Saturday, August 28, 2021
મેઘાણી વિશે બે દહાડામાં ઘણું બધું લખાઈ ગયા પછી...
![]() |
| ઝવેરચંદ મેઘાણી ('ઊર્મિ અને નવરચના' મેઘાણી સ્મૃતિ અંકમાંથી) |
ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતા સેનાની...આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે. બે-એક દિવસથી તેમના વિશે ઘણી વાત થઈ અને થઈ રહી છે ત્યારે, તે શું ન હતા તે પણ નોંધવા જેવું છે. કદાચ તેમના વિશેની સમજમાં થોડા વધુ મુદ્દા ઉમેરાય.
- ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં. પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રિય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રિય શાયર'નો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રિય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. આવાં છોગાં અખબારી મથાળાં માટે ઉપયોગી બને, પણ તેનાથી મેઘાણીની બીજી ઘણી પ્રતિભાઓ અનાયાસે ઢંકાઈ જાય છે.

ઝવેરચંદ મેઘાણીના અવસાન નિમિત્તે સરદાર પટેલનો પ્રતિભાવ - ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’—એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા'માં મેઘાણીએ આત્મસાત્ કરેલી મહી કાંઠાના ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની 1947થી 1967 સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.
- મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા—એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજનાં છેવાડાનાં ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.
- મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય. (તસવીરમાં ફૂલછાબની ભેટ પુસ્તિકા તરીકે તેમણે તૈયાર કરેલી કેટલીક પુસ્તિકોનાં પૂંઠાં મૂક્યાં છે.)

મેઘાણી અને સતીકુમારે તૈયાર કરેલી 'ફૂલછાબ'ની કેટલીક ભેટ પુસ્તિકાઓ - મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.
- ગઈ કાલે એવું વાંચવામાં આવ્યું કે ‘આપણે જે ભાષા બોલીએ છીએ, આપણી નવગુજરાતી પેઢી જે ભાષા સમજે છે એનો પાયો ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાંત બક્ષી જેવા અનેક લેખકોએ નાખ્યો. ન સમજાય એવું ભદ્રંભદ્રિય ગુજરાતી બોલવાને બદલે એમણે આપણને શીખવ્યું કે આપણી જ ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો અને અન્ય ભાષાઓના સારા શબ્દોને આપણી ભાષામાં ઉમેરવાથી ભાષાનું શબ્દભંડોળ અને સમૃદ્ધિ વધે છે.’
- . (1) ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષાના અસંખ્ય પેટાપ્રકાર છે. તેમાં ગલગલિયાંથી ગહન ઊંડાણ સુધીનું વૈવિધ્ય છે. ગાંધીયુગના અને ત્યાર પછીના મોટા ભાગના લેખકો ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષામાં જ લખતા રહ્યા છે. તેમાં મેઘાણીને અલગ તારવી શકાય નહીં. અને એવા બહુ બધા લેખકો હોય તો 'બે અને બીજા ઘણા' એવું કહેવાથી કશો અર્થ ન સરે. વિશેષ ઉલ્લેખ હોય વિશેષતાનો જ હોય. (2) તેમને, ભલે આ બાબત પૂરતા પણ, બક્ષીની હરોળમાં મુકવાની ચેષ્ટા વિશે કંઈ ન કહેવામાં જ સાર છે. (3) આપણી ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો વાપરવાનું મેઘાણીમાંથી કયા ‘નવગુજરાતી’ શીખ્યા? છેલ્લા બે-ત્રણ દાયકાથી તો લખનારામાં પ્રચલિત-રૂઢ શબ્દોની જગ્યાએ અંગ્રેજી ઠઠાડવાની હોડ જામેલી હતી અને હવે તો એ પ્રક્રિયા લગભગ પૂરી થવાના આરે છે. (4) મેઘાણી પ્રચંડ સર્જકતા ધરાવતા હોવાથી, અભિવ્યક્તિની તાલાવેલીમાં તે ઘણા મૌલિક શબ્દો નીપજાવતા હતા.આ વિશ્લેષણમાં બે-ત્રણ પાયાના પ્રશ્નો છે.
- નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની-સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.
મેઘાણીની અનેકવિધ પ્રતિભાઓ અને વિશાળ પ્રદાન મૂકીને તે જે નથી અને તેમણે જે નથી કર્યું, તે આગળ કરવામાં આવે, ત્યારે કમ સે કમ આટલું યાદ કરવું રહ્યું.
![]() |
| 'ઊર્મિ અને નવરચના' (એપ્રિલ 9, 1947) ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ અંકમાં પ્રગટ થયેલી મેઘાણીનાં 83 પુસ્તકોની યાદી |
Wednesday, March 16, 2011
ભારતમાં ક્રાંતિ કેમ નહીં?
Wednesday, October 13, 2010
ભાવે દંપતિની મેઘાણી-મહેફિલ


સાહિત્યકાર - સાહિત્યસંસ્થાઓ + સાહિત્યભાવકો = ?
ગણિત પ્રત્યે પ્રેમ ન હોવા છતાં ઉપરનું સમીકરણ અને તેનો જવાબ મનમાં સુઝી આવે- ખરેખર તો જવાબ પરથી સમીકરણ સૂઝી આવે, એવું ગઇ કાલે મિત્રદંપતિ સંજય ભાવે-મેઘશ્રી ભાવેનો મેઘાણી વિશેનો કાર્યક્રમ સાંભળીને થયું. સવા કલાકના ‘અભિવાચન’માં ભાવેદંપતિના મેઘાણીપ્રેમ અને મેઘાણીઅભ્યાસ ઉપરાંત મેઘશ્રી ભાવેના કેળવાયેલા કંઠનો લહાવો વધારાનો.
સાંભળ્યું હતું બહુ વખતથી કે સંજયભાઇ અને મેઘશ્રીબહેન ‘આવો માણસ કોઇ દિ’ જોયો નથી’ એ શીર્ષક સાથે મેઘાણીના જીવન અને સાહિત્યનાં વિવિધ પાસાં આવરી લેતો કાર્યક્રમ કરે છે. એકથી વધારે વાર જવાનું વિચાર્યું, પણ અનુકૂળતા ન થઇ. છેવટે બે દિવસ પહેલાં મિત્ર કબીર ઠાકોર-નેહા શાહના ઘરે થોડા મિત્રોની અને ખાસ તો પ્રો.અંજનીબહેનની હાજરીમાં સાંજે સાત-સવા સાત વાગ્યે કાર્યક્રમ થવાનો હતો, એટલે વેળાસર પહોંચ્યો અને સવા કલાક સુધી મેઘાણીસ્મૃતિમાં મહાલ્યો.
મેઘાણીની મહાજાણીતી કૃતિઓ (કોઇનો લાડકવાયો, છેલ્લો કટોરો, શિવાજીનું હાલરડું, ચારણકન્યા)ની સાથોસાથ એકાદ પંક્તિથી જાણીતી પણ આખેઆખી પ્રચલિત ન હોય રચનાઓ, પત્રોના અંશ, વાર્તાના સાર, તેમના સાહિત્યના અંગ્રેજી-ફ્રેન્ચ સહિત ભાષાઓમાં થયેલા અનુવાદની વિગતો, ફુલછાબ કાર્ટૂન કેસ, ગરીબો-પીડિતો માટેની તેમની નિસબત અને તેને વ્યક્ત કરતી કૃતિઓ, વાસણો બનાવતી જીવણલાલ એન્ડ કંપનીમાં તેમની નોકરીથી માંડીને ‘લિ.હું આવું છું’ સુધીની તેમની જીવનયાત્રા, તેમણે વેઠેલી વિપરીતતાઓ અને તેની વચ્ચેથી પણ અવિરતપણે જારી રહેલું સાહિત્યસર્જન..અને આવું તો ઘણું સવા કલાકમાં આવરી લેવાયું છે. છતાં મેઘાણીનું પ્રદાન એટલું પ્રચંડ, બહોળું છતાં માતબર કે આટલું ઓછું લાગે.
