Showing posts with label manto. Show all posts
Showing posts with label manto. Show all posts
Tuesday, June 13, 2017
‘...તો મંટો આજ મરનેકો તૈયાર હૈ'
(મંટો વિશેના લેખનો પહેલો ભાગઃ મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટો)
વિશ્વના શ્રેષ્ઠ વાર્તાકારોમાં જેની ગણના થાય છે તે મંટોએ મુંબઈની હિંદી ફિલ્મકંપનીઓ માટે ઘણું કામ કર્યું હતું. વાર્તાકાર તરીકે ત્યારે મંટોનું નામ જાણીતું થઈ ચૂક્યું હતું, પણ ટૂંકી વાર્તાઓ પર લાંબું ન ચાલે. એટલે ફિલ્મી લેખન રોજગારીના ભાગરૂપે હતું. કવિ-લેખક-નાટ્યકાર અહમદ નદીમ કાસમીને લખેલા પત્રોમાં આ અંગે મંટોના વિચારો અને વ્યાવસાયિક બનવાના પ્રયાસનું બયાન મળે છે.
ફિલ્મલાઈનમાં રૂપિયા સારા મળતા હોવાથી મંટો કાસમીને સતત મુંબઈ આવી જવા આગ્રહ કરતા હતા--અને કાસમી માટે ફિલ્મોમાં ગીતો ને સીન લખવાનું કામ શોધતા હતા. 'કીચડ' ઉર્ફે MUD મંટોએ ફિલ્મ માટે લખેલી સ્ટોરી હતી. તેના વિશે જાન્યુઆરી, ૧૯૩૯ના પત્રમાં મંટોએ કાસમીને લખ્યું હતું, ‘MUDમેં આપકો બહુતસી નયી ચીજેં નઝર આયેંગી. 'નયા કાનૂન' કે ઉસ્તાદ મંગૂકી ઝલક આપકો નથ્થૂકે કૈરેક્ટરમૈં મિલેગી. ફિર મૈંને અપને હર કૈરેક્ટરકે ઉસકી બુરાઈયોં ઔર અચ્છાઇયોં સમેત પેશ કિયા હૈ. અગર યે સ્ટોરી ફિલ્માયી ગયી ઔર ડાયરેક્શન ઉસ ચીજકો બરકરાર રખ સકી જો મેરે સીનેમેં હૈ તો મેરા ખ્યાલ હૈ કિ આપ મેરે MUDમૈં સારા હિન્દોસ્તાન દેખ લેંગે.’
આ ફિલ્મનાં ગીત કાસમી લખે એવું મંટો ઇચ્છતા હતા. એપ્રિલ, ૧૯૩૯ના પત્રમાં તેમણે કાસમી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો અને સાથે મૂળ કથા પણ મોકલી આપી. પરંતુ એ બન્ને બાબતો શક્ય બની નહીં. કાસમીએ મોકલેલાં કેટલાંક ગીત મંટોને પસંદ ન પડ્યાં. તેમાંથી એક ગમ્યું, તે સંગીતકાર રફીક ગઝનવીને તર્જ બનાવવા આપી દીધું અને બીજાં ફરી લખી આપવા કહ્યું. પરંતુ જુલાઈ ૧૯૩૯ના પત્રમાં મંટોએ લખ્યું, ‘મુઝે બેહદ અફસોસ હૈ કિ અબ યે ગીત ફિલ્મમેં શામિલ નહીં કિયે જા સકેંગે ઇસલિએ કિ મૈંને ફિલ્મકી પ્રોડક્શનમૈં દિલચસ્પી લેના છોડ દિયા હૈ. ડાયરેક્ટર સાહબકો મેરા મુકાલમા (સંવાદ) પસંદ નહીં આયા. વહ કહતે હૈં કિ જો કુછ તુમ લિખતે હો, મેરી સમઝસે બાલાતર હૈ...મૈં બહુત ખુશ હૂં કિ રોજ રોજકે ઝગડોંસે નિજાત મિલી ઔર વહ ખુશ હૈં ઉનકો મેરી જિરહ (ઉલટતપાસ)કા સામના નહીં કરના પડેગા. ચૂંકિ મુકાલમા કોઈ ઔર લિખ રહા હૈ, ઇસલિએ મૈંને આપકે ગીત પેશ કરના મુનાસિબ નહીં સમઝા... ’
આ ફિલ્મ રજૂ થઈ, પણ તેણે ખાસ કશું ઉકાળ્યું નહીં. વાર્તામાં થયેલા અઢળક ફેરફારોથી મંટોને બહુ દુઃખ થયું હતું, પણ 'ફોટોગ્રાફી ને કેટલાક એક્ટરોની એક્ટિંગ સારી છે' એવું તેમણે કાસમીને લખ્યું. ફિલ્મલાઇનમાં સંપર્કો હોવાને કારણે મંટો બીજેથી પણ કાસમી માટે કામ શોધી લાવતો હતો. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં મંટોએ કાસમીને વિ.સ.ખાંડેકરની 'ધર્મપત્ની’ શીર્ષક ધરાવતી ફિલ્મી સ્ટોરી મોકલી અને કહ્યું કે તેના સંવાદ લખવાનું કામ કેદાર શર્માને સોંપાયું હતું. પણ એ પ્રોડ્યુસરને ગમ્યા નથી. એટલે તમને લખવા મોકલું છું. સંવાદ લખવા વિશે કાસમીને સલાહસૂચનો આપીને મંટોએ લખ્યું હતું, ‘બરાહે કરમ યે કામ ખૂબ મહેનતસે કીજિયેગા. મેરી ખ્વાહિશ હૈ કિ આપ ફિલ્મી લાઇનમેં આયેં ઔર અપના નામ રૌશન કરેં.’
ગુજરાતી-હિંદી-ઉર્દુ નાટ્યકાર અસલમ પરવેઝ દ્વારા સંપાદિત 'મંટોકે ખત'માં મહત્તમ (૯૨) પત્રો અહમદ નદીમ કાસમી પર છે. તેમાં મંટોની કેટલીક ટૂંકી વાર્તાઓ અને ફિલ્મી કથાઓના સર્જનસમયના અણસાર મળે છે. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં જ મંટોએ પોતાના મનમાં રહેલી એક વાર્તા વિશે લખ્યું છે, જેનું શીર્ષક 'પડોસ’ રાખવાનો મંટોનો વિચાર હતો. હિંદુ-મુસ્લિમ વિખવાદ વિશેની એ વાર્તાનો કેન્દ્રીય વિચાર મંટોએ પત્રમાં આ શબ્દોમાં લખ્યો હતો, ‘...ચૂંકિ મસ્જિદ ઔર મંદિરમેં ઇન દોનોં કૌમોકા મિલાપ મુહાલ હૈ ઇસલિએ મૈંને એક ઐસા પ્લેટફાર્મ ઢૂંઢા હૈ, જહાં યે દોનો મિલ સકતે હૈં, યા મિલતે રહતે હૈં. યહ પ્લેટફાર્મ વેશ્યાકા મકાન હૈ જો ના મંદિર હૈ ઔર ન મસ્જિદ. બસ ઇસી મકાન પર મૈં અપને સારે અફસાનેકા બોઝ ડાલના ચાહતા હું. ’
આવી જ એક અજાણી અને કદાચ ન બનેલી ફિલ્મ STEEL વિશે પણ મંટોના પત્રમાંથી જાણવા મળે છે. સપ્ટેમ્બર, ૧૯૪૦ના પત્રમાં મંટોએ લખ્યું હતું,’ઇસકો ફિલ્માનેકા ફૈસલા કર લિયા ગયા હૈ. મુઝે ઇસકે છઃ સૌ રૂપયે મિલેંગે. (ઇસકા જિક્ર કિસીસે ન કિજિયેગા) દોસૌ વસૂલ કર ચૂકા હું. દૂસરે અલફાઝમેં જો કર્જ મેરે સર પર થા મૈંને ઇન રૂપયોંસે ઉતાર દિયા હૈ.’ એક પત્રમાં મંટોએ 'જેબકતરા' એ શીર્ષક હેઠળ ફિલ્મી વાર્તા લખવાનો ઇરાદો જાહેર કરીને કાસમીને પૂછ્યું હતું, (આ) કેવું નામ છે?
પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' બનાવનાર ઇમ્પીરિયલ મુવિટોને ભારતની પહેલી રંગીન ફિલ્મ 'કિસાનકન્યા' બનાવી, તેમાં સિનારિયો મંટોએ લખ્યો હતો. મે, ૧૯૩૮ના મંટોના પત્રમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે તેમની વાર્તા 'મુઝે પાપી કહો’ પરથી 'ઇમ્પીરિયલ'માં ફિલ્મનું શૂટિંગ ચાલે છે. આ વાત મંટોના મુંબઇમાં પહેલી વારના નિવાસની. વચ્ચે દિલ્હી આકાશવાણીમાં નોકરી કરી આવ્યા પછી તે ફરી મુંબઈ આવ્યા. એ વખતે એસ.મુખર્જીએ સ્થાપેલી સંસ્થા ‘ફિલ્મીસ્તાન’માં તેમણે નોકરી લીધી. ફિલ્મી સિતારાઓ વિશેના મંટોના પુસ્તક 'ગંજે ફરિશ્તે’ની ઘણી સામગ્રી મંટોને ત્યાંથી મળી. ‘આઠ દિન’ જેવી ફિલ્મમાં મંટોએ નાનકડી ભૂમિકા પણ અદા કરી. પરંતુ ભાગલાના થોડા સમય પહેલાં મંટોએ કાસમીને લખ્યું હતું,’યહાં ફિલ્મીસ્તાનવાલોંસે મૈં કરીબ કરીબ નારાજ હો ચુકા હું. લાહૌરમૈં એક ફિલ્મસાઝ મુઝે એક હજાર રૂપયા માહવાર દેનેકે લિએ તૈયાર હૈ. સોચ રહા હું કિ ચલા જાઉં...’
ભાગલાનાં થોડાં વર્ષ પછી સોહરાબ મોદીએ મંટોની વાર્તા પરથી ભારતભૂષણ—સુરૈયાને લઈને બનાવેલી ફિલ્મ 'મિર્ઝા ગાલિબ’ (૧૯૫૪) બહુ વખણાઈ. રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. પરંતુ ગાલિબની વિશે ફિલ્મની વાર્તા લખવાની મંટોની તૈયારીનો ઉલ્લેખ છેક સપ્ટેમ્બર ૧૯૪૦ના પત્રમાં મળે છે. 'તમે મુંબઈ હોત તો કેટલું સારું' નો ભાવ વધુ એક વાર પ્રગટ કરતાં કાસમીને લખ્યું હતું, ‘...મૈં ગાલિબકે નામસે એક ફિલ્મી કહાની લિખનેકા ઇરાદા કર રહા હૂં. આપ શાયર હૈં. અગર આપ યહાં હોતે તો મુઝે કિતની મદદ મિલતી મૈંને ગાલિબસે મુતાઅલ્લિક બહુતસી કિતાબેં ઇકઠ્ઠી કર લી હૈેં. ઔર ભી કિતાબેં જમા કર રહા હું. ’
આજીવન સ્વભાવપ્રેરિત અને સંજોગોપ્રેરિત સંઘર્ષ સામે ઝઝૂમેલા અને તેની વચ્ચે અમર કૃતિઓ રચી ગયેલા મંટોએ કાસમીને એક પત્રમાં લખ્યું હતું, 'અગર કોઈ સાહબ મેરે સાથ વાદા કરેં કિ વહ મેરે દિમાગમેંસે સારે ખ્યાલાત નિકાલ કર એક બોતલમેં ડાલ દેંગે તો મંટો આજ મરનેકો તૈયાર હૈ. મંટો, મંટોકે લિએ જિન્દા નહીં હૈ...મગર ઉસસે કિસીકો ક્યા? મંટો હૈ ક્યા બલા? છોડિયે ઇસ ફુજુલ કિસ્સેકો.. આઇયે કોઈ ઔર બાત કરેં.’
વિશ્વના શ્રેષ્ઠ વાર્તાકારોમાં જેની ગણના થાય છે તે મંટોએ મુંબઈની હિંદી ફિલ્મકંપનીઓ માટે ઘણું કામ કર્યું હતું. વાર્તાકાર તરીકે ત્યારે મંટોનું નામ જાણીતું થઈ ચૂક્યું હતું, પણ ટૂંકી વાર્તાઓ પર લાંબું ન ચાલે. એટલે ફિલ્મી લેખન રોજગારીના ભાગરૂપે હતું. કવિ-લેખક-નાટ્યકાર અહમદ નદીમ કાસમીને લખેલા પત્રોમાં આ અંગે મંટોના વિચારો અને વ્યાવસાયિક બનવાના પ્રયાસનું બયાન મળે છે.
