Sunday, September 10, 2017
બીરેન મહેતાઃ 26 વર્ષ જૂની દોસ્તીનો, બસ એમ જ, આનંદ-ઑચ્છવ
સંજય ભાવે વિશે હંમેશાં એવું લાગે કે જિજ્ઞેશ મેવાણી-વિજયસિંહ પરમાર-આશિષ વશીની જેમ હું પણ તેમના વિદ્યાર્થીઓની બૅચમાંનો છું, એ લોકોની જેમ મારી સાથે પણ ભાવેસાહેબ અનન્ય સ્નેહ-આત્મીયતા રાખે છે ને એ લોકોની જેમ હું પણ ભાવેસાહેબ સાથે ભાર વગરનો, મસ્તી થઈ શકે એવો સંબંધ ધરાવું છું. અપૂર્વ આશરનો પરિચય બારેક વર્ષ જૂનો, છતાં જ્યારે મળું ત્યારે લાગે કે નાનપણમાં ઓટલે બેસીને જેની સાથે સપનાં જોયાં હોય એવા દોસ્તને મળું છું. કેતન રૂપેરા કૉલેજમાં મારાથી એક વર્ષ પાછળ હશે ને અમારી દોસ્તી થઈ ગઈ હશે--એવું લાગે. એ જુદી વાત છે કે કૉલેજકાળ 1.0 (1987-90)માં કોઈ સાથે એવી આત્મીય દોસ્તી થઈ નહીં. પણ કૉલેજ 2.0 (2012-2014)માં શૈલી ભટ્ટ, દીપક ચુડાસમા જેવાં મિત્રો સાથે ટકાઉ ને કાયમી લાગે એવી દોસ્તી (ઉંમરના મોટા, શૈલી સાથે તો બમણા, તફાવત છતાં) બંધાઈ.
પત્રકારત્વના મિત્રોમાંથી ઘણા બે દાયકા જૂના. ઘરમાં બીરેનવાળું મૉડેલ સૌથી નિકટના મિત્ર એવા મોટા ભાઈનું. દીપક સોલિયા-હેતલ દેસાઈ એ જ પ્રકારનાં લાગે. પ્રશાંત દયાળ, પૂર્વી ગજ્જર પત્રકારત્વનાં આદિમિત્રો. તેમની સાથેની નિકટતા (જો વધી શકે તેમ હોય તો) વધ્યા જ કરે છે, એવું લાગે. નીલેશ રૂપાપરા, અનિલ દેવપુરકર, મનીષા જોષી પણ 'અભિયાન'માંથી મળેલાં અને જેમની સાથે અવિરત, જીવંત નાતો જળવાઈ રહ્યો હોય એવાં મિત્રો. હર્ષલ પુષ્કર્ણા વળી સાવ અનોખો મિત્ર. 'અભિયાન'વાળા મિત્રોની જેમ તેની સાથે પણ બે દાયકાની દોસ્તી. તેને મળું ત્યારે મારા કરતાં અનેક ગણા વધારે જ્ઞાની, છતાં જેની સાથે નિરાંતે, હળવાશથી ને આત્મીયતાથી વાતો કરી શકાય એવા નાના ભાઈને મળતો હોઉં એમ લાગે. ફાલ્ગુની (હર્ષલ પુષ્કર્ણા) પણ કેવળ મિત્રપત્ની નહીં. અમારી મિત્રતામાં પૂરક અને અભિન્ન.
બે દાયકાવાળી રેન્જમાં હસિત મહેતા પણ આવે. જીવનની સાર્થકતા અને જીવનનો આનંદ—એ બન્નેનું ફિફ્ટી-ફિફ્ટી નહીં, સો-સો ટકા સંયોજન એટલે હસિત મહેતા અને પિંકી (લિમિષા) મહેતા. તેમને મળીને, તેમનાં અસંખ્ય અને મજબૂત કામ વિશે જાણીએ, એટલે આપણે બહુ કામ કરીએ છીએ એવો થોડો પણ ખ્યાલ પેઠો હોય તો તે નીકળી જાય. જીવનને માણવાના અને નક્કર કામ કરવાના અનેક ઉપક્રમોમાં એમનો સાથ, માર્ગદર્શન, મદદ કે પહેલ હોય. ચંદુભાઈ મહેરિયા અને હરીશભાઈ રઘુવંશી અત્યંત નિકટના મિત્રો. પોતપોતાનાં (એકબીજાથી સાવ જુદાં) તેમનું કામ તપની કક્ષાનું. તેના માટેના આદરને કારણે તેમની સાથે મૈત્રીની હળવી ક્ષણોની તો ખરી જ, સાથોસાથ સતત શીખવાનું મન થાય એવું પણ ઘણું હોય—અને એનો ભાર તેમના પક્ષે જરાય ન વર્તાય એ તેમની ખૂબી.
