Showing posts with label demonetization. Show all posts
Showing posts with label demonetization. Show all posts

Monday, December 16, 2019

રાજાની ‘બાળ’વાર્તા

એક ગામ હતું. કદાચ દેશ પણ હોય. તેમાં એક રાજા હતો. એ કદાચ ચૂંટાયેલો પણ હોય. તેને એક જ શોખઃ ઈતિહાસમાં અમર થવાનો. સવારે ઊઠીને તે અરીસામાં જુએ અને વિચારે, ‘એવું તે શું કરું, જેથી ઈતિહાસના ચોપડે મારું નામ અમર થઈ જાય?’ તેને થયું કે દરબારીઓને પૂછવું જોઈએ.

તેના રાજમાં દરબારીઓનો તોટો નહીં. એકથી એક ચડિયાતાઃ કોઈ તેની બુદ્ધિ વખાણે, તો કોઈ ભાષણ. કોઈ તેની નિર્ણયશક્તિ વખાણે, તો કોઈ મક્કમતા. વખાણ જ વખાણ...દરબારીઓ જ દરબારીઓ. તેના રાજમાં રૈયતના બે જ ભાગઃ દરબારી ને દુશ્મન. રાજપ્રેમી ને રાજદ્રોહી. રાજા ‘દુશ્મનો’નું કહેલું કંઈ કરે નહીં ને દરબારીઓને કંઈ પૂછે નહીં. દરબારીઓનું એક જ કામઃ રાજા જે કરે તેની બિરદાવલી ગાવાનું, રાજાના ‘દુશ્મનો’ પર તૂટી પડવાનું અને પોતાના રાજપ્રેમને દેશપ્રેમ તરીકે જાહેર કરીને રાજી થવાનું.

રાજાને એક દિવસ મન થયું કે રાજમાં ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે. નાણાંબંધી કરી દઈએ તો કેવું? હવે ‘કેવું?’નો શો જવાબ હોય? રાજાને સૂઝે તે સોના જેવું. તેમાં જ્ઞાનીનું-વિદ્વાનનું શું કામ? રાજાના રાજમાં ‘હાર્વર્ડ’નો નહીં, ‘હાર્ડ વર્ક’નો મહિમા. રાજા તુક્કા છોડે ને પ્રજા ‘હાર્ડ વર્ક’ કરે. હાર્ડ વર્કમાંથી કોઈ બાકાત નહીં—દરબારી પણ નહીં ને દુશ્મન પણ નહીં. ફેર એટલો કે ‘દુશ્મનો’ તર્ક કરે, ટીકા કરે, બિનદરબારી-દરબારી સૌના હિતની વાત કરે, જ્યારે ‘દરબારીઓ’ મોઢા પર રાજાના હસતા મોઢાનું મહોરું ચઢાવીને, હાર્ડ વર્ક કરે અને રાજને દેશ ગણીને રાજી થાય.

રાજાએ તો કરી દીધી નાણાંબંધી. લોકો હેરાનપરેશાન. ધંધારોજગાર ભાંગી પડ્યા. પોતાના પૈસા લેવા લાઇન લગાડવી પડી. પણ રાજાએ જાહેર કરી દીધું કે અમીર ભ્રષ્ટાચારીઓની સાન ઠેકાણે આવી ગઈ છે ને ત્રાસવાદીઓ રૂપિયા વિના ટળવળી રહ્યા છે. માટે, ધીરજ ધરો. બે મહિનામાં બધું ઠીક થઈ જશે.

બે વર્ષ થયાં. કશું ઠીક ન થયું, પણ કબૂલે તો રાજા શાનો? પછી તેને થયું કે ઈતિહાસમાં અમર થવા માટે આટલું પૂરતું નથી. એટલે, થોડા થોડા વખતે રાજા અવનવાં ગતકડાં કાઢે, અડધી રાતે દરબાર ભરે, ઘડીમાં એક વસ્તુ ફરજિયાત કરે, તો ઘડીમાં બીજી. ‘આવતા મહિનાથી ગાડાને લાકડાનાં પૈડાં નહીં, ટાયર જ હોવાં જોઈએ. ટાયર નહીં હોય, તે ગાડાને આકરો દંડ કરવામાં આવશે’ એવો હુકમ છૂટે.  ભલે ને રાજમાં ત્યારે બધાં ગાડાંને થઈ રહે એટલાં ટાયર જ ન હોય. લાકડાનાં પૈડાંનું શું કરવું એનું પણ કશું વિચાર્યું ન હોય, છતાં આવા નિર્ણય ક્રાંતિકારી કહેવાય. તે લેતાં પહેલાં પરિણામો વિચારે તેને કાળીયાં કૂતરાં કરડે. ને નિર્ણય જાહેર થઈ ગયા પછી જે પરિણામોની વાત કરે, તેને...રાજપ્રેમીઓ કરડે. નિર્ણયના અમલની વ્યવસ્થા ન હોય તેમાં રાજા શું કરે? ‘દેશપ્રેમ’ની (રાજપ્રેમની) સાબિતી તો લોકોએ આપવાની.

આમ, નિર્ણય-નિર્ણય રમતાં રમતાં રાજાને તો મઝા પડી ગઈ. આ રમતમાં ફાયદો એવો કે રાજા ગમે તે કરે, તો પણ લોકો બે ભાગમાં વહેંચાઈ જાય. રાજા છીંક ખાય તો દરબારીઓ કહેશે, ‘જોયું? કેવી ઐતિહાસિક ને છપ્પન ગામ દૂર સંભળાય એવી છીંક હતી. દુશ્મનોના હાંજા ગગડી ગયા.’ અને ‘રાજદ્રોહીઓ’ કહે, ‘રાજાને શરદી થઈ છે. દવા કરાવો. નહીંતર સળેખમ થઈ જશે ને ભલું હશે તો ટાઢીયા તાવમાં રાજા લવરી કરવા ચડી જશે.’ રાજપ્રેમીઓમાં પણ બહુ પ્રકાર ને રાજદ્રોહીઓમાં પણ ઘણું વૈવિધ્ય. છતાં, દરેક બાજુને એક જ રંગમાં રંગી નાખવાનું સામેવાળાને એટલું ફાવી ગયેલું કે રાજાને મઝા થઈ ગઈ. તેને થયું કે આવી રીતે આ લોકો લડતા રહે, તો આપણું રાજ ચાલ્યા જ કરે ને છેવટે કંઈ નહીં તો સૌથી લાંબું રાજ કરવા બદલ પણ ઈતિહાસમાં નામ થઈ જાય—આપણી મૂળ સ્કીમ તો એ જ છે ને.

રાજમાં સામાન્ય માણસના માથે મુસીબતોના પહાડ ખડકાયેલા. ખાવાનું મોઘું, ભણવાનું મોંઘું, બીમાર પડવાનું મોંઘું. નોકરી મળે નહીં, ધંધા ચાલે નહીં. પણ આવું કહો એટલે રાજપ્રેમીઓ આવી જાય,’આવું કંઈ પહેલી વાર થયું છે? પહેલાં આ બધું ચાલતું હતું ત્યારે તમે ક્યાં હતા?’ ધીમે ધીમે થોડા,બહુ થોડા રાજપ્રેમીઓને વિચાર આવ્યો, ‘પહેલાં બધું ચાલતું હતું, એટલે તો આપણે એ રાજ ઉથલાવી નાખ્યું. પછી પણ એવું ને એવું જ સહેવાનું? ને ઉપરથી દાદાગીરી?’

લોકો પોતાની મેળે સ્વસ્થતાથી વિચારતા થાય તેનાથી મોટો રાજદ્રોહ કે વિદ્રોહ કયો હોય? પણ રાજાને ઈતિહાસમાં નામ અમર કરવાનું. તે કંઈ એમ હાર માને? લોકોને રોવડાવે કે નશો ચડાવે એવાં અનેક પગલાં લીધાં પછી પણ વિરોધની ચણભણ ચાલુ રહી. એટલે રાજાએ નવું ગતકડું કાઢ્યું : ચાલો, અમુક લોકોની વફાદારીની કસોટી કરો, તેમની વફાદારીના પુરાવા માગો, અમુક લોકોને છાનામાના નહીં, ખુલ્લેઆમ બાકાત કરતો કાયદો લાવો. પછી? તેનો જોરદાર વિરોધ થશે ને ફરી લોકો બે ભાગમાં વહેંચાશે. એટલે આપણું કામ થઈ ગયું. આપણું શાસન અમર-આપણું નામ પણ ઈતિહાસમાં અમર.’