![]() |
| Manto / મંટો |
![]() |
| અહમદ નદીમ કાસમી |
ફિલ્મલાઈનમાં રૂપિયા સારા મળતા હોવાથી મંટો કાસમીને સતત મુંબઈ આવી જવા આગ્રહ કરતા હતા--અને કાસમી માટે ફિલ્મોમાં ગીતો ને સીન લખવાનું કામ શોધતા હતા. 'કીચડ' ઉર્ફે MUD મંટોએ ફિલ્મ માટે લખેલી સ્ટોરી હતી. તેના વિશે જાન્યુઆરી, ૧૯૩૯ના પત્રમાં મંટોએ કાસમીને લખ્યું હતું, ‘MUDમેં આપકો બહુતસી નયી ચીજેં નઝર આયેંગી. 'નયા કાનૂન' કે ઉસ્તાદ મંગૂકી ઝલક આપકો નથ્થૂકે કૈરેક્ટરમૈં મિલેગી. ફિર મૈંને અપને હર કૈરેક્ટરકે ઉસકી બુરાઈયોં ઔર અચ્છાઇયોં સમેત પેશ કિયા હૈ. અગર યે સ્ટોરી ફિલ્માયી ગયી ઔર ડાયરેક્શન ઉસ ચીજકો બરકરાર રખ સકી જો મેરે સીનેમેં હૈ તો મેરા ખ્યાલ હૈ કિ આપ મેરે MUDમૈં સારા હિન્દોસ્તાન દેખ લેંગે.’
આ ફિલ્મનાં ગીત કાસમી લખે એવું મંટો ઇચ્છતા હતા. એપ્રિલ, ૧૯૩૯ના પત્રમાં તેમણે કાસમી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો અને સાથે મૂળ કથા પણ મોકલી આપી. પરંતુ એ બન્ને બાબતો શક્ય બની નહીં. કાસમીએ મોકલેલાં કેટલાંક ગીત મંટોને પસંદ ન પડ્યાં. તેમાંથી એક ગમ્યું, તે સંગીતકાર રફીક ગઝનવીને તર્જ બનાવવા આપી દીધું અને બીજાં ફરી લખી આપવા કહ્યું. પરંતુ જુલાઈ ૧૯૩૯ના પત્રમાં મંટોએ લખ્યું, ‘મુઝે બેહદ અફસોસ હૈ કિ અબ યે ગીત ફિલ્મમેં શામિલ નહીં કિયે જા સકેંગે ઇસલિએ કિ મૈંને ફિલ્મકી પ્રોડક્શનમૈં દિલચસ્પી લેના છોડ દિયા હૈ. ડાયરેક્ટર સાહબકો મેરા મુકાલમા (સંવાદ) પસંદ નહીં આયા. વહ કહતે હૈં કિ જો કુછ તુમ લિખતે હો, મેરી સમઝસે બાલાતર હૈ...મૈં બહુત ખુશ હૂં કિ રોજ રોજકે ઝગડોંસે નિજાત મિલી ઔર વહ ખુશ હૈં ઉનકો મેરી જિરહ (ઉલટતપાસ)કા સામના નહીં કરના પડેગા. ચૂંકિ મુકાલમા કોઈ ઔર લિખ રહા હૈ, ઇસલિએ મૈંને આપકે ગીત પેશ કરના મુનાસિબ નહીં સમઝા... ’
આ ફિલ્મ રજૂ થઈ, પણ તેણે ખાસ કશું ઉકાળ્યું નહીં. વાર્તામાં થયેલા અઢળક ફેરફારોથી મંટોને બહુ દુઃખ થયું હતું, પણ 'ફોટોગ્રાફી ને કેટલાક એક્ટરોની એક્ટિંગ સારી છે' એવું તેમણે કાસમીને લખ્યું. ફિલ્મલાઇનમાં સંપર્કો હોવાને કારણે મંટો બીજેથી પણ કાસમી માટે કામ શોધી લાવતો હતો. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં મંટોએ કાસમીને વિ.સ.ખાંડેકરની 'ધર્મપત્ની’ શીર્ષક ધરાવતી ફિલ્મી સ્ટોરી મોકલી અને કહ્યું કે તેના સંવાદ લખવાનું કામ કેદાર શર્માને સોંપાયું હતું. પણ એ પ્રોડ્યુસરને ગમ્યા નથી. એટલે તમને લખવા મોકલું છું. સંવાદ લખવા વિશે કાસમીને સલાહસૂચનો આપીને મંટોએ લખ્યું હતું, ‘બરાહે કરમ યે કામ ખૂબ મહેનતસે કીજિયેગા. મેરી ખ્વાહિશ હૈ કિ આપ ફિલ્મી લાઇનમેં આયેં ઔર અપના નામ રૌશન કરેં.’
ગુજરાતી-હિંદી-ઉર્દુ નાટ્યકાર અસલમ પરવેઝ દ્વારા સંપાદિત 'મંટોકે ખત'માં મહત્તમ (૯૨) પત્રો અહમદ નદીમ કાસમી પર છે. તેમાં મંટોની કેટલીક ટૂંકી વાર્તાઓ અને ફિલ્મી કથાઓના સર્જનસમયના અણસાર મળે છે. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં જ મંટોએ પોતાના મનમાં રહેલી એક વાર્તા વિશે લખ્યું છે, જેનું શીર્ષક 'પડોસ’ રાખવાનો મંટોનો વિચાર હતો. હિંદુ-મુસ્લિમ વિખવાદ વિશેની એ વાર્તાનો કેન્દ્રીય વિચાર મંટોએ પત્રમાં આ શબ્દોમાં લખ્યો હતો, ‘...ચૂંકિ મસ્જિદ ઔર મંદિરમેં ઇન દોનોં કૌમોકા મિલાપ મુહાલ હૈ ઇસલિએ મૈંને એક ઐસા પ્લેટફાર્મ ઢૂંઢા હૈ, જહાં યે દોનો મિલ સકતે હૈં, યા મિલતે રહતે હૈં. યહ પ્લેટફાર્મ વેશ્યાકા મકાન હૈ જો ના મંદિર હૈ ઔર ન મસ્જિદ. બસ ઇસી મકાન પર મૈં અપને સારે અફસાનેકા બોઝ ડાલના ચાહતા હું. ’
આવી જ એક અજાણી અને કદાચ ન બનેલી ફિલ્મ STEEL વિશે પણ મંટોના પત્રમાંથી જાણવા મળે છે. સપ્ટેમ્બર, ૧૯૪૦ના પત્રમાં મંટોએ લખ્યું હતું,’ઇસકો ફિલ્માનેકા ફૈસલા કર લિયા ગયા હૈ. મુઝે ઇસકે છઃ સૌ રૂપયે મિલેંગે. (ઇસકા જિક્ર કિસીસે ન કિજિયેગા) દોસૌ વસૂલ કર ચૂકા હું. દૂસરે અલફાઝમેં જો કર્જ મેરે સર પર થા મૈંને ઇન રૂપયોંસે ઉતાર દિયા હૈ.’ એક પત્રમાં મંટોએ 'જેબકતરા' એ શીર્ષક હેઠળ ફિલ્મી વાર્તા લખવાનો ઇરાદો જાહેર કરીને કાસમીને પૂછ્યું હતું, (આ) કેવું નામ છે?
પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' બનાવનાર ઇમ્પીરિયલ મુવિટોને ભારતની પહેલી રંગીન ફિલ્મ 'કિસાનકન્યા' બનાવી, તેમાં સિનારિયો મંટોએ લખ્યો હતો. મે, ૧૯૩૮ના મંટોના પત્રમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે તેમની વાર્તા 'મુઝે પાપી કહો’ પરથી 'ઇમ્પીરિયલ'માં ફિલ્મનું શૂટિંગ ચાલે છે. આ વાત મંટોના મુંબઇમાં પહેલી વારના નિવાસની. વચ્ચે દિલ્હી આકાશવાણીમાં નોકરી કરી આવ્યા પછી તે ફરી મુંબઈ આવ્યા. એ વખતે એસ.મુખર્જીએ સ્થાપેલી સંસ્થા ‘ફિલ્મીસ્તાન’માં તેમણે નોકરી લીધી. ફિલ્મી સિતારાઓ વિશેના મંટોના પુસ્તક 'ગંજે ફરિશ્તે’ની ઘણી સામગ્રી મંટોને ત્યાંથી મળી. ‘આઠ દિન’ જેવી ફિલ્મમાં મંટોએ નાનકડી ભૂમિકા પણ અદા કરી. પરંતુ ભાગલાના થોડા સમય પહેલાં મંટોએ કાસમીને લખ્યું હતું,’યહાં ફિલ્મીસ્તાનવાલોંસે મૈં કરીબ કરીબ નારાજ હો ચુકા હું. લાહૌરમૈં એક ફિલ્મસાઝ મુઝે એક હજાર રૂપયા માહવાર દેનેકે લિએ તૈયાર હૈ. સોચ રહા હું કિ ચલા જાઉં...’
ભાગલાનાં થોડાં વર્ષ પછી સોહરાબ મોદીએ મંટોની વાર્તા પરથી ભારતભૂષણ—સુરૈયાને લઈને બનાવેલી ફિલ્મ 'મિર્ઝા ગાલિબ’ (૧૯૫૪) બહુ વખણાઈ. રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. પરંતુ ગાલિબની વિશે ફિલ્મની વાર્તા લખવાની મંટોની તૈયારીનો ઉલ્લેખ છેક સપ્ટેમ્બર ૧૯૪૦ના પત્રમાં મળે છે. 'તમે મુંબઈ હોત તો કેટલું સારું' નો ભાવ વધુ એક વાર પ્રગટ કરતાં કાસમીને લખ્યું હતું, ‘...મૈં ગાલિબકે નામસે એક ફિલ્મી કહાની લિખનેકા ઇરાદા કર રહા હૂં. આપ શાયર હૈં. અગર આપ યહાં હોતે તો મુઝે કિતની મદદ મિલતી મૈંને ગાલિબસે મુતાઅલ્લિક બહુતસી કિતાબેં ઇકઠ્ઠી કર લી હૈેં. ઔર ભી કિતાબેં જમા કર રહા હું. ’
આજીવન સ્વભાવપ્રેરિત અને સંજોગોપ્રેરિત સંઘર્ષ સામે ઝઝૂમેલા અને તેની વચ્ચે અમર કૃતિઓ રચી ગયેલા મંટોએ કાસમીને એક પત્રમાં લખ્યું હતું, 'અગર કોઈ સાહબ મેરે સાથ વાદા કરેં કિ વહ મેરે દિમાગમેંસે સારે ખ્યાલાત નિકાલ કર એક બોતલમેં ડાલ દેંગે તો મંટો આજ મરનેકો તૈયાર હૈ. મંટો, મંટોકે લિએ જિન્દા નહીં હૈ...મગર ઉસસે કિસીકો ક્યા? મંટો હૈ ક્યા બલા? છોડિયે ઇસ ફુજુલ કિસ્સેકો.. આઇયે કોઈ ઔર બાત કરેં.’
Labels:
film/ફિલ્મ,
literature,
manto
Wednesday, June 07, 2017
મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટો
![]() |
| Manto / મંટો |
હમણાં 'બેગમજાન' નામની એક ફિલ્મ આવી હતી. દેહવ્યાપાર કરતી સ્ત્રીઓ અને ભારત-પાકિસ્તાનના ભાગલાને કેન્દ્રસ્થાને રાખીને રચવામાં આવેલી તેની વાર્તાનાં પાત્રો બીબાઢાળ હતાં, પણ એ બન્ને વિષયો પર મંટોએ લખેલી વાર્તાઓનો પ્રભાવ રસિકજનો પર હજુ પણ એટલો છે કે તે ફિલ્મ મંટો અને તેમનાં સમકાલીન મહાન લેખિકા ઇસ્મત ચુગતાઈને અર્પણ કરવામાં આવી. મહાન ગુજરાતી ગઝલકાર 'મરીઝ’ના જીવન વિશે મનોજ શાહે બનાવેલા નાટકમાં પણ મંટો દેખા દઈ જાય છે અને પોતાના લખાણ વિશે યુવાન 'મરીઝને’ એક બારમાં (બીજે ક્યાં?) થોડી વાતો કરે છે. મંટો પર પાકિસ્તાનમાં એક ફિલ્મ બની, જે હજુ અહીં જોવા મળી નથી. નવાઝુદ્દીન સિદ્દીકીને મંટોની ભૂમિકામાં રજૂ કરતી નંદિતા દાસની ફિલ્મ બની રહી છે. તેનું ટ્રેલરસાઇઝનું દૃશ્ય યુટ્યુબ પર જોવા મળ્યું હતું.
મંટો હજુ જીવે છે અને એ જીવતો જ રહેશે. (મંટો જેવા પ્રિય પાત્ર વિશે માનાર્થે બહુવચન નહીં, આત્મીયતાર્થે એકવચન જ મનમાં આવે છે.) મંટોનાં લખાણ નાગરી લિપીમાં 'દસ્તાવેજ’ના પાંચ ભાગમાં (અઘરા ઉર્દુ શબ્દોના હિંદી અર્થ સાથે) વાંચવા મળી શકે છે. ગુજરાતી સહિતની ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા છે. છતાં, મંટોથી પરિચિત થવા ઇચ્છતા કે મંટો કઈ જણસ છે, તે જાણવા ઇચ્છતા જિજ્ઞાસુઓને ભલામણ છે કે હિંદી લિપીમાં ઉર્દુ ભાષામાં મૂળ મંટો જ વાંચવો. ‘દસ્તાવેજ’ ઉપરાંત મંટોના પત્રોનો એક સંગ્રહ 'મંટોકે ખત’ પણ મંટોપ્રેમીઓ માટે ખજાનો બને એવો છે. ગુજરાતી સહિત ચાર ભાષાઓમાં નાટકો લખતા જાણીતા નાટ્યકાર Aslam Parvez/અસલમ પરવેઝે તેનું સંપાદન કર્યું છે. આ પત્રોમાંથી જાતથી માંંડીને દુનિયા સામે ઝઝૂમતા મંટોની છબી આબાદ ઉપસે છે. સંગ્રહમાંના મોટા ભાગના પત્રો શાયર-નાટ્યકાર-વાર્તાકાર અહમદ નદીમ કાસમીને લખાયેલા છે.
