Showing posts with label cartoon. Show all posts
Showing posts with label cartoon. Show all posts

Thursday, April 23, 2020

મહાન ચિત્રકૃતિઓની કોરોના-સ્પેશ્યલ પ્રતિકૃતિ


કોરોના કટોકટીએ કરુણ કહેરની સાથોસાથ કાર્ટૂનિસ્ટોની સર્જકતાને પણ મોકળું મેદાન પૂરું પાડ્યું છે. કાર્ટૂનમાં એક રીત તે જાણીતી કળાકૃતિઓની પ્રતિકૃતિ એટલે કે પૅરડી કરવાની હોય છે. તેમાં શરત એટલી કે મૂળ કૃતિ અત્યંત જાણીતી હોવી જોઈએ. તો જ મોટા ભાગના લોકો તેની પૅરડીનો આનંદ લઈ શકે. છેલ્લા એકાદ મહિનામાં જોયેલાં કેટલાંક આંતરરાષ્ટ્રીય કાર્ટૂનમાંથી મળી આવેલી જગવિખ્યાત કળાકૃતિઓની પ્રતિકૃતિઓઃઃ
Monalisa, Leonardo da Vinci
મોનાલિસા, લિઓનાર્દો દ વિન્ચી (નીચે, માસ્કધારી)



The Last Supper, Leonardo da Vinci
ધ લાસ્ટ સપર, લિઓનાર્દો દ વિન્ચી (નીચે, તેની સોશિયલ ડિસ્ટન્સિંગ આવૃત્તિ)



The Creation of Adam, Michelangelo
ધ ક્રીએશન ઑફ આદમ, માઇકલએન્જેલો (નીચે, 'ડોન્ટ ટચ' આવૃત્તિ) 



Vincent Van Gogh, Self Portrait
વિન્સેન્ટ વાન ગોગ, સેલ્ફ પોર્ટ્રેઇટ (નીચે બે કાર્ટૂન)
૧. કાન કપાયેેેેલો હોય તો માસ્ક કેમ પહેરવો ?
૨. તેના વિખ્યાત ચિત્ર 'સ્ટારી નાઇટ્સ'નો ટુકડો માસ્ક તરીકે
 


The Scream, Edvard Munch 
ધ સ્ક્રીમ, એડવર્ડ મન્ચ (નીચે, લૉક ડાઉન આવૃત્તિ)

Guernica, Pablo Picasso
ગ્વર્નિકા, પાબ્લો પિકાસો (નીચે, માસ્ક આવૃત્તિ, નામ છે કોરોનિકા)


American Gothic, Grant Wood
અમેરિકન ગોથિક, ગ્રાન્ટ વૂડ (નીચે, લૉક ડાઉન આવૃૃૃૃૃૃત્તિ)


Wednesday, June 19, 2019

રાજકીય કાર્ટૂન : અબ તેરા ક્યા હોગા?

૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં તે પહેલાં કેટલાક લોકો ગંભીરતાથી નહીં, પણ વિરોધની અભિવ્યક્તિ તરીકે કહેતા હતા, 'નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો અમે અમેરિકા જતા રહીશું.’ પરંતુ થોડા વખત પછી ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા, ત્યારે ‘અમે અમેરિકા જતા રહીશું’--એવું કહેનારા પાસેથી અમેરિકા પણ છીનવાઈ ગયું. કારણ કે ટ્રમ્પ તો બધાને ટપે એવી ધોરાજી હંકારવા લાગ્યા. અમેરિકાનાં ઉદાર મતવાદી પ્રસાર માધ્યમોથી માંડીને કાર્ટૂનિસ્ટો અને સ્ટેન્ડ અપ કૉમેડિયનો સુધીના સૌ કોઈની ટીકા અને હાંસી પછી પણ ટ્રમ્પ આટલું ખેંચી ગયા.

અમેરિકા જેવા લોકશાહી મૂલ્યોની કદર અને ખુલ્લાપણા માટે, બેરોકટોક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જાણીતા દેશમાં ટ્રમ્પ જેવો લોકશાહી મિજાજથી વિરોધી વલણ ધરાવતો માણસ પ્રમુખ બની જાય, એને ફક્ત લોકશાહીની નહીં, બદલાયેલા સમયની પણ તાસીર ગણવી રહી. આ સમય એવો છે, જેમાં લોકોની અસલામતી ભડકાવીને, સારપોને બદલે શંકાકુશંકાઓ-દ્વેષ-ધીક્કાર જગાડીને તેમને પોતાની તરફ ખેંચી શકાય છે. સોશ્યલ મિડીયા તેમાં અઢળક ફાળો આપે છે. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પર 'ફેસબુક' થકી રશિયા અસર પાડી શકે, એવી અસંભવ લાગતી વાત પણ ટૅક્નોલોજીએ અને આગળ લખેલાં પરિબળોએ શક્ય કરી બતાવી છે. રાષ્ટ્રવાદના (‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’) દેખાવ સાથે, દેશભક્તિના નામે ટ્રમ્પ દેશના સામાજિક-ધાર્મિક-લોકશાહી-સહિષ્ણુ પોતને વીંખી શકે છે--અને આ લશ્કરના જોરે ચડી બેઠેલા કોઈ કિમ જોંગ પ્રકારના સરમુખત્યારની વાત નથી, અમેરિકા જેવી ઊંડાં મૂળીયાં ધરાવતી લોકશાહીએ આટલા વર્ષે આપેલા નમૂનાની વાત છે.

ટ્રમ્પવિજયથી ઘણા નાના પાયે, પણ કંઈક એ જ પ્રકારનો અહેસાસ આપે એવી ઘટના ગયા અઠવાડિયે બની. ટ્રમ્પની ટીકામાં અગ્રસર ગણાતા અને લોકશાહી મૂલ્યોમાં-ધીક્કારવિરોધી રાજકારણમાં માનનાર તરીકે પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂ યોર્ક ટાઇમ્સે' નિર્ણય કર્યો કે તે હવે રાજકીય કાર્ટૂન પ્રગટ નહીં કરે. ઉત્તમ ગુણવત્તા અને ટ્રમ્પની ટીકાના મામલે નિર્ભિકતા માટે જાણીતા 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ને આવો નિર્ણય શા માટે લેવો પડ્યો? કારણ કે થોડા સમય પહેલાં તેની આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં એક કાર્ટૂન છપાયું હતું, જેમાં માથે યહુદી ટોપી પહેરેલા અંધ ટ્રમ્પને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ દોરી રહ્યા છે. તેમને શ્વાન સ્વરૂપે દર્શાવાયા હતા, જેની દોરી ટ્રમ્પના હાથમાં હતી. આ કાર્ટૂનથી ભારે ઉહાપોહ થયો. અખબારે દિલગીરી વ્યક્ત કરવી પડી અને સંભવતઃ તેના લાંબા ગાળાના પરિણામ તરીકે, રાજકીય કાર્ટૂનનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

એ મુદ્દે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ની ટીકામાં જતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે તેણે પહેલેથી રાજકીય કાર્ટૂનની પરેજી પાળી છે. તેના રાજકીય કાર્ટૂનિસ્ટ પેટ્રિક શપેતે/Chappatte (ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી) તેની વેબસાઇટ પર આ સમાચાર સાથે મૂકેલી નોંધમાં લખ્યું છે કે 'ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં રાજકીય કાર્ટૂન શરૂ કરાવતાં તેને કેટલી મહેનત પડી. ‘આપણે ત્યાં રાજકીય કાર્ટૂન આવતાં નથી’ એવા ચોખ્ખા જવાબ છતાં પેટ્રિકે પ્રયાસ ચાલુ રાખ્યા. છેવટે અખબારની અમેરિકાની પ્રિન્ટ આવૃત્તિ સિવાય આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં અને તેની વેબસાઇટ પર રાજકીય કાર્ટૂન શરૂ કરાવવામાં પેટ્રિકને સફળતા મળી. વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન જોકે પેટ્રિકનું નહીં, અખબારને સિન્ડિકેટેડ સર્વિસમાંથી મળેલું હતું. એટલે કે એ તેના સ્ટાફ કાર્ટૂનિસ્ટે દોર્યું ન હતું કે તંત્રીઓમાંથી કોઈએ દોરાવ્યું ન હતું.

વિવાદ જગાડનાર કાર્ટૂનની ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના ધોરણ પ્રમાણે, તેના જ એક કટારલેખકે ટીકા કરી હતી. પરંતુ કાર્ટૂનની ટીકા કરતી વખતે પ્રત્યાઘાતનું માપ ન રહે ત્યારે ગંભીર સ્થિતિ સર્જાય છે. ભારતમાં એક કાર્ટૂનિસ્ટે નકામાં કાર્ટૂન બનાવ્યાં, ત્યારે યુપીએ સરકારના રાજમાં તેની પર રાજદ્રોહનો કેસ ફટકારી દેવાયો હતો. એ કાર્ટૂન બેશક સ્થૂળ, ભદ્દાં અને કળાતત્ત્વ વગરનાં હતાં. પરંતુ તેના કારણે તે રાજદ્રોહના કેસને લાયક નથી બની જતાં. ફ્રેન્ચ વ્યંગપત્ર ‘શાર્લી એબ્દો’ના કાર્ટૂનિસ્ટોને ધાર્મિક લાગણી દુભાવવા બદલ મારી નાખવામાં આવે, ત્યારે અપ્રમાણસરના પ્રત્યાઘાતની કરુણતાનો વરવો પરચો મળ્યો. મમતા બેનરજી પણ એ યાદીમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યાં છે. તેમના વિશેનું એકંદરે નિર્દોષ કહેવાય એવું કાર્ટૂન ફોરવર્ડ કરવા બદલ એક અધ્યાપક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આવા પ્રસંગો બને ત્યારે તેને 'કાર્ટૂનિસ્ટોની સ્વતંત્રતા પર તરાપ' તરીકે જોવામાં આવે છે. પણ ન્યૂ યોર્ક ટાઇમ્સના રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે હમણાં સુધી કામ કરનારા પેટ્રિકે 'ટેડ ટોક’માં કહ્યું હતું તેમ, આ સવાલ કાર્ટૂનિસ્ટોની નહીં, આપણી સૌની-નાગરિકોની અભિવ્યક્તિ પર તરાપનો હોય છે. કેમ કે, ઘણા લેખકોની અને ખાસ તો કાર્ટૂનિસ્ટો અભિવ્યક્તિ સ્વતંત્રતા કેવળ 'કળા ખાતર કળા' માટે નથી હોતી. તેમની વિરોધ અભિવ્યક્તિ પ્રવાહ સાથે તણાતા લોકોને વિચારતા કરવા માટેની હોય છે.

એ ખરું કે રાજકીય છાવણીઓના જમાનામાં કાર્ટૂન જેવી લોકશાહી ચીજનો ઉપયોગ લોકશાહી મૂલ્યોને પરાસ્ત કરવાના અને ધીક્કાર ફેલાવવાના હેતુ માટે પણ કરી શકાય છે. લેખકોની જેમ કાર્ટૂનિસ્ટો પણ સત્તાધીશોનાં ચાવીવાળાં રમકડાં બની શકે છે. એ બાબતમાં ભારતની સ્થિતિ હજુ સુધી તો સારી રહી છે. આર. કે. લક્ષ્મણ જેવી સર્વવ્યાપી નામના ધરાવતા કાર્ટૂનિસ્ટ અત્યારે ભલે કોઈ ન હોય (તેમની એવી નામના માટે ગુણવત્તા ઉપરાંત બીજાં પણ કારણ જવાબદાર હતાં), છતાં હેમંત મોરપરિયા, સતીશ આચાર્ય, મંજુલ, કેશવ, સુરેન્દ્ર જેવા બીજા ઘણા કાર્ટૂનિસ્ટો ઉત્તમ અને ધારદાર રાજકીય કાર્ટૂન બેરોકટોક આપી રહ્યા છે. તેમની મુશ્કેલીઓ  હશે જ, છતાં બહારની વ્યક્તિ તરીકે-કાર્ટૂનના ભાવક તરીકે એનડીએ સરકારમાં કાર્ટૂનિસ્ટો પર ધોંસ ઉતરી હોય એવું જણાતું નથી. ઇંદિરા ગાંધીએ  લાદેલી કટોકટી વખતે લક્ષ્મણનાં નિર્દોષ લાગે તેવાં કાર્ટૂન પણ સેન્સરની અડફેટે ચડી જતાં હતાં અને એ જ અરસામાં અબુ અબ્રાહમે કેટલાંક યાદગાર કટોકટીવિરોધી કાર્ટૂન પણ દોર્યાં હતાં.

સામાન્ય રીતે એવું મનાય કે બ્રિટન-અમેરિકાની સરખામણીમાં ભારત કાર્ટૂનક્ષેત્રે પછાત છે. અમેરિકામાં જે પ્રકારે હાસ્યવ્યંગના અનેક પ્રકારો અને મોટો પટ છે, એવું ભારતમાં નથી. ‘મૅડ’ જેવા તોફાની, પરંપરાભંજક અને બેફામ છતાં મૌલિક સામયિકની કલ્પના ભારતમાં ન થઈ શકે. તેમ છતાં, અમેરિકામાં અને તે પણ 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' જેવા અખબારમાં રાજકીય કાર્ટૂન બંધ કરવાનો નિર્ણય જાહેર થાય, ત્યારે ભારતમાં રાજકીય કાર્ટૂનોની તેજી ચાલતી હોય તે હકીકત, ટ્રમ્પના અમેરિકાએ ભારત માટે પુરા પાડેલાં (સરખામણી કરીને) રાજી થવાનાં કારણોમાં વધુ એકનો ઉમેરો કરે છે. 

Sunday, June 14, 2015

૧૨૦૦મી પોસ્ટ : રાજકીય કાર્ટૂન થકી રાજકારણની સફર, એક નવી શરૂઆત

અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી/ CEPT University વિશે પહેલી વાર ૧૯૮૭માં સાંભળેલું. જોકે, ત્રણ વર્ષ પાડોશમાં આવેલી એમ.જી.સાયન્સમાં ગાળ્યાં ત્યારે કદી ‘સેપ્ટ’માં જવાનું તો ઠીક, એ તરફ જોવાનું પણ થયું ન હતું. ‘સેપ્ટ’ની છાપ એકદમ ‘એલીટ’ શિક્ષણસંસ્થા તરીકેની. આર્કિટેક્ચર અને પ્લાનિંગની ઉત્તમ કૉલેજ તરીકે તેનું નામ. ૠતુલ જોષી જેવા મિત્રો તેમાં અધ્યાપક હોવાને કારણે થોડાં વર્ષોથી ‘સેપ્ટ’માં જવાનું થતું. પરંતુ ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓને કદીક ભણાવવાનું થશે, એવું વિચાર્યું ન હતું. ૠતુલ થકી જ ખબર પડી કે ‘સેપ્ટ’માં દર વર્ષે સમર સ્કૂલ અને વિન્ટર સ્કૂલ શરૂ થઇ છે. તેમાં આર્કિટેક્ચર સાથે સંબંધ હોય કે ન પણ હોય એવા ટૂંકા ગાળાના વિવિધ અભ્યાસક્રમ ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓ માટે મૂકાતા હોય છે. તેમણે કોઇ એક અભ્યાસક્રમની પસંદગી કરવાની.  આ કોર્સની તેમને પાંચ ક્રેડિટ મળે.

ૠતુલ સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી નક્કી કર્યું કે ‘સેપ્ટ’ની સમર સ્કૂલ ૨૦૧૫માં મારે એક વિશિષ્ટ કોર્સ મૂકવો : ‘રાજકીય કાર્ટૂનો દ્વારા ભારતના રાજકીય ઇતિહાસની સફર.’ આવો કોર્સ ‘સેપ્ટ’માં તો ઠીક, બીજે ક્યાંય પણ ચાલતો હોય એવું જાણમાં ન હતું. આ કોર્સ ચલાવવો સામાન્ય રીતે અઘરો પડે તેનું મુખ્ય કારણ : વિવિધ સમયગાળાનાં ઘટનાક્રમ સંબંધિત-વૈવિઘ્યપૂર્ણ કાર્ટૂન ક્યાંથી લાવવાં? મારે જોકે એ ચિંતા કરવાની ન હતી. બલ્કે, આ કોર્સનો વિચાર જ અમારા (બીરેનના અને મારા) વિશાળ કાર્ટૂનસંગ્રહમાંથી આવ્યો હતો.

(Click to enlarge)

(Click to enlarge)

૧૯૮૭-૮૮ની આસપાસ બીરેને ઘરે ‘ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’/ The Illustrated Weekly Of India મંગાવવાનું શરૂ કર્યું હતું. એ વખતે હું બારમા ધોરણમાં કે કૉલેજના પહેલા વર્ષમાં હોઇશ. પ્રીતિશ નાંદીના તંત્રીપદા હેઠળના ‘વિકલી’એ જીવનમાં ઘણી દિશાઓ ઉઘાડી આપી. રાજકારણમાં તો એ વખતે રસ પડતો નહીં. (હજુ પણ રસ તો નથી જ પડતો. લખવાનું મોટે ભાગે નાગરિકી ફરજના ભાગરૂપે થાય છે.) પરંતુ ‘વિકલી’માં આવતું અઠવાડિયાનાં શ્રેષ્ઠ કાર્ટૂનનું પાનું ‘નેશનલ લૅમ્પૂન’? National Lampoon તરત ગમવા લાગ્યું. ઉપરાંત મારિઓ મિરાન્ડા/ Mario Miranda અને હેમંત મોરપરિયા/Hemant Morparia નાં કાર્ટૂન અડધા-અડધા પાનામાં આવતાં હતાં.
(National Lampoon Page- click for large view)

એ વખતે (અને ત્યાર પહેલાં-પછી પણ) ભારતીય કાર્ટૂનજગતમાં આર.કે.લક્ષ્મણનો દબદબો. જેમ વેજીટેબલ ઑઇલ એટલે ‘ડાલડા’ અને ચૉકલેટ એટલે ‘કૅડબરી’, તેમ કાર્ટૂન એટલે લક્ષ્મણ. પરંતુ ‘વિકલી’માં ‘નેશનલ લેમ્પૂન’ના વાચનથી કાર્ટૂનનું આખું બ્રહ્માંડ ખુલી ગયું : અબુ અબ્રાહમ, ઓ.વી.વિજયન, રાજિન્દર પુરી, સુધીર દાર, કેશવ, ઉન્ની, પોનપ્પા, સુધીર તેલંગ અને બીજા ઘણા. સમજાયું કે લક્ષ્મણ ગ્રેટ છે, પણ બીજા ઘણા એટલા જ --અને ઘણી વાર તો વધારે--ગ્રેટ છે. બલ્કે, સરખામણીનો બહુ મુદ્દો નથી. ‘દાદા’ કહેવાય એવા ફક્ત લક્ષ્મણ નથી, બીજા પણ ઘણા છે.

