસાબ કરતાં પણ વધારે ખતરનાક ત્રાસવાદી’ સાથે ભાગીદારીમાં ધંધો કરવો (જેથી એ ગુજરાતને કશું નુકસાન ન પહોંચાડે!), લારીઓમાં કે દુકાનોમાં ન મળે એવી ચોક્કસ પ્રકારની વિડીયો સીડી બનાવવી, માથે કફન બાંધીને...ફાર્મહાઉસોમાં જવું, કફનમાંથી જુદી જુદી સાઇઝના ઢાંકપિછોડા વેતરવા, ગુજરાતનું એટલે કે સરકારનું એટલે કે સાહેબનું ભલું થતું હોય તો (નિર્દોષોનું) ખૂન વહાવવા પણ તત્પર રહેવું...

ખરેખર, ટીકાકારો ગમે તે કહે, પણ કર્મયોગી શિબિરો પછી ગુજરાતની અફસરશાહીની કાર્યક્ષમતા કેટલી વધી ગઇ! અત્યારે જેલમાં રહેલા પોલીસ અફસરોને તો ગુજરાત સરકારે ખાસ સહિયારો ચંદ્રક આપીને સન્માનિત કરવા જોઇએ..રણજીતરામ ચંદ્રક જેવો સાહિત્યનો ચંદ્રક. કારણ કે તેમણે રચેલી એન્કાઉન્ટરની વાર્તાઓથી ફક્ત ગુજરાતનું સાહિત્ય જ નહીં, ગુજરાતનું રાજકારણ અને જાહેર જીવન પણ સમૃદ્ધ બન્યાં છે. જોકે, અફસરો સર્જકસહજ વિનમ્રતા દાખવીને ચંદ્રક લેવાનો ઇન્કાર કરી દે અને પોતાના પ્રેરણામૂર્તિઓ તરફ આંગળી ચીંધે તો ગુજરાતે એમને પણ ‘પોંખવા’ રહ્યા.

આવી મહત્ત્વની વાતો ચર્ચવાની હોય ત્યારે ગાંધીનગરની ઓફિસોમાં સાહેબો કેવી રીતે વાત કરતા હશે? સુવિધા ખાતર સાહેબોના બે પ્રકાર પાડી શકાય : સાહેબને વફાદાર સાહેબ અને કાયદાકાનૂનને વફાદાર સાહેબ. પહેલા પ્રકારના સાહેબોની બહુમતિ છે. તેમાંથી થોડા સાહેબો અને એકાદ બીજા પ્રકારનો સાહેબ ક્યાંક મળી ગયા હોય અને કામ પૂરૂં થઇ ગયા પછી તેમની વચ્ચે વાતો ચાલી રહી હોય તો..

