Showing posts with label cow. Show all posts

Monday, June 19, 2017
ગૌરક્ષા, ધર્મ અને સાવરકર
ધર્મનો મામલો પેચીદો છે. કોનો 'ધર્મ' ક્યારે ભ્રષ્ટ થાય તે નક્કી કરવું અઘરું છે. 1857 પહેલાં અંગ્રેજોની ગુલામી કરતા અને તેમના વતી લડતા હિંદુ-મુસ્લિમ સૈન્યનો ધર્મ ભ્રષ્ટ થતો ન હતો. બલ્કે, અંગ્રેજ ફોજમાં નોકરી કરવી એ મોભાદાર રોજગારી ગણાતી હતી--ભલે તેમાં દેશી રાજાઓ સામે લડવાનું થાય અને 'દેશના’ લોકોની ગુલામી મજબૂત બનાવવાની થાય. એ વખતે રાજકીય એકમ તરીકે 'ભારત મારો દેશ છે'નો ખ્યાલ ન હતો. એટલે 'દેશભાવના' પણ સ્થાનિક-પ્રાદેશિક સ્તરે હોય.
વફાદારી, દેશભક્તિ અને ગદ્દારી જેવા ખ્યાલ ત્યારે દેશને નહીં, દરેક રજવાડાંને લાગુ પડતા હતા. આજે જેને ભારત કહીએ છીએ તેની પર અંગ્રેજોની ગુલામી કોણે દૃઢ કરી? એ સવાલ વિશે વિચારતાં જણાશે કે ત્યારે હિંદુ-મુસલમાનો 'ભાઇ-ભાઈ’ ન હતા, તો એકબીજા સામે પહેલી તકે લડવા આતુર પણ ન હતા. ધર્મોના જુદાપણા છતાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વનો પાઠ તે સદીઓ થયે શીખ્યા હતા હતા ને તેમાં ખાસ્સા આગળ પણ વધ્યા હતા. અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ ઉપરાંત 'માર્શલ રેસ' (લડાયક જાતિઓ) ગણાતા રજપૂત-શીખ-ગુરખા-મરાઠા વગેરેના રાજાઓને પણ તાબે કર્યા. ત્યાર પછી, ગાયને પવિત્ર ગણતા હિંદુ સૈનિકોએ અંગ્રેજોનાં કેન્ટોન્ટમેન્ટમાં છૂટથી રંધાતા ગોમાંસ સામે વાંધો ઉઠાવ્યો હોય, એવું જાણવામાં આવ્યું નથી.
ગુલામીમાં આવા વાંધા પડાય પણ શી રીતે? અને 'ગોમાંસભક્ષક' અંગ્રેજોને ખાનગીમાં અપવિત્ર-ભ્રષ્ટ ગણી નાખીએ એટલે મનના કચવાટનો મોક્ષ થઈ જાય. ગોરક્ષાના પ્રખર હિમાયતી ગાંધીજીએ મુસ્લિમોનેે ગોહત્યા માટે મુખ્ય જવાબદાર ગણીને તેમને પ્રેમથી જીતવાની વાત કરી હતી, પણ અંગ્રેજોએ ગોહત્યા ન કરવી જોઇએ અને તેમને ગોહત્યાના મામલે પ્રેમથી રોકવા જોઇએ, એવું ગાંધીજીએ કે ગૌહત્યાના મુદ્દે તીવ્ર વાંધો અનુભવતા કોઈ નેતાએ કહ્યું હોય, તો જાણવામાં આવ્યું નથી.
આવું કેમ? ગાય માત્રને બચાવવાની હોય તો, તેમાં અંગ્રેજો અને મુસ્લિમોનો ભેદ શા માટે? તેની વાત કરતાં પહેલાં, હિંદુ્ત્વના રાજકારણના એક જનક, પૂર્વાશ્રમના સ્વાતંત્ર્ય સેનાની વિનાયક સાવરકરના ગોરક્ષા વિશેના વિચાર જાણવા જેવા છે. ગાંધીહત્યાના કાવતરાના એક આરોપી (અને તેમાંથી નિર્દોષ છૂટેલા) સાવરકરે ગોરક્ષા અને ગોહત્યાની બાબતમાં વાસ્તવને નજર સામે રાખીને તેમના વિચાર મૂક્યા હતા. તેમણે ગાયને ઉપયોગી પ્રાણી ગણીને તેને કુટુંબના સભ્ય જેવો દરજ્જો આપવાની વાત કરી. તેમણે કહ્યું કે ગાયનું રક્ષણ અને તેની જાળવણીને આપણી વ્યક્તિગત તેમ જ કૌટુંબિક ફરજ, તથા હિંદુસ્તાનના મામલે તો રાષ્ટ્રીય ફરજ છે. સાવરકરે આ લાગણીને ફક્ત ગાય માટે જ નહીં, બધાં પ્રાણીઓ માટે લાગુ પાડી અને પ્રાણીમાત્ર પ્રત્યે દયાને તેમણે હિંદુ ધર્મના કરુણાના ભાવ સાથે સુસંગત ગણાવી હતી.
