Wednesday, May 31, 2017
ધર્મ, રૂઢિચુસ્તતા, બંધારણ અને માનવતા
ત્રણ વાર 'તલાક' અને મુસ્લિમ સમાજ વિશે લખવામાં અતિસરળીકરણ થઈ જવાની સંભાવના ઘણી રહે છે. સૌ પ્રથમ તો, આ રીતે તલાક આપવા તે ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં, એ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનવણી પૂરી થઈ ચૂકી છે. બીજી વાતઃ ત્રણ તલાકનો વિરોધ કરનારાએ યાદ રાખવાનું છે કે આ જોગવાઈનો ઉપયોગ કરનારા મુસ્લિમોનું પ્રમાણ નજીવું છે. માટે, વ્યાપક મુસ્લિમ સમાજને ટ્રિપલ તલાકના નામે બદનામ કરી શકાય નહીં.
'ટ્રિપલ તલાક'ના વિરોધનો વિરોધ કરનારે યાદ રાખવું જોઇએ કે અદાલતમાં દાદ મુસ્લિમ મહિલાઓએ માગી છે. આથી, મામલો 'મુસ્લિમ વિરુદ્ધ હિંદુ' કે 'મુસ્લિમ વિરુદ્ધ અન્ય ધર્મીઓ' જેવી ખેંચતાણનો નથી અને તેને એ ખાનામાં ન મૂકવો જોઇએ. કોઇ મુસ્લિમ એવું ઇચ્છે કે 'બીજા ધર્મના લોકોને અમારી અંગત ધાર્મિક બાબતમાં કે પરંપરામાં અભિપ્રાય આપવાનો અધિકાર નથી', તો તેમનું આ વલણ લોકશાહી દેશમાં સ્વીકારી શકાય નહીં. મુસ્લિમદ્વેષમાં સરી પડ્યા વિના કે કોમવાદના રાજકારણના હાથા બન્યા વિના, સામાજિક જાગૃતિના ભાગ તરીકે આવા રિવાજની બેશક ટીકા કરી શકાય. અન્યાયી લાગતા (ત્રાસવાદવિરોધી જેવા) કાયદાની ટીકા થઈ શકતી હોય છે, તો અન્યાયી જણાતી પરંપરાની કેમ નહીં?
ટીકા કરનારે એટલું ધ્યાન રાખવાનું કે તેમની ટીકાનો ધક્કો સ્ત્રીને થતા અન્યાયમાંથી અને 'આવું તો કેવી રીતે ચલાવી લેવાય?' એવી પ્રતીતિમાંથી આવવો જોઇએ-- નહીં કે મુસ્લિમોની છડેચોક, આકરી ટીકા કરવાની તક મળી-તેમના પ્રત્યેનો દ્વેષ ફેલાવવાની કે દૃઢ કરવાની તક મળી એમાંથી. મુસ્લિમોએ પણ કઈ ટીકા દ્વેષથી થાય અને કઈ ટીકા સદભાવથી, તેનો ફરક સમજવો પડે અને એ સ્વીકારવું પડે કે બીજા પક્ષના કુરિવાજ પ્રત્યે આંગળી ચીંધવાથી પોતાનો કુરિવાજ વાજબી ઠરી જતો નથી. આ તબક્કે કોઈને એવો સવાલ થાય કે 'ટ્રિપલ તલાકને પરબારો 'કુરિવાજ' કેમ કહી શકાય? અને એવું કહી દેનારા તમે કોણ?’ તેનો સાદો જવાબ આટલો જ છેઃ કોઈ પુરૂષ પોતાની પત્નીને ત્રણ વાર 'તલાક' બોલીને છૂટાછેડા આપી શકતો હોય (અને સ્ત્રી પાસે એવો વિકલ્પ ન હોય) ત્યારે, એ રિવાજ સમાનતાની અને કુદરતી ન્યાયની સાદી સમજનો ભંગ કરે છે--અને એટલું સમજવા માટે કોઈ ગ્રંથના કે બંધારણના અભ્યાસની જરૂર નથી.
મોટા ભાગના મુસ્લિમો ટ્રિપલ તલાકની અનિષ્ટ જોગવાઈનો ઉપયોગ કરતા નથી, તે આનંદની વાત છે. એ જ કારણથી, મુસ્લિમોએ--ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે-- ટ્રિપલ તલાકની નાબૂદીની સામેથી જાહેરાત કરવી જોઈએ. ઇસ્લામની શક્તિ ને ધાર્મિક મુસ્લિમોનું આત્મસન્માન એટલાં તકલાદી ન હોય કે 'ટ્રિપલ તલાક'ની નાબૂદીથી તેને ઘસરકો પહોંચે. પર્સનલ લૉ બૉર્ડને કે ટ્રિપલ તલાકના વિરોધનો વિરોધ કરનારા ઘણાને ડોશી મરે તેનો ભય નથી. જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે. એક વાર મુસ્લિમોના અંગત ધાર્મિક મામલામાં દખલના દરવાજા ખુલી ગયા, તો ભવિષ્યમાં દરેક બાબતમાં બીજા લોકોનો ચંચુપાત વધી શકે છે--ખાસ કરીને, સામાજિક-ધાર્મિક મુદ્દામાંથી રાજકીય રોકડી કરવા ઇચ્છતા નેતાઓનો. આ બીક વાજબી છે, પરંતુ તેનો ઉકેલ ટ્રિપલ તલાક જેવા મુદ્દાને ધાર્મિક ઓળખ સાથે સાંકળવામાં કે ટ્રિપલ તલાકના ટીકાકારોને તેમના પક્ષનાં છીંડાં બતાવવામાં નથી.