***
સા.૧ : મારી કેરીયરમાં મેં આવો કેસ જોયો નથી.
સા.૨ : ધીમેથી...નહીંતર જોશો પણ નહીં. કેરીયર અકાળે પતી જશે.
સા.૩ : (સા.૧ને) આપણાથી આવું ના બોલાય સાહેબ. તમે તો ગૃહ ખાતામાં છો. તમારાથી તો ખાસ. સાહેબો ખંડણીના ને ખૂનના આરોપમાં ધંધે લાગ્યા હોય ત્યારે...
સા.૧ : પણ સાહેબ, હું ક્યાં કશું બોલ્યો જ છું? ખંડણી ને ખૂનની વાત તમે કાઢી.
સા.૪ : (સા.૩ તરફ જોઇને) જોયું સાહેબ? આને કહેવાય ગાંધીનગર-ગીરી.
સા.૧ : મેં તો સાહેબ એટલું જ કહ્યું કે મેં આવો કેસ જોયો નથી.
સા.૨ : જુઓ પણ કેવી રીતે સાહેબ? આ ગુજરાત છે ગુજરાત. એની પ્રશસ્તિ તમે વાંચી લાગતી નથી. વાંચી લેજો એક વાર એટલે ખબર પડશે કે જે અહીં છે તે ક્યાંય નથી.
સા.૧ : હું પણ ગુજરાતી જ છું સાહેબ. ગુજરાતને વખાણવા માટે એની ચાંપલી ભાટાઇઓ વાંચવાની મારે જરૂર નથી. તમે નહીં વાચ્યું હોય એટલું ગુજરાતી મેં વાંચ્યું છે, એટલી જગ્યાઓએ હું ફર્યો છું. પણ હું ગુજરાતની વાત નથી કરતો. હું તો સાહેબની વાત કરૂં છું.
સા.૪ : કેટલાં વર્ષ થયાં નોકરીમાં? હજુ તમને એ ખબર નથી પડી કે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ના જમાના જતા રહ્યા. અત્યારનું સૂત્ર છેઃ સાહેબ ઇઝ ગુજરાત/ સાહેબ જ ગુજરાત છે!
સા.૧ : થોડો થોડો ખ્યાલ હતો, પણ તમે ચોખવટ કરી આપી તે સારૂં થયું. મરવા દો. મારે શું? મારે તો નોકરીથી મતલબ છે.
સા.૩ : પણ નોકરી કરશો કોની? સાહેબની જ ને?
સા.૧ : કેમ? સચિવાલય કોઇના પિતાશ્રીની પેઢી છે? હું પ્રધાનોની નહીં, પ્રજાની નોકરી કરવા જીપીએસસીમાં બેઠો હતો.
સા.૨ : અરે ભગવાન, આમને કંઇક થઇ ગયું લાગે છે. કોઇ ડોક્ટરને બોલાવો...આમને કોઇ સમજાવો...આ સાહેબનું શું થશે...એમનાં બાળબચ્ચાં રખડી પડશે...
સા.૩ : ધીમેથી...કેબિનનો દરવાજો ખોલીને બહાર જોઇ લેવા દો. કોઇ સાંભળતું તો નથી ને. (જાય છે)
સા.૫ : (સા.૩ તરફ જોઇને) જોયું? એમ કરીને પોતે કેવા છટકી ગયા! હવે આ જ જઇને સાહેબને કહેશે કે કોણ શું બોલ્યું. આપણે બધા મરવાના, લખી રાખો તમે.
સા.૨ : (સા.૧ને, સહેજ કડકાઇથી) તમારે આવું બઘું બોલવા જેવું નહોતું. હું ઉપદેશ નથી આપતો. નિયમ સમજાવું છું. આપણે સરકારી કર્મચારી કહેવાઇએ. આપણાથી સરકારની સામે ન બોલાય. રૂલબુકમાં લખેલું છે.
સા.૧ : મારૂં પણ એ જ કહેવું છે સાહેબ. આપણાથી સરકારની સામે ન બોલાય, તો સરકારના ખોળામાં બેસી જવાય? સાહેબોની આરતીઓ ઉતારાય? એમના ગોરખધંધામાં સામેલ થવાય? આ બઘું કઇ રૂલબુકમાં લખ્યું છે?
સા.૨ : તમે મને રૂલ શીખવાડો છો?
સા.૧ : ના સાહેબ. તમને શીખવનાર હું કોણ? હું નથી સીબીઆઇ કે નથી હાઇકોર્ટ અને તમને તો એ બેની જ ભાષા સમજાતી હશે ને!

(સીબીઆઇના ઉલ્લેખથી બન્ને અધિકારીઓ બથ્થમબથ્થી પર આવી જાય છે, કેબિનનો દરવાજો ખોલી નાખવામાં આવે છે, બધા કર્મચારીઓ આવીને તેમને માંડ છૂટા પાડે છે, પણ સાહેબ નં.૨ સૂટ ખંખેરતાં ખંખરેતાં વિદાય લેતાં કહેતા જાય છે,‘ઘ્યાન રાખજો. ક્યાંક એન્કાઉન્ટર ન થઇ જાય! સાહેબો કાયમ જેલમાં રહેવાના નથી!’)

Wednesday, August 11, 2010

શરમ કેવી? આબરૂનો સવાલ છે

એક મહિના પછી યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનાં કૌભાંડોનો કરંડિયો ખુલી ગયો છે. તેમાં થયેલા મનાતા ભ્રષ્ટાચારનું પ્રમાણ જોતાં, ‘કરંડિયો’ કરતાં ‘કન્ટેઇનર’ શબ્દ વધારે યોગ્ય ગણાશે. ટેક્સીઓ ભાડે રાખવાથી માંડીને અનેક બાબતોમાં અઢળક ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે. આમ તો એ ફરિયાદ નવી નથી. સુરેશ કલમાડી સામે અગાઉ પણ આ મુદ્દે આંગળી ચીંધાઇ ચૂકી હતી. પણ રમતોની તારીખ નજીક આવે તેમ ગોટાળાની વઘુ ને વઘુ વિગતો પ્રકાશમાં આવી રહી છે.

