Showing posts with label શબ્દાર્થપ્રકાશ. Show all posts
Showing posts with label શબ્દાર્થપ્રકાશ. Show all posts

Thursday, November 12, 2009

શબ્દાર્થપ્રકાશ # 11

સ્નેહસંગીતિઃ મૈત્રીના (કે પ્રણયના) મઘુર સૂર રેલાવતી ગોષ્ઠિ
એમના ગયાના સમાચાર આવ્યા અને પ્રભાષ જોશી સાથેની સૂચિત સ્નેહસંગીતિ હૃદયમાં જ લય પામી ગઇ. (દિ.ભા., ૭-૧૧-૦૯)

સર્વજનવિહારીઃ સમાજના તમામ વર્ગના લોકો સાથે સહજતાથી હળનાર-મળનાર
વિદ્યાવિલાસવ્યાસંગીઃ વિદ્યાપ્રવૃત્તિઓને બોચિયા જેવી શુષ્કતાથી નહીં, પણ રસિકતાથી સેવનાર.
ફક્કડ, સર્વજનવિહારી, વિદ્યાવિલાસવ્યાસંગી પણ છતાં એકલા, અલગારી. (પ્રભાષ જોશી વિશે, (દિ.ભા., ૭-૧૧-૦૯)

કુશાંદેઃ આરામદાયક (પ્રકાશભાઇના કહેવા પ્રમાણે ‘કુશાંદે’ યુરોપીયન શબ્દપ્રયોગ છે.)
(કૈં નહીં તો છેવટે રાજ્યસભની કુશાંદે બેઠકમાં) હોઇ શકતા હતા. (દિ.ભા., ૭-૧૧-૦૯)

અગ્નિદિવ્યઃ સચ્ચાઇની તાવણી કરતો અગ્નિ
એ અને ‘જનસત્તા’ બેઉ અગ્નિદિવ્યમાંથી બહાર આવ્યાં. (દિ.ભા., ૭-૧૧-૦૯)

નવમૂલ્યનઃ (અવમૂલ્યનની તરાહ પર) નવેસરથી મૂલ્યાંકન
એમના નવમૂલ્યનનો એક મોકો આવી મળે છે. (દિ.ભા., ૩૧-૧૦-૦૯)

પૌગંડઃ મુગ્ધ
એક પ્રજા તરીકે આપણે પુખ્ત થવું છે કે પછી પૌગંડ (એડોલેસન્ટ)ના પૌગંડ જ રહેવું છે...(દિ.ભા., ૩૧-૧૦-૦૯)

હારણઃ ડીફીડન્ટ
ભાજપ લગભગ દિશાશૂન્ય અને હારણ મનોદશામાં માલૂમ પડે છે. (દિ.ભા., ૨૪-૧૦-૦૯)

પ્રામુખ્યઃ મહત્ત્વ
જો આપણને ‘ગવર્નન્સ’નું પ્રામુખ્ય વસ્યું હોય તો...(દિ.ભા., ૨૪-૧૦-૦૯)

તાંબુલવાહિનીઃ રાણી કે યુવરાણીની સાથે ફરતી તેની અનુચરી...
તો પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્વરૂપ ક્યાં ગયું? તે મરાઠી માણુસ અને રાજકીય તકવાદની તાંબુલવાહિની માત્ર બની રહ્યું એમ જ ને.(દિ.ભા., ૨૪-૧૦-૦૯)

ભીતભ્રાન્તઃ ભયભીત કરનારી ભ્રમણાઓથી ગ્રસ્ત
...કંઇક એવી ભીતભ્રાન્ત અને આક્રાન્ત એટલી જ આક્રમક વિચારરૂખ શૌરી અને બીજાઓમાં વખતોવખત દેખા દેતી રહે છે. (દિ.ભા., ૧૭-૧૦-૦૯)

રાજ્યકૈવલ્યવાદ/બજારકૈવલ્યવાદઃ (અનુક્રમે) ફક્ત રાજ્ય કે બજારનું જ હિત સાધતો અને તાકતો વાદ
એ વંચિત છે એમ કહેવું કદાચ અપૂરતું છે. કેમ કે એને વંચિત કરાયેલ છે, વંચિત રખાયેલ છે. કોઇ વાર રાજ્યકૈવલ્યવાદના છેડેથી તો આજકાલ વળી બજારકૈવલ્યવાદના છેડેથી... (દિ.ભા., ૧૦-૧૦-૦૯)

ર્દૈત્યકાય ઇમારતવાદઃ મોટી મોટી ઇમારતો બનાવવાની રાજકીય ઘેલછા
ક્યાં છે એ નવું રાજકારણ, જેના કેન્દ્રમાં વંચિત હોય? જો એ માયાવતીના દૈત્યકાય ઇમારતવાદમાં નથી તો...(દિ.ભા., ૧૦-૧૦-૦૯)

દેદાકૂટઃ પ્રકાશભાઇના જણાવ્યા પ્રમાણે, દેદો કૂટવો એટલે કોઇ પ્રસંગે અવાજ ઉઠાવવો એ મતલબના શબ્દપ્રયોગ પરથી. (‘ભગવદ્ગોમંડળ’ પ્રમાણે ‘દેદો’ એટલે દિવાળી પર થાપેલું પહેલું છાણું)
‘કેપિટાલિઝમ ઇઝ ડેડ’ની દેદાકૂટ તો કૈં આ અપેક્ષિત કડાકૂટનો અવેજ નથી. (દિ.ભા., ૧૦-૧૦-૦૯)

સોક્રેટિક બગાઇઃ સોક્રેટિસની જેમ નાગરિક ચિંતાથી રાજકારણીઓનું ‘લોહી પીનારા’- તેમને જંપીને જીવવા ન દેનારા વ્યાપક અર્થમાં રાજકારણતી કદાપિ પરહેજ નહીં કરનાર આ બેઉ (જયપ્રકાશ અને લોહિયા)...નાગરિકને છેડેથી રાજને સારૂ સોક્રેટિક બગાઇ બની રહ્યા.
(કુલ શબ્દોઃ 133)