ધર્મના નામે ચાલતા કુરિવાજ-અનિષ્ટ પરંપરાઓનો વિરોધ બીજા ધર્મના લોકો કરતાં એ ધર્મનો માણસ વધારે સારી રીતે કરી શકે. અનેક ખાસિયતો અને જ્ઞાતિપ્રથા જેવાં તોતિંગ અનિષ્ટ ધરાવતા હિંદુ ધર્મમાં અનેક સંતકવિઓથી માંડીને વિદ્રોહીઓ અને સમાજસુધારકો થયા. તેમણે સમાજનો--ખાસ કરીને પોતાના ધર્મના લોકોનો-- આકરો વિરોધ વેઠીને પણ પોતાની વાત મુકી. એટલા પ્રમાણમાં ભારતીય મુસ્લિમ સમુદાયમાં એવું ન બન્યું. 1857ના સંગ્રામ પછીના અરસામાં મુસ્લિમોને અંગ્રેજી કેળવણી ભણી વાળનાર સર સૈયદ અહમદ હોય, મહંમદ ઇકબાલ જેવા મોટા ગજાના કવિ હોય કે પછી એક જમાનામાં 'મુસ્લિમ ગોખલે' બનવા ઇચ્છતા મહંમદઅલી ઝીણા, એ બધાને આખરે સમાજસુધારાને બદલે એક યા બીજા પ્રકારની પરંપરાગત ધાર્મિક ઓળખના શરણે જવું પડ્યું. બીજી તરફ બાદશાહખાન જેવા નેતાઓ ઇસ્લામને વળગીને અહિંસાના રસ્તે ચાલ્યા કે ડૉ.અન્સારી-મૌલાના આઝાદ જેવા નેતાઓએ ગાંધીજીની કૉંગ્રેસ સાથે તેમની કારકિર્દી સાંકળી, ત્યારે વ્યાપક મુસ્લિમ સમર્થન મેળવવાનું- ટકાવી રાખવાનું તેમના માટે અઘરું સાબીત થયું. (બાદશાહખાને અંગ્રેજોની જેલ કરતાં મુ્સ્લિમોના અલગ દેશ પાકિસ્તાનની જેલમાં વધુ સમય વીતાવ્યો-વધુ અત્યાચાર વેઠ્યા)
આમ પણ, ધાર્મિક ઓળખનો મામલો પેચીદો હોય છે. મુસ્લિમોનો અલગ દેશ માગનાર ઝીણા મૂળભૂત રીતે ધાર્મિક ન હતા, જ્યારે ભારતને પાકિસ્તાનનું હિંદુ અડધીયું ન બનવા દેનાર ગાંધીજી પોતાની જાતને ચુસ્ત હિંદુ તરીકે ઓળખાવતા હતા. અત્યારની આઇ.ટી.ની પરિભાષામાં ધર્મને ઘણે અંશે ઑપરેટિંગ સીસ્ટમ (OS) સાથે સરખાવી શકાય. ઑપરેટિગ સીસ્ટમના સૉફ્ટવેરમાં રહેલાં છીંડાં કે નબળી કડીઓ થકી વાઇરસ ઘૂસી આવે અથવા સમય પ્રમાણે ફેરફાર (અપડેટ્સ) ન થયા હોય તો પણ વાઇરસ આવી પડે. મૂળ ઑપરેટિગ સીસ્ટમ ખરાબ નથી હોતી, પણ અસહિષ્ણુતાના પર્યાય જેવી 'ધાર્મિક લાગણી’, ધર્મનું સગવડીયું અર્થઘટન કે ધર્મઝનૂન જેવા વાઇરસ ઑપરેટિગ સીસ્ટમને ખરાબ કરે છે. એ સમયે બે વિકલ્પ રહે છેઃ વાઇરસને ક્લીન કરીને ઑપરેટિગ સીસ્ટમને ચોખ્ખી રાખવી અથવા વાઇરસને પણ ઑપરેટિગ સીસ્ટમના હિસ્સા તરીકે ગણીને, વાઇરસની ટીકાને ઓપરેટિંગ સીસ્ટમની ટીકા ગણવી. ધાર્મિક સ્વતંત્રતામાં પોતાના ધર્મને બગાડવાની કે તેને ચૂપચાપ બગડવા દેવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? એ પોતાની જાતને ધાર્મિક ગણતા સૌએ વિચારવા જેવો સવાલ છે.
ધર્મનો સંબંધ નૈતિકતા અને નૈતિક ફરજ સાથે છે. તેને કાયદા અને બંધારણના પથ્થર પર કસવામાં આવે એ સ્થિતિ આમ તો ઇચ્છનીય નથી. પરંતુ ધર્મના નામે ધાર્મિક લાગણી, અનિષ્ટ રિવાજો, પરધર્મીઓ માટેના દ્વેષ, હિંસા, શોષણ, દુરાચાર જેવી લાગણીઓ ઉભરાવા લાગે, ત્યારે કોરટકચેરી વિના આરો રહેતો નથી. ધર્મના મામલે ઘણી વાર અદાલતો પણ યથાસ્થિતિને બહુ છંછેડવાનું પસંદ કરતી નથી અને 'ધાર્મિક લાગણી'ને શક્ય એટલી જાળવી લેવાનો પ્રયાસ કરે છે. ટ્રિપલ તલાક વિશેની સુનવણીમાં સર્વોચ્ચ અદાલતે એ મતલબનું કહ્યું હતું કે જો આ રિવાજ ધર્મનો અભિન્ન હિસ્સો હશે તો અદાલત તેને બહાલી આપશે. ધર્મના નામે ચાલતા રિવાજ અને માનવતા---એ બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે, ત્યારે માનવતાને તડકે મૂકનારા ખરેખર તો તેમનો ધર્મ ચૂકે છે અને તેમના ધર્મને નીચો પાડે છે. કારણ કે કોઈ ધર્મ માનવતાની ઉપર હોઈ ન શકે અને માનવતાને અવગણવાનું કહેનાર સાચો ધર્મ ન કહેવાય.

Wednesday, May 24, 2017
આ છે જાતે અનુભવેલું, સંવેદનસભર સિઆચેન
Harshal Pushkarna at Siachen with Jawans/ સિઆચેનમાં જવાનો સાથે હર્ષલ પુષ્કર્ણા |
આપણા ગૌરવનું એવું છે. કોઈ ટોણો મારે ત્યારે યાદ આવે કે પછી કોઈ ચગડોળે ચડાવે ત્યારે. બાકી, એક ગુજરાતી પત્રકાર, હર્ષલ પુષ્કર્ણા, વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર એવા સિઆચેનની એકલપંડે મુલાકાત લે, સિઆચેન બેઝ કૅમ્પથી ઉપર, 19 હજાર ફીટથી પણ વધુની ઊંચાઈએ આવેલી કેટલીક ચોકીઓનો હૅલિકોપ્ટરમાં બેસીને આંટો મારી આવવાને બદલે, ટ્રેકિંગ કરીને જાય (અને એમ કરનાર સંભવતઃ પહેલા ભારતીય પત્રકાર બને), આખી સાહસયાત્રા તે સૈન્યના હિસાબે ને જોખમે-તેમની પર બોજ બનીને પાર પાડવાને બદલે, ગાંઠના ખર્ચે સંપન્ન કરે, તે માટે જીવનું જોખમ ખેડે, શારીરિક સજ્જતા કેળવે, આકરી શારીરિક-માનસિક કસોટીઓમાંથી પાર ઉતરે--અને ગુજરાતી જ નહીં, રાષ્ટ્રીય પત્રકારત્વમાં વીરલ કહેવાય એવા અા અનુભવ પર ગુજરાતીમાં એક પુસ્તક લખે, આ અનુભવ પછી જવાનો વિશે લોકોમાં સંવેદના કેળવવા માટે ઠેર ઠેર પોતાની ઉલટથી કાર્યક્રમો કરે..
...અને ગુજરાત વિશે ગૌરવ ધરાવતા આપણામાંથી મોટા ભાગના લોકોને એ વિશે ખ્યાલ પણ ન હોય.
હા, માહિતીના વિસ્ફોટના યુગમાં, સોશ્યલ નેટવર્કિંગનાં ઉભરાતાં સ્ટેટસ વચ્ચે, આવું પણ બને. હર્ષલ પુષ્કર્ણાનું નામ જ્ઞાનવિજ્ઞાનના માસિક ‘સફારી’ના સંપાદક તરીકે ગુજરાતી વાચકોમાં જાણીતું છે. છેલ્લા બે દાયકાથી થતી યુવા પત્રકારો-લેખકોની ગણતરીમાં તેમનું નામ ક્યારેક જ દેખાયું હોય, તો એ પ્રશ્ન ગણતરી કરનારનો છે. બાકી, હકીકત એ છે કે ગુજરાતીને જ્ઞાનભાષા તરીકે યુવા પેઢી સુધી પહોંચાડવામાં પ્રતાપી પત્રકાર- પિતા નગેન્દ્ર વિજયની સાથે હર્ષલ પુષ્કર્ણાનો પણ મોટો ફાળો રહ્યો છે. દાયકાઓના અવિરત જ્ઞાનયજ્ઞ પછી હર્ષલે કરેલી સિઆચેનની સફર માત્ર તેમની કે 'સફારી’ની જ નહીં, ગુજરાતી વાચકોની ક્ષિતિજો વિસ્તારે એવી છે. તેમનું 232 પાનાંનું પુસ્તક ‘આ છે સિઆચેન’ અજાણી-ઓછી જાણીતી માહિતી, વિશ્લેષણ અને દુર્લભ-રંગીન તસવીરોથી ઠાંસોઠાંસ ભરેલું છે.
