Showing posts with label us. Show all posts
Showing posts with label us. Show all posts

Wednesday, January 23, 2019

ટ્રમ્પની દીવાલઃ રમુજમાંથી હકીકત, હાસ્યમાંથી કરુણતા

ભૂતકાળમાં અમેરિકાને ઘણા અલેલટપ્પુ પ્રમુખો મળ્યા છે. સૌથી નજીકના ભૂતકાળનું ઉદાહરણ જ્યોર્જ ડબલ્યુ બુશ (જુનિયર)નું, જેમની પરથી અનેક રમુજો બની અને જેમણે અમેરિકાને અનેક જંગમાં સંડોવ્યું. છતાં, એ બધામાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન અલગ છે. રૂઢિચુસ્ત રીપબ્લિકન પક્ષ તરફથી તે પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા, ત્યારે તેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું. પણ બધાની, કદાચ તેમની પોતાની છાવણીની પણ, અપેક્ષાબહાર ટ્રમ્પ પ્રમુખ બની ગયા. રમુજો વાસ્તવિકતા બની જાય, એ કેટલી મોટી કરુણતા છે, તેનો અહેસાસ ત્યારે (ટ્રમ્પના સંદર્ભે) પહેલી વાર થયો.

ત્યાર પછી એ કદી અટક્યો જ નથી. ટ્વિટર પર સત્તાવાર નિર્ણયો જાહેર કરતા અને રશિયનો સાથે સંપર્ક-સંબંધ જેવા, દેશહિતને સંડોવતા ગંભીર આરોપો છતાં ટ્રમ્પ જરાય મોળા પડવાનું નામ લેતા નથી.  તે પૂર્વગ્રહોને અભિપ્રાય કે વિશ્લેષણ ગણે છે અને તરંગોને ઉકેલ. વર્ષ ૨૦૧૬માં ચૂંટણીપ્રચાર દરમિયાન તેમનો એવો એક પૂર્વગ્રહ હતો કે મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ઘુસી આવતા લોકો ડ્રગ્સથી માંડીને બીજી ઘણી ગુનાખોરી આચરે છે. ઉપરાંત, મેક્સિકો સાથેના આર્થિક સંબંધોમાં અમેરિકાની વ્યાપારી ખાધ-ટ્રેડ ડૅફિસિટ ૫૮ અબજ ડૉલર છે. (મેક્સિકો અમેરિકામાંથી જેટલી ખરીદી કરે છે, તેનાં કરતાં અમેરિકાની મેક્સિકોમાંથી ખરીદી ૫૮ અબજ ડૉલર જેટલી વધારે છે. ) જો અમેરિકા-મૅક્સિકોની સરહદે એક ઊંચી દીવાલ બાંધી દેવામાં આવે, તો આ બધી સમસ્યાઓનો અંત આવી જશે.

ચૂંટણીપ્રચારના તબક્કે અહંકારી અને બેફામ માણસના તરંગ તરીકે હસી કઢાયેલી સરહદી દીવાલ હવે અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા 'શટ ડાઉન'નું કારણ બની છે.  અમેરિકાની સંસદમાં સરકારી ખર્ચનું અંદાજપત્ર પસાર ન થાય, એટલે સરકાર તે પ્રમાણે રકમ ખર્ચી ન શકે. પરિણામે સરકારી સેવાઓ પર અસર થાય. ઘણી સેવાઓમાં કર્મચારીઓને કપાતા પગારે રજા પર ઉતારી દેવા પડે અથવા થોડો સમય પગાર વિના કામ કરવાનો વારો આવે. એ સ્થિતિ 'શટ ડાઉન' તરીકે ઓળખાય છે. બંને પક્ષો વચ્ચે સમાધાન ન થાય અને નવું અંદાજપત્ર પસાર ન થઈ જાય, ત્યાં લગી શટ ડાઉન ચાલુ રહે.

ટ્રમ્પે મેક્સિકોની સરહદે દીવાલનું કામ આગળ વધારવા માટે સંસદ પાસે પાંચ અબજ ડૉલરનું ભંડોળ માગ્યું. સાંસદોએ એટલી મોટી રકમ દીવાલ માટે આપવાની ના પાડી. વચલા રસ્તે તરીકે બંને પક્ષના સભ્યોએ ૧.૬ અબજ ડૉલરની રકમ આપવાનું (બાળવાનું) કબૂલ્યું, પણ ટ્રમ્પને આવા 'ટુકડા'માં રસ ન હતો. તેમને પાંચ અબજ ડૉલર અંકે પૂરા ન મળે તો તે શટ ડાઉન માટે તૈયાર હતા. એટલું જ નહીં, એ શટ ડાઉન ગમે તેટલું લંબાય તો પણ તેમને પરવા નથી, એવું તેમણે કહ્યું. એ રીતે, ૨૨ ડિસેમ્બર, ૨૦૧૮થી શટ ડાઉનની શરૂઆત થઈ.

શરૂઆતમાં ઘણાને લાગતું હતું કે ટ્રમ્પ વચલો રસ્તો સ્વીકારીને ઝડપથી શટ ડાઉનનો અંત લાવશે. પરંતુ આ લખાય છે ત્યારે (૧૬ જાન્યુઆરી) શટ ડાઉન ચાલુ છે, તે અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા શટ ડાઉન (૨૧ દિવસ)નો રૅકોર્ડ ક્યારનો વટાવી ચૂક્યું છે અને કદાચ કદી ન તૂટે એવો રૅકોર્ડ સ્થાપે એવું લાગે છે.  એક અંદાજ પ્રમાણે, અત્યાર સુધીમાં આઠેક લાખ સરકારી કર્મચારીઓને તેની માઠી અસર તરીકે વગર પગારે કામ કરવાનું કે કપાતા પગારે રજાઓ લેવાનું આવ્યું છે.

આ બધું એક એવી દીવાલ માટે, જેની ઠેકડી ઉડાડવામાં ટીવીના કૉમેડી શોવાળાથી માંડીને બીજા અનેક લોકોએ કશું બાકી રાખ્યું ન હતું. લોકપ્રિય રજૂઆતકર્તા John Oliver/ જૉન ઑલિવરે ૨૦૧૬માં તેમનો એક શો ટ્રમ્પની સૂચિત દીવાલ વિશે કર્યો હતો. ત્યારે ટ્રમ્પ પ્રમુખપદના ઉમેદવાર હતા. જૉન ઑલિવરે ટ્રમ્પનાં જુદાં જુદાં ભાષણોના ટુકડા ભેગા કરીને દર્શાવ્યું હતું કે ટ્રમ્પના મનમાં દીવાલનો કેટલો ખર્ચ થશે, તેનો કોઈ ખ્યાલ જ નથી. ટ્રમ્પે ચાર અબજ ડૉલરથી શરૂઆત કરી હતી અને છેલ્લે દસ-બાર અબજ ડૉલરના અંદાજે પહોંચ્યા હતા. એ વિશે માર્મિક ટીપ્પણી કરતાં જૉને કહ્યું હતું કે ટ્રમ્પના અંદાજનો ગાળો (આઠ અબજ ડૉલર) એકાદ નાનકડા દેશના વાર્ષિક જીડીપી જેટલો છે.

ગમ્મતની સાથોસાથ ગંભીર આંકડા માંડીને જૉને દર્શાવ્યું હતું કે ઓછામાં ઓછી ઊંચાઈ (૩૫ ફીટ) પકડીને ચાલીએ અને ટ્રમ્પે કહ્યું હતું તેમ, એ દીવાલ કૉન્ક્રીટ પૅનલ તથા સ્ટીલ કોલમની બનવાની હોય, તો હજાર માઇલની આખી દીવાલ પાછળ નાખી દેતાં ૨૫ અબજ ડૉલરનો ખર્ચ થાય. ત્યાર પછી આવતો તેની જાળવણીનો અધધ ખર્ચ તો અલગ. ધારો કે આટલા ડૉલર બાળ્યા ને દીવાલ કરી, તો પણ ટ્રમ્પ જે સમસ્યાઓની વાત કરે છે તે ઉકલવાની નથી, એ પણ જૉન ઑલિવરે હસતાંહસાવતાં ગંભીર હકીકતો સાથે બતાવી આપ્યું હતું. સરવાળે દીવાલને તેમણે 'બિગ ડમ્બ થિંગ' (મોંમાથા વગરનું તરકટી તોસ્તાન) અને 'ઇમ્પૉસિબલ, ઇમ્પ્રેક્ટિકલ સિમ્બૉલ ઑફ ફીઅર' (ભયના અસંભવિત, અવ્યવહારુ પ્રતીક) જેવી ગણાવી હતી. અને હવે એ જ દીવાલ માટે ટ્રમ્પ ચાર અઠવાડિયાંથી અમેરિકાને શટ ડાઉન કરીને બેસી ગયા છે.

ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પ કહેતા હતા કે દીવાલનો અઢળક ખર્ચ મૅક્સિકોની સરકાર આપશે. પણ મૅક્સિકોના વર્તમાન તથા ભૂતપૂર્વ વડાઓએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે આવી વસ્તુ માટે અમે શા માટે નાણાં આપીએ? બે વર્ષ પહેલાં ટ્રમ્પે દીવાલ બાંધવાની વાત કરી ત્યારે કૅલિફૉર્નિયાના એક સાંસદે મશ્કરીમાં કહ્યું હતું કે 'રશિયા તેના માટે નાણાં આપતું હોય તો હું દીવાલની કામગીરીને ટેકો આપું.’ ૨૦૧૮ના ફુટબૉલ વર્લ્ડકપમાં જર્મની વિરુદ્ધ મૅક્સિકોની મૅચના દિવસે જર્મનીના એક અખબારે પહેલા પાને ગોલ પોસ્ટની જગ્યાએ દીવાલ બતાવીને તેની આગળ જર્મન ગોલકીપર ઊભો હોય એવો ફોટો મુક્યો અને રમુજ કરતાં લખ્યું, ‘સૉરી મૅક્સિકો, આજે અમે દીવાલ બાંધીશું.’ એટલે કે તમારો ગોલ થવા નહીં દઈએ. (જોકે, એ મેચમાં જર્મની ૦-૧થી હારી ગયું.)

