Showing posts with label હું તમે ને ગામ. Show all posts
Showing posts with label હું તમે ને ગામ. Show all posts

Wednesday, January 07, 2009

સ્મશાનમાં વસંત?

ઘણા સમયથી જતાં ને આવતાં આ પાટિયું વાંચીને મનમાં હસવું આવતું હતું. જમાલપુર નજીક સપ્તર્ષિ સ્મશાન પર તકતી મારેલી છેઃ ‘દિવ્ય ભાસ્કર દ્વારા નવપલ્લવિત’.

ઉજ્જડ થઇ ગયેલા બાગમાં નવાં ફૂલ આવે તો એ નવપલ્લવિત થયો ગણાય. એકલવાયા વૃદ્ધનું જીવન બાળકો આવે ત્યારે નવપલ્લવિત થઇ ઉઠે. એ ન્યાયે સ્મશાન ક્યારે ‘નવપલ્લવિત’ થયું ગણાય? ત્યાં રોજેરોજ અનેક ચિતાઓ ભભૂકતી રહે ત્યારે...

દિવ્ય ભાસ્કરે પોતાના આરંભિક આક્રમક માર્કેટિંગના ભાગરૂપે ઘણાં ‘સામાજિક’ કાર્યો કર્યાં (જેમ કે, ડાકોર જતા પદયાત્રીઓ માટે જય રણછોડ લખેલાં પેમ્ફ્લેટ છપાવ્યાં કે અમદાવાદના વૃદ્ધો માટે દેવદર્શનની ટુર ગોઠવી) તેમાંનું એક સપ્તર્ષિ સ્મશાનના પુનરોદ્ધારનું હતું. એટલે આ સ્મશાન ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા નવનિર્મિત કે નવસર્જિત કે પુનર્નિર્મિત થયું કહી શકાય. પરંતુ નવપલ્લવિત?

લોકો ગમે તે કહે, પણ ‘ભાસ્કર’ બીજાં કોઇ પણ ગુજરાતી છાપાં જેવું જ ખરાબ (કે સારૂં?) આવે છે. એટલે એ છાપું વાંચનારાથી સ્મશાન નવપલ્લવિત થઇ ગયું હશે, એમ કહેવું ‘ભાસ્કર’ને અન્યાયકર્તા ગણાય. પણ આડેધડ ફેંકાયેલા શબ્દો રોજ જોઇને મનમાં કુવિચારો આવે છે.

Wednesday, September 10, 2008

હું તમે ને ગામઃ જન્મદિને મરસીયા

૨૦ ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મતારીખ નિમિત્તે ગુજરાત કોંગ્રેસે આ હોર્ડંિગ લગાડ્યું છે. તેમાં મથાળું છેઃ તમારી શહીદી ને અમારી સલામ. (‘શહીદી’ અને ‘ને’ વચ્ચે ફૂટબોલ રમાય એટલી જગ્યા શા માટે છે, તે જાહેરખબર બનાવનારને પૂછવું.)

હમ દેખ રહેં હૈં કિ, રાજીવ ગાંધીને ઘણા સમયથી ‘શહીદ’ કહેવામાં આવે છે.
અબ હમેં દેખના હૈં કિ, એમને શહીદ શી રીતે કહેવાય?
શહીદી એટલે જાણીબુઝીને પવિત્ર કામ ખાતર વહોરી લીધેલું મૃત્યુ. ગાંધીજીએ જલિયાંવાલા બાગમાં મૃત્ય પામેલા લોકો પ્રત્યે દિલોસોજી દાખવીને તેમને શહીદ ગણવાનો ઇન્કાર કર્યો હતો. રાજીવ પણ શી રીતે શહીદ ગણાય? તેમને ખબર હતી કે શ્રીપેરામ્બુદુરની સભામાં તેમના માટે માનવબોમ્બ તૈયાર છે?
કોઇ એમ કહે કે ‘તેમની શ્રીલંકા-નીતિને કારણે રાજીવે જીવ ગુમાવ્યો. એટલે તેમને દેશ ખાતર શહીદ ગણવા જોઇએ.’ પણ એવું હોય તો રાજીવની શ્રીલંકા-નીતિ માટે ગુજરાતીમાં વધારે સારો શબ્દ છેઃ‘ આપઘાત’. એટલે, વઘુમાં વઘુ એવું કહી શકાય કે ‘રાજીવ ગાંધી દેશ ખાતર મૃત્યુ પામ્યા.’ એથી એક દોરો પણ વધારે નહીં.

