Monday, February 26, 2024
કૃષ્ણ, સુદામા અને તાંદુલ
વડા પ્રધાને ગયા સપ્તાહે તેમના એક ભાષણમાં એ મતલબનું કહ્યું કે કૃષ્ણ-સુદામાના જમાનામાં અત્યારની ટેકનોલોજી હોત તો કોઈએ કૃષ્ણને તાંદુલ આપતા સુદામાની વિડીયો લઈને સોશિયલ મિડીયા પર ચડાવી દીધી હોત અને કૃષ્ણ પર લાંચ લેવાના આરોપ મુકાયા હોત.
સામાન્ય રીતે રામનો ઉપયોગ કરવા માટે જાણીતા વડાપ્રધાનને ચેન્જ ખાતર કૃષ્ણ સાંભર્યા, તેની પાછળ સર્વોચ્ચ પ્રેરણા કામ કરતી હશે, એવું ધારી શકાય. અલબત્ત, સર્વોચ્ચ પ્રેરણા દર વખતે આધ્યાત્મિક હોય તે જરૂરી નથી. તે દુન્યવી અને કાયદાકીય—એટલે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાંથી પેદા થયેલી પણ હોઈ શકે. ગયા સપ્તાહે સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાનની આગેવાની હેઠળનો શાસક પક્ષ વર્ષોથી જેના મુખ્ય લાભાર્થી રહ્યો છે તેવા ઇલેક્ટોરલ બોન્ડ (દાતાના નામ વિના નાણાંભંડોળ ઉઘરાવવાના બોન્ડ) ગેરબંધારણીય જાહેર કર્યા.
ઘણા સમયથી દેશમાં બંધારણીય મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓની દશા જોતાં, આ સમાચારથી ઘણાને નવાઈ કે આંચકો ન લાગ્યાં. આમ પણ, વોટ્સએપ પર મળતા રેડીમેડ અને ટેલર-મેડ નીરણના બંધાણને કારણે જાતે વિચારવાની આદત રહી ન હોય. એટલે, બીજા અનેક સમાચારોની જેમ તે સમાચાર પણ આવ્યા ને જતા રહ્યા.
એક સમય હતો, જ્યારે ભારતમાં કોઈ ચીજ ગેરબંધારણીય જાહેર થાય તો જાહેર જીવન ખળભળી ઉઠતું, પ્રસાર માધ્યમોમાં વાજબી કાગારોળ મચતી અને લોકો પણ આંદોલિત થઈ ઉઠતા. તે સમય સો કે હજાર નહીં, દસ વર્ષ પહેલાં જ હતો, એવું પણ ઘણાને યાદ આવતું નથી. ઠંડા કલેજે નિયમિતપણે બોલાતાં જૂઠાણાં અને ગરમ કોઠે નિયમિતપણે ચાલતી ધિક્કારસભર આપખુદશાહી—આ બંનેના મિશ્રણની લોકોની યાદશક્તિ પર વધારે ખરાબ અસર થઈ છે કે લોકોની સમજ પર, એ નક્કી કરવું કપરું બને એમ છે. છતાં, કેટલાક લોકો એવા હતા, જેમને લાગ્યું કે સર્વોચ્ચ અદાલતના ઇલેક્ટોરલ બોન્ડ વિશેના ચુકાદા અને વડા પ્રધાનને યાદ આવેલા સુદામાના તાંદુલ વચ્ચે સીધો સંબંધ હશે.
વડા પ્રધાને પોતાની ઓળખ ભલે ફકીર તરીકે આપતા હોય અને કહેતા હોય કે મૈં તો ઝોલા ઉઠાકર ચલા જાઉંગા. પણ અત્યાર લગીની તેમની ભપકાબાજીને ધ્યાનમાં રાખતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પોતાની જાતને સુદામા તરીકે ન જોતા હોય, એ તો સ્પષ્ટ છે. પોતાના માથાડૂબ પ્રેમમાં પડેલો માણસ પોતાની જાતને ભગવાન-સમકક્ષ માનતો હોય અને આજુબાજુનું મંડળ પોતાના સ્વાર્થની પૂર્તિ ખાતર તેનો એવો ભ્રમ પોષતું હોય, તો એ પણ સ્વાભાવિક ગણાય.
