Showing posts with label bjp. Show all posts
Showing posts with label bjp. Show all posts
Thursday, February 06, 2020
તટસ્થ હોવું એટલે? તમે કેવા તટસ્થ છો?
તેનો વ્યાવહારિક અને પ્રચલિત અર્થ એવો હતો કે કોઈ
પણ બાબત નક્કી કરતી વખતે, એક યા
બીજા પક્ષ તરફ ઢળવાને બદલે, ફક્ત
હકીકતોના આધારે, સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય કરનાર.
આ વ્યાખ્યા સ્પષ્ટ હોવા છતાં, તેના પાયામાં ગુંચવાડાની એક જગ્યા છેઃ તેમાં એક
યા બીજા પક્ષ તરફ ઢળવાનું નથી. પણ ક્યારે?
યાદ રાખવા જેવો જવાબ છેઃ હકીકતોની ચકાસણી કરતી
વખતે.
નોટબંધી જાહેર થાય કે સીએએ આવે ત્યારે વિગતો
જાણ્યા વિના તત્કાળ ટીકા કે પ્રશંસા ન કરી શકાય. માહિતી મેળવવી પડે. હકીકતો તપાસવી
પડે. તેનો તોલ કરવો પડે. એ તટસ્થતાનો તકાદો છે. એમ ન કરે તે તટસ્થતા ચૂક્યા ગણાય.
પણ આવી રીતે વિગતો જાણ્યા પછી અને તોલ કર્યા પછી,
ટીકા કરવા જેવી લાગે અને ટીકા કરવામાં આવે, ત્યારે સામેની છાવણી જરૂર કહેશે, ‘તમે તટસ્થ નથી.’
તો ‘તટસ્થ’ ની એક વ્યાખ્યા છેઃ ‘અમારા જેવા અભિપ્રાયવાળા’.
તટસ્થતા એટલે પાંચ ગ્રામ ટીકા, પાંચ ગ્રામ
પ્રશંસા?
તમે તેમના પ્રચારમાં સૂર પુરાવતા નથી, તો તમે તટસ્થ નથી—ભલે ને
તમે જાણેલી સાચી હોય, ભલે ને
તમે બંને પક્ષો તપાસ્યા પછી નિર્ણય પર આવ્યા હો.
પણ તમે તેમના અભિપ્રાયથી જુદો, કદાચ સામા છેડાનો અભિપ્રાય ધરાવો છો, એટલે તમને તટસ્થતાએ ને તટસ્થતાએ ઝૂડવામાં આવશે. ‘જોયા મોટા...તટસ્થતાની વાતો કરે છે...અને સંસદમાં
પસાર થયેલા કાયદાનો તો વિરોધ કરે છે...આને તે કંઈ તટસ્થતા કહેવાય?’
તો, તમારી
પાસેથી એવી ‘તટસ્થતા’ અપેક્ષિત છે કે તમે અમારા પ્રચારમાં સામેલ
થઈ જાવ—પ્રચાર ગમે તે હોય.
એ શક્ય ન હોય તો ચૂપ રહો. તો પણ અમે તમને તટસ્થ
ગણીશું
પણ તમારી પાસેથી એવી તટસ્થતા અપેક્ષિત નથી કે તમે
બંને પક્ષોની હકીકતો જાણીને-સમજીને, સાચ-જૂઠ, પ્રચાર-કુપ્રચાર વચ્ચેનો ફરક કરીને, તમારા
નિર્ણય પર આવો.
તટસ્થતાનું સૌથી સૌથી અન્યાયી-સૌથી વિરોધાભાસી
સરલીકરણ એવું કરવામાં આવ્યું કે તમે પાંચ ગ્રામ મોદીની ટીકા કરો, તો પાંચ ગ્રામ મોદીવિરોધીઓની ટીકા કરવાની. તો જ
તમે તટસ્થ.
આવી પોલિટિકલી કરેક્ટ, તકલાદી તટસ્થતાના આશકો
તટસ્થતાના—ખરું જોતા, ન્યાયીપણાના—પાયામાં રહેલો ખ્યાલ જ ચૂકી જાય છે કે તટસ્થતા
વિગતોની જાણકારી મેળવતી વખતે અને તેમનું વિશ્લેષણ કરતી વખતે રાખવાની હોય. પણ બરાબર
જાણ્યા અને તોલ કર્યા પછી, જે લાગે એ તો કહેવાનું જ હોય. તેમાં તોલી તોલીને પાંચ
ગ્રામ ટીકા ને પાંચ ગ્રામ વખાણ કરવાનાં ન હોય. એવું કરવાને તટસ્થતા ન કહેવાય..
‘તટસ્થતા’ સુધી પહોચવાની પ્રક્રિયા
હવે સવાલ આવે વિગતોની તપાસ વખતે તટસ્થતા રાખવાનો.
તેમાં સીએએના વર્તમાન દાખલાથી વાત કરીએ. સીએએનો
મૂળ ખ્યાલ આ પ્રમાણે છેઃ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલાં પાકિસ્તાન-બાંગલાદેશ-અફઘાનિસ્તાનમાં
આવેલા અને ભારતમાં ગેરકાયદે રહેતા હિંદુ-ખ્રિસ્તી-શીખ-જૈન-બૌદ્ધ-પારસીઓને
કાયદેસરની નાગરિકતા મળી જાય.
આવું કાયદો કહે છે. તેમાં કશો મતભેદ નથી.
તે વિશે સીએેએના ટીકાકારોનું અર્થઘટન છેઃ પાડોશી
દેશોમાંથી આવેલા પીડિતોની વ્યાખ્યામાં શ્રીલંકાના પીડિત તમિલ હિંદુ-ખ્રિસ્તીઓને, બર્માના પીડિત મુસ્લિમોને, પાકિસ્તાનના પીડિત અહમદીયા મુસ્લિમોને
નાગરિકતામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
સચ્ચાઈ સમજતો કોઈ પણ માણસ આ અર્થઘટનને ખોટું નહીં
ઠરાવી શકે. તે એવું કહી શકે કે ‘આવું
કરવાની શી જરૂર છે?’ પણ તે
એવું નહીં કહી શકે કે આ વાત ખોટી છે.
હવે ‘આવું
કરવાની શી જરૂર છે?’ ત્યાં તટસ્થતાનો
નહીં, દૃષ્ટિબિંદુનો, વિચારનો, સમજનો, થોડો મોટો શબ્દ વાપરીને કહું તો વર્લ્ડ
વ્યુનો ફરક આવે છે.
સમર્થકો કહે છે કે મુસલમાનોને બાકાત રાખ્યા તેમાં
ખોટું શું છે? આ હિંદુઓનો દેશ છે.
અને ટીકાકારો કહે છે કે ગેરકાયદે રહેતા લોકોની
નાગરિકતા નક્કી કરતી વખતે ધર્મને માપદંડ તરીકે ન રખાય અને તેને કાયદાનું સ્વરૂપ ન
અપાય. તે સંકુચિતતા, છીછરાપણું
અને ધર્મદ્વેષને કાયદેસર માન્યતા આપવા બરાબર થાય.
સમર્થકોને લાગે છે કે મુસલમાનોને બાકાત રાખ્યા
તેમાં આટલો હોબાળો શાનો? એ તો એ જ દાવના છે. અને બાકીના દેશોને બાકાત રાખ્યા એમાં
તમારું શું જાય છે? એમને ઠીક લાગે તે કરે.
ટીકાકારોને લાગે છે કે આ કાયદો ભારતને સંકુચિત,
ધર્મના આધારે વિભાજન કરનાર અને એવો કાયદો કરવામાં ગૌરવ અનુભવનાર દેશ બનાવે છે. અમારો
દેશ આવો સંકુચિત ન હોય. તેમાં દેશની મૂળભૂત સર્વસમાવેશકતાના પાયામાં કાયદેસર રીતે
ઘા વાગે છે. (‘કાયદેસર રીતે’-એ શબ્દ
ખાસ નોંધવો) અને શાસકો તેમને ઠીક લાગે તે કરે એ તો તેમણે કરી જ દીધું છે. પણ ત્યાર
પછી નાગરિકો તેનો જોરદાર વિરોધ પણ કરે. જેટલો શાસકોને, તેટલો જ નાગરિકોને અધિકાર
છે.
