Showing posts with label gopalkrishna gandhi. Show all posts
Showing posts with label gopalkrishna gandhi. Show all posts

Tuesday, October 19, 2010

મારા પિતા મારી સાથે ગુજરાતીમાં જ વાત કરતા હતાઃ ગોપાલકૃષ્ણ ગાંધી (Full Interview)


ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભ નિમિત્તે અમદાવાદ આવેલા ગોપાલકૃષ્ણ ગાંધીની સૌથી સહેલી અને સૌથી અઘૂરી ઓળખ ગાંધીજીના પૌત્ર તરીકે આપી શકાય. કેમ કે, ગોપાલકૃષ્ણ ગાંધી નિવૃત્ત આઇ.એ.એસ., બબ્બે રાષ્ટ્રપતિઓના સચિવ, બે દેશોમાં ભારતના હાઇકમિશનર જેવા અનેક જવાબદારભર્યા હોદ્દા નિભાવી ચૂક્યા છે- અને તેમાં એમની ‘ગાંધી’ અટકનો કોઇ ફાળો નથી. ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં ગોપાલકૃષ્ણ ગાંધીએ શુદ્ધ ગુજરાતી અને હિંદીમિશ્રિત અંગ્રેજીમાં ઘણી યાદો તાજી કરી હતી.

ગોપાલકૃષ્ણ ગાંધીના પિતા દેવદાસ ગાંધી ગુજરાતી અને માતા લક્ષ્મી રાજગોપાલાચારીનાં પુત્રી એટલે ઘરમાં તમિળ, ગુજરાતી, હિંદી, અંગ્રેજી- બધી ભાષા ચાલે, પણ ગોપાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે, ‘પિતાજી બીજા કોઇની સાથે નહીં, પણ મારી સાથે તો ગુજરાતીમાં જ વાતચીતનો આગ્રહ રાખતા હતા.’

દેવદાસ ગાંધી ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી હતા, એટલે ગોપાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે ‘અમારૂં બાળપણ શાહીની સુગંધ અને પ્રિન્ટિંગ પ્રેસની વચ્ચે વીત્યું.’ ગોપાલકૃષ્ણ કિશોરાવસ્થા વટાવે તે પહેલાં દેવદાસ ગાંધીનું અવસાન થયું. ‘તેમના ગયા પછી ગુજરાતી ભાષા બોલવાનું કોઇ ઠેકાણું મારા માટે ન રહ્યું.’

તેમ છતાં, ૬૫ વર્ષના ગોપાલકૃષ્ણ ગાંધી ફાંકડુ ગુજરાતી બોલી શકે છે. ચંદુલાલ દલાલનું ‘ગાંધીજીની દિનવારી’ તેમનું અત્યંત પ્રિય ગુજરાતી પુસ્તક છે. ‘એ પુસ્તક હું હંમશાં વાંચું છું. એની તોલે આવે એવું બીજું કોઇ પુસ્તક નથી.’

દસ વર્ષ પહેલાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન્ના સચિવ હતા. તેમણે દુષ્કાળની પરિસ્થિતિનો જાતઅનુભવ કરવા માટે ગુજરાત આવવાની રજા માગી. રાષ્ટ્રપતિએ રજા તો આપી, સાથોસાથ એમ પણ કહ્યું કે ‘મારૂં ચાલે તો હું પણ તમારી સાથે આવું.’

ગોપાલકૃષ્ણ ગાંધી ચુનીભાઇ વૈદ્યની મદદથી ચાર દિવસ સુધી પોતાની ઓળખ છતી કર્યા વિના પાકિસ્તાન સરહદની નજીક આવેલા બનાસકાંઠાના કુંડળિયા ગામે રહ્યા, ઉનાળાની બળબળતી ગરમીમાં રાહતકાર્યો માટે થતી મજૂરીનો જાતઅનુભવ લીધો, સાંજે-સાંજે આજુબાજુનાં ગામોમાં ફર્યા, રાહતકાર્યોનું તંત્ર જોયું અને જાતમાહિતી લઇને દિલ્હી પાછા ફર્યા. એ પ્રસંગ અંગે ગાંધી કહે છે,‘ગામના લોકોની રીસોર્સફુલનેસ ગજબની હતી. એ લોકો જરાય બિચારાપણું અનુભવતા ન હતા.’