Monday, March 09, 2009

શબ્દાર્થપ્રકાશ # 10

ઉકેલમાસ્તરીઃ યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના ગમે તે રીતે તોડ કાઢવો
-ઉકેલમાસ્તરઃ ઉકેલમાસ્તરીથી તોડ કાઢનાર
વાહ. આનું નામ ઉકેલમાસ્તરી...(7 માર્ચ, 2009, દિ.ભા.)
મીડિયામારીઃ મીડિયાનું આક્રમણ (‘મગજમારી’ની તરાહ પર)
...કોઇ દબાણે- કહો કે મીડિયામારીએ- અસર પાડી હશે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
વૃંદવાદનઃ ‘કોરસ’, સમુહગાન, સાગમટે મચી પડવું
...માધ્યમોનો એક વર્ગ લગભગ વૃંદવાદન પેઠે મચી પડ્યો હતો કે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચિયરાંગનાઃ (20-20 ક્રિકેટની) ચીયર ગર્લ્સ
...એમાં વખત છે ને પેલી ચિયરાંગનાઓ પણ હશે સ્તો... (7 માર્ચ, 2009, દિ.ભા.)
સ્વભાગ્યનિર્ણયઃ પોતાનું ભાગ્ય નક્કી કરવાની પ્રક્રિયા (ચૂંટણી)
...એપ્રિલ અને મે દરમિયાન ભારતવર્ષ સ્વભાગ્યનિર્ણયના સભરમાં હશે. (7 માર્ચ, 2009, દિ.ભા.)
કંચની કર્મઃ કેવળ આર્થિક ફાયદાની વાત
મીડિયામાસ્તરો, તમે કદાચ ચિયરાંગનાઓ સાથે આગોતરા તાલકદમ કે સૂરસરગમ મિલાવવા ઇચ્છતા હશો, પણ લોકોને અને ચૂંટણીચર્યાનેય તમારે આઇપીએલ ઓચ્છવ અન્વયે કંચની કર્મમાં જોતરવા છે? (7 માર્ચ, 2009, દિ.ભા.)
કોરસબદ્ધઃ સામુહિક રીતે
...આઇપીએલ ઓચ્છવવાળી વાસ્તે કોરસબદ્ધ મચી પડવું એનો અર્થ સીધોસાદો એ છે કે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચોવીસ કલાકના ચેનલશાહોઃ ચોવીસ કલાકની ન્યૂઝચેનલોના ‘કલાકારો’
...જ્યારે ‘સ્લમડોગ મિલિયોનેર’ની ઓસ્કાર ફતેહ સાથે નાનો પડદો અને ચોવીસ કલાકના ચેનલશાહો જે ચાલુ પડી ગયા હતા. (7 માર્ચ, 2009, દિ.ભા.)
શય્યાસુખ વગરની સુહાગરાતઃ નિરર્થક દાખડો
ફિલ્મી પડદે ઝોંપડપટ્ટીનો ઝગમગાટ સૌને ગમે છે. એમાં પણ ચાલનો છોકરડો કરોડપતિ બની જાય. ક્યા કહના...શય્યાસુખ વગરની સુહાગરાત. બીજું શું? (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચોવીસના ચેનલબાજોઃ પુખ્તતામાં કદી મોટા ન થતા ચોવીસ કલાકની ચેનલવાળા
ક્ષુધાંકઃ હંગર ઇન્ડેક્સ
...આ ચોવીસના (કદી ‘પચીસ’ના નહીં થઇ શકતા)ચેનલબાજો કને દુનિયામાં ક્ષુધાંક (હંગર ઇન્ડેક્સ)નો અભ્યાસ રજૂ કરતા નક્કર હેવાલ માટે ફુરસદ નહોતી. (7 માર્ચ, 2009, દિ.ભા.)
ઋણવજનિયાં: અન્ડરવેઇટ
એમાં પણ ત્રીસ ટકા તો જન્મે છે જ ઋણવજનિયાં. (7 માર્ચ, 2009, દિ.ભા.)

(કુલ શબ્દોઃ 118)

શબ્દાર્થપ્રકાશ # 9

- નું લૂણઃ -નું સત્ત્વ

-નાગરિક વચ્ચે તેમજ સવિશેષ તો નાગરિક અને શાસન વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ વાસ્તે આગ્ર હોવો, એ તીવ્રતા અને એ તાલાવેલી તો લોકશાહીનું લૂણ છે. (દિ.ભા., ૨૮-૨-૦૯, અભિવ્યક્તિ)

અંગવસ્ત્ર તળે અવસ્ત્રઃ અંદરથી બધા એકના એક અને ઉઘાડા

...ત્યારે કોક હિંદુ હતું તો કોક મુસ્લિમ હતું. કોક ભાજપી હતું તો કોક કોંગ્રેસી હતું. અંગવસ્ત્ર તળે અવસ્ત્ર એવું આ આખું જે રાવણું હતું એમાં નાગરિક શોઘ્યો જડતો ન હતો...(દિ.ભા., ૨૮-૨-૦૯, અભિવ્યક્તિ)

પોટેશ્વર રાષ્ટ્રવાદઃ ‘પોટા’ જેવા ત્રાસવાદવિરોધી કાયદા આશ્રિત રાષ્ટ્રવાદ

રૂપરેખા કે નહીં રૂપરેખા, આપણા કાયદા ઢીલા છે અને મજબૂત કાયદા વગર ચાલવાનું નથી એ તરેહનો પોટેશ્વર રાષ્ટ્રવાદ...એનો પરમ ને પ્રથમ મુદ્દો છે. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

હીનોપમાઃ ઉતરતી કોટીની ઉપમા

હીનોપમાનું આળ વહોરીને પણ કહેવું જોઇએ કે...(દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

શોભાકારણઃ શોભા વધારનારા બની રહેવાનું રાજકારણ

આમ પેઇજ થ્રીનાં પાત્રોની પેઠે શોભાકારણ અને કોર્ટ જેસ્ટર તરીકેનું બૌદ્ધિક-કારણ એમની પોતાની વાસ્તવિક ગુંજાશ સામે બેહદ ખરાબ હિસાબ આપનારાં પુરવાર થઇ રહ્યાં છે. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

પચાસવર્ષીઃ સુવર્ણજયંતિ

...માર્ટિન લ્યુથર કિંગ ત્રીજા...પોતાના પિતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે ૧૯૫૯માં ભારતની મુલાકાત લીધી એની પચાસવર્ષી ઉજવશે. (દિ.ભા., ૧૪-૨-૦૯, અભિવ્યક્તિ)

ઝીણાયનઃ (અડવાણીએ કરેલી) ઝીણાની પ્રશંસા

હજુ થોડાં વરસ ઉપર, એમના અભિનવ ઝીણાયનને પગલે નાગપુરે અડવાણીને ભાજપની અઘ્યક્ષીય ગાદીએથી ખડખડિયું આપી દીઘું હતું. (દિ.ભા., ૭-૨-૦૯, અભિવ્યક્તિ)

દોષદુરસ્તીઃ ભૂલસુધાર

...એમણે (અડવાણીએ) ઋજે પ્રાપ્ત કરવાનું હતું તે કર્યું, પણ હવેય કશી દોષદુરસ્તી સૂઝે છે ખરી? (દિ.ભા., ૭-૨-૦૯, અભિવ્યક્તિ)

વેશનમૂનોઃ રોલમોડેલ

ઇઝરાયલ આપણે ત્યાં ઘણાને સારૂ વેશનમૂનો (રોલમોડેલ) બની રહેલ છે. (દિ.ભા., ૨૪-૧-૦૯)

તાદાત્મ્ય દોષઃ સિદ્ધિવંત/સફળ સાથે ખોટેખોટી એકરૂપતા અનુભવવાનો દોષ

મારે મીર અને ફુલાય પિંજારા એવો એક માહોલ (ખરૂં જોતાં તાદાત્મ્ય દોષ) આપણએ ત્યાં ઇઝરાયલના મામલામાં વખતોવકથ જોવા મળે છે. (દિ.ભા., ૨૪-૧-૦૯)

જનમ જનમનાં જુવારાં રહેવાં: અંતર રહી જવું

પ્રજાસત્તાક અને- સ્વરાજ વચ્ચે જનમ જનમનાં જુવારાં ક્યાં લગી? (દિ.ભા., ૨૪-૧-૦૯)

ખાણદાણઃ પોષણ- ‘ફોડર’ના સંદર્ભે

આ બધા ધર્મો...સભ્યતાઓના સંઘર્ષ વાસ્તે ખાણદાણ પણ બની રહે એવો એક ભય છે. (દિ.ભા., ૧૦-૧-૦૯)

વિક્રિયાઃ વિકૃતી ભણી દોરી જતી પ્રક્રિયા

...આ આખી પ્રક્રિયા (ખરૂં જોતાં વિક્રિયા) મનુષ્યજાતિને ધર્મકૃપાએ હાણ પહોંચાડતી રહે છે.