પોતાના પ્રિય સાહિત્યકારને કેવી રીતે અંજલિ આપી શકાય, તેનું સરસ ઉદાહરણ ભાવેદંપતિ પૂરું પાડે છે. મેઘાણી આવો અઢી-ત્રણ કલાકનો ફુલ લેન્થ કાર્યક્રમ ખમે એવા છે. વચ્ચે એક ઇન્ટરવલ હોય તો ટાગોર હોલ નહીં ને પરિષદનો હોલ ભરાય એટલા શ્રોતાઓ તો આવા કાર્યક્મ માટે મળી શકે.... ‘લોભને થોભ નહીં’ અમસ્તું કહ્યું છે?
Sunday, September 19, 2010
450મી પોસ્ટઃ(વધુ એક) નવી શરૂઆત
450ના મુકામે બ્લોગની સમૃદ્ધિમાં અને બની શકે તો તેની ઉપયોગીતામાં ઉમેરો કરવાના આશયથી પુસ્તકો વિશે અનિયમિત રીતે નિયમિત માહિતી આપતો એક વિભાગ શરૂ કરું છું. તેમાં નવાં ગુજરાતી-અંગ્રેજી, ક્યારેક હિંદી પુસ્તકો વિશે જાણકારી આપવાનો આશય છે. એ રીવ્યુ નહીં હોય. ફક્ત જાણકારી હશે. કોઇકમાં સાથે નોંધ લખવાનું મન થાય તો ટૂંકી નોંધ. બસ.
મ્યુનિસિપાલિટીની ટ્રકમાંથી ઉકરડામાં ઠલવાતા કચરા જેવા જથ્થામાં નબળાં પુસ્તકો ઠલવાઇ રહ્યાં છે, ત્યારે વાચનપ્રેમી મિત્રોને કેટલુંક કામનું હોઇ શકે એવું ચીંધી બતાવવાનો આશય આ ઘડીએ મનમાં છે. તેમાં ક્યારેક મિત્રપ્રેમને કે અંગત લાગણીને વશ થઇને કોઇ પુસ્તકની નોંધ લેવાનું થાય એવું પણ બની શકે છે. પરંતુ ઘણું કરીને અહીં અંગત પસંદગીના વિષયો અંગેના પુસ્તકોની નોંધ લેવાનો ખ્યાલ છે, જેથી સૂચિ સાવ પરબ-શબ્દસૃષ્ટિ જેવી ન બની જાય. પુસ્તકો વિશેનું સામયિક ‘ગ્રંથ’ જોયું નથી, પણ તેના વિશે જે સાંભળ્યું છે એની પરથી અત્યારે તેની બહુ ખોટ વર્તાય એવો માહોલ છે. થોડીઘણી જગ્યાએ પુસ્તકો વિશેની જે કોલમો ચાલે છે, તેમાં વિશ્વસનીયતા તો ઠીક, ગંભીરતાના પણ ગંભીર પ્રશ્નો છે.
નમૂનાલેખે 6 ઓગસ્ટ, 2010ના રવિવારની ‘દિવ્ય ભાસ્કર’ પૂર્તિમાં છપાયેલા ડો.આંબેડકર વિશેની એક પુસ્તિકાના રીવ્યુની વાત કરું. માત્ર એંસી પાનાંની આ પુસ્તિકાના રીવ્યુમાં એંસીથી નેવુ ટકા હિસ્સામાં પુસ્તકમાંથી અવતરણો ટાંકવામાં આવ્યાં હતાં અને ક્યાંક અર્થઘટનનો પ્રયાસ થયો ત્યારે કેવો ગોટાળો સર્જાયો હતો, તે રીવ્યુકાર ભોળાભાઇ પટેલના જ શબ્દોમાં વાંચોઃ
‘મૂળે ગુજરાતના બાબાસાહેબને ગુજરાતમાં તલાટીની નોકરી કરવાનો પણ એક એવો મૃત્યુનો સામનો કરવા જેવો અનુભવ માત્ર ને માત્ર અછુત હોવાને કારણે. એ વખતે પણ નોકરી છોડી મુંબઇ પાછા જતું રહેવું પડ્યું હતું. આ છે સત્યની પીડા-સત્ય પીડા- પછી ભારતરત્ન બનેલા બાબાસાહેબે અનુભવેલી.’
