Monday, September 04, 2017

રંગભેદગ્રસ્ત અમેરિકા અને 'હિંદુ રાષ્ટ્ર'

શ્રીલાલ શુક્લલિખિત વિખ્યાત હિંદી વ્યંગ નવલકથા રાગ 'દરબારી'માં, એક (ભ્રષ્ટ) પોલીસ પોતાનો દબદબો ખતમ થઈ ગયો એની વાત કરતાં, જીવનની સૌથી ખેદપૂર્ણ ઘટના વિશે કહે છે, 'એ તો આઝાદી મળી ગઈ એટલે. બાકી, ભલભલા મારી રાહ જોતા બેઠા હોત.’ હા, ભારતને આઝાદી મળી એ તેના જીવનની સૌથી ખેદપૂર્ણ ઘટના છે.

હિંદુ રાષ્ટ્ર અથવા હિંદુ સર્વોપરિતામાં રાજકીય શ્રદ્ધા ધરાવનારા ઘણા લોકોને મન અંગ્રેજોથી મળેલી આઝાદીનું એટલું મહત્ત્વ ન હતું, જેટલું હિંદુ રાષ્ટ્રની અને હિંદુ સર્વોપરિતાની સ્થાપનાનું હતું. ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર મૂકાયેલો પ્રતિબંધ શરતી ધોરણે હટાવવામાં આવ્યો, ત્યારે એક શરત એ હતી કે સંઘે દેશના બંધારણનો સ્વીકાર કરવો.  રાષ્ટ્રપ્રેમી કે રાષ્ટ્રવાદી હોવાનો દાવો કરતા ઘણા લોકો માટે રાષ્ટ્ર એટલે 'હિંદુ રાષ્ટ્ર', જેમાં ભૂતકાળની સત્યકથાઓ અને દંતકથાઓની જબરી સગવડીયા ભેળસેળ થયેલી હોય છે.

આ પ્રકારની લાગણી ધરાવનારા લોકો હિંદુઓમાં રહેલા આંતરિક ભેદભાવ વિશે કેવું વર્તન કરશે એ નક્કી નથી હોતું (અને ઘણાએ એ વિચારેલું પણ નથી હોતું). પરંતુ સરેરાશ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે તેમનો ખાનગી અથવા જાહેર અભિગમ વિરોધનો હોય છે--અને તેની માત્રા સાદા અભાવથી માંડીને હળહળતા ધીક્કાર સુધીની હોઈ શકે છે. આવી નકારાત્મક લાગણી પર તે હિંદુ ધર્મનો કે રાષ્ટ્રપ્રેમનો સોનેરી ઢોળ ચડાવવાનો પ્રયાસ કરે છે અને ઘણી વાર સફળ પણ થાય છે. ધીક્કારના બળતણથી ચાલતી તેમની ગાડીમાં સેવાનું અને શિસ્તનું ઑઇલ હોય છે ને વ્યક્તિગત સારપો પણ ખરી.  છતાં, વિચારધારા કે સંગઠનના મૂળભૂત પોતની વાત આવે ત્યારે બળતણ સૌથી પ્રભાવી બને છે.