સિઆચેન વિશેનું ગુજરાતીમાં આ પહેલું પુસ્તક છે, પરંતુ તેમાં કેટલીક વિગતો અને ઘણી તસવીરો એવી છે, જે અંગ્રેજી સહિત બીજી કોઈ ભારતીય ભાષાના પુસ્તકોમાં જોવા નથી મળતી. સત્તર પ્રકરણમાં વહેંચાયેલું આ પુસ્તક સિઆચેન સમસ્યાનાં ઇતિહાસ-ભૂગોળ-સરહદી વિવાદ અને કાતિલ હવામાનની તલસ્પર્શી જાણકારી આપ્યા પછી વાચકને બર્ફીલા પહાડ, થીજાવી દેતી ઠંડી અને તેની વચ્ચે જલતી માનવસંવેદનાની જ્યોતથી જાણે રૂબરૂ કરાવે છે. માઇનસ પચીસ-ત્રીસ ડિગ્રીની ઠંડી જ્યાં સામાન્ય ગણાય, તે સિઆચેનને સરહદ આંકતી વખતે રેઢું મૂકી દેવાયું હતું. પણ જતે દિવસે તેનું એવું વ્યૂહાત્મક મહત્ત્વ થયું કે ભારે ખુવારી વેઠીને પણ એ પ્રદેશ પર સૈન્ય તહેનાત રાખવું પડે. જો ભારત સહેજ ઢીલું મૂકે તો એ પ્રદેશ પર પાકિસ્તાન કબજો જમાવી દે. (કારગીલમાં પાકિસ્તાને આવો વિશ્વાસઘાત કર્યા પછી તેની પર આ બાબતે બિલકુલ ભરોસો મૂકી ન શકાય.)
સિઆચેન ભારતનું છે તેની પ્રતીતિ સતત થતી રહે એ માટે ભારતીય સૈન્ય દર વર્ષે થોડા નાગરિકોને સિઆચેન લઈ જાય છે. તેમાં અમુકથી ઓછી ઉંમર અને શારીરિક સજ્જતા જરૂરી છે. એ ટુકડીમાં કેટલાક પત્રકારો પણ સામેલ હોય છે, જેમના અહેવાલોમાં ઘણી વાર કેન્દ્રસ્થાને સિઆચેન અને તેના જવાનો નહીં, પણ 'જુઓ, જુઓ, અમે છેક સિઆચેન પહોંચી ગયા’ એવું હોય છે. વયમર્યાદાને હર્ષલને એ વાર્ષિક આયોજનમાં તક ન મળી. એટલે વ્યક્તિગત મુલાકાત માટે તેમને સજ્જતા ઉપરાંત ભારે ખંત-ધીરજથી કામ લેવું પડ્યું. પરંતુ તેના પરિણામસ્વરૂપે મળેલા પુસ્તક ‘આ છે સિઆચેન’ના કેન્દ્રમાં સિઆચેન અને તેના જવાનો છે. વાત લેખકની સફરની હોવા છતાં, તેમણે સૈનિકોની બહાદુરી ને તેમની મક્કમતા ઉપરાંત તેમની સંવેદનાને પુસ્તકના મુખ્ય વિષયવસ્તુ તરીકે રાખી છે.
પુસ્તકમાં નોંધ્યા પ્રમાણે, સિઆચેન મોરચે જવાનો ઉપરાંત ત્રણ આધારસ્તંભ છેઃ હૅપ્ટર્સ (હૅલિકોપ્ટર્સ), ડૉક્ટર્સ અને પોર્ટર્સ. લેખકે ચોકી ઉપરના જવાનોથી માંડીને બેઝકૅમ્પમાં તહેનાત તબીબો, લદ્દાખી હમાલો અને રસોડામાં કામ કરનારા માણસો સાથે રસોઈ બનાવનારા સાથે પણ વિગતે વાત કરી છે. પોતાના સાથીદારોને આંખ સામે ગુમાવવાની અને ત્યાર પછી પણ સ્વસ્થતા ટકાવી રાખવાની કસોટી કેવી આકરી હોય છે? હિમડંખના પરિણામે શરીરનાં અંગો ગુમાવવાં પડે એવી સ્થિતિ સતત માથે ઝળુંબતી હોવા છતાં, જવાનો કઈ તાકાતથી ટકી રહે છે? જ્યાં એક-એક મિનીટ એક દિવસ જેવી લાંબી લાગે ત્યાં કઈ રીતે આ જવાનો ત્રણ-ત્રણ મહિના સરહદનું રક્ષણ કરતાં વીતાવે છે? આત્યંતિક સંજોગો સામે રક્ષણ મેળવવા માટે કેટકેટલી સામગ્રી ઉપલબ્ધ છે? તે કેટલી મોંઘી છે? છતાં કુદરતની રૌદ્રતા સામે કેટલી અપૂરતી નીવડે છે? આવા સંખ્યાબંધ સવાલોના ઉભડક નહીં, ઊંડાણભર્યા જવાબ હર્ષલે ચાર દિવસ તેમની સાથે વીતાવીને મેળવ્યા છે.
Harshal Pushkarna at Siachen post with Jawans/ સિઆચેનની ચોકી પર જવાનો સાથે હર્ષલ પુષ્કર્ણા |
નવેમ્બરમાં સિઆચેન મુલાકાત પછી માંડ દોઢેક મહિના જેટલા ટૂંકા ગાળામાં હર્ષલ પુષ્કર્ણાએ પુસ્તક લખ્યું, તેનું ડીઝાઇનિંગ પણ કર્યું, ગુપ્તતાનો ભંગ ન થાય તેની ચીવટ રાખીને અઢળક દુર્લભ તસવીરો મૂકી અને 26મી જાન્યુઆરી, 2017ના રોજ 'આ છે સિઆચેન'અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમમાં પ્રકાશિત થયું. સિઆચેનમાં શહીદ થયેલા અમદાવાદના કેપ્ટન નીલેશ સોનીના મોટા ભાઈ જગદીશ સોની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
પુસ્તક પ્રકાશિત થયા પછી પણ હર્ષલ પુષ્કર્ણાનું મિશન સિઆચેન પૂરું થયું નથી. તેમને લાગે છે કે સિઆચેનના જવાનોની વાસ્તવિકતા, તેમની સંવેદના અને જવાનો પ્રત્યે માનની-કૃતજ્ઞતાની લાગણી નાગરિકોમાં જગાડવી જોઈએ. એ આશયથી તેમણે 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ'ઉપાડી છે. તેમાં લગભગ દોઢ-બે કલાકની દૃશ્ય-શ્રાવ્ય રજૂઆત અને ત્યાર પછી પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. ગુજરાતમાં અને ગુજરાતબહાર યોજાઈ આવા દસ કાર્યક્રમ યોજાઈ ગયા. તેમાં હર્ષલની સરળ છતાં સોંસરવી, સાદગીપૂર્ણ છતાં જકડી રાખે એવી રજૂઆત પછી શ્રોતાઓમાંથી આવતા સવાલો આ ઝુંબેશની જરૂરિયાત, ઉપયોગીતા અને સાર્થકતા સિદ્ધ કરી આપનારા હોય છે. યુદ્ધખોરી પોષ્યા વિના જવાનોને-સૈન્યને શી રીતે બિરદાવી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ છે આ ઝુંબેશ.
