Thursday, February 27, 2025

મહાભીડભાડ પછીની મહામિટિંગ

 ભારતમાં જન્મ લેનારને સૌથી ઓછી નવાઈ કોઈ ચીજની હોય તો તે ભીડ અને ગીરદીની. મહાકુંભ નિમિત્તે સર્જાયેલી મહાભીડ અને અનવસ્થાને કારણે તો, ભીડમાં કચરાઈ ગયેલાં લોકોનાં મૃત્યુની પણ જાણે નવાઈ નથી રહી. એકથી વધારે વાર એવા સમાચાર આવ્યા-ન આવ્યા ને હવામાં ઉડી ગયા. ન તેનો કશો ભારે ઊહાપોહ થયો, ન સરકારે સરખા જવાબ આપ્યા. અરે, મૃતકોના આંકડા સુદ્ધાં આપવાની તસ્દી સરકારે ન લીધી. કરુણ ઘટનાઓ પ્રત્યે સરકારની ગુનાઇત બેશરમી અને કાતિલ ઢાંકપિછોડો કરવાનું વલણ જોઈને એવો વિચાર આવ્યો કે આવી કોઈ ઘટના પછી સરકારી અધિકારીઓની મિટિંગ ભરાતી હશે, તો તેમાં કેવા સંવાદ થતા હશે? થોડી કલ્પનાઃ

