Showing posts with label pranlal patel. Show all posts
Showing posts with label pranlal patel. Show all posts
Wednesday, January 22, 2014
પ્રાણલાલ પટેલ ’દાદા’ : યાદોત્સવ (૨)
પાછલાં વર્ષોમાં પોતાની તસવીરો જેટલાં જ કે તેના પણ વધારે પોતાની ઉંમર માટે જાણીતા, ૧૦૫ વર્ષના ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલનું ૧૮ જાન્યુઆરીની બપોરે અવસાન થયું. તેમની સાથેની વિશિષ્ટ પ્રકારની દોસ્તીના નાતે તેમને અંજલિ આપતી એક પોસ્ટ અગાઉ મૂકી હતી (એ પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો) આ તેનો બીજો ભાગ છે. પહેલી પોસ્ટમાં લખ્યું હતું તેમ, દાદા વિશે ગમે તેટલું લખ્યા પછી પણ એ પૂરતું નહીં લાગે. છતાં, પ્રિય વ્યક્તિને લાગણીભીની વિદાય આપવાની- તેમને અલવિદા કહેવાની ચેષ્ટા તરીકે આટલું મૂક્યું છે.
| એ જ મેળાવડામાં દાદા સાથે મસ્તીભરી ક્ષણો/ Pranlal Patel & Uvish Kothari (photo : Nikunj) |
દાદાની સોમી વર્ષગાંઠ નિમિ્તે પૌત્ર પિયુષ પટેલે ઘરે સત્યનારાયણની પૂજા રાખી હતી. આસ્થાની પણ એ જ દિવસે વર્ષગાંઠ હોવાથી સોનલ, આસ્થા અને હું સવારે અમદાવાદ ગયાં હતાં. સૌથી પહેલાં દાદાને ત્યાં પહોંચ્યાં ત્યારે પૂજા ચાલતી હતી અને ફોટોગ્રાફ્સ કે વિડીઓ કોઇ લેતું હોય એવું લાગતું ન હતું. એટલે મને એ કામ કરવાની વિશેષ મઝા આવી અને એ પ્રસંગની એક કાયમી યાદગીરી બની ગઇ.. આ પ્રસંગે દાદાની ચુસ્તી અને સ્ફુર્તિ દર્શાવતી વિડીયો ઝલક પોસ્ટના અંતે મૂકી છે.
![]() |
| દાદાનાં સો વર્ષની ઉજવણી નિમિત્તે પૌત્ર પિયુષ પટેલે તૈયાર કરેલા નિમંત્રણ કાર્ડમાં દાદાનાં વિવિધ રૂપ (વચ્ચેની ફેંટાવાળી તસવીર દાદાના પિતાની છે) |
![]() |
| સોમી વર્ષગાંઠના પ્રસંગે યોજેલી સત્યનારાયણની કથામાં પૌત્ર-પૌત્રવધુ સાથે સહેલાઇથી પલાંઠી વાળીને પૂજામાં બેઠેલા દાદા / Pranlal Patel |
![]() |
| સો વર્ષની ઉંમરે સહેલાઇથી પલાંઠી વાળીને બેસી જવું અને એટલી જ ઝડપથી પલાંઠી છોડીને ઊભા થઇ જવું દાદા માટે સહજ હતું. સોમી વર્ષગાંઠે કથા પછી આરતી ઉતારતા દાદા |
દાદા પાસે જૂના અને ચાલુ અવસ્થામાં સચવાયેલા કેમેરાનો મોટો સંગ્રહ હતો. એ દરેક કેમેરા માટે તેમને જબરો લગાવ હતો. એ વિશે વાત કરતાં એ પ્રેમિકાની વાત કરતા મુગ્ધ યુવાન જેવા બની જતા હતા. જૂના કેમેરા બતાવતી વખતે તેના વિશે વાત કરતા દાદાની વિડીયો ઝલક છેક છેલ્લે મૂકી છે..
![]() |
| Pranlal Patel with his vintage camera collection |
દાદાની તસવીરી કળા જેટલી જ મોટી ખૂબી તેમની સાચવણીમાં હતી. કલાકારો સાથે અવ્યવસ્થિતતાને (ખોટી રીતે) સાંકળી દેવામાં આવતી હોય અથવા તેને કળાકારના ભૂષણ તરીકે ગણવામાં આવતી હોય ત્યારે દાદા પાસે પાંચ-છ દાયકા જૂની તસવીરોની પ્રિન્ટ અને નેગેટિવ એકદમ હાથવગી હોય. તેના એક નમૂના લેખે વિવિધ વિષયો આધારે વર્ગીકૃત કરીને ગોઠવેલી પ્રિન્ટોનાં ખોખાં
દાદાની અસંખ્ય બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં કેવળ વિષય જ નહીં, એ સમયનો ચહેરો જોઇ શકાય છે. જેમ કે, વરાળ છોડતા વરાળીયા એન્જિનની પાસે ઊભેલી પાણીવાળી છોકરીની મુદ્રા. સૌંદર્યનો વ્યાપક અર્થ લઇએ તો આ તસવીરને Beauty & The Beast જેવું શીર્ષક આપી શકાય.
![]() |
| રવિશંકર રાવળ ગેલેરીમાં યોજાયેલા તેમના તસવીર પ્રદર્શનમાં મારી અત્યંત ગમતી એક તસવીર સાથે પ્રાણલાલ પટેલ / Pranlal Patel |
![]() |
| Pranlal Patel & Biren Kothari |
કાંચી પંડ્યાએ બીજા મિત્રોની મદદથી અને ફોટોગ્રાફર મિત્ર કેતન મોદીના સહયોગથી, ખાસ્સી જહેમત લઇને, સૂઝપૂર્વક દાદા વિશે એક ડોક્યુમેન્ટરી બનાવી હતી. અમદાવાદના સીઇસમાં તેના પહેલા જાહેર પ્રદર્શનસમારંભનું, નેગેટીવ પર તૈયાર કરાયેલું આ વિશિષ્ટ આમંત્રણ કાર્ડ. ફિલ્મનું નામ છે ’એનું સર્વસ્વ’
દાદા સાથેની છેલ્લી મુલાકાત. સાથે મારી ભાણી નીશા પરીખ પણ હતી. એણે તેના ફોનમાં પાડેલી આ તસવીર. દાદાને મેં હોમાય વ્યારાવાલા વિશેનું પુસ્તક જોવા આપ્યું હતું. મારી એવી તીવ્ર ઇચ્છા હતી કે દાદાના જીવનકાર્યને બે પૂઠાં વચ્ચે સમાવતું આ બરનું એક પુસ્તક તૈયાર થાય. પરંતુ એ શક્ય બન્યું નહીં.