સીએએ-તરફીઓ કહે છે કે સીએએ-વિરોધીઓ ગેરકાયદે
મુસલમાનોની તરફેણ કરે છે. તેમને નાગરિકતા અપાવવાની વાત કરે છે. એટલે કે વિરોધીઓ તટસ્થ
નથી. મુસ્લિમતરફી છે. વડાપ્રધાનથી માંડીને સીએએ-તરફીઓ એમ પણ કહે છે કે વિરોધીઓ
પાકિસ્તાનના પીડિત હિંદુઓને નાગરિકતા આપવાનો વિરોધ કરે છે. હિંદુ-શીખોને નાગરિકતા
આપવાનું તો ગાંધીજીએ પણ કહ્યું હતું
સીએએના વિરોધીઓ કહે છે કે અમે કોઈની તરફેણ, કોઈનો
વિરોધ કરતા નથી. અમારી વાત એટલી છે કે નાગરિકતા આપતી વખતે ધર્મના આધારે ભેદભાવ
પાડીને, અમુકને આપો ને અમુકને ન આપો, એવું ન ચાલે. એટલે ટીકાકારો પાકિસ્તાની હિંદુઓને
નાગરિકતા આપવાનો વિરોધ કરે છે, એ વડાપ્રધાનનું જૂઠાણું છે. વાતને બીજા પાટે લઈ
જવાની તરકીબ છે. (તે વારે ઘડીએ પાકિસ્તાનનું રટણ કેમ કરે છે અને
બાંગલાદેશ-અફઘાનિસ્તાનનો ઉલ્લેખ જ કેમ નથી કરતા, એ વળી જુદો સવાલ છે.) એવી જ રીતે,
ગાંધીજીનું વડાપ્રધાને-ભાજપે ટાંકેલું અવતરણ પણ જૂઠાણું હતુ. આ અભિપ્રાય નથી. અધિકૃત
ગાંધીસાહિત્યના આધારે પુરવાર થયેલી હકીકત છે.
સીએએ-તરફીઓ અને તરફીઓના નેતાઓ કહે છે કે આ
કાયદાથી કોઈ ભારતીયની નાગરિકતા છીનવાતી નથી. વિરોધીઓ ખોટો પ્રચાર કરે છે.
સીએએ-વિરોધીઓ કહે છે કે ૧) આ કાયદો ભારતીય
નાગરિકો માટે હતો જ નહીં. એટલે તેમાં ખોટેખોટો ખુલાસો આપીને ધ્યાન બીજે ખેંચવાની
જરૂર નથી. જે લોકો ગેરકાયદે રહે છે તેમને નાગરિકતા આપવા માટે તે હતો અને તેમાં તમે
ધર્મના આધારે ભેદભાવ પાડ્યા કે નહીં? એ મૂળ
મુદ્દો એ છે. તેને ગુપચાવો નહીં. ૨) સીએએને એનઆરસી સાથે જોડવામાં આવે ત્યારે તેની
દેશવ્યાપી ભેદભાવકારી અસરોની સંભાવના રહે છે. (સંભાવના એટલા માટે અને ખાતરી એટલા
માટે નહીં, કારણ કે એક તો સરકાર ફોડ પાડતી નથી અને ફોડ પાડ્યા પછી
ગૃહપ્રધાન-વડાપ્રધાન કક્ષાના લોકો ફરી જાય છે.) સરકાર કહે છે કે સીએએ-એનઆરસી વચ્ચે
સંબંધ નથી, પણ સંસદની ચર્ચામાં બંને વચ્ચેનો સંબંધ સ્પષ્ટ રીતે સ્થાપિત થયેલો છે.
આમ સરકાર આ બાબતે પણ જૂઠું બોલે છે.
આ અભિપ્રાય નથી, ઉપલબ્ધ હકીકતોની તટસ્થ તપાસનું
તારણ છે, જે કોઈ પણ વ્યક્તિ ચકાસી શકે છે.
વર્લ્ડ વ્યૂની ઓવરહેડ ટાંકી, તટસ્થતાની ચકલી
તમે જોશો કે ઉપર મુકેલી તરફીઓ અને વિરોધઓની
સામસામી દલીલો સાવ જુદા પ્રકારની છે. તેમની વચ્ચે કશી સામાન્ય ભૂમિકા નથી. તેના
મૂળમાં તટસ્થતાનો મુદ્દો આવતો જ નથી. તટસ્થતા એ રસોડામાં મૂકેલી પાણીની ચકલી છે.
તેમાં પાણી તો ઓવરહેડ ટાંકીમાંથી આવે છે ને એ ટાંકી એટલે વ્યક્તિનો વર્લ્ડ વ્યૂ,
વિચારવલણો, સમજ, સંવેદનશીલતા, ગમા-અણગમા... ઓવરહેડ ટાંકીમાં પાણી બદલાશે એટલે
ચકલીમાં આવતું પાણી આપોઆપ બદલાશે. વિચારવલણો બદલાશે એટલે તટસ્થતાની સમજ પણ બદલાશે.
(હા, ટીકા કે પ્રશંસા કરનારા બધા વર્લ્ડ વ્યૂની સ્પષ્ટતા ધરાવે છે, એવું કહેવાનો
કોઈ આશય નથી. પરંતુ સારા લખનારાનું કામ લોકોનાં વિચારવલણો-વર્લ્ડ વ્યૂ
માનવતા-સામાજિક ન્યાય-સંવેદનશીલતાની દિશામાં ઢળતાં હોય તે માટે પ્રયાસ કરવાનું હોવું
ઘટે. અગાઉની પોસ્ટમાં પિઝાના ઢળતા મિનારાની વાત કરી હતી તે.)
તો મામલો છે બે (કે વધુ) વર્લ્ડ વ્યૂના ટકરાવનો.
તેના ગુણદોષ નક્કી કરવા માટે તટસ્થતાનું ત્રાજવું નહીં ચાલે. એ તો ફૂટપટ્ટીથી દૂધ
માપવા જેવું થશે. તેના માટે દેશભક્તિ, રાષ્ટ્રવાદ, ન્યાયીપણું, માનવતા, ધર્મદ્વેષ,
જાતિદ્વેષ, વ્યક્તિપૂજા જેવા ઘણા ખ્યાલ તપાસવાના થશે. સીએએ વિશે જુદા અભિપ્રાય
ધરાવનારા લોકો પોતે આ બધી બાબતોમાં ક્યાં ઊભા છે, તેના આધારે તે વિગતોનો તોલ કરશે
(અથવા નહીં કરે) અને પોતાના ‘તટસ્થ’ અભિપ્રાય બાંધશે.
એકથી વધુ વાર સીએએના મુદ્દે સરકાર જૂઠું બોલતાં
પકડાશે, ત્યારે પણ મોટા ભાગના સરકારતરફીઓ કે સરકારના ટીકાકારોના ટીકાકારો તે સ્વીકારશે
નહીં કે સરકાર આ મુદ્દે જૂઠી છે.
એ લોકો આ મુદ્દો ગુપચાવીને બીજો મુદ્દો લઈ આવશે.
કારણ કે તેમની ઓવરહેડ ટેન્કમાં કંઈક જુદું ભરેલું છે. તેનાથી દોરવાઈને એ લોકો
આક્રમક બનશે. જૂઠા સાબીત થઈ ચૂકેલા વડાપ્રધાન-ગૃહપ્રધાનને જે જૂઠા કહેશે, તેમને
તરફીઓ કહેશે,‘તમે તો પૂર્વગ્રહયુક્ત છો. તટસ્થ નથી..’
એવા ‘તટસ્થ’ નથી થાવું, ઠાકોરજી...
તરફીઓ-વિરોધીઓ વચ્ચેનો તફાવત
નરેન્દ્ર મોદીના પ્રેમીઓ કે ડાબેરીઓના-કોંગ્રેસીઓના
વિરોધીઓ સરવાળે એક જ ખાનામાં ગોઠવાઈ જાય ને એવી રાજકીય ધ્રુવીકરણની રચના છે. સામે
પક્ષે નરેન્દ્ર મોદીના ટીકાકારો કોઈ એક ખાનામાં ગોઠવાતા નથી. તેમનામાં અનેક
પેટાપ્રકાર હોય છે અને રહે છે. તેમને સગવડ પ્રમાણે અને શબ્દોના અર્થ સમજવાની
પળોજણમાં પડ્યા વિના કોંગ્રેસી, આપવાળા, ડાબેરી, લેફ્ટ લિબરલ, અર્બન નક્સલ,
દેશદ્રોહીઓના સાથી—જેવાં લેબલ આપી દીધાં, એટલે પત્યું. પછી તેમણે જે મુદ્દે ટીકા
કરી, તેની ખરાઈમાં કે ગંભીરતામાં ઉતરવાની જરૂર પડતી નથી.