ગમે તે થાય, કોમનવેલ્થ ગેમ્સના મુખ્ય વહીવટકર્તા સુરેશ કલમાડીની દાઢીનો વાળ પણ ફરકતો નથી. કમ સે કમ, એમનો પ્રયાસ તો એવું દેખાડવાનો જ છે. ‘હું બધી તપાસ કરાવવા તૈયાર છું.’ કે ‘હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું’ એવું કલમાડી જાણે ભારતવર્ષ પર મોટો ઉપકાર કરતા હોય એમ કહી રહ્યા છે. કોઇ પણ આરોપી ‘તપાસમાં સહકાર આપવા તૈયાર છું’ એવી ફિશીયારી મારે ત્યારે નાગરિક તરીકે તેમનો કાંઠલો પકડીને કહેવાનું મન થાય કે ‘સહકાર શાનો? સીધી રીતે કહી દો કે બધી બાજુ ફાંફાં મારી જોયાં, પણ એકેય બાજુથી છટકવાનો રસ્તો બચ્યો નથી. એટલે હવે, બીજી છટકબારી ન મળે ત્યાં સુધી, તમારી સામે ડાહ્યોડમરો થઇને ઉભો છું.’

ચોરની આબરૂ અંગે કોટવાળને ઠપકો?
પ્રસાર માઘ્યમોમાં બરાબર (કેટલાકના મતે વઘુ પડતા) ચગેલા આ પ્રકરણ વિશે સરકાર પક્ષે ઢાંકપિછોડો થઇ રહ્યો હોય, એવી સ્પષ્ટ છાપ ઉભી થાય છે. છતાં, કલમાડી એન્ડ કંપનીની નિગેહબાની તળે થયેલા બેફામ ભ્રષ્ટાચારને ગાલીચા તળે સંતાડવાનું સરકારી કારણ બહુ વિશિષ્ટ છે. એવું કહેવાય છે કે કોમનવેલ્થ ગેમ્સ નજીક આવી રહી છે ત્યારે આ બધી (કૌભાંડોની) ચર્ચા કરવાથી ‘ભારતની આબરૂ જશે’ અથવા ‘ભારતની પ્રતિષ્ઠાને બટ્ટો લાગશે’.

આ કારણ બેશરમીભર્યું ન હોત તો તેને હાસ્યાસ્પદ ગણવું પડત. કારણ કે ચોર કોટવાળને પ્રતિષ્ઠા અને આબરૂના મુદ્દે ઠપકો આપે એવી આ વાત થઇ. એ ખરૂં કે ‘કોમનવેલ્થ ગેમ્સ નિષ્ફળ જાય’ એવી મણિશંકર ઐયરની હાર્દિક ઇચ્છા નીચે આપણે સહી ન કરીએ. એ પણ ખરૂં કે રમતોત્સવની સફળતા ભગવાનભરોસે હોવાના ખેલ મંત્રી ગીલના નિવેદન સાથે સંમત થઇને એ વિના વિઘ્ને પાર પડી જાય એવો આશાવાદ સેવીએ. પરંતુ કોમનવેલ્થ ગેમ્સનાં કૌભાંડો ચર્ચતી વખતે દેશની આબરૂની આણ આપવામાં આવે ત્યારે રડવું કે હસવું એ સમજાતું નથી.

દેશની આબરૂ ઘૂળધાણી ક્યારે થાય? તેને બટ્ટો ક્યારે લાગે? દેશની પ્રતિષ્ઠાના સવાલ જેવી કોમનવેલ્થ ગેમ્સની તૈયારી નિમિત્તે વ્યાપક પ્રમાણમાં અને શરમજનક રીતે ભ્રષ્ટાચાર થાય તેનાથી? કે એ ભ્રષ્ટાચાર બહાર આવે, તેની ન્યાયી તપાસ થાય અને ગુનેગારોને સજા થાય તેનાથી?

ટીકામાં પ્રમાણભાન જળવાવું જોઇએ એ ખરૂં, પણ ભ્રષ્ટાચારીઓને ઠપકાર્યા વિના, ફક્ત ટીકા કરનારાને પ્રમાણભાનનો ઉપદેશ આપવો એ લુચ્ચાઇ છે. આવા મામલામાં ‘એક વાર પ્રસંગ રંગેચંગે પતી જવા દો. પછી આપણે ભ્રષ્ટાચારવાળા મામલાની તપાસ કરી લઇશું.’ એવું વલણ ‘વ્યવહારૂ’ હોઇ શકે, પણ નૈતિક કે ન્યાયી હરગીઝ નથી. તકલાદી યાદદાસ્ત ધરાવનાર લોકોના દેશમાં તો નહીં જ. આખા કૌભાંડના કેન્દ્રમાં રહેલા કલમાડી આ લખાય છે ત્યાં લગી મુછે લીંબુ લટકાવીને ફર્યા કરે અને ભ્રષ્ટાચારની ટીકા કરનારને ‘રાષ્ટ્રહિત’ના બોધપાઠ આપવામાં આવે, એટલી દેખીતી વક્રતા કેમ ચૂકાઇ જતી હશે?