ટ્રમ્પ ચૂંટણીપ્રચાર વખતે દીવાલનો વાયદો કરતા હતા, ત્યારે સૌને ઊંડે ઊંડે એવું આશ્વાસન હતું કે બે ઘડી ફિરકી ઉતારવા માટે ઠીક છે, બાકી આવા તરંગી વિચારનો અમલ ક્યાં થવાનો છે? પણ ટ્રમ્પે તેના અમલ માટે ગંભીરતા દાખવી અને અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબું શટ ડાઉન ચલાવીને દર્શાવી આપ્યું છે કે ગમે તેવા તુક્કાને હસી કાઢવાનો જમાનો નથી રહ્યો. કોને ખબર? એ તીર બનીને કોને કોને ક્યાં ક્યાં ઘાયલ કરી નાખે. 

Monday, June 04, 2018

અંતિમવાદની ટીકા, પ્રસિદ્ધિનો પ્રાણવાયુ

(નવાજૂની, સંસ્કાર પૂર્તિ, 'સંદેશ', ૩-૬-૧૮)

કેટલાંક સત્યો દરેક જમાને નવેસરથી 'શોધાતાં' રહે છે. લોખંડી મહિલા તરીકે ઓળખાતાં બ્રિટનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થૅચરે કહ્યું હતું કે ત્રાસવાદ અને ત્રાસવાદીઓ માટે પ્રસિદ્ધિ પ્રાણવાયુનું કામ કરે છે.  તેમને ખતમ કરવા હોય તો તેમને પ્રસિદ્ધિના પ્રાણવાયુથી વંચિત રાખવા જોઈએ.  તેમનો વિરોધ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ભલે શત્રુભાવે, પણ આપણે જ તેમને મોટા ન બનાવી દઈએ. ભૂતકાળમાં દાઉદ જેવા ગેંગસ્ટર-ત્રાસવાદીઓના કિસ્સામાં એ બોધપાઠ મુંબઈના લોકોને, ખાસ કરીને પત્રકારોને મળી ગયો હશે. મુંબઈના ભાઈલોગ કેવા ખતરનાક, તેનાં આલેખનો કર્યે રાખવાથી ગુંડાઓને પ્રસિદ્ધિ મળે છે અને તેમનું કદ વધી જાય છે. (હિંદી ફિલ્મોએ હજુ એ બોધપાઠ શીખવાનો બાકી છે)

અનિષ્ટ બાબતોને પ્રસિદ્ધિનો ઑક્સિજન પૂરો પાડવાનું કેટલું જોખમી છે, તે ગયા મહિને વધુ એક અભ્યાસમાં સ્પષ્ટ થયું. અમેરિકાની ‘ડેટા અૅન્ડ સોસાયટી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ અંતર્ગત વ્હિટની ફિલિપ્સે પ્રગટ કરેલા અભ્યાસનું મથાળું છે : ‘ધ ઑક્સિજન ઑફ અૅમ્પ્લિફિકેશન’. એક વાતને ગાઈવગાડીને રજૂ કરવામાં આવે, તેને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે એટલે કે અૅમ્પ્લિફાય કરવામાં આવે, તો તેની અવળી અસર થાય છે.  અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી અને તેમાં સોશ્યલ મિડીયાએ ભજવેલી ભૂમિકા પછી સમાજનો નોંધપાત્ર વર્ગ આઘાત ઉપરાંત અભ્યાસ અને આત્મખોજ પણ કરી રહ્યો છે. હજુ દસ વર્ષ પહેલાં અમેરિકામાં જમણેરી અંતિમવાદીઓ 'ટી પાર્ટી’ તરીકે ઓળખાતા હતા. તેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું અને અચાનક એવું તે શું બન્યું કે તે મુખ્ય ધારાની ચર્ચાનો હિસ્સો બની ગયા?

આ સવાલ ફક્ત અમેરિકા માટે જ નહીં, ભારત સહિતના બધા દેશો માટે અગત્યનો છે. કારણ કે વિશ્વભરમાં જુદાં જુદાં કારણે જમણેરી અંતિમવાદ છવાયો છે. તેનો મુકાબલો શી રીતે કરવો અને તેના વિશે લખતી વખતે શું ધ્યાન રાખવું, એવી ઘણી બાબતોની ચાવી વ્હિટનીના અભ્યાસમાં છુપાયેલી છે. તેમાં કશું રૉકેટ સાયન્સ નથી. સામાન્ય સમજની વાત છે. છતાં, જુદી જુદી મુલાકાતો અને પદ્ધતિસરના અભ્યાસ પછી એ વાત કહેવાય, ત્યારે તેનું મહત્ત્વ અને માહત્મ્ય વધે છે.

અભ્યાસનો એક સાર છેઃ કોઈ ધીક્કારપ્રેરક અફવાની કે મામુલી મહત્ત્વ ધરાવતા વિવાદાસ્પદ પગલાની વધુ પડતી ટીકા કરવાથી અવળું પરિણામ આવી શકે છે. બલકે, અમેરિકામાં અને ભારતમાં પણ ઘણા કિસ્સામાં એવાં પરિણામ સામે આવ્યાં છે. (એ જુદી વાત છે કે નેતાઓ તેને આફતને અવસરમાં પલટી નાખવાની કળા તરીકે ખપાવીને, તેને પોતાની આવડત તરીકે ખપાવે છે.) આ જાણ્યા પછી એવો વિચાર સહજ આવે કે ઝેરીલા પ્રચાર અને અમુક પ્રકારની અફવાઓનું ખંડન કરવું જરૂરી ન ગણાય? તેમના વિશે જાણ્યા પછી તેમની સામે આંખ આડા કાન કેવી રીતે કરી શકાય? એ શાહમૃગવૃત્તિ ન ગણાય?

જવાબ છેઃ ના, બધા કિસ્સામાં આ તર્ક સાચો નથી. સોશ્યલ મિડીયાના જમાનામાં અને અમેરિકા-ભારત જેવા દેશોના અનુભવથી કહી શકાય કે ઘણા કિસ્સામાં સાવ ખૂણેખાંચરેથી શરૂ થયેલું 'પડીકું' અમુક જ ગ્રુપના લોકો થોડું આગળ વધારે અને જો તેને કોઈ જાણીતા પત્રકાર કે સમાચારસંસ્થાનો  સ્પર્શ થઈ જાય, તો તેમનું કામ થઈ ગયું.  તેના વિશે લખનારે ભલે એ અફવાના કે ખોટી માહિતીનાં-ફેક ન્યુઝનાં છોતરાં કાઢ્યાં હોય, પણ 'બદનામીમૈં ભી નામ હોતા હૈ’ એ ન્યાયે ખુલાસા કરતાં જૂઠાણું અનેક ગણું વધારે જાણીતું બની જાય. મર્યાદિત વર્તુળોમાંથી પેદા કરાયેલા જૂઠને તોડી પાડવાના આશયથી પણ તેને બીજા લોકો ચર્ચાનો વિષય બનાવે તો, સાચ વિરુદ્ધ જૂઠની એ મૅચમાં જૂઠ ધડાકાબંધ જીતી જાય છે. કારણ કે જૂઠને તો વકરો એટલો નફો છે, પ્રસિદ્ધિ એ જ પુરસ્કાર છે.

ઘણા પત્રકારો સાથેની વાતચીત પરથી વ્હિટનીને સમજાયું કે એ સૌનો આશય ઝેરી ગપગોળા કે ફેક ન્યૂઝનું ખંડન કરવાનો,  ટૂંકમાં, પવિત્ર હતો. પરંતુ તેનું પરિણામ વિપરીત આવ્યું. તેમણે ન ઉપાડી હોત તો કદાચ બાળમરણ પામી હોત એવી ઘણી અફવાઓ અને ફેક ન્યૂઝની સ્ટોરી ખંડન પામ્યા પછી વધારે ચર્ચાતી થઈ, પ્રસિદ્ધ બની અને એકંદરે જાહેર ચર્ચાનો મોટો હિસ્સો પચાવી પાડનારી બની રહી. એ દરેક વખતે જૂઠાણાં ફેલાવનારા અંતિમવાદીઓના હાથ વધારે મજબૂત થયા અને એમ કરતાં જેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું એવા લોકો મુખ્ય ધારાનો હિસ્સો બન્યા.

તેનાથી બીજા છેડાની હકીકત એ પણ છે કે ઘણા લોકો ઇન્ટરનેટ પર ચાલતા ઝનૂની, હિંસક કે પહેલી દૃષ્ટિએ અવાસ્તવિક-ચક્રમ જેવા લાગતા પ્રચારને અવગણવાની ભૂલ કરે છે. તેમાં રહેલો ખતરો તે સમજી શકતા નથી. જેમ કે, અમેરિકામાં ધોળા લોકોની જ બોલબાલા રહેવી જોઈએ, એવો  છડેચોક પ્રચાર કરતાં વ્હાઇટ સુપ્રીમસિસ્ટ જૂથો. શરૂઆતમાં તેમને અવગણવામાં આવ્યાં. ઘણા પત્રકારો ત્યારે તેમની ઠેકડી કરતા હતા.  અને તેમની ગંભીરતાથી નોંધ લેવાતી થઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

સવાલ એ થાય કે જૂઠાણાં કે ધીક્કારની અવગણના કરવામાં જોખમ ને તેમને અપ્રમાણસરનો ભાવ આપવામાં પણ ખતરો. તો પછી કરવું શું? એ અંગે અભ્યાસમાં કેટલાંક સૂચન કરવામાં આવ્યાં છે. તેમાનું એક છેઃ જૂઠાણાનું મહત્ત્વ નક્કી કરવું. તેનું ખંડન કરવા જેટલું અગત્યનું એ છે? કે પછી કંઈ નહીં કરીએ તો તે આપમેળે ભૂલાઈ જશે? અંતિમવાદ કે ધીક્કાર ફેલાવતી નાનામાં નાની, મામુલીમાં મામુલી બાબતનો એકસરખા ઉત્સાહ કે જોશથી પ્રતિકાર કરવાની જરૂર નથી. એમ કરવાથી જાણેઅજાણે તેમને સમાચારમાં ચમકવાનો મોકો મળી જાય છે. યાદ કરી જોજોઃ નજીકના ભૂતકાળમાં ચગેલા ઘણા વિવાદ જેની સાથે કશું જાહેર હિત સંકળાયેલું ન હોય એવા હતા. પરંતુ ચોતરફ બ્રેકિંગ ન્યૂઝની કાતિલ હરીફાઈ ચાલતી હોય અને કોણ વધારે મસાલેદાર સ્ટોરી સૌથી પહેલી લઈ આવે તેની હુંસાતુંસી હોય, ત્યારે એટલું સમજાય છે કે વ્હિટની ફિલિપ્સનો અભ્યાસ નિદાન કરતાં વધારે પોસ્ટમોર્ટમ તરીકે ખપ લાગે એવો છે. 

