Thursday, February 27, 2025
મહાભીડભાડ પછીની મહામિટિંગ
ભારતમાં જન્મ લેનારને સૌથી ઓછી નવાઈ કોઈ ચીજની હોય તો તે ભીડ અને ગીરદીની. મહાકુંભ નિમિત્તે સર્જાયેલી મહાભીડ અને અનવસ્થાને કારણે તો, ભીડમાં કચરાઈ ગયેલાં લોકોનાં મૃત્યુની પણ જાણે નવાઈ નથી રહી. એકથી વધારે વાર એવા સમાચાર આવ્યા-ન આવ્યા ને હવામાં ઉડી ગયા. ન તેનો કશો ભારે ઊહાપોહ થયો, ન સરકારે સરખા જવાબ આપ્યા. અરે, મૃતકોના આંકડા સુદ્ધાં આપવાની તસ્દી સરકારે ન લીધી. કરુણ ઘટનાઓ પ્રત્યે સરકારની ગુનાઇત બેશરમી અને કાતિલ ઢાંકપિછોડો કરવાનું વલણ જોઈને એવો વિચાર આવ્યો કે આવી કોઈ ઘટના પછી સરકારી અધિકારીઓની મિટિંગ ભરાતી હશે, તો તેમાં કેવા સંવાદ થતા હશે? થોડી કલ્પનાઃ
Wednesday, February 26, 2025
ઊંધિયું, તેલ અને અસ્મિતા
‘ગુજરાતની અસ્મિતા’ની જેમ ‘સુરતની અસ્મિતા’ જેવો પ્રયોગ ચલણમાં હોત તો તેના કેન્દ્રસ્થાને રહેલી ચીજોમાં ઊંધિયાનો સમાવેશ ચોક્કસપણે થતો હોત. છેલ્લા થોડા દાયકાથી જાહેરાતોમાં વપરાતો શબ્દ ‘સુરતી ઊંધિયું’ ખરેખર તો ‘એલિસબ્રિજ પુલ’ જેવો કહેવાય. ‘ઊંધિયું’ લખ્યા પછી ‘સુરતી’ લખવાની જરૂર ન હોય. ઊંધિયું તો સુરતી જ હોય ને. પરંતુ છેલ્લા થોડા દાયકામાં વધેલા ઊંધિયાના વ્યાપને કારણે, અસલી ઊંધિયાની ઓળખ માટે ‘સુરતી’નું લટકણિયું લગાડવામાં આવે છે. જોકે, માર્કેટિંગની પ્રજા દ્વારા વપરાતાં ઘણાંખરાં વિશેષણોની જેમ, આ વિશેષણ પણ ગેરરસ્તે દોરનારું અને મોટે ભાગે સચ્ચાઈથી વેગળું હોય છે.
ઊંધિયાનો પ્રચારપ્રસાર ગુજરાતબહાર
ઓછો છે, બાકી દિલ્હીમાં રચાતી મિશ્ર સરકારો ‘ખીચડી સરકાર’ને બદલે ‘ઊંધિયા સરકાર’ કહેવાતી હોત. કારણ કે, બંનેનો ગુણ
સરખો જ છે. તેમાં એકથી વધુ ચીજોનું સ્વાદિષ્ટ મિશ્રણ હોય છે. જોકે, ખીચડીને
વાનગીનો દરજ્જો આપવા વિશે તીવ્ર મતભેદ હોઈ શકે છે—અને તેને ઊંધિયાની હરોળમાં
મુકવાથી સુરતી સિવાયના સ્વાદપ્રેમીઓની લાગણી પણ દુભાઈ શકે છે. હોંશીલા
ખીચડીપ્રેમીઓ કહેશે કે ખીચડીમાં બહુ વૈવિધ્ય આવે છે—અરે ‘રજવાડી ખીચડી’ પણ આવે છે. તેમને જણાવવાનું કે
ઊંધિયા માટે ‘રજવાડી’ જેવું વિશેષણ અલગથી લગાડવું પડતું
નથી. તેનું બંધારણ મૂળભૂત રીતે ‘રજવાડી’ હોય છે.
ઊંધિયાની સામગ્રી વિશે વાત કરતાં
પહેલાં, એક તાત્ત્વિક સવાલ વિશે ભૂમિકા સ્પષ્ટ કરી દેવી જરૂરી લાગે છેઃ કેટલાક
લોકો કહે છે કે ઊંધિયું એટલે મિશ્ર શાકમાં પૂરતું તેલ હોવું જોઈએ. બીજો વર્ગ
ભારપૂર્વક કહે છે કે ના, ઊંધિયું એટલે તેલમાં પૂરતું શાક હોવું જોઈએ. આ આખી ચર્ચા,
જીવમાં શિવ છે કે શિવમાં જીવ—એ સ્તરની છે. તે ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ રહીને જ,
એટલે કે ઊંધિયું ખાતાં ખાતાં, કરી શકાય.
મામલો ફક્ત મિશ્ર શાકનો નથી.