બધા અધિકારીઓ મિટિંગહોલમાં ગોઠવાઈ ગયા છે. એક ખૂણે ટીવી પર સમાચાર ચાલી રહ્યા છે.
અધિકારી 1: (ખોંખારો ખાઈને) તો શરૂ કરીએ?
અજાણ્યો અવાજઃ બધું પૂરું તો કરી દીધું છે. હવે શું શરૂ કરશો?
અધિકારી 1 (ચમકીને આજુબાજુ જુએ છે. પછી મોટેથી): કોઈ કંઈ બોલ્યું? કે મને ભણકારા થાય છે?
અધિકારી 2: (ચાપલૂસીભર્યા સ્વરે) અરે હોય, તમારી પર તો મુખ્ય મંત્રી પણ મહેરબાન છે અને મુખ્ય મંત્રી પર વડાપ્રધાન. તમને શાના અને કોના ભણકારા થવાના? એ તો મહાપુરુષોને હોય છે એવો અંતરાત્માનો અવાજ હશે.
અજાણ્યો અવાજઃ અંતરાત્મા? અને તમારો? (અટ્ટહાસ્ય)
અધિકારી 1: (અધિકારી 2 તરફ જોઈને) કહો, ન કહો, પણ કંઈક નડતર લાગે છે. મિટિંગ પૂરી થયા પછી એક યજ્ઞ કરાવો આ રૂમની શાંતિ માટે—અને હા, એડવાન્સમાં બહુ જાહેરાત કરતા નહીં. કોને ખબર, કદાચ વડાપ્રધાન પણ તેમાં બેસવા આવી જાય.
અધિકારી 3: જી સર, આપ ચિંતા ન કરો. આપણા વિરોધીઓ કહે છે કે સૌથી મોટું નડતર તો આપણે જ છીએ. આપણને કોણ નડવાનું. હેં હેં હે.
(અધિકારી 2 અધિકારી 3 તરફ જોઈને ડોળા કાઢે છે. એટલે તે ચૂપ થઈ જાય છે.)
અધિકારી 1: આજની મિટિંગનો એજેન્ડા તો તમે સૌ જાણો જ છો. મહાકુંભમાં 50 કરોડ લોકો અત્યાર સુધી આવી ગયા...
બાકીના અધિકારીઓઃ જી સાહેબ, અમે પણ બધાને એમ જ કહીએ છીએ. કાલથી 60 કરોડ કહેવા માંડીએ?
અધિકારી 1: એટલા નાના કામ માટે મિટિંગ બોલાવવાની હોય? એ તો આપણા મિડીયાને કહી દઈએ એટલે સવા સો કરોડ લોકો કુંભમાં ડૂબકી મારી ગયા એવું ચલાવશે. (એમ કહીને એક અધિકારી ઇશારો કરે છે, એટલે તેમનો જુનિયર અધિકારી ખૂણામાં ચાલતા ટીવી પર ચેનલો બદલે છે. દરેક ચેનલ પર મહાકુંભનો અને સરકારનો જયજયકાર થઈ રહ્યો છે.)
અધિકારી 1: પણ (ટીવી તરફ આંગળી ચીંધીને) આ મિડીયા લોકોને મૂરખ બનાવવા માટે છે, આપણને વાસ્તવિકતા ખબર હોવી જોઈએ.
અધિકારી 4: અરે સાહેબ, આ શું બોલ્યા? અમૃતકાળમાં વાસ્તવિકતા જાણીને પછી માણસે જવાનું ક્યાં? અમે તો એવું જ ચલાવીએ છીએ કે આ મહાકુંભ અભૂતપૂર્વ આયોજન છે, તેમાં અભૂતપૂર્વ સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે, અભૂતપૂર્વ સંખ્યામાં લોકોએ પવિત્ર ડૂબકી લગાવી છે, તેમના માટે અભૂતપૂર્વ સંખ્યામાં ટ્રેનો ચાલુ કરવામાં આવી છે, તેના માટે અભૂતપૂર્વ કાર્યક્ષમતાથી વહીવટી તંત્ર કામે લાગ્યું છે...
અજાણ્યો અવાજ: અને અભૂતપૂર્વ સંખ્યામાં લોકો સરકારી અવ્યવસ્થાને લીધે મૃત્યુ પામ્યા છે, છતાં, તેમનો મૃત્યુઆંક જાહેર નહીં કરીને સરકારે અભૂતપૂર્વ બેશરમી દાખવી છે, મૃતકોના સ્નેહીઓ વહીવટી તંત્રની અભૂતપૂર્વ અસંવેદનશીલતાના કિસ્સા ગણાવી રહ્યા છે, પણ હિંદુહિતની વાતો કરતી સરકાર અભૂતપૂર્વ રીતે ચૂપ છે...
(બધા અધિકારીઓ મુંઝાઈને એકબીજાની સામે જુએ છે.)
અધિકારી 1: હવે ખબર પડી ને? હું આ અવાજની વાત કરતો હતો.
અધિકારી 2: આ તો ઠીક છે, આપણે આપણે બેઠા છીએ, પણ મુખ્ય મંત્રીશ્રી હાજર હોય તો આપણી શી વલે થાય? આપણાં ઘરબાર પર બુલડોઝર ફરી જાય ને ભલું હોય તો એકાદ ધક્કામુક્કીમાં...
અધિકારી 3: ધક્કામુક્કીમાં નહીં સાહેબ, ધક્કામુક્કી જેવી હોઈ શકતી ઘટનામાં. ઇંગ્લીશમાં કહે છે તેમ, સ્ટેમ્પીડ-લાઇક સિચ્યુએશન.
અધિકારી 4: એ બધું ડહાપણ સમાચાર આપતી વખતે...
અધિકારી 1: ના, એ ખોટી વાત છે. અંદર પ્રેક્ટિસ પાડીએ એવી જ બહાર પ્રેક્ટિસ પડે. અને તમારામાંથી ઘણા તો જૂની પ્રેક્ટિસવાળા હશે ને...
અજાણ્યો અવાજઃ ‘રામ તમારા રામરાજમાં શબવાહિની ગંગા’
(અધિકારી 2 ઊભા થઈને રૂમનું બારણું ખોલીને બહાર ડોકું કાઢી આવે છે. પછી મૂંઝારો અનુભવતા પાછા બેસી જાય છે.)
અધિકારી 1: (ધીમા અવાજે) જાહેરમાં ભલે ન કહીએ, પણ વાત તો એની જ છે. આપણે કોરોનાકાળથી પૂરતી પ્રેક્ટિસ પડી છે—મૃત્યુઆંક છુપાવવાની, મૃતદેહો સગેવગે કરવાની કે તેમને રઝળતા મુકવાની અને છતાં આપણે કોરોનામાં કેવું સરસ આયોજન કર્યું ને કોરોનાને કેવી મહાત આપી—એની જાહેરાતો કરવાની...આપણી એ ભવ્ય પરંપરા અને આપણા એ ભવ્ય સાંસ્કૃતિક વારસાની ગૌરવભરી યાદ સૌને તાજી કરાવવા માટે જ આ મિટિંગ બોલાવી છે. બાબુઓ, તુમ પીછે છુપો. હમ તુમ્હારે સાથ હૈં.
બાકીના અધિકારીઓ: (ગળગળા થઈને) સર, આપની મહાનતા, આપની દીર્ઘદૃષ્ટિ, આપનું શાણપણ, આપની હિંમત, આપના મનોબળને ધન્ય છે.

