Thursday, June 12, 2025
‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (2) : "સાડા ત્રણ મહિનામાં પહેલા ભાગનો અનુવાદ પૂરો થઈ શકે."
'ગાંધી પછીનું ભારત'ની પ્રકાશન કથા (1)
બપોરે રામચંદ્ર ગુહાને મળ્યા પછી રાત્રે ઘરે પહોંચીને તેમને ઇ-મેઇલ લખ્યો. તેમાં મળવાનો આનંદ વ્યક્ત કરવા ઉપરાંત, ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે ગુહાનો મેઇલ આવી ગયો. તેમાં લખ્યું હતું, Go ahead with the Gujarati translation of “India After Gandhi”. આમ, 20 ઓક્ટોબર 2016થી ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદની ઘડિયાળ શરૂ થઈ (જે સમય જતાં ઘડિયાળને બદલે કેલેન્ડર બની જવાની હતી) તે વખતે ‘સાર્થક જલસો-7’ (નવેમ્બર 2016)નું કામ ચાલતું હશે, એટલે વચ્ચે ખાડો પડ્યો. પણ 11 ડિસેમ્બર, 2016ના રોજ પુસ્તકનાં પહેલાં ત્રણેક પાનાંનો અનુવાદ કરીને મેં ‘સાર્થક’ના સાથીદારોને મોકલ્યો. સાથે લખ્યું હતુઃ
“આ સાથે ઇન્ડિયા આફ્ટર ગાંધીનાં પહેલાં ત્રણ પાનાંનો અનુવાદ મોકલું છું. અખતરા લેખે આજે મેં કરી જોયો, જેથી સમયનો ખ્યાલ આવે. આટલું કરતાં મને એક કલાક થયો. અનુવાદ વિશે તમારી ટિપ્પણીઓ જણાવશો. આ પુસ્તક આપણે કરવું જોઈએ, એવું મને લાગે છે. અનુવાદ કરનાર કોઈ સરસ મળે અને આપણે [થયેલા અનુવાદ પર] ઓછામાં ઓછી મહેનત કરવી પડે, તો અનુવાદ માટે આપવાની આપણી તૈયારી છે. બાકી, હું અને દીપક કરી લઇએ. બીરેનને રસ અને સમય હોય તો તેને સાંકળી શકીએ... આપણે બે ભાગમાં આ કામ કરવાનું છેઃ ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ. પહેલા ભાગનાં 384 પાનાં છે. આપણે બે જણ કરીએ અને રોજનાં બે પાનાં અચૂક કરવાં એવા નિયમ સાથે કરીએ તો એક જણનાં અઠવાડિયાનાં 14 અને મહિનાનાં આશરે 60 પાનાં થાય. એટલે એક જણ ત્રણ મહિનામાં આશરે 180 પાનાં કરે. બે જણ કરે તો 360 પાનાં થાય. આમ સાડા ત્રણ મહિનામાં અનુવાદનું કામ પૂરું થઇ શકે.”
કેવું ભવ્ય, આશાવાદી અને વાંચવામાં સારું લાગતું, છતાં ભાગ્યે જ પાર પડે એવું આયોજન 😊 . પરંતુ આપણું ધાર્યું ક્યાં કંઈ થાય છે. છેવટે તો અનુવાદ કરનારા કરે એ જ થાય. દીપક-બીરેનને સમય અને રસરુચિના અભાવે સંકળાવાનું ન બન્યું. યાદ છે ત્યાં સુધી, નીલેશભાઈ (રૂપાપરા)ને પણ પૂછી જોયું હતું. પરંતુ આ કામ એટલું લાંબું હતું કે કોઈને પણ તે હાથમાં લેતાં સ્વાભાવિક ખચકાટ થાય. છેવટે દિલીપભાઈ ગોહિલને અમે વાત કરી. દિલીપભાઈ ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’ના કોપી એડિટર રહી ચૂક્યા હતા. તેમનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ બહુ સારો. દિલીપભાઈ જોડેની દોસ્તીમાં ભૂતકાળમાં ચડાવઉતાર રહ્યા હતા, પણ તેમના કામની ગુણવત્તા વિશે બેમત ન હતો. એટલે અમે વ્યાવસાયિક ધોરણે આ કામ આગળ વધારવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં મે પહેલું પ્રકરણ શરૂ કરી દીધું હતું. એટલે, મૂળ યોજના પ્રમાણે, પહેલા ભાગનાં પ્રકરણ હું કરું ને બાકીના ભાગ (બીજા મિત્રોને બદલે) દિલીપભાઈ કરે એવું ઠર્યું.
![]() |
| દિલીપ ગોહિલઃ સાર્થક જલસો-9ના મિલન મેળાવડામાં (ફોટોઃ ઇશાન કોઠારી) |
પુસ્તકના બે ભાગનું નામ અલગ અલગ (ઇન્ડિયા
આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ) રાખવાનો ખ્યાલ
હિંદી અનુવાદ પરથી આવ્યો હતો. ગુહા સાથે વાત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે ગુજરાતીમાં
આટલું દળદાર પુસ્તક (એકાદ હજાર પાનાંનું) ચાલે નહીં. તેના બે ભાગ કરવા પડે. ત્યારે
તેમણે કહ્યું હતું કે હિંદી અનુવાદ બે ભાગમાં છે અને તેને બે અલગ નામ પણ આપવામાં
આવ્યાં છે. પુસ્તકના ભાગ પણ સહજ રીતે એવા બની આવ્યા છે કે આઝાદીથી નહેરુના શાસનકાળ
સુધીનું એક પુસ્તકમાં આવે અને તેમના મૃત્યુ પછીના ગાળાનું બીજું પુસ્તક થાય.
આવી માનસિક તૈયારી સાથે દિલીપભાઈએ અને મેં કામ શરૂ કર્યું. આટલાં વર્ષે મનમાંથી નીકળી ગયું હતું, છતાં આ લખતી વખતે જૂના ઇ-મેઇલ જોઈને થયું કે શરૂઆતમાં કામ બરાબર ચાલતું હતું. ડિસેમ્બર 2016ના મારા એક મેઇલમાં એવો પણ ઉલ્લેખ છે કે ‘અમે માર્ચ 2017 સુધીમાં પહેલા ભાગનું કામ પૂરું કરી દઈશું.’ ત્યારે એવું પણ વિચાર્યું હતું કે કદાચ પહેલો ભાગ થઈ જાય તો, બીજા ભાગની રાહ જોયા વિના, તેને પ્રગટ કરી શકાય. દરમિયાન, વર્ષ 2017માં રામચંદ્ર ગુહા પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરતા હતા. તેમાં તેમણે એક પ્રકરણ અને નવી, લાંબી પ્રસ્તાવના ઉમેર્યાં હતાં. આ વાતની જાણ તેમણે મને પણ કરી અને કહ્યું કે દસ વર્ષ પછી થઈ રહેલી પુસ્તકની આવૃત્તિમાં નવી સામગ્રી આવી રહી છે. ફેબ્રુઆરી 2017માં નવા ઉમેરાની જે વર્ડ ફાઇલ તેમણે તેમના અંગ્રેજી પ્રકાશકોને જે મોકલી હતી, એ જ અમને પણ મોકલી આપી. જોકે, અમારા માટે એ કામ હજુ દૂર હતું. કારણ કે અમે પહેલો ભાગ પૂરો કરવામાં હતા.