કુલ શબ્દોઃ 106

વિશિષ્ટ વાક્યપ્રયોગ

એક બૌદ્ધિક તરીકે ભલે તેઓ (શૌરી) જાહેર જીવનમાં આવ્યા હોત પણ તૃણમૂલ કાર્યાનુભવ (ગ્રાસરૂટ એક્સપિરિયન્સ) વગરના એમને સારૂ સદાશયી ધોરણે પણ કોઇકના ઉપગ્રહ બનવા સિવાય મોક્ષ નથી. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

Saturday, January 17, 2009

૧૫૦મી પોસ્ટઃ શબ્દાર્થપ્રકાશ # 8

આટાપાટાભંડારાઃ કોઠાકબાડા, દાવપેચ
મુસ્લિમ ટેરર (અને હવે હિંદુ ટેરર)ને ધોરણે મતબેન્કોના આટાપાટાભંડારા બહુ થયા.(દિ.ભા.૨૯-૧૧-૦૮)
ધન્યોદગારઃ (કટાક્ષમાં) શરમજનક ઉદગાર
...મહારાષ્ટ્ર સરકારના ડિપોટી આર.આર.પાટિલ ‘આ કોઇ મોટો બનાવ નથી’ જેવા ધન્યોદગારથી અન્યથા પણ બોક્સમાં હતા જ. (દિ.ભા.૨-૧૨-૦૮)
પરિધાનપ્રવીણઃ સારાં કપડાં પહેરીને મહાલવામાં એક્કા
વાત માત્ર પરિધાન પ્રવીણ શિવરાજ પાટિલની....જ નથી. (દિ.ભા.૨-૧૨-૦૮)
(શિવરાજ પાટિલ એક દિવસમાં જુદાં જુદાં ત્રણ સફારી પહેરીને ટીવી કેમેરા સામે પેશ થયા હતા એ સંદર્ભે)
પાંચકામાં: પાંચ વર્ષના સમયમાં
આખલકૂદઃ બુલ રન
છેલ્લા દસકામાં બલકે પાંચકામાં આખલકૂદ અગર દોટ (બુલ રન) આપણે જોઇ છે! (દિ.ભા.૫-૧૨-૦૮)
ભોં ભાંગવીઃ ખરેખરૂં કામ કરવું
જોઇએ, જે બધી ખામીઓ વિસે ચિદમ્બરમ નિખાલસપણે પેશ આવ્યા છે એમાં તેઓ દુરસ્તી માટેની ભોં કેમની ભાંગે છે. (દિ.ભા.૬-૧૨-૦૮)
અનારંભીઃ નોનસ્ટાર્ટર
એનડીએ કાળથી હમણાં લગી વહેવારમાં કેવળ અનારંભી (નોનસ્ટાર્ટર) બની રહેલા આ સૂચન પર...(દિ.ભા.૬-૧૨-૦૮)
રાજવટઃ ગવર્નન્સ
સત્તા પર કોંગ્રેસ હોય કે ભાજપ કે બીજા, આ બધા સવાલો અંતે તો ધોરણસરની રાજવટના- ગવર્નન્સના છે. (દિ.ભા.લેખ, ૬-૧૨-૦૮)
મોળપ અને કૂણપઃ નરમાશ...પાક સંડોવણી સબબ ક્લિન્ટન તંત્રે નો-નોનસેન્સ અભિગમ લીધો. છતાં જે મોળપ અને કૂણપ હતી તેમાં ૯/૧૧ના સ્વાનુભવ પછી અમેરિકાએ ખાસી દુરસ્તી કરી છે. (દિ.ભા.૮-૧૨-૦૮)
અરાજક કરવૈયાઓઃ નોન-સ્ટેટ એક્ટર્સ
દેખીતી રીતે જ, આ બધા તો અરાજક કરવૈયાઓ (નોન સ્ટેટ એક્ટર્સ) છે એમ કહીને પોતાની એક રાજ્ય તરીકેની બનતી જવાબદારી બાબતે હાથ ઉંચા કરી દેવાના પાક રવૈયા કરતાં...(દિ.ભા.૧૦-૧૨-૦૮)
ઉડ્ડાન ગબીઃ ટેક ઓફ પોઇન્ટ?
એ માટે ૨૬મી નવેમ્બરે મુંબઇ પર ત્રાટકેલા આતંકવાદીઓનો અને આ નોનસ્ટેટ એક્ટર્સ’ની ઉડ્ડાન ગબી રૂપ પાકિસ્તાનનો જ આભાર માનવો રહે. (દિ.ભા.૧૨-૧૨-૦૮)
અમે-તમારાથી-ચડિયાતા-શાઇઃ વન અપમેનશિપ
કદાચ ચૂંટણીના બાકી દોરને લક્ષમાં રાખીને જ અમે-તમારાથી-ચડિયાતા-શાઇ વન અપમેનશિપનો જોસ્સો ભાજપે કમ નહોતો દાખવ્યો. (દિ.ભા. ૧૨-૧૨-૦૮)
વારણઃ વારવાની ક્રિયા
ભારત સરકારે મંદીના વારણ અને મારણ માટે મસમોટું પેકેજ જાહેર કર્યાને હજુ તો...(દિ.ભા.૨-૧૨-૦૮)
પીછેકૂચઃ અવળી ગતિ
છેલ્લા વરસમાં એની પીછેકૂચ રહી છે. (દિ.ભા.૧૩-૧૨-૦૮)


(કુલ શબ્દોઃ 93)
વિશિષ્ટ વાક્યપ્રયોગો
  • બને કે ઝેડ પ્લસ સિક્યુરિટીની દોમ દોમ સ્ટેટસ સિમ્બોલ સામે ખુલ્લી દરિયાઇ સરહદથી મગતરાં પેઠે મરી શકતા માણસો, એ બેઉ મળીને જે અમાનવીય સહોપસ્થિતિ રચે છે તે આમ માનસને સારૂ જીરવવી દોહ્યલી હોય. (દિ.ભા.૨-૧૨-૦૮)
  • પાકિસ્તાને, ક્યારેક પોતે જ સરજેલ પરિબળોના ગ્રહણમાંથી છૂટવાની રીતે ભારત સાથે સહયોગનો રાજમાર્ગ હિંમતભેર અપનાવવા જેવો છે. એ સિવાય કોઇ પણ ટૂંકા રસ્તે તે લાંબું થઇ જશે...(દિ.ભા.૩-૧૨-૦૮)
  • બાનુઓ કેન્ડલ લઇને નીકળી એમાં આપણા ભાઇને કેમ જાણે સ્કેન્ડલ-બોધ થયો. ((દિ.ભા.લેખ, ૬-૧૨-૦૮, મુંબઇ હુમલા પછી ભાજપી નેતા સઇદ નકવીએ લીપસ્ટીક લગાડીને કેન્ડલ લઇને નીકળી પડેલી સ્ત્રીઓની ટીકા કરી હતી એ વિશે.

નોંધઃ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશભાઇનો છેલ્લો તંત્રીલેખ ૧૩-૧૨-૦૮ના શનિવારે પ્રકાશિત થયો. ૧૪-૧૨ના દિવસે રવિવાર અને ૧૫-૧૨ના દિવસે છાપું ખોલ્યું અને તંત્રીલેખનું પહેલું વાક્ય વાંચીને શું થયું હશે, તે આ વાક્ય જાતે વાંચીને જ નક્કી કરી લોઃ

‘મારે મિયાણા ને ફુલાય પીંજારા. અમેરિકા અને બ્રિટન પાકિસ્તાનને ધમકાવે એમાં ભારત કાખલી કૂટીને તાબોટા પાડી રહ્યું છે...

જય સિયારામ !

હવે પછી ભાસ્કરમાં શનિવારની અઠવાડિક કોલમ દ્વારા પ્રકાશભાઇની હાજરી રહેશે એવું જાણવા મળ્યું. વાઇબ્રન્ટ ગુજરાત વખતે એમાં પણ ખાડો પડ્યો. કારણો એ જ, જૂનાં અને જાણીતાં. એમણે વાઇબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા વિશે લખ્યું હશે, જે ‘મેનેજમેન્ટ’ને અનુકૂળ નહીં આવ્યું હોય...

હવે પછી શબ્દાર્થપ્રકાશ વિભાગમાં તેમના અઠવાડિક લેખો અને નિરીક્ષકના લેખમાંથી શબ્દો મુકીશું. ઉપરાંત આ વિભાગ શરૂ થતાં પહેલાં ‘ભાસ્કર’માં એમણે જે તંત્રીલેખો લખ્યા છે, તેમાંથી પણ અવનવા શબ્દો સંદર્ભો સાથે રજૂ કરવાનું ચાલુ રાખીશું.