વડા પ્રધાનનો કિસ્સો વિલક્ષણ એવી રીતે પણ છે કે તે પોતે અથવા બીજું કોઈ તેમને રામ કે કૃષ્ણ સમકક્ષ ગણાવે તો કશું ન થાય. પોતાની ધાર્મિક લાગણી દુભવવા માટે સદા ઉત્સુક અને તેમાંથી જ પોતાની ગુંડાગીરી-કમ-નેતાગીરીની કારકિર્દી બનાવવા ઝંખતા લોકોને પણ તેનાથી વાંધો ન પડે. ‘ન્યૂ ઇન્ડિયા’માં એવો આખો એક સમુદાય પેદા થઈ ચૂક્યો છે, જે વડા પ્રધાનને ભગવાન સાથે સરખાવા માટે આતુર ન હોય તો પણ, તે બાબતે વડા પ્રધાનનું ઉપરાણું લઈને લડવા ઉતરી શકે. આ નકરી કલ્પના નથી. અયોધ્યાના કાર્યક્રમ પહેલાં બાળસ્વરૂપ શ્રી રામ વડા પ્રધાનની આંગળી પકડીને અયોધ્યાના નવા બનેલા મંદિરે જતા હોય, એવાં પોસ્ટર સોશિયલ મિડીયા પર બહુ ફરતાં હતાં. ‘જય શ્રી રામ’ના નારા લગાડતા અને રાજકારણનો હાથો બનવા તલપાપડ કોઈને તે પોસ્ટર સામે વાંધો પડ્યો હોય, વડા પ્રધાને તે પોસ્ટર વિશે ખેદ વ્યક્ત કરીને પોસ્ટર બનાવનાર અને વહેતું કરનાર સામે પગલાં લેવાની વાત કરી હોય, અને ચાર ઠેકાણે કોર્ટ કેસ થયા હોય—એવું કશું જાણવા મળ્યું નથી.
કૃષ્ણ-સુદામાના વડા પ્રધાને આપેલા રૂપકમાં સુદામા કોણ હોઈ શકે, એની અટકળો ઘણાએ વહેતી મુકી. ઘણાને થયું કે તેમાં ધારવા જેવું શું છે? જવાબ સાવ ઉઘાડો નથી? બદલાયેલા સમયની માગને ધ્યાનમાં રાખતાં સુદામા કોઈ એક જ હોય, એવું પણ શા માટે ધારી લેવું? ઇલેક્ટોરલ બોન્ડના તાંદુલ આપનાર સુદામાઓ તો સેંકડોની સંખ્યામાં છે. નવા જમાનામાં સુદામા જ કૃષ્ણને ત્યાં જાય, એવું પણ જરૂરી નથી. કૃષ્ણની વર્તમાન આવૃત્તિ પોતે સુદામાના ભવ્ય મહાલય કે અંગત વિમાનમાં મુસાફરી કરીને બિચારા સુદામાનો ધક્કો બચાવી લે તો તેમાં ખોટું શું છે?
આધુનિક સુદામાઓને પણ ખબર છે કે તાંદુલના જમાના હવે ગયા. હવે કૃષ્ણ તેમને વિસરે નહીં જાય અને સુદામાએ કામ પડે ત્યારે તેમને સંભારવા પણ ન પડે--એવું થવું જોઈએ. બાળપણના સ્નેહથી પણ અદકેરી એવી આ ગાંઠ ટકા વિના ટકાવી શકાય નહીં. આવા અંતરંગ સંબંધોમાં આશ્ચર્યનું તત્ત્વ નુકસાનકારક નીવડી શકે. આધુનિક કૃષ્ણ આધુનિક સુદામા પાસેથી હક કરીને તાંદુલ લઈ લે, પણ સુદામાને સરપ્રાઇઝ આપવા માટે, પોતે તેમને શું આપ્યું છે, તે ખાનગી રાખે તો મુશ્કેલી થાય. ‘એ સર્વ ધૂર્ત કપટીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા’—એવી પ્રેમાનંદ-પંક્તિ પ્રમાણે વિચારીને આધુનિક સુદામા ક્યાંક નવા કૃષ્ણ શોધી લે તો?
આ બધા કલ્પનાના પતંગ વચ્ચે, બીજો વિચાર પણ આવે છેઃ વડા પ્રધાન પ્રજાના મોટા સમુદાયને જુમલાબાજીના તાંદુલ આપીને, બદલામાં સત્તારૂપે તેનું અનેકાનેક ગણું વળતર ખાટી લે છે, એ જોતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પણ સુદામા હોઈ શકે?
Wednesday, August 16, 2023
વર-કન્યા, (સરકારથી) સાવધાન
આપના વિશ્વાસુ અરજદાર--
Wednesday, July 14, 2021
વડાપ્રધાનથી જૂઠું બોલાય?