![]() |
| સાર્થક જલસો-8નો સંપાદકીય |
માર્ચ-એપ્રિલ આવ્યા એટલે ‘સાર્થક જલસો’ના આઠમા અંકનું કામ શરૂ થયું અને અનુવાદ સહિતનું બીજું કામ બાજુ પર મુકાઈ ગયું. એ જ અરસામાં અશ્વિની ભટ્ટની નવલકથાઓના હકો પણ તેમના પરિવારે સાર્થક પ્રકાશનને આપ્યા. અશ્વિની ભટ્ટની નવલકથાઓના ચાહક અને તેમના અંગત પરિચયમાં આવ્યા પછી તેમના વ્યક્તિત્વના પ્રેમી એવા અમારા માટે એ બહુ મોટી વાત હતી. એટલે ‘સાર્થક જલસો-8’ના સંપાદકીયમાં પોતપોતાની રીતે અત્યંત મોટાં ગણાય એવાં બે નામ હવે ‘સાર્થક’માં વાંચવા મળશે, એવા સમાચાર જાહેર કર્યા. એટલેથી ન અટકતાં એવું પણ લખ્યું કે ‘(તેનો) પહેલો ભાગ બે-ત્રણ મહિનામાં અને બીજો ભાગ વર્ષના અંત સુધીમાં વાચકો સમક્ષ મૂકવાનો ખ્યાલ છે.’ અંકના ઉઘડતા પાને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના અનુવાદની આખા પાનાની જાહેરાત પણ છપાઈ હતી. તેમાં લખ્યું હતું, ‘તેનો પહેલો ભાગ જુલાઇ 2017 સુધીમાં પ્રગટ થશે.’
તો પછી જુલાઇ 2017 લંબાઈને છેક મે 2025 સુધી કેમ પહોંચી?
(ક્રમશ-)
Sunday, June 08, 2025
India After Gandhiના ગુજરાતી અનુવાદ ‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (1)
‘ગાંધી પછીનું ભારત’–એટલે કે ‘India After Gandhi’ના ગુજરાતી અનુવાદનો યાદગાર સમારંભ 18 મે, 2025ની સાંજે યોજાયો, પુસ્તકના પ્રકાશનનો કાર્યક્રમ સામાન્ય બાબત છે, કાર્યક્રમ બહુ સરસ થયો હોય, તો બે-ચાર દિવસ સુધી યાદ રહે, પરંતુ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયે ત્રણેક અઠવાડિયાં થયાં. છતાં, એ પ્રસંગનો આનંદ અને ત્યારે થયેલો સંતોષ હજુ સંપૂર્ણપણે ઓસર્યાં નથી.
આવું કેમ?
તેનો એક જવાબ
એટલે આ પ્રકાશન-કથા.
*
વર્ષ 2009. ભારતીય પ્રકાશનજગતમાં નવો ઇતિહાસ રચાયો. તે વર્ષે રામચંદ્ર ગુહા દ્વારા લખાનારા ગાંધીજી બે ભાગના જીવનચરિત્ર સહિત કુલ 7 પુસ્તકોના હક માટે પ્રકાશકોએ હોડ લગાવી હતી. મામલો રૂ. એક કરોડની ઉપર પહોંચી ગયો હતો, પણ છેવટે રામચંદ્ર ગુહા અને તેમના એજન્ટે ‘પેન્ગ્વિન ઇન્ડિયા’ના કામને ધ્યાનમાં રાખીને, તેને રૂ. 97 લાખની એડવાન્સ રકમ પેટે એ હક આપ્યા. ભારતીય પ્રકાશનક્ષેત્રે આટલી મોટી રકમ એડવાન્સ ચૂકવાઈ હોય, તેવું અગાઉ કદી બન્યું ન હતું.
![]() |
| સ્ટોરીની લિન્ક |
ગુહા વિદ્વાન-અભ્યાસપૂર્ણ લેખક તરીકે પ્રતિષ્ઠિત હતા, પણ તેમને પાંડિત્યપૂર્ણ-એકેડેમિક લેખકમાંથી ઇતિહાસકાર તરીકે લોકપ્રિય બનાવનાર અને તેમને એક જુદી જ કક્ષા-ભ્રમણકક્ષામાં મુકનારું પુસ્તક હતું ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’. તેની પહેલી આવૃત્તિ 2007માં પ્રગટ થઈ હતી. તેની ભારે સફળતાના પગલે વર્ષ 2009માં તેમનાં આગામી પુસ્તકોના હક માટે વિક્રમસર્જક રકમ એડવાન્સ તરીકે ચૂકવાઈ. ત્યાર પછીના ગાળામાં રામચંદ્ર ગુહાએ બીજાં કેટલાંક પુસ્તક લખ્યાં. ગાંધીજીની જીવનકથાનો પહેલો ભાગ ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ પણ પ્રગટ થયો. ત્યાર પછી તેના બીજા ભાગ (1915-1948)નું કામ શરૂ થયું.
વર્ષ 2016. ગુહા ગાંધીજીના જીવનચરિત્ર (1915-1948)નું ઘણુંખરું કામ પૂરું કરી ચૂક્યા હતા, ત્યારે તેમને આશરે 500 પત્રોનો એક જથ્થો મળ્યો. તેમાં ગાંધીજી પર આવેલા કે ગાંધીજીના અનુયાયીઓએ એકબીજાને લખેલા ગુજરાતી પત્રો હતા. ગુહાને થયું કે તેમનું કામ તો પૂરું થઈ ગયું છે, છતાં આ પત્રોમાં શું છે તે પણ એક વાર જોઈ લેવાય તો સારું.
બેંગ્લોરસ્થિત ગુહા કોઈ અનુવાદકની શોધમાં હતા, ત્યારે તેમના જ શહેરમાં રહેતા જાણીતા પત્રકાર-લેખક આકાર પટેલે તેમને મારું નામ આપ્યું. આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’માં ગ્રુપ એડિટર હતા તે અરસામાં (2006-07) મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. હું ત્યારે ભાસ્કરમાં ઓપ-એડ પેજ કરતો હતો. તે પરિચયના અને ત્યારની છાપના આધારે આકારે ગુહાને મારા વિશે કહ્યું હશે અને મારો નંબર આપ્યો. એટલે એક દિવસ ગુહાનો ફોન આવ્યો.
જેમને હંમેશાં પ્રિય-આદરણીય લેખક તરીકે જોયા હોય અને દુન્યવી સફળતા-પ્રસિદ્ધિના અર્થમાં પણ જે સેલિબ્રિટી હોય, એવા લેખકનો સામેથી ફોન આવે એટલે સૌથી પહેલાં તો સુખદ આશ્ચર્યનો આંચકો લાગે. તે શમ્યા પછી તેમણે કામ અંગે કહ્યું ત્યારે મેં તેમને પ્રેમથી કહ્યું, ‘આમ તો હવે અનુવાદનો સમય મળતો નથી, પણ એક તો આ કામ ગાંધીજીનું છે અને બીજું, તમારું છે, એટલે હું તે કરીશ.’ મેં તેમની સાથે એ પણ સ્પષ્ટતા કરી કે ‘મારું અંગ્રેજીનું જ્ઞાન વર્કિંગ છે. ગાંધીજી જેવું લખે એવા અંગ્રેજીમાં તમારે અનુવાદ જોઈતા હોય તો તે કરવાની મારી ક્ષમતા નથી.’ પણ તેમને એવી જરૂર ન હતી. તેમને તો પત્રોમાં શું લખાયું છે એ જ જાણવું હતું.