તેના કારણે કેવો ફરક પડે છે, તે સમજુ, સ્વસ્થ (કે
એવા રહેવા ઇચ્છતા) લોકોએ સમજવા જેવું છેઃ ઉત્સાહથી કે જાણેઅજાણે મોદીછાવણીમાં
પહોંચી ગયેલા લોકો છેવટે યોગી આદિત્યનાથ જેવાની સંકીર્ણ અને લગભગ ગુનાઇત
માનસિકતાનો બચાવ કરતા નજરે પડે છે. ફક્ત ડાબેરી કે કોંગ્રેસી જેવા વિરોધી રાજકીય
મતની ટીકાથી મોટા ભાગના લોકો અટકી શકતા નથી. તે ધીમે ધીમે કરતાં આટલા તળીયે પહોંચી
જાય છે. તેમના પ્રિય નેતાઓનું જૂઠાણું ગમે તેટલું પકડાઈ જાય, તો ચૂપ રહેવા જેટલી
સામાન્ય સમજ પણ તેમનામાં બચતી નથી. શરમના માર્યા બચાવ કે વળતો પ્રહાર ન કરે ત્યાં
સુધી તેમને ચેન પડતું નથી. તેમને પોતાની છાવણી દ્વારા આચરાયેલાં મસમોટાં અનિષ્ટોથી
તકલીફ નથી પડતી કે અકળામણ નથી થતી, પણ ટીકાકારોની છાવણીમાંથી પ્રહાર કરવા માટે
કંઈક મળે, ત્યારે સારું લાગે છે. ટીકાકારો કેવા અ-તટસ્થ છે, એમ કહેવાથી તેમને પોતે
તટસ્થ હોવાની કીક આવે છે. જમણેરી છાવણીમાં રહેલા મોટા ભાગના લોકો આ સ્થાનેથી શરૂઆત
કરે છે અથવા થોડા વખતમાં ત્યાં પહોંચે છે.
બીજી તરફ, પ્રમાણભાન ભૂલેલા જમણેરી-વિરોધીઓ
(તથાકથિત લેફ્ટ લિબરલો)માથી કોંગ્રેસ-આપ-ડાબેરીઓ કે મમતાની ભૂલોનો બચાવ કરનારાનું
પ્રમાણ ઘણું ઓછું હોય છે. એ સાવ શૂન્ય હોવું જોઈએ અને જેટલું છે તેની ટીકા થવી
જોઈએ. પણ તેને બદલે એવા થોડા હોય તેમને આખા સમુહના પ્રતિનિધિ ગણાવીને, બધા કથિત
લેફ્ટ લિબરલોને શાબ્દિક ધોકા મારવાની જમણેરી જૂથોને મઝા પડી જાય છે.
તે એ નથી સમજી શકતાં કે મોદી-શાહ-આદિત્યનાથ એન્ડ
કંપનીની કડક ટીકા કરનારામાંથી મોટા ભાગના લોકો રાહુલ ગાંધી-સોનિયા ગાંધીનો કે
મમતાનો કે કેજરીવાલનો બચાવ કરવા દોડી જતાં નથી. જમણેરી વિચારધારાના ટીકાકારોમાંથી
મોટા ભાગના મોદી-શાહની સાયબરગેંગની જેમ, એક જૂથ તરીકે વર્તતા નથી-વર્તી શકતા નથી.
તેનો સૌથી મોટો ફાયદો ભાજપને થાય છે. છતાં (કે એટલે જ) તે આ વાતને જાહેરમાં પ્રસરવા
દેતા નથી અને બધા વિરોધીઓને એક રંગમાં રંગવાનું ચાલુ રાખે છે.
જમણેરી જૂથો ટીકાકારોને શરમમાં નાખવા માટે
તટસ્થતાના નામે વિવિધ જૂની અને જાણીતી તરકીબો અપનાવે છે. તે પણ સમજી લેવા જેવી છે.
૧) ‘તમે કાયમ
મોદીની ટીકા જ કર્યા કરો છો. એટલે તમે તો પૂર્વગ્રહપ્રેરિત છો.’
આવી દલીલ બે પ્રકારનાં જૂથો દ્વારા થાય છેઃ
સર્ટિફાઇડ મોદીપ્રેમીઓ કે જમણેરીઓ અને પોતાની તટસ્થતાના પ્રેમમાં પડેલા લોકો.
આવી દલીલનો સાદો જવાબ એટલો જ છેઃ મારી વાત
તથ્યાત્મક રીતે ખોટી છે કે સાચી? ખોટી હોય તો કહો. પાછી ખેંચી લઈશ. અને સાચી હોય
તો તમે સ્વીકારશો?
૨) ‘તમને
કોંગ્રેસનું ખરાબ તો દેખાતું જ નથી.’
ચોક્કસ ઉદાહરણથી વાત કરું. મારા કિસ્સામાં આવું
કહેનારાં લોકો પહેલેથી નક્કી કરીને બેઠેલા છે કે હું કોંગ્રેસ પ્રત્યે સોફ્ટ
કોર્નર ધરાવું છું.
આવું તેમણે શા પરથી નક્કી કર્યું હશે? સિમ્પલઃ
હું મોદીની આપખુદશાહી, ઉદ્ધતાઈ, ભપકાબાજી અને કોમવાદી નીતિઓની સતત ટીકા કરતો હોઉં,
એટલે હું તો કોંગ્રેસી જ હોઉં ને?
આવું કહેનારા લોકો કેન્દ્રમાં યુપીએની સરકાર વખતે
થયેલાં કૌભાંડો વિશેનાં મારાં લખાણ કે એ સિવાય રાહુલ ગાંધીની અનિર્ણાયકતા સહિતનાં
બીજાં ટીકાત્મક લખાણ વાંચવા માગતા નથી ને વાંચે તો એ યાદ રાખવા માગતાં નથી. કેમ
કે, (અત્યારે, શરૂઆત તરીકે) તેમની અપેક્ષા એવી છે કે હું મોદીની કરું એટલી જ ટીકા
બીજા પક્ષોની કરું.
હું એવું નથી કરતો એટલે હું ‘તટસ્થ’ નથી.
પણ આવા લોકોની તટસ્થતાનાં પ્રમાણપત્રો મેળવવાના રવાડે ચડ્યા તો ખોવાઈ ગયા સમજવું.
કેમ કે તેમને રીઝવવાના મિથ્યા પ્રયાસમાં ૯૦ વાર મોદીનાં વખાણ કર્યા પછી ૧૦ વાર
ટીકા કરશો તો પણ તમને ‘તટસ્થતા’નું પ્રમાણપત્ર નહીં જ મળે. ત્યારે તમારી ટીકાના
સંદર્ભે તે તમને રાષ્ટ્રહિત ને કોણ જાણે શું નું શું સમજાવશે.ગુલાબી હાથી કરડ્યો
હોય તે જ આવાં પ્રમાણપત્રોની ચિંતા કરે ને તે મેળવવાની કોશિશ કરે.
૩) ‘તમે
મોદીસાહેબની સરખામણીમાં બીજાની ટીકા સાવ થોડી કરો છો. એ દર્શાવે છે કે તમે તટસ્થ
નથી.’
કેટલાક વળી એવું સ્વીકારનારા નીકળે છે કે તમે
ટીકા તો બંનેની કરો છો, પણ ભાજપની બહુ ટીકા કરો છો.
આ વાત સાચી છે. કારણ કે, મારે રાજકીય લખાણો
લખવાનું નરેન્દ્ર મોદીના સમયગાળામાં થયું. તેમાં એ સૌથી મોટા વિભાજક બનીને ઉભર્યા.