જે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો, એ જ દક્ષિણ આફ્રિકામાં વર્ષો પછી નેલ્સન મંડેલા પ્રમુખ હતા ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી ભારતના હાઇકમિશનર તરીકે નીમાયા. એ કહે છે, ‘આમ તો આવી ઘટનાને આપણે જીવનભરનો લહાવો કહીએ, પણ આ ઘટના મારા માટે એક નહીં, અનેક જીવનનો લહાવો કહેવાય એવી હતી.’

સામાન્ય રીતે હાઇકમિશનરે પોતાના ક્રેડેન્શિયલ રજૂ કરવા માટે પ્રમુખ સમક્ષ જવાનું હોય - અને એ વિધિ બહુ ઔપચારિક હોય, પણ ગાંધીને ગુરૂ માનનારા નેલ્સન મંડેલા પ્રમુખ હોય અને ગાંધીના અભ્યાસી પૌત્ર ગોપાલકૃષ્ણ હાઇકમિશનર હોય ત્યારે સમીકરણો કેવાં બદલાઇ જાય?

‘હાઇકમિશનરે માંડ પાંચ-છ મિનીટ બોલવાનું હોય. એને બદલે હું લગભગ બમણું બોલ્યો. ત્યાર પછી નેલ્સન મંડેલા બોલવા ઉભા થયા. તેમણે મારા પ્રવચનમાં બાકાત રહી ગયા હોય એવા કેટલાક ઉલ્લેખો કર્યા- અને એ ઉલ્લેખો દક્ષિણ આફ્રિકાની લડતમાં પ્રદાન કરનાર ભારતીયો વિશેના હતા! જેમ કે, મંડેલાએ મહંમદ કરીમ ચાગલાને યાદ કર્યા.’

ગોપાલકૃષ્ણ ગાંધી કહે છે,‘હું હાઇકમિશનર તરીકે ગયો ત્યારે દક્ષિણ આફ્રિકામાં સ્પીકર તરીકે પારસી ગુજરાતી ફ્રેની જીનવાલા હતાં. મુખ્ય ન્યાયાધીશ ભારતીય હતા. મંત્રીમંડળમાં પણ છ-સાત ભારતીયો હતા. કોઇએ નેલ્સન મંડેલાને પૂછ્યું કે ‘ભારતીયોની વસ્તીના પ્રમાણમાં આપણી સરકારમાં તેમનું બહુ પ્રતિનિધિત્વ નથી?’ ત્યારે ‘મડીબા’ના લાડકા નામે ઓળખાતા મંડેલાનો જવાબ હતો,‘ભારતીયોનું પ્રતિનિધિત્વ એમની વસ્તીના પ્રમાણમાં નહીં, એમના પ્રદાનના પ્રમાણમાં છે.’

દક્ષિણ આફ્રિકામાં ગોપાલકૃષ્ણ ગાંધીની કામગીરી, તેમના જ શબ્દોમાં ‘ફક્ત સેન્ટીમેન્ટલ કે રોમેન્ટિક નહીં, પણ હાર્ડકોર રેલેવન્સ/નક્કર પ્રસ્તુતતા ધરાવનારી’ બની રહી. તેના પરિણામરૂપે આજે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા- ટૂંકમાં ‘ઇબ્સા’/IBSA- તરીકે ઓળખાતા સંગઠનના ત્રણે દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું બિનકાયમી સભ્યપદ ધરાવે છે. ‘ત્રણે દેશોનું સહયોગી સંગઠન ગ્લોબલ ટેરર, ગ્લોબલ મેલ્ટડાઉન અને ગ્લોબલ વોર્મંિગ એમ ત્રણ મોટી આફતોમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે’ એવું ગાંધીએ ભારપૂર્વક કહ્યું.