પરસ્પર સદભાવને કારણે બન્ને વચ્ચે આત્મયીતાભર્યા પત્રોનો દૌર ચાલે છે, જેમાં 'બિરાદરે મોકર્રમ’ અને 'નદીમસાહબ’ જેવાં સંબોધનો પછી તો 'પ્યારે નદીમ’ સુધી પહોંચે છે. 1937થી 1948 વચ્ચે મંટોએ અહમદ નદીમ કાસમીને લખેલા 92 પત્રો આ સંગ્રહમાં મુકાયા છે. તેમાં ઘણા બધા પત્રો કામકાજી છે. મુંબઈની ફિલ્મી દુનિયામાં સંકળાઈ ચૂકેલો મંટો કાસમીને વારંવાર મુંબઈ આવી જવા અને પોતાની સાથે રહીને ફિલ્મી લેખનમાં જોડાઈ જવા સમજાવે છે. કાસમીના જવાબ આપણને વાંચવા મળતા નથી, પણ તે મુંબઈ આવતા નથી. એટલે મંટો તેમને એક યા બીજી રીતે કામ અપાવવા કોશિશ કરે છે. રેડિયોનાટકો લખવા માટેના વિષયો આપે છે, તેનાં ગીત લખવા માટેના વિષય અને ક્યારેક તો ટીપ્સ પણ આપે છે. તેમની વાર્તા વિશે અભિપ્રાય આપે છે અને પોતાની વાર્તા વિશેના અભિપ્રાય પુછાવે પણ છે.
![]() |
| Ahmed Nadeem Qassmi/ અહમદ નદીમ કાસમી |
સાવ શરૂઆતના પત્રમાં મંટો લખે છે,’મૈં ખુદ બહુત સેન્ટીમેન્ટલ હું. મગર મૈં સમઝતા હું કિ હમેં અફસાનોંમેં (વાર્તાઓમાં) સેન્ટીમેન્ટ જ્યાદા નહીં ભરના ચાહીએ. આપકે અફસાનોંકા મુતાલા કરનેકે મુઝે ઐસા માલુમ હોતા હૈ કિ સેન્ટીમેન્ટ આપકી મીખ તક પહુંચ ચુકા હૈ. ઇસકો દબાનેકી કોશિશ કીજિયે.‘
પોતાની અણીઓ અને મર્યાદાઓ વિશે મંટો બરાબર જાણે છે. એટલે જ, કાસમી તેમના વિશે આદર કે અહોભાવ વ્યક્ત કરે ત્યારે મંટો અનેક પત્રોમાં તેમને ચેતવે છે કે મારા વિશે (ઊંચો) અભિપ્રાય બાંધી લેશો નહીં. કાસમી પરના પત્રોમાં મંટો પોતાની ગડમથલોનું-અંગત લાગણીઓનું ખુલીને બયાન કરે છે. મંટોની પત્ની સફિયા પણ કાસમીના લખાણ પ્રત્યે ભાવ ધરાવે છે. એટલે ઘણાખરા પત્રોમાં મંટો સફિયાની યાદ પાઠવે છે અથવા સફિયા તરફથી બે શબ્દો લખે છે. એ પત્રમાં સફિયાએ 'કુંવારે સપને’ શીર્ષક સાથે વાર્તા લખવાની શરૂ કરી એવો પણ ઉલ્લેખ છે. (ઓગસ્ટ, 1939)
પુત્રજન્મ થયા પછીના એક પત્રમાં મંટો કાસમીને લખે છે, ‘સફિયા કહતી હૈ કિ આપ લડકેકે લિએ કોઈ નામ તજવીજ કરેં.’ (મે 1940) સફિયા છોકરાનું નામ આરિફ પાડે છે. પણ એ બાળપણમાં જ બિમારી ભોગવીને વિદાય લે છે. તેનો મંટોના મન પર કેવો ઘા લાગ્યો હશે? પરંતુ લાક્ષણિક મંટોશાઈ અંદાજમાં એપ્રિલ, 1941ના પત્રમાં મંટો આટલું જ લખે છે,’બિરાદરે મોકર્રમ, મેરા આરિફ સિર્ફ દો દિન બીમાર રહ કર કલ રાતકે ગ્યારહ બજે અરુણ અસ્પતાલમેં મર ગયા.’ સરકારી સમાચાર જેવા ભાવશૂન્ય અંદાજમાં લખાયેલા આ વાક્યમાં ભીનાશનો અભાવ નહીં, સૂકાઇ ગયેલાં આંસુની ખારાશ વરતાય છે.
આર્થિક રીતે મંટો કાયમ ભીડમાં હોય છે. દોસ્તીની શરૂઆતના ગાળામાં તે કાસમીને મુંબઈ રહેવા આવી જવાનું કહીને પોતાની સ્થિતિનું આબાદ બયાન આપે છે. તે આર્થિક ઓછું ને માનસિક વધારે છે, ‘મૈં બમ્બઈમેં પચાસ રુપયે માહવાર કમાતા હું ઔર બેહદ ફુજુલ (ખોટો) ખર્ચ કરતા હું. આપ યહાં ચલે આયેં તો મેરા ખ્યાલ હૈ કિ હમ દોનોં ગુજર કર સકેંગે...અભી આઠ રોજ હુએ મેરે પાસ પાંચસૌ રુપયે થે ઔર અબ યે હાલત હૈ કિ સિર્ફ બીસ રુપયે બાકી હૈ. મુઝે કિતાબેં ખરીદને ઔર યૂંહી રુપયા બર્બાદ કરનેકા ખબ્ત (વિકાર) હૈ ઔર મૈં ઇસીસે લુત્ફ ઉઠાતા હું. જિંદગી રહે તો રુપયા પૈદા કિયા જા સકતા હૈ.’ એ જ પત્રમાં (લગ્ન થયું તે પહેલાંના) પોતાના ઘરનું વર્ણન કરતાં મંટો લખે છે, ‘મેરે પાસ છોટા સા કમરા હૈ, જિસમેં હમ દોનોં રહ સકતે હૈં. ખાનેકો મિલે ન મિલે મગર પઢનેકે લિએ કિતાબેં મિલ જાયા કરેંગી ઔર અગર આપ કોશિશ કરેંગે તો બહુત મુમકિન હૈ કિ અચ્છી-અચ્છી કિતાબોંકે સાથ અચ્છે ખાને ભી મિલ જાયેં.’
આવો મિજાજ ધરાવતો માણસ સતત શારીરિક-માનસિક સંઘર્ષો વચ્ચે ધંધાદારી દુનિયા સાથે કેવી રીતે પનારો પાડતો હતો, તેની કાસમીને લખેલા પત્રોમાંથી મળતી જાણકારી આવતા સપ્તાહે.
Labels:
literature,
manto
Monday, January 18, 2016
‘મંટો : મેરા દુશ્મન’ના લેખક ‘અશ્ક’ની નજરે મંટો
![]() |
| S H Manto / સઆદત હસન મંટો |
જાન્યુઆરી, ૧૮, ૧૯૫૫. ભારતના ભાગલાની પ્રચંડ
કારુણીને આઠ વર્ષ પણ થયાં- ન થયાં, અને ઉર્દુ વાર્તાકાર સઆદત હસન મંટો મૃત્યુ પામ્યા.
મંટો ગયા, પણ તેમની પાછળ રહી ગયેલી તેમની વાર્તાઓ હજુ પણ પીછો છોડતી નથી. કારણ કે એ
માનવમનના વણખેડાયેલાં કે ઘણું ખરું
અંધકારમાં રહેલાં પાસાં પર નિષ્ઠુરતાથી પ્રકાશ ફેંકે છે--જાણે કાંઠલો પકડીને
વાચકને એ બતાવતા હોય,
‘જુઓ, જુઓ, આ માણસ. આ પણ માણસ. સભ્યતાનાં પૂંછડાં થઇને ફરનારા
દંભીઓ, જુઓ, આ તમારું અસલી રૂપ અને જુઓ, આ એવા માણસોનું માણસાઇભર્યું પાસું, જેને ધુત્કારતાં-
તુચ્છકારતાં તમે થાકતા નથી.’ માણસની મૂળભૂત કહેવાય એવી જાતીય વૃત્તિ, તેનાં
ગલગલિયાં કરાવે એવાં નહીં,
પણ હચમચાવે એવાં વર્ણન, માણસની હેવાનિયત અને હેવાનિયતે
ચડેલા માણસમાં ક્યાંક ટમટમતી ઇન્સાનિયત--આવી કંઇક અકળાવનારી, ઝકઝોરનારી
વાર્તાઓનો સર્જક એટલે એક મંટો.
આ મંટો હજુ જીવે છે, અંગ્રેજી
સહિતની અનેક ભાષાઓમાં અનુવાદ પામે છે અને નવા નવા વાચકો-અભ્યાસીઓને ફીદા કરતો રહે
છે. (મંટો જેવા મહાન સર્જક માટે માનાર્થે બહુવચન વાપરવું જોઇએ, પરંતુ
માનાર્થે આત્મીયતાર્થે એકવચનની પણ જોગવાઇ હોય છે.)
બીજો મંટો એટલે ‘ગંજે
ફરિશ્તે’ (હિંદીમાં ‘મીનાબજાર’ તરીકે અનુવાદિત)નો લેખક. તેમાં ૧૯૪૦ના દાયકાની ઘણી જાણીતી હસ્તીઓ વિશે મંટોએ
મસાલેદાર લખ્યું. પ્રકારની રીતે એ વ્યક્તિચિત્રો કહેવાય, પણ એવાં કે જેમાં મંટોએ
શીર્ષકમાં જ સ્પષ્ટ કર્યું છે તેમ, ભલભલાને મુંડી નખાયા હોય--ખાસ્સા મૈત્રીભાવે, થોડા
અંગત ભાવે, થોડા તોર ને તોફાનમાં. તેમાં નૂરજહાં, અશોકકુમાર, હીરો
શ્યામ, કુલદીપકૌર, ગુજરાતી હાસ્યકલાકાર વી.એચ.દેસાઇ, ગાયક-સંગીતકાર રફીક ગઝનવી, મસાલેદાર ફિલ્મમાસિક ‘ફિલ્મ
ઇન્ડિયા’ના માલિક બાબુરાવ પટેલ (જેમના ઉર્દુ સામયિકમાં મંટોએ થોડો સમય નોકરી કરી
હતી)...આ કોઇને છોલવામાં મંટોએ કશી કચાશ નથી રાખી.તેની પ્રેમ કરવાની રીત પણ એકદમ
તોફાની કૉલેજિયન છોકરા જેવી છે.
આ ચરિત્રો ઉપરાંત મંટોએ કેટલાક અંગત
પ્રસંગો પણ લખ્યા છે. એમાંથી ઉપસતું મંટોનું ચરિત્ર વિદ્રોહી, લાગણીસભર, બિનગણતરીબાજ, કહેવાતા
સભ્ય સમાજ દ્વારા સતત સતાવાયેલા, ઇચ્છે તો ધૂમ સફળતા મેળવી શકે એટલા પ્રતિભાશાળી, પણ
વ્યાવસાયિક રીતે ઘણુંખરું નિષ્ફળ રહેલા, આજીવન સંઘર્ષરત, કોમી વિખવાદ-ભાગલાથી હાલી ગયેલા, પાક્કા
શરાબી, પરિવાર તરફ ધ્યાન નહીં આપનારા એક જિનિયસનું છે. એ સાચું છે, પણ
સંપૂર્ણ નથી. ન જ હોઇ શકે. કારણ કે મંટો કે સાહિર પ્રકારના ઉચ્ચ કોટિના
લેખકો-શાયરો પોતાની કૃતિઓમાં જે લાગણી વ્યક્ત કરતા હોય, તેવા અંગત જીવનમાં પણ હોય, એ
બિલકુલ જરૂરી નથી. દરેક માણસની જેમ મંટોની પણ અનેક બાજુઓ છે, જેમાંથી
સમય વીત્યે કેટલીક જ ટકી છે ને બાકીની લગભગ ભૂલાઇ ગઇ છે. મંટોની એવી કેટલીક બાજુઓ
ઉજાગર કરતું પુસ્તક એટલે ઉપેન્દ્રનાથ ‘અશ્ક’નું ‘મંટો : મેરા દુશ્મન’.