Monday, September 04, 2017

રંગભેદગ્રસ્ત અમેરિકા અને 'હિંદુ રાષ્ટ્ર'

શ્રીલાલ શુક્લલિખિત વિખ્યાત હિંદી વ્યંગ નવલકથા રાગ 'દરબારી'માં, એક (ભ્રષ્ટ) પોલીસ પોતાનો દબદબો ખતમ થઈ ગયો એની વાત કરતાં, જીવનની સૌથી ખેદપૂર્ણ ઘટના વિશે કહે છે, 'એ તો આઝાદી મળી ગઈ એટલે. બાકી, ભલભલા મારી રાહ જોતા બેઠા હોત.’ હા, ભારતને આઝાદી મળી એ તેના જીવનની સૌથી ખેદપૂર્ણ ઘટના છે.

હિંદુ રાષ્ટ્ર અથવા હિંદુ સર્વોપરિતામાં રાજકીય શ્રદ્ધા ધરાવનારા ઘણા લોકોને મન અંગ્રેજોથી મળેલી આઝાદીનું એટલું મહત્ત્વ ન હતું, જેટલું હિંદુ રાષ્ટ્રની અને હિંદુ સર્વોપરિતાની સ્થાપનાનું હતું. ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર મૂકાયેલો પ્રતિબંધ શરતી ધોરણે હટાવવામાં આવ્યો, ત્યારે એક શરત એ હતી કે સંઘે દેશના બંધારણનો સ્વીકાર કરવો.  રાષ્ટ્રપ્રેમી કે રાષ્ટ્રવાદી હોવાનો દાવો કરતા ઘણા લોકો માટે રાષ્ટ્ર એટલે 'હિંદુ રાષ્ટ્ર', જેમાં ભૂતકાળની સત્યકથાઓ અને દંતકથાઓની જબરી સગવડીયા ભેળસેળ થયેલી હોય છે.

આ પ્રકારની લાગણી ધરાવનારા લોકો હિંદુઓમાં રહેલા આંતરિક ભેદભાવ વિશે કેવું વર્તન કરશે એ નક્કી નથી હોતું (અને ઘણાએ એ વિચારેલું પણ નથી હોતું). પરંતુ સરેરાશ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે તેમનો ખાનગી અથવા જાહેર અભિગમ વિરોધનો હોય છે--અને તેની માત્રા સાદા અભાવથી માંડીને હળહળતા ધીક્કાર સુધીની હોઈ શકે છે. આવી નકારાત્મક લાગણી પર તે હિંદુ ધર્મનો કે રાષ્ટ્રપ્રેમનો સોનેરી ઢોળ ચડાવવાનો પ્રયાસ કરે છે અને ઘણી વાર સફળ પણ થાય છે. ધીક્કારના બળતણથી ચાલતી તેમની ગાડીમાં સેવાનું અને શિસ્તનું ઑઇલ હોય છે ને વ્યક્તિગત સારપો પણ ખરી.  છતાં, વિચારધારા કે સંગઠનના મૂળભૂત પોતની વાત આવે ત્યારે બળતણ સૌથી પ્રભાવી બને છે.

આવી સ્થિતિ સિત્તેર વર્ષથી આઝાદ થયેલા ભારતમાં જ નહીં, દોઢસો વર્ષ થયે 'યુનાઇટેડ' થયેલા અમેરિકામાં પણ છે. ત્યાંનો ઇતિહાસ ધોળા લોકોએ કાળા લોકો પર ગુજારેલા ગુલામી પ્રથા સહિતના અમાનવીય અત્યાચારોનો છે.  ત્યાં હજુ પણ એવી કેટલીક ધોળી પ્રજા છે, જેમને ગુલામી પ્રથા કે રંગભેદ સત્તાવાર રીતે નાબૂદ થયાં એ કદાચ અમેરિકાના ઇતિહાસની સૌથી ખેદપૂર્ણ ઘટના લાગે છે.  ગુલામીના ઇતિહાસથી તેમને શરમ નથી કે ગુલામીની તરફેણ કરનારા ભૂતકાળના 'હીરો’ સામે તેમને વાંધો નથી. કાળા અને હકીકતમાં ધોળા સિવાયના બધા લોકો તેમને દેશના દુશ્મન અથવા 'માપમાં રાખવા જેવા' લાગે છે. પોતાના વિશે તેમનો ખ્યાલ 'રાષ્ટ્રવાદી' હોવાનો છે, પણ બીજા લોકો તેમને વ્હાઈટ સુપ્રીમસિસ્ટ્સ (ધોળા લોકોની સર્વોપરિતામાં માનનારા), વ્હાઈટ નેશનલિસ્ટ્સ (ધોળા રાષ્ટ્રવાદીઓ), નીઓ- નાઝી (નવેસરથી અસ્તિત્વમાં આવેલા હિટલરશાઈ વિચારધારાના સમર્થકો) જેવાં વિશેષણોથી ઓળખે છે. તેમના માટે પહેલાં ટીકાભાવથી અને હવે સ્વીકૃત રીતે વપરાતો શબ્દપ્રયોગ છેઃ 'ઑલ્ટ રાઈટ'.

અમેરિકાના ઇતિહાસમાં 'કુ ક્લક્સ ક્લાન' જેવાં ધોળા લોકોનાં હિંસક અને રંગદ્વેષી સંગઠનનો પણ લોહીયાળ ઇતિહાસ છે. એ સંગઠન ફરી વખત અંશતઃ સક્રિય થયું હોવાના અને અમુક પ્રકારની હિંસા કે દેખાવો તેના દ્વારા થતા હોવાનું પણ કહેવાય છે. આવી વિચારધારા ધરાવનારા માને છે કે અમેરિકા પર ધોળા લોકોનો પહેલો અધિકાર છે અને સામાજિક સમાનતા કે સામાજિક ન્યાયના નામે ધોળા લોકોને તેમના એ 'અધિકાર'થી વંચિત રાખવામાં આવે છે. એટલે કે, ધોળા લોકોને 'અન્યાય' થઈ રહ્યો છે.

અમેરિકા મૂળ તો રેડ ઇન્ડિયન આદિવાસીઓનું હતું. યુરોપીઅનોએ તેમનો ખાતમો કર્યો ને અંગ્રેજોએ (ભારતની જેમ) અમેરિકાને પોતાનું સંસ્થાન બનાવ્યું. આઝાદીની લડત પછી અંગ્રેજોને તો તેમણે ઘરભેગા કર્યા, પણ અંદરોઅંદરની અસમાનતા અને ગુલામીપ્રથા ચાલુ રહી. આ ખેંચતાણ છેવટે લોહીયાળ ગૃહયુદ્ધમાં પરિણમી. ગુલામીપ્રથાના વિરોધી અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા પછી દક્ષિણ અમેરિકાનાં ગુલામીસમર્થક સાત રાજ્યોએ ઉત્તર અમેરિકાનાં 'યુનિઅન’ તરીકે ઓળખાતા રાજ્યસંઘથી છેડો ફાડી નાખ્યો અને 'કન્ફૅડરેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા'ની સ્થાપના કરી. આગળ જતાં બીજાં ચાર રાજ્યો પણ તેમાં જોડાયા અને તે અગીયાર રાજ્યોનો સંઘ (કન્ફૅડરેશન) બન્યો. ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે ચાર વર્ષ લડાઈ ચાલી. તેનો મુખ્ય મુદ્દો ગુલામી અને ધોળા લોકોની સર્વોપરિતા ચાલુ રાખવી કે નહીં એ હતો. છેવટે દક્ષિણનાં ગુલામીતરફી રાજ્યોની હાર થઈ.

જૂનાં ગુલામીતરફી રાજ્યો દોઢસો વર્ષથી અમેરિકાનો ભાગ છે, પરંતુ હજુ ત્યાં ધોળા લોકોની સર્વોપરિતાનો ખ્યાલ કેટલાક લોકોને વહાલો લાગે છે. ત્યાં ઠેકઠેકાણે ગુલામીતરફી લડવૈયાઓનાં સ્મારક અને પૂતળાં પણ છે. દક્ષિણનાં અગીયાર પૈકી એક વર્જિનિયા રાજ્યના શાર્લોટ્સવિલમાં એક પૂતળું ગુલામીતરફી સૈન્યના સેનાપતિ રૉબર્ટ લીનું હતું. તેને સ્થાનિક લોકોએ લોકશાહી ઢબે બહુમતીથી ઠરાવ કરીને પાડી નાખ્યું. (આવાં પૂતળાંનું શું કરવું તેની સત્તા સ્થાનિક લોકપ્રતિનિધિઓને આપવામાં આવી છે.)

બીજી તરફ 'અમેરિકાને ફરી મહાન' બનાવવા વિશે ટ્રમ્પની સંકુચિત, સ્વાર્થી, દ્વેષ અને રંગભેદયુક્ત 'સમજ'ને કારણે રંગભેદગ્રસ્ત ધોળા લોકોને પોતાનું રાજ આવી ગયું હોય એવું લાગ્યું હતું. એમાં રંગભેદના વિરોધીઓ રૉબર્ટ લીનું પુતળું હટાવી દે તે કેમ ચાલે? એટલે ઑલ્ટ રાઇટ ('ધોળા રાષ્ટ્રવાદી') જૂથે 12 ઑગસ્ટના રોજ શાર્લોટ્સવિલમાં 'યુનાઇટ ધ રાઈટ' (જમણેરીઓ, એક થાવ) રેલી કાઢી. રંગભેદના વિરોધી લોકોએ પણ સામે રેલી કાઢી. તેમાં એક ડ્રાઇવરે રંગભેદવિરોધી લોકોની રેલીમાં પૂરપાટ ગાડી ચડાવી દીધી. આ હુમલામાં એકનું મૃત્યુ થયું અને બીજા ઘણાં ઘાયલ થયાં.