આવી સ્થિતિ સિત્તેર વર્ષથી આઝાદ થયેલા ભારતમાં જ નહીં, દોઢસો વર્ષ થયે 'યુનાઇટેડ' થયેલા અમેરિકામાં પણ છે. ત્યાંનો ઇતિહાસ ધોળા લોકોએ કાળા લોકો પર ગુજારેલા ગુલામી પ્રથા સહિતના અમાનવીય અત્યાચારોનો છે.  ત્યાં હજુ પણ એવી કેટલીક ધોળી પ્રજા છે, જેમને ગુલામી પ્રથા કે રંગભેદ સત્તાવાર રીતે નાબૂદ થયાં એ કદાચ અમેરિકાના ઇતિહાસની સૌથી ખેદપૂર્ણ ઘટના લાગે છે.  ગુલામીના ઇતિહાસથી તેમને શરમ નથી કે ગુલામીની તરફેણ કરનારા ભૂતકાળના 'હીરો’ સામે તેમને વાંધો નથી. કાળા અને હકીકતમાં ધોળા સિવાયના બધા લોકો તેમને દેશના દુશ્મન અથવા 'માપમાં રાખવા જેવા' લાગે છે. પોતાના વિશે તેમનો ખ્યાલ 'રાષ્ટ્રવાદી' હોવાનો છે, પણ બીજા લોકો તેમને વ્હાઈટ સુપ્રીમસિસ્ટ્સ (ધોળા લોકોની સર્વોપરિતામાં માનનારા), વ્હાઈટ નેશનલિસ્ટ્સ (ધોળા રાષ્ટ્રવાદીઓ), નીઓ- નાઝી (નવેસરથી અસ્તિત્વમાં આવેલા હિટલરશાઈ વિચારધારાના સમર્થકો) જેવાં વિશેષણોથી ઓળખે છે. તેમના માટે પહેલાં ટીકાભાવથી અને હવે સ્વીકૃત રીતે વપરાતો શબ્દપ્રયોગ છેઃ 'ઑલ્ટ રાઈટ'.

અમેરિકાના ઇતિહાસમાં 'કુ ક્લક્સ ક્લાન' જેવાં ધોળા લોકોનાં હિંસક અને રંગદ્વેષી સંગઠનનો પણ લોહીયાળ ઇતિહાસ છે. એ સંગઠન ફરી વખત અંશતઃ સક્રિય થયું હોવાના અને અમુક પ્રકારની હિંસા કે દેખાવો તેના દ્વારા થતા હોવાનું પણ કહેવાય છે. આવી વિચારધારા ધરાવનારા માને છે કે અમેરિકા પર ધોળા લોકોનો પહેલો અધિકાર છે અને સામાજિક સમાનતા કે સામાજિક ન્યાયના નામે ધોળા લોકોને તેમના એ 'અધિકાર'થી વંચિત રાખવામાં આવે છે. એટલે કે, ધોળા લોકોને 'અન્યાય' થઈ રહ્યો છે.

અમેરિકા મૂળ તો રેડ ઇન્ડિયન આદિવાસીઓનું હતું. યુરોપીઅનોએ તેમનો ખાતમો કર્યો ને અંગ્રેજોએ (ભારતની જેમ) અમેરિકાને પોતાનું સંસ્થાન બનાવ્યું. આઝાદીની લડત પછી અંગ્રેજોને તો તેમણે ઘરભેગા કર્યા, પણ અંદરોઅંદરની અસમાનતા અને ગુલામીપ્રથા ચાલુ રહી. આ ખેંચતાણ છેવટે લોહીયાળ ગૃહયુદ્ધમાં પરિણમી. ગુલામીપ્રથાના વિરોધી અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા પછી દક્ષિણ અમેરિકાનાં ગુલામીસમર્થક સાત રાજ્યોએ ઉત્તર અમેરિકાનાં 'યુનિઅન’ તરીકે ઓળખાતા રાજ્યસંઘથી છેડો ફાડી નાખ્યો અને 'કન્ફૅડરેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા'ની સ્થાપના કરી. આગળ જતાં બીજાં ચાર રાજ્યો પણ તેમાં જોડાયા અને તે અગીયાર રાજ્યોનો સંઘ (કન્ફૅડરેશન) બન્યો. ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે ચાર વર્ષ લડાઈ ચાલી. તેનો મુખ્ય મુદ્દો ગુલામી અને ધોળા લોકોની સર્વોપરિતા ચાલુ રાખવી કે નહીં એ હતો. છેવટે દક્ષિણનાં ગુલામીતરફી રાજ્યોની હાર થઈ.