ડો.આંબેડકર વિશેની પ્રાથમિક જાણકારી હોય એવા મિત્રો પણ જાણે છે કે તે ‘મૂળે ગુજરાતના’ ન હતા અને તેમણે કદી ગુજરાતમાં તલાટી તરીકે નોકરી કરી ન હતી. ‘વેઇટિંગ ફોર વિસા’ના લેખગુચ્છના આરંભે ડો.આંબેડકરે કરેલી સ્પષ્ટતા પુસ્તિકામાં આ શબ્દોમાં છેઃ ‘અહીં રજૂ કરેલા પ્રસંગો માટે મેં મારા તેમ જ બીજાના અનુભવનો આધાર લીધો છે.’ ત્યાર પછી તલાટીવાળો કિસ્સો આલેખતાં પહેલાં તેમણે ચોખ્ખું લખ્યું છે કે તે મુંબઇમાં 6 માર્ચ, 1938ના રોજ ભરાયેલી સભામાં એક દલિત યુવાને રજૂ કરેલો અનુભવ છે. તેમ છતાં ભોળાભાઇ જેવા (સાચી રીતે) અભ્યાસી ગણાતા લેખક આખેઆખું કોળાનું ખેતર શાકમાં જવા દે ત્યારે આપણે ઉંહકારો પણ કર્યા વિના આગળ વધી જવાનું? અને ‘એમણે પુસ્તકની નોંધ તો લીધી’ એવું આશ્વાસન લેવાનું?
રઘુવીરભાઇ (ચૌધરી) આવો રીવ્યુ કરે તો આઘાત કે નવાઇ ન લાગે. પ્રવચનની જેમ રીવ્યુમાં પણ ‘એક યહાં ગીરા, એક વહાં ગીરા’ એમની સ્ટાઇલ છે. થોડા વખત પહેલાં ભાઇ બીરેને લખેલા પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’ના ચરિત્ર વિશે રઘુવીરભાઇએ ભાસ્કરમાં અવલોકન લખ્યું હતું. તેમાં એમણે પ્રખર બૌદ્ધિક પ્રો. રાવજીભાઇ ‘મોટા’ અને અધ્યાત્મવાળા પૂજ્ય મોટાના ચરિત્રોની એવી જબરી ભેળસેળ કરી હતી કે ભલભલા ગૂંચવાઇ જાય. છતાં, ‘રીવ્યુ કોણ વાંચે છે? એ બહાને છાપામાં પુસ્તક વિશે આવ્યું તો ખરું’ એમ વિચારીને રાજી થવાનું?
પુસ્તકપરિચયની કોલમો વિશેના આવા અનેક વિચારોની વચ્ચે, કમ સે કમ કેવી રીતે નોંધ ન લેવી તેની સ્પષ્ટ ભૂમિકા સાથે આ વિભાગનો આરંભ કરું છું. 'ગ્રંથાગાર' (સાહિત્ય પરિષદના મકાનમાં, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ખાંચામાં, આશ્રમ રોડ, અમદાવાદ)નાં નાનકભાઇ મેઘાણી અને હંસાબહેનનો મૈત્રીભર્યો ઉમળકો ન હોત તો આ વિચારને અમલમાં મૂકી શકાયો ન હોત. તેમની સાથે ગપ્પાંગોષ્ઠિ કરતાં કરતાં જોયેલાં નવાં પુસ્તકોને કારણે જ એ પુસ્તકોની વિગતો મિત્રો સાથે વહેંચવાનું મન થયું અને અનુકૂળતા પણ થઇ શકી છે.