કેટલીક બાબતોમાં વર્તમાન વડાપ્રધાન પર તમને ગમે તેટલો ભરોસો હોય, તો પણ સવાલ વાંચીને દુભાઈ ન જશો. આ તાત્ત્વિક સવાલ છે. આ સવાલ એવો પણ હોઈ શકત કે વડાપ્રધાનથી સાચું બોલાય? ગુજરાતીના ચિંતનલેખો વાંચનારા જાણે છે કે સત્ય-અસત્ય, સચ્ચાઈ-જૂઠાણું આ બધી તાત્ત્વિક બાબતો છે. તેના ઉકેલ માટે લાંબી માથાકૂટ કરવી પડે. પણ લેખકોના સારા અને (સારા વાચકોના ખરાબ) નસીબે, સત્ય-અસત્ય વિશે લખવા માટે તેનો અભ્યાસ કરવાની જરૂર હોતી નથી. યથાયોગ્ય અભ્યાસ કરીને લખવામાં આવતો લેખ માહિતીલેખનો ઉતરતો દરજ્જો પામે છે. ગોળગોળ વાતો કરીને, કાંગારૂની જેમ અહીંતહીં વિષયાંતરના ઠેકડા મારતો લેખ જ છેવટે ગુજરાતી ચિંતનલેખની ઊંચાઈએ પહોંચી શકે છે.
તો ચિંતનીય સવાલ એ છે કે વડાપ્રધાનથી જૂઠું બોલાય કે નહીં? તમામ રાજનેતાઓ પર જૂઠું બોલવાના આરોપ થતા રહે છે. નકટા લેખકોની જેમ એવા જ નેતાઓ તેમની સાચી ટીકાને તેમની લોકપ્રિયતાના પુરાવા તરીકે ખપાવવા પ્રયત્નશીલ રહે છે. એટલે તેમની પર જૂઠું બોલવાનો આરોપ મુકાય ત્યારે તે કહી શકે છે કે ‘જુઓ, સત્યાસત્ય તો દર્શનશાસ્ત્રનો વિષય છે અને હું શાસક છું. હું દર્શનશાસ્ત્રમાં ઊંડો ઉતરવા રહું, તો મારા મુખ્ય શસ્ત્ર એવા પ્રદર્શનશાસ્ત્રનું શું થાય?’
આમ, રાજનેતાઓ પાસે જૂઠું બોલવાનું નક્કર કારણ મોજૂદ છે. પરંતુ ઘણા શાસકો પર, જેમ કે વર્તમાન વડાપ્રધાન પર, પારાવાર જૂઠું બોલવાના આરોપ લાગે છે. પારાવારના પ્રવાસી હોવું એ કવિતામાં સારી બાબત છે, પણ જૂઠું બોલવાના સંદર્ભે તે મુશ્કેલી પ્રેરી શકે છે. લોકોને થાય છે કે ‘વડાપ્રધાન થઈને તમે ઠંડા કલેજે જૂઠાણાં ગબડાવો તો અમારે ભરોસો ક્યાં રાખવો?’ આજકાલ કહેતાં ભારતમાં લોકશાહીને ૭૪ વર્ષ પૂરાં થશે. એટલા સમયમાં ઘણા ‘વી ધ પીપલ ઑફ ઇન્ડિયા’ સમજી ચૂક્યા છે કે રાજનેતા બિચારા જૂઠાણું ન બોલે તો રાજ શી રીતે કરે? આવા ઉદારચરિત નાગરિકોની અપેક્ષા એટલી હોય છે કે ‘તમે જૂઠું બોલવામાં થોડું ધારાધોરણ રાખો. સાવ અમારી સામાન્ય બુદ્ધિનું અપમાન થાય એવાં જૂઠાણાં ન બોલો. નદીમાં જેમ ભયજનક સપાટીના આંકા પાડેલા હોય છે, એવી રીતે તમે જૂઠાણાંમાં કમ સે કમ ભયજનક સપાટી જેવું કંઈક તો રાખો.’ આ સંદર્ભે વર્તમાન વડાપ્રધાન સામે કેટલાક લોકોની એવી ફરિયાદ છે કે તે ગમે ત્યારે, મન થાય ત્યારે, ભયજનક સપાટીને ભયજનક સરળતાથી પાર કરી નાખે છે.
આ તો આરોપ છે. સત્ય વિશેના દાર્શનિક ચિંતનની આ જ મઝા છે. તેમાં કયો આરોપ છે ને કઈ સચ્ચાઈ તે ચર્ચા અનંત રીતે ચલાવી શકાય છે. જૂઠામાં જૂઠો માણસ કોઠાકબાડા કરીને નિર્દોષ સાબીત થયા પછી ‘છેવટે સત્યનો જ વિજય થાય છે’ એવું કહી શકે છે—ટીવી કેમેરા સામે આવું કહેતી વખતે તે હસે, ત્યારે તેના હાસ્યના એકેએક બિંદુમાંથી જૂઠાણું ટપકતું દેખાય તો પણ.