--ઈતિહાસમાં અમર તો ખરું, પણ ‘તરંગી મહંમદ તઘલક અને ભાગલાવાદી મહંમદઅલી ઝીણાની સાથે’ એવું કોણ બોલ્યું?

Tuesday, November 07, 2017

નોટબંધીની વરસીએ 'સ્મરણાંજલિ'

આવતી કાલે નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂરું થશે. આટલા સમય પછી ‘તમને વડાપ્રધાનનું આ પગલું મહાન લાગે છે કે નહીં? હા કે ના.’ એવું સરળીકરણ કરવાને બદલે, વિવિધ માહિતી-હકીકતના ટુકડા જોડવાથી ચિત્ર વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

નોટબંધી જાહેર થઈ ત્યારે તેને કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક તરીકે ઓળખવામાં આવી હતી. શરૂઆતમાં એવી છાપ ઉભી કરવામાં આવી કે કાળાં નાણાં ધરાવતા લોકોની પાંચસો-બે હજારની નોટો કાગળીયાં થઈ જશે અને એ લોકો રાતા પાણીએ રડશે. બીજું નિશાન હતા ત્રાસવાદીઓ. તે પાંચસો અને હજારની નકલી નોટો દેશમાં ઘુસાડીને તે અર્થતંત્રને ફટકો મારે છે ને તેમનું ભંડોળ પણ મોટી રકમની નોટોમાંથી આવે છે. નોટબંધી પછી ત્રાસવાદીઓ નાણાંકીય ભીંસમાં આવી જશે ને ઢીલા પડશે.

નોટબંધી જેવા આત્યંતિક પગલા પાછળનો મુખ્ય આશય સરકાર એટલે કે વડાપ્રધાન કાળાં નાણાંના મુદ્દે કેટલા ગંભીર છે, તે દર્શાવવાનો હતો. નોટબંધીની અર્થતંત્ર પરની ટૂંકા, મધ્યમ ને લાંબા ગાળાની અસરો નિષ્ણાતો માટે પણ ચર્ચા અને મતભેદનો વિષય છે. દરમિયાન, નોટબંધીનાં હકારાત્મક પરિણામો મુખ્યત્વે આટલાં ગણાવાયાં છેઃ

1) તેનાથી ડિજિટલ લેવડદેવડમાં નોંધપાત્ર વધારો થયો છે. રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, નવેમ્બર 2016માં ડિજિટલ લેવડદેવડની કુલ સંખ્યા આશરે 70 કરોડથી થોડી ઓછી હતી અને લેવડદેવડની કુલ રકમ રૂ. 94,004 અબજ હતી. માર્ચ, 2017માં એ રકમમાં સૌથી મોટો વધારો નોંધાયો (રૂ.1,49,589 કરોડ) અને ઓગસ્ટ, 2017માં તે આંકડો હતોઃ રૂ.1,09,818 અબજ. એટલે કે નવેમ્બર, 2016 કરતાં 16.8 ટકાનો વધારો. પરંતુ ડિજિટલ લેવડદેવડનો વધારો એ તો નોટબંધીની આડપેદાશ હતી (જેને સમય જતાં મુખ્ય જાહેર કરવામાં આવી) તેના માટે થઈને, ભારતના બહુમતી લોકોને રોજગારી આપતા અસંગઠીત ક્ષેત્રમાં મોટુંં ગાબડું પાડવાનું અને બહુમતી નિર્દોષ લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકવાનું વાજબી ઠરાવી શકાય?

2) આવકવેરો ભરનારની સંખ્યામાં વધારો થયો. સરકારના જ ઇકોનોમિક સર્વે 2017માં નોંધાયા પ્રમાણે, 5.7 લાખ નવા કરતાદાતા એવા છે, જે નોટબંધીને કારણે વેરો ભરતા થયા હોવાની સંભાવના છે. (ભારતની વસ્તી અને નોટબંધીના અમલથી કરોડો લોકોને પડેલી તકલીફો ધ્યાનમાં રાખતાં 5.7 લાખનો આંકડો સંતોષકારક લાગે કે ‘ફક્ત’? વિચારી જોજો)

3) સરકારી જાહેરાત પ્રમાણે, આશરે 2 લાખ બનાવટી કંપનીઓનાં રજિસ્ટ્રેશન નોટબંધી પછી રદ કરવામાં આવ્યાં છે.

4) બેન્કોમાં અઢળક નાણાં જમા થવાથી લોનના દર ઘટ્યા.

5) નોટબંધી પછી તરતના અરસામાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે ત્રાસવાદી તથા અશાંતિ જગાડનારી પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. આટલા વખત પછી કહી શકાય કે નોટબંધીની ત્રાસવાદ પર કશી જ અસર પડી નથી.

6) એવી ધારણા હતી કે 10થી 20 ટકા જેટલી નોટો પાછી નહીં આવે ને સરકારે ભારે ફાયદો (વિન્ડફોલ ગેઇન) થશે. પરંતુ રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે 99 ટકા નોટો પાછી જમા થઈ ગઈ. તીર માર્યા પછી તેની ફરતે કુંડાળું દોરી કાઢવાની પદ્ધતિ પ્રમાણે, એવું જાહેર કરવામાં આવ્યું કે લગભગ બધી નોટો સીસ્ટમમાં આવી ગઈ હોવાથી, નોટબંધી સફળ થઈ છે. હવે ઇન્કમટેક્સ વિભાગ તેમાંથી તપાસ કરીને શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરશે.

પરંતુ મહેશ શાહના કિસ્સા પછી સરકારની દાનત પરનો ભરોસો ટકાવી રાખવો અઘરો છે. વેપારધંધાનો કશો ઠેકાણાસરનો રેકોર્ડ ન ધરાવતા મહેશ શાહે નોટબંધી પછી કાળાં નાણાંની સ્વૈચ્છિક જાહેરાત યોજના અંતર્ગત રૂ. 13,860 કરોડની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી. તેમની સ્વૈચ્છિક જાહેરાતનું સરકારી ફોર્મ જવાબદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે ભરવામાં આવ્યું હતું. આટલી મોટી રકમની જાહેરાત થઈ ત્યારે એવી પાકી આશંકા હતી કે આ નાણાંમાં અનેક મોટાં માથાં સંકળાયેલાં હોવાં જોઈએ. પછીથી ખુદ મહેશ શાહે એક ટીવી ચેનલ પર કહ્યું કે એ નાણાં વગદાર લોકોનાં હતાં. પણ જાહેર કરેલી રકમના આવકવેરાનો પહેલો હપ્તો મહેશ શાહ ભરી શક્યા નહીં. એટલે નિયમ મુજબ તેમની સ્વૈચ્છિક જાહેરાત રદબાતલ ઠરી.

પરંતુ આટલી મોટી અને સ્વૈચ્છિક રીતે જાહેર થયેલી રકમનું શું થયું? તેનું પગેરું કેમ શોધવામાં ન આવ્યું? કાળાં નાણાં બાબતે ગર્જનાઓ કરતી સરકારે, જાહેર કરાયેલાં નાણાં મોટાં માથાંનાં હોવાની મહેશ શાહની જાહેર કબૂલાત પછી પણ, તે દિશામાં કેટલી અને કેટલા ઉત્સાહથી તપાસ કરી? અને કાળાં નાણાંના મુદ્દે ‘ભાંગી નાખું-તોડી નાખું’ કરતા અભિનયસમ્રાટો પાસેથી આ કેસ વિશે છેલ્લું ક્યારે સાંભળ્યું હતું?