બીરેન ત્યારે આઇ.પી.સી.એલ.માં કામ કરે. એટલે તેની લાયબ્રેરીના કાતરિયામાંથી લાયબ્રેરિયનની મંજુરી સાથે તે જૂનાં છાપાંમાંથી પરસેવે રેબઝેબ થઇને પણ રાજિન્દર પુરી, સુધીર તેલંગ, ઉદયન, પોનપ્પા જેવાંનાં કાર્ટૂનના કટિંગ કરી લાવે. એ કાર્ટૂનના અમે વ્યવસ્થિત સંગ્રહ બનાવતા હતા. એ અરસામાં ‘પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’ અમદાવાદના રેલવે સ્ટેશને જોવામાં આવી. એ ખરીદી લીધી. તેમાં પણ બહુ રસ પડ્યો. ત્યાર પછી કાર્ટૂનને લગતાં બીજાં પુસ્તક પણ ખરીદ્યાં. લક્ષ્મણ સિવાય બીજાં કાર્ટૂનિસ્ટનાં પુસ્તક ઓછાં બહાર પડે. પણ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં આદ્ય એવા શંકરનું પુસ્તક મિત્ર સંજય ભાવે દિલ્હીના આંતરરાષ્ટ્રિય પુસ્તકમેળામાંથી ખાસ યાદ રાખીને લઇ આવ્યા હતા.

‘વિકલી’માં મોરપરિયાનાં કાર્ટૂનના પ્રશંસક બન્યા પછી તેમને ચાહક તરીકે પત્ર લખ્યો. મુંબઇ ગયા ત્યારે તેમને મળ્યા અને એક લાંબા સંબંધની શરૂઆત થઇ. અમારી પહેલી મુલાકાતને પચીસ વર્ષ થયાં. એ સંબંધનું એક મઘુર પરિણામ એ છે કે ગુજરાતી લખી-વાંચી નહીં શકતા ગુજરાતી હેમંત મોરપરિયા પાસેથી ‘સાર્થક જલસો-૪’માં એક સરસ લેખ મળ્યો.

કાર્ટૂન પ્રત્યેના ઊંડા, સન્નિષ્ઠ અને કશી અપેક્ષા વગરના પ્રેમનું  બીજું મોટું પરિણામ એટલે ‘સેપ્ટ’ની સમર સ્કૂલમાં આ વખતે મુકાયેલો કોર્સ. બે દાયકા કરતાં પણ વધુ સમયથી કાર્ટૂન એકઠાં કરતી વખતે નિજાનંદ સિવાય બીજો કશો ખ્યાલ ન હતો. પરંતુ એ સંગ્રહને એક સાર્થક દિશા મળી અને તેનો સાર્થક ઉપયોગ એક સરસ કોર્સના સ્વરૂપે થઇ શક્યો, તેનાથી ઊંડો સંતોષ થાય છે.

‘સેપ્ટ’માં ત્રણ અઠવાડિયાના કોર્સમાં ગાંધી-સરદાર-સુભાષ-આંબેડકર-ઝીણા-લિયાકલઅલી-નેહરુનાં કાર્ટૂન અને તેમના સમયગાળાના ઇતિહાસની વાતો, નેહરુયુગ, લાલબહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધીયુગ, કૉંગ્રેસનું વિભાજન, જનતા સરકારનો સમય, રાજીવ ગાંધી, ચંદ્રશેખર, દેવે ગૌડા, ગુજરાલ, સોનિયા ગાંધીની આનાકાની, કૉંગ્રેસપ્રમુખ સીતારામ કેસરીની મનમાની, નરસિંહરાવનો યુગ, આર્થિક ઉદારીકરણ, વાજપેયીની સરકાર, યુપીએ સરકાર, એનડીએ સરકાર,  પરમાણુ શસ્ત્રોના પરીક્ષણનું રાજકારણ, કોમી રાજકારણ- જેવા ઘણા મહત્ત્વના વિષયો આવરી શકાયા.
Urvish Kothari with CEPT summer school students (on last day of the class)

મારો કોર્સ પસંદ કરનાર ૯ વિદ્યાર્થીઓને કાર્ટૂન, વિડીયો, તસવીરો અને વાર્તાલાપની મદદથી ઇતિહાસની સફર કરાવી, ત્રણ અઠવાડિયામાં સંખ્યાબંધ કાર્ટૂન બતાવ્યાં. નજીકના ભૂતકાળના ઇતિહાસની અનેક ઉથલપાથલોનું કાર્ટૂનિસ્ટોની નજરે દર્શન કરાવ્યું.  મહેનત બહુ પડી, પણ એ કામ થઇ શક્યું તેનો ઘણો સંતોષ થયો. સાથોસાથ, એ પણ સમજાયું કે આ જ વિષય એક-દોઢ કલાકના જાહેર કાર્યક્રમ તરીકે રજૂ કરી શકાય અને એક-બે મહિના સુધી બાકાયદા અભ્યાસક્રમ તરીકે પત્રકારત્વના કે બીજા અભ્યાસક્રમોમાં પણ મઝાથી શીખવી શકાય એમ છે.

એક વર્ષ પહેલાં પત્રકારત્વમાં માસ્ટર્સનો અભ્યાસક્રમ પૂરો કર્યો ત્યારે બે વર્ષ વિદ્યાર્થી અવસ્થાનો આનંદ લીધો હતો. ‘સેપ્ટ’ના કોર્સથી મારા મનમાં શિક્ષણનો જેવો ખ્યાલ હતો, એવું શિક્ષણ આપવાનું શક્ય છે અને આપી શકાય છે, એ વાતનો સંતોષ મળ્યો છે.

કાર્ટૂન દ્વારા રાજકીય ઇતિહાસની સફરનો આ પહેલો મુકામ હતો. આગળ તે કેવું સ્વરૂપ લેશે અને ક્યાં લઇ જશે એ જાણતો નથી-જાણવાની જરૂર પણ નથી. કારણ કે કાર્ટૂનનો સંગ્રહ શરૂ કર્યો ત્યારે ક્યાં ખબર હતી કે બે દાયકા પછી એને વિષય તરીકે ભણાવવાની તક મળશે.  

Monday, January 26, 2015

‘ભારતરત્ન’થી વંચિત એવા અસલી ભારતરત્ન : આર.કે.લક્ષ્મણ

(ગઇ કાલે રવિવાર ૨૫-૧૫, ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં પ્રગટ થયેલો આ લેખ હજુ બ્લોગ પર મૂકું એ પહેલાં તેમના અવસાનના સમાચાર આવ્યા છે. તેમને અંજલિના પહેલા ભાગ તરીકે આ લેખ.)
(L to R) અબુ અબ્રાહમ, મારિઓ મિરાન્ડા અને સુધીર દારે દોરેલાં લક્ષ્મણનાં
કેરિકેચર/ caricature of R.K Laxman by Abu, Mario and Sudhir Dar

૯૪ વર્ષના કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણને ગયા સપ્તાહે પૂનાની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરાયા, ત્યારે સમાચાર જાણીને એક અણદેખીતું સામ્ય તાજું થયું : લતા મંગેશકર અને આર.કે.લક્ષ્મણ/ R K Laxman.

આઝાદ ભારતનાં સૌથી પ્રસિદ્ધ, સૌથી જાણીતાં, પ્રચંડ પ્રતિભાશાળી એવાં દસ બિનરાજકીય નામની યાદી બનાવવાની થાય તો તેમાં આ બન્ને નામ મૂકવાં પડે. ‘ભારતરત્ન’ની યાદીમાં લતા મંગેશકરનું નામ (યોગ્ય રીતે જ) છે, પણ આર.કે.લક્ષ્મણનું નામ નથી એ લક્ષ્મણ માટે નહીં, સન્માન માટે શરમજનક બાબત છે. રીઢા રાજકારણીઓને ફટ દઇને મળી જતું આ સન્માન આઝાદ ભારતના જાહેર જીવનમાં સૌથી નોંધપાત્ર પ્રદાન કરનાર હસ્તીઓમાંના એક લક્ષ્મણને ન મળ્યું હોય, તો ભોગ એ સન્માનના.

લતા મંગેશકર અને આર.કે.લક્ષ્મણ- એ બન્નેની કારકિર્દી આઝાદી પહેલાં શરૂ થઇ ચૂકી હતી. બન્નેમાં પ્રતિભાનો વિસ્ફોટ બાળવયે દેખાઇ ગયો હતો, જે સંજોગો અને યોગ્ય પ્રોત્સાહનના બળે દાયકાઓ સુધી આખા ક્ષેત્રને ઝળાંહળાં કરતો રહ્યો. આ બન્નેના પ્રદાન માટે ‘યુગસર્જક’થી ઓછું બીજું એકેય વિશેષણ વાપરી ન શકાય. અલબત્ત, એ પણ ખરું કે પોતપોતાનાં ક્ષેત્રોનાં ‘નંબર વન’ એવાં આ બન્ને કલાકારો માટે તેમના ક્ષેત્રના બીજા કળાકારોનો અભિપ્રાય મિશ્ર છે. તેમની કળાને સલામ કર્યા પછી, તેમની સફળતામાં કળા ઉપરાંતના પરિબળો (અસલામતી, હરીફાઇને ડામી દેવી, પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પોતાનો સિક્કો જમાવેલો રાખવો) વિશે પણ ચર્ચા થતી રહી છે. એ બાબતમાં ટીકાનો લાભ લતા મંગેશકરને વધારે મળ્યો છે. કેમ કે, કાર્ટૂનકળાનો વ્યાપ અને તેના વિશેની ચર્ચા-ગોસિપ ગીત-સંગીતના પ્રમાણમાં ઓછાં જ હોય.

વ્યાવસાયિક કાર્ટૂનિસ્ટ તરીકે મુંબઇના ‘ફ્રી પ્રેસ જર્નલ’માં થોડો સમય કામ કર્યા પછી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ લક્ષ્મણનું આજીવન ઠેકાણું બની રહ્યું. તેમની પ્રચંડ ખ્યાતિ અને પ્રતિષ્ઠા માટે તેમના કામની ગુણવત્તા ઉપરાંત દેશના નંબર વન અંગ્રેજી અખબાર સાથે દાયકાઓનો નાતો અને સતત લોકનજરમાં રહેતું તેમનું કામ પણ મહત્ત્વનાં ગણવાં પડે. લક્ષ્મણ પહેલાં અને પછી બીજા ઘણા પ્રતિભાશાળી કાર્ટૂનિસ્ટો થયા હોવા છતાં, ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એવી વ્યાપક છાપ ઊભી થઇ, એ પણ મહદ્‌ અંશે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સાથેના તેમના લાંબા જોડાણને કારણે. લોકપ્રિયતાને કારણે તેમના કાર્ટૂનના ઘણા સંગ્રહ પ્રકાશિત થયા અને છૂટથી ઉપલબ્ધ બન્યા (જે બીજા કાર્ટૂનિસ્ટોના કિસ્સામાં શક્ય ન બન્યું).

ભારતમાં આધુનિક કાર્ટૂનકળાના આદિપુરુષ ગણાતા, (‘શંકર્સ વિકલી’ખ્યાત) કે.શંકર પિલ્લઇ હોય કે તેમની સાથે કામ કરી ચૂકેલા અબુ અબ્રાહમ- કાર્ટૂનક્ષેત્રે તેમનું નામ અને પ્રદાન મોટું હતું. અબુ તો બ્રિટનનિવાસ દરમિયાન લાંબા સમય સુધી ‘ગાર્ડિયન’ અખબારમાં રાજકીય કાર્ટૂન આપતા. એ રીતે તેમણે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. ભારતમાં આવ્યા પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં તેમણે તીખાં રાજકીય કાર્ટૂન કર્યાં. વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં અબુએ કહ્યું હતું કે લક્ષ્મણ મુખ્યત્વે સામાજિક કાર્ટૂનિસ્ટ છે. માત્ર લક્ષ્મણનાં જ કાર્ટૂનથી પરિચિત લોકોને આ વિધાન જરા વિચિત્ર લાગે, પરંતુ શંકર, અબુ અબ્રાહમ, રાજિન્દર પુરી જેવાનાં રાજકીય કાર્ટૂન જોનારને અબુની વાતમાં રહેલા તથ્યના અંશ સમજાશે.

રાજકીયને બદલે મહદ્‌ અંશે નિર્દોષ રમુજી કહેવાય એવાં કાર્ટૂન માટે જાણીતા સુધીર દારે એક સામયિકને આપેલી મુલાકાતમાં, લક્ષ્મણનાં કાર્ટૂનમાં થતાં પ્રતીકોના પુનરાવર્તનની વાત કરી હતી. અલબત્ત, તેમણે એ માટે લક્ષ્મણના કામના જથ્થાને જવાબદાર ગણ્યો હતો. રોજ ‘યુ સેઇડ ઇટ’નું પોકેટ કાર્ટૂન અને એ સિવાય અઠવાડિયામાં ત્રણ-ચાર મોટાં રાજકીય કાર્ટૂન - આટલા જથ્થામાં ગુણવત્તા ટકાવવાનું કેટલું કપરું બને, એ સમજાય એવું છે.

કાર્ટૂન ઉપરાંત ઠઠ્ઠાચિત્રો (કૅરિકેચર) અને હળવા કે ગંભીર સ્કેચ પણ લક્ષ્મણે અઢળક બનાવ્યા. ‘માલગુડી ડેઝ’ અને ‘ગાઇડ’ સહિત અનેક કૃતિઓથી જાણીતા મોટા ભાઇ આર.કે.નારાયણની કથાઓ માટે લક્ષ્મણે ચિત્રો બનાવ્યાં હતાં, તો ‘એશિયન પેઇન્ટ્‌સ’ના પ્રતીક જેવો, હાથમાં પીંછી અને રંગનું ડબલું પકડેલો બાબલો (‘ગટ્ટુ) પણ લક્ષ્મણની પીંછીની કમાલ હતો. દાયકાઓ પહેલાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નાં પ્રકાશન ‘ફિલ્મફેર’માં દર મહિને તે ‘ધ સ્ટાર્સ આઇ મેટ’ નામે કોઇ એક કલાકારનું રંગીન ઠઠ્ઠાચિત્ર કરતા હતા, તો ‘ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’માં તેમનાં કાર્ટૂન ઉપરાંત એક વાર તેમણે કરેલા સૌરાષ્ટ્રના લોકજીવનના સ્કેચ છપાયા હતા. ચંચળ અને ચતુર પક્ષી ગણાતા કાગડાનાં તેમણે કરેલાં ચિત્રોનાં તો અલગ પ્રદર્શનો પણ થઇ ચૂક્યાં છે.

અમિતાભ બચ્ચન કે ભીમસેન જોશી જેવા ઘેધુર કંઠના સ્વામીઓ ઑલ ઇન્ડિયા રેડિયોની અવાજની કસોટીમાંથી નાપાસ થયા હતા, એવી જ રીતે આર.કે.લક્ષ્મણને મુંબઇની વિખ્યાત જે.જે.સ્કૂલ ઑફ આર્ટ્‌સમાં પ્રવેશ મળ્યો ન હતો. એ માટે સ્કૂલે આપેલું કારણ હતું : ‘અમારી સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે જે જાતની પ્રતિભા જોઇએ, એ તમારામાં લાગતી નથી’. વર્ષો પછી એ જ જે.જે.સ્કૂલમાં ઇનામ વિતરણ સમારંભના મુખ્ય મહેમાન તરીકે લક્ષ્મણને જવાનું થયું ત્યારે તેમણે પ્રવચનમાં પોતાને ઍડમિશન ન આપવા બદલ સ્કૂલનો આભાર માનતાં કહ્યું હતું કે, ‘જો પ્રવેશ મળ્યો હોત તો હું કાર્ટૂનિસ્ટ બનવાને બદલે કોઇક એડ એજન્સીમાં મચ્છર અગરબત્તીનાં કે કોસ્મેટિક્સનાં કે વિટામીનની જાહેરખબરો માટે રૂપકડાં બાળકોનાં ચિત્રો દોરતો પડ્યો હોત.’

લક્ષ્મણ જેમ કાર્ટૂનનો પર્યાય બન્યા, તેમ તેમનો સર્જેલો કૉમનમેન ખુદ લક્ષ્મણનો પર્યાય બની ગયો. કૉમનમેનની ક્રમિક ‘ઉત્ક્રાંતિ’ કેવી રીતે થઇ તેનાં ચિત્રો આ લેખ સાથે મુક્યાં છે. પરંતુ આઝાદ ભારતનાં સૌથી જાણીતાં અને દીર્ઘજીવી પ્રતિકોમાં આમઆદમી ઊર્ફે કૉમન મેનનું સ્થાન છે. પૂના-મુંબઇમાં કૉમન મેનનાં પૂતળાં પણ ઊભાં કરવામાં આવ્યાં છે. ભારતમાં કોઇ કાર્ટૂનિસ્ટે સર્જેલા પાત્રનું આવું સન્માન થાય, તે અસાધારણ ઘટના છે.