ગુજરાતે શહીદો આપ્યા છે કે નહીં, એ વિશે સોશ્યલ નેટવર્ક પર ધડબડાટી બોલાવવી, તે દેશપ્રેમનો-ગુજરાતપ્રેમનો એક પ્રકાર છે અને સિઆચેન જેવા વિષય વિશે ગુજરાતીમાં આટલું અધિકૃત પુસ્તક આવ્યું હોય- ગુજરાતી ભાષામાં જ સિઆચેન વિશેની જનજાગૃતિ ઝુંબેશ ચાલતી હોય, તેની કદર કરવી એ બીજો પ્રકાર છે. જેવી તમારી પસંદગી.
Labels:
army,
Gujarati literature/ગુજરાતી સાહિત્ય
Wednesday, May 17, 2017
ભારતને ભીંસમાં લેતો ચીનનો મહાપ્રૉજેક્ટ
કમ્પ્યુટર-ઇન્ટરનેટના ચલણ પછી એવું લાગતું હતું કે દેશોના ભૌગોલિક સીમાડા ગૌણ બની ગયા અને હવે કોઈ દેશે બીજા દેશો પર પ્રભુત્વ જમાવવા માટે સૈન્ય લઈને આક્રમણ નહીં કરવું પડે. એ દેશનું બજાર કબજે કરવાથી કામ થઈ જશે. પરંતુ જેમ ઇન્ટરનેટના ખુલ્લાપણા વિશેનો અને તેની પર પાબંદી શક્ય નથી-- એવો ખ્યાલ ચીને ખોટો પાડ્યો, તેમ એકવીસમી સદીમાં ફક્ત બજાર સર કરવાનું મહત્ત્વનું છે અને ભૌગોલિક વર્ચસ્વ ગૌણ—એવી સમજ પણ ચીન ખોટી પાડી રહ્યું છે. તિબેટને દાયકાઓ પહેલાં ગળી ચૂકેલું ચીન અરૂણાચલ પ્રદેશના અમુક વિસ્તારો પર માલિકીહક કરતું રહ્યું છે. દક્ષિણી ચીની સમુદ્રમાં આધિપત્ય માટે પણ ચીનની દાંડાઈ ચાલુ છે.
--અને ચીનની વિસ્તારભૂખ આ બે વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. તેનો પ્રૉજેક્ટ 'વન બેલ્ટ, વન રોડ' (OBOR) – હવે 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ' (BRI)-- ભારે મહત્ત્વાકાંક્ષી છે. એ અંગે સૌથી વધુ ચિંતા હોય તો એ વાતની કે ચીનની મહત્ત્વાકાંક્ષા શેખચલ્લીનાં ખ્વાબ જેવી નહીં, અમાપ લશ્કરી બળ અને અઢળક નાણાંના પાયા પર ઊભેલી છે. ચીન એશિયા, આફ્રિકા અને યુરોપના આશરે 60થી પણ વધુ દેશોને જમીનમાર્ગે અથવા દરિયાઈ માર્ગે સાંકળવા ઇચ્છે છે, જેથી તેમની સાથે વ્યાપાર કરવાનું (ચીનમાં ઢગલામોઢે બનતો માલ ખડકવાનું) ચીન માટે આસાન બની જાય. હાલમાં યુરોપ-આફ્રિકા-અખાતી દેશોમાંથી ચીન જતાં-આવતાં જહાજોને મલકની સામુદ્રધુની/ Strait of Malaccaમાંથી પસાર થવું પડે છે. કાલે ઉઠીને તણખો થાય અને અમેરિકી નૌકાદળ ત્યાં ચીની જહાજો માટે 'નો એન્ટ્રી' જાહેર કરી દે તો? 'વન બેલ્ટ, વન રોડ' પ્રોજેક્ટ અંતર્ગત ચીનને પાકિસ્તાનના ગ્વાદર બંદર થકી હિંદ મહાસાગરનું થાણું મળી જાય છે. ત્યાંથી તે અમેરિકાની દખલગીરીની સંભાવના વિના દરિયાઈ માર્ગે બેરોકટોક વેપાર કરી શકે છે.
આટલે સુધીના વર્ણનમાં ભારતને કશો વાંધો પડે એવું નથી. પોતાના રૂપિયાથી કોઈ દેશ પોતાનો વેપાર વધારવા ઇચ્છતો હોય અને તેના માટે માળખાકીય સુવિધા ઊભી કરતો હોય, તો બીજાને (આ કિસ્સામાં ભારતને) શું? પરંતુ ધૂર્તતા અને વિસ્તારની ભૂખ માટે જાણીતા ચીનની વાત પર એમ વિશ્વાસ મૂકાય નહીં. ચીની પ્રવક્તાઓ અને લેખકો ગાઈવગાડીને કહે છે કે ચીનનો હેતુ વિશુદ્ધપણે આર્થિક છે અને જે દેશોમાંથી OBORનું માળખું પસાર થાય છે, એ દેશોના સાર્વભૌમત્વને કોઈ ખતરો નથી. આવું એક સ્થળ છે પાકિસ્તાનના અંકુશ હેઠળનું કાશ્મીર. તેના ગિલગિટ અને બાલ્ટીસ્તાનના પ્રદેશો ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર (CPEC) નો હિસ્સો બન્યા છે અને આ કૉરિડોર પોતે OBORનો મહત્ત્વનો હિસ્સો છે.
ભારતના મતે, કૉરિડોર (CPEC) સામે વાંધો ન ઉઠાવવો એટલે કાશ્મીરના પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશ પર તેનો કબજો આડકતરી રીતે કબૂલ રાખવો. ચીન આવા અર્થઘટનનો ઇન્કાર કરીને ભારતને OBOR પ્રૉજેક્ટમાં સાંકળવા પ્રયત્નશીલ છે. તેની દલીલ છે કે કૉરિડોર માત્ર ને માત્ર આર્થિક હેતુથી વિચારાયેલો પ્રૉજેક્ટ છે અને તેમાં સાથ આપવાથી કાશ્મીર અંગે ભારતની વર્તમાન સ્થિતિમાં કશો ફરક પડવાનો નથી.