બીજો મુદ્દો અત્યંત જરૂરી એવાં આયોજન અને પ્રક્રિયાનો. 1978માં વડાપ્રધાન મોરારજી દેસાઈએ મોટી રકમની નોટો રદબાતલ કરી, તે પહેલાં તેના માટે જરૂરી પ્રક્રિયાઓ બાકાયદા, યોગ્ય રીતે પૂરી કરી હતી. એ વખતે જનતા સરકારના નાણાં મંત્રી અને સરદાર પટેલના વિશ્વાસુ રહી ચૂકેલા એચ.એમ.(હીરુભાઈ) પટેલે તથા રીઝર્વ બેન્કના (ગુજરાતી) ગવર્નર આઇ.જી. પટેલે મોરારજીભાઈને કહ્યું હતું કે કાળું નાણું ધરાવતા લોકો તેને ઘણું ખરું રોકડ સ્વરૂપે રાખતા નથી. થોડા સમય પહેલાં ઇન્કમટેક્સ વિભાગના 2012-13થી ગયા વર્ષ સુધીના આંકડાના અભ્યાસ પરથી એ જ તારણ નીકળ્યું હતુંઃ કાળું નાણું રાખનારા તેમની કુલ બે નંબરી સંપત્તિનો માંડ 5-6 ટકા હિસ્સો રોકડ સ્વરૂપે રાખે છે.

તો કાળા નાણાંની સમાંતર અર્થવ્યવસ્થામાં આટલું ઓછું પ્રમાણ ધરાવતી રોકડ માટે, કુલ ચલણમાંથી 86 ટકા જેટલી રકમની ચલણી નોટો રદબાતલ કરતાં પહેલાં વડાપ્રધાને કઈ ગણતરીઓ માંડી હતી? કયા તર્ક લગાડ્યો હતો? કે પછી તીર માર્યા પછી તેની આસપાસ કુંડાળાં દોરવાની આવડત પર ભરોસો રાખ્યો હતો? માન્યું કે નિર્ણય લેતાં પહેલાં એ પ્રક્રિયા ગુપ્ત હોય, પણ હવે તો એ જાહેર કરી શકાય કે ફાયદો-નુકસાનનો કેવી રીતે તોલ કરીને, કયા નિષ્ણાતોના સૂચન અને કોના વિરોધ વચ્ચે આ નિર્ણય લેવાયો હતો? અથવા, આવી કોઈ પ્રક્રિયા થઈ હતી ખરી?

નોટબંધીનું અણઘડ-અપૂરતું આયોજન, તેના કારણે ઉભી થતી મુશ્કેલીઓ અને તેના આધારે સતત બદલાતું રહેતું નોટબંધીનું લક્ષ્ય, કેવળ ભાષણોથી લોકોના અસંતોષ પર કાબૂ મેળવી લેવાનો આત્મવિશ્વાસ, ગંભીર અસરો ધરાવતા નિર્ણયો ઉતાવળે લઈ લીધા પછી છેવટે, તેનાં પરિણામો સાથે પનારો પાડવા આર્થિક નિષ્ણાતોની સલાહકાર સમિતિ નીમવાનું ‘શાણપણ’—આ બધું સાથે મૂકીને શું દેખાય છે? એ નાગરિકોએ નક્કી કરવાનું છે.
***

નોટબંધીની વાર્તા

Wednesday, June 21, 2017

આર્થિક સમસ્યાઓના રાજકીય ઉકેલનું અનિષ્ટ

અર્થશાસ્ત્ર (આ લેખક સહિતના) મોટા ભાગના લોકોની પહોંચ બહારનો છતાં સૌને સ્પર્શતો વિષય છે. રાજકારણની જેમ અર્થશાસ્ત્રમાં પણ આપણે રસ લઈએ કે ન લઈએ, તે આપણામાં રસ લે છે અને આપણા જીવનને સીધી અસર કરે છે. એટલે, નિષ્ણાતના કે પ્રખર અભ્યાસીની રૂએ નહીં, પણ પીડિતની ભૂમિકાએ તેમાં દાખલ થવાની- તેની સાથે પનારો પાડવાની ફરજ પડે છે.

જેમ કે, નોટબંધીની અસરો, ખેડૂતોની સમસ્યા, બૅન્કોની નૉન-પરફોર્મિંગ અસેટ્સ (સલવાઈ ગયેલાં ધીરાણ)... આ વિષયોમાં નિષ્ણાત ગણાતા લોકોનાં લખાણ વાંચ્યા પછી ગુંચવાડો ઘટવાને બદલે વધી શકે છે. કારણ કે અર્થશાસ્ત્રનાં ઘણાં પગલાંની અસરનો આધાર માપનારની ફુટપટ્ટી પર રહે છે. દા.ત. નોટબંધીના નિર્ણયને અર્થશાસ્ત્રીય વિચારધારા અંતર્ગત વરી ચૂકેલા અભ્યાસીઓ તેની સારી કે સંભવિત સારી અસરોનો મહિમા કરતાં નહીં થાકે. એ સમયગાળામાં સંખ્યાની દૃષ્ટિએ નાના વર્ગના વાંકે લાઈનમાં ઉભા રહી ગયેલા અને મહિનાઓ સુધી અગવડો વેઠનારા મોટા વર્ગની મુશ્કેલી તેમને 'દેશહિત માટે નાનકડું બલિદાન’ લાગશે. દેશના વિકાસના સૂચક ગણાતા કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં નોંધપાત્ર ઘટાડો થાય તો પણ સરકારની માફક કેટલાક અભ્યાસીઓ તેને 'લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની ખોટ' ગણાવશે.

--અને આ ચર્ચામાં કોઈ પણ વિષયને મોદીતરફી અને મોદીવિરોધી એમ બે જ રંગમાં જોનારા (અભ્યાસીઓ સહિતના) લોકોની વાત જ નથી. આ ધ્રુવીકરણમાં ન હોય એવા લોકો પણ પોતાની આર્થિક માન્યતાઓને કટ્ટરતાથી વરેલા હોઈ શકે છે--અને તેમાંથી પેદા થતી મક્કમતા ધાર્મિક ઝનૂન કરતાં થોડીક જ ઓછી હોય છે. આ સંજોગોમાં અર્થશાસ્ત્રને લગતી ચર્ચા પણ ધાર્મિક વિવાદ જેવી આત્યંતિક અને સરવાળે નિરર્થક બની રહે છે. સરકારી જૂઠાણું અને સરકારોના પક્ષે રહેલો વિશ્વસનિયતાનો અભાવ આ સમસ્યાને વકરાવે છે.

‘નરો વા કુંજરો વા’થી માંડીને નરાતળ જૂઠાણાં ઉચ્ચારવાં એ કોઈ એક સરકારની 'ખૂબી' નથી. છતાં, વર્તમાન સરકાર મારા જેવા ઘણાને આ બાબતમાં વિશેષ લાયકાત ધરાવતી લાગે છે અને બીજા ઘણાને તે નકરી પવિત્ર ગાય લાગે છે.  એટલે, એનડી ટીવીના એક ખાનગી બૅન્ક સાથેના સેટલમૅન્ટ અને તેમાં સંકળાયેલી રૂ.45 કરોડની રકમ માટે ઉત્સાહી થઈને રૉય દંપતિ પર દરોડા પાડતી સીબીઆઈ વિજય માલ્યા સામેના રૂ.9 હજાર કરોડના કેસમાં છ-છ મહિના થયે બ્રિટનની અદાલતને મજબૂત પુરાવા કેમ નહીં આપી શકતી હોય? એવો સવાલ મહત્ત્વનો કે સરકારે જેનો જાહેરમાં ખુલાસો કરવો પડે એવો ગણાતો નથી. માલ્યા રૂ. 9 હજાર કરોડ રૂપિયામાં નવડાવી જાય, એટલે બીજાને (પ્રમાણમાં) નાની રકમોનું કરી નાખવાનો પરવાનો મળી જતો નથી. પરંતુ સવાલ સરકારી તપાસ સંસ્થાની પ્રાથમિકતા અને તીવ્રતાનો છે. ત્યાં એનડી ટીવી પ્રત્યેનો અભાવ કે દુર્ભાવ મુખ્ય અને અર્થશાસ્ત્ર ગૌણ બની જાય છે.