Tuesday, December 02, 2008

શબ્દાર્થપ્રકાશ # 7

એક્યંક્તિકાઃ વન લાઇનર
...એમની કને કેમ જાણે લગભગ એકની એક એક્યંક્તિકા (વનલાઇનર) મોંવગી હતી કે પાડ માનો પરમેશ્વરનો, કાલે શુક્રવાર નથી.(દિ.ભા.૧૪-૧૧-૦૮)
નિયમસિદ્ધકર અપવાદઃ આખરે તો નિયમને જ સિદ્ધ કરનારો અપવાદ
આ જાલિમ જમાનામાં આવાં આહ્લાદક આશ્ચર્યો પણ (બેલાશક, નિયમસિદ્ધકર અપવાદરૂપે) સરજાતાં હોય છે...(દિ.ભા.૧૪-૧૧-૦૮)
ખુલ્લાદિલવાળી કરવીઃ ઉદાર બનવું
એડી અને આરીનો બોધઃ (પ્રાણીની) ગતિ વધારવા માટેના વિવિધ ઉપાયોની અસર
બેન્કોમાં વ્યાજદરના ઘટાડા બાબતે રિઝર્વ બેન્ક હજુ થોડી ખુલ્લાદિલવાળી કરે તો ઔદ્યોગિક વિકાસના અશ્વને, એની સંભવિત મંદગતિ છતાં, એડી અને આરીનો બોધ થઇ શકે એમ છે...(દિ.ભા.૧૪-૧૧-૦૮)
વિગતપુષ્ટઃ વિગતોના આધારે પુષ્ટિ ધરાવતી
વાયકા બલકે વિગતપુષ્ટ વાત તો હતી કે આપણો વીર ફોર્મમાં નથી. (દિ.ભા.૧૫-૧૧-૦૮)
નાબાદઃ નોટ આઉટ
૧૩૮ નાબાદ. (દિ.ભા.૧૫-૧૧-૦૮)
દોડબંઘુઃ રનર
તંત્રે એની દાઝ જાણીને દોડબંઘુ પણ સંપડાવ્યો હતો...(દિ.ભા.૧૫-૧૧-૦૮)
દીર્ઘાદુલારઃ ગેલેરી પ્લેઈંગ
...હિંસક તામિલ આંદોલનકારીઓને પણ મર્યાદામાં રહેવાનો સ્પષ્ટ સંકેત કોઇ પણ પ્રકારના દીર્ઘાદુલાર (ગેલેરી પ્લેઈંગ) અભિગમથી પરહેજપૂર્વક આપવો રહે છે.(દિ.ભા.૧૭-૧૧-૦૮)
અંગીકારવું: અંગીકાર કરવું
જ્યારથી માનવ વિકાસ આંકનું વલણ દુનિયાના દેશોએ, ખાસ કરીને પશ્ચિમને મુકાબલે હજુ વિકસતા આવતા દેશોએ એક કસોટી તરીકે અંગીકાર્યું...(દિ.ભા.૧૮-૧૧-૦૮)
ક-ખ્યાતઃ ‘ક’થી શરૂ થતાં નામવાળી સિરીયલોથી જાણીતી (એકતા કપૂર)
પૂછો ક-ખ્યાત કપૂર કન્યાને...(દિ.ભા.૨૦-૧૧-૦૮)
કિંદર્શિતવ્યમૂઢઃ શું જોવું એની ખબર ન પડે એવી મૂઢતા
અનુભવતાખરૂં જોતાં આ જેણે પરાણે પોરો ખાવાવાળી થઇ તેનો લાભ લઇને કિંદર્શિતવ્યમૂઢ સૌએ ‘સોપ’ની ક્ષ-તપાસનો ઉપક્રમ હાથ ધરવો જોઇતો હતો. (દિ.ભા.૨૦-૧૧-૦૮)
મેળમથામણઃ (બે ધારાઓ વચ્ચે) મેળાપની મથામણ
...રમણભાઇ નીલકંઠ અને ગણેશ વાસુદેવ માવળંકર જેવાઓ પણ રાજકારણ અને પ્રજાકારણ વચ્ચે રૂડી મેળમથામણના જીવ હતા. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
મનમુરાદઃ મન ફાવે તેમ
...નાગરિક સ્વાધીનતાની મુદ્દલ પરવા વગરના મનમુરાદ શાસકીય વહેવાર માટેનો એ ધરાર પરવાનો છે. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
અસ્ફુટરમણીયતાઃ સ્પષ્ટપણે વ્યક્ત ન થવાને કારણે ઊભી થતી રમણીયતા
...અસ્મિતા પર્વમાં કોઇ સાહિત્યિક મુદ્દે અસ્ફુટરમણિયતાનો જે મહિમા હોઇ શકે છે એવી કોઇ સુવિધા અહીં તો છે નહીં. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
ધરમમજબહફેઇધઃ હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી ધર્મ સૂચવતું
સરેરાશ આદિવાસીની બુનિયાદી જરૂરત કોઇ ધરમમજહબફેઇધની નહીં...(દિ.ભા.૨૨-૧૧-૦૮)
કાર્યચમૂઃ ટાસ્કફોર્સ
...તે માટે કાર્યચમૂ (ટાસ્કફોર્સ) રચવાનો નિર્ણય લેવાયો છે. (દિ.ભા.૨૪-૧૧-૦૮)
રણરંગમાં: રણે ચડવાના રંગમાં
...અડવાણી આજકાલ બરાબરના રણરંગમાં જણાય છે.(દિ.ભા.૨૫-૧૧-૦૮)
તરણોપાયઃ તરી જવાના ઉપાય તરીકે
...અડવાણી વારેવારે ‘પોટા’નો તરણોપાય તરીકે કેમ ઉલ્લેખ કરે છે એ સમજાતું નથી. (દિ.ભા.૨૫-૧૧-૦૮)
વાણિજ્યધાનીઃ આર્થિક રાજધાની
(ન્યૂયોર્ક અને મુંબઇ) વાણિજ્યધાની તો એ બંને છે જ. (દિ.ભા.૨૮-૧૧-૦૮)
કુલ શબ્દોઃ 79
વિશિષ્ટ વાક્યપ્રયોગો
  • વૈશ્વિક નાણાકટોકટી ઔદ્યોગિક વૃદ્ધિને નરમ પાડશે એ તો નેનોની નાતનાં નરખાં બલકે નગારાં વચ્ચે બધિર કાને પણ સમજાય એવી વાત છે. (દિ.ભા.૧૪-૧૧-૦૮)
  • કાલે શુક્રવાર નથી, એમ કહ્યે શક્કરવાર વળવાનો નથી. (દિ.ભા.૧૪-૧૧-૦૮)
  • શુક્રવારની સવારે સવારે શી ખબર કિયું વાયક કિયે ખૂણેથી ફરી ગયું’તું કે દુખતે વાંસે ને કકળતી કમરે આપણો આ બેલ્ટબંધો મેદાને ઉતર્યો તે ઉતર્યો જ. (યુવરાજસિંઘની રાજકોટ ઇનિંગ વિશે, દિ.ભા.૧૫-૧૧-૦૮)
  • ભાઇ, આ તો વન-ડે કહેતાં ફટાફટ ક્રિટે હતી. જૂના વારાના મુસ્તાક અલી અને સી.કે.નાયડુ મહાકાવ્યની કરામત હાયકુમાં દાખવે એમ...(દિ.ભા.૧૫-૧૧-૦૮)
  • બધી સીરીઅલો, પછી એ કૃતક મેટ્રોમાનવોની નિરૂપણથી હોય કે લગ્નબાહ્ય સંબંધો લટકાં કરે લગ્નબાહ્ય સંબંધો સામે એ ન્યાયે મંડિત હોય...(દિ.ભા.૨૦-૧૧-૦૮)
  • સાગર, સબાર ઉપરે ચાંચિયા, તબાર ઉપરે કોઇ નાહીં (ચાંચિયાઓના યુદ્ધજહાજને પછાડનાર ‘આઇએનએસ તબાર’ની કામગીરી સંદર્ભે, ‘સબાર ઉપરે માનુષ’ની પેરડી (દિ.ભા.૨૧-૧૧-૦૮)
  • ...હજુ હમણાં સુધી છૂટથી પ્રયોજાતી ભાષાથી હટવાછટકવાબચવા માગે છે. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
  • નિર્બોમ્બ વિસ્ફોટો (દિ.ભા.૨૨-૧૧-૦૮)
  • ભલાભાઇ-ભોળાભાઇ-લૂગડાંસંકોર ભાઇ હોવું એ કોઇ નાગરિકપણું નથી. (દિ.ભા.૨૨-૧૧-૦૮)
  • દિલ્હી હાઇકોર્ટે ઠીક ઉધડો લીધો. તંત્રલુપ્તા! સુએજસરસ્વતીથી સાવધાન! (દિ.ભા.૨૭-૧૧-૦૮)
  • બોર્ડ આશ્વસ્ત હતું કે એક વાર મુદત પડી એટલે આપણે મુદતે મુદતે એ...ઇ માણીગર માણારાજની પેઠે મહાલ્યા કરશું. (દિ.ભા.૨૭-૧૧-૦૮)

