Showing posts with label art. Show all posts
Showing posts with label art. Show all posts

Thursday, April 23, 2020

મહાન ચિત્રકૃતિઓની કોરોના-સ્પેશ્યલ પ્રતિકૃતિ


કોરોના કટોકટીએ કરુણ કહેરની સાથોસાથ કાર્ટૂનિસ્ટોની સર્જકતાને પણ મોકળું મેદાન પૂરું પાડ્યું છે. કાર્ટૂનમાં એક રીત તે જાણીતી કળાકૃતિઓની પ્રતિકૃતિ એટલે કે પૅરડી કરવાની હોય છે. તેમાં શરત એટલી કે મૂળ કૃતિ અત્યંત જાણીતી હોવી જોઈએ. તો જ મોટા ભાગના લોકો તેની પૅરડીનો આનંદ લઈ શકે. છેલ્લા એકાદ મહિનામાં જોયેલાં કેટલાંક આંતરરાષ્ટ્રીય કાર્ટૂનમાંથી મળી આવેલી જગવિખ્યાત કળાકૃતિઓની પ્રતિકૃતિઓઃઃ
Monalisa, Leonardo da Vinci
મોનાલિસા, લિઓનાર્દો દ વિન્ચી (નીચે, માસ્કધારી)



The Last Supper, Leonardo da Vinci
ધ લાસ્ટ સપર, લિઓનાર્દો દ વિન્ચી (નીચે, તેની સોશિયલ ડિસ્ટન્સિંગ આવૃત્તિ)



The Creation of Adam, Michelangelo
ધ ક્રીએશન ઑફ આદમ, માઇકલએન્જેલો (નીચે, 'ડોન્ટ ટચ' આવૃત્તિ) 



Vincent Van Gogh, Self Portrait
વિન્સેન્ટ વાન ગોગ, સેલ્ફ પોર્ટ્રેઇટ (નીચે બે કાર્ટૂન)
૧. કાન કપાયેેેેલો હોય તો માસ્ક કેમ પહેરવો ?
૨. તેના વિખ્યાત ચિત્ર 'સ્ટારી નાઇટ્સ'નો ટુકડો માસ્ક તરીકે
 


The Scream, Edvard Munch 
ધ સ્ક્રીમ, એડવર્ડ મન્ચ (નીચે, લૉક ડાઉન આવૃત્તિ)

Guernica, Pablo Picasso
ગ્વર્નિકા, પાબ્લો પિકાસો (નીચે, માસ્ક આવૃત્તિ, નામ છે કોરોનિકા)


American Gothic, Grant Wood
અમેરિકન ગોથિક, ગ્રાન્ટ વૂડ (નીચે, લૉક ડાઉન આવૃૃૃૃૃૃત્તિ)


Sunday, January 24, 2016

હાડોહાડ જિજ્ઞાસુ, તંતોતંત કળાકાર રમેશ ઠાકરની વિદાય

Ramesh Thakar (27-6-1931, 15-1-2016) Photo : Biren Kothari
કળાજીવી--આવો શબ્દ બહુ વપરાતો નથી, પણ રમેશ ઠાકરને જેટલી વાર મળીએ એટલી વાર એ મનમાં ઉગે-- કળા થકી ગુજરાન ચલાવનારના અર્થમાં નહીં, કળાને જીવતા માણસના અર્થમાં. પરંપરાગત અર્થમાં રમેશભાઇ કળાકાર ન ગણાયા. ગુજરાતના કળાકારોની--જૂનાનવા ચિત્રકારોની કે તસવીરકારોની પ્રચલિત યાદીઓમાં તેમનું નામ ભાગ્યે જ વાંચવા મળે. પરંતુ કળાનાં અનેક ક્ષેત્રોમાં તેમનું માતબર પ્રદાન જોયા પછી લાગે કે આ માણસનું નામ કળાક્ષેત્રે પહેલી હરોળમાં એમની નહીં, આપણી ગરજે મૂકાવું જોઇએ.

‘કઇ કળાના ક્ષેત્રે?’ એવા સવાલનો ટૂંકો જવાબ મેળવવાની ગણતરી હોય, તો માથું ખંજવાળવાનો વારો આવે. ઓછામાં ઓછી રેખાઓમાં વ્યક્તિત્વ ઝીલતા સ્કેચ? હા. માથાના વાળની કે કપાળની કરચલી જેટલી બારીક વિગત ધરાવતા સ્કેચ? એ જોઇને તો લાગે કે પેન્સિલથી આવું કામ થઇ જ કેવી રીતે શકે? નક્કી એ કોઇ ‘મંતરેલી’ પેન્સિલ વાપરતા હશે.ચિત્રોના વિવિધ પ્રકાર? હા. તસવીરકળા? એની તો વાત જ મૂકી દો. એક વાર વાતચીતમાં તેમણે કહ્યું હતું,‘માણસનો ફોટો ૩૬૦ ડિગ્રીથી પાડી શકાય. તેમાં કઇ ડિગ્રીએ જોતાં એ સૌથી સારો લાગે છે, એ શોધવાનું કામ મારું.’ અને એ કામ તે એટલી ખૂબીથી કરતા હતા કે તેમના કેમેરામાં ઝીલાયેલા ચહેરા કદી બદસૂરત લાગી ન શકે. અટલબિહારી વાજપેયી જેવા રાજનેતા હોય કે અમૃતા પ્રીતમ જેવાં સાહિત્યકાર, રમેશભાઇએ પાડેલી તેમની તસવીરો જોઇને એ હસ્તીઓનો તો બરાબર, તસવીર પાડનારની ‘હસ્તી’નો પણ પરિચય મળે.