આ ઘટના વિશે ટ્રમ્પે પહેલાં ઘટનાની વિગતમાં ગયા વિના સામાન્ય ખેદ પ્રગટ કર્યો, પણ બે દિવસ પછી તે 'ઑલ્ટ રાઇટ'ના બચાવમાં ઉતરી પડ્યા. આવાં (ગુલામીતરફી યોદ્ધાનાં) પૂતળાં દૂર કરવાની પ્રવૃત્તિને તેમણે ઇતિહાસ ભૂંસવા બરાબર ગણાવી અને કાલે ઉઠીને બીજા મહાન નેતાઓનાં પૂતળાંનું પણ આવું થશે, એવો ટોણો માર્યો.

ભારતના-ભાજપના રાજકારણની યાદ આવે એ રીતે તેમણે, હિંસા બદલ બન્ને પક્ષોને સરખા જવાબદાર ઠેરવ્યા. હિંસક-ભેદભાવયુક્ત વિચારધારાનો પ્રચાર કરનારા અને તેમનો વિરોધ કરનારા--એ બન્નેને સામસામા પલ્લામાં મૂકી દેવાથી  ન્યાયનું ત્રાજવું સરભર થઈ ગયું, એવો દાવો ભારતમાં પણ થાય છે. કોમવાદનો વિરોધ કરનારા સૌને પહેલાં સ્યુડો-સૅક્યુલર અને હવે તો ફક્ત સૅક્યુલર કહી દેવામાં આવે એટલે થયું. સત્તાધીશો જમણેરી વિચારધારા ધરાવતા હોય અને આત્યંતિકતાને છૂપો કે પ્રગટ ટેકો આપતા હોય, ત્યારે કોમવાદનો વિરોધ કરનારા સામે એટલું ઝેર ઓકવામાં આવે છે, જાણે સૅક્યુલર લોકો જ બંદૂકો-તલવારો લઇને હિંસા કરતા હોય ને એ જ દલિતોને જાહેરમાં ફટકા મારતા હોય ને ગાયના રક્ષણના દાવા કરીને હત્યાઓ કરતા હોય.

અમેરિકામાં 'ઑલ્ટ લેફ્ટ' જેવા લેબલ દ્વારા કટ્ટરતાનો-રંગદ્વેષનો વિરોધ કરનાર બધાને (આપણા 'સેક્યુલર'ની જેમ) એક લાકડીએ હાંકવાની કોશિશ ચાલતી હોય એવું લાગે છે. ખરેખર તો ભારતે અમેરિકાના વ્યક્તિસ્વાતંત્ર્ય અને નાગરિકી જાગૃતિના રસ્તે જવાનું હતું, પણ અત્યારે અમેરિકા ભારતના રસ્તે હોય એવું લાગે છે. ફરક હોય તો અમેરિકાના જાગ્રત નાગરિકો અને પ્રસાર માધ્યમોના મોટા સમુહનો, જે (ભારતની જેમ) ભક્તિ કે શરણાગતિના ખાંચામાં ઢળી જાય એવું જણાતું નથી.
(23-8-17)

Wednesday, February 08, 2017

વીસમી સદીની વિચારધારાઓને અલવિદા

માનવ ઇતિહાસમાં સદીઓ સુધી લોકો ધાર્મિક, સામ્રાજ્યસંબંધિત કે મર્યાદિત પ્રાદેશિક ઓળખ ધરાવતા હતા. ભારતની વાત કરીએ તો, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો થકી જુદા જુદા પ્રજાસમુહો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ ઊભું થયું હતું, પણ તે જોડાણમાં રહેલી ભાવના રાષ્ટ્રભાવના કરતાં જુદી અને ધાર્મિક ભાવનાથી વધારે નજીક હતી.  ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં પણ ભૌગોલિક એકતા અને તેની વફાદારીને બદલે ધાર્મિક ઓળખની અને તેના આધારિત એકતાની બોલબાલા હતી.

અઢારમી સદીથી યુરોપમાં રાષ્ટ્રનું ભૌગોલિક એકમ, તેના પ્રત્યેની વફાદારી-ભક્તિ અને અંગત હિત કરતાં રાષ્ટ્રહિતને ચડિયાતું ગણવાનો આદર્શ પેદા થયાં. યુરોપનો રાષ્ટ્રવાદ (નેશનલિઝમ) 19મી-20૨૦મી સદીમાં એશિયામાં પણ આવ્યો. કવિઓ-લેખકો-આગેવાનોએ તેને અપનાવ્યો, એટલું જ નહીં, તેને ભૂતકાળના ઇતિહાસમાં લાગુ પાડ્યો. એટલે કે ભૂતકાળના ઇતિહાસને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના વર્તમાન માળખામાં બેસાડીને રજૂ કર્યો.  ગુલામીની બેડીમાં જકડાયેલા દેશોના થોડા લોકોને રાષ્ટ્ર માટે ન્યોચ્છાવર થવામાં જીવનની સાર્થકતા જણાવા લાગી.

રાષ્ટ્રવાદની આ લાગણીમાં બીજી વિચારધારાઓ પાંગરવા માટે પ્રતિકૂળતા નહીં, બલ્કે ઘણી વાર અનુકૂળતા હતી.  માટે, વીસમી સદીમાં જોવા મળેલી સામ્યવાદ, ફાસીવાદ, નાઝીવાદ, ગાંધીવાદ, સમાજવાદ જેવી અનેક વિચારધારાઓ કે રાજકીય વાદો રાષ્ટ્રવાદના છત્ર નીચે પાંગરી. તેમાંથી કેટલાકે રાષ્ટ્રવાદને વિકૃતિ સ્વરૂપ આપવામાં-તેને બદનામ કરવામાં મોટો ફાળો આપ્યો. જેમ કે, લાખો યહુદીઓની ઠંડા કલેજે હત્યા કરનારા હિટલરનો નાઝીવાદ એ વખતે જર્મનીના બહુમતી લોકોના  રાષ્ટ્રવાદને પૂરક હતો.

વીસમી સદીના બીજા દાયકામાં રશિયાની ઝારશાહીને લોહીયાળ ક્રાંતિ દ્વારા દૂર કરીને રશિયામાં સામ્યવાદ સ્થપાયો. તેણે વીસમી સદીના મોટા હિસ્સા પર અને દુનિયાના ઘણા દેશો પર પોતાની અસર પાડી. વીસમી સદીના અંતભાગમાં સોવિયેત રશિયાના વિઘટનથી સામ્યવાદનાં વળતાં પાણી થયાં. ત્યાર પહેલાં ચીન સામ્યવાદ અને મૂડીવાદના વિચિત્ર મિશ્રણ જેવું આર્થિક-રાજકીય મોડેલ અપનાવી ચૂક્યું હતું, જેમાં એક જ પક્ષ (સામ્યવાદી પક્ષ) પાસે સત્તા હોય. ચીની સરકાર રશિયાના સામ્યવાદની જેમ લોખંડી સકંજો ધરાવતી હતી અને મૂડીવાદી કંપનીઓની જેમ ધંધાદારી હતી. સામ્યવાદીઓની સરખામણીમાં સમાજવાદીઓ આત્યંતિકતાથી દૂર અને મિજાજની રીતે વધારે લોકશાહીવાદી હતા. પણ તેમને તોડફોડ-હિંસાનો બાધ ન હતો. તે રાજ્યના હાથમાં બધી મિલકત રહે તેને બદલે, મિલકતની સમાન ધોરણે ફેરવહેંચણી થાય તેમાં માનતા હતા.

ભારતમાં ગાંધીજીએ બધા વાદોથી અલગ પોતાનો ચીલો ચાતર્યો.  તેમના અનુયાયીઓએ તેને ‘ગાંધીવાદ’ નામ આપ્યું. વર્તમાન ભારત સરકારે જેમ સ્વચ્છતા જેવી નિર્દોષ બાબતને ગાંધીવાદ તરીકે ખપાવી દીધી છે, તેમ જૂના વખતના ઘણા ગાંધીવાદી આગેવાનોએ દંભી સાદગી, ખાદીનો દુરાગ્રહ અને દંભી બ્રહ્મચર્યને ગાંધીવાદનો પર્યાય બનાવી દીધા.  સ્વાવલંબન, તેમાંથી પેદા થતી રોજગારી,  તેમાંથી નીપજતું ગ્રામસ્વરાજ, ગામડાંને જ્ઞાતિવાદથી ખદબદતાં બનાવતી અસ્પૃશ્યતાનો વિરોધ, હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર, સાધનશુદ્ધિ, જાહેર જીવનમાં મહિલાઓની સક્રિય સામેલગીરી...આ બધાં ગાંધીજીનાં--અથવા કહો કે, ગાધીવાદનાં-- પ્રમુખ લક્ષણ ગણાય. પરંતુ એવા ગાંધીવાદના લેવાલ ઓછા જ રહ્યા--અને એ પણ સરકારી સ્તરે તો નહીં જ.