દિવાળી વખતે ઘણા લોકો પંચરઉ તરીકે ઓળખાતું મિશ્ર શાક બનાવતા હોય છે. ગુજરાતી ભોજન
પર થયેલા પંજાબીના ધુંઆધાર આક્રમણ પછી મિક્સ વેજની સબ્જી ગુજરાતી નથી તે યાદ
રાખવું અઘરું પડે છે. છતાં, ઊંધિયામાં થતું શાકનું મિશ્રણ આ બધાથી જુદું ને તેમનાથી
ઊપર છે. તેમાં રીંગણ નથી આવતાં તેથી રીંગણદ્વેષીઓ હર્ષ પામે છે અને કંદ (રતાળુ)
આવે છે, તેનાથી રતાળુરસિકો હરખાય છે. સુરત સિવાયના પ્રદેશોમાં ઊંધિયા માટે વપરાતા
દાણા વાલોળ-પાપડી-તુવેર જેવા ગમે તે શાકના હોઈ શકે, પણ સુરતના અસલી ઊંધિયામાં ટચલી
આંગળી જેટલું કદ અને અમુક દાણા ધરાવતી પાપડીમાંથી જ દાણા વાપરી શકાય છે. બટાટા અને
શક્કરિયાં માટેના નિયમ એટલા આકરા નથી, પણ તેના ટુકડા કેટલા મોટા રાખવા, એ
ચોક્કસપણે વિચારવાલાયક પ્રશ્ન હોય છે.
દક્ષિણ ગુજરાતમાં જેવાં રતાળુ બીજે
મળતાં નથી—એવું દક્ષિણ ગુજરાતના લોકો જ નહીં, બીજા પણ કેટલાક સ્વાદરસિકો માને છે.
ફક્ત રતાળુ જ શા માટે, તેમને તો લાગે છે કે અસલી ઊંધિયું બનાવવું હોય તો તેમાં
સુરતનું પાણી જ વાપરવું પડે. અમદાવાદની સાબરમતીમાં સરકાર ઘણા વખતથી નર્મદાનું પાણી
ભરે છે, એને બદલે તાપીનું પાણી ભરતી હોત તો કદાચ એ શક્ય બનત. પણ વો દિન કહાં...
અને પ્રખ્યાત ઠેકાણે ચિત્રવિચિત્ર સ્વાદવાળું ઊંધિયું ખાઈને, ફક્ત અઢળક રૂપિયા
ખર્ચીને આનંદ માણી લેતી અમદાવાદની, અને હવે તો સમસ્ત ગુજરાતી, પ્રજાને તેનાથી કશો
ફરક પડે કે કેમ એ પણ સવાલ.
ઊંધિયાને મિશ્ર શાક કરતાં ઊંચો
દરજ્જો આપવામાં કારણભૂત કેટલીક બાબતોમાં એક છે તળેલાં મુઠિયાં. તે એક સ્વતંત્ર
વાનગી તરીકે ચાલી શકવાની ક્ષમતા ધરાવે છે—અને ઘણા લોકો તેનો એ રીતે ઉપભોગ કરતા હોય
છે. છતાં, તેની ખરી સાર્થકતા ઊંધિયામાં બીજાં શાક સાથે ભળી જવાની છે. બીજાં શાક
સાથે તેની એકરૂપતા જોઈને ઘણી વાર એવું લાગે કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે ખરેખર તો ઊંધિયાનું એક
શિલ્પ તૈયાર કરવું જોઈએ. કેમ કે, તેમાં દરેક શાક ને મુઠિયું સુદ્ધાં પોતાની આગવી
ઓળખ અને આગવો સ્વાદ ગુમાવ્યા વિના, એકબીજાને કચડીને ‘સમરસ’ કર્યા વિના, સ્વાદિષ્ટ સહઅસ્તિત્વ ધરાવે છે.
ઘણા સ્વાદપ્રેમીઓને નારાજ કરવાનું
જોખમ વહોરીને પણ કહેવું જોઈએ કે ઊંધિયા સાથે જલેબીની જોડી મારીમચડીને બનાવેલી હોય
એવી લાગે છે. સંસારી જીવનની પરિભાષામાં તેને કજોડું કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી.
એ જોડીના આશકો કહે છે કે તે ગળ્યા અને તીખાનું સરસ સંયોજન છે. એવી રીતે વિચારતાં
ઊંધિયા સાથે મોહનથાળ કે બીજી કોઈ પણ ગરમ મીઠાઈ ખાઈ શકાય. પણ ઊંધિયા સાથે બીજા
કશાની જરૂર પડે છે અથવા જલેબી જેવી સાથી વિના ઊંધિયું લાગે, એ વાત જ વાંધાજનક છે.
હા, ચટણીઓ કે સેવની વાત અલગ છે. તેમનું અસ્તિત્વ ઊંધિયામાં સમાઈ જાય છે. તે
જલેબીની જેમ ઊંધિયાની સમાંતરે અલગ ચોકો ઊભો કરતાં નથી.
સવાલ જલેબીપ્રેમનો નથી. ધારો કે આ લેખ જલેબી વિશેનો હોત તો તેમાં જલેબીની સાથે ઊંધિયાને ઠઠાડી દેવામાં આવ્યું છે, તે વિશે વાંધો પ્રગટ કરવામાં આવ્યો હોત. જેવી જલેબી, એવું ઊંધિયું. કેટલાંક સ્ત્રીપુરુષોની જેમ તે બંને પોતપોતાની રીતે સરસ છે, પણ એટલા માટે તેમને ધરાર ભેગાં કરવાનો લોભ ટાળવા જેવો હોય છે. પરંતુ તેલમાં તરતા ઊંધિયામાં આવા કંઈક મહત્ત્વના બોધપાઠ ડૂબી જાય છે એ ઊંધિયાની નહીં, માણસોની કઠણાઈ છે.
Monday, February 10, 2025
(ઉપ)નામરૂપ જૂજવાં
એક સમય હતો, જ્યારે બાળકનું નામ પાડવાનો વિશેષાધિકાર તેની ફોઈનો ગણાતો હતો અને તેના માટે ક્યારેક સામાજિક યુદ્ધો પણ થતાં. નામ પાડવાનું કામ એટલું ગંભીર ગણાયું કે પછી તો તેનાં પુસ્તકો બહાર પડવા લાગ્યાં અને ધૂમ વેચાયાં પણ ખરાં. પશુપક્ષીપ્રેમી તરીકે જાણીતાં મેનકા ગાંધીએ પણ નામોનું એક પુસ્તક તૈયાર કર્યું હતું.