અસ્પૃશ્યતાનિવારણને જીવનકાર્ય બનાવનાર ગાંધીજીના આ વિદ્વાન પૌત્ર દેશના પહેલા દલિત રાષ્ટ્રપતિ કે.આર.નારાણયન્ના સચિવ બન્યા, એ પણ એક સુખદ યોગાનુયોગ હતો. નારાયણન્ને ‘ટાવરિંગ ઇન્ટલેક્ટ’ (પ્રચંડ બૌદ્ધિકતા) ધરાવનાર વ્યક્તિત્વ તરીકે યાદ કરીને બ્રિટન જતાં પહેલાં ૨૫ વર્ષની ઊંમરે કે.આર.નારાયણન્ ગાંધીજીને મળ્યા હતા, એ કિસ્સો ગોપાલકૃષ્ણ ગાંધીએ યાદ કર્યો.

‘મને ગાંધીજી અને નારાયણન્ બન્ને માટે પક્ષપાત/બાયસ છે’ એવું કહેતા ગોપાલકૃષ્ણ ગાંધીના મતે ‘નારાયણન્ના સવાલો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા અને ગાંધીજીના જવાબો પણ ફર્સ્ટ ક્લાસ હતા. નારાયણને પહેલો સવાલ પૂછ્યો કે ‘બ્રિટનમાં ભારતના હરિજન સવાલ વિશે મને પૂછવામાં આવે તો મારે ભારતીય તરીકે જવાબ આપવો કે હરિજન તરીકે?’

મૌનવારને કારણે ગાંધીજીએ લેખિતમાં આપેલો જવાબ હતો,‘જ્યારે તમે દેશની બહાર જાવ ત્યારે તમારે એમ જ કહેવું જોઇએ કે એ અમારો આંતરિક મામલો છે અને અંગ્રેજોના ગયા પછી અમે ઉકેલી લઇશું.’

બીજો સવાલ વધારે ફિલસૂફીભર્યો હતો. નારાયણને કહ્યું,‘તમે લોકોને હંમેશાં સત્ય-અસત્ય, હિંસા-અહિંસાની વાત કરતા હો છો. તેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું સત્યની કે અહિંસાની જ પસંદગી કરૂં, પણ જીવનમાં ઘણી વાર એવું બને છે કે પસંદગી બે સત્યો વચ્ચે કરવાની આવે. એ વખતે શું કરવું?’ ગાંધીજીએ સંભવતઃ થાકને કારણે આ સવાલનો વિગતે જવાબ આપવાનું ટાળીને, પોતાનાં લખાણમાંથી તેનો જવાબ શોધી લેવા કહ્યું.

ગાંધીજીને લગતાં અભ્યાસપુસ્તકોથી માંડીને વિક્રમ સેઠની નવલકથા ‘સુટેબલ બોય’નો હિંદીમાં અનુવાદ કરનાર ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સૌમ્ય છતાં સ્વતંત્ર મિજાજ દાખવી શક્યા. હાલમાં તે પોતાના નાના સી.રાજગોપાલાચારીએ ગાંધીજીને, દેવદાસ ગાંધીને અને પાછળથી ગોપાલકૃષ્ણ ગાંધીને- એમ ગાંધી પરિવારની ત્રણ પેઢીને લખેલા પત્રોનું સંકલન-સંપાદન કરી રહ્યા છે.


(Extended Part)
ગાંધીજીની બહેનના પૌત્ર મથુરાદાસ ત્રિકમજી વિશે પૂછતાં ગોપાલકૃષ્ણ ગાંધીએ ભારે આદરપૂર્વક કહ્યું હતું કે ‘મથુરાદાસ અને રાજાજી ગાંધીજીના જીવનનાં બે લાઇટહાઉસ (દીવાદાંડી-પથપ્રદર્શક) હતાં.’