એટલે તેમની વિભાજક નીતિઓ વિશે સૌથી વધારે લખવાનું થાય. નરેન્દ્ર મોદી કદાચ બિહાર
કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હોત તો તેમના વિશે એટલું લખવાનું ન થાત. પણ એ
ગુજરાતના મુખ્ય મંત્રી હતા ને હું ગુજરાતનો નાગરિક. એમાં એ શું કરે ને હું પણ શું
કરું? એ તમામ સમયગાળામાં કદી કોંગ્રેસનાં વખાણ કરવાનું થયું નથી. કેન્દ્ર વિશે
લખવાનું થાય ત્યારે યુપીએ સરકારની નીતિઓની ટીકા કરવાની થતી જ રહી છે.
સાથોસાથ, આવું કહેનારાએ એ યાદ રાખવું જોઈએ કે
નજીકના ભૂતકાળ વિશે લખવાનું થયું, ત્યારે વિશ્લેષણના આધારે ઇંદિરા ગાંધી કે રાજીવ
ગાંધીની કડક ટીકા કરતાં કદી ખચકાટ થયો નથી. (મઝાની વાત એ છે કે નરેન્દ્ર મોદી
ઇંદિરા ગાંધીના મોડેલ પ્રમાણે ચાલે છે અને કેટલા બધા કોંગ્રેસીઓને તેમણે ભાજપમાં
લઈ લીધા છે. તે ‘તટસ્થતા’ના
પ્રેમીઓના મનમાં ભાગ્યે જ વસે છે.)
૪) તમને તો આ સરકારનું કશું સારું દેખાતુ્ં જ
નથી. તમે બહુ નેગેટીવ છો.
તેમને એ વાંધો નથી કે આ સરકારના હાથી જેવડા
દુર્ગુણ તેમને દેખાતા નથી. તેમની ‘તટસ્થતા’ને એવી અપેક્ષા છે કે હું સરકારના છૂટાંછવાયાં
કીડી જેવડાં સારાં પગલાંની પણ પ્રશંસા કરતી પોસ્ટ લખું.
એક વાત છેઃ મારે રોજેરોજ લખવાનું થતું હોય,
ત્યારે મારે સરકારની રોજિંદી બાબતો વિશે કંઈક કહેવાનું થાય. જેમ કે, તંત્રીલેખ
લખતી વખતે. એ સમયે એવું બન્યું જ છે કે સરકારના કોઈ પગલાની સાથે ઊભા રહેવાનું થાય.
પરંતુ એવી રોજેરોજની, દરેક બાબતો વિશે ન લખતો હોઉં (અરે, ટીકાને લાયક બધી બાબતો
વિશે પણ ન લખતો હોઉં) ત્યારે, તટસ્થ દેખાવા ખાતર રોજિંદી કામગીરીની સારપો શોધી
કાઢવાનો કશો મતલબ નથી. એને તટસ્થતા ન કહેવાય. એને લોકલાગણી સંતોષવાની કવાયત
કહેવાય. હું એ ધંધામાં નથી.
--અને તથ્ય આધારિત વિશ્લેષણ સાચું છે કે ખોટું, એ
કહેવાને બદલે તેને ‘નેગેટીવ’ કહેવું એ સાદા અરીસાને કદરૂપો કહેવા જેવું છે.
પણ એવી ફેશન નીકળી છે કે જે ટીકા અનુકૂળ ન હોય તેને ‘નેગેટીવ’નું લેબલ મારી દેવું.
તેનાથી બે કામ થાયઃ એક, આપણે બહુ પોઝીટીવ છીએ
એવું દેખાડી શકાય. બીજું, અણગમતી સચ્ચાઈ સ્વીકારવામાંથી બચી જવાય અથવા અણગમતી
સચ્ચાઈથી અકળાતા વર્ગને નારાજ કરવામાંથી બચી જવાય. એ થઈ ધંધો બગાડ્યા વગરની,
માર્કેટિંગ-ફ્રેન્ડલી તટસ્થતા
માર્કેટિંગ ફ્રેન્ડલી તટસ્થતા
લખવામાં એ કેવી રીતે અપનાવાય? એક રીત કંઈક આવી
છેઃ
મોટી સંખ્યામાં રહેલા વાચકો નારાજ ન થાય તેનું
ધ્યાન રાખીને, સતિ સાવિત્રીના સંવાદો બોલતાં બોલતાં સ્ટ્રીપટીઝ ચાલુ રાખવાની. કોઈ
કાંઠલો પકડે તો સતિના સંવાદ સંભાળાવી દેવાના. કાંઠલો ન પકડે તો સ્ટ્રીપટીઝ જોઈને
વાહ વાહ કરનારાની ક્યાં કમી છે?
સરકારી રાહે એન્કાઉન્ટર ચાલતાં હોય ત્યારે એન્કાઉન્ટરબાજ
વણઝારા પર શાબ્દિક ફુલ વેરી આવવાનાં ને બીજી ઓક્ટોબર આવે એટલે ગાંધીને પણ અંજલિઓ
આપી દેવાની. આપણે તો ભાઈ મૂલ્યોની સાથે ને સ્ટેન્ડની સાથે શી લેવાદેવા? આપણે ભલા
ને આપણી લોકપ્રિયતાની દુકાન ભલી. આપણો ધંધો ચાલતો રહેવો જોઈએ.
આ તરકીબને બજારુપણું કહેવાય, એવી ઝાઝા લોકોને ખબર
ન પડવી જોઈએ. એટલા માટે, જાતે જ તેને ‘તટસ્થતા’ તરીકે ઓળખાવી દેવાની.
પણ પોતાના મનમાં તો ખબર છે કે આ તટસ્થતા નથી,
સ્ટ્રીપટીઝ છે. એટલે પછી પોતાની જાતનું નિયમીત રીતે, સતત, અવિરત ‘વીર સાચું કહેવાવાળા’ તરીકે
પ્રોજેક્શન કરતા રહેવાનું.
દેશમાં આટલાં મોટાં મોટાં જૂઠાણાં ચાલી જાય છે,
તો આટલું જૂઠાણું નહીં ચાલે?
ચાલશે જ. ચાલે જ છે ને...
સવાલ તમારે એ ચલાવવું છે કે નહીં એનો છે.
તમે એ ચલાવી લો તો તમે ‘તટસ્થ’,
પણ એ જૂઠાણાને તમે જૂઠાણું કહો તો...
સોરી, તમે પૂર્વગ્રહપ્રેરિત છો, બાયસ્ડ છો,
નેગેટીવ છો, તટસ્થ નથી.
Sunday, January 12, 2020
યે કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ચલતે...
લગભગ બે દાયકાના રાજકીય લેખન પાછળની ભૂમિકા, સમજ અને તેને ઘડનારાં પરિબળો વિશે શાંતિથી લખેલી ને શાંતિથી વાંચવા જેવી કેફિયત.
ભાજપની જેપી ચોક, ખાનપુરમાં આવેલી ઓફિસ અમદાવાદમાં વર્ષો સુધી પત્રકારોનું મિલનસ્થાન હતું. ત્યારે ધીમે ધીમે સત્તા આવી હતી, નેતાઓના પગ જમીન પર હતા. મંત્રીઓનો સહેલાઈથી સંપર્ક થઈ શકતો. રીપોર્ટિંગ મારો મુખ્ય વિષય નહીં. છતાં મુંબઈથી આવ્યા પછી ઘણી વાર આ દુનિયા જોવા માટે હું પ્રશાંત દયાળ સાથે જતો. (અમે બંને પહેલાં ‘અભિયાન’માં અને પછી ‘સંદેશ’માં સાથે કામ કરતા.) ભાજપ ઓફિસે જવાનું થાય કે સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા તે સમયના ભાજપના કાર્યાલય મંત્રી ભરત પંડ્યા જેવા લોકો સાથે દોસ્તી થાય એ સાવ સાહજિક હતું.
મારી પેઢીના અમદાવાદના (અને કદાચ ગુજરાતના) ઘણા પત્રકારો સ્વાભાવિક રીતે ભાજપતરફી ઝુકાવ ધરાવતા થયા હતા. કેમ કે, એ વખતે ભાજપ શેરીમાં લડતો-નવેનવો સત્તામાં આવેલો પક્ષ હતો ને કોંગ્રેસ જૂનો, ખાઈબદેલો. કેન્દ્ર માટે ‘એક તક ભાજપને’ એવું સૂત્ર ચાલતું હતું.