પોકેટ બુક સાઇઝનાં ૧૧૬ પાનાં (લેખકનાં
નિવેદન સહિતનાં) ધરાવતા આ પુસ્તકનું ‘અર્પણ’ મંટોના સમકાલીન, તેમની સાથે નજીકથી કામ કરનાર
વિખ્યાત લેખક ઉપેન્દ્રનાથ ‘અશ્કે’ આમ લખ્યું છે : ઉન ‘બુદ્ધિમાનોંકે નામ, જિન્હોંને
ઇસ સંસ્મરણકો મંટોકે ખિલાફ સમઝા.’ ઉઘડતા પાને તેમણે સાહિત્યનું નૉબેલ સન્માન મેળવનાર
ફ્રેન્ચ લેખક ઑંદ્રે જિદેનું એક અવતરણ ટાંક્યું છે : ‘ના, બીજા કોઇને દુઃખી કરવા માટે હલકા
થવાની જરૂર નથી. અને તેની સૌથી કરૂણ બાબત પણ એ જ છે : એકબીજાને પ્રેમ કરતા સારા
માણસો દુનિયાભરની સારપ છતાં એકબીજાને પીડા અને વેદના આપી શકે છે.’
આ બન્ને વિધાનો પુસ્તક વાંચતી વખતે યાદ
ન રહે તો કોઇને એવું લાગી શકે કે ‘અશ્કે’ મંટો સામેનું વેર વાળ્યું. જે દંભ મંટોને આજીવન
નડ્યો, એ તેમના મૃત્યુ સાથે મરી પરવાર્યો ન હતો. ‘અશ્કે’ આ પુસ્તક અંગેની પોતાની કેફિયત (‘સંસ્મરણકા
સંસ્મરણ’)માં નોંધ્યું છે કે,
જે દરવાજા જીવતા મંટો માટે બંધ હતા, એ બધા તેના મૃત્યુ પછી ખુલી ગયા.
મંટોના અકાળે (૪૩ વર્ષે) થયેલા મૃત્યુ પછી તેના માટે બધાને જાણે પ્રેમ ઉભરાઇ
આવ્યો. જે પાકિસ્તાન રેડિયો પર મંટોની કથાઓનું પ્રસારણ પ્રતિબંધિત હતું, એ જ
રેડિયો સ્ટેશન પર મંટોની યાદમાં અડધા કલાકનો કાર્યક્રમ પ્રસારિત થયો.
‘મંટો : મેરા દુશ્મન’
વિશે જાતજાતની વાતો થઇ, પણ બે પ્રતિભાવ બહુ મહત્ત્વના
છે. એક, મંટો-‘અશ્ક’ના સમકાલીન-મિત્ર રાજિન્દરસિંઘ બેદીનો. તેમણે લખ્યું, ‘(તારો લેખ વાંચીને થયું કે)
મંટોના કહેવાતા દોસ્તો કરતાં તું દુશ્મન હોવા છતાં એનાથી કેટલો નજીક હતો.’ મંટોનાં
પત્ની સફિયા મંટોએ પાકિસ્તાનમાં બે હપ્તામાં છપાયેલો લેખ વાંચીને રાજીપો વ્યક્ત
કર્યો. પહેલા હપ્તા વિશે તેમણે લખ્યું,‘અગરચે સઆદતસાહબકી બહનકો તો પસન્દ નહીં આયા, લેકિન
મુઝે બડા અચ્છા લગા. આપને સબ બાતેં સચ્ચી-સચ્ચી લિખી હૈં.’ બીજો હપ્તો વાંચ્યા પછીનો તેમનો
પત્ર, ‘...દૂસરા હિસ્સા હમ સબને સાથ મિલકર પઢા. બહુત અચ્છા લગા. બહનકી આંખોંમેં તો આંસૂ
આ ગયે.’
મંટો-‘અશ્ક’ના સંબંધોનો (ખરેખર તો કોઇ પણ
સંબંધનો) તાગ ફક્ત કાળા-ધોળા એમ બે રંગમાં પામી શકાય નહીં. ‘અશ્કે’ લખ્યું
છે કે અમારા પરિચયની શરૂઆત જ દુશ્મનીથી ન થઇ હોત, તો અમે બહુ સારા મિત્રો હોત. અને
મંટો? એણે પોતે ‘અશ્ક’ને દિલ્હીથી મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા બોલાવ્યા. એ વાતને માંડ
બે-ત્રણ દિવસ થયા હશે. બન્ને જણા ઘોડાગાડીમાં બેસીને ક્યાંક જતા હતા અને અચાનક
મંટોએ ‘અશ્ક’ને અંગ્રેજીમાં કહ્યું,‘આઇ લાઇક યુ, ધો આઇ હેટ યુ.’ (હું
તને ધીક્કારું છું, છતાં તું મને ગમું છું.)
બન્ને વચ્ચે ‘દુશ્મની’નો આરંભ ૧૯૪૦માં દિલ્હી રેડિયો
સ્ટેશનની નોકરીથી થયો. મંટો ત્યાં પહેલેથી કામ કરતો હતો. તેની એક વાર્તા ‘ખુશીયા’ ‘અશ્ક’ને
અવાસ્તવિક લાગી. એટલે મિત્ર રાજિન્દરસિંઘ બેદી સાથે વાતવાતમાં ‘અશ્કે’ એના
વિશે કહ્યું,‘બે બદામની વાર્તા છે.’ બેદીએ આ અભિપ્રાય મંટો સુધી
પહોંચાડ્યો. મંટોને ચાટી ગઇ, પણ ત્યારે ‘અશ્ક’ રેડિયોમાં કામ કરવા આવ્યા ન હતા.
તેમને અંદાજ પણ ન હતો કે આ ટીપ્પણી જીવનભરની દુશ્મનીનાં મૂળીયાં નાખશે.
કૃષ્ણચંદ્રના બોલાવ્યા ‘અશ્ક’ દિલ્હી રેડિયોમાં પહોંચ્યા. ત્યાં તો મંટોનો દબદબો હતો. અને થોડા લોકો એવું પણ
વિચારનારા હતા કે ‘હવે મંટોને બરાબર જવાબ મળશે.’
‘અશ્ક’ હિંદી વિભાગના સલાહકાર તરીકે નીમાયા હતા. તે વિવાદથી બચવા ઇચ્છતા હતા. એટલે ‘ખુશિયા’ વિશે
ચર્ચા કરવાના મંટોના પ્રયાસની શરૂઆતમાં તેમણે મંટોને વારી જોયો. કહ્યું કે ‘આપણે
લડીશું ને લોકોને તમાશો થશે. આપણે તમાશો નથી બનવું.’ પણ મંટોએ જીદ ન છોડી. છેવટે
બન્ને વચ્ચે ગરમાગરમી થઇ. ‘અશ્કે’ કહ્યું કે તારી વાર્તામાં આવતો દલાલ જેવી રીતે
વિચારે છે, એવું કોઇ ભણેલોગણેલો લેખક-કવિ વિચારી શકે--અભણ દલાલ નહીં.’ એટલે
ક્ષણભર ચૂપ રહ્યા પછી મંટોએ તમતમીને કહ્યું,‘હા, હા, હું એ દલાલ છું. મંટો જ એ દલાલ
છે. તમને વાર્તા લખતાં આવડે છે ખરું? તું પોતે શું લખે છે?’
બસ, ‘દુશ્મની’ના ધૂમધડાકા શરૂ થઇ ગયા.
***
મંટોનો એક શબ્દપ્રયોગ તેના પ્રેમીઓને
યાદ હશે. એક પાત્ર વિશે તેણે લખ્યું હતું, ‘વો રણછોડ કિસ્મકે આદમી થે.’ ગુજરાતી
ફિલ્મનિર્માતાઓના સંપર્કને કારણે મંટોને ‘રણછોડ’ શબ્દનો પરિચય થયો હશે, પણ
તેણે એને જરા જુદા સંદર્ભમાં--શબ્દાર્થમાં-- રણમેદાન છોડી જનાર વ્યક્તિ માટે
પ્રયોજ્યો. આ જ પ્રયોગ ‘અશ્કે’ મંટો માટે વાપર્યો છે અને કહ્યું છે કે મંટોને લડવાનું કે બીજા વિશે કટુ
મશ્કરી કરવાનું બહુ જોર હતું, પણ કોઇ એની આવી મશ્કરી કરે અથવા એને કોઇ માથાનું મળે
ત્યારે એ જોરદાર લડત આપવાને બદલે, ‘રણછોડ’ બની જતો હતો.
‘અશ્કે’ તેનાં બે મોટાં ઉદાહરણ આપ્યાં છે : દિલ્હી રેડિયો સ્ટેશનમાં મંટોને તેમની અને
બીજા અધિકારીઓની સાથે ખટરાગ થયો અને મંટોને લાગ્યું કે તેનું ધાર્યું નહીં થાય, ત્યારે
એ દિલ્હી છોડીને બીજી નોકરીની વ્યવસ્થા કર્યા વિના, પત્નીને દિલ્હી મૂકીને મુંબઇ જતો
રહ્યો. ત્યાં ગયા પછી ફિલ્મકંપનીમાં સંવાદલેખક તરીકે નોકરી કરી, બીજા
લેખકોનાં પત્તાં કાપ્યાં,
પરંતુ થોડા વખતમાં ત્યાં પણ એવી નોબત આવી કે તેણે જેને
કઢાવ્યા હોય એવા લેખકોની વાર્તાઓ પસંદ થાય ને તેની વાર્તા પસંદ ન થાય. એ સ્થિતિ
સહન ન થતાં, તેણે વહાલું મુંબઇ છોડીને પાકિસ્તાન જતા રહેવાનું પસંદ કર્યું. આ બન્ને વાતો ‘અશ્કે’ વિગતે
આલેખી છે.
‘અશ્ક’ મંટોના દુશ્મન ન હતા,
તો મંટોને પણ અશ્ક માટે લગાવ હતો. એક તો બન્ને વચ્ચેનો
પ્રકૃતિભેદ અને પછી સંજોગો એવા પેદા થયા કે બન્ને એકબીજાના જિગરી બની શક્યા નહીં.
છતાં ‘અશ્ક’ મંટોની વાર્તાકલાના મરમી પ્રેમી હતા. તેમને ચીઢ ચડતી મંટોની દેખાડાબાજી પર, તેના
પ્રચંડ અહમ્ પર અને તેનાથી દોરવાઇને થતી મંટોની વર્તણૂંક પર. તેમનું લખાણ વાંચતાં
મંટો પ્રત્યેનો દ્વેષ ક્યાંય અનુભવાતો નથી. પોતાની મર્યાદાઓ પણ ‘અશ્કે’ બરાબર
નોંધી છે. છતાં, એ વાંચ્યા પછી લેખક મંટો નહીં, પણ વ્યક્તિ મંટો વિશે ઊભી થયેલી દૈવી છબી જરા વધુ
માનવીય- વધુ માનવા યોગ્ય લાગે છે. મંટો પ્રત્યેના ભાવમાં જરાય ઘટાડો થતો નથી, પરંતુ
તેનું વ્યક્તિત્વ વધારે વાસ્તવિક લાગે છે.
‘અશ્કે’ એવા પણ કિસ્સા નોંઘ્યા છે, જ્યારે ખુદ્દારીની છાપ ધરાવતા મંટોએ પોતાનો દબદબો
ટકી રહે એ માટે ઉપરીઓને રાજી કરવાના પેંતરા કર્યા હોય. દિલ્હી રેડિયો સ્ટેશન પર
પ્રોગ્રામ ડાયરેક્ટર સુરેન્દ્ર ચોપડાને ખુશ કરવા તેમની વર્ષગાંઠે મંટોએ તેમને
મોંઘો સૂટ ભેટમાં આપ્યો હતો. મંટોની સળીનો એ જ પદ્ધતિથી જવાબ આપવા માટે ‘અશ્કે’ મંટોના
રેડિયોનાટકમાં મોટા પાયે સુધારા કર્યા અને મંટો પ્રત્યે ખાર ધરાવતા પ્રોગ્રામ
ડાયરેક્ટરે એ સુધારા મંજૂર રાખ્યા, ત્યારે મંટોએ માહિતી પ્રસારણ ખાતાના સચિવની લાગવગ
લગાડીને, તેમની પાસે ફોન કરાવ્યો હતો અને પોતાનું નાટક કોઇ પણ જાતના ફેરફાર વગર જ રજૂ
કરાવ્યું હતું. કારણ કે વાત નાટકની નહીં, અહમ્ની હતી. એ બનાવ પછી દિલ્હીમાં પોતાનો વટ નહીં
ચાલે એવું લાગતાં, થોડા જ દિવસમાં મંટોએ મુંબઇની વાટ લીધી.
મુંબઇમાં ‘ફિલ્મીસ્તાન’ના
માલિક (અશોકકુમારના બનેવી) એસ.મુખર્જીને ખુશ રાખવા માટે મંટો તેમને ગાલિબના શેરથી
માંડીને છીછરી રમૂજો પણ સંભળાવતો હતો. મુખર્જી પોતાના કામમાં માહેર હોવા છતાં, ગાલિબ
સાથે તેમને નહાવાનીચોવવાનો સંબંધ ન હતો. ‘અશ્કે’ નોંધ્યું છે તેમ, બંગાળી
મુખર્જીને બંગાળનો મામુલી કવિ પણ ગાલિબથી મોટો લાગતો હતો. છતાં, ફિલ્મીસ્તાનના
લેખનવિભાગમાં પોતાની હાક વાગતી રહે, એ માટે તે શેઠિયાઓની નજીક રહેતો હતો-- શેઠિયાઓ વિશે
તેનો અભિપ્રાય એકદમ નીચો હોવા છતાં. ફિલ્મીસ્તાનમાં નજીર અજમેરી, પી.એસ.(પ્યારેલાલ)
સંતોષી, શાહિદ લતીફ જેવા લેખકો સંવાદ લખે, પછી મંટો તેમના સંવાદ વાંચે, તેમને નાપાસ કરે અને પોતે સંવાદ
લખે, જે સ્વાભાવિક રીતે જ ફાઇનલ હોય. આ લોકોએ ‘ફિલ્મીસ્તાન’ છોડવું
પડ્યું, તેમાં મંટોનો ફાળો હોવાનું ‘અશ્કે’ જણાવ્યું છે.