મેં કામ કરવાની હા પાડી, એટલે તેમણે એક-બે પત્રો નમૂના લેખે મોકલ્યા. તેને ઉકેલીને અનુવાદ કરી આપ્યા પછી, થોડા દિવસમાં તેમણે એક કવર મોકલ્યું. તેમાં પત્ર સાથે પેન ડ્રાઇવ અને તંદુરસ્ત રકમનો ચેક આવી પહોંચ્યાં. ચેક જોઈને મેં તેમને ફોન કર્યો. કહ્યું કે ‘તમે મને ઓળખતા નથી, તમે મારું કામ પણ સરખું જોયું નથી અને આ ચેક? અને તે પણ આટલી રકમનો? અને આટલી ઉતાવળે? એક વાર મને થોડું કામ કરીને તો મોકલવા દો.’ તેમણે કહ્યું કે એની કશી ચિંતા નથી. રૂપિયાની બાબતમાં તેમણે હસીને કહ્યું કે ‘ગાંધીજીએ કોઈનું પણ શોષણ કરવાની ના પાડી છે.’
અંગત અનુભવ ભલે નથી, પણ ઘણાખરા વિદ્વાનો અથવા જાણીતા માણસો એવું માનતા હોય છે કે દુનિયા તેમની સેવા કરવા સર્જાયેલી છે અને લોકોની સેવા લઈને તે લોકો પર ઉપકાર કરી રહ્યા છે. જ્યારે રામચંદ્ર ગુહા સાથે માર્ચ 2016માં થયેલા પહેલા જ પરિચય પછી તેમની સરળતા અને પ્રેમાળ અભિગમ ઊડીને આંખે વળગે એવાં હતાં.
ગુહાનું કામ હાથમાં લીધું ત્યારે બે અઠવાડિક કોલમો, રોજનો તંત્રીલેખ અને તંત્રીપાનાની જવાબદારી હતી. છતાં, નોકરિયાત માનસિકતા વિના, ગમતું કામ કરવાના આનંદને લીધે પહોંચી વળાતું હતું. એટલે, પત્રોના અનુવાદનું કામ તો માત્ર ને માત્ર ટ્રેનના અપડાઉનમાં જ પૂરું કર્યું. તે વખતે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો આવતો હોવાથી, લેપટોપ પર કામ કરી શકાય એવી અનુકૂળતા મોટા ભાગે રહેતી હતી. બધા પત્રોનો અનુવાદ મોકલ્યા પછી તેમણે થોડા વધુ પત્રો મોકલ્યા અને મારી આનાકાની છતાં તેના અલગથી રૂપિયા આપ્યા. અને પુસ્તકના એકનોલેજમેન્ટમાં ઉલ્લેખ પણ કર્યો (જે વાંચીને શીલા ભટ્ટનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે આનંદ અને કદાચ કંઈક આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું કે રામ ગુહાએ તમારા નામનો ઉલ્લેખ કર્યો છે.)
*
કામ પૂરું થયાના થોડા અરસા પછી એક
વાર ગુહાનો ફોન આવ્યો. તે ત્રણ દિવસ માટે અમદાવાદ આવવાના હતા. તેમાંથી એક દિવસ
સવારે તેમની સાથે જમવાની વાત હતી. માઉન્ટન અને મહંમદની કહેણી તાજી કરે એવા એ સંવાદ
પછી, તે અમદાવાદ આવ્યા ત્યારે અમે મળ્યા. જમ્યા. અત્યારે ઓસ્ટ્રેલિયા-સ્થિત પરમ
મિત્ર નિશા પરીખ ત્યારે અમદાવાદમાં હતી. તેણે અને તેની મિત્ર શચિ સંઘવીએ મને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ની (પહેલી આવૃત્તિ)ની તેમની કોપી આપી અને શક્ય હોય તો
તેની પર ગુહાના હસ્તાક્ષર લાવવા કહ્યું.
ગુહા એટલા નિર્ભાર હતા કે અવનવી વાતો પછી તેમણે પુસ્તક પર બંનેનાં નામ લખીને સહી કરી આપી. બીજી ઘણી વાતોની વચ્ચે પુસ્તકની વાત નીકળતાં મેં કહ્યું, ‘મને આ પુસ્તક વિશે એવું થાય છે કે તે ગુજરાતીમાં હોવું જોઈએ.’ તેમણે તરત, મને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી તૈયારી બતાવી. પછી બીજી વાતો થઈ. અડધા-પોણા કલાકની વાતચીત પછી અમે છૂટા પડ્યા. ત્યારે મારા મનમાં ફરી ફરીને એક જ સવાલ થતો હતોઃ રામચંદ્ર ગુહાએ ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નું ગુજરાતી કરવાની ખરેખર ‘હા’ પાડી હતી? કે મારા મોઢે ‘ના’ પાડવી ન પડે, એટલે માટે ‘હાએ હા’ કરી હશે?
(ક્રમશઃ)
Wednesday, August 10, 2022
1700મી પોસ્ટ : 'મારી પત્રકારત્વ-લેખનની સફર'ની પ્રક્રિયા અને પ્રકાશન-જલસો-1
વર્ષ 2008થી શરૂ થયેલી બ્લોગની સફરને જૂન, 2022માં પંદર વર્ષ પૂરાં થયાં અને આ તેની 1,700મી પોસ્ટ છે. આટલાં વર્ષ પછી હવે આંકડાનો મહિમા પહેલાં જેટલો નથી લાગતો. બ્લોગમાં લેખોની સંખ્યા ઘટી છે. તેના માટે ખાસ લખવાનું ખાસ્સું ઘટી ગયું છે. છતાં પંદર વર્ષમાં કદી એવો વિચાર નથી આવ્યો કે બ્લોગિંગ હવે અપ્રસ્તુત બની ગયું છે. માટે બંધ કરી દઉં. નિરાંતે અને મલ્ટીમિડીયા સામગ્રી સાથે, મને ગમે તે રીતે અને હું ઇચ્છું તે રીતે વ્યક્ત થવા માટે બ્લોગનો વિકલ્પ જડ્યો નથી. વેબસાઇટ બનાવવાનું વચ્ચે વિચાર્યું હતું. પણ તેના ડિઝાઇનિંગથી માંડીને બીજી બાબતોમાં રૂપિયા ખર્ચવાનું વસૂલ ન લાગ્યું. એટલે, અત્યારે તો, 'અભિયાન'ના આર્ટ ડિરેક્ટર મનસુખ ઘાડિયાના યાદગાર શબ્દોમાં કહું તો, 'જે છે, તે આ જ છે.'
***
બ્લોગની
1700મી પોસ્ટ
નિમિત્તે જેનો લસરકા-અહેવાલ લખવાનો છે, તે કાર્યક્રમ એટલે મારા પુસ્તકનો પ્રકાશન સમારંભ. 'મારી પત્રકારત્વ-લેખનની સફર'--એ પુસ્તકનાં પ્રકરણો, જરા જુદા સ્વરૂપે, પહેલાં બ્લોગ પર લખાયાં. એ અર્થમાં
કહી શકાય કે બ્લોગ મારા એક અત્યંત મહત્ત્વના અને ગુજરાતી પત્રકારત્વ-લેખન વિશેના
વિશિષ્ટ પુસ્તકની સામગ્રીનો પહેલો ઝીલણહાર બન્યો. બ્લોગ પર મેં 'મારી પત્રકારત્વની સફર' એ નામે શ્રેણી શરૂ કરી ત્યારે જરાય
ખ્યાલ ન હતો કે એક અત્યંત મહત્ત્વના પુસ્તકનું બીજ રોપાઈ રહ્યું છે. પરંતુ 49
ભાગની એ શ્રેણી
પૂરી થઈ ત્યારે સમજાઈ ગયું કે હું ધારું છું એવું પુસ્તક થશે, તો તે ગુજરાતી પુસ્તકોની દુનિયામાં
અને પત્રકારત્વ-લેખનનાં પુસ્તકોની દુનિયામાં સાવ જુદા પ્રકારનું અને અભૂતપૂર્વ બની
રહેશે.