આરોપ ગમે તે હોય--અને તે પુરવાર પણ થઈ જાય તો પણ—‘સત્યનો વિજય થશે’ એવું કોઈ પણ કહી શકે છે. માટે એ દિશામાં ન જતાં, વિચારવાનું એ રહે છે કે વડાપ્રધાનથી જૂઠું બોલાય? પહેલી વાત તો એ છે કે વડાપ્રધાન પણ માણસ છે. (જેમને એ વિશે શંકા હોય તેમણે ધીરજ અને સહિષ્ણુતા રાખવી). માણસમાત્ર જૂઠું બોલવાને પાત્ર હોય છે. એક દાર્શનિક માન્યતા એવી છે (અથવા નહીં હોય તો વડાપ્રધાનના પ્રેમી લેખકો ઊભી કરી દેશે) કે ભારતના બંધારણમાં જીવન જીવવાનો જે મૂળભૂત અધિકાર છે (રાઇટ ટુ લાઇફ) તેમાં આપોઆપ જૂઠું બોલવાના અધિકાર (રાઇટ ટુ લાઇ)નો સમાવેશ થઈ જાય છે. લોકશાહીમાં વડાપ્રધાન ભલે તેમના પોતાના વિશે ગમે તે ધારતા હોય કે લોકો સાથે ગમે તેવો વ્યવહાર કરતા હોય,પણ તે રાજા નથી. તે આગેવાન નાગરિક છે અને નાગરિક તરીકે તેમને મળતો ‘રાઇટ ટુ લાઇ’ કોઈ છીનવી શકે નહીં. આવી દલીલ હજુ સુધી ભારત સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં ભલે નથી થઈ, પણ જાગ્રત નાગરિકોએ માનસિક આઘાતથી બચવા માટે આગોતરી તૈયારી રાખવી જોઈએ.
નાગરિક તરીકેનો અધિકાર સિદ્ધ થયા પછી કોઈને એવો વિચાર આવે કે ‘વડાપ્રધાનથી કેટલું જૂઠું બોલાય?’ આ સવાલ પ્રમાણમાં ઉદાર છે. તેમાં ‘બોલાય કે નહીં?’ એવો ધમકીસૂચક પ્રશ્ન નથી. ‘કેટલું બોલાય? એવો પ્રમાણસૂચક સવાલ છે. તેમાં ‘કીડીને કણ અને હાથીને મણ’વાળો ન્યાય લાગુ પાડી શકાય. દરેકને પોતપોતાના હોદ્દા પ્રમાણે બોલવાની સત્તા હોય છે. જેમ કે, ગામનો સરપંચ રાજ્યના મુખ્ય મંત્રી જેવું ન બોલી શકે. હોદ્દા પ્રમાણે બોલવાની સત્તામાં, બોલવાના પ્રકાર સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. એટલે તેમાં આપોઆપ હોદ્દા પ્રમાણે જૂઠું બોલવાની સત્તાનો સમાવેશ થઈ જવો જોઈએ.
‘કેટલું જૂઠું બોલવું?’ તેમાં વળી બે પેટાસવાલ છેઃ ‘કેટલું હળહળતું?’ અને ‘કેટલી વખત?’ આ બંનેમાં પણ હોદ્દાના મોભાનો ખ્યાલ રાખીને જ નક્કી કરી શકાય કે વડાપ્રધાન ઇચ્છે એટલી વખત, ઇચ્છે એટલા વિષયોમાં, ઇચ્છે એટલી હદે જૂઠું બોલી શકે છે. આવી સમજ ખાસ્સા લોકોમાં તો ઉગી ચૂકી છે. બાકીનામાં જે દિવસે તે સમજ આવી જશે, એ દિવસે દેશમાં લોકશાહીનું પૂરેપૂરું ‘કલ્યાણ’ થઈ જશે.
Monday, December 16, 2019
રાજાની ‘બાળ’વાર્તા
તેના રાજમાં દરબારીઓનો તોટો નહીં. એકથી એક ચડિયાતાઃ કોઈ તેની બુદ્ધિ વખાણે, તો કોઈ ભાષણ. કોઈ તેની નિર્ણયશક્તિ વખાણે, તો કોઈ મક્કમતા. વખાણ જ વખાણ...દરબારીઓ જ દરબારીઓ. તેના રાજમાં રૈયતના બે જ ભાગઃ દરબારી ને દુશ્મન. રાજપ્રેમી ને રાજદ્રોહી. રાજા ‘દુશ્મનો’નું કહેલું કંઈ કરે નહીં ને દરબારીઓને કંઈ પૂછે નહીં. દરબારીઓનું એક જ કામઃ રાજા જે કરે તેની બિરદાવલી ગાવાનું, રાજાના ‘દુશ્મનો’ પર તૂટી પડવાનું અને પોતાના રાજપ્રેમને દેશપ્રેમ તરીકે જાહેર કરીને રાજી થવાનું.