મૂડીવાદી ગણાતા અમેરિકામાં રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ પરિબળો વચ્ચેનો સંઘર્ષ મુખ્ય રહ્યો. બે રાજકીય પક્ષો પણ એ આધારે વહેંચાયેલા રહ્યા. જેમ કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી(GOP) તરીકે ઓળખાતા રીપબ્લિકન પાર્ટીના સરેરશ સભ્યો સજાતીય લગ્નો, ગ્લોબલ વોર્મિંગ, ઉત્ક્રાંતિવાદ વગેરેનો વિરોધ કરતાં હોય, જ્યારે સરેરાશ ડેમોક્રેટ્સનો આ બાબતો પ્રત્યેનો અભિગમ નવા જમાના પ્રમાણેનો હોય. રૂઢિચુસ્તોમાં પણ વળી જે એકદમ આત્યંતિક હોય તેવું જૂથ દસેક વર્ષ પહેલાં ‘ટી પાર્ટી’ તરીકે ઓળખાતું હતું. આ ‘ટી પાર્ટી’ના મુખિયા હોઈ શકે એવા ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક તો ઠીક, રીપબ્લિકન પક્ષના હરીફોને પણ મહાત કરીને, અમેરિકાનું પ્રમુખપદું મેળવી લીધું. તેમનો દાવો છે કે તે ‘અમેરિકા ફર્સ્ટ’માં માને છે.  આ અભિવ્યક્તિ મૂડીવાદ-મુક્ત બજાર સાથે સુસંગત હોય કે ન હોય, તેની ટ્રમ્પને પરવા નથી.  આખરે વાદ પ્રમાણે દેશ ચાલતો નથી, દેશ પ્રમાણે વાદ ઊભા થાય છેે.

ભારતમાં જવાહરલાલ નહેરુએ અમેરિકાને બદલે રશિયાનું આર્થિક મોડેલ અપનાવ્યું. પોતાના સમાજવાદી-આદર્શવાદી ખયાલોને કારણે, ૧૯૩૦ના દાયકાથી કોંગ્રેસમાં અલગ ચોકો ધરાવતો થયેલો સમાજવાદ નહેરુના જમાનામાં ચરમસીમાએ પહોંચ્યો. હિંદી પટ્ટાના ઘણા વર્તમાન નેતાઓ લોહિયા-જયપ્રકાશ જેવા સમાજવાદી નેતાઓનાં આંદોલનોની નીપજ છે. પરંતુ તેમને સમાજવાદના હાર્દ કે તેના સિદ્ધાંત સાથે એટલી જ લેવાદેવા છે, જેટલી (પેલા પ્રખ્યાત અવતરણ પ્રમાણે) માછલીને સાયકલ સાથે હોય. ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રસ્થાને ગાંધીજી રહ્યા અને તેમના અનુયાયીઓએ સરકાર બનાવી, છતાં સત્તાવાર ઢબે ભારતને ગાંધીવાદ સાથે--તેનાં મૂળભૂત તત્ત્વો સાથે કશી લેવાદેવા ન રહી. પંડિત નેહરુએ સોવિયેત આર્થિક મોડેલ પ્રમાણે દેશને દોર્યો. તેમાં જાહેર સાહસો તરીકે ઓળખાતી મોટી કંપનીઓ સરકારની માલિકીની રહી અને ખાનગી ઉદ્યોગોને-મુક્ત બજારને-સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું નહીં. ઇંદિરા ગાંધીએ જૂની આર્થિક નીતિઓ અને સમાજવાદનો દંભી અમલ આગળ વધાર્યાં.

સોવિયેત રશિયાના વિઘટન પછી સામ્યવાદની ખોખલી દીવાદાંડી આખરે ધ્વસ્ત થઈ.  ભારતને આર્થિક ઉદારીકરણ માટે અર્થતંત્રના ભીડાયેલા દરવાજા ખોલવાની ફરજ પડી. સામ્યવાદના પતન પછી અમેરિકાના મોડેલની સર્વોપરિતા સ્થાપિત થયાનું ગણી લેવાયું. પરંતુ એક-દોઢ દાયકામાં અમેરિકાનું મોડેલ પણ પડી ભાંગ્યું. 2008ની મંદી અને પરદેશની ભૂમિ પર આક્રમણો કરીને વહોરેલી દેવાદારીને લીધે અમેરિકાનો સુપરપાવર વૈશ્વિક સ્તરે નબળો બન્યો. મુક્ત બજારમાં ગુણવત્તા અને ભાવની સ્પર્ધાથી સૌ સારાં વાનાં થશે, એવી મુક્ત બજારવાદીઓની આશા ફળી નથી.

આર્થિક અસમાનતામાં થતો વધારો--અને આઇ.ટી.ની શોધો પછી, મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વધતી જતી બેરોજગારી, એ બધી વિચારધારાઓને વળોટીને સામે આવી ઊભેલા સવાલ છે. તેના જવાબમાં ફરી કટ્ટર રાષ્ટ્રવાદ, પ્રોટેક્શનિઝમ (ખુલ્લાપણાના ભોગે દેશનાં આર્થિક હિતોના રક્ષણનો દાવો) અને બધી સમસ્યાઓનો ટોપલો એકાદ પરાયા જનસમુહ (‘ધ અધર’)ના માથે ઢોળવાની બોલબાલા ભારત-અમેરિકા જેવી લોકશાહીમાં પણ વધી રહી છે. આ વિશ્વવ્યવસ્થામાં વીસમી સદીના વાદો હવે દેખાડાપૂરતા પણ ઉપયોગી રહ્યા નથી અને અઢારમી સદીના યુરોપનો રાષ્ટ્રવાદ એકવીસમી સદીના મંચ પર ફરી મુખ્ય ભૂમિકામાં આવ્યો છે.

Tuesday, January 31, 2017

લોકો દ્વારા, લોકો સામે, લોકોના લમણે

અમેરિકા ફર્સ્ટ’ અને ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’નાં સૂત્રો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા અને જીત્યા. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે ઘણી બાબતોમાં આત્યંતિક નિવેદન કર્યાં હતાં. પણ એ તેમની ખામીને બદલે ખાસિયત અને ‘ઇચ્છાશક્તિ’ ગણાઇ. તેમની જીત પછી એવો આશાવાદ હતો કે પ્રચાર વખતે ટ્રમ્પ ભલે ગમે તેવું બોલ્યા હોય, પણ હવે તે ઠરેલ જણની જેમ વર્તશે. આખરે, હવે તે ઉછાંછળા અબજોપતિ નહીં, અમેરિકાના રાષ્ટ્રપતિ છે. પરંતુ ટ્રમ્પે પોતાના શાસનના પહેલા જ અઠવાડિયામાં તમામ નિરાશ્રિતો માટે ચાર મહિના સુધીની અને સાત મુસ્લિમ દેશોના લોકો માટે ત્રણ મહિનાની કામચલાઉ પ્રવેશબંધી ફરમાવી. સિરીયાના નિરાશ્રિતો માટેની પ્રવેશબંધી તો અચોક્કસ મુદત માટેની છે. એટલું જ નહીં, સાત મુસ્લિમ દેશોના અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા લોકોને પણ આકરી વ્યક્તિગત તાવણી પછી જ પ્રવેશ અપાશે.

દૂરનાં અને સાવ નજીકના ભૂતકાળનાં અપલક્ષણોને લીધે, અમેરિકાના પ્રમુખ બનેલા ટ્રમ્પ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન થયાં હતાં. હોલિવુડથી માંડીને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રસાર માધ્યમોએ ટ્રમ્પ સામે ચેતવણીના સૂર કાઢ્‌યા. એ વખતે ઘણાને આ વિરોધ પૂર્વગ્રહયુક્ત અને વધુ પડતો લાગ્યો હતો. પરંતુ પહેલા જ અઠવાડિયે ટ્રમ્પે પ્રવેશબંધીનો ફતવો કાઢીને તેમના વિશેની આશંકા સેવનારાને સાચા ઠરાવ્યા છે. પ્રવેશબંધીના હુકમ પછી અમેરિકાની ઓળખ જેવી આઇ.ટી. કંપનીઓ મેદાને પડી. ગુગલ-ફેસબુકથી માંડીને માઇક્રોસોફ્‌ટ જેવા જૂની કંપનીઓએ અમેરિકાની સરહદોનું રક્ષણ કરવાના પ્રમુખના ઇરાદાને આવકારીને, ઇમીગ્રન્ટ્‌સ--બીજા દેશોમાંથી આવતા લોકો-- પ્રત્યેના તેમના અવિશ્વાસની ખુલ્લેઆમ ટીકા કરી. માઇક્રોસોફ્‌ટના વડા સત્ય નાદેલા અને ગુગલના સુંદર પિચાઇ ભારતીય છે, એપલના સ્ટીવ જોબ્સના પિતા સિરીયાથી આવેલા શરણાર્થી હતા, ફેસબુકના માર્ક ઝકરબર્ગની પત્ની અને તેનો પિયરપક્ષ ‘બહારના’ છે...અને આ બધાએ કરેલી પ્રવેશબંધીની ટીકાનું કારણ અંગત નથી. 

‘આઇડીયા ઑફ ઇન્ડિયા’--ભારતનું હાર્દ ‘વિવિધતામાં એકતા’ છે, તો ‘આઇડીયા ઑફ અમેરિકા’ એટલે ‘મોકળાં મન, મોકળું મેદાન’ એવું કહી શકાય. ત્યાં માણસના ધર્મ, દેશ કે જાતિ નહીં, તેની આવડત અગત્યની છે અને તેના આધારે તેને પ્રગતિની તક મળે છે. આઇ.ટી. કંપનીઓને લાગે છે કે ટ્રમ્પના વટહુકમ થકી અમલી બનેલી સંકુચિતતા અમેરિકાના અર્થતંત્ર માટે અને સરવાળે ‘આઇડીયા ઑફ અમેરિકા’ માટે હાનિકારક બનશે. 

ટ્રમ્પે તત્કાળ અસરથી જારી કરેલા હુકમના પગલે અમેરિકાનાં એરપોર્ટ પર અંધાધૂંંધી વ્યાપી. સાત દેશોમાંથી સત્તાવાર રીતે આવેલા લોકોને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા ને તેમને વિમાનમાં પાછા ચઢાવી દેવાની તજવીજો થઈ. એરપોર્ટ પર અટવાયેલા લોકોમાં આઇ.ટી. કંપનીઓના કર્મચારીઓ પણ હતા. અટવાયેલા લોકોની મદદે કેટલાક વકીલો પહોંચ્યા, લોકોનાં ટોળાં ભેગાં થયાં અને મામલો અદાલતમાં ગયો. પ્રમુખનો એક્ઝીક્યુટીવ ઑર્ડર ગેરબંધારણીય ઠરાવીને તેને તત્કાળ રદબાતલ કરવાની સત્તા અદાલત પાસે ન હોય, પણ સ્થાનિક અદાલતોએ એટલી રાહત કરી આપી કે એરપોર્ટ પર અટકાવાયેલા લોકોને પાછા મોકલવામાં ન આવે.