અર્થશાસ્ત્રનો બીજો અને કાયમી મોરચો છેઃ ખેતી. ખેડૂતોનાં દુઃખનો કેમ ઉકેલ આવતો નથી? તેનું કારણ પણ એ છે કે તેમની આર્થિક-માળખાકીય સમસ્યાઓનો ઉભડક, થૂંકના સાંધા જેવો રાજકીય ઉકેલ કાઢવામાં આવે છે. ખેડૂતોની વર્તમાન અવદશા માટે નોટબંધી કેટલી હદે જવાબદાર ગણાય, તે નિષ્ણાતો વચ્ચે ચર્ચા અને મતભેદનો વિષય છે. કેટલાક માને છે કે નોટબંધીને પરિણામે સર્જાયેલી રોકડની અછતને લીધે ખરીદશક્તિ ઘટી જવાને કારણે (અને ઉપજ વધારે હોવાને કારણે) પાકોના ભાવ ઘટી ગયા અને ખેડૂતોને પાક ફેંકી દેવાનો કે સડી જવા દેવાનો વારો આવ્યો. તેની સામે એવી પણ દલીલ કરવામાં આવે છે કે અનાજ સિવાયના (ફળો-શાકભાજી વગેરે) પાકમાં ભાવના ચઢાવઉતાર આવતા રહે છે. એક વર્ષે તેમના ભાવ ઊંચા જાય એટલે બીજા વર્ષે તેનું વાવેતર વધે અને પાક પણ વધે. આ રીતે ઉતરેલા અઢળક પાકને જાળવી રાખવાની ક્ષમતા ન હોય, એટલે તેને તત્કાળ સસ્તા ભાવે વેચવો પડે. તેના કારણે બીજા વર્ષે તેનું વાવેતર ઓછું થાય, ફસલ ઓછી થાય અને ભાવ વધે. આ ચક્રગતિમાં અપવાદો હોય જ છે. પરંતુ મૂળ મામલો માગ અને પુરવઠાના ખોરવાયેલા સંતુલનનો છે.

આ ચર્ચાને નોટબંધીની તરફેણ કે વિરોધ પર અટકાવી રાખવાને બદલે, તેના ઉકેલ વિશે વિચારવામાં આવે તો? એક હકીકત નિર્વિવાદ છેઃ દેશમાં અનાજ સિવાયના, બાગાયતી (શાકભાજી-ફળો) પાકને સંઘરવાની ક્ષમતા અત્યંત ઓછી છે--અને ખેડૂતોની મજબૂરીનું તે એક મોટું કારણ છે.  સરકારી આંકડા પ્રમાણે, બાગાયતી ફસલને સંઘરવાની હાલની ક્ષમતા રાષ્ટ્રિય જરૂરિયાતના માંડ 6 ટકા જેટલી છે. (ફાઇનાનશ્યલ ઍક્સપ્રેસ, 17-6-2017)

એકાદ દાયકા પહેલાં રીટેઇલ કહેતાં છૂટક વેપારમાં વિદેશી કંપનીઓના આગમન વિશે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ત્યારે, વૉલમાર્ટ જેવી કંપનીઓ સામે કરાતી મુખ્ય દલીલ એ હતી કે તે આવશે અને બજારમાં છવાઈ જશે. તેમને ખેડૂતોના શોષક તરીકે પણ રજૂ કરવામાં આવી હતી. આ કંપનીઓનું ચરિત્ર જુદી ચર્ચાનો વિષય છે, પણ એ વખતે અર્થશાસ્ત્રની આંટીઘૂંટીમાં પડ્યા વિના સામાન્ય સમજથી દેખાતી વાત એ હતી કે વૉલમાર્ટ જેવી કંપનીઓની એક મુખ્ય તાકાત તેમની સંગ્રહક્ષમતા છે. બજારમાં ફસલ ઠલવાઈ હોય ત્યારે તે સસ્તા ભાવે ફસલ ખરીદીને સમય આવ્યે તેને ખપમાં લઈ શકે છે. એ વખતે પણ આ જ સવાલ થયો હતો કે કોલ્ડ સ્ટોરેજથી માંડીને બીજી સુવિધાઓ ઉભી કરીને સંગ્રહક્ષમતા વધારવી, એમાં કશું રૉકેટ સાયન્સ નથી. ઉલટું, એક ગંભીર સમસ્યાનો તે પ્રમાણમાં સહેલો અને સાધ્ય કહેવાય એવો ઉકેલ છે. તો સરકારો તે શા માટે અપનાવતી નથી? અને વૉલમાર્ટ આવશે, કોલ્ડ સ્ટોરેજોનું માળખું સ્થાપશે અને આપણા બજારમાં ભેલાણ કરી જશે એવી બીક કેમ રાખે છે? અથવા વધારે અગત્યનો સવાલ એ કે આ સુવિધા ઊભી કરવા માટે સરકાર વૉલમાર્ટ જેવી કંપનીઓ આવે તેની રાહ કેમ જુએ છે?

એવો જ સવાલ નર્મદા યોજનામાં બંધની ઊંચાઇના વિવાદ બાબતે હતો અને છેઃ બંધની ઊંચાઈનો મામલો ભલે હમણાં સુધી અદાલતમાં હતો, પણ આ યોજનાની નહેરોનું માળખું બનાવવાનું સંપૂર્ણપણે રાજ્ય સરકારના હાથમાં હતું. છતાં એ કામ સીધો રાજકીય ફાયદો અપાવનારું ન હોવાથી તેની ઉપેક્ષા થતી રહી. સરદાર સરોવર નિગમની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે 458 કિ.મી. લાંબી મુખ્ય નહેરનું જ કામ સંપૂર્ણપણે પૂરું થઈ શક્યું છે. બાકી,  નાનીમોટી બધી નહેરોના માળખાની કુલ પ્રસ્તાવિત લંબાઈ 71,748 કિ.મી. છે, જેમાંથી આટલાં વર્ષો પછી અને આટલા નેતાઓની ગાજવીજ પછી પણ 45,095 કિ.મી.નું કામ પૂરું થઈ શક્યું છે.
સારઃ અર્થશાસ્ત્રમાં ટપ્પી ન પડે એનો અર્થ એવો નહીં કે સામાન્ય સમજ પણ કોઈ પક્ષ કે નેતાના ચરણોમાં ધરી દેવી. 

Tuesday, December 27, 2016

જનઆંદોલન પણ ચલણમાંથી રદ છે?

નોટબંધી પછીના સંઘર્ષમય દિવસો પૂરા થયા નથી, ત્યારે  જાહેર જીવનના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો સવાલ છે : વિના વાંકે આટઆટલી અગવડો વેઠ્યા પછી પણ દેશભરના લોકો કેમ સળવળતા નથી? ખાસ કરીને એવા સમયે, જ્યારે કમ સે કમ ગુજરાતમાં તો નવી યુવા નેતાગીરીની અને જનઆંદોલનની મોસમ બેઠેલી હતી. દેશની વાત કરીએ તો, અન્નાનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન અને દિલ્હી બળાત્કારની ઘટના પછી થયેલા વ્યાપક દેખાવો તરત યાદ આવી શકે એટલાં તાજાં છે. ટૂંકમાં, લોકોને સડક પર ઉતારી શકાતા હતા ને આંદોલિત કરી શકાતા હતા, એ ઇતિહાસ બની ચૂકેલી બાબત નથી. તો પછી આવું કેમ?

ઉપર ઉલ્લેખેલાં તમામ આંદોલનોમાં સામેલ ઘણાખરા લોકો સીધા અસરગ્રસ્ત ન હતા. છતાં, તેમને ભ્રષ્ટાચાર, મહિલાસુરક્ષા, પોતાના સમાજના હક કે પોતાના સમુદાય પર થતા અત્યાચાર જેવા મુદ્દે બહાર આવવાનો ધક્કો લાગ્યો. હવે એ સૌ અને એમના સિવાયના બધા દેશવાસીઓ પણ નોટબંધીથી સીધા અસરગ્રસ્ત છે. છતાં, તે આ મુદ્દે કેમ આંદોલિત થયા નથી?

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી બંધારણીય અને લોકશાહીની દૃષ્ટિએ સૌથી ભયંકર ઘટના હતી. વ્યાપ અને કામચલાઉ ખરાબ અસરોની બાબતમાં વર્તમાન નોટબંધી કટોકટીને પણ ટપી ગઇ. જંગલમાં વસતા આદિવાસીઓથી માંડીને દક્ષિણ મુંબઇમાં રહેતા માલેતુજારો સુધીના સૌ કોઇ નોટબંધીથી હેરાન થયા. રોજેરોજ બૅન્કોમાં દેખાતી લાઇનો જોતાં, સામાન્ય માણસો હજુ પણ હેરાન થઇ રહ્યા છે. પોતાના રૂપિયા બૅન્કમાંથી મળે તો લોકો એવા રાજી થાય છે, જાણે સરકારે તેમને બક્ષિસ આપી હોય. છતાં કોઇના પેટનું પાણી હાલતું કેમ નથી? અને કેમ જનઆંદોલન જાગતું નથી?