હિમાંશુ કીકાણી, મનીષ મહેતા, દિલીપ ગોહિલનો પરિચય ગુજરાતી 'ઇન્ડિયા ટુડે'થી. તેમની સાથેના સંબંધમાં જુદી જુદી રીતે બે દાયકાના ચઢાવઉતાર છતાં જૂની સાથીપણાની ખુશ્બુ જળવાઈ છે. હિમાંશુને મળવાનું ઓછું થાય, પણ આત્મીયતાનું જોડાણ 'ફૅવિકોલ' છાપ છે. 'સાર્થક પ્રકાશન'ના સાથી એવા કાર્તિકભાઈને મળીને, મારા કરતાં પણ વધારે મારું હિત ઇચ્છતા-મારી કાળજી રાખતા ને પ્રેમ કરતા મોટા ભાઈને મળતો હોઉં એવું લાગે. (ભલે એ ઉંમરમાં મારાથી એકાદ વર્ષ નાના હોય) અને ધૈવત ત્રિવેદી જેની પ્રતિભા માટે બહુ ભાવ હોય એવો ને વયમાં નાના હોવાની રૂએ રિસામણાં-મનામણાંના પણ હક ધરાવતો મિત્ર લાગે.
બીરેનના અને એ રીતે મારા પણ મિત્ર થયેલા IYC મિત્રોની વળી જુદી મહાકથા છે. તે કદીક અલગથી લખીશ. હજુ બીજાં કેટકેટલાં નામ આંખ સામે દેખાય છે, પણ 'મિત્રોની સંપૂર્ણ વસતીગણતરી'નો પ્રેમભર્યો ઉપક્રમ ફરી ક્યારેક. (એક કલાક વાત કર્યા પછી 'ફરી શાંતિથી વાત કરીએ' જેવું લાગે તો પણ વાંધો નહીં. જે છે, તે છે.)
***
કેવળ સમયનું માહત્મ્ય નથી, છતાં જેમની સાથેની દોસ્તી ને આત્મીયતા નાનામોટા ઘસરકા ગણકાર્યા વિના પચીસ-પચીસ વર્ષનો સમયગાળો વટાવી ગઈ છે, એવા મારા આદિમિત્રો ત્રણઃ
સ્કૂલનો મિત્ર પરેશ પ્રજાપતિ, જે 1985થી સાથે હતો ને 1986-7માં એની સાથેની દોસ્તી જામવા માંડી હતી. તે GSFCમાં જોડાયો, વડોદરા સ્થાયી થયો, બીરેન (કોઠારી)નો પણ નિકટનો મિત્ર બન્યો અને તેના થકી પરિચય થયા પછી, હોમાય વ્યારાવાલાની અંતિમ અવસ્થામાં તેમની અનન્ય લાગણીથી સંભાળ રાખી. હવે તેનો કૉલેજિયન પુત્ર સુજાત અમારો મિત્ર છે.
બીજો મિત્ર બિનીત મોદી, જેની સાથે અમારા પ્રિય લેખક રજનીકુમાર પંડ્યાને કારણે સંપર્ક થયો, પછી પત્રવ્યવહાર અને 15 ઑગસ્ટ, 1992ના દિવસે પહેલી વાર મહેમદાવાદમાં મળ્યા. (હમણાં એ મિલનની પચીસમી વર્ષગાંઠ ગઈ.) લેખન-વાચન-પત્રકારત્વ સાથેના સીધા અને આડકતરા (આડા નહીં) સંબંધોને કારણે તથા વિલક્ષણ-સેવાભાવી પ્રકૃતિને લીધે બિનીત મોદીને આમ, ખાસ અને ખાસમખાસ--એમ અનેક પ્રકારના લોકો અંગત રીતે ઓળખે છે. અમારા બિનપત્રકારી મિત્રો અને નિકટનાં સગાંવહાલાં પણ બિનીતને સારી રીતે ઓળખે અને બીજાં ઘણાં સ્નેહીજનો હોવા છતાં, તેનું ઘર વર્ષો સુધી અમદાવાદમાં મારા રાત્રિરોકાણનું ઠેકાણું હતું એ જાણે.. બિનીત અને શિલ્પા અમારી કૌટુંબિક ઉજવણીઓમાં અચૂક સામેલ હોય. એ બે દાયકા પહેલાં થોડાં વર્ષ માટે દુબઈ ગયો, ત્યારે અમે મહેમદાવાદના ઘરે તેની ફૅરવૅલ પાર્ટી રાખી હતી.
હવે તેને ફરી થોડા સમય માટે ફૅરવૅલ આપવાની થઈ. કારણ કે તે BBCની નવી શરૂ થઈ રહેલી ગુજરાતી સર્વિસમાં જોડાઈને દિલ્હી પહોંચ્યો છે.
અને ત્રીજો મિત્ર, બીરેન મહેતા. મારા મહેમદાવાદ બહારના મિત્રોમાં બીરેન મહેતા સૌથી જૂનો (અમે 1991માં મળ્યા), પણ મારા મિત્રવર્તુળમાંતે એટલો જાણીતો નથી. એટલે આ પોસ્ટમાં એના વિશે અને અમારા વિશે લખવું છે. કોઈ ખાસ કારણ નથી. પણ હમણાં જ મને ખ્યાલ આવ્યો કે તેની સાથેની મૈત્રી પચીસ વર્ષથી પણ વધારે જૂની થઈ અને જોતજોતાંમાં આટલાં બધાં વર્ષો વીતી ગયાં...
અમે મળ્યા ત્યારે એ 22નો ને હું 20નો. અમે બંને ગુજરાત રિફાઇનરીમાં ઍપ્રેન્ટીસ તરીકે પસંદ થયા. બીજા પણ લોકો હતા. તેમાંથી વડોદરાના કેતન ઉપાધ્યાય અને ગાંધીનગરના બીરેન મહેતા સાથે મારી દોસ્તી વધારે જામી. કેતન એકદમ છટાદાર, ફાંકડુ અંગ્રેજી બોલે, ચશ્મા પહેરે, સામેવાળાને આંજી શકે એવું વ્યક્તિત્વ. બીરેન પાતળો, સોટા જેવો. તેના શરીરના પ્રમાણમાં ખાસ્સી ભરાવદાર મૂછો. સરળ. સાલસ. સજ્જન--અને સજ્જનમાં હોય એવી ને એટલી (ખોટું કરવા અંગેની) ભીરુતા પણ ખરી.