અને સૌથી મઝાની વાત. બિચારા રાજીવ ગાંધીની પુણ્યતિથીએ તેમની ‘શહીદી’ને યાદ કરવામાં આવે તો સમજ્યા. તેમના જન્મદિને પણ તેમના મૃત્યુની વાત? કેમ ભાઇ, રાજીવ ગાંધીએ જીવનમાં ‘શહીદ’ થવા સિવાય બીજું કોઇ સારૂં કામ જ નહોતું કર્યું? ફોનક્રાંતિ જેવાં તેમનાં પગલાં તેમના જન્મદિન નિમિત્તે યાદ ન થઇ શકે?

પણ ભાજપની સંઘપરિવારભક્તિ અને કોંગ્રેસની ગાંધીપરિવારભક્તિનું શું કહેવું?

Monday, September 01, 2008

હું, તમે ને ગામ # મોરારીબાપુઃ સરવૈયું અને થોડી છૂટક એન્ટ્રી

વિચારતો હતો કે ‘નમસ્કાર’ (ઓગસ્ટ, 2008)માં છપાયેલું મોરારીબાપુનું ગુજરાતના મુખ્ય મંત્રી વિશેનું અવતરણ અને બીજી થોડી વાતો ‘નિરીક્ષક’માં મુકું. પણ તે પહેલાં મુખ્ય મંત્રીના ‘નોટ સો અર્નેસ્ટ, નોટ સો યંગ’ ઇમેજ મેનેજર ગુણવંત શાહે પોતાની ‘ચિત્રલેખા’ની કોલમમાં મુખ્ય મંત્રીનાં વખાણનાં ગાડાં ઠાલવતું મોરારીબાપુનું નિવેદન શબ્દશઃ મુકી જ દીધું. તે પહેલાં તેમના બીજા માનદ્ ક્લાયન્ટ- એન્કાઉન્ટરબાજ અફસર વણઝારા વિશે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ છાપેલાં વખાણ ગુણવંત શાહે હોંશભેર – એક વ્યવસાયિક એડ એજન્સીની ચીવટ અને જવાબદારીથી- ‘ચિત્રલેખા’ની કોલમમાં ઉતાર્યાં હતાં. આને ડાયવર્ઝન કહીશું કે ડાયવર્સીફીકેશન?

-પણ મુખ્ય વાત મોરારીબાપુની છે. રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) કહે છે એટલે માની લઉં છું કે ‘બાપુ’ એ પ્રાદેશિક-વ્યવસાયગત સંબોધન છે અને ‘મોરારીદાસ’ લખીને અવિવેકી બનવાનું કોઇ કારણ નથી. હા, મિત્ર દીપક સોલિયાએ એક-બે વર્ષ પહેલાં લખેલું શીર્ષક અને તેનો ભાવ બન્ને સાથે હું પૂરો સંમત છું: ‘મઝાના માણસ મોરારીભાઇ.’

મોરારીબાપુ લોકપ્રિય કથાકાર, નમ્ર, પ્રેમાળ, કળા-સાહિત્યના પ્રેમી અને આશ્રયદાતા, ભિન્નમત ધરાવનારને જીતી શકનારા, મગજમાં પવન ન ધરાવતા, ધાર્મિક રીતે સહિષ્ણુ, ઉત્તમ યજમાન અને આર્થિક રીતે સમૃદ્ધ માણસ છે, એ વિશે ભાગ્યે જ મતભેદ હશે. આટલા ગુણ ધરાવનારને સજ્જનના ખાનામાં મુકવાનું બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ તેમની સજ્જનતાને પૂજ્યતામાં ખપાવવાના પ્રયાસો થાય ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. એવું થવામાં તેમનો વ્યવસાય (કથા) અને ગેટ અપ (બાહ્ય દેખાવ) પોતાની અસર પાડ્યા વગર રહેતાં નથી.