સાથોસાથ તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે 'ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ અને વડ-પીપળા જેવા વૃક્ષો માણસને ઉપયોગી હોવાથી આપણે તેમને એ હદે ચાહીએ છીએ કે તેમને પૂજનીય ગણીએ છીએ, તેમના રક્ષણ, સંવર્ધન અને સુખાકારીને આપણી ફરજ ગણીએ છીએ અને ફક્ત એ અર્થમાં જ તે આપણો ધર્મ છે. તેથી એ સ્પષ્ટ ન હોવું જોઇએ કે ચોક્કસ સંજોગોમાં તે માણસ માટે મુસીબતરૂપ બને ત્યારે તે રક્ષણને પાત્ર મટી જાય છે અને માણસના કે રાષ્ટ્રના હિતમાં તેમનો નાશ કરવો એ પણ માણસનો કે રાષ્ટ્રનો ધર્મ બને છે?’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-2, પૃ.678. savarkar.org)
ગૌરક્ષાના નામે શાંતિ જોખમાવતા અને ઉત્પાત મચાવતા લોકો માટે સાવરકરે હજુ વધારે સ્પષ્ટતાથી કહ્યું હતું,’જ્યારે માણસનું હિત સધાતું ન હોય અને હકીકતમાં તેને નુકસાન થઈ રહ્યું હોય અથવ માનવતા માટે શરમજનક સ્થિતિ પેદા થતી હોય, ત્યારે પોતાના પગ પર કુહાડો મારનારી (સેલ્ફ ડીફીટિંગ) અંતિમવાદી ગોરક્ષા છોડી દેવી જોઇએ.’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-3, પૃ.341. savarkar.org) તેમણે એટલી હદે કહ્યું હતું કે 'કોઈ પણ ચીજ માણસને ગુણકારી હોય ત્યાં લગી તેને ખાઈ શકાય. તેમાં ધાર્મિક ગુણોનું આરોપણ કરવાથી તેને ભગવાનનો દરજ્જો મળી જાય છે. આવી અંંધશ્રદ્ધાળુ માનસિકતા રાષ્ટ્રની બૌદ્ધિકતાને નષ્ટ કરે છે.’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-2, પૃ.559. savarkar.org)
સાવરકરે બિનહિંદુઓ દ્વારા થતી ગોહત્યાને અનિષ્ટ ગણાવી હતી. પરંતુ તેમણે ઘણી જગ્યાએ ફક્ત ગાયને બદલે ગાય-ભેંસ જેવાં ઉપયોગી પ્રાણીઓની એકસાથે વાત કરી હતી. તેમનું એ વલણ બુદ્ધિગમ્ય હતું. કદાચ એટલે જ અત્યારે સાવરકરના આ પ્રકારના વિચારો અભરાઈ પર ચડાવી દેવાયા છે. રાજકારણીઓ માટે ગાય એ હિંદુ-મુસ્લિમ દ્વેષના રાજકારણનો સદી જૂનો સગવડીયો મુદ્દો છે. તેના નામે લોકોને સો વર્ષ પહેલાં પણ ઉશ્કેરી શકાતા હતા અને હજુ પણ, ગોરક્ષાના નામે લોકોના મનમાં રહેલો પૂર્વગ્રહ છંછેડીને તેમની લાગણી (અને સરવાળે મત) જીતવાના સફળ પ્રયાસ થયા કરે છે.
એક કાર્ટૂનિસ્ટે આબાદ દર્શાવ્યું હતું તેમ, વર્તમાન એનડીએ સરકારે શરૂઆત કરી ત્યારે તેનો લોગો (પ્રતિકચિન્હ) 'મેક ઇન ઇન્ડિયા'નો વાઘ હતો, પણ ત્રણ વર્ષમાં એ વાઘ ક્રમે ક્રમે ગાયમાં ફેરવાઈ ગયો છે. ગોરક્ષાના નામે આકરા કાયદા, ગોહત્યારાઓને ફાંસીએ ચઢાવવાની માગણી, મહાન ગોરક્ષક તરીકે રજૂ થવાના ધમપછાડા, ગોરક્ષાના નામે માણસોની હત્યા કે બેફામ ગુંડાગીરી પ્રત્યે આંખ આડા કાન.. અને આ બધું 1890માં નહીં, 2017માં ચાલી રહ્યું છે-- અને ટકી રહેવા માટે. બીજાના ટેકા પર નિર્ભર, નબળી મોરચા સરકાર દ્વારા નહીં, પણ બહુમતી ધરાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા એ ખેલ ખેલાઈ રહ્યા છે.
એનડીએની સૌથી મોટી તાકાત હોય તો એ કોંગ્રેસ જેવો વિરોધ પક્ષ છે. કેરળમાં કોંગ્રેસી કાર્યકર દ્વારા થયેલો ગૌહત્યાનો વિવાદ જાણે ભાજપના લાભાર્થે કરાયો હોય એવો હતો. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષને એ કૃત્ય સાથે કશો સંબંધ નથી, એવો ખુલાસો કરીને નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરી. પરંતુ ગોહત્યા હોય કે આક્રમક હિંદુત્વને લગતા બીજા વિવાદાસ્પદ મુદ્દા, કોંગ્રેસ એ મુદ્દે સ્પષ્ટ વલણને બદલે અંધારામાં રસ્તો શોધવા ફાંફાં મારતી હોય એવી જ લાગે છે. બીજી તરફ, ગુજરાત ભાજપે ગાયના નામે ચરી ખાવાના પ્રયાસોના ભાગરૂપે ગાય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં બૅનર લગાડ્યાં. હેતુ એટલો જ કે લોકો શિક્ષણ-આરોગ્ય-રોજગારી જેવા સળગતા અને લોકોને સીધા સ્પર્શતા મુદ્દા ભૂલીને ગાયના પૂંછડે ઝૂલવા લાગે. એક બાજુ શક્ય એટલા કોંગ્રેસીઓને ભાજપમાં ખેંચવા પ્રયત્નશીલ અને બીજા બાજુ કોંગ્રેસને ગાયના હત્યારા પક્ષ તરીકે રજૂ કરવાના કારસા--આવી ઉઘાડી બેશરમી પછી પણ તેમની શ્રદ્ધા એટલી જ છે કે ગાય દ્વારા ઘણા લોકોને કાયમ માટે મૂરખ બનાવી શકાશે. આપણી મૂર્ખામી વિશેની તેમની શ્રદ્ધા સાચી પાડવી કે નહીં, તે આપણે નક્કી કરવાનું છે.

Labels:
communal violence,
cow,
history/ઇતિહાસ,
savarkar
Wednesday, April 12, 2017
નવું રાજકારણઃ ભૂતકાળ એ જ ભવિષ્યકાળ?