વતનથી દૂર ઘર મારું
મારિયા શ્રેસ મિસ્કા (રંગદ્વાર)
કિંમતઃ રૂ.120, પાનાં 182
નોંધઃ પરદેશી સાધ્વી તરીકે ભારતમાં-ગુજરાતમાં આવેલાં અને સેન્ટ ઝેવિયર્સ સાથે સંકળાયા પછી 37 વર્ષથી સાબરકાંઠાના આદિવાસીઓ સાથે ગાળનારાં મારિયાબહેન ‘સવાયા ગુજરાતીઓ’ની બહુ ચવાયેલી પણ કાકા કાલેલકર સિવાય ભાગ્યે જ ગવાયેલી કેટેગરીમાં આવે. તેમના પુસ્તક ‘ગીરાસમાં એક ડુંગરી’ ને દોઢેક દાયકા પહેલાં સાહિત્ય અકાદમીનું ઇનામ પણ મળ્યું ત્યારે એ તરફ ઘણા લોકોનું ધ્યાન ગયું હતું. આ પુસ્તકમાં પણ વિવિધ પાત્રોની સત્યકથાઓ આલેખાયેલી છે. પાત્રોનાં નામ જ પ્રકરણનાં નામ તરીકે રાખવામાં આવ્યાં છે.

I P Desai- A pioneering Indian sociologist
Ragini P. Shah (Rawat Publication, Jaipur)
કિંમતઃ રૂ.575, પાનાં 291
નોંધઃ ગુજરાતે દેશને આપેલા પહેલી હરોળના સમાજશાસ્ત્રીઓમાં આઇ.પી.નું નામ ગણાય છે. પહેલી વાર તેમનો ઉલ્લેખ ઘનશ્યામભાઇ શાહ સાથે તેમણે કરેલા અસ્પૃશ્યતાનિવારણના ઐતિહાસિક સર્વેક્ષણ બાબતે સાંભળ્યો હતો. હજુ સુધી આ બન્નેનો એ સર્વે અધિકૃત ગણાય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક સમયે આઇ.પી. જેવા અધ્યાપકો ડીન તરીકે હતા. સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના એ સ્થાપક ડાયરેક્ટર હતા. ફ્લેપ પરના લખાણમાં આ પુસ્તકને આઇ.પી.ની ‘ઇન્ટલેક્ચુઅલ બાયોગ્રાફી’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. પુસ્તકમાં તસવીરો પણ છે. ગુજરાતનું ગૌરવ અનુભવવા માગતા લોકોએ ખાસ ઓળખવા જેવા માણસ.

A Masterful Spirit - Homi J Bhabha
Indira Chowdhury & Ananya Dasgupta (
Penguin)
કિંમતઃ રૂ.1299, પાનાં રૂ.1260
એક પુસ્તકપ્રેમીની કલ્પનાનું પુસ્તક કેવું હોઇ શકે તેનો સરસ નમૂનો. ભાભાએ લખેલી થીયરીઝથી માંડીને તેમણે દોરેલા સ્કેચ, તસવીરો, અંગત પત્રોને ગૂંથીને એક એવું પુસ્તક બની આવ્યું છે કે વારંવાર જોયા પછી પણ ધરવ ન થાય અને પુસ્તક જોયા કરવાનું જ મન થાય. ભાભાએ દોરેલો તેમના મિત્ર-સાથીદાર વિક્રમભાઇનાં પત્ની મૃણાલિની સારાભાઇનો સ્કેચ, એમ.એફ.હુસેનનો ભાભાએ દોરેલો સ્કેચ....અનેક મહાન વૈજ્ઞાનિકો સાથે ભાભાની તસવીરો, તેમના મૃત્યુના સમાચાર છપાયા એ દિવસના અખબારનું પહેલું પાનું...પુસ્તકનું લખાણ તો વાંચ્યા પછી ખબર પડે, પણ તેની સામગ્રીની સમૃદ્ધિ અને ગૂંથણી મુગ્ધ કરે એવાં છે.