![]() |
| Pranlal Patel & Urvish Kothari (Photo : Neesha Parikh) |
...અને આ દાદાનું જીવંત- જીવનથી છલકાતું સ્વરૂપ, જે કાયમ યાદ રહેશે.
Labels:
Obit/અંજલિ,
photo,
pranlal patel,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Monday, January 20, 2014
સૌથી વડીલ મિત્ર પ્રાણલાલ પટેલની વિદાય : વસમી તો લાગે છે પણ...
પુત્ર આનંદભાઇ અને તેમનાં પત્ની સિવાયનાં કુટુંબીજનો જૂનાગઢ પારિવારિક લગ્નપ્રસંગે ગયાં હતાં. એટલે દાદાની અંતીમ યાત્રા શનિવારે સાંજે નીકળે કે રવિવારે સવારે એ વિશે પણ થોડી અવઢવ હતી. પણ કેતન મોદીના સહયોગથી દાદા પર ફિલ્મ બનાવનાર કાંચી અમારી દોસ્તી સમજતી હતી. એણે સાચી સલાહ આપી, ’અંતિમ યાત્રામાં ન જવાય એમ હોય તો કંઇ નહીં. ખરેખર તો અત્યારે (સાંજે) જઇ આવો. બહુ થોડા લોકો છે. શાંતિથી દાદાને મળાશે.’
હા, મળાશે. દાદાને તો મળવાનું જ હોય. તેમનાં દર્શન થોડાં કરવાનાં હોય? પ્રિયજનોના મૃતદેહનાં દર્શનથી હું કતરાતો હોઉં છું. બને ત્યાં સુધી એ ટાળું છું. બહુ વસમું લાગે છે. સંયમ જાળવવાનું કઠણ પડી જાય છે. જાતે જ એવું આશ્વાસન લઉં છું કે ’મારે એમને હાલતાચાલતા-પ્રેમાલાપ ને ગપ્પાગોષ્ઠિ કરતા જ યાદ રાખવા છે.’ છતાં, દાદાને મળવા ગયો. કૈલાસ સોસાયટીના ’છાયાચિત્ર’ બંગલાની બહાર સ્કૂટર પાર્ક કરતી વખતે, અંદર જઇને દાદા મળવાના નથી, એ અહેસાસ તીવ્ર રીતે વાગ્યો. વરંડા સુધી પહોંચ્યો. થોડા લોકો હતા. આ જગ્યાએ બેસીને દાદા સાથે અનેક વાર સુખદુઃખની વાતો સાંભળી હતી. જાણવા મળ્યું કે દાદાને તેમના અંદરના રૂમમાં સુવડાવ્યા હતા. હું અંદર ગયો. દાદા તેમની પાટ પર સુતા હતા. માથું ખુલ્લું હતું. નાકમાં રૂનાં પૂમડાં ખોસેલાં અને બાકીના દેહ પર ચાદર ઓઢાડી હતી. હું થોડો વધુ નજીક ગયો. દાદાનો ચહેરો ધ્યાનથી જોયો. તેમનો ટચુકડો દેહ સંકેલાઇ ગયો હતો, પણ આંખોનાં પોપચાં લોખંડી રીતે ભીડાયેલાં લાગતાં ન હતાં. એવું લાગતું હતું કે હમણાં ’દાદા’ કહીશ, એટલે એ ૧૦૫ વર્ષની ઉંમરે આશ્ચર્યજનક - ચમત્કારિક કહેવાય એવી સ્ફુર્તિથી બેઠા થઇ જશે. ખરેખર એવું લાગતું હતું કે દાદા બેઠા થશે ને અમે વાતો ચાલુ કરીશું.
થોડા વખત પહેલાં એવું થયું હતું. હું આવ્યો, અંદરના રૂમમાં ગયો, પણ દાદા સુઇ ગયા હતા. ઢળતી બપોરનો સમય હતો. મારા જવાથી પણ ન જાગ્યા, એટલે હું પાછા પગલે નીકળી ગયો હતો. આ વખતે પણ એવું જ હોત તો? પણ એવું ન હતું. દાદા સાથેની આ છેલ્લી મુલાકાત હતી. એવું કેવી રીતે બને? ૧૦૫ વર્ષ સુધી કડેધડે રહેલા દાદા અમરપટ્ટો લખાવીને આવ્યા હોય એવું જ સમીકરણ મનમાં ગોઠવાઇ ગયું હતું. તેમની તબિયત એકદમ મસ્ત, આપણને લઘુતાગ્રંથિ થાય એવી રહેતી. આનંદભાઇના જણાવ્યા પ્રમાણે, ૯-૧૦-૧૧ના ત્રણ દિવસ તેમને મુન્શી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પણ ત્યાંથી તો એ સાજા થઇને આવી ગયા હતા. એટલે એ છેક સુધી તંદુરસ્તી ભોગવીને ગયા એવું આશ્વાસન હાથવગું હતું. વાજબી, વ્યવહારુ અને વાસ્તવિક પણ હતું. છતાં એ પૂરતું લાગતું ન હતું.
થોડા મહિના પહેલાં દાદાને મળવાનું થયું ત્યારે દાદા ’વિસામો, વિસામો’ કરતા હતા. ’હવે બહુ થયું. વિસામો મળવો જોઇએ.’ એવી તેમની લાગણી હતી. મને જરા નવાઇ લાગી. દાદા થાકે, કંટાળે ને ફોટોગ્રાફીની દુનિયામાંથી, પોતાના તસવીરી જગતમાંથી તેમનો રસ ઓછો થાય, એ શી રીતે બને? ’કેમ આવી વાત કરો છો?’ એ મતલબનું એમને પૂછ્યું, એટલે કહે, ’આ જન્મમાં બહુ થયું. હવે વિસામો મળે તો વેળાસર આવતા જન્મમાં કામ શરૂ થાય.’ શબ્દોમાં ફેરફાર હોઇ શકે છે, પણ આ ધ્વનિમાં મીનમેખ ન હતી. આ માણસને મુક્તિ જોઇતી ન હતી. મૃત્યુ તેમના માટે પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ હતું.
દાદા વિશે ઘણું લખવાનું, ઘણું વહેંચવાનું છે. આ બ્લોગ નિમિત્તે બે ભાગમાં શક્ય એટલી વાત કરીને લાગણીનો ઉભરો હળવો કરવા પ્રયાસ કરીશ. છતાં, ગમે તેટલું લખ્યા પછી મને પૂરો સંતોષ નહીં થાય. તેમના જેવા વડીલ મિત્રો જિંદગીમાં સીધી કે આડકતરી રીતે એટલું બધું આપે છે કે એ જાય ત્યારે આપણા અસ્તિત્ત્વની થોડી પોપડીઓ ખેરવતા જાય. પણ એ તેમનો અધિકાર છે અને આપણા તરફથી અપાયેલી શ્રેષ્ઠ અંજલિ પણ- કે તેમનું સ્થાન મારા જીવનમાં હવેથી હંમેશાં ખાલી રહેશે. એ સ્થાન એક જ હતું ને હવે ત્યાં વ્યક્તિને બદલે ખાલીપો ભરાયો છે.