ભારત જેવા પ્રચંડ વૈવિઘ્ય ધરાવતા દેશમાં ‘કૉમન મેન’ વ્યાખ્યાયિત કરવાનું અઘરું છે. પણ લક્ષ્મણનો કૉમન મેન ભારતના સામાન્ય નાગરિકનું આબાદ પ્રતિનિધિત્વ કરે છે. તે કશું બોલતો નથી. ફક્ત જુએ છે. આઝાદી પછી દાયકાઓ વીત્યા, પણ તારક મહેતાના ટપુડાની જેમ કૉમન મેનનો દેખાવ બદલાયો નથી. એ જ ટોપી, ચશ્માં, ચોકડીવાળો કોટ, ધોતી, મૂછો, બહાર નીકળતા કાન, માથે ટાલ અને ટોપીમાંથી બહાર નીકળતા થોડા વાળ...આ સ્વરૂપ ૧૯૫૪માં ફાઇનલ થયા પછી જરા પણ ન બદલાવા થતાં જૂનું કે વાસી થયું નથી, એ તેનો મહીમા છે. કૉમન મેનનાં કાર્ટૂન પરથી બનેલી ટીવી શ્રેણી ‘વાગલેકી દુનિયા’ અત્યંત લોકપ્રિય બની હતી, તો થોડાં વર્ષો પહેલાં એક અહેવાલમાં વાંચ્યા પ્રમાણે, કૉમન મેનના કોટમાં ચોકડીની સંખ્યા એકી હશે કે બેકી, તેની ઉપર પણ સૌરાષ્ટ્રમાં સટ્ટો રમાતો હતો.
Evolution of R K Laxman's common man / લક્ષ્મણના કોમન મેનની ઉત્ક્રાંતિ

કૉમન મેન જેવા સદાબહાર પાત્રના સર્જક લક્ષ્મણને આધુનિક ટેકનોલોજી સાથે બહુ ગોઠ્યું નહીં. ૧૯૯૮માં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘આપણે આગળ વધવાનું બંધ કરી દેવા જેવું હતું. જુઓ તો ખરા, હવે કેવી કેવી ચીજો આવે છે. સેલફોન. મને આ બધી ચીજો દીઠી ગમતી નથી. એ બિલકુલ બિનજરૂરી છે. અને આ ગાડીઓ (કાર) જુઓ. પહેલાંના જમાનાની ફોર્ડ અને શેવરોલે કેવી સુડોળ અને જાજરમાન હતી. હવે તે તોતિંગ ને કદરૂપી હોય છે. અને પેન- અમે અમારી પેનના આકાર અને તેના અહેસાસને પ્રેમ કરતા હતા. આ બોલપોઇન્ટ પેન મને ગમતી નથી.’

આ વાક્યો જનરેશન ગેપનો અહેસાસ કરાવનારાં ભલે લાગે, પણ એ વાક્યો બોલનારે દોરેલાં ઘણાં કાર્ટૂન કાળને અતિક્રમી ગયેલાં- અને હજુ એટલાં જ પ્રસ્તુત, એટલાં જ ચોટદાર લાગે છે, જાણે અસલી ભારતનું ડીએનએ.
(લક્ષ્મણનાં ચિત્રોનું સૌજન્ય : ‘આર.કે.લક્ષ્મણ -ધ અનકૉમન મેન, સંકલન : ડૉ.ધર્મેન્દ્ર ભંડારી, પ્રકાશકઃ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા/ R K Laxman - The Uncommon Man, Dr.Dharmendra Bhandari, State Bank of India)

Sunday, January 18, 2015

આમન્યાની ઐસીતૈસી કરતી ફ્રાન્સની હાસ્ય-કટાક્ષ પરંપરા

રાજવીઓ ને ધર્મઘુરંધરો સહિત કોઇની સાડા બારી ન રાખવાની ફ્રાન્સની ‘કાર્ટૂનકુલરીતિ’ સુરુચિનાં વસ્ત્રો ઉતારીને, તેના થકી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો વાવટો ફરકાવતાં ખચકાતી નથી- તેનાં પરિણામ ક્યારેક ‘શાર્લી એબ્દુ’ પર થયેલા ખૂની હુમલા જેવાં લોહિયાળ હોય તો પણ.

‘હારા કીરી’ - આ શબ્દ આત્મહત્યાના જાપાની પર્યાય તરીકે જાણીતો છે, પરંતુ એ નામ ધરાવતા એક ફ્રેન્ચ સામયિકે ખરેખર ‘હારા કીરી’ કરી : ૧૯૭૦માં ફ્રાન્સના પ્રમુખ ચાર્લ દ ગોલનું અવસાન થયું. તેના થોડા દિવસ પહેલાં એક નાઇટક્લબમાં લાગેલી આગમાં ૧૪૨ ટીન એજર્સ મૃત્યુ પામ્યાં હતાં. એ ઘટનાને ઘ્યાનમાં રાખીને, દ ગોલના મૃત્યુ નિમિત્તે ‘હારા કીરી’એ મુખપૃષ્ઠ પર મથાળું આપ્યું  : ‘ટ્રેજિક ડાન્સ એટ કોલોમ્બે - વન ડેડ’ (કોલોમ્બે  પ્રમુખ દ ગોલનું નિવાસસ્થાન હતું)

પ્રમુખના મોતને મજાકનો વિષય બનાવવા બદલ ‘હારા કીરી’ પર એવી પસ્તાળ પડી કે છેવટે સામયિક બંધ કરવાનો વારો આવ્યો. ‘હારા કીરી’નો નવો અવતાર એટલે ‘શાર્લી એબ્દુ’/Charlie Hebdo, જેની પેરિસની ઑફિસ પર બે અઠવાડિયાં પહેલાં ખૂની હુમલો થયો. હરીફ સાપ્તાહિકની સરખામણીમાં ‘માંડ’ કહેવાય એવું પચાસ હજારનું સર્ક્યુલેશન ધરાવતા ‘શાર્લી એબ્દુ’માં વખતોવખત પેગંબરસાહેબ અને ઇસ્લામને લગતાં કાર્ટૂન છપાતાં હતાં. તેમાંથી કેટલાંક તો કાર્ટૂન તરીકે સાવ ભદ્દાં. એવો ‘લાભ’ અલબત્ત, બીજા ધર્મોને પણ મળતો હતો. રોમન કેથલિક સંપ્રદાયના સર્વોચ્ચ વડા પોપનાં પણ બેફામ કાર્ટૂન તેમાં આવતાં.

નાસ્તિક, ડાબેરી, આત્યંતિક અને તોફાની - આવું મિશ્રણ ધરાવતા ‘શાર્લી એબ્દુ’ સાપ્તાહિકને સૌથી વઘુ મઝા આવતી હોય તો ધાર્મિકોની લાગણી દુભાવવાની. અગાઉ ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પેગંબરસાહેબનાં કાર્ટૂન બનાવ્યાં ને તેના કારણે થયેલાં તોફાનોમાં જુદી જુદી જગ્યાએ સંખ્યાબંધ લોકો માર્યા ગયા, ત્યારે ‘શાર્લી એબ્દુ’એ ધરાર એ કાર્ટૂન પુનઃમુદ્રિત કર્યાં હતાં. પેગંબરસાહેબનું ચિત્ર બનાવવું મુસ્લિમો માટે અધર્મ્ય હોય, ત્યાં આ તો તેમને હાસ્યાસ્પદ- કઢંગી રીતે રજૂ કરતું કાર્ટૂન. પરંતુ ‘શાર્લી એબ્દુ’ની ‘સમજ’ હતી : આ ફ્રાન્સ છે. અહીં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સૌથી મહત્ત્વનું છે- અને તે અમે કોઇના પણ ભોગે મેળવતા રહીશું. એ કાર્ટૂનો છાપવા બદલ ‘શાર્લી એબ્દુ’ સામે કેટલાંક મુસ્લિમ સંગઠનોએ કેસ કર્યો, પણ અદાલતે ‘શાર્લી એબ્દુ’ની તરફેણમાં ચુકાદો આપતાં કહ્યું હતું કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના કાયદા હેઠળ કાર્ટૂનો રક્ષણને પાત્ર છે અને તેમનો આશય ઇસ્લામની નહીં, અંતિમવાદીઓની ટીકા કરવાનો હતો.

ફ્રાન્સમાં સ્થાનિક બહુમતી અને બહારથી આવેલા મુસ્લિમોની લધુમતીનું અલગ રાજકારણ અને તેના જુદા તાણાવાણા છે. પરંતુ એ આ લેખનો મુદ્દો નથી. અહીં વાત છે ફ્રાન્સનાં અવળચંડાં, ધારદાર, ભદ્દાં, કોઇની લાગણી દુભાવાની પરવા કર્યા વિના નિરંકુશ અને બેફામ રીતે બનાવાતાં કાર્ટૂનની. એ સિલસિલો ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’નો નારો આપનાર ફ્રેન્ચ ક્રાંતિ (ઇ.સ.૧૭૮૭) થી પણ જૂનો છે. તેની સાથે ફ્રાન્સની બીજી પણ એક પરંપરા ભળેલી છે, જેના માટે વપરાતો પ્રયોગ છે : મિલિટન્ટ સેક્યુલરિઝમ- ધર્મનિરપેક્ષતાનું ઉગ્ર સ્વરૂપ, જેમાં ધર્મસત્તા અને ધર્મનાં પ્રતીકોને રતિભાર માન આપ્યા વિના, તેમની ઠેકડી ઉડાડવામાં આવે. ફ્રાન્સમાં ક્રાંતિ પહેલાં રાજ્યસત્તા અને ધર્મસત્તાના સહિયારા ત્રાસને કારણે લોકો ત્રાસ્યા હતા. તેથી લુઇ સોળમાની રાણી મેરી એન્તોનેતની જેમ એ સમયના ખ્રિસ્તી ધર્મગુરુઓનાં પણ બેફામ અને ઘણી વાર અશ્લીલ ઠઠ્ઠાચિત્રો/કૅરિકેચર બનાવાયાં હતાં.

મર્યાદા વગરના, બેશરમ અને કંઇક ઉદ્ધત હાસ્ય માટે ફ્રેન્ચ ભાષામાં એક શબ્દ છે : ગ્વાજ/ gouaille. તેના કેટલાક નમૂના બહોળા વાચકવર્ગ માટેના અખબારમાં છાપી શકાય એવા નથી. પરંતુ અહીં આપેલું એક ઉદાહરણ પ્રમાણમાં ‘નિર્દોષ’ છે. ઇ.સ.૧૭૯૧ના આ ઠઠ્ઠાચિત્રમાં રાજા લુઇ સોળમા અને તેની રાણી મેરીને એક જ ધડ ધરાવતાં બે માથાં તરીકે દર્શાવાયાં છે. કાર્ટૂનના ફ્રેન્ચ શીર્ષકનો અંગ્રેજી અનુવાદ છે : ‘ધ ટુ આર બટ વન’. (આમ જુદાં, પણ આમ એકનાં એક) તેમાં રાણી મેરીનું ચિત્રણ ગ્રીક પુરાણકથાની રાક્ષસી મેડુસા તરીકે કરવામાં આવ્યું છે. વાળને બદલે જીવતા ઝેરી સાપ ધરાવતી આ રાક્ષસીની આંખમાં જે જુએ તે પથ્થર બની જાય એવી કથા હતી. એ પ્રમાણે રાણી મેરીના વાળની જગ્યાએ પણ જીવતા સાપ દોરવામાં આવ્યા છે. રાજા લુઇના માથે દોરાયેલાં શીંગડાંનાં અનેક અર્થઘટન થયાં છે. તે જૂઠાડાવૃત્તિથી માંડીને પત્નીની બેવફાઇ જેવી બાબતોનાં સૂચક હોઇ શકે છે.

"Two are but one", 1791

એવા બીજા કાર્ટૂનમાં રાજાને ગરીબોનું બધું હજમ કરી જનાર અને તેમાંથી વિષ્ટાસ્વરૂપે અમીરો માટે લાભ આપનાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ઇ.સ.૧૮૩૧માં આ કાર્ટૂન પ્રકાશિત થયા પછી તેના સર્જક દોમિયે/ Daumier ને છ મહિનાની જેલની સજા થઇ હતી. આ કાર્ટૂન જેમાં છપાયું હતું તે ‘લ કૅરિકેચર’/ La Caricature સામયિકનો કર્તાહર્તા ચાર્લ્સ ફિલિપોં તેના રાજકીય કટાક્ષચિત્રો માટે વિખ્યાત હતો. ઇ.સ.૧૮૩૦માં ફ્રાન્સના રાજા લુઇ ફિલિપોંએ અખબારો અને કટાક્ષકારો પર આકરા પ્રતિબંધ મૂક્યા. રાજા, તેમના ગાદીવારસ કે રાજસભાના બીજા સભ્યોનું અપમાન કરનાર તંત્રી,  પ્રકાશક કે ચિત્રકાર માટે પાંચ વર્ષની સજા અને છ હજાર ફ્રાન્કના દંડની જોગવાઇ કરવામાં આવી. આટલેથી સંતોષ ન થતાં, રાજાએ છાપનારા પાસેથી આગોતરી જામીનગીરી તરીકે ઊંચી રકમો વસૂલ કરવાનો હુકમ કાઢ્‌યો, જેથી એ ન ભરી શકનારાને કામકાજ સંકેલી લેવું પડે. ફિલિપોંએ હિંમત અને ચતુરાઇથી રાજાનાં ઠઠ્ઠાચિત્રો બનાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેમનું સૌથી જાણીતું અને કૅરિકેચરના ઇતિહાસમાં અમરત્વ પામેલું ચિત્ર હતું : La Poire ઊર્ફે પેરુ ઊર્ફે જામફળ. આ કાર્ટૂનમાં ફિલિપોંએ ચાર ચિત્રોમાં રાજા ફિલિપના ચહેરાને જામફળમાં રૂપાંતરિત કરી દીધો હતો.

La Poire By Philipon

પોતાના બચાવમાં ફિલિપોંએ રાજાના ચહેરો દોરીને પૂછ્‌યું, ‘આ ચિત્રની તમે ટીકા કરો છો?’ ત્યાર પછી બીજું ચિત્ર દોરીને પૂછ્‌યું, ‘આ ચિત્ર અને પહેલા ચિત્ર વચ્ચે સામ્ય છે કે નહીં? અને સામ્ય હોય તો તમે આ ચિત્રની કેમ ટીકા કરો છો?’ એમ કરતાં કરતાં તેણે છેલ્લા જામફળનું ચિત્ર લાવીને મૂકી દીઘું અને સાબીત કરી આપ્યું કે ‘બન્નેમાં સામ્ય હોય- એટલે કે રાજાનો ચહેરો જમરૂખ જેવો હોય- તેમાં હું શું કરું?’ આ ગુસ્તાખી બદલ ફિલિપોંને છ મહિનાની જેલ અને બે હજાર ફ્રાન્કનો દંડ કરવામાં આવ્યાં. આ કાર્ટૂનની ત્યાર પછી સેંકડો પ્રિન્ટ નીકળી.

Explanation of La Poire in court by Philipon

એક વિગત પ્રમાણે, રાજા લુઇ ફિલિપના રાજમાં ઇ.સ.૧૮૩૦થી ૧૮૩૩નાં ત્રણ જ વર્ષમાં ફ્રાન્સનાં અખબારો-સામયિકો સામે આશરે ૩૦૦ કેસ થયા. તેમાંથી ત્રીજા ભાગના કેસમાં સજાઓ પણ પડી અને વસૂલ કરાયેલા દંડની રકમ ત્રણ લાખ ફ્રાન્ક સુધી પહોંચી. પરંતુ ઠઠ્ઠામશ્કરી અટકી નહીં. એ વખતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તાલાવેલી હતી.

હવે સમય બદલાઇ ગયો છે. પહેલાં જેવા રાજાઓને ધર્મસત્તા રહ્યાં નથી. છતાં ‘શાર્લી એબ્દુ’એ કેટલીક હદો બેફામપણે ઓળંગવાનું ચાલુ રાખ્યું છે. તેમાં અઢારમી સદીના વ્યંગકારો જેવો રાજાશાહી સામેનો આતશ નથી, પણ સંસ્થાગત ધર્મના માળખામાં ઘા કરવાનું ઝનૂન છે. દુભાતા ધાર્મિકોને વઘુ દુભવીને પોતાનું સ્વાતંત્ર્ય સિદ્ધ કરવાની જિદ છે. તે ઘણી વાર પ્રમાણભાન ભૂલાવે છે. છતાં, ‘શાર્લી એબ્દુ’ના હત્યાકાંડમાં ટેકામાં પેરિસમાં ઉમટી પડેલા સેંકડો લોકોએ દર્શાવી આપ્યું છે કે કાર્ટૂનની ગુણવત્તા જુદી ચર્ચાનો વિષય હોઇ શકે, પણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય સર્વોચ્ચ છે. તેનું સૌથી હૃદયસ્પર્શી ઉદાહરણ તો એ છે કે સંભવતઃ ‘ઇસ્લામના અપમાન’ બદલ ‘શાર્લી એબ્દુ’ પર ત્રણ ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં મૃત્યુ પામેલો એક પોલીસ અફસર ફ્રેન્ચ મુસ્લિમ હતો. એ ઘટનાએ મુસ્લિમો ઉપરાંત ‘શાર્લી એબ્દુ’ અને ફ્રાન્સના લોકોને પણ યાદ કરાવી આપ્યું છે કે તેમની લડાઇ મુસ્લિમો સામે નહીં, અંતિમવાદ સામે હોવી જોઇએ.