Thursday, November 13, 2008

શબ્દાર્થપ્રકાશ # 6

જળથળઅંબરઃ જમીની, દરિયાઇ અને આકાશી
...વાસ્તવિક સજ્જતાની દૃષ્ટિએ જળથળઅંબર ત્રણે સ્તરે જમીની સચ્ચાઇ તો કંઇક જુદી જ છે. (દિ.ભા.૨૭-૧૦-૦૮)
કાર્યનકશોઃ એક્શન મેપ
એન્ટની પાસે હજુ વઘુ વિગતોની અને કાર્યનકશાની અપેક્ષા રહે છે. (દિ.ભા.૨૭-૧૦-૦૮)
‘શત્રુ તમારી શેરીમાં’ રાજનીતિઃ એનીમી નેક્સ્ટ ડોર
૧૯૮૪ના ઉત્તર ભારતમાં અને ૨૦૦૨ના ગુજરાતમાં ‘શત્રુ તમારી શેરીમાં’ (એનિમી નેક્સ્ટ ડોર) તરેહની જે હીણી રાજનીતી ખેલાઇ હતી...(દિ.ભા.૨૯-૧૦-૦૮)
વિશ્વવિશ્રુતઃ જેના વિશે સમસ્ત વિશ્વએ સાંભળ્યું હોય તે, વિશ્વપ્રસિદ્ધ
જોવાનું એ છે કે બુશ તેમના વિશ્વવિશ્રુત ધબડકા સાથે અને છતાં બીજી વાર હોદ્દે ચડી શક્યા. (દિ.ભા. લેખ, ૨૯-૧૦-૦૮)
પાપડપાતળીઃ વેફરથીન
ઓબામા આવતા અઠવાડિયે ધારો કે પાપડપાતળી બહુમતીથી પણ ચૂંટાઇ આવે છે તો...(દિ.ભા. લેખ, ૨૯-૧૦-૦૮)
રોકડધર્મી રાજકારણઃ વિવિધ મુદ્દાની રોકડી કરવામાં રાચતું રાજકારણ
...એમાં આ રોકડધર્મી (પણ વિષાક્ત ને વિભાજક) રાજકારણથી હટવાનો અવાજ..ખસૂસ વરતાય છે. (દિ.ભા.૧-૧૧-૦૮)
ગૌરીશિખર સરખોઃ ઉન્નત
ગોલંદાજોમાં ગૌરીશિખર સરખો આપણો આ કુંબલે કુલોત્પન્ન અનિલ (દિ.ભા.૩-૧૧-૦૮)
લોકહાકેમઃ પીપલ્સ પ્રેસિડેન્ટ
આ એ લિંકન હતો, ચૂંટાયેલ લોકહાકેમ લિંકન...(દિ.ભા.૬-૧૧-૦૮)
(કુલ શબ્દોઃ ૬૦)
વિશિષ્ટ વાક્યપ્રયોગો
  • અનિલ કુંબલેએ સામાન્યપણે સ્પિનોડીઓમાં નહીં એવી ને એટલી દ્રુતગતિ દડામારીની જે તકનીક ખીલવી બતાવી તેને કેવળ ને કેવળ અનિલોપમ જ કહેવી જોઇએ. (દિ.ભા.૩-૧૧-૦૮)
  • ભાઇ, ચડાવઉતાર તો આવે પણ એથી વીરને લાગતો જ વસુકી ગયેલો ન કહેવાય. (દિ.ભા.૩-૧૧-૦૮)
  • મુનશીની મંજરીની જેમ પરિણત પણ નવયૌવનાના સ્પિરિટે સવેળા સંકેલાવું અને એ રીતે લોકચિત્ત પર યૌગનમૂર્તિ બની રહેવું એ પણ ઠીક જ છે! (દિ.ભા.૩-૧૧-૦૮) (ખરો શબ્દ ‘યૌવનમૂર્તિ’ હોવો જોઇએ)

(પ્રકાશભાઇ પ્રવાસે હોવાના કારણે છેલ્લા એકાદ અઠવાડિયાથી તેમના એડિટ આવ્યા નથી)

Monday, October 27, 2008

શબ્દાર્થપ્રકાશ # 5

રજત અરસોઃ પચીસેક વર્ષ
૨૦૦૨ની જમ્મુ-કાશ્મીર વિાનસભાકીય ચૂંટણીએ ખાસા એક રજત અરસા બાદ (મોરારજી દેસાઇના વડાપ્રધાનકાળ બાદ) વિશ્વાસયુક્ત ચૂંટણીનો ધડો બેસાડ્યો હતો. (દિ.ભા.૨૦-૧૦-૦૮)
મતદાનીય હિસ્સેદારીઃ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન, મતદાન દ્વારા હિસ્સેદારી
સરવાળે ઉપસી રહેલી સાર્વત્રિક છાપ પાછલાં વરસોને મુકાબલે મતદાનીય હિસ્સેદારી વઘ્યાની...(દિ.ભા.૨૦-૧૦-૦૮)
રાજપુરુષોષોચિતઃ સ્ટેટ્સમેનલી
...એમાં બન્ને મુખ્ય પક્ષોની રાજપુરુષોચિત ગરવાઇનાં દર્શન થતાં હતાં.(દિ.ભા.૨૦-૧૦-૦૮)
પોપાભાઇનું રાજઃ પ્રચલિત શબ્દપ્રયોગ ‘પોપાબાઇના રાજ’ની ફેમિનિસ્ટ આવૃત્તિ
શાસન કાં તો સત્તાના અતિરેકમાં મત્ત મહાલે છે કે પછી પોપાબાઇ (ફેમિનિસ્ટોનો આગ્રહ હોય તો પોપાભાઇ કહેવામાંય હરકત નથી) બનીને ચાલે છે. (દિ.ભા.૨૧-૧૦-૦૮)
અનુત્તરદાયિત્વઃ ઉત્તરદાયિત્વ (આન્સરેબિલીટી)નો અભાવ
રાજકીય અગ્રવર્ગનો મોટો હિસ્સો ટાડા-પોટાના સરિયામ દુરૂપયોગથી માંડીને એન્કાઉન્ટરી અનુત્તરદાયિત્વમાં ભેળા મળી દેશભક્તિના હઇસો જંબેમાં મચી પડે છે. (દિ.ભા.૨૧-૧૦-૦૮)
મરોડમાહેર ગોલંદાજઃ ટોચના સ્પિનર
સ્પિનર અમિત મિશ્રાનો મરોડમાહેર ગોલંદાજ લેખે પાટલો મંડાશે. (દિ.ભા.૨૨-૧૦-૦૮)
કિલકારીથપ્પોઃ હરખપૂર્વકનું એન્ડોર્સમેન્ટ
પરમાણુ સમજૂતી સાથે અમેરિકા અને ભારત વચ્ચે ઉઘડતી આવતી વ્યૂહાત્મક સંબંધભાત પરનો એક ઓર કિલકારીથપ્પો હતો. (દિ.ભા.૨૩-૧૦-૦૮)
બજારમિત્ર પગલાં: માર્કેટ-ફ્રેન્ડલી સ્ટેપ્સ
રિઝર્વ બેન્કે એની વાર્ષિક નાણાનીતિમાં અપેક્ષિત બજારમિત્ર પગલાં જાહેર ન કર્યાં...(દિ.ભા.૨૫-૧૦-૦૮)
ઉંજી આપવું: સુવિધા કરી આપવી
જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ ખાનગી વિમાની સેવાને જાહેર એટકે કે પ્રજાકીય નાણે ઉંજી આપે છે...(દિ.ભા.૨૫-૧૦-૦૮)
(કુલ શબ્દોઃ ૫૨)