રાજાને એક દિવસ મન થયું કે રાજમાં ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે. નાણાંબંધી કરી દઈએ તો કેવું? હવે ‘કેવું?’નો શો જવાબ હોય? રાજાને સૂઝે તે સોના જેવું. તેમાં જ્ઞાનીનું-વિદ્વાનનું શું કામ? રાજાના રાજમાં ‘હાર્વર્ડ’નો નહીં, ‘હાર્ડ વર્ક’નો મહિમા. રાજા તુક્કા છોડે ને પ્રજા ‘હાર્ડ વર્ક’ કરે. હાર્ડ વર્કમાંથી કોઈ બાકાત નહીં—દરબારી પણ નહીં ને દુશ્મન પણ નહીં. ફેર એટલો કે ‘દુશ્મનો’ તર્ક કરે, ટીકા કરે, બિનદરબારી-દરબારી સૌના હિતની વાત કરે, જ્યારે ‘દરબારીઓ’ મોઢા પર રાજાના હસતા મોઢાનું મહોરું ચઢાવીને, હાર્ડ વર્ક કરે અને રાજને દેશ ગણીને રાજી થાય.
રાજાએ તો કરી દીધી નાણાંબંધી. લોકો હેરાનપરેશાન. ધંધારોજગાર ભાંગી પડ્યા. પોતાના પૈસા લેવા લાઇન લગાડવી પડી. પણ રાજાએ જાહેર કરી દીધું કે અમીર ભ્રષ્ટાચારીઓની સાન ઠેકાણે આવી ગઈ છે ને ત્રાસવાદીઓ રૂપિયા વિના ટળવળી રહ્યા છે. માટે, ધીરજ ધરો. બે મહિનામાં બધું ઠીક થઈ જશે.
બે વર્ષ થયાં. કશું ઠીક ન થયું, પણ કબૂલે તો રાજા શાનો? પછી તેને થયું કે ઈતિહાસમાં અમર થવા માટે આટલું પૂરતું નથી. એટલે, થોડા થોડા વખતે રાજા અવનવાં ગતકડાં કાઢે, અડધી રાતે દરબાર ભરે, ઘડીમાં એક વસ્તુ ફરજિયાત કરે, તો ઘડીમાં બીજી. ‘આવતા મહિનાથી ગાડાને લાકડાનાં પૈડાં નહીં, ટાયર જ હોવાં જોઈએ. ટાયર નહીં હોય, તે ગાડાને આકરો દંડ કરવામાં આવશે’ એવો હુકમ છૂટે. ભલે ને રાજમાં ત્યારે બધાં ગાડાંને થઈ રહે એટલાં ટાયર જ ન હોય. લાકડાનાં પૈડાંનું શું કરવું એનું પણ કશું વિચાર્યું ન હોય, છતાં આવા નિર્ણય ક્રાંતિકારી કહેવાય. તે લેતાં પહેલાં પરિણામો વિચારે તેને કાળીયાં કૂતરાં કરડે. ને નિર્ણય જાહેર થઈ ગયા પછી જે પરિણામોની વાત કરે, તેને...રાજપ્રેમીઓ કરડે. નિર્ણયના અમલની વ્યવસ્થા ન હોય તેમાં રાજા શું કરે? ‘દેશપ્રેમ’ની (રાજપ્રેમની) સાબિતી તો લોકોએ આપવાની.
આમ, નિર્ણય-નિર્ણય રમતાં રમતાં રાજાને તો મઝા પડી ગઈ. આ રમતમાં ફાયદો એવો કે રાજા ગમે તે કરે, તો પણ લોકો બે ભાગમાં વહેંચાઈ જાય. રાજા છીંક ખાય તો દરબારીઓ કહેશે, ‘જોયું? કેવી ઐતિહાસિક ને છપ્પન ગામ દૂર સંભળાય એવી છીંક હતી. દુશ્મનોના હાંજા ગગડી ગયા.’ અને ‘રાજદ્રોહીઓ’ કહે, ‘રાજાને શરદી થઈ છે. દવા કરાવો. નહીંતર સળેખમ થઈ જશે ને ભલું હશે તો ટાઢીયા તાવમાં રાજા લવરી કરવા ચડી જશે.’ રાજપ્રેમીઓમાં પણ બહુ પ્રકાર ને રાજદ્રોહીઓમાં પણ ઘણું વૈવિધ્ય. છતાં, દરેક બાજુને એક જ રંગમાં રંગી નાખવાનું સામેવાળાને એટલું ફાવી ગયેલું કે રાજાને મઝા થઈ ગઈ. તેને થયું કે આવી રીતે આ લોકો લડતા રહે, તો આપણું રાજ ચાલ્યા જ કરે ને છેવટે કંઈ નહીં તો સૌથી લાંબું રાજ કરવા બદલ પણ ઈતિહાસમાં નામ થઈ જાય—આપણી મૂળ સ્કીમ તો એ જ છે ને.