***
રવિશંકર રાવળ આર્ટ ગેલેરી (લો ગાર્ડન, અમદાવાદ)માં તેમની તસવીરોનું પ્રદર્શન હતું ત્યારે લીધેલી આ તસવીર મારી પ્રિય તસવીરોમાંની એક છે. કારણ કે તેમાં તસવીર અને ચિત્રની વચ્ચથી ડોકિયું કરતો માણસ જાણે કહી રહ્યો છે, ’બધી કળાકૃતિઓ-બધાં કળાસ્વરૂપોને ટપી જાય એવો, અસલી ધબકતો માણસ તો આ રહ્યો.’![]() |
| Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari) |
પ્રાણલાલદાદા સાથે સંબંધ બંધાવામાં નિમિત્ત બન્યું ’સીટીલાઇફ ન્યૂઝ’. નગેન્દ્રવિજયના તંત્રીપદે અને હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદે ૧૯૯૮માં શરૂ થયેલું આ પખવાડિક મોલ-મલ્ટીપ્લેક્સ વગરના અમદાવાદનું વિશિષ્ટ અને સમૃદ્ધ સીટીમેગેઝીન હતું. તેના વિચારના તબક્કેથી હું તેમાં સંકળાયેલો હતો. અમદાવાદના આ સામયિકના છેલ્લા પાના પર ’તબ ઔર અબ’ પ્રકારનો તસવીરી વિભાગ શરૂ કરવાનું વિચાર્યું, એટલે પ્રાણલાલ પટેલને મળ્યા. રાબેતા મુજબ હું ચોક્કસ ઘટનાક્રમ ભૂલી ગયો છું. હું એકલો મળ્યો કે હર્ષલ સાથે હતો એ પણ યાદ નથી. પણ એવું નક્કી થયું કે આખા પાનાની કોલમમાં ઉપર દાદાએ લીધેલો એક સ્થળનો જૂનો ફોટો અને એ જ સ્થળનો અત્યારનો ફોટો મૂકવો, જેનાથી શહેરની બદલાતી તાસીરનો ખ્યાલ આવે. એ એન્ગલથી દાદાના થોડા ફોટા પસંદ કર્યા. પહેલા જ અંકમાં તેમણે પાડેલી નેહરુ બ્રિજ બંધાયા પહેલાંની તસવીર લીધી. તેમાં દેખાતું એક ઘર એ વખતે (૧૯૯૮)માં પણ ઊભું હતું અને બન્ને તસવીરો વચ્ચેનું સીધું સામ્ય તથા તફાવત પણ સ્થાપિત કરી આપતું હતું. એટલે નવી તસવીર મેં પાડી- ભૂલતો ન હોઉં તો નદીના પટમાં ઉતરીને, પહેલા અંકનું માસ્ટ અને દાદાની તસવીરો ધરાવતું છેલ્લું પાનું અહીં મૂક્યું છે. એ વખતે ગુજરાતી સામયિકોમાં લેખકો કે કન્ટ્રીબ્યુટરોની તસવીરો છાપવાનો રિવાજ ન હતો. પણ દાદા માટે અમે અપવાદ કર્યો અને તસવીરો સાથે તેમનો ફોટો પણ છાપતા હતા (અને એ વ્યવસ્થા મહેનતાણાની અવેજીમાં ન હતી.)
![]() |
| Citylife News : City magazine of ahmedabad, 1st issue |
એ અરસામાં હું પેન્ટેક્સ કે-૧૦૦૦નો જૂનો અને જાણીતો એસએલઆર કેમેરા લઇને ફરતો હતો. એક દિવસ દાદાને ઘરે ગયો અને થયું કે તેમના ફોટા પાડું. બહાર સરસ લાઇટ હતું. ખુરશી પર તેમને બેસવા કહ્યું, એટલે એ બેઠા તો ખરા, પણ પણ ફોટોગ્રાફરે ’સબ્જેક્ટ’ના હાથ કેવી રીતે રખાવા જોઇએ, એના વિશે સરસ વાત કરી. (જૂના જમાનાના ફોટામાં આ પ્રકારની ગોઠવણને કારણે જ, ભલે ક્યારેક નૈસર્ગિકતાના ભોગે પણ, સૌંદર્યનો અહેસાસ આવતો હતો.) આ તસવીર એમણે જૂની સ્ટાઇલમાં, પોતે પોતાના સબ્જેક્ટને બેસાડતા હતા, એવી મુ્દ્રા સાથે પડાવી.
![]() |
| Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari) |
એ જ સિરીઝમાં પાડેલાં દાદાનાં કેટલાંક પોર્ટેઇટ, જેમાં મને મઝા આવી હતી.
![]() |
| Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari, 2001) |
![]() |
| Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari,,2001) |
દાદાએ આખા ગુજરાતમાં પિક્ટોરિઅલ ફોટોગ્રાફી કરી, પણ અમદાવાદનું તો તેમણે વ્યવસ્થિ દસ્તાવેજીકરણ કર્યું એમ કહી શકાય. આવો શબ્દ એ કદાચ વાપરતા નહીં, પણ અમદાવાદ નસીબદાર કે તેને પ્રાણલાલ પટેલ જેવા દસ્તાવેજીકરણ કરનાર મળ્યા. અમદાવાદનાં જે સ્વરૂપોને જેટલી માત્રામાં અને જે લાંબા સમયપટ દરમિયાન દાદાએ ઝીલ્યાં છે એટલાં ભાગ્યે જ કોઇએ ઝીલ્યાં હશે.
’દિવ્ય ભાસ્કર’માં એક સમયે એવો મણિકાંચન યોગ સર્જાયો જ્યારે આકાર પટેલ ગ્રુપ એડિટર હતા અને દીપક સોલિયા પૂર્તિ સંપાદક. એ વખતે આકારના કહેવાથી મેં બુધવારની પૂર્તિને આખેઆખી નવેસરથી બનાવવાનું કામ હાથમાં લીધું. ’કળશ’ની જગ્યાએ તેને નામ આપ્યું ’અસ્મિતા’ પૂર્તિ. સોળ પાનાંની ને આકારનાં વળતાં પાણી પછી સંસ્થાકીય કારણોસર કદી નહીં છપાયેલી- ગર્ભમૃત્યુ પામેલી એ પૂર્તિનું છેલ્લું પાનું. તેમાં દાદાની તસવીરી તફાવતની કોલમને અમે આપેલું નામ હતું ’જનરેશન ગેપ’.