Wednesday, January 14, 2015

અભિવ્યક્તિ : સ્વાતંત્ર્ય, સીમા અને સજા

વાત આમ સાદી અને કરુણ લાગતી હતી : ફ્રાન્સના સાપ્તાહિક Charlie Hebdo(નજીકનો ઉચ્ચાર : શાર્લી એબ્દુ) પર ત્રણ બંદૂકધારીઓએ હુમલો કર્યો. તેમાં કેટલાક કાર્ટૂનિસ્ટો સહિત ૧૨ જણને ઢાળી દેવામાં આવ્યા. ઇસ્લામ અને પેગંબરસાહેબ વિશેનાં બેફામ કાર્ટૂન દોરવાની એ સજા હતી. તેની વ્યાપક ટીકા થઇ. આ હુમલાને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની હિંસક તરાપ ગણવામાં આવ્યો. પણ પછી એવો સમાંતર સૂર શરૂ થયો કે ‘આ છાપું પણ ઓછું નથી. એનાં કાર્ટૂન સાવ નકામાં હતાં. એ ચહીને મુસ્લિમોની લાગણી દુભાવવા માટે બનાવાતાં હતાં. ઇસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મગુરુઓ વિશે પણ આ સાપ્તાહિકે સુરુચિનો ભંગ કરે એવાં કાર્ટૂન છાપ્યાં હતાં.’

આટલું કહ્યા પછીની દલીલ તરીકે ઘણાના મનમાં ઉગેલું વાક્ય હતું, ‘કોઇને મારી ન નાખવા જોઇએ ને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય હોવું જોઇએ,  એ બઘું ખરું, પણ પેપરવાળા સખણા રહેતા ન હતા. અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે શું? તેમાં બીજા લોકોની ધાર્મિક લાગણીનો કે સુરુચિનો કશો ખ્યાલ જ નહીં કરવાનો? સ્વતંત્રતા એવી નિરંકુશ ન હોઇ શકે. કાર્ટૂનિસ્ટો ધરાર મુસ્લિમોને નારાજ કરવા માટે જ બનાવતા હોય એવાં કાર્ટૂન પર કાર્ટૂન આપે તો?’

આ પ્રકારના ‘સમાંતર’ વિચારપ્રવાહમાં ધોરણસરના, ઉદારમતવાદી એવા ઘણા લોકો ભીંજાયા-તણાયા. ‘આવું તો કેવી રીતે ચાલે?’ એવો સવાલ તેમને હુમલાની સાથોસાથ પેપરનાં કાર્ટૂન વિશે પણ થવા લાગ્યો. પરિણામે તેમના મનમાં બન્નેનો વાંક લગભગ સરખો-અથવા કાર્ટૂનિસ્ટોનો વાંક સહેજ જ ઓછો - સ્થાપિત થયો.

આ ખતરનાક ઇલાકો છે. તેમાં મુદ્દાની સ્ફોટક ભેળસેળને બદલે જુદા જુદા વાંધાને અલગ તારવવાનું- તેમની તીવ્રતા વિશે અલગથી વિચારવાનું જરૂરી બની જાય છે.

સૌથી પહેલાં એક બાબત સ્પષ્ટ થઇ જવી જોઇએ : કાર્ટૂન ગમે તેટલાં ખરાબ કે ગંદાં હોય, તેનાથી કાર્ટૂનિસ્ટો પર હુમલો કે તેમની હત્યાના કૃત્યને સરભર કરી શકાતું નથી. આ બન્ને બાબતોની ગંભીરતા વચ્ચે મિલિગ્રામ અને કિલોગ્રામ જેવો ફરક છે. તેમને સામસામાં ત્રાજવામાં મૂકી શકાય નહીં- અને આવું કહેનાર કાર્ટૂનની ગુણવત્તાનો બચાવ કરતા નથી, કાર્ટૂનને ટીકાથી પર ગણતા નથી, એ પણ સ્પષ્ટ થવું જોઇએ.

હુમલાનો ભોગ બનેલા ‘શાર્લી એબ્દુ’માં છપાયેલાં કેટલાંક કાર્ટૂન ખરેખર નકામાં હતાં. એ પ્રકારના ‘મૂર્તિભંજક’ અને આત્યંતિક હાસ્યની ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં ઠીક ઠીક પરંપરા છે. સામાન્ય વ્યવહારમાં જેમને આમન્યા, મલાજો કે ગરીમા ગણાય તેને ધરાર ન જાળવવાં- એવો કેટલાંક પ્રકાશનનો ઘ્યેયમંત્ર હોય છે. ફ્રાન્સનું ‘શાર્લી એબ્દુ’ તો હુમલા પછી જાણીતું બન્યું, પરંતુ અમેરિકાનું માસિક ‘મૅડ’ દાયકાઓથી તેનાં વિલક્ષણ,મૌલિક, બૌદ્ધિક અને હદો ઓળંગનારા કાર્ટૂન માટે જાણીતું છે. ગુજરાતી હાસ્યવિવેચનમાં જેની બહુ બોલબાલા રહી એવા ‘નિર્દંશ અને નિર્દોષ’ પ્રકારનો સાવ સામો છેડો એટલે ‘મૅડ’. તેમાં વ્યક્તિગત પ્રહારોથી માંડીને ‘પવિત્ર ગાય’ ગણાતી તમામ બાબતોની, મૃત્યુ અને મૃત વ્યક્તિની સુદ્ધાં, ખિલ્લી ઉડાડવામાં આવે છે. આ સામયિક ‘સુરુચિ’ માટે જાણીતું નથી. છતાં તેનો મોભો જબરો છે. તેના ચાહકોમાં અનેક દેશી-વિદેશી મહાનુભાવોનો સમાવેશ થાય છે.

બને કે ‘શાર્લી એબ્દુ’ કેટલીક હદો પાર કરવામાં ‘મૅડ’ને પણ વટી ગયું હોય. ફ્રાન્સના પ્રમુખ ચાર્લ્સ દ’ગોલના મૃત્યુ પ્રસંગે આ સામયિકના અગાઉના અવતારે કરેલી રમૂજને કારણે તેને પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો હતો. પહેલાં પણ તેની વાંધાજનક સામગ્રી સામે ઊહાપોહ થઇ ચૂક્યો છે. એવાં કાર્ટૂન કે લખાણ માટે સામયિકનો બહિષ્કાર પોકારી શકાય, તેને અદાલતમાં પડકારી શકાય, તેની સામગ્રી કેમ વાંધાજનક છે એ ચર્ચા દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી શકાય...

આ બધા કરતાં સૌથી અકસીર ઉપાય તેની અવગણના કરવાનો છે. પોતાના પર હસી શકવાની કે આકરી રમૂજો ખમવાની ક્ષમતા સમુદાયની કે સમાજની સ્વસ્થતાનો અને આત્મવિશ્વાસનો એક માપદંડ છે. થોડા વખત પહેલાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના એક કાર્ટૂનમાં અવકાશક્ષેત્રે વીરલ સિદ્ધિ મેળવનાર ભારતના પછાતપણાની હળવી મસ્તી કરવામાં આવી, ત્યારે ઘણા ભારતીયો દુભાઇ ગયા હતા અને તેમણે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ પાસેથી માફીની માગણી કરી હતી. આ પ્રકારનું દબાણ આણવામાં કેટલાકને ગૌરવનો અહેસાસ થાય છે અને ‘જોયું? હવે આપણે લોકોના કેવા હાથ મચેડી શકીએ છીએ’ એ વિચારે ‘સુપરપાવર’નો અનુભવ થાય છે. પરંતુ તેમનો આ ખ્યાલ ભૂલભરેલો છે. આવી બાબતમાં દુભાઇને કકળાટ મચાવવાથી તાકાતનું નહીં, આંતરિક નબળાઇ અને લધુતાગ્રંથિનું જ પ્રદર્શન થાય છે. ઉપરાંત, જે બાબત સામે વાંધો પડ્યો હોય, તેને મહત્તમ પ્રસિદ્ધિ મળે છે.

અઠવાડિયાં પહેલાં સુધી ફ્રાન્સની બહાર કેટલા લોકો ‘શાર્લી એબ્દુ’ વિશે જાણતા હતા? (તેની ભાષા પણ ફ્રેન્ચ છે) લોહીયાળ હુમલા પછી આ સામયિક અને તેમાં છપાયેલાં કાર્ટૂન એટલી મોટી સંખ્યામાં અને એવા લોકો સુધી પહોંચ્યા, જેમના સુધી પોતાના બળે પહોંચવું ‘શાર્લી એબ્દુ’ માટે અશક્ય હતું. બીજી રીતે કહી શકાય કે, ‘શાર્લી એબ્દુ’ના મોઢે ડૂચો મારવા નીકળેલા લોકોએ, મોઢામાં ડૂચાને બદલે માઇક્રોફોન ખોસી દીઘું. એ રીતે ત્રાસવાદી હુમલો વિરોધાભાસી અને પોતાના જ હેતુને પરાસ્ત કરનારો નીવડ્યો.

બિનશરતી સ્વતંત્રતા

આગળ ‘સુરુચિના ભંગ’ની વાત આવી. એવો બીજો શબ્દ છે : ‘ધાર્મિક લાગણી’. કાયદાની છે તેવી આ બન્ને શબ્દોની બાંધી વ્યાખ્યા નથી. ભારત જેવા દેશમાં જો કે કાયદાની વ્યાખ્યા પણ એટલી રબરીયા હોય છે કે જોર કરે એની બાજુ ખેંચાય. ધાર્મિક લાગણી દુભાવવાનો કે ધાર્મિક-કોમી વૈમનસ્ય વધારે એવાં કામ અને નિવેદનબાજીને ગુનો ઠેરવતો કાયદો ભારતમાં છે, પરંતુ કેટલાક નેતાઓની આખેઆખી કારકિર્દી બેફામ નિવેદનબાજી દ્વારા બની અને ચાલી છે.

ભારતના બંધારણમાં અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો મૂળભત અધિકાર છે, પણ તેની સાથે ‘શરતો લાગુ’ની ફુદડી જોડાયેલી છે. પણ ફ્રાન્સમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની હદો ઘણી વિસ્તરેલી છે. ફ્રેન્ચ ક્રાંતિની ત્રિસૂત્રીમાં પણ પહેલા ક્રમે ‘લિબર્ટી’ આવે છે, જેમાં તમામ પ્રકારની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. સલમાન રશદી જેવા ઘણાને લાગે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કોઇની લાગણી દુભાય, એની ચિંતા કર્યે પાર ન આવે. એવી આગોતરી ચીવટ રાખવાથી ભાગ્યે જ કશો અર્થ સરે છે.

આ તર્કમાં દમ છે. પ્રશ્ન એ છે કે ‘ધાર્મિક લાગણી’ એટલે શું? કોઇ લેખ લખવાથી, કાર્ટૂન દોરવાથી કે કોઇ કામ કરવાથી કાયદાનો ભંગ થયો હશે કે નહીં, એ કદાચ કહી શકાય. પરંતુ સુરુચિ કે ધાર્મિક લાગણીની ચોક્કસ વ્યાખ્યા હોતી નથી. સુરુચિનો ભંગ કે ધાર્મિક લાગણી દુભાવાની બૂમ ઉઠે ત્યારે, શક્ય છે કે એ કોઇ વ્યક્તિની કે પછી ચોક્કસ સમુહની ‘લાગણી’ હોય. તેનું કેટલું મહત્ત્વ- કેટલું વજન હોવું જોઇએ? કોઇ માણસ લાગણીદુભાવનો ધંધો લઇને બેઠો હોય ત્યારે, તેને ગમે તેટલું સાચવ્યા પછી પણ તેને સંતોષી શકાવાનો નથી.

પેરિસમાં ‘શાર્લી એબ્દુ’ પર હુમલાની ચર્ચા કરતી વખતે ભારતમાં ધીકતા લાગણીદુભાવના ધંધાની પટ્ટી પણ મનમાં ચાલી શકે છે. અગાઉની કોંગ્રેસી સરકારોએ અને વર્તમાન એનડીએ સરકારે પોતપોતાની રીતે આ ધંધાને ઉત્તેજન આપ્યું છે. કેન્દ્ર સરકાર પોતે લાગણીદુભાઉઓ પ્રત્યે કૂણી લાગણી સેવતી હોય અથવા તેમની પાસેથી કામ કઢાવવા ઇચ્છતી હોય ત્યારે અભિવ્યક્તિસ્વાતંત્ર્યને મોં છુપાવવાનો વખત આવે છે.

લાગણીદુભાવના મુદ્દામાં ધર્મ જેટલા જ કે એથી પણ વધારે રાજકારણ અને ઓળખના પ્રશ્ન સંડોવાયેલા હોય છે. ફ્રાન્સમાં એક તરફ જમણેરી અંતિમવાદી પક્ષનું જોર ઊભું થયું છે. તેની સાથે સંમત લોકો માને છે કે બહારથી આવેલા લોકોએ (મુખ્યત્વે મુસ્લિમો) ફ્રાન્સની વર્તમાન અવદશા માટે જવાબદાર છે. એવી સ્થિતિમાં‘શાર્લી એબ્દુ’ પ્રકારનાં પ્રકાશનો મુસ્લિમ ધર્મનો પ્રતિબંધ અવગણીને મહંમદસાહેબનાં ચિત્રો ને કાર્ટૂન દોરે, રમૂજો કરે તેની અસર કેવળ હાસ્યકટાક્ષ પૂરતી મર્યાદિત રહેતી નથી. સ્થાનિક રાજકારણ અને સામાજિક પ્રવાહો પર તે અસર કરે છે. ફ્રાન્સમાં વર્ષ ૨૦૨૨માં એક મુસ્લિમ દેશનો પ્રમુખ બનશે, એવું વિષયવસ્તુ ધરાવતી નવલકથા હોય કે પછી ‘શાર્લી એબ્દુ’નાં કાર્ટૂન, તેને કેવળ સાહિત્ય કે ગમ્મત કે ઠઠ્ઠા તરીકે લેવાની માનસિકતા વાસ્તવિક તનાવની સ્થિતિમાં ઓછી ને ઓછી થતી જાય છે.

સમુદાયો વચ્ચેની તંગદિલી ઠઠ્ઠામશ્કરીથી હળવી થતી નથી, પણ વણસે છે. બન્ને પક્ષોની સમજથી તનાવ ટાળી શકાય - કમ સે કમ, તેમાં બિનજરૂરી વધારો ન થાય - એ ઉત્તમ સ્થિતિ છે, પરંતુ એક દલીલ એવી છે કે ‘ફ્રાન્સમાં રહેવું હોય તો ફ્રાન્સની રીતે રહો. તમારામાં પેગંબરસાહેબનાં ચિત્ર નહીં દોરાતાં હોય, પણ અમારે ત્યાં તો અમે ગમે તેની મશ્કરી કરીએ છીએ- અને એમાં કશો ફરક નહીં પડે. ફ્રાન્સના કાયદા પ્રમાણે તમારાથી થાય તે કરી લો.’

આ દલીલ ગેરવાજબી નથી. એ સંજોગોમાં ફ્રાન્સના મુસ્લિમો કાર્ટૂન સામે વાંધો પાડવાનું ચાલુ રાખે, એ વ્યક્ત કરવાના મૌલિક રસ્તા શોધી કાઢે અને ઇસ્લામના નામે થતા હત્યાકાંડોનો ખોંખારીને વિરોધ કરે, એ સૌથી ઇચ્છનીય સ્થિતિ છે. 

Monday, April 28, 2014

રાજકીય કાર્ટૂનમાં ઓટ (૨) : લુપ્ત થતી પ્રજાતિમાં રાજકીય કાર્ટૂનિસ્ટનો ઉમેરો કરવો પડશે?

વર્તમાન સમયમાં ચૂંટણીને લગતી ઘણીખરી આતશબાજી સોશ્યલ નેટવર્કિંગ અને ટીવી ચેનલો પર થાય છે. કોઇ પણ ઘટના બને, તેના કટાક્ષપૂર્ણ અર્થઘટન માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડતી નથી. ફેસબુક-ટિ્‌વટર પર તરત જ તડાફડી શરૂ થઇ જાય છે. છતાં, એ પણ હકીકત છે કે એ ઘટના વિશે ‘ધ હિંદુ’માં સુરેન્દ્ર કે કેશવના અથવા ‘મુંબઇ મિરર’માં હેમંત મોરપરિયાના કાર્ટૂનનો કોઇ વિકલ્પ નથી. કારણ કે કાર્ટૂન - અને પ્રમાણમાં ટૂંકી આવરદા ધરાવતું રાજકીય કાર્ટૂન- એક સંપૂર્ણ કળા છે. તેમાં ચબરાકીભરી ટિપ્પણીની સાથોસાથ કાર્ટૂનિસ્ટની સમજણ અને તેમનું દર્શન ભળે છે. રમુજી કેરિકેચર (ઠઠ્ઠાચિત્ર)ની સાથે આખી પરિસ્થિતિને કોઇ જુદા જ સ્તરે, વિશિષ્ટ પ્રતીકો કે ચિત્રો દ્વારા, ઓછામાં ઓછી રેખાઓની મદદથી રજૂ કરવાની આવડત ઉમેરાય છે. જેમ કે, નરેન્દ્ર મોદીએ અડવાણીને આદર આપવાનો દેખાડો કરીને તેમનું પત્તું કાપ્યું, એ વિશે ઘણી રમૂજો થઇ. પરંતુ ‘ધ હિંદુ’માં સુરેન્દ્રના આ કાર્ટૂનમાં જે બારીકાઇથી છતાં આબાદ રીતે એ જ વાત મૂકવામાં આવી છે, એ જોઇને અડવાણીથી પણ બે ઘડી મરકી જવાય.  