આમજનતા બીજા ઘણા કથાકારો-મહારાજો-બાવાબાવીઓની જેમ મોરારીબાપુ પાછળ ઘેલાં કાઢે છે. તેમનાં ‘દર્શન’ કરવા હડી કાઢે છે. એ લોકોને મોરારીબાપુના ઉપર લખેલા મોટા ભાગના ગુણ સાથે કશી લેવાદેવા હોતી નથી. એ આખો અધ્યાત્મનો બિઝનેસ છે, જે મોરારીબાપુના સાત્ત્વિક લાગતા સામ્રાજ્યનો પાયો છે. મોટા ભાગના સાહિત્યકારો-લેખકો સર્જકતા કે બુદ્ધિની રીતે સરેરાશ માણસ કરતાં ચડિયાતા હોય તો પણ માનસિકતાની બાબતે એ સરેરાશ જ હોય છે. મોરારીબાપુ પ્રત્યેના તેમના અહોભાવમાં મુખ્યત્વે એ સરેરાશપણું જ કામ કરી જાય છે.

વધારાનું વજન મોરારીબાપુના ઉપર જણાવેલા ગુણો અને ખાસ કરીને નમ્રતાપૂર્વક આશ્રય આપવાની તેમની લાક્ષણિકતાથી ઉમેરાય છે. માનપાનથી વંચિત હોય કે ન હોય એવા સૌ સાહિત્યકારો મોરારીબાપુના વિનમ્ર દરબારમાં મળતી સરભરાથી ભીના ભીના થઇ જાય છે. મોરારીબાપુ તેમને કદી કહેતા નથી કે તમે કોલમોમાં મારો પ્રચાર કરો. છતાં, મોટા ભાગના કૃતજ્ઞ લેખકો-સાહિત્યકારો વગર કહ્યે મોરારીબાપુનાં ગુણગાન ગાય છે. બહુ ઓછા લોકો તેમાં પ્રમાણભાન જાળવી શકે છે. ‘પૂજય મોરારીબાપુ’ કે ‘પૂજ્ય સંતશ્રી મોરારીબાપુ’ થી શરૂ થતી કોઇ પણ વાતને પ્રમાણભાન વગરની કહી શકાય. કોઇ લેખક કે સાહિત્યકારને મોરારીબાપુ ‘પૂજ્ય’ કે ‘સંત’ લાગતા હોય તો એ તેમની અંગત માન્યતા છે. જાહેર લખાણમાં સર્વસ્વીકૃત વિશેષણ તરીકે લખવાથી છેવટે એવી સ્થિતિ પેદા થાય છે કે ‘પૂ.મોરારીબાપુ’ સિવાય તેમનો ઉલ્લેખ થઇ જ ન શકે.

પ્રમાણભાનમાં ચૂકની આ શરૂઆત છે. પછી એવું થાય છે કે સમારંભ સાહિત્યનો હોય કે ગુજરાતી ફિલ્મોનો કે એક્સવાયઝેડ વિષયનો, મોરારીબાપુ આશીર્વચન આપવા તેમાં હોય જ અને મોરારીબાપુ હોય એટલે ઓડિયન્સની ચિંતા ન કરવી પડે. એટલે આયોજકો પણ રાજી. મોરારીબાપુ કહે પણ ખરા કે ‘મારે તો સામે બેસવું હતું, પણ આ લોકોએ મને સ્ટેજ પર બેસાડી દીધો.’ તેમની આ ભવ્ય લાચારી જોઇને આપણા હૃદયમાં આ ભલા માણસ માટે અનુકંપા જાગે.

‘અસ્મિતાપર્વ’ પછી મોરારીબાપુની સાહિત્યસેવા વિશે વાત કરવાનું બહુ ચાલે છે. સાહિત્યને આશ્રય આપનારા તો બીજા પણ છે. મોરારીબાપુએ સાહિત્ય ઉપરાંત સાહિત્યકારોને પણ આશ્રય આપ્યો છે. બદલામાં તેમને સાહિત્ય પરિષદથી માંડીને સાહિત્ય સમારંભોમાં શીર્ષસ્થ અને અપ્રમાણસરનું સ્થાન મળે છે. સાહિત્યકારો અને કળાકારો ચીતરી ચડે એ હદે મોરારીબાપુની આરતી ઉતારે છે અને તેમને સામાન્ય બુદ્ધિ ધરાવનારા લોકોમાં અળખામણા કરી મુકે છે.