ફરિયાદ કરતાં શરમ નથી આવતી?
ગુજરાતના એક ગામની વાત છે, પણ હકીકતે એ ગુજરાતના, બલ્કે ભારતના કોઇ પણ ગામની હોઇ શકે એવી છે. એટલે નામોલ્લેખ ઉપલબ્ધ હોવા છતાં એની જરૂર નથી.

એક દલિત મા-દીકરીની કેટલાક બિનદલિતોએ કોઇ નજીવા કારણસર મારઝૂડ કરી. મા-દીકરી જે ગામમાં રહેતાં હતાં, ત્યાં દલિતોનાં વીસ-પચીસ ઘર હતાં. પણ ભેદભાવ-અત્યાચાર સામે લડવાનો તો ઠીક, અવાજ ઉઠાવવાનો પણ ત્યાં રિવાજ નહીં. દલિત બહેનથી અન્યાય સહન ન થયો. એમણે ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી, પણ ઘણા બધાને થાય છે એવો અનુભવ એમને થયોઃ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ નહીં. તેમણે સંસ્થાના કાર્યકરોની મદદ લીધી. કાનૂની પ્રક્રિયા જાણતા કાર્યકરોએ સ્થાનિક પોલીસ સ્ટેશનને બદલે ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલમાં ફરિયાદ નોંધાવી.

પરંતુ ખરી કથા ત્યાર પછી શરૂ થઇ. ફરિયાદ નોંધાવનાર બહેન પર દબાણ આવ્યું કે ‘તમે ફરિયાદ નોંધાવી તેના કારણે ગામની પ્રતિષ્ઠા જોખમાઇ છે. ગામમાં રહેવું ને ગામની આબરૂ પર કીચડ ઉછાળતાં તમને શરમ ન આવી? તમારે બીજા કોઇ કારણસર નહીં તો ગામની આબરૂ બચાવવા માટે પણ ફરિયાદ પાછી ખેંચી લેવી જોઇએ અને માફી માગવી જોઇએ.’

આવું કહેવામાં ફક્ત બિનદલિતો જ નહીં, ‘વ્યવહારૂ’ દલિતો પણ સામેલ હતા. લડવાની હિંમત બતાવનાર બહેનના પડખે ઉભા રહેવાને બદલે, આત્મસન્માન વગરનું અને આભાસી સલામતી ધરાવતું જીવન જીવવાનું તેમને વધારે અનુકૂળ લાગતું હતું. અત્યાચાર કરનારા લોકોના શરણે થઇ જવામાં, વખત આવ્યે ‘તમારે કારણે અમે સલામત છીએ’ એવું કહેવામાં પણ તેમને ખચકાટ ન હતો.

દલિતોને કદી ‘ગામ’નો હિસ્સો ન ગણતા લોકોને ‘ગામ’ની આબરૂનો ખ્યાલ ત્યારે જ આવ્યો, જ્યારે બહેને તેમની જ્ઞાતિવાદી જોહુકમી પડકારી. ત્યાર પછી પણ આ શરમજનક ઘટનાના આરોપીઓને ઠપકો આપવાનું કે તેમને ગામની આબરૂની દુહાઇ આપવાનું કોઇને ન સૂઝ્યું. ગામની પ્રતિષ્ઠા જાળવવાની સઘળી જવાબદારી આવી પડી ફરિયાદી બહેનના માથે.

અગાઉ કહ્યું તેમ, આ વલણ કોઇ એકલદોકલ ગામ પૂરતું નથી. જ્ઞાતિ આધારિત ભેદભાવના મુદ્દે આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતની તમામ પક્ષોની સરકારનું વલણ આ જાતનું જ રહ્યું છે. ભારતમાં જ્ઞાતિપ્રથાની બોલબાલા કે ભેદભાવોની વિગત રજૂ કરવામાં આવે અને તેની સામે લડત માટે આંતરરાષ્ટ્રિય સહયોગની માગણી કરવામાં આવે, એટલે તરત ભારત સરકારના પ્રતિનિધિઓ કાગારોળ કરવા માંડે છે. તેમના કકળાટનો સૂર એક જ હોય છેઃ ‘તમે લોકો આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતની જ્ઞાતિપ્રથાની વાતો કરીને ભારતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડો છો.’ કેમ જાણે, જ્ઞાતિઆધારિત અત્યાચારો અને ભેદભાવોના અવિરત બનાવોથી ભારતની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય અને તેની સામે ફરિયાદ કરવાથી ભારતની આબરૂ ઘટી જવાની હોય.