રીફાઈનરીમાં અમારો સત્તાવાર હોદ્દો AO,CP (APP) એટલે કે અટેન્ડન્ટ અૉપરેટર, કૅમિકલ પ્લાન્ટ (ઍપ્રેન્ટીસ). તેમાં APP વાળો ભાગ સૌથી ચાવીરૂપ. તેના કારણે ઘણી વાર અમારી સાથે ઉતરતી કોટીનાં મનુષ્યપ્રાણીઓ જેવો વ્યવહાર થાય. રીફાઇનરીમાં આમ રજવાડું. સબસીડાઇઝ્ડ નાસ્તાની અને તેના માટેની કૂપનોની બોલબાલા. પંદર પૈસાની કૂપનમાંમાં ચા ને પંદર-પંદર પૈસામાં ગરમ નાસ્તાનું-સૂકા નાસ્તાનું પડીકું મળે. પચીસ પૈસાની કૂપનમાં અમુલ બટરનું ચકતું...એ વખતે બાદશાહી લાગે. જોકે, નાસ્તાનો ટાઈમ થાય એટલે કૅન્ટિનમાંથી પતરાનો મોટા લંબચોરસ, પટ્ટાવાળો ડબ્બો ખભે લટકાવીને આવતો જણ પહેલાં સાહેબ લોકોની અને કાયમી નોકરિયાતોની પાસે જાય. ત્યાંથી અમારા સુધી પહોંચે ત્યારે ઘણી વાર બટર અને સારો નાસ્તો હોય તો એનો ઘણો હિસ્સો ખાલી થઈ ચૂક્યાં હોય. IPCL, GSFC, રીફાઈનરીના કર્મચારીઓ આવી ઘણી ખાદ્યસામગ્રી કશા ક્ષોભસંકોચ વગર, લગભગ જન્મસિદ્ધ અધિકારની સ્વાભાવિકતાથી, ઘરે લઈ જાય. એ તેમને ફરજ પરના કલાકો દરમિયાન ખાવા-પીવા માટે મળે છે, એવું કોઈને કહેવાય પણ નહીં. (પછી અમે પણ એ નાસ્તો ટ્રેનમાં કરવા માટે લઈ જવા લાગ્યા)
પંદર પૈસાની ચા ને પચીસ પૈસાના બટરની સાખે અમારી દોસ્તી આગળ વધતી ગઈ.
રીફાઇનરીમાં ઍપ્રેન્ટીસશીપ માટે પસંદગી અને મેડીકલ ટેસ્ટનો ટેલીગ્રામ, 1991 |
ગુજરાત રીફાઇનરીનો ઍપ્રેન્ટીસશીપ માટેનો પત્ર |
રીફાઇનરીમાંથી અમને ટ્રેનિંગ માટે ATI (Advanced Training Institute), મુંબઇ મોકલવામાં આવ્યા. છ મહિનાની ટ્રેનિંગ. તેમાં વેલ્ડિંગ, ફિટિંગ, લેથ ચલાવતાં શીખવાનું વગેરે. મોટા ભાગના લોકો માટે મુંબઈ નવું. ઇન્સ્ટીટ્યુટ છેક ચેમ્બુર પાસે. હું મારા કાકાને ત્યાં સાંતાક્રુઝ રહું. બીરેન પાસેના જ વિસ્તાર પાર્લામાં ખડાયતા ભવનમાં રહે. રોજ સવારે એક જ લોકલ ટ્રેનમાં અમે હોઈએ. બાંદ્રા ઉતરીને બસ પકડીએ. ATIની બે ટિકિટ લઈએ. ક્યારેક મરાઠી બોલવાનો ચસકો કરવા માટે 'દોન એટીઆઇ' એવું પણ કહીએ ને મનોમન વિચારીએ કે કંડક્ટર મરાઠીમાં ચાલુ પડી જશે તો લેનેકે દેને પડી જશે.
પહેલા જ દિવસે ATIની કૅન્ટિનમાંથી જમવાનું મંગાવ્યું. ખાનાંવાળી થાળી. તેમાંથી ફક્ત તળેલો પાપડ અને છાશ મોંમાં જાય એવાં હતાં. હવે શું કરવું? એ દિવસે તો વહેલા છૂટ્યા એટલે થોડા મિત્રોએ બાંદ્રામાં ઠેકાણાસરની એક રેસ્તોરાંમાં પંજાબી ખાધું. પણ રોજ એ પોસાય નહીં. અમારા મહિને 650 રૂપિયાના સ્ટાઇપેન્ડમાં મુંબઇ હતા ત્યાં સુધી મહિને બે હજાર રૂપિયાનું ભથ્થું મળવાનું હતું. છતાં તેમાંથી રોજ વ્યવસ્થિત રેસ્તોરાંમાં જમવું પોસાય નહીં. બીજી મુશ્કેલી એ કે મન મક્કમ કરીને ખર્ચ કરીએ તો પણ ચેમ્બુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા. નજીકમાં સરખું રેસ્તોરાં ન મળે. એક-બે વાર થોડે દૂર આવેલા રેસ્તોરાંમાં થોડા મિત્રો ટેક્સી કરીને પહોંચ્યા. ખાવાનું ઠીક હતું. ભાવ પોસાય એવો હતો. પણ અમારા એક કસરતી મિત્રની ક્ષમતા જોઈને બે-ત્રણ દિવસમાં જ, રેસ્તોરાંવાળાએ રોટલીમાં કાંકરા શરૂ કરી દીધા. એટલે એ ઠેકાણું પણ બંધ થયું.