ટ્રમ્પે બધા મુસ્લિમો માટે પ્રવેશબંધી ફરમાવી નથી એ સાચું છે. પરંતુ જે દેશોના લોકો માટે કામચલાઉ દરવાજા બંધ કરી દેવાયા છે, એે તમામ દેશ મુસ્લિમ બહુમતી ધરાવનારા છે. માટે, વૈશ્વિક સ્તરે ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા થઈ છે. એક આરોપ એવો પણ થયો છે કે પોતાનાં વ્યાપારી હિતો ધરાવતા મુસ્લિમ દેશોને ટ્રમ્પે આ યાદીમાંથી બાકાત રાખ્યા છે. અલબત્ત, વ્હાઇટ હાઉસના સત્તાવાર પ્રવક્તાએ (સાચું જ) કહ્યું છે કે ચૂંટણીપ્રચાર વખતે ટ્રમ્પ સતત આ પ્રકારનાં પગલાંની હિમાયત કરતા રહ્યા છે. માટે હવે તે પ્રમુખ તરીકે આ પગલું લે તો તેની નવાઇ ન લાગવી જોઇએ. 

પ્રવક્તાની વાતમાં વજૂદ છે. ટ્રમ્પ ચૂંટણીપ્રચારના અંદાજમાં નહીં, પણ ઠરેલ રીતે વર્તશે-- એવી આશા સેવનારા ખોટા પડેે, તેમાં ટ્રમ્પ શું કરે? પ્રવેશબંધી મુદ્દે કાનૂની જંગ ચાલશે. પણ કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય છે કે પ્રમુખની વિશાળ સત્તાઓ ધ્યાનમાં રાખતાં, ચુકાદો તેમની તરફેણમાં આવે એવી પૂરી સંભાવના છે. તેનો સીધો અર્થ એ થયો કે હવે ટ્રમ્પની લડાઇ તાત્ત્વિક અર્થમાં લોકશાહી મૂલ્યો સાથે રહેવાની છે. પુરાણકથાઓમાં તપ કરીને ભગવાન પાસેથી વરદાન માગીને, તેના જોરે દેવલોકનો કબજો જમાવી દેતા અસુરોની વાત આવતી હતી. અહીં ટ્રમ્પને કે બીજા કોઇને અસુર ગણવાની વાત નથી. પણ જે લોકશાહી વ્યવસ્થા થકી તે ચૂંટાયા, તે જ વ્યવસ્થાનાં મૂળભૂત મૂલ્યો પર હવે તેમના કારણે તલવાર લટકી રહી છે. અમેરિકામાં પ્રમુખે સેનેટ (સંસદ)ને જવાબ આપવા પડે ને તેમની મંજૂરીઓ મેળવવી પડે. છતાં, પ્રમુખ પાસે વિશાળ સત્તાઓ હોય છેે. લોકશાહી ઢબે ચૂંટાયા પછી ટ્રમ્પ આપખુદ નિર્ણયો લેવા માંડશે, તો ટ્રમ્પ કરતાં વધારે સવાલો તેમને આવી સત્તા આપનાર લોકશાહી માળખા વિશે ઊભા થશે. 

ભારતમાં અત્યાર લગી અમેરિકાની પ્રમુખશાહી વ્યવસ્થાને ઉત્તમ અને અપનાવવા જેવી ગણવામાં આવતી હતી. અનેક પક્ષોની ખિચડીથી ત્રાસેલા ભારતના ઘણા લોકોને ફક્ત બે જ પક્ષ હોય એવી લોકશાહી બહુ આકર્ષતી હતી. પરંતુ આ ચૂંટણી વખતે અમેરિકાની લોકશાહીની મર્યાદાઓ બરાબર ઉઘાડી પડી ગઇ છે. તેની સરખામણીમાં ભારતના વડાપ્રધાન સપાટાબંધ બહુમતીથી જીત્યા પછી પણ, આવો ઉઘાડેછોગ ભેદભાવપૂર્ણ નિર્ણય લઇ શકે એવું શક્ય બન્યું નથી. નોટબંધીનો નિર્ણય આકરો લાગે અને તેનો વિરોધ હોઇ જ શકે. પણ તે પ્રવેશબંધી જેવો ભેદભાવપૂર્ણ ન ગણાય. 

વારે ઘડીએ હદ ઓળંગતા જણાતા ન્યાયતંત્ર સાથે ભારત સરકારનો સંઘર્ષ ચાલુ છે. તેમને સામસામી છાવણી તરીકે ચીતરવાનું યોગ્ય નથી. પણ ચોક્કસ મુદ્દા પૂરતા તે વિરોધી છાવણીમાં હોય છે. ભારતની લોકશાહીનું માળખું એટલું મજબૂત છે કે તેમાં વડાપ્રધાને ટ્રમ્પગીરી કરતાં પહેલાં બીજાં અનેક બંધારણીય માળખાંને ખોખલાં કરવાં પડે અથવા કહ્યાગરાં બનાવવાં પડે. રીઝર્વ બૅન્કના ગવર્નર કે પ્રસાર ભારતીના અઘ્યક્ષ શેહમાં આવીને સરકારની ભાષા બોલતા થઇ જાય, તો એ તેમની નિષ્ફળતા છે. બાકી, ભારતના બંધારણે તેમને સત્તાઓ આપી છે. અમેરિકાના પ્રમુખની જેમ ભારતના વડાપ્રધાન બંધારણીય રાહે એકહથ્થુ બની શકતા નથી. 

ભારતની લોકશાહીની સૌથી મોટી મર્યાદા એ છે કે તે ચૂંટણીશાહી બની ગઈ છે. વિવિધ પક્ષો વચ્ચે ફક્ત નામનો તફાવત રહી ગયો છે. ચૂંટણીઓને રીઆલીટી શો જેવી બનાવી દેવાઇ છે, જે જીતવા માટે કંઈ પણ થાય તે વાજબી ગણાય છે. આવી ચૂંટણીઓ પછી જીતેલા ઉમેદવારો લોકોને નહીં, પણ તેમના વડાને વફાદાર રહે છે. એટલે લોકશાહી લોકોની, લોકો વડે, લોકો દ્વારા નહીં, પણ લોકો દ્વારા, લોકો સામે, લોકોના માથે પડેલી બની રહે છે.

Tuesday, January 24, 2017

પત્રકારત્વ, ટ્રમ્પ અને ‘ગુજરાત મૉડેલ’

અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં ટ્રમ્પે એક પત્રકાર પરિષદ ભરી. તેમાં CNNના વ્હાઇટ હાઉસના એક પત્રકારે ટ્રમ્પને સવાલ પૂછ્‌યો, પણ ટ્રમ્પે એ સવાલ સાંભળવાની ના પાડી દીધી અને કહ્યું,‘યૉર ઑર્ગેનાઇઝેશન ઇઝ ટેરીબલ’ (તમારી સંસ્થા ભયંકર છે.) પત્રકારે પત્રકારધર્મ પ્રમાણે, વિવેકથી અને મક્કમતાથી સવાલ પૂછવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, ત્યારે ટ્રમ્પે પત્રકારને કહ્યું,‘ડોન્ટ બી રુડ’ (ઉદ્ધત ન થાવ) અને કહ્યું,‘હું તમારો સવાલ નહીં સાંભળું. યુ આર ફેક ન્યૂઝ’ (તમે તો જૂઠા સમાચારવાળા છો). આખા ખંડમાં બીજા અનેક પત્રકારો મોજૂદ હતા. તેમાંથી કોઇને ટ્રમ્પની આવી ઉદ્ધતાઈ સામે વાંધો પડ્યો નહીં.

અગાઉ ઑગસ્ટ, ૨૦૧૫માં ટ્રમ્પે ‘યુનિવિઝન’ના એક ઍન્કરને પ્રેસ કૉન્ફરન્સમાંથી બહાર કઢાવ્યા હતા. કારણ કે મૅક્સિકનોને બળાત્કારી ગણાવતા ટ્રમ્પના વિધાન વિશે તે સવાલ કરી રહ્યા હતા. એ વખતે બીજા બે પત્રકારોની દરમિયાનગીરીથી એ પત્રકારને પાછા બેસાડવામાં આવ્યા.  CNNના પત્રકારવાળો કિસ્સો બન્યા પછી ‘ફૉક્સ ન્યૂઝ’ પર એક ઍન્કરે ટ્રમ્પની આ વર્તણૂંક સામે વાંધો નોંધાવ્યો. ‘ફૉક્સ’નું રાજકીય વલણ ટ્રમ્પને અનુકૂળ હોવા છતાં, તેના ઍન્કરે કહ્યું કે ‘આ રીતે પત્રકારોને નીચે પાડવાની અને તેમના હકને નકારી કાઢવાની રીત બરાબર  નથી.’

ઘણા શાસકોનાં લક્ષણ રહી રહીને પ્રગટ થાય છે, તો કેટલાકનાં લક્ષણ ‘પારણામાં’ જ પરખાઈ જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા પછીની પત્રકાર પરિષદોમાં નરેન્દ્ર મોદી સવાલો પૂછતા પત્રકારો સાથે ઉદ્ધતાઇથી વર્તતા હતા. પોતાની જાતને રાજ્યના CM--‘ચીફ મિનિસ્ટર’ નહીં, પણ ‘કૉમનમેન’-- ગણાવતા નરેન્દ્ર મોદી અણીયાળા સવાલ પૂછનાર પત્રકારને કહેતા હતા,‘તમારા છાપાનું સરક્યુલેશન કેટલું? આટલા સરક્યુલેશનમાં એક જ સવાલ હોય.’ અને પછી તો એટલો જવાબ મળતો પણ બંધ થઇ ગયો.