Thursday, August 26, 2010
ઝવેરચંદ મેઘાણીની યાદમાં ‘સોરઠી સંતવાણી’

માર્કેટ યાર્ડ, નેશનલ હાઈવે 8-A, ચોટીલા
Thursday, February 04, 2010
મેઘાણી બંઘુત્રિપુટી અને ભગતસાહેબ
સાહિત્ય પરિષદની અંદર આવેલા ‘ગ્રંથાગાર’ માં અચ્છુંખાસું મેળાવડાનું વાતાવરણ થઇ ગયું. ત્રણે મેઘાણી બંઘુઓ- અશોકભાઇ, નાનકભાઇ અને મહેન્દ્રભાઇ- ઓછા હોય તેમ નિરંજન ભગત આવી ચડ્યા. તેમણે પણ ખુરશી નાખી અને અલકમલકની વાતો કરી. એ અનોખી અને અનાયાસ મિજલસની થોડી યાદગીરી.

Monday, January 11, 2010
ઝવેરચંદ મેઘાણીનાં ‘પરિભ્રમણ’ : બે અદભૂત પુસ્તકો
થોડાં વર્ષ પહેલાં મિત્ર-ડિઝાઇનર અપૂર્વ આશર સાથે વાત થઇ હતીઃ ઝવેરચંદ મેઘાણીએ અખબારોમાં લખેલાં લખાણોનું જયંતભાઇ મેઘાણી સંપાદન કરી રહ્યા છે. તેનું ડિઝાઇનિંગ અપૂર્વ જ કરવાના હતા. આખરે એ મેરેથોન પ્રોજેક્ટ પૂરો થયો અને તેનું સુખદ પરિણામ થોડાં અઠવાડિયાં પહેલાં આવી ગયું. ‘પરિભ્રમણ’નું નવસંસ્કરણ. ભાગ-૧ (પૃષ્ઠસંખ્યાઃ ૬૮૩) અને ભાગ-૨ (પૃષ્ઠસંખ્યાઃ ૫૬૦). સંપાદનઃ જયંત મેઘાણી-અશોક મેઘાણી.કુલ ૧,૨૦૦થી પણ વઘુ પાનાંમાં આટલી બધી અર્થઘનતા ધરાવતી છતાં વિદ્વત્તાના બોજ વગરની અને રસાળ, સાહિત્યને લગતા આટઆટલા વિષયો અને પ્રવાહોને સ્પર્શતી સામગ્રી ગુજરાતીમાં મળવી દુર્લભ છે.
પુસ્તકના બન્ને ભાગમાં મળીને આઠ વિભાગ છે.