એ વખતે મેં અને મહેતાએ (એ વખતે બધા એકબીજાને અટકથી બોલાવતા હતા. IPCL, GSFC, રીફાઇનરી--બધે એવો જ રીવાજ હતો. કદાચ હજુ પણ હશે.) ઇન્સ્ટીટ્યુટની નજીકમાં એક નાની ખોલી જેવી દુકાન શોધી કાઢી. સાવ સાંકડી દુકાનમાં બહારના ભાગમાં ચા બનાવવાનો સામાન. અંદર સાવ સાંકડા ભાગમાં બે-ત્રણ ટેબલ ગોઠવેલાં. સ્વચ્છતાથી માંડીને મોકળાશ સુધીની બધી બાબતમાં એ ઠેકાણું નકામું. છતાં, ઇન્સ્ટીટ્યુટની કૅન્ટિનના અખાદ્ય ભોજન કરતાં જે મળ્યું તે ખરું. ત્યાં અમે કાચના ઉભા-લાંબા પ્યાલામાં બે-બે ચા પીતા, બ્રેડનું અડધું પેકેટ લેતા (જે આખા પૅકેટને પૅકિંગ સાથે જ વચ્ચેથી તોડીને આપવામાં આવતું) અને ચવાણું. ચાને લીધે બ્રેડ ગળે ઉતરતી ને ચવાણાને લીધે સ્વાદ લાગતો. આ ગોઠવણમાં હું ને બીરેન બે જ જણ. ત્રીજા સાથીદાર કેતનને આ જગ્યા બહુ ડાઉનમાર્કેટ લાગી હતી (અને હતી પણ ખરી). એટલે એક વાર આવ્યા પછી એ ફરી ન આવ્યો. એ દુકાનના ગલ્લા પર બેસતા કાકા કાયમ રૂપિયા ગણવામાં ભૂલ કરે અને ઓછા રૂપિયા કાપે. પછી અમારે એમને સાચો હિસાબ સમજાવીને બાકીના રૂપિયા આપવા પડે.
વિષમ પરિસ્થિતિમાં રોજેરોજ ચા-બ્રેડ-ચવાણા સાથે દોસ્તી વધુ ને વધુ પાકી થતી ગઈ. ક્યારેક ઘરની ચા પીવાનું મન થાય ત્યારે બીરેન મારા કાકાના ઘરે આવતો. મારાં કાકી (પુષ્પાબહેન કોઠારી, દિવંગત) પ્રેમથી ચા પીવડાવતાં અને કહેતાં કે 'તને જ્યારે મન થાય ત્યારે તારે આવી જવાનું.’ મારા બીજા બે-ત્રણ, ઘરે આવેલા મિત્રોનો પણ કાકીએ આટલા જ પ્રેમથી સત્કાર કર્યો હતો. એટલું જ નહીં, મધ્યમ વર્ગીય હોવા છતાં અને મારા અત્યંત આગ્રહ છતાં, છ મહિના સુધી તેમણે મારી પાસેથી એક પણ રૂપિયો ન લીધો તે ન જ લીધો.
સ્ટાઇપેન્ડ લેવા માટે અમારે દર મહિને બાંદ્રામાં આવેલી ઇન્ડિયન ઑઇલની મુખ્ય ઑફિસમાં જવાનું. ત્યાંની સરસ કૅન્ટિનમાં બે-ચાર વાર જમ્યા હતા. બુફેની લાઇનમાં એકાદ વાર અમારી આગળ અભિનેતા અચ્યુત પોતદારને પણ જોયા હતા. કૅન્ટિનનું સબસિડાઇઝ્ડ જમવાનું અમને ખાસ્સું વૈભવી લાગ્યું હતું. અેટલે અમારી ગેંગની એવી ભાવના રહેતી કે જમવાના ટાઇમે જ સ્ટાઇપેન્ડ લેવા જઈએ. પણ ત્યાં જમવાના અમારા અધિકાર વિશે અમને શંકા રહેતી હતી અને અપમાન થવાની બીક પણ. એટલે દરેક વખતે એ શક્ય બનતું નહીં.