અજાણ્યો અવાજઃ ધન્ય તો આ પ્રજાની વિસ્મરણશક્તિને અને તેના ધૃતરાષ્ટ્રપણાને છે...
(‘ધન્ય ધૃતરાષ્ટ્ર’, ‘ધન્ય મહાભારત’, ‘ધન્ય સનાતન ધર્મ’, મુખ્ય મંત્રીકી જે, પ્રધાનમંત્રીકી જે—ના પોકારો સાથે મિટિંગ સમાપ્ત થાય છે.)

Wednesday, February 26, 2025

ઊંધિયું, તેલ અને અસ્મિતા

ગુજરાતની અસ્મિતાની જેમ સુરતની અસ્મિતા જેવો પ્રયોગ ચલણમાં હોત તો તેના કેન્દ્રસ્થાને રહેલી ચીજોમાં ઊંધિયાનો સમાવેશ ચોક્કસપણે થતો હોત. છેલ્લા થોડા દાયકાથી જાહેરાતોમાં વપરાતો શબ્દ સુરતી ઊંધિયું ખરેખર તો એલિસબ્રિજ પુલ જેવો કહેવાય. ઊંધિયું લખ્યા પછી સુરતી લખવાની જરૂર ન હોય. ઊંધિયું તો સુરતી જ હોય ને. પરંતુ છેલ્લા થોડા દાયકામાં વધેલા ઊંધિયાના વ્યાપને કારણે, અસલી ઊંધિયાની ઓળખ માટે સુરતીનું લટકણિયું લગાડવામાં આવે છે. જોકે, માર્કેટિંગની પ્રજા દ્વારા વપરાતાં ઘણાંખરાં વિશેષણોની જેમ, આ વિશેષણ પણ ગેરરસ્તે દોરનારું અને મોટે ભાગે સચ્ચાઈથી વેગળું હોય છે.

ઊંધિયાનો પ્રચારપ્રસાર ગુજરાતબહાર ઓછો છે, બાકી દિલ્હીમાં રચાતી મિશ્ર સરકારો ખીચડી સરકારને બદલે ઊંધિયા સરકાર કહેવાતી હોત. કારણ કે, બંનેનો ગુણ સરખો જ છે. તેમાં એકથી વધુ ચીજોનું સ્વાદિષ્ટ મિશ્રણ હોય છે. જોકે, ખીચડીને વાનગીનો દરજ્જો આપવા વિશે તીવ્ર મતભેદ હોઈ શકે છે—અને તેને ઊંધિયાની હરોળમાં મુકવાથી સુરતી સિવાયના સ્વાદપ્રેમીઓની લાગણી પણ દુભાઈ શકે છે. હોંશીલા ખીચડીપ્રેમીઓ કહેશે કે ખીચડીમાં બહુ વૈવિધ્ય આવે છે—અરે રજવાડી ખીચડી પણ આવે છે. તેમને જણાવવાનું કે ઊંધિયા માટે રજવાડી જેવું વિશેષણ અલગથી લગાડવું પડતું નથી. તેનું બંધારણ મૂળભૂત રીતે રજવાડી હોય છે.