કોઈને
થશે કે પોતાના પુસ્તકનાં જાતે ને જાતે આટલાં વખાણ સારાં નહીં. સામાન્ય સંજોગોમાં
હું પણ તે વાતમાં હોંશથી સંમત થાઉં, પણ 'મારી
પત્રકારત્વ-લેખનની સફર'--પ્રકારનું
કોઈ પુસ્તક ગુજરાતીમાં અગાઉ મારા જોવામાં આવ્યું નથી. 'સંભારણાં અને દસ્તાવેજીકરણના સંપૂર્ણ
સંગમ જેવા તે પુસ્તકમાં આશરે 95
હજારથી પણ
વધારે શબ્દો હતા અને આશરે 450-500
જેટલા
વિઝ્યુઅલ્સ. (ગણ્યાં નથી), તેમની
સાથે શી રીતે પનારો પાડવો, તે
પડકાર હતો. એવું પુસ્તક શી રીતે તૈયાર થાય, તેમાં વિઝ્યુઅલ સામગ્રી કેવી રીતે
મુકાય, તેનો લે-આઉટ
કેવો હોય--એ બધું જાતે શીખવા-સમજવાનું હતું. કેમ કે, અગાઉ ગુજરાતીમાં એવું કોઈ મોડેલ મારી
સામે ન હતું. તે વિગતમાં જતાં પહેલાં, થોડી વાત બ્લોગની શ્રેણીના લખાણમાં થયેલા ઉમેરા અને ફેરગોઠવણો વિશે.
બ્લોગ પર શ્રેણી પૂરી થયાના થોડા મહિના પછી, પુસ્તકની કામગીરી શરૂ કરી. ત્યારે સૌથી પહેલાં તો, શ્રેણીમાં જે લખ્યાં ન હતાં, તે 'અભિયાન' વિશેનાં પ્રકરણો લખવાનું શરૂ કર્યું. લખભૂંસ આરંભી. ચારસો-પાંચસો-છસો શબ્દો લખું. બીજા દિવસે ફરી વાંચું. કાપકૂપ કરું, જુદી રીતે લખું, વિગત ઘટાડું કે વધારું. એ લખતી વખતે સાથે 'અભિયાન'ના સમયગાળામાં બીરેનને લખેલા પત્રોનો જથ્થો, તે સમયની રિપોર્ટિંગની નોટબુક અને તે સમયના 'અભિયાન'ના બધા અંક સાથે રાખતો હતો. કશાક સંદર્ભ માટે એક પત્ર શોધવા માટે બીજા પણ પત્રો ફેંદવાના થાય. ક્યારેક થાય કે 'હમણાં તો એ બે લીટી જોઈ હતી ને હવે ક્યાં ગુમ થઈ ગઈ?'
![]() |
| મુંબઈથી ઘરે લખેલા અને કાર્યપદ્ધતિનો ખ્યાલ આપતા એક પત્રનો અંશ |
![]() |
| 'મારી હકીકત' નાટક જોયા પછી, તેના વિશેના લખાણની સાથે બીરેનને ખ્યાલ આપવા માટે પત્રમાં દોરેલું સ્ટેજની ગોઠવણનું ચિત્ર. આ પત્ર પણ પુસ્તકમાં સમાવ્યો નથી. |
એકથી વધારે વાર બધા પત્રો વાંચ્યા પછી તેમાંથી લઈ શકાય એવી વિગતો તારવી હોય. તેમાંથી પણ લખતી વખતે અમુક પડતી મુકવી પડે, અમુક વાર આખું અવતરણ ઉતારવાને બદલે એકાદ લીટી ઉતારીને બાકીની વાત ટૂંકમાં કરવી પડે. શ્રેણી લખવાનું શરૂ કર્યું ત્યારે સ્પષ્ટતા ન હતી, પણ 49 ભાગ પૂરા થયા ત્યારે તેની લખાવટ અને તેનો ટોન (સૂર) ખાસ્સાં નક્કી થયાં હતાં. એટલે 'અભિયાન' વિશેનાં નવાં લખેલાં પ્રકરણોમાં એ ટોન જળવાઈ રહે તે જરૂરી હતું. એવું થાય છે કે નહીં, તે તપાસવા માટે નવાં લખેલાં પ્રકરણ દીપક સોલિયાને અને બીરેન કોઠારીને વાંચવા મોકલતો હતો.
![]() |
| 1996ના દીવાળી અંક માટે દીપક સોલિયાએ મુંબઈથી કરેલો ફેક્સ. (ફોટો પર ક્લિક કરીને વાંચી શકાશે) તે પણ પુસ્તકમાં લઈ શકાયો નથી. |
તે
વખતે એવો ખ્યાલ હતો કે પછીનાં પ્રકરણોમાં તો બહુ એડિટ નહીં કરવું પડે. પણ 'અભિયાન' પછીનાં પ્રકરણ જેમ જેમ હાથમાં લેતો
ગયો અને ઝીણવટથી તપાસતો ગયો, તેમ
નાનુંમોટું નકશીપ્રકારનું ઘણું એડિટિંગ કરવાનું થયું. ઉપરાંત, કેટલાંક પ્રકરણ ટૂંકાં હતાં, કેટલીક ઘટનાઓને યોગ્ય ક્રમમાં
ગોઠવવાની હતી. તેના કારણે ઘણાં પ્રકરણ ભાંગવાં પડ્યાં. પરિણામે, જૂનાં 49 પ્રકરણોમાં નવાં પાંચ પ્રકરણ ઉમેરવા
છતાં, ફેરગોઠવણીને
લીધે પુસ્તકમાં આખરે 47 પ્રકરણ
થયાં.
બીજું
મહત્ત્વનું કામ એ કરવાનું હતું કે બ્લોગ પરની શ્રેણીમાં દરેક ભાગના અંતે હું એક
તાંતણો લટકતો રાખતો હતો, જેનું
અનુસંધાન પછીના ભાગમાં પહેલા ચાર-પાંચ ફકરા પછી આવતું હતું. આવું ઘણાં પ્રકરણોમાં
હતું. બ્લોગ પર વચ્ચે વચ્ચે બ્રેક સાથે પ્રકરણો વાંચવાનાં હોય તો તે રીત ચાલી જાય,
પણ પુસ્તકમાં
સળંગ વાચન વખતે, એક પ્રકરણના
અંતે લટકતો તાંતણે બીજા પ્રકરણના આરંભે આવે નહીં, તો રસભંગ થાય . તે બાબતનું દીપકે
દોર્યું. એટલે એ રીતે પણ બ્લોગ પરના લખાણમાં-તેના ક્રમ અને ગોઠવણમાં ફેરફારો
કરવાના થયા. એમ કરતાં, છેવટે 47
પ્રકરણમાં
પુસ્તક પૂરું થયું. ત્યાર પછી બ્લોગમાં લખેલો દસ્તાવેજીકરણ વિશેનો
ભાગ પુસ્તકમાં
ન લીધો. પરિશિષ્ટમાં એક ટૂંકો લેખ હું પત્રકારત્વમાં શી રીતે આવ્યો, તેનો મુક્યો. પુસ્તકનાં પ્રકરણોમાં 2006
સુધીની વાત
હતી. એટલે, બીજું
અને મહત્ત્વનું તેમ જ માથાકૂટિયું કામ 2006થી 2022 સુધીના
મારા પત્રકારત્વ-લેખન વિશેના કામની ઝલક આપવાનું હતું. તે તૈયાર કરતાં ઘણી વાર
લાગી. સાથોસાથ, ઘણું
એવું પણ યાદ આવ્યું, જે
મનમાંથી સાવ નીકળી ગયું હતું.