અમૃતા પ્રીતમની રમેશભાઇએ પાડેલી આ તસવીર જોઇને ઇમરોઝે કહ્યું હતું
કે આ તસવીરમાં મને દસ-દસ તસવીરો દેખાય છે.
આપણે કલ્પના પણ ન કરી શકીએ, એવા મહાનુભાવોની રમેશભાઇ પાસે (અને ઘણા કિસ્સામાં તેમની સાથે) તસવીરો મળે. પંડિત રવિશંકર, પક્ષીવિદ્‌ સલીમઅલી, જાદુગર ગોગિયા પાશા, ક્રિકેટર દુલીપસિંહ, પંડિત ઓમકારનાથ, ગાયિકા ગીતા દત્ત, લોકસેવક બાબા આમ્ટે, પૃથ્વીરાજ કપૂર, લેખક મુલ્કરાજ આનંદ, કવિ મૈથિલીશરણ ગુપ્ત, ગાંધીચરિત્રકાર લુઇ ફિશર, પર્વતારોહક તેનસિંગ, શ્રી અરવિંદ...આટલી ઝલક તો ફક્ત ક્ષેત્રવૈવિઘ્ય દર્શાવવા પૂરતી. અનેક હસ્તીઓના સ્કેચ પર તો ખુદ એમના હસ્તાક્ષર પણ હોય. સ્કેચ જોઇને  માણસ મોંમાં આંગળાં નાખી જાય, એવી અદલિયત તેમાં ઝીલાઇ હોય.  પેન્સિલ સ્કેચની બારીકી એવી કે પૂર્વ રાષ્ટ્રપતિ વેંકટરામને એક સ્કેચમાં રીતસર નખ મારી જોયો હતો--એ ખાતરી કરવા કે એ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર નહીં, પેન્સિલથી કરેલો સ્કેચ છે. એક અંદાજ પ્રમાણે, તેમણે કરેલા વિવિધ સ્કેચની સંખ્યા ૧,૮૦૦ના આંકડે પહોંચી હતી.

મોટા ભાગના સ્કેચ પર રમેશભાઇએ રૂબરૂ હસ્તાક્ષર મેળવ્યા હોય, પણ કેટલીક હસ્તીઓના કિસ્સામાં એ શક્ય ન હોય તો રમેશભાઇ ટપાલથી સ્કેચ મોકલીને તેની પર હસ્તાક્ષર આપવા વિનંતી કરે--અને તેમને એવી રીતે હસ્તાક્ષર આપનારા પણ કેવા? અમેરિકાના પ્રમુખ આઇઝનહોવર, વિચારક બર્ટ્રાન્ડ રસેલ, વિન્સ્ટન્ટ ચર્ચિલ, રાણી એલિઝાબેથ... અને ક્યારેક જૉન કૅનેડી જેવું પણ થાય. તેમનાં પત્ની જૅકી કેનેડી ભારત આવ્યાં તસવીર પરથી બનાવેલો જૉન અને જૅકીનો સ્કેચ લઇને રમેશભાઇ ઉદેપુર પહોંચી ગયા. જૅકીએ તો ઑટોગ્રાફ આપી દીધા, પણ જૉન કેનેડીના ઑટોગ્રાફનું શું? રમેશભાઇની વિનંતીને માન આપીને, જૅકી એ સ્કેચ સાથે લઇ ગયાં, પણ થોડા વખત પછી જૉન કેનેડીની ઑફિસમાંથી રમેશભાઇ પર ઑટોગ્રાફ સાથેના સ્કેચને બદલે એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું,‘તમારો સ્કેચ અંગત સંગ્રહ માટે રાખી લેવામાં આવ્યો છે. ઑટોગ્રાફ માટે બીજો સ્કેચ મોકલવા વિનંતી.’

સ્કેચના મામલે રમેશભાઇનું સૌથી ઐતિહાસિક કહેવાય એવું કામ એટલે તેમણે તૈયાર કરેલા ગાંધીજીના ૧૦૦ સ્કેચ અને તેની પર ગાંધીજીના સમકાલીનો પાસે તેમના હસ્તાક્ષરમાં લખાવેલા સંદેશ. જૂન ૨૭, ૧૯૩૧ના રોજ જન્મેલા રમેશભાઇ ગાંધીજીનો સ્કેચ દોરી શક્યા નહીં કે તેમના હસ્તાક્ષર મેળવી શક્યા નહીં, એ વસવસો તેમને કોરી ખાતો હતો. તેને હળવો કરવા માટે છેક સાઠના દાયકાથી રમેશભાઇએ, આજની પરિભાષામાં કહીએ તો ‘ગાંધી પ્રૉજેક્ટ’ શરૂ કર્યો. તેના વિશે પહેલી વાર રજનીકુમાર પંડ્યાએ લખ્યું. તેમના થકી જ રમેશ ઠાકરનો પરિચય થયો અને એ સ્કેચ જોવા મળ્યા. 
'હિમાલય' બંગલાના વાસ્તુ વખતે રમેશભાઇ-કાંતાબહેન,
કેદારભાઇ અને બીનાબહેનની સંપરિવાર તસવીર, 1994

બીરેન, બિનીત, ઉર્વીશ, રમેશભાઇ, ફેબ્રુઆરી, 1994 (રાજકોટ) . તેમના બંગલા
'હિમાલય'ના વાસ્તુ વખતે અમે ખાસ ત્યાં ગયા હતા એ વખતની યાદગાર તસવીર
એક જોઇએ ને એક ભૂલીએ એવા ગાંધીજીના સ્કેચ, તેની નીચે છોડેલી કોરી જગ્યામાં વિવિધ મહાનુભાવોના ગાંધીજીને લગતા સંદેશ. તેમાં ગુજરાતી, હિંદી ને અંગ્રેજી ઉપરાંત બાદશાહખાનનો ઉર્દુ હસ્તાક્ષર ધરાવતો સંદેશો પણ હોય. કોઇ પણ ગાંધીપ્રેમી-ઇતિહાસપ્રેમી-કળાપ્રેમી માટે અમૂલ્ય ખજાના જેવા રમેશભાઇના આ જીવનકાર્યને જીવનના અંતિમ વર્ષોમાં નવજીવન ટ્રસ્ટે પૂરા દબદબા સાથે પ્રકાશિત કર્યું. ‘૧૦૦ ટ્રિબ્યુટ્‌સ’ નામે પ્રગટ થયેલું એ પુસ્તક અંગત ખરીદીમાં મોંઘું પડે તો પુસ્તકાલયોમાં મંગાવવા જેવું ને કંઇ નહીં તો અમદાવાદ નવજીવન કાર્યાલયમાં આવીને એક વાર નિરાંતે જોવા જેવું છે. (navajivantrust.org પર તેની ઝલક જોવા મળી શકે છે.)