Tuesday, October 21, 2008

શબ્દાર્થપ્રકાશ # 4

પેઢાનપેઢીઃ પેઢી દર પેઢીએ
પેઢાનપેઢી કહેવાતું રહ્યું છે કે બુધવારે બેવડાય. (૯-૧૦-૦૮, દિ.ભા.)
પાણીચડાઉઃ પાણી ચડાવે એવું
...નવ ટકા વૃદ્ધિદર ઓ આવ્યો, ઓ આવ્યોના પાણીચડાઉ બોલ વચાળે વાસ્તવિકતા જોતાં... (૯-૧૦-૦૮, દિ.ભા.)
વર્ધમાનઃ આગળ વધી રહેલા
એક વર્ધમાન અર્થતંત્રના નાતે આપણે આશ્વસ્ત જ નહીં પણ આત્મવિશ્વાસયુક્ત રહેવાની વાતમાંય લોજિક તો છે જ. (૯-૧૦-૦૮, દિ.ભા.)
પાતાળદોટઃ તળીયા ભણીની દોટ
(શેરબજાર માનસની) લાગણીતૂર પાતાળદોટ ન જ સમજી શકાય એમ પણ નથી. (૯-૧૦-૦૮, દિ.ભા.)
રોકડ રૂધિરાભિસરણઃ લિક્વીડીટી ફ્લો
આપણે ત્યાં પણ ચિદમ્બરમે બુધવારે કહ્યું જ છે કે બજારમાં રોકડ રૂધિરાભિસરણની કાળજી લઇશું. (૯-૧૦-૦૮, દિ.ભા.)
ઊંબરદ્વારઃ ડોરસ્ટેપ..
એ ચોક્કસ જ એક ગુણાત્મક સંભાવનાઓના ઊંબરદ્વારની ગરજ સારે એવી બીના છે. (૧૧-૧૦-૦૮, દિ.ભા., લેખ)
પાયદળને વિમાની છત્ર પૂરૂં પાડવું: ઉપર રહીને બચાવ કરવો
સંઘ પરિવારનાં લુમ્પન તત્ત્વો આવાં હીણાં કામો કરે અને અડવાણી દિલ્હી બેઠે સર્વધર્મસંવાદની રૂડી વાતો થકી આ પાયદળને વિમાની છત્ર પૂરૂં પાડે...(૧૧-૧૦-૦૮, દિ.ભા., લેખ)
સંવાદબારી (ખોલવી): સંવાદ થઇ શકે એ માટેની પહેલરૂપ ચેષ્ટા કરવી કે વાતાવરણ ઊભું કરવું
...રાજકારણની મુખ્ય ધારાથી વિમુખ લોકો સાથેની સંવાદબારી ખોલી એ લાભનો સોદો પણ અચ્છો બની આવ્યો હતો.(૧૧-૧૦-૦૮, દિ.ભા.)
કૃષ્ણછાયાઃ કાળા ઓછાયા
ગૌરવ લેવું કે કંધમાલની કૃષ્ણછાયામાં વિમાસવું એવી આર્ત મૂંઝવણ અસ્થાને નથી. (૧૩-૧૦-૦૮, દિ.ભા.)

ચર્ચિયાનિટીઃ ખ્રિસ્તી ધર્મનું ચર્ચકેન્દ્રી સ્વરૂપ
યુરોપમાં ચર્ચિયાનિટીમાં ફેરવાઇ ગયેલી ક્રિશ્ચિયાનિટી હસ્તક જુલમો થયા હતા...(૧૩-૧૦-૦૮, દિ.ભા.)
સંબલઃ ભાથું
ધર્માનુરાગી પ્રજામાત્રે અંતે તો આ સામસામી લાગતી સહોપસ્થિતિમાંથી સંબલ મેળવવું રહે છે. (૧૩-૧૦-૦૮, દિ.ભા.)
મતવહેંચકઃ મોટા પક્ષોના મતમાં ભાગ પડાવનાર
ઉમા ભારતી અને ખાસ તો માયાવતી જેવાં ક્યાંક ભાવિ વિકલ્પ તરીકે ઉભરે છે કે કેવળ મતવહેંચક તરીકે તે પણ જોવા મળશે. (૧૫-૧૦-૦૮, દિ.ભા.)
ગુલાબી ગાજરવાળીઃ ભવિષ્યનાં રંગીન સ્વપ્નાંનાં ગાજર લટકાવવાં
હવે નવનિર્માણી રાજબહાદુર...છટણીના ભોગ બનેલાઓને સારૂ...ઓર એક ગુલાબી ગાજરવાળી સરજે છે. (૧૬-૧૦-૦૮, દિ.ભા.)
કોઠાવિવેકઃ કોઠાસૂઝ ધરાવતો વિવેક
વાસ્તવિક જરૂરત તેમ જ માગ ને પુરવઠાનો કોઠાવિવેક કેળવવો પડશે. (૧૬-૧૦-૦૮, દિ.ભા.)
નેજવાની છાંય તળેઃ નિશ્રામાં, આશરા હેઠળ
ગોપુચ્છ પકડી રાખવું: (વૈતરણી તરવાના સંદર્ભમાં ગાયનું) પૂંછડું પકડી રાખવું, પોતાની વાત પકડી રાખવી
વૈતરણીની વિષમ વાસ્તવિકતા વચ્ચેય ચિદમ્બરમે મનમોહનસિંહના નેજવાની છાંય તળે પેલું ગોપુચ્છ અદ્દલોઅદ્દલ પકડી રાખ્યું છે કે આપણા અર્થકારણના ફન્ડામેન્ટલ્સ સાબૂત છે. (૧૭-૧૦-૦૮, દિ.ભા.)
આંકડેથી ઉતરીને ભાણામાં દેખાવું: વાતને બદલે વાસ્તવમમાં અનુભવ થવો
ફુગાવામાં સહેજ રાહત છે, પણ તે આંકડેથી ઉતરીને ભાણામાં દેખાય ત્યારે સાચી! (૧૭-૧૦-૦૮, દિ.ભા.)
દિવસની આંતરરાષ્ટ્રીય ફટાફટઃ વન ડે ઇન્ટરનેશનલ
એક દિવસની આંતરરાષ્ટ્રીય ફટાફટ (ઓડીઆઇ)માંયે વિક્રમ રનજુમલા પછી...(૧૮-૧૦-૦૮, દિ.ભા.)

ઉપરાંત એક વાક્યપ્રયોગ
‘ભારતરત્ન જેઆરડી તાતા પણ હૃદયરત્ન તો હર્ષદ મહેતા’ (૧૬-૧૦-૦૮, દિ.ભા.)