રાજમાં સામાન્ય માણસના માથે મુસીબતોના પહાડ ખડકાયેલા. ખાવાનું મોઘું, ભણવાનું મોંઘું, બીમાર પડવાનું મોંઘું. નોકરી મળે નહીં, ધંધા ચાલે નહીં. પણ આવું કહો એટલે રાજપ્રેમીઓ આવી જાય,’આવું કંઈ પહેલી વાર થયું છે? પહેલાં આ બધું ચાલતું હતું ત્યારે તમે ક્યાં હતા?’ ધીમે ધીમે થોડા,બહુ થોડા રાજપ્રેમીઓને વિચાર આવ્યો, ‘પહેલાં બધું ચાલતું હતું, એટલે તો આપણે એ રાજ ઉથલાવી નાખ્યું. પછી પણ એવું ને એવું જ સહેવાનું? ને ઉપરથી દાદાગીરી?’
લોકો પોતાની મેળે સ્વસ્થતાથી વિચારતા થાય તેનાથી મોટો રાજદ્રોહ કે વિદ્રોહ કયો હોય? પણ રાજાને ઈતિહાસમાં નામ અમર કરવાનું. તે કંઈ એમ હાર માને? લોકોને રોવડાવે કે નશો ચડાવે એવાં અનેક પગલાં લીધાં પછી પણ વિરોધની ચણભણ ચાલુ રહી. એટલે રાજાએ નવું ગતકડું કાઢ્યું : ચાલો, અમુક લોકોની વફાદારીની કસોટી કરો, તેમની વફાદારીના પુરાવા માગો, અમુક લોકોને છાનામાના નહીં, ખુલ્લેઆમ બાકાત કરતો કાયદો લાવો. પછી? તેનો જોરદાર વિરોધ થશે ને ફરી લોકો બે ભાગમાં વહેંચાશે. એટલે આપણું કામ થઈ ગયું. આપણું શાસન અમર-આપણું નામ પણ ઈતિહાસમાં અમર.’
--ઈતિહાસમાં અમર તો ખરું, પણ ‘તરંગી મહંમદ તઘલક અને ભાગલાવાદી મહંમદઅલી ઝીણાની સાથે’ એવું કોણ બોલ્યું?
Thursday, August 09, 2018
એક જાગ્રત ભજિયાંપ્રેમીનો ઇન્ટરવ્યુ
ગુજરાતી સામયિકોમાં સાવ અનોખું અને સાવ જુદી ભાત પાડતું આ સામયિક હાસ્યલેખ ઉપરાંત હાસ્યવ્યંગની દૃશ્યાત્મક સામગ્રી પર ઘણો ભાર મૂૂૂૂકે છે.આ માસિકની છૂટક નકલ ખરીદવા કે વાર્ષિક લવાજમ ભરવાા માટે સંપર્ક : 63596 50012, cartoonselfie.com
વરસાદ આવે એટલે ભીની ભીની કવિતાના અને ગરમાગરમ ભજિયાંના ઘાણ ઉતરવા લાગે. બંનેમાં એક ફરક એ કે ભજિયાં ઉતારનારને કંઈક અગવડ-ત્રાસ વેઠીને વરસાદમાં લારી ચલાવવી પડે, પણ તેના ગ્રાહકોને મઝા પડી જાય. કવિતાના મામલે ત્રાસ અને મઝાનું સમીકરણ ઉલટાઈ જવાની સંભાવના પૂરેપૂરી. સાહિત્યની સાથે (અને સાહિત્યના) હાઇજીનની ચિંતા સેવનારાં અને તેની ચિંતામાં ને ચિંતામાં આરોગ્ય બગાડનારાં ઘણાંને એવો પણ પ્રશ્ન થાય : શું વધુ નુકસાન કરે? કાચી કવિતા કે કાચાં ભજિયાં? નામબદલીના જમાનામાં એકાદ ભજિયાંપ્રેમી સાહેબ આવી જાય તો તે વર્ષાઋતુને હવેથી સત્તાવાર રાહે ભજિયાંઋતુ ગણવી, એવો પરિપત્ર પણ કાઢી શકે. લોકોની સાચીખોટી લાગણી પંપાળીને જ ચૂંટણી જીતવી હોય તો પછી કોમવાદી કે જ્ઞાતિવાદીને બદલે ભજિયાંવાદી લાગણીનું તુષ્ટિકરણ શું ખોટું?
આવા અનેક વિચારો વચ્ચે એક રીઢા ભજિયાંપ્રેમી સાથેની મુલાકાતનો આરંભ થયો.
નમસ્કાર
એ બધું તો ઠીક છે. આપણે પહેલાં ભજિયાનો ઑર્ડર આપ્યો કે નહીં?
આપી દીધો ભાઈ. મને ખ્યાલ છે કે તમે પ્રખર ભજિયાંવાદી છો.