OBOR અંગે 14-15મેના રોજ યોજાયેલા સંમેલનને ચીને વૈશ્વિક સહકાર-કમ-શક્તિપ્રદર્શનનું પ્રતીક બનાવી દીધો. તેમાં બીજા દેશો ઉપરાંત સૌથી નોંધપાત્ર હાજરી જાપાન અને અમેરિકાની હતી. ચૂંટણીપ્રચાર વખતે ચીની માલના બહિષ્કારની શેખી મારનાર ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે આર્થિક સમજૂતી કરવી પડી. અમેરિકા ચીનમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ અને ગોમાંસ સહિતની કેટલીક ચીજવસ્તુઓની નિકાસ કરે. સામે ચીની બૅન્કોને અમેરિકામાં ધંધો કરવા મળે, એવો કડદો થયો. તેના પગલે અમેરિકાના પ્રતિનિધિઓએ OBORના સંમેલનમાં હાજર રહીને ચીનનું માન જાળવી લીધું. એવી જ રીતે, જાપાનને ચીન સાથે સીધી હરીફાઈ હોવા છતાં અને જાપાન પોતે પોતાની રીતે આવો પ્રૉજેક્ટ હાથ ધરી રહ્યું હોવા છતાં, તેનું સત્તાવાર પ્રતિનિધિ મંડળ બેજિંગના સંમેલનમાં હાજર રહ્યું. જાપાનના બેલ્ટ એન્ડ રોડ પ્રૉજેક્ટનું નામ 'પાર્ટનરશીપ ફોર ક્વૉલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ છે, જેમાં તે બીજા દેશોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેમની સાથે વેપાર વધારવા માગે છે. (જાપાને ભારતને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે આપેલી લોન આ પ્રૉજેક્ટ અંતર્ગત હતી.)
પરંતુ મહત્ત્વનો ફરક દાનતનો છે. આજનું જાપાન ભૂતકાળનું સામ્રાજ્યવાદી જાપાન રહ્યું નથી, જ્યારે ચીનના મનમાં પોતાની પ્રાચીન ભવ્યતાનો અને તેને ફરી સાકાર કરવાનો ખ્યાલ છે. તે માટે ખર્ચવાં પડે એટલાં નાણાં તેની પાસે છે. (ઉપરાંત એશિયાઈ અને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓની લોન પણ ખરી.) ચીનનો મુકાબલો કરવાનું આજે ભારતને જ નહીં, અમેરિકા જેવા અમેરિકાને કાઠું પડે તેમ છે. ઘણા સમયથી ચીને ભારતના પાડોશી દેશોમાં યેનકેનપ્રકારે પોતાનાં થાણાં જમાવવાનો વ્યૂહ અપનાવ્યો છે અને તેમાં ભારે સફળતા પણ મેળવી છે. આજે ભારતના તમામ સાખપાડોશી દેશોના મોટા માળખાકીય પ્રૉજેક્ટ ચીનની લોનથી ચાલે છે કે પછી લોન ભરપાઈ નહી કરી શકવાને કારણે ચીનને તેમાં ભાગીદાર બનાવી દેવાયું છે. નેપાળ છેલ્લો પાડોશી દેશ હતો, જે ચીન કરતાં ભારત સાથે વધારે સંબંધ ધરાવતો હતો. આ સંબંધો કથળી રહ્યા હતા, પણ વર્તમાન વડાપ્રધાનના રાજમાં ચીન નેપાળ સાથે સંયુક્ત લશ્કરી કવાયતો કરતું અને પોતાના અગત્યના પ્રૉજેક્ટ ચીનને સોંપતું થઈ ગયું.
નેપાળ ચીનના ખોળે ગયું, તેમાં બધો દોષ વર્તમાન વડાપ્રધાનનો નથી. પરંતુ ભૂકંપગ્રસ્ત નેપાળને કરેલી મદદ બાબતે વડાપ્રધાન મોદી તેમની કુખ્યાત પ્રચારપટુતા બતાવવા ગયા. તેનાથી સંબંધોને વણસવાનું વધુ એક મજબૂત કારણ મળ્યું. નેપાળના અપવાદને બાદ કરતાં, ચીનના ભરડા બાબતે વડાપ્રધાનની વિદેશનીતિ યથાયોગ્ય રહી છે. તેમણે બાંગલાદેશ, શ્રીલંકા, મોંગોલિયા અને જાપાન જેવા દેશો સાથે સંબંધ વધારીને, જરૂરતમંદ દેશો માટે શક્ય હોય ત્યાં આર્થિક મદદ કરીને ચીનનો ઘેરો હળવો કરવાનો પ્રયાસ કર્યો છે. હમણાં તે શ્રીલંકાની મુલાકાતે જઈ આવ્યા. કારણ કે ચીન ત્યાં પણ પેસી ચૂક્યું છે અને કેટલાંક મહત્ત્વનાં સ્થાનો-માળખાકીય સુવિધામાં હાજરી ધરાવે છે.
આમ, વર્તમાન સરકારની ચીનવિષયક નીતિ અને તે અંગેની જાગ્રતતા સારાં છે, પરંતુ ચીનના ખેલનો પથારો એટલો મોટો છે કે તેમાં એક સપને સવાર પડે એમ નથી. વડાપ્રધાન તેમના કાર્યકાળની શરૂઆતમાં ચીન ગયા ત્યારે જે રીતે ઘરઆંગણે 'છાકો પાડી દીધો'નું વૃદગાન ચાલ્યું હતું, તેની બાલિશતા પછીના દિવસોમાં સમજાઈ જવી જોઈએ. સાથોસાથ, એ પણ સમજવું પડે કે OBOR પ્રૉજેક્ટ અને એકંદરે ચીન દુશ્મન હોવા છતાં તેની સાથે ખુલ્લેઆમ દુશ્મનાવટ રાખવાનું શક્ય નથી. માટે, ચીનની કુટિલ નીતિઓ સાથે પનારો પાડવા માટે પક્ષીય નહીં, રાષ્ટ્રિય નીતિ નક્કી કરવાનું જરૂરી છે. તેને પાઠ ભણાવવા કામચલાઉ વટ પાડી દેનારાં લોકરંજની પગલાં લેવાને બદલે, લાંબા ગાળાના ભવિષ્યની રીતે સાતત્યપૂર્ણ એવી રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવાનું વધારે ઉપયોગી છે.

China,
international affairs
Wednesday, May 10, 2017
વ્હાઇટ હેલ્મેટ્સઃ સિરીયાના ઇસ્લામી બચાવસૈનિકો
ગુજરાતના વિસ્તાર કરતાં પણ ઓછો વિસ્તાર ધરાવતો દેશ સિરીયા છેલ્લાં છ વર્ષથી ભયાનક આંતરિક યુદ્ધનો શિકાર છે. પહેલી કઠણાઈ એ કે સિરીયા/Syriaમાં સરકારના નામે સરમુખત્યાર-પ્રમુખ અસદનું રાજ છે. પોતાના નાગરિકો પણ ઝેરી વાયુ છોડવા માટે નામીચા અસદને પુતિનના રશિયાનો અડીખમ ટેકો છે. તેમની સામે પડેલા વિદ્રોહી સૈનિકો પણ મોટા પ્રદેશો પર કબજો ધરાવે છે. અલબત્ત, દેશના વસ્તી ધરાવતા વિસ્તારોમાં સૌથી મોટો પ્રદેશ કુર્દ દળોને હસ્તક છે. આટલો ડખો ઓછો હોય તેમ, ISIS અને અલ-કાઈદામાંથી છૂટું પડેલું એક જૂથ—એમ બબ્બે ત્રાસવાદી જૂથો સિરીયાના કેટલાક હિસ્સા પર કબજો જમાવીને બેઠાં છે. તેમાં સૌથી બળુકું અને ઘાતકી ISIS છે, જે ધર્મપાલનના નામે આતંક મચાવે છે અને લોકોની કતલ કરે છે. સિરીયાનો કેટલાક હિસ્સા પર પાડોશી દેશ તુર્કીની પકડ છે. અમેરિકા પ્રમુખ અસદની સામેની છાવણીમાં છે. એટલે જૂજ વિસ્તારો અમેરિકી સૈન્યના પ્રભાવમાં છે.