ઊંધિયાની સામગ્રી વિશે વાત કરતાં પહેલાં, એક તાત્ત્વિક સવાલ વિશે ભૂમિકા સ્પષ્ટ કરી દેવી જરૂરી લાગે છેઃ કેટલાક લોકો કહે છે કે ઊંધિયું એટલે મિશ્ર શાકમાં પૂરતું તેલ હોવું જોઈએ. બીજો વર્ગ ભારપૂર્વક કહે છે કે ના, ઊંધિયું એટલે તેલમાં પૂરતું શાક હોવું જોઈએ. આ આખી ચર્ચા, જીવમાં શિવ છે કે શિવમાં જીવ—એ સ્તરની છે. તે ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ રહીને જ, એટલે કે ઊંધિયું ખાતાં ખાતાં, કરી શકાય.

મામલો ફક્ત મિશ્ર શાકનો નથી. દિવાળી વખતે ઘણા લોકો પંચરઉ તરીકે ઓળખાતું મિશ્ર શાક બનાવતા હોય છે. ગુજરાતી ભોજન પર થયેલા પંજાબીના ધુંઆધાર આક્રમણ પછી મિક્સ વેજની સબ્જી ગુજરાતી નથી તે યાદ રાખવું અઘરું પડે છે. છતાં, ઊંધિયામાં થતું શાકનું મિશ્રણ આ બધાથી જુદું ને તેમનાથી ઊપર છે. તેમાં રીંગણ નથી આવતાં તેથી રીંગણદ્વેષીઓ હર્ષ પામે છે અને કંદ (રતાળુ) આવે છે, તેનાથી રતાળુરસિકો હરખાય છે. સુરત સિવાયના પ્રદેશોમાં ઊંધિયા માટે વપરાતા દાણા વાલોળ-પાપડી-તુવેર જેવા ગમે તે શાકના હોઈ શકે, પણ સુરતના અસલી ઊંધિયામાં ટચલી આંગળી જેટલું કદ અને અમુક દાણા ધરાવતી પાપડીમાંથી જ દાણા વાપરી શકાય છે. બટાટા અને શક્કરિયાં માટેના નિયમ એટલા આકરા નથી, પણ તેના ટુકડા કેટલા મોટા રાખવા, એ ચોક્કસપણે વિચારવાલાયક પ્રશ્ન હોય છે.

 

દક્ષિણ ગુજરાતમાં જેવાં રતાળુ બીજે મળતાં નથી—એવું દક્ષિણ ગુજરાતના લોકો જ નહીં, બીજા પણ કેટલાક સ્વાદરસિકો માને છે. ફક્ત રતાળુ જ શા માટે, તેમને તો લાગે છે કે અસલી ઊંધિયું બનાવવું હોય તો તેમાં સુરતનું પાણી જ વાપરવું પડે. અમદાવાદની સાબરમતીમાં સરકાર ઘણા વખતથી નર્મદાનું પાણી ભરે છે, એને બદલે તાપીનું પાણી ભરતી હોત તો કદાચ એ શક્ય બનત. પણ વો દિન કહાં... અને પ્રખ્યાત ઠેકાણે ચિત્રવિચિત્ર સ્વાદવાળું ઊંધિયું ખાઈને, ફક્ત અઢળક રૂપિયા ખર્ચીને આનંદ માણી લેતી અમદાવાદની, અને હવે તો સમસ્ત ગુજરાતી, પ્રજાને તેનાથી કશો ફરક પડે કે કેમ એ પણ સવાલ.