આપણે ત્યાં ઉપનામો યથેચ્છ પાડવામાં આવે છે. એક-બે દાયકા પહેલાં સુધી, નામનો અર્થ અચૂક હોય, પણ ઉપનામનો અર્થ હોવો બિલકુલ ફરજિયાત નહીં. તમે જ વિચારો, કોઈ બાળકનું નામ ‘લાલિયો’ કયો ગુણ જોઈને પાડ્યું હોય? કોઈ બાળક બોલતું થાય તે પહેલાં સામ્યવાદી શી રીતે ઘોષિત કરી શકાય? માટે જ, ભારતમાં નામોમાં જેટલી મૌલિકતા જોવા મળતી હતી, એટલી કે તેનાથી પણ વધારે મૌલિકતા ઉપનામોમાં જોવા મળતી હતી. તેમને અર્થસભર હોવાનાં બંધન નડતાં ન હતાં અને ઉપનામ પાડવાં એ ફોઈનો ઇજારો ન હતો. ઉપનામ-ફોઈની ભૂમિકા પુરુષો પણ એટલા જ ઉત્સાહથી ભજવી શકતાં હતાં.
એ કેવળ એક સંયોગ છે કે નાનપણમાં, જ્યારે ઉપનામ પડવાની સૌથી વધારે શક્યતા હતી ત્યારે પણ, મારું કોઈ ઉપનામ પડ્યું નહીં. તેનું ગૌરવ પણ નથી ને શરમ પણ નહીં. મારા બાળપણમાં એક સ્નેહી કોઈ અગમ્ય કારણસર મને ‘જોનભાઈ’ કહીને બોલાવતા હતા અને મેં પણ રમૂજ સાથે એ સ્વીકારી લીધું હતું. પણ એ મારું સત્તાવાર કહેવાય એવું ઉપનામ ન હતું. કારણ કે, એ તેમની સર્જનાત્મકતાની પેદાશ હતું અને એ અમારા બંને વચ્ચેનો જ વ્યવહાર હતો. મારા પિતાજી મને થોડો સમય ‘પટૌડી’ કહેતા હતા, તે પણ મારું ઉપનામ ન ગણાય. કારણ કે, એ કોઈ રીતે મારી ઓળખ ન હતું. એ અમારા બે વચ્ચેની વાત હતી. મારાં બીજાં પરિવારજનો કે સ્નેહીજનોએ બાળપણથી હજુ સુધી મારું કોઈ ઉપનામ પાડ્યું નથી. હા, મોટપણે મારા રાજકીય વિચારોના વિરોધીઓમાંથી કેટલાકે મારી ઉપનામફોઈ બનવાના પ્રયાસ કર્યા છે, પણ એ તેમની લાગણીની અભિવ્યક્તિ ગણાય અને એના માટે તે સ્વતંત્ર છે, પણ તેને કોઈ પણ ધોરણે મારું ઉપનામ ગણાવી શકાય નહીં. કોઈ નરેન્દ્ર મોદીને ધોળી દાઢી, અમિત શાહને કાળી દાઢી ને વણઝારાને લાલ દાઢી તરીકે ઓળખાવે તો તે એમનાં ઉપનામ ન ગણાય.
ઉપનામ
અને પેન-નેમ (તખલ્લુસ) અથવા વ્યાવસાયિક નામ પણ અલગ બાબત છે. ઘણા કવિ-લેખકો તખલ્લુસ
રાખે છે અને ઘણા તખલ્લુસ રાખીને કવિ-લેખકમાં ખપવા મથે છે. એ સિવાય, પત્રકારત્વમાં
ઘણી વાર ઉપનામ કે તખલ્લુસ નહીં, એવાં બીજાં નામ વાપરવાનાં થાય છે. એક જ પ્રકાશનમાં
એકથી વધારે લેખ લખવાના થાય ત્યારે એક જ નામનું પુનરાવર્તન ટાળવા માટે બીજાં નામ
વાપરવાનાં થાય. એવાં નામ મેં પણ વાપર્યાં છે. છતાં, તેને ઉપનામ ન કહી શકાય.
બાકી,
ઉપનામ પાડવામાં ઉત્સાહી એવા એક વડીલ સાથે કામ કરતી વખતે એ કળાનો પ્રત્યક્ષ પરિચય
મળ્યો હતો. ચશ્મા પહેરતા એક કમ્પ્યુટર ઓપરેટરનું ઉપનામ તેમણે ‘લોઇડ’ પાડ્યું હતું-- વેસ્ટ ઇન્ડિઝની
ક્રિકેટ ટીમના ચશ્માધારી, પ્રતાપી કેપ્ટન ક્લાઇવ લોઇડ પરથી. એ નામ એટલું સ્વીકાર્ય બન્યું કે એ
ભાઈ પછી તેમનાં મિત્રો-સ્નેહીઓમાં પણ લોઇડ તરીકે ઓળખાવા લાગ્યા અને તેમણે પણ એ
પ્રેમથી સ્વીકારી લીધું હતું. એવી જ રીતે, અન્ય એક વ્યક્તિની મોટેથી ઓડકાર ખાવાની
લાક્ષણિકતાને કારણે તેમનું નામ ‘ડકારસિંઘ’ પાડ્યું હતું. જોકે, સ્વાભાવિક
કારણોસર અત્યંત મર્યાદિત વર્તુળ પૂરતું જ રહ્યું અને ઉપનામનો દરજ્જો હાંસલ કરી
શક્યું નહીં.