Courtesy : Surendra/The Hindu
આઝાદ ભારતમાં રાજકીય કાર્ટૂનનો મજબૂત પાયો કે. શંકર પિલ્લઇએ નાખ્યો. ‘શંકર’ તરીકે વઘુ જાણીતા આ કાર્ટૂનિસ્ટે નેહરુનાં સંખ્યાબંધ કાર્ટૂન દોર્યાં હોવા છતાં, તે નેહરુના પ્રીતિપાત્ર બની રહ્યા. એ વાતથી શંકરની સાથોસાથ રાજકીય કાર્ટૂનનો મોભો પણ વઘ્યો. સરેરાશ ભારતીયો માટે આર.કે.લક્ષ્મણ ભલે કાર્ટૂનનો પર્યાય બન્યા હોય, પણ ધારદાર રાજકીય કાર્ટૂન માટે લક્ષ્મણની પેઢીના ઓ.વી.વિજયન અને અબુ અબ્રાહમનાં નામ લેવામાં આવે છે.

ઇંદિરા ગાંધીના સમયમાં રાજિન્દર પુરીએ ધારદાર કાર્ટૂન શરૂ કર્યાં. ૧૯૬૯માં ઇંદિરા ગાંધીએ કોંગ્રેસના જૂના નેતાઓ સાથેના ખટરાગ પછી પોતાની નવી કોંગ્રેસ રચી, ત્યારે રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી હતી. રાજકીય કાર્ટૂનિસ્ટો માટે આવો સમય સુવર્ણકાળ ગણાય. રાજિન્દર પુરીનું પુસ્તક ‘ઇન્ડિયા ૧૯૬૯, એ ક્રાઇસિસ ઑફ કોન્શયન્સ’ (૧૯૭૧) જોઇને એ વાતનો બરાબર ખ્યાલ આવે છે. પુરીના લેખ અને કાર્ટૂન ધરાવતા આ પુસ્તકમાં ઇંદિરા ગાંધી અને કોંગ્રેસના વિભાજનને લગતાં કાર્ટૂન ઐતિહાસિક રીતે મહત્ત્વનાં છે.

છેક સાઠના દાયકાથી શરૂઆત કરનાર રાજિન્દર પુરી સક્રિય રાજકારણમાં સંકળાયા, ૧૯૭૭માં જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા, થોડો સમય લોકદળ અને ભાજપમાં પણ રહ્યા. ૧૯૮૮માં તેમણે રાજકીય પક્ષો સાથે છેડો ફાડી નાખ્યો, પણ કાર્ટૂન દ્વારા રાજકારણ પર ધારદાર ટીપ્પણીઓ ચાલુ રાખી. અહીં મૂકેલું તેમનું કાર્ટૂન ઇન્દિરાયુગનું છે. તેમાં કાર્ટૂનિસ્ટને ભસતા કૂતરા તરીકે બતાવીને ઇન્દિરા ગાંધીના મોઢે પુરીએ મુકેલો સંવાદ છે, ‘જુઓ, આને કહેવાય તટસ્થ કાર્ટૂન.’
Cartoonist : Rajinder Puri
બોફર્સ કૌભાંડ જાહેર થયા પછી થયેલી ચૂંટણી, વી.પી.સિંઘની મોરચા સરકાર અને કોંગ્રેસના ટેકાથી ચાલેલી ચંદ્રશેખરની સરકારનો સમયગાળો રાજકીય અસ્થિરતાનો હોવાથી કાર્ટૂનિસ્ટો માટે વિષયોનો લીલો દુકાળ હતો. રાજીવ ગાંધી સત્તામાં હતા ત્યારે તેમણે અખબારો પર સકંજો કસવા માટે ‘ડીફેમેશન બિલ’ આણવાનો વિચાર કર્યો હતો. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રવિશંકર અને રાજિન્દર પુરી જેવા કાર્ટૂનિસ્ટોએ ડીફેમેશન બિલ અને બોફર્સના મુદ્દે ભારે ક્રૂરતાપૂર્વક રાજીવ ગાંધીની ફિલમ ઉતારી હતી. બોફર્સના સોદામાં ૭ ટકા રકમ કમિશન પેટે લેવાઇ હોવાની વાત હતી. એટલે રવિશંકરનાં કાર્ટૂનમાં અવારનવાર કોઇ પણ રીતે ૭ ટકા આવી જતા હતા. જેમ કે, કોંગ્રેસનો ત્રણ નાનાં રાજ્યોમાં વિજય થયો ત્યારે રાજીવના મોઢે રવિશંકરે મૂક્યું હતું, ‘૭ ટકા દેશ તો મારી સાથે છે.’
Cartoonist : Ravi Shankar
એક કાર્ટૂનમાં રાજીવ ગાંધીના ચહેરા પરથી વિગતો ઉડાડી દઇને પુરીએ લખ્યું હતું, ‘ડીટેઇલ્સ સ્વીડિશ સરકારના ઑડિટ રીપોર્ટમાંથી મળશે.’
Cartoonist : Rajinder Puri
રાજીવ ગાંધીએ ચૂંટણીપ્રચાર વખતે ‘માય હાર્ટ બીટ્‌સ ફોર ઇન્ડિયા’ અને વ્યંગચિત્રો ધરાવતી ચૂંટણીઝુંબેશને લીલી ઝંડી આપી, ત્યારે સામા પક્ષે પણ તેના પ્રતિકાર માટે કાર્ટૂનનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. પરંતુ  વી.પી.સિંઘની સરકાર બની ગયા પછી નાયબ વડાપ્રધાન દેવીલાલનો ત્રાસ શરૂ થયો. દબંગ દેવીલાલ અને વી.પી.સિંઘ વચ્ચેનો સંબંધ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના (એ વખતે યુવા) કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગના કાર્ટૂનમાં આબાદ રીતે દર્શાવાયો છે. (દેવીલાલ કહે છે, ‘વી.પી.સિંઘ વડાપ્રધાનપદે ચાલુ રહે એમાં મને વાંધો નથી.’)
Cartoonist : Sudhir Tailang
ગુજરાતી પ્રકાશનોમાં રાજકીય કાર્ટૂનની પરંપરા પાખી રહી છે. બંસીલાલ વર્મા ‘ચકોર’ જેવા કાર્ટૂનિસ્ટ આ ક્ષેત્રે લાંબા સમય સુધી સક્રિય રહ્યા, પરંતુ ઘણાખરા ગુજરાતી કાર્ટૂનિસ્ટોનો ઝોક સામાજિક કાર્ટૂન ભણી વધારે રહ્યો- અને હવે તો રાષ્ટ્રિય સ્તરે રાજકીય કાર્ટૂનિસ્ટોનો દુકાળ થયો છે. તેની શરૂઆત નેવ્ંાુના દાયકાથી થઇ, પણ અબુ અબ્રાહમે ‘પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’(૧૯૮૮)ની પ્રસ્તાવનામાં આરંભે જ લખ્યું છે કે ‘બ્રિટન અને અમેરિકામાં પોલિટિકલ વિટ- રાજકીય રમૂજમાં આવેલી ઓટ આજકાલ ચર્ચાનો વિષય બની છે.’

એક સમયે સંખ્યાબંધ ઉત્કૃષ્ટ રાજકીય કાર્ટૂનિસ્ટો ધરાવતા દેશમાં આ પ્રજાતિ દુર્લભ અને કંઇક અંશે લુપ્ત થવાના આરે આવી હોય એવું કેમ લાગે છે? તેનો જવાબ છેલ્લાં ત્રીસેક વર્ષથી રાજકીય સહિતના વિવિધ વિષયો પર કાર્ટૂન કરતા હેમંત મોરપરિયાએ આપવા પ્રયાસ કર્યો હતો.

ગયા વર્ષે ‘ઓપન’ સાપ્તાહિકમાં ‘ડેથ ઑફ ધ પોલિટિકલ કાર્ટૂન’ શીર્ષક ધરાવતા લેખમાં તેમણે લખ્યું હતું, ‘વસ્તીના પ્રમાણમાં કાર્ટૂનિસ્ટોની સંખ્યા ગણીએ તો એ બાબતમાં ભારતની હાલત આફ્રિકાના કોઇ તદ્દન ગરીબ દેશ જેવી છે.’ આવું થવા માટે તેમણે જવાબદાર ગણાવેલાં કેટલાંક મુખ્ય કારણ :
૧) રાજકીય કાર્ટૂનિસ્ટને તૈયાર થતાં અને તેની ‘ભાષા’ લોકોને સમજાતાં સમય લાગે છે.
૨) હવે તંત્રીઓ પાસે પહેલાં જેવી સત્તા રહી નથી. નિર્ણયો લેતી કમિટીને એવું પણ લાગે કે કાર્ટૂનિસ્ટો સ્ટાર બની જાય અને છાપા માટે અનિવાર્ય બને એવી સ્થિતિ જ શા માટે પેદા થવા દેવી?
૩) કેટલાક સ્ટાર કાર્ટૂનિસ્ટ (વાંચો : આર.કે.લક્ષ્મણ) ‘લતા સિન્ડ્રોમ’થી પીડાય છે. (આ મોરપરિયાનો પ્રયોગ છે) એ લોકો પોતાનો સુવર્ણકાળ વટાવી ચૂક્યા હોવા છતાં, નવી પ્રતિભાઓને આગળ આવવા દેતા નથી.
૪) રાજકીય કાર્ટૂનિસ્ટને શરૂઆતમાં સારા રૂપિયા મળતા નથી. બીજી તરફ, રાજકીય કાર્ટૂન દોરવા માટે સાબૂત સેન્સ ઑફ હ્યુમર અને ઊંડા અભ્યાસથી માંડીને ભાષા પરની પકડ જેવાં બત્રીસ લક્ષણની જરૂર પડે છે. આવા બત્રીસલક્ષણા પુરૂષ કે સ્ત્રી આર્થિક રીતે અનેક ગણી વધારે ફળદાયી કારકિર્દીમાં ઘ્યાન આપે કે કાર્ટૂન દોરે?

હેમંત મોરપરિયાએ ગણાવેલાં છેલ્લાં બે કારણ જરા જુદાં, પણ વધારે અગત્યનાં છે. તેમના મતે, ઉદારીકરણ પછીની દુનિયામાં જે રીતે રૂપિયા પાછળની દોટ અને મોટાં પેકેજની લ્હાયમાં ‘જિંદગીનું કારકિર્દીકરણ’ (કરિઅરાઇઝેશન ઑફ લાઇફ) થયું છે, તેમાં રાજકીય કાર્ટૂન માટે જરૂરી એવો આદર્શવાદ ખોવાઇ ગયો છે.  આ ઉપરાંત સતત ઘટતી સહિષ્ણુતાનો મુદ્દો પણ તેમણે ઉખેળ્યો છે.

પહેલાં મામલો ફક્ત ધાર્મિક અસહિષ્ણુતા પૂરતો મર્યાદિત હતો. ગાંધીજીનાં યાદગાર કાર્ટૂન બનાવનાર બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉએ બનાવેલું પેગંબરસાહેબનું એક કાર્ટૂન લંડનના સાંઘ્ય દૈનિક ‘સ્ટાર’માં છપાયું, ત્યારે કલકત્તામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઇ ગઇ હતી. પરંતુ મોટા ભાગના રાજકીય નેતાઓ અને બીજા અગ્રણીઓ કાર્ટૂનને ખેલદિલીથી માણતા હતા- અથવા કમ સે કમ એવો દેખાવ તો રાખતા જ હતા. (જોકે, હિટલર તેમાં અપવાદ હતો. બીજું વિશ્વયુદ્ધ જીત્યા પછી જેમને પાઠ શીખવવાનો છે એવા લોકોની હિટલરની યાદીમાં ડેવિડ લૉનું નામ પણ હતું.)

છેલ્લાં થોડાં વર્ષોમાં ઓળખના રાજકારણની ધાર એટલી બધી અણીદાર બની છે કે મોરપરિયા કહે છે તેમ, ‘દસ વર્ષ પહેલાં સહજતાથી  જેમના વિશે કાર્ટૂન કર્યું હતું, એવાં કેટલાંક પાત્રો વિશે અત્યારે કાર્ટૂન બનાવવાનો વિચાર સુદ્ધાં દિમાગમાં દાખલ થવાની હિંમત કરતો નથી.’ અફસોસની વાત એ છે કે ચોથી જાગીરના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની ચિંતામાં અને સોશ્યલ નેટવર્કિંગની પાંચમી જાગીર પર થતા અભિવ્યક્તિના ધસમસતા પ્રવાહમાં તંદુરસ્ત લોકશાહી માટે આવશ્યક એવાં રાજકીય કાર્ટૂનના વધી રહેલા અભાવની નોંધ સરખી ભાગ્યે જ લેવાય છે. 

Tuesday, April 22, 2014

ચૂંટણીટાણે રાજકીય અભિપ્રાયોની ભરતી વચ્ચે રાજકીય કાર્ટૂનમાં ઓટ

એકાદ-બે દાયકાથી ભારતમાં રાજકીય કાર્ટૂન ક્ષેત્રે ભારે મંદી ચાલે છે.  દેશની રાજકીય વાસ્તવિકતાઓને ધારદાર ઢબે ઉજાગર કરી આપતા  કાર્ટૂનિસ્ટોની સંખ્યા બે આંકડામાં પણ માંડ પહોંચે એટલી છે. કેવી ઉજ્જવળ હતી આ પરંપરા? અને તેની અવદશા કેમ થઇ? 

એક તસવીર બરાબર એક હજાર શબ્દો- એવું સમીકરણ જાણીતું છે. પરંતુ એક કાર્ટૂન - અને એમાં પણ રાજકીય કાર્ટૂન કેટલા શબ્દો સામે ભારે પડે? નક્કી કરવું અઘરું છે. કારણ કે ઘણી વાર જે અસર આકરામાં આકરા શબ્દોથી પેદા થતી નથી, તે થોડા લસરકા અને  એકાદ લીટી દ્વારા નીપજી આવે છે. જોનાર સમભાવી હોય તો તેને ઇથર લગાડેલો છરો વાગ્યો હોય એવી અનુભૂતિ થાય.

આકરા કટાક્ષથી કે હળવા વ્યંગથી કામ લેતાં રાજકીય કાર્ટૂન જોયા પછી હસવું કે રડવું, એની ખબર ન પડે. કારણ કે તેમાં વક્રતાનો સહારો લઇને વાસ્તવિકતા દર્શાવાય છે. કાર્ટૂનિસ્ટના ભાથામાં શબ્દો ઉપરાંત ચિત્ર અને ઠઠ્ઠાચિત્ર જેવાં વધારાનાં આયુધ હોય છે. તેમનો અસરકાર વિનિયોગ થાય તો ઘણી વાર શબ્દવિહોણાં કાર્ટૂન જોઇને વાંચનાર પણ ઘડીભર મંત્રમુગ્ધ અને નિઃશબ્દ થઇને વિચારે છે કે કાર્ટૂનિસ્ટે વીજળીના ઝબકારે મોતી પરોવ્યું શી રીતે? કમાલની વાત એ છે કે આ બધી પ્રક્રિયા વખતે મોં પર સ્મિત કે ખડખડાટ હાસ્ય અટકતું નથી.

ઉદાહરણ તરીકે, વિખ્યાત કાર્ટૂનિસ્ટ અજિત નિનાને દોરેલું ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષાન વિશેનું કાર્ટૂન. બે દાયકા પહેલાંના આ કાર્ટૂનમાં શેષાને નિયમોનો કોરડો વીંઝીને ઉમેદવારો માટે ખર્ચમર્યાદા જાહેર કરી. (વિધાનસભા માટે રૂ.૫૦ હજાર અને લોકસભા માટે રૂ. દોઢ લાખ). શેષાનનું કેવળ ઠઠ્ઠાચિત્ર દોરીને તેની સાથે આ સમાચાર લખી દેવાયા હોત, તો એ ‘કેરિકેચર’ કહેવાત- કાર્ટૂન નહીં. પરંતુ આ સમાચાર, એ જાહેરાત કરનાર શેષાનનો મિજાજ, તેમની કડકાઇ અને એ નિયમથી થનારી અસરો- આ બધી બાબતોનું અતિશયોક્તિભર્યું રમુજી ચિત્રણ થયું હોવાથી, તે સંપૂર્ણ કાર્ટૂન બન્યું છે.
cartoonist: Ajit Ninan
આગળ લખેલી બાબતો ઉપરાંત કાર્ટૂનમાં શેષાનને ટુવાલભેર દર્શાવ્યા હોવાથી, તેમનું માથાભારેપણું પણ બરાબર ઉપસી આવે છે. અહીં નોંધેલા દરેક મુદ્દા વિશે લાંબું લખી શકાય. પણ એને બદલે કાર્ટૂનમાં ફક્ત ‘શેષાનોમિક્સ’નું મથાળું મૂકીને, કેવળ ચિત્રથી આ બઘું જ અને એ પણ હસતાં-હસાવતાં કહી દેવાયું છે. (કાર્ટૂનનું ‘સમજૂતી’ આપવાનું કામ રમુજ સમજાવવા જેવું જ છે, પણ અહીં કાર્ટૂનનો વિષય અને તેનાં પાત્રો જૂનાં હોવાથી આટલું વર્ણન ક્ષમ્ય ગણવું.)