’આરપાર’ના અમે તૈયાર કરેલા ’સરદાર વિશેષાંક’ (૨૦૦૪)નો શાહીબાગ સરદાર સ્મારકમાં સમારંભ યોજાયો ત્યારે સરદારની તસવીરો લેનારાં બે તસવીરકાર હોમાય વ્યારાવાલા અને પ્રાણલાલ પટેલ એ સમારંભમાં હાજર હતા. બીજા વર્ષે મેં અંકની સામગ્રીમાં ખાસ્સા ફેરફાર-ઉમેરા-વધારા કરીને ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ પુસ્તક કર્યું. તેનું રાજકોટના હેમુ ગઢવી હોલમાં વિમોચન થયું ત્યારે પણ દાદા ખાસ અમદાવાદથી આવ્યા હતા. વિમોચન સમારંભ પછીની આ યાદગાર તસવીર
![]() |
| L to R : Biren Kothari, Binin Modi, Pranlal Patel, Urvish Kothari |
ઘણા સમય સુધી (એકવીસમી સદીમાં પણ) દાદા સાથે પત્રનો વ્યવહાર રહેતો. એ પોસ્ટકાર્ડ અથવા ઇનલેન્ડ લખે. લખવામાં ભારે વ્યવહારુ. મીઠા. વિવેકી. નમૂનાલેખે આ એક પોસ્ટકાર્ડ. એમની ૯૦મી વર્ષગાંઠ પર મેં તેમને કંઇક લખ્યું હશે અને ૧૦૦મી વર્ષગાંઠનો ઉલ્લેખ કર્યો હશે, તેનો એમણે આપેલો જવાબ સ્વયંસ્પષ્ટ અને વાંચી શકાય એવો છે. એ વિશે મારે કંઇ લખવાની જરૂર નથી.
હજુ દાદાની વાત પૂરી થઇ નથી. પણ વધુ તસવીરો- વધુ યાદો બીજા બ્લોગમાં. અત્યારે તો એમનાં સ્મરણનો જલસો.
![]() |
| Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari) |
Labels:
Obit/અંજલિ,
photo,
pranlal patel
Saturday, May 28, 2011
ડોન્ટ 'ટેક' ફોટોગ્રાફ્સઃ પ્રશાંત પંજિયાર

prashant panjiar
જેમનું જોઇ-વાંચીને (ઉંમરમાં) મોટા થયા હોઇએ- અમુક પ્રકારની સમજણો ઘડાવામાં જેમના કામે મદદ કરી હોય, એવાં કેટલાંક નામોમાં એક નામ તસવીરકાર પ્રશાંત પંજિયારનું. કાલે એ અમદાવાદ એક સન્માન સમારંભ અને તસવીરી પ્રદર્શન માટે આવ્યા હતા. ઔપચારિક સમારંભ પછી તેમણે પોતાના છેલ્લા કામનો સ્લાઇડ શો બતાવીને થોડી વાતો કરી. મારી અપેક્ષા કદાચ વધારે ઊંચી હશે, એટલે જબરદસ્ત કે યાદગાર કહેવાય એવો અનુભવ ન રહ્યો. છતાં એમની વાતો ધ્યાનથી સાંભળી.
ફોટોગ્રાફીને 'મોસ્ટ ડેમોક્રેટિક આર્ટ ફોર્મ' ગણાવતાં એમણે કહ્યું કે તેમાં ધ્યાન એ રાખવાનું કે બહુ એવરેજ અને મીડિયોકર કામ પણ મોટા પાયે થઇ રહ્યું છે. માધ્યમના બદલાયેલા પ્રવાહ વિશે તેમણે ધ્યાન દોર્યું કે હવે સામયિકોમાં ફોટોફીચર કે ફોટો-એસે માટેની જગ્યા સાવ સંકોચાઇ ગઇ છે. તેના માટેનો સ્કોપ બહુ ઓછો થઇ ગયો છે. તેની સામે ઇન્ટરનેટનો વિકલ્પ નવો ખુલ્યો હોવાનું આશ્વાસન પણ તેમણે વ્યક્ત કર્યું.
પોતાની પારંગતતાના વિષય અંગે તેમણે સૂત્રાત્મક રીતે કહ્યું, ડોન્ટ 'ટેક' ફોટોગ્રાફ્સ. અને વિચારવિસ્તાર કર્યો કે, સારા તસવીરકારો કેવળ તસવીર 'લેતા' નથી, પણ એ તસવીર દ્વારા સમાજને કંઇક 'આપે' છે. ફોટોજર્નાલિઝમના ઇતિહાસમાં યાદગાર બની ગયેલી કેટલીક બહુ જાણીતી તસવીરો (વિયેતનામમાં નેપામ બોમ્બની અસરથી સડક પર ઉઘાડી દોડતી બાળકી, રઘુ રાયનું 'ભોપાલ ચાઇલ્ડ') તેમણે યાદ કરી અને એ તસવીરોથી ચોક્કસ બાબતો અંગે સમાજના અભિપ્રાય પર કેવી પ્રચંડ અસર પડી એ કહ્યું. ડિજિટલ ટેકનોલોજી પછી અમે બધા વધારે પડતી ક્લિકો કરવા માંડ્યા છીએ એ પણ તેમણે કબૂલ્યું. (પ્રશાંત પંજિયારની 'વધારે પડતી'ની વ્યાખ્યા કેટલી હશે? કારણ કે મેં સાંભળેલી દંતકથા પ્રમાણે 'ઇન્ડિયા ટુડે' જેવાં સામયિકો જ્યારે ફક્ત ટીપી (ટ્રાન્સપરન્સી) પર જ ફોટા પડાવતાં હતાં, ત્યારે એક ફોટોની જરૂર હોય તો બે-ચાર રોલ ટીપી પાડવાનું ફોટોગ્રાફરો માટે સામાન્ય ગણાતું હતું.)
છેલ્લે તેમણે ફોટોગ્રાફર દિનેશ ખન્ના સાથે મળીને દિલ્હીમાં શરૂ કરેલા ફોટોગ્રાફી ફાઉન્ડેશનની વાત કરી અને આ વર્ષથી એ લોકો બાકાયદા દિલ્હીમાં ફોટોગ્રાફી ફેસ્ટિવલ શરૂ કરવાના છે એની વિગતો આપી.