આ સવાલ રાજકીય જેટલા જ સામાજિક અને નાગરિકી દૃષ્ટિએ પણ અગત્યના છે. તેમનો કોઇ એક ગાણિતીક જવાબ નથી. ઘણાં પરિબળોનો સરવાળો તેમાં થયેલો હોય. તેમાંથી કેટલાંકને ઓળખવાનો પ્રયાસઃ

નોટબંધીના નિર્ણયના સમર્થકો કહેશે કે ‘સીધી વાત છે. આ પગલું લોકોના અને દેશના હિતમાં છે. પછી લોકો શા માટે આંદોલન કરે? લોકો સમજુ છે અને નોટબંધીનો વિરોધ કરનારા વાસ્તવમાં મોદીવિરોધી છે. એટલે કકળાટ કરે છે.’ તેમને ભલે આવું લાગે, પણ આ એવી સીધી વાત નથી. નોટબંધીની અસરો વિશે અભ્યાસીઓ વચ્ચે મતભેદ છે. નોટબંધીનાં આર્થિક પરિણામ કેવાં આવે, એ વિશે સમર્થકો કે ટીકાકારો, કોઇ છાતી ઠોકીને કહી શકે એમ નથી. પરંતુ ભારત જેવા દેશની ચલણી નોટોનો ૮૬ ટકા હિસ્સો કશી પૂર્વતૈયારી વિના રદ કરી દેવાથી કેવી અરાજકતા ફેલાઇ, તે સ્વયંસ્પષ્ટ છે અને તેમાં સરકારની-વડાપ્રધાનની સીધી જવાબદારી છે.

નોટબંધીના તરફી લોકો અરાજકતાને ‘કામચલાઉ’ ગણાવીને, ‘લાંબા ગાળાનું ચિત્ર નજર સામે રાખવાનું’ અથવા  વડાપ્રદાનની દાનતને ધ્યાને લેવાનું કહે છે. આશરે છ અઠવાડિયાંથી ત્રાટકેલી મુસીબતોની ગંભીરતાને તે અવગણે છે અથવા બહુ હળવાશથી લે છે. છ અઠવાડિયાંનો સમયગાળો કામચલાઉ ન કહેવાય. છતાં, દલીલ ખાતર એમ માનીએ તો પણ તેની ખરાબ અસરો ગંભીર છે અને તે લાંબા ગાળાની પણ હોઇ શકે છે. ‘સૌ સારાં વાનાં થશે’ એવી આશા હાલ તો ‘વિશફુલ થિંકિંગ’ના ખાનામાં આવે. કારણ કે અર્થશાસ્ત્રીઓ પણ એ વિશે ખાતરીથી કહી શકતા નથી. દરમિયાન, નોટબંધીની અંધાધૂંધીમાં થયેલાં મૃત્યુ, ઠપ થયેલા ધંધાઉદ્યોગ, તેના કારણે ઊભી થયેલી રોજગારીની સમસ્યા, તેમાંથી જન્મેલી કૌટુંબિક-સામાજિક સમસ્યા, સ્થળાંતરો...આ બધી નક્કર સમસ્યાઓ છે.

છેલ્લા સ્તરની મુશ્કેલી ન પડી હોય તેમને થોડી ઓછી ગંભીર તકલીફ વેઠવાની થઇ છે. પણ સરકારપક્ષને અને નોટબંધીના સમર્થકોને તેમાંથી કશું જ સ્પર્શતું નથી. તેમને લાગે છે કે નોટબંધીનાં સંભવિત સુપરિણામો માટે આ બધું વસૂલ છે. આવું માનનારા લોકો પોતે કેટલીક મુશ્કેલી ભોગવી ચૂક્યા છે. છતાં, તે નોટબંધી કે વડાપ્રધાન કે બન્ને પ્રત્યેના સમર્થનને કારણે, સડકો પર ઉતરે તેમ નથી. આ વર્ગ કરતાં થોડો જુદો, પણ તેમની સાથે જોડી શકાય એવો બીજો વર્ગ માને છે કે ‘અમલમાં મુશ્કેલી પડી ને સરકારે થાપ ખાધી, પણ તેનો ઇરાદો સારો હતો. માટે તેને માફ કરી દેવી જોઇએ.’  (વડાપ્રધાનના ઇરાદા હંમેશાં ધ્રુવીકરણ પ્રેરે એવી ચર્ચાનો વિષય રહ્યા છે)

આર્થિક રીતે સમાજના છેવાડે રહેલા લોકોનો એક વર્ગ અમસ્તો બિચારાપણું અનુભવતો હોય છે. નોટબંધીની લાઇનોએ તેમના બિચારાપણામાં ઉમેરો કર્યો છે અને બિચારાપણાના ભારથી તેમને લગભગ દબાવી જ દીધા છે. બે ટંક રોટલાભેગા થવાનો સવાલ તેમના માટે હતો એના કરતાં પણ મોટો બની ગયો હોય, ત્યાં વિરોધ કરવા જેટલી ત્રેવડ તેમનામાંથી ક્યાંથી રહી હોય?

હજુ એક વર્ગ છે, જે સાવ ગરીબ નથી. જેને બે ટંકના ભોજનની મુશ્કેલી નથી. તે નોટબંધીથી પીડિત છે, સોશ્યલ મિડીયા વાપરે છે અને પ્રમાણમાં બોલકો છે. એ વર્ગમાંથી કેટલાક સોશ્યલ મિડીયા પર નોટબંધીની ટીકા કરે છે, તેની રમૂજો બનાવે છે, ક્યારેક ઉશ્કેરાઇને બૅન્કો પર ધમાલ મચાવે છે. આ વર્ગ નાનો નથી અને તેમનો અસંતોષ ઓછો નથી. પરંતુ નવનિર્માણ હોય, અન્ના આંદોલન હોય કે દિલ્હીના બળાત્કારવિરોધી વિરોધી દેખાવો, એ બધામાં એક તબક્કા પછી વિરોધી પક્ષોની છૂપી કે પ્રગટ ભૂમિકા હતી. વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનો લોકોના અસંતોષને વાચા આપવાની સાથોસાથ, તેનો સરવાળો અને ગુણાકાર કરવાનું કામ કરે છે.

ભૂતકાળનાં ઘણાં આંદોલનમાં ભાજપ અને તેનાં સાથી સંગઠનોએ પડદા પાછળ રહીને અગત્યની ભૂમિકા ભજવી હતી. ચાલુ સરકારનો ધજાગરો થાય તો પોતાનો ગજ વાગે, એ તેમનું સાદું ગણિત. હવે ભાજપ સત્તામાં છે અને તેની જગ્યા લઇ શકે, લોકોના અસંતોષને એકજૂથ કરી શકે એવો કોઇ મજબૂત, શેરીયુદ્ધનો અનુભવ ધરાવતો વિપક્ષ મોજૂદ નથી. કૉંગ્રેસને એ આવડતું નથી અથવા શીખવું નથી. અરવિંદ કેજરીવાલ એ જ રસ્તે મુખ્ય મંત્રી બન્યા, પણ ભ્રષ્ટાચાર સામેની લડાઇનું વધારે મોટું દીવાસ્વપ્ન બતાવવામાં વડાપ્રધાન મેદાન મારી ગયા છે.