આ લોકોના ગયા પછી, દિલ્હીમાં
‘અશ્ક’ સાથે તકરારો થઇ હોવા છતાં, મંટોએ ‘અશ્ક’ને મુંબઇ ‘ફિલ્મીસ્તાન’માં લેખક તરીકે જોડાવા
આગ્રહપૂર્વક બોલાવ્યા. ‘આઇ લાઇક યુ, ધો આઇ હેટ યુ.’ (હું તને ધીક્કારું છું, છતાં તું મને ગમું છું) એવું પણ કહ્યું. ‘ફિલ્મીસ્તાન’ ની ‘આઠ
દિન’ ફિલ્મમાં ‘અશ્ક’ અને ‘મંટો’ બન્નેએ નાની ભૂમિકાઓ કરી હતી. તેમાં ‘અશ્ક’ના ભાગે પંડિત તોતારામનો રોલ
આવ્યો હતો. તેમાં મંટોના સંવાદો ‘અશ્ક’ પોતાની
રીતે વધારી દેતા હતા, તેણે એક સીન લખ્યો હોય તો બે સીન કરી દેતા હતા. તેમાં પંડિતના ભાગે ‘ઝખ
મારવા’ એવો શબ્દપ્રયોગ આવ્યો, એટલે ‘અશ્ક’ ને
મસ્તી સૂઝી. તેમણે અશોકકુમારને કહ્યું,‘આ હિંસક પ્રયોગ છે. પંડિત આવું ન બોલે.’
![]() |
| '8 days' booklet : Read Manto's and Ashk's credit with other actors |
પોતાના લખેલામાં ફેરફારની વાત આવે એટલે
મંટો ઉકળી ઉઠે. એણે કહ્યું, ‘આ મુહાવરો (શબ્દપ્રયોગ) છે. અને એનો અર્થ પણ હિંસક
નથી.’
એટલે ‘અશ્કે’ મસ્તી ચાલુ રાખી. ‘ઝખ એટલે શું? માછલી. એ મારવી, એ હિંસા નથી?’ વાત આગળ વધી, એટલે ‘અશ્કે’ કહ્યું, ‘ચોરીમાં બેઠેલો બ્રાહ્મણ આવું ન
બોલે.’
મંટોએ કહ્યું,‘હુંય બ્રાહ્મણ છું.’
‘અશ્કે’ ફટકો માર્યો,‘બ્રાહ્મણ
તારા વડવા હશે. અત્યારે તો તું અહીં ઝખ મારી રહ્યો છું.’
પછી તો વાત એટલી વધી કે અશોકકુમારે
શૂટિંગ મોકૂફ રાખીને સમાધાન કરાવવું પડ્યું. મંટોએ ‘અશ્ક’નો હાથ દાબીને ખેદ વ્યક્ત કર્યો
અને ‘અશ્ક’ ઝખ મારવાવાળી લાઇન બોલ્યા.
‘અશ્ક’ અને મંટો વચ્ચે મામુલી બાબતોને લઇને દુર્ભાવ પેદા થવાના પ્રસંગ બન્યા કરતા
હતા. તેમાં સૂટનું મોંઘું કપડું ખરીદવાથી માંડીને કાગળને બદલે સીધું ટાઇપરાઇટર પર
લખવા જેવી બાબતમાં લોકો ‘અશ્ક’ ને મંટોના હરીફ તરીકે,
તેમનો એકાધિકાર સમાપ્ત કરનાર જણ તરીકે રજૂ કરતા હતા.
અછાંદસ કવિતા લખતા ‘રાશિદ’
સામે મંટોને એટલો વાંધો હતો કે તેમણે એક નાટકમાં ‘રાશિદ’ની
કવિતા અને તેમની ઉપમાઓની ઠેકડી ઉડાડી. કમનસીબે, એ જ ‘રાશિદ’ થોડા વખત પછી દિલ્હી રેડિયોમાં સાહેબ તરીકે આવ્યા. એક દિવસ મંટોએ રેડિયો નાટક
લખીને ‘રાશિદ’ ને વાંચવા આપ્યું. તેમણે એ વાંચીને મંટોને પાછું આપ્યું.
‘કેવું છે?’ મંટોએ પૂછ્યું.
‘રાશિદે’ સલુકાઇથી કહ્યું,‘નિહાયત અચ્છા ટાઇપ હુઆ હૈ. (એકદમ સરસ ટાઇપ થયું છે.)’
એટલે મંટો એટલો ખફા થયો કે ત્યાર પછી
દિવસો સુધી તેણે ‘રાશિદ’ અને એની નઝમોને ગાળો દીધી અને
કોઇ દોસ્ત પાસે ‘રાશિદ’ ની કવિતા વિરુદ્ધ લેખ પણ લખાવ્યો.
મંટોએ ‘ગંજે ફરિશ્તે’ પુસ્તકમાં
ફિલ્મી જીવનના ઘણા સમકાલીનો વિશે દિલથી લખ્યું છે અને દિલથી તેમની ફિલમ પણ ઉતારી
છે. પરંતુ એ શ્રેણીમાં મંટોનું પોતાનું મુંડન બાકી રહ્યું હતું. એ કામ ‘અશ્કે’ પ્રેમથી અને પ્રામાણિકતાથી ‘મંટો : મેરા દુશ્મન’ માં
પૂરું કર્યું. દોસ્તી-દુશ્મનીના ઉત્તમ
દસ્તાવેજ જેવું આ પુસ્તક મંટોના ચાહકોએ અચૂક વાંચવું રહ્યું.
Labels:
film/ફિલ્મ,
literature,
manto
Sunday, May 13, 2012
મહાન વાર્તાકાર મંટો અને મુંબઇની ફિલ્મી દુનિયા
એક પણ નવલકથાની મદદ વિના, કેવળ ટૂંકી વાર્તાઓના જોરે અમરત્વ પ્રાપ્ત કરનારા જૂજ લેખકોમાં સઆદત હસન મંટોનો સમાવેશ કરવો પડે. એ ભારતીય હતા કે પાકિસ્તાની? - એવો પ્રશ્ન મહાન વ્યક્તિત્વોને બોટી લેવાની હરીફાઇના યુગમાં કોઇને થઇ શકે. પરંતુ આ સવાલ મંટો માટે સૌથી વઘુ અપ્રસ્તુત લાગે છે. અખંડ ભારતમાં જન્મેલા અને વાર્તાકાર બનેલા મંટોએ ૪૨ વર્ષ અને ૭ મહિનાના ટૂંકા જીવનમાં છેલ્લાં ૭ વર્ષ પાકિસ્તાનમાં વીતાવ્યાં. પરંતુ ભાગલાને સ્વીકારી ન શકનાર અને એ વિશેની હૃદયસ્પર્શી વાર્તા ‘ટોબા ટેકસિંહ’ લખનાર મંટો પર ‘ભારતીય’ કે ‘પાકિસ્તાની’નું લેબલ શા માટે ચોડવું જોઇએ? મંટો વિશ્વના સર્વકાલીન મહાન લેખકોની સૃષ્ટિમાં બિરાજે છે અને એટલું તેમની ઓળખ માટે પૂરતું છે.
૧૧ મે, ૨૦૧૨ના રોજ મંટોની ૧૦૦મી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે, આ વર્ષમાં તેમની સાહિત્યિક કારકિર્દી વિશે યોગ્ય રીતે જ ઘણી વાત થશે, પરંતુ તેની સમાંતરે મંટો હિંદી ફિલ્મઉદ્યોગમાં પણ લેખક તરીકે સક્રિય હતા. મુંબઇમાં તેમની કારકિર્દીના પહેલા તબક્કા(૧૯૩૬-૪૦) વિશે ગયા સપ્તાહે કરી હતી. દિલ્હી આકાશવાણીમાં નોકરી મળતાં તેમણે મુંબઇ છોડ્યું, પણ ત્યાં દોઢેક વર્ષ માંડ ટક્યા. આકાશવાણીમાં ખટરાગ થતાં તે ઓગસ્ટ, ૧૯૪૨માં મુંબઇ પાછા આવી ગયા અને ભાગલાના થોડા મહિના પછી જાન્યુઆરી, ૧૯૪૮માં પાકિસ્તાન જતા રહ્યા. એ સમયે ‘ટોબા ટેકસિંહ’, ‘ઠંડા ગોશ્ત’, ‘ખોલ દો’ જેવી તેમની અનેક ચિરંજીવ કૃતિઓ સર્જાવાની બાકી હતી. મુંબઇની ફિલ્મી દુનિયાનાં વિવિધ પાત્રો વિશેનાં ચટાકેદાર ચરિત્રો પણ તેમણે પાકિસ્તાન જઇને, એક અખબારમાં કોલમ સ્વરૂપે લખ્યાં. (તેના સંગ્રહનું નામઃ ‘ગંજે ફરિશ્તે’. કારણ કે, ખુદ મંટોએ લખ્યું છે તેમ, આ લેખોમાં તેમણે બધા ફરિશ્તાઓની બહુ પ્રેમથી છોલી છે- તબિયતથી તેમનું મુંડન કર્યું છે.)
મંટો દિલ્હીથી મુંબઇ આવ્યા ત્યારે પહેલી વાર્તા તેમણે ગુજરાતી નિર્માતા વી.એમ.વ્યાસની કંપની ‘સનરાઇઝ પિક્ચર્સ’ માટે લખી. ફિલ્મ હતીઃ ‘નૌકર.’ (૧૯૪૩) ગાયિકા-અભિનેત્રી નૂરજહાંની મુંબઇમાં આ પહેલી ફિલ્મ હતી. તેનું ડાયરેક્શન વ્યાસે આકસ્મિકતાથી શૌકતહુસૈન રીઝવીને સોંપ્યું. શૌકત નૂરજહાંની પહેલી ફિલ્મ ‘ખાનદાન’ના ડાયરેક્ટર અને નૂરજહાંના ભૂતપૂર્વ પ્રેમી હતા. ‘નૌકર’ નિમિત્તે તેમના મુંબઇમાં થયેલા પુનઃમિલન અને ફિલ્મી દુનિયાનાં નાટકનખરાં-બનાવટનું વિગતવાર વર્ણન મંટોએ નૂરજહાં વિશેના લેખમાં કર્યું છે.
‘નૌકર’ અને બીજી થોડી કથાઓ લખ્યા પછી મંટો ‘ફિલ્મીસ્તાન’ના સિનારીયો વિભાગમાં જોડાયા. અશોકકુમાર અને તેમના બનેવી એસ.મુખર્જીએ દેવીકા રાણીની સંસ્થા ‘બોમ્બે ટોકીઝ’થી અલગ થઇને ‘ફિલ્મીસ્તાન’ની સ્થાપના કરી હતી. તેની સાથે મંટોનું જોડાણ ભારત છોડતાં સુધી ટક્યું અને કેટલાકના મતે, એ તેમના ભારત છોડવાનું નિમિત્ત પણ બન્યું.
‘ફિલ્મીસ્તાન’માં માસિક રૂ.૩૦૦ના પગારથી મંટોની નોકરી પાકી થઇ. મંટોએ જેમનો ઉલ્લેખ ‘પરીચહેરા’ તરીકે કર્યો છે તે નસીમબાનુ (સાયરાબાનુનાં માતા) ‘ફિલ્મીસ્તાન’ની પહેલી ફિલ્મ ‘ચલ ચલ રે નૌજવાન’(૧૯૪૪) માં હીરોઇન હતાં, પણ બે વર્ષની મહેનત પછી ફિલ્મ ફ્લોપ ગઇ. ત્યાર પછી નસીમના પતિ અને ‘તાજમહાલ પિક્ચર્સ’ના માલિક માટે ફિલ્મ બનાવવાનું એસ.મુખર્જીના માથે આવ્યું. તેમણે કથા લખવાનું મુખર્જીએ મંટોને સોંપ્યું. એ ફિલ્મ એટલે‘બેગમ’ (૧૯૪૫).
‘ચલ ચલ રે નૌજવાન’માં નસીમબાનુ સેવાદળનાં કાર્યકર હતાં, જ્યારે ‘બેગમ’ ફિલ્મ નસીમના અપ્રતીમ સૌંદર્યને કેન્દ્રમાં રાખીને જ મંટોએ લખવાની હતી. એ ફિલ્મ નિમિત્તે નિકટનો પરિચય થયા પછી મંટોએ લખેલું, ગ્લેમરની બાદબાકી સાથેનું નસીમબાનુનું શબ્દચિત્ર વિશિષ્ટ છે. મંટોએ લખેલાં તમામ ફિલ્મી ચરિત્રોમાં પોતે અને પત્ની સફિયા પાત્રો તરીકે આવે છે. પરંતુ પોતાના વિશે પણ મંટોએ બીજા કોઇ પાત્રની વાત કરતા હોય એ રીતે લખ્યું છે.