દિનેશ ખન્નાનું નામ સાંભળીને યાદ આવ્યું કે પંદરેક વર્ષ પહેલાં મુંબઇમાં તેમની તસવીરોનું પ્રદર્શન હતું, ત્યારે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો, જે 'અભિયાન'માં તો નહીં, પણ તેના સાંધ્ય દૈનિક 'સમાંતર પ્રવાહ'માં મિત્ર કેતન મિસ્ત્રીએ 'પાથરીને' પ્રેમપૂર્વક છાપ્યો હતો.
આ સમારંભમાં પ્રાણલાલ પટેલ જેવા મહાવડીલ મિત્રથી માંડીને 'ગુજરાત સમાચાર'ના સન્માનિત તસવીરકાર-મિત્ર સુરેશ મિસ્ત્રી અને ફેસબુક પરથી પરિચયમાં આવેલા પારસ જેવા મિત્રો મળ્યા, તેનો વધારાનો આનંદ.
Labels:
media,
photo,
pranlal patel,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Wednesday, January 20, 2010
શતં જીવેત શરદઃ
આ મહિનાની પહેલી તારીખે એટલે કે ૧-૧-૧૦ના રોજ અમદાવાદના તસવીરકાર પ્રાણલાલ પટેલે સત્તાવાર રીતે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં. સત્તાવાર એટલા માટે કે તેમની મૂળ જન્મતારીખ એકાદ વર્ષ પહેલાંની છે. એ પ્રમાણે તેમની ઊંમર ૧૦૧ વર્ષ થાય! ૧ જાન્યુઆરીએ સવારે સપરિવાર દાદાને મળવા ગયો, ત્યારે ઘરે સત્યનારાયણની કથા ચાલતી હતી. ૧૦૦ વર્ષના દાદા જમીન પર પલાંઠી મારીને બેઠા હતા અને યંત્રવત્ નાટ્યાત્મક ઢબે વંચાતી કથામાં વચ્ચે વચ્ચે પ્રસારિત થતી સૂચનાઓનું પાલન કરતા હતા.
વચ્ચે એક ફોન આવ્યો, એટલે એમણે નિરાંતે ફોન પર વાત કરી. ફોન કરનારના પરિવારના અને એમના સસરાના પણ ખબરઅંતર પૂછ્યા. ફોન કરનારે પૂછ્યું,‘રાજકોટ ક્યારે આવવાના છો?’ એટલે બીજાં સો વર્ષ જીવવાના હોય એટલા રણકાથી દાદાએ જવાબ આપ્યો. ક્યાંય ઊંમરનો કોઇ ભાર નહીં-વજન નહીં. કથા પૂરી થયા પછી આરતી કરવાની આવી, એટલે ગોર કહે,‘દાદા તમે બેસી રહો. ઉભા ન થશો.’ અને બધાની સામે જોઇને કહે,‘આટલું બેસી રહ્યા પછી પગ જકડાઇ જાય ને નકામી ક્યાં તકલીફ કરવી.’ પણ એ વાક્ય પૂરૂં થાય એ પહેલાં દાદા બે હાથની હથેળીઓ જમીન પર ટેકવીને સ્ફુર્તિથી ઉભા થઇ ચૂક્યા હતા. તેમણે કમરેથી વળીને તેમના પૌત્ર અને પૌત્રવઘુ સાથે આરતીમાં પણ હાથ આપ્યો.

આખા અમદાવાદના અસંખ્ય ચહેરાની તસવીરો લેનાર દાદાની સત્યનારાયણની પૂજા વખતે ફોટો લેનાર કોઇ ન હતું. સાંજે પાર્ટી હતી. એમાં બધી ઉજવણી હશે. એટલે પૂજાના ફોટાનો લાભ મને મળ્યો.
કથા-આરતી-થાળ પૂરા થયા પછી ગોરે તેમના નિત્ય ક્રમ પ્રમાણે ‘જજમાન’ને આશીર્વાદ આપતાં, રીધમબદ્ધ અવાજમાં કહ્યું,‘શતમ્ જીવમ્ શરદઃ’. એટલે મહારાજને મેં કહ્યું,‘હવે તમારે દ્વિશતમ્ કે એવું કંઇ કહેવું પડશે. સો શરદ તો દાદાએ આજે પૂરી કરી નાખી!’ અને બકોર પટેલની ભાષામાં કહું તો, ગોર ‘ચાટ પાડી ગયા’.
સંસ્કૃતના અઘ્યાપકને પૂછતાં જાણવા મળ્યું કે ‘સો શરદ જીવો’ માટેનો સાચો પ્રયોગ છેઃ ‘શતં જીવેમ શરદઃ’ અને ‘સો શરદ જીવી ગયા’ (સો શરદ તો પૂરી!) એમ કહેવું હોય તો ‘શતં જીવેત શરદઃ’ કહેવું પડે. તો આ કહ્યું.
Friday, May 08, 2009
(આંગળીએ) તિલક કરાવતાં ૧૦૦ ગયાં...
મત આપવા માટે ‘આંગળીએ તિલક’નો શબ્દપ્રયોગ મને ગમતો નથી, પણ અખાના છપ્પા સાથે તેનો મેળ બેસતો હોવાને કારણે તેનો ઉપયોગ કર્યો છે. (અખાના છપ્પાનો ઉપયોગ તેમાં પ્રગટતી નિરર્થકતાની લાગણીને કારણે કરવો જરૂરી લાગ્યો.)ઉત્તમ તસવીરકારને બદલે શતાયુ તસવીરકાર તરીકે વધારે પ્રમાણમાં ઓળખાઇ રહેલા ખરેખર ઉત્તમ તસવીરકાર પ્રાણલાલ પટેલે આ ચૂંટણીમાં પણ મતદાન કર્યું. આંગળી ઊંચી અને ઊંધી કરેલી તેમની તસવીર પણ છાપાંમાં છપાઇ હતી. છતાં નાની સાઇઝની તસવીરમાં દાદાનો ચહેરો માંડ દેખાતો હોય ત્યાં આંગળી પરનું ટપકું કેવી રીતે દેખાય? મને રસ હતો સો વર્ષની કરચલીગ્રસ્ત આંગળી પર મતદાનનો લાંબો લીટો જોવાનો- અને છાપાએ બોટી લીધેલી સ્ટોરીમાં ન આવી હોય એવી વાતો કરવાનો.