પરિશિષ્ટોનું કામ તો સાવ છેલ્લે રાખ્યું હતું. કારણ કે પુસ્તકમાં પાનાંની સંખ્યાના મેળ પ્રમાણે પરિશિષ્ટ લેવાનાં કે બાકાત રાખવાનાં હતાં. તે સિવાયનાં પ્રકરણો એડિટ થઈને ફાઇનલ તૈયાર થયાં, એટલે હાશકારો થયો. ત્યાર પછી શરૂ થયું તેના માટેની વિઝ્યુઅલ સામગ્રી શોધવાનું કામ. બ્લોગ પર શ્રેણી લખતી વખતે તેમાં વિઝ્યુઅલ સામગ્રી મુકી જ હતી. છતાં, પુસ્તકમાં છાપવા માટે હાઇ રેઝોલ્યુશન ફોટા જોઈએ. કેટલીક વસ્તુઓના ફોટા પાડીને મુકી દીધા હોય. તેનું સ્કેનિંગ કરવું પડે. નીલેશ રૂપાપરા, જગદીશ પાટડિયા, હિમાંશુ કીકાણી, વિક્રમભાઈ વકીલ, મનીષા જોષી જેવાં એ સમયનાં સાથીઓના તે અરસાના ફોટા ન હતા. એ તેમની પાસેથી આગ્રહપૂર્વક મંગાવ્યા. વિલક્ષણ પત્રકાર સંજય ઠાકોર ('ભમરડો' અને 'પ્રહાર' જેવાં સામયિકોના તંત્રી)નો ફોટો છાપવાની મારી બહુ ઇચ્છા હતી. ઠેકઠેકાણે તપાસ કર્યા પછી, જાણીતા પત્રકાર અને વડીલ મિત્ર મુકુંદ પંડ્યાએ મને સંજયભાઈનો એક જૂનો, પણ છાપી શકાય એવો ફોટો મેળવી આપ્યો. પુસ્તક મારી આત્મકથાનું હોત તો આ બધી કડાકૂટની જરૂર ન હતી. પણ મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે પુસ્તકનો મુખ્ય સૂર દસ્તાવેજીકરણનો હોવો જોઈએ. હું તેમાં નાયક તરીકે નહીં, ઘટનાક્રમમાં ભાગ લેતા છતાં, તેને દૂરથી જોઈ શકતા કથનકાર-નેરેટર તરીકે આવી શકું, તો મારો પ્રયાસ સફળ થયો ગણાય.
![]() |
| મુકુંદભાઈ પંડ્યાએ મેળવી આપેલો, પણ ઓછા રેઝોલ્યુશનને કારણે પુસ્તકમાં નહીં વાપરેલો સંજય ઠાકોરનો ફોટો |
ફોટા
શોધવાના કામમાં થોડા દિવસ સુધી રાતના બે-ત્રણ વગાડ્યા, પણ એ કામ કરતી વખતે એ સમયમાં પાછા
જવાનો આનંદ અવર્ણનીય હતો. તેમાં ઉજાગરો વસૂલ લાગતો હતો. ઉપરાંત, એમ કરવાથી ધારેલી ડેડલાઇનમાં છતાં
આનંદપૂર્વક કામ થઈ રહ્યું હતું, તેનાથી
સારું લાગતું હતું. પ્રકરણો અને તેમાં સમાવવાની વિઝ્યુઅલ સામગ્રીના ફોટા ફાઇનલ થઈ
ગયા, એટલે લે-આઉટ
વિશે નક્કી કરવાનો વખત આવ્યો.
કેટલાંક
ગમતાં અંગ્રેજી પુસ્તકો જોતાં જોતાં લે-આઉટનો પ્રાથમિક વિચાર મનમાં આવ્યો. પરમ
મિત્ર અને કાયમી સલાહકાર અપૂર્વ આશર સાથે વાતચીત થઈ. બીરેને પણ કેટલાંક સરસ સૂચનો
આપ્યાં. તે બધું મનમાં રાખવા છતાં, પ્રિય
મિત્ર અને ડીઝાઇનર મણિલાલ રાજપૂતની ઓફિસે પહેલી વાર પહોંચ્યો, ત્યારે મનમાં અવઢવનો પાર ન હતો.
પરંતુ 'સાર્થક જલસો'નું ઉત્તમ રીતે ડીઝાઇનિંગ કરતા ભાઈ
રણજિતની સાથે પહેલી વાર બેઠો અને દોઢ-બે કલાક પછી ઊભો થયો, ત્યારે પાંચ પ્રકરણનો લે-આઉટ થઈ
ચૂક્યો હતો અને આગળની દિશા સ્પષ્ટતાપૂર્વક દેખાવા લાગી હતી. મણિલાલની ઓફિસના
વાતાવરણમાં, રણજિત
સાથે કામ કરવાની મઝા અને નિરાંત બહુ જુદાં હોય છે. એટલા પ્રેમથી અને એટલી લાગણીથી
રણજિત લે-આઉટ કરે અને એકેેએક સૂચન-વિકલ્પો-ફેરબદલીનો એટલી ઝડપથી અમલ કરી બતાવે કે
જરાય ટેન્શન ન થાય. ઉલટાનું, ટેન્શન
હોય તો પણ તે ધીમે ધીમે દૂર થવા લાગે.
એક વાર લે-આઉટની સ્પષ્ટતા થઈ અને તે મનમાં ધારેલી રીતે ગોઠવાવા લાગ્યો, એટલે કામ ઝડપભેર આગળ ચાલવા લાગ્યું. વચ્ચે વચ્ચે રણજિતને અનુકૂળતા ન હોય ત્યારે ખાડો પડે, પણ જરાય ચિંતા ન થાય. બાકી, લે-આઉટનું કામ શરૂ થયું, તે પહેલાં ઊંધી ગણતરી કરીને જુલાઇ 16 માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવી લીધો હતો. એટલે, મનમાં ઘડિયાળની ટીક ટીક તો ચાલુ થઈ ચૂકી હતી.
![]() |
| 280ની બેઠકક્ષમતા ધરાવતો એચ.ટી.પારેખ હોલ |
મિત્ર
જિતેન્દ્ર મેકવાને જેમનો પરિચય કરાવ્યો હતો તે અજિતભાઈ મકવાણા ઝડપભેર છતાં
ચોક્સાઈથી પ્રૂફ વાંચી રહ્યા હતા. એટલે એક તરફ પ્રકરણોનો લે-આઉટ થતો હતો, સાથોસાથ પછીનાં પ્રકરણોનાં પ્રૂફ પણ
ચાલુ હતાં. થોડાં પ્રકરણોના ફોટા શોધવાનું કામ સમાંતરે ચાલતું હતું. એટલે લે-આઉટના
કામમાં વચ્ચે ખાડો પડે ત્યારે, પછીના
દિવસોમાં કરવાનાં કામની સામગ્રી ભેગી કરવામાં અને અગાઉ થયેલા લે-આઉટ તપાસીને,
તેમાં જરૂરી
ફેરફારની નોંધ કરવામાં સમય જતો હતો.