મોરારીબાપુ સામે વાંધો પડે એવી મુખ્ય બાબત છેઃ તેમનો ઠેકાણા વગરનો શબ્દવ્યાપાર. જો એ જ તેમનો મનોવ્યાપાર હોય તો ભારે ચિંતાજનક કહેવાય. પણ મને લાગે છે કે એ મનોરંજનના માણસ છે. એટલે શબ્દો તોળીને વાપરતા નથી અને બોલતી વખતે પોતાના પ્રભાવનો વિચાર કર્યા વિના ગબડાવે છે. તાલમેલીયું, કલમ- બલમ-ચલમ ટાઇપનું ત્રેવડા પ્રાસવાળું, અતિશયોક્તિપૂર્ણ અને લોકરંજક બોલવામાં તેમની છબી પર બહુ ધબ્બા પડે છે. જેમ કે, લેખના આરંભે જે અવતરણની વાત છે, એમાં તેમણે મુખ્ય મંત્રી વિશે એવું પણ કહ્યું કે ‘જેટલો પ્રેમ શ્રી નરેન્દ્રભાઇ ગુજરાતને કરે છે એટલો જ પ્રેમ ગુજરાતીઓ અને ગુજરાત તેમને કરે છે. એમાં અભય, પ્રેમ, ત્યાગ, કરુણા, સંવેદના અને સદભાવના આદર્શ ગુણો ભગવદગીતામાં છે તે આત્મસાત્ થાય છે...સંતોની કૃપાના એ હંમેશાં અધિકારી રહ્યા છે.’

મુખ્ય મંત્રીના પ્રેમીઓ પણ તેમનામાં રહેલા અભય, કરુણા, સંવેદના અને સદભાવ જેવા મોરારીબાપુએ દર્શાવેલા ગુણોથી પરિચિત હશે કે કેમ એ શંકા. એટલે એમ થાય કે એક બાજુ હિંદુ-મુ્સ્લિમ સદભાવ માટે દિલથી પ્રયત્ન કરતા મોરારીબાપુને ગુજરાતમાં કોમી દુર્ભાવ ફેલાવવામાં યથાશક્તિ પ્રયાસ કરનારા મુખ્ય મંત્રી માટે આવું ખુશામતીયું જૂઠાણું બોલવાની શી જરૂર પડી હશે? વિચારતાં લાગે કે એમાં કોઇ ગણતરી નહીં, પણ લોકરંજક અતિશયોક્તિની લાક્ષણિકતા કામ કરતી હશે.

એ જ રીતે, હાજી પીરમાં કથા કરનારા મોરારીબાપુ પોતાની અમદાવાદ ઓફિસના સરનામામાં ‘ઉસ્માનપુરા’ જેવું મુસ્લિમ નામ ન લખવાની હદે કટ્ટર લેખક સૌરભ શાહને પાંખમાં રાખે, પોતાની રામકથામાંથી ‘વિચારધારા’નો વિશેષાંક થાય તેનો સ્થળ પર ધંધો થવા દે અને ‘વિચારધારા’ની જાહેરખબરમાં પોતાના નામના ઉપયોગ સામે વાંધો પણ ન ઉઠાવે (‘મોરારીબાપુ વિચારધારા વાંચે છે. તમે વાંચ્યું?) – આ કેમ બને છે? ભૂતકાળમાં મોરારીબાપુ વિશે આક્રમક લખીને કોર્ટકેસનો ભોગ બની ચૂકેલા સૌરભભાઇને મોરારીબાપુ પોતાના સાત્ત્વિક વિજયની ટ્રોફી તરીકે લાડ લડાવતા હોય તો જુદી વાત છે. એવી જ આશંકા તેમના બીજા ભૂતપૂર્વ વિરોધીઓ વિશે થાય છે. કોઇ શિકાર બંદૂકથી કરે, તો કોઇ બરફીથી.