સુધીર દરનું કાર્ટૂન ‘સીટ શેરિંગ’ પણ રાજકીય કાર્ટૂનનો ઉત્તમ નમૂનો છે. વાત એટલી છે કે તત્કાલિન કોંગ્રેસી વડાપ્રધાન પી.વી.નરસિંહરાવે જયલલિતા સાથે બેઠકો અંગે સમજૂતી કરી હતી. અંગ્રેજીમાં ‘સીટ શેરિંગ’ કહેવાતી આ ગોઠવણ ખરેખર કેવી હતી અને તેમાં નરસિંહરાવની દશા કેવી હતી-જયલલિતાની કેવી દાદાગીરી હતી, એ બઘું ચિત્રોની મદદથી દર્શાવાયું છે.
cartoonist : Sudhir Tailang
એક સંપૂર્ણ કાર્ટૂનમાં વ્યંગચિત્રો ઉપરાંત વાતાવરણ પણ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. જેમ કે, આ કાર્ટૂનમાં સુધીર દરે બીજી કોઇ સાદી બેઠક પસંદ કરવાને બદલે, ફિલ્મનો સેટ દર્શાવીને ડાયરેક્ટરની ખુરશી જ પસંદ કરી છે. તેથી ‘સીટ શેરિંગ’ પછી આવનારા ‘પ્રોડક્શન’માં કોનો દબદબો રહેશે, એ સ્પષ્ટ થઇ જાય.

નરસિંહરાવ વડાપ્રધાન બન્યા તે પહેલાં અને રાજીવ ગાંધીની હત્યા પછી ગાંધી પરિવાર પર આધારિત બની ગયેલી કોંગ્રેસ મુંઝાઇ. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધીને રાજકારણમાં જોડાવા માટે આગ્રહ કરવા લાગ્યા. પરંતુ એ વખતે રાજકારણથી દૂર રહેવા માટે કૃતનિશ્ચયી સોનિયા રાજી ન હતાં. કોંગ્રેસમાં જોડાવાની ના તેમણે કેવી રીતે પાડી, એ રાજિન્દર પુરીએ તેમના કાર્ટૂનમાં કેવી ચોટદાર રીતે દર્શાવ્યું છે. તેમાં રાજકારણ અને કોંગ્રેસ પ્રત્યેનો સોનિયાનો તીવ્ર અભાવ ચોટદાર રીતે છતો થાય છે- જાણે કે કૂતરાને ‘હડે હડે’ કરી રહ્યા છે.
cartoonist : Rajinder Puri
ચોથું કાર્ટૂન વર્તમાનકાળનું છે. વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને એ.કે.૪૭ની હારોહાર (પાકિસ્તાનને મદદરૂપ થનાર તરીકે) અરવિંદ કેજરીવાલને યાદ કર્યા. તેના વિશે ઘણી ચર્ચા થઇ, પણ ઓછામાં ઓછા શબ્દોમાં, કેવળ મોદી, કેજરીવાલ, એ.કે.૪૭ અને ‘આપ’ના પ્રતીક જેવા ઝાડુ વડે ‘ધ હિંદુ’માં સુરેન્દ્રનું કાર્ટૂન જોઇને કોઇ પણ વ્યક્તિના ચહેરા પર સ્મિત ફરકી જાય.
cartoonist : Surendra/ The Hindu
સવાલ એ થાય કે કાર્ટૂનમાં જેમના ભોગે રમૂજ કરવામાં આવી છે અને જેમનાં ઠઠ્ઠાચિત્રો દોરવામાં આવ્યાં છે, એ પાત્રોને કેવી લાગણી થતી હશે? સૌથી પહેલી વાત કેરિકેચર કહેવાતા ઠઠ્ઠાચિત્રની. નામ પ્રમાણે ગુણ ધરાવતા આ ચિત્રનું હાર્દ છે અતિશયોક્તિભર્યું સામ્ય. જાહેર જીવનમાં પડેલા લોકોને તેનાથી ટેવાઇ ગયા વિના છૂટકો રહેતો નથી. ક્રિકેટની જેમ કાર્ટૂન પણ અંગ્રેજોની દેન છે. એટલે કાર્ટૂનને લગતી કેટલીક ઉદાર અંગ્રેજી પરંપરાઓ પણ આઝાદી પહેલાંથી ભારતીય નેતાઓને વારસામાં મળી હતી.

ગાંધીજીની રમૂજવૃત્તિ ઉત્તમ કહી શકાય એવી હતી. ભારતના ટોચના કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમે ‘ધ પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’ (૧૯૮૮)માં નોંઘ્યું છેે તેમ, સરોજિની નાયડુ અને સી.રાજગોપાલાચારી પણ પોતાની ખિલ્લી ઉડાવતાં કાર્ટૂન માણતાં હતાં. નેહરુ પોતાની જાતને હળવાશથી લઇ શકતા નહીં. છતાં તે પોતાનાં વિશેનાં કાર્ટૂન બરાબર માણી શકતા હતા. એટલું જ નહીં, તેમણે પોતાની રમૂજ કરતાં કેટલાંક કાર્ટૂન કાર્ટૂનિસ્ટો પાસેથી ચહીને મેળવ્યાં હતાં. તેમના સમયગાળામાં ભારતના વિખ્યાત રાજકીય કાર્ટૂનિસ્ટ શંકર (કે.શંકર પિલ્લઇ) લગભગ રાજકાર્ટૂનિસ્ટનો દરજ્જો પામ્યા હતા - નેહરુની પ્રશંસા કરતાં નહીં, પણ તેમની ખિલ્લી ઉડાડતાં કાર્ટૂન દોરીને. ‘શંકર્સ વિકલી’ના આરંભ વખતે મુખ્ય અતિથી નેહરુએ કહ્યું હતું, ‘ડોન્ટ સ્પેર મી, શંકર.’ (શંકર મને છોડીશ નહીં) અને શંકરે નેહરુની આ સૂચનાનું વફાદારીથી પાલન કર્યું હતું.  

અંગ્રેજોના રાજમાં રાષ્ટ્રવાદી અખબારોનાં લખાણને ઘણી વાર સેન્સરશિપનો ભોગ બનવું પડતું હતું, પરંતુ કાર્ટૂનનો નંબર પ્રમાણમાં ઓછો લાગતો. (ઉત્કૃષ્ટ હાસ્યવૃત્તિ ધરાવતા ગાંધીજીનાં એકેય પ્રકાશનમાં કાર્ટૂન આવતાં ન હતાં, એ જરા નવાઇ ઉપજાવે એવું લાગે છે.) આઝાદી મળ્યા પછી પહેલી વાર ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી, ત્યારે સેન્સરશિપનું રાજ પાછું આવ્યું. (અલબત્ત, આઝાદી પછી તરતના અરસામાં સરદાર પટેલ સામે પણ જરૂર કરતાં વધારે કડકાઇનો આરોપ થયો હતો. પરંતુ એ સમયની સંવેદનશીલ સ્થિતિ જોતાં સરદાર પર એ આરોપ ઝાઝો ચોંટ્યો નહીં.)

ઇંદિરા ગાંધીની કટોકટી વખતે માહિતી પ્રસારણ મંત્રી વી.સી.શુક્લે ક્યારેક તો ચા કરતાં પણ વધારે ગરમ કીટલીની ભૂમિકા ભજવી. અખબારોમાં છપાતા સમાચારો ‘પ્રી-સેન્સરશીપ’ માટે સરકારી કચેરીમાં મોકલવા પડતા અને સરકાર માઇબાપ મંજૂરી આપે તો જ એ સમાચાર છપાતા. પરંતુ અબુ અબ્રાહમની નોંધ પ્રમાણે, ત્રણ જ મહિનામાં કાર્ટૂન પરની પ્રી-સેન્સરશિપ હટાવી લેવામાં આવી હતી. એટલે રાષ્ટ્રપતિ ફકરુદ્દીનઅલી અહમદ બાથટબમાં બેઠા બેઠા કટોકટીના વટહુકમ પર સહી કરી આપી રહ્યા છે, એવું ઐતિહાસિક કાર્ટૂન ૧૦ ડિસેમ્બર, ૧૯૭૫ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયું હતું. તેમાં રાષ્ટ્રપતિના મોઢે અબુએ મૂકેલો માર્મિક સંવાદ હતો, ‘એમને કહેજો કે હવે બીજા વટહુકમો પર સહી કરવાની હોય તો થોડી વાર રાહ જુએ.’
cartoonist : Abu Abraham
(વધુ આવતા રવિવારે)
નોંધ - મૂળ છપાયેલા લેખમાં સુધીર દરને બદલે સરતચૂકથી સુધીર તેલંગનું નામ લખાયું હતું. એ બદલ દિલગીરી. 

Sunday, November 25, 2012

બાળ ઠાકરેઃ કાર્ટૂનકળાની કારકિર્દી


‘બાળ ઠાકરે આજીવન ફક્ત જ કાર્ટૂનિસ્ટ રહ્યા હોત તો?’ આ સવાલ ‘હિટલર આજીવન ચિત્રકાર રહ્યો હોત તો?’ અથવા ‘મહંમદઅલી ઝીણા તેમની જીવલેણ બિમારીમાં પાંચ વર્ષ વહેલા ગુજરી ગયા હોત તો?’ અથવા ‘જવાહરલાલ નેહરૂ માત્ર લેખક જ રહ્યા હોત તો?’- એ પ્રકારનો છે.

 બંધારણ-લોકશાહી-(બીજાના) અભિવ્યક્તિસ્વાતંત્ર્યના વિરોધી તરીકે નામીચા બનેલા ઠાકરે/Bal Thackeray આજીવન કાર્ટૂનિસ્ટ રહ્યા હોત તો ફક્ત રાજકારણ અને જાહેર જીવનનું જ નહીં, કાર્ટૂનજગતનું પણ ભલું થયું હોત એવું તેમના ઘણાં કાર્ટૂન જોઇને લાગે. આર.કે.લક્ષ્મણ/ R,K.Laxman અને ઠાકરેનાં ઠઠ્‌ઠાચિત્રો અને તેમની રેખાઓ એક ગોત્રનાં હતાં. બન્ને પર બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉ/ David Lawની શૈલીનો ખાસ્સો પ્રભાવ. રાજકીય કાર્ટૂન માટે આવશ્યક ગણાય એવી તીખાશ અને પ્રહારક્ષમતા પણ ઠાકરે માટે સહજ હતી.

કાર્ટૂનકળાની રીતે જોઇએ તો,  તેમનાં ઘણાં કાર્ટૂનમાં મુખ્યત્વે શાબ્દિક રમૂજનું જ ચિત્રાંકન રહેતું. જેમ કે, સદ્‌ગત નેતા ચંદ્રશેખરે કાંટાથી કાંટો કાઢવાનું વિચારતા હોય, તો એ કાર્ટૂનમાં ઇન્દિરા ગાંધી અને ચરણસિંઘને ઠઠ્‌ઠાચિત્રમાં કાંટા-સ્વરૂપ બતાવી દેવાનાં.

Cartoon by Bal Thackeray
એવો બીજો નમૂનોઃ પચાસના દાયકામાં બાબુરાવ પટેલના ‘ફિલ્મ ઇન્ડિયા’/ Film India માસિકમાં છપાયેલું ચોપાટી પરનાં પૂતળાં વિશેનું તેમનું કાર્ટૂન. ‘ચોપાટી- ધ ન્યૂ ગ્રેવયાર્ડ ઓર બર્ડ પાર્ક?’ (ચોપાટીઃ નવું કબ્રસ્તાન કે પંક્ષીઉદ્યાન?’) આ કાર્ટૂનમાં વાત એટલી હતી કે ચોપાટી પર નેતાઓનાં પૂતળાં બહુ થઇ ગયાં છે, જે પક્ષીઓ માટે ‘સુલભ’ બની ગયાં છે. તેની નીચે ભેળપુરી ને વડા-ચેવડાવાળા ધંધો કરે છે. ટૂંકમાં, એ નેતાઓની ગરીમા જળવાતી નથી.

Cartoon: Bal Thackeray, Film India (see his signature at bottom left corner)
આ પ્રકારનાં કાર્ટૂનના વિચારતત્ત્વમાં ખાસ વિશેષતા હોતી નથી. એટલે જ, કાર્ટૂનકળાની દૃષ્ટિએ આ શૈલી સહેજ ઉતરતા દરજ્જાની ગણાય. છતાં, ગતિશીલ અને જોમવંતી રેખાઓ ધરાવતાં ઠાકરેનાં વ્યંગચિત્રોને કારણે, કાર્ટૂન જોઇને છ દાયકા પછી પણ મોં મલકી જાય છે.

બાળ ઠાકરે ૧૯૪૭ની આસપાસ મુંબઇના ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા. તેમના પછી થોડા સમયમાં લક્ષ્મણ પણ ત્યાં આવ્યા. લક્ષ્મણે નોંઘ્યું છે કે ‘(હું ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયો ત્યારે) એક માણસ બાજુમાં બેસીને પાંજરે પુરાયેલા પંખીનું ચિત્ર જોશભેર દોરી રહ્યો હતો. (એનું નામ) બાળ ઠાકરે. તેમની ડાબી બાજુ બીજો છોકરો દોરતો હતો. એ હતો ભટ્ટ...અમે બહુ મઝા કરતા હતા. સોમવારે મારે કાર્ટૂન દોરવાનું. મંગળવારે ઠાકરેનો વારો અને બુધવારે ભટ્ટનો. એવી રીતે અમારું કામ ચાલતું.’ (ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા, ૨૯-૧-૧૯૮૯)

વર્ષ ૨૦૦૨માં ‘બીપીઆઇ ઇન્ડિયા’એ આર.કે.લક્ષ્મણ અને બાળ ઠાકરેનાં ‘ફ્રી પ્રેસ’ વખતનાં કાર્ટૂનનો એક સંગ્રહ ‘લાફ્‌ટર લાઇન્સઃ ધ કાર્ટૂનક્રાફ્‌ટ ઓફ આર.કે.લક્ષ્મણ એન્ડ બાળ ઠાકરે’ પ્રકાશિત કર્યો. તેમાં પ્રસ્તાવના અને કાર્ટૂન અંગેની જરૂરી વિગત એમ.વી.કામથે લખ્યાં હતાં, જે પોતે પણ એ અરસામાં ‘ફ્રી પ્રેસ’માં કામ કરી ચૂક્યા હતા. કામથે નોંઘ્યું હતું કે સંગ્રહમાં લેવાયેલાં લક્ષ્મણ અને ઠાકરેનાં ઘણાં કાર્ટૂન શીખાઉ લાગે એવાં છે. બન્ને એ વખતે તેમના જીવનની વીસીમાં હતા. તેમની કળા વિકસી રહી હતી...લક્ષ્મણનું કામ વધારે સફાઇદાર ગણાતું અને ઠાકરેનું (પ્રાકૃતના અર્થમાં) ‘દેશી’.

ઠાકરેએ કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું ૧૯૪૭માં ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયો. આર.કે.લક્ષ્મણ પણ જોડાયા. અમારી વચ્ચે સરસ બનતું હતું. મેં ત્રણ વાર ફ્રી પ્રેસ છોડ્યું અને એ લોકો મને પાછો બોલાવી લેતા હતા. ત્યાં તંત્રી તરીકે સદાનંદ હતો ત્યાં સુધી કામ કરવાની પૂરી મોકળાશ હતી. પણ એ.બી.નાયરે આવીને મારી પર ઘણા અંકુશ મૂકી દીધા. કંટાળીને મેં ફ્રી પ્રેસ છોડી દીઘું.’ (હિંદુસ્તાન ટાઇમ્સ, ૧૦-૧૨-૨૦૦૦)

પચાસનો દાયકો પૂરો થવા આવ્યો ત્યાં સુધીમાં બાળ ઠાકરે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં સક્રિય થઇ ચૂક્યા હતા. ‘ફ્રી પ્રેસ’ છોડ્યા પછી તેમણે અને બીજા કેટલાક મિત્રોએ ‘ન્યૂઝડે’ નામનું અંગ્રેજી દૈનિક શરૂ કર્યું. તેમાં ઠાકરે એક ડાયરેક્ટર હતા અને (સમાજવાદી નેતા) જ્યોર્જ ફર્નાન્ડિસ પણ તેમની સાથે હતા. ૧૯૬૦માં મહારાષ્ટ્ર-ગુજરાત અલગ પડ્યાં અને ઠાકરેએ તેમનું કાર્ટૂનપ્રધાન સાપ્તાહિક ‘માર્મિક’ શરૂ કર્યું.   (ગુજરાતીમાં કાર્ટૂનિસ્ટ ‘શનિ’ લગભગ એ જ અરસામાં ‘ચેત મછંદર’ ચલાવતા હતા.) ભારતમાં કાર્ટૂનપ્રધાન સામયિકો બહુ થોડાં છે. તેમાં બાળ ઠાકરે અને કાર્ટૂનકળામાં તેમના ઉત્તરાધિકારી રાજ ઠાકરેના ‘માર્મિક’ના કામની નોંધ લેવી પડે- ભલે તે ઉત્તરોત્તર રાજકીય પક્ષનાં મુખપત્ર બની ગયાં હોય.

 ‘રીમોટ કન્ટ્રોલ’ કાકા બાળ ઠાકરેનું ભત્રીજા
રાજે દોરેલું વ્યંગચિત્ર/ Cartoon : Raj Thackeray
‘માર્મિક’માં ઠાકરેનાં કાર્ટૂનની ધાક હતી. ઘણા રાજનેતા તેનાથી શિયાંવિયાં થઇ જતા હતા. ઠાકરેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘આચાર્ય અત્રેને તો મેં કાર્ટૂનથી જ ઘ્વસ્ત કરી દીધા હતા. મેં એમનું સૂવરના સ્વરૂપમાં કાર્ટૂન બનાવ્યું, એ જોઇને બીજા જ દિવસે તેમણે વિવાદનો અંત આણી દીધો.’