એમ
કરતાં, ધાર્યા સમયમાં
તમામ 47 પ્રકરણોના
લે-આઉટનું કામ પૂરું થયું. ટુકડે ટુકડે બધાં પ્રકરણ ફરી જોયાં હતાં. પણ તે થઈ ગયાં
પછી, ફરી એક વાર
સળંગ તપાસી ગયો. મુખ્યત્વે લે-આઉટ અને ફોટોલાઇનની રીતે. પછી બાકી રહ્યાં બે
પરિશિષ્ટ, પુસ્તકનાં
આગળનાં પાનાં અને ટાઇટલ-બેક ટાઇટલ. સૌથી મોટો પ્રશ્ન હતો ટાઇટલનો. તેમાં શું કરવું
તેનો વિચાર મહિનાઓથી મનમાં ચાલતો હતો. થોડી કાચીપાકી ડીઝાઇન બનાવી રાખી હતી. પણ
ગુંચવાડો મટતો ન હતો. એક રાત્રે રાબેતા મુજબ બીરેન સાથે ફોન પરની વાતચીતમાં તેણે
એક સૂચન કર્યું અને આગળનો રસ્તો મળી ગયો.
(ટાઇટલ-બેક
ટાઇટલ, આગળનાં પાનાં
અને પુસ્તકના પ્રકાશન સમારંભ વિશે હવે પછી)
Tuesday, December 04, 2018
હિંદુસ્તાનના ઠગને ગુજરાતીમાં આણનાર ર. વ. દેસાઈ
આખી કથા ઠગવિરોધી કાર્યવાહી માટે જાણીતા અંગ્રેજ અફસર સ્લીમનના મોઢેથી કહેવાઈ હતી. નવલકથાના સ્લીમનનું માત્ર નામ જ ઐતિહાસિક રીતે સાચું ખરું, પણ બાકીની આખી કથા કાલ્પનિક હતી. કથામાં સમરસિંહ સ્લીમન સાથે અત્યંત ઉદારતાથી વર્તે છે અને અંગ્રેજોનાં કરતૂત વિશે તેને સંભળાવવા જેવું સંભળાવી પણ દે છે, એવું લેખકે દર્શાવ્યું હતું. સમરસિંહ સ્લીમનને પોતાની સાથે ઠગોની સૃષ્ટિ અને તેમની પહોંચ બતાવવા લઈ જાય છે. (કંઈક આવું જ કથાવસ્તુ વર્ષો પછી બનેલી અંગ્રેજી ફિલ્મ 'ધ ડિસીવર'માં પણ હતું.)
રાષ્ટ્રભાવનાથી રંગાયેલા લેખક ર. વ. દેસાઈએ એવી કલ્પના કરી હતી કે ઠગો અંગ્રેજી રાજના અન્યાય સામે ઝુંબેશ ચલાવતા હતા અને એ બાબતે બીજા દેશો સાથે પણ તેમનો સંપર્ક હતો અને તે છુપાવવા માટે ફાંસિયાનો ધંધો કરતા હતા. એક કાલ્પનિક પત્રમાં તો લેખકે લગભગ ગાંધીજીની ભાષા ને સમજ મૂકી હતી. તેમાં લખ્યું હતું, ‘રૂસ લોકોને સહાય કરીએ તેથી શું? એક ટોપી મટી બીજી ટોપી આવશે. હું તો ટોપીને બિલકુલ માગતો જ નથી. ટોપીવાળા વગર જો આપણે ચલાવી શકીએ તો જ ખરું; પણ તે તો આપણે કરી શકતા નથી. કશુંક થયું કે અંગ્રેજોની પાસે દોડવું એ હમણાં આપણો ધર્મ બની ગયો છે...’ અન્ય એક પ્રકરણમાં નાયક સમરસિંહ ઠગ અને સ્લીમન વચ્ચે સંવાદ થાય છે. ત્યારે સમરસિંહ કહે છે, ‘તમારા (અંગ્રેજોના) ગુણનો હું પૂજક છું. તમે જે દિવસે હિંદને છોડી જશો તે દિવસે અમે તમારા ઉપકારનો એક કીર્તિસ્તંભ રચીશું.’
સમરસિંહ ઠગ તેને ચાહતી બંને સ્ત્રીઓ સાથે સંબંધમાં આગળ વધવાને બદલે બાર વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત રાખે છે અને ભવિષ્યનું દર્શન રજૂ કરતાં કહે છે, ‘ગોરાઓ આપણને જીતી રહ્યા છે. એ ગોરાઓ હિંદી બની રહે તો આપણે તેમને ભેટીશું. એ ગોરાઓ માલિકીની તુમાખીમાં આપણને ગુલામ બનાવે તો આપણે આપણી બિરાદરી પાછી જાગ્રત કરીશું. તેમની ઠગાઈ પકડવા-તેમની ઠગાઈનો તોડ કાઢવા આપણી બિરાદરીને બહુ જુદી તૈયારી જોઈશે. કદાચ છૂપી ઠગવિદ્યા આપણે છોડી પણ દઈએ.’ આ વાક્યોમાં લેખકે આવનારા સ્વાતંત્ર્ય સંગ્રામનાં એંધાણ પાછલી અસરથી આપ્યાં હતા. તેના અભિગમમાં પણ ગાંધીજીની અસરવાળી લડતની છાંટ વર્તાતી હતી. હિંદુ અને મુસ્લિમ ઠગો વચ્ચે ધર્મનો કશો ભેદ ન હતો અને મુસ્લિમ ઠગો પણ કાલીમાતાને માનતા, એ વાતનો પણ લેખકે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. કારણ કે તેમના સમયમાં હિંદુ-મુસ્લિમ વિખવાદો એક મુખ્ય પ્રશ્ન બની રહ્યા હતા.
ગાયકવાડી રાજના ઉચ્ચ અધિકારી રમણલાલ વસંતલાલ દેસાઈ ગાંધીયુગના ગુજરાતના ટોચના નવલકથાકાર હતા. રાષ્ટ્રભાવના તથા આદર્શવાદથી રંગાયેલા ર. વ. દેસાઈની 'ગ્રામલક્ષ્મી' (ચાર ભાગ) અને 'ભારેલો અગ્નિ'જેવી નવલકથાઓ અત્યંત જાણીતી બની. 'ઠગ'તેમની પહેલી નવલકથા હતી. એ તેમણે 'નવગુજરાત'સાપ્તાહિકમાં હપ્તાવાર લખી અને ૧૯૩૮માં તે પ્રગટ થઈ.
હપ્તાવાર લખતી વખતે તેમણે સમરસિંહ સહિતના ઠગોના પાત્રમાં સ્વદેશાભિમાનના ગુણ મુક્યા હતા. તેમનામાં અમુક ઉચ્ચ ગુણો અને ઉદ્દેશ પણ કલ્પ્યા હતા. એ બરાબર હતા? કે પોતાનો દેશપ્રેમ તેમાં કામ કરી ગયો હતો? એવો સવાલ ર. વ. દેસાઈને હપ્તાવાર નવલકથાનું પુસ્તક બનાવતી વખતે થયો. એટલે તેમણે ઠગોનો વધુ અભ્યાસ કર્યો. અને તેમને ખાતરી થઈ કે 'ઠગની સંસ્થામાં અને ઠગનાં આગેવાન સ્ત્રીપુરુષોમાં મેં કલ્પેલા અગર ઝાંખા જોયેલા ઉચ્ચ કક્ષાના ગુણો એ માત્ર તરંગ કે મિથ્યા સ્વદેશાભિમાન ન હતું...આખી વાર્તા કલ્પિત હોવા છતાં તેમાં ઐતિહાસિક દૃષ્ટિ બની એટલી સાચવી છે.’