‘ફિલ્મીસ્તાન’ની મંટોએ લખેલી બે મશહૂર ફિલ્મો એટલે ‘શિકારી’ (૧૯૪૬) અને ‘આઠ દિન’ (૧૯૪૬).
![]() |
| Eight Days- booklet |
આ બન્નેના સ્ક્રીન પ્લે અને સંવાદો મંટોના હતા. તેમાંથી ‘આઠ દિન’ મંટોપ્રેમીઓ માટે આ ફિલ્મ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે મંટોએ કદાચ પહેલી અને છેલ્લી વાર તેમાં એક નાનકડો રોલ કર્યો. પાગલ ફ્લાઇટ લેફ્ટનન્ટ કૃપારામની ભૂમિકા અસલમાં એસ.મુખર્જી કરે એવું વિચારાયું હતું, પરંતુ તેમણે ના પાડી. મંટોએ લખ્યા પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ અટકી પડ્યું અને નિર્માતા રાયબહાદુર ચુનીલાલ (સંગીતકાર મદનમોહનના પિતા) આઘાપાછા થવા લાગ્યા, એટલે એક દિવસ અશોકકુમારે કંઇ પૂછ્યાકારવ્યા વિના મંટોને સાથે લીધા અને કહ્યું કે તારે આ રોલ કરવાનો છે. આગળ જતાં નામી ગીતકાર બનેલા રાજા મહેદીઅલીખાં અને સાહિત્યકાર તરીકે ખ્યાત બનેલા ઉપેન્દ્રનાથ અશ્કની પણ ‘આઠ દિન’માં નાની ભૂમિકાઓ હતી.
![]() |
| Eight days- booklet credits |
મંટોની વાર્તાકળાના પ્રેમી અશ્કે પોતાનો નાટ્યસંગ્રહ ‘ચરવાહે’ મંટોને અર્પણ કરતાં લખ્યું હતું, ‘મંટોકે નામ- જો મુઝે કભી બહુત અચ્છા લગતા હૈ ઔર કભી સખ્ત બુરા’.
અશ્કે લખ્યું છે કે ‘ફિલ્મીસ્તાન’માં મંટોનું એકચક્રી રાજ ચાલતું હતું. ત્યાં શાહીદ લતીફ (ઇસ્મત ચુગતાઇના પતિ) અને પ્યારેલાલ સંતોષી જેવા લેખકો હતા, પણ રિવાજ એવો હતો કે એક જ દૃશ્યના સંવાદ બધા લેખકો લખે અને મંટો એ સંવાદ વાંચે. પછી એ બધાના સંવાદ રદ કરીને પોતે એ દૃશ્યના સંવાદ લખે, જે ફાઇનલ ગણાય. મંટોની આ રીતથી શાહિદ લતીફ અને સંતોષી ‘ફિલ્મીસ્તાન’ છોડી ગયા. ‘ફિલ્મીસ્તાન’ના સર્વેસર્વા એસ.મુખર્જીને રાજી રાખવા માટે મંટો તેમને ગાલિબના શેર સંભળાવતા હોય એવું પણ અશ્કે નોંઘ્યું છે.
‘આઠ દિન’ વિશે પણ ઉપેન્દ્રનાથ અશ્કે આપેલી વિગતો સાવ જુદી છે. તેમણે લખ્યું છે કે મંટોએ લખેલી ‘ચલ ચલ રે નૌજવાન’ અને ‘શિકારી’ની નિષ્ફળતા પછી અશોકકુમારે તેમને (અશ્કને) નવી ફિલ્મની કથા લખવા કહ્યું. અશ્ક સંવાદલેખક તરીકે કામ કરતા હતા, એટલે કથા લખવાના તેમણે અલગથી રૂ. બે હજાર માગ્યા. તેના કારણે વાત અટવાઇ. દરમિયાન મંટોને ખબર પડી કે અશોકકુમારે અશ્કને વાર્તા લખવા કહ્યું છે. એટલે તેમણે મફતમાં વાર્તા લખી આપવાની તૈયારી બતાવી અને અશોકકુમારને સમજાવી દીધા. અશ્કના નોંઘ્યા પ્રમાણે, ફિલ્મનું મુહૂર્ત થયું ત્યારે વાર્તાનાં ઠેકાણાં ન હતાં. એક વાર વાર્તા મફતમાં લખવાનું કબૂલ્યા પછી, અડધા શૂટિંગે મંટોએ અશોકકુમાર પાસેથી વાર્તા પેટે થોડા રૂપિયા વસૂલ્યા હતા.
‘આઠ દિન’માં અશ્કે પંડિત તોતારામનો કોમિક રોલ કર્યો હતો. રોલ તો નાનો હતો, પણ અશ્કે રીટેક વિના કર્યો એટલે અશોકકુમારને મઝા પડી. તેમણે પાત્ર લંબાવવાનું કહ્યું. એટલે મંટો પંડિત હિંદીનો એક ડાયલોગ લખીને આપે તો અશ્ક પોતાની જાતે બીજા બે ડાયલોગ ઉમેરે. તેનાથી મંટો એટલા ખીજાતા કે એક વાર બન્ને વચ્ચે મારામારીની નોબત આવી ગઇ.
‘ફિલ્મીસ્તાન’ પછી અશોકકુમાર અને સાવક વાચાએ ‘બોમ્બે ટોકીઝ’નું સુકાન સંભાળ્યું ત્યારે મંટો તેમની સાથે જ હતા. પણ અશ્કના જણાવ્યા પ્રમાણે, ‘મંટો ત્યાં એવા લોકોથી ઘેરાઇ ગયો, જેમને તેણે ફિલ્મીસ્તાન છોડવાની ફરજ પાડી હતી.’ મંટોએ અશોકકુમાર વિશેના ચરિત્રલેખમાં એવો ઇશારો કર્યો છે કે ‘બોમ્બ ટોકીઝ’માં મુસ્લિમોની બોલબાલા વધી જવાને કારણે અશોકકુમાર અને સાવક વાચ્છા પર ધમકીભર્યા પત્રો આવતા હતા. અશોકકુમાર-વાચ્છાના મનમાં મંટો કે બીજા મુસ્લિમો પ્રત્યે કોઇ દુર્ભાવ ન હતો. છતાં, તેમને તકલીફ ન પડે એટલા ખાતર પોતે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું. અલબત્ત, બીજાં કારણ પણ હતાં. તેમનો પરિવાર પાકિસ્તાનમાં હતો. પરંતુ ઉપેન્દ્રનાથ અશ્ક ‘બોમ્બે ટોકીઝ’ અને સરવાળે ભારત છોડવાના મંટોના નિર્ણય માટે તેમના પ્રબળ અહમ્ને અને પોતાની અવગણના સહન નહીં કરી શકવાની વૃત્તિને કારણભૂત ગણાવે છે. ‘બોમ્બે ટોકીઝ’માં મંટો જોડાયા તો ખરા, પણ તેમની એકેય વાર્તા પરથી ફિલ્મ બની નહીં. એને બદલે, નઝીર અજમેરીની વાર્તા પરથી ‘મજબૂર’, કમાલ અમરોહીની કથા પરથી ‘મહલ’ અને શાહિદ લતીફની વાર્તા પરથી ‘ઝિદ્દી’ ફિલ્મો બની. આ સહન કરવું મંટો માટે અશક્ય હતું.
મિર્ઝા ગાલીબની કથા પર મંટોએ ઘણું કામ કર્યું હતું, પણ તેનો ઉપયોગ કરીને સોહરાબ મોદીએ ‘મિર્ઝા ગાલિબ’ બનાવી ત્યારે મંટો માનસિક અસ્વસ્થતા, સાહિત્યિક ઉપેક્ષા અને આર્થિક ભીંસ વચ્ચે પાકિસ્તાનમાં છેલ્લા દિવસો વીતાવી રહ્યા હતા. જાન્યુઆરી ૧૮, ૧૯૫૫ના રોજ તેમની દુન્યવી પીડાઓનો અંત આવ્યો અને ઘણી દંતકથાઓનો જન્મ થયો.
Labels:
film/ફિલ્મ,
literature,
manto
Saturday, May 12, 2012
મંટો, સો વર્ષ પછી
(My editorial tribute to the master)
માણસના મનનો તાગ પામતું-માપતું અને તેને સફળતાપૂર્વક આલેખતું સાહિત્ય સ્થળકાળથી પર, જરા જાડો શબ્દ વાપરીને કહીએ તો, ‘અમર’ બની જાય છે. સઆદત હસન મંટોની વાર્તાઓ એ શ્રેણીમાં આવે છે. મે ૧૧, ૨૦૧૨ મંટોનો ૧૦૦મો જન્મદિવસ હતો. જન્મશતાબ્દિ. પૂરાં ૪૩ વર્ષ પણ નહીં જીવેલા મંટોના મૃત્યુને સાડા પાંચ દાયકાથી પણ વઘુ સમય વીતી ચૂક્યો છે. છતાં ખુલ્લી છરી જેવી મંટોની વાર્તાઓ આજે પણ વાંચનારની જાડી થઇ ગયેલી સંવેદનશીલતાને ઠેકઠેકાણેથી ચીરી નાખવા સમર્થ છે.
માણસ નામનું પ્રાણી અને તેના મનનાં અતળ ઊંડાણ, મંટોના પ્રિય વિષયો હતા. ભારત-પાકિસ્તાનના વિભાજનનું કોમી પાગલપણું શરૂ થયું ત્યાર પહેલાં મંટોએ સમાજના અંધારીયા હિસ્સા પર દંભી નૈતિકતાથી નહીં, પણ માનવીય સહૃદયતાથી છલકાતી પોતાની કલમ ચલાવી. દેહનો વ્યાપાર કરતી સ્ત્રીઓની પાત્રસૃષ્ટિનું મંટોની વાર્તાઓમાં થયેલું આલેખન અત્યંત સશક્ત અને વાંચનારને અંદરથી ઝકઝોરી નાખનારું હતું. સરેરાશ હિંદી ફિલ્મોમાં દર્શાવાતાં બળાત્કારનાં દૃશ્યોની જેમ, મંટોની કહેવાતી કામુક કે કહેવાતી અશ્વ્લીલ વાર્તાઓમાં ગલગલિયાંનું તત્ત્વ સદંતર ગેરહાજર હતું. થોડી પણ સંવેદના ધરાવતો માણસ એ વાંચીને વલોવાઇ જાય, એવી તાકાત મંટોની વાર્તાઓમાં પ્રગટી.
વિભાજનની આસપાસ શરૂ થયેલી કોમી હિંસા અને તેના પગલે મંટોએ લખેલી વાર્તાઓ માનવ ઇતિહાસના એ શરમજનક-કરુણ કાળનું નીતાંત કળાત્મક છતાં રૂપાળું નહીં એવું આલેખન છે. કોમી પાગલપણાથી દોરવાયેલા લોકોએ સ્ત્રીઓ પર કરેલા અત્યાચાર અને એવા સંજોગોમાં સ્ત્રીઓના પરિવારજનોની મનોદશા વર્ણવતી વાર્તા ‘ખોલ દો’ કે વિભાજનની વાસ્તવિકતાનો અસ્વીકાર કરતા પાગલખાનાના પાગલ ‘ટોબા ટેકસિંહ’ જેવી વાર્તા વાંચીને કયા સહૃદય વાચકની આંખ આજે પણ ભીની ન થાય?
‘સ્યાહ હાશિયે’ના મથાળા તળે લખાયેલી લધુકથાઓ, વિભાજન સમયની કરૂણ ન હોય તો રમુજી બની જાય એવી વક્રતાઓ, ઓછામાં ઓછા શબ્દોમાં સોંસરવી નીકળી જાય છે અને વાચક ક્યાંય સુધી તેની ચોટમાંથી બહાર આવી શકતો નથી. ‘ઠંડા ગોશ્ત’ જેવી નીતાંત સ્ત્રી-પુરૂષના જાતીય સંબંધ પર આધારીત છતાં કોમી હિંસાની માણસની મૂળભૂત વૃત્તિ પર થતી અસરને નિરૂપતી કથા ઉપરછલ્લી નજરે કોઇને અશિષ્ટ લાગે, પણ એ વાર્તામાં દાખલ થનારના ભાગે અંતે તો મંટોસહજ સ્તબ્ધતા જ આવે છે. આ વાર્તાઓના અંત નાટકીય નથી. તેમનો આશય વાચકોને અંતે આવવો જોઇતો રિવાજ મુજબનો વળ- ટ્વીસ્ટ પૂરો પાડવાનો નથી. આ વાર્તાઓ પાનાં પર પૂરી થાય ત્યાંથી જ વાચકના મનમાં તે શરૂ થઇ જાય છે, વર્ષો સુધી રહે છે અને નવા નવા સંદર્ભે તેમના નવા અર્થ ઉઘડતા જાય છે.