![]() |
| ભરત પંડ્યા (ફોટોઃ ગૌતમ ત્રિપાઠી) |
બાબરી મસ્જિદ ત્યારે તૂટી ચૂકી હતી. પણ પક્ષીય રાજકારણમાં મારી જાગૃતિ અને રસ નહીંવત્. કોમી ધ્રુવીકરણની અસરો મહેમદાવાદ સુધી પહોંચી ન હતી. એટલે મારી ‘નિર્દોષતા’ ટકી રહી હતી. રામશીલા નિમિત્તે આજુબાજુનાં ગામડાંમાં કોમી તંગદીલીના સમાચાર આવ્યા, ત્યારે પણ મહેમદાવાદ તેનાથી અસ્પૃષ્ટ રહ્યું હતું. સિદ્ધાંતચર્ચા કે આયાસ વગરના, સ્વાભાવિક, સહજ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો મહેમદાવાદનો વારસો (બીજાં ઘણાં ગામ-શહેરની જેમ) જળવાઈ રહ્યો હતો. કોમી તોફાનો થાય ત્યારે તે ગણ્યાંગાંઠ્યાં શહેરોના અમુક વિસ્તાર પૂરતાં મર્યાદિત રહેતાં. એ અરસામાં રસના અભાવે ને ‘અસરગ્રસ્ત’ નહીં બનવાના કારણે, કોંગ્રેસ-ભાજપના રાજકારણ વિશે ખાસ કંઈ જાણવા-સમજવાનું બન્યું નહીં.
સામાન્ય જ્ઞાન તરીકે કટોકટી વિશે ખબર હતી, કાશ્મીરના પંડિતો વિશે થોડો ખ્યાલ હતો. ૩૭૦મી કલમ, કોમન સિવિલ કોડ જેવા શબ્દો ભાજપના પ્રચારમાં ભીંતે ચીતરાયેલા વાંચ્યા હતા. પણ વધારે ખ્યાલ ન હતો. સ્વાભાવિક ઝોક સત્તાવિરોધી હતો. એટલે બોફર્સ કૌભાંડ વખતે કાર્ટૂનિસ્ટો અને લેખકો રાજીવ ગાંધીનાં છોંતરા કાઢતા હતા, એ જોઈને મઝા પડતી હતી. (તેમાંનાં ઘણાંખરાં કાર્ટૂન હજુ સંઘરાયેલાં છે) ‘બિચ્ચારા નરેન્દ્ર મોદીની કેટલી બધી ટીકા થઈ’—એવી વાત તેમને ‘અન્યાયનો ભોગ બનનાર’—‘વિક્ટિમ’ તરીકે રજૂ કરવા માટે ચલાવાઈ, પણ રાજીવની કે ત્યાર પહેલાંના-પછીના નેતાઓની જે આકરી ટીકા થતી એ તો મારા જેવા બિનરાજકીય, કાર્ટૂનપ્રેમી માણસને પણ યાદ છે. (ફરક લાગતો હોય તો તે મુખ્યત્વે વધેલાં પ્રસાર માધ્યમોનો.) બોફર્સ કૌભાંડ વખતે બીબીસી રેડિયોની હિંદી સેવામાં વાજપેયીનું છટાદાર હિંદી સાંભળવાની મઝા આવતી હતી. વી. પી. સિંઘ જીત્યા ત્યારે રાજકારણની કશી સમજ ન હોવા છતાં, તે રાજીવ ગાંધીને-કોંગ્રેસને હરાવીને જીત્યા હતા તેનો આનંદ થયો હતો. અનામત વિશે ખાસ કશો અભિપ્રાય ન હતો. સમજ પણ ન હતી.
પત્રકારત્વમાં આવ્યા પછી પણ ઠીક ઠીક વખત સુધી આ સ્થિતિ રહી. કેટલાક મુદ્દાની જાણકારી વધી, પણ રાજકારણમાં રસ ન પડ્યો. જે ઇન્ટરવ્યુથી પત્રકારત્વમાં પ્રવેશ થયો, તેમાં પૂછવામાં આવ્યું કે ‘રાજકારણમાં રસ છે?’ ત્યારે મેં પ્રેમથી, કશા ક્ષોભસંકોચ વિના કહ્યું હતું, ‘રસ તો નથી. તમે કહેશો તો લઈશ.’ (આ હકીકતના ‘તાજના સાક્ષી’ : દીપક સોલિયા, નીલેશ રૂપાપરા. કેમ કે અભિયાનના તંત્રી વિનોદભાઈ પંડ્યાની સાથે એ બે જણ પણ, અનુક્રમે ચીફ રીપોર્ટર અને સંપાદકની રૂએ, મારો ઇન્ટરવ્યુ લેવામાં હતા.) મારો રસ ફક્ત રાજકીય કાર્ટૂન સમજવા-માણવા પૂરતો મર્યાદિત હતો.
કેશુભાઈ પટેલની સરકારમાં શંકરસિંહ વાઘેલાનો બળવો—એ બધું મારા પત્રકારત્વમાં આવ્યા પછીની ઘટનાઓ. ‘અભિયાન’માં સહકર્મી-મિત્રો અનિલ દેવપુરકર અને પ્રશાંત તેમાં ગળાડૂબ. પણ મને તેનો કશો રોમાંચ કે પત્રકારસહજ ‘કીક’ ન હતાં. શંકરસિંહની રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપનાના સંમેલનનું તો મેં રીપોર્ટિંગ પણ કર્યું હતું, પરંતુ એ અહેવાલમાં રાજકીય જીવનો ચટાકો નહીં, મજેદાર આલેખનનો આનંદ મુખ્ય હતો.
રાધનપુરમાં મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની ચૂંટણી વખતે (‘સંદેશ’માં પ્રશાંતની અને મારી જોડી હોવાને કારણે) હું પણ પ્રશાંત સાથે પાંચ-છ દિવસ રાધનપુર ગયો હતો. ત્યાં પ્રાથમિક સુવિધાઓ ધરાવતા ભાજપના મિડીયા સેન્ટરમાંથી જ અમે સાંજે સ્ટોરી લખીને ફેક્સ કરતા. એક દિવસ પ્રશાંતે ઓફિસમાં થોડે દૂર બેઠેલા એક જણ પ્રત્યે આંગળી ચીંધીને કહ્યું, ‘આ નરેન્દ્ર મોદી છે.’ પછી ઉમેર્યું,‘…એક નંબરનો અભિમાની.’ (શબ્દોમાં આમતેમ હોઈ શકે, પણ ભાવ આ જ હતો). મેં જોયું, પણ તેમની પીઠ મારા તરફ હતી. એટલે મોઢું ન દેખાયું. મને થયું, ‘હશે, મારે જોઈને શું કામ છે?’ કેમ કે, મારા માટે એ દૂરની ને ‘પારકી’ સૃષ્ટિ હતી.
![]() |
| રાજપની સ્થાપના રેલીનું રીપોર્ટિંગ |
રાધનપુરમાં મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની ચૂંટણી વખતે (‘સંદેશ’માં પ્રશાંતની અને મારી જોડી હોવાને કારણે) હું પણ પ્રશાંત સાથે પાંચ-છ દિવસ રાધનપુર ગયો હતો. ત્યાં પ્રાથમિક સુવિધાઓ ધરાવતા ભાજપના મિડીયા સેન્ટરમાંથી જ અમે સાંજે સ્ટોરી લખીને ફેક્સ કરતા. એક દિવસ પ્રશાંતે ઓફિસમાં થોડે દૂર બેઠેલા એક જણ પ્રત્યે આંગળી ચીંધીને કહ્યું, ‘આ નરેન્દ્ર મોદી છે.’ પછી ઉમેર્યું,‘…એક નંબરનો અભિમાની.’ (શબ્દોમાં આમતેમ હોઈ શકે, પણ ભાવ આ જ હતો). મેં જોયું, પણ તેમની પીઠ મારા તરફ હતી. એટલે મોઢું ન દેખાયું. મને થયું, ‘હશે, મારે જોઈને શું કામ છે?’ કેમ કે, મારા માટે એ દૂરની ને ‘પારકી’ સૃષ્ટિ હતી.