નોટબંધી થકી વડાપ્રધાને કાળાં નાણાં સામેની લડાઇમાં પોતાની નિષ્ફળતાને નાટ્યાત્મક રીતે સફળતામાં ફેરવી દીધી છે. તેમની સફળતા એ નથી કે તે કાળાં નાણાં સામેનું યુદ્ધ જીતી ગયા. પ્રચારપટુતા અને ધ્રુવીકરણની ક્ષમતાના જોરે તેમણે ભ્રષ્ટાચારવિરોધી લડવૈયા તરીકેની પોતાની છબી વધારે મોટી બનાવી અને તેની નીચે પોતાની જૂની-નવી નિષ્ફળતાઓને ઢાંકી દીધી. એ તેમની સિદ્ધિ છે--અને વિપક્ષો તથા લોકસંગઠનોની જુદી જુદી નિષ્ફળતા છે. સામાજિક કાર્ય કરતાં સરેરાશ સંગઠનો રાજકીય વિરોધની ક્ષમતા ગુમાવી બેઠાં છે અથવા એ પોતે પોતાના સંસારમાં એવાં મસ્ત છે--પોતે આંકેલી કે ફંડિગ એજન્સીએ આંકી આપેલી હદને એવી ચુસ્તીથી પાળે છે કે દેશના આટલા વિશાળ જનસમુદાયને પડી રહેલી ભારે અગવડ પણ જનઆંદોલનનો મુદ્દો બનતી નથી.

                

Tuesday, December 20, 2016

નોટબંધીની વાર્તા અને બોધપાઠ

એક ઘર હતું. આખું લાકડાનું બનેલું. ઘરના માણસોની સામાન્ય અવરજવરથી એ ધ્રુજે, પણ ભૂકંપ આવે ત્યારે અડીખમ ઊભું રહે. તેમાં માણસ ઝાઝા ને જગ્યા ઓછી. ઘરમાં માંકડનો બહુ ઉપદ્રવ. રાત પડ્યે ઘરનાં માણસોનું લોહી પીએ. ખાટલામાં કરડે ને ભોંયપથારીમાં પણ ચટકે. ઘરમાં મહેમાનોની કાયમી અવરજવર. બધા આવે, માંકડનો ત્રાસ દૂર કરવાની વાત કરે અને પોતાનો સમય થાય એટલે પાછા જતા રહે. ઘણી વાર તો એ લોકો એવું કરીને જાય કે માંકડની વસ્તી વધે.

એક વાર એક મહેમાન આવ્યા. બહારથી જ એ માંકડોને ચપટીમાં ચોળી નાખવાના દેકારા કરતા હતા. થોડા વખત પછી ઘરમાં ગણગણાટ શરૂ થયો. ‘માંકડોનો ખાત્મો બોલાવવાના વાયદાનું શું થયું?’ એવું લોકો તેમને પૂછવા લાગ્યા. એક રાત્રે, ઘરના લોકો પરવારીને સુવાની તૈયારી કરતાં હતાં ત્યારે, મહેમાને લાકડાના ઘર પર કેરોસીન છાંટ્યું અને પછી ચાંપી દિવાસળી. જોતજોતામાં આગ ભભૂકી ઉઠી.  ઘરનાં લોકો હાંફળાંફાંફળાં બહાર દોડ્યાં, કંઇક પડ્યાંઆખડ્યાં- ઘાયલ થયાં ને કેટલાંક મૃત્યુ પણ પામ્યાં.

સાજાંસમાં રહેલાં લોકોએ મહેમાનને પૂછ્‌યું,‘આ તમે શું કર્યું? માંકડ મારવાને બદલે તમે તો ઘર સળગાવી માર્યું.’ મહેમાને કહ્યું,‘ગભરાશો નહીં. આ આગમાં બધા માંકડ મરી જશે. પછી તમારે કાયમી શાંતિ થઇ જશે. તમે એ વિચારો કે અત્યારે આગના ભડકા વચ્ચે માંકડોની કેવી કફોડી દશા થતી હશે? અત્યારે તેમણે કેવી દોડાદોડ મચાવી હશે? એનાથી તમને સંતોષ થવો જોઇએ ને તમારે ઘર સળગી ગયાની ફરિયાદ ન કરવી જોઇએ.’ તેમના ટેકામાં બીજા કેટલાકે કહ્યું,‘ઘરને માંકડમુક્ત બનાવવા માટે આ જરૂરી હતું. એક વાર નવું ઘર ઊભું થઇ જાય, પછી બધાનું ભલું થશે.’

આવી વાતો સાંભળીને ઘરનાં ઘણાં લોકો હકારમાં ડોકાં હલાવવા માંડ્યાં અને બળેલા ઘરની જગ્યા સાફ કરવા મંડ્યાં. ત્યારે જોયું તો ઘણા માંકડ જમીનમાં ભરાઇ ગયા હતા અને રાખ સાફ થતાં પાછા બહાર આવી રહ્યા હતા--નવા ઘરમાં વસવા માટે.

માંકડ મારવા માટે ઘર સળગાવી દેવાનું પગલું વાજબી ગણાય કે નહીં અને તેમાં ફાયદો વધારે થાય કે નુકસાન વધારે, એની ચર્ચા કેટલાક નિષ્ણાતો કરી રહ્યા હતા. ખાટલામાં ને પથારીમાં સંતાયેલા ઘણા માંકડ સળગી ગયા, એને અસરકારક પરિણામ ગણાવાતું હતું.  બચી ગયેલા માંકડ પણ બીને કરડવાનું બંધ કરી દેશે, એવું કહેવાતું હતું. કેટલાક એમ પણ કહેતા હતા કે ‘ભલે ઘર બળી ગયું, પણ માંકડ મારવાની કોશિશ તો થઇ. આવું હિંમતવાળું પગલું આ પહેલાં કોઇએ ભર્યું હતું? હવે જોજો, જૂના ઘરની જગ્યાએ નવું સરસ ઘર બનશે.’

દરમિયાન, મહેમાને જાહેરાત કરી કે ‘માંકડનાબૂદીનો ઉપાય મળી ગયો છે. કોઇએ ખાટલામાં-પથારીમાં સુવું નહીં કે ખુરશીઓમાં બેસવું નહીં. આપણે ઘરને ‘‘બેઠક-લેસ’’ બનાવી દઇશું, એટલે માંકડોનો ત્રાસ આપોઆપ મટી જશે.’
***
માંકડ જીવતા રહે, ઘર બળી જાય ને માંકડનાબૂદી માટે નવાં પગલાં જાહેર થાય, એવી સ્થિતિ નોટબંધી પછી ‘કૅશલેસ’ના પ્રચારને કારણે સર્જાઇ છે. આવી ગંભીર બાબતોની પૂરેપૂરી આંટીધૂંટી બોધકથા કે સરખામણીઓથી ન સમજી શકાય. પરંતુ અત્યાર લગી જે કંઇ બન્યું છે, તેનો કંઇક સાર આ કથા પરથી આવી શકે છે.

ઘણી વાર આંકડા ને અભ્યાસો ટાંક્યા પછી પણ એકાદ સચોટ ઉદાહરણથી વાતનો અર્ક તરત સમજાઇ જાય. જેમ કે, વડાપ્રધાને જાહેર કરેલી ‘કૅશલેસ’ની ઝુંબેશ અને તેની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વિશે એક લેખકે કહ્યું કે ‘આ તો ફૉર્મ્યુલા વનની રેસમાં ગાડું ઉતારવા જેવી વાત છે.’ તો બીજાએ કહ્યું કે ‘આ ઘોડા આગળ ગાડી મૂકવાનો ધંધો છે.’

ભારત હજુ ‘કૅશલેસ’ બનવા માટે તૈયાર નથી, તેના ટેકામાં કરાતી દલીલો : અડધાઅડધ લોકોનાં બૅન્કખાતાંનાં ઠેકાણાં નથી, એંસી ટકા લોકો પાસે સ્માર્ટફોન નથી, ઇન્ટરનેટ કનેક્શનનાં ઠેકાણાં નથી, ડિજિટલ સુરક્ષાની દિશામાં ભાગ્યે જ કશો વિચાર થયો છે. બૅન્કોમાંથી રૂપિયા મેળવવા ધક્કા ખાધા પછી લોકો પરંપરાગત રીતે વિશ્વાસુ એવી બૅન્કો બાબતે અવિશ્વાસ અને અસલામતી અનુભવતા થયા છે. તો કૅશલેસ વ્યવહાર માટે તે બૅન્કો ને અજાણી કંપનીઓ પર શી રીતે ભરોસો મૂકે? ભારતીય સમાજજીવનમાં રોકડની ભારે બોલબાલા રહી છે. કારણ કે, પાસે રોકડ હોય તેને ‘સ્વાઇપ મશીન ચાલતું નથી’, ‘સર્વર ડાઉન છે’, ‘અમે ફલાણું કાર્ડ સ્વીકારતા નથી’ જેવા જવાબો સાંભળવા પડતા નથી ને તેનું કામ અટકતું નથી. મોબાઇલને વૉલેટ (પાકિટ) બનાવી દેવામાં તેના ખોવાઇ જવાથી માંડીને સુરક્ષા અને જુદી જુદી કંપનીઓનાં ‘પાકિટ’ વચ્ચે વ્યવહાર થતો નથી, એવાં અનેક કારણ છે.