વિક્રમ સેઠની નવલકથા ‘સુટેબલ બોય’નો અનુવાદ કરવાનું કેવી રીતે બન્યું? એ વિશે તેમણે કહ્યું,‘વિક્રમ સાથે આમ જ ગપસપ ચાલતી હતી. વિક્રમે કહ્યું કે આ નવલકથા મૂળે તો મારા મનમાં હિંદુસ્તાનીમાં જ હતી. મેં મનોમન એનું અંગ્રેજી કરીને લખ્યું છે અને હવે મારે એ હિંદુસ્તાનીને પાછું આપવું છે. મેં નવલકથાની સંભવિત હિંદી ભાષા વિશે થોડી વાત કરી અને તેના નમૂના આપ્યા, એટલે વિક્રમ કહે કે તમે જ શા માટે અનુવાદ નથી કરતા?’

ત્રણે ભાઇઓ-રામુ ગાંધી, રાજમોહન ગાંધી અને ગોપાલકૃષ્ણ ગાંધી સાથે છેલ્લા ક્યારે મળ્યા હતા?
તરત તેમણે કહ્યું,‘રામુભાઇ ગયા તેના ત્રણ જ દિવસ પહેલાં. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં. રામુભાઇની વર્ષગાંઠ હતી એ નિમિત્તે મળ્યા હતા.’

‘તમે ત્રણે મળો તો કઇ ભાષામાં વાતચીત કરો?’

‘હિંદી અને અંગ્રેજીમાં. બન્ને ભાષાઓને એકબીજા વિના ન ચાલે.’

અલપઝલપ વાતચીતમાં જુથિકા રોયની યાદ અપાવતાં એમને થોડી નવાઇ લાગી અને હસીને કહે,‘તમે બહુ બઘું શોધીને લાવ્યા છો.’ એટલે મેં જુથિકા રોય સાથે થયેલી મારી વાતચીતનો હવાલો આપ્યો અને એકાદ વસ્તુ યાદ કરાવી. વાતચીતના અંતે તેમને જુથિકા રોયની આત્મકથાના ગુજરાતી અનુવાદની એક નકલ અને ‘સરદારઃસાચો માણસ, સાચી વાત’ની એક નકલ આપી.

‘ફક્ત પંદર મિનીટ’ની વાતચીત નિરાંતે, કોઇ મહત્ત્વનો પ્રશ્ન બાકી ન રહી જાય ત્યાં સુધી ચાલી. પ્રસાર માઘ્યમોથી દેખીતાં કારણોસર દૂર રહેતા ગોપાલકૃષ્ણ ગાંધીની મુલાકાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ શીખવતા મિત્ર અશ્વિન ચૌહાણના પ્રેમાળ પ્રયાસોને કારણે શક્ય બની. મુલાકાત દરમિયાન તે સાથે હતા અને છેલ્લે તેમણે ગોપાલકૃષ્ણ ગાંધીને ગાંધીજીના જીવનની એક સૌથી યાદગાર ઘટના અંગે પૂછ્યું, ત્યારે ‘એ કહેવું તો બહુ અઘરૂં છે’ એમ કહીને, થોડી વાર વિચારીને ગાંધીએ બે ઘટનાઓ યાદ કરીઃ એક ગાંધીજીની અને એક નેહરૂની. ગાંધીજી કોલકાતામાં એક મુસ્લિમ પરિવારને ત્યાં ઉતર્યા હતા, ત્યારે એક હિંસક ટોળું વિવાદાસ્પદ મુસ્લિમ નેતા સુહરાવર્દીને મારવા ફરતું, ‘ક્યાં છે સુહરાવર્દી?’ એમ કહેતું આવી પહોંચ્યું. પથ્થરમારો ચાલુ થયો. એક પથ્થર ગાંધીજીની સાવ નજીકથી સનનન કરતો નીકળી ગયો, પણ જરાય ડગ્યા વગર ગાંધીજી ટોળાંને ઉદ્દેશીને બોલ્યા,‘તમારે મારવો જ હોય તો પહેલાં મને મારો.’