ઉપનામો
હજુ પડે છે, પરંતુ નામો જ ઉપનામ જેવાં થઈ ગયાં હોય—એટલે કે, તેમનો કશો અર્થ હોવો
જરૂરી ન ગણાય—ત્યારે ઉપનામનો મહિમા ઓસરતો જાય છે. ચિત્રવિચિત્ર નામ ધરાવનારને
નમ્રતાપૂર્વક, પોતાના અજ્ઞાનના થોડા અહેસાસ સાથે તેમના નામનો અર્થ પૂછીએ ત્યારે તે
પૂરા આત્મવિશ્વાસથી અને લગભગ વિજયી સ્મિતથી કહી શકે છે,‘આ નામ? એ તો પપ્પાએ પાડ્યું હતું. એમને બહુ
ગમતું હતું. એનો મીનીંગ કશો નથી, અમારી જનરેશનમાં હવે અમે મીનીંગની ને ગ્રામરની ને
એવી બધી પંચાતમાં પડતા નથી. પણ તમે જ કહો, નામ યુનિક છે કે નહીં?’
Monday, January 20, 2025
વાળ ઓળવા વિશે
જેમ કેટલાંક સરનામાં કેવળ સરનામાં નહીં, સત્તાકેન્દ્ર હોય છે, તેમ કેટલીક ક્રિયાઓ ફક્ત ક્રિયાઓ નહીં, પુખ્તતાસૂચક કસોટી હોય છે. પોતાના વાળ જાતે ઓળવા તે એવી જ એક ક્રિયા છે. અગાઉ બાળપણમાં મા કે મોટાં ભાઈબહેન વાળ ઓળી આપતાં હોય, ત્યારે બાળકને કોઈ પૂછે કે મોટો થઈને તું શું કરીશ? તો એકાદ વાર તે એવો જવાબ પણ આપી શકે, ‘જાતે મારા વાળ ઓળીશ.’
કેમ કે, માતાઓ, ખાસ કરીને જૂના સમયની માતાઓ બાળકના વાળ ઓળવાની ક્રિયાને ખાસી કષ્ટપ્રદ બનાવી શકતી હતી અને ભૂલેચૂકે જો બાળક કષ્ટની બૂમ પાડે તો જીવનમાં કષ્ટના મહિમા વિશે એક લઘુવાર્તા પણ પ્રસારિત કરી શકતી હતી. ઘણી માતાઓ બાળકના વાળ ઓળતાં પહેલાં તેના માથામાં તેલ નાખતી હતી. અલબત્ત, તેલનો જથ્થો ધ્યાનમાં રાખતાં, તે તેલ નાખવાને બદલે તેલ રેડતી હતી તેમ કહેવાનું વધારે ઠીક ગણાય.
બાળકનું માથું એક વાર તૈલી પદાર્થ બની ગયા પછી માના એક હાથની હથેળી સકંજો બની જતી અને બાળકનું મોં તે સકંજામાં ભીડીને બીજા હાથે તે વાળમાં કાંસકો ફેરવતી. એ રીતે વાળ ઓળાઈ ગયા પછી શરૂઆતમાં બાળકોને સમજાતું નહીં કે વાળ ઓળાવ્યા પછી માથાને બદલે ગાલ કેમ દુખે છે. કેટલાક છોકરાઓની અને સરેરાશ છોકરીઓની સ્થિતિ વધારે ખરાબ હતી. કારણ કે, તેમના મગજમાં વિચારોનો ગુંચવાડો હોય, એના કરતાં પણ વધારે ગુંચવાડો તેમના વાળમાં લટોનો રહેતો.
‘લટ ઉલઝી હૈ, સુલઝાદે મોરે બાલમા’ સુધી પહોંચવાને ઘણાં વર્ષોની વાર હોય, ત્યારે ગુંચવાયેલી લટોવાળું માથું આઝાદી પહેલાંના ભારતના નકશા જેવું બની જતું. રજવાડાં એટલી ગૂંચો અથવા તો જાણે, ગૂંચો એટલાં રજવાડાં. તેમાંથી કોઈ સીધી રીતે ઉકલી જાય ને કોઈ સાથે કાંસકા વડે પેચ લડાવવા પડે. હળવા ઉંહકારા તો ચાલતા રહે, પણ કોઈ લટ (કે રાજ્ય)માં એવું પણ થાય કે હળવા હાથે કામ ન ચાલે.
માતા કાંસકાના થોડા દાંતાથી, બાળકને આંચકો ન લાગે એવી રીતે ગુંચ ઉકેલવાની કોશિશ કરી જુએ, પણ તે સમયની માતાઓ પાસે ઝાઝો ટાઇમ ન હોય—બાળકો માટે તો ન જ હોય. એટલે પછી હૈદરાબાદ-જૂનાગઢની જેમ અમુક પ્રકારની ગૂંચો ઉકેલવા માટે કાંસકા વડે લશ્કરી બળ વાપરવાની ફરજ પડે. બળપ્રયોગ સાથે જ બાળકના મનમાંથી ઊંહકારો કે ભેંકડો નીકળી જાય. ત્યારે આશ્વાસન આપવાને બદલે માતા તરફથી ઠપકો મળે કે આવા કેવા વાળ કરી નાખ્યા છે? સરખી રીતે ઓળાતા જ નથી. ઘણી વાર સ્થિતિ એવી હોય કે વાળમાં ગૂંચ છે એમ કહેવાને બદલે, ગૂંચોમાં વાળ છે એવું જ કહેવું પડે. કઠણ લડાઈ માટે શસ્ત્રો સજતા યોદ્ધાની જેમ, માતાઓ કાંસકા-કાંસકી અને જરૂર પડ્યે કાતર જેવાં અસ્ત્ર ધારણ કરીને, અઘરી ગૂંચો ઉકેલવા મેદાને પડે ત્યારે બેક ગ્રાઉન્ડમાંથી શંખના આવાજ સંભળાવા જ બાકી રહે.