મંટોનાં પાત્રો વિનયી-વિવેકી-ઠરેલા-ઠાવકાં નથી. જિંદગીએ, સંજોગોએ, પોતાની મનુષ્યગત મર્યાદાઓ તેમને ચોતરફથી સાણસામાં લીધાં છે અને એ સંજોગોમાં તેમનું વર્તન જેવું હોઇ શકે, એવું જ મંટોની વાર્તાઓમાં વાંચવા મળે છે. તેમાં કશી બનાવટ નથી. સાજસણગાર નથી. મંટોનું અતિપ્રખ્યાત વિધાન છેઃ ‘આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તેને સમજવો હોય તો મારી વાર્તાઓ વાંચો. એ તમને નાકાબિલેબરદાશ્ત- અસહ્ય લાગે તો જાણજો કે જમાનો જ અસહ્ય છે.’ વિભાજન પછી પાકિસ્તાન ગયેલા મંટોની વાર્તાઓ પર અનેક વાર અશ્વ્લીલતાના આરોપસર મુકદ્દમા ચાલ્યા છે. ઘણા લોકો મંટોને અશ્વ્લીલ - ‘વેશ્યાઓ અને દલાલો’ની વાર્તાઓ લખનારા તરીકે ખતવી કાઢતા રહ્યા છે. ‘ઘણા લોકો માને છે કે અશ્વ્લીલ વાર્તાઓ લખવી અને તેની પર કોર્ટમાં કેસ ચલાવવા એ જ મારો ધંધો છે’ એવું લખનાર મંટો, વાચકોના સદ્ભાગ્યે આવાં પ્રમાણપત્રોની પરવા કર્યા વિના લખતા રહ્યા.
વાર્તાઓ ઉપરાંત રેડિયોનાટકો, હિંદી ફિલ્મી હસ્તીઓ વિશેના ચરિત્રલેખ, છાપાંમાં કોલમ-મંટોએ બઘું જ કર્યું. છતાં, પાકિસ્તાન ગયા પછી ત્યાંની પરિસ્થિતિ અને પોતાની પ્રકૃતિ સહિત ઘણાં કારણથી મંટોને કદી જંપ વળ્યો નહીં. ગુજરાન ચલાવવા, ખાવા કરતાં પણ વધારે પીવાના, ખર્ચા કાઢવાનું તેમને અઘરું પડ્યું. માનસિક સંતુલન ખોરવાઇ જવાને કારણે થોડો વખત પાગલખાનામાં જવું પડ્યું.
અસ્વસ્થ અને ત્રસ્ત મનોદશામાં પાછલાં વર્ષો ગુજાર્યા પછી સઆદત હસન કબરભેગા થઇ ગયા, પણ કમબખ્ત મંટો પીછો છોડતો નથી. માણસોની માણસાઇ ભૂલાવી દેતી કોમી હિંસા, ત્યાર પછી પણ માણસના મનમાં પેદા ન થતો અપરાધભાવ, સમાજમાં વધી રહેલી અસમાનતાનાં ક્રૂર સ્વરૂપો, માણસનું હંિસક સ્વકેન્દ્રીપણું, રોજંિદા જીવનમાં પ્રગટ થતી કારમી વિષમતાઓ અને તેનો પ્રસાર માઘ્યમોમાં- સાહિત્યમાં જોવા મળતો એકંદર અભાવ- આ બધું પીડે ત્યારે મંટો અને તેની સંવેદનપ્રચૂર છતાં ઢીલીપોચી નહીં એવી, વેધક કલમ યાદ આવે છે. એવા મંટોની ખોટ પણ તીવ્રપણે સાલે છે.
Labels:
literature,
manto
Sunday, May 06, 2012
પ્રેમચંદ અને મંટો : ફિલ્મકંપનીઓના પગારદાર લેખક તરીકે
હિંદી તેમ જ ગુજરાતીમાં સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મોની યાદી લાંબી છે. ટાગોર-શરતચંદ્ર-બંકિમચંદ્ર, મુનશી-મેઘાણી-મડીયા, ધર્મવીર ભારતી- મહાશ્વેતાદેવી-રાજિંદરસિંઘ બેદી-ઇસ્મત ચુગતાઇ જેવી સાહિત્યજગતની નામી હસ્તીઓનાં લખાણ ફિલ્મો માટે અપનાવાયાં છે. કેટલાકે ખાસ ફિલ્મો માટે લખ્યું છે. પરંતુ ફિલ્મઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે સાહિત્યકારોમાંથી બે નામ જરા અલગથી યાદ આવે છેઃ હિંદીમાં મુન્શી પ્રેમચંદ/Munshi Premchand અને ઉર્દુમાં સઆદત હસન મંટો./Saadat Hasan Manto
![]() |
| Munshi Premchand, Saadat Hasan Manto |
‘આલમઆરા’ બનાવ્યા પછીનાં વર્ષોમાં આર્થિક ભીંસમાં આવી પડેલા ઇરાનીએ વઘુ એક વાર જુગાર ખેલવાનો નિર્ણય કર્યો. ભારતની પહેલી રંગીન ફિલ્મ બનાવવા માટે તેમણે વિદેશથી મશીન મંગાવ્યાં. એ ફિલ્મનું નામ હતું: ‘કિસાનકન્યા’ (૧૯૩૭).
મંટોએ પોતે ‘મેરી શાદી’ લેખમાં નોંઘ્યું છે તેમ, આ ફિલ્મની કથા ડાયરેક્ટર મોતી ગિડવાણીના કહેવાથી મંટોએ લખી હતી. પણ ‘ભારતની પહેલી બોલતી રંગીન ફિલ્મનો લેખક કોઇ નવોસવો મુન્શી છે’ એવું શેઠ ઇરાનીને શી રીતે કહેવું? એટલે કોઇ મોટા નામ માટે તલાશ ચાલી. છેવટે ‘શાંતિનિકેતન’માં ફારસી ભણાવતા પ્રો.ઝિયાઉદ્દીનનું નામ આવ્યું. એ મંટોના પરિચિત હતા. મંટોએ તેમને પત્ર લખીને આ કાવતરામાં સામેલ થવા વિનંતી કરી. પ્રોફેસર માન ગયા. એટલે ‘કિસાનકન્યા’માં ‘સ્ટોરી-સ્ક્રીનપ્લે’ માટે પ્રો.ઝિયાઉદ્દીનનું નામ આવ્યું અને મંટોને ફક્ત ‘સિનારીયો’ની ક્રેડિટ મળી.
ભૂતિયા લેખક તરીકેની શરૂઆત પછી મંટોએ વચ્ચે ‘ફિલ્મ સિટી’ કંપનીમાં ડાયરેક્ટર એ.આર.કારદાર માટે એક વાર્તા લખવાનું શરૂ કર્યું, પણ ‘ઇમ્પિરીયલ’ના ઇરાનીશેઠને આ વાતની જાણ થતાં, તેમણે ‘ફિલ્મ સિટી’ને એવો રેચ આપ્યો કે તેમણે મંટોને તેમની વાર્તા સહિત ‘ઇમ્પિરીઅલ’માં પાછા મોકલી આપ્યા. અલબત્ત, પગાર બમણો થઇ ગયોઃ મહિને રૂ.૪૦માંથી સીધો રૂ.૮૦ અને વાર્તાના અલગ.
પણ રૂપિયા મળે ત્યારે ને? કંપનીની હાલત એટલી ખરાબ હતી કે કર્મચારીઓને પગાર નહીં, ખપ પૂરતો ઉપાડ જ મળતો. મંટોના લખ્યા પ્રમાણે, તેમના દોઢેક હજાર રૂપિયા કંપનીમાં જમા હતા. પરંતુ ૧૯૩૯માં લગ્ન થયું, ત્યાં સુધી તેમને એ રૂપિયા મળ્યા નહીં. મંટોએ લખ્યું છે કે ઇરાનીશેઠની દાનત ખરાબ ન હતી. સારા દિવસોમાં સ્ટાફના પ્રસંગો તેમણે કંપનીના ખર્ચે ઉજવ્યા હતા. કોઇ કર્મચારીઓ લગ્ન માટે રૂપિયા માગે અને પોતે ન આપી શકે, એ સ્થિતિ પણ તેમને ખટકતી હતી. એટલે રૂપિયા આપવાને બદલે તેમણે મંટો સાથે પોતાનો માણસ મોકલીને, પોતાના અંગત ખાતામાંથી કપડાં અને ઘરેણાંની ખરીદી કરાવી દીધી.
મંટોની લખેલી પહેલી ફિલ્મ ‘કિસાનકન્યા’ સદંતર નિષ્ફળ નીવડી. એટલું જ નહીં, ફિલ્મના રીવ્યુમાં ફિલ્મની નબળી અપીલ માટે સંવાદલેખકને મહદ્ અંશે જવાબદાર ગણાવવામાં આવ્યો. ‘ઇમ્પીરિયલ’ છોડ્યા પછી મંટો બીજા એક ગુજરાતી નાનુભાઇ દેસાઇની ‘સરોજ મુવિટોન’માં જોડાયા. એ કંપની બે મહિના ચાલી- ન ચાલી ને તેનું દેવાળું નીકળતાં, નાનુભાઇએ ‘હિંદુસ્તાન સિનેટોન’ ઊભી કરી દીધી. એ કંપની માટે મંટોએ એક વાર્તા લખીઃ ‘કીચડ’. એ ફિલ્મ ‘અપની નગરિયા’ જેવા નામે ૧૯૪૦માં રજૂ થઇ. શોભના સમર્થ, કે.એન.સિંઘ, જયંત (અમજદખાનના પિતા) જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મનું કામ ચાલતું હતું એ દરમિયાન, વેવિશાળના એકાદ વર્ષ પછી મંટોનું લગ્ન નક્કી થયું.
સમાધાનની ફોર્મ્યુલા તરીકે નાનુભાઇએ રૂ.૧,૮૦૦ને બદલે આગલી તારીખનો રૂ.૯૦૦નો ચેક આપ્યો. ચેક વટાવવાની તારીખ આવી ત્યારે નાનુભાઇએ કહ્યું કે ખાતામાં રૂપિયા નથી. છેવટે ‘ભાગતા ભૂતની લંગોટી’ ન્યાયે રૂ.૫૦૦ રોકડા લઇને મંટોને સંતોષ માનવો પડ્યો. અંગ્રેજીમાં ‘મડ’ (કીચડ) નામ ધરાવતી ફિલ્મ ‘અપની નગરિયા’ વ્યાવસાયિક રીતે સફળ થઇ, પણ જાન્યુઆરી, ૧૯૪૧માં મંટોએ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દિલ્હીની નોકરી સ્વીકારતાં તેમની ફિલ્મ કારકિર્દીનો પૂર્વાધ પૂરો થયો. દોઢેક વર્ષ પછી શરૂ થનારો એનો ઉત્તરાર્ધ છેક ૧૯૪૮ સુધી ચાલવાનો હતો. મુખ્યત્વે તેના પરિપાકરૂપે મંટો ફિલ્મી હસ્તીઓ વિશેના ચટાકેદાર ચરિત્રલેખો (‘ગંજે ફરિશ્તે’) લખ્યા. (એ ભાગની કથા આવતા સપ્તાહે)
મંટો મુંબઇ આવ્યા તેના એકાદ વર્ષ પહેલાં મુન્શી પ્રેમચંદ ભારે અવઢવ અને ખચકાટ સાથે મુંબઇનો સ્વાદ ચાખી ચૂક્યા હતા. ‘મહાલક્ષ્મી સિનેટોન’ના નાનુભાઇ વકીલે પ્રેમચંદની નવલકથા ‘સેવાસદન’ પરથી ફિલ્મ બનાવવાના હકો રૂ.૭૫૦માં ખરીદ્યા. ફિલ્મના મુહુર્ત માટે પ્રેમચંદને ખાસ મુંબઇ તેડાવવામાં આવ્યા. તેમની હાજરીમાં અને લીલાવતી મુનશીની વિશેષ ઉપસ્થિતિમાં મુહુર્ત થયું. એ પ્રસંગે પ્રેમચંદે આપેલું ટૂંકું પ્રવચન ફિલ્મની શરૂઆતમાં જોડી દેવામાં આવ્યું. એ વખતે પ્રેમચંદ બનારસ પાછા આવી ગયા, પણ તેમનાં સામયિકો ‘હંસ’ તથા ‘જાગરણ’ અને પોતાની માલિકીના ‘સરસ્વતી પ્રેસ’નું આર્થિક નુકસાન એટલું વધી ગયું હતું કે તેમને એ બોજ દૂર કરવા માટે મુંબઇ જવું જરૂરી લાગ્યું.
‘અજંતા સિનેટોન’ના માલિક મોહન ભાવનાનીએ પ્રેમચંદને આમંત્રણ આપ્યું અને વર્ષે રૂ.૮ હજારના કોન્ટ્રાક્ટની ઓફર મૂકી. એ સ્વીકારતી વખતે પ્રેમચંદને હતું કે એકાદ વર્ષ ત્યાં રહીને થોડા રૂપિયા મેળવી લેવાય, તો સામયિકોનું અને પ્રેસનું ગાડું ગબડ્યા કરે. ત્યાર પછી કંપની સાથે એવી કંઇક વ્યવસ્થા કરવી કે મુંબઇ ગયા વિના હું એમને વર્ષે ત્રણ-ચાર વાર્તાઓ લખી આપું અને મને રૂપિયા મળ્યા કરે.