એટલે આ ‘ફોટોસ્ટોરી’ મુકી છે. દાદા વાતચીત દરમિયાન તેમની ‘લાક્ષણિક મુદ્રા’માં બે હાથ જોડીને બેઠા હતા, ત્યારની આ તસવીર છે. દાદાએ કહ્યું કે અત્યાર સુધીમાં સાજું-માંદું કે પ્રસંગોના અપવાદને બાદ કરતાં બધી ચૂંટણીમાં મત આપ્યા છે. આ ચૂંટણી વખતે તેમનું ઓળખપત્ર ખોવાઇ ગયું હતું. એટલે દાદા પાસપોર્ટ લઇને મત આપવા ગયા અને મત આપ્યો પણ ખરો. અત્યાર સુધીની ચૂંટણીમાં કયા કયા પક્ષોને મત આપ્યા હતા એ દાદાને બહુ યાદ નથી. આઝાદી પછીની પહેલી ચૂંટણીમાં તેમણે કોંગ્રેસને મત આપ્યો હતો ને લેટેસ્ટ ચૂંટણીમાં ભાજપને મત આપ્યો, એટલું ‘જિજ્ઞાસુઓ’ની જાણ માટે.
(આ માત્ર માહિતી છે. એનો આધાર બનાવીને કોઇ પણ પ્રકારની રાજકીય ચર્ચા છેડવી નહીં.)
Labels:
photo,
politics,
pranlal patel
Friday, April 17, 2009
પ્રાણલાલ પટેલનો ‘કાળો-ધોળો જાદુ’
સત્તાવાર રીતે 100મું વર્ષ જીવી રહેલા અને વાસ્તવમાં 100 વટાવી ચૂકેલા પ્રાણલાલ પટેલ ગુજરાતની એક એવી જણસ છે, જેણે દસ્તાવેજીકરણનો દુકાળ ધરાવતા દેશમા લાગલગાટ સાત-આઠ દાયકા સુધી મજબૂત કામ કર્યું છે. વિવેચકો કહે છે તેમ, ‘ઉજળો હિસાબ આપ્યો છે.’પિક્ટોરિઅલ ફોટોગ્રાફીના કલાકાર અને અમદાવાદમાં આઉટડોર ફોટોગ્રાફીની શરૂઆત કરનાર પ્રાણલાલ 100 વર્ષની ઉંમરે પણ જેમની વડીલાઇના ભાર તળે કચડાઇ મરીએ એવા વડીલ થયા નથી. લગભગ એકાદ દાયકાથી તેમની સાથે બંધાયેલા સંબંધ માટે બીજા શબ્દો કરતાં વધારે ‘દોસ્તી’ શબ્દ યાદ આવે છે એ મારી નહીં, એમની કમાલ છે.
ગઇ કાલથી અમદાવાદની લલિત કલા અકાદમી (લૉ ગાર્ડન-રવિશંકર રાવળ કલાભવન)માં દાદાની તસવીરોનું પ્રદર્શન શરૂ થયું છે. 19 એપ્રિલ સુધી ચાલનારું આ પ્રદર્શન અમદાવાદમાં રહેતા અને આ વાંચતા કોઇ પણ મિત્રએ ચૂકવા જેવું નથી. એક આખા જમાનાની તાસીર, નિરાંત, છટાઓ અને લોકજીવનના અંશ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં પૂરેપૂરી રંગીનીથી ઝડપાયા છે.
પ્રદર્શનમાં દાખલ થતાં જ દાદાનાં બે ચિત્રો જોવા મળે છેઃ એક કલાકારે રેતીમાં અને બીજાએ કેનવાસ પર ત્રણ કલાકમાં તૈયાર કરેલું ચિત્ર.

બીજા ફોટોમાં દાદા એમણે પાડેલી (અને મારી પ્રિય તસવીરોમાંની એક) તસવીર સાથે ઊભા છે.
વિઝિટર્સ બુકમાં જે લખ્યું, તે અહીં ફરી લખવાની ઇચ્છા થાય છેઃ ‘આટલાં વર્ષો પછી પણ તસવીરો વધારે જુવાન છે કે તસવીરકાર, એવી મીઠી મૂંઝવણ થાય છે.’

છેલ્લે એક વાત લલિત કલા અકાદમી વિશે. ત્યાં યોજાતાં પ્રદર્શનનો સમય સાંજે ચાર થી સાત વાગ્યા સુધીનો હોય છે. કયો કાકો (કે ભત્રીજો) આ સમયે ચિત્રો જોવા નવરો હોય? માણસ ઓફિસેથી છૂટીને જઇ શકે એટલે મોડે સુધી (કમ સે કમ આઠ-સાડા આઠ વાગ્યા સુધી) ગેલેરી ખુલ્લી રહેવી ન જોઇએ? કે પછી ઓછા લોકો આવે તો માથાકૂટ ઓછી, એવો સરકારી સિદ્ધાંત આ ટાઇમિંગ પાછળ કામ કરે છે?
Labels:
art,
photo,
pranlal patel,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Thursday, January 08, 2009
100 અને 6
![]() |
| Pranlal Patel with Aastha Kothari |
દર વર્ષે આસ્થાની વર્ષગાંઠે હું થોડા કલાક એની સાથે ગાળું છું. પ્રાણીસંગ્રહાલયમાં કે બગીચામાં તેની સાથે જવાનું, રમવાનું...આ વર્ષે નક્કી કર્યું કે તેને લઇને મારા સૌથી વડીલ મિત્ર, ‘દાદા’ (પ્રાણલાલ પટેલ)ને ઘેર જવું. કારણ કે તેમને ૧૦૦મું વર્ષ બેસવાનું હતું ને આસ્થાને ૬ પૂરાં થયાં
બોક્સ કેમેરા અને ડિજિટલ કેમેરા જેવો તફાવત ધરાવતી આ બે પેઢીને એક ફ્રેમમાં લઇ લેવાના અને એક અંગત યાદગીરી સર્જવાના આ પ્રસંગની તસવીર.
Labels:
photo,
pranlal patel,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Thursday, January 01, 2009
પ્રાણલાલ પટેલની સેન્ચુરી
![]() |
| Pranlal Patel / પ્રાણલાલ પટેલ |
(તસવીરકાર પ્રાણલાલ પટેલને આજે સોમું વર્ષ બેઠું. દસ્તાવેજી અને પિક્ટોરીઅલ તસવીરોના માહેર પ્રાણલાલ પટેલ મારા ‘સૌથી વડીલ મિત્ર’ છે. ‘સીટીલાઇફ’ પખવાડિકમાં છેલ્લા પાને ‘અમદાવાદઃ અતીત અને આજ’ વિભાગ અમે શરૂ કર્યો ને તેમાં પ્રાણલાલ પટેલની એક જૂની તસવીર અને એ જગ્યાની એક નવી તસવીર ઉપરાંત પ્રાણલાલ પટેલની નાની તસવીર પણ મુકવાનું શરૂ કર્યું. એ પાનાની સફળતા અને તેનો ‘પંચ’ માણસનારા હજુ તેને ભૂલ્યા નથી. એ સમયથી એટલે કે ૧૧-૧૨ વર્ષથી પ્રાણલાલ પટેલ મારા પ્રિય પાત્રોમાંના એક રહ્યા છે. આટલાં વર્ષોમાં સતત તેમને મળવાનું અને જુદી જુદી પરિસ્થિતિમાં તેમને જોવાનું બન્યું છે. એ જોતાં, તેમના વિશે એક લેખથી શું થાય? પણ અત્યારે, આજના દિવસ નિમિત્તે, તેમના વિશે લખેલો એક અંગતતાના સંસ્પર્શ વગરનો પ્રોફાઇલ મુકું છું. - ઉર્વીશ )૧૦૦ વર્ષના આયુષ્યને સામાન્ય રીતે માણસના જીવનની છેલ્લામાં છેલ્લી ‘એક્સપાયરી ડેટ’ ગણવામાં આવે છે. આશીર્વાદ આપનારા પણ ‘શતાયુ ભવ’ કે ‘શતમ્ જીવેત શરદઃ’ (સો શરદઋતુ જીવો) થી આગળ વધી શકતા નથી. એટલે ભાગ્યે જ ઉદ્ભવતો પ્રશ્ન એ છે કે માણસ સો વર્ષનો થઇ જાય પછી શું?