માલિકી માટેની આવી હિંસક ખેંચતાણમાં સૌથી વધારે મરો કોઈનો થતો હોય, તો એ સ્થાનિક લોકોનો. લાખો લોકો સિરીયામાં પોતાનાં ઘરબાર છોડીને નિરાશ્રિત તરીકે બીજા દેશોમાં જાય છે. એક અંદાજ પ્રમાણે આશરે ત્રણેક લાખ બાળકોનો તો જન્મ જ નિરાશ્રિત તરીકે થયો છે. બીજા અનેકો (સરકાર સહિતનાં) હિંસક જૂથોની લોહીયાળ લડાઈમાં રહેંસાઈ જાય છે. પ્રમુખ અસદનાં દળો કે તેમનાં જોડીદાર એવાં રશિયાનાં વિમાનો વિદ્રોહીઓના પ્રદેશો પર બૉમ્બમારો કરે ત્યારે મકાનોનાં મકાનો કડડભૂસ થાય છે, તેની નીચે લોકો દટાય છે અને વગર ધરતીકંપે માનવસર્જિત ધરતીકંપ જેવાં કરુણ દૃશ્યો સર્જાતાં રહે છે. પોતાનો જીવ બચાવવાનાં ફાંફાં હોય, એવા દેશમાં બીજાનો જીવ બચાવવાની કોને ફુરસદ હોય? ને એવી વૃત્તિ પણ કોની હોય?
આ સવાલનો જવાબ છેઃ એવા એક-બે નહીં, ત્રણેક હજાર લોકો છે, જે પોતાના જીવનું જોખમ ખેડીને, અવનવા આરોપોનો સામનો કરીને, ધર્મના નામે માનવતાનું કામ કર્યે રાખે છે. આ લોકો માથે સફેદ રંગની હેલ્મેટ પહેરીને કાટમાળમાંથી લોકોને બચાવવાનું કામ કરતા હોવાથી તેમનું નાગરિકજૂથ 'વ્હાઇટ હૅલ્મેટ્સ’/ White Helmetsના નામથી ઓળખાય છે (જેમ આઝાદી પહેલાં સરહદ પ્રાંતમાં બાદશાહખાનની આગેવાની હેઠળ અહિંસક લડત આદરનારા લડવૈયા- ‘ખુદાઈ ખિદમતગાર’-- 'રેડ શર્ટ'ના નામે ઓળખાતા હતા.) ખૂબીની વાત એ છે કે જે ઇસ્લામને આગળ કરીને ISISના ત્રાસવાદીઓ ઘાતકીમાં ઘાતકી કૃત્યો આચરે છે, એ જ ઇસ્લામમાંથી 'વ્હાઇટ હૅલ્મેટ્સ’ લોકોના જીવ બચાવવાની પ્રેરણા મેળવે છે. ઇસ્લામમાંથી તેમણે ગ્રહણ કરેલો બોધપાઠ છેઃ 'એક વ્યક્તિની પણ જિંદગી બચાવો, તે આખી માનવતાને બચાવ્યા બરાબર છે.’ આ જૂથમાં મહિલાઓ પણ સામેલ છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું કામ કેવું ખતરનાક છે તેનું તાજું ઉદાહરણઃ ઍપ્રિલ29, 2017ના રોજ થયેલા એક હવાઈ હુમલામાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથના આઠ સભ્યો માર્યા ગયા. જ્યાં શબ્દાર્થમાં આટલાં લશ્કર લડતાં હોય ત્યાં હુમલો કોણે કર્યો, એ વિવાદનો વિષય છે. પરંતુ નોકરીના કે સરકારી આદેશના ભાગરૂપે નહીં, ધર્મકાર્ય લેખે બીજાની જિંદગી બચાવવા જનારા આ બહાદુરોમાંથી આઠ ઓછા થયા એ નક્કર હકીકત છે. અત્યાર લગી જૂથે 140થી પણ વધુ સભ્યો ગુમાવ્યા છે. છતાં તેમની નિષ્ઠા મોળી પડી નથી.
સિરીયામાં સૈન્યના એક હિસ્સાએ સરમુખત્યાર અસદ સામે સશસ્ત્ર બળવો પોકાર્યો અને દેશના વિસ્તારો કબજે કર્યા, ત્યારે બળવાખોરો સામેની જવાબી કાર્યવાહી તરીકે અસદે હવાઈ હુમલા કર્યા. 2012ના અંત-2013ની શરૂઆતમાં અસદનાં દળો દ્વારા થતા હુમલા અને તારાજીનું પ્રમાણ વધવા લાગ્યું, ત્યારે બળવાખોરોની નહીં, પણ સ્થાનિક લોકોની પહેલથી 'સિરીયન સિવિલ ડીફૅન્સ'નામે નાગરિકજૂથની સ્થાપના થઈ. તે સમય જતાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ તરીકે વધુ જાણીતું બન્યું. તેમનો આશય હતોઃ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના, ભોગ બનેલા સૌના જીવ બચાવવાની કોશિશ કરવી. આ પ્રયાસમાં અત્યાર લગીમાં આશરે સાઠેક હજારથી પણ વધુ માણસોના જીવ તે બચાવી ચૂક્યા છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું ઉમદા કામ છાનું કે અછતું રહ્યું નથી. અહેવાલો પ્રમાણે, નૉબેલ શાંતિ પારિતોષિક માટે તેમનું નામ યાદીમાં હતું અને એ સિવાયનાં કેટલાંક મોટાં સન્માન આ જૂથને મળ્યાં છે. તેમની કામગીરી પરથી ગયા વર્ષે બનેલી દસ્તાવેજી ફિલ્મ ‘ધ વ્હાઇટ હૅલ્મેટ્સ’ને આ વર્ષે શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરી તરીકેનો ઑસ્કાર ઍવોર્ડ પણ મળ્યો. અલબત્ત, રાજકીય વક્રતા એ હતી કે આ ડૉક્યુમૅન્ટરીના સિનેમૅટોગ્રાફર ખાલેદ ખાતિબને ટ્રમ્પનીતિ અંતર્ગત અમેરિકાનો વિઝા મળ્યો નહીં. એટલે તે ઑસ્કારના સમારંભમાં હાજર ન રહી શક્યા. આ વર્ષે રજૂ થયેલી દસ્તાવેજી ફિલ્મ 'લાસ્ટ મૅન ઇન અલેપ્પો’ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ના પ્રેરણાદાયી કામને ઉજાગર કરે છે.