Wednesday, October 08, 2008

શબ્દાર્થપ્રકાશ # 3

અંજીરપાંદઃ (અંગ્રેજી) ફીગલીફ
વાજપેયીનું અંજીરપાંદ ગયા પછી શા દિવસો આવ્યા છે!(૨૩-૦૯-૦૮, દિ.ભા.)
મરણજાળઃ મૃત્યુનો સકંજો
જે પ્રકારે લો ઇન્ટેન્સિટી બોમ્બની મરણજાળ નાનાં શહેરોમાં કે મહાનગરી પરાંમાં વકરી રહી છે...(૧-૧૦-૦૮, દિ.ભા.)
પિછવાઇઃ (અંગ્રેજીમાં) બેકડ્રોપ, પશ્ચાદભૂશ્રેણી
બંધ વિસ્ફોટોની પિછવાઇ પર જોતાં ૨૦૦૮ના ઓક્ટોબરમાં દેશમાં અહિંસાનો મહિમા કરીએ એટલો ઓછો છે. (૨-૧૦-૦૮, દિ.ભા.)
વણફૂંક ઘુમ્રપાનઃ (અંગ્રેજીમાં) પેસિવ સ્મોકિંગ
વણફૂંક ઘુમ્રપાન સુદ્ધાં આરોગ્યને તો હાણ કરે જ છે. (૨-૧૦-૦૮, દિ.ભા.)
વૈતાળ સત્તાઃ (અંગ્રેજી) સુપરપાવર
આપણો પાટલો કોઇ વૈતાળ સત્તા લેખે મંડાયો છે એવું તો નહીં કહી શકાય.
બાવા હિન્દી બૂઃ ઔપચારિકતાની ગંધ
એમના વિરોધમાંથી વિપક્ષને ખાતર વિપક્ષ તરેહની બાવા હિન્દી બૂ આવે છે. (૩-૧૦-૦૮, દિ.ભા.)તાવીજબોલઃ તાવીજની જેમ હંમેશાં બાંધી રાખવા જેવી અને કદી અળગી ન કરવાની વાત
કેન્દ્ર સરકારના સીધા પ્રતિનિધિરૂપ ગૃહમંત્રી પાસે રાજ્ય સરકારો જોગ તાવીજબોલ આટલા અને કેવળ આટલા જ છેઃ ટેઇક કેર...(૬-૧૦-૦૮, દિ.ભા.)
આંખશરમેઃ બે આંખની શરમથી
...બજરંગ દળ વગેરેને ન તો આંખશરમે વારી શકે છે...(6-૧૦-૦૮, દિ.ભા.)
‘પ્રેક્ષક દીર્ઘા’ રીઝવવીઃ (અંગ્રેજી) પ્લેઈંગ ટુ ધ ગેલેરી
પાક રાજકારણીઓ ‘પ્રેક્ષક દીર્ઘા’ રીઝવવાની રીતે ચાલશે...(7-૧૦-૦૮, દિ.ભા.)

નોંધઃગયા મહિને પ્રકાશભાઇનાં માતાજીનું બીમારી પછી અવસાન થયું હતું. એ અરસામાં તંત્રીલેખોમાં ખાડો પડ્યો હોવાથી, એ તારીખો અહીં ખાલી છે.

Tuesday, September 23, 2008

શબ્દાર્થપ્રકાશ

સખાતે જવું: વહારે જવું
લેહમેનની સખાતે જવાની કોશિશો નિષ્ફળ રહી એ દુનિયાભરમાં રોકાણકારો માટે સારા સમાચાર બેલાશક નથી. (17-7-08, દિ.ભા.)
સેન્સેક્સીઃ
સેન્સેક્સને લગતો (આ જરા નસીર ઇસમાઇલી જેવો પ્રયોગ લાગે છે, પણ એ છે.)
સોમવારે આપણા શેરબજારે જે સેન્સેક્સી આંચકો અનુભવ્યો... (17-7-08, દિ.ભા.)
વિરોધમારોઃ (બોમ્બમારાની જેમ) એકધારો વિરોધ ઝૂડવો તો
દિલ્હી વિસ્ફોટો બાબતે બેંગલોર બેઠા ભાજપશ્રેષ્ઠીઓએ જે રીતે વિરોધમારો ચલાવ્યો હતો... (18-7-08, દિ.ભા.)
વિરોધહવાઃ વિરોધનું વાતાવરણ
નવી દિલ્હીમાં અડવાણી અને મોદીની જાહેર રેલી મારફતે જે વિરોધહવા જમાવવા ધાર્યું હતું... (18-7-08, દિ.ભા.)
વિસ્ફોટ-રહસ્ય-લીલાઃ બોમ્બવિસ્ફોટનાં કાવતરાંની માહિતી
ગુજરાત પોલીસ (અને એની મારફતે રાજ્ય નેતૃત્વ) આરંભિક સંયમ પછી વિસ્ફોટ-રહસ્ય-લીલાના અખિલ હિંદ ઉકેલ બાબતે ત્રિકાળસંધ્યા પેઠે બોલવા લાગ્યાં છે... (18-7-08, દિ.ભા.)
ત્રિકાળસંધ્યા પેઠેઃ પોપટીયું રટણ, પોપટપાઠ
જુઓ ઉપરનું વાક્ય
મૃદુદંડઃ ગુનેગારને દંડ કરવામાં નબળું, સોફ્ટ
ગાંધીનગર અને નવી દિલ્હી કોઇ એ ધોરણે આતંકવાદ બાબતે મૃદુદંડ રહી શકે નહીં. (18-7-08, દિ.ભા.)
યથાર્હદંડઃ યથાયોગ્ય દંડ કરનાર
ન મૃદુ દંડ, ન તીક્ષ્ણ દંડ, યથાર્હદંડ અને શુચિર્દક્ષ શાસનની વાત આ તો છે. (18-7-08, દિ.ભા.)
શ્રીકારઃ સારી અસર ધરાવતો
જો આસમાની-સુલતાની જુગલબંદી જામે તો વરસાદ ચિક્કાર એટલો જ શ્રીકાર બની રહે (દિ.ભા. ૧૯-૯-૦૮)

સિંહભાગઃ મોટો ભાગ
ચોમાસાનો સિંહભાગ વહી ગયો. (મોટે ભાગે ‘સિંહફાળો’ શબ્દ વધારે પ્રચલિત છે.) (દિ.ભા. ૧૯-૯-૦૮)
મેઘમોસમીઃ ચોમાસાને લગતી
આ બધી મેઘમોસમી અફરાતફરીમાં તલ ને બાજરાનો સોથ વળી ગયો છે. (દિ.ભા. ૧૯-૯-૦૮)
એન્કાઉન્ટરી આઘાપાછીઃ એન્કાઉન્ટરને લગતાં જૂઠાણાં અને વિવાદો
આ ક્ષણે વણઝારાની વીરવાર્તા સહિતની એન્કાઉન્ટરી આઘીપાછીમાં નહીં જતાં... (દિ.ભા.૨૦-૯-૦૮)

વિશેષ ઉલ્લેખઃ
- ‘અભિયાન’ના પત્રકાર મિત્ર લાલજી ચાવડાએ વારંવાર થતા બોમ્બબ્લાસ્ટ પરથી ‘છાશવારે’ની જેમ ‘બ્લાસ્ટવારે’ એવો શબ્દ પ્રયોજ્યો છે.
- આ પોસ્ટના પ્રતિભાવમાં જુગલકિશોરભાઇએ ‘હાથવગું’ની જેમ નવો શબ્દ પ્રયોજ્યો છેઃ ‘બ્લોગવગું.’

‘શબ્દાર્થપ્રકાશ’ના પ્રેમી મિત્રોએ પોતપોતાનાં વર્તુળમાં તેની લિન્ક મોકલી હતી. એ રીતે ઇ-મેઇલથી મળેલા બે પ્રતિભાવ પણ બ્લોગ પર કમેન્ટ તરીકે પોસ્ટ કરેલા છે.