‘માર્મિક’ અને તેમાં પ્રગટ થતાં ઠાકરેનાં કાર્ટૂન તેમના રાજકારણનાં વાહન બન્યાં. નવા રાજકીય પક્ષ શિવસેનાની આબોહવા બાંધવામાં પણ ‘માર્મિક’નો ફાળો અગત્યનો હતો. ૧૯૬૬માં શિવસેનાનો જન્મ થયો. ત્યાર પછી  છેક ૧૯૮૭ સુધી તેમણે ‘માર્મિક’માં કાર્ટૂન દોરવાનું ચાલુ રાખ્યું. ધીક્કારના રાજકારણમાં તેમના ઉત્તરાધિકારી એવા ભત્રીજા રાજ ઠાકરેએ પણ કાકાના પગલે, તેમની જ શૈલીમાં કાર્ટૂનકળા અપનાવી. ઠાકરેમાં એક સારો કેરિકેચરિસ્ટ (ઠઠ્‌ઠાચિત્રકાર) ઘણા લાંબા સમય સુધી જીવીત હતો. સુધીર તેલંગ સાથેની મુલાકાત વખતે તેમણે ડિસેમ્બર, ૨૦૦૦માં પેનના થોડા લસરકાથી ઇંદિરા ગાંધીનું આબાદ વ્યંગચિત્ર બનાવ્યું હતું. પરંતુ રાજકારણમાં તેમની ભૂમિકા પ્રાંતીયમાંથી રાષ્ટ્રિય બની, તેમ કાર્ટૂન  સાથેનો તેમનો નાતો છૂટતો ગયો. ‘હવે ટાઇમ જ ક્યાં મળે છે? લોકો જંપવા દેતા નથી.’ એવું તે કહેતા હતા. તેમ છતાં, ‘માર્મિક’ના મુખપૃષ્ઠ પર આવતા કાર્ટૂન માટે રાજ ઠાકરેને આઇડીયા એ આપતા હતા.
 બાંગ્લાદેશ છૂટું પાડીને યાહ્યાખાનને પરાસ્ત કરતાં
‘દુર્ગાસ્વરૂપ’ ઇંદિરા ગાંધી/ Cartoon : Bal Thackeray

કાર્ટૂનિસ્ટોની નવી પેઢી માટે ઠાકરે નિરાશાવાદી હતા. તેમનામાં એકાગ્રતા અને રાજકીય જ્ઞાનનો અભાવ છે એવું તે માનતા હતા. સુધીર તેલંગને તેમણે કહ્યું પણ હતું કે ‘આજકાલના કાર્ટૂનિસ્ટો મારું વ્યંગચિત્ર પણ સરખું દોરી શકતા નથી. મેં પાઇપ પીવાનું ક્યારનું છોડી દીઘું છે. છતાં એ મને પાઇપ પીતો દેખાડે છે...હવે હું સીગાર પીઉં છું. તમે મને સીગાર પીતો ચીતરજો...’

કાર્ટૂનકળાનાં વૃદ્ધિ અને વિકાસ માટે લોકશાહી આવશ્યક છે. પરંતુ સારા રાજકીય કાર્ટૂનિસ્ટ એવા ઠાકરે રાજનેતા તરીકે લોકશાહીના વિરોધી હતા. કાર્ટૂનિસ્ટ તરીકે બીજા ઘણા નેતાઓએ સહિષ્ણુતાથી ઠાકરેનાં કાર્ટૂન માણ્યાં, પણ ઠાકરેનું સમગ્ર રાજકારણ અસહિષ્ણુતા અને એક યા બીજા જૂથ પ્રત્યેના ધીક્કારથી પ્રેરિત હતું.

એક સારો રાજકીય કાર્ટૂનિસ્ટ અંતિમવાદી રાજનેતામાં ફેરવાય એ પણ એક ચોટદાર કાર્ટૂનનો વિષય નથી?

(આવતી કાલેઃ બાળ ઠાકરેના રાજકારણ અને સમાજકારણનું સરવૈયું)

Tuesday, September 18, 2012

કાર્ટૂનવિવાદઃ લોકશાહીનું કેરિકેચર (ઠઠ્‌ઠાચિત્ર)


ધારો કે, વઘુ એક વખત સાંસદો લોકસભામાં ધાંધલ પર ઉતરી આવે છે. સામસામા બેફામ આક્ષેપો, અઘ્યક્ષના આસન સુધી ધસી જવું, માઇકની ફેંકાફેંક, ખુરશીઓ તોડી નાખવી, ધક્કામુક્કી, મારામારી...

ધારો કે, એ વખતે ‘લોકસભા ટીવી’નું જીવંત પ્રસારણ ચાલુ છે. તેના થકી સાંસદોની શરમજનક હરકતો લોકોના ઘરમાં પહોંચે છે.  એ જોનારના મનમાં સંસદીય કાર્યવાહીની સાથોસાથ સંસદની પવિત્રતા અને તેની ગરીમા અંગેના રહ્યાસહ્યા ખ્યાલનું ધોવાણ થાય છે.

પરંતુ સરકાર, સંસદની ગરીમાની દુહાઇ આપીને, ‘લોકસભા ટીવી’ના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દે તો?

વાત હાસ્યાસ્પદ લાગે છે? પણ અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન પર રાજદ્રોહ લગાડી શકનાર સરકારી તંત્ર આવું કરે તો નવાઇ ન લાગવી જોઇએ. આખરે, રાષ્ટ્રનાં અને લોકશાહીનાં પ્રતીકોની ગરીમાનો સવાલ છે.

સરકારની સંડોવણી

અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન પર રાજદ્રોહના વિવાદમાં, મોટે ભાગે બને છે તેમ, બે-ત્રણ મુદ્દાની ભેળસેળ થઇ ગઇ. એ મુદ્દાને અલગ તારવીને  તેમની વાત કરવી પડે.

સૌથી પહેલી વાત કલમ ૧૨૪ (એ) ઉર્ફે રાજદ્રોહની. કાર્ટૂન સામે રાજદ્રોહની કલમ લગાડવી, એ પ્રમાણભાનની રીતે માખી ઉડાડવા માટે તલવાર વાપરવા જેવું ગણાય. અસીમ ત્રિવેદીનાં કાર્ટૂનની ગુણવત્તાની ચર્ચા પછી રાખીએ, પણ એ કાર્ટૂન ભ્રષ્ટાચાર સામેનાં- ભ્રષ્ટ રાજકીય વર્ગ સામેનાં હતાં એટલું સાફ છે. તેનાથી સરકાર સામે અસંતોષ કે વિદ્રોહ કે બેદિલી ફેલાય, એ માન્યતા સરકારની અસલામત અથવા કિન્નાખોર અથવા બન્ને પ્રકારની માનસિકતા સૂચવે છે. મસમોટાં કૌભાંડોથી ખરડાયેલી સરકારને પોતાની સ્થિતિ ડગુમગુ લાગે તે અસલામતી અને અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ તથા અન્નામંડળની ઝુંબેશનો હિસ્સો હતાં, એ તેની કિન્નાખોરી.

એક દલીલ એવી કરવામાં આવે છે કે રાજદ્રોહની ફરિયાદ સરકારે કરી ન હતી. એટલે આ કિસ્સામાં સરકારનો કે નેતાઓનો વાંક કાઢી શકાય નહીં.  ટેકનિકલ રીતે ફરિયાદ મુંબઇના એક યુવકે નોંધાવી હતી એ ખરું, પરંતુ તેમાં કઇ કલમો લગાડવી એ ફરિયાદીના હાથમાં હોતું નથી અને તેમાં ફરિયાદીનું ધાર્યું પણ થતું નથી. દલિત અત્યાચારની કે મોટાં માથાં સામા પક્ષે હોય એવી અનેક ફરિયાદો ફરિયાદીના લાખ પ્રયાસ છતાં નોંધાતી સુદ્ધાં નથી, એ જાણીતું છે. દલિત અત્યાચારના કિસ્સામાં દબાણ પછી ફરિયાદ નોંધાય તો પણ, તેમાં ગુનાની ગંભીરતાને અનુરૂપ કલમો પોલીસ ભાગ્યે જ લગાડે છે.

તો પછી અસીમ ત્રિવેદી સામેની ફરિયાદમાં પોલીસને રાજદ્રોહ લગાડવાની પ્રેરણા કેવી રીતે મળી? તેના ત્રણ સંભવિત જવાબ આપી શકાયઃ ૧) પોલીસ કે તેમના ઉપરીને પોતાની તાકાત ‘બતાવી દેવાનો’ જુસ્સો ચઢી આવ્યો હોય ૨) આમ કરવાથી પોતાના રાજકીય ઉપરી રાજી થશે કે નારાજ તો નહીં જ થાય તેની ગળા સુધીની ખાતરી હોય ૩) આખી ફરિયાદ ‘સ્પોન્સર્ડ’ હોય એટલે કે રાજદ્રોહ લગાડવાનું પહેલેથી નક્કી હોય અને તેની પ્રાથમિક વિધિ પૂરતી કોઇની પાસે ફરિયાદ કરાવવામાં આવી હોય.

રાજદ્રોહની કલમ સામે ઉહાપોહ થયા પછી મહારાષ્ટ્ર કોંગ્રેસે આખા મામલા સાથે પોતાને કશી લેવાદેવા નહીં હોવાનું જાહેર કર્યું અને સાથી પક્ષ એનસીપી પર આળીયોગાળીયો નાખવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં એટલું સલામત રીતે કહી શકાય કે કાર્ટૂનિસ્ટ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાઇ તેમાં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકાર, ઓછામાં ઓછી નૈતિક રીતે, જવાબદાર હતી. ગુજરાતના મુખ્ય મંત્રીની જેમ, પોતાના રાજમાં બનેલી ઘટનાઓની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા, એ નિર્દોષતા નહીં, ખંધાઇ સૂચવે છે.

આપખુદશાહીનો અંશ

રાજદ્રોહની કલમ હંમેશાં વિવાદાસ્પદ રહી છે- ચાહે તે માઓવાદીઓને મદદ કરવાના આરોપસર ડૉ.વિનાયક સેન સામે લાગે કે પછી રાષ્ટ્રિય પ્રતીકોની પેરડી કરવા બદલ અસીમ ત્રિવેદી સામે લગાડાય. (એ જુદી વાત છે કે અસીમ ત્રિવેદીના મામલે કૂદી પડેલી કેસરિયા બ્રિગેડ ગુજરાત સરકાર દ્વારા આ જ કલમનો દુરુપયોગ થાય ત્યારે મોઢામાં મગ ભરીને બેસી જાય છે.)

પારકા દેશ એવા ભારતને પોતાની એડી તળે કચડેલો રાખવા  અંગ્રેજોને રાજદ્રોહ જેવી આત્યંતિક કલમની જરૂર પડે- અને ક્રાંતિકારીઓથી માંડીને લોકમાન્ય ટિળક, ગાંધીજી જેવા નેતાઓને એ કલમ અંતર્ગત સજાઓ ફટકારવામાં આવે, એ સમજી શકાય એવું છે.  પરંતુ સ્વતંત્ર અને લોકશાહી દેશમાં, લોકોએ ચૂંટેલી સરકારનું રાજ હોય ત્યાં આ કલમની શી જરૂર? લોકશાહી અધિકારો પર તરાપ અને આપખુદશાહીની અવધિની બાબતમાં રાજદ્રોહની કલમ શિરમોર ગણાય એવી છે. તેના આરોપીને જામીન પણ ન મળે અને સજા તરીકે આજીવન કેદ થઇ શકે, એવી કડક જોગવાઇ હોય છે.

ભારત જેવા વૈવિઘ્યપૂર્ણ દેશમાં અલગતાવાદી પ્રવૃત્તિઓનો ઉપાડો રાજદ્રોહની કલમની જરૂરિયાત તરીકે ટાંકી શકાય, પણ ગમે તેવાં ભવ્ય કારણસર થતી ગુનાઇત પ્રવૃત્તિને સજા કરવા માટે પૂરતા કાયદા મોજૂદ છે. તેના માટે રાજદ્રોહ જેવી, ગુલામીની યાદ અપાવતી કલમ ચાલુ રાખવાની જરૂર ન હોય. સાથોસાથ, લોકશાહી દેશમાં અલગતાવાદી ગતિવિધિ સાથે પનારો પાડવા માટે રાજદ્રોહની કલમ જેવાં હથિયાર કારગત નીવડતાં નથી એ પણ યાદ રાખવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ, મુત્સદ્દીગીરી અને સમસ્યાના મૂળ સુધી જવાની તૈયારી વિના કેવળ દંડશક્તિ અકસીર નીવડતી હોત, તો માઓવાદ ભારતમાં આટલો ફેલાયો હોત?

પ્રાથમિકતાનો પ્રશ્ન

ચર્ચાનો એક સૂર એવો પણ હતો કે કાર્ટૂનિસ્ટ સામે રાજદ્રોહ ન લગાડવો જોઇએ એ બરાબર, પણ રાષ્ટ્રિય પ્રતીકોનું મહત્ત્વ ઓછું આંકી ન શકાય. કાર્ટૂનિસ્ટે તેમની સાથે કામ પાડતી વખતે સાવચેતી રાખવી જોઇએ. કારણ કે રાષ્ટ્રિય પ્રતીકો સાથે ઘણા લોકોની દેશપ્રેમની લાગણી જોડાયેલી હોય છે અને તેમનું માન જળવાવું જોઇએ. માહિતી પ્રસારણ મંત્રી અંબિકા સોનીથી માંડીને ઘણા તટસ્થ અભ્યાસીઓએ પણ આ પ્રકારનો મત વ્યક્ત કર્યો.

આ મુદ્દાની સાથે કાર્ટૂનની ગુણવત્તા વિશેની ચર્ચાનો ઉલ્લેખ પણ કરી લઇએ. ઘણા લોકોને લાગ્યું કે અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન કળાની દૃષ્ટિએ ભદ્દાં અને સુરુચિનો ભંગ કરનારાં હતાં. સંસદને શૌચાલયના કમોડ તરીકે ચીતરતું કાર્ટૂન કે કૂતરાની માફક પગ ઊંચો કરીને બંધારણનું પુસ્તક ભીનું કરતા અજમલ કસાબનું કાર્ટૂન તેના નમૂના છે. કાર્ટૂનકળાની સમજણ ધરાવનાર રસિકો-ભાવકોને આ કાર્ટૂન નબળું કે અરૂચિકર લાગે એ સમજી શકાય. તથ્યનું અતિશયોક્તિભર્યું ચિત્રણ કાર્ટૂનકળાનું મહત્ત્વનું અંગ છે, પરંતુ કસાબવાળું કાર્ટૂન જોઇને લાગે કે કાર્ટૂનિસ્ટ ભ્રષ્ટાચારવિરોધી રોષ વ્યક્ત કરવાની સાથોસાથ જોનારના મનમાં આંચકાની લાગણી  પેદા કરવા ઇચ્છે છે.

પણ એક મિનીટ. ખોટું પાર્કિગ કરવા માટે કે ટ્રાફિક સિગ્નલ કૂદાવવા માટે કોઇ માણસ સામે દસ-પંદર વર્ષની સજા થાય એવી ગંભીર કલમ લગાડવામાં આવે તો? એ વખતે ‘ખોટી કલમ તો ન જ લગાડવી જોઇએ, પણ તેમણે પાર્કંિગ કરતી વખતે ઘ્યાન રાખવું જોઇએ’ એમ કહેવાનું કેવું લાગે? આ પ્રકારના વિધાનથી બન્ને બાબતોની ગંભીરતા સમાન સ્તર પર આવી જાય છે.

અસીમ ત્રિવેદીનો કિસ્સો આગળના ઉદાહરણ કરતાં વધારે ગંભીર છે.  તેમાં ‘રાજદ્રોહની કલમ ન લગાડવી જોઇએ એ બરાબર, પણ અસીમે આવાં કાર્ટૂન ન દોરવા જોઇએ’ એમ કહેવાથી બન્ને બાબતોની ગંભીરતા એકસરખી લાગવા માંડે છે. કેટલીક વાર તેમાંથી નહીં બોલાયેલો એવો ઘ્વનિ પણ પ્રગટે છે કે ‘રાજદ્રોહ પણ ન લગાડવો જોઇએ ને આવાં કાર્ટૂન પણ ન દોરવાં જોઇએ. પછી આવાં કાર્ટૂન દોરો તો રાજદ્રોહ લાગે પણ ખરો.’
 ખરેખર આવું કહી શકાય? અને એ ન્યાયી લાગે છે? તેનો સાદો અર્થ એટલો જ કે રાજદ્રોહ જેવી આત્યંતિક અને અન્યાયી કલમ લાગી હોય, ત્યારે સૌથી પહેલાં બઘું જોર લગાડીને એ કલમનો વિરોધ કરવો પડે. કાર્ટૂનની ગુણવત્તાની ચર્ચા પછી થઇ શકે છે. એ વિશે કહેવાની ફરજ પડે તો પણ, એ સ્પષ્ટ રહેવું જોઇએ કે કાર્ટૂનની ગુણવત્તાનો મુદ્દો ગમે તેટલો સાચો હોય છતાં, રાજદ્રોહની ગંભીરતા સામે તેનું વજૂદ નહીં જેવું છે. કાર્ટૂનના ગુણદોષની ચર્ચા રાજદ્રોહના આરોપને કે સરકારની આત્યંતિકતાને લેશમાત્ર વાજબી ઠરાવવા માટે ન વપરાવી જોઇએ.