ગૂંચ એ વાળનો આંતરિક મામલો છે, પરંતુ માથામાં (એટલે કે વાળમાં) જૂ પડે ત્યારે આખો તખ્તો વિદેશી આક્રમણનો અને તેનાથી માથાની સ્વભૂમિને બચાવવાનો થઈ જતો હતો. તેના માટે કેવળ તેલ નાખવાથી કે વાળ ધોવાથી કામ ચાલતું નહીં. કેટલીક માતાઓ બપોર પડ્યે બાળકના માથાના જંગલમાં જૂઓના શિકારે ઉપડતી હતી અને કામ પૂરું થયા પછી, કેટલી જૂઓનો શિકાર કર્યો તેનો આંકડો ગૌરવભેર જાહેર કરતી હતી.
વાળની દેખભાળ અને તેમને લાડ કરવા માટે હવે શેમ્પૂ, હેર કન્ડિશનર અને બીજી કંઈક જાતની બોટલો ને ઉત્પાદનો વાળની સારસંભાળ માટે મળે છે અને તેમનો વપરાશ વરણાગીપણાનો ભાગ ગણાતો નથી. બાકી, વર્ષો સુધી વાળ ઓળવા એ સભ્યતાથી માંડીને સ્ટાઇલ સુધીનાં અર્થઘટનો આવરી લેતી ચેષ્ટા હતી. વાળ ઓળવાનું કામ પણ કેટલીક બાબતોમાં ન્યાય તોળવાની સમકક્ષ ગણી શકાય. તે થયું હોય એટલું પૂરતું નથી. તે થયું છે એવું સામેવાળાને લાગવું જોઈએ. એટલે કે, માણસે વાળ ઓળ્યા છે કે નહીં, તે એ પોતે નક્કી કરી શકે નહીં.
ઘરના અરીસા સામે પાંચ મિનિટ સુધી કાંસકા અને માથાનું યુગલગાન ચાલ્યું હોય, અથવા સમાજવાદી ઉપમા આપીને કહીએ તો, માથાના ખેતરમાં કાંસકાનું હળ ફર્યું હોય, તેમ છતાં સામે મળેલો માણસ એવું કહી શકે છે,‘ઉંઘમાંથી ઉઠીને આવ્યા કે શું? વાળ પણ ઓળ્યા વિના દોડ્યા છો.’ અથવા ‘વાળને શું થયું? માથામાં કૂતરાં સામસામાં લડ્યાં હોય એવા વાળ થઈ ગયા છે.’ તેમની સરખામણીમાં કેટલાક લોકો માથાની અંદર નહીં, માથાની બહાર-ઉપર પણ લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે અને તેના પરિણામે આવી પડતી અરાજકતાને લોકશાહી પ્રક્રિયાનું અનિવાર્ય પરિણામ ગણે છે.
વ્યવસ્થિતતાનો આગ્રહ તો સમજાય, પણ ટાપટીપના પ્રેમીઓનું કામકાજ ચેઇન સ્મોકર જેવું. વીર સાંકળેશ્વર સીગરેટવાળા (ચેઇન સ્મોકર) એક કંડિકા પૂરી થઈ નથી કે બીજી સળગાવે. એવી રીતે, કેટલાક લોકો વાળ ઓળ્યા પછી પણ વાળ ઓળે ને વાળ ઓળતાં પહેલાં તો વાળ ઓળેલા જ હોય. તેમના મનમાં સતત એવો સરમુખત્યારી અજંપો રહ્યા કરે કે વાળને સહેજ પણ છૂટ આપીશું તો તે સામો વિદ્રોહ કરશે. તેમને કતારબદ્ધ અને ‘સાવધાન’ મુદ્રામાં રાખેલા જ સારા.
પરંતુ કેટલાકને, સરમુખત્યારોની જેમ જ, સમજાય છે કે બધા વાળને બધો સમય કચડીદબાવીને રાખી શકાતા નથી. એમ કરવા જતાં સરવાળે ટાલ પડી શકે છે. હા, તેનો એટલો ફાયદો ખરો કે વાળના વિદ્રોહની બીક ટળી જાય છે.
Thursday, January 09, 2025
રવિવારની કવિતા
કવિ કાલિદાસ નોકરી કરતા ન હતા. એટલે તેમને કદાચ રવિવારનું મહત્ત્વ સમજાયું નહીં હોય. તે કવિતા કરતા હતા અને રાજદરબારમાં પણ જતા હતા. તેથી કંઈ એવું ન કહેવાય કે તે દરબારી કવિ હતા—અને વર્તમાન અનુભવે સૌ જાણે છે કે દરબારી કવિ-લેખક હોવા માટે દરબારમાં જવું જરૂરી નથી.
પણ મુદ્દો એટલો જ છે કે, કાલિદાસે અષાઢના પહેલા દિવસ વિશે
કવિતા લખી અને ‘નવા વર્ષના
પહેલા રવિવારે’ અથવા ‘રવિવારે’—એવો વિષય તે ન
સ્પર્શ્યા.