નવલકથા હોવાને કારણે તેમાં ઠગટોળકીના ઉદારચરિત નાયક સમરસિંહ (સુમરો), આઝાદ અને નાયિકા આયેશાનો ત્રિકોણ પણ હતો. એટલું ઓછું હોય તેમ ઠગોએ અપહરણ કરેલી અને પછી સમરસિંહના પ્રેમમાં પડેલી મટિલ્ડા નામે અંગ્રેજ કન્યા પણ હતી. ઠગો વિશેની તમામ કથાઓમાં ઠંડા કલેજે નિર્દોષોનાં ખૂન કરવાની તેમની ખાસિયત મુખ્ય ગણાઈ છે, પણ ર. વ. દેસાઈની નવલકથાનો ઠગસરદાર સમરસિંહ અહિંસક હતો. તેણે એવો નિયમ બનાવ્યો છે કે જરૂર વગર કોઈનું ખૂન કરવું નહીં. કોઈ ખૂન કરે તો તેણે પુરવાર કરવું કે એ જરૂરી હતું. વાર્તામાં એક ઠગ સમરસિંહને ટાંકીને કહે છે, 'ઠગ એ કંઈ માત્ર ચોર નથી, માત્ર ડાકુ નથી, માત્ર ખૂની નથી. ઠગ તો ઈશ્વરનો-મહાકાળીનો સેવક છે. મહાકાળી પાપીઓનો, કંજુસોનો, અપરાધીઓનો, મહાદુષ્ટોનો, રાક્ષસોનો ભોગ લે છે. ગમે તેને મારવું એ માતાનો કોપ વહોરવા બરોબર છે. માતાજીની મરજી વિરુદ્ધ હવે ખૂનો થવા માંડ્યાં એટલે જ અમારી પડતી થવા લાગી છે...એટલે અમે સહુએ હવે કસમ લીધા છે કે નિરર્થક જીવહાનિ ન કરવી.’
ઠગોની સભામાં નાયક સમરસિંહ બિરાદરી વિખેરી નાખવાનું સૂચવીને જે કહે છે, તેમાં ઠગોની વાસ્તવિકતા કરતાં લેખકની રાજકીય સમજનો પડઘો વધુ સંભળાય છે, ‘આપણો હવે ઉપયોગ શો? છૂપી રીતે--કાયદાની ઓથે--ધન લૂંટતા તવંગરનું ધન આપણે ઓછું કરતા નથી. આપણે તો ગરીબ અને ધનિક બધાયને લૂંટીએ છીએ...આપણાં રાજ્યોને આપણે સહાય આપી શકતા નથી. પેશ્વાઈ ગઈ, છત્રપતિ ગયા, મોગલાઈ મરવા પડી અને આપણે ગોરાઓથી ડરતા આપણા ભાઈઓને જ મારીએ છીએ... એક પણ ગોરાને ગળે રૂમાલ બાંધવાની આપણામાં હિંમત નથી. દેશના દુશ્મનોને દૂર કરવાની આપણી બીજી પ્રતિજ્ઞા...આખા દેશમાં ફેલાયેલી આપણી દેશી સત્તાને તેમના હાથમાં જવા દઈએ છીએ. હવે આપણો ખપ શો?’
નવલકથાનું અંતિમ દૃશ્ય ૧૮૫૭ના સંગ્રામનું છે, જ્યારે સ્લીમન ઘેરાઈ જાય છે. એ વખતે સમરસિંહ ઠગ હિંદી સિપાહીઓથી સ્લીમનને બચાવે છે. આખરી તારણ તરીકે નવલકથામાં આવતું સ્લીમનનું પાત્ર કહે છે, ‘ઠગસંઘમાં માનવતા હતી.’ અલબત્ત, ઠગો વિશેનાં બીજા લખાણ વાંચતાં ર. વ. દેસાઈએ ઠગોમાં મુકેલી આદર્શોની ભાવના અને રાષ્ટ્રભાવના ભવ્ય કલ્પનાથી વધારે લાગતી નથી.
Monday, November 13, 2017
રાજકીય ગરમીના માહોલમાં દાદા ધર્માધિકારીનું ચિંતન
![]() |
| Dada Dharmadhakari / દાદા ધર્માધિકારી |
દાદાની જે પુસ્તિકાની વાત અહીં કરવાની છે તે હકીકતમાં દાદાએ આપેલાં મરાઠી પ્રવચનનો ગુજરાતી અનુવાદ છે. ‘તરુણોને’ એવું મથાળું ધરાવતી આ પુસ્તિકાની પહેલી આવૃત્તિ વડોદરાના યજ્ઞ પ્રકાશને 1972માં પ્રકાશિત કરી હતી. ચિંતનની જેમ યુવાનોના નામે પણ અત્યારે જે ધંધા ચાલે છે, તે જોતાં દાદાના વિચારો ધર્મ, સમાજ અને નાગરિકચેતનાની જુદી અને સાચી દિશા ચીંધનારા લાગે છે.
તરુણોએ પરિવર્તન આણીને કેવી દુનિયા બનાવવા માટે કામ કરવાનું છે? દાદા ધર્માધિકારીએ તેના ત્રણ મુદ્દા આપ્યાઃ 1) જરૂરિયાતવાળાને વસ્તુ મળવી જોઈએ. જરૂર ન હોય છતાં ખરીદશક્તિના જોરે વસ્તુ મળી જાય ને જરૂરતમંદ નાણાંના અભાવે વંચિત રહી જાય, એ ન ચાલે. આવી વ્યવસ્થા વિશે તેમણે કહ્યું કે વિદ્યા વેચાતી મળે, મોક્ષ વેચાતો લેનારને મળે...દેવ પણ વેચાતા લેનારને મળે. માણસ વેચાય, માણસનો શ્રમ પણ વેચાય, માણસની વિદ્યા પણ વેચાય, માણસના ગુણ વેચાય. જ્યાં માણસ વેચાય ત્યાં રાજ્ય પણ વેચાય, ત્યાં મત પણ વેચાય.’
2) નાણાંની જગ્યાએ શસ્ત્રનું, તિજોરીની જગ્યાએ તલવારનું રાજ પણ ન જોઈએ. ‘ક્રાંતિ કરતા હોઈએ ત્યારે પણ એ કાળજી લેવી જોઈએ કે સમાજમાં હત્યારાની પ્રતિષ્ઠા, હત્યારાની ઇજ્જત ન વધવી જોઈએ. હત્યારાની છત્રી નીચે નાગરિકોએ બિલાડી બનીને ન રહેવું જોઈએ.’
૩) નાગરિક-નાગરિક વચ્ચે રાજ્યની દખલ ઓછામાં ઓછી હોવી જોઈએ. રાજ્યને ઓળખવાની ત્રણ નિશાની છે. ત્રણ સંસ્થા છેઃ પોલીસ, કચેરી અને જેલ… સ્મશાન એ ગામની આવશ્યકતા છે, પણ આશીર્વાદ શું અપાય? ત્યાં જવાનો વખત કોઈને ન આવે એ જ...જેલ, કચેરી, પોલીસ આ સંસ્થાઓ સમાજમાં આવશ્યક હશે, પણ...તેનો ઉપયોગ કરવાનો વારો ન આવવો જોઈએ. એટલે રાજ્યસંસ્થા ક્ષીણ થવી જોઈએ. રાજનીતિ ક્ષીણ થવી જોઈએ અને લોકનીતિ વધવી જોઈએ…રાજકારણ એટલે રાજ્યનો લોકજીવનમાં પ્રવેશ. લોકકારણ એટલે લોકમતનો રાજ્યમાં પ્રવેશ.