હા, ભારતથી ઓસ્ટ્રેલિયામાં થતા રંગભેદી હુમલા વિશે બોલાય, દક્ષિણ આફ્રિકામાં કાળા-ગોરાના ભેદભાવ વિશે ગાંધીજીને યાદ કરીને સમાનતાના ઉપદેશ અપાય, પણ પોતાના દલિતોથી બહાર જઇને તેમની સાથે રખાતા ભેદભાવની વાત ન થાય. કારણ કે આપણા દેશની આબરૂનો સવાલ છે.

સડો કે સર્જરી?
ગયા અઠવાડિયે એક રાષ્ટ્રિય અખબારમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ભૂતપૂર્વ ડાયરેક્ટરે ગુજરાતના વર્તમાન પ્રવાહો વિશે લખ્યું હતું. તેમનો દેખાવ તટસ્થતાપૂર્વક વિગતો રજૂ કરવાનો હોય એવું લાગ્યું. ે લેખની શરૂઆતમાં પાંચ-છ ફકરા ભરીને તેમણે સોહરાબુદ્દીન કેટલો ખતરનાક ગુંડો અને ત્રાસવાદી હતો એ સાબીત કર્યું. આઇ.બી.ના ભૂતપૂર્વ વડા પુરતા આધાર-પુરાવા સાથે વિગતો આપતા હોય, ત્યારે તેમની વિગતો માનવી જોઇએ. માની પણ લીધી.

પરંતુ પછી લેખકે પાટો બદલ્યો અને વિગતો પરથી વિચારધારા પર આવી ગયા હોય એવું લાગ્યું. કારણ? તેમણે લખ્યું કે ‘અત્યારે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે તે ખતરનાક છે. તેનાથી લાંબા ગાળે એવી છાપ ઉભી થશે કે બધાં એન્કાઉન્ટર ફેક હોય છે. એવું થાય તો સરકારની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા થશે.’ સોરાબુદ્દીન સાથે સરકારી તંત્રની સાંઠગાંઠ અને સરકારી તંત્ર દ્વારા થયેલા મનાતા સોરાબુદ્દીનના ઉપયોગના આરોપ વિશે તેમને કંઇ જ કહેવાનું ન હતું.

જોવા જેવી વાત એ છે કે આઇબીના ભૂતપૂર્વ ડાયરેક્ટરની અને તેમનાથી સામા છેડાનો અભિપ્રાય ધરાવનારની ચિંતા એક સરખી જ છે ઃ બન્ને પક્ષો સરકારની વિશ્વસનીયતા અંગે ચિંતિત છે. મોટો ફરક હોય તો એટલો કે નિવૃત્ત ડાયરેક્ટર માટે ‘સરકારી વિશ્વસનીયતામાં ગાબડું’ એ ભવિષ્યની શક્યતા છે, જ્યારે બીજા ઘણા લોકો માટે તે ભૂતકાળની ઘટના છે.

ખુદ આઇબી ડાયરેક્ટરે પાંચ-સાત ફકરા ભરીને જેનું ખતરનાકપણું સિદ્ધ કરી આપ્યું હોય, એવો માણસ ગુજરાતના પોલીસતંત્ર કે સરકારી તંત્રના ટોચનાં માથાં સાથે, એમના માટે કામ કરતો હોય, એ આરોપ જ સરકારની વિશ્વસનીયતા સામે મોટો પ્રશ્નાર્થ ઉભો નથી કરતો? એન્કાઉન્ટર કે ફેક એન્કાઉન્ટરનો મુદ્દો તો બહુ પછી આવે છે, પણ વર્દીધારીઓ અને ગુંડાઓ મળીને ખંડણી ઉઘરાવતા હોય, એવા આરોપમાંથી સાફ બહાર આવવું અથવા સડાનો સ્વીકાર કરીને સડેલો ભાગ દૂર કરવો, એ સરકારી વિશ્વસનીયતા માટે વધારે જરૂરી નથી? પરંતુ પક્ષીય વફાદારી કે વ્યક્તિગત ભક્તિભાવના ડાબલા ચડાવેલા હોય ત્યારે આવો દેખીતો પ્રશ્નાર્થ પણ ચૂકી જવાય છે અને તેને બદલે એવા સવાલો ઉદ્ભવે છે કે ‘અત્યારે જે કંઇ થઇ રહ્યું છે તેનાથી ગુજરાતની પ્રતિષ્ઠા જોખમાય છે અથવા આ તો ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં છે.’