એવી જ રીતે દિલ્હીમાં ગાંધીજીના ઉપવાસ દરમિયાન ‘ગાંધીજીને મરવા દો’ એવું કોઇ ટોળામાંથી બોલ્યું ત્યારે પંડિતજી ઉશ્કેરાઇ ગયા. (ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું તેમ, ‘એ એક પુત્રની પ્રતિક્રિયા હતી. એ જુદી હોય.) ગુસ્સે થયેલા પંડિતજીએ કહ્યું, ‘કોણ બોલ્યું? કોણ બોલ્યું કે ગાંધીને મરવા દો? પહેલાં મને મારો.’

Wednesday, June 25, 2008

રાજકીય અંધકારમાં ટમટમતી જ્યોતઃ પશ્ચિમ બંગાળના ગુજરાતી રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી


(ફ્લેશબેક, વર્ષ ૧૯૪૭)
રાતે ગોપુ આવ્યો હતો તેની સાથે થોડીક મિનિટ બાપુજી રમ્યા. મેં કાકીને કહ્યું કે, ગોપુને રોજ અહીં લાવવો અથવા મોકલવો. બાપુજી દસ જ મિનિટ તેની સાથે ગાળે છે અને ૧૦ કલાકના થાકની તાજગી મેળવે છે. (૧૯-૬-૪૭)
ગોપુ પણ થોડી વાર બાપુજી સાથે રમી ગયો. બાપુજી મૌનમાં ગોપુ સાથે ઇશારાથી વાતો કરતા હતા, તો ગોપુ પણ બાપુજીના ચાળા પાડી ઇશારાથી વાતો કરવા લાગ્યો. અને છેવટે ભાષણની નકલ કરતાં એકદમ જોરથી બોલી ઉઠ્યોઃ ‘ભાઇઓ ઔર બહેનો, આપ શાંત હો જાઇયે.’...સહુ ખડખડાટ હસી પડ્યાં. (૮-૬-૪૭)

આજે તો ગોપુ અને બાપુ બંને જણા સાતતાળી રમ્યા. ૩ વર્ષનો ગોપુ અને ૭૫ વર્ષના બાપુ. (૨૨-૬-૪૭)