આગળ જણાવેલી ત્રણે સત્તાના નાશને તથા માનવતાના વિકાસને દાદાએ 'ક્રાંતિ'ગણાવીને કહ્યું કે 'આ દૃષ્ટિએ તરુણોએ વિચાર કરવો જોઈએ. આવા વિચાર કરે તે તારુણ્ય.’
લોકકારણને બદલે રાજકારણની બોલબાલા થઈ, એટલે લોકશાહી નબળી પડેલી લાગે છે. પરંતુ તેના માટે રાજકારણીઓની સાથોસાથ નાગરિકોની પણ જવાબદારી ઓછી નથી. તે નાગરિક હિત સાથે રાજકારણમાં પ્રવેશવાને બદલે, રાજનેતાઓને પોતાના સ્વાર્થી એજન્ડા લઈને નાગરિકહિતની બાબતોમાં પ્રદૂષણ પેસાડવા દે છે. ઉપરથી પોતે લોકકારણના એ પ્રદૂષણમાં સહભાગી બને છે.
અત્યારનો ઘણો સંઘર્ષ વિચારધારાના નામે પણ ચાલે છે. તેમાં ખરેખરો વિચાર કેટલો હોય છે? દાદા ધર્માધિકારીએ કહ્યું, ‘વિચાર એટલે કોઈ પણ એક વિચાર નહીં, ફક્ત વિચાર. વિચાર કરવાની માણસની ક્ષમતા... વિચાર આધ્યાત્મિક ક્ષેત્રમાં સંગઠિત થાય તેનું નામ ધર્મપંથ. તે જ પ્રમાણે વિચાર બીજા ક્ષેત્રમાં સંગઠિત થાય એટલે તે વિચારસરણીમાં પરિણત થાય છે. વિચારસરણી બને એટલે વિચાર બચતો નથી. વિચાર સંગઠિત થયો એટલે વિચાર પૂરો થયો. સંગઠિત વિચાર એટલે મૃત વિચાર. બીજું, સંગઠિત વિચાર આક્રમણશીલ થાય, એટલે તે વાદ બને છે...આજે જગતમાં વાદોની લડાઈ છે...આ સંગઠિત વિજેયચ્છુક (વિજયી બનવા ઇચ્છતો) વિચાર જ્યારે સત્તાભિમુખ બને છે ત્યારે તે પક્ષ બને છે.’
આ વાક્યોમાં શબ્દચાતુરી નહીં, વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની ચાવી છે. એ વાતને આગળ વધારતાં દાદાએ કહ્યું, ‘સંગઠિત વિચાર એ સમ્યક્ વિચારનો વિરોધી છે, ઘાતક છે. જ્યાં સંગઠિત વિચાર આવે છે, ત્યાં વિચાર સિલક રહેતો નથી. ઇટ્સ એ કૉન્સ્પિરસી અગેન્સ્ટ ઇન્ટલેક્ટ—માણસની બુદ્ધિની વિરુદ્ધ કરેલ વ્યૂહ એટલે સંગઠિત વિચાર...કેવી ગમ્મત છે? પક્ષનો આરંભ વિચાર-સ્વાતંત્ર્યની આકાંક્ષામાંથી થાય છે. પક્ષ કેમ બન્યો? આપણે કહીએ છીએ કે અમારો વિચાર ભિન્ન છે માટે અમે જુદો પક્ષ કાઢ્યો, પણ પક્ષમાં સ્વતંત્ર વિચારને સ્થાન જ નહીં. તમે જો વિચાર-સ્વાતંત્ર્ય માગશો તો પક્ષ છોડવો પડશે અથવા તમને પક્ષમાંથી કાઢી મુકીશું. એટલે પક્ષ માટે કહેવાયું...સામાન્ય લોકોની બુદ્ધિની વિરુદ્ધ, બૌદ્ધિક સ્વાતંત્ર્ય વિરુદ્ધ આ વ્યૂહ છે.’ (એ અરસામાં કોંગ્રેસના બે ભાગ પડ્યાની ઘટના પ્રમાણમાં તાજી હતી)
એક સવાલ જુદી જુદી બાબતોમાં આવતો રહે છે--ચૂંટણીઓ વખતે તો ખાસ. ઘણા લોકો કહે છે, ‘બન્ને તરફ અનિષ્ટ છે, તેમાંથી અમે ઓછા અનિષ્ટની પસંદગી કરી.’ પોતાના હેતુ માટે હથિયારો ઉપાડનારામાંથી કેટલાક સિદ્ધાંતવીરો કહે છે, હિંસા 'નેસેસરી ઇવિલ' (અનિવાર્ય પાપ) છે. પરંતુ વાસ્તવમાં શું થાય છે? દાદાએ કહ્યું હતું, ‘ફક્ત અપરિહાર્ય (જેના વગર ન ચાલે એવું) તરફ જ લક્ષ રહે છે...'ઇવિલ'પર જોર નહીં, ફક્ત 'નેસેસરી'પર જ જોર છે.’ આપણે પણ ઓછા અનિષ્ટને ચૂંટ્યા પછી એ યાદ રાખતા નથી કે એ છે તો અનિષ્ટ જ. માટે તેને માથે ન ચડાવાય અને તેની પાસેથી સતત હિસાબ માગતા રહેવું પડે. પરંતુ ઓછું અનિષ્ટ ક્યારે ઉદ્ધારકનું સ્થાન લઈ લે છે, તેની ઘણાને સરત રહેતી નથી.
વર્ગની વિચારસરણી પર મોટાં શાસ્ત્રો રચાયાં છે, પણ દાદાએ તેની બહુ વ્યવહારુ સમજૂતી આપી. તેમણે કહ્યું કે વર્ગ (એટલે કે ગરીબ અને અમીર, માલિક અને મજૂર) એ બાહ્ય પરિસ્થિતિ છે. ‘જેને માટે (રશિયન) ક્રાંતિ કરવામાં આવી એ ક્રાંતિકારી નહોતા. ગરીબ માણસ ક્રાંતિકારી નથી...તેઓ સમાજપરિવર્તન ઇચ્છે છે, પણ ક્રાંતિ નહીં. એનો અર્થ શું? ગરીબને અમીર થવું છે, પણ ક્રાંતિ નથી જોઈતી. એટલે ગરીબ અને અમીરની મનોભૂમિકામાં મૂળભૂત ફરક નથી. ફરક છે પરિસ્થિતિમાં, બાહ્ય ભૂમિકામાં.’ એટલે એક તરફ ગરીબ અમીરને શેતાન ગણતો હોય, શોષક ગણતો હોય, પણ તેને પોતાને (એવા જ) અમીર થવું હોય. આ વિરોધાભાસને કારણે બન્ને બાહ્ય રીતે જુદા વર્ગના થવા છતાં, સરવાળે એક જ માળાના મણકા બની રહે છે. અલબત્ત, આ દલીલથી શોષણખોરોને અવિરત શોષણનો પરવાનો મળી જતો નથી, પણ શોષણ સામે-અન્યાય સામે-અત્યાચાર સામે આંદોલન કરનારાએ વિચારવાનું રહે છે કે તેમને કેવા બનવું છે?