ઊંધિયાને મિશ્ર શાક કરતાં ઊંચો દરજ્જો આપવામાં કારણભૂત કેટલીક બાબતોમાં એક છે તળેલાં મુઠિયાં. તે એક સ્વતંત્ર વાનગી તરીકે ચાલી શકવાની ક્ષમતા ધરાવે છે—અને ઘણા લોકો તેનો એ રીતે ઉપભોગ કરતા હોય છે. છતાં, તેની ખરી સાર્થકતા ઊંધિયામાં બીજાં શાક સાથે ભળી જવાની છે. બીજાં શાક સાથે તેની એકરૂપતા જોઈને ઘણી વાર એવું લાગે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ખરેખર તો ઊંધિયાનું એક શિલ્પ તૈયાર કરવું જોઈએ. કેમ કે, તેમાં દરેક શાક ને મુઠિયું સુદ્ધાં પોતાની આગવી ઓળખ અને આગવો સ્વાદ ગુમાવ્યા વિના, એકબીજાને કચડીને સમરસ કર્યા વિના, સ્વાદિષ્ટ સહઅસ્તિત્વ ધરાવે છે.

ઘણા સ્વાદપ્રેમીઓને નારાજ કરવાનું જોખમ વહોરીને પણ કહેવું જોઈએ કે ઊંધિયા સાથે જલેબીની જોડી મારીમચડીને બનાવેલી હોય એવી લાગે છે. સંસારી જીવનની પરિભાષામાં તેને કજોડું કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી. એ જોડીના આશકો કહે છે કે તે ગળ્યા અને તીખાનું સરસ સંયોજન છે. એવી રીતે વિચારતાં ઊંધિયા સાથે મોહનથાળ કે બીજી કોઈ પણ ગરમ મીઠાઈ ખાઈ શકાય. પણ ઊંધિયા સાથે બીજા કશાની જરૂર પડે છે અથવા જલેબી જેવી સાથી વિના ઊંધિયું લાગે, એ વાત જ વાંધાજનક છે. હા, ચટણીઓ કે સેવની વાત અલગ છે. તેમનું અસ્તિત્વ ઊંધિયામાં સમાઈ જાય છે. તે જલેબીની જેમ ઊંધિયાની સમાંતરે અલગ ચોકો ઊભો કરતાં નથી.

સવાલ જલેબીપ્રેમનો નથી. ધારો કે આ લેખ જલેબી વિશેનો હોત તો તેમાં જલેબીની સાથે ઊંધિયાને ઠઠાડી દેવામાં આવ્યું છે, તે વિશે વાંધો પ્રગટ કરવામાં આવ્યો હોત. જેવી જલેબી, એવું ઊંધિયું. કેટલાંક સ્ત્રીપુરુષોની જેમ તે બંને પોતપોતાની રીતે સરસ છે, પણ એટલા માટે તેમને ધરાર ભેગાં કરવાનો લોભ ટાળવા જેવો હોય છે. પરંતુ તેલમાં તરતા ઊંધિયામાં આવા કંઈક મહત્ત્વના બોધપાઠ ડૂબી જાય છે એ ઊંધિયાની નહીં, માણસોની કઠણાઈ છે. 

Monday, February 10, 2025

(ઉપ)નામરૂપ જૂજવાં

 એક સમય હતો, જ્યારે બાળકનું નામ પાડવાનો વિશેષાધિકાર તેની ફોઈનો ગણાતો હતો અને તેના માટે ક્યારેક સામાજિક યુદ્ધો પણ થતાં. નામ પાડવાનું કામ એટલું ગંભીર ગણાયું કે પછી તો તેનાં પુસ્તકો બહાર પડવા લાગ્યાં અને ધૂમ વેચાયાં પણ ખરાં. પશુપક્ષીપ્રેમી તરીકે જાણીતાં મેનકા ગાંધીએ પણ નામોનું એક પુસ્તક તૈયાર કર્યું હતું.