૨૦૦૨ની કોમી હિંસામાં કોમવાદી રાજકારણનો વરવો ચહેરો, આખા ઘટનાક્રમમાં ખલ પાત્ર તરીકે ઉપસતી મુખ્ય મંત્રીની મુદ્રાઓ, હાવભાવ, ઉચ્ચારણ, ઉદ્ધતાઈ, લોકોમાં રહેલા ધીક્કારને માન્યતા અને હવા આપવાની તરકીબો, હિંસાને સામાન્ય ઠરાવવાના ને તેનો રાજકીય લાભ લેવાના સફળ પ્રયાસ...આ બધું જોવા મળ્યું—અને એ રાજકારણના અભ્યાસી કે પત્રકાર તરીકે નહીં, મહેમદાવાદમાં શાંતિથી રહેતા એક માણસ તરીકે. નરેન્દ્ર મોદીના રાજમાં ચાલેલા કોમવાદી રાજકારણ-કોમી ધ્રુવીકરણની ઝાળ મારા જેવા અનેક બિનરાજકીય માણસોના બારણે પહોંચી ગઈ અને દઝાડવા લાગી. રોજિંદા જીવનની આસપાસ છવાયેલા ધીક્કારના વાતાવરણમાં સરકારની ભૂમિકા અપેક્ષાથી સાવ વિપરીત હતી. એટલે સામાન્ય સમજ ધરાવતા વ્યથિત નાગરિક તરીકે, શું ચાલે ને શું ન ચાલે, શું ચલાવાય ને શું ન ચલાવાય, એ ભૂમિકાએ લખવાનું શરૂ કર્યું. ‘લખવું પડ્યું’—એમ કહું તો કદાચ વધારે સાચું ગણાય.
***
૨૦૦૨ની કોમી હિંસા પછી ધીમે ધીમે પ્રશાંત જેવા જૂજ મિત્રો સિદ્ધાંતચર્ચાની ભૂમિકાએ નહીં, પણ સીધીસાદી માનવતાના ધોરણે ભાજપના અને ખાસ તો નરેન્દ્ર મોદીના રાજકારણ વિશે ફેરવિચાર કરવા લાગ્યા. ત્યારે નરેન્દ્ર મોદીની ટીકા કરનારા કેટલાક પત્રકાર એવા પણ હતા, જેમને લાગતું હતું કે (૨૦૦૨ વખતે અને પછી) નરેન્દ્ર મોદી હોવા જોઈએ એટલા આક્રમક નથી. પરંતુ એ બધાની વચ્ચે, બહુ વિલક્ષણ અને ભાગ્યે જ જોવા મળે એવા આત્મવિકાસથી પ્રશાંત એ ચોકઠામાંથી બહાર નીકળવા લાગ્યો હતો.
બહાર નીકળીને એ કંઈ કોંગ્રેસ તરફ ઢળી રહ્યો ન હતો. ભાજપની કોમવાદી નીતિના ટીકાકાર બનતાં પહેલાં કે ત્યાર પછી, મારા મનમાં કોંગ્રેસ માટે કદી ખેંચાણ કે પ્રશંસાનો ભાવ જાગ્યાં ન હતાં. પક્ષીય રાજકારણમાં રસ જ નહીં. એટલે કોઈ પક્ષ પ્રત્યે એવો ભાવ જાગવાનો સવાલ પણ ન હતો. મામલો ફક્ત કોમન સેન્સ અને માનવતાકેન્દ્રી સમજનો હતો. પરંતુ ભાજપની ટીકા કરનારાને કોંગ્રેસી તરીકે ખપાવી દેવાથી, તેમની મુદ્દાસર ટીકાના જવાબ આપવાની જરૂર રહેતી નહીં. આ યુક્તિ હજુ પણ ચાલ્યા કરે છે ને એ વાપરનારને લાગે છે કે તે ‘જોરદાર લઈ આવ્યા’.
રોજિંદા જીવનમાં કોમવાદી રાજકારણનો પ્રવાહ ૨૦૦૨ અને ત્યાર પછીના અરસામાં ઘોડાપૂરની જેમ ફરી વળ્યો. બીજા ઘણા જાગ્રત લોકો માટે એ ઘડી ઘણી વહેલી પણ આવી હશે. આજે મોદી-શાહની ટીકા બદલ જેમને ‘લેફ્ટ લીબરલ’ ગણાવીને ભાંડવામાં આવે છે, તેમાંના ઘણાએ સલમાન રશદી સામેના ફતવા વખતે કે શાહબાનુ ચુકાદાના રાજકારણ વખતે કોંગ્રેસની કડક ટીકાઓ કરી હતી અને પ્રકાશભાઈ જેવા ઘણાએ કટોકટી વખતે જેલવાસ પણ વેઠ્યા હતા. પરંતુ આજે સરકારની કે વડાપ્રધાનની ટીકા કરનારા બધા પર ‘લેફ્ટ લીબરલ’ જેવું એકરંગી લેબલ લગાડી દેવાય છે.
એવાં વિશેષણ વાપરનારાને આગળપાછળનું વિચાર્યા વિના ધ્રુવીકરણના પ્રવાહમાં સડેડાટ ઘસડાતા જોઈને તેમના માટે દુઃખ થાય છે અને મારે એ જોવાનું થયું એની મનોમન પીડા થાય છે.
***
લખતાં લખતાં સમજાયું કે બીજા વિષયોની જેમ રાજકારણ—અથવા મને જે સ્પર્શે છે તે જાહેર બાબતો (પબ્લિક અફેર્સ)—માટે રાજકીય દાવપેચની આંટીઘૂંટીમાં ઉતરવાનું કે રાજકીય રસમાં ડૂબકીઓ મારવાનું અનિવાર્ય નથી. કોમન સેન્સ અને મૂળભૂત માનવતા ધરાવતા નાગરિક તરીકેની જમીન ઊભવા માટે પૂરતી છે. સાથોસાથ, એ પણ જોયું કે અભ્યાસીઓને અને વિદ્વાનોને તેમની વિદ્વત્તા ગોથું ખવડાવે એવી ઘણી સંભાવના હોય છે. કટોકટી વખતે આચાર્ય વિનોબા ભાવેની ભૂમિકા અંગે સ્વામી આનંદે એવી ટીપ્પણી કરી હતી કે ‘વિનોબાને તેના વેદાંતે ગોથું ખવડાવ્યું’. (સૌજન્યઃ પ્રકાશ ન.શાહ) વિદ્વાન કે ચિંતક કે રાજ્યશાસ્ત્રના અભ્યાસી નહીં એવા પ્રશાંતને ખબર પડતી હતી કે ગુજરાતનાં નકલી એન્કાઉન્ટરોમાં કશી જાંબાઝી નથી કે કશો દેશપ્રેમ નથી. એ તો રાજકીય લાભ માટે કરાયેલાં ને એ હેતુ માટે સફળતાથી વપરાયેલાં એન્કાઉન્ટર છે. પરંતુ બીજા ઘણા માટે એટલી સાદી સમજ દુર્લભ બની ગઈ. તેમાં ન સમજનારા હતા ને ધરાર સમજવા ન માગનારા પણ હતા. સમય જતાં આ પ્રકારભેદ ગૌણ બનતો ગયો. (તેમાંથી થોડાને મોડેથી સમજાયું પણ છે)
નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા ત્યાર પહેલાંના સમયમાં, ઘણા લોકો માટે ભાજપને ટેકો આપવાની શરૂઆત કોંગ્રેસ માટેના અભાવથી થઈ હતી. અભાવનાં વાજબી કારણો પણ હતાં. ૨૦૦૨ પછી પોતે હળહળતા કોમવાદી ન હોય એવા લોકો પણ ‘ગુજરાતગૌરવ-વાઇબ્રન્ટ તમાશા-હિંદુગૌરવ-‘એમાં ખોટું શું છે?’- ‘નરેન્દ્ર મોદીની આટલી બધી ટીકા થતી હશે?’ આવાં એક કે વધુ કારણોસર નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા. આ સિવાય, ધંધાદારી ફાયદા મેળવવા માટે સરકારના પક્ષે રહેવાનું પસંદ કરનારા તો ખરા જ.