રમેશભાઇ જે વિષયમાં રસ લે તેમાં એટલા ઊંડા ખૂંપે કે તેનાથી સાવ જુદા વિષયમાં પણ તે એટલા જ ‘પહોંચેલા’ હશે તેની કલ્પના ન આવે. જેમ કે, ગાંધીમાં ઓતપ્રોત રમેશભાઇ પાટો બદલીને મહાન ગાયક કુંદનલાલ સાયગલની વાત પર આવે, ત્યારે એમ લાગે કે આ તો સાયગલના પરમ આરાધક છે. ૧૯૪૪માં રમેશભાઇના પિતા કરાચીમાં રહેતા હતા ત્યારે તેમની પાડોશમાં સાયગલ આવ્યા. એ વખતે તેર વર્ષના રમેશભાઇએ ફોટોગ્રાફીના શોખીન એવા ટેલીગ્રાફમાસ્તર પિતા સોમનાથ ઠાકર પાસેથી કૅમેરા માગીને સાયગલનો ફોટો પાડ્યો હતો. ત્યાર પછી સાયગલ સાથે સંકળાયેલા ઘણા લોકોને તે મળ્યા. તેમાંથી એક સાયગલનાં ગીતોનું રેકોર્ડિંગ કરનાર માણસ પણ હતો. સુવાચ્ય, મરોડદાર અક્ષરોમાં લાંબા પત્રો લખતા રમેશભાઇએ વીસેક વર્ષ પહેલાં એક પત્રમાં એ રેકોર્ડિસ્ટની વાત કરતાં લખ્યું કે ‘ક્યા હમને બિગાડા હૈ’ એ ગીતમાં એક ઠેકાણે સાયગલ ખોટી જગ્યાએ એક શબ્દ ગાઇ ગયા છે, એ વાત યાદ કરતાં બુઢા રેકોર્ડિસ્ટની આંખમાં આંસુ આવ્યાં હતાં.’ ફિલ્મ ‘ભંવરા’ (૧૯૪૪)નું એ ગીત સાંભળેલું, પણ એ જગ્યા રમેશભાઇનો પત્ર વાંચ્યા પછી જ ધ્યાનમાં આવી. 
(નીચે આપેલી યુટ્યુબની લિન્કમાં કાઉન્ટ 2:52 મિનીટ પર)



--અને રમેશભાઇના શોખના-કામના વિષયોની યાદી હજુ અધૂરી છે. તેમની પાસે ટપાલટિકિટોનો મોટો સંગ્રહ હતો. ગિરના સિંહોની અને હિમાલયની અઢળક તસવીરો એટલી તસવીરો લીધેલી કે તેની પરથી ઉત્તમ પુસ્તકો બની શકે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ વિશેનું તેમનું પુસ્તક ‘દ્વાદશજ્યોતિર્લિંગ’ તો પ્રકાશિત થયેલું છે. આવા અનેકાનેક વિષયો પર અદ્‌ભૂત ખેડાણ કરનાર રમેશભાઇને તેમનાં પત્ની કાન્તાબહેન, એરફોર્સમાં ઊંચા હોદ્દે કાર્યરત પુત્ર કેદાર અને આકાશવાણીમાં કામ કરનારાં (હવે નિવૃત્ત) પુત્રી બીનાનો આજીવન સહયોગ મળ્યો. આર્થિક ઉપાર્જન માટે અઢાર વર્ષ સુધી ડીએસપી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી. પરંતુ ઘણાં વર્ષથી તેમનું જીવન પોતાને ગમતા વિષયોમાં ઓતપ્રોત રહ્યું. છેવટ સુધી તેમની બાળસહજ જિજ્ઞાસા અને તેને સંતોષવાની ખાંખતીયા વૃત્તિ ટકી રહ્યાં. જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ના રોજ, થોડી બિમારી પછી, દિલ્હીની લશ્કરી હોસ્પિટલમાં ૮૫ વર્ષના રમેશભાઇએ વિદાય લીધી. આશા તો એવી જ રહે કે થોડા વખત પછી પાંચ-છ પાનાં ભરીને રમેશભાઇનો પત્ર આવશે અને તેમાં એમણે મૃત્યુના અનુભવ વિશે વિગતે લખ્યું હશે.