'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ'—આ નામ હતું 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના વિખ્યાત કટારલેખક થોમસ ફ્રીડમેનના પુસ્તકનું. 2005માં તે આવ્યું ત્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ક્ષેત્રમાં ભારતનો સિતારો બુલંદીએ પહોંચ્યો હતો. ફેસબુક, ગુગલ, ટ્વિટર જેવી તોતિંગ અને મૌલિક વિચાર ધરાવતી અનેક કંપનીઓ ભારતમાં ન સર્જાઈ, પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસીસ, વિપ્રો જેવી સોફ્ટવેરનું કામ કરતી ભારતીય કંપનીઓ અમેરિકામાં પહોંચી, ત્યાંથી તગડા કોન્ટ્રાક્ટ મેળવવા લાગી અને આઇ.ટી. ઉદ્યોગમાં ભારતની સફળતાની ગાથાના પ્રતિક જેવી બની. ઇન્ફર્મેશન ટેકનોલોજીના પ્રતાપે ભૌગોલિક અંતર ગૌણ બની ગયાં, એ સ્થિતિને વર્ણવવા માટે ફ્રીડમેન સાથેની વાતચીતમાં નંદન નીલેકેનીએ 'વર્લ્ડ ઇઝ ફ્લેટ' એવો પ્રયોગ કર્યો હતો. (દુનિયા જાણે ગોળ નહીં, સપાટ થઈ ગઈ અને બધા માટે સરખી તક, લેવલ પ્લેઇંગ ફિલ્ડ, ઊભું થયું.)
એ વાતના એક દાયકા પછી, અમેરિકામાં ટ્રમ્પની જીત સહિતના વૈશ્વિક પ્રવાહો જોતાં લાગે છે કે દુનિયા ફરી ભૌગોલિક વાડાબંધીની દિશામાં આગળ વધી રહી છે--પેલો શબ્દપ્રયોગ ઉલટાવીને કહેવું હોય તો, તે ફરી ગોળ બની રહી છે. અમેરિકાના પ્રમુખ અને તેમના ટેકેદારસમુહમાંથી ઘણાને વૈશ્વિકીકરણ અકારું લાગે છે. કારણ કે (તેમના મતે) ભારતીય સહિતના બીજા લોકો અમેરિકામાં આવે છે અને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવે છે. આવું 'ફ્લેટ' વિશ્વ તેમને ખપતું નથી. મેક્સિકો-અમેરિકાની સરહદે કરોડો ડોલરના ખર્ચે ઊંચી દીવાલ બાંધવાનો તઘલઘી તુક્કો આપનાર ટ્રમ્પને તે પ્રમુખપદે ચૂંટી શકે છે. એ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ત્રાસવાદના પ્રતિકારના નામે અને અમેરિકનોની નોકરીઓ બચાવવાના નામે, દરવાજા ભીડી રહ્યા છે.
કેટલાક ઇતિહાસકારો અને આઇ.ટી.ક્ષેત્રના અભ્યાસીઓ માને છે કે અમેરિકનોની નોકરીઓ છીનવવામાં અને તેમની બેકારી વધારવામાં પરદેશથી આવતા લોકો કરતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી અનેક ગણી વધારે ભારે પડવાની છે. આવું માનનારા નિષ્ણાતોમાં ઇઝરાઇલના અભ્યાસી પ્રોફેસર હરારી/ Prof.Harari નો પણ સમાવેશ થાય છે. 'સેપિઅન્સ'/ Sapiens નામના પુસ્તકમાં માનવજાતનો ૭૦ હજાર વર્ષનો ઇતિહાસ થોડા સો પાનાંમાં લખનાર અને ત્યાર પછીના 'હોમો ડેઅસ'/ Homo Deus પુસ્તકમાં આગામી સો વર્ષનો ચિતાર આપનાર પ્રો. હરારી માને છે કે દુનિયાભરમાં રાજકીય નેતાગીરી પાસે ભવિષ્યનું કોઈ મોડેલ નથી. ભવિષ્ય માટે તેમનો એક જ નારો છેઃ ચાલો, ભૂતકાળમાં હતા તેવા બની જઇએ.
ટ્રમ્પનું પ્રચારસૂત્ર હતું, 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’ રશિયાના વડા પુતિનના મનમાં રશિયાના સદીઓ જૂના ભૂતકાલીન ગૌરવનું છે-- અને પ્રો. હરારીને એ તો ખબર પણ નથી કે ભારતમાં ગોરક્ષાના રાજકારણની કેવી બોલબાલા છે અને જેના મોડેલ દેશવિદેશમાં ચર્ચા છે, તે ગુજરાતના મુખ્ય મંત્રી મંચ પર વાછરડાને હાર પહેરાવે છે. ગરજે કોને શું કહેવું પડે, તેની કહેવતો બદલવાનો સમય ભારતમાં આવી ગયો છે. ભારતના વડાપ્રધાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરનારા છે. પરંતુ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક માનસિકતા બન્ને જુદી જણસો છે. એટલે જ, સ્ટાર્ટ અપ ને સ્માર્ટ સિટી ને મેક ઇન ઇન્ડિયાના પ્રચારની વચ્ચે ગોરક્ષાના નામે ગુંડાગીરી માથું ઉંચકી રહી છે-શીંગડાં ઉલાળી રરહી છે.
ખેડૂત કે પશુપાલક પોતાની ગાયને કે ગોવંશને કે બધાં દૂધાળાં ઢોરને પ્રેમ કરતો જ હોય છે. તેના માટે એને હિંદુ સંસ્કૃતિનાં ઠેકેદાર બની બેઠેલાં સંગઠનોના પ્રચારની જરૂર પડતી નથી. પરંતુ છેલ્લા થોડા વખતથી ઉભરાઈ રહેલા ગોરક્ષાના ઉત્સાહ અને ગોહત્યાના વિરોધમાં ગોપ્રેમ નહીં, ગાયના નામે ચાલતું રાજકારણ દેખાય છે. આ રાજકારણના ઘટકો છેઃ મુસ્લિમવિરોધ, (તક મળ્યે) દલિતવિરોધ અને પ્રાચીન ભારતના ગૌરવના નામે સનાતન ધર્મની સ્થાપનાનો મુગ્ધ ઝનૂની ઉત્સાહ. ટૂંકમાં, મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન.
પ્રાચીન કાળમાં અમારી ભૂમિ બહુ મહાન હતી, એવી માન્યતા ફક્ત ભારતીયો જ નહીં, અમેરિકનો સહિત બીજા લોકો પણ ધરાવતા હોય છે. આ માન્યતા ભ્રમ નથી, એવું સિદ્ધ કરવા માટે તેમની પાસે નક્કર પુરાવા પણ હોય છે. ભારતની વાત કરીએ તો, સુશ્રુત-ચરક કે આર્યભટ્ટ-બ્રહ્મગુપ્ત-ભાસ્કર જેવા અનેક વિદ્વાનોએ પોતપોતાનાં ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું હતું. અમેરિકનોને બીજા વિશ્વયુદ્ધ પછી ઉભી થયેલી અમેરિકાની સુપરપાવર તરીકેની છબી અને તાકાતનું ખેંચાણ હોઈ શકે છે.