જયશંકર પ્રસાદ જેવાએ પ્રેમચંદને મુંબઇ ન જવાની સલાહ આપી. પણ પ્રેમચંદના જ શબ્દોમાં ‘ચિરસંગિની ગરીબી’ મુંબઇ ભણી ખેંચતી હતી. જૂન, ૧૯૩૪માં મુંબઇ પહોંચ્યા પછી બે મહિનામાં તેમણે ત્રણ વાર્તાઓ લખી નાખી. પણ સંતોષ ન થયો. તેમણે ૩ ઓગસ્ટ, ૧૯૩૪ના પત્રમાં લખ્યું,‘સિનેમા માટે વાર્તાઓ લખવાનું અઘરૂં પડી રહ્યું છે. (તેમને) એવી વાર્તાઓની જરૂર છે જેમને ભજવી શકાય અને એ ભજવનારા એક્ટર મળી રહે.’ પ્રેમચંદની વાર્તા પરથી ‘અજંતા’માં બનેલી પહેલી ફિલ્મ હતી ‘મજદૂર’ ઉર્ફે ‘ધ મિલ’ (૧૯૩૪). બોલ્ડ દૃશ્યો પ્રત્યે ઉદારભાવ રાખતા બ્રિટીશ સેન્સરને મજૂરએકતા, રાષ્ટ્રભક્તિ અને સામ્યવાદની છાંટ ધરાવતી આ કથા સામે વાંધો પડ્યો. મુંબઇના સેન્સર બોર્ડમાં અટવાયેલી એ વાર્તા લાહોરના સેન્સર બોર્ડે પાસ કરી અને ત્યાં ફિલ્મ રજૂ થઇ શકી. પરંતુ પ્રેમચંદનો આશાવાદ ઝડપથી ઘેરી નિરાશામાં પલટાઇ રહ્યો હતો.
ફિલ્મી કથા માટે જરૂરી મનોરંજકતા લાવવાનું પ્રેમચંદને અનુકૂળ આવતું ન હતું. તેમણે લખ્યું હતું,‘હું જે પ્લોટ વિચારું છું તેમાં આદર્શવાદ ધૂસી જાય છે અને મને કહેવામાં આવે છે કે તેમાં એન્ટરટેઇનમેન્ટ વેલ્યુ નથી.’ (૭ ફેબુ્રઆરી, ૧૯૩૫) ત્યાર પહેલાં ૨૮ નવેમ્બર, ૧૯૩૪ના એક પત્રમાં તેમણે બળાપો કાઢતાં લખ્યું હતું,‘આ પ્રોડ્યુસરો જે જાતની સ્ટોરી બનાવતા આવ્યા છે, તેમાંથી જરાય ચસકવા માગતા નથી. વલ્ગારીટીને આ લોકો એન્ટરટેનમેન્ટ વેલ્યુ કહે છે...મેં શિક્ષિત સમાજને જોવાનું મન થાય એવી સામાજિક કથાઓ લખી છે, પણ તેની પરથી ફિલ્મ બનાવતાં આ લોકોને અવઢવ થાય છે કે ફિલ્મ ન ચાલે તો?’
પ્રેમચંદનો ફિલ્મ કંપની સાથેનો કરાર મે, ૧૯૩૫ સુધીનો હતો. પણ ૨૫ માર્ચ, ૧૯૩૫ના રોજ તેમણે નિરાશ થઇને મુંબઇ છોડી દીઘું. એટલે કોન્ટ્રાક્ટની પૂરી રકમ (રૂ.૮ હજાર)ને બદલે તેમને રૂ.૬,૩૦૦ જ મળ્યા. બનારસ પાછા જઇને તેમણે સિનેમાને ‘તાડી-શરાબની દુકાન’ બનાવી દેવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. ‘જનતા મારધાડ અને સનસનાટીપૂર્ણ તથા ઘાંટાઘાંટવાળી ફિલ્મો જ પસંદ કરે છે એવી માન્યતા ભ્રમ છે. તે પ્રેમ, ત્યાગ, દોસ્તી અને કરુણાથી સભર ફિલ્મો પણ રસથી જોવા આવે છે.’ એવો પ્રેમચંદનો દૃઢ વિશ્વાસ તેમના મૃત્યુ પછી બનેલી ઘણી ફિલ્મોએ સાચો પાડ્યો. ખુદ પ્રેમચંદની કથાઓ પરથી શતરંજકે ખિલાડી, ગોદાન, ગબન, સૌતેલા ભાઇ જેવી નોંધપાત્ર ફિલ્મો બની. તેમની સરખામણીમાં મંટોની કૃતિઓ એવી વિશિષ્ટ રીતે હચમચાવનારી છે કે તેની પરથી નાટકો બન્યાં છે, પણ હજુ સુધી એકેય ફિલ્મ બની હોય એવું ઘ્યાનમાં નથી.
Labels:
film/ફિલ્મ,
literature,
manto
Wednesday, February 29, 2012
સઆદત હસન મંટોને વ્યંગ-અંજલિ
એક માણસ મરે તો એ કરુણતા કહેવાય, પણ મરનારા વધારે હોય તો એમનાં મોત કેવળ સંવેદનશૂન્ય ‘આંકડો’ બની રહે, એવી કહેણી દસ વર્ષ પહેલાં ગુજરાતમાં વઘુ એક વાર સાચી પડી. કોમી હિંસાના દાવાનળમાં માણસોની સાથે સીધીસાદી, કોઇ લેબલ વગરની સંવેદના પણ જાણે બળીને રાખ થઇ. એ માહોલના ઊંડા આઘાત અને ક્ષુબ્ધ માનસિક અવસ્થામાં લખાયેલી કેટલીક વ્યંગકથાઓ માણસની હેવાનિયતનો ભોગ બનેલા સૌ મૃતકો ઉપરાંત એ મહાન કથાકારને પણ અંજલિરૂપ છે, જેનું નામ હતું સઆદત હસન મંટો.
ભારતના ભાગલા સમયે માણસની પાશવતાથી સ્તબ્ધ મંટોએ ખુલ્લી આંખે જે જોયું, તેને કઠણ કાળજે અને સાહિત્યકારની સંવેદનશીલતા સાથે આલેખ્યું. તેમાંથી નીપજી ‘સ્યાહ હાશિયે’ની ટચૂકડી વ્યંગકથાઓ. એ તરાહ પર લખાયેલી આ કથાઓનો હેતુ સનસનાટી પ્રેરવાનો કે લાગણી ઉશ્કેરવાનો હરગીઝ નથી. એક માણસ બીજા માણસ સાથે કેટલો ક્રૂર બની શકે તેનું બયાન તેમાં છે. આશય એટલો જ કે આટલી દેખીતી અમાનવીય વર્તણૂંક પહેલાં ન સમજાઇ હોય તો કદાચ હજુ સમજાય અને તેના વિશે પસ્તાવો થાય. પોતાની કથાઓ વિશે મંટોએ જે કહ્યું હતું, એવું જ કંઇક આ લધુકથાઓ વિશે કહેવાનું થાય કે ‘એ તમને અસહ્ય (નાકાબિલે બરદાશ્ત) લાગે તો માનજો કે વાસ્તવિકતા જ અસહ્ય હતી.’
***
સમજણ
સળગતી ટ્રેન અને બળેલા મૃતદેહો જોઇને બાળકે માતાને પૂછ્યું, ‘આ લોકોને કોણે માર્યા?’
‘મુસ્લિમોએ.’
‘કેમ?’ બાળકે પૂછ્યું.
‘બેટા, એ લોકો મુસ્લિમ છે અને આ લોકો હિંદુ હતા એટલે.’
‘પણ મમ્મી, બેન્ચ પર મારી સાથે બેસતો આરિફ મુસ્લિમ છે. તો પણ અમે કદી લડ્યા નથી.’
‘બેટા, તમે લોકો હજુ અણસમજુ છો.’
***
ક્રૂરદર્શન
૬૦ લોકોને જીવતા જલાવી દેવાનું ઘાતકી, પાશવી, બર્બર, અમાનુષી, જઘન્ય, રાક્ષસી, અક્ષમ્ય, આતંકવાદી, કડકમાં કડક સજાને પાત્ર કૃત્ય.
- એક દિવસના સમાચાર
ગઇ કાલે થયેલી ૬૦ નિર્દોષોની હત્યાના ઘાતકી, પાશવી, બર્બર, અમાનુષી, જઘન્ય, રાક્ષસી, અક્ષમ્ય, આતંકવાદી કૃત્યથી ભભૂકી ઉઠેલા રોષમાં બીજી કોમના ૨૫૦થી વધારે લોકોની હત્યા. ધીમે ધીમે ઠંડો પડી રહેલો લોકોનો રોષ.
- બીજા દિવસના સમાચાર
***
પસંદગી
કપડાંનો એક વૈભવી શો રૂમ તૂટ્યો. ટોળું અંદર ફરી વળ્યું. લૂંટ મચી. અપ ટુ ડેટ કપડાંવાળી એક યુવતીએ કહ્યું, ‘મને પસંદગીમાં જરાય વાર નહીં લાગે. હું પરમ દિવસે જ અહીં આવી હતી.’
***
પૂર્વતૈયારી
‘એ લોકોનું ટોળું આવે છે. જે હોય તે, લાકડી-ધારિયાં-પાઇપો લઇને તૈયાર રહેજો. આ વખતે ખબર પાડી દેવી છે.’
‘પણ તમને કોણે કહ્યું?’
‘કહેવાનું કોણ હતું? કાલે જ અમે એમની દુકાનો સળગાવી છે. હવે એ લોકો થોડા શાંત બેસી રહેશે?’
***
ભાઇચારો
‘સાંજે પૂરીઓ વણવા આવી જજો.’
‘કેમ? પ્રસંગ કાઢ્યો છે?’
‘ના રે. બાજુના ગામમાં એ લોકોના પાંચ જણને જીવતા સળગાવી દેવા બદલ પોલીસ આપણા પચીસ ભાઇઓની ધરપકડ કરીને અહીં લઇ આવી છે. રોજ જુદી જુદી પોળવાળા તેમને જમાડે છે. આજે આપણો વારો છે.’
***
બચ્ચાંનો ખેલ નથી
નવ વર્ષની એક છોકરી રાત્રે મમ્મીને પૂછતી હતી, ‘આપણે મેળામાંથી ગદા ને તલવાર લાવ્યા હતા, એ ક્યાં છે?’
‘અત્યારે મને તારાં રમકડાં શોધવાનો ટાઇમ નથી. સૂઇ જા છાનીમાની.’ મમ્મીએ છણકો કર્યો.
‘ના, મારે અત્યારે જ જોઇએ. હું બહાર રમતી હતી ત્યારે બધા કહેતા હતા કે રાત્રે એમનાવાળા તલવારો લઇને આપણાવાળાને મારવા આવવાના છે. મારે મારી તલવાર લઇને બારી આગળ બેસી રહેવું છે.’
***
ડંખઃ જૂતાંનો અને આત્માનો
‘આ કોની દુકાન છે?’
ટોળામાંથી જવાબ મળ્યો, ‘એ લોકોની.’
આ સાથે જ બૂટચંપલની દુકાનનું શટર તૂટ્યું. ટોળું કામે લાગી ગયું. સૌએ સાથે લઇ શકાય એટલાં બૂટચંપલ લીધાં. એવામાં ટોળાના આગેવાનની નજર એક ખૂણે લટકતી ભગવાનની છબી પર પડી. તરત એ બોલ્યો,
‘ભાઇઓ, તમારું કામ પતી ગયું હોય તો બહાર નીકળી જઇએ. આ દુકાન આપણા ભાઇની જ લાગે છે.’
***
ફરજપરસ્તી
‘મને જવા દો. મારા પાર્ટનર તમારી કોમના છે. મારા મિત્રો તમારી કોમના છે. મારા પાડોશી તમારી કોમના છે. મારી છોકરીની બહેનપણીઓ પણ તમારી કોમની છે.’
‘એમ? તો તને ઉપર પહોંચાડવાની ફરજ પણ અમારી કોમની જ કહેવાય.’
બીજી મિનિટે આગના ભડકા દેખાયા અને કારમી ચીસો સંભળાઇ. ફરજ અદા થઇ ચૂકી હતી.
***
કોશિશ
‘સળગાવી દો આ લોન્ડ્રી. એ બી એમની જ છે.’ એવા પોકાર થતાં, લોન્ડ્રીની આજુબાજુ રહેતા લોકો બારીમાં આવી ગયા. તેમણે ટોળાને કહ્યું, ‘રહેવા દો ભાઇ, લોન્ડ્રી એમની છે, પણ એમાં કપડાં તો આપણા લોકોનાં જ છે.’
‘તો શું થયું? લોન્ડ્રી તો બળશે જ.’
‘એમ? તો પછી અમને અંદરથી અમારાં કપડાં કાઢી લેવા દેશો?’
***
માનવતા
લોકોને જીવતા જલાવવાનો આતંક પુરબહારમાં હતો. કોઇએ ટ્રેનમાં જલાવ્યા તો કોઇએ બહાર.
‘એ લોકોએ તો ટ્રેનમાં બૈરાં-છોકરાં બધાને જીવતાં સળગાવ્યાં હતાં, પણ આપણાવાળાએ થોડી માનવતા રાખી છે.’ એક જાણકારે પૂરી ગંભીરતાથી કહ્યું, ‘નાનાં બાળકોને પોલીસ સ્ટેશને છોડીને ફક્ત મોટાંને જ સળગાવ્યાં છે.’
***
Subscribe to:
Posts (Atom)
















+1934.jpg)