મલયેશિયાથી રમેશભાઇએ લખેલું પિક્ચર પોસ્ટકાર્ડ (click to enlarge)

રમેશભાઇ વિશે સંદેશની મહેફિલ પૂર્તિમાં 1999માં લખ્યું હતું. એ વિશેના તેમના
ચાર પાનાંના પ્રતિભાવપત્રનું પહેલું પાનું. (click to enlarge)


Tuesday, October 06, 2015

ગુજરાતને કળાના ‘રવાડે’ ચઢાવનાર કળાગુરૂ રવિશંકર રાવળ

રવિશંકર રાવળ / Ravishankar Raval

‘શ્રી રવિશંકર રાવળને કોઇ શિક્ષિત ગુજરાતી ઓળખતો ન હોય એ બનવાજોગ નથી.’ એવું ડો. સુમંત મહેતાએ ૧૯૫૫માં રવિભાઇના ચીનપ્રવાસ વિશના પુસ્તક ‘દીઠાં મેં નવાં માનવી’ની પ્રસ્તાવનામાં ખાતરીપૂર્વક લખ્યું હતું. ત્યાર પછીનાં ૬૦ વર્ષમાં ગુજરાતના શિક્ષણ અને શિક્ષિતોની ‘પ્રગતિ‘ જોતાં હવે એવું કહી શકાય નહીં. વર્તમાન સમયમાં તો સૌથી પહેલાં ચોખવટ કરવી પડે કે બે વાર ‘શ્રી’ લગાડતા દાઢીવાળા રવિશંકરભાઇની કે દેશવિદેશમાં વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરની નહીં, કળાગુરૂ રવિશંકર રાવળની વાત થાય છે.

‘રવિભાઇ’ અને ‘રમરા’ જેવાં આત્મીય સંબોધનોથી ઓળખાતા રવિશંકર રાવળે વીસમી સદીના ગુજરાતમાં કળાને સંસ્કાર જીવન અને જાહેર જીવનનું અંગ બનાવવા માટે ભગીરથ પ્રયાસ કર્યો. સાત-આઠ દાયકા પહેલાં ગુજરાતમાં ‘કળાગુરુ’ તરીકે સ્થાપિત થવું એ રણમાં વહાણ ચલાવવા જેવું કામ હતું. એટલે એન્જિનિયરિંગ કોલેજના પારસી આચાર્ય સંજાણાની સલાહથી તે મુંબઇની પ્રખ્યાત જે.જે.સ્કૂલ ઓફ આર્ટ્‌સમાં ભણવા ગયા, ત્યારે તેમના પિતાએ દુઃખી થઇને લખ્યું હતું, ‘તમારો નિર્ણય જાણીને ઘણો ખેદ પામ્યો છું. મારી દૃષ્ટિએ તમે અંધારામાં કૂદકો મારો છો. તે ક્ષેત્રમાં કોઇને પ્રતિષ્ઠા કે પૈસો મેળવતા જોયા નથી. તમારું ભાવિ કેવું થશે તેની જ ચિંતા મને હંમેશાં રહેશે.’

રવિભાઇએ ચિંતા ખોટી પાડી એ જુદી વાત છે. બાકી તેમના પિતાની ચિંતા સાચી હતી. એ વખતે લોકો ચિત્રનું રસદર્શન નહીં, પણ  ‘કસદર્શન’ કરતા હતા : ‘ચિત્ર દોરવામાં વળી કેટલું ખરચ? આ કાગળિયાના તે કેટલા પૈસા આલ્યા? પાંચ પૈસા એના મૂક. પીંછીના બે પૈસા મૂક અને તેં એની પાછળ કંઇક ગદ્ધાવૈતરું કર્યું હશે. વીસ પૈસા એના મૂકું તો પણ તારું ચિત્ર રૂપિયાનું થયું.’ આવી એ વખતની પ્રચલિત ‘સમજ’ હતી. પરંતુ ગુજરાતના સદ્‌નસીબે, રવિભાઇએ વ્યવહારુ બનીને સલામત રસ્તે ચાલવાને બદલે કલાનો પંથ અને તેની સાથે સંકળાયેલું જોખમ વહોરી લીધાં.

મુંબઇમાં હાજી મહમ્મદ અલ્લારખિયા શિવજી સાથે થયેલો પરિચય ફક્ત રવિભાઇ માટે જ નહીં, વીસમી સદીના ગુજરાતના સાહિત્ય અને સંસ્કારજીવનમાં મહત્ત્વની ઘટના સાબીત થયો. હાજી ગુજરાતી ભાષાનું પહેલું સચિત્ર માસિક ‘વીસમી સદી’ કાઢવાની વેતરણમાં હતા. દૃષ્ટિવંત હાજીને યુવાન વિદ્યાર્થી રવિશંકરની પીંછીનો લાભ મળતાં ‘વીસમી સદી’ને અભૂતપૂર્વ રૂપરંગ આપવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું. દર અંકે પ્રગટ થતી (કનૈયાલાલ મુનશીની) નવલકથા તથા બીજી કૃતિઓ-કવિતાઓ સાથે ચિત્રો મૂકવાનો રિવાજ ગુજરાતીમાં ‘વીસમી સદી’થી શરૂ થયો. એ સામયિકની પ્રતિષ્ઠા એવી જામી કે ફક્ત અંગ્રેજી પ્રકાશનો વેચતા મેસર્સ વ્હીલરને રેલવે સ્ટેશનના સ્ટોલ પર ‘વીસમી સદી’ રાખવાની ફરજ પડી. (‘વીસમી સદી’ના અંકો ડિજિટલ સ્વરૂપે gujarativisamisadi.com પર જોઇ શકાય છે.)

‘વીસમી સદી’ પાછળ ખુવાર થયેલા હાજીની ધગશમાંથી પ્રેરણા લઇને રવિભાઇએ અમદાવાદથી ‘કુમાર’ જેવું અનોખું માસિક શરૂ કર્યું. તેમાં ગંભીર વિષયો ઉપરાંત એ જમાનામાં ‘પ્રકીર્ણ’ (પરચૂરણ)  ગણાતા વિજ્ઞાન-સાહસ-પ્રવાસ-વિશ્વદર્શન-ફોટોગ્રાફી જેવા આધુનિક વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. દર પૂનમે પ્રગટ થતા ‘કુમાર’ દ્વારા ગુજરાતી વાચકોમાં જ્ઞાનનો ઉજાસ ફેલાવવાનો રવિભાઇ અને તેમના સહાયક બચુભાઇ રાવતનો હેતુ સફળ થયો. (‘કુમાર’ના તમામ અંકો ઘણા સમયથી ડીવીડીના સેટ સ્વરૂપે ઉપલબ્ધ બન્યા છે.)