ભાગ-૧
૧) સાહિત્યની વિચારભૂમિમાં - સાહિત્યિક પ્રશ્નો
૨) ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં- સાહિત્યકૃતિઓ, સાહિત્યકારોની સાહિત્યસેવા
૩) સાહિત્યના સીમાડાઓમાં- સાહિત્યનું વાચન, પુસ્તક-વ્યવસાય, સાહિત્યકાર પાસેની અપેક્ષાઓ, સાહિત્યના વહેવારો, પ્રેરણા-ઘટનાઓ
ભાગ-૨
૧) પરભાષાના પ્રદેશમાં- દેશ-વિદેશની સાહિત્યસૃષ્ટિ
૨) પત્રકારની દુનિયામાં- દેશવિદેશનું પત્રકારત્વ
૩) કલાજગત- વિવિધ કળાઓ અને કલા-પ્રવૃત્તિઓ
૪) ઘરદીવડા- ગુજરાતના અને ભારતના સાહિત્યિકોનાં જીવન
૫) વેરાનમાં - દેશવિદેશના સાહિત્યનાં આસ્વાદલક્ષી લખાણો અને અનુવાદો
જીવનરસ અને જોસ્સો, ખુલ્લાશ અને વિચાર, સ્પષ્ટતવક્તવ્ય અને વિવેકયુક્ત ધારથી શોભતાં આ પુસ્તકનાં લખાણો અને ચર્ચાઓમાંની ઘણી હજી પણ એટલી જ આબાદ લાગુ પડે છે. એક નમૂનોઃ
‘બે શબ્દોએ જાહેરજીવનમાં ભ્રમણા ઊભી કરી છેઃ સેવાર્થી અને ધંધાર્થી. એવો જ ગોટાળો કલાસાહિત્યના પ્રદેશોમાં બે શબ્દોએ જન્માવેલ છેઃ પ્રફેશનલ અને એમેચ્યોર. સેવાર્થી પોતાને ધંધાર્થી કરતાં ચડિયાતો લેખાવે છે. એમેચ્યોર હંમેશાં પ્રફેશનલથી સુગાય છે. ધંધા લેખે કલમ ચલાવનારો સાહિત્યને કેમ જાણે કંઇકઅંશે કલંકરૂપ, સાહિત્યની ઉચ્ચ અટારીઓને નીચે પટકનારો હોય, સ્વાર્થી અને પેટભરો હોય અને તેવો હોવાથી સરસ્વતીની સાચી ઉપાસનાનો અનધિકારી હોય, એ વહેમો પ્રવર્તે છે. વહેમોનાં એ જાળાં ઝાડવાની જરૂર હજુ ઊભી છે.'
આવું પુસ્તક પ્રકાશિત કરવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમી અને તેના (તત્કાલીન) મહામાત્ર, પ્રસિદ્ધ વાર્તાકાર કિરીટ દૂધાતને પણ અભિનંદન.
રૂ.૪૫૦ (બન્ને ભાગ)ની છાપેલી કિંમત ધરાવતું આ પુસ્તક મેઘાણી પરિવારના ગ્રંથભંડારોમાંથી, તેમણે પોતાનું કમિશન જતું કર્યું હોવાને કારણે, માત્ર રૂ. ૩૦૦ની કિંમતે મળશે. અમદાવાદમાં ગ્રંથાગાર (સાહિત્ય પરિષદ) અને તાન્યાઝ, ભાવનગરમાં પ્રસાર અને લોકમિલાપ તથા ભૂજમાં અક્ષરભારતી.
સાહિત્યપ્રેમી કે વાચનપ્રેમી હોવાનો ખ્યાલ ધરાવતા દરેક મિત્રોએ અચૂક ખરીદવા જેવું પુસ્તક.
એ વિશેની કોઇ પણ વઘુ જાણકારી માટે બન્ને સંપાદકોનો સંપર્ક
જયંતભાઇ મેઘાણીઃ jayantmeghani@gmail.com
અશોકભાઇ મેઘાણીઃ ashok@meghani.com
Saturday, August 22, 2009
મેઘાણીની વેબસાઇટ વિશે ટીવી કાર્યક્રમ
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને નાનક મેઘાણીના પુત્ર પિનાકીભાઇના આ કર્તૃત્વને આવરી લેતો એક ટીવી કાર્યક્રમ રવિવાર, તા. 23-8-09ની સાંજે આઠ વાગ્યે ગુજરાતી દૂરદર્શન (ગિરનાર ચેનલ) પરથી પ્રસારિત થશે. આ કાર્યક્રમમાં વેબસાઇટનાં કેટલાંક દૃશ્યો ઉપરાંત મેઘાણી-ગાંધીની વિશિષ્ટ મુલાકાત વિશેની વાતો પણ નાનકભાઇના મોઢેથી સાંભળવા મળશે.
મેઘાણી વિશેની કોઇ પણ ઠેકાણાસરની માહિતી જાણવા કે જણાવવા ઇચ્છતા મિત્રો માટે પિનાકી મેઘાણીનું ઇ-મેઇલ એડ્રેસઃ pinakimeghani@yahoo.com