કર્ણાવતી ક્લબમાં યોજાયેલી રામકથા દરમિયાન, બિનપાયેદાર ધાર્મિક કારણો આગળ ધરીને રામસેતુ બચાવવાની ઝુંબેશનાં ફોર્મ મોરારીબાપુ વહેંચે અને લોકોને તે ઝુંબેશમાં સામેલ થવાની અપીલ કરે, એમાં લોકમતને દોરવા કરતાં લોકમતની ગાડીમાં ચડી જવાની ચેષ્ટા વધારે લાગે છે. યાદ આવે છે અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી માનસ-મહાત્મા કથા. તેમાં પણ મોરારીબાપુએ મુખ્ય મંત્રીનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેમને સત્તાની પડી નથી અને એ કેવી રીતે સત્તા ફગાવી શકે એ દર્શાવવા મોરારીબાપુએ પોતાની પાસે પડેલો તકિયો હાથમાં લઇને તેનો દૂર ઘા કર્યો હતો.

મનોરંજન. શુદ્ધ મનોરંજન. પણ સચ્ચાઇના અને પોતાની વિશ્વસનીયતાના ભોગે. એ જ કથામાં તેમણે ગુજરાતના એક પ્રમુખ અખબારના તંત્રી અને મુખ્ય મંત્રી વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી હતી અને તાલમેલીયા ઉત્સાહમાં આવી જઇને કહ્યું હતું કે ‘રામાયણ પણ આખરે સેતુબંધની જ કથા છે.’ જેની બુદ્ધિ ઠેકાણે હોય એવો કયો માણસ રામાયણને ‘સેતુબંધની કથા’ તરીકે ઓળખાવશે?

મોરારીબાપુની પૂજ્યતાનો પ્રચાર કરનારા આ બધી બાબતો વિશે વિચારશે, તો એમને સમજાશે કે મોરારીબાપુ સજ્જન હોઇ શકે છે. છે જ. પણ તેમને પૂજ્ય કે સંત તરીકે સર્વમાન્ય બનાવવાની ઝુંબેશ ચાલુ થાય ત્યારે સજ્જન તરીકેના તેમના સરવૈયાની સાથોસાથ છૂટક એન્ટ્રીઓ જોવાની ફરજ પડે છે અને એ ઓડિટમાં બીજા લોકો ન પડે, એમાં જ મોરારીબાપુના ભક્તો માટે સારાવાટ છે.

Friday, August 22, 2008

હું, તમે ને ગામ # વિચારધારા, વાયદો અને કાયદો

એક સમયે તાજગીસભર લેખક તરીકે જાણીતા અને કટ્ટર રાજકીય હિંદુત્વની કારકિર્દી તરફ ફંટાતાં પહેલાં છેલ્લે ચિંતનની કોલમ લખતા સૌરભ શાહ છેલ્લા થોડા સમયથી છેતરપીંડીના આરોપોસર અમદાવાદની સાબરમતી જેલમાં છે.
અનેક વાર આકર્ષક જાહેરાતો દ્વારા ‘વિચારધારા’ સામયિક માટે તેમણે વાંચકો પાસેથી લવાજમ ઉઘરાવ્યાં હતાં. જાહેરાતોમાં મોરારિબાપુ અને નરેન્દ્ર મોદીનો છૂટથી ઉપયોગ કર્યો (અને એ બન્નેમાંથી એક પણ મહાનુભાવે વાંધો ન ઉઠાવ્યો!) હોર્ડંિગ પર લખાતું હતું ‘નરેન્દ્ર મોદીએ વિચારધારાનું લવાજ ભર્યું. તમે ભર્યું?’ ‘મોરારિબાપુ વિચારધારા વાંચે છે. તમે વાંચ્યું?’
‘વિચારધારા’ થોડા અંકો પછી વાચકો ઉપરાંત લેખકો અને તેનું ભવ્ય એડ કેમ્પેઇન છાપનારાં અખબારોના રૂપિયા ડૂબાડીને ડૂબી ગયું, છતાં તેના તંત્રી તરીકે સૌરભ શાહ સતત આશા બંધાવતા હતા. સમય વીતતાં તેમાં આશાવાદનું પ્રમાણ ઘટવા લાગ્યું અને વાયદાબાજી વધવા લાગી. આખરે ‘સંદેશ’ અખબાર તરફથી તેના લેણાના ચડત પૈસા માટે સૌરભ શાહ સામે ફરિયાદ કરવામાં આવી, તેમની ધરપકડ થઇ, પોલીસે તેમને રીમાન્ડ પર લીધા અને અદાલતે બે વાર જામીન નામંજૂર કર્યા પછી થોડા મહિનાથી તે સાબરમતી જેલમાં છે. આટલી વાત પછી, તેમના એડ કેમ્પેઇનની એક ઝલક.
તંત્રી વાયદો પાળે તો વાચકો માટે આ ગાડી...