રવિભાઇના માર્ગદર્શન હેઠળ ‘કુમાર’ કાર્યાલય ફક્ત લેખકોનું જ નહીં, ઉગતા ચિત્રકારો અને કલાકારો માટેનું ગુરૂકુળ હતું. વિખ્યાત તસવીરકાર જગન મહેતા, ચિત્રકાર કનુ દેસાઇ, છગનલાલ જાદવ, ચંદ્રશંકર રાવળ જેવા અનેક પ્રતાપી શિષ્યો તૈયાર કરીને રવિશંકર રાવળ ‘કળાગુરૂ’નું બિરુદ પામ્યા. વયમાં ઘણા નાના વૃંદાવન સોલંકીને છેક વિદ્યાર્થી અવસ્થાથી પોસ્ટકાર્ડ અને પત્રો દ્વારા વયોવૃદ્ધ રવિભાઇએ આપેલું માર્ગદર્શન આધુનિક સમયમાં ગુરૂ-શિષ્ય પરંપરાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ચિત્રકાર ઉપરાંત ફિલ્મઉદ્યોગમાં (‘બૈજુ બાવરા’, ‘નવરંગ’, ‘ઝનક ઝનક પાયલ બાજે’ જેવી ફિલ્મોમાં) કળાનિર્દેશક તરીકે ખ્યાતિ પામેલા કનુ દેસાઇ રવિભાઇના પટ્ટશિષ્ય હતા. તેમના નામ પરથી રવિભાઇના સૌથી નાના પુત્રનું નામ કનુ રખાયું (જે આગળ જતાં ‘કનક’ થયું.) કનુ દેસાઇ શક્ય હોય ત્યાં લગી તેમના દરેક ચિત્રની પહેલી રેખા રવિભાઇના હાથે દોરાવીને તેમના આશીર્વાદ મેળવતા હતા.

ગાંધીજી જેવું બહોળું શિષ્યવૃંદ ધરાવતા રવિભાઇને ગાંધીજીના સ્કેચ કરવાની અમૂલ્ય તક મળી હતી. સ્વામી આનંદની સાથે ગયેલા રવિભાઇને ગાંધીજીએ તેમની સ્વાભાવિક ઠંડકથી કહ્યું હતું,‘આવો રવિશંકરભાઇ, તમારા વિશે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારા માટે ખાસ બેઠક નહીં આપી શકું. મારું કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.’ બીજા પ્રસંગ ગાંધીજી પર અમદાવાદની અદાલતમાં રાજદ્રોહનો મુકદ્દમો ચાલ્યો ત્યારે અદાલતમાં તસવીર લેવાની મનાઇ હતી. એ વખતે હાજર રવિભાઇએ આખી ઘટનાનો સ્કેચ બનાવીને, પાછળથી તેના આધારે ચિત્ર તૈયાર કર્યું હતું, જે ઐતિહાસિક પ્રસંગની એકમાત્ર દૃશ્ય યાદગીરી બની રહ્યું છે. કળા સાથે સંબંધ ન હોવાની છાપ ધરાવતા ગાંધીજીએ ૧૯૩૬માં અમદાવાદમાં રવિભાઇનાં ચિત્રોનું પ્રદર્શન જોયા પછી કહ્યું હતું,‘આજે તેનું પ્રદર્શન જોઇને મારી છાતી ઊછળી...’

‘પૃથ્વી થિયેટર્સ’ના પૃથ્વીરાજ કપૂર તેમની નાટકમંડળી સાથે અમદાવાદ આવ્યા, ત્યારે તે રવિભાઇના મહેમાન થયા હતા. એ સમયે યુવાન રાજ કપૂર પોતાની પહેલી ફિલ્મ ‘આગ’ બનાવવાની વેતરણમાં હતો. તેણે રવિભાઇને ફિલ્મના મૂહૂર્ત માટે એક ચિત્ર કરી આપવાની વિનંતી કરતાં, રવિભાઇએ લસરકાસ્વરૂપે થોડી કલાપ્રસાદી આપી હતી. (પાછળથી કનુ દેસાઇએ રાજ કપૂરને આખું ચિત્ર પૂરું કરી આપ્યું હતું.) ‘ચિત્રકૂટ’ નામ ધરાવતા રવિભાઇના બંગલામાં પંડિત ઓમકારનાથ ઠાકુર, એમ. એસ. સુબલક્ષ્મી, વિખ્યાત નર્તક ઉદયશંકર અને તેમના સિતારવાદક ભાઇ રવિશંકર, રશિયન ચિત્રકાર પિતા-પુત્ર નિકોલાઇ અને સ્વાતોસ્લાવ રોરિક જેવા અનેક મહાનુભાવો મહેમાન બની ચૂક્યા હતા.

રવિભાઇનાં રસરૂચિ ફક્ત ચિત્રકામ પૂરતાં મર્યાદિત ન હતાં. તેમના અમેરિકાનિવાસી પુત્ર કનકભાઇ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે ‘બાળમંદિર’ જેવો પ્રચલિત શબ્દ રવિભાઇની દેન હતો. રવિભાઇના મિત્ર ગીજુભાઇ બધેકા મોન્ટેસરીની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે બાળૅકોના અભ્યાસનું આયોજન કરતા હતા. તેની ચર્ચા કરતાં ગીજુભાઇએ કહ્યું,‘મારે મન બાળકો ભગવાન છે. એ લોકો જ્યાં ભણતાં હોય તેને આપણે શું કહીશું?’ રવિભાઇએ તરત કહ્યું,‘બાળકો ભગવાન છે એવું તમે કહ્યું. તો બાળકો ભણે એ જગ્યા બાળમંદિર.’