જેમ હત્યા કરપીણ જ હોય, ઉજવણી પરંપરાગત હર્ષોલ્લાસથી જ હોય ને મામલો બીચકતો જ હોય, એવા અંદાજમાં તમે મને 'પ્રખર' કહી દીધો. મને એ પણ ખબર છે કે તમે મને જાહેરમાં પ્રખર ને ખાનગીમાં રીઢો ગણતા હશો. મને એની પરવા નથી. એક વાત તમે સમજી લો. કોઈ પણ માણસ કાં ભજિયાંપ્રેમી હોય કે ભજિયાંવિરોધી, સંસ્કૃતિવિરોધી અને દેશદ્રોહી...
અરે, તમે તો વગર ચટણીએ વહી ગયા ને દેશદ્રોહ સુધી પહોંચી ગયા...
આજકાલ માહોલ એવો છે કે ભજિયાં-ચટણીની સાથે પ્લેટમાં મરચાં ન આવ્યાં હોય તો પણ બોલી જવાય છે, 'અલ્યા દેશદ્રોહી, મરચાં ક્યાં છે? પાકિસ્તાન મોકલી આપ્યાં કે શું?.. તો પછી લાવ ને...’
ઠીક છે. આપણે એ બાજુ જવાને બદલે મુદ્દાની વાત પર આવીએ. તમને કઈ જાતનાં ભજિયાં વધારે ભાવે?
જાત પર જવાનું કમ સે કમ ભજિયાંની બાબતમાં તો રહેવા દો. મને બધી જાતનાં ભજિયાં ભાવે ને ધારો કે ન ભાવે તો પણ હું તેમની સામે ખાર રાખતો નથી. તુલસી આ સંસારમાં, જાતજાતનાં ભજિયાં/ કોને ગણવાં પારકાં ને શીદને કરવા કજિયા.
વાહ, તુલસીદાસનો આ દોહો તો કદી સાંભળ્યો જ નથી.
તુલસીદાસે પણ નથી સાંભળ્યો તો તમે ક્યાંથી સાંભળ્યો હોય? પ્રભુનો મહિમા સમજવા માટે જેમ પ્રભુમય થવું પડે તેમ ભજિયાંની લીલા પામવા માટે ભજિયાંને સમર્પીત થવું પડે.
આમજનતાના લાભાર્થે જરા એ કહેશો કે તમે ભજિયાં કોને ગણો?
આ તો બુધવાર કયા વારે આવે છે ને સાડા નવની લોકલ કેટલા વાગ્યે આવે છે, એવો સવાલ થયો. ભજિયાં ભારતના નાગરિક નથી કે તેમને નાગરિક ગણાવા માટે ને નાગરિક તરીકે પુરવાર થવા માટે આધાર કાર્ડ કરાવવાં પડે.
મારો પૂછવાનો મતલબ હતો, તમે ગોટાને ભજિયાં ગણો? અને દાળવડાંને?
અમે ભજિયાંવાદીઓ આવા ભેદભાવમાં માનતા નથી. અમારા માટે ભજિયાં એટલે તળેલો ચણાનો લોટ. ઈશ્વરની જેમ ભજિયાંને અમે અનેક સ્વરૂપે ભજી શકીએ છીએ અને એ બધાં અમને એકસરખાં વહાલાં છે.
ભજિયાંનાં પ્રકારો વિશે થોડો પ્રકાશ પાડશો?
આ થિયરીનો વિષય જ નથી. છતાં ભજિયાંનું ખરાબ ન દેખાય એટલા માટે ટૂંકમાં તમને કહી દઉં. ભજિયાં, દાળવડાં, બટાટાવડાં, ગોટા, પકોડા, બ્રેડપકોડા...આ બૃહદ ભજિયાં પરિવાર છે. એ દરેકનો આગવો ચાહકવર્ગ છે. ભજિયાંવાદીઓમાં પરંપરાગત અને પ્રયોગાત્મક જેવા પ્રકાર પણ હોય છે. જોકે, સાહિત્યવાળાની જેમ એ લોકો એકબીજા સાથે લડતા નથી- એકબીજાને ઉતારી પાડતા નથી, પણ એકબીજાનું સારું ગ્રહણ કરવાની તૈયારી રાખે છે.
આ વળી નવું...
લડતા નથી એ?
ના, આવા પ્રકાર છે એ... ભજિયાં ગરમ હોય ને વાસી પણ હોઈ શકે, એવું સાંભળેલું, પણ તેમાં પરંપરા અને પ્રયોગ?