પરંતુ ભૂતકાળનો મહિમા કરવામાં વાત હંમેશાં આટલી સીધીસાદી હોતી નથી. અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત સાચી, પણ કયા સમયગાળા જેવું ગ્રેટ? સ્થાનિક આદિવાસીઓને ધોળા લોકોના આગમન પહેલાંનું અમેરિકા ગ્રેટ લાગી શકે, ધોળાપણાનું અભિમાન ધરાવનારા લોકોને ચામડીનો રંગ તેમના ચઢિયાતાપણાનું પ્રતીક હતો અને કાળા લોકો સાથે તે મનમાન્યો વ્યવહાર કરી શકતા હતા, એ સમય ગ્રેટ લાગી શકે. કાળા લોકોમાંથી ઘણાને લાગી શકે કે અમેરિકા તેમના માટે તો હજુ પહેલી વાર ગ્રેટ બનવાનું જ બાકી છે. એટલે ફરીથી ગ્રેટ બનાવવાની વાત અપ્રસ્તુત છે.
એટલે પાયાનો સવાલ ઊભો રહે છેઃ ભૂતકાળમાં ક્યાં સુધી પાછા જવું? ભારતમાં ગોરક્ષાના નામે ઉશ્કેરણીનું રાજકારણ આચરતા લોકો ધર્મ ને સંસ્કૃતિના ઓઠા તળે આ બધું કરે છે. પરંતુ ધર્મ અને સંસ્કૃતિની તેમની કટ ઓફ લાઇન કઈ? કયા સમયનો ધર્મ-કયા સમયની સંસ્કૃતિ તેમને શ્રેષ્ઠ લાગે છે? સનાતન ધર્મમાં પાછળ ને પાછળ જતાં બ્રાહ્મણો ગોમાંસભક્ષણ કરતા હોવાના આધારભૂત ઉલ્લેખ મળે છે. ઋગ્વેદમાં ફક્ત ગાયોને જ નહીં, તમામ દૂધાળાં ઢોરને ન મારી શકાય એવું કહેવાયું છે, તો ગાય સહિતનાં દૂધાળાં ઢોર બીજી રીતે નિરૂપયોગી બની જાય, તો તેમને મારવામાં અને તેમના ભક્ષણમાં કશો બાધ નથી, એવા ઉલ્લેખ પણ અભ્યાસીઓએ આધારભૂત રીતે વેદમાં મેળવ્યા છે. સનાતન ધર્મનું પાલન કરનારા માટે વેદ આખરી સત્તા જેવો ધર્મગ્રંથ ગણાય. તો સમયનો કયો ખંડ સાચી ભારતીય સંસ્કૃતિ કહેવાય, એ કોણ નક્કી કરે? અને બધા હિંદુઓ વતી કોઈ એ કેવી રીતે નક્કી કરી શકે? અને આ જ ભૂમિ પર આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃતિની પરંપરાઓ સુધી કોઇને જવું હોય તો, એ દેશદ્રોહી ગણાય?
ધર્મ-રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવના નામે પોતાના સ્વાર્થનો વેપલો કરનારા સામે આવા અનેક પાયાના, પ્રાથમિક સવાલ થઈ શકે. પરંતુ સવાલ કરીને કકળાટ વહોરવાને બદલે પોતાની કલ્પના પ્રમાણેના ભૂતકાળમાં છબછબીયાં કરવા-કરાવવાની જુદી મઝા છે. દેશને-દેશવાસીઓને ગ્રેટ બનાવવા નીકળેલા પક્ષો ને નેતાઓ મંત્રેલા પાણીથી કેન્સર મટાડવાનો દાવો કરનારા લેભાગુઓ જેવા હોય છે. મેડિકલ સાયન્સ પાસે જેનો ઇલાજ ન હોય એવો રોગ ધરાવનાર દર્દી અને તેનાં સગાંવહાલાં વાક્ચતુર બાબાની જાળમાં હોંશે હોંશે ફસાય અને પોતે ખાટી ગયાનું ગૌરવ લે, એવી આ વાત છે. તેને માનવસહજ નબળાઈ તરીકે સમજી-સ્વીકારી શકાય, પણ તેને વાજબી, આવકાર્ય કે ઇચ્છનીય સુદ્ધાં ગણી ન શકાય

donald trump,
history/ઇતિહાસ,
it
Friday, August 26, 2016
‘સરકારી’ ગાયો અને ગાંધીનગર
ગોરક્ષા વિશેનાં મહેણાંટોણાં સાંભળીને
એવો નિર્ણય લેવામાં આવે કે ‘દરેક
મંત્રીઓએ ઓછામાં ઓછી એક ગાય બાંધવી’ તો? હસવાની
જરૂર નથી. દોઢેક દાયકા પહેલાં તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઇના જમાનામાં ખરેખર આદેશ
બહાર પડાયો હતો કે પશુધનની ચિંતાના પ્રતીક તરીકે દરેક પ્રધાનોએ એક-એક ગાય બાંધવી. બદલાયેલા
સમયમાં ગોસેવા અને ગોરક્ષા વિશેના વિવાદ પછી ફરી એવો આદેશ કરવામાં આવે તો?