દેવદાસકાકા, લક્ષ્મીકાકી, તારા વગેરે આવ્યાં. ગોપુ પણ હતો જ. બાપુજી પાંચ સાત મિનિટ તેની સાથે રમ્યા. સફરજન સહેજ કડક હતું એટલે બાપુજીએ ચાવવા માટે દાંતનું ચોકઠું પહેર્યું. ગોપુને આ જોઇને ખૂબ નવાઇ લાગી. બાપુજીએ તેને કહ્યું‘દેખો, તુમ અપના દાંત નિકાલો.’ બિચારો ગોપુ પોતાના દાંત ખેંચવા માટે તાણવા લાગ્યો. પણ ૩ વર્ષના ગોપુના મજબૂત દાંત શાના હલે પણ? અને આ પાંચ મિનિટમાં બાપુજીએ તો બે ત્રણ વખત દાંત કાઢ્યા અને પહેર્યા. અમે સહુ ખૂબ હસતાં હતાં, પણ ગોપુ એટલો જ ગંભીર હતો કે દાદાજીના દાંત નીકળે અને મારા કેમ નહીં? (૨૮-૫-૪૭)
(મનુબહેન ગાંધી લિખિત પુસ્તક ‘બિહાર પછી દિલ્હી’માંથી )
***
(ફાસ્ટ ફોરવર્ડ, વર્ષ ૨૦૦૮)
ગાંધીજીના પૌત્ર ‘ગોપુ’ ઉર્ફે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના ‘દાંત’ હજુ ઉખડ્યા કે હાલ્યા નથી! કમ સે કમ, પશ્ચિમ બંગાળના ડાબેરીઓને એવું લાગે છે. રાજ્યપાલ તરીકે ગોપાલકૃષ્ણની ધારનો વઘુ એક અનુભવ તેમને થયો. કલકત્તા અને બંગાળમાં વીજઅછતની સ્થિતિ છે. તેના કારણે અગવડ વેઠતી પ્રજા પ્રત્યે સમાનુભૂતિ વ્યક્ત કરવા રાજ્યપાલ મહોદયે ૭ મેના દિવસે બે કલાક માટે આલિશાન રાજ્યપાલભવનની બત્તીઓ બંધ રખાવી. બપોરે અને સાંજે એક-એક કલાક સંપૂર્ણ અંધારપટ. http://www.thehindu.com/2008/05/08/stories/2008050855391200.htm
તેમની આ ચેષ્ટામાં પ્રજા પ્રત્યેની લાગણી કરતાં સરકારની ટીકા જોનારા સત્તાધારી સામ્યવાદીઓને મરચાં લાગ્યાં. ચોમેરથી સામ્યવાદી નેતાઓ રાજ્યપાલ પર શાબ્દિક રીતે તૂટી પડ્યા. પ્રજાની બહુ પરવા હોય તો ગોપાલકૃષ્ણ ગાંધીએ બીજું શું શું કરવું જોઇએ, તેની એમણે લાંબી યાદી પણ આપી. સામે પક્ષે ગોપાલકૃષ્ણ ગાંધી શાંત અને મૌન રહ્યા. ટીકાની ઝડીના જવાબમાં તેમને કશું જ કહેવાનું ન હતું. જે કહેવા જેવું લાગ્યું, એ એમણે રાજભવનની બત્તીઓ બે કલાક માટે બુઝાવીને કહી દીઘું હતું. અગાઉ નંદીગ્રામમાં સરકારની મીઠી નજર તળે હિંસા થઇ, ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધીએ ખોંખારીને એ હિંસાનો વિરોધ કરીને ડાબેરીઓની નારાજગી વહોરી લીધી હતી.
સામાન્ય રીતે સત્તાની વાસના કે લાલસા બાકી હોય એવા ઊંમરલાયક નેતાઓને, તેમની જિંદગીના પાછળના દિવસો સુખેથી પસાર થાય એ માટે અથવા એ બીજે ક્યાંય નડે નહીં એ માટે રાજ્યપાલપદું અપાતું હોય છે. એટલે જ, રાજ્યપાલો પ્રજાહિતના મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરતું વલણ ભાગ્યે જ અપનાવે છે. કેન્દ્રમાં એક પક્ષની સરકાર હોય અને રાજ્યમાં બીજા પક્ષની ત્યારે, રાજકીય વિરોધ છતાં રાજ્યપાલો અને મુખ્ય મંત્રીઓ વચ્ચે આર્થિક સમજૂતી થઇ હોય, એવી અફવાઓ પણ સાંભળવા મળે છે. બીજું જે હોય તે, પણ રાજ્યપાલો રાજકીય ગણતરી વિના, પ્રજાકીય પ્રશ્નો અંગે સરકારની સામે પડવા માટે જાણીતા નથી. એ પરંપરામાં ગોપાલકૃષ્ણ ગાંધી મોટો અને સુખદ અપવાદ છે.