સાહિત્ય ક્ષેત્રે નરસિંહ-મીરાં-પ્રેમાનંદ જેવા મઘ્યયુગના સર્જકોનાં ચિત્રો અને કવિતા-નવલકથાનાં વર્ણનોના આધારે તેનાં પાત્રોનાં ચિત્રો તૈયાર કરવાનું રવિભાઇનું પ્રદાન અનોખું ગણી શકાય. સાહિત્યકારો સાથે તેમને એવો નાતો હતો કે બ..ક.ઠાકોરે રવિભાઇના બંગલાના વાસ્તુ નિમિત્તે એક સોનેટ લખી મોકલ્યું હતું. ઝવેરચંદ મેઘાણી-ધુમકેતુ પણ રવિભાઇના ‘ચિત્રકૂટ’ના નિયમિત મુલાકાતીઓ હતા. એ રીતે રવિભાઇ સાહિત્ય અને કળા વચ્ચેની કડી બની રહ્યા. તેમની દળદાર, સચિત્ર આત્મકથા ‘ગુજરાતમાં કલાનાં પગરણ’ વીસમી સદીના આરંભના ગુજરાત અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો વિશેનો કિમતી દસ્તાવેજ છે, જેમાં રવિભાઇએ કરેલા અસંખ્ય સ્કેચ પણ સમાવવામાં આવ્યા છે. ઇન્ટરનેટના જમાનામાં ravishankarmraval.org જેવી વેબસાઇટ પરથી પણ તેમના જીવન-કાર્યનો ખાસ્સો પરિચય મળી શકે છે. બસ, ગુજરાતગૌરવ અને ગુજરાતની અસ્મિતામાં આ બધી બાબતોનો સમાવેશ થાય એટલી વાર.

Sunday, December 18, 2011

નખશીખ નખરાળી પાત્રસૃષ્ટિના સર્જક- કાર્ટૂનિસ્ટઃ મારિઓ મિરાન્ડા


કાર્ટૂનિસ્ટની ઓળખ કાર્ટૂન સિવાય બીજી શી રીતે આપી શકાય? આ સવાલનો જવાબ ડિસેમ્બર ૧૧, ૨૦૧૧ના રોજ ૮૫ વર્ષની વયે અવસાન પામેલા મારિઓ મિરાન્ડાની બાબતમાં અઘરો નથી. પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવાં સન્માનો ઉપરાંત, ‘દૂરદર્શન’યુગમાં રાષ્ટ્રિય એકતા સૂચવવા માટે બનેલી ફિલ્મ‘મિલે સૂર મેરા તુમ્હારા’માં ગોવાની વાત આવે ત્યારે ઉછળતા દરિયાની સાથે દરિયાકાંઠે મારિઓ મિરાન્ડાને ચિત્ર દોરતા બતાવાયા હતા.‘રેમન્ડ્‌સ’ની જાહેરખબરોના કેમ્પેઇનમાં, બે પાનાં ભરીને મારિઓનાં કાર્ટૂન અને જમણા ખૂણે નીચે સૂટ-ટાઇમાં સજ્જ મારિઓ મોડેલ તરીકે આવતા હતા. એ કેમ્પેઇનની લાઇન હતીઃ ‘યુ ડોન્ટ હેવ ટુ બી ઇન્ડિયાઝ વિટિએસ્ટ આર્ટિસ્ટ ટુ બી એ રેમન્ડ્‌ઝ મેન.’

રેમન્ડ્ઝ/Raymond'sની ડબલસ્પ્રેડ જાહેરાતઃ જમણી બાજુ નીચે સૂટધારી મારિઓ/
 Mario Mirandaનો  (ઉપર અલગથી મૂક્લો) ફોટો આવતો હતો.

ગોવામાં આવેલું મારિઓનું પ્રાચીન નિવાસસ્થાન પોતે એક મ્યુઝિયમ જેવું હતું. શ્યામ બેનેગલે તેમની ફિલ્મ ‘ત્રિકાલ’નું શૂટિંગ એ ઘરમાં કર્યું હતું.

કાર્ટૂનિસ્ટોએ સર્જેલા અમર પાત્રોમાં આર.કે.લક્ષ્મણનો ‘કોમનમેન’ કે એ જ પ્રકારના બીજાં, મૂક પ્રેક્ષક જેવાં ચરિત્રો ખાસ્સાં જાણીતાં છે. પણ મારિઓનાં એકલદોકલ નહીં, ચાર-પાંચ જુદાં જુદાં પાત્રો નામજોગ ફક્ત કાર્ટૂન થકી જાણીતાં બન્યાં હતાં: જમાનાના ખાધેલ નેતા ‘બંડલદાસ’ (નેતાનું તે વળી બીજું શું સામાન્ય નામ હોઇ શકે?), તેમનો વફાદાર સેક્રેટરી ‘મૂનસ્વામી’, નખરાળી અને બોલ્ડ ફિલ્મ અભિનેત્રી ‘મિસ રજની નિમ્બુપાની’(જેનાં કાર્ટૂન જોઇને ‘ડર્ટી પિક્ચર’ની વિદ્યા બાલનની યાદ તાજી થાય), ફિલ્મી પત્રકાર ‘જોન્ડિસ ડીમેલો’ (પીળું જોવા કુખ્યાત પત્રકારોનું પણ વળી બીજું કયું સામાન્ય નામ હોઇ શકે?), અભિનેતા બલરાજ બલરામ, કોર્પોરેટ ઓફિસના ટાલિયા, સૂટધારી, આધેડ વયના, મોમાં ચિરુટ ખોસેલા બોસ અને પોલ્કા ડોટવાળું મિનિસ્કર્ટ પહેરતી તેમની ચુલબુલી સેક્રેટરી મિસ ફોન્સેકા, ઓફિસનો કર્મચારી ગોડબોલે- આ સિવાય તેમનાં કાર્ટૂનમાં બેકગ્રાઉન્ડ તરીકે ફ્રેમમાં દેખાતા મુછ્‌છડ પૂર્વજો, ગાંધીજી જેવા નેતાઓ અને ખૂણેખાંચરે રહીને પણ સમગ્ર કાર્ટૂનની આબોહવામાં સમૃદ્ધિ ઉમેરતાં કાગડા, ચકલી,કૂતરા,બિલાડી, ગીધ જેવાં પશુ-પંખી...