બેવડાં ધોરણ

આ વિવાદ સાથે સંકળાયેલી કેટલીક આડવાતો પણ ઉલ્લેખનીય છે. અસીમ ત્રિવેદીએ કાર્ટૂન દોર્યાં, નાનો જેલવાસ મેળવ્યો, રાજદ્રોહના આરોપ પાછા ન ખેંચાય ત્યાં સુધી જામીન ન લેવાની જાહેરાત કરી, પછી રાજદ્રોહના આરોપ પાછા ખેંચાયા વિના જામીન પર છૂટકારો મેળવ્યો, રાજદ્રોહના બીજા મોટા આરોપી ડો.વિનાયક સેનને મળ્યા અને રાજદ્રોહની કલમ સામે ઝુંબેશ ઉપાડવાની વાત કરી. આટલા ઘટનાક્રમ પરથી અસીમ ત્રિવેદી અને ડો.વિનાયક સેનને એક સ્તરે ગણવાની જરૂર નથી અને અસીમ ત્રિવેદીને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ઝુંબેશના નાયક બનાવી દેવાની ઉતાવળમાં પડવા જેવું નથી. સામેના માણસને આપણી અપેક્ષા પ્રમાણેના નાયકપદે સ્થાપી દેવાથી કામચલાઉ મઝા આવે છે, પરંતુ સામેના માણસનું અસલી કદ જાહેર થાય ત્યારે બમણી નિરાશા થાય છે. અન્ના-કેજરીવાલ-કિરણ બેદીના આંદોલનમાંથી આટલો બોધ પણ ન લીધો હોય, તે રાજકીય પાયદળમાં ભરતીને જ લાયક ગણાય.

ચિતરવાને લગતી વાત આવી એટલે ઘણાને એમ.એફ.હુસૈનનો જૂનો સણકો ઉપડ્યો. ‘હુસૈનને કશું કર્યું ન હતું ને કાર્ટૂનિસ્ટને જેલમાં પૂરી દીધો’ એવી દલીલો થઇ. બન્નેના સાવ જુદા કામ અને સાવ જુદા કેસની સરખામણી શી રીતે થઇ શકે,  એ સમજવામાં ભાજપી માનસિકતા ઘણી મદદરૂપ થઇ શકે. હા, એવું ચોક્કસ કહી શકાય કે ઠાકરે બંદાઓ બેફામ પ્રાંતવાદ ભડકાવે છે અને ભારતના બંધારણના હાર્દને જોખમાવે છે. છતાં કોંગ્રેસ-એન.સી.પી.ની સરકાર ‘અમે કાનૂની વિકલ્પો તપાસી રહ્યા છીએ’ એવા લાળા ચાવે છે અને તેમનું કશું બગાડી શકતી નથી. આ નિષ્ક્રિયતા પણ ગુનાને પ્રોત્સાહન આપવા જેટલી જ ગંભીર ગણાવી જોઇએ. આઝાદ મેદાનના તોફાનમાં જવાનોના સ્મારકને નુકસાન પહોંચાડનારા તોફાનીઓ સામે સરકાર કશું કરી શકતી નથી, પરંતુ એક કાર્ટૂનિસ્ટની વાત આવે એટલે સરકારને રાજદ્રોહનો આરોપ લગાડવાનું શૂરાતન ઉપડે છે.

 નબળી સરકાર કાર્ટૂનિસ્ટ પર શૂરી, બીજું શું?

Sunday, September 16, 2012

સત્તાધીશોનો ખોફ નોતરતા કાર્ટૂનિસ્ટ : કિસ્સા કાર્ટૂનકા

કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની ધરપકડ અને તેમની સામે લાગેલી રાજદ્રોહની કલમથી ફરી એક વાર કાર્ટૂન અને તેના સર્જકો ચર્ચાસ્પદ બન્યા છે. સૌ પહેલાં અસીમ ત્રિવેદીના કિસ્સામાં શું બન્યું તે ટૂંકમાં જાણી લઇએ.

 અન્ના હજારેના આંદોલન દરમિયાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ ભારતનાં સત્તાવાર પ્રતીકો-રાજચિહ્નોની પેરડી કરી હતી. મૂળ પ્રતીકોને બદલે તેમણે, એ જ શૈલીમાં ભ્રષ્ટાચારી ભારતની વરવી વાસ્તવિકતા રજૂ કરતાં નવાં પ્રતીક ચીતર્યાં. આ કાર્ટૂન અન્ના હજારેના  મુંબઇના આંદોલનસ્થળે દર્શાવાયાં અને તેમની (અસીમની) વેબસાઇટ ઉપર પણ મૂકાયાં. તેની સામે મુંબઇના જ એક ભાઇની ફરિયાદના આધારે  પોલીસે અસીમ ત્રિવેદી સામે કેસ દાખલ કર્યો. તેમાં રાષ્ટ્રિય પ્રતીકોના અપમાનની કલમ ઉપરાંત રાજદ્રોહની કલમ પણ સામેલ હતી. ગયા વર્ષના કેસના સિલસિલામાં ૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ પોલીસે અસીમ ત્રિવેદીની ધરપકડ કરીને અને તેમને અદાલતમાં રજૂ કર્યા. ત્યાં તેમને ૧૬ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ થયો.

અસીમનાં કાર્ટૂનની તેમની ગુણવત્તા કે કળાત્મકતા જુદી ચર્ચાનો વિષય છે. તેમની સામે રાષ્ટ્રિય પ્રતીકોના અપમાનની કલમ લગાડાય તો એ મુદ્દે સામસામી દલીલ થાય એટલી જગ્યા રહે છે, પરંતુ રાજદ્રોહ? એ તો સરકાર સામે બેદિલી ફેલાવવાનો ગંભીરતમ આરોપ છે. અસીમનાં કાર્ટૂન ધારો કે રાષ્ટ્રિય પ્રતીકોનું અપમાન કરતાં હોય તો પણ અથવા એટલી જ વાતથી તે રાજદ્રોહના આરોપને પાત્ર બની જતાં નથી.  અસીમ સામેનાં આત્યંતિક પગલાંનો વિરોધ કરવામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતીઓથી માંડીને કેવળ કોંગ્રેસવિરોધને ધર્મ સમજતા ભાજપી સમર્થકો સુધીના સૌ મેદાને પડ્યા છે. મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારે અસીમની ધરપકડ સાથે પોતાને કશી લેવાદેવા ન હોવાનું જાહેર કર્યું છે, પણ પોલીસતંત્ર રાજ્ય સરકારના ઇશારા વિના કામ કરતું નથી એ સૌ જાણે છે. (છૂપા કે પ્રગટ ભાજપી બિલ્લાધારીઓ ગુજરાતની વાત આવે ત્યારે આ સચ્ચાઇ સગવડપૂર્વક ભૂલી જાય છે, એ જુદી વાત છે.)

કાર્ટૂન અને તેમાં પણ રાજકીય કાર્ટૂન જોખમી કળા છે. ગુજરાતીમાં છેલ્લા થોડા દાયકાથી રાજકીય કાર્ટૂનનો દુષ્કાળ પ્રવર્તે છે, પણ અંગ્રેજીમાં તેની સદીઓ જૂની પરંપરા રહી છે. પરંપરા બન્ને પ્રકારનીઃ સત્તાધીશોને છંછેડતાં રાજકીય કાર્ટૂનની અને તેનાં પરિણામ ભોગવતા કાર્ટૂનસર્જકોની. તેનાં સૌથી જૂનાં અને જાણીતાં ઉદાહરણોમાંનું એક ફ્રેન્ચ કાર્ટૂનિસ્ટ ચાર્લ્સ ફિલિપોન/ Charles Philipponનું છે. ‘લ કેરિકેચર’ નામનું પહેલું કાર્ટૂન-વ્યંગ સાપ્તાહિક  અને ‘લ શારિવારિ’ (નજીકનું ગુજરાતીઃ હલ્લાગુલ્લા) જેવું અખબાર પ્રકાશિત કરનાર ફિલિપોને રાજા લુઇ ફિલિપની ફિલમ ઉતારવામાં કશું બાકી રાખ્યું ન હતું. તેમની સામે સતત સેન્સરશીપ અને શિક્ષાત્મક કાર્યવાહીનાં શસ્ત્રો ઉગામાયાં. છતાં, ફિલિપોને હાર માની નહીં. રાજા ફિલિપના ચહેરાના જમરૂખ જેવા આકારને કેન્દ્રમાં રાખીને ફિલિપોને રાજાનાં ઘણાં ઠઠ્‌ઠાચિત્રો બનાવ્યાં.
Cartoon by Charles Philippon
એક ચિત્રમાં તેમણે રાજાના માથાને ક્રમશઃ જમરૂખ (પેરુ)માં ફેરવાતું દર્શાવ્યું. તેમની સામે અદાલતમાં કેસ ચાલ્યો, ત્યારે બચાવમાં ફિલિપોને વધારે બારીકીઓ ધરાવતું ચિત્ર દોર્યું  અને દરેક ચિત્ર આગળના ચિત્ર સાથે સામ્ય ધરાવે છે કે નહીં, એવા સવાલ પૂછ્‌યા. તેમણે ચિત્રો દ્વારા એવું સિદ્ધ કર્યું કે તમે રાજાના ચહેરાને વખોડતા હો તો જ તમે જમરૂખના આકારને વખોડી શકો. વ્યંગમાં તેમણે એવું પણ કહ્યું કે રાજાના ચહેરાની આકૃતિ જમરૂખ જેવી હોય તો ખરેખર બધાં જમરૂખને સજા થવી જોઇએ.

ફ્રાન્સમાં અક્કલના ઓછા માણસ માટે ‘જમરૂખ’ શબ્દ વપરાતો હતો. (ગુજરાતીમાં પણ ‘એ તો સાવ જમરૂખ જેવો છે’ એવું કહેવાતું સાંભળ્યું છે.) રાજાને ‘જમરૂખ’ ઠરાવવાની ગુસ્તાખી બદલ અદાલતે ફિલિપોનની એકેય દલીલો માન્ય રાખી નહીં અને નવેમ્બર ૧૭, ૧૮૩૧ના રોજ તેમને બે હજાર ફ્રાંકનો દંડ તથા છ મહિનાની જેલની સજા ફટકારી.
Cartoon by Charles Philippon
ગુજરાતમાં આઝાદી પહેલાં ઝવેરચંદ મેઘાણીને સાંકળતો કાર્ટૂનકેસ બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. ભાવનગરમાં કોમી હુલ્લડ થયું ત્યારે મેઘાણીએ એક કાર્ટૂન પ્રગટ કર્યું હતું : એક મસ્જિની સામે બે-ત્રણ લાશ પડી છે અને પોલીસ પોતાની ટોપી સરખી કરે છે. તેનું શીર્ષક હતું મુખડા ક્યા દેખો દર્પણમેં. આ કાર્ટૂનમાં મૃતદેહોનાં રેખાંકન રવિશંકર રાવળના એક ચિત્રમાંથી લેવાયાં હતાં અને ટોપી સરખી કરતો પોલીસ બંસીલાલ વર્મા ‘ચકોર’નું સર્જન હતું. પોલીસની નિષ્ક્રિયતા દર્શાવતા આ કાર્ટૂન બદલ મેઘાણી સામે કેસ દાખલ કરવામાં આવ્યો. કાર્ટૂનિસ્ટને આગળ કરી દેવાને બદલે, મેઘાણી પોતે બધી જવાબદારી લઇને ખુમારીથી કેસ લડ્યા અને અદાલતના ધક્કા ખાઇને અંતે નિર્દોષ પુરવાર થયા.

સ્વતંત્ર ભારતમાં કાર્ટૂનિસ્ટોની સ્થિતિ ઘણી સારી હતી. ભારતના ‘કાર્ટૂનકુલગુરૂ’ કહી શકાય એવા શંકર પર નેહરૂના ચાર હાથ હતા. નેહરુએ તેમને ‘ડૉન્ટ સ્પેર મી, શંકર’ (મને બક્ષતો નહીં, શંકર) એવું અભયવચન આપેલું હતુ અને તે છેક સુધી પાળ્યું. શંકરનાં કાર્ટૂનમાં થતી પોતાની ઠઠ્‌ઠામજાક નેહરુ બરાબર માણતા. શંકર કે તેમના જુનિયર એવા બાળ ઠાકરે, કુટ્ટી, આર.કે.લક્ષ્મણ જેવા કાર્ટૂનિસ્ટોની શૈલી પર મહાન (બ્રિટિશ) કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉનો જબરો પ્રભાવ હતો. લૉ પણ પોતાનાં કાર્ટૂનમાં ભલભલા સત્તાધીશોની ખબર લઇ નાખતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમનાં કાર્ટૂનથી હિટલરને ઝાળ લાગી ગઇ હતી. ‘આ માણસના મોઢે ડૂચો મારો અથવા એને ખતમ કરી નાખો’ એવી ‘અંજલિ’ હિટલરે ડેવિડ લૉને આપી હોવાનું કહેવાય છે.
હિટલરનો પત્તાંનો મહેલઃ Cartoon by David Low
ભારતમાં કાર્ટૂનિસ્ટોને સેન્સરશીપની કડવી દવાનો સ્વાદ કટોકટી દરમિયાન ચાખવા મળ્યો. ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને માહિતી-પ્રસારણ મંત્રી વી.સી.શુક્લનો ત્યારે કાળો કેર હતો. ગુજરાતી કાર્ટૂનિસ્ટ (હવે સદ્‌ગત) ‘ચકોર’ પણ તેમની અડફેટે ચડી ગયા હતા. ‘મને કોઇ દૂર કરી શકે એમ નથી’ એવા ઇંદિરા ગાંધીના નિવેદન પછી ‘ચકોરે’ ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કાર્ટૂન દોર્યું : મેડમ ગાંધી સિંહાસન પર બિરાજ્યાં છે, પણ તેના ચારે પાયા છૂટા થઇ ગયા છે. આ કાર્ટૂન પછી, ‘ઉપરના આદેશથી’ ‘ચકોર’ને છૂટા કરી દેવાયા હતા.

મોટા ભાગના ભારતીયો માટે કાર્ટૂનનો પર્યાય બની ગયેલા આર.કે.લક્ષ્મણ કટોકટી વખતે ઇંદિરા ગાંધીને મળ્યા હતા. તેમણે લક્ષ્મણને સ્વતંત્રતા આપી હતી, પણ વી.સી.શુક્લ-સંજય ગાંધીની ગેંગ એ સ્વતંત્રતા ભોગવવા દેતી નહીં. શુક્લે લક્ષ્મણને  સીધેસીધી ધમકી આપી હતી કે ‘અમારી વિરુદ્ધનું કાર્ટૂન બનાવ્યું તો સીધા જેલભેગા થશો. માટે સમજી વિચારીને કામ કરજો.’ લક્ષ્મણે એક અંગ્રેજી સામયિકને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી. તેમનાં કેટલાંક કાર્ટૂન એકદમ સીધાંસાદાં ને નિર્દોષ હોવા છતાં, કટોકટી વખતે  તેમને સેન્સર કરવામાં આવ્યાં હતાં. દા.ત. ઓફિસમાં એક કારકુન સાહેબને કહે છે,‘મેં બધા વિભાગોને સરપ્રાઇઝ ચેકિંગ માટે તૈયાર રહેવા કહી દીઘું છે. હવે આપણે ચેકિંગ માટે જઇશું સાહેબ?’

Rajinder Puri
કટોકટી સમયે ડર્યા વિના કાર્ટૂન બનાવનારા જૂજ લોકોમાં રાજિન્દર પુરી મુખ્ય હતા. ૧૯૭૭માં રચાયેલી જનતા પાર્ટીના પાંચ સ્થાપક સચિવોમાંના તે એક હતા, પરંતુ સાચું કહેવાની અને જરૂર લાગ્યે ટીકા કરવાની વૃત્તિને કારણે એકેય પક્ષમાં તેમનો સમાસ થયો નહીં. ભાજપ સહિત બધા પક્ષોમાં તે વારાફરતી જઇ આવ્યા અને ત્યાંથી શિસ્તભંગનાં કારણોસર તેમને નીકળવું પડ્યું. રાજીવ ગાંધી વિરુદ્ધ વી.પી.સિંઘની  ઝુંબેશમાં તેમણે સક્રિય સહકાર આપ્યો હતો, પરંતુ વી.પી.સિંઘની સરકાર આવ્યા પછી ટૂંક સમયમાં પુરીનું ભ્રમનિરસન થઇ ગયું. પોતાનો રાજકીય પક્ષ (એકતા પાર્ટી) સ્થાપનારા રાજિન્દર પુરી કદાચ એકમાત્ર જાણીતા ભારતીય કાર્ટૂનિસ્ટ હશે, પરંતુ એ પક્ષ પણ સફળ થયો નહીં.

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં સૌથી યાદગાર કાર્ટૂનમાંનું એક અબુ/ Abu અબ્રાહમે બનાવ્યું હતું. તેમાં અબુએ બાથટબમાં નહાતા રાષ્ટ્રપતિને એ જ અવસ્થામાં કટોકટીના વટહુકમ પર સહી કરતા બતાવ્યા હતા. કહ્યાગરા રાષ્ટ્રપતિ કાગળીયું ધરનારને બાથટબમાં બેઠાં બેઠાં કહેતા હતા,‘હવે બીજા કોઇ વટહુકમ પર સહી કરાવવાની હોય તો એમને કહેજો કે થોડી રાહ જુએ.’

Cartoon by Abu Abraham
કેટલાંક રાજકીય કાર્ટૂન ખરેખર અણીદાર અને લોહી કાઢે એવાં હોય છે, પરંતુ રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશનાર માટે તે ‘પ્રોફેશનલ રિસ્ક’ છે. હા, રાજકીય, ધાર્મિક કે બીજા કોઇ પણ પ્રકારના કાર્ટૂનમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અમર્યાદ ન હોઇ શકે. તેની પર સુરુચિના અભાવથી માંડીને બદનક્ષી સુધીના આરોપ મૂકી શકાય, તેની વિરુદ્ધ ફરિયાદ કરી શકાય, પણ રાજદ્રોહનો આરોપ? અને તે પણ ભારત જેવા લોકશાહી દેશમાં? તેનાથી કાર્ટૂનમાં નહીં, પણ આરોપ મુકનારમાં  અને કાર્ટૂનિસ્ટ સામે કાર્યવાહી કરનાર તંત્રમાં પ્રમાણભાનનો ગંભીર અભાવ છતો થાય છે.