..અને ન પાળે તો? તંત્રી માટે આ ગાડી...

Saturday, August 16, 2008

હું, તમે ને ગામ #2: સ્વામી સચ્ચિદાનંદનું ‘એન્કાઉન્ટર’

અહીં મુકેલું કટિંગ 13 ઓગસ્ટના ‘સંદેશ’માં કભી કભી આવતી કોલમ ‘ચીની કમ’નું છે. તેમાં સ્વામી સચ્ચિદાનંદના કમરપટાની ઉપર અને નીચે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
સચ્ચિદાનંદ સ્વામીને જાણીતા કરવામાં તેમની કોલમ ‘લોકસાગરના તીરે તીરે’ નો મોટો ફાળો છે. ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં આ કોલમ પચીસ-ત્રીસ વર્ષથી આવતી હશે. સ્વામી સચ્ચિદાનંદના સ્ટેટસનો અંદાજ એ વાત પરથી આવી શકશે કે ગુજરાતના અખબારજગતમાં ‘ત્રીજા પરિબળ’ તરીકે ‘દિવ્ય ભાસ્કર’નો ઉદય થયો, ત્યાર પછી સ્વામી એકમાત્ર એવા કટારલેખક હતા, જેમનું લખાણ રવિવારનાં ત્રણે છાપાંમાં આવતું હોય. ‘એક્સક્લુઝીવનેસ’નું ક્લોઝ તેમને લાગુ પડતું ન હતું. ‘ભાસ્કર’ અને ‘સંદેશ’માં તેમની કોલમ આવતી હતી અને ‘ગુજરાત સમાચાર’માં સીધેસીધી કોલમ નહીં, તો તેમની સાથે સવાલજવાબ હી સહી, એ રીતે તેમની સાથેનો વાર્તાલાપ શરૂ થયો.

ક્રાંતિકારી સંત, પટેલોના માનીતા, આખાબોલા...જેવાં વિશેષણો સ્વામી માટે વપરાતાં રહ્યાં છે. સ્વાધ્યાય પ્રકરણમાં જયશ્રી ‘દીદી’ વિરોધી પંકજ ત્રિવેદીની હત્યા વખતે સ્વામીએ દીદીવિરોધી સ્ટેન્ડ લઇને ઉપવાસ પણ કર્યા હતા. એ વખતે દીદીને તેમના વહાલા વહાલા ભાઇ- મુખ્ય મંત્રી મોદી સાથે થયેલી મનાતી સમજૂતીના પ્રતાપે દીદી અને તેમના પઠ્ઠાઓને કંઇ થયું નહીં. મોદીવિરોધી પટેલલોબી પૂરજોશમાં હતી. સ્વામીના વિરોધને એ ફોકસમાં પણ જોવામાં આવ્યો. ત્યાર પછી સ્વામીના દંતાલિ આશ્રમમાં રાત્રે ચોર આવ્યા, સ્વામીએ જેનું લાયસન્સ રીન્યુ કરાવવાનું રહી ગયું હતું એવી બંદૂકડીથી ચોર પર ગોળીબાર કર્યા અને ‘બંદૂકધારી બાવાજી’ તરીકેનું બિરૂદ હાંસલ કર્યું.