મારિઓની પીંછીએ તેમની પાત્રસૃષ્ટિઃ (ડાબેથી) ઓફિસ સેક્રેટરી મિસ ફોન્સેકા/Miss Fonseca, નેતાનો સેક્રેટરી મૂનસ્વામી, નેતાજી બંડલદાસ/Bundaldass, અભિનેત્રી મિસ નિમ્બુપાની/Miss Nimbupani, ઓફિસના બોસ, તેમનો કર્મચારી ગોડબોલે અને મારિઓ/Mario પોતે- પશુપંખીઓની સૃષ્ટિ સહિત. (ઇલસ્ટ્રેટેડ વિકલી)
આ દરેક પર મારિઓ-શૈલીની એવી મુદ્રા અંકિત હોય કે નીચે મારિઓની સહી ન હોય તો પણ એ તરત ઓળખાઇ જાયઃ માણસ હોય કે પશુપંખી, પણ બે ગોળમટોળ આંખો, વચ્ચેથી નીકળતું લાંબું નાક એ મારિઓનાં કાર્ટૂનની પહેલી ઓળખ. કાર્ટૂનમાં ઝીણી વિગતોનો પાર નહીં. હાથ પરની રુંવાટીથી માંડીને પગનાં આંગળાં પરના નખ અથવા બૂટ હોય તો તેની આખી ડીઝાઇન દેખાતી હોય અને એ ઝીણવટ પણ એવી કે તેનો ભાર ન લાગે. બલ્કે, જેમ ઝીણવટમાં ઉતરીએ- તેમનાં કાર્ટૂન કે ડ્રોઇંગને ‘વાંચતા’ જઇએ, તેમ એની મસ્તી ચડતી જાય. મારિઓનું કાર્ટૂન કદી એક નજરે જોઇને બાજુ પર મૂકી ન શકાય.

મારિઓનાં કાર્ટૂન એટલે કેટલીક બાબતોમાં ભારતનું પ્રતિબિંબ. ભારતમાં છે અને હોઇ શકે, એટલી જ ભીડભાડથી તેમનાં કાર્ટૂન ઉભરાતાં હોય- અને છતાં ભારતના લોકોની જેમ મઝા કરતાં-કરાવતાં હોય. એક આખા પાનાના કાર્ટૂનમાં તે સો-સવા સો જુદા જુદા ચહેરા અને તેમની આગવી ખાસિયતો સહેજે બતાવી નાખે. એવું કાર્ટૂન પહેલી વાર જોતાં એ મુંબઇની લોકલ ટ્રેનના ડબ્બા જેવું લાગે, પણ તેમાં (કાર્ટૂનમાં) દાખલ થયા પછી ભારતીય મેળામાં ફરવા નીકળ્યા હોઇએ એવો જલસો પડે. મારિઓનાં કાર્ટૂન એટલે મુંબઇનું પચરંગીપણું, ગોવા સાથે સંકળાયેલી મસ્તી-બોલ્ડનેસ અને ભારતના વૈવિઘ્યનો સમન્વય.
Mario's Mumbai- યે હે બમ્બઇ મેરી જાન
તેમનાં ઘણાં કાર્ટૂનમાં બે-ત્રણ વાક્યો જેટલું (કાર્ટૂનના હિસાબે લાંબું ગણાય એવું) લખાણ હોય. છ-આઠ ટુકડા ધરાવતી કાર્ટૂનપટ્ટીના દરેક ટુકડામાં આટલું લખાણ હોય તો ‘બહુ વાંચવાનું છે’ એવું લાગી શકે, પણ વાંચ્યા પછી ભાગ્યે જ નિરાશ થવાય. મારિઓએ રાજકીય કાર્ટૂન પણ કર્યાં છે. છતાં તેમની વધારે પ્રતિષ્ઠા ધારદાર વ્યંગકાર તરીકેની નહીં, પણ હળવી મસ્તી રેલાવનાર તરીકેની. રાજકીય કાર્ટૂનમાં પણ સાથેનું કેરિકેચર-ઠઠ્ઠાચિત્ર પણ એવું અહિંસક હોય કે જોનારને ડંખ લાગવાને બદલે મઝા આવે. તેમનાં કાર્ટૂનમાં સ્ત્રીપાત્રોના વળાંકો અપ્રમાણસર ઉપસેલા હોય, પણ આખા કાર્ટૂનની આબોહવામાં તે અસભ્ય કે દોરનારની અતૃપ્તિ સૂચવતા નહીં, ફક્ત તોફાની જ લાગે.