પરંતુ બધા ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’થી રાજી નથી. સિરીયાના પ્રમુખ અસદ અને તેમના મળતીયા વારેઘડીએ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ની ટીકા કરે છે. તેમને પેટમાં એ દુઃખે છે કે બળવાખોરોનો કબજો ધરાવતા વિસ્તારોમાં આ લોકો સેવાકાર્ય કરે છે. વાસ્તવમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ આવો કશો ભેદભાવ રાખતા નથી. પરંતુ અસદનું શાસન ધરાવતા વિસ્તારોમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને કામ કરવાની છૂટ નથી. એવી જ રીતે, અસદને ટેકો આપનારા રશિયાના રાજનેતાઓ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ વિશે અવનવા આરોપો કરે છે. ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ અલ-કાઈદા જેવા ત્રાસવાદી જૂથના મળતીયા છે અને તે ખુવારીની તથા બચાવની ખોટેખોટી તસવીરો રજૂ કરીને--અથવા એકની એક તસવીર વારંવાર વાપરીને--અસદને બદનામ કરવાની કોશિશ કરે છે, એવી થિયરી અને તેની પરથી લખાયેલા લેખ ઇન્ટરનેટ પર મોટા પ્રમાણમાં મળી રહે છે. તેની સામેનો કુપ્રચાર એટલો વૈવિધ્યપૂર્ણ અને વ્યાપક રીતે ચાલ્યો કે ટૅકનૉલોજીના ખ્યાતનામ સામયિક ‘વાયર્ડ’ની વેબસાઇટ પર આ કુપ્રચાર વિશે એક લેખ પ્રગટ થયો છે. તેમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યો છે કે માહિતીવિસ્ફોટ અને સોશ્યલ મિડીયાના જમાનામાં એક સાચકલી વસ્તુ વિશે કેટલી અસરકારકતાથી અને કેટલા મોટા પાયે જૂઠાણાં ફેલાવી શકાય છે. એક જૂઠાણાંબાજે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને ઑસ્કાર મળ્યો ત્યારે ઓસામા બિન લાદેન માથે સફેદ હૅલ્મેટ અને હાથમાં ઑસ્કાર ઍવોર્ડની પ્રતિમા સાથે ઊભો હોય એવું કાર્ટૂન બનાવ્યું હતું.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથની તકલીફ એક જ છે કે તેને કોઈ રાજકીય ગઠબંધન નથી. તેની વેબસાઇટ પર જાહેર કરાયેલો તેનો ધ્યેયમંત્ર છેઃ 'અમે નિષ્પક્ષ રીતે, વહેરાઆંતરા વગર અને સિરીયાના બધા લોકો માટે કામ કરીએ છીએ.’ પરંતુ સત્તાની આંતરરાષ્ટ્રીય સોગઠાંબાજીમાં અસલી સિરીયાની--એટલે કે સિરીયાના લોકોની વાત કોને ગમે? શરૂઆતમાં ધરતીકંપમાં બચાવકામનો અનુભવ ધરાવતી સંસ્થા પાસેથી તાલીમ મેળવનાર ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ સિરીયામાં બૉમ્બમારો અને યુદ્ધ અટકાવીને સામાન્ય માણસને તેની સામાન્ય જિંદગી પાછી આપવા માગે છે. તેમનો રસ્તો ઘણો લાંબો છે--અને ઇરાદાપૂર્વક પાથરવામાં આવતા જૂઠાણાંના કાંટાથી આચ્છાદિત. પરંતુ આટલી કારુણી વચ્ચે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ ઇસ્લામનો જે પેગામ આપે છે, તે મુસ્લિમોએ અને બીજા ધર્મીઓએ પણ અંકે કરવા જેવો છે.

film/ફિલ્મ,
international affairs,
muslims
Wednesday, May 03, 2017
માઓવાદીઓ, કાશ્મીરીઓ અને ભારતીયો
કાશ્મીરને કોણ સળગતું રાખે છે? આ સવાલનો જવાબ ઘણાના માટે બહુ સાદો છેઃ ‘પાકિસ્તાન’. જવાબ ખોટો નથી, તો સંપૂર્ણ સાચો પણ નથી. છેલ્લા બે વર્ષથી વચ્ચે થોડા વિરામ સાથે કાશ્મીરમાં અશાંતિનો નવો તબક્કો શરૂ થયો છે--અને કાશ્મીરના અભ્યાસીઓને લાગે છે કે આ તબક્કો ખતરનાક છે. કારણ કે તેમાં કાશ્મીરના ખીણપ્રદેશના લોકો, ખાસ કરીને યુવાનો મોટા પ્રમાણમાં અને સીધી રીતે સંકળાયેલા છે. વધારે ખરાબ સમાચાર એ છે કે તેમને પોલીસની-લશ્કરની, ઍન્કાઉન્ટરની કે ત્રાસવાદી લેખાવાની કશી બીક રહી હોય તેમ લાગતું નથી. તે બુરહાન વાની જેવા ત્રાસવાદી પ્રત્યે ખુલ્લેઆમ સહાનુભૂતિ પ્રગટ કરે છે, તેને શહીદ ગણે છે અને અંતિમવાદી રસ્તે, ભારતના શાસનની સામે પડી ગયા છે.
બીજી રીતે એમ પણ કહેવાય કે ભારત સરકાર કરતાં ત્રાસવાદીઓ તેમને વધારે પોતીકા લાગે છે. તેનો અર્થ એવો ખરો ભારત સરકાર તેમને પોતીકી નથી લાગતી, એટલે ત્રાસવાદીઓ પોતીકા લાગે છે? ના, સમીકરણ આટલું સાદું પણ લાગતું નથી. ખીણપ્રદેશમાં પ્રચંડ બહુમતી મુસ્લિમોની છે. આઝાદી પછી તરત શેખ અબ્દુલ્લાએ મહારાજા હરિસિંઘ સામે રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ લીધું હતું અને તેને કોમવાદથી મુક્ત રાખી હતી. તેમના પક્ષમાં હિંદુઓ પણ હતા. હવે આટલાં વર્ષે અને પલટાઈ ચૂકેલા પ્રવાહ પછી, કાશ્મીરની ‘આઝાદી’ની માગણીમાં સ્વાયત્તતા અને અલગતાની સાથે ધર્મનો રંગ પણ ભળ્યો છે. કાશ્મીરમાં ભારતીય સૈન્યનો વિરોધ કરવો એ ઘણાને ધર્મયુદ્ધ નહીં તો ‘ધર્મ્ય’ યુદ્ધ તો લાગે જ છે.
પહેલાં ‘આઝાદી’ની કે (ભારતમાં રહીને પણ સંતોષી શકાય એવી) સ્વાયત્તતાની માગણીમાં મહદ્ અંશે એવી ભાવના કેન્દ્રસ્થાને હતી કે ‘અમે કાશ્મીરી છીએ. અમારી અલગ ઓળખ છે. અમારે અલગ રહેવું છે. અમને એ નિર્ણય લેવાની તક (જનમત થકી) મળવી જોઇએ.’ બદલાયેલી સ્થિતિમાં એ લાગણી ને માગણી કંઇક આવી હોય તેમ લાગે છેઃ ‘અમે કાશ્મીરી છીએ, ભારત અમને ભારતીય ગણતું નથી, અમને દેશની મુખ્ય ધારામાં સમાવતું નથી. અમારે ભારતીય ગણાવું પણ નથી, અમારી સ્વતંત્રતાની માગણીને ભારત કચડી રહ્યું છે, ભારતીય સૈન્ય અમારી સાથે ક્રૂર વર્તન કરે છે, તેમનો અત્યાચાર સહન કરવાને બદલે શક્ય હોય એ રીતે મુકાબલો કરવો એ ધર્મ છે, અમારા શત્રુ એવા ભારતીય સૈન્ય સામે જે કોઈ પણ હથિયાર ઉઠાવે તે અમારા હીરો છે અને તે ધર્મયુદ્ધ ખેલી રહ્યા છે તેને અમારો ટેકો છે.’ આટલું ઓછું હોય તેમ, કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા કે રાજ્યોની ભાજપ સરકાર દ્વારા લેવાતા ધાર્મિકતાની છાંટ ધરાવતા નિર્ણયો અવિશ્વાસની આગમાં પેટ્રોલ હોમવાનું કામ કરે છે.