ગુજરાતના દુષ્કાળ વખતે મજૂરીનો જાત-અનુભવ
ગોપાલકૃષ્ણ ગાંધીની આ જ પદ્ધતિ છે. હો હા કે દેખાડાબાજી વગર કે દાદાના નામે ચરી ખાધા વિના, પોતાનું કામ કરતા રહેવું. એટલે જ, આઠ વર્ષ પહેલાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે ગુજરાતની મુલાકાત લેવાનું વિચાર્યું. એ વખતે તેમનો સત્તાવાર હોદ્દો રાષ્ટ્રપતિના સચિવનો હતો. ધાર્યું હોત તો બત્તીવાળું લાવલશ્કર લઇને ધામઘૂમથી દુષ્કાળ અને રાહતકાર્યો જોવા આવી શક્યા હોત. એને બદલે તેમણે ગુજરાતમાં ચુનીભાઇ વૈદ્યનો સંપર્ક કર્યો અને પોતાની ઓળખ છુપાવીને રાહતકામ માટે થોડા દિવસ આવવાની ઇચ્છા વ્યક્ત કરી. ચુનીકાકાએ ગોપાલકૃષ્ણનો હવાલો બનાસકાંઠામાં કાર્યરત સર્વોદયી અગ્રણી હસમુખ પટેલને આપ્યો. ત્યાર પછીની વાત હસમુખ પટેલના મોઢે સાંભળાતાં બહુ જૂના જમાનાની કોઇ વાર્તા સાંભળતા હોઇએ એવું લાગે.
‘મે, ૨૦૦૦ના બળબળતા દિવસે ગોપાલકૃષ્ણ ગાંધીને લેવા હું આબુ રોડ સ્ટેશને ગયો હતો. ત્યાંથી, દર દસ કિલોમીટરે જેના રેડિયેટરમાં પાણી ભરવું પડે એવી મારી ઠાઠીયા જીપમાં હું તેમને લગભગ ૧૮૦ કિ.મી. દૂર, પાકિસ્તાન સરહદે આવેલા છેવાડાના ગામ કુંડાળીયા લઇ ગયો. એ ગામમાં અમારી સંસ્થાનું કામ ચાલતું હતું. ગામલોકો ઓળખતા હતા. એમને મેં કહ્યું કે ‘આ અમારા મિત્ર છે. અહીં રહીને કામનો અનુભવ લેવા માગે છે.’ ફક્ત સરપંચને મેં બાજુ પર બોલાવીને કહ્યું કે ‘આ બહુ મોટા માણસ છે. કોણ છે, એ પછી કહીશ. આટલું પણ એટલા માટે કહું છું કે એ માંદા-સાજા થાય તો બરાબર ઘ્યાન રાખજો.’
હસમુખ પટેલ વાતચીત કરતા હતા, એ દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધીએ વરખડાના એક ઝાડ નીચે ખાટલો પાથરી દીધો. બસ, એ જ તેમનો ઉતારો. ત્યાર પછીના ત્રણ-ચાર દિવસ એ કોઇના ઘરે ન રહ્યા. ઝાડ નીચે પાથરેલો ખાટલો જ તેમનું નિવાસસ્થાન બન્યો. એ વિસ્તારમાં ચોકડીઓ ખોદવાનું રાહતકામ ચાલતું હતું. એટલે ગોપાલકૃષ્ણ ગાંધી પણ રોજ સવારે માથે ફાળીયું અને ખભે ત્રિકમ નાખીને બહેનો સાથે ચોકડીઓ ખોદવા જાય. આખો દિવસ મહેનત કરે. સાંજે પાછા આવ્યા પછી હસમુખ પટેલના મિત્ર તરીકે ગામમાંથી કે આજુબાજુના વિસ્તારોમાંથી ચા-પાણીનાં આમંત્રણ મળતાં હોય. ગુજરાતી બોલી-વાંચી શકતા ગાંધી આજુબાજુનાં ગામોમાં ફરે, લોકો સાથે વાતચીત કરે અને સ્થિતિનો તાગ મેળવે.