ગુજરાત પછી નરેન્દ્ર મોદીએ સદભાવના કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય રાજકારણ પર નજર ઠેરવી અને વિકાસની વાતને આગળ કરી, ત્યારે ‘મુસ્લિમોને પાઠ ભણાવનાર’ નરેન્દ્ર મોદીને ટેકો આપવાનું નવું અને ખુલ્લેઆમ કોમવાદી દેખાયા વિના કહી શકાય એવું કારણ ઘણા લોકોને મળ્યું. સાથોસાથ, તેમના ટેકેદારોમાં એવા લોકો પણ ઉમેરાતા ગયા, જે યુપીએ સરકારની આર્થિક નીતિ અને ઢીલાશથી દુઃખી હતા. ઉપરાંત યુપીએની બીજી મુદતમાં એક પછી એક બહાર પડેલાં આર્થિક કૌભાંડ તો ખરાં જ.
આમ, નરેન્દ્ર મોદીના ઘણાખરા ચાહકોમાં ઓછોવત્તો મુસ્લિમદ્વેષ ઘણી હદે સામાન્ય પરિબળ હોવા છતાં, તેમના બધા પ્રેમીઓ મુસ્લિમદ્વેષી ન હતા. તેમાં ભોળવાયેલા, આશાવાદી, ‘જરા જોઈએ તો ખરા’ પ્રકારના, કોંગ્રેસથી દુઃખી, ડાબેરી ઇતિહાસકારો-વિશ્લેષકોથી દુઃખી, લોકપ્રિયતાની વહેતી ગંગામાં નાવડું તરાવી લેનારા, અર્થશાસ્ત્રના પોતાના ખ્યાલોને નરેન્દ્ર મોદી થકી સાકાર કરવા માગનારા (મારી પ્રિય ઉપમા વાપરીને કહું તો, ‘ચંદ્રગુપ્ત’ની શોધમાં રહેતા ‘ચાણક્યો’) ને એવા બીજા ઘણા પ્રકારના લોકો હતા. કોંગ્રેસની કે ડાબેરીઓની આકરી ટીકા કરતાં કરતાં કરતાં, પોતાની જાણબહાર મોદીછાવણીમાં પહોંચી ગયેલા અને પછી ત્યાં જ રહી પડેલા લોકો પણ ખરા. એ સિવાય પેઇડ પ્રચાર તરીકે કામ કરનારા અથવા એવું કામ મેળવવાની અપેક્ષા રાખનારા ધંધાદારીઓ પણ તેમાં આવી જાય.
આ સૌએ પોતપોતાના કારણસર નરેન્દ્ર મોદીને સાથ આપ્યો. પછી તેમણે પોતાના વ્યક્તિત્વને-આશાઓને-કુંઠાઓને-અહમને દેશભક્તિના નામે કે રાષ્ટ્રવાદના નામે કે ભ્રષ્ટાચારના વિરોધના નામે વ્યક્તિ નરેન્દ્ર મોદી સાથે જોડી દીધાં-નરેન્દ્ર મોદી સાથે એકરૂપ કરી દીધાં. ત્યાર પછી નરેન્દ્ર મોદીની ટીકાથી તેમને પોતાની ટીકા જેવો ગુસ્સો આવવા લાગ્યો. મોદી પોતાની ટીકાને દેશની ટીકા ગણાવવા લાગ્યા, ત્યારે તેમના પ્રેમીઓએ સ્વાભાવિક રીતે જ તે પ્રચાર હોંશે હોંશે ઝીલી લીધો.
પરંતુ આ સમુદાયમાંથી નરેન્દ્ર મોદીના પાટા બાંધેલા પ્રેમી ન હોય એવા ઘણા લોકો હતા. તે કોંગ્રેસ-ડાબેરીઓ-‘લેફ્ટ લિબરલ’ની (ઘણી વાર વાજબી) ટીકા કરતાં કરતાં નરેન્દ્ર મોદી-અમિત શાહની કામગીરી પર નજર રાખવાનું અને તેને તપાસવાનું ચૂકી જ ગયા. તેમણે જ વારંવાર મોદીની ટીકા કરનારા માટે એક ઝાટકે કોંગ્રેસી-સ્યુડો સેક્યુલર-ડાબેરી-‘આપ’વાળા-લેફ્ટ લિબરલ-દેશદ્રોહી ને એવાં બધાં વિશેષણ વાપર્યાં હતાં. ટીકાની ગુણવત્તા કે ટીકાના મુદ્દાની ગંભીરતા પારખ્યા વિના,મોદીના બધા ટીકાકારોને એક રંગે રંગી નાખવામાં તેમની સક્રિય ભાગીદારી હતી. આ સૌની માન્યતા-કમ-મૂંઝવણ કદાચ એવી હશે કે ‘ધારો કે નરેન્દ્ર મોદી ખોટું કરતા હોય—તોતિંગ રીતે ખોટું કરતા હોય—તો પણ, આપણે તેમની ટીકા કરીએ તો આપણે સામેની છાવણીના હાથા ન બની જઈએ? અને આપણાથી કોઈના હાથા થોડું બનાય?’
પહેલી નજરે તાર્કિક લાગતા આ સવાલમાં તેમને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે મુદ્દાને બદલે પક્ષોનો વિરોધ કરવામાં તે જાણેઅજાણે નરેન્દ્ર મોદીની છાવણીના હાથા બની જ ચૂક્યા છે. એટલે, એક તરફ નરેન્દ્ર મોદી-અમિત શાહની જુગલબંદીએ બંધારણીય સંસ્થાઓનો ઘડોલાડવો, જાહેર જીવનમાં જૂઠાણાંની પ્રાણપ્રતિષ્ઠા અને સર્વસમાવેશક ભારતના મૂળભૂત ખ્યાલ પર ઘા કરવા જેવાં અનેક ગંભીર પગલાં આચર્યાં, ત્યારે પોતાની જાતને મોદીભક્ત નહીં ગણનારા ઘણા લોકો પણ નરેન્દ્ર મોદીની તરફેણમાં જ રહ્યા (‘આપણે સામેની છાવણીના હાથા ન બની જઈએ?’) અને મોદીના ટીકાકારોની ટીકામાંથી છિદ્રો શોધીને પોતાની સ્વસ્થતા વિશે-પોતાની સ્વતંત્ર વિચારશક્તિ વિશે આશ્વાસન મેળવતા રહ્યા. સત્તાધીશ એવા મોદી-શાહનાં આપખુદશાહીયુક્ત-લોકશાહીવિરોધી પગલાં તેમને રાઈ જેવાં લાગ્યાં ને ટીકાકારોની ટીકામાં રહેલો ઉત્સાહ, આક્રમકતા કે વિગતદોષ તેમને પહાડ જેવાં લાગ્યાં. આટલો સાદો ધડો કરવાનું ભલભલા ચૂક્યા.
તેમની સફર તો કોંગ્રેસવિરોધ, ડાબેરીવિરોધ કે ભ્રષ્ટાચારવિરોધથી શરૂ થઈ હતી. પણ મોદી-શાહે ફેલાવેલા ધીક્કાર અને ધ્રુવીકરણના વાતાવરણમાં, એ લોકો મોદી-શાહની જોડીના કાળા અક્ષરે લખનારા નિર્ણયોને મૂક કે પ્રગટ ટેકો આપવા સુધી પહોંચી ગયા. સત્તાધીશોની ઘાતક અસહિષ્ણુતા-આપખુદશાહીનો વિરોધ કરવાને બદલે, મુખ્યત્વે માત્ર તેમના ટીકાકારોનો જ વિરોધ કરવાના સ્તરે તે પહોંચી ગયા.
***
મોદીના ટીકાકારો પવિત્ર ગાય નથી. તેમની ટીકા થઈ જ શકે અને થવી પણ જોઈએ. કેમ કે, તેમાં પણ અનેક પ્રકારના, અનેક મર્યાદાઓ ધરાવતા લોકો છે. સાથોસાથ, એ પણ સમજવું-સ્વીકારવું પડે કે નરેન્દ્ર મોદીના પ્રેમીઓમાંથી બધા નહીં, પણ તેમાંથી મોટો ભાગ મહદ્ અંશે એક પ્રકારની વૃત્તિઓ, દ્વેષભાવના કે વ્યક્તિપૂજાથી દોરાતો સમુદાય છે, તેની સરખામણીમાં ટીકાકારોની ભૂમિકાઓમાં, ખાસિયતોમાં અને મર્યાદાઓમાં ઘણું વૈવિધ્ય છે. તે કોઈ એક પક્ષ કે એક વિચારધારાથી જોડાયેલા નથી.