 નામ તેનો નાશનું પારંપરિક શાણપણ ધરાવતા દેશમાં નામની ચોપડીઓ લખાય ને વેચાય, તે બેશક પાશ્ચાત્ય સંસ્કારનું પરિણામ હશે એવું લાગે, પણ પશ્ચિમની સાથે આડકતરી રીતે સાંકળી શકાય એવી બીજી અસર વધારે ખતરનાક હતી. પશ્ચિમમાં નામોનું વૈવિધ્ય મર્યાદિત હોય એવું લાગે છે. તેનું એક કારણ એ છે કે ત્યાં વિશેષણો પરથી નામ બનતાં નથી અને નામના અર્થ લગભગ હોતા નથી. આપણે ત્યાં વિષ્ણુનાં સહસ્ત્ર નામ હોય એ તો સમજ્યા, લગભગ દરેક પૌરાણિક પાત્રોનાં એકથી વધુ નામ હોવાનાં અને તેમાંના એકેય ઉપનામ ગણાતાં નથી. ઉપમાં ગૌણનો, સેકન્ડરીનો ભાવ છે, જ્યારે આ બધાં નામ તો વૈકલ્પિક, પણ પૂરા કદનાં નામ લેખાય છે. પશ્ચિમમાં ઘણીવાર આખાં નામની ટૂંકાક્ષરી વૈકલ્પિક નામ બની જાય છે, જેમ કે વિલિયમનું બિલ ને સ્ટીફનનું સ્ટીવ, તો ક્યારેક વ્યક્તિનાં શારીરિક કે પ્રાકૃતિક લક્ષણોના આધારે બ્લોન્ડી કે સનશાઇન જેવાં ઉપનામ પડે છે.

આપણે ત્યાં ઉપનામો યથેચ્છ પાડવામાં આવે છે. એક-બે દાયકા પહેલાં સુધી, નામનો અર્થ અચૂક હોય, પણ ઉપનામનો અર્થ હોવો બિલકુલ ફરજિયાત નહીં. તમે જ વિચારો, કોઈ બાળકનું નામ લાલિયો કયો ગુણ જોઈને પાડ્યું હોય? કોઈ બાળક બોલતું થાય તે પહેલાં સામ્યવાદી શી રીતે ઘોષિત કરી શકાય? માટે જ, ભારતમાં નામોમાં જેટલી મૌલિકતા જોવા મળતી હતી, એટલી કે તેનાથી પણ વધારે મૌલિકતા ઉપનામોમાં જોવા મળતી હતી. તેમને અર્થસભર હોવાનાં બંધન નડતાં ન હતાં અને ઉપનામ પાડવાં એ ફોઈનો ઇજારો ન હતો. ઉપનામ-ફોઈની ભૂમિકા પુરુષો પણ એટલા જ ઉત્સાહથી ભજવી શકતાં હતાં.

એ કેવળ એક સંયોગ છે કે નાનપણમાં, જ્યારે ઉપનામ પડવાની સૌથી વધારે શક્યતા હતી ત્યારે પણ, મારું કોઈ ઉપનામ પડ્યું નહીં. તેનું ગૌરવ પણ નથી ને શરમ પણ નહીં. મારા બાળપણમાં એક સ્નેહી કોઈ અગમ્ય કારણસર મને જોનભાઈ કહીને બોલાવતા હતા અને મેં પણ રમૂજ સાથે એ સ્વીકારી લીધું હતું. પણ એ મારું સત્તાવાર કહેવાય એવું ઉપનામ ન હતું. કારણ કે, એ તેમની સર્જનાત્મકતાની પેદાશ હતું અને એ અમારા બંને વચ્ચેનો જ વ્યવહાર હતો. મારા પિતાજી મને થોડો સમય પટૌડી કહેતા હતા, તે પણ મારું ઉપનામ ન ગણાય. કારણ કે, એ કોઈ રીતે મારી ઓળખ ન હતું. એ અમારા બે વચ્ચેની વાત હતી. મારાં બીજાં પરિવારજનો કે સ્નેહીજનોએ બાળપણથી હજુ સુધી મારું કોઈ ઉપનામ પાડ્યું નથી. હા, મોટપણે મારા રાજકીય વિચારોના વિરોધીઓમાંથી કેટલાકે મારી ઉપનામફોઈ બનવાના પ્રયાસ કર્યા છે, પણ એ તેમની લાગણીની અભિવ્યક્તિ ગણાય અને એના માટે તે સ્વતંત્ર છે, પણ તેને કોઈ પણ ધોરણે મારું ઉપનામ ગણાવી શકાય નહીં. કોઈ નરેન્દ્ર મોદીને ધોળી દાઢી, અમિત શાહને કાળી દાઢી ને વણઝારાને લાલ દાઢી તરીકે ઓળખાવે તો તે એમનાં ઉપનામ ન ગણાય.