ફક્ત નવા વર્ષનો પહેલો રવિવાર જ શા માટે? નોકરિયાત
માણસને કોઈ પણ રવિવાર કવિતા જેવો કે કવિતા લખવા જેવો લાગી શકે છે. ‘રવિવાર
નોકરિયાતોનો આરાધ્ય દેવ છે’—એવું વિધાન
હાસ્યને બદલે ચિંતનની કોલમમાં આવ્યું હોય તો લોકો પ્રભાવિત થઈ જાય. આમેય, ચિંતનની
કોલમોમાં આવતી ઘણી સામગ્રી હાસ્યની કોલમમાં ચાલે એવી હોય છે અને ઘણા હાસ્યકારોને—ખાસ
કરીને બોલીને હસાવતા લોકોને—ચિંતક ને ફિલસૂફના વહેમ હોય છે.
પણ મૂળ વાત પર પાછા આવીએઃ રવિવાર નોકરિયાતોનો આરાધ્ય દેવ
છે. આ વાક્ય વાંચીને કોઈને રવિવારનું મંદિર બનાવવાનો ફળદ્રુપ વિચાર આવે તો નવાઈ
નહીં. આમેય ઠેકઠેકાણે ઢંગધડા વગરનાં ધર્મસ્થાનો ઊભાં થઈ જાય તો પણ ત્યાં ભાવકોની કદી
ખોટ પડતી નથી. તો પછી રવિવારે શો ગુનો કર્યો? ‘રવિવારનું મંદિર’—એ કલ્પના નોકરિયાતોને રોમાંચ અને ધર્મનો ધંધો ધમધમાવતા લોકોને હથેળીમાં
ખંજવાળ પ્રેરે એવી છે.
અભ્યાસીઓ કહી શકે છે કે રવિ ઊર્ફે
સૂર્યનાં મંદિરો આપણા દેશમાં છે જ. તેમની વાત સાચી છે, પણ પૂરતી નથી. મોઢેરા કે
કોણાર્કનાં સૂર્યમંદિર જે રવિની વાત કરે છે તે અને રજાના દિવસવાળો રવિ—એ બંને જુદા
છે. એટલે તેમનાં મંદિર પણ જુદાં હોવાં જોઈએ. સંસ્કૃતિની ગુરુતાગ્રસ્ત
લઘુતાગ્રંથિથી પીડાતા લોકો દલીલ કરી શકે છે કે રવિવારે રજા તે પશ્ચિમી સંસ્કૃતિની
દેન છે. તેનું મંદિર આપણે શા માટે બનાવવું જોઈએ? તેમને ‘સંસ્કૃતિ ખતરેમેં’ની વૃત્તિ પર કાબૂ રાખવાની ભલામણ સાથે જણાવવાનું કે સંસ્કૃતિ ગમે તે હોય, રજા
રજા હોય છે. અથવા રજાનો દિવસ પોતે જ સ્વતંત્રપણે આગવી સંસ્કૃતિ કે પેટાસંસ્કૃતિ
(સબ-કલ્ચર) છે.
અઠવાડિયાની વચ્ચે આવી પડતી રજાની
તારીખ ભલે અગાઉથી નક્કી હોય, પણ તેની અસર બોનસ જેવી કે ભર ઉનાળે વરસાદના માવઠા
જેવી હોય છે. તેની સરખામણીમાં દર રવિવારે આવતી રજા નિશ્ચિત આવક જેવી ટાઢક આપનારી
હોય છે. તે એવી જૂજ વસ્તુઓમાંની એક છે જે નિયમિત આવતી હોવા છતાં તેનાથી કંટાળો નથી
આવતો. બલ્કે, તેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. શાયરોએ જેટલા શેર મિલન ને વિરહ
વિશે લખ્યા છે, એનાથી સોમા ભાગના શેર પણ રવિવારની રજા વિશે લખ્યા નથી. આવું કેમ,
તેની તપાસ કરતાં જાણવા મળતું એક કારણ એવું છે કે રવિવારની રજા નોકરી કરતા લોકોને જ
હોય—અને બહુમતી શાયરો નોકરી કરવા માટે જાણીતા ન હતા.
રવિવારની રજા એવી ચીજ છે, જેની
કલ્પનામાત્રથી મનમાં હર્ષ ઉપજે. ઘણાના સોમવારની શરૂઆત આવનારા રવિવારની રાહ જોવાથી
થાય છે અને તે પ્રવૃત્તિ આખું અઠવાડિયું ઓછીવત્તી તીવ્રતા સાથે ચાલુ રહે છે. તેમાં
પણ અઠવાડિયાની ગાડી બુધવારનું સ્ટેશન વટાવે એટલે મનમાં ઊંધી ગણતરી શરૂ થઈ જાય છે.
એમ કરતાં શુક્રવાર જાય અને શનિવાર આવે એટલે, પહાડી નજીક આવતાં પહેલાં દૂરથી તેની
ઝાંખી થાય તેમ, રવિવારની ઝાંખી થવા લાગે છે. થાય છે કે બસ, હવે હાથવેતમાં છે.
છેવટે શનિવારની સાંજ અને રાત પડે છે. દિવસનો અંત સૂર્યાસ્તથી થાય, એટલે કે,
શનિવારે સૂર્યાસ્ત થાય તે સાથે જ રવિવાર શરૂ થઈ જાય, એ ભારતીય પરંપરા છે. પરંતુ
બાકીની બાબતોમાં પાશ્ચાત્ય પરંપરાને અનુસરતા લોકો આ બાબતમાં ભારતીય પરંપરા મુજબ
ચાલે છે અને શનિવાર સાંજથી રવિવારના મિજાજમાં આવી જાય છે. શનિવારની સાંજ એ
રવિવારની કવિતાનો ઉપાડ છે અથવા રવિવારની ગઝલનો મત્લા છે.