પત્રકારો સાથેની વર્તણૂંક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઉત્તરદાયિત્વ વિશેના ‘ગુજરાત મૉડેલ’ની આ શરૂઆત હતી. એ વખતે મુખ્ય મંત્રીને અણીયાળા સવાલ પૂછીને પત્રકારધર્મ અદા કરતા કેટલાક પત્રકારોની પડખે તેમના મોટા ભાગના સાથીઓ ઉભા ન રહ્યા. ટ્રમ્પની પત્રકારપરિષદમાં બન્યું તેમ, ઘણા પત્રકારો ચૂપ રહ્યા કે ચાપલૂસીમાં સરી પડ્યા. મુખ્ય મંત્રીને તેમનું ઉત્તરદાયિત્વ યાદ કરાવવાને બદલે તે સવાલ પૂછનાર પત્રકારને ‘સમજાવવા’ લાગ્યા. પછીનાં વર્ષોમાં મુખ્ય મંત્રીની મીઠી નજર માટે અને તેમની સાથે પોતાના ફોટા પડાવવાની એવી મીઠી લ્હાય લાગી કે અણીવાળા સવાલ પૂછવાનું યાદ જ ન આવે. ત્યારથી જવાબો ન આપવાની નરેન્દ્ર મોદીની ટેવ પોષાઈ. પછી એ તેમની સ્ટાઇલ ગણો તો સ્ટાઇલ ને મૉડેલ ગણો તો મૉડેલ બની ગઈ. હવે વડાપ્રધાન તરીકે તે જવાબ આપતા નથી, બસ ‘મનકી બાત’ના પ્રજાજોગ પ્રેરક સંદેશા વહેતા મૂકે છે. તેમના રાજમાં મંત્રીઓ-અધિકારીઓ સાથે પત્રકારોની મેળમુલાકાતો પર પાબંદી મૂકી દેવામાં આવી. અંદરની માહિતી બહાર આવવાના રસ્તા પર શક્ય એટલી આડશો મૂકી દેવામાં આવી. પહેલાં ગુજરાતમાં ને પછી દિલ્હીમાં.

અમેરિકાના ઘણા પત્રકારોને ટ્રમ્પ-રાજ વિશે આવી જ આશંકા છે--અને અત્યાર લગીની ટ્રમ્પની પત્રકારો સાથેની ઉદ્ધત વર્તણૂંક ઘ્યાનમાં રાખતાં, તે બિનપાયેદાર નથી. તેના અનુસંધાને ગયા સપ્તાહે ‘કૉલંબિયા જર્નલિઝમ રીવ્યુ’ના ઍડિટર-ઇન-ચીફે  અમેરિકાના પત્રકારો વતી ટ્રમ્પને ખુલ્લો પત્ર લખ્યો. ‘આપણા સંબંધ તંગ છે’ એમ  કહીને તેમણે ટ્રમ્પને પત્રકારવિરોધી વલણની કેટલીક વાતો યાદ અપાવી છે અને વિવેકી છતાં કડક ભાષામાં કેટલાક પાયાના નિયમ (ગ્રાઉન્ડ રુલ્સ)ની યાદ અપાવી છે.‘આગામી ચાર વર્ષમાં તમારે અમારી પાસેથી શી અપેક્ષા રાખવાની છે, એ સમજી લેજો’ એમ કહીને તેમણે આપેલાં ‘ગ્રાઉન્ડ રુલ્સ’નાં કેટલાંક ઉદાહરણ :

‘તમે અમારા માટે માહિતીના દરવાજા બંધ કરી દેશો તો અમને બીજી રીતે માહિતી મેળવતાં આવડે છે. તમારી પાબંદી વ્હાઇટ હાઉસમાં ચાલશે, પણ તમારી નીતિઓ આખા અમેરિકામાં લાગુ પડવાની છે... તમારા વતી જૂઠાણાં ચલાવનારાને કેટલો સમય આપવો એ અમે નક્કી કરીશું...‘ઑબ્જેક્ટિવ ટ્રુથ’ (નિરપેક્ષ સત્ય) જેવું કંઇક હોય છે અને અમે તમને એ બતાવતા રહીશું. એટલે કે, તમે અથવા તમારા માણસો ખોટા સાબીત કરી શકાય એવા દાવા ચલાવશે ત્યારે અમે તેને ચોક્કસ પડકારીશું અને સાચી હકીકત આપીશું.’ 

લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના કોઇ પણ તરફદારને આ પત્ર બહુ ગમે એવો છે. અલબત્ત, એ પત્રમાં અને પત્ર નિમિત્તે પત્રકારત્વ વિશે પણ કેટલાક મહત્ત્વના મુદ્દા ઊભા થાય છે. તેમાં સૌથી મોટો મુદ્દો પત્રકારત્વની ખોવાયેલી વિશ્વનસનિયતાનો છે. તેનાં ઘણાં પાસાં છે. જમીની સચ્ચાઇથી દૂર થયેલા પત્રકારોથી માંડીને  ચાપલૂસીમાં કોઇ પણ હદે જઇ શકતા પત્રકારોની મોટી ફોજ લોકોની નજરમાં પત્રકારોની કિંમત ઘટાડે છે. ગુજરાતીમાં પત્રકારો કહેતાં રીપૉર્ટર સિવાય કટારલેખકોનો મોટો સમુદાય છે, જે  દેખીતી ચાપલૂસીથી માંડીને ‘આપણે-તો-વીર-સાચું-કહેવાવાળા’ જેવો દેખાવ રાખીને પહેલી તકે સત્તાધીશોનાં ગુણગાન ગાવા બેસી જાય, એટલી રેન્જ ધરાવે છે.

ગુજરાત-ભારત અને અમેરિકાની સ્થિતિ જુદી છે. માટે, બન્ને ઠેકાણે પત્રકારત્વની વિશ્વસનિયતા અને સ્વતંત્રતા જોખમમાં હોવા છતાં,  તેનો મુકાબલો કરવાની બાબતમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં નરેન્દ્ર મોદીની સફળતાથી કચડાઇ ગયા વિના, પોતાના પગ તળેની ભોંય જાળવી રાખીને, ચોથી જાગીરની નિષ્ફળતા વિશે અને તેમાંથી બહાર આવવાની તજવીજ વિશે ઝાઝો વિચાર થયો નથી. નેતાએ લોકશાહી રસ્તે મેળવેલી જીતનો સ્વીકાર કરવો એક વાત છે અને તેને ‘નવી વાસ્તવિકતા’ ગણીને તેનાં ઉજવણામાં-તેને વાજબી ઠરાવવામાં જોડાઇ જવું, એ સાવ બીજી વાત છે. ભારતમાં બીજો વિકલ્પ અપનાવારા મોટી સંખ્યામાં છે.

વડાપ્રધાનના વિરોધના નક્કર મુદ્દા લઇને અડીખમ ઉભેલા લોકો સામે  ‘નેતાઓના સો ગુના માફ, પણ પત્રકારની મર્યાદા કેમ ચલાવી લેવાય?’--આવી પેઇડ અથવા મુગ્ધ માન્યતા ધરાવતાં ટોળાં સોશ્યલ નેટવર્કિંગ માથે લે છે. પ્રસાર માધ્યમોની-પત્રકારોની નીતિરીતિની તપાસ રખાય અને લોકશાહીના-પત્રકારત્વનાં મૂલ્યોના હિતમાં જરૂર પડ્યે તેની કડક ટીકા થાય તે જરૂરી છે. પણ અત્યારે આવી ટીકા કરનારા ઘણાખરા પોતાના પ્રિય નેતા કે વિચારધારાના ઝનૂની બચાવ માટે એ પ્રવૃત્તિ કરે છે.


અમેરિકામાં ટ્રમ્પવિજયને પત્રકારત્વમાં વ્યાપેલી ઊંડી બિમારીની કડવી દવા તરીકે જોવાનો પણ એક મત બન્યો છે. તે મુજબ, હવે પત્રકારો અને સમાચારસંગઠનો વધારે સાવધ, વધારે જાગ્રત અને વધારે સજ્જ બનશે. ન્યૂયૉર્ક ટાઇમ્સ અને વૉશિંગ્ટન પોસ્ટ સહિતનાં ઘણાં પ્રતિષ્ઠિત માધ્યમોએ વ્હાઇટ હાઉસ માટેના પોતાના પ્રતિનિધિઓની સંખ્યામાં વધારો કર્યો છે અને તથ્યોની ચકાસણી માટે નવી ટુકડીઓ બનાવી છે. ભારતમાં નરેન્દ્ર મોદીયુગ પત્રકારત્વ માટે એવું કામ કરશે? અઢી વર્ષમાં તો એવું ખાસ લાગ્યું નથી.

Friday, December 16, 2016

ઉદારમતવાદીઓેની મૂંઝવણ અને વિકલ્પો

અમેરિકામાં ટ્રમ્પની જીત અને ત્યાર પહેલાં યુરોપિઅન યુનિઅનમાંથી છૂટા થવાના બ્રિટનના લોકમત (‘બ્રેક્ઝિટ’) પછી ઉદારમતવાદીઓ કદાચ અભૂતપૂર્વ કહેવાય એવી કટોકટી અનુભવી રહ્યા છે. પહેલી નજરે એ સ્થિતિ સોવિયેત રશિયાના વિભાજન પછી  થયેલી સામ્યવાદીઓની હાલત જેવી લાગે. પરંતુ એ સામ્ય સાવ ઉપરછલ્લું છે. કેમ કે અંગ્રેજીમાં ‘લીબરલ’ તરીકે ઓળખાતા ભારતના ઉદારમતવાદીઓ અમેરિકાને ‘શ્રદ્ધાકેન્દ્ર’  ગણતા ન હતા અને પોતાની વૈચારિક ખુલ્લાશ--અંતિમવાદના વિરોધ માટે અમેરિકા પર સંપૂર્ણપણે આધારિત ન હતા. અમેરિકા લીબરલ્સ માટે પ્રેરણાભૂમિ હતું, શ્રદ્ધાભૂમિ નહીં. ઉદારમતવાદની ખૂબી જ એ છે કે તેમાં રાષ્ટ્ર કે ધર્મના નામે આંખે પટ્ટી બાંધવાની હોતી નથી. ખુલ્લી આંખે જે દેખાય તે બઘું જ તેમાં જોવું-સ્વીકારવું પડે છે અને વખત આવ્યે તેનો વિરોધ પણ કરવો પડે છે.