જૂનાં ગુલામીતરફી રાજ્યો દોઢસો વર્ષથી અમેરિકાનો ભાગ છે, પરંતુ હજુ ત્યાં ધોળા લોકોની સર્વોપરિતાનો ખ્યાલ કેટલાક લોકોને વહાલો લાગે છે. ત્યાં ઠેકઠેકાણે ગુલામીતરફી લડવૈયાઓનાં સ્મારક અને પૂતળાં પણ છે. દક્ષિણનાં અગીયાર પૈકી એક વર્જિનિયા રાજ્યના શાર્લોટ્સવિલમાં એક પૂતળું ગુલામીતરફી સૈન્યના સેનાપતિ રૉબર્ટ લીનું હતું. તેને સ્થાનિક લોકોએ લોકશાહી ઢબે બહુમતીથી ઠરાવ કરીને પાડી નાખ્યું. (આવાં પૂતળાંનું શું કરવું તેની સત્તા સ્થાનિક લોકપ્રતિનિધિઓને આપવામાં આવી છે.)

બીજી તરફ 'અમેરિકાને ફરી મહાન' બનાવવા વિશે ટ્રમ્પની સંકુચિત, સ્વાર્થી, દ્વેષ અને રંગભેદયુક્ત 'સમજ'ને કારણે રંગભેદગ્રસ્ત ધોળા લોકોને પોતાનું રાજ આવી ગયું હોય એવું લાગ્યું હતું. એમાં રંગભેદના વિરોધીઓ રૉબર્ટ લીનું પુતળું હટાવી દે તે કેમ ચાલે? એટલે ઑલ્ટ રાઇટ ('ધોળા રાષ્ટ્રવાદી') જૂથે 12 ઑગસ્ટના રોજ શાર્લોટ્સવિલમાં 'યુનાઇટ ધ રાઈટ' (જમણેરીઓ, એક થાવ) રેલી કાઢી. રંગભેદના વિરોધી લોકોએ પણ સામે રેલી કાઢી. તેમાં એક ડ્રાઇવરે રંગભેદવિરોધી લોકોની રેલીમાં પૂરપાટ ગાડી ચડાવી દીધી. આ હુમલામાં એકનું મૃત્યુ થયું અને બીજા ઘણાં ઘાયલ થયાં.

આ ઘટના વિશે ટ્રમ્પે પહેલાં ઘટનાની વિગતમાં ગયા વિના સામાન્ય ખેદ પ્રગટ કર્યો, પણ બે દિવસ પછી તે 'ઑલ્ટ રાઇટ'ના બચાવમાં ઉતરી પડ્યા. આવાં (ગુલામીતરફી યોદ્ધાનાં) પૂતળાં દૂર કરવાની પ્રવૃત્તિને તેમણે ઇતિહાસ ભૂંસવા બરાબર ગણાવી અને કાલે ઉઠીને બીજા મહાન નેતાઓનાં પૂતળાંનું પણ આવું થશે, એવો ટોણો માર્યો.

ભારતના-ભાજપના રાજકારણની યાદ આવે એ રીતે તેમણે, હિંસા બદલ બન્ને પક્ષોને સરખા જવાબદાર ઠેરવ્યા. હિંસક-ભેદભાવયુક્ત વિચારધારાનો પ્રચાર કરનારા અને તેમનો વિરોધ કરનારા--એ બન્નેને સામસામા પલ્લામાં મૂકી દેવાથી  ન્યાયનું ત્રાજવું સરભર થઈ ગયું, એવો દાવો ભારતમાં પણ થાય છે. કોમવાદનો વિરોધ કરનારા સૌને પહેલાં સ્યુડો-સૅક્યુલર અને હવે તો ફક્ત સૅક્યુલર કહી દેવામાં આવે એટલે થયું. સત્તાધીશો જમણેરી વિચારધારા ધરાવતા હોય અને આત્યંતિકતાને છૂપો કે પ્રગટ ટેકો આપતા હોય, ત્યારે કોમવાદનો વિરોધ કરનારા સામે એટલું ઝેર ઓકવામાં આવે છે, જાણે સૅક્યુલર લોકો જ બંદૂકો-તલવારો લઇને હિંસા કરતા હોય ને એ જ દલિતોને જાહેરમાં ફટકા મારતા હોય ને ગાયના રક્ષણના દાવા કરીને હત્યાઓ કરતા હોય.