એ વખતે મુંબઇમાં ફિલ્મસંગીતના ઇતિહાસકાર નલિન શાહ સાથે પરિચય અને પછી આત્મીયતા થયાં. નલિનભાઈ મારાથી લગભગ ચાર દાયકા મોટા. આકરા સ્વભાવ માટે જાણીતા. પણ મારી પર રીઝી ગયા. હું તેમના ઘરે જતો. ‘ફિલ્મ ઇન્ડિયા’ના દુર્લભ અંકો એ મને ઘરે વાંચવા લઈ જવા દેતા. તેમની ગેરહાજરીમાં પણ હું એ અંકો લઈ જઈ શકું, એવો અધિકાર તેમણે આપ્યો. નલિનભાઈ ત્યારે પણ ઘણા પ્રસિદ્ધ હતા. મારા જેવા, એક સાવ અજાણ્યા, મહેમદાવાદ નામના કોઈ ગામેથી આવતા છોકરાને તેમણે શા માટે આટલો 'ભાવ' આપ્યો, એ મને સમજાતું નહીં. પણ એ મેળવીને હું ધન્ય થતો. એ અવનવી વાતો કરતા. 1930-1940-1950ના ગાળાના ફિલ્મસંગીતની દુનિયા મારાં આંખકાન સામે ખડી કરી દેતા. બીરેનને ફિલ્મસંગીતમાં વિશેષ રસ નહીં. છતાં 'મળવા જેવા માણસ' તરીકે એ નલિનભાઈને ઘરે મારી સાથે એક-બે વાર આવ્યો હશે.
***
મુંબઈથી સુખેદુઃખે છ મહિના પૂરા કરીને પાછા વડોદરા આવી ગયા, એ દરમિયાન અમારી દોસ્તી ખાસ્સી ગાઢ બની ચૂકી હતી. અહીં આવ્યા પછી થોડા વખતમાં ખબર પડી કે આપણી કાયમી થવાની શક્યતા 99 ટકા હતી, તે હવે સાવ ઢચુપચુ છે.
અમારી વ્યથાનો પાર નહીં. રીફાઇનરીની નોકરી માટે થઈને મેં રેલવેની, સાવ હાથમાં આવી ગયેલી--ત્રણ પરીક્ષા પછી ફક્ત મૅડિકલ ચેક-અપ બાકી હતું એવી--નોકરી જતી કરેલી. અને હવે રીફાઇનરીવાળા કહેતા હતા કે તમારે રવાના થવાનું છે. વ્યાકુળ બનેલા અમે શું કરવું તેના ઉચાટમાં રહેતા. કોઈને આઇડીયા સૂઝ્યો કે વકીલની મદદથી ટ્રેનિંગ સૅન્ટરના વડાને એકાદ પત્ર લખવો જોઈએ. કેતન ઉપાધ્યાયને કોઈ વકીલ ઓળખતો હતો. તે વકીલ પાસેથી પત્ર કરાવી લાવ્યો. તેમાં એવો આરોપ પણ હતો કે અમને 'સિસ્ટમેટીકલી બાયપાસ' કરવામાં આવી રહ્યા છે.
કૅનેડાસ્થિત કેતન ઉપાધ્યાય, તેનો પુત્ર અને બીરેન મહેતા, અમે 'નવસર્જન'ની ઑફિસે મળ્યા હતા ત્યારે. 2009 |
ગુજરાત રીફાઇનરીમાં અમારી ઍપ્રેન્ટીસ-બૅચની યાદી, છૂટા થવાની તારીખ સાથે |
***
1993માં બીરેન મહેતા અને હું બન્ને બેકાર થઈ ગયા. બીરેનના પપ્પા પ્રવીણચંદ્ર મહેતા ગાંધીનગરમાં ગૃહ ખાતામાં ઊંચા હોદ્દે હતા. તેમણે ધાર્યું હોત તો બીરેનને સહેલાઈથી ઠેકાણે પાડી શક્યા હોત. પણ તેમણે બીરેનને પ્રેમથી, પોતાની રીતે જે થાય તેના પ્રયાસ કરવા કહ્યું. એટલે બીરેન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મચી પડ્યો.
રીફાઇનરી છોડ્યા પછી અમારી વચ્ચેનો સંપર્ક જળવાઈ રહ્યો હતો. મુખ્યત્વે પત્રવ્યવહારસ્વરૂપે. એ સમયના ઘણા પત્રોમાંથી નમૂનારૂપે અહીં એકાદ-બે મૂકું છું. તેમાંથી બીરેનના સરસ અક્ષર ઉપરાંત એ વખતની મનોસ્થિતિ અને અમારી આત્મીયતાનો પણ થોડો ખ્યાલ આવશે.
બીરેન મહેતાનો પત્ર |
પરંતુ જે કામ માટે આવ્યો હતો, એ ભારે મૂંઝવનારું પુરવાર થયું. સ્પર્ધાત્મક પરીક્ષાની મારી તૈયારી સાવ અદ્ધરતાલ હતી, જ્યારે બીરેન અને તેના ગાંધીનગરના મિત્રો ભારે સૂઝ અને દૃષ્ટિથી મહેનત કરતા. 'તેઓ શું કરી રહ્યા છે (ને ખાસ તો, તેઓને શું કરવાનું છે) તેની તેઓને ખબર હતી.’ એ જોઈને મને થયું કે આમાં આપણો ગજ નહીં વાગે. એટલે હું ખાસ ઉત્સાહ વગર પાછો આવ્યો. પણ બીરેનના ઘરના સ્વરૂપમાં ગાંધીનગરમાં એક ઘર મળ્યાનો આનંદ થયો. એ ઘરે પછી ઘણી વાર જવાનું થયું. આજે પણ એ ઘરની અને તેના કૌટુંબિક હૂંફથી છલકાતા વાતાવરણની બહુ મધુર સ્મૃતિ મનમાં સચવાયેલી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે નોકરી માટેના બીજા પ્રયાસ ચાલુ જ હતા. તેમાં મારે ગાંધીનગર પાસે આવેલી એક કંપની નામે Gujarat Perstorpમાં ઇન્ટરવ્યુ માટે જવાનું થયું. નોકરી મેળવવા માટે હું આતુર હતો. બલ્કે, હું નોકરી મેળવું તે ઘરની આર્થિક સ્થિતિ માટે ઇચ્છનીય હતું. ગાંધીનગર આમ તો દૂર પડે, પણ 'બીરેન છે' એવી હૈયાધારણ સાથે હું ત્યાં ગયો. એ મને તેના LML Vespa સ્કૂટર પર બેસાડીને લઈ ગયો. (બાકી, એ જમાનો 'હમારા બજાજ'નો હતો). એ કંપનીમાં મને અપૉઇન્ટમૅન્ટ મળી, પણ અપડાઉનની રીતે એ ગોઠવાય એમ ન હોવાથી માંડવાળ કર્યું. બીરેનને પણ ત્યાં અપૉઇન્ટમેન્ટ મળી હતી. થોડો સમય તેણે ગાંધીનગરની 'મધર ડેરી'માં કામ કર્યું. એમ તો મારી પાસે એનું 'ડાબર'ના મૅડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકેનું કાર્ડ પણ સચવાયેલું છે.