તેની સામે થતી દલીલ એવી છે કે કોઇ પણ નવી શોધ આવે, ત્યારે તેની સામે આવો જ વિરોધ હોય છે. કમ્પ્યુટર જેવી ક્રાંતિકારી શોધ માટે આઇ.બી.એમ.ના વડાને એવું લાગ્યું હતું કે ‘આખી દુનિયામાં થઇને માંડ પાંચેક કમ્પ્યુટર વેચાય.’ પરંતુ આપણે જોઇએ છીએ કે હવે કમ્પ્યુટર વિના દુનિયા ચાલતી નથી. એવું જ કૅશલેસ અર્થતંત્રના મામલે થશે.
આવી દલીલો-પ્રતિદલીલો વચ્ચે શાંતિથી વિચારવા અને યાદ રાખવા જેવી કેટલીક બાબતો :

- કૅશલેસ વ્યવહારોનું પ્રમાણ વધે તે આવકાર્ય છે. તેનાથી પારદર્શકતા વધે છે. ઘણા કિસ્સામાં સુવિધા પણ વધે છે. પરંતુ મોટા ભાગના વ્યવહારો કૅશલેસ બને ત્યારે પ્રાઇવસીના અને સરકારી અંકુશના પ્રશ્નો ઊભા થઇ શકે. તે અંગેની સ્પષ્ટ નીતિ અને તેનું અમલીકરણ કરવા જેટલી રાજકીય દાનત (કોઇ પણ પક્ષના) નેતાઓમાં દેખાતી નથી.

- સ્માર્ટ ફોનની સંખ્યાથી માંડીને ઇન્ટરનેટ કનેક્શનની સ્પીડ અને લેવડદેવડની વિશ્વસનીયતા-સુરક્ષા જેવી સમસ્યાઓ બે-પાંચ વર્ષમાં ઉકલી જાય તો કૅન્યાની જેમ ભારત પણ ઘણા અંશે કૅશલેસ બની શકે છે. પરંતુ રોકડ અને ભ્રષ્ટાચાર બે જુદી બાબતો છે. તેમની વચ્ચે થોડો સંબંધ છે, પણ મોટા ભાગના વ્યવહાર કૅશલેસ થઇ જાય, એટલે ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય એવું માની લેવાની જરૂર નથી.

- દેશને કૅશલેસની દિશામાં લઇ જવો, ભ્રષ્ટાચાર-કાળાં નાણાં-ત્રાસવાદ સામે ઝુંબેશ ઉપાડવી અને કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના ત્રણ-ચાર ટકાને બદલે બાર-તેર ટકા જેટલી રકમ રોકડ તરીકે ફરતી હોય તો તેનું પ્રમાણ નીચું લાવવું-- આ ત્રણે હેતુઓ જુદા જુદા છે. નોટબંધીને આ બધાં દુઃખોની મુખ્ય અને અકસીર દવા તરીકે રજૂ કરવાના સરકારી પ્રયાસોમાં દાનત અથવા સમજ અથવા બન્નેના ગંભીર પ્રશ્નો દેખાય છે. દાનતના પ્રશ્ન વિશે ફક્ત આટલું જ : ગયા સપ્તાહે નાણાંમંત્રીએ લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે આઠમી નવેમ્બર પહેલાં કે પછી કાળાં નાણાંના કુલ જથ્થાનો કોઇ સત્તાવાર અંદાજ મોજુદ નથી.


નોટબંધીનો અમલ ધબડકાયુક્ત છે એ તો જાણે ખરું, પણ તેની પાછળનું મુખ્ય પ્રેરક બળ આર્થિકને બદલે રાજકીય હોવાની આશંકા પણ મજબૂત છે. કદાચ એટલે જ, આ પગલાને આર્થિક ફુટપટ્ટીથી માપતા નિષ્ણાતો બહુ મહેનત કરે છે, છતાં આ નિર્ણયને સંતોષકારક રીતે સમજાવી શકતા નથી અને નષ્ટ થયેલા માંકડની આશામાં બળેલું મકાન નજરઅંદાજ કરતા હોય એવું લાગે છે.

Tuesday, December 06, 2016

નોટબંધીઃ તરહ તરહના તાનપલટા

વડાપ્રધાને નવેમ્બર 8ના રોજ નોટબંધીની જાહેરાત કરી ત્યારે એ પગલું આવકારદાયક લાગ્યું હતું. પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે દેશવિરોધી-અસામાજિક તત્ત્વોએ સંઘરી રાખેલી રૂ.પાંચસો અને રૂ. એક હજારની નોટો કાગળના ટુકડા જેવી નકામી બની જશે. તેમણે લોકોને દેશહિતમાં થોડા સમય માટે મુશ્કેલી વેઠી લેવાની અને ‘પ્રામાણિકતાના પર્વ, ઇમાનદારીના ઉત્સવ’માં જોડાવા હાકલ કરી. તેમના ભાષણમાં એ સ્પષ્ટ હતું કે નોટબંધીનો નિર્ણય કાળાં નાણાં, ભ્રષ્ટાચાર અને ત્રાસવાદ સામેની લડાઇના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. માટે, તેને ખાનગી રાખવાનું જરૂરી હતું.

અત્યારે નવાઇ લાગે એવી, છતાં યાદ કરવા જેવી વાત એ છે કે તેમના નવેમ્બર 8ના આખા ભાષણમાં ‘કેશલેસ ઇકોનોમી’નો ક્યાંય ઉલ્લેખ ન હતો. ભ્રષ્ટાચાર-કાળાં નાણાં સામેની લડાઇમાં ‘કેશલેસ ઇકોનોમી’ કેટલો મહત્ત્વનો ભાગ ભજવી શકે અને નાગરિકોએ ‘કેશલેસ ઇકોનોમી’માં જતા રહેવું જોઇએ, એવી અછડતી વાત પણ તેમણે એ ભાષણમાં કરી ન હતી. બાકી, સરકારી યોજનાઓ અને સરકારે લીધેલાં પગલાંથી માંડીને પ્રામાણિક રીક્ષાવાળા-ટેક્સીવાળા જેવી ઘણી વાતો તેમણે કરી—અને સમયનો પ્રશ્ન તેમને અમસ્તો પણ ન હોય.

સવાલ છેઃ ત્રણ અઠવાડિયાં દરમિયાન એવું શું બન્યું કે જેથી ભાષણમાં વડાપ્રધાનને જેનો ઉલ્લેખ સુદ્ધાં કરવાનું સૂઝ્યું ન હતું, એવા મુદ્દા તેમની પ્રચારઝુંબેશનો કેન્દ્રીય હિસ્સો બની ગયા? આ મુદ્દા એટલે 1) કેશલેસ ઇકોનોમી 2) ગરીબોના ઘરની બહાર લાઇન લગાડતા- ગરીબોના પગે પડતા અમીરો. ઉપરાંત, હમણાંથી વડાપ્રધાનનાં પ્રચારભાષણોમાં સાંભળવા મળતો દાવો છેઃ  ‘બધી લાઇનોના અંત માટે આ છેલ્લી વારની લાઇન છે.’ આ બધા મુદ્દા-દાવામાં કેટલું તથ્ય છે એ પણ તપાસવું પડે.