Tuesday, September 16, 2008

શબ્દાર્થપ્રકાશઃ નવા ગુજરાતી શબ્દોની લીલા

ગુજરાતી અખબારો- ખાસ કરીને ગુજરાતનાં- ગુજરાતી ભાષાનો કચ્ચરઘાણ વાળવા માટે કુખ્યાત છે. તેમના પ્રતાપે સેંકડો ડોક્ટરો પોતાના નામ પછી ‘નિષ્ણાત’ને બદલે ‘નિષ્ણાંત’ લખતા થઇ ગયા છે. આવા અનેક દાખલા ટાંકી શકાય. પણ અહીં વાત બીજી છે.

ભાષાના મામલે ગુજરાતી અખબારોના માથે યોગ્ય રીતે જ માછલાં ધોતી વખતે, તેમાં ક્યાંક થઇ રહેલા મજબૂત કામની નોંધ લેવાય છે? જવાબ છેઃ ના. ખરેખર એવું હોત તો પાંચેક વર્ષથી ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી લેખોમાં, ઘણા સમય પહેલાં ‘જનસત્તા’માં અને ઘણા સમયથી પાક્ષિક ‘નિરીક્ષક’માં પ્રકાશ ન. શાહના ‘ભાષાકર્મ’ વિશે અવશ્ય કામ થયું હોત.
થોડું ‘પ્રકાશ ન.શાહ’ના સત્તાવાર નામે ઓળખાતા પ્રકાશભાઇ વિશે. જાહેર જીવનમાં તે કટોકટીકાળે જેલવાસ વેઠનાર, સર્વોદયવાદી, સર્વધર્મસમભાવમાં માનનારા, કોંગ્રેસ હોય કે ભાજપ પણ ‘એસ્ટાબ્લીશમેન્ટ’ સામે ખોંખારીને વિરોધ કરનાર- આ તેમનો ટૂંકામાં ટૂંકો પરિચય છે. એમાં તેમની વિશિષ્ટ લેખનશૈલી અને તેમની સેન્સ ઓફ હ્યુમરને પણ ઉમેરવી પડે.

પ્રકાશભાઇની લેખનશૈલી રમૂજમાં કહેવાય છે કે તેમના ગુજરાતીનો ગુજરાતીમાં અનુવાદ કરવો પડે. હું પણ તેમના ગુજરાતીનો ટીકાકાર હતો. તેમનું ગુજરાતી વિવેચકો જેવું અઘરૂં નથી, પણ વળ-પેચવાળું છે. તેમની વાક્યબાંધણી (સેન્ટન્સ-કન્સ્ટ્રક્શન) પર અંગ્રેજીની પણ છાંટ લાગે. (ગાંધીજીના ગુજરાતીમાં પણ એવી અસર જોવા મળતી હતી.) ટૂંકમાં, પ્રકાશભાઇને વાંચવામાં મગજને કસરત પડે. પરંતુ ધીરજપૂર્વક એ કસરત કરવામાં આવે, તો અંતે બહુ મઝા પડે. એ રીતે હું તેમની શૈલીના ટીકાકાર અને અ-ચાહકમાંથી ચાહક બન્યો છું. પણ અહીં તેમની લેખનશૈલીને બદલે, તેના હિસ્સા જેવી નવા શબ્દો નીપજાવવાની ખાસિયત પર ઘ્યાન કેન્દ્રીત કરવાનો ઇરાદો છે.

ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ જેવા જૂની પેઢીના કે રજનીકુમાર પંડ્યા જેવા તેમના પછીના પેઢીના સાહિત્યકારો નવા શબ્દો નીપજાવવામાં માહેર ગણાય છે. પરંતુ એ લોકોને મુખ્યત્વે સાહિત્યિક લખવાનું હોય છે અને રાત્રે સાત કે આઠ વાગ્યા પહેલાં ‘મેટર’ આપી દેવાનું દબાણ હોતું નથી.

પ્રકાશભાઇની ખૂબી એ છે કે રોજિંદા સમાચારો જેવા શુષ્ક અને બોરિંગ વિષયો પર, રોજેરોજ, ઝડપથી અને ડેડલાઇન પાળીને લખવાનું હોવા છતાં, એ ભાષા સાથે રમી શકે છે, ભાષાને રમાડી શકે છે અને પોતાને જે કહેવાનું છે તેની સચોટ અભિવ્યક્તિ માટે નવા શબ્દો સહજ નીપજાવી લે છે.

‘શબ્દાર્થપ્રકાશ’ નામના આ વિભાગમાં આવા ‘પ્રકાશભાઇ-સ્પેશ્યલ’ શબ્દો અને શબ્દપ્રયોગોની યાદી, તેના અર્થ સહિત આપવાનો આશય છે. આ વિચાર અસલમાં મિત્ર પ્રણવ અઘ્યારૂનો હતો. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશભાઇના સહાયક તરીકે કામ કરતા મિત્ર દિવ્યેશ વ્યાસે તેને વધાવી લીધો. આ બન્ને જણને માલુમ થાય કે એમ સળગતાં લાકડાં બીજાના હાથમાં પકડાવીને છટકી શકાશે નહીં. હવે તેમણે પણ આ વિભાગમાં નિયમિત રીતે પ્રદાન કરવું પડશે. એ સિવાય ચંદુભાઇ મહેરિયા, અશ્વિનભાઇ ચૌહાણ જેવા બીજા ઘણા મિત્રોને પણ વિનંતી છે કે સ્ટાઇલના નામે ફાલતુગીરી વધી પડી છે ત્યારે ગુજરાતી ભાષાની અવનવી છટાઓ અને રંગના ચટકા માણવા માટે આ વિભાગમાં નવા શબ્દો અને તેનો ઉપયોગ કેવી રીતે થયો છે તે ઉદાહરણ સહિત મોકલી આપે.

માત્ર પ્રકાશભાઇએ જ નીપજાવેલા નવા શબ્દો હોય તે જરૂરી નથી. મોટો હિસ્સો તેમનો રહેશે, પણ આખરે તો મામલો ગુજરાતી ભાષાને - બૌદ્ધિકતા, તાર્કિકતા, સભ્યતા અને ગરીમાના માપમાં રહીને, અછકલા થયા વિના - લાડ લડાવવાનો છે. આ પોસ્ટ સાથે આજના ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રલેખમાં આવેલા બે-ત્રણ શબ્દોથી શરૂઆત કરીએ છીએ. અઠવાડિયે એક કે બે વાર ‘શબ્દાર્થપ્રકાશ’માં નવી એન્ટ્રી ઉમેરવામાં આવશે. પ્રકાશભાઇના નવા લેખો ઉપરાંત જૂનાં ‘નિરીક્ષક’માંથી પણ શબ્દો આપી શકાશે.

વીસારો ન વેઠવો : વિરહ ન વેઠવો, છોડવું નહીં તે
સંસદ પરના હુમલા સહિતના સંખ્યાબંધ બનાવો છતાં તત્કાલીન ગૃહમંત્રી અડવાણીએ હોદ્દાનો વીસારો ન વેઠ્યો (૧૫-૯-૦૮, દિ.ભા.)
ખાલી ખખડવું: અર્થ વગરનું, પોકળ લાગવું
ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદની પાટિલના રાજીનામાની માગણી...ખાલી ખખડતી હોય ત્યારે એને માનો કે ગંભીરતાથી નયે લઇએ (૧૫-૯-૦૮, દિ.ભા.)
ફિલગુડાઇ: ‘ફીલગુડ ફેક્ટર’નું વાતાવરણ, આભાસી ગુલાબી ચિત્ર
પરમાણુ બજારના ઉઘાડે જગવેલ ફિલગુડાઇ આતંકી ઉપાડા થકી હવાઇ જઇ શકે છે (૧૫-૯-૦૮, દિ.ભા.)
ઝાંઝપખવાજનો અવસર: (ભજનમાં વાગતાં ઝાંઝ અને પખવાજ જેવાં વાદ્યો પરથી) પોતાનું ગાણું ગાવાનો કોઇ મુદ્દો મળી જવો
ચોવીસ કલાકના ચેનલિયાને પણ ઝાંઝપખવાજનો જે અવસર મળ્યો તે ખરો. (૧૫-૯-૦૮, દિ.ભા.)