આ બધા સમયગાળાનો અમારી પાસે એક પણ ફોટો નથી. ફોટો પડે એવો પ્રસંગ 1995માં બન્યો. એ વખતે અમારા રાજસ્થાની ગાયક મિત્રો અમદાવાદ અને પછી મહેમદાવાદ આવ્યા. મહેમદાવાદમાં જૂના ઘરે અમે મહેફિલ રાખી. તેમાં સ્થાનિક મિત્રો અને બિનીત, પરેશ ઉપરાંત બીરેનને પણ કહ્યું હતું. અમે અગાઉ બે વાર રાજસ્થાની સંગીતનો જાદુ માણી ચૂક્યા હતા. એટલે સંગીતમાં ઊંડો રસ ન હોય તેમને પણ જલસો પડશે તેની ખાતરી હતી. એવું જ થયું. બીરેન ગાંધીનગરથી આવ્યો. રાત રહ્યો. મુખ્ય મહેફિલ પછી બીજા દિવસે ચાલેલી સંગીતમય ધમાલમસ્તી અને ડાન્સમાં પણ સામેલ થયો. એ વખતે અમારા કેટલાક ફોટા પડ્યા. આ ફોટામાં ત્રણમાંથી બે આદિમિત્રો- બીરેન અને બિનીત--મોજુદ છે.
(ઉપરથી) બિનીત મોદી, બીરેન મહેતા, બીરેન કોઠારી, નીલેશ પટેલ (ડાબે) દિલીપ પંચાલ, 1995 |
ઉર્વીશ કોઠારી, બીરેન મહેતા, 1995 |
હું પત્રકારત્વમાં પ્રવેશ્યો તેની આસપાસના ગાળામાં, કદાચ મારાથી થોડોક વહેલો, બીરેન એકથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થયો અને છેવટે કસ્ટમ-ઍક્સાઇઝમાં ઇન્સ્પેક્ટર તરીકે જોડાયો. અમારા રીફાઈનરીના ગ્રુપમાં બીરેનની 'તંદુરસ્તી' (એકવડિયો બાંધો)ની ઘણી વાર મસ્તી થતી. એ જ બીરેન કસ્ટમ-ઍક્સાઇઝમાં ઇન્સ્પેક્ટર બને અને બંદૂક ચલાવવાની તાલીમ મેળવે (કદાચ એમાં તેનો નંબર પણ આવ્યો હતો), એ અમારે મન બહુ આનંદમિશ્રિત રમુજ પ્રેરે એવી વાત હતી. 'મહેતાજીની બંદૂકબાજી' ઠીક ઠીક વખત સુધી મસ્તીનો વિષય રહી. એવા જ કોઈ સંદર્ભે કદાચ બીરેને તેનો આ ફોટો મોકલ્યો હશે.
બીરેન મહેતા |
હું પત્રકારત્વમાં કામ કરતો હતો તેનો બીરેન-પલ્લવીને રાજીપો હતો અને એ બન્ને સરસ રીતે કામ કરતાં હતાં તેનો મને આનંદ હતો. પલ્લવીના પિતા બૅન્કમાં હતા અને તેમનું અકાળે અવસાન થતાં પલ્લવીને બૅન્કમાં નોકરી મળી હતી. તેમના દાંપત્યજીવનનો હું વખતોવખત સાક્ષી અને સાથી બનતો. થોડો સમય તેમને ગાંધીનગરનો બંગલો છોડીને અલગ રહેવાના સંજોગો થયા અને તે ગાંધીનગર બસ સ્ટેન્ડની સામે ઉપરના માળે, કદાચ એક રૂમમાં રહેતાં હતાં, ત્યારે પણ હું ચહીને તેમને ઘેર ગયો હતો અને અમે ત્રણે રાબેતા મુજબ હસીખુશીથી સમય વીતાવ્યો હતો.