***
ગાયો બાંધવા અંગે મંત્રીઓ ગંભીર બને (ક્યારેક
તો ગંભીર બનવું પડશે ને) તો બીજાં બધાં ગામો પહેલાં ગાંધીનગર ગોકુળિયું ગામ બની
જશે. મંત્રીઓના બંગલામાંથી આવતા ગાયોની ભાંભરણના અવાજો અને તેમનાં છાણમૂત્રની
પવિત્ર ગંધના પ્રતાપે ગાંધીનગર જેવું કાવાદાવાપ્રધાન શહેર પણ કોઇ તીર્થધામ જેવું ‘પવિત્ર’
ગણાવા લાગશે. પ્રધાનો અને ગાયોના સહઅસ્તિત્વની
રાજકીય-સામાજિક-આર્થિક અસરો સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની રહેશે. રાજકીય
ક્ષેત્રે, કોંગ્રેસના
ઘણા ‘સિંહો’ને ઘેર ગાય બંધાયા પછી પક્ષ
પોતાના ચૂંટણીપ્રચારમાં કહી શકશે,’અમારો પક્ષ શાંતિનું વચન આપે છે. કારણ કે અમારા
રાજમાં સિંહોને ઓગણે ઉભેલી ગાયો પણ સલામત છે.’ ભાજપી
સભ્યો ગુજરાતની ગાયોની અસ્મિતાની વાત કરીને ગુજરાતની સાડા છ કરોડ ગાયોનો જયજયકાર
કરશે. જ્યારે પણ તોતિંગ મંત્રીમંડળની જ્યારે પણ
ટીકા થાય ત્યારે મુખ્ય મંત્રી કહી શકશે,’વહીવટી કાર્યો માટે વધારે
મંત્રીઓની જરૂર ન હતી,
પણ વધુ મંત્રીઓ રાખીએ તો એ બહાને વધુ ગાયોનું ધ્યાન રાખી
શકાય એ જ અમારી ભાવના છે.’
કેટલાક ઉત્સાહી મંત્રીઓ તેમની ગાયોની
પીઠ ઉપર પણ લાલ બત્તી ફીટ કરાવી શકે છે, જેથી મંત્રીઓની માફક તેમની ગાયો પણ બહાર ચરવા નીકળે
ત્યારે આજુબાજુના લોકો પર અમથેઅમથા રોલા પાડી શકે. ગાયો માટે ક્લાસ વન કેડરના ગોપાલક, ગોપાલકની
ઓફિસ અને ગાયની ગમાણને સાંકળતું સ્પ્લિટ એસી, ગોપાલકની મદદ માટે (એટલે કે
ખરેખરું કામ કરવા માટે) ક્લાસ ટુ કક્ષાનો એક સહાયક, તેના ધક્કાધુક્કી ખાવા માટે
ક્લાસ ફોર કક્ષાનો એક કર્મચારી, એ ઉપરાંત દરેક ગાય દીઠ બે ‘ગાયમિત્ર’, ગાયની
ગમાણમાં ફોનની અલગ લાઇન,
(ઘણા
મંત્રી ભલે ન બની શક્યા, પણ ગાયને આઇટી-સેવી બનાવવા માટે)
વાઇફાઇ કનેક્શન, વખતોવખત ગાયને બહાર ફેરવવા માટે ટ્રેલરવાળી કાર, એ કાર માટે એક ડ્રાઇવર, કારનું
પેટ્રોલ એલાઉન્સ, ગાયનું ઘાસ ઉગાડવા માટે જમીનનો ટુકડો, એ જમીનની દેખરેખ રાખવા માટે
એક ખેડૂત.....આમ , ગાયના પ્રતાપે રાજ્યમાં વ્યવસાય
અને રોજગારીની ઉજ્જવળ તકો ઉભી કરી શકાશે અને વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરી શકાશે.
બે નંબરી મિલકતો કોના નામે કરવી તેની
સમસ્યાથી પીડાતા હોય એવા પ્રધાનો માટે ઘરઆંગણે બંધાયેલી ગાયો કામધેનુ સાબીત થશે.
પ્રધાનોની ગાયોના નામે ચાર ફ્લેટ-બે જમીન-એક ફેક્ટરી બોલતાં હશે અને પ્રધાનશ્રી
પોતે સાદગીપૂર્ણ જિંદગી જીવતા હશે. નાણાંકોથળી સાથે આવનારા ‘ગ્રાહકો’ને
પ્રધાનશ્રી કહેશે,’જુઓ, હું તો કંઇ લેતો નથી. બાય ધ વે, તમે ગોમાતાનાં દર્શન કર્યાં?’ એકાદબે અનુભવો પછી સમજુ ‘પાર્ટીઓ’ કહેશે,‘હું
તમને ક્યાં કંઇ આપું છું,
સાહેબ? હું તો પરમ આદરણીય પરમ શ્રદ્ધેય ગાયમાતા માટે ભેટ
લાવ્યો છું.’ ઘણા પ્રધાનોને નડતી વ્યવહારુ સમસ્યા સમયની અછતની છે. ના, તેમને
કામ કરવા માટે સમય ઓછો પડે છે એવું નથી. તકલીફ એ વાતની છે કે ઉદ્ઘાટનો અને બીજા
કાર્યક્રમોનાં આમંત્રણોને તે પૂરતો ન્યાય આપી શકતા નથી. બીજી તરફ, નિમંત્રકોને
મંત્રીજી કરતાં તેમના ‘આશીર્વાદ’ની જરૂર વધારે હોય છે. આ સમસ્યામાં પણ
ગાય મદદરૂપ થઇ શકે છે. હવે પછી ઓછા મહત્ત્વના કાર્યક્રમોમાં મંત્રીશ્રી આયોજકોને
પૂછી શકે છે,‘‘મારું શીડ્યુલ બહુ ટાઇટ છે, પણ મારી ગાય આવે તો ચાલશે?’’ અને મોટા ભાગના નિમંત્રકો આ
વિકલ્પ સાથે સંમત થઇ જાય તો નવાઇ ન લાગવી જોઇએ.
લાંબા ગાળે નિમંત્રકો પ્રધાનો કરતાં ગાયોનું ધ્યાન વધારે રાખવા માંડે એવું પણ
બની શકે. ટીવી ચેનલના પત્રકારો કોઇ પણ બનાવ પછી મુખ્ય મંત્રીની ગાયના ‘બાઇટ્સ’ લેવા
માટે ગમાણની આગળપાછળ આંટા ફેરા મારતા હોય અને છાપા-મેગેઝીનના પત્રકારો ‘મુખ્યમંત્રીની
ગાયનો પહેલવહેલો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ’ પ્રગટ કરીને કોલર ઉંચા રાખે એવી પણ સંભાવના ઓછી નથી.