એ ખરૂં કે બહુ ઓછા લોકો ૧૦૦ વર્ષના ‘મેજિક ફીગર’ સુધી પહોંચે છે. તેમાંથી મોટા ભાગના લોકો માટે એ ફીગર શારીરિક, આર્થિક કે કૌટુંબિક કારણોસર ‘મેજિક’ને બદલે ‘ટ્રેજિક’ બને છે. આખરે, આવી અકારી દુનિયામાં વધતી પરાધીનતા અને ઘટતી શક્તિ સાથે સો વર્ષ કેમ કરીને કાઢવાં? જીવનરસ જેવો કોઇ શોખ કે વૃદ્ધાવસ્થામાં પણ થઇ શકે એવી કોઇ પ્રવૃત્તિ ન હોય, ત્યારે આ સવાલ મોં ફાડીને ઊભો રહે છે.
એક તરફ સો વર્ષનો એક માણસ જોવાનો રોમાંચ અને બીજી તરફ ઉપર લખ્યા છે એવા બધા વિચારો, એ બન્ને વચ્ચેનું દ્વંદ્વ ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલને મળતાં પહેલાં ચાલતું હોય, તો પણ એમને મળ્યા પછી મનમાં બીજા બધા વિચારો આવતા અટકી જાય છે અને બહુ મૂળભુત, બહુ સાદો અને સાવ ચીલાચાલુ સવાલ ઉદ્ગાર તરીકે મોંમાથી નીકળી જાય છે,‘દાદા, તમે ખાવ છો શું કે સોમા વર્ષે પણ હજુ સિત્તેરના લાગો છો?’
૧ જાન્યુઆરી, ૧૯૧૦ એમની સત્તાવાર વર્ષગાંઠ છે. એ હિસાબે ૧ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેમનું સોમું વર્ષ બેઠું. ‘પણ આ તો સ્કૂલમાં બેસાડવા માટે જે તારીખ લખાવી હતી એ પ્રમાણે. બાકી, મારી અસલી જન્મતારીખ તો જુદી છે. એના હિસાબે મને સો પૂરાં થઇ ગયાં હશે.’ પ્રાણલાલ પટેલ ૧૦૦ વર્ષના ચહેરા પર ૧૦ વર્ષના બાળક જેવું હાસ્ય લાવીને કહે છે.
શબ્દાર્થમાં જેનાં સોએ વર્ષ પૂરાં થઇ ગયાં હોય એ માણસ પરવારી ગયેલો ન કહેવાય? પણ પ્રાણલાલ પટેલનો તસવીરી ખજાનો અને એની તેમણે કરેલી જાળવણી અનન્ય છે. વ્યાવસાયિક તસવીરકાર તરીકે ત્રીસીના દાયકાથી સક્રિય પ્રાણલાલ પટેલનો સૂઝભર્યો તસવીરસંગ્રહ, તેનું વિષયવૈવિઘ્ય, ઐતિહાસિક મૂલ્ય અને તસવીરોની ગુણવત્તા જોનારને મુગ્ધ અને સ્તબ્ધ કરી નાખે એવાં છે. તેમની પાસે છે એવી તસવીરો ખરેખર પચાસ-સાઠ-સિત્તેર વર્ષ પહેલાં કોઇએ પાડી હોય અને ત્યાર પછી જોઇએ ત્યારે પાંચ મિનીટમાં મળી જાય એટલી ચીવટથી સાચવી હોય, એવું માન્યામાં આવતું નથી. છતાં એ હકીકત છે. તેની જાહેર કદર થઇ નથી અને ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણીમાં તેનો ઉપયોગ કરવાનું કોઇને સૂઝતું નથી, એ જુદી વાત છે. કેમ કે, જાળવણી કરવાની નોકરી કરનારા મોટા ભાગના લોકોને વસ્તુમાં નહીં, મફત મળતી વસ્તુમાં રસ હોય છે.
ત્રીસીના દાયકામાં તસવીરોની નવાઇ હતી અને જમાનો સ્ટુડિયો ખોલીને કમાણી કરવાનો હતો, ત્યારે પ્રાણલાલ પટેલે આઉટડોર ફોટોગ્રાફી શરૂ કરી. એ નિર્ણયને કારણે તેમની પાસે તસવીરોનો એવો ખજાનો જમા થવા લાગ્યો, જેમાં ગુજરાતના લોકજીવનની ઝીણામાં ઝીણી વિગતો ઝીલાઇ હોય. નાનપણમાં માતા ગુમાવી દીધા પછી મામાના ઘરે ઉછરેલા પ્રાણલાલે સીંગચણા પણ વેચ્યા ને છાપાં પણ વેચ્યાં. સંગીતનો શોખ હોવાથી હાર્મોનિયમ-તબલાં પર હાથ ચલાવી જોયો ને શિક્ષક (એ જમાના પ્રમાણે ‘માસ્તર’) પણ થયાં. પણ કેમેરા હાથમાં આવ્યા પછી તેમને જીવનની દિશા જડી. એટલે, વિકલ્પ પસંદ કરવાના આવ્યા ત્યારે તેમણે ક્લાસરૂમને બદલે ડાર્કરૂમને અપનાવ્યો.