ગુજરાતના નાગરિકોને એટલું જ વિચારવાનું છે કે ‘ગુજરાત’ એટલે શું? અને તેની પ્રતિષ્ઠા એટલે શું? ગુજરાત કોઇ વ્યક્તિનું નામ નથી. તેની પ્રતિષ્ઠા કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી નથી કે રાજ્યાશ્રયની મોહતાજ પણ નથી. ગુજરાતની ભૂતકાલીન પ્રતિષ્ઠા તેની સંસ્કૃતિમાં છે, જેની પર કોઇ પક્ષ કે વિચારધારાનો ઇજારો નથી. એ ગુજરાતના તમામ નાગરિકોની સહિયારી માલિકીની છે. બાકી રહી વાત અત્યારની પ્રતિષ્ઠાની. તે શાસક પક્ષ કે વિરોધી પક્ષના નેતાઓના હાથમાં નહીં, ખુદ ગુજરાતના નાગરિકોના હાથમાં છે.

નક્કી નાગરિકોએ કરવાનું છે: સડાની તપાસ કરાવીને તેનું અસ્તિત્ત્વ સાબીત થાય તો સર્જરી થવા દેવી છે? કે આગળ ટાંકેલા બનાવોની જેમ, સડાને ‘આબરૂ’ ગણીને છાતીએ ચાંપેલો રાખવો છે?

Wednesday, August 04, 2010

જૂના શબ્દો, નવા અર્થ : શેતાની શબ્દકોશ

અંગ્રેજીમાં ‘ડેવિલ્સ ડિક્શનેરી’ તરીકે ઓળખાતા એક પ્રકારમાં શબ્દોના કેવળ પુસ્તકીયા કે ઐતિહાસિક જ નહીં, વાસ્તવિક-વર્તમાન અર્થ પણ આપવામાં આવે છે. ગુજરાતમાં ગાંધીજીએ માથે રહીને ‘સાર્થ જોડણીકોશ’ તૈયાર કરાવ્યો હતો. ગુજરાત સરકારે ગાંધીજીની ઉજ્જવળ પરંપરા આગળ ધપાવી છે. ભાષાપ્રેમીઓ ધારે તો વર્તમાન સરકાર સાથે મળીને નવા અર્થો ધરાવતો નવો શબ્દકોશ તૈયાર કરી શકે છે. વિરોધી તત્ત્વો-કોંગ્રેસીઓ-ડાબેરીઓ-સ્યુડોસેક્યુલારિસ્ટો-દેશદ્રોહીઓ વગેરેનું મોઢું પહેલેથી જ તોડી લેવા માટે, નવા શબ્દકોશનું નામ ‘શેતાની શબ્દકોશ’ રાખવું જોઇએ. તેમાં શબ્દોના નવા બદલાયેલા અર્થ આપી શકાય. (જેમ કે ‘શેતાની’ એટલે જીનીયસ, બુદ્ધિશાળી, ચતુર, આવડત ધરાવતું...)

ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે સાબરમતી જેલમાં એક કાર્યક્રમ યોજીને ‘શેતાની શબ્દકોશ’નું લોકાર્પણ થઇ શકે. સાબરમતી જેલમાં કાર્યક્રમ યોજવાનું એક કારણ એ પણ ખરૂં કે ‘સર્જક સાથે સાંજ’ પ્રકારનો કાર્યક્રમ અલગથી ગોઠવવો ન પડે. ‘શેતાની શબ્દકોશ’ તૈયાર થઇ જાય અને ‘વાંચે ગુજરાત’ અંતર્ગત તેને તરતો મૂકવામાં આવે ત્યારે ખરો, પણ તેમાં સ્થાન પામે એવા ઘણા શબ્દો અને તેના અર્થ અત્યારથી તરતા થઇ ગયા છે. કારણ? (વાંચતાં પહેલાં) સાંભળે છે ગુજરાત અને જુએ છે ગુજરાત.સાર્થ જોડણીકોશ માટેનો જશ જેમ મહાત્મા ગાંધીને આપવામાં આવે છે, એવું ‘શેતાની શબ્દકોશ’ના કિસ્સામાં થઇ શકે? ગુજરાતમાં જે કંઇ બને છે- ખાસ કરીને સારૂં બને છે- તેના ‘ડીફોલ્ટ પ્રેરકપુરૂષ’ને આ કાર્યનો યશ આપવામાં કોઇ હરકત નથી.

ગુજરાતી ભાષાની આવતી કાલની ચિંતા આજે કરનારા અને આજની ચિંતા ગઇ કાલે છોડી ચૂકેલા સૌને માટે આ રહ્યા કેટલાક કાચીંડાછાપ શબ્દો, જે વાતાવરણ જોઇને રંગ બદલે છે અને શેતાની શબ્દકોશને સમૃદ્ધ કરે છે. અસહકારઃ આઝાદી પહેલાં અસહકારનું આંદોલન કરનારને જેલ થતી હતી અને તે મોટા માણસ ગણાતા હતા. હવે આખો ક્રમ ઉલટાઇ ગયો છે. મોટા માણસ જેલમાં જાય છે અને જેલમાં જઇને અસહકારનું આંદોલન કરે છે. ભક્તહૃદયી લોકો તેમની સરખામણી આઝાદી પહેલાંની જેલોમાં ભૂખહડતાળો કરનારા ક્રાંતિકારીઓ સાથે તેમની સરખામણી કરી શકે. જોકે, ‘ખાવાની’ બાબતમાં અત્યારના મોટા માણસો અસહકાર કરે એવા નથી. કારણ કે આખી મોંકાણ જ ખાવામાંથી ઉભી થયેલી હોય છે.