કેટલાક દીર્ઘદૃષ્ટાઓ કહે છે કે ગાયો
રાખવાની પ્રેક્ટિસને કારણે,
પ્રધાનપદું ન હોય તો પણ પ્રધાનો માટે રોજગારીનો પ્રશ્ન નહીં થાય. ગાયના દૂધના લગવા
બાંધીને તે ‘વ્હાઇટની’ માતબર કમાણી કરી શકશે. બીજા ધંધાઓની માફક આ ધંધાની નેટ પ્રેક્ટિસ પણ ચાલુ
પ્રધાનપદાએ શરૂ કરી દેવામાં વાંધો નથી.
આમેય પ્રધાનપદે રહીને કેટલાક પ્રધાનો બીજાના નામે કરવા જેવા અને ન કરવા જેવા અનેક
ધંધા કરતા જ હોવાની સામાન્ય છાપ છે. તેની સરખામણીમાં આ ‘પૌષ્ટિક’ ધંધો શું ખોટો?
અલબત્ત, ટીવી
ચેનલના પત્રકારોને જોઇને ઘણા મંત્રીઓ રંગમાં આવી જાય છે, એ ધ્યાનમાં રાખતાં ‘કેમેરા
સામે ગાય દોહવાના શો કરવા નહીં’ એવી ચેતવણી પક્ષના હાઇકમાન્ડે આપવી પડશે. ઘરે ગાય
બંધાયા પછી મંત્રીઓને ઘેર ફોન કરતાં ‘સાહેબ મિટિંગમાં છે’ની સાથોસાથ ‘સાહેબ
ગમાણમાં છે’ એવા સંદેશા સાંભળવાની તૈયારી પણ રાખવી પડશે. (‘સાહેબે ગમાણમાં રહેવાનું ચાલુ
કર્યું? સરસ, સરસ. છેવટે તેમને લાયક જગ્યા મળી ખરી.’ એવા કોઇ પ્રતિભાવો આપવાની મનાઇ
છે. -હુકમથી)
ગાયોના આગમનથી મંત્રીઓ પર થનારી અસરો
વિશે ઘણી વાત થઇ, પણ મંત્રીઓની સોબતનો ગાયો પર કેવો પ્રભાવ પડશે? ઘણા મંત્રીઓ અને તેમના અનુચરો ચરવાની
કળા જાણે છે, પણ ગાયો મંત્રીઓ પાસેથી કઇ આવડત ગ્રહણ કરશે એ જોવાનું રહે છે. મંત્રીઓને ઘેર
બંધાયેલી મોટા ભાગની ગાયોમાં પૂછડું અમળાયા પછી જ ચાલવાનો ગુણ વિકસે તો નવાઇ નહીં.
મંત્રીઓના ઘરે રહી આવેલી ગાયોની રીસેલ વેલ્યુ પણ ઘટી જશે. આવી ગાયોના માલિકો
ફરિયાદ કરશે,’આ અમારી ભૂરીમાં પણ એના જૂના માલિકની અસર આવી છે. ખાવામાં તો શૂરીપૂરી છે, પણ
દૂધ આપવાનું થાય ત્યારે આઘીપાછી થાય છે.’ લાંબા ગાળે, ટૂંકા પગ અને મોટું પેટ ધરાવતી ગાયોની નવી જાતિ વિકસે તો
તેને (કાંકરેજી કે હરિયાણીની જેમ) ગાંધીનગરી જાતિ તરીકે ઓળખી શકાય.
Labels:
cow,
gujarat politics,
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, March 24, 2015
ગોરક્ષા, હિંદુત્વ અને કાયદો
(unedited)
ચાર વર્ષ પહેલાં ગુજરાતમાં અને હમણાં મહારાષ્ટ્ર-હરિયાણામાં ગૌવંશ હત્યા તથા બીફ (ગોમાંસ)ના ખરીદવેચાણને સજાપાત્ર ગુનો બનાવતા કાયદા અમલમાં આવ્યા. તેની વાત કરતાં પહેલાં થોડી વક્રતાઓ નોંધી લઇએ.
ગાંધીજી આસ્થાળુ હિંદુ તરીકે ગાયના પરમ ભક્ત અને ગૌવંશને બચાવવાના આગ્રહી હતા. સંઘ પરિવાર અને હિંદુ મહાસભા પ્રકારના, હિંદુ ધર્મના બની બેઠેલા ઠેકેદારો પણ પોતાને પ્રખર ગૌભક્ત ગણાવતા હતા. ગાયની કતલ સામે તેમને વાંધો હતો, પણ ગાંધીહત્યાથી તેમાંના ઘણા રાજી થયા હતા- અને એવા વિચારવાળા ઘણાને હજુ પણ ગાંધીહત્યાનો અફસોસ થતો નથી.
મહારાષ્ટ્રમાં બીફવિરોધી કાયદો આવ્યા પછી કતલખાનાં ચલાવનારાવાળાએ હડતાળ પાડી. તેના લીધે મુંબઇના સંજય ગાંધી નેશનલ પાર્કનાં હિંસક પ્રાણીઓને તેમના રોજિંદા ખોરાક વગર ચલાવવું પડ્યું. સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધી પ્રખર પશુપ્રેમી તરીકે જાણીતાં છે. પરંતુ એક તરફ વાઘ-સિંહ અને બીજી તરફ હિંદુત્વના રક્ષકો વચ્ચે મેનકા ગાંધી શું કરી શકવાનાં?
બીફના મુદ્દાને હિંદુ સંસ્કૃતિનો અને હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો બનાવનારા હિંદુત્વના ઠેકેદારો દલિતોને કઇ બાજુ ગણશે? દલિતોથી માંડીને ઇશાન ભારતના લોકો અને બીજા ઘણા બિનદલિત હિંદુઓ ભોજનમાં સ્વાદ, પસંદગી, ટેવ કે મજબૂરીથી બીફનો ઉપયોગ કરે છે. એ કારણથી તેમને ‘અશુદ્ધ’ ગણી નાખવા? પુરાતન કાળમાં - બુદ્ધ પહેલાંના સમયમાં -ઉચ્ચ કહેવાતા હિંદુઓમાં બીફનો કશો છોછ ન હતો, એ વાત સગવડે ભૂલાવી દેવામાં આવે છે. જ્ઞાતિપ્રથાનો સકંજો મજબૂત બન્યા પછી, બીફ ન ખાવું એ જ ‘શુદ્ધિ અને સભ્યતા’નું પ્રતીક હોય, એવું ઠસાવવામાં આવે છે. હિંદુ ધર્મની છીછરી સમજ દર્શાવતી આ ચેષ્ટા સામે વખતોવખત વિરોધ થતો રહે છે. થોડાં વર્ષ પહેલાં હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં કેટલાક દલિત વિદ્યાર્થીઓ યોજેલો બીફ ફેસ્ટિવલ ગાયોની સામે નહીં, પણ ગાયોને પવિત્ર ગણીને, તેના નામે ખેલાતા હિંદુત્વના રાજકારણ સામે અને જ્ઞાતિની સંકુચિત ઓળખ સામે હતો.