પીંછીથી તોફાન કરવાનો સિલસિલો મારિઓએ સ્કૂલકાળથી જ શરૂ કરી દીધો હતો. પોર્ટુગીઝ તાબાના દમણમાં ૧૯૨૬માં જન્મેલા મારિઓ શાળાના અભ્યાસ દરમિયાન બેંગ્લોર, ગોવા અને મુંબઇમાં સ્કૂલના શિક્ષકોથી માંડીને પોતાની આસપાસનાં પાત્રો અને વાતાવરણના સ્કેચ નોટબુકમાં બનાવતા હતા. મુંબઇમાં કોલેજનો અભ્યાસ પૂરો થાય તે પહેલાં તેમણે ફ્રી લાન્સ કાર્ટૂનિસ્ટ તરીકે કામ શરૂ કરી દીઘું. ૧૯૫૯માં યુરોપ ગયા. લંડનમાં થોડાં વર્ષ ગાળ્યાં અને ભારત પાછા ફરીને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જૂથમાં જોડાયા. તેનાં દૈનિક અખબાર ઉપરાંત ‘ફિલ્મફેર’, ‘ફેમિના’ અને ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’ જેવાં પ્રકાશનોને કારણે મારિઓની કાર્ટૂનસૃષ્ટિમાં ફિલ્મીદુનિયાથી રાજકારણ લગીના તમામ પ્રવાહો સામેલ થયા. સાઠ-સિત્તેરના દાયકામાં એ પ્રકાશનોમાં સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે મારિઓનાં કાર્ટૂન ઉપરાંત રેખાંકન પણ છપાતાં હતાં. કાર્ટૂનની સરખામણીએ તેના વિષય ગંભીર હોવા છતાં, તેના લસરકા, વળાંક અને ઝીણવટને કારણે ‘આ તો મારિઓનું’ એવી તરત જ બત્તી થઇ જાય.

મારિઓની સૌથી વ્યાપક ખ્યાતિ મુંબઇ-ગોવાના રંગબેરંગી મિજાજના આલેખનકાર તરીકેની થઇ. મુંબઇ-ગોવાના લોકજીવનનું મારિઓએ કરેલું વિગતવાર, વિપુલ જથ્થામાં અને ઊંચી ગુણવત્તાવાળું કામ અજોડ છે. પરંતુ મારિઓ કોઇ એક વિષયમાં બંધાઇ રહે એવા ન હતા. વિદેશપ્રવાસો દરમિયાન તેમણે ન્યૂયોર્ક અને પેરિસ જેવાં શહેરોમાં ત્યાંના જીવનને પણ એટલી જ રંગીનીથી ઝીલ્યું.‘મેડ’ અને ‘પંચ’ જેવાં ખ્યાતનામ હાસ્યસામયિકોમાં તેમનાં ચિત્રો છપાયાં. વિદેશોમાં તેમનાં ચિત્રોનાં અનેક પ્રદર્શન થયાં. દેશમાં તેમણે પ્રકાશનોમાં કાર્ટૂન અને ચિત્રો કર્યાં.


 એ સિવાય કંપનીઓના એન્યુઅલ રીપોર્ટનાં મુખપૃષ્ઠથી રેસ્ટોરાંની દીવાલ સુધીની ‘જડ’ ચીજો મારિઓનાં આલેખનોથી શોભીતી અને જીવતી બની. ઔદ્યોગિક કંપનીઓ માટેનાં સેફ્‌ટી કેલેન્ડર હોય કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માટે બનાવેલાં કેલેન્ડર, ગમે તેટલા શુષ્ક વિષયોને રસ પડે એવાં બનાવી દેવાનું કામ મારિઓનાં ચિત્રોનું. દસ્તાવેજીકરણનાં ઘણાં પુસ્તકોમાં લખાણની સાથે મારિઓનાં ડ્રોઇંગ મૂકાયાં. મારિઓથી બે પેઢી નાના કાર્ટૂનિસ્ટ હેમંત મોરપરિઆએ નોંઘ્યા પ્રમાણે, મુંબઇમાં તેમનાં પાઠયપુસ્તકોનાં ચિત્રો પણ મારિઓ પાસે કરાવવામાં આવ્યાં હતાં. બ્રિજકુલ દીપક નામના એક કળાકારે મારિઓનાં બંડલદાસ જેવાં પાત્રો પરથી આબેહૂબ કપડાના ઢીંગલા (ક્લોથ સ્કલ્પ્ચર) બનાવીને તેનું પ્રદર્શન યોજ્યું હતું. જૂજ કાર્ટૂનિસ્ટના કામનો વ્યાપ આટલો બહોળો હશે.

દાયકાઓ દરમિયાન મારિઓનાં અઢળક ચિત્રોમાંથી થોડાં પુસ્તક થયાં હતાં, પણ તેમના કળાજીવનના અર્ક સમાન ગણી શકાય એવું ૨૮૪ પાનાંનું પુસ્તક ‘મારિઓ ડી મિરાન્ડા’ ખુદ મારિઓ સહિત બીજા બે જણે સંપાદિત કર્યું. તેમાં મારિઓનાં સેંકડો ચિત્રો સમાવી લેવાયાં છે. આ ઉપરાંત તેમની સત્તાવાર વેબસાઇટ mariodemiranda.com પર પણ તેમનાં કાર્ટૂન અને ચિત્રોની પ્રિન્ટ્‌સ મળે છે. ગેરાર્ડ દાકુન્હા જેવા મિત્રના પ્રયાસોને કારણે પંજીમથી સાત કિલોમીટર દૂર આવેલી ‘મારિઓ ગેલેરી’ પણ ઉભી થઇ છે, જ્યાં તેમનાં ચિત્રો પ્રદર્શીત કરવામાં આવ્યાં છે. જીવતેજીવ અઢળક લોકચાહના અને આદરમાન મેળવનાર મારિઓનું નવું કામ છેલ્લા ઘણા વખતથી જોવા મળતું ન હતું. તેમનાં પત્ની-ભૂતપૂર્વ એર હોસ્ટેસ હબીબાના નિવેદન પ્રમાણે, થોડા વખતથી મારિઓની તબિયત નરમગરમ રહેતી હતી. પરંતુ મારિઓએ તેમનાં સક્રિય વર્ષોમાં જેટલું અને જે પ્રકારનું કામ કર્યું છે, તે વર્તમાન અને આવનારી પેઢીઓને મુગ્ધ કરવા માટે પૂરતું છે.