બીરેન અને પલ્લવી બન્ને સામાજિક. ધાર્મિક પણ ખરાં. મને સામાજિકવાળું ઓછું ફાવે ને ફવડાવવામાં રસ પણ નહીં. ધાર્મિકતાનું પણ એવું. છતાં, અમારી આત્મીયતામાં એ ક્યાંય વચ્ચે ન આવે. અમારી વચ્ચે મારા પ્રિય વિષયો એવા ફિલ્મસંગીત કે પુસ્તકોની વાત પણ ભાગ્યે જ થાય. હા, બીરેનને વાંચવાનો શોખ ખરો. રાહુલ સાંકૃત્યાયનનું નામ પહેલી વાર મેં એની પાસેથી સાંભળેલું અને એણે જ કદાચ મને 'વૉલ્ગાથી ગંગા’ આપેલું. એમ તો હું અમારી રીફાઇનરી ત્રિપુટીના કેતન ઉપાધ્યાયનો પણ એક વાતે આજીવન આભારી રહીશ કે રીફાઇનરીના ગાળામાં એણે મને સ્વામી આનંદનું 'ધરતીની આરતી' આપ્યું-- મને આવું બધું વાંચવાનો રસ છે એ જાણીને. ત્યાં સુધી મેં સ્વામીનું નામ સુદ્ધાં સાંભળ્યું ન હતું.
***
બીરેન-પલ્લવીને ત્યાં દીકરી આવીઃ રિયા. એ વખતે મેં રિયાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેનાં માતાપિતા અને ફોઈનો મસ્તીભર્યો પરિચય આપ્યો હતો. એવો જ એક પત્ર તેમના પુત્ર વ્યોમના જન્મસમયે પણ લખ્યો. (આ સિલસિલો ત્યાર પછી મિત્ર અશ્વિન ચૌહાણ-સોનલ પંડ્યાને ત્યાં પુત્રી આવી એવા બીજા એક-બે પ્રસંગે પણ આગળ ચલાવ્યો હોવાનું યાદ આવે છે) અમે બન્ને પોતપોતાના ક્ષેત્રમાં કામ કરતા હતા અને એકંદરે સ્થાયી હતા. બીરેનને સરકારી--ખાસ કરીને તેના વિભાગની નોકરીમાં હોઈ શકે એવી શાંતિ હતી ને હોઈ શકે એવા પ્રશ્નો પણ હતા. પલ્લવીને નોકરીની સાથોસાથ સંતાનો ઉછેરવાની જવાબદારી આવી. પણ એ મજબૂત હતી. એ સિવાય, નાનામોટા ચઢાવઉતાર વેઠ્યા પછી પણ બીરેન-પલ્લવીએ તેમની પુત્ર-પુત્રવધુ તરીકેની ફરજો, જોનારની આંખ ઠરે એ રીતે નિભાવી. દરમિયાન તેમને વડીલોની અને ક્યારેક પોતાની તબિયતના પ્રશ્નો થયા. છતાં, એકબીજાના મજબૂત ટેકે તેમનો સંસાર સરસ રીતે આગળ વધ્યો. ગાંધીનગરમાં મોટો બંગલો થયો.
પલ્લવી- બીરેન મહેતા |
બીરેનને ટ્રૅકિંગનો ઘણો શોખ. તેનું શરીર પણ આટલાં વર્ષોથી એકધારું એકવડિયું રહ્યું. પચીસ વર્ષમાં એના વાળના રંગ અને જથ્થા સિવાય ઝાઝો ફરક પડ્યો હોય એવું લાગતું નથી. ટ્રૅકિંગના શોખની સાથે, કદાચ સાહસયાત્રાના હિસ્સા તરીકે, તેને મારુતિ જિપ્સી કારનું ઘણું આકર્ષણ હતું. મને વાહનોમાં જરાય રસ કે લગાવ નહીં. છતાં બેકારીના અરસામાં બીરેન ઘણી વાર અડધું ગમ્મતમાં ને છતાં કંઈક ગંભીરતાથી કહેતો, ‘કોઠારી, આપણે પણ જિપ્સી લાવીશું ને એમાં ફૅમિલી સાથે ફરવા જઈશું. થોડાં તારાં છોકરાં હશે. થોડાં મારાં છોકરાં હશે. એ આપણા ખભે ચઢીને મસ્તી કરતાં હશે...’
હમણાં થોડા વખત પહેલાં મળ્યો ત્યારે મેં બીરેનને પૂછ્યું હતું કે 'જિપ્સીનું કેવું?’ ત્યારે પલ્લવીએ હસીને કહ્યું હતું, 'એને હજુ જિપ્સી બહુ ગમે છે.’
હવે તો બીરેન સહેલાઈથી જિપ્સી લાવી શકે એમ છે. (એક કાર તો છે જ) છોકરાં એને બે ને મારે એક છે. એ પણ અમારા ખભે ચઢીને મસ્તી કરવાની ઉંમર વટાવી ગયાં. છતાં, હજુ એ કલ્પનાનો રોમાંચ તાજો કરવો ગમે છે.
બધી કલ્પનાઓ સાકાર કરવી જરૂરી નથી હોતી. પણ તેમને જેટલી વાર યાદ કરીએ એટલી વખત તેની પાછળ રહેલી મૈત્રીની લાગણી અને 26 વર્ષ પછી પણ એ લાગણીની તીવ્રતા ઓછી થઈ નથી તેનો સુખદ અહેસાસ મનને તૃપ્તિથી ભરી દે છે.
Labels:
Binit Modi,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Subscribe to:
Post Comments (Atom)
વર્ષોથી લખવા છતાં, આ વાંચવામાં જે મજા પડી એને શબ્દરૂપે કઈ રીતે લખવી એ સમજાતું નથી. ઠીક છે, એક શબ્દમાં પતાવું - અફલાતૂન.