આગળનાં ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે ગોરક્ષા, ગોહત્યાનો વિરોધ અને બીફના ખરીદવેચાણને ગુનો જાહેર કરવો, એ લાગે છે એટલો સીધોસાદો મુદ્દો નથી. તેમાં અનેક બાબતોની ભેળસેળ કરીને આખા મુદ્દાને રાજકીય અને હિંદુ વોટબેન્કલક્ષી બનાવવામાં આવ્યો છે.
દંભનું પ્રતીક
ગાય સાથે સંકળાયેલા કેટલાક મુખ્ય મુદ્દા : ગોપાલન-ગોસંવર્ધન, ગોરક્ષા અને ગોમાંસ. હિંદુત્વવાળા આ મુદ્દાને એકરૂપ અને એકબીજા સાથે ગુંથાયેલા ગણવાને બદલે, તેમને અલગ પાડે છે અને તેમાંથી પોતાના સ્વાર્થને અનુરૂપ એવા મુદ્દા ચગાવે છે.
સૌથી પહેલો સવાલ ગોપાલન-ગોસંવર્ધનનો લઇએ. રખડતી ગાયો સામે કડક કાર્યવાહી થાય ત્યારે, સામેનો પક્ષ આક્રમક બચાવમાં કહે છે, ‘ગાય તો માતા કહેવાય. એને હાંકીને ડબ્બામાં પૂરતાં- એની સામે કાર્યવાહી કરતાં શરમ આવવી જોઇએ.’ પરંતુ આવી દલીલ કરનારને એટલું જ પૂછવાનું થાય કે ‘વધારે શરમ કોને આવવી જોઇએ? રસ્તે રઝળતી ‘માતા’ને લઇ જનારને કે પછી ગાયને માતા કહ્યા પછી, તેને રસ્તે રખડતી મૂકી દેનારને?’
ભારતમાં જેમ સ્ત્રીઓને ‘દેવી’ અને ‘શક્તિનો અવતાર’ ગણાવ્યા પછી તેમનું શોષણ કરવામાં- તેમને ઉતરતી ગણવામાં કશું બાકી નથી રખાયું, એવી જ રીતે, ગાયોને ‘માતા’ ગણીને તેમની અવદશા કરવામાં પણ કોઇ કસર રહી નથી. એ હિંદુ ધર્મના નામે ચાલતા દંભનું વરવું પ્રતીક છે. ભારતમાં ગાયોની દયનીય સ્થિતિ વિશે ક્યાંય તપાસ કરવા જવાની જરૂર નથી. રસ્તે ચાલતાં જ તેનો પ્રત્યક્ષ અનુભવ થઇ શકે એમ છે. ગૌભક્તિ અને ગૌરક્ષાની બડી બડી વાતો કરનારા- બીફ સામે કૂદી કૂદીને બોલનારા રાજનેતાઓને ગોચરની જમીનો વેચાઇ જાય ત્યારે ગાયોનું હિત યાદ આવતું નથી. તેમનો સઘળો ગોપ્રેમ બીજા લોકોને ગોવિરોધી ઠરાવવામાં કે બીફ ખાનારનો વિરોધ કરવામાં સમાઇ જાય છે.
ભારતમાં ગાયોની અને પાંજરાપોળોની અવદશા ગાંધીજીના સમયથી શરમનો અને ચિંતાનો વિષય રહ્યાં છે. તેમના સમયમાં ગાયો કોમી લાગણી ઉશ્કેરનારું પરિબળ પણ બની હતી. બીજી તરફ, ગાયો માટે ગાંધીજીએ ક્યારેક આશ્ચર્યજનક લાગે એ હદનો પૂજ્યભાવ પ્રગટ કર્યો હતો. છતાં, અનેક વાર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું,‘કાયદાથી ગાયની કતલ કદી અટકાવી ન શકાય...જેમ કોઇ માણસનો જાન બચાવવા, એ જાન ગમે તેવો કીમતી હોય તો પણ હું ગાયની હિંસા ન કરું. તેવી જ રીતે કોઇ ગાયનો જાન બચાવવા હું માણસની પણ હિંસા ન કરું...આખી પૃથ્વીના લોકો ગાયની રક્ષા કરતા થઇ જાય એટલો મોટો મારો મનોરથ છે, પણ તે માટે મારે પ્રથમ તો મારું ઘર સારી રીતે સાફ કરવું જોઇએ...કાયદો કરીને ગોવધ બંધ કરવાથી ગોરક્ષા નથી થઇ જતી. એ તો ગોરક્ષાના કાર્યનો અલ્પમાં અલ્પ ભાગ છે...જે કાયદાની સામે સમજુ અને વ્યવસ્થિત લોકમતનો વિરોધ હોય અથવા ધર્મને બહાને નાનકડા મંડળનો પણ વિરોધ હોય તો તે કાયદો સફળ ન થાય.’