ગોળીબારના કેસમાં એક માણસ મરી ગયો, એટલે સ્વામી નબળી વિકેટ પર આવ્યા. મુખ્ય મંત્રીની આંખે ચડી ચૂકેલા સ્વામી ત્યાર પછી અન્ડરગ્રાઉન્ડ તો નહીં, પણ બેકગ્રાઉન્ડમાં જતા રહ્યા. આસારામનો વિવાદ થયો ત્યારે બે-ચાર કદખળીયા લોકોએ સ્વામીને પૂછ્યું,’સ્વાધ્યાય વખતે તમે બહુ વિરોધ કરતા હતા. આ વખતે કંઇ કહેવું નથી?’

થોડા દિવસ પછી એક જાહેર સમારંભમાં કેન્દ્રીય કોંગ્રેસી મંત્રી દિનશા પટેલ સાથે સ્વામીને જાહેરમાં ટપાટપી થઇ. સરદારને અન્યાયનું પ્રચલિત – અને સગવડીયું- ગાણું વગાડીને સ્વામીએ ગાંધી પરિવારની અનવોરન્ટેડ અને હાડોહાડ રાજકીય ટીકા કરી. અમુક અંશે ‘ફાઇલ થઇ ગયેલો કેસ’ ગણાતા સ્વામીને દિનશાએ રોકડો જવાબ આપ્યો. આ ઘટનાક્રમ પછી આ પોસ્ટના પ્રારંભે મુકેલી કોલમ ‘સંદેશ’માં છપાઇ. સાથે એક મજાનું કેરિકેચર પણ ખરું.

લખાણ વિશે એટલું જ કહેવાનું કે તેના છેવાડે થયેલી દિનશા પટેલની અતિશયોક્તિભરી પ્રશંસા અને સ્વામી પરના ‘બીલો ધ બેલ્ટ’ પ્રહારોને લીધે, લખાણની અસર મોળી પડી શકે છે અને તેને પત્રકારત્વનો કયો રંગ કહેવો, એ વિશે મૂંઝવણ થઇ શકે છે.

લખાણ સાથે સંમત હોય કે ન હોય તેમણે પણ કેરિકેચર બનાવનારને ફુલ માર્ક આપવા પડે. એક હાથમાં મોબાઇલ, એક હાથમાં બંદૂક અને આંખ પર સનગ્લાસ – ધરાવતા ‘સન્યાસી’.

સ્વામી શું વિચારતા હશે? ‘સંદેશ’ની કમાણી, ‘સંદેશ’માં સમાણી?