ખાવું: અસલના જમાનામાં ખાય અને ખાવા દે એવા માણસો મહાન ગણાતા હતા. સમૃદ્ધ માણસો માટે ‘ખાધેપીધે સુખી’ એવો શબ્દપ્રયોગ થતો હતો. પરંતુ કળીયુગમાં માણસનો ખોરાક ઘટ્યો ને ભૂખ વધી. પરિણામે ન ખાય, ન ખાવા દે એવા માણસો સારા ગણાવા લાગ્યા. કેટલાકને લાગ્યું કે આ તો ગાંધીજી કરતાં પણ ચડિયાતા કહેવાય. કારણ કે ગાંધીજી તો ફક્ત ન ખાવાના-ઉપવાસના સ્પેશ્યાલિસ્ટ હતા. સામેવાળાને ન ખાવા દેવા અંગે તેમનો કોઇ દાવો ન હતો.

ભૂખ પહેલાં વધી ને પછી વકરી. કોઇને ઉધઇની જેમ (રિઝર્વ બેન્કે છાપેલાં) કાગળીયાંની ભૂખ ઉપડી, તો કોઇને કીડામંકોડાની જેમ જમીનની ભૂખ ઉઘડી. કોઇ મધમાખીની જેમ મધની આસપાસ ગણગણવા વાગ્યા તો કોઇ માખીની જેમ ગંદકીની આજુબાજુ બણબણવા લાગ્યા. ખાવાનું જાણે ખાવાનું મટી ગયું અને એક ફુલટાઇમ ૨૪ કલાક-૩૬૫ દિવસની પ્રવૃત્તિ બની ગયું.

‘વી’ ફોર વિક્ટરીઃ ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો બે આંગળી વડે ‘વી’ ફોર વિક્ટરી (વિજય)ની સંજ્ઞા બતાવે એ વાત કૌરવો-પાંડવોના જમાનાની હોય એવી લાગે છે. ટ્વીટર-ફેસબુક યુગમાં જેલમાં જતા મહાનુભાવો પોતાના ચાહક સમુદાય સમક્ષ ‘વી’ની નિશાની બતાવે છે અને ‘વી’ ફોર ‘વિક્ટિમ’ (શિકાર) તરીકે સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે છે.

કાયદો અને વ્યવસ્થાઃ બ્રિટિશરાજના ઘણાબધા કાયદા જ નહીં, કેટલાક શબ્દો પણ હજુ આપણો પીછો છોડતા નથી. ગુલામીકાળનું માનસ ધરાવતા લોકો માને છે કે કાયદો અને વ્યવસ્થા એટલે સરકારી તંત્ર અને તેની દેખરેખ નીચે બાકીનાં તંત્રો તથા પ્રજાજીવન સુખરૂપ ચાલવાં જોઇએ. કાયદો-વ્યવસ્થાની નવી વ્યાખ્યા પ્રમાણે મોટાં રમખાણો, પોલીસ અધિકારીઓ દ્વારા ઉઘરાવાતી ખંડણી, તેમના દ્વારા લેવાતી સોપારી, તેમની પર થતા બળાત્કારના આરોપ...આ બઘું કાયદો-વ્યવસ્થાનો નહીં, પણ સરકારનો આંતરિક મામલો છે. તેની સાથે આમજનતાને કશી લેવાદેવા ન હોવી જોઇએ. પ્રજા સરકારની નહીં, પણ સરકાર પ્રજાની ચિંતા કરવા માટે છે. એટલે પ્રજાએ ફક્ત એટલું જ જોવાનું કે બધા તહેવારો બરાબર ઉજવાયા? એકેય વાર કરફ્યુ નંખાયો? પોલીસં હજુ સુધી તમારી પાસે ખંડણી માગી? તમારી સોપારી લીધી? ના? તો પછી કાયદો-વ્યવસ્થાની બૂમો પાડવાની ક્યાં જરૂર છે? કાયદો-વ્યવસ્થાની અભૂતપૂર્વ સ્થિતિ ધરાવતા ગુજરાતમાં આપનું સ્વાગત છે.