પરંતુ પોતાની ટૂંકી સમજ પ્રમાણે કે પછી રાજકીય ચાલબાજી મુજબ હિંદુત્વની વાતો કરનારા ગાયો ઉપરાંત બળદ અને વાછરડાં (ગોવંશ)ની કતલ પર પ્રતિબંધ મૂકીને પોતાની ગૌભક્તિ માટે પોરસાય છે. બીફ ખાનાર લોકો જાણે અસુર હોય એવું રાજકીય વાતાવરણ સંઘ પરિવાર અને ભાજપનાં સંગઠનોએ ઊભું કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની એટલે તેનાં શરૂઆતનાં કામોમાં એક ગોરક્ષા વિરોધી કડક કાયદો બનાવવાનું હતું. આ જાતના કાયદામાં કરવા ખાતર ગાયોની દેખરેખ રાખવાની વાત થઇ હોય, પણ ખરો ભાર - અને કાયદાની ખરી રાજકીય અપીલ- ગોહત્યા કરનાર માટે જાહેર કરાયેલી સજામાં હોય છે. તેનાથી દર્શાવી શકાય છે કે ‘જુઓ, જુઓ, અમે કેવા સુપરહિંદુ છીએ. અમે હિંદુવિરોધી ગોવિરોધીઓ સામે કેવા કડક હાથે કામ લઇએ છીએ.’
મહારાષ્ટ્રના કાયદા પ્રમાણે, ગાયો ઉપરાંત બળદોની કતલ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથોસાથ, બીફની ખરીદી કે તેના વેચાણને પણ ગુનો ઠરાવવામાં આવ્યું છે. નવા કાયદા પ્રમાણે, કોઇ બીફ વેચતાં કે ખરીદતાં પકડાય તો તેને રૂ.૧૦ હજારનો દંડ અને મહત્તમ પાંચ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. કાયદામાં દંડ અને સજાની જોગવાઇ હોય છે. (‘તોડ’ની રકમ તો બન્ને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે.)
મહારાષ્ટ્રના આ આત્યંતિક કાયદા સામે બે હિંદુઓએ અદાલતમાં જાહેર હિતની અરજી કરી છે. તેમની દલીલ એ છે કે ‘અમે બીફ ખાઇએ છીએ. એ અમારા રોજિંદા ખોરાક અને પોષણનો હિસ્સો છે. તેને ગુનો જાહેર કરવામાં નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે.’ આ મુદ્દે અદાલત બંધારણને અનુરૂપ વલણ લઇને, કાયદાની આત્યંતિકતાને મોળવી નાખે છે કે પછી સરકારલાગણીને લોકલાગણી ગણીને એ પ્રમાણે ચુકાદો આપે છે, એ જોવાનું રહે છે.
દરમિયાન હરિયાણામાં ભાજપની સરકારે પણ આ પ્રકારનો તઘલકી કાયદો પસાર કરી દીધો છે. તેમાં ઠરાવ્યા પ્રમાણે, ગૌહત્યા માટે જવાબદાર વ્યક્તિને મહત્તમ દસ વર્ષની જેલની સજા અને રૂ.૩૦ હજારથી રૂ.એક લાખ સુધીનો દંડ થઇ શકે છે. બીફ વેચનારને મહત્તમ પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦ હજાર સુધીનો દંડ થઇ શકે છે. આ બાબતમાં મહારાષ્ટ્ર અને હરિયાણા કરતાં પણ ગુજરાત ‘આગળ’ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૧માં પસાર થયેલા કાયદા અંતર્ગત ગૌહત્યા ઉપરાંત કતલના હેતુથી ગાયોની હેરફેર કરનાર અને બીફ વેચનાર-ખરીદનારને પણ આવરી લેવામાં આવ્યા છે. તેમાં વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા અને મહત્તમ રૂ.૫૦ હજારના દંડની જોગવાઇ છે.
ગાયોની દેખભાળ રાખી ન શકતી અને ગોચરોની જમીન હડપ કરી જતી સરકારોને ગોરક્ષાના નામે વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર તરાપ મારતા કાયદા બનાવવાનો શો અધિકાર છે, એ પાયાનો સવાલ છે. ખેતીવાડીમાં ગાયોના મહત્ત્વને લઇને તેમના રક્ષણ માટે પ્રયાસ થાય તે આવકાર્ય છે, પણ એ પ્રયત્નો નકારાત્મક-દંડાત્મક નહીં, વિધેયાત્મક હોવા જોઇએ. રાજકીય સ્વાર્થ કે ટોકન હિંદુત્વથી પ્રેરિત આવા કાયદાના બચાવમાં ઘણા ભાજપી નેતાઓ ગાયના આર્થિક મહત્ત્વનાં ગાણાં ગાવા અને ખેતીમાં તેમનું મહત્ત્વ સમજાવવા બેસી જાય છે, કેમ જાણે એ લોકો સવાર-સાંજ ગાયોનાં પૂંછડાં આમળીને, ડચકારા બોલાવતાં બોલાવતાં ખેતી કરતા હોય. ખેતીમાં યંત્રોના વધતા ઉપયોગને કારણે બળદો બેકાર થઇ રહ્યા છે. તેમનાં છાણ-મૂત્રના ‘ઑર્ગેનિક જંતુનાશક’ તરીકેના ઉપયોગો વિશે પણ બઢાવીચઢાવીને રજૂ કરાતી વાતો કરતાં હકીકત જુદી છે. આંકડાના આધારે એવું તારવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ કે તમિલનાડુ જેવાં રાજ્યોમાં ગૌહત્યા સામે આકરા કાયદા ન હોવા છતાં, એ રાજ્યો ખેતીવાડીમાં મોખરે છે. ‘બળદો નકામા બને પછી તેમને કતલખાને ન મોકલીએ તો શું કરીએ? ભાજપ અમારા બળદો ખરીદી લેશે?’ એવો સવાલ પણ કેટલાક ખેડૂતોએ ઉભો કર્યો છે.
ગાયોનો મુદ્દો રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક બનાવવાને બદલે, તેનાં વ્યવહારુ પાસાં ગણતરીમાં લઇને કામ લેવામાં આવે, તો સરકાર ઉપરાંત ખેડૂતો, કતલખાનાંવાળા અને ભોજનમાં બીફ લેનારા- એ સૌને ફાયદો થાય. પરંતુ ‘હિંદુ સંસ્કૃતિ’ અને ‘ગાયમાતા’ના ડાબલા ચડાવી દીધા પછી, ભ્રષ્ટાચાર, કોમી લાગણી અને ધાર્મિક સંકુચિતતા સિવાય બીજા કોઇને આવા કાયદાથી લાભ થાય એમ લાગતું નથી.

Subscribe to:
Posts (Atom)