ReplyDeleteના, એક શબ્દમાં મજા નથી આવતી. થોડા વધુ શબ્દોમાં કહું તો, સાલો જલસો પડી ગયો.
લખાણ પૂરું થયું ત્યારે એ વાતનો વાંધો પડ્યો કે, લે, પૂરું?
છેલ્લાં વર્ષોમાં થયેલી મુલાકાતોમાંની કેટલીક વાતો-પ્રસંગો આમાં ઉમેરવાં જેવાં છે.
અદભૂત લેખ.સારું થયું કે તમે PERSTOP જોઈન ના કરી આજેય તેનું શેર નું ફરફરિયું ઘરે પડ્યું છે અને અમે એક આદરણીય લેખક ગુમાવ્યો હોત.૧૯૯૧ ના જમાના માં પાછા લઇ ગયા ,મારા ઘણા મિત્રોએ મફત કેન્ટીન નો ઘણો લાભ લીધો હતો અને એક મિત્ર વોટરબેગ માં કોલ્ડ્રીંક ભરી ને ઘેર લાવતો હતો.
ReplyDelete-રાજન શાહ ( વેનકુવાર/નડીયાદ)
આહા!! દસેક વર્ષ પહેલા કહેલી વાત આટલા વરસે પણ સાચી પડી એનો આનંદ!" શાહરૂખ કે સોનિયા જોઈએજ "
ReplyDeleteતમારી વાત યાદ ન આવી. કઈ વાત?
Deleteદસેક વર્ષ પહેલા તમને પ્રથમ પત્ર લખી એમા મળવા માટે હળવા સુરે લખ્યું હતું કે મોટા લેખક તરીકે સેલીબ્રીટી પાસે ટાઇમ ના હોય પણ વાંચકોને ખબર ના હોય એટલે પેંતરા કરે અને કોની લગવગ લગાવીએ તો મુલાકાત થાય એમા સોનિયા કે શાહરૂખ ની ઓળખાણ ચાલે? જેના પ્રત્યુત્તરમા આપે કહ્યુ હતું કે સોનિયા શાહરૂખ ની જરૂર નથી આપના ધારદાર નિરીક્ષણના પાસપોર્ટ સાથે ગમે ત્યારે મળી શકો!અને હવે આપણી ઓળખાણ 50% માથી 100% થઇ!! એ સંદર્ભમા વ્યંગ કર્યો ! હા..હા..હા..હાસ્ય લેખકે આવુ હળવાશ થી લેવુ બહુ ગંભીર ના થવાનુ હોય.
DeleteBiren as usual straight form dil se... nice to know of your journey form college to job to now....and your friends are lucky to have you as such a good friend and vice versa. ....your human side is nicely reflected in this article. ....Carry on with your journey and milestones will keep on arriving ....love n blessings Khuman sir
ReplyDeleteUrvish, superb....બધું જ રિવાઇવ કરાવી દીધું. ખૂબ જ મજા પડી ગઈ, જાણે 25 વષૅ પાછો જતો રહ્યો. Words are too less to describe the bond and memories we share. Thanks a lot for being there, at each of our good and bad times.
ReplyDeleteUrvish Kothari,
ReplyDeleteI read your article with great interest with mixed feelings of nostalgia and fun.
I do remember of all the fun during our refined days! Biren , me and you were not only friends but reason to celebrate good and bad situation at all the time. I knew one fact at that time that- three of us were neither created for refinery nokri nor for it's culture. Your notes with all the details gives me very pleasant feeling as it was my personal wish that you mention sometime about all those platinum days.
I wish i can talk to you and Biren together anytime soon at some khetla aapa tea joint !
Keep in touch.My regards to Biren Muchhala.
Thoroughly enjoyed reading about you and your friends. Thanks from the bottom of my heart for giving me this honour of listing me amongst your friends. You are a friend I always desired and prayed for. It is so nice to see that someone respects and values friendship as much as any other relationship. As I always tell you, you inspire me to meet all the people you talk about. it is I who am blessed with your friendship. Thanks once again. And of course, great article,����
ReplyDeleteકોઈ સંવેદનશીલ વ્યક્તિ પોતાના સ્મરણો વાગોળે ત્યારે વાંચવાનીતો મજા આવેજ પણ અમારા પોતાના યુવાનીના સ્મરણો પણ ઉભરાઈ આવે. ખુબ આભાર.
ReplyDeletetoo good and excellent write-up..feeling nostalgic...thanks a ton for sharing
ReplyDeleteWonderful... from all aspects... presentation, language, incidents... enjoyed... Bhailal Thakkar, Gandhinagar.
ReplyDeleteઆ ઉર્વીશની જબરી ઇર્ષા થાય છે - આવા મિત્રો ને આવા અનુભવ કદાચ સૌને મળતા હશે, પણ એને આવી રીતે વાગોળીને, મજાથી એના વિશે આટલું લખવાની મોકળાશ બધાને નથી મળતી, આવડત તો પછીની વાત છે!
ReplyDelete(બિલકુલ સ્વાર્થીને બનીને, ખપ પૂરતાં બે-ચાર વાક્યો વાંચી લીધાં છે, બધું વાંચવાની ફૂરસદ શોધવી જ પડશે, પણ મિત્રો વચ્ચે સ્વાર્થ છતો કરવાની મોકળાશ તો મને પણ ચોક્કસ છે!)