અમેરિકામાં 'ઑલ્ટ લેફ્ટ' જેવા લેબલ દ્વારા કટ્ટરતાનો-રંગદ્વેષનો વિરોધ કરનાર બધાને (આપણા 'સેક્યુલર'ની જેમ) એક લાકડીએ હાંકવાની કોશિશ ચાલતી હોય એવું લાગે છે. ખરેખર તો ભારતે અમેરિકાના વ્યક્તિસ્વાતંત્ર્ય અને નાગરિકી જાગૃતિના રસ્તે જવાનું હતું, પણ અત્યારે અમેરિકા ભારતના રસ્તે હોય એવું લાગે છે. ફરક હોય તો અમેરિકાના જાગ્રત નાગરિકો અને પ્રસાર માધ્યમોના મોટા સમુહનો, જે (ભારતની જેમ) ભક્તિ કે શરણાગતિના ખાંચામાં ઢળી જાય એવું જણાતું નથી.
(23-8-17)

4 comments:

  1. સરસ લેખ

    ReplyDelete
  2. ઉર્વીશ ભાઈ કોઠારી, તમે લેખમાં ઘણી જાણવા જેવી માહિતી આપી છે.આભાર.
    સર થોમસ મોર ના પુસ્તક 'યુટોપિયા' માં તેમની કલ્પનાનો દેશ(Islnad)અને સમાજ બનાવવામાં કોઈએ સફળતા નથી મેળવી,કાર્લ માર્ક્સએ પણ પોતાની 'DasCapital'માં પણ સમાન સમાજ બનવાના ઘણા અનેક સૂચનો કર્યા અને આપણા ગાંધીજી પણ રામનામ નો જપ કરતા રામરાજ ની કલ્પના કરતા વિદાય
    થઇ ગયા પણ ક્યાય રામરાજ નાં સ્થપાયું,તેમ છતાંય પશ્ચિમના અમુક દેશો અને જાપાનમાં જન સાધારણના જીવનમાં ઘણી કલ્યાણકારી ઘણી યોજનાઓ કરી અમલમાં મૂકી તેનું પરિણામ એ આવ્યું કે લોકોશાહી મજબુત બની જે આપણી નજર સામે તેના દાખલાઓ છે.
    મૂડીવાદ અને કહેવાતો સમાજવાદ આ વિચાર ની લડાઈ તો છે પણ સાથેસાથે તેમાં વચ્ચે લશ્કરી યુદ્ધ પણ થતા રહેતા હોય છે. આમ આ વિરોધાભાસની વિચારધારા હવે આમને સામને ઠેર ઠેર નજરે પડે છે. વિકસતા દેશોમાં આવી મુશ્કેલીઓ બહુ છે,ત્યાનું રાજતંત્ર અને વહીવટના દેદારથી આ વાત છત્તી થતી રહેતી હોય છે.
    આખરમાં ઉમેરતા કહેવું પડે કે આ જટિલ સમસ્યા જલદી ઉકેલી શકાય તેમ નથી કેમકે રાજકારણીયો અને નેતાઓ પોતાની હીણી ચાલો અને દાવો ખેલતા રહેછે અને પ્રજા હેરાન થતી રહેતી હોય છે.
    લોકો પોતે લોકતંત્ર મજબુત થાય તેવી હિલચાલ પુરજોશમાં નાં ચલાવે ત્યાં સુધી તેમને જ સહન કરવાનું છે.

    ReplyDelete
  3. ખુબ સરસ લેખ

    ReplyDelete
  4. Your narratives are reality of the present state of affairs. It is a great responsibility of all citizens to improve the vulnerability into non-vulnerability with honesty. Thanks Urvish Bhai for threading the yarn.

    ReplyDelete