જગતજમાદાર તરીકેની દાંડાઇ અને પોતાના સ્વાર્થ ખાતર સરમુખત્યારોને ટેકો આપવા કે લડાઇઓ કરાવવા જેવી દુષ્ટતાઓની સાથોસાથ, અમેરિકાએ પોતાની ભૂમિ પર ઉદારમતવાદને ઘણું પ્રોત્સાહન આપ્યું. અમેરિકાએ વિએતનામમાં તબાહી મચાવી ત્યારે ‘દેશપ્રેમ’ના ઉભરાથી અલગ જઇને, ઘણા અમેરિકનો અમેરિકાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી શક્યા. તેમને સરકારે દેશદ્રોહી તરીકે ‘ફીટ’ કરી દીધા નહીં. ઉદારમતવાદી મોકળાશનો એ સિલસિલો ત્યાર પછી પણ ચાલુ રહ્યો. ભારત સહિતના દેશોમાંથી ગયેલા ઘણા લોકો અમેરિકાને નવું ઘર બનાવી શક્યા, ત્યાં સારી તકો મેળવીને બે પાંદડે થયા. વિચાર, અભિવ્યક્તિ અને કાયદાની સમક્ષ સમાનતા જેવી નાગરિકી સ્વંતંત્રતાની બાબતમાં અમેરિકા વિશ્વભરના ઉદારમતવાદીઓનો આદર્શ બની શક્યું. તેની એ છાપને લીધે, ભારતમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદની હોડમાં ઝુકાવ્યું ત્યારે ભારતના કેટલાક ઉદારમતવાદી લોકોએ કહ્યું હતું કે ‘મોદી વડાપ્રધાન બનશે તો અમે દેશ છોડીને અમેરિકા જતા રહીશું.’

બે જ વર્ષમાં આ કહાનીમાં એવો આંચકાજનક વળાંક આવ્યો કે નરેન્દ્ર મોદીની અમેરિકન અને બગડેલી આવૃત્તિ જેવા ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેના પગલે કેટલાક જાણીતા લોકોએ અમેરિકા છોડીને કૅનેડા વસી જવાની ઇચ્છા જાહેર કરી.

વિચાર કરો : જે લોકોએ મોદી વડાપ્રધાન બને તો અમેરિકા જતા રહેવાની વાત કરી હતી તે ખરેખર અમેરિકા ગયા હોત તો તેમનું શું થાત? એ લોકોનો મોદી સામેનો વાંધો વ્યક્તિગત કે અંગત ન હતો. તેમનો તીવ્ર વિરોધ મુખ્ય મંત્રી મોદીના શોબાજી-વાણીવિલાસથી ભરપૂર, ઝનૂની-કોમવાદી લોકરંજકતામાં ઝબોળાયેલા રાજકારણ સામે હતો. અને એ બાબતમાં મોદીથી ચાર ચાસણી ચડે એવા ટ્રમ્પ અમેરિકામાં પ્રમુખ બની જાય, તો પછી શું કરવાનું? તેમને  બે જ વર્ષમાં ફરી દેશ બદલવાની નોબત આવત--અને આવા દેશબદલા પણ ક્યાં સુધી ચાલત? કારણ કે યુરોપ-અમેરિકા જેવા નાગરિકી સ્વાતંત્ર્ય અને ઉદાર મતવાદના ગઢમાં માત્ર કાંગરા ખર્યા નથી--દીવાલોને જમીનદોસ્ત કરી નાખે એવાં મોટાં ભગદાળાં પડ્યાં છે.

આ સ્થિતિમાં ઝનૂની વલણોનો વિરોધ કરનારા ઉદારમતવાદી, મધ્યમમાર્ગી નાગરિકો-નાગરિકી સંગઠનો માટે કટોકટીભરી સ્થિતિ પેદા થઇ છે. તેમની પાસે આટલા વિકલ્પો રહ્યા છે અથવા તેમનામાં આટલા પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળે છે. 

1. અવાસ્તવિક વાયદા અને બેફામ નિવેદનો કરીને, જૂઠાણાં અને અર્ધસત્યો ચલાવીને, લોકોમાં આશા અને ભયની લાગણી ભડકાવનારા નેતાઓ-પક્ષોની બોલબાલાને વૈશ્વિક પ્રવાહ અથવા નિયતિ ગણીને તેનો સ્વીકાર કરી લેવો. કુદરતી ક્રમમાં ‘જેની ચડતી થાય, તેની પડતી નિશ્ચિત છે’ એમ માનીને આશ્વાસન લેવું અને પ્રવાહો બદલાય ત્યાં સુધી સામા વહેણે તરવાની કવાયત છોડીને નિષ્ક્રિય થઇ જવું.

2. ‘આ પરિબળો ભલે જીત્યાં, પણ એ છે તો અનિષ્ટ જ અને આપણે એમના જેવા નથી, એટલે હારી ગયાં...સારાનો જમાનો જ નથી રહ્યો’  એવું આશ્વાસન લેવું અને જે પ્રમાણે અત્યાર સુધી કામ કર્યું એ જ રીતે,  એ જ દિશામાં કામ ચાલુ રાખવું. અત્યાર સુધીની કામગીરીમાં આત્મનિરીક્ષણ કરવાની કે વ્યૂહરચના બદલવાની દિશામાં કશો વિચાર ન કરવો. સામેવાળા ખરાબ છે એટલી પ્રતીતિને જ પૂરતી ગણી લેવી અને તેમની સફળતાનાં કારણોમાં ‘જમાના ખરાબ હૈ’થી વધારે ઊંડા ઉતરવું નહીં. આત્મદયામાં સરી પડવું, તે આ વિકલ્પનું સૌથી ખતરનાક પરિણામ હોઇ શકે છે.

3. આ પરિબળોની જીતને ન્યૂ નૉર્મલ તરીકે-- ‘હવે તો આમ જ રહેવાનું છે’ એ રીતે-- સ્વીકારી લેવી. એટલું જ નહીં, પોતાની ‘મધ્યમ માર્ગ’ની વ્યાખ્યા પણ એ પ્રમાણે બદલવી અને તેને ‘ન્યૂ નૉર્મલ’ સાથે ગોઠવી દેવી.  જેમ કે, પહેલાં કોઇ મોટો નેતા જાહેરમાં જૂઠું બોલે અને પકડાઇ જાય તો ‘આ કેવી રીતે ચલાવી લેવાય?’ એવી પ્રતિક્રિયા આવતી હોય. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં, ‘આજકાલ બધા જૂઠું બોલે છે. આ પણ જૂઠું બોલે છે. છતાં ફલાણી બાબતમાં તો એ સારો છે અને અત્યારે આવું જ ચાલે’ એવું વલણ અપનાવવું. આવું કહેનારા પહેલાં ‘સમર્થક’ ગણાતા હોય, પરંતુ ‘ન્યૂ નૉર્મલ’ સ્થિતિમાં પોતાની જાતને ઉદારમતવાદી કે મધ્યમ માર્ગી ગણાવનારા લોકો પણ આવી દલીલ કરી શકે. એનાથી ઉપરની કક્ષા એ છે કે બદલાયેલી સ્થિતિમાં જેનો સિતારો ચડતો હોય તેની વિરુદ્ધના મુદ્દા ગણકારવા નહીં અને ફક્ત તેમની કહેવાતી ખૂબીઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકમાં, બની જવું સમર્થક, પણ ઉદારમતવાદી તરીકેનો જૂનો દાવો છોડ્યા વગર અને તેમાં જમાના પ્રમાણે બદલાવ આણવાના ખ્યાલ સાથે. એકાદ વર્ષ પહેલાં પ્રો.ભીખુ પારેખે એ મતલબનું કહ્યું હતું કે જમણેરી પરિબળો જીતે તો જાહેર જીવન-જાહેર ચર્ચાનું મધ્ય બિંદુ પણ જમણી તરફ ખસે છે. એટલે કે પહેલાં જે બોલવું, પ્રચારવું કે વિચારવું જમણેરી ગણાતું હોય એવું ઘણું, બદલાયેલા મઘ્યબિંદુ પછી ‘આવું તો કહેવાય. એમાં શું વાંધો છે?’ની વ્યાખ્યામાં આવી જાય છે.  આમ કરવામાં પવન જોઇને સઢ બદલવાનો નહીં, પણ જમાના સાથે તાલ મિલાવ્યાનો અહેસાસ થાય છે, વ્યાપક સ્વીકૃતિ ધરાવતી  માન્યતાઓ-કામગીરીઓ સાથે સંઘર્ષનો તનાવ મટી જાય છે. તેનાથી રાહત લાગે છે.

4. જે થયું છે તેનો સ્વીકાર કરવો. સામા પક્ષની સફળતાનાં કારણ સમજવાં, દેખીતા અનિષ્ટને આટલી સ્વીકૃતિ કેમ મળી અને તેમાં લોકોનાં ભય અને આશા સહિતનાં કેટકેટલાં પરિબળ સંકળાયેલા છે, તેમાં ઊંડા ઉતરવું અને તેની સાથે કેવી રીતે પનારો પાડી શકાય એ વિચારવાની કોશિશ કરવી. આપણને જે અનિષ્ટ લાગે, તેની જીતથી કે વ્યાપક સ્વીકૃતિથી તેની અનિષ્ટતા ઓછી થઇ જતી નથી, એ યાદ રાખવું. કોઇ પણ તબક્કે આત્મદયામાં કે નિયતિવાદમાં સરી ન પડવું. ‘આપણું કામ તો ખોટું લાગે તેની સામે લડવાનું છે. તેમાં જીત થાય તો ઉત્તમ ને જીત ન થાય તો પરવા નહીં. જીત માટે વઘુ પ્રયાસ કરીશું, વધુ વ્યૂહરચનાઓ વિચારીશું ને વઘુ લડત આપીશું, પણ આપણને જે ખોટું લાગે તેનો સ્વીકાર નહીં કરીએ--તેની સામે ઝુકી નહીં જઇએ.’ એવો વિચાર પાકો કરવો. 

આ વિકલ્પો ફક્ત અગ્રણીઓને કે જાહેર જીવનમાં પડેલા લોકોને જ નહીં, તમામ નાગરિકોને લાગુ પડે છે.