રવિવારની આખી કવિતા બધા માટે જુદી
જુદી હોઈ શકે છે. કોઈના માટે રવિવાર સમય બગાડવાનો સમય હોય છે. તેમને તે દિવસે કશું
જ સમયસર નહીં કરવાનો મહિમા લાગે છે. સુખિયા જીવો રવિવારે દસ-અગિયાર વાગ્યે ઉઠે ને
દોઢ-બે વાગે નહાય, ત્યારે જ તેમને રવિવારનો અહેસાસ થાય છે. તે વખતે તેમનાં
પરિવારજનોને—ખાસ કરીને સ્ત્રીવર્ગને—ઉપરતળે થતાં જોઈને લાગે છે કે રવિવાર પછી
સોમવાર તેમની પ્રાર્થનાને કારણે જ આવતો હશે.
બીજો વર્ગ રવિવારે સમય વાપરવા માટે
કૃતનિશ્ચયી હોય છે. તે આખા અઠવાડિયાંનાં ભેગાં થયેલાં કામનું રવિવારે વહેલી સવારથી
રાત સુધીમાં ચુસ્ત આયોજન બનાવે છે. કરવાનાં કામની તેમની યાદી જોઈને પહેલા પ્રકારના
લોકોને ચક્કર આવી શકે, પણ કર્મવીરોને તેમાં જ રવિવારની સાર્થકતા લાગે છે. રજાના
આખા દિવસને પોતાના અથવા મનગમતા કામથી ભરી દેનારા સાંજ પડ્યે થાકે છે ખરા, પણ બીજા
દિવસે સોમવાર આવશે તે વિચારે હારી જતા નથી. કારણ કે, તેમનો સોમવાર રવિવાર કરતાં
ઓછો વ્યસ્ત હોય છે.
વર્ક ફ્રોમ હોમનો રિવાજ શરૂ થયા કેટલાક
લોકોને ઓફિસે જવાનું નથી હોતું. તે અર્થમાં તેમને રોજ રવિવાર લાગે છે. એવા લોકો થોડા
સમય પછી સોમવારને ઝંખતા થઈ જાય, તો નવાઈ ન લાગવી જોઈએ.
Friday, January 03, 2025
હેપી તુલસી-ક્રિસ્મસ
નાતાલના દિવસે ક્યાંક યોજાયેલા તુલસીપૂજનના કાર્યક્રમ વિશે જાણીને હૈયું ગૌરવથી છલકાઈ ગયું. ધર્મ અને સંસ્કૃતિની અસલી મઝા સ્પર્ધામાં છે. કોઈની સાથે હરીફાઈ ન હોય, કોઈને પછાડવાના ન હોય, કોઈને નીચાજોણું કરાવવાનું ન હોય તો કેવળ પોતાનાં ધર્મ ને સંસ્કૃતિની માળા ફેરવવામાં શી મઝા?
આપણી
સંસ્કૃતિ સ્વતંત્ર રીતે મહાન હોય એવું જરૂરી નથી અને એવું હોય તો પણ તે પૂરતું તો
જરાય નથી. ‘આપણી
સંસ્કૃતિ’ એટલે
સિંધુ સંસ્કૃતિથી શરૂ કરીને પાંચ-છ હજાર વર્ષનો કયો હિસ્સો—તેની ચર્ચા પણ ગૌણ છે.
તે બધું કામ બાલની ખાલ કરનારા સંશોધકોને સોંપ્યું.
આપણું
કામ જુદું છે. રીલે દોડમાં જેમ સ્પર્ધકો હાથમાં એક નાનકડું ભૂંગળું લઈને દોડે છે
અને તેમનું અંતર પૂરું થતાં, તે ભૂંગળું ત્યાં ઊભેલા બીજા સાથીદારને આપે છે એટલે
પછી તે ભૂંગળું લઈને દોડવા માંડે છે. એવી રીતે, આપણું કામ સંસ્કૃતિનું ભૂંગળું
લઈને, કચકચાવીને દોડવાનું અને આપણી સંસ્કૃતિને વિજેતા બનાવવાનું છે. તેમાં ભૂંગળું
કોણ પકડાવે છે અને ભૂંગળામાં શું છે (કે શું લખ્યું છે) એ જોવા કોણ રહે? જે એવા ચીકણાવિદ્યા કરવા રહે તે
દોડી ન શકે અને એવા લોકોએ જીતવાનું તો ભૂલી જ જવાનું. સવાલ આપણી હારજીતનો નથી—સંસ્કૃતિની
હારજીતનો છે અને તેની જવાબદારી આપણી છે. કમ સે કમ, ભૂંગળું પકડાવનારાએ તો એવું જ
કહ્યું છે.
કોઈ
વાંકદેખા કહેશે કે આપણું આયુષ્ય સાત-આઠ દાયકાનું અને સંસ્કૃતિ તો પાંચ-સાત હજાર
વર્ષ જૂની છે. તો આપણે સંસ્કૃતિને કેવી રીતે જીતાડી શકીએ? આવી દલીલની ભ્રમજાળમાં પડવું નહીં.
આવી આળસથી જ સંસ્કૃતિ હારી રહી છે અને તેને જીતાડવાની જરૂર પડી છે. દલીલબાજને કહી
દેવાનું કે પાંચ-સાત હજાર વર્ષ સુધી તમારા જેવા આળસુ અને ઉદાસીન લોકોના હાથમાં
સંસ્કૃતિનું સુકાન રહ્યું, એટલે જ આજે આ દશા આવી છે અને આપણે જોર લગાડીને
સંસ્કૃતિને જીતાડી દઈએ તો બીજાં પાંચ-સાત હજાર વર્ષ સુધી વાંધો નહીં આવે.