પરંતુ તેમાંથી કોઈ એક પ્રકારના ટીકાકારોની મર્યાદાઓ આગળ આણીને, તેને બધા ટીકાકારો પર ઓઢાડી દેવી અને બધાને ‘લેફ્ટ લીબરલ’ જાહેર કરીને તેમને જ સતત ડફણાં માર્યાં કરવામાં પ્રમાણભાનની મોટા પાયે ચૂક થાય છે. લિબરલો કેટલા અસહિષ્ણુ છે તેની વાત કરતી વખતે કે લિબરલોની અસહિષ્ણુતાની ટીકા કરતી વખતે, મોદી-શાહ છાવણીની અસહિષ્ણુતા અને લિબરલોની અસહિષ્ણુતા એકસરખું વજન ધરાવતાં લાગે,તો ત્રાજવાં તપાસી લેવાં રહ્યાં. (કેમ કે, એવું લાગે ત્યાર પછી, પ્રગટપણે કે મનોમન, ‘લિબરલો સરકારી આપખુદશાહીને જ લાયક છે’—ત્યાં સુધી પહોંચી જતાં વાર નથી લાગતી.)
‘મોદી એન્ડ કંપની તો જે છે તે છે, પણ સહિષ્ણુતાનો દાવો કરતા લિબરલો શી રીતે અસહિષ્ણુ થઈ શકે?’ એવી દલીલ વાજબી છે, પણ એ કરનારે અને સતત એવું માનતા રહેનારે વારેઘડીએ એ જોતા-તપાસતા રહેવું પડે કે તે હિતેચ્છુ ટીકાકાર છે અને મોદીછાવણીનો હાથો ન બની જવાય એ માટે જાગ્રત પણ, તેમનો વિરોધ અસહિષ્ણુતા સામે છે અને અસહિષ્ણુતાની ચરમસીમા જેવી મોદી-શાહછાવણી સામે તો તેમને અનેક ગણો વધારે વાંધો છે, એની ચકાસણી અને ખાતરી તેમણે કમ સે કમ પોતાની જાત સમક્ષ વખતોવખત કરવી પડે.
પરંતુ ઘણી વાર બને છે એવું કે કથિત લેફ્ટ લિબરલોની ટીકા કરતાં કરતાં, ધીમે ધીમે સત્તાધીશોનાં મસમોટાં કરતૂતો નજરઅંદાજ કરવાની કે ‘એ તો છે જ એવા’ એમ કહીને તેમને કંઈક હળવાશથી લેવાની વૃત્તિ મનમાં પેસે છે. ત્યાર પછી મહત્ત્વના મુદ્દે સત્તાધીશોની કડક ટીકા કરવાને બદલે તેમનો વિરોધ કરનારની ટીકામાં જ ધ્યાન કેન્દ્રીત થઈ જાય છે અને મોટા અનિષ્ટની સામે અવાજ ઉઠાવવાનું ચૂકાઈ જાય છે.
***
જે લોકો પેઇડ પ્રચાર કરે છે તેમની તો વાત જ નથી. એ બિચારા ધંધાદારી છે. કોઈ ઝેરી લઠ્ઠાની ખેપ કરે, કોઈ ઝેરીલા અભિપ્રાયોની-વિચારોની-વિચારધારાઓની. જેવો જેનો ધંધો. પણ જે લોકો ઝેરની ખેપ કરવા નહોતા આવ્યા, એ લોકો જાણેઅજાણે ઝેરની ખેપ કરતા અથવા ઝેરના ખેપિયાઓના બચાવ કરતા થઈ ગયા છે. તેમનો કોંગ્રેસવિરોધ, ડાબેરીવિરોધ, ભ્રષ્ટાચારવિરોધ જે અનિષ્ટોને કારણે હતો, એ જ અનિષ્ટોના તોતિંગ વટવૃક્ષની છત્રછાયામાં તે અત્યારે નિરાંતે બિરાજીને મોદીના ટીકાકારો પર તીર ચલાવી રહ્યા છે, એ સૌથી દુઃખદ વાસ્તવિકતા છે. ‘લિબરલો આવા ને લિબરલો તેવા’ની ટીકાઓ ભલે થતી રહે, પણ એ કર્યા પછી સત્તાધીશોની આપખુદશાહીને જોઈ-ન જોઈ કરતા નાગરિકો ખરી ચિંતાનો વિષય છે. પેઇડ પ્રચારકો કે પોતાની લોકપ્રિયતાના કેદીઓની વાત નથી. પણ એ સિવાયના, કંઈક મુદ્દાસર કોંગ્રેસનો કે ડાબેરીઓનો વિરોધ કરનારાની આવી દશા આપણી સૌની સહિયારી કમનસીબી છે.
***
આવી વાતો કરવાને કારણે ‘ડાબેરી’નો ઇલ્કાબ મળે ત્યારે રમુજ થાય છે. કારણ કે મારી સમજ સંપૂર્ણપણે મહેમદાવાદમાં જીવાયેલી સહઅસ્તિત્વની જિંદગીને અને ગાંધીજી પ્રત્યેના ભાવને આભારી છે. ડાબેરી વિચારધારાઓમાં રહેલું રોમેન્ટિઝિમ મુગ્ધ વયે કદાચ અડ્યું હોત, પણ રાજકારણની અસરો વિશે ફરજિયાતપણે લખવાનું આવ્યું ત્યારે એ વય વટાવી ચૂક્યો હતો. ઉપરાંત, હિંસાને માન્યતા આપતી એકેય વિચારધારામાં મને કદી શ્રદ્ધા પડતી નથી. એટલે, કેટલાક મિત્રોની નારાજગી વહોરવાની સંભાવના સાથે પણ કહેવું જોઈએ કે ‘લાલ સલામ’ મારા માટે બીજા નારા જેવો જ એક નારો છે. જોશ ચડાવવા બોલાય ત્યાં સુધી ઠીક.પણ એથી વધારે તેનો કશો અર્થ કે અપીલ વ્યક્તિગત રીતે મને લાગ્યાં નથી. ગમે તેવા મહાન, ગરીબલક્ષી આદર્શના દાવા ધરાવતા નક્સલવાદ-માઓવાદનું સમર્થન કદી કરી શક્યો નથી. કારણ કે તેમાં સરકારની બંદૂકની સત્તા ઉખેડીને પોતાની બંદૂકની સત્તા સ્થાપવાની વાત છે. અને બંદૂકની સત્તા ગમે તેની હોય, સામાન્ય માણસને તેમાં કદી ‘હખ પડતું નથી.’ (સુખ મળતું નથી) ગાંધીજીને થોડા સમજવાથી ખ્યાલ આવી જાય એમ છે કે ડાબેરી બન્યા વિના કે કોઈ ‘વાદી’ બન્યા વિના, ગરીબ-વંચિતની લાગણી જાણતા-અસમાનતા ને અન્યાય સામે યથાશક્તિ-યથામતિ લડતા કેવી રીતે રહી શકાય.
તટસ્થ રહેવામાં મને કશો રસ નથી. પ્રકાશભાઈએ એક વાર બહુ સરસ રીતે કહ્યું હતું કે તેમની ‘તટસ્થતા’ પિઝાના મિનારા જેવી છે, જે સામાજિક ન્યાય ભણી ઝૂકેલો છે, પણ ઊભો રહી શકે એટલો સ્થિર છે. મારા મનમાં આદર્શ આ છે. સામાજિક ન્યાય ભણી ઝૂકતી ન હોય એવી કહેવાતી તટસ્થતા કે માર્કેટ જોઈને તૈયાર કરાયેલી મૂલ્યહીન, વેચાઉ હકારાત્મકતા મને ખપતાં નથી.
એટલે જ, આટલાં વર્ષો પછી મારી મુખ્ય ભૂમિકા આંતરિક સામાન્ય સમજથી દોરવાતા, અસમાનતાની અને ધીક્કારની બોલબાલાથી દુઃખી નાગરિક તરીકેની રહી છે અને એવી જ રહે, એમ ઇચ્છું છું.
Labels:
bjp,
gujarat politics,
media,
politics,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Subscribe to:
Posts (Atom)