અત્યાર લગી ભારતની સૌથી મોટી તાકાત કાશ્મીરમાં યોજાતી ચૂંટણીઓ હતી. તેમાં લોકોની નોંધપાત્ર હિસ્સેદારીથી ભારત વિશ્વ સમક્ષ એવો દાવો કરી શકતું હતું કે ‘જુઓ, કાશ્મીરના લોકો કાશ્મીરને ભારતનું અંગ ગણે છે. એટલે જ ભારતીય બંધારણ અને લોકશાહીના અભિન્ન-અનિવાર્ય હિસ્સા જેવી ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લે છે.’ પરંતુ છેલ્લી પેટાચૂંટણીમાં શ્રીનગરમાં થયેલા કંગાળ (7.13 ટકા) મતદાન પછી બીજી પેટાચૂંટણી મોકુફ રાખવી પડી તેનાથી વાત વણસી છે. અલબત્ત, રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું હતું. પરંતુ ત્યારના સંજોગો જુદા હતા અને હવે કેન્દ્રમાં એનડીએ સરકાર-કાશ્મીરમાં ભાજપ-પીડીપી યુતિ સરકારને ઠીક ઠીક સમય વીતી ચૂક્યો છે. પરંતુ અગાઉની ચૂંટણી વખતે વ્યાપ્ત આશાનું સ્થાન નિરાશાએ લીધું છે.
મોટા પ્રમાણમાં જનસમુદાયની આ સ્થિતિ છે, ત્યારે કાશ્મીરમાં સૈન્યની છાવણીઓ પર ત્રાસવાદી હુમલા ચાલુ છે--અને દરેક વખતે ભારતના પક્ષે થતી ખુવારી સર્જિકલ સ્ટ્રાઇક વખતે વ્યક્ત થયેલી ભાવનાને શરમાવતી રહે છે. પાકિસ્તાનના ‘નૉનસ્ટેટ એક્ટર્સ’ (પાકિસ્તાની શાસકો-સૈન્યનો બિનસત્તાવાર ટેકો ધરાવતાં જૂથ) કાશ્મીરમાં ખુવારી કરતાં રહે છે અને વખતોવખત પાકિસ્તાની સત્તાધીશો કે સૈન્યવડા પણ કાશ્મીર વિશે તેમની ખોરી દાનત વ્યક્ત કરતા રહે છે.
કાશ્મીરની હિંસાની સાથે માઓવાદી હિંસા પણ સંભારવા જેવી છે. કાશ્મીરીઓ અને માઓવાદીઓ વચ્ચેનું એક સામ્ય એ છે કે તે પોતાનો પ્રદેશ ભારતથી અલગ કરવા ઇચ્છે છે. માઓવાદીઓ અત્યાધુનિક હથિયારો સાથે તે અર્ધલશ્કરી દળો પર ઘાતક હુમલા કરે છે અને અદૃશ્ય થઈ જાય છે. તેમની છાપામાર પદ્ધતિની સરખામણીમાં કાશ્મીરના દેખાવકારો ઉઘાડેછોગ પથ્થરબાજી કરે છે. ત્યાં ઘાતક શસ્ત્રો અને ઘાતકી હુમલાનો હવાલો પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદી જૂથોએ સંભાળ્યો છે. ભૂગોળની વિષમતાને લીધે સરહદને અભેદ્ય બનાવી શકાતી નથી. એટલે ત્રાસવાદીઓ સહેલાઈથી સરહદ પાર કરીને ભારતમાં આવી જાય છે. એમ તો, માઓવાદીઓને ચીન તરફથી મદદ મળતી હોવાના ઇશારા ભૂતકાળમાં થયા છે. પરંતુ પાકિસ્તાનની જેમ ચીન સીધી રીતે ક્યાંય ચિત્રમાં આવતું નથી.
માઓવાદગ્રસ્ત છત્તીસગઢ જેવા પ્રદેશો કરતાં કાશ્મીરની સ્થિતિ અનેક રીતે જુદી છે. માઓવાદીઓની જેમ કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠનો સ્થાનિક સહાનુભૂતિ ધરાવે છે. પરંતુ કાશ્મીરમાં માઓવાદ કરતાં વધારાની બાબત ધર્મ છે. તેના કારણે અસંતુષ્ટ એવા સ્થાનિક લોકો વધારે સહેલાઈથી ત્રાસવાદીઓ સાથે એકરૂપતા અનુભવી શકે છે. માઓવાદી હિંસાના મામલે માઓવાદીઓ, સ્થાનિક લોકો અને સરકાર એમ ત્રણ મુખ્ય પક્ષો છે. તેમાં વાટાઘાટો માઓવાદીઓ સાથે કરવાની રહે છે, જ્યારે કાશ્મીરસમસ્યાના ભાગીયા (અંગ્રેજીમાં ‘સ્ટેકહોલ્ડર્સ’ અને દેશી ગુજરાતીમાં ‘અભાગિયા’ પણ કહી શકાય) એવા ઘણા પક્ષ છેઃ કાશ્મીરના લોકો, ભારત સરકાર, ભારતીય સૈન્ય, કાશ્મીરના સત્તાવાર રાજકીય પક્ષો, તેમાં વળી થોડોઘણો અલગતાનો સૂર ધરાવતો પીડીપી જેવો પક્ષ, સંપૂર્ણ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સ, પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદને કારણે જેમને વતનવિહોણા થવું પડ્યું એવા કાશ્મીરી પંડિતો, પાકિસ્તાનમાં રહીને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવતાં જૂથો અને પાકિસ્તાન પોતે. માટે, કાશ્મીરની લડાઈ વ્યવહારિક પ્રશ્નો અને તેના વ્યવહારિક ઉકેલોથી બહુ દૂર- બહુ આગળ નીકળીને, લગભગ ‘લડાઈ ખાતર લડાઈ’ના તબક્કે પહોંચી ગઈ છે. ખુવારી તો બન્ને પક્ષે થાય છે, પણ સામા પક્ષની ખુવારી ગણતરીપૂર્વકની અને ઘણા કિસ્સામાં ધર્મઝનૂનનો નશો ચડાવનારી હોય છે, જ્યારે ભારતના પક્ષે એક પણ સૈનિક કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં માર્યો જાય, તો તેની ભારતના નૈતિક બળ ઉપર અસર પડી શકે છે. તેના સરવાળારૂપે ક્યારેક લોકલાગણી જાગે, તો તેને બીજા રસ્તે વળેલી રાખવાના રાજનેતાઓએ નીતનવા નુસખા શોઢી કાઢવા પડે છે.
કાશ્મીરની કે માઓવાદની સમસ્યા ચપટીમાં ઉકેલાવાની અપેક્ષા કોઈ ન રાખે, પણ એ દિશામાં વાતચીત માટે બન્ને પક્ષો વચ્ચે જરૂરી સામાન્ય ભૂમિકા પણ અત્યારે તો વર્તાતી નથી.

Subscribe to:
Posts (Atom)