હું, તમે ને ગામ # 1: આસારામ અને સ્વરૂપ સેક્સ ક્યોર

ગ્રહદશામાં હું માનતો નથી. છતાં લાગે છે કે ગુજરાતમાં બાવાજીઓની ગ્રહદશા ખરાબ ચાલે છે. પહેલાં આસારામનો વારો નીકળ્યો. આસારામના ગોરખધંધા અને ગુંડાગીરી વિશે મીડિયા સહિત આખું ગામ જાણતું હતું. છતાં બિલાડાના ગળે ઘંટ કોણ બાંધે? ખાસ કરીને, બિલાડો ઘંટ બાંધનારાને સાચવી લેતો હોય ત્યારે.
અમદાવાદના બે બાળકોના મૃત્યુ પછી અચાનક સૌ એક્શનમાં આવી ગયા અને આસારામ પર એવી રીતે તૂટી પડ્યા, જાણે આજ સુધી તેમને કશી ખબર જ ન હોય અને હમણાં જ તેમને બધી જાણ થઇ હોય. કોઇ દેખીતો સંબંધ ન હોવા છતાં મને ‘સ્વરૂપ સેક્સ ક્યોર’ની છેતરપીંડી યાદ આવી.
અમદાવાદમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી ડો.આર.સ્વરૂપ સેક્સોલોજીના નામે લોકોનાં અજ્ઞાન-અવઢવ-ગેરસમજણ-માનસિક ગ્રંથિઓનો ગેરલાભ ઉઠાવીને લાખો રૂપિયા ખંખેરતો હતો. ગ્લોબલાઇઝેશન પહેલાં જ્યારે મારૂતિ ફ્રન્ટીથી લોકો વટ મારતા હતા, ત્યારે સ્વરૂપ જોડે કાળી મર્સિડિઝ હતી. સ્વરૂપને વ્યાપક માન્યતા અપાવવામાં અખબારોનો મોટો ફાળો હતો. તેમણે વર્ષો સુધી-દાયકાઓ સુધી સ્વરૂપની જાહેરખબરો છાપી, લાખો રૂપિયાની કમાણી કરી અને તેને એક પ્રકારની માન્યતા આપી.
બાર-તેર વર્ષ પહેલાં ‘અભિયાન’માં મિત્ર અને જોડીદાર પ્રશાંત દયાળ સાથે મળીને અમે સ્વરૂપનું એ જમાના પ્રમાણેનું ‘સ્ટીંગ ઓપરેશન’ કર્યું હતું. હું દર્દી બનીને સ્વરૂપ પાસે ગયો. એ જમાનામાં રૂપિયા એક હજાર આપીને કેસ કઢાવ્યો અને તેની મોડસ ઓપરન્ડી જાણી. તેની ગઠિયાગીરી એટલી ઉઘાડેછોગ હતી કે એ સમજવા માટે શેરલોક હોમ્સ થવાની જરૂર ન પડે. ત્યાર પછી છ પાનાં ભરીને અમે અભિયાનમાં ‘કવરસ્ટોરી’ લખી. ભૂલતો ન હોઉં તો એ વખતે આરોગ્ય મંત્રી ખાડિયાનરેશ અશોક ભટ્ટ હતા. સ્ટોરીથી ન અટકીને અમે આગળ પણ રજૂઆતો કરી. તેના પરિણામે, ઊચ્ચ સ્તરેથી તપાસ કરવા માટે એક અફસરે ખાનગી રાહે મને મળવા બોલાવ્યો. (‘તમારી ઓળખાણ કેવી રીતે પડશે?’, ‘મારા હાથમાં લીલા રંગની બેગ હશે’ એ પ્રકારના ફિલ્મી સંવાદો સાથે.) પણ ભારતવર્ષની ઉજ્જવળ પરંપરા પ્રમાણે બધું ભીનું સંકેલાઇ ગયું. મઝાની વાત એ છે કે આખા પ્રકરણ દરમિયાન સ્વરૂપની જાહેરખબરો છાપનારાં અખબારો ચૂપ રહ્યાં અને જાહેરખબરો છપાવાની ચાલુ રહી.
આ વાતનાં થોડાં વર્ષ પછી કોઇ બીજા કારણસર સ્વરૂપનો વારો ચડી ગયો. તેની ધરપકડ થઇ. ત્યારે વર્ષો સુધી સ્વરૂપની અસલિયત જાણ્યા પછી પણ તેની જાહેરખબરો છાપનારાં અખબારોએ તે દિવસે પહેલા પાને સ્વરૂપને મોટો ઠગ ચીતરીને તેની ધરપકડની તસવીરો છાપી. એ વખતે હું અને પ્રશાંત ‘સંદેશ’માં હતા. એક બપોરે સ્વરૂપ ‘સંદેશ’માં મળી ગયો અને મને ખ્યાલ છે કે પ્રશાંતને તેણે પોતાના કાંડા પરની મોંઘી ઘડિયાળ ઉતારીને આપવાની ઓફર સાથે એ મતલબનું કહ્યું,’હવે કંઇ રહ્યું નથી. આ લઇ લો ને છાલ છોડો.’
થોડા મહિના નેહરુબ્રિજ ઉતર્યા પછી દેખાતા સ્વરૂપ સેક્સ ક્યોરના પાટિયાનો ઝળહળાટ શમ્યો- ન શમ્યો અને ફરી પાછો એ શરૂ થઇ ગયો. આજની તારીખે સ્વરૂપની છેતરપીંડીની પ્રેક્ટિસ ચાલે છે અને અખબારોમાં તેની જાહેરખબરો પણ છપાય છે. સારું છે, દાઉદ ઇબ્રાહિમ અને જનરલ મુશર્રફ જાહેરખબરોની ‘પાર્ટી’ નથી. નહીંતર આપણાં પ્રસાર માધ્યમોને તેમની જાહેરખબરો લેવામાં પણ કોઇ છોછ ન નડે.