કેમ નહીં? ગઈ કૉન્ફરન્સમાં અમે જેમને 'ભજિયાંશ્રી' ના સન્માનથી નવાજ્યા હતા, એ ભાઈ ડુંગળીમાંથી બાર-તેર જાતનાં ભજિયાં બનાવે છે. અમને ખાતરી છે કે તે જગતની કોઈ પણ ચીજમાંથી ભજિયાં બનાવી શકે છે...ચીઝ, પનીર, ચૉકલેટ, આઇસક્રીમ, કેક... એ પરંપરાભંજક છે. ભજિયાંના મામલે એ 'નો રીપીટ થિયરી'માં માને છે. આગલી વખતે ખાધાં હતાં એવાં ભજિયાં કદી રીપીટ નથી કરતા. એક વાર એમણે પિત્ઝાનાં ભજિયાં બનાવ્યાં હતાં. હમણાં તે ગુજરાતની કદરદાન જનતા માટે બે નવા પ્રયોગ કરી રહ્યા છે. એક તો ડ્રાયફ્રુટનાં ભજિયાં અને બીજાં છે, જુદા જુદા પ્રકારના ખાખરાનાં ડાયેટ ભજિયાં. હવે તમે જ કહો, તેમની પ્રયોગશીલતા અને સર્જકતાને કેવી રીતે ઓછી અંકાય?
ડાયેટ કોક ને સુગરફ્રી આઇસક્રીમ સાંભળેલાં, પણ ડાયેટ ભજિયાં?
ગુજરાતની જનતા સમક્ષ ટકી રહેવું સહેલું નથી. પડકારો માણસને પુરુષાર્થી બનાવે છે ને પુરુષાર્થથી તે પ્રારબ્ધ ઘડે છે.
તમે પાર્ટટાઇમ ચિંતનનું પણ કરો છો?
ખરેખર તો આ સવાલ તમારે ચિંતકોને કરવો જોઈએ કે તમે પાર્ટટાઇમ ભજિયાંનું પણ કરો છો?
ઓ.કે. ભજિયાં સાથે ચટણી હોવી જોઈએ કે નહીં, એ વિશે તમે શું માનો છો?
એક વાત યાદ રાખો. તમે અંગ્રેજ નથી ને અમે ભજિયાંપ્રેમીઓ આ બાબત પૂરતા ભારતીયો જેવા નથી. એટલે તમે અમારી વચ્ચે ફાટફૂટ પાડીને અમને લડાવી નહીં શકો. હું માનું છું કે ચટણી બાબતે અમારી બિરાદરીમાં મતભેદો છે. ભજિયાંના સ્વાદની એકતા અને અખંડિતતાના આગ્રહી એવા લોકો ચટણીને બિનજરૂરી ગણે છે. કેટલીક જગ્યાએ ભજિયાં કરતાં ચટણી વધારે વખણાય ત્યારે તેમની હાલત તીખા મરચાંનું ગરમાગરમ ભજિયું ચવાઈ ગયું હોય એવી થઈ જાય છે. પણ હું એટલું જ કહીશ કે એ અમારો આંતરિક મામલો છે. ચટણી બાબતે સામસામા છેડે ઉભેલા લોકો ભજિયાંની ટીકા થાય ત્યારે એક થઈ જાય છે. ભાજપકૉંગ્રેસવાળાએ સહિયારી ભજિયાંક્લબો ચાલુ કરવી જોઈએ. તો રાષ્ટ્રીય એકતાનું મોટું કામ થશે.
અત્યારે બધાની લાગણી દુભાય છે, તો અખિલ ભારતીય ભજિયાંત્મક મંડળના હોદ્દેદાર તરીકે તમારી લાગણી કદી દુભાતી નથી?
દુભાય છે ને. જ્યારે ભજિયાંને ચીપ, કક્ષાહીન કે બિનઆરોગ્યપ્રદ ગણાવવામાં આવે ત્યારે લોહી ઉકળી ઉઠે છે. ક્યારેક ફળવાળા ફેરિયાઓ 'ભજિયાંભૂસાં કરતાં સારાં' એમ કહીને ફળો વેચવાના પ્રયાસ કરે ત્યારે મને તેમની દયા આવે છે. થાય છે કે કેવું પામર જીવન, જેમને પેટ ભરવા ખાતર ભજિયાંની ટીકા કરવી પડે? ભજિયાંવાળાને કદી એવું કહેવું પડે છે કે 'કેળાં-સફરજન કરતાં વધારે સ્વાદિષ્ટ?’ જરૂર જ નથી. ભજિયાંની લીટી પોતાના જોર પર જ એટલી મોટી છે કે બીજાની લીટીઓ ભૂંસવાની અમારે જરૂર પડતી નથી.
તમારા ભજિયાંપ્રેમનો કોઈ યાદગાર પ્રસંગ?
એક વાર હું અમેરિકા ગયો હતો. ત્યાંના ચોમાસાની વાત નીકળી. એટલે એક મિત્ર કહે, 'અમારે ત્યાં સારો વરસાદ છે, ચોક્સાઈથી આગાહી કરતો હવામાનવિભાગ છે, ભૂવા ન પડે ને ખાબોચિયાં ન ભરાય એવા કાદવકીચડ વગરના રસ્તા છે...તમારે ત્યાં શું છે?’ ત્યારે મેં શશિ કપૂરના અંદાજમાં કહી દીધું હતું, 'અમારી પાસે ભજિયાં છે.'