ટોર્ચરઃ અત્યાર સુધી આરોપી પાસેથી માહિતી કઢાવવા માટે તેને ઇલેક્ટ્રિક કરન્ટ આપવાની, ઊંધા લટકાવવાની કે ઊંઘવા ન દેવાની પદ્ધતિઓ ‘ટોર્ચર’માં સ્થાન પામતી હતી. પરંતુ ભૂલકણા આરોપીઓ સાથે પનારો પડ્યા પછી ટોર્ચરની વ્યાખ્યા બદલાઇ શકે છે. જેટલી વાર આરોપી ‘મને યાદ નથી’ એવો જવાબ આપે એટલી વાર તેને શંખપુષ્પી જેવાં ઔષધ કે અખરોટ-બદામ જેવાં યાદશક્તિવર્ધક મનાતા સૂકા મેવા પરાણે ખવડાવવામાં આવે તો અખરોટ-બદામ ને શંખપુષ્પીની શીશી પણ ટોર્ચરનાં સાધન ગણાય.

વિડીયો રેકોર્ડિંગ: વીસમી સદીમાં વિડીયો શૂટિંગ એટલે ‘લગ્ન તેમ જ શુભ પ્રસંગો માટે’ વિડીયો શૂટિંગ કરનારા યાદ આવતા હતા, પણ નવા યુગમાં વિડીયો રેકોર્ડિંગની વાત થાય એટલે હાઇ પ્રોફાઇલ આરોપી સામે ચાર-છ તપાસ અધિકારીઓ જુદી જુદી મુદ્રામાં બેઠા હોય અને બે બાજુથી વિડીયો કેમેરા દ્વારા રેકોર્ડિંગ ચાલતું હોય એવાં દૃશ્ય મનમાં સર્જાય છે. આ વિડીયો રેકોર્ડિંગમાં અશુભ પ્રસંગના ઓર્ડર પર પૂરતું ઘ્યાન આપવામાં આવે છે અને સ્પેશ્યલ ઇફેક્ટ્સની જરૂર રહેતી નથી.

ખંડણી: ગુંડાઓ વેપારીઓ પાસેથી કે બીજા લોકો પાસેથી ધાકધમકીથી જે નાણાં ઉઘરાવે એ તો લૂંટ કહેવાય. ખંડણી સાથે જવાબદારીનું તત્ત્વ ભળેલું છે. ખંડણી ઉઘરાવનાર સામા પક્ષને એવી નૈતિક બાંહેધરી આપે છે કે જ્યાં લગી મને ફરી ખંડણી લેવાનું મન નહીં થાય, ત્યાં લગી હું તમને ખાલીપીલી હાથ નહીં અડાડું. પ્રોમિસ.’ પરંતુ આ જ કામ પોલીસ કરે ત્યારે સોનામાં સુગંધ ભળવી જોઇએ. કારણ કે આમ કરીને પોલીસ પોતે પોતાના સંયમિત વર્તનની ખાતરી આપે છે.

ખરેખર તો પોલીસ દ્વારા ઉઘરાવાતી ખંડણી માટે ‘સંયમ-કર’ કે ‘અહિંસાવેરો’ જેવો કોઇ શબ્દ પ્રયોજાવો જોઇએ. અકારણ હિંસા ન કરવાના બદલામાં પોલીસ વેરો વસૂલે તો કલ્યાણરાજ્ય અને રામરાજ્યની સ્થાપના માટે નાગરિકો આટલું બલિદાન આપી ન શકે? લાખો કરોડોનાં રોકાણ ધરાવતા ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યના નાગરિકો જરાઅમથી રકમો માટે કેસો કરે ને બધાને પકડાવે એ ગુજરાતને શોભે છે? શું આપણે ગાંધીજીને આટલી હદે ભૂલી ગયા કે ‘અહિંસા’ તો ઠીક, ‘અહિંસાવેરો’ પણ આપણને અકારો લાગે?

મોરલ: અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશોમાં આ અંગ્રેજી શબ્દના પર્યાય તરીકે નીતિમત્તા કે નૈતિકતા જેવા શબ્દો વાંચવા મળશે. પણ નવા પ્રસ્તાવિત શબ્દકોશમાં એ શબ્દોનો સ્વતંત્ર ગુજરાતી શબ્દો તરીકે સમાવેશ કરવાનું ગુજરાતના હિતમાં નથી. તેમને શબ્દકોશમાં સામેલ કરવાનું કહેનારા ગુજરાતના હિતશત્રુઓ અને ગુજરાતના વિરોધીઓ છે, જે દુનિયા સમક્ષ ગુજરાતને બદનામ કરવા અને તેને નીચું દેખાડવા ઇચ્છે છે