ઉપનામ અને પેન-નેમ (તખલ્લુસ) અથવા વ્યાવસાયિક નામ પણ અલગ બાબત છે. ઘણા કવિ-લેખકો તખલ્લુસ રાખે છે અને ઘણા તખલ્લુસ રાખીને કવિ-લેખકમાં ખપવા મથે છે. એ સિવાય, પત્રકારત્વમાં ઘણી વાર ઉપનામ કે તખલ્લુસ નહીં, એવાં બીજાં નામ વાપરવાનાં થાય છે. એક જ પ્રકાશનમાં એકથી વધારે લેખ લખવાના થાય ત્યારે એક જ નામનું પુનરાવર્તન ટાળવા માટે બીજાં નામ વાપરવાનાં થાય. એવાં નામ મેં પણ વાપર્યાં છે. છતાં, તેને ઉપનામ ન કહી શકાય.

બાકી, ઉપનામ પાડવામાં ઉત્સાહી એવા એક વડીલ સાથે કામ કરતી વખતે એ કળાનો પ્રત્યક્ષ પરિચય મળ્યો હતો. ચશ્મા પહેરતા એક કમ્પ્યુટર ઓપરેટરનું ઉપનામ તેમણે લોઇડ પાડ્યું હતું-- વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમના ચશ્માધારી, પ્રતાપી કેપ્ટન ક્લાઇવ લોઇડ પરથી. એ નામ એટલું સ્વીકાર્ય બન્યું કે એ ભાઈ પછી તેમનાં મિત્રો-સ્નેહીઓમાં પણ લોઇડ તરીકે ઓળખાવા લાગ્યા અને તેમણે પણ એ પ્રેમથી સ્વીકારી લીધું હતું. એવી જ રીતે, અન્ય એક વ્યક્તિની મોટેથી ઓડકાર ખાવાની લાક્ષણિકતાને કારણે તેમનું નામ ડકારસિંઘ પાડ્યું હતું. જોકે, સ્વાભાવિક કારણોસર અત્યંત મર્યાદિત વર્તુળ પૂરતું જ રહ્યું અને ઉપનામનો દરજ્જો હાંસલ કરી શક્યું નહીં.

ઉપનામો હજુ પડે છે, પરંતુ નામો જ ઉપનામ જેવાં થઈ ગયાં હોય—એટલે કે, તેમનો કશો અર્થ હોવો જરૂરી ન ગણાય—ત્યારે ઉપનામનો મહિમા ઓસરતો જાય છે. ચિત્રવિચિત્ર નામ ધરાવનારને નમ્રતાપૂર્વક, પોતાના અજ્ઞાનના થોડા અહેસાસ સાથે તેમના નામનો અર્થ પૂછીએ ત્યારે તે પૂરા આત્મવિશ્વાસથી અને લગભગ વિજયી સ્મિતથી કહી શકે છે,આ નામ? એ તો પપ્પાએ પાડ્યું હતું. એમને બહુ ગમતું હતું. એનો મીનીંગ કશો નથી, અમારી જનરેશનમાં હવે અમે મીનીંગની ને ગ્રામરની ને એવી બધી પંચાતમાં પડતા નથી. પણ તમે જ કહો, નામ યુનિક છે કે નહીં?’