અમદાવાદના વિખ્યાત તસવીરકાર બળવંત ભટ્ટ પાસેથી પ્રાણલાલ ઘણું શીખ્યા. અમદાવાદના ગાંધી રોડ પર આવેલા ભાવનગરી સ્ટુડિયોમાં નોકરી કરી. એ સમયે ફોટોગ્રાફી સાથે સંકળાયેલી કડાકૂટનો અંદાજ બાંધવાનું ડિજિટલ કેમેરાના આ યુગમાં અઘરૂં છે. મુઠ્ઠીમાં સમાઇ જાય એવા કેમેરામાં ક્લીક કરતાં ફોટો પડી જાય ને બીજી જ ક્ષણે એનો પ્રીવ્યૂ જોવા મળી જાય, એવા જમાનામાં વજનદાર બોક્સ કેમેરા, તેની ફિલ્મો, ફ્લેશના વાંધા, બ્લેક એન્ડ વ્હાઇટને કારણે રાખવો પડતો લાઇટ- શેડનો ખ્યાલ અને ફોટો પડ્યા પછી રોલ ‘ધોવાનું’ શાસ્ત્ર- એવી અનેક કળાઓમાં માહેરિયત આવે, ત્યારે ફોટોગ્રાફર તરીકે માન્યતા મળે. ટેકનોલોજી સાવ પછાત હોવાથી ‘હાજર સો હથિયાર’ના ધોરણે કામ ચલાવવું પડે. પણ એ આવડી જાય તો પછી માણસ ક્યાંય પાછો ન પડે. જેમ કે, એ સમયે એન્લાર્જમેન્ટનું કામ કેવી રીતે થતું હતું, એની વાત કરતાં પ્રાણલાલ કહે છે,‘સ્ટુડિયોના માલિક ડાર્કરૂમમાં ઊભા રહે, હું બાજના મકાનની અગાશી પર ચડી જઊં, ત્યાં ઊભો રહીને કાચના મોટા ટુકડા વડે સૂર્યપ્રકાશ ઝીલું. કાચને ચોક્કસ ખૂણે પકડવાથી સૂર્યપ્રકાશનો શેરડો કાચ પર અને ત્યાંથી પરાવર્તીત થઇને સીધો ડાર્કરૂમમાં પહોંચે.’
ફોટોગ્રાફીમાં નડતી વાસ્તવિક તકલીફોના વ્યવહારૂ ઉકેલ કાઢવાની ખાંખતના લીધે સૌરાષ્ટ્રનાં રજવાડાંમાં ‘પટેલભાઇ’નું નામ બહુ જાણીતું હતું. તેમના કામથી પ્રસન્ન થઇને મૈસૂરના વડિયાર રાજપરિવારે બન્ને દીકરીઓના લગ્નપ્રસંગે ફોટોગ્રાફીમાં ધાર્યું પરિણામ મેળવવા માટે અમદાવાદથી પ્રાણલાલ પટેલને બોલાવ્યા હતા.
પ્રાણલાલ મિજાજે ન્યૂઝ ફોટોગ્રાફર કરતાં વધારે ‘પિક્ટોરિઅલ ફોટોગ્રાફી’ના માણસ. છતાં એ સમયની ઘણી ઐતિહાસિક ઘટનાઓ અને પાત્રોની તસવીરો તેમની પાસેથી મળી આવે. જૂનાગઢની આરઝી હકુમત હોય કે અમદાવાદમાં ગાંધીજીના અસ્થિકુંભની યાત્રા- પ્રાણલાલ પાસેથી આખો પ્રસંગ આંખ સામે ખડો થઇ જાય એવી જીવંત તસવીરો, વ્યવસ્થિત રીતે વિષયવાર ખોખાંમાં છૂટી પાડેલી મળી આવે. ‘જે ચીજ હાજર હશે તે મળશે’ નહીં, ‘જે ચીજ માગો તે મળશે’- એ વ્યાવસાયિક પત્રકાર તરીકે પ્રાણલાલની ખાસિયત. તેમણે લીધેલી સરદાર પટેલ, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ગુજરાતી મહાનુભાવોની તસવીરો હોય કે ૧૯૪૦માં ૪૨ રૂપિયા-૮ આનામાં અમદાવાદથી રાવલપીંડીની રીટર્ન ટિકીટ લઇને કરેલા કાશ્મીરના પ્રવાસની તસવીરો, તેમની ગુણવત્તા અને ઐતિહાસિકતા અમૂલ્ય છે.
પ્રાણલાલ પટેલની એક ઓળખ જૂના અમદાવાદના ઐતિહાસિક દસ્તાવેજકાર તરીકેની છે. તેમની તસવીરોમાં ઝીલાયેલું ત્રીસી-ચાળીસી-પચાસીના દાયકાનું અમદાવાદ હાલના મોલ-મલ્ટીપ્લેક્સ-ફ્લાયઓવરના અમદાવાદનું આરંભબિંદુ હતું. તેનાં વિવિધ સ્થળો અને સ્વરૂપોની તસવીરો અમદાવાદના જ નહીં, ગુજરાતના ઇતિહાસની મહામૂલી અમાનત છે. એવું જ તેમના જૂના કેમેરાના સંગ્રહનું પણ ખરૂં.
બે-પાંચ વર્ષ પહેલાં સુધી પ્રાણલાલ પટેલના ઘરે દિવસના સમયે જનાર માણસને ‘દાદા છે?’ના જવાબમાં, ‘બેસો ને. ડાર્કરૂમમાં છે. બોલાવું છું.’ એવો જવાબ સાંભળવા મળતો હતો. (આજે સોમા જન્મદિવસે પણ તેમણે વહેલી સવારે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના મિત્રો સાથે બહાર નીકળીને કદાચ પહેલી વાર ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી કરી.) તેમનાં જીવનસાથી-તસવીરકાર દમયંતિબહેને આ વર્ષે વિદાય લીધી. એ ધક્કો ખમી જઇને પણ પ્રાણલાલ પટેલ પોતાના પ્રથમ પ્રેમ-ફોટોગ્રાફીના સહવાસમાં અને પરિવારની હૂંફમાં આનંદપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે.
આજકાલ ચાળીસ-પચાસ વર્ષના માણસોને ‘મઝામાં ને?’ એવું પૂછવામાં જોખમ લાગે છે. કારણ કે લોકો તરત પોતે કયાં કયાં કારણોસર -ખાસ કરીને શારીરિક કારણોથી- મઝામાં નથી, તેનું લીસ્ટ ગણાવવા બેસી જાય છે. તેમની સરખામણીમાં પ્રાણલાલ પટેલની શારીરિક ફરિયાદો સાંભળીને હસવું પણ આવે. સો વર્ષનો માણસ તાવ-શરદીની કે વધારે ગંભીર ફરિયાદમાં ‘હમણાં ઢીંચણ બહુ દુઃખે છે એટલે દાદર ધીમે રહીને ચડઉતર કરવો પડે છે’ એવી વાત કરે, ત્યારે રમૂજ નહીં તો બીજું શું થાય?
Subscribe to:
Posts (Atom)
