કોઇને એવો સવાલ થાય કે નોટબંધીની અર્થતંત્ર પરની વ્યાપક અસરો મુખ્ય મુદ્દો હોવાથી તેની ચર્ચા ન કરવી જોઇએ? વાત સાચી, પણ અત્યારે રજૂ કરાતા ભવિષ્યના ગુલાબી કે કાળા ચિત્રમાં અંગત ઝુકાવ ઠીક ઠીક ભાગ ભજવે છે. સરકાર જે રીતે રોજેરોજ અવનવી જાહેરાતો કરે છે અને અમલીકરણને બદલે અગ્નિશમનમાં વ્યસ્ત જણાય છે, એ જોતાં ખુદ સરકારને પણ અંતિમ પરિણામો વિશે ચોક્સાઇથી ખબર હોય, એવું માનવું અઘરું છે. (આશાવાદની વાત નથી.) એ સ્થિતિમાં વડાપ્રધાને કેશલેસ ઇકોનોમીના પૂર્ણસમય પ્રચારક તરીકે પાટો બદલ્યો છે.

કેશલેસ ઇકોનોમી—એટલે કે રોજિંદા વ્યવહારમાં રોકડ રકમની જરૂર ઓછામાં ઓછી પડે અને મોટા ભાગનો વ્યવહાર મોબાઇલ એપ કે કાર્ડથી થાય, એની ઝુંબેશ આવકાર્ય છે, પરંતુ નોટબંધીના અરાજક અમલથી પીડિત લોકોને ટાઢા પાડવા માટે કેશલેસ ઇકોનોમીનો લોલીપોપ પકડાવી દેવાય, એ ચિંતાજનક લાગે છે. આશય કેશલેસ ઇકોનોમીનો જ હોય, તો આટલી બધી અંધાધૂંધી ફેલાવવાની ક્યાં જરૂર હતી? કેશલેસ ઇકોનોમી માટેની મૂળભૂત સુવિધાઓનાં ઠેકાણાં ન હોય, બીજે તો ઠીક, ઘણાં મલ્ટિપ્લેક્સમાં ને મોટી દુકાનોમાં પણ કાર્ડ સ્વાઇપ કરવાનાં મશીન ન હોય, ત્યારે લારીવાળા- રીક્ષાવાળાના માથે એવી અપેક્ષા લાદવી એ જુલમ છે. ‘કોણે ધાર્યું હતું કે લારીવાળા-રીક્ષાવાળા મોબાઇલ રાખતા થઇ જશે?’ એવી દલીલનો સાદો જવાબ છેઃ મોબાઇલ લોકોના માથે મારવામાં આવ્યા ન હતા. લોકોને તે પોસાતા થયા ને સુવિધાજનક લાગ્યા, એટલે વસાવ્યા. કેશલેસ ઇકોનોમી ભરોસાપાત્ર અને ફાયદાકારક હશે તો લોકો આપમેળે, મોબાઇલની જેમ, તેને અપનાવશે.

પરંતુ અહીં તો નોટબંધી પછી લોકોની વાસ્તવિક મુશ્કેલીનો સાચો કકળાટ વધ્યા પછી, પચ્છમબુદ્ધિ (આફ્ટરથોટ) તરીકે, લોકોનું ધ્યાન બીજા પાટે ચઢાવવા માટે કેશલેસ ઇકોનોમીનો પ્રચાર જોરશોરથી કરાતો હોય એવું લાગે છે. કાળાં નાણાં-ભ્રષ્ટાચાર વિશેના એક-બે બાળબોધી સવાલો (‘શું તમે ઇચ્છો છો કે કાળાં નાણાં-ભ્રષ્ટાચાર સામે લડવું જોઇએ?’) પછી વડાપ્રધાન તરત એવા સૂર પર આવી જાય છે, જાણે નોટબંધીનો નિર્ણય અર્થતંત્રને કેશલેસ બનાવવાના મુખ્ય હેતુથી લેવાયો હોય.

ભાષણોમાં વડાપ્રધાને ગરીબોને થનારા કથિત ફાયદાની અને અમીરોને પડી રહેલી કથિત હેરાનગતિની વાર્તા ચલાવીને ‘ગરીબી હટાવો’ની છેતરપીંડી આચરનાર ઇન્દિરા ગાંધીની યાદ તાજી કરી આપી છે. સામાન્ય સમજ ધરાવતા લોકોને તરત સમજાશે કે અઢળક બે નંબરી નાણાં ધરાવતા લોકોએ લાઇન લગાડવાની જરૂર હોતી નથી. રૂપિયાથી બધું જ કરાવી શકાય છે. પરંતુ અમીરોને પડતી ‘અગવડ’ ને વડાપ્રધાન (બદ)ઇરાદાપૂર્વક હજારો ગણી મોટી બતાવે છે. તે ઇચ્છે છે કે ગરીબો-મધ્યમ વર્ગના લોકો અમીરોને પડતી તકલીફની વાર્તાઓથી જ રાજી થઇ જાય અને પોતાનાં નાણાં મેળવવામાં કે બદલાવવામાં પડેલી- રોજિંદા જીવનમાં હજુ પડનારી હાડમારી ભૂલી જાય.

બાકી, કાળાં નાણાં મેનેજ કરવાના ટેન્શનમાં કોઇ માલેતુજારનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય એવા સમાચાર તમે જાણ્યા?  અને લાઇનમાં ઊભા રહેલા લોકોના મૃત્યુના સમાચાર અનેક વાર સાંભળવા મળ્યા છે. બીજી વાત ગરીબોને થયેલા ફાયદાની છે. બીજાનાં કાળાં નાણાં ધોળાં કરવા લાઇનમાં ઊભા રહેનારા કે પોતાના ખાતાં ભાડેથી આપનારા ગરીબોને કમિશનનો જે ટુકડો મળે તેને ‘ગરીબોને થયેલો ફાયદો’ કેવી રીતે ગણાવી શકાય?
 
વડાપ્રધાને કહ્યું હતું કે બે નંબરની પાંચસો-હજારની નોટો નકામાં કાગળીયાં થઇ જશે. ત્રણ અઠવાડિયાં પછીની સ્થિતિ એ છે કે બે નંબરની નોટો ને રકમો માટે સરકારે સ્કીમ જાહેર કરવી પડી છે. તેમાં જાહેર થયેલી રકમમાંથી સરકાર 50 ટકા દંડ વસૂલે છે (30 ટકા વેરો કાયદાનું પાલન કરતો માણસ અમસ્તો આપતો હોય છે), 25 ટકા રકમ કાગળીયાં નહીં, કાયદેસરની સંપત્તિ તરીકે પાછી મળે છે. બાકીની 25 ટકા રકમ ચાર વર્ષ પછી, વગર વ્યાજે ધોળાં નાણાં તરીકે પાછી મળશે. કાળાં નાણાં સામે યુદ્ધ—કાળાં નાણાંવાળાને 200 ટકા દંડ ને જેલની સજાના ફૂંફાડા મારનારા હવે જાણે લાલ જાજમ પાથરીને કહે છે, ‘એજન્ટોને શા માટે શોધો છો? અમે જ કાળાનું ધોળું કરી આપીશું. ઇમાનદાર કરદાતા કરતાં 20 ટકા જ વધારે ચાર્જ તમારે ચૂકવવો પડશે.’ પરંતુ પોતાની પ્રચારપટુતા પર વડાપ્રધાન એટલા મુસ્તાક છે કે નાક-કપામણીને તે પ્લાસ્ટિક સર્જરીની પૂર્વતૈયારી તરીકે વેચી શકે છે. લેવાલ મળી રહેતા હોય તો એ શું કામ ન વેચે?

નોટબંધીનો મોટો ફાયદો એ હોત કે આશરે વીસેક ટકા (સરકારની બીક કે કડક શરતોને લીધે) બેન્કમાં પાછી ન આવત. એટલો સરકારને ચોખ્ખો ફાયદો થાત. પરંતુ અહેવાલો પ્રમાણે, પાંચસો- હજાર રૂપિયાની મોટા ભાગની નોટો બેન્કોમાં પાછી જમા થઇ રહી છે. આ રીતે 90- 95 ટકા નોટો પાછી આવી જવાની આશંકાથી, સરકારે સ્વૈચ્છિક જાહેરાતની યોજના આપવી પડી, એવું પણ અનુમાન છે.

ટૂંકમાં, નોટબંધીથી અમીરો ખંખેરાઇ ગયા અને ગરીબોનાં ઉઘડી ગયાં, એવો વડાપ્રધાનનો દાવો એટલો જ સાચો છે, જેટલો પોતાની છબી ઉજાળવા કરોડો રૂપિયા ખર્ચી શકનાર નરેન્દ્ર મોદીનો ફકીર હોવાનો દાવો.