વળી
કોઈ એવી દલીલ કરે કે સંસ્કૃતિઓ વચ્ચે ખેલકૂદની સ્પર્ધા કે મેચ તો રમાતી નથી, તો
પછી તેમની હારજીત શી રીતે નક્કી થાય? ખરું પૂછો તો આવી કે આગળ જણાવેલી કોઈ પણ પ્રકારની દલીલ કરનારને
સંસ્કૃતિના વિરોધી જાહેર કરી દેવા, એ સૌથી સલાહભરેલું--અને સહેલું પણ-- છે.
ચર્ચામાં ઉતરીએ તો હારવાની આશંકા રહે. એને બદલે આવા મુદ્દા ઊભા કરનારનું ટ્રોલિંગ
જ ચાલુ કરી દેવાનું. એવું કરવાથી સામેવાળો માણસ સંસ્કૃતિની દુહાઈ આપવા માંડશે અને
કહેશે કે ‘આ કંઈ
આપણી સંસ્કૃતિ નથી.’ એ
વખતે કહી દેવાનું કે આપણી સંસ્કૃતિ બચાવવા માટે અને આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવવા
માટે સંસ્કૃતિની બહાર જઈને પગલાં ભરવાં પડે, તેનો પણ અમને બાધ નથી. બસ, કોઈ પણ
ભોગે અને કોઈના પણ—અરે, સંસ્કૃતિના પોતાના પણ—ભોગે, સંસ્કૃતિ જીતવી જોઈએ, તેના
વાવટા ફરકવા જોઈએ. વાવટા તરીકે કોઈ વસ્ર હોય તો તેનો પણ બાધ નથી.
જે
દિવસે જગતઆખામાં ક્રિસમસ ટ્રીની બોલબાલા ચાલતી હોય, ભેટો અને સુશોભનથી લદાયેલા
ક્રિસમસ ટ્રી પર રોશની ઝળહળતી હોય ત્યારે તુલસીપૂજનની વાત કરવી, એ પ્રખર
સંસ્કૃતિપ્રેમ માગી લેતી ચેષ્ટા છે. તેનાથી થયેલા સનાતન ધર્મના જયજયકારના પડઘા છેક
ધ્રુવ પ્રદેશો સુધી પડ્યા છે અને ત્યાંનાં પેંગ્વિનો તેમ જ ધ્રુવીય રીંછો પણ સનાતન
ધર્મનો જયજયકાર ગજાવી રહ્યાં છે. તુલસીનું આપણી સંસ્કૃતિમાં આગવું મહત્ત્વ છે.
તુલસી નાખેલી ચા પણ સરસ લાગે છે, જ્યારે ક્રિસ્મસ ટ્રીનાં પાંદડાં ચામાં નાખવાથી
તેમનો કશો સ્વાદ આવતો નથી. ચા પરદેશી પીણું છે, છતાં તે ક્રિસ્મસ ટ્રીને બદલે
તુલસી તેના સ્વાદમાં ઉમેરો કરે છે, એ દર્શાવે છે કે સનાતન ધર્મ જ સર્વોપરી છે. આ
દલીલ આગળ વધારતાં કોઈ તુલસીના છોડને બદલે તુલસી પાનમસાલાનાં ગુણગાન ગાવાનું શરૂ
કરી દે, ત્યારે આજુબાજુ કોઈ તેની વિડીયો ઉતારતું ન હોય એટલું ધ્યાન રાખવું. તે પણ
સંસ્કૃતિના રક્ષણનો જ એક ભાગ છે.
ક્રિસ્મસ
ટ્રી તમામ કદમાં મળે છે, જ્યારે તુલસીના છોડ અમુકથી વધારે મોટા હોતા નથી. પરંતુ
કોઈ પણ રીતે સંસ્કૃતિને જીતાડવી હોય તો દેશના વિજ્ઞાનીઓએ તુલસીના છોડને બર્ફીલા
પ્રદેશોમાં થતાં મોટાં વૃક્ષ જેટલા તોતિંગ બનાવવાની દિશામાં પ્રયોગો કરવા પડશે. એમ
કરવાથી સંસ્કૃતિની જીતમાં વિજ્ઞાન પણ ભળશે અને આપણી સંસ્કૃતિનું અવ્વલપણું
વિજ્ઞાનઆધારિત છે, એવું પણ કહી શકાશે. તુલસીના છોડને બદલે વૃક્ષ થાય, ઠેકઠેકાણે
તેમનું વાવેતર કરવામાં આવે અને તેમની સરસ ઘટા થતી હોય, તો તે વૃક્ષોને કાપીને પણ
દેશનો વિકાસ કરી શકાય. આમ, તુલસીના વૈજ્ઞાનિક પ્રયોગો અને ઉપયોગોની શક્યતા અનંત
છે.
દરેક
સંસ્કૃતિપ્રેમીનું અને આપણી સંસ્કૃતિનો જયજયકાર ઇચ્છનારનું સ્વપ્ન હોવું જોઈએ કે
2047 સુધીમાં દુનિયાભરમાંથી ક્રિસ્મસ ટ્રી વપરાતાં બંધ થઈ જાય અને તેમની જગ્યાએ
ક્રિસ્મસના તહેવારમાં તુલસીના છોડ જ જોવા મળે. દુનિયાભરમાં તુલસીના છોડ પૂરા
પાડવાનું કામ સહેલું નથી, પણ વિશ્વગુરુ સંસ્કૃતિવિજયના ઝનૂનથી પ્રયાસ કરશે તો તે
અશક્ય નથી.
--અને
ધારો કે, 2047 સુધીમાં આ લક્ષ્ય હાંસલ ન થયું તો? નવી મુદત 2075ની આપી દેવાની.
વડાપ્રધાન પાસેથી એટલી પ્રેરણા તો લઈ શકાય ને?