ત્રણ-ચાર દિવસ સુધી આ રીતે કામ કર્યા પછી તેમણે વરખડાના ઝાડ તળેનો પોતાનો નિવાસ સંકેલ્યો, મજૂરી કરીને મેળવેલી કમાણી સાથે કામ કરનારાં બહેનોને આપી દીધી અને અમદાવાદ આવ્યા. રાહતકામ વિશે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અમદાવાદમાં થોડા લોકોને મળ્યા પણ હતા. એ બનાવ પછી, ગયા વર્ષે હસમુખ પટેલ કુંડાળીયા ગામે ગયા, ત્યારે તેમને અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ગામના એક ઘરમાં પૂજાના કબાટમાં તસવીરો સમક્ષ અગરબત્તી થઇ રહી હતી. તેમાં બીજી તસવીરોની વચ્ચે અલગ તરી આવતી એક તસવીર પર તેમની નજર પડી અને ચોંટી ગઇ. એ તસવીર માથે ફાળીયું બાંધેલા ગોપાલકૃષ્ણ ગાંધીની હતી.
સાહિત્ય, સિવિલ સર્વિસ અને રાજકારણનો સમન્વય
પિતૃપક્ષે ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી અને માતૃપક્ષે સી.રાજગોપાલાચારીનાં દીકરી લક્ષ્મી- તેમનું સંતાન એવા ગોપાલકૃષ્ણ ગાંધી આરંભથી જ પોતાના મહાન દાદાઓનું નામ વટાવવાથી અળગા રહ્યા છે. સી.રાજગોપાલાચારીના સૂચનથી તેમણે સિવિલ સર્વિસમાં જવાનું વિચાર્યું અને ૧૯૬૮માં તામિલનાડુ કેડરના આઇ.એ.એસ. થયા. સનદી સેવાઓમાંથી ૧૯૯૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી તેમની રાજદ્વારી કારકિર્દીનો પ્રારંભ થયો. લંડનના નેહરૂ સેન્ટરના ડાયરેક્ટર અને દક્ષિણ આફ્રિકા તથા શ્રીલંકા જેવા દેશોમાં ભારતના હાઇ કમિશનર તરીકે તેમણે ફરજ બજાવી. નોર્વેમાં તે ભારતના એલચી તરીકે પણ જઇ આવ્યા. ત્યાર પછી બબ્બે રાષ્ટ્રપતિઓ- વેંકટરામન અને કે.આર.નારાયણન્ના તે સચિવ બન્યા. કારકિર્દીની આ સફર દરમિયાન, અંગ્રેજી સાથે એમ.એ. થયેલા ગાંધીની શબ્દ સાથેની સંગત ખોરવાઇ ન હતી. વિક્રમ શેઠની પ્રખ્યાત નવલકથા ‘એ સુટેબલ બોય’નો તેમણે હિંદીમાં અનુવાદ કર્યો, જે ૧૯૯૮માં પ્રસિદ્ધ થયો. આવા સાહિત્યપ્રેમી છતાં વાસ્તવની નક્કર ધરતી પર પગ રાખનારા, સૌમ્ય છતાં મક્કમ, સજ્જન છતાં નમાલા નહીં એવા માણસ તરીકે ગાંધી વર્તમાન રાજકારણમાં જુદા તરી આવે છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂંક થઇ ત્યારે તેમની ઊંમર માંડ ૫૯ વર્ષની હતી. થોડા સમય પહેલાં એક લેખમાં ગોપાલકૃષ્ણ ગાંધીએ જ્યોર્જ ઓરવેલને ટાંકીને લખ્યું હતું,‘પોતાના સુખી દાંપત્યનું જાહેર પ્રદર્શન કરતાં દંપતિ પોતાનાં (મેલાં નહીં તો) ઉજળાં લુગડાં જાહેરમાં ઘુએ છે એવું કહેવાય.’ ગોપાલકૃષ્ણ ગાંધી પણ પોતાનાં ઉજળાં લુગડાં જાહેરમાં ધોતા નથી. સાથોસાથ, બીજાની ટીકાની ફિકર કર્યા વગર કે ‘આત્માના અવાજ’ને ટાંક્યા વિના પોતાના રસ્તે મક્કમ ગતિએ આગળ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલાં તેમનું નામ રાષ્ટ્રપતિપદ માટે પણ ચર્ચાતું હતું. રાજ્યપાલ તરીકે તેમનું સ્પષ્ટ અને નિષ્પક્ષ વલણ જોતાં ભવિષ્યમાં રાષ્ટ્રપિતાના આ પૌત્ર પોતાની લાયકાતથી દેશના રાષ્ટ્રપતિ બનશે, તો દેશના રાજકારણ માટે સુખદ અને આવકાર્ય યોગાનુયોગ બની રહેશે- અને તેમાં ગાંધીજીના પૌત્ર હોવાની ‘લાયકાત’નો જરાસરખો પણ હિસ્સો નહીં હોય.